Tuesday, April 03, 2012
લાપતા બાળકો: હોબાળાની બીજી બાજુ
છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં જાણે બાળકો ‘ભેદી રીતે’ ‘રહસ્યમય ઢબે’ ગુમ થવાની સીઝન બેઠી છે. રોજેરોજ લાપતા થયેલાં, થતાં રહી ગયેલાં કે અપહરણકારો પાસેથી ઉગારી લેવાયેલાં બાળકોના સમાચાર વાંચવા મળે છે. એવું લાગે, જાણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. ‘ધોળે દહાડે બાળકો લાપતા થતાં હોય ને પોલીસ હાથ જોડીને બેઠી રહે, તો લોકો કાયદો હાથમાં લે એ સ્વાભાવિક છે.’ - એવી માન્યતા પણ ફેલાઇ રહી છે.
લાપતા બાળકોના મુદ્દે આવેલી ‘જાગૃતિ’ના કારણે અજાણી વ્યક્તિ જરા સરખું શંકાસ્પદ વર્તન કરતી જણાય અને તેમાં પણ બાળક સાથે સીધો સંપર્ક કરતી જણાય, એટલે લોકો પૂછવા તો ઠીક, વિચારવા પણ રહેતા નથી. શંકાસ્પદ જણની ઘુલાઇ થઇ જાય છે - પછી તે બાળક સાથે વાત કરનાર કોઇ શરાબી હોય કે બાળકને સરનામું પૂછનાર, મજૂરીના પૈસા લેવા ગયેલી કોઇ મહિલા.
‘શંકાસ્પદ વર્તણૂંક’ એટલે શું એ પણ ટોળું જ નક્કી કરે, તેણે બાળકને શું કહ્યું, શી લાલચ આપી અને તેને લઇ જવાનો કેવો પ્રયાસ કર્યો, એ બધી બાબતોમાં ટોળાનું બયાન આખરી ગણાય અને એ જ સમાચાર તરીકે રજૂ થાય. ટોળાંન્યાયની એક વાર પોલીસમાન્ય-સરકારમાન્ય બનેલી પરંપરા લોકમાનસમાં ઊંડે ઉતરી જાય તો તેનું શું પરિણામ આવે, તે ‘સ્થળ પર નિકાલ’ કરવા તત્પર ટોળાંની વર્તણૂંકમાંથી જોવા મળે છે. અમદાવાદના શાહપુરમાં તો આરોપીની ધરપકડ થયા પછી ‘આરોપી અમને સોંપી દો. અમારાં બાળકો પણ ગુમ થયાં છે’ એવા પોકારો સાથે ટોળાંએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો. ન છૂટકે પોલીસને લાઠીચાર્જ- ટીયરગેસનો સહારો લેવો પડ્યો. એક કલાકની એ ધમાલમાં બે પોલીસ સહિત સાત જણ ઘાયલ થયાના અખબારી અહેવાલ છે.
બાળકોની સલામતી અંગે પૂરતા પ્રમાણમાં સાવધ રહીને પણ ગૂંચવાડાથી બચવા માટે, કેટલાક મૂળભૂત મુદ્દા વિચારીએ.
મનગમતી માન્યતાઓ
ઘણાખરા અહેવાલો જોતાં એવું લાગે જાણે દરેક લાપતા બાળકનું અપહરણ થાય છે. ત્યાર પછી શું થતું હશે તે ફિલ્મપ્રેમી જનતા જાણે છેઃ ભીખારીઓની ગેંગ, અપહૃત બાળકો પાસે ભીખ મંગાવવાનું કામ, ચેલા બનાવતા બાવા, છોકરીઓના કિસ્સામાં તેમને દેહવિક્રયના ધંધામાં ધકેલવાની સંભાવના...ખરાબ કલ્પનાઓ કરવાની બાબતમાં લોકો કલ્પનાશક્તિને છૂટો દોર આપી દે છે અને ‘વહાલાં ધારે એવું વેરી પણ ન ધારે’ એ કહેણી સાચી ઠેરવે છે.
