Thursday, February 06, 2020

તટસ્થ હોવું એટલે? તમે કેવા તટસ્થ છો?

તટસ્થ શબ્દનો શાબ્દિક અર્થ છેઃ તટ પર રહેનારએટલે કે પ્રવાહની સાથે અથવા સામે તરનાર નહીં, પણ પ્રવાહથી દૂર રહેનાર.

તેનો વ્યાવહારિક અને પ્રચલિત અર્થ એવો હતો કે કોઈ પણ બાબત નક્કી કરતી વખતે, એક યા બીજા પક્ષ તરફ ઢળવાને બદલે, ફક્ત હકીકતોના આધારે, સ્વતંત્ર બુદ્ધિથી નિર્ણય કરનાર.

આ વ્યાખ્યા સ્પષ્ટ હોવા છતાં, તેના પાયામાં ગુંચવાડાની એક જગ્યા છેઃ તેમાં એક યા બીજા પક્ષ તરફ ઢળવાનું નથી. પણ ક્યારે?  

યાદ રાખવા જેવો જવાબ છેઃ હકીકતોની ચકાસણી કરતી વખતે.

નોટબંધી જાહેર થાય કે સીએએ આવે ત્યારે વિગતો જાણ્યા વિના તત્કાળ ટીકા કે પ્રશંસા ન કરી શકાય. માહિતી મેળવવી પડે. હકીકતો તપાસવી પડે. તેનો તોલ કરવો પડે. એ તટસ્થતાનો તકાદો છે. એમ ન કરે તે તટસ્થતા ચૂક્યા ગણાય.

પણ આવી રીતે વિગતો જાણ્યા પછી અને તોલ કર્યા પછી, ટીકા કરવા જેવી લાગે અને ટીકા કરવામાં આવે, ત્યારે સામેની છાવણી જરૂર કહેશે, તમે તટસ્થ નથી.

તો તટસ્થ ની એક વ્યાખ્યા છેઃ અમારા જેવા અભિપ્રાયવાળા.

તટસ્થતા એટલે પાંચ ગ્રામ ટીકા, પાંચ ગ્રામ પ્રશંસા?
તમે તેમના પ્રચારમાં સૂર પુરાવતા નથી, તો તમે તટસ્થ નથીભલે ને તમે જાણેલી સાચી હોય, ભલે ને તમે બંને પક્ષો તપાસ્યા પછી નિર્ણય પર આવ્યા હો.

પણ તમે તેમના અભિપ્રાયથી જુદો, કદાચ સામા છેડાનો અભિપ્રાય ધરાવો છો, એટલે તમને તટસ્થતાએ ને તટસ્થતાએ ઝૂડવામાં આવશે. જોયા મોટા...તટસ્થતાની વાતો કરે છે...અને સંસદમાં પસાર થયેલા કાયદાનો તો વિરોધ કરે છે...આને તે કંઈ તટસ્થતા કહેવાય?’

તો, તમારી પાસેથી એવી તટસ્થતા અપેક્ષિત છે કે તમે અમારા પ્રચારમાં સામેલ થઈ જાવપ્રચાર ગમે તે હોય.
એ શક્ય ન હોય તો ચૂપ રહો. તો પણ અમે તમને તટસ્થ ગણીશું
પણ તમારી પાસેથી એવી તટસ્થતા અપેક્ષિત નથી કે તમે બંને પક્ષોની હકીકતો જાણીને-સમજીને, સાચ-જૂઠ, પ્રચાર-કુપ્રચાર વચ્ચેનો ફરક કરીને, તમારા નિર્ણય પર આવો.

તટસ્થતાનું સૌથી સૌથી અન્યાયી-સૌથી વિરોધાભાસી સરલીકરણ એવું કરવામાં આવ્યું કે તમે પાંચ ગ્રામ મોદીની ટીકા કરો, તો પાંચ ગ્રામ મોદીવિરોધીઓની ટીકા કરવાની. તો જ તમે તટસ્થ.

આવી પોલિટિકલી કરેક્ટ, તકલાદી તટસ્થતાના આશકો તટસ્થતાનાખરું જોતા, ન્યાયીપણાનાપાયામાં રહેલો ખ્યાલ જ ચૂકી જાય છે કે તટસ્થતા વિગતોની જાણકારી મેળવતી વખતે અને તેમનું વિશ્લેષણ કરતી વખતે રાખવાની હોય. પણ બરાબર જાણ્યા અને તોલ કર્યા પછી, જે લાગે એ તો કહેવાનું જ હોય. તેમાં તોલી તોલીને પાંચ ગ્રામ ટીકા ને પાંચ ગ્રામ વખાણ કરવાનાં ન હોય. એવું કરવાને તટસ્થતા ન કહેવાય..

તટસ્થતા સુધી પહોચવાની પ્રક્રિયા
હવે સવાલ આવે વિગતોની તપાસ વખતે તટસ્થતા રાખવાનો.
તેમાં સીએએના વર્તમાન દાખલાથી વાત કરીએ. સીએએનો મૂળ ખ્યાલ આ પ્રમાણે છેઃ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ પહેલાં પાકિસ્તાન-બાંગલાદેશ-અફઘાનિસ્તાનમાં આવેલા અને ભારતમાં ગેરકાયદે રહેતા હિંદુ-ખ્રિસ્તી-શીખ-જૈન-બૌદ્ધ-પારસીઓને કાયદેસરની નાગરિકતા મળી જાય.
આવું કાયદો કહે છે. તેમાં કશો મતભેદ નથી.

