Monday, April 30, 2012

ભારતીય ફિલ્મોની શતાબ્દિઃ આરંભથી શૂરા ગુજરાતીઓદાદાસાહેબ ફાળકેએ બનાવેલી પહેલી પૂરા કદની ભારતીય ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ ૩ મે, ૧૯૧૩ના રોજ થિએટરમાં  સામાન્ય દર્શકો માટે રજૂ થઇ. એ ઘટનાને ૯૯ વર્ષ પૂરાં થઇને ૩ મે, ૨૦૧૨ના રોજ ૧૦૦મું વર્ષ બેસશે. આ ફિલ્મની પહેલવહેલી રજૂઆત ૨૧ એપ્રિલ, ૧૯૧૩ના રોજ થઇ હતી તેને ઘ્યાનમાં લઇએ તો, ૧૦૦મું વર્ષ બેસી ચૂક્યું ગણાય.

૯૯ વર્ષ જૂના ભારતીય ફિલ્મઉદ્યોગમાં ગુજરાતીઓનું સ્થાન, સંકુચિત પ્રાદેશિકતાની રીતે નહીં, પણ વ્યાપક પ્રદાનની રીતે વિશેષ ઉલ્લેખનીય છે. સુરતના હરીશ રધુવંશી જેવા સંશોધકે ભારે જહેમતથી હિંદી ફિલ્મઉદ્યોગનાં તમામ પાસાં સાથે સંકળાયેલા ગુજરાતીઓની યાદી તૈયાર કરીને એ પ્રચલિત માન્યતા ખોટી પુરવાર કરી છે કે ગુજરાતીઓનું પ્રદાન નિર્માતા તરીકે ફક્ત શેઠગીરી કરવા પૂરતું મર્યાદિત હતું. વીરચંદ ધરમશી જેવા પ્રખર અભ્યાસી મૂંગી ફિલ્મોના જમાનામાં ગુજરાતીઓના પ્રદાનની વિગતો ઉલેચી લાવ્યા છે. આવા થોડા સંશોધકોના પ્રતાપે, દસ્તાવેજીકરણનો રિવાજ નહીં ધરાવતા ભારતમાં, ફિલ્મઉદ્યોગની શરૂઆતનો ઇતિહાસ જળવાઇ શક્યો છે. એટલું જ નહીં, તેમની નિઃસ્વાર્થ મહેનત થકી, ગુજરાતીઓના મહત્ત્વપૂર્ણ પ્રદાન વિશેની માહિતી ઉપલબ્ધ બની છે.

ઇતિહાસ કે આંકડાને શુષ્ક ગણનારા લોકો માટે પણ ફિલ્મના ઇતિહાસમાં રસપ્રદ સામગ્રીનો પાર નથી. ઉદાહરણ તરીકે, ભારતીય  (આપણા પૂરતું હિંદી અને ગુજરાતી) ફિલ્મોમાં દલિતોનું પ્રદાન. આટલું વાંચીને ઘણાં મોં તુચ્છકારથી વંકાઇ જાય એવું બને. પરંતુ જૂજ અભ્યાસીઓ-સંશોધકો સિવાય ભાગ્યે જ કોઇને ખ્યાલ હશે કે ભારતીય ફિલ્મઉદ્યોગમાં સફળતાનો પર્યાય ગણાતા પહેલા કમર્શિયલ ફિલ્મ ડાયરેક્ટર કાનજીભાઇ રાઠોડ જન્મે ગુજરાતી દલિત હતા.Kanjibhai Rathod/ કાનજીભાઇ રાઠોડ
ગુજરાતીઓની ભાગીદારી ધરાવતી અને ૧૯૧૯માં સ્થપાયેલી ‘ઓરિએન્ટલ ફિલ્મ કંપની’માં કાનજીભાઇએ સ્ટીલ ફોટોગ્રાફર તરીકે કારકિર્દી શરૂ કરી. વીરચંદ ધરમશીએ નોંઘ્યા પ્રમાણે, તેમણે મૂંગી ફિલ્મ ‘નરસિંહ મહેતા’માં મુખ્ય ભૂમિકા પણ કરી. ગાંધી-આંબેડકરનો પ્રભાવ શરૂ થયો તે પહેલાં એક દલિત જણ ફિલ્મમાં નરસિંહ મહેતાની ભૂમિકા કરે, એ કેવી ઐતિહાસિક બાબત કહેવાય! હોલિવુડની શરૂઆતની ફિલ્મોમાં કાળા કલાકારોને કામ અપાતું ન હતું. ધોળા અભિનેતાઓ જ મોઢે કાળો રંગ ચોપડીને કાળા લોકોનાં પાત્રો ભજવતા હતા. ભારતમાં દલિતોનું સ્થાન અમેરિકાના કાળા લોકો કરતાં ખરાબ હતું. છતાં, કાનજીભાઇ રાઠોડ ફિલ્મઉદ્યોગના પરોઢિયે ચમકેલા સૌથી તેજસ્વી સિતારાઓમાંના એક હતા.

ફિલ્મઉદ્યોગના પાયામાં રહેલા ગુજરાતી ભાટિયા દ્વારકાદાસ સંપટની ‘કોહિનૂર ફિલ્મ કંપની’માં ૧૯૨૧થી ૧૯૨૪ના ટૂંકા ગાળામાં કાનજીભાઇએ ૩૧ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતા સંપટે ‘ભક્ત વિદુર’ ફિલ્મ દ્વારા અંગ્રેજી શાસન પર પ્રહાર કર્યા. તેમાં સંપટ પોતે ખાદીધારી વિદુર બન્યા અને કૌરવો એટલે અંગ્રેજી રાજ. કૃષ્ણની ભૂમિકા,  આગળ જતાં ‘શ્રીકૃષ્ણ ફિલ્મ કંપની’ના માલિક બનેલા માણેકલાલ પટેલે અદા કરી. ભારે ચર્ચાસ્પદ નીવડેલી આ ફિલ્મનું દિગ્દર્શન કાનજીભાઇને સોંપવામાં આવ્યું હતું. ‘કોહિનૂર’ પછી મુંબઇની ‘શ્રીકૃષ્ણ ફિલ્મ કંપની’માં કાનજીભાઇએ ૨૧ ફિલ્મો દિગ્દર્શીત કરી. રાજકોટની ‘સૌરાષ્ટ્ર ફિલ્મકંપની’ સાથે પણ તે થોડો સમય સંકળાયા. ૧૯૩૧માં બોલતી ફિલ્મોની શરૂઆત થઇ, એ વર્ષે મુંબઇમાં બનેલી ૧૭ બોલતી ફિલ્મોમાંથી પ ફિલ્મોમાં કાનજીભાઇનું દિગ્દર્શન હતું. (કાનજીભાઇના અંગત જીવન કે તેમના પરિવાર વિશે કોઇ વાચક વઘુ માહિતી આપશે તો આનંદ થશે.)

ફિલ્મોમાં ગુજરાતીઓના વર્ચસ્વનો પ્રારંભ મૂક ફિલ્મોથી થઇ ચૂક્યો હતો. ૧૯૧૩થી ૧૯૩4 દરમિયાન બનેલી કુલ ૧,૩૧૩ મૂંગી ફિલ્મોમાં અડધાથી પણ વઘુ ફિલ્મો ગુજરાતીઓની માલિકીની ફિલ્મકંપનીઓ દ્વારા બની હતી. ૧૯૧૭માં કલકત્તામાં સ્થપાયેલી, ગુજરાતીની માલિકીની પહેલી ફિલ્મ કંપની હતીઃ એલ્ફિન્સ્ટન બાયોસ્કોપ કંપની. ટૂંક સમયમાં ‘માદન થિએટર્સ’ નામ ધારણ કરનાર આ કંપનીના પારસી માલિક હતાઃ જમશેદજી માદન. તેમની કંપનીએ ૯૦થી પણ વઘુ ફિલ્મો બનાવી.

દ્વારકાદાસ સંપટની ‘કોહિનૂર ફિલ્મ કંપની’એ ગુજરાતી ફિલ્મ કંપનીઓમાં સંભવતઃ સૌથી વઘુ, ૯૬ ફિલ્મો બનાવી. ‘કોહિનૂર’માંથી છૂટા પડેલા માણેકલાલ પટેલે ‘શ્રીકૃષ્ણ ફિલ્મ કંપની’ના બેનર તળે ૬૫ ફિલ્મો બનાવી. અમદાવાદના રિલીફ રોડ પર આવેલું એ સમયનું ખ્યાતનામ થિએટર ‘કૃષ્ણ સિનેમા’ માણેકલાલની માલિકીનું હતું. મોટી સંખ્યામાં ફિલ્મો બનાવનાર કંપની તરીકે ૮૭ ફિલ્મો બનાવનાર‘શારદા ફિલ્મ કંપની’નો ખાસ ઉલ્લેખ કરવો પડે. તેના ત્રણ ભાગીદારો હતાઃ મયાશંકર ભટ્ટ, નાનુભાઇ દેસાઇ અને ભોગીલાલ દવે.

ગુજરાતી ફિલ્મનિર્માતાઓનું પ્રદાન ફક્ત સંખ્યાત્મક હતું એવું માની લેવાની જરૂર નથી. આ કંપનીઓ એકલદોકલ વ્યક્તિકેન્દ્રી બની રહેવાને બદલે, અનેક નવી ગુજરાતી અને બિનગુજરાતી પ્રતિભાઓનું ઉદ્‌ગમસ્થાન બની. સાઠથી વઘુ મૂક ફિલ્મો બનાવનાર અરદેશર ઇરાનીની ‘ઇમ્પિરીઅલ ફિલ્મ કંપની’એ ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ બનાવી (જેમાં બીજા કલાકારો ઉપરાંત પૃથ્વીરાજ કપૂર પણ હતા). મૂંગી ફિલ્મોમાંથી આગળ આવેલાં ચંદુલાલ શાહ અને ગૌહરબાનુની ‘રણજીત મુવિટોન’, ચીમનલાલ દેસાઇની ‘સાગર મુવિટોન’ અને મૂળ પાલીતાણાના ભટ્ટ બંઘુઓ વિજય ભટ્ટ અને શંકર ભટ્ટની ‘પ્રકાશ પિક્ચર્સ’ બોલતી હિંદી ફિલ્મોના પહેલા બે-ત્રણ દાયકા સુધી મુખ્ય ફિલ્મસંસ્થાઓ તરીકે ઉભરી.

ફક્ત ધનપતિઓ કે ધંધાદારીઓ જ નહીં, કનૈયાલાલ મુનશી અને ર.વ.દેસાઇ જેવા નામી સાહિત્યકારો અને ઇંદુલાલ યાજ્ઞિક/ Indulal Yagnik જેવા કામચલાઉ ભૂતપૂર્વ અને ભાવિ નેતા પણ ફિલ્મો સાથે સંકળાયા. ઇંદુલાલે ‘પાવાગઢનું પતન’, ‘યંગ ઇન્ડિયા યાને જય ભારતી’ જેવી મૂંગી ફિલ્મોનું નિર્માણ કર્યું. મુનશી-ર.વ.દેસાઇની વાર્તાઓ પરથી ફિલ્મો બની. ‘નવચેતન’ સામયિકના તંત્રી ચાંપશીભાઇ ઉદ્દેશી અને વિખ્યાત હાસ્યલેખક ‘મસ્તફકીર’ (હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ)થી માંડીને ‘કાળરાત્રિનું ખૂની ખંજર’ના લેખક સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા જેવા ઘણા ગુજરાતી લેખકો ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયા.


આશરે દોઢસોથી મૂંગી ફિલ્મોના કથા-પટકથા લેખક તરીકે મોહનલાલ દવેનો દબદબો એ સમયના ફિલ્મઉદ્યોગમાં કોઇ સાહિત્યસ્વામીથી કમ ન હતો. ફિલ્મની જાહેરખબરોમાં તેમનું નામ ચમકાવવામાં આવતું હતું. એ માન સાહિત્યકાર તરીકે જાણીતા મોટા ભાગના લેખકોને પણ મળતું હતું. કારણ કે એ વખતે ફિલ્મોનું માઘ્યમ પ્રમાણમાં ઓછું પ્રચલિત હતું અને લોકોને એ તરફ ખેંચવાના હતા.

(ફિલ્મોના ઇતિહાસની કેટલીક વઘુ વાતો આવતા સપ્તાહે)

Sunday, April 29, 2012

ગુણવંત શાહ પ્રકરણઃ દિલગીરી એક, સવાલ અનેક

(નોંધઃ સમગ્ર ઘટનાક્રમ સમજવાની તૈયારી વિના, પહેલેથી અભિપ્રાયો બાંધીને બેઠેલા લોકો માટે આ લખાણો નથી.)

ગુણવંત શાહના લેખ ('ગુજરાતની નિંદા કરવાની ફેશન', 'દિવ્ય ભાસ્કર', 18-3-2012) અંગે મારો પ્રતિભાવ (ગુણવંત શાહની 'બૌદ્ધિક બદમાશી') ‘નિરીક્ષક’માં (1-4-2012) છપાયો.

‘નિરીક્ષક’ના ત્યાર પછીના અંકમાં ગુણવંત શાહનો લેખ ‘સફેદ જૂઠ’ અને તેનો મેં આપેલો જવાબ ‘કાળી સચ્ચાઇ’ પ્રગટ થયો. આ બન્ને લેખ અહીં મૂક્યા છે. ગુણવંત શાહનો શબ્દાડંબર અને મૂળ મુદ્દા ગુપચાવીને શૈલીના શણગાર સજવાની તેમની યુક્તિ તેમના પત્રમાં ખુલ્લી પડેલી જોઇ શકાય છે. તેમના પત્રના જવાબમાં મેં મુખ્યત્વે ઘટનાક્રમ અને વિગતો આપી છે.
(બન્ને લેખ)

આ લેખો પ્રગટ થયા પછી ગુણવંત શાહે શ્રેયાંસભાઇને ટાંકીને જણાવ્યું છે કે તેમણે (ગુણવંતભાઇ)એ શ્રેયાંસભાઇને ફોન કર્યો ન હતો. 
આ જાણ્યા પછી હું શ્રેયાંસભાઇને મળ્યો. એમણે મને કહ્યું કે ‘ગુણવંતભાઇએ મને ફોન કર્યો ન હતો. (એ વખતે) હું ક્યાંક બહાર ગયો હતો. ત્યાં કોણે કહ્યું એ ભૂલી ગયો, પણ એવી વાત થઇ હતી કે આ બધું ચાલી રહ્યું છે ને ઠીક નથી. એટલે મેં મારા તરફથી જ તમને કહ્યું હતું અને ગુણવંતભાઇ સાથે વાત કરાવવાની- સમાધાન કરાવવાની તૈયારી બતાવી હતી.’
આ સ્થિતિમાં મારે જે કહેવું જોઇએ તે મેં 'નિરીક્ષક'માં લખ્યું છે. સાથોસાથ, તંત્રી પ્રકાશ ન. શાહનું લખાણ પણ અહીં મૂક્યું છે. જાહેર લખાણોની જવાબદારી અને જાહેર ચર્ચાનાં ધોરણો વિશે, આખી ચર્ચામાંથી ગુણવંત શાહ કશોક ધડો લે - તેમના લખાણોમાંથી ઉભા થતા અંગત સચ્ચાઇ અને જાહેર હિતના અનેક સવાલના જવાબ આપે તો ગુજરાતના, ગાંધીના અને કદાચ વણઝારાના પ્રેમીઓને પણ લાભ થશે. Saturday, April 28, 2012

હિંદી સંવાદો જાતે બોલનારી હું એકમાત્ર દક્ષિણ ભારતીય અભિનેત્રી છું: વૈજયંતિમાલા


(Vaijayantimala Bali, 27-4-12, ahmedabad. Pic: Urvish Kothari)


હિંદી ફિલ્મોમાં દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ અને ડાન્સર-હીરોઇનની પરંપરા શરૂ કરનાર વૈજયંતિમાલા બાલી ૭૮ વર્ષની વયે પણ એક નૃત્યાંગનાની ચુસ્તી અને સ્ટાર અભિનેત્રીની અદાઓ ધરાવે છે. ‘દક્ષિણમાંથી આવનારી હું જ એકમાત્ર એવી અભિનેત્રી છું, જેને  હિંદી  સંવાદો માટે કદી બીજા કોઇનો અવાજ વાપરવાની જરૂર પડી નથી. મારી સમગ્ર કારકિર્દીમાં બધા  હિંદી  સંવાદ હું જાતે જ બોલી છું અને એ પણ દક્ષિણ ભારતીય છાંટ વગર.’ આવું કહેનાર વૈજયંતીમાલા બાલીએ ‘ગુજરાત સમાચાર’ સાથેની ખાસ મુલાકાતમાં પોતાની કારકિર્દી વિશે ઓછી જાણીતી એવી ઘણી વાતો કરી.

‘સૈંયા દિલમેં આના રે’ જેવાં હિટ ગીતો ઉપરાંત નૃત્યોથી જાણીતી બનેલી ‘બહાર’ (૧૯૫૧) વૈજયંતિમાલાની પહેલી  હિંદી  ફિલ્મ હતી. ત્યાર પહેલાં ‘બહાર’ની અસલ તમિલ અને તેલુગુ આવૃત્તિઓમાં તે કામ કરી ચૂક્યાં હતાં. એ વખતે એમની ઉંમર માંડ પંદર-સોળ વર્ષ. અમદાવાદની ‘સુરાંગન ક્લબ’નાં મહેમાન બનેલાં વૈજંયતિમાલા કહે છે, ‘મારા ઘરમાંથી કોઇ ભણ્યું ન હતું. મારી માતા વસુંધરાદેવી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનેત્રી હતાં. મારાં દાદી ઇચ્છતાં હતાં કે હું આગળ ભણું. પણ પ્રોડ્યુસર અમારા કૌટુંબિક મિત્ર હતા. તે મારા નૃત્યના કાર્યક્રમોથી અત્યંત પ્રભાવિત હતા. એટલે નવા ચહેરાની તલાશ વખતે તેમણે મને પસંદ કરી. તેમના આગ્રહને કારણે મારાં નાનીએ મને ફિલ્મોમાં જવા દીધી.’

નિર્માણસંસ્થા એવીએમ સાથે વૈજયંતિમાલા પાંચ વર્ષના કરારથી બંધાયેલાં હતાં. તેમાં શરત એવી હતી કે એ ગાળામાં વૈજયંતિ દક્ષિણ ભારતના બીજા કોઇ નિર્માતા માટે કામ ન કરી શકે. મુંબઇના નિર્માતાઓને તેમાં મોકળું મેદાન મળી ગયું.‘નાગિન’ મુંબઇમાં વૈજયંતિમાલાની પહેલી સુપરહિટ ફિલ્મ હતી. તેના હીરો પ્રદીપકુમાર સાથે વૈજયંતિમાલાએ સૌથી વઘુ- આઠ ફિલ્મોમાં કામ કર્યું. ત્યાર પછીના ક્રમે દિલીપકુમાર સાથે તેમણે સાત સફળ ફિલ્મો આપી. તેમાં ‘દેવદાસ’ અને ‘ગંગાજમના’ સૌથી યાદગાર ગણાય છે.

‘દેવદાસ’ની મૂળ કથામાં પારો અને ચંદ્રમુખી- એમ બે નાયિકાઓ છે. વૈજયંતિમાલાએ ચંદ્રમુખીનો રોલ ભજવ્યો હતો, પરંતુ એ ભૂમિકા માટે ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’નો એવોર્ડ તેમણે ઠુકરાવી દીધો. ‘(ડાયરેક્ટર) બિમલદાએ મને કહ્યું હતું કે ફિલ્મમાં બે હીરોઇન છે. મારી ભૂમિકા સરખેસરખી જ હતી. પછી હું સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ કેવી રીતે સ્વીકારી શકું?’ વૈજયંતિમાલા નૃત્યાંગના માટે સહજ એવી ભાવભંગીમાઓ સાથે કહે છે,‘એ વખતે ઘણા લોકોને લાગ્યું કે હું બહુ અભિમાની છું. પણ મારા માટે એ સિદ્ધાંતનો સવાલ હતો.’ ‘દેવદાસ’માં વૈજયંતિમાલાની કામગીરીથી રાજી બિમલ રોયે તેમને ‘મઘુમતિ’માં દિલીપકુમાર સાથે મુખ્ય ભૂમિકા આપી.

પોતે ગુમાવેલા કે ઠુકરાવેલા રોલ વિશે વાત કરતાં વૈજયંતિમાલા કહે છે, ‘દેવદાસથી હું ‘ડાન્સિંગ સ્ટાર’ મટીને ગંભીર અભિનેત્રી તરીકે સ્થાપિત થઇ. તેને કારણે મેં ‘મિસ્ટર એન્ડ મિસિસ ૫૫’માં કામ કરવાની ગુરૂદત્તની ઓફર નામંજૂર રાખી. એ હલ્કીફૂલ્કી ફિલ્મ હતી અને ગુરૂદત્ત ગંભીર પ્રકૃતિના માણસ. મને એમ કે એ કેવુંક જામશે? પણ પછી એ રોલ છોડી દીધાનો બહુ અફસોસ થયો. એવો જ અફસોસ બિમલ રોયનું ‘બંદિની’ હાથથી જતું રહ્યું એનો પણ થયો હતો. ટાઇટલ રોલ માટે મારું નામ નક્કી હતું, પણ છેલ્લી ઘડીએ શું થયું ખબર નથી, પણ એ રોલ નૂતનને મળી ગયો.’ ગુલઝારની ફિલ્મ ‘આંધી’માં સુચિત્રા સેને કરેલી ભૂમિકા માટે પહેલાં વૈજયંતિમાલાનું નામ વિચારાયું હતું, પણ ‘ઇંદિરા ગાંધી અને તેમની પહેલાં નેહરુ મારા આદર્શ હતા. એટલે ઇંદિરા ગાંધીનું મેનરિઝમ લાવવાનું હોય, એવું પાત્ર ભજવવાની મારી હિંમત ન ચાલી.’

અફસોસ-કથા વિશે હવે ભવ્ય ભૂતકાળના યાદગાર ભાગ તરીકે વાત કરતાં વૈજયંતિમાલા કહે છે,‘એમ તો ‘રામ ઔર શ્યામ’માં મારું આઠ-દસ દિવસનું શૂટિંગ થઇ ગયું હતું. પછી હું અને ફિલ્મના નિર્માતા વિમાનમાં જતા હતા ત્યારે એમણે કહ્યું કે ફિલ્મમાં હીરોઇન બદલાઇ ગઇ છે. એ સાંભળીને મને આંચકો લાગ્યો.’ એ ફિલ્મમાં વૈજયંતિમાલાનો રોલે વહીદા રહેમાનને મળ્યો. ‘નયા દૌર’માં જરા જુદું બન્યું. અસલ જોડી દિલીપકુમાર-મઘુબાલાની હતી. શૂટિંગ શરૂ થઇ ચૂક્યું હતું, પણ મઘુબાલાના પિતાએ કેટલાક વાંધા લેતાં મઘુબાલા સાથેનો હિસાબ પૂરો કરીને બી.આર.ચોપ્રાએ વૈજયંતિમાલાને એ રોલ આપ્યો.  રાજ કપુર સાથેના તેમના સંબંધોના ચઢાવઉતારની કથા (‘બોલ રાધા બોલ, સંગમ હોગા કે નહીં?’) ફિલ્મી દંતકથાઓનો હિસ્સો છે.

