Tuesday, February 26, 2013

માફીઃ કારણ અને રાજકારણ

બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરોન ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા અને માફી વિશેની ચર્ચા જગાડતા ગયા. કેમેરોને જલિયાંવાલા બાગની મુલાકાત લીધી અને લખ્યું કે એ બ્રિટનના ઇતિહાસની ‘ભારે શરમજનક’ (ડીપલી શેમફુલ) ઘટના હતી.

એ વાંચીને મોટા ભાગના લોકોને થાય કે, ‘એમાં નવું શું છે? આ ભાઇને કેમ છેક અત્યારે ખબર પડી?’ પણ રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય રાજકારણ સામાન્ય વ્યવહારની જેમ ચાલતું નથી. એમાં બતાવવાના ને બ્રશ કરવાના, ચાવવાના ને બચકાં ભરવાના દાંત જુદા જુદા હોય છે- અને એને દંભ નહીં, ડિપ્લોમસી કહેવામાં આવે છે. એ ફલક પર જોતાં, સત્તાસ્થાને રહીને જલિયાંવાલા બાગ હત્યાકાંડ વિશે શરમ વ્યક્ત કરનારા કેમેરોન પહેલા બ્રિટિશ વડાપ્રધાન  છે.

કેમેરોને પોતાના ટૂંકા લખાણમાં જેમને ટાંક્યા તે વિન્સ્ટન્ટ ચર્ચિલ હત્યાકાંડના બીજા જ વર્ષે (૧૯૨૦માં) આ બનાવને ‘મોન્સ્ટરસ ઇવેન્ટ’ (રાક્ષસી ઘટના) ગણાવી ચૂક્યા હતા. અલબત્ત, આ ઘટનાના મૂળમાં રહેલા બ્રિટિશ સામ્રાજ્યવાદના તે કટ્ટર સમર્થક હતા. તેમને વાંધો એ હતો કે બ્રિટન આવી (દેખીતી) રીતે લોહીથી હાથ ખરડીને ધંધો નથી કરતું.

આઝાદીની સુવર્ણજયંતિ નિમિત્તે ૧૯૯૭માં ભારત આવેલાં બ્રિટનનાં રાણી એલિઝાબેથે અમૃતસર જઇને જલિયાંવાલા બાગની ઘટનાને ‘એ ડિસ્ટ્રેસિંગ એપિસોડ’ તરીકે ઓળખાવી હતી અને કહ્યું હતું કે ‘ઇતિહાસ ફરી લખી શકાતો નથી.’ બફાટ કરવા માટે જાણીતા રાણીના પતિ (હા, બ્રિટનમાં રાણીના પતિ ‘રાજા’ હોતા નથી- ‘રાણીના પતિ’ જ કહેવાય છે) પ્રિન્સ ફિલિપે હત્યાકાંડમાં ભોગ બનેલા લોકોની સંખ્યા વિશે શંકા કરીને વિવાદ ઉભો કર્યો હતો. આ બધામાં તથ્યની સૌથી નજીક પહોંચ્યા ટોની બ્લેર. વડાપ્રધાન બનતા પહેલાં ભારતની મુલાકાતે આવેલા બ્લેરે અમૃતસર જઇને કહ્યું હતું કે જલિયાંવાલા બાગનું સ્મારક ‘ધ વર્સ્ટ આસ્પેક્ટ્‌સ ઓફ કોલોનિઅલિઝમ’- સંસ્થાનવાદના સૌથી ભયંકર પાસાં-ની યાદ અપાવે છે.

આગળ જણાવેલાં વિધાનોમાંથી એક પણ વિધાન જોકે ‘માફી’ ગણી શકાય એવું નથી. તેમાં એટલો સ્વીકાર છે કે જે થયું તે ખોટું હતું. કેમેરોને તો જલિયાંવાલા બાગ વિશે ‘ડીપલી શેમફુલ’ લખ્યા પછી સ્પષ્ટતા કરવી પડી કે તેમણે માફી માગી નથી. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ તેમના જન્મનાં પણ ૪૦ વર્ષ પહેલાં થયો હતો...એવી રીતે ઇતિહાસમાં પાછળ જઇને  માફી માગવાપાત્ર ઘટનાઓ શોધી કાઢવી બરાબર નથી.’

કેમેરોનના અફસોસ વ્યક્ત કરતા નિવેદનના પગલે ‘કોહેનૂર’ હીરા અંગે પણ વાત નીકળી. બ્રિટીશ શાસકોએ મહારાજા રણજિતસિંઘના વારસદારો પાસેથી પડાવી લીધેલો ‘કોહેનૂર’ બ્રિટનની રાણીના તાજમાં જડાયેલો છે. કેમેરોને કહી દીઘું કે ‘કોહેનૂર પાછો આપવાનો કોઇ સવાલ જ પેદા થતો નથી. (તેની માગણી કરવી) એ યોગ્ય અભિગમ નથી...આઇ ડોન્ટ બિલીવ ઇન રીટર્નીઝમ...આઇ ડોન્ટ થિન્ક ધેટ્‌સ સેન્સિબલ’. એટલે કે, ભૂતકાળમાં બ્રિટિશરોની ગુલામી વેઠી ચૂકેલા દેશો બ્રિટન પાસેથી વઘુમાં વઘુ શાબ્દિક અફસોસની આશા રાખી શકે. બાકી, તેમની જે સંપત્તિ લૂંટાઇને બ્રિટન પહોંચી છે, તે ભૂલી જવાની. એની મસ્તી નહીં. કેમેરોને કહ્યું કે એ બઘું મ્યુઝીયમમાં રહે અને દુનિયાભરનાં મ્યુઝીયમો સાથે સંકળાયેલું રહે, એ જ યોગ્ય છે.  તો સામાન્ય નાગરિકોને સવાલ થાય કે ભાઇ, માફી નહોતી માગવી, કોહેનૂર પાછો નથી આપવો, તો જલિયાંવાલા બાગનું પ્રકરણ ખોલવાની શી જરૂર હતી?  તેનો સંભવિત જવાબઃ બ્રિટનમાં મોટી સંખ્યામાં ભારતીય મતદારો છે. તેમાં પણ શીખોનો સારો એવો પ્રભાવ છે. જલિયાંવાલા બાગ વિશે શાબ્દિક ખરખરો કરીને આ મતદારોને પલાળવાની તક શા માટે ન લેવી?

આ તે કંઇ માફી કહેવાય?

રાજકારણમાં કે એ સિવાયના વ્યવહારમાં માફી કેવળ જીભ હલાવવાની પ્રક્રિયા ન હોઇ શકે. ‘સોરી’ કહેવું બેશક જરૂરી છે, પણ એ બિલકુલ પૂરતું નથી- જેના વિશે માફી માગવામાં આવતી હોય એ ઘટના નજીકના ભૂતકાળની હોય, માફી માગનારનો તેની સાથે સીધો સંબંધ હોય અને તેના છેડા હજુ લટકતા હોય ત્યારે તો ખાસ.

નજીકના ભૂતકાળનાં દુષ્કૃત્યોની ન્યાયપ્રક્રિયા બાકી હોય ત્યારે, બીજું કંઇ કર્યા વિના લુખ્ખું ‘સોરી’ કહી દેવામાં એકરાર નહીં, પણ (જવાબદારીનો) ઉલાળિયો થાય છે. એવા લોકો ‘સોરી તો કહ્યું, હવે શું છે?’ એ પ્રકારની માનસિકતા પ્રદર્શીત કરતા રહે છે. દિલ્હીના શીખ હત્યાકાંડનાં વર્ષો પછી કોંગ્રેસી વડાપ્રધાન ડો.મનમોહનસિંઘે માફી તો માગી, પણ એ માફીનો આશય એક રાજકીય ઔપચારિકતા પૂરી કરવાનો હોય એવું વધારે લાગ્યું. મનથી મંગાયેલી માફીમાં ‘ફરી આવું નહીં કરું-નહીં થવા દઉં’નો ભાવ મુખ્ય હોય છે, જ્યારે કોંગ્રેસે તો માફી પહેલાં અને પછી પણ શીખ હત્યાકાંડના આરોપીઓને છાવર્યા છે, તેમને પક્ષની ટિકિટ આપી છે. ખરેખર તો કોંગ્રેસે હત્યાકાંડના આરોપીઓને તગેડી મૂકવાને બદલે છાવરવા બદલ, અલગથી માફી માગવાની થાય.

એવી જ રીતે રાજીવ ગાંધી હત્યાકાંડ પછી સાત વર્ષ જીવ્યા, છતાં તેમણે હત્યાકાંડ અને તેને વાજબી ઠરાવતા પોતાના નિવેદન વિશે કદી જાહેર માફી માગી નહીં. ડો.મનમોહન સિંઘે જે રીતે સાફ શબ્દોમાં માફી માગી, એટલી સ્પષ્ટતાથી રાજીવ ગાંધીનાં પત્ની સોનિયા ગાંધીએ કદી માફી ન માગી. રાજીવ ગાંધીનાં વિધવા તરીકે તેમની પાસેથી એ અપેક્ષા ન રાખીએ, પણ એ કોંગ્રેસનાં પ્રમુખ બને ત્યારે તેમની ફરજ બને છે.  એ હત્યાકાંડના આરોપીઓનો ન્યાય થયો નથી અને ઘા રૂઝાયા નથી ત્યારે તો ખાસ.

જાહેરમાં બઘું સમુંસૂતરું દેખાતું હોય, એટલે ઘા રૂઝાઇ ગયા એમ માની લેવું, એ જાતને અને બીજાને છેતરવાનો ધંધો છે. કેવળ લૂલી હલાવીને માફી માગ્યા પછી ભોગ બનેલાને બઘું ભૂલી જઇને આગળ વધવા કહેવું, એ ગુનાઇત બેશરમી છે. ભોગ બનેલા બઘું ભૂલી જાય એવું વર્તન અને એવો માહોલ માફી માગનાર તરફથી ઉભાં થવાં જોઇએ. કોંગ્રેસના આ કલંકની સામે ગુજરાતના મુખ્ય મંત્રીએ સવાયું કલંક સર્જાવા દીઘું. એમણે પોતાના શાસનમાં થયેલી કોમી હિંસા પર પોતાની રાજકીય કારકિર્દી બનાવી દીધી. શીખ હત્યાકાંડની તમામ પાશવતા પછી પણ કોંગ્રેસ એનો રાજકીય ફાયદામાં ઉપયોગ કરી શકે એમ ન હતી. ગુજરાતના મુખ્ય મંત્રી પાસે એ ફાયદો વધારાનો હતો. ગુજરાતની કોમી હિંસા પછી ‘મુસ્લિમોને પાઠ શીખવનાર’ તરીકે એ પોતાની છબી ઉભી કરી શકે એમ હતા. તેમાં એમને કેટલી સફળતા મળી, એ જાણવું હોય તો મુખ્ય મંત્રીના સમર્થકોને ખાનગીમાં - અને એક જ લીટીમાં- મુખ્ય મંત્રી પ્રત્યે તેમના અહોભાવનું કારણ પૂછી જોજો.

હત્યાકાંડમાં હજુ સુધી તેમની સંડોવણી પુરવાર થઇ નથી, પણ રાજ્યમાં મહિનાઓ સુધી ચાલેલી હિંસા દરમિયાન મુખ્ય મંત્રી તરીકે કોણ હતું? એ જાણવા માટે એકેય અદાલતની જરૂર નથી. હવે વડાપ્રધાન થઉં-થઉં કરતા મુખ્ય મંત્રી વર્ષો પહેલાં એક વાર ગુજરાતની હિંસાને ‘આખી જિંદગી ખભે રહેનારા બોજ’ તરીકે ઓળખાવી ચૂક્યા હતા, પરંતુ ‘રાષ્ટ્રિય સ્તરે મોટી ભૂમિકા’ ભજવવાની બધી આતુરતા પછી પણ, પોતાના રાજમાં થયેલી કોમી હિંસા વિશે અફસોસ વ્યક્ત કરતાં તેમની જીભ ઉપડતી નથી. શીખ હત્યાકાંડની સરખામણીએ ગુજરાતની કોમી હિંસામાં જે કંઇ ન્યાય શક્ય બન્યો છે, તે સરકારને લીધે નહીં, પણ સરકારના હોવા છતાં અને સર્વોચ્ચ અદાલતની કડક દરમિયાનગીરીથી થયો છે.

એક-બે વાર મુખ્ય મંત્રીએ પી.આર. કવાયતના ભાગરૂપે ગોળ ગોળ ભાષામાં ‘માણસમાત્ર ભૂલને પાત્ર’, ભગવાન ફરી ભૂલ ન કરવાની તાકાત આપે- એ મતલબનાં નિવેદન કર્યાં છે. પરંતુ જે ‘ભૂલો’ની રાજકીય રોકડી કરી હોય તેના માટે માફી માગવાનું અઘરું પડે એ સ્વાભાવિક છે.

નવી પરંપરા

શીખ હત્યાકાંડ કે ગુજરાતની હિંસાની સરખામણીમાં પોતાના  પૂર્વસૂરિઓથી થયેલી ભૂલો વિશે વસવસો વ્યક્ત કરવાનું વધારે સહેલું છે. કારણ કે તેમાં માફી માગનાર વિચારે છે કે પોતાની વ્યક્તિગત ભૂલ ન હોવા છતાં માફી માગવાને કારણે પોતે હકીકતમાં ઉજળા દેખાઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ૨૦૦૮માં સ્થાનિક આદિવાસીઓની માફી માગી. પહેલા વિશ્વયુદ્ધથી લગભગ ૧૯૭૦ સુધી, આદિવાસી બાળકોને ‘સુધરેલા’ વાતાવરણમાં ઉછેરવા માટે સરકારી રાહે તેમને કુટુંબ-સમાજથી વિખૂટાં પાડી દેવાતાં હતાં. ‘સ્ટોલન જનરેશન’ તરીકે ઓળખાયેલી આદિવાસીઓની આખી પેઢીઓ સાથે થયેલા અન્યાયનો સ્વીકાર સંસદમાં મંગાયેલી સત્તાવાર માફી દ્વારા થયો. ત્યાર પછી પણ આદિવાસીઓ સાથેના ભેદભાવની ફરિયાદ સંપૂર્ણપણે દૂર થઇ નથી, એ જુદી વાત છે.

નજીકના ઇતિહાસમાં ન્યાય અને વળતરનો સૌથી ઐતિહાસિક કહેવાય એવો સિલસિલો દક્ષિણ આફ્રિકામાં ચાલ્યો. ત્યાં ગોરાઓના રંગભેદી શાસનના અંત પછી નેલ્સન મંડેલાની આગેવાની હેઠળ રચાયેલી નવી સરકારે અગાઉની સરકારમાં હિંસાનો ભોગ બનેલા લોકોને ન્યાય મળે તથા વળતર પણ મળે, એ માટે આખું તંત્ર ઉભું કર્યું. તેમાં ગુનેગારોને અનિવાર્યપણે સજા મળે એવું જરૂરી ન હતું. તંત્રનો થોડો ઝોક માફી તરફનો અને એક નવી શરૂઆત તરફનો હતો, પણ એ માફી ભોગ બનનાર તરફથી મળે તે જરૂરી ગણાતું હતું.