તે વિશે સીએેએના ટીકાકારોનું અર્થઘટન છેઃ પાડોશી દેશોમાંથી આવેલા પીડિતોની વ્યાખ્યામાં શ્રીલંકાના પીડિત તમિલ હિંદુ-ખ્રિસ્તીઓને, બર્માના પીડિત મુસ્લિમોને, પાકિસ્તાનના પીડિત અહમદીયા મુસ્લિમોને નાગરિકતામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

સચ્ચાઈ સમજતો કોઈ પણ માણસ આ અર્થઘટનને ખોટું નહીં ઠરાવી શકે. તે એવું કહી શકે કે આવું કરવાની શી જરૂર છે? પણ તે એવું નહીં કહી શકે કે આ વાત ખોટી છે.

હવે આવું કરવાની શી જરૂર છે? ત્યાં તટસ્થતાનો નહીં, દૃષ્ટિબિંદુનો, વિચારનો, સમજનો, થોડો મોટો શબ્દ વાપરીને કહું તો વર્લ્ડ વ્યુનો ફરક આવે છે.

સમર્થકો કહે છે કે મુસલમાનોને બાકાત રાખ્યા તેમાં ખોટું શું છે? આ હિંદુઓનો દેશ છે.
અને ટીકાકારો કહે છે કે ગેરકાયદે રહેતા લોકોની નાગરિકતા નક્કી કરતી વખતે ધર્મને માપદંડ તરીકે ન રખાય અને તેને કાયદાનું સ્વરૂપ ન અપાય. તે સંકુચિતતા, છીછરાપણું અને ધર્મદ્વેષને કાયદેસર માન્યતા આપવા બરાબર થાય.

સમર્થકોને લાગે છે કે મુસલમાનોને બાકાત રાખ્યા તેમાં આટલો હોબાળો શાનો? એ તો એ જ દાવના છે. અને બાકીના દેશોને બાકાત રાખ્યા એમાં તમારું શું જાય છે? એમને ઠીક લાગે તે કરે.
ટીકાકારોને લાગે છે કે આ કાયદો ભારતને સંકુચિત, ધર્મના આધારે વિભાજન કરનાર અને એવો કાયદો કરવામાં ગૌરવ અનુભવનાર દેશ બનાવે છે. અમારો દેશ આવો સંકુચિત ન હોય. તેમાં દેશની મૂળભૂત સર્વસમાવેશકતાના પાયામાં કાયદેસર રીતે ઘા વાગે છે. (કાયદેસર રીતે-એ શબ્દ ખાસ નોંધવો) અને શાસકો તેમને ઠીક લાગે તે કરે એ તો તેમણે કરી જ દીધું છે. પણ ત્યાર પછી નાગરિકો તેનો જોરદાર વિરોધ પણ કરે. જેટલો શાસકોને, તેટલો જ નાગરિકોને અધિકાર છે.

સીએએ-તરફીઓ કહે છે કે સીએએ-વિરોધીઓ ગેરકાયદે મુસલમાનોની તરફેણ કરે છે. તેમને નાગરિકતા અપાવવાની વાત કરે છે. એટલે કે વિરોધીઓ તટસ્થ નથી. મુસ્લિમતરફી છે. વડાપ્રધાનથી માંડીને સીએએ-તરફીઓ એમ પણ કહે છે કે વિરોધીઓ પાકિસ્તાનના પીડિત હિંદુઓને નાગરિકતા આપવાનો વિરોધ કરે છે. હિંદુ-શીખોને નાગરિકતા આપવાનું તો ગાંધીજીએ પણ કહ્યું હતું
સીએએના વિરોધીઓ કહે છે કે અમે કોઈની તરફેણ, કોઈનો વિરોધ કરતા નથી. અમારી વાત એટલી છે કે નાગરિકતા આપતી વખતે ધર્મના આધારે ભેદભાવ પાડીને, અમુકને આપો ને અમુકને ન આપો, એવું ન ચાલે. એટલે ટીકાકારો પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા આપવાનો વિરોધ કરે છે, એ વડાપ્રધાનનું જૂઠાણું છે. વાતને બીજા પાટે લઈ જવાની તરકીબ છે. (તે વારે ઘડીએ પાકિસ્તાનનું રટણ કેમ કરે છે અને બાંગલાદેશ-અફઘાનિસ્તાનનો ઉલ્લેખ જ કેમ નથી કરતા, એ વળી જુદો સવાલ છે.) એવી જ રીતે, ગાંધીજીનું વડાપ્રધાને-ભાજપે ટાંકેલું અવતરણ પણ જૂઠાણું હતુ. આ અભિપ્રાય નથી. અધિકૃત ગાંધીસાહિત્યના આધારે પુરવાર થયેલી હકીકત છે.