‘તમે કદી ગાયું છે ખરું?’ એવા સવાલના જવાબમાં વૈજયંતિમાલા ચહેરા પર સુખદ આશ્ચર્યના હાવભાવ પાથરીને કહે છે, ‘અત્યાર સુધી માત્ર એક જ ફિલ્મમાં મેં ગીત ગાયું છે. એ ફિલ્મ હિંદી કે તમિલ-તેલુગુ નહીં, પણ બંગાળી હતી. તપન સિંહાની ‘હાટે બાજારે’ (૧૯૬૭) ગીતના શબ્દો અને સંગીત બઘું તપન સિંહાનું હતું.’ એ વાતનાં પિસ્તાળીસ વર્ષ પછી પણ નાની બાળકી જેવા ખિલખિલાટ ચહેરે ગીતના બંગાળી શબ્દો  યાદ કરી બતાવે છે. ‘ગીત તો પ્લેબેક ,સિંગર (મોટે ભાગે સંઘ્યા મુખર્જી)ના અવાજમાં રેકોર્ડ થઇ ચૂક્યું હતું. પડદા પર હોઠ હલાવવા પૂરતી હું એ ગીત ગણગણી રહી હતી. પાછળ તપનદા ઉભા હતા. તેમણે મારું ગીત સાંભળ્યું. એટલે કહે, ‘તું સરસ ગાય છે. તારું જ ગીત રેકોર્ડ કરીએ તો એ વધારે સ્વાભાવિક લાગશે.’ હું ગભરાઇ. એમણે આશ્વાસન આપ્યું કે ‘તારું ગીત સારું નહીં થાય, તો રેકોર્ડ થયેલું ગીત વાપરીશું.’ પણ એ ગીત સરસ થયું અને મેં ગાયેલું એકમાત્ર ગીત બની રહ્યું.’ એવી જ રીતે, પતિ ડો.બાલીનાં પહેલ અને પ્રોત્સાહન વૈજયંતિમાલાએ એક મરાઠી ફિલ્મ ‘ઝેપ’ (૧૯૭૧)નું નિર્માણ કર્યું હતું. જોકે, તેમણે એમાં અભિનય કર્યો નહીં.

ઓગસ્ટ ૧૩, ૧૯૩૪ (સ્કૂલની જન્મતારીખઃ ૧૯૩૩)ના રોજ જન્મેલા વૈજયંતિમાલાએ ‘ગંવાર’ (૧૯૭૦) પછી ફિલ્મકારકિર્દી છોડી. ‘નિરૂપા રોયે ‘દીવાર’માં જે રોલ કર્યો, તે પહેલાં મને ઓફર થયો હતો. એમ તો મનોજકુમારે ‘ક્રાંતિ’માં કામ કરવા માટે આગ્રહ કર્યો હતો. પણ મારે ફિલ્મોમાં પાછા જવું ન હતું અને ચરિત્રભૂમિકાઓ પણ કરવી ન હતી.’ એમ કહેતાં વૈજયંતિમાલા ‘હજુ આજે પણ લોકો મને હીરોઇન અને ડાન્સર તરીકે યાદ કરે છે’ તેનાથી સંતુષ્ટ જ નહીં, રાજી છે.

Wednesday, April 25, 2012

પાણીઃ ફ્રિજનું અને માટલાનું


પાણી ગુજરાતનું સૌથી વિવાદાસ્પદ બનવાની શક્યતા ધરાવતું સૌથી બિનવિવાદાસ્પદ પીણું છે.
 ગુજરાતમાં પીવાના પાણીના પ્રશ્ન અને નર્મદા યોજનાની વાત કરી જુઓ, એટલે રાજકીય વિવાદ સર્જવાની પાણીની ક્ષમતાનો ખ્યાલ આવશે. ‘સારા માણસ થઇને રાજકારણની વાત ક્યાં કરવી?’ એવો ખચકાટ થતો હોય તો  પાણી ક્યારે પીવાય, કેટલું પીવું જોઇએ, જમતી વખતે વચ્ચે પાણી પીવાય કે નહીં, એવા સવાલ જાહેરમાં, વગર પાણીએ, તરતા મૂકી જુઓ. એ સાથે જ વાદવિવાદ શરૂ. આખી વાતને ગોસિપને બદલે જ્ઞાનચર્ચાનો દરજ્જો આપવો હોય તો પાણી વિશે આયુર્વેદમાં શું કહ્યું છે ને હોમિયોપેથી શું કહે છે એ પૂછો અને પછી નરણા કોઠે સાંભળ્યા કરો.

મિથુનને ‘ગરીબોનો અમિતાભ’ કે ડુંગળીને ‘ગરીબોની કસ્તૂરી’ કહેનારા લોકોએ પાણીને હજુ સુધી ‘ગરીબોનું દૂધ’ કહ્યું નથી એટલી તેમની દયા છે. આયુર્વેદ કે ‘શાસ્ત્રો’ ટાંકવાના શોખીન લોકો પોતપોતાનાં રૂચિ-સમજણ-અનુકૂળતા પ્રમાણે પાણીને ‘અમૃત’થી માંડીને ‘ઝેર’ સુધીની ઉપમાઓ આપે છે. ‘જમતાં જમતાં પાણી? એ તો ઝેર કહેવાય ઝેર. જઠરાગ્નિ મંદ કરી નાખે અને ખોરાકને પચવા ન દે.’ એવું જાણકારોનો એક વર્ગ કહી શકે છે. પરંતુ એવો બીજો વર્ગ ‘જમતાં જમતાં જેટલું પીવાય એટલું પાણી પીવું જોઇએ. ગુણ કરે. ખોરાક સહેલાઇથી પચી જાય.’ એવા અભિપ્રાય સાથે તૈયાર હોય છે.

તો તંદુરસ્ત રહેવા માટે કરવું શું? સીધો ઉપાય છેઃ જમતી વખતે પાણી ન પીતા લોકોએ પહેલો અભિપ્રાય માનવો, જેથી તે પાણીની ઝેરી અસરમાંથી બચી જશે અને જમતી વખતે વચ્ચે પાણી પીનારાએ બીજા વર્ગની વાત માનવી, જેથી તેમને પાણીની ગુણકારી અસરોનો લાભ મળશે.

ઉનાળો આવે એટલે પાણીવિષયક વિવાદો તાજા થઇને છલકાવા માંડે છે. ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે, એવું ઘણાં વર્ષો પહેલાં સાંભળ્યું ત્યારે તેનો અર્થ પૂરો સમજાયો ન હતો. પણ સાદા પાણી વિરુદ્ધ ફ્રીઝના-બરફના પાણીની, સાદા પાણી વિરુદ્ધ મીનરલ વોટરની કે પછી પાણીથી થતા લાભ-ગેરલાભની ઉગ્ર ચર્ચાઓ જોયા પછી એ વિધાનનો મર્મ સમજાય છે.

ઠંડું પાણી ક્યારથી પીવું જોઇએ, એ બાબતે કુટુંબે કુટુંબે જ નહીં, વ્યક્તિએ વ્યક્તિએ ભિન્નમત પ્રવર્તે છે.  શિયાળો-ઉનાળો-ચોમાસુ આ ત્રણે ૠતુઓ વચ્ચે ભાજપ-કોંગ્રેસ જેટલો ચોખ્ખો તફાવત હતો ત્યારે શિયાળો બેસતાંવેંત ઘણાં પરિવારો શિયાળામાં ફ્રિજ બંધ કરવાની હદનાં પગલાં લેતાં હતાં. શિયાળાના દિવસોમાં ફ્રિજ કબાટ તરીકે વપરાતું. તેમાં ઇસ્ત્રી કરેલાં કપડાં મુકાયા હોવાના દાખલા ઇતિહાસમાં નોંધાયેલા છે. (એ ઇતિહાસ હજુ પ્રકાશિત નથી થયો એ જુદી વાત છે.) છેક આ હદે જવા ન ઇચ્છતા કેટલાક વડીલો ‘હવેથી ફ્રિજમાં પાણીના જગ-બોટલ મૂકવા નહીં’ એવો આદેશ જારી કરીને શિયાળાના સત્તાવાર પ્રારંભનું એલાન કરતા હતા. તેમનો વટહુકમ ઉનાળાના દિવસો શરૂ થઇ જાય ત્યાં સુધી અમલી રહેતો. વાતાવરણમાં ગરમી થવા લાગે અને કાવ્યાત્મક બાનીમાં કહીએ તો, પંખો જોઇને હૃદયમાં સ્વીચ પાડવાની ઊર્મિ જાગે, ત્યારથી ફરી એક વાર ફ્રિજમાં પાણીના જગ મૂકાવાનો સિલસિલો ચાલુ થતો.

ફ્રિજની નવાઇ હતી ત્યારથી શરૂ થયેલો ફ્રિજના પાણી વિરુદ્ધ માટલાના પાણીનો જંગ વર્ષો સુધી ચાલ્યો. સંસ્કૃતિપ્રેમી-આરોગ્યપ્રેમી-પરંપરાપ્રેમી વર્ગ ફ્રિજના પાણીને ઉતારી પાડવા અને તેની પર માટલાના પાણીની સરસાઇ સિદ્ધ કરવા હંમેશાં તત્પર હતો. તેમનો હુમલો બેપાંખિયો રહેતોઃ માટલાના પાણીનો મહિમા અને ફ્રિજના પાણીની અનિષ્ટ અસરો.

અખબારી આયુર્વેદાચાર્યો આદુ કે લસણ કે હળદર કે તુલસીના ‘ઔષધીય ગુણ’ વર્ણવતી વખતે જેમ પ્રમાણભાન ગુમાવી બેસે છે અને તે કફથી એઇડ્‌સ સુધી બધા રોગોમાં ગુણકારી ગણાવવા લાગે છે, એવું જ માટલાપ્રેમીઓની બાબતમાં થતું. એક તરફ તે ફ્રિજના પાણીથી થનારા સંભવિત રોગોની બિહામણી યાદી આપતા. તેની સાથોસાથ, લતા મંગેશકરને તેમના ગુરુએ ફ્રિજનું પાણી નહીં પીવાની સલાહ આપી હતી, એવી ખુફિયા- ખુદ લતા મંગેશકરને પણ ખબર ન હોય એવી- બાતમીઓથી માંડીને, સાયગલ હંમેશાં માટલાનું જ પાણી પીતા હતા એવી જાણકારી તે પૂરી પાડતા હતા. ‘માટલાનું પાણી ફ્રિજના પાણી કરતાં પણ વધારે ઠંડું હોય છે’ એ તેમનું બીજું દલીલાસ્ત્ર હતું. આર્ય-દ્રવિડ સંઘર્ષ પ્રકારના આ જંગમાં માટલા-બ્રિગેડને પીછેહઠ કરવી પડી અને ફ્રિજ-પલટણનો વિજય થયો. હવે ઉનાળામાં ઘણાં ઘરમાં ફ્રિજનું પાણી પીવું કે માટલાનું એની ચર્ચા થતી નથી. ફ્રિજમાંથી કાઢેલી બોટલ, કોઇ જુએ નહીં એમ સીધી મોઢે માંડવી કે બોટલમાંથી સભ્યતાપૂર્વક પાણી પ્યાલામાં કાઢીને પીવું- એ વિવાદનો મુખ્ય મુદ્દો હોય છે. કેટલાક લોકોને ફ્રિજના પાણીમાં પણ એટલું ઠંડું પાણી જોઇએ છે કે ‘એ ગયા જનમમાં ધ્રવપ્રદેશનાં સફેદ રીંછ હશે?’ એવી શંકા, પૂર્વજન્મમાં ન માનતા લોકોને પણ થાય.

સમદૃષ્ટિ ધરાવતા ઘણા લોકોએ, બીજી વધારે મહત્ત્વની સમસ્યાઓ પર ઘ્યાન કેન્દ્રિત કરી શકાય એ માટે, ફ્રિજ વિરુદ્ધ માટલાના વિવાદમાંથી રાજીનામું આપી દીઘું છે. તેમ છતાં, આદર્શપણાના ખ્યાલથી ઉભરાતા યજમાનો ક્યારેક તેમની કસોટી કરી નાખે છે. ‘કયું પાણી આપું? માટલાનું કે ફ્રિજનું?’ એવા સવાલના જવાબમાં ‘કોઇ પણ ચાલશે’ સાંભળીને તેમને પોતાના યજમાનધર્મનું અપમાન લાગે છે. ‘એવું તે કંઇ હોય? તમારે જે જોઇએ - તમને જે ફાવતું હોય તે છે. ઉકાળેલું ફાવતું હોય તો એવું પણ છે ને બરફનું જોઇતું હોય તો એવું પણ બનાવી દઉં. વાર કેટલી?’

વિકલ્પો સાથે જવાબ આપનારની મૂંઝવણ અને અકળામણ વધે છે. ‘હું જૂઠું નથી બોલતો’ના હાવભાવ સાથે એ બોલી ઉઠે છે, ‘ખરેખર, કોઇ પણ ચાલશે. આપણને એવું કશું નથી.’ પરંતુ યજમાન પોતાના ધર્મમાર્ગેથી એમ ચ્યુત નહીં થાય તેની ખાતરી થતાં, તે કોઇ પણ એક પ્રકારનું નામ પાડીને પોતે મુક્ત થાય છે અને યજમાનને પણ અપરાધભાવમાંથી મુક્ત કરે છે.

સામાન્ય લોકો તરસ છીપાવવા માટે પાણી પીએ છે, પણ કેટલાક જાણભેદુઓ આરોગ્યનાં અવનવાં કારણસર પાણી ગટગટાવે છે.  ક્યાંક એમના વાંચવામાં આવે કે સવારે ઉઠ્‌યા પછી બ્રશ કર્યા વિના એક લીટર પાણી પીવું જોઇએ. એટલે તે પાણીને દવાની માફક પીવાનું શરૂ કરે છે. કોઇ કહે કે આખા દિવસમાં પીવાય એટલું પાણી પીવું જોઇએ, એટલે તે પાણી પીવાની બાબતમાં માણસ મટીને ઊંટ બની જાય છેઃ જ્યારે જ્યાં જેટલું મળે એટલું પાણી પીવું. ન પીવાય તો પણ પીવું. કારણ? ‘ગુણ કરે.’ આવા લોકોને જોઇને ‘પ્યારકો પ્યાર હી રહેને દો, કોઇ નામ ન દો’ એ પંક્તિ જરા ફેરફાર સાથે ટાંકવાનું મન થાય, ‘પાણીને પાણી જ રહેવા દો અને એ જ રીતે પીઓ તો ઘણું છે.’

Tuesday, April 24, 2012

સિયાચીન : શાણપણ અને સત્તાનો સંઘર્ષ

એપ્રિલ ૭ના રોજ પાકિસ્તાનના ગયારી વિસ્તારમાં બરફનું તોફાન આવ્યું. તેમાં આશરે સવા સો પાકિસ્તાની સૈનિકોએ જીવ ખોયા.  ગયારીમાં જે બન્યું તે પ્રકારની દૃષ્ટિએ નખશીખ કુદરતી દુર્ઘટના હતી, પરંતુ તેના કારણે થયેલી જાનહાનિ સંપૂર્ણપણે માનવસર્જિત હતી. આશરે ૧૩ હજાર ફીટ ઊંચાઇ પર આવેલા ગયારી સેક્ટરમાં બરફનું તોફાન આવે એ સમજાય,પણ ત્યાં આટલી મોટી સંખ્યામાં સૈનિકો શું કરતા હતા?

એક જ લીટીમાં તેનો જવાબઃ ગયારી સેક્ટર ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી સિયાચીન ગ્લેશિયર/ Siachen Glacier(હિમનદી) પાસે આવેલું છે. આશરે ૭૫ કિલોમીટર લાંબી સિયાચીન હિમનદીના પ્રદેશ પર માલિકી પુરવાર કરવા માટે ચારેક દાયકાથી પાકિસ્તાન અને ભારત વચ્ચે સાઠમારી ચાલે છે. તેમાં અત્યાર લગી ભારતનું પલ્લું ભારે રહ્યું છે અને પાકિસ્તાનના ભાગે નિષ્ફળતા આવી છે. પરંતુ સવાલ એ થાય કે સિયાચીન જેવી દુર્ગમ અને લગભગ નકામી કહી શકાય એવી જગ્યા માટે બન્ને દેશો શું કામ ખુવાર થતા હશે? જેમાં સરવાળે બન્ને પક્ષોને કશો ફાયદો થવાનો ન હોય, એવી ખેંચતાણ અને તેના પગલે થતી જાનમાલની ખુવારી ટાળી ન શકાય?

પાકિસ્તાની સેનાપતિ જનરલ કિયાનીએ સવાસોથી પણ વઘુ સૈનિકો ગુમાવ્યા પછી ‘સિયાચીનની સમસ્યા ઉકલે અને બન્ને દેશોને તેની કિંમત ચૂકવવી ન પડે’ એવી આશા વ્યક્ત કરી છે. તેમની પહેલાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝશરીફે ગયારીની મુલાકાતે ગયા પછી બન્ને દેશો પોતપોતાની સૈનિકટુકડીઓ ત્યાંથી પાછી ખેંચી લે એવી  લાગણી જાહેર કરી અને કહ્યું કે આ બાબતમાં ભારત પહેલ ન કરે, તો પાકિસ્તાને પહેલું પગલું ભરવું જોઇએ.

જ્યાં મોટા ભાગના સૈનિકો આપસી લડાઇમાં નહીં, પણ બર્ફીલા હવામાન સામે હારીને મોતને ભેટે છે અને જ્યાં શૂન્યથી ત્રીસ-ચાળીસ અંશ સેલ્સીયસ તાપમાનમાં સૈનિકટુકડીઓને નિભાવવા માટે રોજનો પાંચ-છ કરોડ રૂપિયા ખર્ચ થાય છે, એ સિયાચીન દુનિયાનું સૌથી ઊંચું રણમેદાન ક્યારે અને કેવી રીતે બન્યું?

વ્યૂહાત્મક વિજય


સ્થાનિક ભાષામાં ‘સિયા’ એટલે ગુલાબ અને ‘ચીન’ એટલે -ની જગ્યા. આ નામ સાર્થક કરતા સિયાચીનની ખીણોમાં પુષ્કળ ગુલાબ ઉગે છે, પણ ૧૯૮૪થી સિયાચીનનો વાસ્તવિક અર્થ છેઃ પૃથ્વી પરનું સૌથી ઊંચું - સૌથી વિષમ યુદ્ધમેદાન. તેની માલિકી વિશે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ અને ભારતના વિજય સુધી કોઇ વિવાદ ન હતો.  સિયાચીન જેવા ઉજ્જડ બર્ફીસ્તાનમાં વાવટા ખોડવાનો કોઇને અભરખો પણ ન હતો. એટલે જ, ભારત-પાકિસ્તાન વચ્ચેની અંકુશરેખા- લાઇન ઓફ કન્ટ્રોલ- એનજે ૯૮૪૨ નામના પોઇન્ટ પર આવીને અટકી જતી હતી. ત્યાંથી આગળના પ્રદેશની દુર્ગમતા જોઇને, ત્યાં સરહદ આંકવાની જરૂર બન્ને દેશોને લાગી નહીં. એનજે ૯૮૪૨થી અંકુશરેખા ‘ઉત્તરે આગળ ગ્લેશિયર તરફ’ રહેશે એવું ઠરાવવામાં આવ્યું.૧૯૭૧ના યુદ્ધમાં પરાજિત થયેલા પાકિસ્તાને ૧૯૭૨થી જ સિયાચીનના મુદ્દે અવળચંડાઇ શરૂ કરી દીધી. સિયાચીનને પાકિસ્તાનના નકશામાં દર્શાવવાથી માંડીને, ત્યાં પર્વતારોહણ માટે પરવાનગીઓ આપવાનો સિલસિલો શરૂ થયો. વિદેશી પર્વતારોહકો પાકિસ્તાની  સરકારની મંજૂરીથી સિયાચીનમાં પર્વતારોહણ કરે, એટલે જાણે એ પ્રદેશ પર પાકિસ્તાનની માલિકી આપોઆપ સિદ્ધ થઇ જાય. દરમિયાન ભારત તરફથી પણ પર્વતારોહકો, પાકિસ્તાનની પરવાનગીની જરૂર જોયા વિના, સિયાચીન જતા હતા.

દેખીતી રીતે નકામા સિયાચીન પર કબજો જમાવવા પાછળ પાકિસ્તાનના બે મુખ્ય હેતુઃ ૧) એ વિસ્તારના મહત્ત્વના ઘાટ જીતી લેવાય તો કારાકોરમ ઘાટ થઇને ચીન સાથે સીધો સંપર્ક સ્થાપીત કરી શકાય, જે વ્યૂહાત્મક રીતે ભારતને ભારે અડચણરૂપ નીવડી શકે. ૨) ભારત સામે યુદ્ધમાં કારમા પરાજય પછી, સિયાચીન ‘જીતીને’- એટલે કે રેઢું પડેલું સિયાચીન પચાવી પાડીને- પ્રજાને પાનો ચઢાવી શકાય.

સિયાચીન ગ્લેશિયરની પશ્ચિમે આવેલા ત્રણ મહત્ત્વના ઘાટ- સિઆ લા, બિલાફોન્ડ લા અને ગ્યોન્ગ લા- પર ભારતીય સૈનિકોનું આધિપત્ય હતું, પરંતુ શિયાળામાં ભયંકર આબોહવાથી બચવા માટે તે ઓછી ઊંચાઇ પરની ચોકીમાં આવી જતા હતા. ૧૯૮૪માં ભારતીય સૈનિકોએ ઘાટની ઊંચાઇ છોડી, તેનો ગેરલાભ લઇને પાકિસ્તાની સૈનિકોએ ત્રણે ઘાટ પર અડીંગો જમાવી દીધો. (પંદર વર્ષ પછી કારગીલમાં પણ પાકિસ્તાને આ જ પદ્ધતિ અજમાવીને ઊંચાઇ પરની ચોકીઓ પચાવી પાડી.)

ભારત માટે આ ત્રણે ઘાટ ફરી જીતી લેવાનું જરૂરી બન્યું. ઠંડાગાર વાતાવરણમાં, આકરા ઢોળાવ ચઢીને ઊંચાઇ પર આવેલી ચોકી જીતી લેવાનું કામ અત્યંત કઠણ હતું. એ માટે ‘ઓપરેશન મેઘદૂત’ જેવું સાંકેતિક નામ ધરાવતી લશ્કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. એપ્રિલ ૧૩, ૧૯૮૪ના રોજ શરૂ થયેલા ઓપરેશનમાં ભારતીય સૈન્યની કુમાઉ બટાલિયનના સૈનિકોને જ્વલંત સફળતા મળી. નિવૃત્ત લેફ્‌ટ.કર્નલ દલજિતસિંઘના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનના આશરે ૨૦૦ અને ભારતના ૩૬ સૈનિકો ‘ઓપરેશન વિજય’માં મૃત્યુ પામ્યા.