ગયા વર્ષે અમેરિકાની સંસદે ૧૮૮૨થી ૧૯૪૩ સુધી અમલમાં રહેલા ચાઇનીઝ એક્સક્લુઝન એક્ટ માટે અમેરિકામાં વસતા ચીની લોકોની માફી માગી. આ કાયદા હેઠળ ચીનના લોકોને સત્તાવાર ધોરણે નાગરિકત્વથી વંચિત રાખવામાં આવતા હતા. ફ્રાંસના પ્રમુખ ફ્રાંસવા ઓલાંદેએ ફ્રાંસના ભૂતપર્વ સંસ્થાન અલ્જિરિયાની સંસદમાં જઇને, સંસ્થાનવાદી શાસન ઘાતકી તથા અન્યાયી હોવાનું જણાવ્યું.

આ પ્રકારના માફીપ્રસંગો હવે વધી રહ્યા છે. છતાં સત્તા કે સર્વોપરિતાના ખ્યાલને કારણે જેને સાચા અર્થમાં માફી કહેવાય, એ મોટા ભાગના કિસ્સામાં છેટી રહી જાય છે. સાચી માફી એને કહેવાય જે માગ્યા પછી માગનારના મનનો ભાર હળવો થાય અને આપનારના મનમાં રહેલો ડંખનો કાંટો નીકળી જાય. એ સિવાય જે કંઇ થાય તે રાજકારણ કે માર્કેટિંગ હોઇ શકે- માફી નહીં. 

Sunday, February 24, 2013

રોબોટ, તારાં કામ છે હજાર...

રોબોટ/Robot ની ઉત્ક્રાંતિઃ સિદ્ધિ કે સમસ્યા? (૨)

અમેરિકાની ‘જ્યોર્જિયા ટેક સેન્ટર’માંથી ‘પાસ’ થયેલો શિમોન નવોદિત સંગીતકાર છે. સંગીતનાં ઢાળ, તાલ, સૂરની એને બરાબર સમજણ પડે છે. નવો હોવા છતાં એ તાલિમી સંગીતકારોનું સંગીત સાંભળીને તેનું પૃથક્કરણ કરી શકે છે અને તેમની સાથે વગાડી પણ શકે છે. ઉપરાંત, સાચા સંગીતકારની માફક તે પોતાનું ‘મૌલિક’ સંગીત સર્જી શકે છે. તેનો એક સાથી હેઇલ ડ્રમ વગાડવામાં નિષ્ણાત છે, જ્યારે ‘ક્રેઝી જે’ જેવું નામ ધરાવતો બીજો ગિટારિસ્ટ છે.

એક શીખાઉ પત્રકાર છે. એને પત્રકાર પોપટલાલ કહો તો પણ વાંધો નથી. મેચ વિશેની આંકડાકીય માહિતી પરથી તે મેચનો બીજા દિવસે છાપામાં છપાય એવો અહેવાલ ફટાફટ તૈયાર કરી નાખે છે. એવી જ રીતે, કંપનીની રોજેરોજની કામગીરીને લગતા આંકડા પરથી તે બિઝનેસના પાને મુકી શકાય એવો અહેવાલ પણ તૈયાર કરી શકે છે. એની કંપની ‘નેરેટીવ સાયન્સ’નો દાવો છેઃ ‘વી ટ્રાન્સફોર્મ ડેટા ઇનટુ સ્ટોરીઝ એન્ડ ઇનસાઇટ’. (અમે માહિતીને અહેવાલોમાં ફેરવીએ છીએ અને તેમાંથી અર્થ તારવી આપીએ છીએ.) 

બેક્સ્ટર હમણાં જ ફેક્ટરીમાં લાગ્યો છે, પણ નવું કામ શીખવાની એની વૃત્તિ અને તેજ ગ્રહણશક્તિને લીધે આજુબાજુ કામ કરતા લોકોમાં તે વહાલો થઇ પડ્યો છે. એને બઘું આવડતું નથી, પણ એનું સુખ એ છે કે એ બીજાનું જોઇને તરત જ શીખી જાય છે. કોની પાસેથી શીખાય ને કોની પાસેથી નહીં, એવી કશી એની મગજમારી નથી. કોઇ પણ માણસ એને હાથ પકડીને પહેલેથી છેલ્લે સુધી શું કરવાનું છે એ શીખવાડી દે, એટલે એ નવું કામ કરવા મંડી પડે છે. 

રુબી ૨૦૦૪માં કેલિફોર્નિયાના એક બાળમંદિરમાં જોડાઇ ત્યારે તેનું કામ હતુંઃ ટેણિયાંને નવા શબ્દો શીખવવાનું. રુબી માટે આ પહેલી નોકરી હતી, પણ બાળકોને તેની સાથે મઝા પડી. તેણે ફક્ત બે અઠવાડિયાં કામ કર્યું, પણ એ સમયમાં બાળકોની શબ્દો શીખવાની ઝડપ વધી ગઇ હતી. 

નામ જરા વિચિત્ર લાગે, પણ કમ્પ્યુટરયુગમાં એની સામે વાંધો ન પડવો જોઇએ. એનું નામ છેઃ ‘ડેટા’. એ સ્ટેન્ડ અપ કોમેડીઅન તરીકે લોકપ્રિય છે. ગુજરાતી કાર્યક્રમોના સંચાલકોની જેમ ‘ડેટા’ને સેંકડો જોક્સ, રમૂજો અને વન લાઇનર્સ કંઠસ્થ છે. તેમાંની એકેય એણે સર્જેલી નથી. છતાં એના જોરે ‘ડેટા’નું કામ, ગુજરાતી સંચાલકોની જેમ જ, ધમધોકાર ચાલી જાય છે. લોકરંજની કરવામાં પણ એ સંચાલકોની હરીફાઇ કરે એવો છે. જે પ્રકારની રમૂજ પર ઓડિયન્સની તાળીઓ વધારે પડે એ ચાલુ રાખવાની અને શ્રોતાઓને ‘બમ્પર’ જતી લાગે, એવી જોક્સ છોડી દેવાની. સીએનએન અને ‘ટેડ’ કોન્ફરન્સ જેવા મોટા મંચ પરથી ‘ડેટા’ કાર્યક્રમો આપી ચૂક્યો છે. 

ગુજરાતી સંચાલકો માટે સારા સમાચારઃ નજીકના ભવિષ્યમાં ગુજરાતી ભાષા તરફ વળવાનો ‘ડેટા’નો કોઇ ઇરાદો નથી.   

***

આગળ જેમની વાત કરી એ બધા ‘સજ્જનો-સન્નારીઓ’ વિશે એક વાત લખવાની રહી ગઇઃ એ બધા રોબોટ છે. ગયા સપ્તાહે વાત થયા  પ્રમાણે તેમને ‘યંત્રમાનવ’ને બદલે ‘યંત્રસાથી’ કે ‘યંત્રમિત્ર’ કહેવાનું યોગ્ય ગણાશે. 
સંગીતકાર શિમોન

સ્ટેન્ડ અપ કોમેડીઅન ડેટા

સાથીદારો પાસેથી શીખી શકતો ફેક્ટરી કામદાર બેક્સ્ટર

બીજી અને વધારે મહત્ત્વની વાતઃ યંત્રસાથીઓની કામગીરીનાં વર્ણન પરથી જણાશે કે તેમની ખૂબીઓ અને મર્યાદાઓ વિશે, તેમના ફાયદા અને તેમનાથી ઊભી થનારી સંભવિત સમસ્યાઓ વિશે નવેસરથી વિચાર કરવાનો સમય આવી ગયો છે. કેમ કે, આ બધા કઠપૂતળીની માફક ફક્ત સાંધામાંથી વળીને ચાલતા ને યાંત્રિક ભાષા બોલતા - નક્કી કરાયેલું લોઢાલાકડાનું કામ કરતા ‘યંત્રમજૂર’ નથી. તે ખરા અર્થમાં ‘યંત્રમાનવ’ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ઘણીબધી બાબતોમાં તે કદી મનુષ્યના બરાબરીયા થઇ શકવાના નથી, પણ હકીકત એ છે કે મનુષ્યને પછાડવા અથવા નવરો કરવા રોબોટે પૂરેપૂરા મનુષ્ય જેવા થવાની જરૂર પણ નથી. પોતાની ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ’ સાથે તે સોંપાયેલું કામ તે સારી રીતે કરે, એટલું જ પૂરતું છે. 

લેખના આરંભે જણાવેલાં કામ તો લાંબી યાદીની ઝલક માત્ર છે. એ સિવાયનાં અનેક ક્ષેત્રોમાં રોબોટનો પગપેસારો ભવિષ્યની કલ્પના નહીં, વર્તમાનની વાસ્તવિકતા બની ચૂક્યો છે. ઓપરેશન થિએટરમાં ડોક્ટરના સૌથી મોટા સહાયક રોબોટ છે, ભૂકંપ કે બીજી કુદરતી આફતોના પ્રસંગે ફસાયેલા લોકોને બચાવવા રોબોટની મદદ લેવામાં આવે છે, બોમ્બનું સૂરસૂરિયું કરવા માટેની બોમ્બ સ્ક્વોડમાં રોબોટ હોય છે, ધીમો વિકાસ ધરાવતાં બાળકો સાથે કામ કરવા માટે રોબોટનો ઉપયોગ થાય છે, હોટેલમાં વેઇટર તરીકે રોબોટનો ઉપયોગ ટૂંકા ગાળે મોંઘો પણ લાંબા ગાળે સસ્તો પડતો હોવાથી ચીનમાં એ દિશામાં શરૂઆત થઇ છે, જિમનેશ્યમમાં કસરત કરાવવાની સાથોસાથ બ્લડ પ્રેશર, ધબકારા જેવાં પરિબળોનું ઘ્યાન રાખવાનું કામ રોબો ઇન્સ્ટ્રક્ટર કરે છે, દવા આપવા-લેવા જેવાં કામ માટે આખી હોસ્પિટલના ધક્કાફેરા ખાતી નર્સોની જગ્યાએ, અમેરિકાની આશરે દોઢસો હોસ્પિટલમાં રોબોટનો ઉપયોગ ચાલુ થઇ ચૂક્યો છે. સેન્સર (‘ઇન્દ્રિયો’) ધરાવતો રોબોટ પોતાની જરૂર પ્રમાણે લિફ્‌ટ બોલાવી શકે છે, બીજા સાથે લાઇનમાં ઉભો રહી શકે છે અને સિરીયસ દર્દીને રસ્તો આપવા માટે બાજુ પર પણ ખસી શકે છે. 

ધીમેથી વિકસતાં બાળકોનો મિત્ર

‘વાન ગો બોટ’ જેવું કળાત્મક નામ ધરાવતો રોબોટ  કેનવાસ પર ૧૮ જાતની જુદી જુદી પીંછીઓથી ચિત્ર બનાવી શકે છે. એક વાર તેને કોઇ પણ ચિત્ર કે ફોટો કે ચીજ ‘બતાવી’ દેવામાં આવે, એટલે તે કોઇ પણ શૈલીમાં એ ચિત્ર બનાવી શકે છે. એટલું જ નહીં, જીવતાજાગતા ચિત્રકારની જેમ ચિત્રની નીચે પોતાની સહી પણ કરે છે.  

રોબોટને માણસ જેવું શરીર કે એકાદ અંગ હોવું પણ જરૂરી નથી. તે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતી કોઇ પણ ચીજને રોબોટ કહી શકાય. એ અર્થમાં ‘ગુગલ’ સર્ચ એન્જનિ એક પ્રકારનો રોબોટ જ છે, જે વેબસાઇટોના દરિયામાંથી આપણને જોઇતાં મોતી-શંખ-છીપલાં અને સાથે ઢગલાબંધ રેતી લાવી આપે છે. કૃત્રિમ બુદ્ધિની મદદથી રોબોટ  મનોચિકિત્સકનું કામ કરતો હોવાના પણ દાખલા છે. ‘માઇન્ડમેટર’ નામની એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વેબસાઇટ પર માનસિક મુશ્કેલી ધરાવતા દર્દીઓનો કેસ સાંભળીને, તેમની તકલીફ સમજીને રીતસર સવાલજવાબનાં ‘સિટિંગ’ થતાં હતાં. તેમાં સામે પક્ષે કોઇ વ્યક્તિ નહીં, યંત્ર જ હતું. છતાં, આ પ્રકારનાં ‘સિટિંગ’ પછી લગભગ અડધા અડધ દર્દીઓની ફરિયાદો દૂર થતી હોવાનું ‘વાયર્ડ’ સામયિકના અહેવાલમાં નોંધાયું હતું.   

ઘણાખરા ક્ષેત્રોમાં પગપેસારો કરી ચૂકેલા રોબોટ યુદ્ધ અને પ્રેમના મૂળભૂત માનવીય ક્ષેત્રમાંથી શી રીતે બાકાત રહે? પાકિસ્તાનમાં ધૂસીને તરખાટ મચાવતાં અમેરિકાનાં પાઇલટરહિત ‘ડ્રોન’ વિમાનો રોબોટનો જ એક પ્રકાર છે. યુદ્ધભૂમિમાં  થતી માનવખુવારી ટાળવા માટે અમેરિકા જેવા સમૃદ્ધ દેશો વઘુ ને વઘુ પ્રમાણમાં યંત્રો પર આધાર રાખતા થયા છે. પુખ્ત વયના લોકોની અતૃપ્ત ગુલાબી વૃત્તિઓ સંતોષવા માટે પૂરા કદનાં ‘રમકડાં’ પણ મળતાં થયાં છે, જે પ્રોગ્રામિંગ પ્રમાણે વાતચીત કરી શકે અને દિલ બહલાવી શકે.   

સવાલ એ નથી કે રોબોટ શું કરી શકે. રોબોટનાં કામની યાદી સતત લાંબી થઇ રહી છે. પણ મહત્ત્વનો મુદ્દો એ છે કે રોબોટ પાસે શું કરાવવું જોઇએ? અથવા ન કરાવવું જોઇએ? ચિત્ર દોરવાથી માંડીને રસોઇ કરવાથી માંડીને યુદ્ધ કરવા સુધીનાં બધાં કામ રોબોટ કરશે, તો નવરોઘૂપ થઇ ગયેલો માણસ શું કરશે? તેની રોજીરોટીનું શું થશે? 

પહેલી ઔદ્યોગિક ક્રાંતિ થઇ ત્યારે ખેતરોમાં કામ કરતા લાખો લોકોનું કામ છીનવાઇ ગયું હતું. પણ તેની સામે નવાં ખુલેલાં કારખાનાંમાં તેમને રોજી મળી. એટલે કામનો પ્રકાર બદલાયો, પણ બેકારી વેઠવાની ન આવી. ભવિષ્યમાં રોબોટ ક્રાંતિ થાય તો તેના પરિણામે બેકાર બનેલા માણસો શું કરશે? અને આવી ક્રાંતિ થાય તે ઇચ્છનીય છે? કે રોબોટને ‘માપમા’ જ રાખવા જોઇએ? એની ચર્ચા આવતા સપ્તાહે. 

Friday, February 22, 2013

નાટકની વર્કશોપઃ (કાચાપાકા) સર્જનનો આનંદ, સહિયારાપણાનો જલસો


એકાદ-બે બાબતોમાં મારું તંત્ર ચેખવની પ્રખ્યાત વાર્તા ડાર્લિંગની નાયિકા જેવું છે. જે મારા મનને સ્પર્શે એમાં હું ગળાડૂબ થઇ જાઉં- ઊંડે સુધી ખૂંપી જાઉં (અલબત્ત, મારાપણું ગુમાવ્યા વિના).

