Wednesday, February 13, 2013
ટિફિનઃ ડબ્બા જો ખુલ ગયા તો...
પુરાણકથાઓમાં તમામ દેવીદેવતાઓને પાસિંગની જરૂર ન પડે એવાં વાહન અને લાયસન્સ વગરનાં અસ્ત્ર-શસ્ત્ર ફાળવવામાં આવ્યાં છે. તેમાં દેવી અન્નપૂર્ણાનું વાહન કયું છે એનો ખ્યાલ નથી, પણ તેમનું અસ્ત્ર કયું હોવું જોઇએ, એ ધારી શકાય. ભોજનનાં દેવી અન્નપૂર્ણાના અસ્ત્ર ટિફિન(બોક્સ) સિવાય બીજું શું હોઇ શકે? જૂના વખતમાં આવતું હતું - અને સમુહભોજનમાં ગેરહાજર કુટુંબીજનો માટે ભરીને લઇ જવાતું હતું એવું ચાર ડબ્બાનું પિત્તળનું વજનદાર ટિફિન તો અસ્ત્ર-કમ-શસ્ત્ર તરીકે પણ ચાલી જાય.
જમવાનું સૌને જોઇએ છે, ચાહે તે મોટો અફસર કે વડો પ્રધાન કેમ ન હોય? પણ પોતે પોતાનું જમવાનું સાથે લઇને ફરે છે, એવું દેખાડવામાં લોકોને સંકોચ થાય છે. ‘છાશ લેવા જવું ને દોણી સંતાડવી’ની જેમ, ‘ઘરનું જમવું ને ટિફિન સંતાડવું’ એવો શબ્દપ્રયોગ કેમ પ્રચલિત બન્યો નહીં, એ નવાઇની વાત છે. ટિફિન અંગે લોકોમાં જોવા મળતી શરમને સમાજના વર્ગભેદ સાથે સીધો સંબંધ છે. પોતાની જાતને ‘અફસર’ના દરજ્જામાં મુકતા ઘણા લોકો માને છે કે ટિફિનનાં ડબલાં લઇને ફરવું ને બપોરે પડ્યે ડબલાં ખોલીને ખાવું એ કારીગરવર્ગનું કામ. સાહેબલોકને તે ન શોભે.
તો સાહેબલોક શું ભૂખ્યા રહે? ના. વાંધો જમવા સામે નહીં, ટિફિન સામે છે. સાહેબો જમવા બેસે ત્યારે ટિફિન ન ખોલે. એમના માટે બઘું થાળી-વાટકીમાં પીરસાઇને આવે. સૌ જોઇ શકે એ રીતે ટિફિન લટકાવીને ફરવાથી સાહેબગીરીમાં પંક્ચર પડે, એવું ઘણા માને છે. પૌરાણિક કથાઓમાં મહાત્માઓ આઘ્યાત્મિક ઉન્નતિ માટે અન્નજળનો ત્યાગ કરતા હતા. કળિયુગમાં વર્ગભેદની સીડી ચડીને ભૌતિક ઉન્નતિ સિદ્ધ કરવા માગતા કેટલાક મુમુક્ષુઓ અન્નજળને બદલે તેના ‘સાધન’ એવા ટિફીનના ત્યાગથી શરૂઆત કરે છે.
ઇશ્વરની જેમ ટિફિનનાં અનેક રૂપ છે. ભક્તની જરૂરિયાત પ્રમાણે તેનું સ્વરૂપ બદલાય છે. ટિફિનને ફક્ત અઘ્યાત્મના નહીં, ઉત્ક્રાંતિના નિયમ પણ લાગુ પડે છે. પંગતભોજનના જમાનામાં ટિફીન કુટુંબીજનોને ભાતું ભરી આપવા માટે નહીં, પણ જમણવારમાંથી જુદી જુદી વાનગીઓ પૂરતા જથ્થામાં ભરી લાવવા માટે વપરાતાં હતાં. દેખીતું છે કે એવાં ટિફિનનું કદ જૂના વખતના યજમાનોના હૃદયની જેમ મોટું હોય. ઉત્ક્રાંતિના ક્રમમાં એવાં ટિફીનને કદની દૃષ્ટિએ ડાયનોસોર સાથે સરખાવી શકાય. એક ટિફીનમાંથી નાનું નહીં, છતાં સુખી એવું આખું કુટુંબ જમી લે- અને ભલું હોય તો પાડોશમાં ઢાંકો પણ કરી શકે. તેના ડબ્બાને અલગથી તપેલીની અવેજીમાં વાપરી શકાય. એ વખતે ‘૫૦ આઇટેમ-૭૦૦ રૂ.ની ડિશ’વાળા દેખાડાગ્રસ્ત જમણવારો થતા ન હતા. એટલે વાનગીઓ સ્વાદિષ્ટ પણ સંખ્યામાં ઓછી હોય અને ટિફિનમાં સમાઇ રહે.