ભારતે મહત્ત્વના ત્રણે ઘાટ પર ફતેહ મેળવી લીધી, પરંતુ એ દિવસથી રોપાયેલાં અવિશ્વાસનાં બી વધીને વટવૃક્ષ બની ગયાં છે. પાકિસ્તાને ત્યાર પછી ભારતને ભરોસો પડે એવી એક પણ ચેષ્ટા કરી નથી. ઉલટું, ૧૯૮૭માં ફરી એક વાર ભારતીય સૈનિકોએ શિયાળામાં એક પોઇન્ટ ખાલી કર્યો ત્યારે પાકિસ્તાની સૈનિકોએ રાબેતા મુજબ ત્યાં અડ્ડો જમાવી દીધો અને એ જગ્યાને કાઇદ-એ-આઝમ ઝીણાના નામ પરથી ‘કાઇદ પોસ્ટ’નું નામ આપી દીઘું. આશરે ૨૧ હજાર ફીટની ઊંચાઇ પર આવેલા આ પોઇન્ટ પર નીચેથી ચઢાઇ કરીને કબજો મેળવવાનો વિચાર સુદ્ધાં અશક્ય લાગે,
પણ નાયબ સુબેદાર બાનાસિંઘ/ Bana Singhની આગેવાની હેઠળ આઠમી જમ્મુ-કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી બટાલિયનના ચુનંદા જવાનોએ, બરફવર્ષાની વચ્ચે એક જ દિવસમાં એ ચોકી કબજે કરી. આ પરાક્રમ બદલ બાનાસિંઘ જીવતેજીવ ‘પરમવીર ચક્ર’થી સન્માનિત થયા અને એ ચોકીનું નામ ‘કાઇદ પોસ્ટ’માંથી બદલીને ‘બાના પોસ્ટ’/ Bana Post કરી દેવાયું.

૧૯૮૪ અને ૧૯૮૭ની સિયાચીન ધૂસણખોરી પછી ૧૯૯૯માં કારગીલમાં એ જ પદ્ધતિએ ઊંચાઇ પરની ચોકીઓ પડાવી લેવાની પાકિસ્તાની કાર્યવાહી પછી તેની પર ભરોસો મૂકવાનું ભારત માટે કપરું છે. એક નહીં, ત્રણ-ત્રણ વાર છેતરાઇ ચૂક્યા પછી સિયાચીનના મુદ્દે ભારત સાવધાનીથી વર્તે અને પાકિસ્તાનના ઇરાદા પ્રત્યે શંકા રાખે એ બિલકુલ વાજબી છે. સાથોસાથ, સિયાચીન નિમિત્તે થતા અઢળક ખર્ચ અને નિરર્થક જાનહાનિ અટકે એ પણ સમયનો તકાદો લાગે છે. સિયાચીનના પર્યાવરણની ચિંતા કરનારા પ્રકૃતિપ્રેમીઓ અને યુદ્ધવિરોધી શાંતિપ્રેમીઓ જ નહીં, સિયાચીનની લડાઇનું પ્રતીક બની ચૂકેલા બાનાસિંઘ જેવા લોકો પણ ઇચ્છે છે કે બન્ને દેશો સિયાચીનને પૂર્વવત્‌- રેઢું મૂકી દે અને સિયાચીનના સંઘર્ષનો અંત આણે
.
આશાવાદ અને વાસ્તવિકતા

પર્યાવરણપ્રેમીઓ, શાંતિપ્રેમીઓ અને અભ્યાસીઓ ઘણા વખતથી સિયાચીન-સંઘર્ષની કારમી અસલીયત જાહેરમાં મૂકી રહ્યા છે. એક અભ્યાસીએ આ મુદ્દે ભારત-પાકિસ્તાનની ખેંચતાણને ‘બે ટાલિયા વચ્ચે કાંસકા માટેનું યુદ્ધ’ ગણાવી છે. સિયાચીનમાં સૈનિકોને વેઠવી પડતી મુશ્કેલી અને તેની સામે નહીંવત્‌ ઉપલબ્ધિ જોતાં, આ સરખામણી સચોટ લાગે.

પાકિસ્તાનને હઠાવીને ભારતે ઊંચાઇ પરની ચોકીઓ જીતી લીધી, એ લશ્કરી વ્યૂહરચનાની દૃષ્ટિએ તેની જીત છે. પરંતુ એ જ બાબત  ખર્ચાનો ખાડો અને સૈનિકોના જીવનું જોખમ પણ બની છે. ભારતને સિયાચીનની ચોકીઓ સુધી માલસામાન પહોંચાડવા માટે ૧૭-૧૮ હજાર ફીટ ઊંચાઇ પર ઉડી શકે એવાં હેલિકોપ્ટર પર આધાર રાખવો પડે છે. પ્રમાણમાં નીચા સ્તરે ચોકી ધરાવતા પાકિસ્તાન માટે સડકરસ્તે સૈનિકોને સામગ્રી પહોંચાડવાનું શક્ય છે.

કાતિલ ઊંચાઇ પર ફરજ બજાવતા સૈનિકોની હાડમારીનો પાર નથી. સદા શૂન્યથી નીચે તાપમાનમાં જીવન ટકાવી રાખવા માટે પાણી કરતાં પણ કેરોસીનનું મહત્ત્વ વધારે છે. કારણ કે ચોતરફ થીજેલા બરફમાંથી પાણી બનાવવું હોય તો કેરોસીનની જરૂર પડે છે. કેરોસીનનો પુરવઠો મોકલવા માટે હેલિકોપ્ટરની સેવાઓ લેવી ન પડે એ માટે, બાર વર્ષ પહેલાં ૧૨૧ કિલોમીટર લાંબી કેરોસીન-ઓઇલ પાઇપલાઇન કાર્યરત બની છે. પ્રતિ કિલોમીટર ચાર લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં ૨૪ પમ્પિંગ સ્ટેશન ઉભાં કરાયાં છે, જે ભારતીય સૈન્યનાં હેલિકોપ્ટરની ખેપનો ખર્ચ બચાવી લે છે. તેમ છતાં, રોજિંદા વપરાશની દરેકેદરેક ચીજવસ્તુઓ હેલિકોપ્ટર મારફત લાવવી પડતી હોય ત્યારે થતા ભારે ખર્ચનો અંદાજ માંડી શકાય છે.

સૈનિકો માટે જરૂરી ચીજવસ્તુઓ કરતાં પણ વધારે મોટો પ્રશ્ન અસ્તિત્ત્વ ટકાવી રાખવાનો છે. ‘અહીં ઓક્સિજન ૩૦ ટકા ઓછો, પણ ૧૦૦ ટકા શુદ્ધ મળશે’ એવું બેઝકેમ્પના હવાઇમથક પાસેનું પાટિયું કારમી પરિસ્થિતિનો હળવાશથી ખ્યાલ આપે છે. ડગલે ને પગલે હિમડંખ, બરફાચ્છાદિત સપાટી પરનાં ખતરનાક પોલાણ (બર્ફીલા ભૂવા) સૈનિકો માટે યમદૂત બનીને ઝળુંબતા હોય છે. સહેજ ગાફેલિયતનું સીઘું પરિણામ મોત અને ટકી ગયેલા સૈનિકોને સિયાચીન-નિવાસની શારીરિક-માનસિક અસરો વેઠવાની રહે છે.

આ બઘું ઘ્યાનમાં રાખતાં, જનરલ કિયાની અને નવાઝ શરીફે વ્યક્ત કરેલા આશાવાદમાં સૂર પુરાવવાનું મન થાય, પરંતુ પાકિસ્તાનનું સત્તાવાર વલણ આ મામલે સાવ જુદું રહ્યું છે. સિયાચીન મુદ્દે કોઇ પણ પ્રકારની વાટાઘાટો કરતાં પહેલાં પાકિસ્તાને અત્યારની પરિસ્થિતિ- એક્ચુઅલ ગ્રાઉન્ડ પોઝિશન લાઇન- માન્ય રાખવી અને તેનું ઉલ્લંઘન નહીં થાય તેની બાંહેધરી આપવી, એવી ભારતની પ્રાથમિક શરત છે. પાકિસ્તાનને એ મંજૂર નથી. તેના દ્વારા સૂચિત ચાર તબક્કા છેઃ સૌથી પહેલાં સૈન્યો પાછાં ખેંચવા- એટલે કે ૧૯૮૪ની સ્થિતિમાં આવી જવું, પછી નવેસરથી અંકુશરેખા દોરવી અને તેને અધિકૃત બનાવવી. મહામહેનતે સિયાચીન હાંસલ કરનાર અને ભારે કિંમત આપીને તેની પરનો કબજો ટકાવી રાખનાર ભારત આ શરત સ્વીકારી શકે તેમ નથી.  એટલે બર્ફીલાં તોફાનો અને મોટી દુર્ઘટનાઓ સિવાય સામાન્ય સંજોગોમાં, પાકિસ્તાની નેતાગીરીમાં શાણપણ પ્રગટે એવી આશા રહેતી હોવા છતાં, તેની ખાસ સંભાવનાઓ દેખાતી નથી. 

Sunday, April 22, 2012

થ્રી-ડી ‘ટાઇટેનિક’ : રોમાંચક રૂપાંતરની આંતરિક કથા‘ટાઇટેનિક’ જેવી ફિલ્મને ટુ-ડીમાંથી થ્રી-ડીમાં ફેરવવી એટલે?  ‘નેઇલકટરથી આખા બગીચાનું ઘાસ કાપવું.’ આ સરખામણી ‘ટાઇટેનિક’ના ડાયરેક્ટર જેમ્સ કેમેરને આપી છે. તેમની વાતમાં અલ્પોક્તિ હોઇ શકે છે, અતિશયોક્તિ નહીં.

સાદી (ટુ-ડી) ફિલ્મનું  થ્રી-ડી રૂપાંતર કરવા માટે તેની પ્રત્યેક ફ્રેમને ‘સંસ્કાર’ આપવા પડે. ફિલ્મની એક સેકન્ડમાં સરેરાશ ૨૪ ફ્રેમ હોય. એ હિસાબે ૧૯૭ મિનીટ લાંબી ‘ટાઇટેનિક’માં આશરે ૨.૭૯ લાખ ફ્રેમમાં થ્રી-ડીની જરૂરિયાત પ્રમાણે કલાકસબ કરવો પડે. આ કામ એક વર્ષથી પણ વઘુ સમયમાં, જેમ્સ કેમેરનની દેખરેખ તળે, ૩૦૦ કમ્પ્યુટર કલાકારો દ્વારા, ૧.૮ કરોડ ડોલરના ખર્ચે સંપન્ન થયા પછી ‘ટાઇટેનિક’નું થ્રી-ડી સ્વરૂપ દિવસનું અજવાળું- એટલે કે થિએટરનું અંધારું- જોવા પામ્યું.

કોઇ પણ દૃશ્ય થ્રી-ડી એટલે કે લંબાઇ, પહોળાઇ ઉપરાંત ઉંડાણ  ધરાવતું દેખાય? તેનો સાદો જવાબ છેઃ એકબીજા વચ્ચે સરેરાશ અઢી ઇંચનું અંતર ધરાવતી મનુષ્યની ડાબી આંખ અને જમણી આંખ એક જ વસ્તુનાં પોતપોતાની રીતે બે જુદાં દૃશ્ય ઝીલે છે. સહેજ જુદા એન્ગલથી ઝડપાયેલાં બન્ને દૃશ્યો મગજમાં ભળે ત્યારે દુનિયા થ્રી-ડી દેખાય છે.

વાસ્તવિકતા ખરેખર થ્રી-ડી હોવાથી એ જોવા માટે માણસના મગજને વધારાનું કષ્ટ લેવું પડતું નથી. પરંતુ પડદા પરની ફિલ્મની વાત જુદી છે. એ હકીકતમાં થ્રી-ડી હોતી નથી. તેમાં બે આંખ વચ્ચે હોય એટલું અંતર ધરાવતા બે કેમેરાની મદદથી એક જ દૃશ્યની બે ફિલ્મ ઉતારવામાં આવે છે. તેમના સંયોજનથી પડદા પર રચાતાં દૃશ્યો ઘૂંધળાં અને અસ્પષ્ટ હોય છે. થ્રી-ડી ચશ્મા પહેર્યા પછી એક જ દૃશ્યમાંથી ડાબી આંખ ડાબું અને જમણી આંખ જમણી તરફનું દૃશ્ય તારવીને મગજને મોકલે છે. એટલે મગજ તેને થ્રી-ડી તરીકે ગ્રહણ કરે છે.

પ્રચલિત માન્યતા એવી છે કે પહેલેથી જ થ્રી-ડીમાં ઉતરેલી ‘એવેટર’ (હિંદીમાં ‘અવતાર’) જેવી ફિલ્મમાં ‘અસલ થ્રી-ડીની મઝા’ આવે, જ્યારે ‘ટાઇટેનિક’ જેવી રૂપાંતરિત થ્રી-ડીમાં એવો અહેસાસ ન આણી શકાય. ટેકનોલોજીના નિષ્ણાતો જોકે આ વાત સ્વીકારતા નથી. તેમનો ખુલાસોઃ પડદા પર રજૂ થતી થ્રી-ડી ફિલ્મનું મૂળભૂત કામ મગજને છેતરવાનું છે. એક જ દૃશ્યના બે જુદા એન્ગલ પહેલેથી શૂટ થયા હોય કે બીજો એન્ગલ પાછળથી ઉમેરાયો હોય, એનાથી દિમાગને કશો ફરક પડતો નથી. શરત એટલી કે થ્રી-ડી રૂપાંતરની પ્રક્રિયા સરખી રીતે થવી જોઇએ. આ હકીકતનો પુરાવો આપતાં કહેવાય છે કે ‘એવેટર’નું  શૂટિંગ  જેમ્સ કેમેરને ખાસ તૈયાર કરાવેલા થ્રી-ડી કેમેરામાં થયું હતું. ફિલ્મનો કેટલોક હિસ્સો ટુ-ડીમાં શૂટ કરીને, પાછળથી થ્રી-ડીમાં રૂપાંતરિત કરાયો. પરંતુ ફિલ્મમાં ‘અસલી થ્રી-ડી’ અને ‘રૂપાંતરિત થ્રી-ડી’ દૃશ્યો વચ્ચેનો ભેદ દર્શકો તો ઠીક, ટેકનિશ્યનો પણ ઘણી વાર પાડી શકતા ન હતા.
Avatar ફિલ્મનાં દૃશ્યોની કારીગરી જોતા જેમ્સ કેમેરન / courtesy : Wired

‘એવેટર’ જેવી ફિલ્મ થ્રી-ડીમાં બનતી હોય, છતાં તેમાં કેટલુંક શૂટિંગ  ટુ-ડીમાં કર્યા પછી તેનું થ્રી-ડી રૂપાંતર કરવાનો શો અર્થ? તેનો જવાબ મેળવવા માટે આ બન્ને પ્રકારના  શૂટિંગ ની ખાસિયતો અને મર્યાદાઓ પર અછડતી નજર કરીએ. થ્રી-ડી  શૂટિંગ  કરવા માટે વપરાતી, ‘કેમેરા રીગ’ તરીકે ઓળખાતી કેમેરા પ્રણાલી તોતિંગ હોય છે. તેનાથી થતા  શૂટિંગ  વખતે સ્ટીરીઓ મોનિટર જેવી ખાસ સાધનસામગ્રી અને નિષ્ણાતોની જરૂર પડે છે. (સ્પેશ્યલ ઇફેક્ટ્‌સના જમાનામાં કમ્પ્યુટર થકી  બનેલાં મોડેલ ‘થ્રી-ડી’ તરીકે ઓળખાય છે. ફિલ્મના સંદર્ભે થ્રી-ડી માટે વપરાતો શબ્દ છેઃ ‘સ્ટીરીઓસ્કોપીક’)

થ્રી-ડી કેમેરામાં  શૂટિંગ  માટે બન્ને કેમેરામાં દેખાતાં દૃશ્યો વચ્ચે, ખાસ કરીને કેટલીક નાજુક બાબતોનો ચીવટપૂર્વક મેળ સાધવો પડે છે. જેમ કે સામે દેખાતા દૃશ્યમાં ડામરનો રોડ હોય, તો તેની પર પડતા તડકાની અસર બે જુદા ખૂણેથી જુદી દેખાય. શૂટિંગ  પછી તેમાં યથાયોગ્ય ફેરફાર કરવામાં ન આવે, તો ફાઇનલ દૃશ્ય જોતી વખતે બે દૃશ્યો સંપૂર્ણપણે એકરૂપ થઇ શકે નહીં. પરિણામે થ્રી-ડીના અહેસાસમાં થોડી કસર રહી જાય. એવું જ પાણી કે કાચમાં દેખાતા પ્રતિબિંબ જેવી ચીજો માટે પણ ઘ્યાન રાખવું પડે. (તેમાં ગોટાળા થાય ત્યારે ટુ-ડી  શૂટિંગ કરીને થ્રી-ડી રૂપાંતર કરવું પડે.) સામે પક્ષે, થ્રી-ડી કેમેરાથી શૂટ કરવાનો એક ફાયદો એ છે કે તેમાં આગ, ઘુમાડો, વરસાદ, પાંદડાં જેવી ચીજો આબેહૂબ, વધારાની મહેનત વિના, ઝીલી શકાય છે.

ટેકનોલોજી સાથે સંકળાયેલા ઘણા નિષ્ણાતો હવે એવું માનતા થયા છે કે થ્રી-ડી  શૂટિંગના ગેરલાભોની યાદી લાભ જેટલી જ- કે તેનાથી પણ વધારે લાંબી છે. કેટલાંક ઉદાહરણઃ એક વાર થ્રી-ડી કેમેરામાં શૂટ થઇ ગયેલાં દૃશ્યોમાં એકલદોકલ ચીજવસ્તુના ઊંડાણમાં ફેરફાર કરી શકાતો નથી. થ્રી-ડી કેમેરાનું માળખું ઘણું મોંધું અને વાપરવા માટે ખાસ પ્રકારની કુશળતા માગી લેનારું છે. સાદા કેમેરા કરતાં થ્રી-ડી  શૂટિંગની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલે છે. એટલે વધારે ખર્ચાળ બને છે. સારું થ્રી-ડી  શૂટિંગ  કરતા કેમેરા લેન્સમાં સાદા કેમેરાના લેન્સ જેટલું વૈવિઘ્ય મળતું નથી. સ્પેશ્યલ ઇફેક્ટ્‌સ વાપરવાની હોય ત્યારે મામલો વધારે પેચીદો અને સરવાળે વધારે ખર્ચાળ બને છે. ગમે તેટલી ચોક્સાઇથી થ્રી-ડી  શૂટિંગ  કર્યા પછી પણ બે જુદા એન્ગલનાં દૃશ્યો વચ્ચે રંગ, પ્રકાશ અને સીધ  મેળવવા જેવી કડાકૂટ ઉભી રહે છે. એ વિના ધાર્યું પરિણામ મળતું નથી.

ફિલ્મ થ્રી-ડીમાં બનાવવી હોય તો પણ તેનું મૂળભૂત  શૂટિંગ ટુ-ડીમાં કરવાનો વિકલ્પ ઘણી રીતે ફાયદાકારક નીવડી શકે છે. અમુક દૃશ્યો થ્રી-ડી અસરને ઘ્યાનમાં રાખીને યોજ્યાં હોય, તો રૂપાંતર વખતે મહત્તમ નાટકીયતા પેદા કરી શકાય છે. સૌથી મોટો ફાયદો ગણો તો ફાયદો અને મર્યાદા ગણો તો મર્યાદા પણ એ છે કે ટુ-ડી  શૂટિંગ ના એક દૃશ્યમાં રહેલી દરેકે દરેક ચીજને કે અભિનેતાને ઇચ્છિત ઊંડાણ બક્ષી શકાય છે (જે થ્રી-ડી  શૂટિંગમાં શક્ય નથી). આ સુવિધા વિવેકપૂર્વક અને કળાસૂઝથી વાપરતાં આવડે તો મૂળ થ્રી-ડી  શૂટિંગ  જેવું જ, બલ્કે ક્યારેક તેનાથી ચડિયાતું પરિણામ મેળવી શકાય છે. પરંતુ એ જ કામ આડેધડ હાથ ધરવામાં આવે તો તેનું પરિણામ થ્રી-ડી રૂપાંતરણનું નામ બોળે એવું હોય છે. પાત્રો કે દૃશ્યો જાણે કાર્ડબોર્ડ ચોંટાડીને બનાવ્યાં હોય એવાં કૃત્રિમ લાગી શકે છે.

થ્રી-ડીમાં રૂપાંતર પામેલી ‘ટાઇટેનિક’ કે બીજી ફિલ્મોમાં જુદી જુદી કંપનીઓ પોતપોતાની માલિકીના સોફ્‌ટવેર જેવી ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, પરંતુ દરેક ફ્રેમમાં કરવાની થતી મૂળભૂત કરામતો આટલીઃ   ટુ-ડીમાં એક દૃશ્યની એક જ ફ્રેમ હોય છે, જ્યારે થ્રી-ડીમાં એક જ દૃશ્યની બે જુદા ખૂણેથી લેવાયેલી બે ફ્રેમની જરૂર પડે છે. એ માટે મૂળ ટુ-ડી ફિલ્મને કોઇ એક બાજુની ફ્રેમ ગણીને તેને અનુરૂપ બીજી બાજુની ફ્રેમ તૈયાર કરવાની રહે છે. કેટલીક વાર મૂળ ટુ-ડી ફિલ્મને ફાઇનલ ગણીને તેના આધારે ડાબી અને જમણી તરફની ફ્રેમ તૈયાર કરવામાં આવે છે. રૂપાંતર વખતે બન્ને ફ્રેમો એક જ દૃશ્યની હોવા છતાં, એક તરફની ફ્રેમમાં ઢંકાઇ જતી ચીજનો બીજી તરફની ફ્રેમમાં ઉમેરો કરવો પડે છે. (કોઇ પણ દૃશ્ય વારાફરતી ડાબી અને જમણી આંખે જોતાં ફ્રેમમાં કેટલી ચીજોની બાદબાકી અને ઉમેરો થાય છે તેનો ખ્યાલ આવશે.)

