Monday, June 30, 2008

ઉમાશંકર જોશીનું નાટક અભ્યાસક્રમમાંથી રદ કરવાનું ફારસ

‘સાપના ભારા’ આ નામ છે ઉમાશંકર જોશીના નાટ્યસંગ્રહનું, પણ અત્યારે ગુજરાતની બબ્બે યુનિવર્સિટીઓને નાટ્યસંગ્રહ પોતે સાપના ભારા જેવો લાગ્યો છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી- આ બન્ને વિદ્યાસંસ્થાઓએ ઉમાશંકરના નાટ્યસંગ્રહને અભ્યાસક્રમમાંથી હદપાર કર્યો છે. કારણ? આ સંગ્રહના એક નાટક ‘ઢેડના ઢેડ ભંગી’ વિશે એક અખબારે હોબાળો કર્યો. http://timesofindia.indiatimes.com/articleshow/2933784.cms
પાટણકાંડના અનુસંધાન તરીકે થયેલા એ હોબાળાની ‘ઇમ્પેક્ટ’ તરીકે સરકારે આખા નાટ્યસંગ્રહને અભ્યાસમાંથી કાઢી નાખ્યો. બાકી, કોઇ એમ કહેતું હોય કે ‘દલિતોની લાગણી દુભાતી અટકાવવા સરકારે આ પગલું ભર્યું’ તો સૌથી પહેલો સવાલ એ થાય કે સરકારને દલિતોની લાગણીની આટલી ચિંતા ક્યારથી થવા લાગી? દલિતોને ગટરમાં ઉતરવાનો, મળસફાઇ કરવાનો અને બેકલોગની ખાલી જગ્યાઓ ન ભરાય તેનો પણ વાંધો છે. છતાં, એ મુદ્દે સરકાર મોટો શિકાર ગળી ગયા પછી સુસ્ત થઇ ગયેલા અજગરની મુદ્રામાં પેશ આવે છે. તો પછી ‘ઢેડના ઢેડ ભંગી’ને અભ્યાસવટો આપવાના મુદ્દે આટલી ચુસ્તી કેમ? અખબારી ઝુંબેશથી સસ્તામાં જાન છોડાવવા? કોઇ પણ પ્રકારના નક્કર કામ વિના ટૂંકા રસ્તે દલિતોને વહાલા દેખાવા? ગણતરી જે હોય તે, પણ નાટક રદ કરવા સાથે સંકળાયેલો ઘટનાક્રમ હજુ જેની આંખ ન ઉઘડી હોય તેના માટે બોધપ્રેરક અને બાકીના લોકોની ચિંતામાં વધારો કરનારો છે. સાહિત્યની સંસ્થાઓ અને શિક્ષણજગતના પતનનો એ વઘુ એક પુરાવો છે.
ભેદભાવના ભુક્કા કાઢતું નાટક
અત્યાર સુધી જેની વીસેક હજારથી પણ વધારે નકલો -મુખ્યત્વે અભ્યાસક્રમમાં હોવાને કારણે- વેચાઇ છે, એ નાટ્યસંગ્રહ ‘સાપના ભારા’નાં નાટકો લખવાની શરૂઆત ઉમાશંકરે વિસાપુર જેલમાં કરી હતી. એ સિલસિલામાં જૂન, ૧૯૩૩માં તેમણે ‘ઢેડના ઢેડ ભંગી’ એકાંકી લખ્યું.

નાટકના દેખીતી રીતે અપમાનજનક લાગતા શીર્ષકથી દુભાવવા તત્પર સૌએ પહેલાં એ નાટક વાંચી જવું જોઇએ. અમદાવાદની પ્રોપ્રાયટરી હાઇસ્કુલના રજતજયંતિ મહોત્સવમાં એ ભજવાયું પણ હતું. નાટક વાંચ્યા પછી પણ એવું લાગે કે ઉમાશંકરે દલિતોનું અપમાન કર્યું છે તો? વાંચનારે પોતાની સંવેદનશીલતાની તપાસ કરાવવી જોઇએ અને પોતાની સમજણ માણસની કક્ષામાં આવી જાય એ દિશામાં પ્રયાસો શરૂ કરવા જોઇએ.

પૂના કરારના નવ મહિના પછી ઉમાશંકર જોશીએ લખેલા એ નાટકમાં સનાતની હિંદુઓના સંકુચિત, ભેદભાવગ્રસ્ત માનસની વિકૃતી અને સગવડિયો ધરમ લગભગ હાસ્યાસ્પદ રીતે ચીતર્યાં છે. એટલે જ, સંગ્રહની પ્રસ્તાવનમાં રામનારાયણ વિશ્વનાથ પાઠકે આ નાટક વિશે લખ્યું છે,‘તેમાં આટલી કરૂણતા ન હોત તો તેની બેવકૂફીથી આપણને હસવું જ આવત.’ મુખ્યત્વે નાટક વાંચ્યા વિના તેનો વિરોધ કરનારા કહી શકે કે ૧૯૩૩માં ‘હરિજન’ શબ્દ પ્રચલિત બની ચૂક્યો હતો, ત્યારે ઉમાશંકરે દલિતો માટેનો વધારે અપમાનજનક શબ્દ કેમ વાપર્યો? તેનો સાદો જવાબ એટલો જ કે સનાતનીઓની માનસિકતા ઉઘાડી પાડવા માટે એ શબ્દપ્રયોગ જરૂરી હતા. એ શબ્દપ્રયોગો દ્વારા નાટકમાં આવતું સનાતની બ્રાહ્મણ ઓમકાર કે તેના ભત્રીજા વલ્લભનું પાત્ર દલિતોને હડઘૂત કરે છે, ત્યારે એમાં ઉઘાડું કોણ પડે છે? કોના દિમાગનો કીચડ દેખાઇ આવે છે? હાસ્યાસ્પદ કે ટીકાસ્પદ કોણ ઠરે છે? જવાબ છેઃ સનાતની વિચારસરણી ધરાવનારા બિનદલિતો.

નાટકનું નામ ભડકામણું લાગે, પણ ઉમાશંકર જોશીની હયાતીમાં એ વિશે ચર્ચા થઇ ચૂકી હતી. ચંદુ મહેરિયા અને નીરવ પટેલ સહિત કેટલાક દલિત સાહિત્યકારો-અભ્યાસીઓ વીસ વર્ષ પહેલાં આ નાટકના મુદ્દે ઉમાશંકર જોશીને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘એકાંકીનું કથાનક બ્રાહ્મણિયા વિચારસરણીનો પર્દાફાશ કરે છે, પણ કોણ જાણે કેમ તેનું શીર્ષક આખી વાતને આઉટ ઓફ ફોકસ કરી નાખે છે.’ જવાબમાં ઉમાશંકરે કહ્યું હતું કે ‘તમે કહો છો તેમ જ જો શીર્ષકને કારણે થતું હોય તો આપણે એને બદલી નાખીએ.’

વાત આટલી સીધીસાદી છે. ઉમાશંકર જોશીનું નાટક સાદ્યંત ભેદભાવવિરોધી છે. સમગ્ર નાટકના સૂરને ઘ્યાનમાં રાખતાં અને દલિતોના આંતરિક ભેદભાવ માટે પણ બ્રાહ્મણીયા વિચારસરણીને જવાબદાર ઠરાવવાના ઉમાશંકરના વલણને જોતાં શીર્ષક પણ અપમાનજનક લાગે એવું નથી. નાટકમાં બ્રાહ્મણ ઓમકારના મોઢે ઉમાશંકરે એક સંવાદ મુક્યો છેઃ ‘ઢેડ અને ભંગી વચ્ચેનું અંતર ઓછું થયું તો જાણજો કે ઉંચી વરણ અને ઢેડ વચ્ચેનું પણ અંતર ઘટ્યું.’