સીએએ-તરફીઓ અને તરફીઓના નેતાઓ કહે છે કે આ કાયદાથી કોઈ ભારતીયની નાગરિકતા છીનવાતી નથી. વિરોધીઓ ખોટો પ્રચાર કરે છે.
સીએએ-વિરોધીઓ કહે છે કે ૧) આ કાયદો ભારતીય નાગરિકો માટે હતો જ નહીં. એટલે તેમાં ખોટેખોટો ખુલાસો આપીને ધ્યાન બીજે ખેંચવાની જરૂર નથી. જે લોકો ગેરકાયદે રહે છે તેમને નાગરિકતા આપવા માટે તે હતો અને તેમાં તમે ધર્મના આધારે ભેદભાવ પાડ્યા કે નહીં? મૂળ મુદ્દો એ છે. તેને ગુપચાવો નહીં. ૨) સીએએને એનઆરસી સાથે જોડવામાં આવે ત્યારે તેની દેશવ્યાપી ભેદભાવકારી અસરોની સંભાવના રહે છે. (સંભાવના એટલા માટે અને ખાતરી એટલા માટે નહીં, કારણ કે એક તો સરકાર ફોડ પાડતી નથી અને ફોડ પાડ્યા પછી ગૃહપ્રધાન-વડાપ્રધાન કક્ષાના લોકો ફરી જાય છે.) સરકાર કહે છે કે સીએએ-એનઆરસી વચ્ચે સંબંધ નથી, પણ સંસદની ચર્ચામાં બંને વચ્ચેનો સંબંધ સ્પષ્ટ રીતે સ્થાપિત થયેલો છે. આમ સરકાર આ બાબતે પણ જૂઠું બોલે છે.
આ અભિપ્રાય નથી, ઉપલબ્ધ હકીકતોની તટસ્થ તપાસનું તારણ છે, જે કોઈ પણ વ્યક્તિ ચકાસી શકે છે.

વર્લ્ડ વ્યૂની ઓવરહેડ ટાંકી, તટસ્થતાની ચકલી 
તમે જોશો કે ઉપર મુકેલી તરફીઓ અને વિરોધઓની સામસામી દલીલો સાવ જુદા પ્રકારની છે. તેમની વચ્ચે કશી સામાન્ય ભૂમિકા નથી. તેના મૂળમાં તટસ્થતાનો મુદ્દો આવતો જ નથી. તટસ્થતા એ રસોડામાં મૂકેલી પાણીની ચકલી છે. તેમાં પાણી તો ઓવરહેડ ટાંકીમાંથી આવે છે ને એ ટાંકી એટલે વ્યક્તિનો વર્લ્ડ વ્યૂ, વિચારવલણો, સમજ, સંવેદનશીલતા, ગમા-અણગમા... ઓવરહેડ ટાંકીમાં પાણી બદલાશે એટલે ચકલીમાં આવતું પાણી આપોઆપ બદલાશે. વિચારવલણો બદલાશે એટલે તટસ્થતાની સમજ પણ બદલાશે. (હા, ટીકા કે પ્રશંસા કરનારા બધા વર્લ્ડ વ્યૂની સ્પષ્ટતા ધરાવે છે, એવું કહેવાનો કોઈ આશય નથી. પરંતુ સારા લખનારાનું કામ લોકોનાં વિચારવલણો-વર્લ્ડ વ્યૂ માનવતા-સામાજિક ન્યાય-સંવેદનશીલતાની દિશામાં ઢળતાં હોય તે માટે પ્રયાસ કરવાનું હોવું ઘટે. અગાઉની પોસ્ટમાં પિઝાના ઢળતા મિનારાની વાત કરી હતી તે.)

તો મામલો છે બે (કે વધુ) વર્લ્ડ વ્યૂના ટકરાવનો. તેના ગુણદોષ નક્કી કરવા માટે તટસ્થતાનું ત્રાજવું નહીં ચાલે. એ તો ફૂટપટ્ટીથી દૂધ માપવા જેવું થશે. તેના માટે દેશભક્તિ, રાષ્ટ્રવાદ, ન્યાયીપણું, માનવતા, ધર્મદ્વેષ, જાતિદ્વેષ, વ્યક્તિપૂજા જેવા ઘણા ખ્યાલ તપાસવાના થશે. સીએએ વિશે જુદા અભિપ્રાય ધરાવનારા લોકો પોતે આ બધી બાબતોમાં ક્યાં ઊભા છે, તેના આધારે તે વિગતોનો તોલ કરશે (અથવા નહીં કરે) અને પોતાના તટસ્થ અભિપ્રાય બાંધશે.

એકથી વધુ વાર સીએએના મુદ્દે સરકાર જૂઠું બોલતાં પકડાશે, ત્યારે પણ મોટા ભાગના સરકારતરફીઓ કે સરકારના ટીકાકારોના ટીકાકારો તે સ્વીકારશે નહીં કે સરકાર આ મુદ્દે જૂઠી છે.
એ લોકો આ મુદ્દો ગુપચાવીને બીજો મુદ્દો લઈ આવશે. કારણ કે તેમની ઓવરહેડ ટેન્કમાં કંઈક જુદું ભરેલું છે. તેનાથી દોરવાઈને એ લોકો આક્રમક બનશે. જૂઠા સાબીત થઈ ચૂકેલા વડાપ્રધાન-ગૃહપ્રધાનને જે જૂઠા કહેશે, તેમને તરફીઓ કહેશે,તમે તો પૂર્વગ્રહયુક્ત છો. તટસ્થ નથી..