થ્રી-ડીનો એટલે કે દૃશ્યના ઊંડાણનો વાસ્તવિક અહેસાસ આણવા માટે ફ્રેમમાં રહેલા દરેક પાત્ર અને ચીજને કેટલી ઊંડાઇ આપવી, એ નક્કી કરવું જરૂરી છે. આ હેતુ માટે દરેક ફ્રેમનો ‘ડેપ્થ મેપ’ તૈયાર કરવામાં આવે છે. આખી ફ્રેમને ઊંડાઇના જુદા જુદા તબક્કામાં- ‘ડેપ્થ પ્લેન’માં- વહેંચી નાખવામાં આવે છે, જેથી એક જ ઊંડાઇએ રહેલી જુદી જુદી ચીજવસ્તુઓ આગળપાછળ ન થઇ જાય.
એક જ દૃશ્યની ડાબા-જમણા એન્ગલથી લેવાયેલી ફ્રેમ અને નીચે તેનો ડેપ્થ મેપ

આટલું પૂરતું નથી. પાત્રોનાં શરીરના જુદા જુદા ભાગ પણ જુદી ઊંડાઇ ધરાવતા હોઇ શકે છે. જેમ કે, ફ્રેમમાં દેખાતો માણસ ત્રાંસો ઊભો હોય તો તેનો એક ખભો અંદરની તરફ અને બીજો ખભો બહારની તરફ હોય. એ બન્નેનું ઊંડાણ જુદું જુદું થાય. એક જ ‘ડેપ્થ પ્લેન’માં- ઊંડાણના એક જ સ્તરે હોય એવી ચીજવસ્તુઓ અને પાત્રોની આસપાસ લીટી દોરીને, તેમની હદ આંકી દેવામાં આવે છે. રોટોસ્કોપિંગ તરીકે ઓળખાતી આ પદ્ધતિને લીધે અલગ ઊંડાણ ધરાવતી બે ચીજો એકબીજામાં ભળી જવાને બદલે અલગ રહે છે.

ટુ-ડી ફ્રેમમાં એક પાત્ર બીજા પાત્રનો થોડો હિસ્સો ઢાંકીને ઊભું હોય તો થ્રી-ડી માટે એ બન્ને વચ્ચે યોગ્ય ‘અંતર’ ઊભું કરવું પડે છે, જેથી તે આગળપાછળ ઊભેલાં છે એવો ખ્યાલ આવે. પાત્રોનાં શરીર થ્રી-ડીમાં બતાવતી વખતે પણ સ્વાભાવિકતાનો અને પ્રમાણભાનનો ખ્યાલ રાખવો પડે છે.

‘ટાઇટેનિક’ની દરેકેદરેક ફ્રેમને થ્રી-ડી બનાવવામાં આવી છે, એવું પણ નથી. ‘એવેટર’ જેવી મુખ્યત્વે થ્રી-ડીમાં ઉતરેલી ફિલ્મ ખાસ ચશ્મા વિના જોતાં તેનું દરેક દૃશ્ય ઘૂંધળું દેખાશે, પરંતુ ‘ટાઇટેનિક’ના થ્રી-ડી રૂપાંતરમાં એવું બનતું નથી. તેનાં કેટલાંક દૃશ્યો ચશ્મા વિના પણ સ્પષ્ટ અને સુરેખ દેખાય છે. મતલબ કે, એ દૃશ્યો ટુ-ડીમાં જ રાખવામાં આવ્યાં છે. જેમ કે, લોંગ શોટમાં દરિયામાં તરતી ટાઇટેનિકનું દૃશ્ય. એવી જ રીતે, જહાજની રે શૂટિંગ  પર બે હાથ પહોળા રાખીને ઊભેલાં હીરો-હીરોઇનના ક્લોઝ-અપમાં બન્ને પાત્રોની આકૃતિ થ્રી-ડી ચશ્મા વિના પણ એકદમ સ્પષ્ટ દેખાય છે. ફક્ત તેમના લંબાયેલા હાથની હથેળી ઘૂંધળી દેખાય છે. એટલે કે, દૃશ્યની મૂળ ટુ-ડી ફ્રેમને થ્રી-ડી કરતી વખતે  ફક્ત હથેળીના ભાગમાં જ ઊંડાણ ઉમેરવામાં આવ્યું છે. આવું ઘણા ક્લોઝ-અપ દૃશ્યોમાં પણ જોઇ શકાશે.

ડાઇનિંગ રૂમનાં કે દાદર દેખાતો હોય એવાં દૃશ્યોમાં ઊંડાણનાં ઘણાં સ્તરે કામ કરવું પડે. એ વખતે ફ્રેમમાં મુખ્ય પાત્રને સંદર્ભબિંદુ/રેફરન્સ પોઇન્ટ તરીકે લઇને, તેમાં કશો ફેરફાર કરાયો નથી. ચશ્માની મદદ વિના પણ એ પાત્ર સ્પષ્ટ જોઇ શકાય છે, જ્યારે આજુબાજુનાં પાત્રો અને ચીજવસ્તુઓમાં ઊંડાણ ઉમેરવામાં આવ્યું છે. આવું કરવામાં આવે ત્યારે સંદર્ભબિંદુ વારંવાર બદલાયા ન કરે એ જરૂરી છે. કારણ કે એવું થાય તો દર્શકોને માનસિક કષ્ટ પડી શકે છે.

ટુ-ડીમાંથી થ્રી-ડી રૂપાંતરની પેચીદી પ્રક્રિયાનું આ પ્રાથમિક વર્ણન છે. રિલીઝ થયાનાં પહેલાં બે અઠવાડિયામાં વિશ્વભરમાં ટાઇટેનિકે  ૧૯.૧ કરોડ ડોલરનો ધંધો કર્યો છે, એ જોતાં બીજી સફળ ફિલ્મો પણ ‘ટાઇટેનિક’ને અનુસરે તે સ્વાભાવિક છે. (‘ઇન્સેપ્શન’ના થ્રી-ડી રૂપાંતરનું કામ શરૂ થઇ ચૂક્યું છે.) સફળતા માટે ફિલ્મ સારી હોવા ઉપરાંત બીજી શરત એટલી જ છે કે થ્રી-ડીનો આડેધડ ઉપયોગ કરવાને બદલે ફિલ્મ બનાવવા જેટલી જ ધીરજથી અને એવી કળાદૃષ્ટિથી તેનું રૂપાંતર થાય.

Wednesday, April 18, 2012

આઇસક્રીમની વેનીલા-લીલા


માણસની જેમ આઇસક્રીમ પણ બે જાતના હોય છેઃ પોતાના ભપકાદાર દેખાવથી બીજાને લલચાવનારા-આકર્ષનારા દેખાડાબાજ અને પોતાની સૌમ્ય સાદગી- શાંત આકર્ષણથી સામેવાળાના મન પર અસર પેદા કરનારા.

પહેલા પ્રકારમાં નખરાળાં નામ, કલરબોક્સ ઊંઘું પડી ગયું હોય એવા રંગ ને ડ્રાયફ્રુટનો ડબ્બો વેરાયો હોય એવા પદાર્થો ધરાવતા આઇસક્રીમનો સમાવેશ થાય છે. તેમને જોઇને અકારણ, રંગીન ઝભ્ભા પહેરીને હાસ્યાસ્પદ લાગતા માણસો યાદ આવે છે. કેટલાક ગુજરાતીઓ કોઇ પણ ખાદ્યપદાર્થનું - અને તેના આધારે યજમાનનું- મહત્ત્વ તેમાં પ્રતિ ચમચી (કે પ્રતિ કોળીયો) કેટલાં ડ્રાયફ્રુટ આવ્યાં તેની પરથી નક્કી કરે છે. એવી જનતા રંગીન ઝભ્ભા ને રંગબેરંગી આઇસક્રીમથી એકસરખી પ્રભાવિત થાય છે.

બીજા પ્રકારના માણસો આઇસક્રીમ - કે માણસ- વિશે એકદમ અભિપ્રાય બાંધી લેતા નથી. આઇસક્રીમનો કપ હાથમાં લીધા પછી, બે-ચાર ચમચી આઇસક્રીમ ખાતાં સુધી તે એવા તલ્લીન હોય છે કે તેમને આઇસક્રીમ કેવો લાગ્યો એવું પૂછવામાં તપોભંગની બીક લાગે. તે આઇસક્રીમને ચમચીમાંથી સીધો, યાંત્રિક ઢબે મોંમાં ઓરી દેતા નથી. લાકડાની ચમચીને વળગેલો આઇસક્રીમ તે એવી રીતે જીભ પર મૂકે છે, જાણે જીભના એકેએક સ્વાદતંતુ સુધી તેનો સ્વાદ પહોંચાડવાનો હોય. આ પદ્ધતિથી થયેલો સ્વાદનો નિર્ણય સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના જજમેન્ટ જેવો નીવડે છે. એ નિર્ણય સામે લડી ન શકાય. ફક્ત દયાની અપીલ થઇ શકે.

દેખાવ કે રંગને બદલે ગુણવત્તાને પ્રાધાન્ય આપતા ઘણા લોકો વેનીલા ફ્‌લેવરના પ્રેમી હોય છે. હા, એ જ વેનીલા, જે રંગબાજોને ધોળોધબ્બ લાગે છે. કપમાં પડ્યો હોય તો એ કોઇ તપસ્વીના શ્રાપથી રંગ ગુમાવી બેઠો હોય એવો ને ફેમિલી પેકમાં પડ્યો હોય તો કોઇ સફેદ સૌંદર્યસાબુના મોટી સાઇઝના લાટા જેવો લાગે. સવાલ દૃષ્ટિનો છે. કારણ કે વેનીલાપ્રેમીઓને એ જ આઇસક્રીમનો દેખાવ ચાંદની રાતે હિમાલયનાં ઉત્તુંગ શીખરોની ટોચે છવાયેલા બરફ જેવો પણ લાગી શકે છે. રાજ કપૂરના વુમન ઇન વ્હાઇટમાટેના મોહથી પરિચિત લોકો વેનીલાપ્રેમીઓનું આઇસક્રીમ ઇન વ્હાઇટઅંગેનું આકર્ષણ વધારે ઝડપથી સમજી શકશે.

આઇસક્રીમ ખાવા ખાતર આઇસક્રીમ ખાતા મોટા ભાગના લોકો વેનીલાને વિકલ્પ ગણતા જ નથી. વેનીલા પોતે એક ફ્‌લેવર છે, એવા સામાન્ય જ્ઞાનમાં કોઇને રસ હોતો નથી. વેનીલાનાં ફળોનો ફોટો બતાવ્યા પછી પણ લોકો તેના આઇસક્રીમને બદામ કે અંજીર કે કેરી કે કેળાંના આઇસક્રીમની સમકક્ષ દરજ્જો આપવા રાજી થતા નથી. વેનીલાનો સફેદ રંગ તેમને એટલો નીરસ અને નકામો લાગે છે કે કંઇ નહીં તો લોકલાજની બીકે પણ તે વેનીલા મંગાવતા નથી. કોઇ જોઇ જશે તો કેવું વિચારશેહમણાં સુધી તો એમને રાજભોગ ખાતા જોયા છે અને હવે સાવ વેનીલા પર આવી ગયા?’ થોડા લોકો પોતાની ભૂતકાળની સામાન્ય આર્થિક સ્થિતિનો બદલો લેવા માટે પણ વેનીલાને નાપસંદ કરે છે. કારણ કે સ્થિતિ સારી ન હોય ત્યારે એકમાત્ર પોસાતા આઇસક્રીમ તરીકે વેનીલા ખાધો હોવાથી, એ ફ્‌લેવરમાં તેમની ગરીબીનો સ્વાદ પણ ઉમેરાયેલો હોય છે.

હજુ સુધી કોઇએ વેનીલાને શોકના પ્રસંગે ખાવાના આઇસક્રીમતરીકે ઓળખાવ્યો નથી, એટલું સારું છે. બાકી, એક વાર બેસણા-સર્કિટમાં તેની એવી નામના થઇ જશે, તો પછી ઓળખીતા-પરિચિતના હાથમાં વેનીલાનો કપ જોઇને સામેવાળા વ્યવહારુ જણ પૂછશે, ‘કોણ ગયું?’ બીયરમાં તુલસીનું પાન નાખવાથી તે પ્રસાદથઇ જાય, એવો ઉદાર મત ધરાવતા વ્યવહારુ લોકો કહેશેઃ બેસણામાં ભડક કલરનો આઇસક્રીમ રાખ્યો હોય તો કેવું ઑડ લાગે?

એક સમયે સફેદ કપડાં પહેરનારની પ્રતિષ્ઠાનું પ્રતીક ગણાતાં હતાં, તેમ સફેદ (વેનીલા) આઇસક્રીમ ખાનારના ઊંચા ટેસ્ટનું પ્રમાણ ગણાવું જોઇએ, એવું કમ સે કમ વેનીલાપ્રેમીઓ તો માને જ છે. વેનીલાના પ્રેમી વર્ગમાં તેની આબરૂ બેદાગ ફ્‌લેવર તરીકેની છે. કોઇ પણ આઇસક્રીમની અસલિયત પારખવી હોય, તો તેની વેનીલા ફ્‌લેવર ચાખી જોવી- એવી અનુભવવાણીનું પ્રેમીઓ વખતોવખત પુનઃપ્રસારણ કરતા રહે છે.

ગાંધીવાદી લોકો ખાદીનો આઇસક્રીમ મળતો થાય ત્યાં સુધી, સાદગીના પ્રતીક તરીકે વેનીલા પર પસંદગી ઉતારી શકે છે. પરંતુ વખત જતાં જેમ ખાદીના નવા વૈભવી પ્રકાર વિકસ્યા એવું જ વેનીલા ફ્‌લેવરમાં પણ થયું છે. વેનીલાનો સ્વાદ અને તેની સાદગી બરકરાર રાખીને તેને વરણાગી બનાવવા માટે અવનવા અખતરા કરવામાં આવે છે અને તેનાં ફેન્સી નામ રાખવામાં આવે છે. જેમ કે, વેનીલા આઇસક્રીમમાં થતી થમ્સ અપ- કોકાકોલા-પેપ્સીની ભેળસેળ. ફ્‌લોટતરીકે ઓળખાતો આ પદાર્થ ચમચીથી ખાધો કહેવાય કે પીધો કહેવાય, એ નક્કી કરવું અઘરૂં પડે છે.

વેનીલાની સાદગી પર ઓવારી જનારાને આવાં ગતકડાં ગમતાં નથી. છતાં, એકાદ વાર ચાખ્યા પછી તેમને થાય છે કે આમ કરવાથી પણ નવી પેઢીમાં વેનીલા લોકપ્રિય થતો હોય તો કશું ખોટું નથી. (કંઇક આ જ પ્રકારના તર્કને અનુસરીને લખાતા ગુજરાતી ભાષાના ભેળસેળીયા સ્વરૂપને ગુજરાતી ફ્‌લોટકહી શકાય?) ફ્‌લોટનો જન્મ સ્વાભાવિક રીતે જ કોઇ ગુજરાતી મમ્મીના હાથે થયો હશે. ફ્રીઝરમાં ચીલ્ડ કરવા મૂકેલી થમ્સ અપની બોટલ ખુલીને, બાજુમાં પડેલા વેનીલા આઇસક્રીમના ખુલ્લા ડબ્બામાં ઢળી હશે. બન્ને ફેંકી દેવાં ન પડે અને બેસ્ટમાંથી વેસ્ટબન્યા પછી ફરી એક વાર વેસ્ટમાંથી બેસ્ટબનાવી શકાય એવી પવિત્ર ભાવનાથી પ્રેરાઇને તેમણે આ મિશ્રણ મહેમાનોને પીરસ્યું હશે. તેમને ભાવતાં એકાદ સંતાનની બર્થ ડે પાર્ટીમાં તેનો અખતરો થયો હશે અને એમ કરતાં નવી વાનગી અસ્તિત્ત્વમાં આવી હશે.

ફક્ત પ્રવાહી જ નહીં, નરમ ઘન પદાર્થોની જોડી પણ વેનીલા ફ્‌લેવર સાથે જમાવવાના પ્રયાસ સૌ પોતપોતાની રૂચિ પ્રમાણે, રેસિપીની પરિભાષામાં કહીએ તો સ્વાદાનુસાર’, કરતા રહે છે. જેમ કે, શરીર વધવાની ચિંતા ન કરતાં કેટલાંક મિત્રો વેનીલા સાથે ગાજરનો ઢીલો હલવો ખાવા માટે ઉશ્કેરણી કરે છે. ખરા વેનીલાપ્રેમીઓને વેનીલા-સેવન માટે કોઇ બાહરી આલંબનની જરૂર હોતી નથી. છતાં, પોતાની પ્રિય ફ્‌લેવરને નીતનવાં સ્વરૂપ ધારણ કરતી જોવાની લાલચ એ ટાળી શકતા નથી. એક વાર આ જાતના અખતરા કર્યા પછી બન્ને પક્ષે હિંમત ખુલી જાય છે. ત્યાર પછી બીજી કઇ વાનગીઓ સાથે વેનીલાના અખતરા થાય એની વિગતો અહીં આપવાનું સલાહભર્યું નથી. કારણ કે આ રેસિપીની કોલમ નથી અને વૈવિઘ્ય ખાતર વૈવિઘ્ય બતાવવાનો કોઇ ઇરાદો નથી.

આઇસક્રીમના મૂળભૂત, પ્રાથમિક સ્વરૂપના પ્રેમમાં પડેલા ઘણા ઉત્પાદકો વેનીલાના અસલી પૂજારી નીકળે છે. તેમની દુકાને મળતા કેરીના આઇસક્રીમનો અર્થ છેઃ વેનીલા ફ્‌લેવરમાં કેરીના ફ્રોઝન કરેલા ચાર-છ ટુકડા અને તેમનો પાઇનેપલનો આઇસક્રીમ એટલે વેનીલામાં પાઇનેપલના ચાર-છ ટુકડા. દેખીતું છે કે કેરીનો આઇસક્રીમ મંગાવનારને આ પદ્ધતિમાં છેતરપીંડીનો અનુભવ થાય છે અને કેરીનો સ્વાદ આવતો નહીં હોવાની ફરિયાદ ઊભી થાય છે. પરંતુ હકારાત્મક અભિગમ ધરાવનારા લોકો કકળાટ કરવાને બદલે પોતાનો રસ્તો શોધી લે છે. તે વેનીલા ફ્‌લેવરનો આઇસક્રીમ ઘરે લઇને, જાતે જ ઉપરથી ફળની ચીરીઓ નાખીને, નવા સ્વાદની સાથે કંઇક નવું કર્યાનો આનંદ-સંતોષ મેળવે છે.

આઇસક્રીમપ્રેમી રાષ્ટ્રવાદીઓ માને છે કે ભારતના ઘ્વજમાં ઉપર-નીચે ભલે અનુક્રમે કેસર અને પિસ્તાના રંગ હોય, વચ્ચેનું મોકાનું સ્થાન તો વેનીલાને જ મળ્યું છે.

Tuesday, April 17, 2012

‘બંધારણના ઘડવૈયા’નો ભૂલાયેલો સંઘર્ષ


ડો.આંબેડકરને યાદ કરવાની એક દિવસીય સીઝન આવી અને ગઇ. હવે વહેલી આવે ૬ ડિસેમ્બર. સમય વીતે એમ આંબેડકર અને ગાંધી જેવા નેતાઓનાં વ્યક્તિત્વોનો વ્યાપ જાણે વઘુ ને વઘુ સંકોચાતો જાય છે- સીમિત થતો જાય છે. તેમના વિશેની ગણીગાંઠ ચાર-છ વાતોના આધારે તેમને વખાણવાની કે વખોડવાની પ્રવૃત્તિ ચાલતી રહે છે. બન્નેમાંથી કઇ પ્રવૃત્તિ વધારે નુકસાનકારક છે એ નક્કી કરવું કેટલીક વાર અઘરૂં થઇ પડે છે. કારણ કે દ્વેષપૂર્ણ ટીકા અને અંધ અનુયાયીપણું - બન્ને સરવાળે મહાનુભાવના અસલી જીવનકાર્યને ભૂલાવી દે છે.

દલિતો અને બિનદલિતો બન્ને માટે ડો.આંબેડકરની સૌથી જાણીતી ઓળખ ‘બંધારણના ઘડવૈયા’ તરીકેની છે. પાંચમા ધોરણના પાઠ્‌યપુસ્તક પૂરતી એ ઓળખાણ ઠીક છે, બાકી બંધારણસમિતિ સુધી પહોંચવામાં ડો.આંબેડકરનો સંઘર્ષ, તેમની સિદ્ધિ અને છેવટે તેમની નિરાશા- આ કશાનો ખ્યાલ ‘બંધારણના ઘડવૈયા’ વિશેષણમાંથી મળતો નથી.

કપરો માર્ગ

ડો.આંબેડકર બેશક બંધારણની ડ્રાફિ્‌ટંગ કમિટીના અઘ્યક્ષ હતા. પરંતુ ત્યાં સુધી પહોંચવાનો તેમનો રસ્તો ભૂલી જવા જેવો નથી. ડો.આંબેડકર એ સમયની કોંગ્રેસને કારણે નહીં, પણ તેના હોવા છતાં બંધારણ સમિતિમાં પહોંચ્યા હતા, એમ કહેવામાં ખાસ અતિશયોક્તિ નથી.

આઝાદી પહેલાંની ચૂંટણીમાં ડો.આંબેડકરના પક્ષ શીડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનને ભારે પરાજય મળ્યો. ત્યાર પછી સ્ટેફર્ડ ક્રિપ્સનું ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું ત્યારે અસ્પૃશ્યોના પ્રતિનિધિ તરીકે તેમણે  રજૂઆત કરી. (એ સમયે દલિતો માટે ‘અસ્પૃશ્ય’ શબ્દનો પ્રયોગ થતો હતો.) ૧૯૪૬માં તેમણે કરેલી આ માગણીઓમાં અસ્પૃશ્યો માટે સરકારી નોકરીમાં અનામત, લોકસભા-વિધાનસભામાં પૂરતું પ્રતિનિધિત્વ, અસ્પૃશ્ય વિદ્યાર્થીઓને કેળવણી માટે પૂરતા પ્રમાણમાં સહાય વગેરેનો સમાવેશ થતો હતો. આ માગણીઓનો બંધારણમાં સમાવેશ કરવાનું ડો.આંબેડકરે સૂચવ્યું ત્યારે તેમને ભાગ્યે જ અંદાજ હતો કે ટૂંક સમયમાં તે બંધારણ સમિતિમાં પહોંચવાના છે.

કોંગ્રેસ અને ડો.આંબેડકરના પક્ષ વચ્ચે ભારે અથડામણો થઇ. પૂણેમાં મુંબઇ વિધાનસભાની બેઠક યોજાઇ ત્યારે ડો.આંબેડકરના ટેકેદારોએ તેની સામે અહિસક સત્યાગ્રહ અને વિરોધ પ્રદર્શન કર્યાં. એ સંજોગોમાં કોંગ્રેસ ડો.આંબેડકરની ઉમેદવારીને ટેકો આપે અને તે બંધારણસભામાં ચૂંટાય એવો પ્રશ્ન જ ન હતો. ડો. આંબેડકર બંગાળમાં અનુસૂચિત જાતિની બેઠક પરથી, કોંગ્રેસના નહીં પણ મુસ્લિમ લીગના ટેકાથી ચૂંટાયા અને બંધારણસભામાં પહોંચ્યા. ત્યાર પછી પણ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો સાથેનો તેમનો સંઘર્ષ ચાલુ રહ્યો.

