Saturday, June 28, 2008
હિંદી ફિલ્મોમાં સંગીતનાં નવાં ધોરણ સ્થાપનાર ગુજરાતી સંગીતકારઃ વનરાજ ભાટિયા
‘તમસ’ ટીવી સિરીયલ યાદ છે? ગોવિંદ નિહલાનીએ નિર્દેશીત કરેલી આ સિરીયલ ન જોઇ હોય તો, કમ સે કમ તેનું ટાઇટલ મ્યુઝિક (ક્યાંયથી ન મળે તો ‘યુટ્યુબ’ પરથી) સાંભળી લેવું. ‘ઓ રબ્બા....’ના સંગીતમય આર્તનાદથી ‘તમસ’ના ટાઇટલ શરૂ થાય અને બીજા એક પણ શબ્દ વિના ફક્ત સંગીતની મદદથી, ભાગલા વખતના માનસિક ત્રાસની અનુભૂતિ મનને ઘેરી વળશે. ‘ભારત એક ખોજ’ સિરીયલના આરંભ અને અંતે આવતા વેદગાન જેવા સંગીત અને શબ્દો ગમે ત્યારે સાંભળવાથી પ્રાચીનતાનો અને જ્ઞાનની ખોજનો માહોલ સર્જાઇ જાય છે. તેનાથી બીજા છેડે આવે ‘મંથન’ ફિલ્મનું પ્રીતિ સાગરે ગાયેલું મસ્તીભર્યું ગીત ‘મારો ગામ કાંઠા પારે, જ્યાં દૂધકી નદીયાં વાહે...’ http://www.youtube.com/watch?v=KdR_Yq7xdlE?v=KdR_Yq7xdlE
ગુજરાતીની ભારે છાંટ ધરાવતા આ હિંદી ગીતમાં ગુજરાતી લહેકા અને માટીની મહેકને કારણે, ફિલ્મમાં તે એક પણ વાર આખું વાગતું નથી. છતાં, દર્શકોના કે શ્રોતાઓના મનમાં એ ગીતની અસર લાંબો સમય ટકી રહે છે. આવી વૈવિઘ્યપૂર્ણ સ્વરસૃષ્ટિના સર્જક છે વનરાજ ભાટિયા.
‘આર્ટ ફિલ્મો’ જેવા સગવડીયા લેબલથી ઓળખાતી સમાંતર ધારાની ફિલ્મો સાથે વનરાજ ભાટિયાનું નામ અભિન્નપણે સંકળાયેલું છે. શ્યામ બેનેગલની પહેલી ફિલ્મ ‘અંકુર’ થી છેક ‘સરદારી બેગમ’ સુધી દરેકે દરેક ફિલ્મમાં સંગીતકાર તરીકે વનરાજ ભાટિયાનું નામ વાંચવા મળે. સિત્તેર-એંસીના દાયકામાં કુંદન શાહનું ‘જાને ભી દો યારોં’ હોય કે વિઘુ વિનોદ ચોપરાનું ‘ખામોશ’, અપર્ણા સેનનું ‘૩૬ ચૌ૨ગી લેન’ હોય કે વિજયા મહેતાનું ‘પેસ્તનજી’, પ્રકાશ ઝાનું ‘હિપ હિપ હુર્રૈ’ હોય કે સઇદ મીર્ઝાનું ‘મોહન જોશી હાઝિર હો’- અર્થપૂર્ણ ફિલ્મોનું સંગીત એટલે વનરાજ ભાટિયા, એવું સમીકરણ ચાહકોના મનમાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ સ્થાપિત થયેલું છે.
પરંતુ વનરાજ ભાટિયાને મળ્યા પછી લાગે કે તેમને આવું કોઇ લેબલ ખપતું નથી. ઊલટું, ‘એનએફડીસીવાળા’ ડીરેક્ટરો સામે હળવી નારાજગી પ્રગટ કરતાં ભાટિયા કહે છે,‘એ લોકોને આખું ગીત પિક્ચરાઇઝ કરતાં ફાવતું જ નથી. વઘુમાં વઘુ એકાદ અંતરો પિક્ચરાઇઝ કરી શકે. બાકીનું ગીત કટ.’ વિદેશી ફિલ્મ નિર્દેશકોની અસર તળે ભારતના સમાંતર સિનેમાના ફિલ્મ નિર્દેશકોએ ‘ફિલ્મમાં ગીતની શી જરૂર?’ એવું વલણ રાખ્યું. એટલે વનરાજ ભાટિયાએ દિલથી બનાવેલાં કંઇક ગીતો ટુકડા સ્વરૂપે વેરવિખેર થઇને ફિલ્મોમાં મુકાયાં. ‘સાવન કે દિન આયે સજનવા આન મિલો’ જેવા મઘુર ગીતોના અંતરા કપાઇ ગયાની વાત કરતી વખતે, ૮૧ વર્ષના વનરાજ ભાટિયાના ટી શર્ટની લાલાશ તેમના ચહેરા પર પથરાઇ જાય છે- ‘અને હવે બધા કેવા ડાહ્યાડમરા થઇને ફિલ્મોમાં ગીતો નાખે છે!’ એવા ઉદગાર પણ એ જ ગરમી સાથે નીકળી આવે છે.
