Wednesday, April 18, 2012

આઇસક્રીમની વેનીલા-લીલા


માણસની જેમ આઇસક્રીમ પણ બે જાતના હોય છેઃ પોતાના ભપકાદાર દેખાવથી બીજાને લલચાવનારા-આકર્ષનારા દેખાડાબાજ અને પોતાની સૌમ્ય સાદગી- શાંત આકર્ષણથી સામેવાળાના મન પર અસર પેદા કરનારા.

પહેલા પ્રકારમાં નખરાળાં નામ, કલરબોક્સ ઊંઘું પડી ગયું હોય એવા રંગ ને ડ્રાયફ્રુટનો ડબ્બો વેરાયો હોય એવા પદાર્થો ધરાવતા આઇસક્રીમનો સમાવેશ થાય છે. તેમને જોઇને અકારણ, રંગીન ઝભ્ભા પહેરીને હાસ્યાસ્પદ લાગતા માણસો યાદ આવે છે. કેટલાક ગુજરાતીઓ કોઇ પણ ખાદ્યપદાર્થનું - અને તેના આધારે યજમાનનું- મહત્ત્વ તેમાં પ્રતિ ચમચી (કે પ્રતિ કોળીયો) કેટલાં ડ્રાયફ્રુટ આવ્યાં તેની પરથી નક્કી કરે છે. એવી જનતા રંગીન ઝભ્ભા ને રંગબેરંગી આઇસક્રીમથી એકસરખી પ્રભાવિત થાય છે.

બીજા પ્રકારના માણસો આઇસક્રીમ - કે માણસ- વિશે એકદમ અભિપ્રાય બાંધી લેતા નથી. આઇસક્રીમનો કપ હાથમાં લીધા પછી, બે-ચાર ચમચી આઇસક્રીમ ખાતાં સુધી તે એવા તલ્લીન હોય છે કે તેમને આઇસક્રીમ કેવો લાગ્યો એવું પૂછવામાં તપોભંગની બીક લાગે. તે આઇસક્રીમને ચમચીમાંથી સીધો, યાંત્રિક ઢબે મોંમાં ઓરી દેતા નથી. લાકડાની ચમચીને વળગેલો આઇસક્રીમ તે એવી રીતે જીભ પર મૂકે છે, જાણે જીભના એકેએક સ્વાદતંતુ સુધી તેનો સ્વાદ પહોંચાડવાનો હોય. આ પદ્ધતિથી થયેલો સ્વાદનો નિર્ણય સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના જજમેન્ટ જેવો નીવડે છે. એ નિર્ણય સામે લડી ન શકાય. ફક્ત દયાની અપીલ થઇ શકે.

દેખાવ કે રંગને બદલે ગુણવત્તાને પ્રાધાન્ય આપતા ઘણા લોકો વેનીલા ફ્‌લેવરના પ્રેમી હોય છે. હા, એ જ વેનીલા, જે રંગબાજોને ધોળોધબ્બ લાગે છે. કપમાં પડ્યો હોય તો એ કોઇ તપસ્વીના શ્રાપથી રંગ ગુમાવી બેઠો હોય એવો ને ફેમિલી પેકમાં પડ્યો હોય તો કોઇ સફેદ સૌંદર્યસાબુના મોટી સાઇઝના લાટા જેવો લાગે. સવાલ દૃષ્ટિનો છે. કારણ કે વેનીલાપ્રેમીઓને એ જ આઇસક્રીમનો દેખાવ ચાંદની રાતે હિમાલયનાં ઉત્તુંગ શીખરોની ટોચે છવાયેલા બરફ જેવો પણ લાગી શકે છે. રાજ કપૂરના વુમન ઇન વ્હાઇટમાટેના મોહથી પરિચિત લોકો વેનીલાપ્રેમીઓનું આઇસક્રીમ ઇન વ્હાઇટઅંગેનું આકર્ષણ વધારે ઝડપથી સમજી શકશે.