ડાયનોસોર-કદનું ટિફિન ખૂણામાં પડ્યું હોય તો ઘરમાં વસ્તી લાગે એવાં તેનાં કદકાઠી ને મોભો. એવું ભરેલું ટિફિન ઉંચકીને વાડીથી ઘર વચ્ચે બે આંટા મારનાર અલગથી કસરત ન કરે તો ચાલે. પણ એ ટિફિન અત્યારે બહાર લઇ જવું હોય તો રિક્ષા કરવી પડે ને ટ્રેનમાં કદાચ ‘લગેજ’ની અલગ ટિકિટ થાય. એટલે ‘નેચરલ સીલેક્શન’ના નિયમ પ્રમાણે, ડાયનોસોર-ટિફિન લુપ્ત થયાં ને તેમનાં બીજાં નાનાં સ્વરૂપ અસ્તિત્ત્વમાં આવ્યાં.
ટિફિનનો બીજો પ્રકાર ‘લંચબોક્સ’ કે ‘ડબ્બો’ કહેવાતો હતો. પ્લાસ્ટિકના કે ધાતુના ભારતની સાઇઝના લંબચોરસમાં જોડે બાંગ્લાદેશ જેવડો એક પેટા-ડબ્બો હોય. તેમાં શાક કે છુંદો રહે અને બહાર રોટલી-ભાખરી. એવું ટિફિન જમવાનું નોકરી કરવા જેવું અકારું લાગે ને જમી લીધા પછી, પેટમાં ભોજન પડવાને કારણે નહીં પણ એક કામ પૂરું થયાના અહેસાસથી ‘હાશ’ અનુભવાય.
વર્ગભેદની દૃષ્ટિએ ‘લંચબોક્સ’નો ફાયદો એ હતો કે તે નાનું હોવાથી સહેલાઇથી બેગમાં સમાઇ જતું હતું. બહાર કોઇને ગંધ સુદ્ધાં ન આવે કે ભાઇ બેગમાં ડબ્બો લઇને ફરે છે- અને કદાચ તેમના પેટા-ડબ્બામાંથી નીતરેલું તેલ બેગની અન્ય સામગ્રીને ખરડી ચૂક્યું છે. તેમ છતાં, સમાજશાસ્ત્રીય શૈલીમાં કહીએ તો, એ ટિફિન (લંચબોક્સ) ભારતની કૃષિપ્રધાનથી ઉદ્યોગપ્રધાન બનવા તરફની ગતિનું પ્રતીક હતું. એવી જ રીતે, ‘લંચબોક્સ’ કરતાં ઘણા મોટા અને અને જૂના ટિફિન કરતાં ઘણા નાના બે-ત્રણ-ચાર ડબ્બાના ટિફિનને ભારતના વધી રહેલા મઘ્યમ વર્ગ સાથે સાંકળી શકાય.
એક જ સ્કીમમાં ઉપર-નીચેના માળે રહેતા એક જ પરિવારનાં સભ્યોની જેમ, આ ટિફિનમાં ત્રણ-ચાર ડબ્બા અને વધારામાં પ્લાસ્ટિકની એક ડબ્બી એકબીજા ઉપર ગોઠવાઇ જાય છે. તેમની ફરતેનું ડબ્બાસ્વરૂપ આવરણ ગરમ વસ્તુઓને ગરમ રાખે કે ન રાખે, પણ અંદરની વસ્તુઓને બહાર ઢળવા દેતું નથી. એ તેનો સૌથી મોટો ગુણ છે. તેના પ્રતાપે જૂના વખતમાં કળિયુગના- અને લંચબોક્સના- કારણે દેશમાં વહેતી તેલની નદીઓ બંધ થઇ. બાકી, પહેલાં તો સરેરાશ લંચબોક્સ કે થર્મલ આવરણ વગરનાં, ખુલ્લાં ટિફિન દેવદાસછાપ પ્રેમીના હૃદયની જેમ કાયમ દ્રવતાં જ હોય. એવું ટિફિન લઇને કોઇ પ્રવેશે એટલે સૌ પોતપોતાનાં કપડાં ને ચીજવસ્તુઓ ‘કહીં દાગ ન લગ જાયે’ એ બીકે સંકોરવા માંડે. ટિફિનમાંથી વહેતા તેલને જમીનમાં ઉતારવામાં આવ્યું હોત તો ભારતમાં ક્રુડ ઓઇલના થાય કે ન થાય, ખાદ્યતેલના કૂવા જરૂર થયા હોત.