એવા તટસ્થ નથી થાવું, ઠાકોરજી...

તરફીઓ-વિરોધીઓ વચ્ચેનો તફાવત
નરેન્દ્ર મોદીના પ્રેમીઓ કે ડાબેરીઓના-કોંગ્રેસીઓના વિરોધીઓ સરવાળે એક જ ખાનામાં ગોઠવાઈ જાય ને એવી રાજકીય ધ્રુવીકરણની રચના છે. સામે પક્ષે નરેન્દ્ર મોદીના ટીકાકારો કોઈ એક ખાનામાં ગોઠવાતા નથી. તેમનામાં અનેક પેટાપ્રકાર હોય છે અને રહે છે. તેમને સગવડ પ્રમાણે અને શબ્દોના અર્થ સમજવાની પળોજણમાં પડ્યા વિના કોંગ્રેસી, આપવાળા, ડાબેરી, લેફ્ટ લિબરલ, અર્બન નક્સલ, દેશદ્રોહીઓના સાથી—જેવાં લેબલ આપી દીધાં, એટલે પત્યું. પછી તેમણે જે મુદ્દે ટીકા કરી, તેની ખરાઈમાં કે ગંભીરતામાં ઉતરવાની જરૂર પડતી નથી.

તેના કારણે કેવો ફરક પડે છે, તે સમજુ, સ્વસ્થ (કે એવા રહેવા ઇચ્છતા) લોકોએ સમજવા જેવું છેઃ ઉત્સાહથી કે જાણેઅજાણે મોદીછાવણીમાં પહોંચી ગયેલા લોકો છેવટે યોગી આદિત્યનાથ જેવાની સંકીર્ણ અને લગભગ ગુનાઇત માનસિકતાનો બચાવ કરતા નજરે પડે છે. ફક્ત ડાબેરી કે કોંગ્રેસી જેવા વિરોધી રાજકીય મતની ટીકાથી મોટા ભાગના લોકો અટકી શકતા નથી. તે ધીમે ધીમે કરતાં આટલા તળીયે પહોંચી જાય છે. તેમના પ્રિય નેતાઓનું જૂઠાણું ગમે તેટલું પકડાઈ જાય, તો ચૂપ રહેવા જેટલી સામાન્ય સમજ પણ તેમનામાં બચતી નથી. શરમના માર્યા બચાવ કે વળતો પ્રહાર ન કરે ત્યાં સુધી તેમને ચેન પડતું નથી. તેમને પોતાની છાવણી દ્વારા આચરાયેલાં મસમોટાં અનિષ્ટોથી તકલીફ નથી પડતી કે અકળામણ નથી થતી, પણ ટીકાકારોની છાવણીમાંથી પ્રહાર કરવા માટે કંઈક મળે, ત્યારે સારું લાગે છે. ટીકાકારો કેવા અ-તટસ્થ છે, એમ કહેવાથી તેમને પોતે તટસ્થ હોવાની કીક આવે છે. જમણેરી છાવણીમાં રહેલા મોટા ભાગના લોકો આ સ્થાનેથી શરૂઆત કરે છે અથવા થોડા વખતમાં ત્યાં પહોંચે છે.

બીજી તરફ, પ્રમાણભાન ભૂલેલા જમણેરી-વિરોધીઓ (તથાકથિત લેફ્ટ લિબરલો)માથી કોંગ્રેસ-આપ-ડાબેરીઓ કે મમતાની ભૂલોનો બચાવ કરનારાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. એ સાવ શૂન્ય હોવું જોઈએ અને જેટલું છે તેની ટીકા થવી જોઈએ. પણ તેને બદલે એવા થોડા હોય તેમને આખા સમુહના પ્રતિનિધિ ગણાવીને, બધા કથિત લેફ્ટ લિબરલોને શાબ્દિક ધોકા મારવાની જમણેરી જૂથોને મઝા પડી જાય છે.

તે એ નથી સમજી શકતાં કે મોદી-શાહ-આદિત્યનાથ એન્ડ કંપનીની કડક ટીકા કરનારામાંથી મોટા ભાગના લોકો રાહુલ ગાંધી-સોનિયા ગાંધીનો કે મમતાનો કે કેજરીવાલનો બચાવ કરવા દોડી જતાં નથી. જમણેરી વિચારધારાના ટીકાકારોમાંથી મોટા ભાગના મોદી-શાહની સાયબરગેંગની જેમ, એક જૂથ તરીકે વર્તતા નથી-વર્તી શકતા નથી. તેનો સૌથી મોટો ફાયદો ભાજપને થાય છે. છતાં (કે એટલે જ) તે આ વાતને જાહેરમાં પ્રસરવા દેતા નથી અને બધા વિરોધીઓને એક રંગમાં રંગવાનું ચાલુ રાખે છે.  