ગમવાની તીવ્રતા બહુ હોય તો મનના અનેક પ્રવાહોમાં ગમતો પ્રવાહ સૌથી ઉપર અને સૌથી પ્રભાવી રહે. તેનાથી મનમાં એક પ્રકારના ઝીણા પણ સ્થિર આનંદની અનુભૂતિ થતી રહે. એવું લાગે જાણે મનના ખૂણે આનંદના અર્કમાં ઝબોળાયેલું પૂમડું પડ્યું છે ને એમાંથી સતત પ્રસન્નતા પથરાય છે. બીજાં કામ કરતી વખતે પણ તેનો અહેસાસ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જેમ ચાલ્યા કરે.

અંગત અનુભૂતિની આટલી વાત કરવાનું કારણ એ કે છેલ્લા એકાદ અઠવાડિયાથી આવી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થઇ છે. તેનું નિમિત્ત અને કારણઃ નાટકની વર્કશોપ.

નાટક સાથે મારો નાતો બહુ ઓછો. નાટક ખાસ જોયેલાં- વાંચેલાં નહીં. તેના માટેનું આકર્ષણ નહીં.અને તેનો કશો વસવસો પણ નહીં. છતાં, છેલ્લા પંદર દિવસમાં પરિસ્થિતિ બદલાઇ. એના માટેની થોડીક ભોંય અગાઉ ગુજરાત સમાચાર-આઇએનટીની ફાઇનલ વખતે બની હતી, પણ તેનું આવું મજબૂત અનુસંધાન નીકળશે એવો ત્યારે અંદાજ ન હતો.
***

’માસ્ટર્સ ઇન માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ’ના અભ્યાસમાં આખું બીજું સેમેસ્ટર વર્કશોપ-પ્રધાન હોય છે. (૧૭ વર્ષના પત્રકારત્વના અનુભવ પછી હું શા માટે પત્રકારત્વનું ભણવા બેઠો, એની થોડી વાત ૮૦૦મી પોસ્ટમાં કરી છે. (૮૦૦મી પોસ્ટની લિન્ક) એમાં પ્રખ્યાત નાટ્યકાર નિમેષ દેસાઇ સાથે નાટકની બે અઠવાડિયાંની વર્કશોપ પણ ખરી.

ત્યાર પહેલાં પપેટ્રીની વર્કશોપ હતી. તેના સંચાલક વયોવૃદ્ધ મહિપત કવિ જાણીતા પપેટ-કળાકાર, પણ કદાચ કોઇ ગેરસમજણ કે પરંપરાને કારણે એ અમને કમ્યુનિકેશનને બદલે ક્રાફ્ટ શીખવવા બેઠા. એવું લાગે જાણે ચોથા ધોરણનાં બાળકો માટે વેકેશનમાં પેપરક્રાફ્ટનો ક્લાસ ચાલતો હોય. આટલું ઓછું હોય તેમ એ લેફ્ટ-રાઇટ ને દૂર હટો એ દુનિયાવાલોં, હિંદુસ્તાન હમારા હૈ ગીત પર અડધા કલાક સુધી બાળબોધી અભિનય કરાવે. તેમનો ઇરાદો નેક કે છોકરાંમાં શિસ્ત, દેશદાઝ જેવા ગુણ ખીલે, એમનો ઉત્સાહ ને જુસ્સો પણ જબરાં. છતાં, જુદીજુદી વિદ્યાશાખાઓમાં સ્નાતક થઇને કમ્યુનિકેશન ભણવા આવેલા વિદ્યાર્થીઓ માટે તે સાવ અપ્રસ્તુત લાગે. એક દિવસ એ વર્કશોપનો અનુભવ લીધા પછી અઠવાડિયા દરમિયાન તેમાં ફરી જવાની કદી ઇચ્છા ન થઇ. એ વર્કશોપના નામનું નાહી નાખ્યું. નાહ્યા પછી બહુ તાજગી લાગીઃ-)
પપેટ્રીની વર્કશોપના અંતેઃ મારો ક્લાસ માઇનસ હું
ત્યાર પછી નિમેષભાઇની વર્કશોપ શરૂ થઇ. એમાં પણ પહેલા દિવસે ન ગયો. કંઇક કામ હતું ને થોડો પપેટ્રીની વર્કશોપનો તાજો અનુભવ. બીજા દિવસે નિમેષભાઇની વર્કશોપમાં ગયો તો પણ શંકાશીલ મનથી. અધવચ્ચેથી ગયો, ને બેઠો પણ રૂમના બારણાની પાસે. વિચાર્યું હતું કે આપણે ક્યાં નાટક બાજુ જવું છે? ને આ વર્કશોપ પણ પપેટ્રી જેવી જ હશે તો? કલાકમાં કામનું બહાનું કાઢીને નીકળી જઇશ.
***
નિમેષ દેસાઇ / Nimesh Desai
નિમેષભાઇ સાથેનો પરિચય ગાઢ નહીં, પણ ખાસ્સો જૂનો. ૧૯૯૫-૯૬માં મારી પત્રકારત્વની કારકિર્દીના સાવ આરંભે મુંબઇ રહેતો હતો ત્યારે નિમેષ દેસાઇ રજનીકુમાર પંડ્યાની બહુ વખણાયેલી નવલકથા કુંતી પરથી હિંદી સિરિયલ બનાવતા હતા. અમદાવાદની કોઇ પોળમાં તેનું શૂટિંગ ચાલતું હતું. (મોહન ગોખલે સિરીયલમાં મોટો રોલ કરતા હતા.) એ વખતે અભિયાન જૂથના દૈનિક સમાંતર પ્રવાહ માટે નિમેષભાઇનો ઇન્ટરવ્યુ કર્યો હતો. ત્યાર પછી અલપઝલપ મળવાનું થયેલું. એમના વિશે અનેક દંતકથાઓ સાંભળેલી. તેમની બોલવાની લઢણની મિમિક્રી નાટક સાથે સંકળાયેલા દસમાંથી અગિયાર લોકો બહુ સન્નિષ્ઠ રીતે કરતા એ પણ સાંભળેલું. થોડાં વર્ષ પહેલાં, મિત્ર ચંદુ મહેરિયા આયોજિત ચર્ચામંચ અધિકારના ઉપક્રમે નિમેષભાઇએ ઉમાશંકર જોશીના નાટક ઢેડના ઢેડ ભંગીનું સરસ પઠન કર્યું હતું. એનું તો વિડીયો રેકોર્ડિંગ પણ જેવું થયું એવું કરીને યુટ્યુબ પર મૂક્યું હતું. ( નિમેષભાઇનું પઠન-૧,    નિમેષભાઇનું પઠન-૨ 
એ બધું બરાબર, પણ એનાથી વર્કશોપનું ભવિષ્ય ઉજળું બની જતું ન હતું.
***
પહેલા દિવસે નિમેષભાઇએ નાટકનાં મૂળભૂત તત્ત્વો અને પરિભાષાની વાત કરી. ત્યારે હું હાજર ન હતો. પછી તેમણે નાટકકેન્દ્રી રમતો રમાડવાનું શરૂ કર્યું. તેમાં અવાજના આરોહ-અવરોહ, અભિનય, સિચ્યુએશન, પઠન જેવાં પાસાં આવી જતાં હતાં. કુંડાળું વળીને ક્લાસમાં કે બહાર લોનમાં બેસવાનું. રોજ ચારેક કલાકના સેશનમાં ચાર-પાંચ ચીજો થાય. તેમાનું કેટલુંક બધાએ જુદાં જુદાં ગ્રુપમાં કરવાનું હોય.

તેનાથી સૌથી પહેલું અને મોટું કામ એ થયું કે સાત-આઠ મહિનાથી એક ક્લાસમાં બેસતાં છોકરા-છોકરીઓનાં જુદાં જુદાં ગ્રુપ વચ્ચેનું અદૃશ્ય અંતર ઓગળી ગયું. ઘણાએ સાત-આઠ મહિનામાં પહેલી જ વાર એકબીજા સાથે વાત કરી, તો કેટલીક જણસોના અસ્તિત્વનો પહેલી વાર ખ્યાલ આવ્યો. ક્લાસના ધ્રુવપ્રદેશમાં જાણે અચાનક મીઠો ઉનાળો બેસી ગયો ને થીજેલો બરફ ખળખળતી નદીમાં ફેરવાઇ ગયો.

હૂંફનું વર્તુળ વિસ્તર્યાનો આનંદ બીજા જેટલો જ મને પણ હતો. ક્લાસમાં સામાન્ય રીતે જાહેરમાં ’સર અને ખાનગીમાં કદાચ પેલા આપણાથી મોટા છે એ ભાઇ/ ફિલ્ડના સિનિયર તરીકે મોટા ભાગના ક્લાસમેટ્સમાં મારી ઓળખ હશે. તેમાંથી કેટલાક સાથે નિયમિત ધોરણે અલપઝલપ વાત થતી હોય, બીજા કેટલાક સાથે લટકસલામનો સંબંધ હતો જે પરીક્ષા વખતે, પેપર શરૂ થતાં પહેલાં અને પૂરું થયા પછીની વાતોને કારણે વિસ્તર્યો હતો. પણ ઘણા બધા સાથે તદ્દન અપરિચયમેં એવું વલણ રાખ્યું હતું કે ક્લાસમાં મારી હાજરી બને એટલી વરતાવા ન દેવી. કોઇ કંઇ પૂછવા ઇચ્છે, મદદ માગે કે વાતચીત કરવાનો ઉત્સાહ બતાવે તો તેની સાથે શાંતિથી વાત કરવી, પણ સામે ચાલીને મને ગણો, મને ગણો વાળા ધંધામાં ન પડવું.

નાટકની વર્કશોપ શરૂ થયા પછી મારા સહિત જુદાં જુદાં લોકો ને જૂથોનું એક ક્લાસ તરીકે નવું અસ્તિત્ત્વ ઉભું થઇ રહ્યું હોય એવું લાગ્યું. જુદી જુદી રમતોમાં અને ક્રિયા-પ્રક્રિયાઓમાં લોકોમાં રહેલા ચમકારા દેખાવા માંડ્યા. પંદર દિવસની વર્કશોપના અંતે કોઇ બાદલ સરકાર કે વિજય તેંડુલકર કે સૌમ્ય જોશી ન જ બની શકે, પણ પોતાના ગ્રુપ સિવાયના બીજા લોકોની ખૂબીનો પણ સૌને પરિચય થવા લાગ્યો. એકબીજા સાથેના વર્તનમાં મોકળાશ અને અમુક અંશે આત્મીયતા ભળ્યાં.

એક દિવસ ઇ-મેઇલ પર બધાને કંઇક મોકલવાની વાત થઇ, એટલે ક્લાસની એક-બે છોકરીઓએ કહ્યું કે એમનું ઇ-મેઇલ એડ્રેસ નથી. એ સાંભળીને સામાન્ય સંજોગોમાં તેમની છૂપી હાંસી થઇ હોત, પણ એવું ન થયું. બીજી છોકરીએ એમાં કશો વાંધો નહીં. એનાથી કશો ફરક નથી પડતો એવું કંઇક કહીને વાત વાળી લીધી. આપણા પ્રકારના’ ન હોય એ બધા હાંસીપાત્ર કે એલિઅન ગણાય, એવી માનસિકતા વ્યાપક બની રહી છે ત્યારે થિએટરની વર્કશોપ આવા કોઇ પણ પ્રકારની ખુલ્લાશ પેદા કરવામાં કે મનમાં રહેલી ખુલ્લાશને બહાર આણવામાં નિમિત્ત બની હોય તો, (મારે મન) વર્કશોપ વસૂલ છે.  
***
નિમેષભાઇનું અત્યાર સુધીનું એક સુખ એ પણ લાગ્યું કે એ આત્મકથામાં સરી પડતા નથી અને પોતાની ભૂતકાળની કે વર્તમાનકાળની પ્રવૃત્તિઓના અહેવાલો વિદ્યાર્થીઓના માથે મારતા નથી. વિદ્યાર્થીઓને કેવી રીતે વધારે તૈયાર કરી શકાય, એમાં જ તેમનું મુખ્ય ધ્યાન રહે છે. નાટક સિવાયના વિષયોમાં પણ મિત્રો આત્મકથાનાં છૂટાંછવાયાં પ્રકરણો વિદ્યાર્થીઓને કહેવાની લાલચ ટાળી ન શકતા હોય, ત્યારે નિમેષભાઇની આ સિદ્ધિની ખાસ નોંધ લેવી પડે.
***

બીજી નાટકકેન્દ્રી પ્રવૃત્તિઓ- રમતો પછી નાટક કરવા માટે નિમેષભાઇએ એક-એક શબ્દમાં વિષયો માગ્યા. તેમાંથી વિરોધાભાસ, ક્રાઇસિસ અને ટેવ- આ ત્રણ પર કામ કરવાનું નક્કી થયું. ત્રણ ટીમ બની. એક-બે દિવસ સૌએ ટીમ પ્રમાણે કામ કર્યું, પણ પછી એવું થઇ ગયું કે બધા સાથે જ છીએ. કોઇ અલગ નહીં. ધીમે ધીમે વિરોધાભાસની થીમ પરનું નાટક શરૂ થયું.

નાટક કે એ પ્રકારનું ફિક્શન લખવાનો મને કશો અનુભવ નથી. એના માટે જરૂરી એવી અમુક પ્રકારના ડીટેઇલિંગની આવડત કે એના માટેની વૃત્તિ પણ નથી. છતાં હાસ્યલેખોમાં સંવાદો લખવાની ફાવટના આધારે થોડું લખ્યું. ક્લાસના બીજા થોડા ઉત્સાહી અને હોંશથી ભાગ લેતા લોકો પણ ચર્ચા કરવામાં અને આઇડીયા લડાવવામાં સાથે ભળ્યા. વિરોધાભાસ અંગે બહુ ઝીણવટથી વિચાર્યા વિના, કેચલાઇન તરીકે મેં આ બે લાઇન આપી.

વિકાસ માટે કોઇકે તો ભોગ આપવો જ પડેજ્યાં સુધી એ કોઇક આપણે ન હોઇએ.
 સૂઇ જા, બેટા. નહીંતર બુલડોઝર આવશે ને વિકાસ કરી નાખશે.
બધાને અને નિમેષભાઇને પણ એ પસંદ પડી, એટલે આગળ લખવાનું શરૂ થયું. અવનવી ટેવો વિશે કામ કરતાં મિત્રોની વાતમાં રસ પડ્યો એટલે તેમની સાથે પણ જોડાયો અને એ થોડું લખ્યું. પરંતુ પહેલી વાર નિમેષભાઇ સમક્ષ એ વાંચી સંભળાવ્યું ત્યારે તેમણે બહુ ઉપયોગી દિશા આપી.

વિરોધાભાસમાં એમને ઘણો કસ દેખાતો હતો. અમે કરેલા સીન ટૂંકા હતા. તેમાં એમણે સરસ રીતે સામગ્રી પૂરી. વાતવાતમાં આવી જતા સટાકા, અવાજના નાટકીય આરોહ-અવરોહ, રમતિયાળપણું અને રમૂજો-આ ખાસિયતોને લીધે નિેમેષભાઇએ વિરોધાભાસની સ્ક્રીપ્ટમાં કેવળ સંવાદોને બદલે તેમાં નાટકીય તત્ત્વો ઉમેર્યાં અને ઉભાર્યાં. વચ્ચે વચ્ચે સમુહગાન તરીકે લાઇનો મુકવાનું તેમણે સૂચવ્યું. એટલે વિરોધાભાસ અને પછીથી નક્કી થયેલા ટેવો વિશેના બીજા નાટકમાં તાલમાં બોલી શકાય એવી લાઇનો લખવામાં બહુ મઝા આવી. બીજાં મિત્રોએ પણ થોડી સરસ લાઇનો આપી અને કોઇ પણ પ્રકારની કસર પૂરી કરવા માટે અથવા અસર જમાવવા માટે નિમેષભાઇ તો ખરા જ. 