ઊભાં ટિફિનમાં પણ બે ડબ્બાથી પાંચ ડબ્બા સુધીની રેન્જ આવે છે. ચાર ડબ્બા અને તેની ઉપર મુગટ શી શોભતી પ્લાસ્ટિકની પાતળી ડબ્બીનો આખો વસ્તાર પ્લાસ્ટિકના ઊબા નળાકાર બોક્સમાં સરકી જાય ત્યારે કોઇ અવકાશયાત્રી સ્પેસસૂટમાં સરકતો હોય એવું લાગે. સાડા ચાર ડબ્બાનું આખું ટિફિન દેખાવમાં ટિફિન કરતાં ટાવર જેવું વધારે લાગે છે, પરંતુ જમતી વખતે, ટ્રોયના ઘોડામાંથી નીકળતા સૈનિકોની માફક, એક પછી એક ડબ્બામાંથી વાનગીઓ નીકળવા લાગે ત્યારે જમવાનું શરૂ કરતાં પહેલાં જ કોઠે ટાઢક થવા માંડે છે.
નવા જમાનામાં ટિફિન સાથે સંકળાયેલા વર્ગભેદને પારખીને ત્રણ-ચાર ડબ્બાનાં આડાં લંચબોક્સ મળતાં થયાં છે. તેમાં ડબ્બા એકબીજા પર ઉભ્ભા નહીં, પણ સમાંતરે આડા ગોઠવાય છે. એવું ટિફિન સહેલાઇથી બેગમાં સમાઇ જાય છે. એટલે મજકૂર શખસ સાથે ટિફિન લઇને ફરે છે એ જોનારને માલુમ પડતું નથી. કેટલાક લોકોને આ ચેષ્ટામાં જોકે એવી શહેરી સંવેદનહીન નિષ્ઠુરતાનાં દર્શન થાય છે, જેની અંતિમ અભિવ્યક્તિ પોતાનાં માતાપિતા ગામઠી હોવા બદલ શરમ અનુભવવાની હોઇ શકે છે. ‘ખાવું ખાવું ને શરમ કેવી?’ અથવા ‘પ્યાર કિયા તો ડરના ક્યા?’ પ્રકારનો મિજાજ ધરાવનારાને ટિફિન સંતાડવાનું ગમતું નથી. ‘આજે ટિફિન બદલ શરમ અનુભવતો માણસ કાલે પોતાનાં મા-બાપ માટે કે પરમ દિવસે પોતાની માતૃભાષા માટે શરમ અનુભવીને, તેને સંતાડતો ફરશે’ એવી દલીલ પણ ટિફિનપ્રેમીઓ કરે છે.
ત્રાસવાદના સુવર્ણયુગમાં ત્રાસવાદીઓ ટિફિનમાં બોમ્બ મુકીને ધડાકા કરે છે, પણ કેટલાંક ટિફિન જમ્યા પછી લાગે છે કે તેમાં બોમ્બ મુકવાની જરૂર હોતી નથી. તેમાં મુકાયેલું ભોજન ખવડાવી દેવાથી ધારી ધાક જમાવી શકાઇ હોત.
Labels:
food,
society- trends/સમાજ-પ્રવાહો
Subscribe to:
Post Comments (Atom)
Good one... though I must confess to an aversion of carrying the lunchbox myself. Have never done it in my adult life at least.
ReplyDeleteNicely written piece, Urvish. Made me think of "dabbawalahas" of Bombay. I hope the changing attitudes towards tiffins don't put their amazingly organized business at risk!
ReplyDeleteSP
Nice. Excellent. On topic like tiffin, very interesting article
ReplyDelete