આ સંવાદ ઓમકાર કેવી રીતે ઉચ્ચારે છે? ઉમાશંકરના જ શબ્દોમાં કહીએ તો, ‘સ્મૃતિવચન ઉચ્ચારતા હોય તેમ’! આવા ઘણા ચાબખા ધરાવતું નાટક દલિત સાહિત્યની ટોચની કૃતિઓમાં સ્થાન ધરાવે છે. (દલિત સાહિત્ય એટલે ‘દલિતો દ્વારા લખાતું સાહિત્ય’ નહીં, પણ ‘દલિત સમસ્યા અને દલિત ચળવળ વિશેનું સાહિત્ય’) છતાં, વાંધો ફક્ત શીર્ષકનો હોય તો તેને બદલી શકાય. પણ એ તો વીસ વર્ષ પહેલાંની વાત હતી. હવ વાંધો ફક્ત શીર્ષકનો નથી. તેમાં દલિતો માટે પ્રયોજાયેલા અપમાનજનક શબ્દોથી સમસ્યા સર્જાય છે, એવું નાટક કાઢી નાખનારા લોકોને લાગે છે.

ઉમાશંકર અને ગિજુભાઇઃ સામગ્રીનો તફાવત
થોડાં વર્ષ પહેલાં ‘મૂછાળી મા’ તરીકે ઓળખાતા ગિજુભાઇ બધેકાની બાળવાર્તાઓમાં દલિતો માટે આવતા અપમાનજનક શબ્દો વિશે વિવાદ થયો હતો. એ વખતે ગિજુભાઇની પ્રતિષ્ઠાની રૂએ તેમની વાર્તાઓને ટીકાથી પર ગણીને ઘણાએ આખા વિવાદને સંકુચિત માનસની પેદાશ જેવો ગણાવ્યો હતો. એવું માનનારા સૌ સાવ સાદી વાત સમજવાને બદલે વિવાદના રાજકારણમાં ઢસડાઇ ગયા અથવા આત્યંતિક પ્રતિભાવનો જવાબ વળતી આત્યંતિકતાથી આપીને ઊભા રહી ગયા.

ગિજુભાઇની બાળવાર્તાઓમાં આવતા ભેદભાવજનક ઉલ્લેખો વિશે મુખ્ય સવાલ એ હતો કે સિત્તેર-એંસી વર્ષ પહેલાં લખાયેલી બાળવાર્તાઓમાંથી કેટલીક વાર્તાઓમાં ભેદભાવનું સીઘું ચિત્રણ આવતું હોય, તો બાળકો માટે તૈયાર થતાં નવાં સંપાદનોમાં એ વાર્તાઓ શા માટે રાખવી જોઇએ? તત્કાલીન સામાજિક પરિસ્થિતિના અભ્યાસ માટે જેને એ વાર્તાઓમાં રસ હોય, તેમના માટે પુસ્તકાલયોમાં જૂની આવૃત્તિઓ ઉપલબ્ધ છે જ. એ સંજોગોમાં, ઐતિહાસિક મહત્ત્વનું કારણ આગળ ધરીને કુમળું માનસ ધરાવતાં નવી પેઢીનાં બાળકોના માથે એ વાર્તાઓ શા માટે મારવી જોઇએ? એનો અર્થ એવો પણ નહીં કે ભેદભાવગ્રસ્ત ઉલ્લેખો ધરાવતી ગિજુભાઇની ગણીગાંઠી વાર્તાઓ ઉમાશંકરના નાટકની જેમ મોટી ઊંમરના વિદ્યાર્થીઓને ભણાવી શકાય એમ હતી. ઉમાશંકરના નાટકમાં દલિતો માટે વપરાતા શબ્દોનો જ વાંધો હતો. આખા નાટકનો સૂર સંપૂર્ણપણે ભેદભાવવિરોધી હતો. જ્યારે ગિજુભાઇની વાંધાજનક વાર્તાઓમાં મુખ્ય સવાલ વાર્તાના કેન્દ્રીય સૂર અંગેનો હતો, જે ભેદભાવની તરફેણ કરનારો હતો.
અઘ્યાપકજગત અને સાહિત્યસંસ્થાઓનું મીંઢું મૌન
ઉમાશંકરનો આખેઆખો નાટ્યસંગ્રહ અભ્યાસક્રમમાંથી નીકળી ગયો, છતાં ઉમાશંકરના ઝંડા લઇને ફરનારા સાહિત્યકારો કે સાહિત્ય પરિષદ-અકાદમી જેવી સંસ્થાઓ તરફથી વિરોધનો હરફ પણ સાંભળવા મળ્યો નથી. આંતરિક રાજકારણ, અકર્મણ્યતા, ખટપટ, સરકારી અભિગમ, આર્થિક અભાવનાં રોદણાં અને વહીવટી અપારદર્શકતાનો લાંબો ઇતિહાસ ધરાવતી સાહિત્ય પરિષદ પાસેથી સામાન્ય સંજોગોમાં કોઇ અપેક્ષા હોતી નથી. પરંતુ તેના પ્રમુખપદે નારાયણ દેસાઇ જેવા ગાંધીજન બેઠા હોય ત્યારે ઉમાશંકરના નાટકના મુદ્દે તે પરિષદ વતી સત્તાવાર રીતે કંઇક કહે, એવી આશા પણ હજુ સુધી ફળી નથી.
પ્રજાકીય કહેવાતી સંસ્થાની આ અવદશા હોય તો અસ્મિતાનાં બણગાં ફૂંકતી સરકારની મૃતઃપ્રાય અકાદમી પાસેથી શી અપેક્ષા રાખવી? અઘ્યાપક આલમ બિચારી ‘અઘ્યાપક’ જેવા માનભર્યા વિશેષણ માટેની લાયકાત ક્યારની ખોઇ બેઠી છે. ગણ્યાગાંઠ્યા અપવાદ બાદ કરતાં, ઉમાશંકર સાથે કે કૃતિઓના સામાજિક સંદર્ભ સાથે અઘ્યાપકોને શી લેવાદેવા? એમને પોતાનાં ‘સેટિંગ’ ગોઠવવામાંથી કે ઉપરીઓને ખુશ રાખવામાંથી સમય મળે ત્યારે ને!

એક દલીલ એવી પણ છે કે ‘વર્ગખંડમાં યોગ્ય સંવેદનશીલતાથી આ નાટક ભણાવવામાં ન આવે, તો દલિત વિદ્યાર્થીઓ માટે મૂંઝવણભરી સ્થિતિ સર્જાઇ શકે.’ તેમાં દલીલમાં તથ્ય છે, પણ એવું ન થાય એ માટે સડેલું દિમાગ ધરાવતા અઘ્યાપકોને, જરૂર પડ્યે શિક્ષાના દંડા મારીને સુધારવાના કે ઉમાશંકર જેવાની અદ્ભૂત કૃતિનો ભોગ લઇ લેવાનો? રતિલાલ બોરીસાગર જેવા ઘણા અઘ્યાપકો હશે, જેમણે જરાય સંકોચ વિના આ કૃતિ વર્ગખંડમાં ભણાવી હોય અને વિદ્યાર્થીઓ ભેદભાવ પ્રત્યે સંવેદનશીલ બને એવા પ્રયાસ કર્યા હોય. કેટલાક દલિત અઘ્યાપકો પણ વર્ગમાં આ કૃતિ ભણાવતાં સંકોચ અનુભવે છે. પરંતુ ઉમાશંકરના નાટક વિશે એટલું ખાતરીપૂર્વક કહી શકાય કે ભણાવનાર સજ્જ હોય તો તેમાં એકેએક ચાબખા એવા છે કે બ્રાહ્મણીયા માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓને પોતાની માનસિકતા વિશે શરમ આવે. બાકી, ‘આ કૃતિથી જૂના ભેદભાવ તાજા થશે’ એવી દલીલ સાવ પાયાવિહોણી અને ભાગેડુવૃત્તિથી ગ્રસ્ત છે.