આ માહોલને કારણે કોલેજથી ઓફિસે ગયા પછી પણ મનમાં નિમેષભાઇએ ગવડાવેલી લાઇનો ગુંજતી હોય કે રાત્રે પણ સ્ક્રીપ્ટ લઇને બેસવાનું- તેને આગળ વધારવાનું મન થાય. આપણું લખેલું ગવાતું કે ભજવાતું જોવાનો આનંદ જુદો હોય છે. રાજુભાઇ બારોટે એમના નાટક ચક્રથી ચરખા સુધીમાં મારા બે હાસ્યલેખ વાપર્યા, ત્યારે તેની ભજવણી જોઇને- લખાયેલા શબ્દનું જીવંત સ્વરૂપ જોઇને- મઝા પડી હતી. કંઇક એવી જ મઝા વિરોધાભાસ અને ટેવવાળી સ્ક્રિપ્ટમાં પણ આવી. એ સિવાય એક મિત્ર હરિશંકર પરસાઇની હાસ્યકથા ભોલારામકા જીવ લાવી હતી, તેની પરથી નિમેષભાઇએ સ્ક્રીપ્ટ કરાવી. બીજી મિત્રે આપેલી ગુલઝારની ૧૮૫૭ વિશેની હિંદી કવિતાનું પઠન પણ એ કરાવવા લાગ્યા.

એ ખરું કે બધા આ પ્રક્રિયામાં એકસરખી રીતે સામેલ થતા ન હતા. છતાં, સક્રિય ભાગ ન લેતા મિત્રોમાંથી મોટા ભાગનાને જે લોકો કરતા હોય એ કરે. આપણે શું?’ એવી વૃત્તિને બદલે, આ તો આપણું છે નો ભાવ થવા લાગ્યો. તખ્તો એવો જામ્યો કે રવિવારે પણ ઘણાખરા મિત્રો આવ્યા, કામ થોડું આગળ વધાર્યું, ડબ્બા ખોલીને સાથે જમ્યા અને સાથે આઇસક્રીમ ખાવા પણ ગયા. સામાન્ય રીતે રવિવારે મહેમદાવાદ છોડીને બહાર નીકળવાનું મને બહુ અકારું લાગતું હોય છે, પણ એ દિવસે ન લાગ્યું. મારા મિત્રપ્રેમી જીવને થોડા વધુ નવા સંભવિત મિત્રો મળ્યાનો આનંદ થયો. એમને શું લાગ્યું હશે, એ તો એ લોકો જાણે.
***
          અત્યારે અમે આખી પ્રક્રિયાના અંત તરફ આગળ વધી રહ્યાં છીએ. ૨૮ ફેબ્રુઆરીએ ફાઇનલ રજૂઆત છે. નાટકનો કે અભિનયનો કશો અનુભવ ન હોય એવા અમે સૌ, સ્ક્રિપ્ટના સ્તરે આવી એટલી જ મઝા ૨૮મીએ નાટકની રજૂઆતમાં આવે, એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.

૨૮મીએ શું થયું અને ત્યાર પહેલાં સ્ક્રીપ્ટ વાચન- લાઇનોના ગાયનમાં કેવી મઝા આવતી હતી તેની કેટલીક વિડીયો ૨૮મી પછી મૂકીશ. ત્યાં સુધી સૌ મિત્રોને ટીમ તરીકેનો આ જુસ્સો કાયમ ટકી રહે અને આપણા નજીકના પરિચયને દોસ્તીનો પાકો રંગ ચડે એવી શુભેચ્છા.

થિએટર-વર્કશોપની અમારી મંડળી
નરેશ, અંજલિ, અલ્પા, રાજેશ, અર્પિત, જૈમિન, દિલીપ વોરા, પુનિતા, ઉત્સવ, દિગિશા, માનસી શાહ, ઉર્વીશ, માનસી મુલિયા, નિકિતા, શૈલી, દિલીપ કાપડિયા, કિશન, રવિ, દીપક, સુરભિ, જ્યોતિ, વિઓલા
(તસવીરો- શૈલી ભટ્ટ) 

Thursday, February 21, 2013

સુરંગતરંગ : બાકોરામાંથી ગુજરાતદર્શન

પુરાતત્ત્વવિદો ખાસ સાધન વડે ધીમે ધીમે ખોદકામ કરીને, દટાયેલાં નગર કે તેની ચીજવસ્તુઓ શોધવાની મહેનત કરે છે. તેમના કરતાં અમદાવાદની સાબરમતી જેલના કેટલાક કેદીઓની નૈતિક ભૂમિકા વધારે ઊંચી ગણાય. કારણ કે એ લોકોએ કોઇ ભૌતિક ઉપલબ્ધિ માટે નહીં, પણ મુક્તિ જેવા ઉચ્ચ આદર્શ માટે ધીમી ગતિએ ખોદકામ આદર્યું હતું. તેમની કામગીરી જાહેર થઇ ત્યારે જમીન તળેથી આખું શહેર મળી આવે એના કરતાં પણ મોટા સમાચાર બન્યા. એ જોઇને ઘણા પુરાતત્ત્વવાળા માથું ખંજવાળીને વિચારતા હશેઃ ‘આપણે આખેઆખી વસાહતો શોધી કાઢીએ તો પણ આપણને કોઇ સૂંઘતંુ નથી ને પેલા કેદીઓએ આટલા વિસ્તારમાં ખોદાણ કર્યા પછી પણ ફક્ત માટી જ કાઢી, છતાં એમની આટલી બધી પબ્લિસિટી? ખરેખર, સજ્જનોનું આ દુનિયામાં કામ જ નથી.’

સુરંગકાંડથી મુખ્ય મંત્રી જરા જુદી રીતે દુઃખી થઇને કહી શકે છે. ‘આ ઘટના ગુજરાતના બદનામ કરવાનું કાવતરું છે. ગુજરાતમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે તેજી છે. મોટી મોટી કંપનીઓ આઘુનિક મશીનો સાથે ગુજરાતમાં કામ કરે છે, પણ બાંધકામ- ખોદકામ માટે ચમચી અને થાળીનો ઉપયોગ કરીને આ ગુજરાતવિરોધી ટોળકી ગુજરાતનું પછાતપણું સાબીત કરવા માગે છે મિત્રો..’

સાબરમતી જેલમાં મળી આવેલી સુરંગ પછી જેલની બહાર પણ સઘન તપાસ કરવામાં આવે તો, બીજે ક્યાં સુરંગો મળી આવવાની સંભાવના રહે? અમદાવાદ-ગાંધીનગરનાં સંભવિત સુરંગકેન્દ્રો અને તેમને લગતા કાલ્પનિક અહેવાલ.

કોંગ્રેસહાઉસ

અમદાવાદમાં કોંગ્રેસહાઉસના મકાનની બરાબર નીચે સુરંગ ખોદાતી હોવાનાં એંધાણ મળ્યાં છે.  આ એક જ મકાનની નીચેથી ખોદાતી પાંચ-છ સુરંગોમાંથી કેટલીક પંદર-વીસ વર્ષ જૂની હોય એવી લાગે છે. એ બધી સુરંગોની દિશા ગાંધીનગરના મુખ્ય મંત્રીનિવાસ તરફની છે, પણ હજુ અમદાવાદના પાદર સુધી પણ એ પહોંચી નથી. કારણ કે દરેક જૂથને પોતાની સુરંગ ખોદવા કરતાં, તેમાંથી નીકળેલી માટી લઇને બીજા જૂથની સુરંગ પુરી દેવામાં વધારે રસ હોય એવું લાગે છે. એટલે હજુ આ સુરંગોમાંથી કઇ ક્યારે ગાંધીનગર પહોંચશે એ કહેવું અઘરું છે.

સુરંગ ખોદવાનું કામ જે ગતિએ ચાલે છે, એ જોતાં સાબરમતી જેલના કેદીઓએ કદાચ ઓજાર વાપર્યાં હોય, પણ કોંગ્રેસીઓ ખરેખર ચમચી અને થાળી લઇને જ ગાંધીનગર સુધીની સુરંગ ખોદતા હશે. થાળી-ચમચીથી સુરંગ ખોદવાના કામને ‘મહાત્મા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના’ અંતર્ગત આવરી લેવાની દરખાસ્ત પણ ગુજરાત કોંગ્રેસ તરફથી રજૂ થાય એવી સંભાવના છે.

નવાઇની વાત એ છે કે કોંગ્રેસહાઉસ નીચેથી નીકળતી એક સુરંગ દિલ્હીમાં અહમદ પટેલના નિવાસસ્થાન નીચેથી નીકળે છે. એ વર્ષોથી બંધાઇ ચૂકી હોય અને સતત વપરાઇને જીર્ણ થઇ ગઇ હોય એવી લાગે છે.

મુખ્ય મંત્રીનિવાસ

ગાંધીનગરમાં આવેલા મુખ્ય મંત્રીનિવાસ નીચેથી ઘણી સુરંગો મળી આવી છે. કેટલીક સુરંગો દિલ્હીનાં અંગ્રેજી છાપાં ને ટીવી ચેનલોની ઓફિસની નીચે નીકળે છે. તેમનું બાંધકામ પૂરું થઇ ગયું છે અને એ નિયમિત વપરાતી હોય એવી એંધાણી મળી છે. એક સુરંગ નાગપુરમાં આવેલા સંઘના કાર્યાલય પાસે નીકળે છે. એ પણ તૈયાર અને નિયમિત વપરાશમાં હોય એવી લાગે છે. બીજી કેટલીક સુરંગો બીજા રાજ્યોના મુખ્ય મંત્રીઓના નિવાસની દિશામાં બંધાઇ રહી છે, પણ હજુ એ પૂરી થઇ નથી. બધી સુરંગો ખોદવાનું કામ ખર્ચની ચિંતા કર્યા વિના ઇન્ટરનેશનલ કંપનીઓને સોંપાયેલું છે. એક સુરંગનું કામ હજુ શરૂ થયું નથી, પણ તેનું સર્વેક્ષણ ચાલુ હોય એમ લાગે છે. એ સુરંગ સીધી અમેરિકા નીકળવાની હોય એવું લાગે છે. સૌથી વઘુ ઘ્યાન ખેંચતી એક સુરંગ દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસની દિશામાં આગળ વધતી જણાય છે. તેના પ્રવેશદ્વાર પાસે મોટું બોર્ડ જોવા મળે છેઃ ‘કામ ચાલુ, (બીજા માટે) રસ્તો બંધ’.

વાઇબ્રન્ટ ગુજરાત

દર બે વર્ષે  વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થાય છે, એ જગ્યાની નીચે ઉત્ખનન કરતાં કેટલીક ટૂંકી ને અઘૂરી સુરંગો મળી છે. તેમનો ઉપયોગ જોકે સુરંગ તરીકે નહીં, પણ જૂનાં વખતનાં ભોંયરાંની જેમ વધારે થયો હોય એવું લાગે છે. તેમાં અત્યાર સુધીના ‘વાઇબ્રન્ટ ગુજરાત’ની મોંઘાદાટ કાગળ પર કરોડો રૂપિયાના ખર્ચે છપાયેલી સ્ટેશનરી અને પ્રચારસાહિત્યના ઢગલેઢગલા ખડકાયેલા છે. તપાસ કરતાં જાણવા મળે છે કે સામાન્ય પરંપરા તો આવી સામગ્રીનો બારોબાર નિકાલ કરી દેવાની કે વર્ષો સુધી તેમને સરકારી તિજોરીમાં મૂકી રાખવાની હતી. પણ ગુજરાતનો વિકાસ થયા પછી પ્રચારસામગ્રી એટલા મોટા જથ્થામાં હોય છે કે ટ્રક ભરીને તેમનો નિકાલ કરી શકાય નહીં કે પસ્તીમાં પણ આપી શકાય નહીં. એટલે તેમને ભોંયરામાં ખડકવાનો ઉપાય યોજવામાં આવ્યો છે. લાંબા ગાળે આ સ્ટેશનરીનું કુદરતી ખાતરમાં રૂપાંતર થતાં તેની પાછળ કરેલો ખર્ચ નકામો નહીં ગણાય.

મોટાં ઉદ્યોગગૃહોની કોર્પોરેટ ઓફિસ

ગુજરાતમાં કેટલાંક મોટાં  ઉદ્યોગગૃહોની ઓફિસ નીચે અન્ડરગ્રાઉન્ડ રેલવે માટેનાં ભોંયરાંને શરમાવે એવી એકથી વધારે પાકી સુરંગો જોવા મળી છે. કેટલીક સુરંગો ગાંધીનગર સુધી એક હોય અને ત્યાં પહોંચ્યા પછી તે મુખ્ય મંત્રીનિવાસ, વિરોધ પક્ષના નેતાનો નિવાસ, પક્ષપ્રમુખનિવાસ એવી જુદી જુદી દિશામાં ફંટાઇ જાય છે. કેટલાંક રાષ્ટ્રિય ઉદ્યોગગૃહોએ તો દિલ્હી સુધીની ‘ફોર લેન’ સુરંગો બનાવી છે.

હવે ખબર પડી કે દેશમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે તેજી કેમ છે?

રહેણાંક વિસ્તારો

સુરંગસમિતિ પહેલાં અમુક સ્થળે શંકાના આધારે સુરંગની તપાસ કરતી હતી, પરંતુ એક દિવસ અનાયાસે કોઇ ફ્‌લેટની બહાર ગેસની લાઇન માટેનું ખોદકામ ચાલુ હતું, ત્યારે સુરંગ જેવું કંઇક મળી આવ્યું. એ સમાચાર જાણ્યા પછી સમિતિએ વઘું તપાસ આદરી તો દરેક ફ્‌લેટની નીચે સુરંગ ખોદાતી હોવાનું જણાયું છે. કેટલાંક સિનિયર સિટિઝન મંડળોએ  બાકાયદા ‘સુરંગફી’ ઉઘરાવીને કામ ચાલુ કરાવ્યું હોય એવું લાગે છે.

સિનિયર સિટિઝનોને સુરંગ બંધાવવાની શી જરૂર પડી હશે? તપાસ કરતાં જણાયું છે કે રસ્તા પર વધી ગયેલા ટ્રાફિકને કારણે  વડીલોને રસ્તે ચાલતાં બહુ બીક લાગે છે. એના લીધે ઘરની બહાર નીકળે નહીં તો અનેક પ્રશ્નો ઊભા થાય છે. એટલે ઘરની બહાર નીકળી શકાય અને ખાસ તો, બહાર નીકળ્યા પછી સહીસલામત ઘરે પાછા ફરી શકાય એ માટે તેમણે સુરંગનું કામ ચાલુ કરાવ્યું છે. મોટાં ભાગનાં મંડળોએ ભંડોળના અભાવે, કેદીઓ પાસેથી પ્રેરણા લઇને જાતે જ થાળી-ચમચી વડે સુરંગ ખોદવાનું શરૂ કર્યું છે.