ગુમ થતાં બાળકોના હોબાળામાં યાદ રાખવા જેવી પહેલી હકીકત એ છે કે છેલ્લા થોડા સમયમાં ભાગ્યે જ કોઇ બાળકનું અપહરણ થયું છે. અપહરણનો મૂળભૂત આશય ખંડણી ઉઘરાવવાનો કે વેરનો હિસાબ ચૂકતે કરવાનો હોય છે. એ હેતુ માટે અપહરણકર્તાએ બાળકના પરિવારનો સંપર્ક કરવો પડે છે. પરિવારને કમ સે કમ એટલી તો જાણ થાય છે કે બાળકનું અપહરણ થયું છે.
સૌથી પ્રચલિત બીક બાળકોને ઉપાડી જતી ટોળકીની હોય છે. એ બાબતે લોકોની માન્યતાઓમાં સચ્ચાઇ ઓછી અને ફિલ્મી કથાઓની અસર ઘણી વધારે હોય છે. શંકાના પ્રદેશમાં દોડવા તત્પર લોકોને અદ્ધરિયા અહેવાલો અને મનઘડંત-ભેળસેળીયા માહિતીથી સડસડાટ ઢાળ મળી જાય છે. જેમ કે, બાંગ્લાદેશી ધૂસણખોરોની ‘સંદેહાસ્પદ હિલચાલ.’ બાંગ્લાદેશી ધૂસણખોરોનો ઉલ્લેખ થતાં વેંત આતંકવાદના સ્લીપર સેલથી માંડીને જાલી નોટો સુધીની કંઇ કેટલીય કાયમી આશંકાઓ તેમની પર આરોપી દેવામાં આવે છે. એ પ્રવૃત્તિઓને બાળકો ગુમ થવા સાથે કેવી રીતે સંબંધ છે એ દર્શાવવું પણ જરૂરી નથી. બસ, બાંગ્લાદેશી ધૂસણખોરોનું નામ ઉછળે એટલે લોકોને પોતાની આશંકા અને બાંગ્લાદેશીઓ વિશે મનમાં ધરબાયેલી માન્યતાઓ સાચી પડ્યાની (‘જોયું? અમે નહોતા કહેતા? પ્રકારની’) વિચિત્ર ‘કીક’ આવે છે. ત્યાર પછી સચ્ચાઇ જાણવાની જરૂર રહેતી નથી.
છેલ્લા બે દાયકાથી ક્રાઇમ રીપોર્ટિંગગના ક્ષેત્રે સક્રિય અને તેની આંટીઘૂંટીથી બરાબર વાકેફ એવા (અને સરકારભક્ત નહીં એવા) એક પત્રકારમિત્ર દૃઢતાપૂર્વક કહે છે કે ગુજરાતમાં બાળકોને ઉઠાવી જનારી કોઇ ટોળકીઓ સક્રિય નથી. એટલું જ નહીં, એવી ટોળકીઓ ઊભી ન થાય એની ચીવટ પોલીસ ઘણાં વર્ષોથી રાખે છે. એટલે, અમુક ટોળકીેના સપાટાને કારણે અચાનક બાળકો ગુમ થવા માંડ્યાં છે, એવું માની શકાય નહીં.
ઠંડા કલેજે વિચારીએ તો, વસ્તીની વચ્ચેથી બાળકો ઉપાડી જવાનું સહેલું નથી. અપહરણકર્તાઓ યોગ્ય આયોજન કરી શકે છે. કારણ કે તેમનું નિશાન નક્કી હોય છે. તેમની પાસે કાચ બંધ કરી શકાય અને અપહરણ કર્યા પછી ઝડપથી નાસી જવાય એવા ખાનગી વાહનની વ્યવસ્થા હોય છે. પરંતુ અપહરણ સિવાયના હેતુ માટે ઉપાડી જનારા લોકો મોટે ભાગે પગપાળા આવતા હોવાનું ફરિયાદોમાંથી જાણવા મળે છે. બાળકને ભોળવી-પટાવીને તે દૂર લઇ જઇ શકે અને ત્યાંથી રિક્ષા જેવા વાહનમાં બેસી જાય એ શક્યતા ખરી, પણ ત્યાં સુધી બાળક વિરોધ ન કરે એવું ભાગ્યે જ બને.