કોંગ્રેસ અને ડો.આંબેડકર વચ્ચેના મતભેદનો એક મુખ્ય મુદ્દો એ હતો કે ડો.આંબેડકર દલિતોના પ્રતિનિધિ છે એવું સ્વીકારવા કોંગ્રેસ તૈયાર ન હતી. તે પોતે દલિતો સહિત સૌનું પ્રતિનિધિત્વ કરે છે, એવો કોંગ્રેસનો દાવો હતો અને એ સ્વીકારવા માટે ડો.આંબેડકર તૈયાર ન હતા. બલ્કે, તેમને ભારે ચિતા હતી કે અંગ્રેજો એક વાર કોંગ્રેસના હાથમાં સત્તા સોંપી જશે, તો દલિતો માટે માંડ ઉભી થયેલી તક રોળાઇ જશે.

પરંતુ ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ મળેલી બંધારણસભાની બેઠકમાં ડો.આંબેડકરના પ્રભાવશાળી પ્રવચનથી આખી પરિસ્થિતિ બદલાઇ ગઇ. આંતરિક પક્ષાપક્ષી ભૂલીને વ્યાપક સ્તરે કામ કરવાની તેમની તૈયારીથી કોંગ્રેસીઓની તેમના પ્રત્યેની દૃષ્ટિ બદલાઇ ગઇ. ડો.આંબેડકરના ચરિત્રકાર ધનંજય કીરે નોંઘ્યું છે તેમ, ‘બહુ થોડાં ભાષણોએ કોઇ વક્તાના જીવનને આવો વળાંક આપ્યો છે.’

બંધારણસભામાં સરદાર પટેલે ૨૯ એપ્રિલ, ૧૯૪૭ના રોજ  અસ્પૃશ્યતાની રૂઢિ નાબૂદ કરવાની જાહેરાત કરી, ત્યારે પણ ડો.આંબેડકર  એ સભાના સભ્ય જ હતા. ડ્રાફિ્‌ટંગ કમિટીના અઘ્યક્ષ બન્યા ન હતા. કદાચ એટલા માટે જ, આ જાહેરાત બદલ ગાંધીજીની (યોગ્ય રીતે જ) અને કોંગ્રેસની (ગાંધીજીના પછવાડે) વિશ્વભરમાં પ્રશંસા થઇ, પણ તેમાં ડો.આંબેડકરના પ્રદાનનું નામોનિશાન ન હતું.

ડો.આંબેડકર જે બંધારણ સમિતિમાં જોડાયા તે અખંડ ભારતની હતી. ૧૫  જુલાઇ, ૧૯૪૭ના રોજ બ્રિટને ભારતની આઝાદી અંગેનો ઠરાવ પસાર કરતાં બંધારણ સમિતિ અલગ ભારતની બની. દેશના બે ભાગ પડતાં બંધારણ સમિતિમાં બેઠકોની સંખ્યા પણ એ પ્રમાણે ઘટી. ડો.આંબેડકર બંગાળમાંથી ચૂંટાઇને આવ્યા હતા અને બંગાળના બે ભાગ પડ્યા. એટલે આંબેડકરને પોતાની બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ આવી. પરંતુ ત્યાં સુધીમાં કોંગ્રેસે તેમને અપનાવી લીધા હતા. એટલે આ વખતે મુંબઇ વિધાનસભામાં કોંગ્રેસના ટેકાથી તે ચૂંટાયા અને  ફરી એક વાર, અખંડ નહીં પણ ભારતની બંધારણ સભામાં પહોંચ્યા. જુલાઇના અંતમાં નવું મંત્રીમંડળ રચાયું ત્યારે ડો.આંબેડકર તેમાં કાયદાપ્રધાન તરીકે નીમાયા.

અત્યાર લગી બહુમતી વર્ગમાં અળખામણા બની રહેલા ડો.આંબેડકર પ્રધાન થતાં અચાનક ઘણા લોકોને અને અખબારોને પણ તેમની સિદ્ધિનો ખ્યાલ આવ્યો. તેમના ચરિત્રકાર ધનંજય કીરે નોંઘ્યા પ્રમાણે, મુંબઇના બાર એસોસિએશને ‘પોતાના માણસ’ તરીકે ડો.આંબેડકરનું સન્માન કર્યું.

પ્રધાનપદ પછીના મહિને, ૨૯ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ બંધારણસમિતિએ બંધારણનો મુસદ્દો/ડ્રાફ્‌ટ ઘડવા માટે ડ્રાફિ્‌ટંગ કમિટીની રચના કરી અને તેના પ્રમુખ તરીકે ડો.આંબેડકરને નીમવામાં આવ્યા. ‘જાતિવાદી’- ‘મનુવાદી’ રૂઢિના આધારે ચાલતા ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું કામ એક દલિત હાંસલ કરે, તે ઐતિહાસિક બાબત હતી અને બંધારણની પ્રક્રિયા પૂરી થયા પછી ડો.આંબેડકર ‘આઘુનિક મનુ’ જેવા વિશેષણથી નવાજાયા એ ઇતિહાસનો વિશિષ્ટ કટાક્ષ અથવા વિરોધાભાસ.

પ્રદાન અને પ્રહાર

બંધારણની ડ્રાફિ્‌ટંગ કમિટીના ચેરમેન હોવામાત્રથી- ફક્ત હોદ્દાની રૂએ- ડો.આંબેડકર ‘બંધારણના ઘડવૈયા’ બની ગયા એવુ ન હતું. કુલ સાત સભ્યોની નિમણૂંક આ કામ માટે થઇ હતી.  પરંતુ એ સાતેયનો હિસાબ બંધારણસમિતિમાં ટી.ટી.કૃષ્ણામાચારીએ આપેલા ભાષણ (પ નવેમ્બર, ૧૯૪૮) પરથી મળે છે. સાતમાંથી એક સભ્યે રાજીનામું આપ્યું. તેમની જગ્યા ખાલી રહી. બીજા એક સભ્ય મૃત્યુ પામ્યા. તેમની જગ્યા પણ ખાલી પડી. ત્રીજા સભ્ય અમેરિકા ગયા એટલે તેમની પણ ગેરહાજરી જ બોલતી રહી. ચોથા સભ્ય રજવાડાંની કામગીરીમાં એટલા વ્યસ્ત હતા કે ડ્રાફિ્‌ટંગ કમિટી માટે સમય આપી શક્યા નહીં. બે સભ્યો  દિલ્હીથી દૂર હતા, એટલે તેમનો લાભ મળી શક્યો નહીં. છેવટે રહ્યા એકલા ડો.આંબેડકર. ધનંજય કીરે નોંઘ્યું છે કે ‘લેખનસમિતિની બેઠકમાં અનેક વાર આંબેડકર અને તેમના મંત્રી એમ બે જ જણ ઉપસ્થિત રહેતા હતા.’ આમ, આ મહાકાર્ય ડો.આંબેડકરે અને નાદુરસ્ત તબિયતે લગભગ એકલા હાથે (બીજા સભ્યોની નહીં, પણ સાથીદારોની સહાયથી) પૂરું કર્યું.

બંધારણનો પહેલો ખરડો તેમણે ફેબ્રઆરી, ૧૯૪૮માં બંધારણ સમિતિના પ્રમુખ ડો.રાજેન્દ્રપ્રસાદને સુપ્રત કર્યો. ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટનું બંધારણ તૈયાર કરવામાં ડો.આંબેડકરે બહુ સમય લીધો છે એવી પણ છાપ એ વખતે ઊભી થઇ હતી. એ પ્રચલિત છાપના આધારે વિખ્યાત કાર્ટૂનિસ્ટ શંકરે એક એવું કાર્ટૂન બનાવ્યું, જેમાં ડો.આંબેડકર ગોકળગાય પર બેઠા હતા અને નેહરુ  ચાબુક લઇને પાછળ ઊભા હતા. એ કાર્ટૂન તત્કાલીન રાજકીય પરિસ્થિતિનું પ્રતિબિબ પાડતું હતું અને તેમાં ડો.આંબેડકરનું વ્યક્તિગત અવમૂલ્યન થતું હોય એવું પુખ્ત વાચકોને લાગે નહીં. પરંતુ એન.સી.ઇ.આર.ટી.ના કિશોરો માટેના પાઠ્‌યપુસ્તકમાં એ કાર્ટૂન મુકાતાં આ મહિને તેનો વિવાદ થયો. પૂરતી રાજકીય સમજ કે પરિપ્રેક્ષ્ય ન હોય એવાં વિદ્યાર્થીઓ આ કાર્ટૂનમાંથી ખોટો અર્થ ગ્રહણ કરે એ આશંકા યોગ્ય હતી.

ડો.આંબેડકર કે બંધારણ વિશે બીજી કશી જ ખબર ન હોય એવા કેટલાક એવું કહી નાખે છે કે એમણે તો બીજા દેશોનાં બંધારણમાંથી ઉતારો કર્યો છે. આ આરોપ ત્યારે પણ થયો હતો અને ડો.આંબેડકરે તેનો સચોટ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ હતું કે રાજ્ય બંધારણની મર્યાદા અથવા કક્ષા શી હોઇ શકે એ પહેલેથી જ નક્કી થયેલું છે. એવી જ રીતે બંધારણના મૂળભૂત સિદ્ધાંત કયા હોવા જોઇએ તેનો પણ આખા વિશ્વમાં  સ્વીકાર થયેલો છે...આઘુનિક કાળમાં તૈયાર થયેલા આ બંધારણમાં જો કોઇ નવી વાત હોય તો એ બંધારણના દોષો નિવારવા અને દેશની જરૂરિયાત પ્રમાણે તેમાં કરેલા ફેરફારો હોઇ શકે. ભારત સરકારના ૧૯૩૫ના કાયદાનો આ બંધારણે ઘણો જ ઉપયોગ કર્યો છે. એ સંબંધમાં શરમાવાનું કોઇ કારણ નથી.’

બંધારણની બધી કલમો પર વારાફરતી ચર્ચા અને જરૂર પ્રમાણે ફેરફાર- સુધારવધારા થતા રહ્યા. નવેમ્બર ૨૯, ૧૯૪૮ના રોજ અસ્પૃશ્યતાનાબૂદીને લગતી બંધારણની ૧૧મી કલમ સ્વીકારવામાં આવી. પ્રચંડ જયજયકાર થયા. શરૂઆત તરીકે એ યોગ્ય હતું, પણ ત્યાર પછીની વાસ્તવિકતા સૌ જાણે છે. બંધારણસમિતિ સમક્ષ પોતાનો પ્રતિભાવ આપવા ઉભા થયેલા ડો.આંબેડકરે ઇતિહાસ તાજો કર્યો અને ભારતની જનતાની પોતાની જ વિશ્વાસઘાતી અને દેશદ્રોહી મનોવૃત્તિથી કેવી રીતે ભૂતકાળમાં ભારત ગુલામ બન્યું તેની યાદ અપાવીને તેમણે કહ્યું કે બંધારણ ગમે તેટલું સારું હોય કે ખરાબ, પણ છેવટે તે કેવું નીવડે છે તેનો આધાર રાજ્યકર્તા ઉપર છે. એ તેનો કેવો ઉપયોગ કરે છે તે મહત્ત્વનું છે.  જ્ઞાતિ અને પંથ વચ્ચેના ભેદભાવ ધરાવતા ભારતમાં એકબીજા સાથે લડતા રાજકીય પક્ષોનો ઉમેરો થયો છે એ તરફ ઘ્યાન દોરીને ડો.આંબેડકરે કહ્યું કે એ લોકો દેશના હિત કરતાં પક્ષનું હિત વધારે સમજશે તો ભારતની આઝાદી માટે બીજી વાર ખતરો પેદા થશે.

આઝાદી પછીનાં થોડાં વર્ષોમાં બંધારણની કેટલીક મર્યાદાઓ દેખાવા લાગી. ભાષાવાર પ્રાંતરચનાના અને અલગ આંધ્રપ્રદેશના સર્જન વખતે સરકાર સાથે તેમને સંઘર્ષ થયો. અલગ આંધ્રના ખરડામાં દલિતો પર થતા અત્યાચાર  બાબતે કાયદાપ્રધાન કૈલાસનાથ કાત્જુએ કોઇ ખાસ જોગવાઇ રાખી ન હતી. બંધારણમાં પણ લધુમતીનાં હિતોની રક્ષા માટે રાજ્યપાલોને વિશેષ અધિકાર ન હતા. એ બાબતે દુઃખ વ્યક્ત કરતાં ડો.આંબેડકરે કહ્યું, ‘લોકો મને સતત કહે છે કે તમે બંધારણના ઘડવૈયા. હું એ લોકોને કહું છું કે હું તો ભાડૂતી લેખક હતો. મને જે કંઇ કરવા કહ્યું તે મેં મારા પોતાના મતથી વિરુદ્ધ જઇને કર્યું.’ તેમના આ વિધાનમાં પ્રકૃતિસહજ રોષ અને ગુસ્સાનો મોટો હિસ્સો હતો. છતાં, બંધારણના ઘણા અંશો તેમની મરજી મુજબના ન હતા એ સચ્ચાઇ હતી.

પોતે જ ઘડેલા બંધારણ વિશે આદર-અનાદરની ડો.આંબેડકરની અવઢવ વ્યાપક અર્થમાં નહીં, પણ મુદ્દા આધારિત સમજી શકાય એવી છે. બંધારણની મર્યાદા હોય તો પણ એ તેમનાં મહત્ત્વનાં જીવનકાર્યોમાંનું એક છે. તેનો સમૂળગો ઇન્કાર ખુદ ડો.આંબેડકરનું અવતરણ આગળ ધરીને પણ કરી શકાય એમ નથી. સાથોસાથ, તેની સાથે જોડાયેલો ઘટનાક્રમ સાવ ભૂલી ન જવાય, એ પણ એટલું જ જરૂરી છે.

Sunday, April 15, 2012

‘ટાઇટેનિક’ અને થ્રી-ડી રૂપાંતરોની ભરતી


૬૦ અઠવાડિયાં (એક વર્ષથી પણ વઘુ સમય), ૧.૮ કરોડ ડોલરનો ખર્ચ, ૩૦૦ કસબીઓ અને આખી પ્રક્રિયાનાં પરિણામ પર સતત નજર રાખતા ડાયરેક્ટર જેમ્સ કેમેરન...‘ટાઇટેનિક’ જેવી ફિલ્મને ટુ-ડીમાંથી થ્રી-ડી બનાવવા માટે શું જોઇએ, તેની આ ટૂંકામાં ટૂંકી યાદી છે.

ફક્ત ‘ટાઇટેનિક’/Titanicમાં જ શા માટે, લંબાઇ-પહોળાઇનાં ફક્ત બે પરિમાણ/ડાયમેન્શન ધરાવતી કોઇ પણ ટુ-ડી ફિલ્મમાં ઊંડાઇનું ત્રીજું પરિમાણ ઉમેરવાની લાલચ થાય એનાં ઘણાં કારણ છે. દર્શકોની દૃષ્ટિએ, ત્રીજા પરિમાણનો ઉમેરો એટલે મૂળ ફિલ્મમાં નવીનતા અને નાટ્યાત્મકતાનો વઘાર. નિર્માતાઓ માટે જૂની ફિલ્મમાં થ્રી-ડી/3-dનું ઉમેરણ એટલે ઘરે બેસીને ફિલ્મ જોતા દર્શકોને થિએટર સુધી ખેંચી લાવવાનો અને થ્રી-ડીના નામે ટિકીટના વધારે ભાવ વસૂલ કરવાનો કીમિયો.

નવા, થ્રી-ડી અવતારમાં રજૂ થનારી ફિલ્મ ‘ટાઇટેનિક’ની જેમ હિટ નીવડેલી હોય નિર્માતાના પક્ષે જોખમ નહીંવત્‌ અને ફિલ્મના જૂના ચાહકો ફરી એક વાર, પોતાની નવી પેઢી સાથે, થિએટર પર ઉમટી પડે એવી પૂરેપૂરી સંભાવના. પરિણામ? એકની એક જ ફિલ્મ થકી બોક્સઓફિસ પર નવેસરથી ડોલરની ટંકશાળ.
 આ વાત નકરી થિયરી લાગતી હોય, તો ઉદાહરણ આપીને વાત કરીએ. ૧૯૯૪માં રજૂ થયલી એનિમેશન ફિલ્મ ‘ધ લાયનકિંગ’ની ટુ-ડી આવૃત્તિએ અમેરિકાનાં થિએટરમાં ૩૧.૨૮ કરોડ ડોલરનો ધંધો કર્યો. ૧૭ વર્ષ પછી, ૧ કરોડ ડોલર કરતાં પણ ઓછા ખર્ચમાં એ ફિલ્મને થ્રી-ડી સ્વરૂપ આપીને નવેસરથી રજૂ કરવામાં આવી. સપ્ટેમ્બર ૧૬, ૨૦૧૧ના રોજ અમેરિકામાં રજૂ થયેલી થ્રી-ડી ‘લાયનકિંગ’ અત્યાર લગીમાં અંદાજે ૯.૪૨ કરોડ ડોલરનો વકરો કરી ચૂકી છે. યાદ રહે કે આ આંકડો ફક્ત અમેરિકાનો છે. અમેરિકાથી પહેલાં વિદેશોમાં રજૂ થયેલી ‘લાયનકિંગ’ની થ્રી-ડી આવૃત્તિએ વઘુ ૭.૬૪ કરોડ ડોલરની રોકડી કરી છે.


ભીંત પર સાદો હિસાબ માંડો તો, થ્રી-ડી આવૃત્તિના માંડ ૧ કરોડ ડોલરના ખર્ચની સામે, ડિઝની સ્ટુડિયોને નવેસરથી ૧૭ કરોડ ડોલરનો વકરો મળ્યો છે. વચ્ચેનાં ૧૭ વર્ષ દરમિયાન ‘લાયનકિંગ’ની સીડી-ડીવીડીનું ઘૂમ વેચાણ થયું. ૨૦૦૨માં આવેલી‘લાયનકિંગ’ની આઇ-મેક્સ આવૃત્તિએ અમેરિકામાં ૧.૫ કરોડ ડોલરનો વકરો કર્યો. થ્રી-ડી આવૃત્તિ માટે થિએટરોએ ટિકીટના ભાવમાં ૪ ડોલરનો વધારો કર્યો હતો. તેમ છતાં, થ્રી-ડી લાયનકિંગે આટલો કસદાર ધંધો કર્યો.

આ તો થઇ એનિમેશન ફિલ્મની વાત. ફોક્સ સ્ટુડિયોની ‘સ્ટાર વોર્સઃ એપિસોડ ૧- ધ ફેન્ટમ મીનેસ’ સર્વકાલીન સુપરહિટ ફિલ્મોમાં ગણના પામે છે. ૧૯૯૯માં આવેલી આ ફિલ્મે ૪૩.૧૦ કરોડ ડોલરનો ધંધો કર્યો હતો. તેનું થ્રી-ડી રૂપાંતર ફેબુ્રઆરી, ૨૦૧૨માં રજૂ થયું અને ૮ એપ્રિલ સુધીમાં તેણે અમેરિકામાં ૪.૩ કરોડ ડોલરનો ધંધો કરી લીધો હતો. (ભારત સિવાયના) પચાસેક દેશોમાં રજૂ થયેલી ‘સ્ટાર વોર્સ’ની થ્રી-ડી આવૃત્તિએ ફક્ત દોઢ મહિનામાં ૫.૭૨ કરોડ ડોલરનો વકરો કર્યો.

આ ઉદાહરણોનો સાર એટલો જ કે હોલિવુડમાં ટુ-ડી ફિલ્મોને થ્રી-ડીમાં ફેરવીને, તેમના જોરે નવેસરથી ટંકશાળ પાડવાનો યુગ બેસી ચૂક્યો છે. પરંતુ જેમ્સ કેમેરન/James Cameron ની ‘એવેટર’ (ગુજરાતી-ભારતીય ઉચ્ચાર ‘અવતાર’) / Avatar બનતી હતી ત્યારે હોલિવુડમાં થ્રી-ડી ટેકનોલોજીનાં વળતાં પાણી હોય એવું લાગતું હતું. એ માટે ઘણાં પરિબળ કારણભૂત હતાં. થ્રી-ડી ફિલ્મ બનાવનાર ડાયરેક્ટરો જરૂર હોય કે ન હોય તો પણ, મહત્તમ ફ્રેમોમાં ત્રીજા પરિમાણની નાટકીયતા ઠાંસવાનો પ્રયાસ કરતા હતા. તેનાથી શરૂઆતમાં દર્શકો આશ્ચર્ય અને રોમાંચની લાગણી અનુભવતા હતા. (‘છોટા ચેતન’ જોનાર દર્શકોને છૂટ્ટી ફેંકાતી મશાલનું કે રમકડાના ઉડતા હેલિકોપ્ટરનું દૃશ્ય કદાચ હજુ યાદ હશે.) પરંતુ એ રોમાંચ ઝડપથી એકાદ-બે ફિલ્મો પૂરતો ટકે. પછી શું? ફિલ્મની કથામાં કે તેનાં પાત્રોમાં દમ ન હોય, તો માત્ર થ્રી-ડીના જોરે ફિલ્મ ઉંચકાઇ શકે નહીં.

સારી ફિલ્મો બનાવી શકતા નિર્માતાઓ થ્રી-ડીના માઘ્યમમાં જતાં ખચકાતા હતા તેનાં મુખ્ય બે કારણ હતાં. થ્રી-ડી ફિલ્મ બનાવવા માટે સો ટકા સંતોષકારક કહી શકાય એવી સાધનસામગ્રી ન હતી. થ્રી-ડી ફિલ્મના નિર્માણમાં કચાશ રહી જાય, તો દર્શકોને ફિલ્મ જોતી વખતે માથું દુઃખે. ભૂતકાળમાં એવી ફરિયાદો થયેલી છે. વધારાના રૂપિયા (કે ડોલર) ખર્ચીને માથું દુઃખાડવાનો ધંધો કોણ કરે? અને એ પણ ફિલ્મની ગુણવત્તા વિશે ખાતરી ન હોય ત્યારે?

ધારો કે ટેકનોલોજી અને નિર્માણની દૃષ્ટિએ ફિલ્મ સારી બની પણ ગઇ, તો એ ફિલ્મને રજૂ કરવા માટે થિએટરોને સજ્જ કરવાં પડે. થ્રી-ડી ફિલ્મો અપવાદરૂપે બનતી હોય ત્યારે નવી સુવિધાઓમાં નાણાં ખર્ચવા માટે બહુ ઓછાં થિએટર તૈયાર થાય. દેશવિદેશમાં અનેક પ્રિન્ટો રજૂ કરીને અઢળક કમાણી લેવાનું એ સંજોગોમાં શક્ય ન બને.