વિસ્થાપિતોની કોલોની

સિદ્ધરાજ જયસિંહના રાજમાં પાણીનો ‘વિકાસ’ થાય એ માટે બત્રીસ લક્ષણા વીર માયાનું બલિદાન આપવામાં આવ્યું હતું, એવી કથા છે. વર્તમાન સમયમાં પણ શહેરોમાં રીવરફ્રન્ટથી માંડીને બીજા અનેક પ્રકારના વિકાસ માટે કેટલાક લોકોને ‘ફરજિયાત શહીદ’ બનાવીને, તેમને શહેરથી દૂર ઊભી કરાયેલી વસાહતોમાં મોકલવામાં આવે છે. એવી કેટલીક વસાહતો નીચે પણ સુરંગો ખોદાતી હોય એવું જોવા મળ્યું. સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે નવી જગ્યાએથી જૂના કામ પર જવા માટે એમને એટલું ભાડું ખરચવું પડે છે કે એ પોસાતું નથી. જૂના જમાનામાં સુરંગ શોર્ટકટ માટે પણ બનાવાતી હતી, એવું ઘરડાંબુઢાં પાસેથી જાણ્યા પછી, એમણે નવી જગ્યાએથી કામના સ્થળે ઝડપથી અને સસ્તામાં પહોંચવા માટે સુરંગ બનાવવાની કામગીરી હાથ ધરી છે.  પરંતુ તેમની સુરંગ પૂરી થઇ રહે ત્યાં સુધીમાં શહેર વિકસતું વિકસતું તેમના સુધી પહોંચી જશે અને તેમને નવેસરથી વિસ્થાપિત થવાનું આવશે તો? એવો સવાલ સુરંગસમિતિના મનમાં થયો, પણ વિસ્થાપિતોનો ઉત્સાહ ટકાવી રાખવા માટે એ સવાલ સત્તાવાર અહેવાલમાં મુકવામાં આવતો નથી.

Tuesday, February 19, 2013

જાતીય અત્યાચાર અંગે વર્મા પંચની ભલામણો : અનોખો અહેવાલ, અધકચરો વટહુકમ


ભારતનાં તપાસપંચ તેમની અત્યંત ધીમી ગતિ માટે કુખ્યાત છે. સમય અને રૂપિયાના ઘુમાડા પછી તૈયાર કરાતા તેમના દળદાર અહેવાલ ગમે તેટલા અભ્યાસપૂર્ણ હોય અને તેમાં કરાયેલાં સૂચન ગમે તેટલાં ઉપયોગી, છતાં એ થોથાં પોટલાંમાં બંધાઇને કે સરકારી તિજોરીમાં પુરાઇને રહી જાય છે.

જસ્ટિસ વર્મા પંચનો અહેવાલ એ રીતે ‘ભારતીય પરંપરા’માં નથી.  દિલ્હીમાં યુવતી પર સામુહિક અત્યાચારની ઘટના ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ બની. તેના વિરોધમાં લોકો સડક પર ઉતરી આવ્યા. યુવતીની હાલત સુધરતી ન હતી અને (લોકવિરોધના લીધે) સરકારની હાલત બગડી રહી હતી. ૨૬ ડિસેમ્બરના રોજ તેને સિંગાપોર લઇ જવામાં આવી, જ્યાં ત્રણ દિવસ પછી તેનું અવસાન થયું. દરમિયાન, લોકોનો  રોષ ઠંડો પાડવા માટે સરકારે ડિસેમ્બર, ૨૩ના રોજ નિવૃત્ત જસ્ટિસ જે.એસ.વર્માના અઘ્યક્ષપદે એક પંચ નીમ્યું.

સરકારી પંચો પર શી રીતે ભરોસો મૂકવો? મોટા ભાગના લોકો (યોગ્ય રીતે જ) માને છે કે પંચ-કમિશન રચવાં એટલે લોકોના જુસ્સા પર ટાઢું પાણી રેડવાનો અને સમય પસાર કરવાનો ખેલ. પરંતુ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રિય માનવ અધિકાર પંચના અઘ્યક્ષ તરીકેના હોદ્દા નિભાવી ચૂકેલા જસ્ટિસ વર્માએ તેમાં ભવ્ય અપવાદ સર્જ્યો. ભારતના હિસાબે તો પ્રકાશની ઝડપે ગણાય એટલા ટૂંકા સમયમાં- ફક્ત એક જ મહિનામાં-  ૬૪૪ પાનાંનો અહેવાલ તેમણે વડાપ્રધાનને મોકલી આપ્યો. પંચના અઘ્યક્ષ (નિવૃત્ત) જસ્ટિસ વર્મા ઉપરાંત પંચના બે સભ્યો (નિવૃત્ત) જસ્ટિસ લીલા સેઠ અને ગોપાલ સુબ્રમણ્યમે દિલ દઇને કામ કર્યું છે, એવું ફક્ત ઝડપ પરથી નહીં, અહેવાલની ગુણવત્તા પરથી પણ જણાઇ આવે છે.

‘એમેન્ડમેન્ટ્‌સ ટુ ક્રિમિનલ લૉ’ જેવા ટેકનિકલ નામે ઓળખાયેલો વર્મા અહેવાલ ફક્ત શારીરિક બળાત્કાર જેવા સપાટી પરના મુદ્દા વિશે અરેરાટી વ્યક્ત કરીને અટકી જતો નથી. સ્વૈચ્છિક- સરકારી સંસ્થાઓ તથા વ્યક્તિઓ સાથેની વાતચીત અને  સામે ચાલીને લોકોએ પૂરી પાડેલી માહિતીના આધારે તૈયાર કરાયેલો આ અહેવાલ સ્ત્રી પર અત્યાચારનાં મૂળ સુધી જાય છે. બળાત્કારને લગતા કાયદામાં રહેલાં અઢળક છીંડાં ચીંધીને તેને પૂરવાના ઉપાય પણ તેમાં દર્શાવાયા છે.

બીજા અહેવાલોની જેમ વર્મા અહેવાલને માળિયે ચડાવી દેવાનું  સરકારને પાલવે એમ ન હતું. બલ્કે, એના પરથી પગલાં લેવાનો બધો રાજકીય જશ કેવળ શાસક મોરચાને મળે, એવી પણ સરકારની ભાવના હશે. એટલે સંસદનું બજેટ સત્ર ચાલુ થવાની રાહ જોયા વિના, વર્મા અહેવાલના આધારે વટહુકમનો કાચો ખરડો તૈયાર કરવામાં આવ્યો. મંત્રીમંડળે તેને પોતાની ભલામણ સાથે રાષ્ટ્રપતિભવન મોકલી આપ્યો. રાષ્ટ્રપતિએ બે જ દિવસમાં, ૩ ફેબુ્રઆરીના રોજ ‘ક્રિમિનલ લૉ (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ,૨૦૧૩’ જાહેર કરી દીધો.

આમ, દોઢ મહિના જેટલા ટૂંકા સમયમાં ‘નક્કર પગલાં’ લેવાની પ્રજાકીય માગણીને સરકારે સંતોષવી પડી- અને એ પણ રાષ્ટ્રપતિના વટહુકમ સ્વરૂપે. જનઆંદોલનો તો ભારતમાં ઘણાં થયાં છે, પણ આટલું ઝડપી પરિણામ ભાગ્યે જ મળ્યું હશે. લોકપાલ મુદ્દે આંદોલન વધારે જોશીલું ને હથિયાર તરીકે આમરણ ઉપવાસ હોવા છતાં આવી સફળતા મળી ન હતી.

વટહુકમ જારી થઇ ગયા પછી ગરમાગરમ ચર્ચા એ જાગી છે કે વટહુકમની જોગવાઇઓમાં આંદોલનનો હેતુ સિદ્ધ થઇ ગયો? કે પછી સરકારે વર્મા અહેવાલના આરસપહાણમાંથી સુંદર મૂર્તિ બનાવવાને બદલે, ચટણી વાટવાનો દસ્તો (પથ્થર) બનાવીને સંતોષ માની લીધો છે?

સમજણનો વિસ્તાર

સરકારી વટહુકમ અને વર્મા કમિટીની જોગવાઇઓ વચ્ચે રહેલું મોટું અંતર હળવી ટીપ્પણીથી માંડીને કડક ટીકાનો વિષય બન્યું છે. શરૂઆત એક અભિપ્રાયના કેટલાક અંશથી કરીએ.

‘સરકારે દાખવેલી પ્રશંસનીય ઉતાવળ છતાં, તેણે વર્મા સમિતિના અહેવાલરૂપી વૃક્ષનાં સૌથી નીચે લટકતાં ફળ પર જ ઘ્યાન આપ્યું હોય એવું લાગે છે. પતિ દ્વારા પત્ની પર થતા બળાત્કાર, ફૌજીઓને બળાત્કારના ગુનામાં અદાલતી કાર્યવાહી સામે મળતું ખાસ રક્ષણ,  કાનૂની દૃષ્ટિએ અપ્રસ્તુત ખાપ પંચાયતો- આવા વિવાદાસ્પદ મુદ્દા અંગે સરકારી વટહુકમ વર્મા અહેવાલ જેટલો ગંભીર જણાતો નથી...સમયસંજોગો પ્રમાણે ઉતાવળે કાર્યવાહી કરવાની લ્હાયમાં કે પછી તકરારી અને ઘણાને ખટકે એવા મુદ્દા ટાળવા માટે વર્માસમિતિના અહેવાલમાંથી અમુક જ મુદ્દા લેવામાં આવ્યા છે. તેનાથી વર્માસમિતિની મહેનતને ન્યાય મળતો નથી...કહેવાય છે કે ‘એ જોબ વેલ-બીગન ઇઝ હાફ ડન’ (કામ સારી રીતે શરૂ થાય એટલે અડઘું પત્યું સમજવું). એ રીતે જોતાં સરકારે તેના માટે અસ્વાભાવિક પણ પ્રશંસનીય ઝડપથી વર્માસમિતિના અહેવાલના આધારે વટહુકમ આણ્યો છે,  પણ આ કામ હજુ ફક્ત અડધે રસ્તે પહોંચ્યું છે. અહેવાલના વઘુ વિવાદાસ્પદ મુદ્દા અંગે પણ સરકારે આવાં જ ખંત અને ઉતાવળથી કામ કરવું જોઇએ અને એ બાબતે પોતાની રાજકીય ઇચ્છાશક્તિનો પરચો આપવો જોઇએ.’

આ અભિપ્રાય ક્યાં મુકાયો હશે? નવાઇ લાગે એવો જવાબઃ તે ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ પર મુકાયો છે. શક્ય છે કે એ સમાચારના સંકલન તરીકે હોય (જોકે એવી કોઇ સ્પષ્ટતા થયેલી નથી), છતાં કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર છે ત્યારે ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ કેન્દ્ર સરકારને વધારે વિવાદાસ્પદ મુદ્દા હાથમાં લેવા અને રાજકીય ઇચ્છાશક્તિ બતાવવા કહે તે સુખદ આશ્ચર્યની વાત છે.

વર્માસમિતિના અહેવાલના કેન્દ્રસ્થાને રહેલો સૌથી અગત્યનો અને ક્રાંતિકારી મુદ્દો હતોઃ બળાત્કાર મુખ્યત્વે વાસનાનું નહીં, પણ પિતૃસત્તાક સમાજવ્યવસ્થાનું પરિણામ છે. અહેવાલના પહેલા પ્રકરણનો પહેલો મુદ્દો જ એ હતો કે બળાત્કાર, જાતીય હિંસા, છેડછાડ વગેરે પીડિતા પર થતી ભયંકર અસરોને કારણે ચિંતાનો વિષય છે. પરંતુ કાયદાના શાસનને વરેલો સમાજ આ બધી હરકતો ચલાવી લે એ પણ એટલું જ ચિંતાજનક છે. સ્ત્રીઓના પાયાના અધિકાર અંગે સમાજને જગાડવા- તેને વિચારતો કરવા માટે આવી ધૃણાસ્પદ ઘટનાની જરૂર પડે, એ વિશે પણ અહેવાલમાં ટીપ્પણી કરવામાં આવી હતી.  

જસ્ટિસ વર્માએ જાતીય અત્યાચારને લગતા કાયદામાં ‘બળાત્કાર’ને બદલે જાતીય હુમલાની વાત કરીને આખા ગુનાનો વ્યાપ વધારી દીધો. અહેવાલમાં સાફ શબ્દોમાં જણાવાયું હતું કે ‘વર્તમાન અરાજકતા અને અસલામતી માટે કાનૂની જોગવાઇઓનો નહીં, પણ સુશાસનનો અભાવ કારણભૂત છે. વધારે કાયદાની જરૂર હોત તો અનેક સંસ્થાઓ અને અદાલતી ચુકાદાઓ હજુ અમલ થયા વગરનાં ઘૂળ ખાય છે (એમનો અમલ થયો હોત)...કારીગરે પાનાંપકડ સાથે તકરાર કરવાને બદલે કામ કરવાની પદ્ધતિ સુધારવી જોઇએ. આ મુદ્દે સુધારો ન થાય ત્યાં સુધી કાયદાનાં થોથાંમાં ઉમેરા કરવાથી કશો ફરક પડવાનો નથી.’

વટહુકમ સામેના વાંધા 

વર્માસમિતિએ ફક્ત સજાઓમાં વધારો કરીને બેસી જવાને બદલે અભિગમમાં પરિવર્તન આણવું પડે એવા કેટલાક સુધારા સૂચવ્યા. તેમાંનું એક ક્રાંતિકારી સૂચન એવું હતું કે પતિ પણ તેની પત્ની પર જાતીય જબરદસ્તી કરી શકે નહીં- અને કરે તો એને બળાત્કાર ગણીને  પત્ની ફરિયાદ નોંધાવી શકે. આ જોગવાઇમાં પત્નીના દેહને પતિની મિલકત ગણીને તેનો યથેચ્છ ભોગવટો કરવાની ‘સાંસ્કૃતિક પરંપરા’ જોખમાતી હતી. એટલે સરકારે આ સૂચનનો અસ્વીકાર કર્યો.

બીજો અગત્યનો સુધારો એ હતો કે બળાત્કાર ફક્ત પુરૂષ જ કરી શકે, જ્યારે એ ગુનામાં સહભાગી તરીકે સ્ત્રી અને પુરૂષ બન્ને હોઇ શકે. એટલે કે સામુહિક અત્યાચારના બનાવમાં એક યા બીજી રીતે સામેલ એવી સ્ત્રી પર બળાત્કારના ગુનાની કલમો લગાડીને તેને એ પ્રમાણે સજા મળવી જોઇએ. પુરૂષ કોઇ સંજોગોમાં સ્ત્રી પર બળાત્કારની ફરિયાદ નોંધાવી શકે નહીં.

ઇશાન ભારતનાં રાજ્યોમાં ખાસ કાયદાના રક્ષણ હેઠળ ફરજ બજાવતાં ભારતીય લશ્કરી દળો સામે બળાત્કારના આરોપ થતા રહે છે. એવા આરોપીઓ સામે અદાલતમાં કામ ચલાવતાં પહેલાં તેમને ઉપરીની મંજૂરી લેવાનું ફરજિયાત હતું, પણ વર્માસમિતિના અહેવાલમાં એ શરત કાઢી નાખવાનું સૂચન હતું. આવા કંઇક મહત્ત્વના મુદ્દા સરકારી વટહુકમમાં ગાયબ છે. એટલે સ્વૈચ્છિક સંસ્થાઓ અને નારી સંગઠનોએ વટહુકમ સામે આંદોલન ચાલુ રાખ્યું છે. તેમના વાંધાના કેટલાક મુખ્ય મુદ્દાઃ

વટહુકમથી વ્યાખ્યાનો વિસ્તાર થયો છે -અને ફક્ત બળાત્કારને બદલે જાતીય હુમલાની વાત અંદર આવી છે- પણ કાયદાનો વ્યાપ ખાસ વઘ્યો નથી. બળાત્કાર ફક્ત પુરૂષ જ કરી શકે. માટે બળાત્કારના કિસ્સામાં પુરૂષ કદી ફરિયાદી ન હોઇ શકે. એટલી મૂળભૂત વાત વટહુકમમાં સ્વીકારવામાં આવી નથી. મહિલા સંગઠનોને એનો મોટો વાંધો છે. એવી જ રીતે, પત્ની પર પતિ દ્વારા થતા બળાત્કાર અને  યુવાનો વચ્ચે પરસ્પર સંમતીથી બંધાતા સંબંધો અંગે પણ વટહુકમમાં મૌન સેવવામાં આવ્યું છે. વર્માસમિતિએ જેની આકરી ટીકા કરી હતી એવી ખાપ પંચાયતોને આ પ્રકારના મૌનથી ફાવતું જડે છે.