આઇસક્રીમ ખાવા ખાતર આઇસક્રીમ ખાતા મોટા ભાગના લોકો વેનીલાને વિકલ્પ ગણતા જ નથી. વેનીલા પોતે એક ફ્‌લેવર છે, એવા સામાન્ય જ્ઞાનમાં કોઇને રસ હોતો નથી. વેનીલાનાં ફળોનો ફોટો બતાવ્યા પછી પણ લોકો તેના આઇસક્રીમને બદામ કે અંજીર કે કેરી કે કેળાંના આઇસક્રીમની સમકક્ષ દરજ્જો આપવા રાજી થતા નથી. વેનીલાનો સફેદ રંગ તેમને એટલો નીરસ અને નકામો લાગે છે કે કંઇ નહીં તો લોકલાજની બીકે પણ તે વેનીલા મંગાવતા નથી. કોઇ જોઇ જશે તો કેવું વિચારશેહમણાં સુધી તો એમને રાજભોગ ખાતા જોયા છે અને હવે સાવ વેનીલા પર આવી ગયા?’ થોડા લોકો પોતાની ભૂતકાળની સામાન્ય આર્થિક સ્થિતિનો બદલો લેવા માટે પણ વેનીલાને નાપસંદ કરે છે. કારણ કે સ્થિતિ સારી ન હોય ત્યારે એકમાત્ર પોસાતા આઇસક્રીમ તરીકે વેનીલા ખાધો હોવાથી, એ ફ્‌લેવરમાં તેમની ગરીબીનો સ્વાદ પણ ઉમેરાયેલો હોય છે.

હજુ સુધી કોઇએ વેનીલાને શોકના પ્રસંગે ખાવાના આઇસક્રીમતરીકે ઓળખાવ્યો નથી, એટલું સારું છે. બાકી, એક વાર બેસણા-સર્કિટમાં તેની એવી નામના થઇ જશે, તો પછી ઓળખીતા-પરિચિતના હાથમાં વેનીલાનો કપ જોઇને સામેવાળા વ્યવહારુ જણ પૂછશે, ‘કોણ ગયું?’ બીયરમાં તુલસીનું પાન નાખવાથી તે પ્રસાદથઇ જાય, એવો ઉદાર મત ધરાવતા વ્યવહારુ લોકો કહેશેઃ બેસણામાં ભડક કલરનો આઇસક્રીમ રાખ્યો હોય તો કેવું ઑડ લાગે?

એક સમયે સફેદ કપડાં પહેરનારની પ્રતિષ્ઠાનું પ્રતીક ગણાતાં હતાં, તેમ સફેદ (વેનીલા) આઇસક્રીમ ખાનારના ઊંચા ટેસ્ટનું પ્રમાણ ગણાવું જોઇએ, એવું કમ સે કમ વેનીલાપ્રેમીઓ તો માને જ છે. વેનીલાના પ્રેમી વર્ગમાં તેની આબરૂ બેદાગ ફ્‌લેવર તરીકેની છે. કોઇ પણ આઇસક્રીમની અસલિયત પારખવી હોય, તો તેની વેનીલા ફ્‌લેવર ચાખી જોવી- એવી અનુભવવાણીનું પ્રેમીઓ વખતોવખત પુનઃપ્રસારણ કરતા રહે છે.

ગાંધીવાદી લોકો ખાદીનો આઇસક્રીમ મળતો થાય ત્યાં સુધી, સાદગીના પ્રતીક તરીકે વેનીલા પર પસંદગી ઉતારી શકે છે. પરંતુ વખત જતાં જેમ ખાદીના નવા વૈભવી પ્રકાર વિકસ્યા એવું જ વેનીલા ફ્‌લેવરમાં પણ થયું છે. વેનીલાનો સ્વાદ અને તેની સાદગી બરકરાર રાખીને તેને વરણાગી બનાવવા માટે અવનવા અખતરા કરવામાં આવે છે અને તેનાં ફેન્સી નામ રાખવામાં આવે છે. જેમ કે, વેનીલા આઇસક્રીમમાં થતી થમ્સ અપ- કોકાકોલા-પેપ્સીની ભેળસેળ. ફ્‌લોટતરીકે ઓળખાતો આ પદાર્થ ચમચીથી ખાધો કહેવાય કે પીધો કહેવાય, એ નક્કી કરવું અઘરૂં પડે છે.