એક વાર બાળકને ડર લાગે એટલે તે પોતાની પ્રકૃતિ મુજબ રડવાથી માંડીને ધમપછાડા અને ચીસાચીસ કરવા સુધીના તમામ રસ્તા અપનાવે. એવું થાય ત્યારે રિક્ષાચાલકથી માંડીને રસ્તે ચાલતા લોકોને ખબર પડ્યા વિના ન રહે. બાળક સાવ નાનું હોય તો જ તેને ગુપચુપ ઉપાડી જવાનું શક્ય બને.
આમ, બાળકોનાં અપહરણ ખાસ થતાં ન હોય અને તેમને ઉપાડી જવાનું સહેલું ન હોય તો પછી, સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં વર્ષ ૨૦૦૬થી ૨૦૧૧ સુધીમાં ગુમ થયેલાં ૩,૭૧૧ બાળકોનું શું? તેમાંથી પાછાં ઘરે પહોંચી ગયેલાં ૧,૬૯૨ બાળકોને બાદ કરીએ તો પણ બાકી રહેલાં ૨,૦૧૯ બાળકો હજુ લાપતા છે. એ બાબત કેવી રીતે સમજવી?
આ સવાલનો પૂરેપૂરો તો નહીં, પણ ગાંઠે બાંધી રાખવા જેવો જવાબ મેળવવા માટે આખા પ્રશ્ન અંગે કેવળ કાનૂની નહીં, પણ સામાજિક દૃષ્ટિબિંદુથી વિચારવું પડે. પોલીસ કે સરકાર પ્રત્યે આંગળી ચીંધવાનો ઉત્સાહ દર્શાવતાં પહેલાં થોડું આપણી પોતાની વર્તણૂંક વિશે વિચારવું પડે.
કેટલાંક વાસ્તવિક કારણો
બાળકો લાપતા થવાનું અને લાંબા સમય સુધી ન મળવાનું સૌથી મહત્ત્વનું સંભવિત કારણ છેઃ બાળક પોતે જ ઘર છોડીને જતું રહેવા ઇચ્છતું હોય.
પણ જેના જવાથી માતા-પિતા, સગાંસંબંધી આટલાં આકુળવ્યાકુળ થઇ જતાં હોય, એવું બાળક ઘર છોડવા જેવું પગલું શા માટે ભરે? એવો સવાલ ગુમ થયેલા બાળકની તપાસ માટે થતા પ્રયાસ જોઇને થાય. પરંતુ વિચારવાનું એ છે કે આ જ લોકો- માતાપિતા, કુટુંબીજનો-નો બાળક ઘરે હોય ત્યારે તેની સાથે કેવી રીતે વર્તે છે? તેને કેવું વાતાવરણ પૂરું પાડે છે?
બાળક ઘરેથી નાસી જાય તેની પાછળનાં કારણોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય. ૧) કૌટુંબિક ખટરાગ અને ઝઘડાઝઘડી. તેના કારણે વર્તાતી વાત્સલ્યની તીવ્ર ખોટ. ૨) સ્કૂલોમાં અભ્યાસનું-શિક્ષાનું દબાણ અને પરિવારની શૈક્ષણિક અપેક્ષાઓનો બોજ. ૩) ફિલ્મ-ટીવી જેવી કારકિર્દીઓથી અંજાઇને, ‘કંઇક’ બનવા માટેની અણસમજુ ઉતાવળ. આ ત્રણે કારણો પેદા કરવા કે વકરાવવા માટે પોલીસ કે સરકાર નહીં, પણ મહદ્ અંશે પરિવાર જવાબદાર હોય છે.