એવી જ રીતે, સૈન્યના સભ્યો સામે બળાત્કારનો આરોપ થાય ત્યારે તેમનો કેસ સામાન્ય અદાલતમાં જ ચાલવો જોઇએ, એવી વર્માસમિતિની ભલામણ સરકારે સ્વીકારી નથી. એ પ્રકારના ગુનામાં ભોગ બનનારને ન્યાય મેળવવા માટે આરોપીઓના ઉપરીની મરજી પર આધારિત રહેવું પડશે. પોલીસ કસ્ટડીમાં થયેલા બળાત્કાર અંગે ફક્ત આરોપી જ નહીં, તેના ઉપરી પણ જવાબદાર ગણાશે એવી વર્માસમિતિની ભલામણ સરકારે સ્વીકારી નથી. ચોક્કસ જ્ઞાતિ કે ધર્મના લોકો પર અત્યાચાર તરીકે કરવામાં આવતા બળાત્કારને અહેવાલમાં ‘એગ્રેવેટેડ સેક્સ્યુઅલ એસોલ્ટ’ ગણવામાં આવ્યા હતા, પણ સરકારી વટહુકમમાં એમનો કશો ઉલ્લેખ જોવા મળતો નથી. ન્યાયાધીશ, પોલીસ અને જાહેર સેવક સામે બળાત્કારના આરોપ અંગેની કાર્યવાહી કરતાં પહેલાં તેમના ઉપરીની મંજૂરીની જરૂર ન હોવી જોઇએ, એવી અહેવાલની ભલામણ સરકારે સ્વીકારી નથી.

આ યાદી હજુ લંબાઇ શકે એમ છે. પરંતુ તેનો સાર એટલો જ કે, મહિલાવિરોધી હિંસા વિશે વટહુકમ આવી ગયો એટલે એ ઝુંબેશ પૂરી થયેલી સમજવાની નથી. ખરો જંગ હજુ શરૂ થયો છે. સાથોસાથ, એ પણ યાદ રાખવાનું કે લોકોએ વ્યક્ત કરેલો રોષ સાવ એળે ગયો નથી. સ્ત્રીવિરોધી હિંસાના મુદ્દે દીવાદાંડી બને એવો વર્માસમિતિનો અહેવાલ આખી ઝુંબેશની નોંધપાત્ર ઉપલબ્ધિ છે.

Monday, February 18, 2013

યંત્ર મટીને મિત્ર બનતા ‘સામાજિક રોબોટ’


રોબોટની ઉત્ક્રાંતિઃ સિદ્ધિ કે સમસ્યા? (૧)

ચારેક વર્ષ પહેલાં અંગ્રેજીમાં એક પુસ્તક આવ્યું હતું : ‘લવ એન્ડ સેક્સ વિથ રોબોટ્‌સઃ ધ ઇવોલ્યુશન ઓફ હ્યુમન-રોબોટ રીલેશનશિપ’. ડેવિડ લેવીએ લખેલું આ પુસ્તક વાંચવાનું બન્યું નથી, પણ એ પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર હતોઃ માણસ અને રોબોટ વચ્ચે વધતી નિકટતા. (આડચેતવણીઃ આ કે બીજી કોલમોમાં ઉલ્લેખાતાં પુસ્તકો લેખકોએ હંમેશાં વાંચ્યાં જ હોય - અને વાંચ્યા પછી પણ તે સમજ્યા જ હોય- એવું માની લેવું નહીં.)

‘રોબોટ’ની અસલ કલ્પના માણસના આકારના બુદ્ધિશાળી યંત્રની હોવાથી, અત્યાર લગી રોબોટ ‘યંત્રમાનવ’ તરીકે ઓળખાતા રહ્યા છે. તેમનો બાહ્ય દેખાવ, નાકનકશો અને અંગોપાંગો પણ માણસ જેવાં બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. એમાં કશું ખોટું નથી. કારણ કે માણસનાં વિવિધ અંગ ઉત્ક્રાંતિની આકરી પરીક્ષામાંથી પાસ થઇને વર્તમાન આકાર પામ્યાં છે. સમસ્યા એ છે કે માણસની કામગીરીને લગતી ઘણી જરૂરિયાતો માટે રોબોટનો ‘મનુષ્ય અવતાર’ કામ લાગતો નથી. ફેક્ટરીમાં વજન ઉંચકવાથી માંડીને બગીચામાં ઘાસ કાપવા સુધીનાં અનેક કામ માટે એવા રોબોટ વપરાય છે, જેમે ચહેરેમહોરે માણસ જોડે દૂરદૂરનો સંબંધ હોતો નથી. તેમનાં કદ પણ રાક્ષસીથી માંડીને ટચૂકડાં હોઇ શકે છે. એવા રોબોટને યંત્રમાનવ કહેવામાં આવે તો યંત્ર અને માનવ- બન્નેની ઓળખમાં ગુંચવાડા ઊભા થાય.

 જાપાનની ‘સોની’ કંપનીએ બનાવેલો અત્યાર સુધીનો સૌથી લોકપ્રિય અને જથ્થાબંધ ‘વસ્તી’ ધરાવતો રોબોટ ‘આઇબો’ (આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ રોબોટ) દેખાવમાં કૂતરા જેવો હતો. ૧૯૯૯થી ૨૦૦૬ સુધીમાં તેનાં આશરે ૧ લાખ ૪૦ હજાર નંગ વેચાયાં. એ રોબોટનું ગુજરાતી શું કરીશું? ‘યંત્રમાનવ’ તો નહીં જ. ‘યંત્રશ્વાન’ પણ શા માટે કરવું? આમ, બધા પ્રકારના રોબોટ માટે ‘યંત્રમાનવ’ને બદલે ‘યંત્રસાથી’ કે ‘યંત્રમિત્ર’ જેવો શબ્દપ્રયોગ વધારે ઠીક લાગે છે.

ઉત્ક્રાંતિ વખતે મનુષ્યોની સાથે અને સમાંતરે સાવ જુદા પ્રકારની ક્ષમતા અને મર્યાદા ધરાવતા જીવો પાંગરી રહ્યા હતા, એવું જ કંઇક આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ અને રોબોટિક્સના ક્ષેત્રે થઇ રહ્યું છે. મુખ્ય તફાવત હોય તો એટલો સજીવસૃષ્ટિની ઉત્ક્રાંતિનો દોર પ્રકૃતિના હાથમાં - અને માણસના કાબૂની બહાર - હતો, જ્યારે રોબોટની ઉત્ક્રાંતિ સંપૂર્ણપણે માનવજાતનું સર્જન છે. બુદ્ધિમતા અમુક હદથી વધી જતાં રોબોટ માનવજાતને ગુલામ બનાવી દેશે કે તેની પર રાજ કરતા થઇ જશે, એવી બીક સાહિત્યમાં દાયકાઓથી વ્યક્ત થતી રહી છે. એ કલ્પના સાવ કાઢી ન નાખીએ તો પણ, તેના સાકાર થવાની શક્યતા બહુ ઓછી છે. તેની સરખામણીમાં, લેખના આરંભે જેનો ઉલ્લેખ કર્યો એ પુસ્તકમાં રજૂ થયેલી કલ્પના વાસ્તવિકતાની ઘણી વધારે નજીક છે. બલ્કે, અમુક હદે તે વાસ્તવિકતામાં પલટાઇ પણ ચૂકી છે.

ડેવિડ લીવે અટકળ કરી હતી કે શુષ્ક, ઠંડાગાર અને યાંત્રિક લાગતા રોબોટ ધીમે ધીમે માનવજાતના પ્રીતિપાત્ર બનતા જશે- માણસને સાથીપણાનો અહેસાસ આપવા લાગશે. આ દલીલને ટેકો આપતાં લેવીએ પાળેલાં પશુપંખીઓથી માંડીને વર્ચ્યુઅલ પાત્રો પ્રત્યે માણસજાતના લાગણીના સંબંધોની- આસક્તિની વાત કરી હતી અને કહ્યું હતું કે આ જ ક્રમમાં હવે રોબોટનો વારો આવશે.

ડેવિડ લેવી કલ્પનાના ઘોડા દોડાવનાર વાર્તાકાર નહીં, પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના નિષ્ણાત છે. તેમની અભ્યાસ-આધારિત કલ્પના છે કે ઇ.સ.૨૦૫૦ સુધીમાં માનવ અને રોબોટ વચ્ચે એકદમ નિકટના તમામ પ્રકારના સંબંધ સ્થપાઇ શકે છે. લેવી અને એ ક્ષેત્રના બીજા નિષ્ણાતોની આ પ્રકારની આગાહીઓમાં કેટલું તથ્ય છે, એ જાણવા માટે ભવિષ્યની રાહ જોવી પડે એમ નથી. રોબોટની ઉપયોગિતા અને તેમની સાથે બંધાનારા લાગણીના સંબંધોના પરચા મળવાના શરૂ થઇ ગયા છે.

ગયા વર્ષે પ્રગટ થયેલા એક અખબારી અહેવાલમાં સામાજિક કામગીરી કરતા ‘સોશ્યલ રોબોટ’ વિશે વિગતે માહિતી આપવામાં આવી હતી. જેમ કે, લકવાના હુમલા પછી સારવાર મેળવતા દર્દીઓના રેહેબિલિટેશન સેન્ટરમાં દર્દીઓની દેખરેખ રાખનારા રોબોટ. ડાઉની, કેલિફોર્નિયાના આ સેન્ટરમાં ‘બેન્ડિટ’ નામનો એક યંત્રમિત્ર દર્દીઓની શારીરિક સ્થિતિ પ્રમાણે તેમને કસરત કરાવે છે. ૧ થી ૧૦ સુધીના આંકડા લખ્યા હોય એવી પેનલ પર દર્દીઓ બેસે. ત્રણ ફૂટિયો ‘બેન્ડિટ’ એમને સૂચનાઓ આપે. જેમ કે, ‘સાત નંબરનું બટન તમારા જમણા હાથે દબાવો.’



કસરતમાં દર્દીઓ ભૂલી કરે એટલે તરત ‘બેન્ડિટ’ તેમને ટોકે અને સરસ કસરત થાય તો એ અભિનંદન પણ આપે. આ રીતે જે થાય તેને પરંપરાગત અર્થમાં ‘વાતચીત’ ભાગ્યે જ કહી શકાય, પણ ‘બેન્ડિટ’ અને એના જેવી સામાજિક કામગીરી કરતા બીજા રોબોટ પર સંશોધન કરનારા  યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના એક અભ્યાસી એરિક વેડે પાંચ વર્ષના અનુભવોમાં નોંઘ્યું કે દર્દીઓ ‘બેન્ડિટ’ રોબોટ સાથે વાતો કરતા હતા, એ અભિનંદન આપે ત્યારે મરકતા હતા, તેનાં અભિનંદન મેળવવા માટે કસરત અને ટેસ્ટમાં બહેતર બનવા પ્રયાસ કરતા હતા.

‘બેન્ડિટ’ માણસ નથી, પણ સર્કિટ અને વાયરોનું ગૂંચળું છે એ બરાબર જાણવા છતાં, કેટલાક દર્દીઓ તેને લાગણીવશ થઇને ભેટવાનો પ્રયાસ પણ કરતા હોવાનું એરિકને જાણવા મળ્યું. હોસ્પિટલમાં અને ઘરમાં દર્દીઓ કે ચોક્કસ પ્રકારની માનસિક મર્યાદાઓ ધરાવતાં બાળકો ‘બેન્ડિટ’ જેવા રોબોટ સાથેના સંબંધો પછી તેમના હેવાયાં થઇ જતાં હોવાનું પણ અભ્યાસીઓનેે જોવા મળ્યું છે. અમેરિકા જેવા દેશોમાં  સમુહકેન્દ્રીને બદલે વ્યક્તિકેન્દ્રી સમાજની બોલબાલા હોય અને એકલવાયાપણું મુખ્ય સમસ્યાઓમાંની એક હોય, ત્યારે ‘વસ્તી’નો અહેસાસ આપતા અને સેવા કરવા ઉપરાંત સાથ આપતા રોબોટ બહુ વહાલા લાગે એમાં ખાસ આશ્ચર્ય નથી.

સામાજિક કામગીરી કરતા સોએક પ્રકારના રોબોટ અત્યારે વિશ્વભરમાં સક્રિય છે. તેમાં ઘરકામ કરનારાથી માંડીને પાળેલાં પશુપંખીઓનો અહેસાસ આપનારા જુદા જુદા આકારપ્રકારના રોબોટનો સમાવેશ થાય છે. અત્યાર લગી જેનાં સાઠેક લાખ નંગ વેચાઇ ચૂક્યાં છે એવા ‘રુમ્બા’ રોબોટ દેખાવમાં જરાય માણસ જેવા નથી. છતાં તેની લોકપ્રિયતા જોઇને કોઇને પણ ‘યે રુમ્બા રુમ્બા ક્યા હૈ?’ એવું પૂછવાનું મન થાય.


જ્યોર્જિયાની ટેક કોલેજ ઓફ કમ્પ્યુટિંગના અભ્યાસ પ્રમાણે,  રુમ્બાનો ઉપયોગ કરનારા લોકોમાંથી ઘણા તેને મશીન નહીં, પણ પરિવારના સભ્ય સમકક્ષ ગણવા લાગે છે. કેટલાક તો એની સાથે વાતો કરતા હોવાનું પણ નોંધાયું છે. એ ‘બિમાર’ પડે તો કામ અટકી પડે એટલા માટે નહીં, પણ લાગણીવશ થઇને ઉદાસ થઇ જનારા લોકો પણ હોય છે.

ફક્ત સામાજિક માણસો જ નહીં, કઠણ હૃદયના ગણાતા સૈનિકો પણ રોબોટ સાથે લાગણીનો નાતો અનુભવતા થઇ જાય છે. ‘વોશિંગ્ટન પોસ્ટ’માં નોંધાયેલા એક પ્રસંગ પ્રમાણે, ઇરાકમાં ફરજ બજાવતા અમેરિકન સૈનિકો બોમ્બ નિષ્ક્રિય બનાવવા માટે ‘સ્કૂબી-ડૂ’ નામનો એક રોબોટ વાપરતા હતા. એ રોબોટ એકાદ વિસ્ફોટમાં ઘાયલ થયો, ત્યારે કોઇ ઇજાગ્રસ્ત સિપાહીને લવાય એટલી જ કાળજીથી ‘સ્કૂબી-ડૂ’ને રીપેરીંગ માટે લઇ જવામાં આવ્યો. પરંતુ તેને થયેલું નુકસાન એટલું મોટું હતું કે રોબોટના ‘ડોક્ટરે’ માથું ઘુણાવીને ના પાડી દીધી અને ‘સ્કૂબી-ડૂ’ના બદલામાં નવો રોબોટ આપવાની તૈયારી બતાવી. ત્યારે તેની સાથે રહેલા સૈનિકે સાફ ના પાડીને કહ્યું કે ‘મારે તો સ્કૂબી-ડૂ જ જોઇએ છે.’