કરૂણતા એ વાતની છે કે ઉમાશંકરે નાટક લખ્યાનાં ૭૫ વર્ષ પછી પણ ‘સ્વર્ણિમ ગુજરાત’નાં ઘણાં ગામોમાં બિનદલિતોના કૂવા કે તળાવમાંથી દલિતો પાણી ભરી શકતા નથી. નાટકમાં જણાવ્યા છે તેવા જુદા ‘બ્રાહ્મણવાડા’ હવે નહીં રહ્યા હોય, પણ જુદા દલિત મહોલ્લા ગુજરાતની- ભારતભરની વાસ્તવિકતા છે. એ સ્થિતિમાં ઉમાશંકરના નાટકની ધાર જરાય બુઠ્ઠી કે કટાયેલી લાગતી નથી. એ બન્ને વિશેષણો નાટકને અભ્યાસક્રમમાંથી બહાર કાઢનારા અને એ મુદ્દે મૌન સેવનારા લોકોની વિવેકબુદ્ધિને લાગુ પડે છે.

નોંધ 1 આ લેખમાં આવતા દલિતો વિશેના અપમાનજનક શબ્દો ફક્ત ઐતિહાસિક સંદર્ભ સ્પષ્ટ કરવા માટે અને મૂળ કૃતિના હાર્દને રજૂ કરવા માટે યથાતથ રાખવામાં આવ્યા છે. એ બદલ લાગણીને દુભાવા દેવાની તસ્દી આપવી નહીં.)
2 આવા કેટલાક લેખ છપાયા પછી સાહિત્ય પરિષદે કૃતિ રદ કરવાના વિરોધમાં ઠરાવ કર્યો અને ‘૩૦ જૂન સુધીમાં કૃતિ પાછી નહીં લેવાય તો આગળ પગલાં લઇશું’ એવી ચીમકી આપી. એ મુદત આજે પૂરી થઇ છે. દરમિયાન, ગુજરાત યુનિવર્સિટીના ૨૦૦૮ના અભ્યાસક્રમમાં આ કૃતિનો સમાવેશ કરવાનો નિર્ણય યથાવત્ રહ્યો છે.

Saturday, June 28, 2008

હિંદી ફિલ્મોમાં સંગીતનાં નવાં ધોરણ સ્થાપનાર ગુજરાતી સંગીતકારઃ વનરાજ ભાટિયા‘તમસ’ ટીવી સિરીયલ યાદ છે? ગોવિંદ નિહલાનીએ નિર્દેશીત કરેલી આ સિરીયલ ન જોઇ હોય તો, કમ સે કમ તેનું ટાઇટલ મ્યુઝિક (ક્યાંયથી ન મળે તો ‘યુટ્યુબ’ પરથી) સાંભળી લેવું. ‘ઓ રબ્બા....’ના સંગીતમય આર્તનાદથી ‘તમસ’ના ટાઇટલ શરૂ થાય અને બીજા એક પણ શબ્દ વિના ફક્ત સંગીતની મદદથી, ભાગલા વખતના માનસિક ત્રાસની અનુભૂતિ મનને ઘેરી વળશે. ‘ભારત એક ખોજ’ સિરીયલના આરંભ અને અંતે આવતા વેદગાન જેવા સંગીત અને શબ્દો ગમે ત્યારે સાંભળવાથી પ્રાચીનતાનો અને જ્ઞાનની ખોજનો માહોલ સર્જાઇ જાય છે. તેનાથી બીજા છેડે આવે ‘મંથન’ ફિલ્મનું પ્રીતિ સાગરે ગાયેલું મસ્તીભર્યું ગીત ‘મારો ગામ કાંઠા પારે, જ્યાં દૂધકી નદીયાં વાહે...’ http://www.youtube.com/watch?v=KdR_Yq7xdlE?v=KdR_Yq7xdlE
ગુજરાતીની ભારે છાંટ ધરાવતા આ હિંદી ગીતમાં ગુજરાતી લહેકા અને માટીની મહેકને કારણે, ફિલ્મમાં તે એક પણ વાર આખું વાગતું નથી. છતાં, દર્શકોના કે શ્રોતાઓના મનમાં એ ગીતની અસર લાંબો સમય ટકી રહે છે. આવી વૈવિઘ્યપૂર્ણ સ્વરસૃષ્ટિના સર્જક છે વનરાજ ભાટિયા.

‘આર્ટ ફિલ્મો’ જેવા સગવડીયા લેબલથી ઓળખાતી સમાંતર ધારાની ફિલ્મો સાથે વનરાજ ભાટિયાનું નામ અભિન્નપણે સંકળાયેલું છે. શ્યામ બેનેગલની પહેલી ફિલ્મ ‘અંકુર’ થી છેક ‘સરદારી બેગમ’ સુધી દરેકે દરેક ફિલ્મમાં સંગીતકાર તરીકે વનરાજ ભાટિયાનું નામ વાંચવા મળે. સિત્તેર-એંસીના દાયકામાં કુંદન શાહનું ‘જાને ભી દો યારોં’ હોય કે વિઘુ વિનોદ ચોપરાનું ‘ખામોશ’, અપર્ણા સેનનું ‘૩૬ ચૌ૨ગી લેન’ હોય કે વિજયા મહેતાનું ‘પેસ્તનજી’, પ્રકાશ ઝાનું ‘હિપ હિપ હુર્રૈ’ હોય કે સઇદ મીર્ઝાનું ‘મોહન જોશી હાઝિર હો’- અર્થપૂર્ણ ફિલ્મોનું સંગીત એટલે વનરાજ ભાટિયા, એવું સમીકરણ ચાહકોના મનમાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ સ્થાપિત થયેલું છે.


પરંતુ વનરાજ ભાટિયાને મળ્યા પછી લાગે કે તેમને આવું કોઇ લેબલ ખપતું નથી. ઊલટું, ‘એનએફડીસીવાળા’ ડીરેક્ટરો સામે હળવી નારાજગી પ્રગટ કરતાં ભાટિયા કહે છે,‘એ લોકોને આખું ગીત પિક્ચરાઇઝ કરતાં ફાવતું જ નથી. વઘુમાં વઘુ એકાદ અંતરો પિક્ચરાઇઝ કરી શકે. બાકીનું ગીત કટ.’ વિદેશી ફિલ્મ નિર્દેશકોની અસર તળે ભારતના સમાંતર સિનેમાના ફિલ્મ નિર્દેશકોએ ‘ફિલ્મમાં ગીતની શી જરૂર?’ એવું વલણ રાખ્યું. એટલે વનરાજ ભાટિયાએ દિલથી બનાવેલાં કંઇક ગીતો ટુકડા સ્વરૂપે વેરવિખેર થઇને ફિલ્મોમાં મુકાયાં. ‘સાવન કે દિન આયે સજનવા આન મિલો’ જેવા મઘુર ગીતોના અંતરા કપાઇ ગયાની વાત કરતી વખતે, ૮૧ વર્ષના વનરાજ ભાટિયાના ટી શર્ટની લાલાશ તેમના ચહેરા પર પથરાઇ જાય છે- ‘અને હવે બધા કેવા ડાહ્યાડમરા થઇને ફિલ્મોમાં ગીતો નાખે છે!’ એવા ઉદગાર પણ એ જ ગરમી સાથે નીકળી આવે છે.