સતત ઝઘડતાં માતાપિતાનાં સંતાનો મોટાં થાય તેમ તેમના મન પર કૌટુંબિક આગના ડામ પડતા રહે છે. તેમાં સતત દઝાતાં બાળકોમાં થોડો આત્મવિશ્વાસ આવે એ સાથે જ તેમને આગથી બચવાના વિચારો આવવા લાગે છે. લડકારાં માતાપિતા સુધરે એમ નથી એવો અહેસાસ દૃઢ થયા પછી, ઘરમાં રહીને કદી શાંતિ પામી શકાશે નહીં એવું એક વાર કિશોર મનમાં સ્થાપિત થઇ જાય- અને પોતાના મનનો ભાર હળવો કરી શકાય એવું બીજું કોઇ ઠેકાણું ન હોય ત્યારે બાળક લાંબું વિચાર્યા વિના ઘરેથી ભાગી છૂટવાનો વિકલ્પ અપનાવે છે. કહેવાનો મતલબ એવો નથી કે તેમનું પગલું યોગ્ય છે. વિચારવાનું એ છે કે એ હદે તેને જવાની ફરજ શા માટે પડી? ઘણા કિસ્સામાં બાળકો કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યાર પછી માતાપિતા સાથેનો તેમનો સંવાદ સાવ ઓછો થઇ જાય છે. નવી દુનિયા અને નવા ભાવોના પરિચયમાં આવતા બાળકને એ વખતે કોઇ માનસિક આધાર અને ધરીની સખત જરૂર હોય છે. પરંતુ એ પૂરી પાડવા જેટલો સમય કેટલાં માતાપિતા પાસે હોય છે?
બીજો દાટ શૈક્ષણિક અપેક્ષાઓએ વાળ્યો છે. ‘પાછળ રહી ગયેલાં’ મા-બાપ પોતાના બધા અઘૂરા કોડ સંતોષવાનો બોજ સંતાન પર નાખે છે. એમ કરતી વખતે સંતાનની રૂચિ કે ક્ષમતા જોવાનું તેમને જરૂરી લાગતું નથી. ‘પૈસાની ચિંતા ન કરીશ. અમે બેઠાં છીએ.’ એવું બોલીને, હકઅદાયગી બદલ પોરસાતાં મા-બાપ એવું માને છે કે તેમનું સંતાન વેન્ડીંગ મશીન છેઃ તેમાં ફક્ત રૂપિયા નાખવાથી ઇચ્છિત પરિણામ મેળવી શકાશે. કેટલાંક ‘ઉદાર’ મા-બાપ બાળકને વેન્ડીંગ મશીનને બદલે કેસિનોમાં મુકાયેલું મશીન ગણે છેઃ ‘અંદર રૂપિયા નાખવાના. પાછા વળે તો ઠીક. ન વળે તો ગયા.પણ સંતાન મોટું થઇને એવું તો ન કહી જાય કે તમે અમારા માટે કશું ન કર્યું.’
ખરેખર, ઘણાં અબુધ માબાપો માને છે કે બાળક માટે ‘કંઇક કરવું’ એટલે તેની પાછળ આંખ મીંચીને રૂપિયા ખર્ચવા- સ્થિતિ હોય કે ન હોય. ‘તું રૂપિયાની ચિંતા ન કરીશ. અમે ગમે તે કરશું.’ એમ કહેતાં મા-બાપ ઘણી વાર, બાળક માટે પૂરતો સમય નહીં આપી શકવાની મજબૂરીને રૂપિયા વડે સરભર કરતાં હોય એવું પણ લાગે છે. બાળકને સમય આપવાનો અર્થ ફક્ત એટલો નથી કે બાળકને ઘરે ભણાવવા બેસાડવું. બાળક સાથે અકારણ વાતો અને મસ્તી થઇ શકે, બાળક થોડું મોટું થાય પછી ‘તને આમાં ન ખબર પડે’ એવી વડીલશાઇ વૃત્તિ છોડીને, તેની સાથે મિત્રભાવે વાતચીત કરતાં શીખવું પડે, તેના મનમાં શું ચાલે છે એ જાણવાની ધીરજ કેળવવી પડે. બાળકને કે તેના સંગને દોષ દેવો બહુ સહેલો છે, પણ માતાપિતા તરીકે ‘પાસ’ થવું વધારે કઠણ છે.
બાળકોને ભાગી જવા માટે પ્રેરતું બીજું પરિબળ છે સ્કૂલની-શિક્ષકોની-શિક્ષાની બીક અથવા એ મોરચે સ્કૂલ અથવા માતાપિતા અથવા બન્ને તરફથી ઊભું થતું અસહ્ય દબાણ. આ દબાણ હળવું કરવામાં પણ માતાપિતા મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે છે. એ પોતે બાળક પરના દબાણમાં પોતાની અપેક્ષાઓનું વજન ન ઉમેરે, તો પણ બાળકોની મોટી સેવા થાય. અને સ્કૂલમાં શું થયું એની વાત બાળકો તેમની સાથે મોકળાશથી કરી શકે (એવું વાતાવરણ માતાપિતા પેદા કરી શકે) તો ઉત્તમ.