આ બન્ને મર્યાદાઓ જેમ્સ કેમેરનને પણ નડી હતી. બાકી, ‘એવેટર’ ફિલ્મ બનાવવાનો વિચાર તેને ‘ટાઇટેનિક’થી પણ પહેલાં આવ્યો હતો. છેક ૧૯૯૫માં તેમણે અજાણ્યા ગ્રહ અને પંગુ ફૌજીના વર્ચ્યુઅલ અવતારને સાંકળતી ૮૨ પાનાંની કથા તૈયાર કરી હતી. પરંતુ પેન્ડોરા નામ ધરાવતા એ ગ્રહ પર વસતા, ભૂરા રંગના દસ ફૂટ ઊંચા ને પૂંછડીયા જીવો તથા સમગ્ર જીવસૃષ્ટિને થ્રી-ડીમાં જ રજૂ કરવાનો કેમેરનનો ઇરાદો હતો. તેને પૂરતો ન્યાય આપવા માટે એ વખતની કમ્પ્યુટર અને થ્રી-ડી ટેકનોલોજી કેમેરનને અપૂરતી લાગી. એટલે ‘એવેટર’ની કથા બાજુ પર મૂકીને તેમણે ટુ-ડીમાં ‘ટાઇટેનિક’ બનાવી. અઢળક ખર્ચ, વિલંબ અને ‘કરોડો ડોલર ખર્ચ્યા પછી છેવટે ફિલમમાં થયું શું? તો કહે બધા ડૂબી મર્યા’ એવી ટીકાઓ વચ્ચે ‘ટાઇટેનિક’ રજૂ થઇ અને અભૂતપૂર્વ સફળતા પામી.

james cameron with 3-d camera
ઉગતા સૂરજના પૂજનારા ફિલ્મઉદ્યોગમાં સફળતા વટાવી ખાવાનું બહુ સહેલું હતું, પણ જુદી માટીના બનેલા કેમેરને ‘ટાઇટેનિક’ પછી એકાદ દાયકા સુધી કેમેરને હોલિવુડ સાથેને છેડો ફાડી નાખ્યો. એ ગાળામાં તેમણે ‘એવેટર’ માટે જરૂરી થ્રી-ડી ટેકનોલોજી સિદ્ધ કરવાની મથામણ આદરી. પહેલેથી અવનવાં સાધનો બનાવવામાં ઉસ્તાદ કેમેરને  અન્ડરવોટર કેમેરાના નિષ્ણાત ગણાતા વિન્સેન્ટ પેસને સાથે રાખ્યા. તેમણે જાપાન જઇને ‘સોની’ કંપની સાથે વાટાઘાટો શરૂ કરી. તેમની ગડભાંજમાંથી એવા થ્રી-ડી કેમેરાનું સર્જન થયું, જે વજનમાં હળવો હતો અને તેમાં યોગ્ય અંતરે બે લેન્સ એવી રીતે ગોઠવાયેલા હતા કે એક જ કેમેરાથી ચોક્સાઇપૂર્વકનું થ્રી-ડી શૂટિંગ થઇ શકે.

સાધન તો જાણે બની ગયાં, પણ ફિલ્મ રજૂ કરનારાં થિએટરોનું શું? નવી ટેકનોલોજીની થ્રી-ડી ફિલ્મ રજૂ કરવા માટે થિએટર દીઠ એકાદ લાખ ડોલરનો ખર્ચ બેસતો હતો. એકલદોકલ થ્રી-ડી ફિલ્મ માટે એટલો ખર્ચ કોણ કરે? એટલે કેમેરને એક તરફ થિએટરના માલિકોને સમજાવવાનું ચાલુ કર્યું, તો બીજી તરફ વધારે સંખ્યામાં થ્રી-ડી ફિલ્મો બનતી થાય એ માટે પોતે તૈયાર કરેલા આઘુનિક થ્રી-ડી કેમેરા બીજા ડાયરેક્ટરોને ઉપયોગ માટે આપવાનું નક્કી કર્યું. એ રીતે, કેમેરનના લેટેસ્ટ થ્રી-ડી કેમેરાથી બનેલી પહેલી ફિલ્મ ‘એવેટર’ નહીં, પણ ૨૦૦૩માં આવેલી રોબર્ટ રોડ્રિગ્ઝની ‘સ્પાય કિડ્‌ઝ’ હતી. ધીમે ધીમે થિએટરમાલિકો સમજતા થયા કે થ્રી-ડી એકલદોકલ ફિલ્મનો મામલો નહીં, પણ ફિલ્મોનું ભાવિ માઘ્યમ બનવાની ક્ષમતા ધરાવે છે. તેના કારણે ૨૦૦૯ સુધીમાં અમેરિકાનાં આશરે ત્રણેક હજાર થિએટરો ડિજિટલ થ્રી-ડી ફિલ્મ માટે સજ્જ થઇ ગયાં.

‘એવેટર’ આવી ત્યાં સુધીમાં થ્રી-ડી ફિલ્મો વિશે પ્રેક્ષકોના મનમાં રહેલા ખ્યાલ બદલાયા હતા. ‘થ્રી-ડી એટલે પ્રેક્ષકો તરફ ફંગોળાઇને આવતી ચીજો’ એવો તેમનો ખ્યાલ નવી થ્રી-ડી ફિલ્મોથી બદલાયો હતો. ‘એવેટર’ જોનારને પોતાના તરફ આવતી વસ્તુ ચુકાવી દેવા માટે માથું બાજુ પર લઇ જવું પડે, એવું કોઇ દૃશ્ય ન યાદ નહીં આવે. તેમાં થ્રી-ડીનો ઉપયોગ ફિલ્મના આખા પોતને, દૃશ્યાવલિને અને ભાવોને ઘટ્ટ કરવા માટે થયો હતો.
‘એવેટર’ને એટલી સફળતા મળી કે હોલિવુડમાં સૌથી વધારે  વકરો (૧૯૦ કરોડ ડોલર) કરનારી કેમેરનની જ ફિલ્મ ‘ટાઇટેનિક’નો રેકોર્ડ તોડ્યો અને ૨૭૮.૨૩ કરોડ ડોલરનો ધંધો કર્યો. આ સફળતા ફિલ્મની કથા અને કેમેરનની ઝીણવટભરી કલાદૃષ્ટિ ઉપરાંત થ્રી-ડીના માઘ્યમની પણ હતી.

થ્રી-ડીના જયજયકારનો સંદેશો હોલિવુડમાં બરાબર ઝીલાયો. તેના પગલે ટુ-ડી ફિલ્મોને થ્રી-ડીમાં ફેરવવાનો જુવાળ પેદા થયો. આગળ ઉલ્લેખેલી ‘લાયનકિંગ’ અને ‘સ્ટારવોર્સઃ એપિસોડ-૧’ ઉપરાંત ‘હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝઃ પાર્ટ ટુ’, ‘ધ ગ્રીન હોર્નેટ’ જેવી ફિલ્મો થ્રી-ડી રૂપાંતરણ પામી. ‘એવેટર’ના થ્રી-ડી જુવાળનો લાભ બીજા લોકો લઇ જાય, તો કેમેરન બાકી રહે? તેમણે ‘ટાઇટેનિક’ને થ્રી-ડી સ્વરૂપ આપવાનું નક્કી કર્યું, પણ આડેધડ રીતે નહીં- એકદમ કેમેરન પદ્ધતિએ. ઝીણવટ અને ચીવટથી. કોઇ પણ જાતનું સમાધાન કર્યા વિના.

(આવતા સપ્તાહેઃ ‘ટાઇટેનિક’ કેવી રીતે ટુ-ડીમાંથી થ્રી-ડી બની?)

Friday, April 13, 2012

જીએમ બીયારણઃ ફાયદા-નુકસાનની સાપસીડી


એક તરફ જનીન પરિવર્તીત - જિનેટીકલી મોડિફાઇડ (ટૂંકમાં જીએમ) બિયારણના અધધ ફાયદાની વાતો કરતી ખાનગી કંપનીઓ બીજી તરફ પોતાના પક્ષે પૂરતા અભ્યાસ કે ચકાસણી કર્યા વિના, તેમને ખભે બેસાડવા ઉત્સુક સરકારો, ત્રીજી તરફ ટૂંકા ગાળાનો ફાયદો જોઇને - પૂરતી સમજણ વિના જીએમ બીયારણ અપનાવી રહેલા ખેડૂતો અને ચોથી તરફ જીએમ બીયારણ-પાકનો તથા તે વેચતી વિદેશી કંપનીઓનો વિરોધ કરી રહેલી સ્વૈચ્છિક સંસ્થાઓ- આમ ચોપાંખિયો જંગ છેલ્લા ઘણા વખતથી ચાલી રહ્યો છે.

આ જંગ બરાબરીનો બિલકુલ નથી. જનીન પરિવર્તીત બિયારણોના ધંધામાં પડેલી બહુરાષ્ટ્રિય કંપનીઓ સરકારી મંત્રીઓથી માંડીને સ્વૈચ્છિક સંસ્થાઓ, વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકો સુધીના સૌ કોઇને નાણાંકોથળીના જોરે પોતાના વશમાં કરવાની ક્ષમતા ધરાવે છે. તેનો એક નમૂનો છેઃ  ભારતના વડાપ્રધાન પર મોકલવા માટે તૈયાર કરવામાં આવેલો એક પત્ર.

વડાપ્રધાનને ‘સ્પોન્સર્ડ’ પત્ર
મૂળ અંગ્રેજી લખાણ પરથી તરજુમિયા ગુજરાતીમાં - અને બીજી સ્થાનિક ભાષાઓમાં- આ પત્રની નકલો બનાવવામાં આવી છે, જે ગામડાના ખેડૂતો તરફથી વડાપ્રધાનને  મોકલવામાં આવે એવું આયોજન છે. પત્રનો વિષય છે : ‘ભારતમાં બાયોટેક પાકોની જરૂરિયાતની તરફેણ માટે આભાર.’

‘બાયોટેકનોલોજીની વિશાળ ક્ષમતાઓ છે અને આવતા સમયમાં આપણે જિનેટિક એન્જિનિયરિંગ થકી આપણા ખેતી પાકોની ઉત્પાદકતામાં વધારો કરવો જ જોઇએ’ - એવા વડાપ્રધાનના વિધાનથી પત્રની શરૂઆત કરવામાં આવી છે. ખેતીનો ધંધો કેવો જોખમી છે તેનો અછડતો ચિતાર આપ્યા પછી પત્રમાં લખાયું છેઃ ‘અમારે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર તરફથી બીજમાં નવી ટેકનોલોજીની જરૂરિયાત છે, જે આપણી ઉત્પાદનની સમસ્યાઓનું સમાધાન કરશે.’

કોઇ પણ ખેડૂત ‘બીજમાં નવી ટેકનોલોજીની જરૂરિયાત છે’ એવું લખે ત્યાં સુધી સમજ્યા, પણ પબ્લિક સેક્ટર ને પ્રાઇવેટ સેક્ટરની પળોજણમાં એ શું કામ પડે? પરંતુ આખો ખેલ પ્રાઇવેટ સેક્ટર દ્વારા સ્પોન્સર્ડ હોય, ત્યારે ‘આ બઘું અમે નથી કરાવતા. ખેડૂતોએ પોતાની મેળે કર્યું છે.’ એવું દર્શાવવાના બાલીશ પ્રયાસ તરીકે પ્રાઇવેટ સેક્ટરની સાથે પબ્લિક સેક્ટરનો પણ ઉલ્લેખ નાખવામાં આવ્યો હોય એવું લાગે.

પત્રમાં અત્યાર સુધીના એકમાત્ર માન્યતાપ્રાપ્ત બાયોટેક પાક  બીટી કપાસનાં ગુણગાન ગાયા પછી- તેના ફાયદા વર્ણવ્યા પછી મુદ્દાની વાત આવે છે : ‘જેવું ટેકનોલોજી થકી કપાસના પાકમાં થયું એવું જ પરિવર્તન અન્ય કૃષિ પાકો જેવા કે મકાઇ, ડાંગર અને ઘઉંના પાકોમાં પણ થવું જોઇએ. અમે અત્રે સરકારશ્રી, પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર, ગ્રામવિકાસ અભિગમ ધરાવતા એનજીઓ જેમણે સંયુક્તપણે ભાગીદારી કરી ખેડૂતોનું જીવનધોરણ સુધારવા અને ખેતી સમૃદ્ધ કરવા મદદ કરી તે બદલ સૌનો આભાર માનીએ છીએ. અમારા જેવા અસંખ્ય ખેડૂતો છે જે બે છેડા ભેગા કરવા મથામણ કરતા હતા, પણ હવે ઘણું પકવે છે, બજારમાં ઉપજનું સારું વળતર પણ મેળવે છે અને સારી જિંદગી જીવવાનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છીએ.’

જનીન પરિવર્તીત બીટી કપાસના બિયારણથી ઉત્પાદનમાં વધારો નોંધાયો છે અને ખેડૂતોને આર્થિક ફાયદો પણ થયો છે. તેને આગળ ધરીને, બીટી કપાસની હરોળમાં મકાઇ-ડાંગર-ઘઉં જેવા ખોરાકમાં વપરાતા પાકોને મૂકી દેવાની કંપનીની મહત્ત્વાકાંક્ષા છે, જે ખેડૂતોના ‘સારી જંિદગી જીવવાના સ્વપ્ન’ના નામે રજૂ કરવામાં આવી છે. સરકારને રાજી રાખવા માટે પ્રાઇવેટ સેક્ટરની સાથે એક જ શ્વાસમાં પબ્લિક સેક્ટરનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે (જેણે આ ક્ષેત્રે પ્રાઇવેટ ક્ષેત્રને સીધો કે આડકતરો ટેકો આપવાની ભૂમિકા અદા કરી છે.) સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પનારો પાડતાં અને તેમનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરતાં પણ બીટી-પ્રચારક કંપનીઓને આવડે છે.

પત્રના અંતે બીટી રીંગણ પરના સરકારી પ્રતિબંધ સામે કયા શબ્દોમાં વિરોધ રજૂ કરવામાં આવ્યો છે, એ ખાસ નોંધવા જેવું છેઃ ‘બીટી રીંગણને પ્રતિબંધિત કરી ખેડૂતોને વિશ્વકક્ષાની ટેકનોલોજીની પસંદગીથી વંચિત રખાયા છે અને સપ્રમાણિત જીવન જીવવામાં અવરોધરૂપ થયું છે. અમે આશા રાખીએ છીએ કે અન્ય પાકોમાં આવી ટેકનોલોજીના ઉમદા ફાયદાઓથી હવે પછી અમને વંચિત ન રખાય.’ અને છેલ્લે કોર્પોરેટ કંપનીના પીઆરઓની મસકાબાજી શૈલીથી લખાયું છે, ‘માનનીય વડાપ્રધાનશ્રી, અમે તમારામાં ભરોસો વ્યક્ત કરીએ છીએ કે તમે અદ્‌ભૂત હોંશિયારી ધરાવો છો અને અમારી આ વિનંતીનો સ્વીકાર કરશો કે કૃષિમાં ટેકનોલોજીને કેન્દ્રિત કરવા પૂરતું લક્ષ્ય આપવું જેથી ખેડૂતોને કૃષિ ઉપજ વધારામાં મદદરૂપ થાય. અમારું સામાજિક-આર્થિક જીવનધોરણ સુધરે અને અમારું કુટુંબ ઉચ્ચતર જીવન જીવી શકે.’

પેટમાં દુઃખાડતો પ્રતિબંધ

બે વર્ષ પહેલાં તત્કાલીન પર્યાવરણ મંત્રી જયરામ રમેશે બીટી રીંગણને મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો, એટલે બીટી-પાકોના માર્ગે ભારતનું બજાર સર કરવા માગતી કંપનીઓના પેટમાં કેવું તેલ રેડાયું છે, તેનો અંદાજ કંપનીઓ દ્વારા પ્રાયોજિત પત્રમાંથી આવી શકે છે. પરંતુ સરકારે બીટી રીંગણને મંજૂરી આપવાનું કેમ મોકૂફ રાખ્યું તેની અછડતી વાત યાદ કરી લેવા જેવી છે.

‘બીટી’ એ જમીનમાં થતા ‘બેસીલસ થુરીન્જેન્સીસ’ પ્રકારના બેક્ટેરિયાનું ટૂંકું નામ છે. આ બેક્ટેરિયા પાકને નુકસાન કરતી કેટલીક મુખ્ય જીવાતો માટે જીવલેણ ઝેર પેદા કરે છે. ખાનગી કંપનીઓના સંશોધકોએ બીટીના શરીરમાંથી (તેના ડીએનએમાંથી) ઝેર પેદા કરવા માટે જવાબદાર જનીન જુદો તારવ્યો અને એ જનીનને રીંગણના ડીએનએમાં દાખલ કરી દીધો.  તેનું અપેક્ષિત પરિણામ એ છે કે બીટીના ઝેરથી સજ્જ બીટી-રીંગણને જીવાતોનો ભય ન રહે. તેની પર જંતુનાશક દવાઓ છાંટવાની પણ જરૂર નહીં. જીવાતોનો ખાત્મો બોલાવવા માટે રીંગણનો છોડ પોતે જ (બીટીના જનીનના પ્રતાપે) ઝેર પેદા કરી લે. એ ઝેરથી જીવાતોનો ખાત્મો અને પાક સલામત.

આ વર્ણન આકર્ષક અને લલચામણું લાગે, પરંતુ તેમાં સૌથી પહેલો અને પાયાનો સવાલ છેઃ જનીન પરિવર્તીત બિયારણ ધરાવતા પાક માણસ ખોરાકમાં લઇ શકે? અમેરિકામાં મકાઇ અને સોયાબીન સહિતના ચાર પાકમાં જનીન પરિવર્તીત બિયારણને મંજૂરી આપવામાં આવી છે, પણ તેમાંથી એકેય પાક માણસના ખોરાકમાં વપરાતો નથી.  મકાઇ મુખ્યત્વે પશુઓના ખોરાકમાં વપરાય છે.

બીટી બિયારણ ઝેરી કે અનિષ્ટ છે અને તેને ધોળા ધરમે પણ વપરાય નહીં, તે એક અભિપ્રાય છે. બીટી બિયારણથી ખેડૂતો ઊંચા આવી જશે, તે બીજો પ્રચાર છે. આ મુદ્દો મૂળભૂત રીતે વિજ્ઞાનનો છે. માટે થવું એવું જોઇએ કે સરકારે વિચારધારાઓની ટક્કરમાં પડ્યા વૈજ્ઞાનિક તથ્યોની ચકાસણી કરવી જોઇએ અને તેના આધારે આખરી નિર્ણય લેવો જોઇએ. પરંતુ જનીન ટેકનોલોજી આઘુનિકતમ હોવાથી, એવું બને છે કે સરકારી સંસ્થાઓ પાસે તેની અસરો-આડઅસરો ચકાસવાનાં પૂરતાં સાધનસુવિધા-સજ્જતા કે એ વસાવવાની દાનત હોતાં નથી. ભારતભરમાં કૃષિ સંશોધન કેન્દ્રો ચાલે છે. ખોરાકમાં લેવાતા બીટી પાકોની આડઅસર તપાસવા માટે જીલ્લે જીલ્લે કેન્દ્રો ખોલવાની જરૂર નથી. એકાદ-બે કેન્દ્રો એ માટે પૂરતાં થઇ પડે.

પરંતુ આવી બિનરાજકીય બાબતોમાં બગાડવા માટે કોની પાસે સમય હોય છે? એટલે બને છે એવું કે ‘ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં’ના ધોરણે, બીટી બિયારણ બનાવનારી કંપનીઓએ જ કરાવેલાં સંશોધનોના આધારે ‘સબ સલામત’ જાહેર કરી દેવામાં આવે છે. ફક્ત સરકારો કે સ્વૈચ્છિક સંસ્થાઓ જ બિકાઉ હોય એવું માની લેવાની જરૂર નથી. સંશોધકો-વૈજ્ઞાનિકો પણ યોગ્ય ભાવ લઇને અનુકૂળ પરિણામો લાવી આપે છે અને પ્રતિકૂળ પરિણામો ઢાંકી આપે છે. સામાન્ય ખેડૂત માટે આર્થિક ફાયદાનું પરિબળ એટલું મોટું હોય છે કે પર્યાવરણ, જૈવવૈવિઘ્ય/બાયોડાયવર્સિટી જેવા વિષયો અંગે ચિંતા કરવાનું તેને પરવડતું નથી. પરંતુ બીટી-પાકો ખોરાકમાં લેવાતા થાય ત્યારે તેની અસરો અને ખાસ તો આડઅસરો વિશે સૌએ ચિંતા કરવી પડે.

પાયાના  સવાલ


આર્થિક સામ્રાજ્યવાદ ફેલાવવા માટે કોઇ પણ હદે જઇ શકતી બળુકી બહુરાષ્ટ્રિય કંપનીઓ સામે બાથ ભીડવાનું ફક્ત સરકારી અને નાગરિકી રાહે જ શક્ય છે. વૈજ્ઞાનિક પ્રગતિનો ઇન્કાર કર્યા વિના કે રાસાયણિક ખેતીનો ઝનૂની વિરોધ કર્યા વિના, બીટી-પાકોની વાત આવે ત્યારે આટલા સવાલના સંતોષકારક અને ભરોસાપાત્ર જવાબ મેળવવા જરૂરી છે.


  •  જે પાકમાં બીટી બિયારણ દાખલ કરવામાં આવે છે (દા.ત.રીંગણ) તેના જથ્થાબંધ ઉત્પાદનની જરૂર છે? કે ફક્ત જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવા માટે બીટીનો પ્રચાર કરવામાં આવે છે? તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાથી ખેડૂતો માલામાલ થશે કે બજારમાં આવતાં રીંગણાંનો ભાવ ઘટતાં તેમને સાવ સસ્તા ભાવે વેચવાનો વારો આવશે? 
  • બીટી બિયારણના સરકારી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કેટલા વર્ષ સુધી ‘ફિલ્ડ ટ્રાયલ’ થયા છે? તેનાં પરિણામો સંશોધકોએ જાતે તારવેલાં છે કે કંપનીઓએ તૈયાર કરી આપેલાં છે? ફિલ્ડ ટ્રાયલમાં બીટી બિયારણ ધરાવતા પાકની સાથે એ જ પાકની બીજી જાતોનું સહઅસ્તિત્ત્વ શક્ય બન્યું છે? કે પછી બીટી આવે એટલે બાકીની બધી જાતોનું અસ્તિત્ત્વ જોખમમાં આવી પડે છે? 
  • કંપનીઓએ તૈયાર કરેલું બીટી બિયારણ અમુક જ પ્રકારની જીવાતો સામે રક્ષણ આપનારું હોય છે. એ જીવાતો બધા પ્રદેશોમાં હોય જ એવું જરૂરી નથી. એટલે પૂરતી ચોક્સાઇ રાખવામાં ન આવે તો એવું બને કે મોટા ઉપાડે બીટી બિયારણને મંજૂરી તો અપાઇ જાય, પણ એ જે જીવાતોથી રક્ષણ આપે છે એ જીવાત જ આખા પ્રદેશમાં ન હોય. 
  • ઉત્ક્રાંતિના કુદરતી ક્રમ પ્રમાણે, બીટીના ઝેરથી નાબૂદ થતી જીવાતો ધીમે ધીમે પ્રતિકારક શક્તિ કેળવે એ બહુ વાસ્તવિક શક્યતા છે. એવું થાય તો પછી ઝેરની માત્રા વધારતા રહેવું પડે. બીટી બિયારણ કંપનીઓની માલિકીનાં હોય છે. ખેડૂતો પોતાના પાકમાંથી બિયારણ લઇને બીજા વર્ષે તેની વાવણી ન કરી શકે. દરેક વર્ષે તેમણે કંપની પાસેથી બિયારણ ખરીદવું પડે. બીટી બિયારણ આડઅસરોની બાબતમાં નિર્દોષ સાબીત થાય તો પણ, કોઇ પણ કંપનીના એકાધિકારને અને તેમની પરની સંપૂર્ણ પરાધીનતાને મંજૂરી આપી શકાય નહીં. 
  • ખોરાકમાં લેવાતા પાકોમાં બીટીના ઝેરની અસર થાય છે કે કેમ, એ વિશે પ્રમાણભૂત અને એકથી વઘુ જગ્યાએથી એકસરખાં પરિણામ ન મળે, ત્યાં સુધી તેને માન્યતા આપી શકાય નહીં. 