એક તરફ રોબોટ સાથે લાગણીના તાર જોડાતાં માણસનું ભાવવિશ્વ વિસ્તરી રહ્યું છે, ત્યારે બીજા પ્રકારના રોબોટ માણસોની રોજગારી માટે વઘુ ને વઘુ ખતરારૂપ બની રહ્યા છે. તેની વિગતો આવતા સપ્તાહે.

Wednesday, February 13, 2013

ટિફિનઃ ડબ્બા જો ખુલ ગયા તો...


પુરાણકથાઓમાં તમામ દેવીદેવતાઓને પાસિંગની જરૂર ન પડે એવાં વાહન અને લાયસન્સ વગરનાં અસ્ત્ર-શસ્ત્ર ફાળવવામાં આવ્યાં છે. તેમાં દેવી અન્નપૂર્ણાનું વાહન કયું છે એનો ખ્યાલ નથી, પણ તેમનું અસ્ત્ર કયું હોવું જોઇએ, એ ધારી શકાય. ભોજનનાં દેવી અન્નપૂર્ણાના અસ્ત્ર ટિફિન(બોક્સ) સિવાય બીજું શું હોઇ શકે? જૂના વખતમાં આવતું હતું - અને સમુહભોજનમાં ગેરહાજર કુટુંબીજનો માટે ભરીને લઇ જવાતું હતું એવું ચાર ડબ્બાનું પિત્તળનું વજનદાર ટિફિન તો અસ્ત્ર-કમ-શસ્ત્ર તરીકે પણ ચાલી જાય.

જમવાનું સૌને જોઇએ છે, ચાહે તે મોટો અફસર કે વડો પ્રધાન કેમ ન હોય? પણ પોતે પોતાનું જમવાનું સાથે લઇને ફરે છે, એવું દેખાડવામાં લોકોને સંકોચ થાય છે. ‘છાશ લેવા જવું ને દોણી સંતાડવી’ની જેમ, ‘ઘરનું જમવું ને ટિફિન સંતાડવું’ એવો શબ્દપ્રયોગ કેમ પ્રચલિત બન્યો નહીં, એ નવાઇની વાત છે. ટિફિન અંગે લોકોમાં જોવા મળતી શરમને સમાજના વર્ગભેદ સાથે સીધો સંબંધ છે. પોતાની જાતને ‘અફસર’ના દરજ્જામાં મુકતા ઘણા લોકો માને છે કે ટિફિનનાં ડબલાં લઇને ફરવું ને બપોરે પડ્યે ડબલાં ખોલીને ખાવું એ કારીગરવર્ગનું કામ. સાહેબલોકને તે ન શોભે.

તો સાહેબલોક શું ભૂખ્યા રહે? ના. વાંધો જમવા સામે નહીં, ટિફિન સામે છે. સાહેબો જમવા બેસે ત્યારે ટિફિન ન ખોલે. એમના માટે બઘું થાળી-વાટકીમાં પીરસાઇને આવે. સૌ જોઇ શકે એ રીતે ટિફિન લટકાવીને ફરવાથી સાહેબગીરીમાં પંક્ચર પડે, એવું ઘણા માને છે. પૌરાણિક કથાઓમાં મહાત્માઓ આઘ્યાત્મિક ઉન્નતિ માટે અન્નજળનો ત્યાગ કરતા હતા. કળિયુગમાં વર્ગભેદની સીડી ચડીને ભૌતિક ઉન્નતિ સિદ્ધ કરવા માગતા કેટલાક મુમુક્ષુઓ અન્નજળને બદલે તેના ‘સાધન’ એવા ટિફીનના ત્યાગથી શરૂઆત કરે છે.

ઇશ્વરની જેમ ટિફિનનાં અનેક રૂપ છે. ભક્તની જરૂરિયાત પ્રમાણે તેનું સ્વરૂપ બદલાય છે. ટિફિનને ફક્ત અઘ્યાત્મના નહીં, ઉત્ક્રાંતિના નિયમ પણ લાગુ પડે છે. પંગતભોજનના જમાનામાં ટિફીન કુટુંબીજનોને ભાતું ભરી આપવા માટે નહીં, પણ જમણવારમાંથી  જુદી જુદી વાનગીઓ પૂરતા જથ્થામાં ભરી લાવવા માટે વપરાતાં હતાં. દેખીતું છે કે એવાં ટિફિનનું કદ જૂના વખતના યજમાનોના હૃદયની જેમ મોટું હોય. ઉત્ક્રાંતિના ક્રમમાં એવાં ટિફીનને કદની દૃષ્ટિએ ડાયનોસોર સાથે સરખાવી શકાય. એક ટિફીનમાંથી નાનું નહીં, છતાં સુખી એવું આખું કુટુંબ જમી લે- અને ભલું હોય તો પાડોશમાં ઢાંકો પણ કરી શકે. તેના ડબ્બાને અલગથી તપેલીની અવેજીમાં વાપરી શકાય. એ વખતે ‘૫૦ આઇટેમ-૭૦૦ રૂ.ની ડિશ’વાળા દેખાડાગ્રસ્ત જમણવારો થતા ન હતા. એટલે વાનગીઓ સ્વાદિષ્ટ પણ સંખ્યામાં ઓછી હોય અને ટિફિનમાં સમાઇ રહે.

ડાયનોસોર-કદનું ટિફિન ખૂણામાં પડ્યું હોય તો ઘરમાં વસ્તી લાગે એવાં તેનાં કદકાઠી ને મોભો. એવું ભરેલું ટિફિન ઉંચકીને વાડીથી ઘર વચ્ચે બે આંટા મારનાર અલગથી કસરત ન કરે તો ચાલે. પણ એ ટિફિન અત્યારે બહાર લઇ જવું હોય તો રિક્ષા કરવી પડે ને ટ્રેનમાં કદાચ ‘લગેજ’ની અલગ ટિકિટ થાય. એટલે ‘નેચરલ સીલેક્શન’ના નિયમ પ્રમાણે, ડાયનોસોર-ટિફિન લુપ્ત થયાં ને તેમનાં બીજાં નાનાં સ્વરૂપ અસ્તિત્ત્વમાં આવ્યાં.

ટિફિનનો બીજો પ્રકાર ‘લંચબોક્સ’ કે ‘ડબ્બો’ કહેવાતો હતો. પ્લાસ્ટિકના કે ધાતુના ભારતની સાઇઝના લંબચોરસમાં જોડે  બાંગ્લાદેશ જેવડો એક પેટા-ડબ્બો હોય. તેમાં શાક કે છુંદો રહે અને બહાર રોટલી-ભાખરી. એવું ટિફિન જમવાનું નોકરી કરવા જેવું અકારું લાગે ને જમી લીધા પછી, પેટમાં ભોજન પડવાને કારણે નહીં પણ એક કામ પૂરું થયાના અહેસાસથી ‘હાશ’ અનુભવાય.

વર્ગભેદની દૃષ્ટિએ ‘લંચબોક્સ’નો ફાયદો એ હતો કે તે નાનું હોવાથી સહેલાઇથી બેગમાં સમાઇ જતું હતું. બહાર કોઇને ગંધ સુદ્ધાં ન આવે કે ભાઇ બેગમાં ડબ્બો લઇને ફરે છે- અને કદાચ તેમના પેટા-ડબ્બામાંથી નીતરેલું તેલ બેગની અન્ય સામગ્રીને ખરડી ચૂક્યું છે. તેમ છતાં, સમાજશાસ્ત્રીય શૈલીમાં કહીએ તો, એ ટિફિન (લંચબોક્સ) ભારતની કૃષિપ્રધાનથી ઉદ્યોગપ્રધાન બનવા તરફની ગતિનું પ્રતીક હતું.  એવી જ રીતે, ‘લંચબોક્સ’ કરતાં ઘણા મોટા અને અને જૂના ટિફિન કરતાં ઘણા નાના બે-ત્રણ-ચાર ડબ્બાના ટિફિનને ભારતના વધી રહેલા મઘ્યમ વર્ગ સાથે સાંકળી શકાય.

એક જ સ્કીમમાં ઉપર-નીચેના માળે રહેતા એક જ પરિવારનાં સભ્યોની જેમ, આ ટિફિનમાં ત્રણ-ચાર ડબ્બા અને વધારામાં પ્લાસ્ટિકની એક ડબ્બી એકબીજા ઉપર ગોઠવાઇ જાય છે. તેમની ફરતેનું ડબ્બાસ્વરૂપ આવરણ ગરમ વસ્તુઓને ગરમ રાખે કે ન રાખે, પણ અંદરની વસ્તુઓને બહાર ઢળવા દેતું નથી. એ તેનો સૌથી મોટો ગુણ છે. તેના પ્રતાપે જૂના વખતમાં કળિયુગના- અને લંચબોક્સના- કારણે દેશમાં વહેતી તેલની નદીઓ બંધ થઇ. બાકી, પહેલાં તો સરેરાશ લંચબોક્સ કે થર્મલ આવરણ વગરનાં, ખુલ્લાં ટિફિન દેવદાસછાપ પ્રેમીના હૃદયની જેમ કાયમ દ્રવતાં જ હોય. એવું ટિફિન લઇને કોઇ પ્રવેશે એટલે સૌ પોતપોતાનાં કપડાં ને ચીજવસ્તુઓ ‘કહીં દાગ ન લગ જાયે’ એ બીકે સંકોરવા માંડે. ટિફિનમાંથી વહેતા તેલને જમીનમાં ઉતારવામાં આવ્યું હોત તો ભારતમાં ક્રુડ ઓઇલના થાય કે ન થાય, ખાદ્યતેલના કૂવા જરૂર થયા હોત.

ઊભાં ટિફિનમાં પણ બે ડબ્બાથી પાંચ ડબ્બા સુધીની રેન્જ આવે છે. ચાર ડબ્બા અને તેની ઉપર મુગટ શી શોભતી પ્લાસ્ટિકની પાતળી ડબ્બીનો આખો વસ્તાર પ્લાસ્ટિકના ઊબા નળાકાર બોક્સમાં સરકી જાય ત્યારે કોઇ અવકાશયાત્રી સ્પેસસૂટમાં સરકતો હોય એવું લાગે. સાડા ચાર ડબ્બાનું  આખું ટિફિન દેખાવમાં ટિફિન કરતાં ટાવર જેવું વધારે લાગે છે, પરંતુ જમતી વખતે, ટ્રોયના ઘોડામાંથી નીકળતા સૈનિકોની માફક, એક પછી એક ડબ્બામાંથી વાનગીઓ નીકળવા લાગે ત્યારે જમવાનું શરૂ કરતાં પહેલાં જ કોઠે ટાઢક થવા માંડે છે.

નવા જમાનામાં ટિફિન સાથે સંકળાયેલા વર્ગભેદને પારખીને  ત્રણ-ચાર ડબ્બાનાં આડાં લંચબોક્સ મળતાં થયાં છે. તેમાં ડબ્બા એકબીજા પર ઉભ્ભા નહીં, પણ સમાંતરે આડા ગોઠવાય છે. એવું ટિફિન સહેલાઇથી બેગમાં સમાઇ જાય છે. એટલે મજકૂર શખસ સાથે ટિફિન લઇને ફરે છે એ જોનારને માલુમ પડતું નથી. કેટલાક લોકોને આ ચેષ્ટામાં જોકે એવી શહેરી સંવેદનહીન નિષ્ઠુરતાનાં દર્શન થાય છે, જેની અંતિમ અભિવ્યક્તિ પોતાનાં માતાપિતા ગામઠી હોવા બદલ શરમ અનુભવવાની  હોઇ શકે છે. ‘ખાવું ખાવું ને શરમ કેવી?’ અથવા ‘પ્યાર કિયા તો ડરના ક્યા?’ પ્રકારનો મિજાજ ધરાવનારાને ટિફિન સંતાડવાનું ગમતું નથી. ‘આજે ટિફિન બદલ શરમ અનુભવતો માણસ કાલે પોતાનાં મા-બાપ માટે કે પરમ દિવસે પોતાની માતૃભાષા માટે શરમ અનુભવીને, તેને સંતાડતો ફરશે’ એવી દલીલ પણ ટિફિનપ્રેમીઓ કરે છે.

ત્રાસવાદના સુવર્ણયુગમાં ત્રાસવાદીઓ ટિફિનમાં બોમ્બ મુકીને ધડાકા કરે છે, પણ કેટલાંક ટિફિન જમ્યા પછી લાગે છે કે  તેમાં બોમ્બ મુકવાની જરૂર હોતી નથી. તેમાં મુકાયેલું ભોજન ખવડાવી દેવાથી ધારી ધાક જમાવી શકાઇ હોત.

Tuesday, February 12, 2013

‘ગુજરાત મોડેલ’ : જૂનું અને નવું

સાદી ગણતરી પ્રમાણે લોકસભાની ચૂંટણી આડે ખાસ્સો સમય બાકી છે.  છતાં, બન્ને મુખ્ય રાજકીય પક્ષો ચૂંટણીમુદ્રામાં આવી ગયા છે. કોંગ્રેસે જયપુર અધિવેશનમાં પરિવારભક્તિની પરંપરા પ્રમાણે રાહુલ ગાંધીને આગળ કર્યા અને તેમના નેતૃત્વ તળે ૨૦૧૪ની ચૂંટણી લડાશે, એ સ્પષ્ટ કર્યું.

ભાજપમાં સ્થિતિ એટલી સ્પષ્ટ ન હતી. પક્ષપ્રમુખ નીતિન ગડકરી અને સુષ્મા સ્વરાજ સહિત વડાપ્રધાનપદના ઉમેદવારોનો પાર ન હતો. સંઘ પરિવારનો ગડકરીને પૂરો ટેકો હતો, ભલે તેમની પર ભ્રષ્ટાચારના આરોપ થયા હોય. તેમને બીજી વાર ભાજપના પ્રમુખ બનાવવા માટે સંઘ પરિવારની પ્રેરણાથી ભાજપનું બંધારણ સુદ્ધાં ફેરવવામાં આવ્યું હતું. પણ આંતરિક વિરોધ અને ભ્રષ્ટાચારના આરોપોમાં ગડકરીનું પત્તું છેવટે કપાયું. તેમની જગ્યાએ સંઘ અને ભાજપના સ્વીકાર્ય ઉમેદવાર રાજનાથસિંઘ આવ્યા. દરમિયાન, વડાપ્રધાનપદના ભાજપી  ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્ય મંત્રી મોદીએ પોતાની જાતને ક્યારની ‘તરતી’ મૂકી દીધી છે.

રાજકારણના ધંધામાં પડેલો માણસ મહત્ત્વાકાંક્ષા રાખે એ સમજી શકાય એવું છે. પોતાની મહેચ્છાઓ સંતોષવા માટે એ કોઇ પણ હદનું જૂઠાણું ચલાવે કે ગમે તેવાં સમાધાન કરે, એની નવાઇ ન લાગવી જોઇએ. આશ્ચર્ય ત્યારે થાય, જ્યારે એ જૂઠાણાં કે સમાધાનોને આવડત તરીકે રજૂ કરવામાં આવે. એટલું જ નહીં, તેને નોંધપાત્ર પ્રમાણમાં લોકોનો ટેકો મળે.