ગુમ થતાં બાળકો અંગેના હોબાળાના કેન્દ્રમાં જો બાળકોની ચિંતા મુખ્ય હોય, તો તેના માટે બાળકો ગુમ થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. રિક્ષામાં ખડકાઇને તો ઠીક, જોખમી રીતે લટકાઇને જતાં બાળકો જોઇને હંમેશાં વિચાર આવે કે સરેરાહ દેખાતું આ દૃશ્ય ખરેખર કોઇને દેખાતું નથી? કે બાળકોની ચિંતા કરવાની મઝા એમના ગુમ થયા પછી જ આવે છે?
Subscribe to:
Post Comments (Atom)
હું થોડા સમયથી તમારો બ્લોગ વાંચું છુ.
ReplyDeleteYOUR BLOG IS perfectly written. no mistakes and puts "TRUTH" as it is after some research. really nice.
totally agree with the views expressed! Superbly written!
ReplyDeleteતમારાં અવલોકનો સાચાં છે. ૨,૦૧૯ બાળકો હજુ લાપતા છે.અને એની ભાળ હજી સુધી ન મળી હોય તો એનાં આપણી વર્ગ ચેતનમાં હોવાં જોઇએ. શ્રીમંત વર્ગનાં બાળકોનું અપહરણ તો પૈસા પડાવવા માટે અથવા અદાવતના કારણે થતું હોય છે અને એમાં પોલીસ અથવા બાનામાં માગેલી રકમ આપવાને શક્તિ મદદરૂપ બને છે, પરંતુ, ગરીબ વર્ગનાં બાળકોની કોઈ ઉઠાંતરી કરે તો એની પાછળનો હેતુ પૈસા પડાવવાનો નથી હોતો. વેઠ મજૂરી માટે, ભીખ મંગાવવા માટૅ ચોરી, ખિસ્સાં કાપનારાની ગૅંગ ઊભી કરવા માટે થતો હોય છે. માતાપિતા પોતાનાં જીવનનો ભાર પણ ઉપાડી શકતાં નથી હોતાં.પોલીસ સ્ટેશનના ધક્કા કેટલા ખાય? આવાં બાળકોને પાછાં લાવવાની મહેનત કરીને પોલીસને પણ શું 'મળે'? આ વર્ગભેદ પર પણ વિચાર કરવો જોઇએ.
ReplyDeleteપ્રામાણિકતાથી કહું તો આ કૉમેન્ટ લખતી વખતે મારા મનની આંખ સામે જે બાળક દેખાય છે તે ચીંથરેહાલ છે પણ લેખ વાંચતો હતો ત્યારે જે બાળક નજર સમક્ષ આવતું હતું એ સ્કૂલના યુનિફૉર્મમાં સજ્જ, સુંદર, મોટા ઘરમાં રહેનારૂં હતું! મારી વર્ગચેતનામાં એ જ બાળક છે. આ તો લખવા લાગ્યો ત્યારે આંચકો લાગ્યો એટલે સુફિયાણી વાતો લખું છું!
વર્ગચેતના આપણી ઘણી સમસ્યાઓના મૂળમાં છે. 'કાયદો હાથમાં લેવા'ની જે વાત તમે કરી છે તે પણ એક ખાસ વર્ગની ખાસિયત છે,અને આ વર્ગ કાયદો હાથમાં લઈને એને પોતાને અનુકૂળ પણ બનાવી દે છે.ગુજરાતમાં મોટે પાયે આ ખાસિયત પાંગરી હોય તો એનાં કારણો શોધવા માટે એક દાયકાથી વધારે પાછળ જવાની જરૂર કદાચ નહીં પડે!
Nice on current affairs.
ReplyDeleteMany times their physical part of body, such as kidney, eyes and other parts are also a reason.
Near Vishala circle, land owner nicely used this issue to evacuate the land inhabitated by Bangladeshis.