જમણેરી જૂથો ટીકાકારોને શરમમાં નાખવા માટે તટસ્થતાના નામે વિવિધ જૂની અને જાણીતી તરકીબો અપનાવે છે. તે પણ સમજી લેવા જેવી છે.
૧) તમે કાયમ મોદીની ટીકા જ કર્યા કરો છો. એટલે તમે તો પૂર્વગ્રહપ્રેરિત છો.
આવી દલીલ બે પ્રકારનાં જૂથો દ્વારા થાય છેઃ સર્ટિફાઇડ મોદીપ્રેમીઓ કે જમણેરીઓ અને પોતાની તટસ્થતાના પ્રેમમાં પડેલા લોકો.
આવી દલીલનો સાદો જવાબ એટલો જ છેઃ મારી વાત તથ્યાત્મક રીતે ખોટી છે કે સાચી? ખોટી હોય તો કહો. પાછી ખેંચી લઈશ. અને સાચી હોય તો તમે સ્વીકારશો?

૨) તમને કોંગ્રેસનું ખરાબ તો દેખાતું જ નથી.
ચોક્કસ ઉદાહરણથી વાત કરું. મારા કિસ્સામાં આવું કહેનારાં લોકો પહેલેથી નક્કી કરીને બેઠેલા છે કે હું કોંગ્રેસ પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવું છું.
આવું તેમણે શા પરથી નક્કી કર્યું હશે? સિમ્પલઃ હું મોદીની આપખુદશાહી, ઉદ્ધતાઈ, ભપકાબાજી અને કોમવાદી નીતિઓની સતત ટીકા કરતો હોઉં, એટલે હું તો કોંગ્રેસી જ હોઉં ને?
આવું કહેનારા લોકો કેન્દ્રમાં યુપીએની સરકાર વખતે થયેલાં કૌભાંડો વિશેનાં મારાં લખાણ કે એ સિવાય રાહુલ ગાંધીની અનિર્ણાયકતા સહિતનાં બીજાં ટીકાત્મક લખાણ વાંચવા માગતા નથી ને વાંચે તો એ યાદ રાખવા માગતાં નથી. કેમ કે, (અત્યારે, શરૂઆત તરીકે) તેમની અપેક્ષા એવી છે કે હું મોદીની કરું એટલી જ ટીકા બીજા પક્ષોની કરું.
હું એવું નથી કરતો એટલે હું તટસ્થ નથી. પણ આવા લોકોની તટસ્થતાનાં પ્રમાણપત્રો મેળવવાના રવાડે ચડ્યા તો ખોવાઈ ગયા સમજવું. કેમ કે તેમને રીઝવવાના મિથ્યા પ્રયાસમાં ૯૦ વાર મોદીનાં વખાણ કર્યા પછી ૧૦ વાર ટીકા કરશો તો પણ તમને તટસ્થતાનું પ્રમાણપત્ર નહીં જ મળે. ત્યારે તમારી ટીકાના સંદર્ભે તે તમને રાષ્ટ્રહિત ને કોણ જાણે શું નું શું સમજાવશે.ગુલાબી હાથી કરડ્યો હોય તે જ આવાં પ્રમાણપત્રોની ચિંતા કરે ને તે મેળવવાની કોશિશ કરે.  

૩) તમે મોદીસાહેબની સરખામણીમાં બીજાની ટીકા સાવ થોડી કરો છો. એ દર્શાવે છે કે તમે તટસ્થ નથી.
કેટલાક વળી એવું સ્વીકારનારા નીકળે છે કે તમે ટીકા તો બંનેની કરો છો, પણ ભાજપની બહુ ટીકા કરો છો.
આ વાત સાચી છે. કારણ કે, મારે રાજકીય લખાણો લખવાનું નરેન્દ્ર મોદીના સમયગાળામાં થયું. તેમાં એ સૌથી મોટા વિભાજક બનીને ઉભર્યા. એટલે તેમની વિભાજક નીતિઓ વિશે સૌથી વધારે લખવાનું થાય. નરેન્દ્ર મોદી કદાચ બિહાર કે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી હોત તો તેમના વિશે એટલું લખવાનું ન થાત. પણ એ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ને હું ગુજરાતનો નાગરિક. એમાં એ શું કરે ને હું પણ શું કરું? એ તમામ સમયગાળામાં કદી કોંગ્રેસનાં વખાણ કરવાનું થયું નથી. કેન્દ્ર વિશે લખવાનું થાય ત્યારે યુપીએ સરકારની નીતિઓની ટીકા કરવાની થતી જ રહી છે.  
સાથોસાથ, આવું કહેનારાએ એ યાદ રાખવું જોઈએ કે નજીકના ભૂતકાળ વિશે લખવાનું થયું, ત્યારે વિશ્લેષણના આધારે ઇંદિરા ગાંધી કે રાજીવ ગાંધીની કડક ટીકા કરતાં કદી ખચકાટ થયો નથી. (મઝાની વાત એ છે કે નરેન્દ્ર મોદી ઇંદિરા ગાંધીના મોડેલ પ્રમાણે ચાલે છે અને કેટલા બધા કોંગ્રેસીઓને તેમણે ભાજપમાં લઈ લીધા છે. તે તટસ્થતાના પ્રેમીઓના મનમાં ભાગ્યે જ વસે છે.)