જાણીતી કહેણી પ્રમાણે, ‘થોડા લોકોને થોડા સમય માટે મુર્ખ બનાવી શકાય છે, પણ બધા લોકોને કાયમ માટે મુર્ખ બનાવી શકાતા નથી.’ ભારતના રાજકારણની અને જાહેર જીવનની તાસીર જોતાં આ વાતની ખરાઇ વિશે શંકા જાગે.

એ પણ ખરું કે ચૂંટણીકેન્દ્રી લોકશાહીમાં બધા લોકોને બધા સમય માટે મૂરખ બનાવવાની જરૂર પડતી નથી. ‘ક્રિટિકલ માસ’ (નિર્ણાયક સંખ્યામાં લોકો)ને લાંબા સમય સુધી આંજી રાખવાથી કામ થઇ જાય છે. સમય વીતતાં થોડા લોકોનું ભ્રમનિરસન થાય, ત્યાં સુધીમાં નવા લોકો ઉમેરાતા રહે છે. બસ, પોતાના પ્રચારપ્રસારનું કામ જોરશોરથી ચાલુ રાખવાનું અને તેમાં શક્ય એટલા નવા આઇડીયા લડાવતા રહેવાનું.

મોડેલનો વિચારવિસ્તાર

દિલ્હીમાં કોલેજના વિદ્યાર્થી સમક્ષ કરેલા સંબોધનમાં ગુજરાતના મુખ્ય મંત્રીએ તેમની વક્તૃત્વચાલાકીનો પૂરતો પરિચય આપ્યો. અંજાવા તૈયાર એવા એ ઓડિયન્સમાં‘ અડધે સુધી પાણી ભરેલા ગ્લાસનો બાકીનો હિસ્સો ખાલી નથી- તેમાં હવા ભરેલી છે’ એવી કક્ષાની વાતો કરીને એ તાળીઓ ઉઘરાવી ગયા.

મુશાયરાની જેમ વક્તવ્યમાં પણ ઊંડાણ કરતાં તત્કાળ વાહવાહી મેળવી આપે એવી શૈલીની બોલબાલા વધારે હોય છે. મઝાની વાત એ છે કે મુખ્ય મંત્રીના ચબરાકિયા પ્રવચનને કેટલાંક રાષ્ટ્રિય અખબારોએ પહેલા પાને સ્થાન આપ્યું- કેમ જાણે વડાપ્રધાને તેમના પહેલા પ્રવચનમાં દેશના યુવાનોને સંબોઘ્યા હોય. આ ઘટનાથી વઘુ એક વાર સિદ્ધ થયું કે મુખ્ય મંત્રી લોકરંજનીમાં અને મીડિયાના મોટા હિસ્સાને હાથમાં રાખવામાં કાબેલ છે.  

મુખ્ય મંત્રીએ દિલ્હીમાં ‘ગુજરાત મોડેલ’ની વાત કરી. ગુજરાતીઓને બહુ ગળચટ્ટી લાગે એવી આ વાત છે. મુખ્ય મંત્રીને કારણે દેશભરમાં ગુજરાતનો જયજયકાર થઇ ગયો, એવા પ્રચારથી ઘણા ભોળીયા કે હોંશીલા ગુજરાતીઓનું શેર લોહી ચઢે છે. (કેમ જાણે, મોદીયુગ પહેલાંનુ ગુજરાત પથ્થરયુગમાં હોય) પરંતુ મુખ્ય મંત્રી જેની વાત કરે છે એ ‘ગુજરાત મોડેલ’ ખરેખર શું છે, એ સમજવા જેવું છે- ‘ગુજરાત મોડેલ’ને રાષ્ટ્રિય સ્તરે લાગુ પાડવાની વાતો થતી હોય ત્યારે તો ખાસ.

મુખ્ય મંત્રી જેની વાત કરે છે, એ ‘ગુજરાત મોડેલ’નાં કેટલાક મૂળભૂત તત્ત્વો આ પ્રમાણે છેઃ

ઇતિહાસ ભૂંસી નાખવો
અંતિમવાદી સંગઠનો અને વ્યક્તિઓ દ્વારા વપરાતી આ જૂની અને જાણીતી તરકીબ છે. ‘હમ જહાં ખડે હોતે હૈં, લાઇન વહાંસે શુરૂ હોતી હૈ’ - એવા ફિલ્મી સંવાદ પ્રમાણે, આ પદ્ધતિમાં ઇતિહાસની શરૂઆત પોતાનાથી જ થાય છે. ‘બઘું સારું મેં જ કર્યું. હું ન હોત તો તમારું શું થાત?’ એવો ભાવ લોકોના મનમાં પેદા કરવા માટે, પોતાના સમય પહેલાંની બધી સિદ્ધિઓ ગુપચાવી દેવામાં આવે છે. ગુજરાતમાં મુખ્ય મંત્રીએ આ તરકીબ એટલી હદે વાપરી છે કે બીજા પક્ષોનો તો ઠીક, તેમના જ પક્ષ ભાજપના અગાઉના મુખ્ય મંત્રીઓનો ઇતિહાસ પણ ભૂંસી નાખ્યો. ત્યાર પછીનું કામ બહુ સહેલું છેઃ ગુજરાતમાં જે કંઇ સારું થયું, તે બધાનું પોતે ગૌરવ લેવાનું અને એવો ભાસ ઉભો કરવાનો, જાણે એ બધું પોતાના લીધે જ થયું હોય.

એકવીસમી સદીમાં તે ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા ત્યાર પહેલાં ગુજરાતમાં સંખ્યાબંધ ખાનગી અને સરકારી કંપનીઓ સ્થપાઇ ચૂકી હતી. ઔદ્યોગિક રાજ્ય તરીકે ગુજરાતનું નામ નરેન્દ્રભાઇ મોદીના મુખ્ય મંત્રી થતાં પહેલાં દેશભરમાં જાણીતું હતું. ‘ગુજરાતમાં બિઝનેસ ન કરનારા મૂરખ છે’ એ વાતની રતન તાતાને જ નહીં, જે.આર.ડી. તાતાને પણ ખબર હતી. એટલે જ તેમણે એંસીના દાયકામાં ગુજરાતના મીઠાપુરમાં ટાટા કેમિકલ્સની ફેક્ટરી નાખી હતી. નોંધઃ રતન તાતાને એક વાર પશ્ચિમ બંગાળમાં કડવા અનુભવ થયા પછી આ વાત સમજાઇ, જ્યારે જે.આર.ડી.ને એ સીધેસીધી સમજાઇ હતી.

વ્યક્તિ અને રાજ્ય વચ્ચેને એકરૂપ બનાવી દેવાં
મુખ્ય મંત્રી મોદીને ન્યાય ખાતર કહેવું જોઇએ કે ઘણી બધી તરકીબો અપનાવવામાં તે પહેલા નથી. ઇંદિરા ગાંધી તેમનાથી ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં, તેમના સમયને પ્રમાણે આ બઘું કરી ચૂક્યાં છે. વક્રતાપૂર્ણ લાગે છતાં, મુખ્ય મંત્રી પોતે આ બાબતમાં ઇંદિરા ગાંધીને રોલમોડેલ ગણતા હોય તો બિલકુલ નવાઇ ન લાગે.
 ઇંદિરા ગાંધીની એક લાક્ષણિકતા એટલે ‘ઇંદિરા ઇઝ ઇન્ડિયા’. વડાપ્રધાન એ જ દેશ છે. બોલો, હવે કહેવું છે કંઇ?  તમે વડાપ્રધાનની સામે બોલો એટલે દેશદ્રોહી થઇ ગયા. ઇંદિરા ગાંધી તેમના વિરોધીઓને (અમેરિકાની જાસુસી સંસ્થા) સીઆઇએના એજન્ટ ગણાવતા હતા, એ ઘણાને યાદ હશે.

મુખ્ય મંત્રી મોદી આ જ સ્થિતિ ગુજરાતના સ્તરે લઇ આવ્યા. એ તેમના ‘ગુજરાત મોડેલ’નું અભિન્ન અંગ છે. મુખ્ય મંત્રી એટલે ગુજરાત. મુખ્ય મંત્રીની ટીકા એટલે અમુક કરોડ ગુજરાતીઓની ટીકા અને મુખ્ય મંત્રીની જીત એટલે ગુજરાતીઓની જીત. આવું સમીકરણ તે  ઘણી સફળતાથી રૂઢ બનાવી શક્યા છે. પોતાનો વિરોધ કરનારને તે ‘ગુજરાતવિરોધી ટોળકી’ તરીકે ઓળખાવે છે. તેમાં ભૂતકાળમાં ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે લડી ચૂકેલા ગુજરાતીઓનો પણ સમાવેશ થઇ જાય.

વ્યક્તિ અને રાજ્ય વચ્ચેનો ભેદ ભૂંસી નાખવાનું એક સુખ એ છે કે ત્યાર પછી રાજ્યની બધી સિદ્ધિઓ આપોઆપ વ્યક્તિની સિદ્ધિ બની જાય છે. ડો.કુરિયને ત્રિભુવનદાસ પટેલ સાથે જોડાઇને ગુજરાતમાં ‘શ્વેત ક્રાંતિ’ની દિશામાં કદમ ભર્યાં ત્યારે મુખ્ય મંત્રી મોદીનો જન્મ પણ થયો ન હતો. છતાં દિલ્હીમાં ભાષણબાજી કરતી વખતે મુખ્ય મંત્રી ગુજરાતની શ્વેતક્રાંતિનો ઉલ્લેખ એવી રીતે કરે છે, જાણે એ ક્રાંતિ એમણે કરી હોય અથવા એમના કારણે થઇ હોય.

વિકાસને કાયદાના શાસનના વિકલ્પ તરીકે રજૂ કરવો
મુખ્ય મંત્રી મોદી જે ગાલીચો પાથરીને દુનિયાના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં બોલાવે છે  અને જે ગાલીચો સાથે લઇ જઇને તે દિલ્હીમાં લોકોને પ્રભાવિત કરે છે, એ ગાલીચાની અવળી બાજુએ પડેલા લોહીના ડાઘ કાયમી છે. દિલ્હીના કોંગ્રેસયોજિત શીખ હત્યાકાંડની કાળી ચાદર પાથરીને એ ડાઘ સંતાડી શકાય છે, પણ તેને દૂર કરી શકાતા નથી. મુખ્ય મંત્રીનો ખુલ્લા દિલનો પસ્તાવો અને અફસોસ એ ડાઘને ઘણી હદે હળવા કરી શકે છે, પરંતુ એમ કરવા જતાં મુખ્ય મંત્રીને પોતાની કડક પ્રતિભા વચ્ચેથી બેવડ વળી જવાની બીક લાગે છે.

‘સોરી’ કહેવાનો પાઠ તેમને ગાંધીજી કે મુન્નાભાઇ, કોઇ હજુ સુધી શીખવી શક્યું નથી. ઉલટું, એ કાયદાના શાસનની વાત કરનારને પોતાના શાસનમાં ગુજરાતે કરેલા વિકાસની આણ આપે છે. ‘ગુજરાત મોડેલ’ની તેમની એક વ્યાખ્યા છેઃ વિકાસ કંઇ એમ ને એમ થઇ જાય છે? વિકાસ કરવો હોય, તો આવું બઘું નજરઅંદાજ કરતાં, ‘ગઇગુજરી ભૂલીને આગળ વધતાં’ શીખવું પડે. પોતાને અનુકૂળ હોય ત્યાં ગઇગુજરી યાદ કરાવવાની એકેય તક ન ચૂકતા મુખ્ય મંત્રી અઘરા સવાલો આવે ત્યારે આવી અપેક્ષા રાખે છે.કાયદાના શાસન અંગે કે સર્વોચ્ચ અદાલતે અનેક વાર રાજ્ય સરકારને આપેલા ઠપકા અંગે કે રાજ્ય સરકાર દ્વારા બિનકહ્યાગરા-સ્વતંત્ર પોલીસ અધિકારીઓ સાથે થયેલા દુર્વ્યવહાર અંગે કોઇ પણ પૂછે, ત્યારે તેને વિકાસવિરોધી અને ગુજરાતવિરોધી તરીકે ખપાવી દેવામાં આવે છે.

સારઃ ગુજરાતના વિકાસ સિવાય બીજા કોઇ પણ મુદ્દે વાત કરનાર મુખ્ય મંત્રીના મતે ગુજરાતવિરોધી, વિકાસવિરોધી અને કૌંસમાં હિંદુવિરોધી છે.

આક્રમક પ્રચારપ્રસાર
તિકડમબાજી લાગે તો ભલે, અઢળક ખર્ચ થાય તો ભલે, પણ પ્રચારનો એવો વૈવિઘ્યપૂર્ણ, મૌલિક મારો ચલાવવો કે માણસને વિચારવાનો મોકો ન મળે. લાગે કે તેમાં અમિતાભ બચ્ચનની મદદ જોઇએ છે, તો એમને ‘ગુજરાત ટુરિઝમ’ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દેવાના. તેનાથી બે કામ થાયઃ ગુજરાતમાં પર્યટનનાં સ્થળોએ સુવિધાઓ ઉભી કરવાની કડાકૂટ નહીં. બચ્ચનના આવવાથી  સરકારે જોરદાર કામ કર્યું હોય એવું લાગવા માંડે (એક વાર સ્થળની મુલાકાત લીધા પછી ભ્રમ ભાંગી જાય એ જુદી વાત છે.) બીજું, વધારે અગત્યનું કામ એ થાય કે બચ્ચન પ્રચાર ગુજરાતનાં પર્યટન સ્થળોનો કરતા હોય, પણ છાપ એવી ઉભી થાય જાણે એ ગુજરાતના મુખ્ય મંત્રીનું સમર્થન કરી રહ્યા છે.

કાર્યક્ષમતાના નામે આપખુદશાહી ભ્રષ્ટાચારરહિત વહીવટના નામે બધી સત્તાનું સંપૂર્ણપણે કેન્દ્રીકરણ થયેલું  હોય- અને ભ્રષ્ટાચાર તો થતો જ હોય, મંત્રીઓ કહ્યાગરા વિદ્યાર્થીઓની જેમ વર્તતા હોય, રાજકીય હરીફોની કારકિર્દીનો વીંટો વળી જતો હોય  અને આ ‘વન મેન શો’ જ સફળતાનું ખરું રહસ્ય છે, એવો પ્રચાર ચાલતો હોય- એ ‘ગુજરાત મોડેલ’નું હાર્દ છે.

રાજકારણ-જાહેર જીવનમાં ‘ગુજરાત મોડેલ’ એ પણ હતું, જેણે બારડોલીના સત્યાગ્રહે આખા દેશને રાહ ચીંઘ્યો હતો..ગાંધીજીએ તેજસ્વી લોકોથી અસલામતી અનુભવવાને બદલે, તેમને પોતાના હજુરિયા બનાવ્યા વિના, સાથે રાખીને દેશહિતના કામમાં જોતર્યા હતા... ભાગલા વખતના તંગ કોમી માહોલમાં સરદાર પટેલે ‘આઘાત-પ્રત્યાઘાત’નો નિયમ ટાંકવાને બદલે ગૃહ મંત્રી તરીકેની પોતાની ફરજ બજાવી હતી...ભ્રષ્ટાચારવિરોધી નવનિર્માણ આંદોલન દ્વારા જયપ્રકાશ નારાયણને અને દેશને નવી દિશા બતાવી હતી...

ગુજરાતી તરીકે, કયા ‘ગુજરાત મોડેલ’નો મહિમા કરવો,  એ આપણે વિચારવાનું છે.