વેનીલાની સાદગી પર ઓવારી જનારાને આવાં ગતકડાં ગમતાં નથી. છતાં, એકાદ વાર ચાખ્યા પછી તેમને થાય છે કે આમ કરવાથી પણ નવી પેઢીમાં વેનીલા લોકપ્રિય થતો હોય તો કશું ખોટું નથી. (કંઇક આ જ પ્રકારના તર્કને અનુસરીને લખાતા ગુજરાતી ભાષાના ભેળસેળીયા સ્વરૂપને ગુજરાતી ફ્‌લોટકહી શકાય?) ફ્‌લોટનો જન્મ સ્વાભાવિક રીતે જ કોઇ ગુજરાતી મમ્મીના હાથે થયો હશે. ફ્રીઝરમાં ચીલ્ડ કરવા મૂકેલી થમ્સ અપની બોટલ ખુલીને, બાજુમાં પડેલા વેનીલા આઇસક્રીમના ખુલ્લા ડબ્બામાં ઢળી હશે. બન્ને ફેંકી દેવાં ન પડે અને બેસ્ટમાંથી વેસ્ટબન્યા પછી ફરી એક વાર વેસ્ટમાંથી બેસ્ટબનાવી શકાય એવી પવિત્ર ભાવનાથી પ્રેરાઇને તેમણે આ મિશ્રણ મહેમાનોને પીરસ્યું હશે. તેમને ભાવતાં એકાદ સંતાનની બર્થ ડે પાર્ટીમાં તેનો અખતરો થયો હશે અને એમ કરતાં નવી વાનગી અસ્તિત્ત્વમાં આવી હશે.

ફક્ત પ્રવાહી જ નહીં, નરમ ઘન પદાર્થોની જોડી પણ વેનીલા ફ્‌લેવર સાથે જમાવવાના પ્રયાસ સૌ પોતપોતાની રૂચિ પ્રમાણે, રેસિપીની પરિભાષામાં કહીએ તો સ્વાદાનુસાર’, કરતા રહે છે. જેમ કે, શરીર વધવાની ચિંતા ન કરતાં કેટલાંક મિત્રો વેનીલા સાથે ગાજરનો ઢીલો હલવો ખાવા માટે ઉશ્કેરણી કરે છે. ખરા વેનીલાપ્રેમીઓને વેનીલા-સેવન માટે કોઇ બાહરી આલંબનની જરૂર હોતી નથી. છતાં, પોતાની પ્રિય ફ્‌લેવરને નીતનવાં સ્વરૂપ ધારણ કરતી જોવાની લાલચ એ ટાળી શકતા નથી. એક વાર આ જાતના અખતરા કર્યા પછી બન્ને પક્ષે હિંમત ખુલી જાય છે. ત્યાર પછી બીજી કઇ વાનગીઓ સાથે વેનીલાના અખતરા થાય એની વિગતો અહીં આપવાનું સલાહભર્યું નથી. કારણ કે આ રેસિપીની કોલમ નથી અને વૈવિઘ્ય ખાતર વૈવિઘ્ય બતાવવાનો કોઇ ઇરાદો નથી.

આઇસક્રીમના મૂળભૂત, પ્રાથમિક સ્વરૂપના પ્રેમમાં પડેલા ઘણા ઉત્પાદકો વેનીલાના અસલી પૂજારી નીકળે છે. તેમની દુકાને મળતા કેરીના આઇસક્રીમનો અર્થ છેઃ વેનીલા ફ્‌લેવરમાં કેરીના ફ્રોઝન કરેલા ચાર-છ ટુકડા અને તેમનો પાઇનેપલનો આઇસક્રીમ એટલે વેનીલામાં પાઇનેપલના ચાર-છ ટુકડા. દેખીતું છે કે કેરીનો આઇસક્રીમ મંગાવનારને આ પદ્ધતિમાં છેતરપીંડીનો અનુભવ થાય છે અને કેરીનો સ્વાદ આવતો નહીં હોવાની ફરિયાદ ઊભી થાય છે. પરંતુ હકારાત્મક અભિગમ ધરાવનારા લોકો કકળાટ કરવાને બદલે પોતાનો રસ્તો શોધી લે છે. તે વેનીલા ફ્‌લેવરનો આઇસક્રીમ ઘરે લઇને, જાતે જ ઉપરથી ફળની ચીરીઓ નાખીને, નવા સ્વાદની સાથે કંઇક નવું કર્યાનો આનંદ-સંતોષ મેળવે છે.