૪) તમને તો આ સરકારનું કશું સારું દેખાતુ્ં જ નથી. તમે બહુ નેગેટીવ છો.
તેમને એ વાંધો નથી કે આ સરકારના હાથી જેવડા દુર્ગુણ તેમને દેખાતા નથી. તેમની તટસ્થતાને એવી અપેક્ષા છે કે હું સરકારના છૂટાંછવાયાં કીડી જેવડાં સારાં પગલાંની પણ પ્રશંસા કરતી પોસ્ટ લખું.

એક વાત છેઃ મારે રોજેરોજ લખવાનું થતું હોય, ત્યારે મારે સરકારની રોજિંદી બાબતો વિશે કંઈક કહેવાનું થાય. જેમ કે, તંત્રીલેખ લખતી વખતે. એ સમયે એવું બન્યું જ છે કે સરકારના કોઈ પગલાની સાથે ઊભા રહેવાનું થાય. પરંતુ એવી રોજેરોજની, દરેક બાબતો વિશે ન લખતો હોઉં (અરે, ટીકાને લાયક બધી બાબતો વિશે પણ ન લખતો હોઉં) ત્યારે, તટસ્થ દેખાવા ખાતર રોજિંદી કામગીરીની સારપો શોધી કાઢવાનો કશો મતલબ નથી. એને તટસ્થતા ન કહેવાય. એને લોકલાગણી સંતોષવાની કવાયત કહેવાય. હું એ ધંધામાં નથી.

--અને તથ્ય આધારિત વિશ્લેષણ સાચું છે કે ખોટું, એ કહેવાને બદલે તેને નેગેટીવ કહેવું એ સાદા અરીસાને કદરૂપો કહેવા જેવું છે. પણ એવી ફેશન નીકળી છે કે જે ટીકા અનુકૂળ ન હોય તેને નેગેટીવનું લેબલ મારી દેવું.
તેનાથી બે કામ થાયઃ એક, આપણે બહુ પોઝીટીવ છીએ એવું દેખાડી શકાય. બીજું, અણગમતી સચ્ચાઈ સ્વીકારવામાંથી બચી જવાય અથવા અણગમતી સચ્ચાઈથી અકળાતા વર્ગને નારાજ કરવામાંથી બચી જવાય. એ થઈ ધંધો બગાડ્યા વગરની, માર્કેટિંગ-ફ્રેન્ડલી તટસ્થતા

માર્કેટિંગ ફ્રેન્ડલી તટસ્થતા
લખવામાં એ કેવી રીતે અપનાવાય? એક રીત કંઈક આવી છેઃ
મોટી સંખ્યામાં રહેલા વાચકો નારાજ ન થાય તેનું ધ્યાન રાખીને, સતિ સાવિત્રીના સંવાદો બોલતાં બોલતાં સ્ટ્રીપટીઝ ચાલુ રાખવાની. કોઈ કાંઠલો પકડે તો સતિના સંવાદ સંભાળાવી દેવાના. કાંઠલો ન પકડે તો સ્ટ્રીપટીઝ જોઈને વાહ વાહ કરનારાની ક્યાં કમી છે?
સરકારી રાહે એન્કાઉન્ટર ચાલતાં હોય ત્યારે એન્કાઉન્ટરબાજ વણઝારા પર શાબ્દિક ફુલ વેરી આવવાનાં ને બીજી ઓક્ટોબર આવે એટલે ગાંધીને પણ અંજલિઓ આપી દેવાની. આપણે તો ભાઈ મૂલ્યોની સાથે ને સ્ટેન્ડની સાથે શી લેવાદેવા? આપણે ભલા ને આપણી લોકપ્રિયતાની દુકાન ભલી. આપણો ધંધો ચાલતો રહેવો જોઈએ.
આ તરકીબને બજારુપણું કહેવાય, એવી ઝાઝા લોકોને ખબર ન પડવી જોઈએ. એટલા માટે, જાતે જ તેને તટસ્થતા તરીકે ઓળખાવી દેવાની.
પણ પોતાના મનમાં તો ખબર છે કે આ તટસ્થતા નથી, સ્ટ્રીપટીઝ છે. એટલે પછી પોતાની જાતનું નિયમીત રીતે, સતત, અવિરત વીર સાચું કહેવાવાળા તરીકે પ્રોજેક્શન કરતા રહેવાનું.
દેશમાં આટલાં મોટાં મોટાં જૂઠાણાં ચાલી જાય છે, તો આટલું જૂઠાણું નહીં ચાલે?
ચાલશે જ. ચાલે જ છે ને...
સવાલ તમારે એ ચલાવવું છે કે નહીં એનો છે.
તમે એ ચલાવી લો તો તમે તટસ્થ,
પણ એ જૂઠાણાને તમે જૂઠાણું કહો તો...
સોરી, તમે પૂર્વગ્રહપ્રેરિત છો, બાયસ્ડ છો, નેગેટીવ છો, તટસ્થ નથી.