 બીટી પાકોના મુદ્દે સરકારો પૂરતી ચકાસણી વિના  ઉતાવળીયા નિર્ણય લેશે તો દેશની ખેતીને જ નહીં, નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણને પણ ખાનગી કંપનીઓની ખિદમતમાં ધરી દીધા બરાબર ગણાશે.

Wednesday, April 11, 2012

આઇસક્રીમ-સ્વયંવર


આઇસક્રીમ ખાવો એ સીધીસાદી અને આનંદદાયક ક્રિયા હોઇ શકે છે, પણ તેની ફ્‌લેવરની જેમ તેના ખાનારામાં પણ ભારે વૈવિઘ્ય જોવા મળે છે. અમુક આઇસક્રીમપ્રેમીઓ એવા હોય છે કે તેમને ઉંઘમાંથી ઉઠાડીને પૂછવામાં આવે કે ‘તમારે કયો આઇસક્રીમ?’ તો આંખ -કે મગજ સુદ્ધાં- ખોલ્યા વિના પોતાની પસંદ બોલીને ફરી સુઇ જાય. ‘આપણો તો કેસરપીસ્તા’ એવું બોલતી વખતે તેમના અવાજમાં‘આપણે તો ભારતીય’ બોલવા જેવો સનાતન સત્યનો અને ખાતરીનો રણકાર સાંભળી શકાય.

બીજો પ્રકાર પ્રયોગશીલોનો છે. આઇસક્રીમની દુકાને મળતી તમામ ફ્‌લેવર સાથે તેમને સંબંધ સાચવવાનો હોય એમ, દરેક વખતે તે ‘અત્યાર સુધી કયા ખાધા અને તેમાં કયો સૌથી વધારે ભાવ્યો’ એના વિચારમાં નહીં, પણ ‘હવે કયા બાકી રહ્યા? જોજો, એકેય રહી ન જવો જોઇએ’ એની  ચિંતામાં હોય છે. ‘ગઇ વખતે પેલો આદુ-મરચા-ધાણાનો મિક્સ આઇસક્રીમ ખાધો હતો ને? હવે આ વખતે સૂરણનો આઇસક્રીમ ટ્રાય કરી જોઇએ.’ તેમની સાહસવૃત્તિ અપાર હોય છે. ઘણી વાર તે ઉત્સાહી દુકાનદારને સૂચન પણ કરે છે કે ‘તમે પાણીપુરીના પાણીનો આઇસક્રીમ બનાવતા હો તો?’ અથવા ‘આપણા દેશી રીંગણના ભડથાનો  આઇસક્રીમ બને? વિચારી જોજો.’

ત્રીજા પ્રકારના લોકો પહેલાં તો દુકાને લટકતા પાટિયા કે મેનુ પર લધુશોધનિબંધ લખવાનો હોય એવી રીતે તેના અભ્યાસમાં ડૂબી જાય છે. તેમને યાદ કરાવવું પડે છે કે આપણે પાટિયાના અભ્યાસાર્થે નહીં, પણ આઇસક્રીમ આરોગવા આવ્યા છીએ. કર્તવ્યભાન પુનઃ જાગ્રત થયા પછી એ ફરી એકડે એકથી મેનુ વાંચવાનું શરૂ કરે છે. તેમની સાથે આવેલો જણ તેમની સામે આતુરતાથી તાકી રહે છે, જાણે હમણાં તેમના મોમાંથી પસંદગીની ફ્‌લેવરનું નામ નીકળશે. પરંતુ આ વખતે તે વિવિધ ફ્‌લેવરના તુલનાત્મક અઘ્યયનમાં ડૂબેલા હોય એમ લાગે છે. થોડી ઉતાવળ અને દુકાનદારની કે વેઇટરની ઓર્ડરવાંચ્છુક કડક નજરો પછી આ પ્રકારના માણસ છેવટે એવી ફ્‌લેવરનો ઓર્ડર આપે છે, જે સીઝન નહીં હોવાને કારણે તૈયાર હોતી નથી. માંડ નક્કી થયેલી ફ્‌લેવરની માગણી નિષ્ફળ જાય, એટલે નવેસરથી કસરત ચાલુ. આ રીતે આઇસક્રીમ ખાવા કરતાં સરેરાશ ત્રણેક ગણો વઘુ સમય એ લોકો દુકાનના પાટિયા કે મેનુના અભ્યાસમાં વીતાવે છે. છેવટે આઇસક્રીમ ખાઇને નીકળતી વખતે તેનો સ્વાદ નહીં, પણ મેનુ કે પાટિયું જ યાદ રહી જાય છે.

આઇસક્રીમ ખાનારનો એક પ્રકાર એવો છે, જે માને છે કે દુનિયામાં આખરે વિવેક જેવું કંઇક હોય છે. કોઇ આપણને ‘તમારે કયો આઇસક્રીમ?’ એવું પૂછે અને આપણે ધડ દઇને ‘સ્ટ્રોબેરી’ એવું કહી દઇએ તો સારું લાગે? આ કંઇ ઠરેલ માણસનાં લક્ષણ ન કહેવાય. આઇસક્રીમ ખાતાં પહેલાં - તેની ફ્‌લેવરનું નામ પાડતાં પહેલાં થોડો વિવેક કરવો જોઇએ. જેમ કે, ‘અરે, તમે જે મંગાવો તે આપણને ચાલશે.’ અથવા ‘તમારી પસંદગી એ મારી પસંદગી. આપણને બધા જ ભાવે છે.’

આવા આત્માઓનો પનારો પ્રયોગશીલ યજમાન સાથે પડી જાય અને તે પૂછી કાઢે કે ‘હું તો રીંગણનો મંગાવાનો છું. તમારે એ ચાલશે?’ પરંતુ વિવેકીઓના સદ્‌ભાગ્યે એવું ખાસ બનતું નથી. એટલે થોડી હા-ના પછી વિવેકી જનો કહેશે, ‘સારું ત્યારે, આપણો એક ચોકોબાર.’ એ સાંભળીને ઉત્સાહી યજમાનને જરા અફસોસ થશે. ‘અરર, આઇસક્રીમની દુનિયા ક્યાંની ક્યાં નીકળી ગઇ ને તમે ચોકોબાર પર જ ઊભા છો?’ પરંતુ આ લાગણીને વધારે સલુકાઇભર્યા શબ્દોમાં રજૂ કરીને એ કહેશે, ‘ચોકોબાર તો છે જ.પણ એ સિવાય તમારે બીજો કોઇ પણ મંગાવવો હોય તો- એક નજર તો મારો મેનુ પર. અહીંના આઇસક્રીમ વખણાય છે.’

વિવેકી માણસનો વિવેક ફરી કસોટીએ ચઢે છે. યજમાનનું દિલ ન દુભાય એટલા માટે તે મેનુ પર સરસરી નજર નાખીને કહે છે, ‘સારું. કાજુ-દ્રાક્ષ. બસ?’ ચીલાચાલુ ફ્‌લેવરને બદલે યજમાન સતત બીજા વિકલ્પ આપ્યા કરે, એટલે વિવેકશિરોમણી કહે છે, ‘તમે કયો મંગાવ્યો?’ જાણકાર યજમાન રોઝ-કોકોનટ કે વરિયાળી જેવી કોઇ ફ્‌લેવર બોલે, એટલે તરત વિવેકી માણસ બોલી ઉઠે છે, ‘બસ, આપણો એ જ. કદી ટેસ્ટ નથી કર્યો, તો એ બહાને આજે કરી લઇએ.’

એક સમુદાય ગ્રાહકના હિત-હકની સુરક્ષા માટે જાગ્રત હોય છે. આઇસક્રીમ પાર્લરમાં આવે ત્યારથી તેમની આંખો સ્કેનર બની જાય છે અને મગજ શંકાઓનું કારખાનું. ‘આ લોકો કોપરાના આઇસક્રીમમાં ખરેખર કોપરું નાખતા હશે? કેસરના આઇસક્રીમમાં અસલી કેસર વાપરતા હશે? સીતાફળના આઇસક્રીમ માટેનાં સીતાફળ આ સીઝનમાં ક્યાંથી લાવતા હશે?’ તેમની ધાણીફૂટ પ્રશ્નાવલિ જોઇને એવી બીક લાગે છે કે હમણાં એ લોકો પૂછશે, ‘આ લોકો અમેરિકન ડ્રાયફ્રુટમાં અમેરિકા નાખતા હશે?’

મેનુની ચીરફાડ પૂરી થયા પછી એ આઇસક્રીમની બનાવટ, તેમાં વપરાતી જુદી જુદી રીતો અને તેના ગ્રાહકોને થતા ગેરફાયદા-કંપનીઓને થતા ફાયદા પર આવે છે. આઇસક્રીમમાં વપરાતા દૂધથી માંડીને બદામ-પિસ્તા-કાજુ-કેસર જેવી ચીજવસ્તુઓ કેવી તકલાદી, સસ્તા ભાવની અને હલકી ગુણવત્તાની વાપરે છે તેની સિલસિલાબંધ હકીકતો ‘કેગ’ના અહેવાલની છટાથી રજૂ થાય છે. કાઉન્ટરથી થોડે દૂર ઊભા રહીને ગુસપુસ સ્વરમાં એ કહે છે, ‘તમને ખબર નહીં હોય, પણ આ લોકો આઇસક્રીમમાં હવા (એર) ભેળવે છે. બોલો, હવાના પૈસા. આ ચીટિંગ નહીં તો બીજું શું છે?’ તેમને કોઇ સમજાવે કે હવાના ઉમેરાથી જ આઇસક્રીમ લીસ્સો થાય, તો એ કહેશે, ‘આઇસક્રીમ ખરબચડો હોય તો ચાલશે, પણ હવાના તે પૈસા હોતા હશે? આ તો ઠીક છે તમારી સાથે આવ્યા છીએ એટલે, બાકી હું તો આવું ન ચલાવી લઉં. કન્ઝ્‌યુમર કોર્ટમાં કેસ ઠોકી દઉં.’

કેટલાક લોકોનો આઇસક્રીમ માટેનો પ્રેમ જથ્થાના સ્વરૂપે વ્યક્ત થાય છે. તેમના મનમાં કયો આઇસક્રીમ ખાવો એ નક્કી હોય કે ન હોય, પણ કેટલા આઇસક્રીમ ખાવા એ નક્કી હોય છે. યજમાન ‘તમારે કયો?’  પૂછે એટલે તે કહેશે,‘રોસ્ટેડ આલ્મન્ડથી શરૂ કરીએ.’ ત્યાર પછી જાણે આઇસક્રીમ ખાવા નહીં, પણ અનુષ્ઠાન કરવા આવ્યા હોય તેમ વિધિપૂર્વક એક પછી એક આઇસક્રીમના તે ઓર્ડર કરે છે. ‘હવે એક ફ્રેશ ફ્રુટનો.’ એ પૂરો થાય એટલે ‘હવે ડ્રાય ફ્રુટનો.’ પછી ‘અહીનો સ્પેશ્યલ કયો આવે છે?’ અને એને ન્યાય અપાય એટલે ‘છેલ્લે વેનીલા તો ખાવો જ પડે. આઇસક્રીમની ક્વોલિટીનો અસલી ખ્યાલ વેનીલા ખાઇએ તો જ આવે.’ એમ કહીને તે દાવસમાપ્તિની આડકતરી ઘોષણા કરે છે. તેમની વાત સાંભળીને એવું કહેવાનું મન થાય કે ભલા માણસ, આઇસક્રીમની ગુણવત્તા જ ચકાસવી હતી તો પહેલી જ વારમાં વેનીલા મંગાવી લેતા શું જતું હતું? પરંતુ વેનીલા આરોગી લીધા પછી તે લગભગ વિનંતીના અવાજમાં યજમાનને કહે છે, ‘હવે તમે બિલકુલ આગ્રહ ન કરતા. નહીંતર ફરી એક રોસ્ટેડ આલ્મન્ડ ખાવો પડશે.’

અહીં જણાવેલા પ્રકારો સિવાય કેટલાક ‘આપણને તો કેન્ડી/ કુલ્ફી જ ફાવે’ અથવા ‘આઇસક્રીમ ખાવાથી શરદી થાય’ એ વર્ગમાં આવે છે, તો કેટલાકને ‘પ્યાલા-પ્યાલીઓ’ને બદલે ફેમિલીપેકથી ઓછું કંઇ જ ખપતું નથી. ફેમિલી પેક, પ્યાલા-પ્યાલીઓ અને કેન્ડી-કુલ્ફીની વાતો ફરી ક્યારેક.

Tuesday, April 10, 2012

સરકાર વિરુદ્ધ સેનાપતિઃ અવિશ્વાસની આંધી


સેંકડો મર્યાદા ધરાવતી ભારતની લોકશાહીમાં હવે બહુ ઓછી શક્યતાઓ કલ્પનાતીત- કલ્પના પણ ન કરી શકાય એવી- રહી છે. ચૂંટણીમાં ગોટાળાના આરોપ, બંધારણ અને બંધારણીય સંસ્થાઓના હાર્દમાં ગાબડાં, રાજકારણીઓનું બિનલોકશાહી પ્રજાવિરોધી વર્તન, અફસરોની બાબુશાહી, ન્યાયતંત્રમાં ગોટાળા, સૈન્યમાં ભ્રષ્ટાચાર... આમાંથી કોઇ પણ મુદ્દાની વાત આવે એટલે થોડું વાંચતાલખતા-જોતાસાંભળતા લોકો કહેશે, ‘આ બઘું જૂનું થયું. કંઇક નવી વાત કરો.’

પરંતુ ભારતના લશ્કરી સરસેનાપતિ દ્વારા, સૈનિક તાકાતની હિલચાલથી સરકારને ચીમકી આપવાની વાત હજુ કલ્પી શકાતી નથી. આઝાદીના સાડા છ દાયકા દરમિયાન, કટોકટીના સમયગાળા સહિત, રાજકીય નેતાગીરીનો હાથ હંમેશાં લશ્કરી નેતાગીરી કરતાં ઉપર રહ્યો છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા નેતાઓ તો ઠીક, અફસરો પણ ઘણી વાર અયોગ્ય રીતે લશ્કરી અધિકારીઓ ઉપર સાહેબગીરી રાખે છે. સામા પક્ષે એવા પણ ફૌજીઓ હોય છે જે હોદ્દા માટે રાજકીય ચાંપો દબાવવામાં અને રાજનેતાઓના કહ્યાગરા બની રહેવામાં ક્ષોભસંકોચ અનુભવતા નથી. બીજા શબ્દોમાં કહી શકાય કે ભારતના રાજકારણમાં લશ્કર દખલ કરતું નથી, પણ ભારતના લશ્કરમાં રાજકારણની અને બાબુશાહીની ઠીક ઠીક દખલ ઘણા સમયથી છે.

સાવચેતી અને સનસનાટી

આટલી ભૂમિકા સાથે જાન્યુઆરી ૧૬-૧૭, ૨૦૧૨ના ઘટનાક્રમ વિશે બહુ સાવચેતીપૂર્વક વિચારવું પડે. લશ્કરી વડા જનરલ વી.કે.સિંઘ પોતાની જન્મતારીખના મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં ગયા એ જ રાત્રે બે લશ્કરી ટુકડીઓ ‘કવાયતના ભાગરૂપે’ દિલ્હીની દિશામાં આગળ વધી અને રાત્રે મળેલી સૂચનાઓ પછી અધરસ્તેથી પાછી ફરી. છ અઠવાડિયાંની મહેનત અને ચકાસણી પછી આ અહેવાલ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી શેખર ગુપ્તા સહિત ચાર પત્રકારોનાં નામ સાથે ગયા સપ્તાહે પ્રગટ થયો. તેનાથી પ્રસરેલાં આઘાત-પ્રત્યાઘાતનાં મોજાં હજુ શમ્યાં નથી. અત્યંત સાવચેતીપૂર્વક લખાયેલા અહેવાલમાં ક્યાંય એવું લખાયું નથી કે જનરલ  સિંઘે સરકાર પર દબાણ લાવવા માટે આ બે ટુકડીઓને દિલ્હીની દિશામાં આગળ વધારી. બલ્કે, અહેવાલમાં જનરલ  સિંઘની બેદાગ કારકિર્દીની પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ આખા અહેવાલમાં ઊભા કરાયેલા કેટલાક સવાલોની અણી જનરલ  સિંઘને અને સંરક્ષણ મંત્રી એન્ટનીને- એમ બન્ને પક્ષોને વાગે એમ છે.

અહેવાલમાં પૂછાયેલા ઉભા કરાયેલા પાયાના મુદ્દાઃ ૧) નેશનલ કેપિટલ રિજીયન - પાટનગર વિસ્તાર-માં લશ્કરી ટુકડીઓની કોઇ પણ પ્રકારની હિલચાલ માટે આગોતરી જાણ કરવી પડે. આ કિસ્સામાં એવી જાણ કરવામાં આવી ન હતી. ૨) ઘુમ્મસમાં લશ્કરી ટુકડીઓની સજ્જતા ચકાસવાનો જ પ્રશ્ન હોય તો વધારે ગીચ એવા દિલ્હી તરફના રસ્તાને બદલે બીજો રસ્તો કેમ લેવામાં ન આવ્યો? ૩) મલેશિયાની મુલાકાતે ગયેલા સંરક્ષણ સચિવને મુલાકાત અઘૂરી મૂકીને રાતોરાત પાછા બોલાવી લેવાયા. તેમણે રાત્રે ને રાત્રે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરશન્સ  એ.કે.ચૌધરીને બોલાવીને ‘આ બઘું શું ચાલી રહ્યું છે?’ એ મતલબનું પૂછ્‌યું. તેમના હુકમથી બન્ને ટુકડીઓને પાછી મોકલી દેવામાં આવી. ૪) દરમિયાન સરકારી હુકમથી દિલ્હીમાં આવતાં વાહનોનું દિલ્હીના નાકે ચેકિંગ કરવાના હુકમ જારી થયા, જેથી દરેક વાહનને ઊભા રહેવું પડે. એ રીતે ટ્રાફિક ધીમો પડે અને ટુકડીઓને દિલ્હી સુધી પહોંચવામાં વાર લાગે.

સરવાળે કશું જ બન્યું નહીં. બન્ને ટુકડીઓ જે રીતે આવી હતી, એવી જ રીતે પાછી ફરી ગઇ. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલમાં પણ સાવધાની અને સલુકાઇથી બળવો કે બળવાનો પ્રયાસ કે બળવાની દિશામાં હિલચાલ (‘કૂપ’) જેવો શબ્દ ટાળવામાં આવ્યા. એને બદલે સરકારના પક્ષે ગૂંચવાડો (કન્ફ્‌યુઝન) અને અસુખ-અકળામણ (અનઇઝ) પ્રવર્તતાં હતાં એમ લખવામાં આવ્યું. છતાં, આખો અહેવાલ અને તેમાંથી ઉભા થતા મુદ્દા વાંચીને છાપ એવી જ ઊભી થઇ કે સરકાર અને જનરલ વચ્ચેના સંઘર્ષમાં જનરલ વિરુદ્ધ કોઇ આકરું પગલું લેવામાં આવે, તેને આગોતરું ખાળવા માટે- પ્રીએમ્પ્ટ કરવા માટે- સૈન્યની બે ટુકડીઓ દિલ્હી તરફ રવાના થઇ હતી.

વડાપ્રધાન, સંરક્ષણમંત્રી અને જનરલ સિંઘથી માંડીને પ્રસાર માઘ્યમોમાં પણ ઘણાએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલને ચુનંદાં વિશેષણોથી વખોડી કાઢ્‌યો. વડાપ્રધાને તેને ‘એલાર્મિસ્ટ’ (ભડકામણો) કહ્યો, તો જનરલ સિંઘે તેને ‘ફેબલ્સ ઓફ સિક માઇન્ડ’ (રુગ્ણ માનસની કપોળકલ્પના) ગણાવ્યો. ‘એક્સપ્રેસ’ના તંત્રી શેખર ગુપ્તાએ અહેવાલને ‘એલાર્મિસ્ટ’ નહીં, પણ એલાર્મિંગ (ચેતવણીસૂચક) ગણાવ્યો અને ચોતરફથી થયેલા નકાર છતાં તે પોતાના અહેવાલમાં મુકાયેલી હકીકતોને વળગી રહ્યા.

કેટલીક વઘુ હકીકતોના પ્રકાશમાં


અત્યાર સુધી સામસામે રહેલાં સરકાર અને સેનાપતિ અખબારી અહેવાલ  વાહિયાત હોવાના મુદ્દે એક થઇ ગયાં. સાથોસાથ, એ બન્ને સિવાયના કેટલાક પક્ષોએ અહેવાલને તથા તેના રદિયાને ટેકો કરે એવી વાતો બહાર આણી છે. જેમ કે, એક અખબારના સંરક્ષણને લગતી બાબતોના પત્રકાર સાથે વાત કરતી વખતે કેટલાક લશ્કરી અફસરોએ કહ્યું કે નેશનલ કેપિટલ રિજીયનમાં સૈન્યની ટુકડીઓની હેરાફેરીઓ થતી જ રહે છે. એમાં કશું નવું નથી અને તેમાં કોઇ આગોતરી પરવાનગી કે જાણકારીની જરૂર હોતી નથી. કેટલાક અફસરોએ કહ્યું કે દસેક હજાર જેટલા સૈનિકો કાયમ દિલ્હીમાં સ્થિત હોય છે. તેમની સરખામણીમાં કુલ પાંચસોની આસપાસ સૈનિકોની ટુકડીઓ દિલ્હી તરફ મોકલીને જનરલ સિંઘ સરકારને દબાવવાનો પ્રયાસ કરે, એ માનવા જેવું નથી. એક અફસરે કહ્યું કે જનરલે ઇચ્છ્‌યું જ હોત તો દોઢસો-બસો કિ.મી. દૂર આગ્રા અને હિસ્સારથી લશ્કરી ટુકડીઓ દિલ્હી તરફ બોલાવવાને બદલે, માંડ સિત્તેર કિ.મી. દૂર મેરઠથી ઇન્ફન્ટ્રી/પાયદળની આખી ડિવિઝન લાવવાનું તેમને વધારે સહેલું પડ્યું હોત.