ઉંચાં પહોળાં કદકાઠી, ‘આઇ ડોન્ટ કેર’નો મિજાજ છતો કરતી બોલવાની છટા, ક્યાંક પારસીશાઇ લાગે એવા ગુજરાતીમાં વનરાજ ભાટિયા ઉમળકાથી વાતો કરી રહ્યા હતા. આજુબાજુ શ્યામ બેનેગલની જ નહીં, સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં ખપમાં લઇ શકાય એવો માહોલ હતો. રૂંગટા હાઉસ, ૬૮ એલ, જગમોહનદાસ માર્ગ, મુંબઇ-૬ના સરનામે આવેલા તેમના ઘરનું દીવાનખાનું એટલે એન્ટિક ફર્નિચર-ઝુમ્મર-લેમ્પનું સંગ્રહસ્થાન. સીસમના નકશીદાર કબાટમાં ગોઠવેલાં ડેક-એમ્પ્લીફાયર. તેની પર ઓડિયો કેસેટમાં વનરાજ ભાટિયાએ એક ગીત ચડાવ્યું.
લતા મંગેશકરના અવાજમાં શૃંગારિક શબ્દો ધરાવતું એ ગીત કુમાર સાહનીની ફિલ્મ ‘તરંગ’નું હતું. ગીત પૂરૂં થાય ત્યારે નાયિકા આપઘાત કરે એવી સિચ્યુએશનને લીધે, ગીત અત્યંત મઘુર હોવા છતાં તેની ઘૂન સ્તબ્ધ કરી નાખે એવી હતી. કાચો ગાયક તેને ન્યાય જ ન આપી શકે, પણ વનરાજ ભાટિયાએ કહ્યું, ‘લતા મંગેશકર આવ્યાં. મને ક્હ્યું, ગીત શું છે? ગાઇ સંભળાવો. મેં કહ્યું, હું સારૂં ગાતો નથી. એમણે કહ્યું, વાંધો નહીં. મને ઘૂન સમજાવવા પૂરતું ગાઇ સંભળાવો. મેં એક વાર, બે વાર, ત્રણ વાર ઘૂન ગાઇ સંભળાવી. પછી તેમણે એક રીહર્સલ કર્યું અને ત્યાર પછી એક જ ટેકમાં રેકોર્ડિંગ ફાઇનલ! ’
પણ આટલું મઘુર ગીત માર્કેટમાં આવ્યું જ નહીં, એવું વનરાજ ભાટિયા પાસેથી સાંભળ્યા પછી જરા જુદી રીતે સ્તબ્ધ થઇ જવાય છે. વનરાજ ભાટિયાએ પ્રીતિ સાગર જેવાં નવોદિતથી માંડીને લતા-આશા જેવાં સિનિયર કલાકારો પાસે ગવડાવ્યું છે. શશિ કપુર નિર્મિત અને શ્યામ બેનેગલનું દિગ્દર્શન ધરાવતી ફિલ્મ ‘જૂનુન’માં આશા ભોસલેએ ગાયેલું ‘સાવન કી આઇ બહાર’ સાંભળનારને ડોલાવી દે એવું છે, પણ આશા ભોસલે ઇચ્છતાં હતાં કે એ ગીત તેમનાં દીકરી વર્ષાને ગાવા મળે. આશાની દીકરીના અવાજ અંગે વનરાજ ભાટિયાને ખાસ આશા ન હતી. પણ ‘આશાબાઇએ આગ્રહ ચાલુ રાખ્યો. મારે ઘેર આવ્યાં. કહે, આપણે બે ભેગાં થઇને તેને શીખવાડીએ. ન કેમ આવડે! દીકરીને શીખવડાવા માટે આશાબાઇએ એટલું સરસ ગાયું કે એ સાંભળીને મેં નક્કી કરી લીઘું આ ગીત આશાબાઇ જ ગાશે.’
ભોસલેએ દીકરી પાસે ગીત ગવડાવવાની જીદ ન છોડી. મામલો સ્ટુડિયો સુધી પહોંચ્યો. દીકરીના અવાજમાં ચાળીસેક રીટેક થયા, પણ ગીતનું ઠેકાણું પડતું ન હતું. છેવટે, વનરાજ ભાટિયાના આગ્રહથી શશિ કપુરે આશા ભોસલેને તેમના પરદેશમાં યોજાનારા સ્ટેજ શોમાં મદદરૂપ થઇને બદલામાં તેમની પાસેથી આ ગીત ગાવા મનાવી લીધાં.