Saturday, February 01, 2020

અલવિદા, રાજેન્દ્રભાઈ

Rajendra C. Parekh / રાજેન્દ્ર સી. પારેખ
રાજેન્દ્ર સી. પારેખ—ફેસબુકના ઘણા મિત્રો માટેનું જાણીતું નામ. પ્રચંડ સેન્સ ઓફ હ્યુમર, શાલીનતા અને સજ્જતા જેવી લાક્ષણિકતાઓ ફેસબુક પર તેમના પરિચયમાં આવેલા કોઈને પણ તરત પરખાઈ જાય. તેમના લખાણ માટે સહજ ભાવ થાય ને આદર પણ. ફેસબુકના શરૂઆતના સમયમાં વિવિધ પાત્રો સાથે પરિચય થઈ રહ્યો હોય, ત્યારે રાજેન્દ્રભાઈ અચૂક ધ્યાનમા આવે ને થાય કે કોણ છે આ મૂર્તિ? વધુ પરિચય કરવાનું મન થાય. તેમનું પણ આમંત્રણ હોય કે રાજકોટ આવો ત્યારે જરૂર મળીએ.

એક વાર રાજકોટ જવાનું થયું, ત્યારે તેમનો કંઈક વિચિત્ર લાગે એવો સંદેશો આવ્યોઃ મારાથી બિમારીને કારણે ઘરની બહાર નીકળી શકાય તેમ નથી. પણ તમે આવો.

મનમાં થયું કે આવી તે કેવી બિમારી હશે કે ઘરે મળી શકાય પણ બહાર ન નીકળાય. ફ્રેક્ચર-બ્રેક્ચરના વિચાર આવ્યા. પણ તેમના લખાણની ગુણવત્તાની ભલામણચિઠ્ઠી એવી મજબૂત હતી કે તેમને મળવા જવાનું નક્કી થયું. સાથે મિત્રો બિનીત મોદી અને સ્થાનિક મિત્ર અભિમન્યુ મોદી હતા. ટોળટપ્પાં કરતા તેમને ઘરે પહોંચ્યા, પણ ત્યાં જઈને અમે સ્તબ્ધ થઈ ગયા. પ્રેમ અને આદર ઉપજાવે એવી હળવાશ પાછળ ઘેરી કરુણતા છુપાયેલી હતી. રાજેન્દ્રભાઈનું કદ નાનું, કમરની નીચેના ભાગથી અશક્ત, હાડકાંનો રોગ એવો કે સહેજસાજમાં હાડકું બટકી જાય, લાકડાના પાટીયા નીચે લગાડેલા પૈડાં, એવી ઠેલણગાડી પર બેસીને એ જાતને ઠેલે. સંભળાતું સદંતર બંધ થઈ ગયેલું. આટલું ઓછું હોય તેમ, તેમનાં નાનાં બહેન પણ આવાં જ અને આનાથી વધુ ખરાબ અવસ્થામાં. સૂનમૂન બેસી રહે. ભાઈ એ જ બહેનની જિંદગી સાથેનો એકમાત્ર તંતુ, રાજેન્દ્રભાઈને ઘડીભર ન જુએ તો વ્યાકુળ થઈ જાય.

બંને ભાઈબહેન જન્મથી આટલી બધી શારીરિક મર્યાદાઓ ધરાવતાં ન હતાં. સમૃદ્ધ પરિવાર હતો. ઊંચી રુચિ. રાજેન્દ્રભાઈને સરકારી નોકરી હતી. એટલે સારી રીતે ગોઠવાયેલા. પ્રકૃતિ એવી કે મિત્રો બની જાય. મિત્રો-પાડોશીઓએ તેમનું ખૂબ ધ્યાન રાખ્યું. સ્નેહી-સંબંધીઓએ પણ. છતાં, રાજેન્દ્રભાઈ માટે બે બાબતો અફર હતીઃ પહાડ જેવડી શારીરિક મર્યાદાઓ અને આકાશ જેવો મિજાજ. તેમનો મિજાજ મર્યાદાઓને ગાંઠતો ન હતો અને તેમને મળનારા સૌને તેમની પ્રસન્નતાનો ચેપ લગાડતો હતો.