બીજી તરફ, પ્રામાણિક અને બેદાગ અફસર તરીકે પંકાયેલા નિવૃત્ત લેફ્‌ટન્ટ જનરલ હરચરનજીતસિંઘ પનાગે ટ્‌વીટર પર એવો મત રજૂ કર્યો કે પોતાની સામેનાં સંભવિત સરકારી પગલાં લેવા માટે જનરલ વી.કે.સિંઘે કરેલું એવું શક્તિપ્રદર્શન હોઇ શકે છે, જેમાં ભાગ લેનારા સૈનિકોને તેમની દિલ્હી તરફની કૂચનું સાચું કારણ ખબર પણ ન હોય. ફક્ત ઉચ્ચ હોદ્દો ધરાવતા અફસરો જ દિલ્હી તરફ આગળ વધવાના સાચા કારણથી વાકેફ હોય. નિવૃત્ત લેફ્‌ટ. જનરલ પનાગે લશ્કરી પરિભાષામાં આ જાતના પગલા પાછળનું સંભવિત ઘ્યેય જણાવતાં લખ્યું ‘શત્રુપક્ષથી પહેલાં પગલાં લઇ લેવાં જેથી તે પોતાની વ્યૂહરચના, યોજના કે કાર્યવાહી અમલમાં મૂકી શકે નહીં.’ તેમનાં લખાણનો ઘ્વનિ એવો હતો કે સરકારને ચીમકી આપવા માટે  બે ટુકડીઓ દિલ્હી તરફ મોકલવામાં આવી હોય એ (અખબારી અહેવાલમાં સૂચવાયેલી સંભાવના) બનવાજોગ છે.

અખબારી અહેવાલનો ઘ્વનિ ઘણો ગંભીર છે, પણ તેના લેખિત શબ્દોમાં એટલું સ્પષ્ટપણે કહેવાયું છે કે સરકારને એક તબક્કે જનરલ સિંઘ તરફથી લશ્કરી હિલચાલની શંકા ગઇ હતી. એટલું જ નહીં, પોતાની શંકાના (કે ગૂંચવાડાના) આધારે સરકારે (સંરક્ષણ મંત્રીએ) ટુકડીઓની દિલ્હી તરફની ગતિ ધીમી પાડવા માટે પગલાં લીધા અને સરવાળે તેમને પાછી મોકલી દીધી. આ ટુકડીઓ ખરેખર જનરલ સંિઘની યોજનાના ભાગરૂપે દિલ્હી ભણી આવતી હતી કે કેમ, એની ચર્ચા ફોતરાં ખાંડવા જેવી બની રહેશે. કારણ કે તેની સાથે સંકળાયેલી સચ્ચાઇ એમ બહાર આવવાની નથી. મહત્ત્વનો મુદ્દો સરકારે કરેલી કલ્પનાનો- અને તેમાંથી ડોકાતી સરકારની અસ્થિર, અસલામત માનસિકતાનો છે.

ગરીમા ખોવાની હરીફાઇ


સૈન્યવડા જનરલ સિંઘ સાથે સંરક્ષણ મંત્રાલયની તકરાર તેમની જન્મતારીખના મુદ્દે શરૂ થઇ. આટલો નાનો મુદ્દો દેશના સૈન્યવડા અને સંરક્ષણ મંત્રી એકબીજાની ગરીમા જાળવીને, બંધબારણે ઉકેલી ન શકતા હોય તે સૌથી મોટી ચિંતા અને શરમની વાત કહેવાય. બન્ને પક્ષોએ આ મુદ્દે જાહેરમાં ગરીમા ચૂકવામાં કશું બાકી રાખ્યું નહીં. પહેલી નિષ્ફળતા સરકારની. કારણ કે તે વ્યક્તિ નથી. તેની પાસે એક માણસને સમજાવવાના- તેની સમસ્યા ઉકેલવાના ઘણા રસ્તા હોય છે. સાથોસાથ, જનરલ સિંઘની નિષ્ફળતા પણ ઓછી નથી. કારણ કે, એક વાર મતભેદો જાહેર થઇ ગયા પછી તેમણે પ્રસાર માઘ્યમોનો સારોએવો ઉપયોગ કર્યો અને એ પરંપરા સતત ચાલુ રાખી.

લશ્કરના બે જુદા વિભાગોમાં જનરલ સિંઘની બે જુદી જન્મતારીખો બોલતી હતી. જનરલ સિંઘ ૧૯૫૧ની જન્મતારીખ આગળ કરતા હતા અને સરકાર તેમની બઢતીઓમાં ગણાયેલી ૧૯૫૦ની જન્મતારીખ આખરી ગણાવતી હતી. સરકારી જન્મતારીખ ગણતરીમાં લેવાય તો ૩૦ મે, ૨૦૧૨ના રોજ જનરલ સિંઘને નિવૃત્ત થઇ જવું પડે.    સમજ્યાવિચાર્યા વિના, કેવળ કોંગ્રેસવિરોધને મૂલ્ય માનતા લોકોને એવી  દલીલ પકડાવી દેવામાં આવી કે ‘જનરલ સિંઘને બઢતી આપતાં પહેલાં તત્કાલીન સૈન્યવડા દીપક કપૂરે તેમને જૂઠી જન્મતારીખ સ્વીકારવાની ફરજ પાડી હતી.’ એ સાચું હોય તો પણ  શરમજનક ન કહેવાય? દેશના સૈન્યવડાને પોતાની જન્મતારીખ જેવી બાબતમાં શા માટે અને કયા દબાણથી ઝૂકવું પડે? જન્મતારીખના મુદ્દે તેમણે બેદરકારીથી અથવા ગાફેલિયતથી અથવા દબાણથી, પણ એવા કાંડા શા માટે કાપી આપ્યાં કે સર્વોચ્ચ અદાલતમાં તેમનો કેસ લૂલો પુરવાર થયો? સર્વોચ્ચ અદાલતે સૈન્યવડાના વકીલને એ મતલબનું કહેવું પડ્યું કે કેસ પાછો ખેંચી લો. નહીંતર સૈન્યવડા કેસ હારશે તો નીચાજોણું થશે.

અદાલતની સલાહ માનીને કેસ પાછો પણ ખેંચાઇ ગયો. સૈન્યવડાનું પદ ભોગવી રહેલા અને ‘વઘુ એક વર્ષ સુધી આ હોદ્દે રહેવાનો નહીં પણ સ્વમાનનો સવાલ છે’ એવું કહેનારા માણસ પાસેથી એટલી અપેક્ષા ન રાખી શકાય કે એ પોતાના હોદ્દેથી રાજીનામું આપીને- નોકરીની ખરેખર પડી નથી એમ બતાવીને- પછી સરકારને જૂઠી સાબિત કરે અને તેને શરમાવે? પરંતુ જનરલ હોદ્દા પર ચાલુ રહ્યા અને જન્મતારીખથી માંડીને પાછલી તારીખોના ભ્રષ્ટાચારના આરોપો સુધીના મુદ્દે ગરીમા ઘટે એવું વર્તન કર્યું

જનરલ વી.કે.સિંઘની બાબતમાં થયેલો આખો વિવાદ હકીકતે તેમના અનુગામી લેફ્‌ટ. જનરલ બિક્રમસિંઘને સૈન્યવડા બનાવવા માટેનો હતો, એવી પણ વાતો ક્યારની વહેતી થઇ ચૂકી છે. વરિષ્ઠતાની દૃષ્ટિએ જનરલ વી.કે.સિંઘ પછીના ક્રમે આવતા લેફ્‌ટ. જનરલ બિક્રમસિંઘ વિશે પહેલાં એવી વાત વહેતી મુકાઇ કે તેમની પુત્રવઘુ પાકિસ્તાની છે. તપાસમાં એ વાત ખોટી સાબીત થઇ (તે અફઘાન મૂળનાં અમેરિકન નાગરિક છે). ત્યાર પછી નૌકાદળના ભૂતપૂર્વ વડાઓ એડમિરલ રામદાસ અને એડમિરલ વિષ્ણુ ભાગવત, ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એન.ગોપાલસ્વામી  જેવા લોકોએ મળીને લેફ્‌ટ. જનરલ બિક્રમસિંઘની નિમણૂંક સામે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી/પીઆઇએલ કરી. તેમાં મુખ્ય આરોપ છે કે જનરલ  બિક્રમસિંઘ ૨૦૦૧માં જમ્મુ-કાશ્મીરમાં નકલી એન્કાઉન્ટરના કેસમાં સંડોવાયેલા છે. જાહેર હિતની અરજી કરનારા મહાનુભાવોએ અદાલત સમક્ષ એવી પણ વિનંતી કરી છે કે સૈન્યવડાના હોદ્દે જનરલ વી.કે.સિંઘને જ ચાલુ રાખવામાં આવે.

જનરલ બિક્રમસિંઘ સામેના આક્ષેપોની તપાસ તો થશે, પણ વધારે અગત્યનો અને ચિંતાનો મુદ્દો એ છે કે સૈન્યવડા જેવી નિમણૂંકોમાં પણ હવે જાહેર આક્ષેપબાજી અને અદાલતોની દખલગીરી શરૂ થઇ જશે, તો સરકાર શું કરશે? આ મુદ્દે સરકાર પહેલાં પોતાની વિશ્વસનીયતા અને પછી પોતાનો અબાધિત અધિકાર સ્થાપિત કરે તથા લશ્કરમાં રાજકારણ રમવાનું બંધ કરે, એ દેશહિત માટે સૌથી જરૂરી છે.

Sunday, April 08, 2012

મોબાઇલ કોમર્સઃ કૂકડો બોલી ગયો, હવે સૂરજ ક્યારે તપશે?


ભારતમાં શૌચાલયો કરતાં મોબાઇલ ફોનની સંખ્યા વધી પડી, ત્યાર પહેલાંથી મોબાઇલ કોમર્સની છડી પોકારાઇ ચૂકી છે. ટૂંકમાં ‘એમ-કોમર્સ’ તરીકે ઓળખાતા મોબાઇલ કોમર્સ માટે કહેવાતું હતું કે તેના આગમન પછી બેન્કમાં ખાતું હોય કે ન હોય, એવા તમામ મોબાઇલધારકો પોતાના ફોનથી જ રૂપિયા ચૂકવી કે સ્વીકારી શકશે. જુદાં જુદાં બિલ ભરવા માટે લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટ ટળી જશે.  બેન્કના ખાતામાંથી બિલની બારોબાર કપાત કરતી ઇસીએસ- ઇલેક્ટ્રોનિક ક્લીઅરીંગ સર્વિસ-નો ઉપયોગ પણ નહીં કરવો પડે. પોતાના મોબાઇલ ફોનમાં રકમ, સામા છેડાનો ફોન નંબર અને પોતાનો કોડ નંબર- આટલી એન્ટ્રી કરવાથી આર્થિક લેવડદેવડ વિના વિલંબે, તરત જ પૂરી. મોબાઇલના સ્ક્રીન પર તેની પહોંચ પણ આવી જશે. આ પ્રકારની સુવિધા માટે મોંઘા ભાવના સ્માર્ટ ફોનની જરૂર નહીં પડે. શોખીનો જેને ‘ડબલાં’ તરીકે ઓળખે છે, એવા સીધાસાદા સેલફોનથી કામ થઇ જશે.

સુવિધા અને સરળતાના આ ગુલાબી ચિત્રમાં વધારાનો રંગ પૂરતો અંદાજ એવો છે કે વર્ષ ૨૦૧૫માં ભારતમાં કુલ વસ્તી જેટલા જ મોબાઇલ ફોન થઇ જશે. તેમાંથી દસેક કરોડ લોકો ધારકો એમ-કોમર્સનો ઉપયોગ કરતા હશે.

નજીકના ભવિષ્ય પછી વધારે નજીકના ભૂતકાળમાં નજર કરીએ તો, લગભગ ૧૨ લાખ ગ્રાહકોને એમ-કોમર્સની સેવા પૂરી પાડતી કંપની ‘નોકિયા’એ માર્ચ, ૨૦૧૨માં પોતાની સેવાઓ આટોપી લેવાની જાહેરાત કરી. ‘નોકિયા’ ફોન દ્વારા ‘યસ બેન્ક’ અને ‘યુનિયન બેન્ક’ સાથે બેન્કિંગ (રૂપિયાની લેવડદેવડ) કરતા ૧૦ લાખ ગ્રાહકોને હવે એ સુવિધા બીજા કોઇ ઓપરેટર પાસેથી મળે એવી ગોઠવણ વિચારાઇ રહી છે, જ્યારે બાકીના ૨ લાખ ગ્રાહકો કંપનીના પોતાના એકમ ‘નોકિયા મની’ના હતા. ‘નોકિયા’એ ‘મૂળ ધંધામાં ઘ્યાન આપવા માટે’ એમ-કોમર્સમાંથી પાછા હટી જવાની જાહેરાત કરી. પરંતુ ‘નોકિયા મની’ના  ગ્રાહકો  પોતપોતાના મોબાઇલમાં જમા પડેલી રકમ વાપરી શકે એ માટે તેમને ત્રણેક મહિના જેટલો સમય આપવામાં આવ્યો છે. દરમિયાન, મોબાઇલ સર્વિસ કંપની એરટેલ, એચ.ડી.એફ.સી. બેન્ક અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ માસ્ટરકાર્ડ તથા વિસા  એમ-કોમર્સના ધંધામાં આવી ચૂક્યાં છે.

સાદા ટેલીફોનની અવેજીમાં ફક્ત વાતચીત કરવા માટે શોધાયેલો મોબાઇલ ફોન ઉપયોગીતાની દૃષ્ટિએ કેટલું કાઠું કાઢી ગયો છે તેનો ખ્યાલ એ વાત પરથી આવશે કે એમ-કોમર્સમાં બાકીની ત્રણે કંપનીઓ એક યા બીજી રીતે નાણાંકીય વ્યવસાયમાં હતી (બેન્ક-ક્રેડિટ કાર્ડ), જ્યારે એરટેલ મૂળભૂત રીતે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર. પરંતુ એમ-કોમર્સની બાબતમાં તે એચ.ડી.એફ.સી. જેવી નામી બેન્ક કે વિસા-માસ્ટરકાર્ડ જેવી ખમતીધર ક્રેડિટકાર્ડ કંપનીઓને મજબૂત હરીફાઇ પૂરી પાડી રહી છે. બલ્કે, ભારતમાં એમ-કોમર્સને વ્યાપક બનાવવાની હોડમાં અત્યારે તે સૌથી આગળ લાગે છે.

‘મોબાઇલ બેન્કિંગ’ તરીકે ઓળખાતી સુવિધા આઇસીઆઇસીઆઇ જેવી બેન્ક ઘણા સમયથી પૂરી પાડતી હતી. તેના પ્રતાપે ખાતેદાર બેન્કમાં ગયા વિના પોતાના ખાતામાં રહેલી રકમ અને છેલ્લી પાંચ એન્ટ્રીની વિગત જાણી શકે. ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવી શકે. નવી ચેકબુકની માગણી કરી શકે. ચેક ક્લીયર થયો કે નહીં અથવા એ કયા તબક્કે પહોંચ્યો છે, તે જાણી શકે. ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝીટનાં ખાતાં બેન્કમાં ગયા વિના જ ખોલાવી શકે. આ સુવિધાઓ બેશક આકર્ષક અને નવીન લાગે, પરંતુ તેને ‘ક્રાંતિકારી’ બનતાં અટકાવતી બે મુખ્ય મર્યાદાઓ હતીઃ મોબાઇલ ફોન થકી બેન્કમાંથી રૂપિયા ઉપાડી ન શકાય અને રોકડા રૂપિયા જમા કરાવી ન શકાય.

એમ-કોમર્સ આ બન્ને મર્યાદાઓ દૂર કરતું હોવાથી તેની શક્યતાઓ ક્રાંતિકારી ગણાય છે. જાહેરખબરોના આક્રમણ સાથે બજારમાં આવેલી ‘એરટેલ મની’ સર્વિસની વાત કરીએ તો, તેમાં રૂપિયા જમા કરાવવા માટે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ ‘નેટ બેન્કિંગ’ ગણી શકાય. કારણ કે તેમાં કંપનીની વેબસાઇટ પર જઇને, ગ્રાહક પોતાન બેન્ક ખાતાનંબર લખે અને તેમાંથી કેટલી રકમ ‘એરટેલ મની’માં જમા કરવાની છે એ લખે, એટલે એટલી રકમ ગ્રાહકના મોબાઇલ ફોનમાં જમા થઇ જાય છે. આ પદ્ધતિની દેખીતી બે મર્યાદાઓ છેઃ

૧) કંપનીની વેબસાઇટ પર ગ્રાહકો પોતાનો બેન્કખાતા નંબર લખવો પડે છે. વેબસાઇટો સુરક્ષાની પૂરતી કાળજી લેતી હોવા છતાં અને લોકો ધીમે ધીમે નેટ બેન્કિંગથી ટેવાતા હોવા છતાં, ખાતાનંબર જેવી વિગતો ઇન્ટરનેટ પર આપવાનું ઘણા ગ્રાહકો પસંદ કરતા નથી.

૨) એમ-કોમર્સનું સૌથી મોટું આકર્ષણ અને સૌથી મોટી ક્રાંતિ બેન્કમાં ખાતું ન હોય એવા લોકોને બેન્કિંગની સેવા પૂરી પાડવાની છે, જ્યારે ‘નેટ બેન્કિંગ’નો વિકલ્પ ફક્ત એવા લોકોને ખપ લાગે છે, જે બેન્કમાં ખાતું ધરાવતા હોય.

અલબત્ત, ‘એરટેલ મની’નો બીજો વિકલ્પ આગળ જણાવેલી બન્ને મર્યાદાઓ ઓળંગી જાય છે. એ પદ્ધતિમાં મોબાઇલમાં રૂપિયા જમા કરાવવા હોય તો માણસે રૂપિયા લઇને નજીકના એરટેલ રીટેઇલર પાસે જવું પડે. ત્યાં રોકડ રૂપિયા આપતાં વેંત એ રૂપિયા ગ્રાહકના મોબાઇલ ફોનમાં જમા બોલતા થઇ જાય. આવા રીટેઇલરોની યાદી કંપનીની વેબસાઇટ પર મૂકવામાં આવે છે. આ વિકલ્પ સારો છે, પરંતુ સેવાનો વ્યાપ અને રીટેઇલરોની સંખ્યાનું તંત્ર ચેઇન રીએક્શન જેવું હોય છે. રીટેઇલરોની સંખ્યા વધે તો સેવાનો વ્યાપ અને ગ્રાહકોની સંખ્યા વધે. એવી જ રીતે ગ્રાહકોની સંખ્યા વધે તો રીટેઇલરો વધારી શકાય.

મોબાઇલ ફોનની રીચાર્જ કૂપનો પાનના ગલ્લે મળતી થઇ ગઇ છે, એ જોતાં રીટેઇલરોની સંખ્યા વધતી રહેશે એવું માની શકાય. અલબત્ત, રીટેઇલરોએ રોકડા રૂપિયા ઉઘરાવવાના હોવાથી, કંપનીઓ તેમને નીમતાં પહેલાં વધારે સાવચેતી રાખે એ સ્વાભાવિક છે.

આ રીતે મોબાઇલ ફોનમાં રૂપિયા જમા થયા પછી, મોબાઇલ ફોનમાં કંપનીએ આપેલાં મેનુમાં યોગ્ય પસંદગી કરીને, બિલની રકમ,  જેને બિલ આપવાનું છે તેનો મોબાઇલ નંબર, ગ્રાહકનો પોતાનો એમ-પિન (મોબાઇલ પર્સનલ અન્ડેન્ટિફિકેશન નંબર) જેવી વિગતો ભરવાથી બિલ ભરી શકાય છે, કંપનીએ કરેલી ગોઠવણો પ્રમાણે સિનેમાની કે મુસાફરીની ટિકીટો ખરીદી શકાય છે, કંપનીએ નક્કી કરેલા સ્ટોરમાંથી બીજી ખરીદી પણ કરી શકાય છે. મોબાઇલ દ્વારા રૂપિયા ચૂકવ્યા પછી સિનેમાની કે મુસાફરીની ટિકીટ મોબાઇલ ફોનમાં જ આવી જાય છે, જે સ્થળ પર અસલી ટિકીટને બદલે બતાવી શકાય છે.

એમ-કોમર્સનો બીજો મહત્ત્વનો ઉપયોગ નાણાં મોકલવા માટેનો છે. ક્યાંય ગયા વિના, ફક્ત મોબાઇલનાં બટન દાબીને એક જગ્યાએથી બીજી જગ્યાએ નાણાં મોકલી શકાય છે. અલબત્ત, આ સેવાનો હવાલા પાડવા જેવાં કામોમાં દુરુપયોગ ન થાય અને ફક્ત રોજિંદા વ્યવહારમાં જ તે વપરાય એ માટે રિઝર્વ બેન્કે રોજ વઘુમાં વઘુ કેટલી રકમની લેવડદેવડ થઇ શકે તેની મર્યાદા આંકી છે.

આ બઘું વાંચીને લાગે કે એમ-કોમર્સની સફળતા માટેનો તખ્તો બરાબર ગોઠવાઇ ચૂક્યો છે. પરંતુ હજુ થોડી કરચલીઓ સીધી થાય તેની પ્રતીક્ષા છે. તેમાંની એક ચાવીરૂપ બાબત છેઃ ઇન્ટરઓપરેબિલીટી. અત્યારે ‘એરટેલ મની’ સુવિધા ફક્ત એરટેલના ગ્રાહકો માટે જ છે. એને બદલે, કોઇ પણ બે મોબાઇલ સેવા ધરાવતા ગ્રાહકો એકબીજા સાથે નાણાંકીય આપ-લે કરી શકે તો તેનો વ્યાપ અનેક ગણો વધી શકે. બીજો મુદ્દો રૂપિયાની લેવડદેવડ સાથે સંકળાયેલી માનસિકતાનો છે. નાણાંકીય ક્ષેત્રના ઘણા લોકોને લાગે છે કે ભારતીયો ઇન્ટરનેટ કે મોબાઇલ જેવાં માઘ્યમો પર થતી ‘અદૃશ્ય’ લેવડદેવડને બદલે આંખ સામે થતી રોકડ લેવડદેવડથી વધારે ટેવાયેલા છે. તેથી એમ-કોમર્સ પૂર્ણ કદની ક્રાંતિ ન બનતાં નેટબેન્કિંગની જેમ વઘુ એક વિકલ્પ બનીને રહી જાય એવી પણ શક્યતા છે. એમ-કોમર્સની સેવાઓ માટે કંપનીઓ દ્વારા વસૂલાતો સર્વિસચાર્જ કેટલો છે, એની ઉપર પણ ગ્રાહકોની સંખ્યાનો આધાર રહે છે. ભારતમાં રૂપિયા અથવા સમય બેમાંથી એકની બચત કરવાની હોય, તો સરેરાશ લોકો રૂપિયાની બચત પસંદ કરશે.

એમ-કોમર્સ વાવાઝોડાની જેમ આવે ને છવાઇ જાય, એવું કેન્યા કે ફિલિપાઇન્સ જેવા દેશોમાં ભલે શક્ય બન્યું હોય, ભારતમાં અત્યાર સુધીનો અનુભવ જુદો રહ્યો છે અને ભવિષ્યમાં પણ તેની ગતિ તેજ અને તોફાનીને બદલે ધીમી અને મક્કમ રહે એવી સંભાવના વધારે છે.