ઉંચાં પહોળાં કદકાઠી, ‘આઇ ડોન્ટ કેર’નો મિજાજ છતો કરતી બોલવાની છટા, ક્યાંક પારસીશાઇ લાગે એવા ગુજરાતીમાં વનરાજ ભાટિયા ઉમળકાથી વાતો કરી રહ્યા હતા. આજુબાજુ શ્યામ બેનેગલની જ નહીં, સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં ખપમાં લઇ શકાય એવો માહોલ હતો. રૂંગટા હાઉસ, ૬૮ એલ, જગમોહનદાસ માર્ગ, મુંબઇ-૬ના સરનામે આવેલા તેમના ઘરનું દીવાનખાનું એટલે એન્ટિક ફર્નિચર-ઝુમ્મર-લેમ્પનું સંગ્રહસ્થાન. સીસમના નકશીદાર કબાટમાં ગોઠવેલાં ડેક-એમ્પ્લીફાયર. તેની પર ઓડિયો કેસેટમાં વનરાજ ભાટિયાએ એક ગીત ચડાવ્યું.

લતા મંગેશકરના અવાજમાં શૃંગારિક શબ્દો ધરાવતું એ ગીત કુમાર સાહનીની ફિલ્મ ‘તરંગ’નું હતું. ગીત પૂરૂં થાય ત્યારે નાયિકા આપઘાત કરે એવી સિચ્યુએશનને લીધે, ગીત અત્યંત મઘુર હોવા છતાં તેની ઘૂન સ્તબ્ધ કરી નાખે એવી હતી. કાચો ગાયક તેને ન્યાય જ ન આપી શકે, પણ વનરાજ ભાટિયાએ કહ્યું, ‘લતા મંગેશકર આવ્યાં. મને ક્હ્યું, ગીત શું છે? ગાઇ સંભળાવો. મેં કહ્યું, હું સારૂં ગાતો નથી. એમણે કહ્યું, વાંધો નહીં. મને ઘૂન સમજાવવા પૂરતું ગાઇ સંભળાવો. મેં એક વાર, બે વાર, ત્રણ વાર ઘૂન ગાઇ સંભળાવી. પછી તેમણે એક રીહર્સલ કર્યું અને ત્યાર પછી એક જ ટેકમાં રેકોર્ડિંગ ફાઇનલ! ’

પણ આટલું મઘુર ગીત માર્કેટમાં આવ્યું જ નહીં, એવું વનરાજ ભાટિયા પાસેથી સાંભળ્યા પછી જરા જુદી રીતે સ્તબ્ધ થઇ જવાય છે. વનરાજ ભાટિયાએ પ્રીતિ સાગર જેવાં નવોદિતથી માંડીને લતા-આશા જેવાં સિનિયર કલાકારો પાસે ગવડાવ્યું છે. શશિ કપુર નિર્મિત અને શ્યામ બેનેગલનું દિગ્દર્શન ધરાવતી ફિલ્મ ‘જૂનુન’માં આશા ભોસલેએ ગાયેલું ‘સાવન કી આઇ બહાર’ સાંભળનારને ડોલાવી દે એવું છે, પણ આશા ભોસલે ઇચ્છતાં હતાં કે એ ગીત તેમનાં દીકરી વર્ષાને ગાવા મળે. આશાની દીકરીના અવાજ અંગે વનરાજ ભાટિયાને ખાસ આશા ન હતી. પણ ‘આશાબાઇએ આગ્રહ ચાલુ રાખ્યો. મારે ઘેર આવ્યાં. કહે, આપણે બે ભેગાં થઇને તેને શીખવાડીએ. ન કેમ આવડે! દીકરીને શીખવડાવા માટે આશાબાઇએ એટલું સરસ ગાયું કે એ સાંભળીને મેં નક્કી કરી લીઘું આ ગીત આશાબાઇ જ ગાશે.’

ભોસલેએ દીકરી પાસે ગીત ગવડાવવાની જીદ ન છોડી. મામલો સ્ટુડિયો સુધી પહોંચ્યો. દીકરીના અવાજમાં ચાળીસેક રીટેક થયા, પણ ગીતનું ઠેકાણું પડતું ન હતું. છેવટે, વનરાજ ભાટિયાના આગ્રહથી શશિ કપુરે આશા ભોસલેને તેમના પરદેશમાં યોજાનારા સ્ટેજ શોમાં મદદરૂપ થઇને બદલામાં તેમની પાસેથી આ ગીત ગાવા મનાવી લીધાં.

બે કલાકની ફિલ્મની સરખામણીમાં એક-એક કલાકનો એક એવા એકાવન હપ્તા ધરાવતી સિરીયલ ‘ભારત એક ખોજ’ નિર્દેશક શ્યામ બેનેગલ માટે જ નહીં, સંગીતકાર વનરાજ ભાટિયા માટે પણ પડકારરૂપ હતી. દરેક વખતે સમયગાળો બદલાઇ જાય, પાત્રો બદલાઇ જાય, વાતાવરણ અને પ્રાંત બદલાઇ જાય. શ્યામ બેનેગલ અધિકૃતતામાં કોઇ સમાધાન કરે નહીં. જરાય ૧૯-૨૦ ચલાવે નહીં. વનરાજ ભાટિયાને એવું આપવાનું ફાવે નહીં. તેમના જણાવ્યા પ્રમાણે, આ સીરીયલ પહેલાં દૂરદર્શને પાસ કરી ન હતી, પછી ઓચિંતી હા પાડી દીધી. એટલે સિરીયલ બનાવવા માટે બહુ ઓછો સમય રહ્યો. ‘આ સિરીયલ માટે તમે કેટલાં વર્ષ રીસર્ચ કર્યું હતું?’ એવા સહજ સવાલના જવાબમાં ભાટિયાએ ખડખડાટ હસીને કહ્યું,‘કેટલાં વર્ષ? અરે એટલો સમય જ ક્યાં હતો? એક અઠવાડિયામાં એક એપિસોડનું મ્યુઝિક કરવાનું હોય. એક તરફ શ્યામ શૂટિંગ કરતો જાય અને શૂટ થયેલી ફિલ્મ મને મોકલી આપે. એ જોઇને બે દિવસમાં બેકગ્રાઉન્ડ અને બે-ત્રણ દિવસમાં ગીતોનું રેકોર્ડંિગ કરી દેવાનું. એ હપ્તો તૈયાર થઇ જાય એટલે બીજા અઠવાડિયે દૂરદર્શન પર ટેલીકાસ્ટ થઇ જાય.’