આઇસક્રીમપ્રેમી રાષ્ટ્રવાદીઓ માને છે કે ભારતના ઘ્વજમાં ઉપર-નીચે ભલે અનુક્રમે કેસર અને પિસ્તાના રંગ હોય, વચ્ચેનું મોકાનું સ્થાન તો વેનીલાને જ મળ્યું છે.

6 comments:

  1. આ શરુ થવું થવું કરતી ગરમીમાં આઈસ્ક્રીમના શ્રીગણેશ; વૅનીલાથી કરાવી....વાહ...આમેય આઈસ્ક્રીમ મૅનૂમાં વૅનીલા જ સૌથી ઉપર હોય છેને?...હવે ક્રમશઃ આઈસ્ક્રીમ (ફ્લૅવર પ્રમાણે-લેખોમાં) આગળ વધતો જશે એવી આશા સહ...
    બાય ધ વૅ;તમારી પસંદીદા ફ્લૅવર કઈ?

    ReplyDelete
  2. Anonymous11:29:00 AM

    હું વેનીલાપ્રેમી છું. તાજો જ અનુભવ છે હમણાં બે દિવસ પહેલાજ એક મહેમાન ને વેનીલા આઈસક્રીમ ઓફર કરતા તેમણે મોઢું બગાડ્યું હતું. લેખ ખુબજ ગમ્યો. દરેક વાક્ય માસ્ટર પીસ છે. ઉત્તમ લખાણ ની આજ ખાસિયત હોય છે. samir tk mehta

    ReplyDelete
  3. would anybody like to enjoy the vanilla flavor once more? no, i never meant you are nuts, but these nuts in this vanilla post are worth ruminating :

    1.
    'આઇસક્રીમપ્રેમી રાષ્ટ્રવાદીઓ માને છે કે ભારતના ઘ્વજમાં ઉપર-નીચે ભલે અનુક્રમે કેસર અને પિસ્તાના રંગ હોય, વચ્ચેનું મોકાનું સ્થાન તો વેનીલાને જ મળ્યું છે.'

    2.
    'ગાંધીવાદી લોકો ખાદીનો આઇસક્રીમ મળતો થાય ત્યાં સુધી, સાદગીના પ્રતીક તરીકે વેનીલા પર પસંદગી ઉતારી શકે છે. પરંતુ વખત જતાં જેમ ખાદીના નવા વૈભવી પ્રકાર વિકસ્યા એવું જ વેનીલા ફ્‌લેવરમાં પણ થયું છે. વેનીલાનો સ્વાદ અને તેની સાદગી બરકરાર રાખીને તેને વરણાગી બનાવવા માટે અવનવા અખતરા કરવામાં આવે છે અને તેનાં ફેન્સી નામ રાખવામાં આવે છે.'

    ReplyDelete
    Replies
    1. Anonymous9:43:00 AM

      Following conjecture is more relevant to present result due to past:

      "માણસની જેમ આઇસક્રીમ પણ બે જાતના હોય છેઃ પોતાના ભપકાદાર દેખાવથી બીજાને લલચાવનારા-આકર્ષનારા દેખાડાબાજ અને પોતાની સૌમ્ય સાદગી- શાંત આકર્ષણથી સામેવાળાના મન પર અસર પેદા કરનારા."

      Delete
  4. Bharat Zala3:39:00 PM

    Simply superb.

    ReplyDelete