બે કલાકની ફિલ્મની સરખામણીમાં એક-એક કલાકનો એક એવા એકાવન હપ્તા ધરાવતી સિરીયલ ‘ભારત એક ખોજ’ નિર્દેશક શ્યામ બેનેગલ માટે જ નહીં, સંગીતકાર વનરાજ ભાટિયા માટે પણ પડકારરૂપ હતી. દરેક વખતે સમયગાળો બદલાઇ જાય, પાત્રો બદલાઇ જાય, વાતાવરણ અને પ્રાંત બદલાઇ જાય. શ્યામ બેનેગલ અધિકૃતતામાં કોઇ સમાધાન કરે નહીં. જરાય ૧૯-૨૦ ચલાવે નહીં. વનરાજ ભાટિયાને એવું આપવાનું ફાવે નહીં. તેમના જણાવ્યા પ્રમાણે, આ સીરીયલ પહેલાં દૂરદર્શને પાસ કરી ન હતી, પછી ઓચિંતી હા પાડી દીધી. એટલે સિરીયલ બનાવવા માટે બહુ ઓછો સમય રહ્યો. ‘આ સિરીયલ માટે તમે કેટલાં વર્ષ રીસર્ચ કર્યું હતું?’ એવા સહજ સવાલના જવાબમાં ભાટિયાએ ખડખડાટ હસીને કહ્યું,‘કેટલાં વર્ષ? અરે એટલો સમય જ ક્યાં હતો? એક અઠવાડિયામાં એક એપિસોડનું મ્યુઝિક કરવાનું હોય. એક તરફ શ્યામ શૂટિંગ કરતો જાય અને શૂટ થયેલી ફિલ્મ મને મોકલી આપે. એ જોઇને બે દિવસમાં બેકગ્રાઉન્ડ અને બે-ત્રણ દિવસમાં ગીતોનું રેકોર્ડંિગ કરી દેવાનું. એ હપ્તો તૈયાર થઇ જાય એટલે બીજા અઠવાડિયે દૂરદર્શન પર ટેલીકાસ્ટ થઇ જાય.’
આટલી ઉતાવળ હોવા છતાં, વનરાજ ભાટિયાની સંગીતપ્રતિભાને કારણે ‘ભારત એક ખોજ’નું સંગીત એટલું યાદગાર બન્યું કે આટલાં વર્ષ પછી હવે તેમાંથી ચુનંદા સંગીતની ચાર સીડી તૈયાર થઇ રહી છે. કોઇ પણ ગીત કે સંગીતના સર્જન માટે પિયાનોનો ઉપયોગ કરતા વનરાજ ભાટિયા ભાંગવાડી જૂની રંગભૂમિનાં નાટ્યસંગીતની સાથોસાથ પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના જ્ઞાનથી સમૃદ્ધ છે. તેમની એ સમૃદ્ધિને કારણે છેલ્લાં ૭૫ વર્ષમાં હિંદી ફિલ્મોના મહાન સંગીતકારોની યાદીમાં વનરાજ ભાટિયાનું નામ લેવું અનિવાર્ય બની જાય છે. તેમણે ત્રીસેક હિંદી ફિલ્મો ઉપરાંત એક ગુજરાતી ફિલ્મ (‘એક ડાળ મીઠી’), એક કચ્છી ફિલ્મ, આઠેક ટીવી શ્રેણી અને જાહેરખબરનાં લગભગ છ હજાર જિંગલમાં સંગીત આપ્યું છે.
31 મે, ૧૯૨૭ના રોજ જન્મેલા વનરાજ ભાટિયાને ગયા અઠવાડિયે ૮૧ વર્ષ પૂરાં થયાં. તેમની તંદુરસ્તી અને સાબૂતદિમાગી જોતાં હજુ વનરાજ ભાટિયા પાસેથી સંગીતપ્રેમીઓને ઘણું મળી શકે એમ છે, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મ્યુઝિક કમ્પોઝરને બદલે મ્યુઝિક એડીટર (કાપકૂપીયા કમ્પ્યુટરબાજો)ની બોલબાલા હોય ત્યાં વનરાજના ભાગે વનવાસ આવે તેની નવાઇ લાગતી નથી. નિજાનંદમાં મસ્ત વનરાજને તેનો કશો વસવસો પણ નથી. આ નુકસાન વનરાજ ભાટિયાનું નહીં, પણ સંગીતપ્રેમીઓનું છે.
Labels:
ad,
film/ફિલ્મ,
music/સંગીત,
tv serial
Subscribe to:
Post Comments (Atom)
Dear Urvish,
ReplyDeleteThanks a lot for writing about Vanraj Bhatia.
However, would it be possible for you to provide an English translation? I cannot read Gujarati, unfortunately,
Thanks a lot,
Debabrata
ફિલ્મ ’દામિની’[રાજકુમાર સંતોષી] નું બેકગાઉન્ડ સંગીત રૂપેના આલાપ આજેય ટ્રેડમાર્ક છે..Akash vaidya
ReplyDeleteVanraj bhatia's family is originally held from Kutch.
ReplyDeletevaah... thank you...
ReplyDeletelink to tamas...
http://www.youtube.com/watch?v=Xu_0SAXzW7w
a wonderful article, urvish. dilip mehta
ReplyDelete