આટલી ઉતાવળ હોવા છતાં, વનરાજ ભાટિયાની સંગીતપ્રતિભાને કારણે ‘ભારત એક ખોજ’નું સંગીત એટલું યાદગાર બન્યું કે આટલાં વર્ષ પછી હવે તેમાંથી ચુનંદા સંગીતની ચાર સીડી તૈયાર થઇ રહી છે. કોઇ પણ ગીત કે સંગીતના સર્જન માટે પિયાનોનો ઉપયોગ કરતા વનરાજ ભાટિયા ભાંગવાડી જૂની રંગભૂમિનાં નાટ્યસંગીતની સાથોસાથ પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના જ્ઞાનથી સમૃદ્ધ છે. તેમની એ સમૃદ્ધિને કારણે છેલ્લાં ૭૫ વર્ષમાં હિંદી ફિલ્મોના મહાન સંગીતકારોની યાદીમાં વનરાજ ભાટિયાનું નામ લેવું અનિવાર્ય બની જાય છે. તેમણે ત્રીસેક હિંદી ફિલ્મો ઉપરાંત એક ગુજરાતી ફિલ્મ (‘એક ડાળ મીઠી’), એક કચ્છી ફિલ્મ, આઠેક ટીવી શ્રેણી અને જાહેરખબરનાં લગભગ છ હજાર જિંગલમાં સંગીત આપ્યું છે.

31 મે, ૧૯૨૭ના રોજ જન્મેલા વનરાજ ભાટિયાને ગયા અઠવાડિયે ૮૧ વર્ષ પૂરાં થયાં. તેમની તંદુરસ્તી અને સાબૂતદિમાગી જોતાં હજુ વનરાજ ભાટિયા પાસેથી સંગીતપ્રેમીઓને ઘણું મળી શકે એમ છે, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મ્યુઝિક કમ્પોઝરને બદલે મ્યુઝિક એડીટર (કાપકૂપીયા કમ્પ્યુટરબાજો)ની બોલબાલા હોય ત્યાં વનરાજના ભાગે વનવાસ આવે તેની નવાઇ લાગતી નથી. નિજાનંદમાં મસ્ત વનરાજને તેનો કશો વસવસો પણ નથી. આ નુકસાન વનરાજ ભાટિયાનું નહીં, પણ સંગીતપ્રેમીઓનું છે.

Wednesday, June 25, 2008

રાજકીય અંધકારમાં ટમટમતી જ્યોતઃ પશ્ચિમ બંગાળના ગુજરાતી રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધી


(ફ્લેશબેક, વર્ષ ૧૯૪૭)
રાતે ગોપુ આવ્યો હતો તેની સાથે થોડીક મિનિટ બાપુજી રમ્યા. મેં કાકીને કહ્યું કે, ગોપુને રોજ અહીં લાવવો અથવા મોકલવો. બાપુજી દસ જ મિનિટ તેની સાથે ગાળે છે અને ૧૦ કલાકના થાકની તાજગી મેળવે છે. (૧૯-૬-૪૭)
ગોપુ પણ થોડી વાર બાપુજી સાથે રમી ગયો. બાપુજી મૌનમાં ગોપુ સાથે ઇશારાથી વાતો કરતા હતા, તો ગોપુ પણ બાપુજીના ચાળા પાડી ઇશારાથી વાતો કરવા લાગ્યો. અને છેવટે ભાષણની નકલ કરતાં એકદમ જોરથી બોલી ઉઠ્યોઃ ‘ભાઇઓ ઔર બહેનો, આપ શાંત હો જાઇયે.’...સહુ ખડખડાટ હસી પડ્યાં. (૮-૬-૪૭)

આજે તો ગોપુ અને બાપુ બંને જણા સાતતાળી રમ્યા. ૩ વર્ષનો ગોપુ અને ૭૫ વર્ષના બાપુ. (૨૨-૬-૪૭)

દેવદાસકાકા, લક્ષ્મીકાકી, તારા વગેરે આવ્યાં. ગોપુ પણ હતો જ. બાપુજી પાંચ સાત મિનિટ તેની સાથે રમ્યા. સફરજન સહેજ કડક હતું એટલે બાપુજીએ ચાવવા માટે દાંતનું ચોકઠું પહેર્યું. ગોપુને આ જોઇને ખૂબ નવાઇ લાગી. બાપુજીએ તેને કહ્યું‘દેખો, તુમ અપના દાંત નિકાલો.’ બિચારો ગોપુ પોતાના દાંત ખેંચવા માટે તાણવા લાગ્યો. પણ ૩ વર્ષના ગોપુના મજબૂત દાંત શાના હલે પણ? અને આ પાંચ મિનિટમાં બાપુજીએ તો બે ત્રણ વખત દાંત કાઢ્યા અને પહેર્યા. અમે સહુ ખૂબ હસતાં હતાં, પણ ગોપુ એટલો જ ગંભીર હતો કે દાદાજીના દાંત નીકળે અને મારા કેમ નહીં? (૨૮-૫-૪૭)
(મનુબહેન ગાંધી લિખિત પુસ્તક ‘બિહાર પછી દિલ્હી’માંથી )
***
(ફાસ્ટ ફોરવર્ડ, વર્ષ ૨૦૦૮)
ગાંધીજીના પૌત્ર ‘ગોપુ’ ઉર્ફે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીના ‘દાંત’ હજુ ઉખડ્યા કે હાલ્યા નથી! કમ સે કમ, પશ્ચિમ બંગાળના ડાબેરીઓને એવું લાગે છે. રાજ્યપાલ તરીકે ગોપાલકૃષ્ણની ધારનો વઘુ એક અનુભવ તેમને થયો. કલકત્તા અને બંગાળમાં વીજઅછતની સ્થિતિ છે. તેના કારણે અગવડ વેઠતી પ્રજા પ્રત્યે સમાનુભૂતિ વ્યક્ત કરવા રાજ્યપાલ મહોદયે ૭ મેના દિવસે બે કલાક માટે આલિશાન રાજ્યપાલભવનની બત્તીઓ બંધ રખાવી. બપોરે અને સાંજે એક-એક કલાક સંપૂર્ણ અંધારપટ. http://www.thehindu.com/2008/05/08/stories/2008050855391200.htm
તેમની આ ચેષ્ટામાં પ્રજા પ્રત્યેની લાગણી કરતાં સરકારની ટીકા જોનારા સત્તાધારી સામ્યવાદીઓને મરચાં લાગ્યાં. ચોમેરથી સામ્યવાદી નેતાઓ રાજ્યપાલ પર શાબ્દિક રીતે તૂટી પડ્યા. પ્રજાની બહુ પરવા હોય તો ગોપાલકૃષ્ણ ગાંધીએ બીજું શું શું કરવું જોઇએ, તેની એમણે લાંબી યાદી પણ આપી. સામે પક્ષે ગોપાલકૃષ્ણ ગાંધી શાંત અને મૌન રહ્યા. ટીકાની ઝડીના જવાબમાં તેમને કશું જ કહેવાનું ન હતું. જે કહેવા જેવું લાગ્યું, એ એમણે રાજભવનની બત્તીઓ બે કલાક માટે બુઝાવીને કહી દીઘું હતું. અગાઉ નંદીગ્રામમાં સરકારની મીઠી નજર તળે હિંસા થઇ, ત્યારે ગોપાલકૃષ્ણ ગાંધીએ ખોંખારીને એ હિંસાનો વિરોધ કરીને ડાબેરીઓની નારાજગી વહોરી લીધી હતી.
સામાન્ય રીતે સત્તાની વાસના કે લાલસા બાકી હોય એવા ઊંમરલાયક નેતાઓને, તેમની જિંદગીના પાછળના દિવસો સુખેથી પસાર થાય એ માટે અથવા એ બીજે ક્યાંય નડે નહીં એ માટે રાજ્યપાલપદું અપાતું હોય છે. એટલે જ, રાજ્યપાલો પ્રજાહિતના મુદ્દે રાજ્ય સરકારની ટીકા કરતું વલણ ભાગ્યે જ અપનાવે છે. કેન્દ્રમાં એક પક્ષની સરકાર હોય અને રાજ્યમાં બીજા પક્ષની ત્યારે, રાજકીય વિરોધ છતાં રાજ્યપાલો અને મુખ્ય મંત્રીઓ વચ્ચે આર્થિક સમજૂતી થઇ હોય, એવી અફવાઓ પણ સાંભળવા મળે છે. બીજું જે હોય તે, પણ રાજ્યપાલો રાજકીય ગણતરી વિના, પ્રજાકીય પ્રશ્નો અંગે સરકારની સામે પડવા માટે જાણીતા નથી. એ પરંપરામાં ગોપાલકૃષ્ણ ગાંધી મોટો અને સુખદ અપવાદ છે.
ગુજરાતના દુષ્કાળ વખતે મજૂરીનો જાત-અનુભવ
ગોપાલકૃષ્ણ ગાંધીની આ જ પદ્ધતિ છે. હો હા કે દેખાડાબાજી વગર કે દાદાના નામે ચરી ખાધા વિના, પોતાનું કામ કરતા રહેવું. એટલે જ, આઠ વર્ષ પહેલાં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે ગુજરાતની મુલાકાત લેવાનું વિચાર્યું. એ વખતે તેમનો સત્તાવાર હોદ્દો રાષ્ટ્રપતિના સચિવનો હતો. ધાર્યું હોત તો બત્તીવાળું લાવલશ્કર લઇને ધામઘૂમથી દુષ્કાળ અને રાહતકાર્યો જોવા આવી શક્યા હોત. એને બદલે તેમણે ગુજરાતમાં ચુનીભાઇ વૈદ્યનો સંપર્ક કર્યો અને પોતાની ઓળખ છુપાવીને રાહતકામ માટે થોડા દિવસ આવવાની ઇચ્છા વ્યક્ત કરી. ચુનીકાકાએ ગોપાલકૃષ્ણનો હવાલો બનાસકાંઠામાં કાર્યરત સર્વોદયી અગ્રણી હસમુખ પટેલને આપ્યો. ત્યાર પછીની વાત હસમુખ પટેલના મોઢે સાંભળાતાં બહુ જૂના જમાનાની કોઇ વાર્તા સાંભળતા હોઇએ એવું લાગે.
‘મે, ૨૦૦૦ના બળબળતા દિવસે ગોપાલકૃષ્ણ ગાંધીને લેવા હું આબુ રોડ સ્ટેશને ગયો હતો. ત્યાંથી, દર દસ કિલોમીટરે જેના રેડિયેટરમાં પાણી ભરવું પડે એવી મારી ઠાઠીયા જીપમાં હું તેમને લગભગ ૧૮૦ કિ.મી. દૂર, પાકિસ્તાન સરહદે આવેલા છેવાડાના ગામ કુંડાળીયા લઇ ગયો. એ ગામમાં અમારી સંસ્થાનું કામ ચાલતું હતું. ગામલોકો ઓળખતા હતા. એમને મેં કહ્યું કે ‘આ અમારા મિત્ર છે. અહીં રહીને કામનો અનુભવ લેવા માગે છે.’ ફક્ત સરપંચને મેં બાજુ પર બોલાવીને કહ્યું કે ‘આ બહુ મોટા માણસ છે. કોણ છે, એ પછી કહીશ. આટલું પણ એટલા માટે કહું છું કે એ માંદા-સાજા થાય તો બરાબર ઘ્યાન રાખજો.’
હસમુખ પટેલ વાતચીત કરતા હતા, એ દરમિયાન ગોપાલકૃષ્ણ ગાંધીએ વરખડાના એક ઝાડ નીચે ખાટલો પાથરી દીધો. બસ, એ જ તેમનો ઉતારો. ત્યાર પછીના ત્રણ-ચાર દિવસ એ કોઇના ઘરે ન રહ્યા. ઝાડ નીચે પાથરેલો ખાટલો જ તેમનું નિવાસસ્થાન બન્યો. એ વિસ્તારમાં ચોકડીઓ ખોદવાનું રાહતકામ ચાલતું હતું. એટલે ગોપાલકૃષ્ણ ગાંધી પણ રોજ સવારે માથે ફાળીયું અને ખભે ત્રિકમ નાખીને બહેનો સાથે ચોકડીઓ ખોદવા જાય. આખો દિવસ મહેનત કરે. સાંજે પાછા આવ્યા પછી હસમુખ પટેલના મિત્ર તરીકે ગામમાંથી કે આજુબાજુના વિસ્તારોમાંથી ચા-પાણીનાં આમંત્રણ મળતાં હોય. ગુજરાતી બોલી-વાંચી શકતા ગાંધી આજુબાજુનાં ગામોમાં ફરે, લોકો સાથે વાતચીત કરે અને સ્થિતિનો તાગ મેળવે.
ત્રણ-ચાર દિવસ સુધી આ રીતે કામ કર્યા પછી તેમણે વરખડાના ઝાડ તળેનો પોતાનો નિવાસ સંકેલ્યો, મજૂરી કરીને મેળવેલી કમાણી સાથે કામ કરનારાં બહેનોને આપી દીધી અને અમદાવાદ આવ્યા. રાહતકામ વિશે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો અને અમદાવાદમાં થોડા લોકોને મળ્યા પણ હતા. એ બનાવ પછી, ગયા વર્ષે હસમુખ પટેલ કુંડાળીયા ગામે ગયા, ત્યારે તેમને અનોખું દ્રશ્ય જોવા મળ્યું. ગામના એક ઘરમાં પૂજાના કબાટમાં તસવીરો સમક્ષ અગરબત્તી થઇ રહી હતી. તેમાં બીજી તસવીરોની વચ્ચે અલગ તરી આવતી એક તસવીર પર તેમની નજર પડી અને ચોંટી ગઇ. એ તસવીર માથે ફાળીયું બાંધેલા ગોપાલકૃષ્ણ ગાંધીની હતી.
સાહિત્ય, સિવિલ સર્વિસ અને રાજકારણનો સમન્વય
પિતૃપક્ષે ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધી અને માતૃપક્ષે સી.રાજગોપાલાચારીનાં દીકરી લક્ષ્મી- તેમનું સંતાન એવા ગોપાલકૃષ્ણ ગાંધી આરંભથી જ પોતાના મહાન દાદાઓનું નામ વટાવવાથી અળગા રહ્યા છે. સી.રાજગોપાલાચારીના સૂચનથી તેમણે સિવિલ સર્વિસમાં જવાનું વિચાર્યું અને ૧૯૬૮માં તામિલનાડુ કેડરના આઇ.એ.એસ. થયા. સનદી સેવાઓમાંથી ૧૯૯૨માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી તેમની રાજદ્વારી કારકિર્દીનો પ્રારંભ થયો. લંડનના નેહરૂ સેન્ટરના ડાયરેક્ટર અને દક્ષિણ આફ્રિકા તથા શ્રીલંકા જેવા દેશોમાં ભારતના હાઇ કમિશનર તરીકે તેમણે ફરજ બજાવી. નોર્વેમાં તે ભારતના એલચી તરીકે પણ જઇ આવ્યા. ત્યાર પછી બબ્બે રાષ્ટ્રપતિઓ- વેંકટરામન અને કે.આર.નારાયણન્ના તે સચિવ બન્યા. કારકિર્દીની આ સફર દરમિયાન, અંગ્રેજી સાથે એમ.એ. થયેલા ગાંધીની શબ્દ સાથેની સંગત ખોરવાઇ ન હતી. વિક્રમ શેઠની પ્રખ્યાત નવલકથા ‘એ સુટેબલ બોય’નો તેમણે હિંદીમાં અનુવાદ કર્યો, જે ૧૯૯૮માં પ્રસિદ્ધ થયો. આવા સાહિત્યપ્રેમી છતાં વાસ્તવની નક્કર ધરતી પર પગ રાખનારા, સૌમ્ય છતાં મક્કમ, સજ્જન છતાં નમાલા નહીં એવા માણસ તરીકે ગાંધી વર્તમાન રાજકારણમાં જુદા તરી આવે છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે તેમની નિમણૂંક થઇ ત્યારે તેમની ઊંમર માંડ ૫૯ વર્ષની હતી. થોડા સમય પહેલાં એક લેખમાં ગોપાલકૃષ્ણ ગાંધીએ જ્યોર્જ ઓરવેલને ટાંકીને લખ્યું હતું,‘પોતાના સુખી દાંપત્યનું જાહેર પ્રદર્શન કરતાં દંપતિ પોતાનાં (મેલાં નહીં તો) ઉજળાં લુગડાં જાહેરમાં ઘુએ છે એવું કહેવાય.’ ગોપાલકૃષ્ણ ગાંધી પણ પોતાનાં ઉજળાં લુગડાં જાહેરમાં ધોતા નથી. સાથોસાથ, બીજાની ટીકાની ફિકર કર્યા વગર કે ‘આત્માના અવાજ’ને ટાંક્યા વિના પોતાના રસ્તે મક્કમ ગતિએ આગળ ચાલી રહ્યા છે. થોડા સમય પહેલાં તેમનું નામ રાષ્ટ્રપતિપદ માટે પણ ચર્ચાતું હતું. રાજ્યપાલ તરીકે તેમનું સ્પષ્ટ અને નિષ્પક્ષ વલણ જોતાં ભવિષ્યમાં રાષ્ટ્રપિતાના આ પૌત્ર પોતાની લાયકાતથી દેશના રાષ્ટ્રપતિ બનશે, તો દેશના રાજકારણ માટે સુખદ અને આવકાર્ય યોગાનુયોગ બની રહેશે- અને તેમાં ગાંધીજીના પૌત્ર હોવાની ‘લાયકાત’નો જરાસરખો પણ હિસ્સો નહીં હોય.

Indiana Jones and Crossings Of The Doom

here is an interesting videolink I uploaded:
This is how traffic goes at many of the railway crossings in cities like Ahmedabad. Technically, these are 'manned' crossings. but the way people show their unusual courage at wrong place, it's not wild suggestion to put traffic police at closed railway crossing! It's reality. One can see police managing traffic at closed crossings many a times.
This particular video shows railway crossing near Maninagar Railway station, which is busy suburb of mega city Ahmedabad. It has a provision of underpass for 2 wheelers, but it seems, underpass lacks adventure for daring drivers.

Tuesday, June 24, 2008

વાઇબ્રન્ટ ગુજરાત- ૨૦૦૯: રસમાં મીઠું નાખવાથી રાજદ્રોહ થાય?

ગુજરાતમાં થોડા વખતથી ખાસ પ્રકારની ડબલ સીઝન ચાલે છે. એક તરફ સરકારી કર્મચારી સરકારની શીળી છાયા હેઠળ પત્રકારો પર રાજદ્રોહના આરોપ લગાડે છે, http://%20www.%20indianexpress.%20com/%20story/%20317305.html તો બીજી તરફ રાજદ્રોહના વિચારોમાં રમમાણ મુખ્ય મંત્રી જાહેરમાં વિરોધ પક્ષને કહે છે,‘તાકાત હોય તો મારી પર રાજદ્રોહનો આરોપ લગાડો.’ http://www.expressindia.com/latest-news/Book-me-for-sedition-and-hang-me-Modi-dares-Cong/323421/
આ વિધાનના ઉત્તરાર્ધ તરીકે હવે શું? એક શક્યતાઃ મુખ્ય મંત્રીએ અગાઉ પોતાના નામ સાથે થવા દીધેલી સૌરભ શાહના ‘વિચારધારા’ અઠવાડિકની જાહેરાતમાં લખાતું હતું ‘નરેન્દ્ર મોદીએ વિચારધારાનું લવાજમ ભર્યું. તમે ભર્યું?’ હવે એ જાહેરખબર નવા સ્વરૂપે કંઇક આ રીતે આવી શકેઃ ‘મુખ્ય મંત્રી પર રાજદ્રોહનો આરોપ થયો છે. તમારી પર થયો?’ અથવા ‘ફલાણા સરકારી કર્મચારીએ ઢીકણા ભાઇ પર રાજદ્રોહનો આરોપ લગાડ્યો. તમે લગાડ્યો? આજે જ લગાડો. રાજદ્રોહનો આરોપ.’ અને પંચલાઇન તરીકે લખ્યું હોયઃ‘આપણું ગુજરાત, રાજદ્રોહપ્રેમી ગુજરાત.’
રાજદ્રોહના આરોપ પ્રત્યે બેધારી આસક્તિને કારણે, મનોમન ‘શોલે’ના અસરાનીનું સ્મરણ કરીને, મુખ્ય મંત્રીના મોઢેથી ‘હમ અંગ્રેજ કે જમાને કે મુખ્ય મંત્રી હૈં’ એવો સંવાદ કલ્પી શકાય છે. કેમ કે, આટલી સહજતાથી રાજદ્રોહના આરોપની વાતો અંગ્રેજોના જમાનામાં થતી હતી. એ વખતે કોને ખ્યાલ હશે કે લોકશાહીનાં સાઠ-સાઠ વર્ષ પછી પણ દેશી અંગ્રેજોમાં રાજદ્રોહનો ચસકો ચાલુ રહેશે! સાઠે ભારતીય લોકશાહીની બુદ્ધિ નાઠી હોય એવું પણ ઘણાને લાગે છે.
ગુજરાતમાં રાજદ્રોહના આરોપની સામાન્યતાને ઘ્યાનમાં રાખીને કેટલાક અવેતન સલાહકારોએ સૂચન કર્યું છે કે ‘વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૦૯’ના કેન્દ્રસ્થાને- મુખ્ય ‘થીમ’ તરીકે ‘રાજદ્રોહ’ રાખી શકાય. બીજા કોઇ પણ વિષયની જેમ રાજદ્રોહના મુદ્દે પણ ગુજરાતની પ્રગતિ - એટલે કે મુખ્ય મંત્રીની પ્રતિભા- ઉજાળવાની ભરપૂર તક રહે છે. જરા કલ્પના કરોઃ ‘વાઇબ્રન્ટ ગુજરાત, ૨૦૦૯’ના પ્રવેશદ્વાર પાસે જ મુખ્ય મંત્રીએ વઘુ એક ફોટોસેશન કરાવીને, કાળા પાણીના કેદી જેવા ડ્રેસમાં પડાવેલી તસવીરનું મોટું કટ-આઉટ હોય, સફેદ કાપડમાં કાળી લાઇનિંગ ધરાવતું પહેરણ, એવું જ હાફપેન્ટ અને બેડીઓથી જકડાયેલા બન્ને હાથ તેમણે જુસ્સાભેર ઉંચા કર્યા હોય. કટ-આઉટના ઉપરના ભાગમાં મુખ્ય મંત્રીની પ્રેરક વાણી, અનુસ્વારની બાદબાકી સાથે, મુકાયેલી હોયઃ ‘તાકાત હોય તો મારી પર રાજદ્રોહનો ગુનો દાખલ કરો.’ રોકાણકારોને પ્રભાવિત કરવા માટે પ્રવેશદ્વાર પાસેનું આ દ્રશ્ય જ પૂરતું થઇ પડે એવું નથી? એ જોઇને કોઇ ઉદ્યોગપતિ રતન ટાટાની શૈલીમાં કહી દેશે,‘જેમણે ગુજરાતમાં રોકાણ નથી કર્યું તે મૂર્ખ છે’ અને મનોમન વિચારશે, ‘જે ગુજરાતમાં લોકશાહી પદ્ધતિઓની, લોકશાહી સંસ્થાઓની અને લોકશાહી પ્રણાલિની વાતો કરે છે, એ પણ મૂર્ખ છે.’
રાજદ્રોહની થીમ ધરાવતા વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૦૯ના તમામ સ્ટોલમાં એક સ્ટોલ ગુજરાત પોલીસ માટે ફાળવવો જોઇએ. તેમાં ‘હું આપને શું મદદ કરી શકું?’ને બદલે ‘આપની પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં હું આપની શું મદદ કરી શકું?’ એવું બોર્ડ મુકેલું હોય. બાજુમાં રાજદ્રોહ સાથે સંકળાયેલી આઇપીસીની કલમો સોનેરી અક્ષરે ચીતરી હોય અને બેકગ્રાઉન્ડમાં મુખ્ય મંત્રીના ૩૩મા ફોટોસેશનમાંથી પસંદ કરેલો એક ફોટો હોય. ‘વાઇબ્રન્ટ’ પ્રકારના સરકારી મેળાઓમાં સ્વૈચ્છિક સંગઠનોને પ્રવેશ આપવામાં જોખમ છે, પણ એનઆરઆઇ પ્રજાના લાભાર્થે થોડાં સંગઠનોને પણ સ્ટોલ આપી શકાય. ઘણાંખરાં સંગઠનો સંસ્થાઓ પણ સ્ટોલની જેમ ચલાવતાં હોય છે, એટલે તેમને ખરેખરો સ્ટોલ ચલાવવામાં તકલીફ નહીં પડે. સંસ્થાની જેમ સ્ટોલમાં પણ તેમણે વાતો સિવાય બીજું કંઇ કરવાનું નહીં રહે. સરકારના લાભાર્થે ગુજરાતની ગૌરવ- ગાથાઓનો ખુમચો ચલાવનારાને પણ જમીન પર એક ખુમચો-સ્ટોલ ખોલવાની તક આપવી જોઇએ, જેથી તેમની કામગીરીને લોકો કેવી રીતે જુએ છે, એનો તેમને અંદાજ આવે.
એક સ્ટોલ માત્ર ને માત્ર એન્કાઉન્ટર અંગેનો રાખવામાં આવે, જેથી પ્રજાના મનમાં રહેલી એન્કાઉન્ટર વિશેની રહીસહી આશંકાઓ પણ દૂર થઇ જાય. એન્કાઉન્ટર-કલાકારો મૂળભૂત રીતે સર્જક હોય છે, એ તો સૌ સ્વીકારે છે. એન્કાઉન્ટર કર્યા પછી તેમના દ્વારા રજૂ થતું ઘટનાનું વર્ણન કોઇ પણ ક્રાઇમથ્રીલરની ટક્કર ઝીલી શકે એવું હોય છે. તેમ છતાં, આ સ્ટોલની મુલાકાત લેનાર દરેકને એન્કાઉન્ટર-સ્પેશ્યાલિસ્ટે લખેલી કવિતાઓની, ગુણવંત શાહ જેવા તેમના પ્રશંસક-ચિંતકે લખેલો આવકાર ધરાવતી પુસ્તિકા ભેટ આપી શકાય, જેથી એન્કાઉન્ટર-કલાકારને હીરો તરીકે સ્થાપિત કરવાનું આવકાર-લેખકનું મિશન સફળ થાય. આ સ્ટોલમાં ‘એન્કાઉન્ટરનું જીવનસંગીત’ એવા મથાળા હેઠળ પૌરાણિક ચિત્રોની સ્ટાઇલમાં રામાયણ-મહાભારતના પ્રસંગોને ‘આદિ-એન્કાઉન્ટર’ તરીકે રજૂ કરતાં ચિત્રો મુકીને, ‘આપણી સંસ્કૃતિ, એન્કાઉન્ટર સંસ્કૃતિ’ જેવું સૂત્ર પ્રચલિત બનાવી શકાય.
હમણાં પૂરી થયેલી ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટની હવે પછીની સ્પર્ધામાં વાઇબ્રન્ટ ગુજરાતની ટીમ ઉતરશે, એવા સમાચાર છે. ટીમ ભલે ખાનગી માલિકીની હોય, પણ ‘માલિકના માલિક’ તરીકેની છાપ ધરાવતા મુખ્ય મંત્રી એવો નિયમ કાઢી શકે છે કે ગુજરાતમાં રહેતા હોવા છતાં જે ખેલાડીઓ રૂપિયાની લાલચે બહારની ટીમમાં જોડાયા હશે, તેમની પર રાજદ્રોહનો આરોપ દાખલ થઇ શકે છે. ધારો કે રાજદ્રોહની ફરિયાદની બીકે ખેલાડી વાઇબ્રન્ટ ગુજરાતની ટીમમાં જોડાઇ જાય તો પણ રાજદ્રોહનો ખતરો ટળતો નથી. કારણ કે વાઇબ્રન્ટ ગુજરાનતી ટીમમાં એવી જોગવાઇ હશે કે ટીમમાંથી જે બેટ્સમેન સસ્તામાં આઉટ થઇ જાય કે જે બોલરની બોલિંગ ઝૂડાય તેની ઉપર પણ રાજદ્રોહનો આરોપ લાગી શકે. બઘું સમુંસુતરૂં ઉતરે, પણ ગુજરાતની ટીમ મેચ હારી જાય તો? મુખ્ય મંત્રીના ૨૮મા ફોટોસેશનનો પહોળા સ્મિતવાળો એક ફોટો મનોમન કલ્પી લેવાનો. કેમ કે, અમ્પાયર પર રાજદ્રોહ કરવાનો વિકલ્પ ખુલ્લો જ છે.
આ બઘું વાંચીને કોઇ રખે એવું માની લે કે ગુજરાતમાં તો કંઇ પણ કરવાથી રાજદ્રોહ લાગી શકે છે. ગુજરાત
સરકાર વિશે ગેરસમજણ કરવાની જરૂર નથી. લોકોને ભડકાવો, ઉશ્કેરો, તેમની વચ્ચે દ્વેષ વધારો, વખત આવ્યે હુલ્લડ મચાવો, વરદી પહેરીને કે પહેર્યા વગર, ‘એન્કાઉન્ટર’નું નામ આપીને કે એવું નામ આપ્યા વગર લોકોને મારી નાખો, સાક્ષીઓને દબડાવો-ધમકાવો, કલાકારોને ગુંડાગીરીથી ત્રાસ આપો, પત્રકારો પર ખોટેખોટા કેસ કરો, ધરમના નામે ગોરખધંધા ચલાવો...ગુજરાત સરકાર કંઇ નહીં કરે. એક મુખ્ય મંત્રી, એક સરકાર લોકોને આથી વધારે કેટલું સ્વાતંત્ર્ય આપી શકે?