પોતાના વિશેની ઘણી ખરી વાતો રાજેન્દ્રભાઈએ જ કહી ને એ પણ તેમની વિશિષ્ટ રમુજવૃત્તિ સાથે. તેમની સાથે વાત કરવા માટે અમે પહેલી વાર મળ્યા ત્યારે મેજિક સ્લેટ હતી. પીળા પેડ પર સ્ટાઇલસ જેવી પેનથી લખવાનું. પછી ઉપરનો કાગળ ઉલાળીએ એટલે લખાણ ભૂંસાઈ જાય ને ફરી તેની પર લખી શકાય. આપણે જે કહેવું-પૂછવું હોય તે પેડમાં લખવાનું. રાજેન્દ્રભાઈ એ વાંચે ને તેના જવાબ આપે, તેની પર કંઈક ટીપ્પણી કરે, ખડખડાટ હસે ને હસાવે.
એ હસે કે હસાવે, ત્યારે આપણા પેટમાં ચિરાડો પડે.  કેમ કે, આપણી સામે એમની શારીરિક સ્થિતિ હાજરાહજૂર હોય. ધીમે ધીમે સમજાયું કે તેમને મળતી વખતે પ્રસન્નતા રાખવી એ જ તેમની સાથેની સાચી મૈત્રીનો તકાદો ગણાય. પહેલી વાર મળ્યા ત્યારે અમે લખીએ-એ બોલે, એવો સંવાદ બરાબર ચાલ્યો. એ હસે ત્યારે આખેઆખા ઠલવાઈ જાય, વ્યક્ત થઈ જાય. ચહેરો નહીં, આખેઆખું અસ્તિત્ત્વ હસી ઊઠે ને આપણને મનમાં થાય કે કમાલ છે આ માણસ. આટલા દુઃખ વચ્ચે આટલી પ્રસન્નતા ક્યાંથી લાવતો હશે? તેમનો વાચનપ્રેમ ગજબનો. સંગીતપ્રેમ પણ હતો. એની વાત થઈ. એટલે કહે, પહેલાં ગીતો સાંભળેલાં. પછી સંભળાતું સદંતર બંધ થઈ ગયું, પણ બધાના અવાજ મનમાં છે. બસ, એક મન્ના ડેનો અવાજ યાદ નથી કરી શકતો. હવે તો આવતા જન્મે... બોલીને એ તો રાબેતા મુજબ ખડખડાટ હસી પડ્યા, પણ ત્યાર પછી મન્ના ડેનું કોઈ ગીત સાંભળું ત્યારે તેના સુરને વીંધીને રાજેન્દ્રભાઈની યાદ આવી જાય છે.

રાજેન્દ્રભાઈ વાચનના પ્રેમી, બધું વાંચે અને એકદમ અપ઼ડેટેડ હોય. ભાઈ અભિમન્યુ સાથે હતો. તેના મધુસુદન ઢાંકી વિશેના લેખની રાજેન્દ્રભાઈએ જે વિગતે વાત કરી, એ સાંભળીને અભિમન્યુ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. રાજેન્દ્રભાઈ એક એવા મિત્ર હતા, જેમને મારી અને બીરેનની સાથે આમ સહિયારો, પણ આમ અલગ નાતો હોય. બીરેનની વોલ પર રાજેન્દ્રભાઈ, પિયુષભાઈ અને બીજી મિત્રમંડળી જે ખીલે, જે ધમાલે ચડે એ જોવાની એટલી મઝા આવે. ફેસબુકના, સાર્થક પ્રકાશનના અને બીજા મિત્રોની ઘણી વાતો પહેલી મુલાકાતમાં થઈ. અમે નીકળ્યા ત્યારે તે બારણા સુધી વળાવવા આવ્યા. ત્યાંથી બહાર નીકળ્યા પછી અમારા ત્રણેની હાલત એકસરખી હતી. એક-બે મિનિટ સુધી અમે કોઈ એક અક્ષર સુદ્ધાં બોલી શક્યા નહીં. પીડા અને પ્રસન્નતા વચ્ચેનો આટલો ભયંકર સંઘર્ષ અને તેમાં પ્રસન્નતાની જીત આ પહેલાં કદી જોયાં ન હતાં.

ત્યાર પછી તેમના અમદાવાદના સ્નેહીઓ દિવાળીમાં મોટી કારમાં રાજેન્દ્રભાઈ અને તેમનાં બહેનને અમદાવાદ લઈ આવતાં. એટલે અમદાવાદમાં પણ મળવાનું થવા લાગ્યું. બે-ત્રણ દિવાળીએ અમદાવાદમાં મળ્યાં હોઈશું. એ વખતે બીરેન અને બિનીત તો હોય જ. બિનીત રાજકોટ જાય, ત્યારે મળે. એક વાર તે અમારા ફિલ્મસંગીતગુરુ નલિન શાહને લઈને ગયો. ત્યારે નલિનભાઈની પણ અમારા જેવી જ હાલત થઈ. સામાન્ય રીતે ઘણી બધી બાબતોની ફરિયાદ કરતા ૮૫ આસપાસના નલિનભાઈ રાજેન્દ્રભાઈને મળ્યા પછી કહે, આપણને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર જ નથી. છેલ્લી દિવાળી વખતે મુંબઈનો મિત્ર અજિંક્ય સંપટ પણ સાથે હતો. આ વખતે વાતચીત કરવા માટે મેજિક સ્લેટનું સ્થાન ટેબ્લેટે લીધું હતું. બે ટેબ્લેટ હતી. તેમાં સ્ટાઇલસથી લખવાનું અને પછી એક બટન દબાવીએ એટલે લખેલું ભૂંસાઈ જાય. હંમેશની જેમ હસીખુશીથી વાતો થઈ. એકબીજાની ગમ્મતો થઈ. એક વાર પિયુષભાઈ પંડ્યા પણ હતા. તેમને પણ રાજેન્દ્રભાઈ સાથે ઘણી દોસ્તી થઈ હતી. અને અભિમન્યુ પહેલી મુલાકાત પછી અવારનવાર તેમને મળવા જતો-તેમની બહુ કાળજી રાખતો હતો.

છેલ્લે ૧૯ જાન્યુઆરીએ રાજેન્દ્રભાઈની પોસ્ટમાં જોયું કે દીપક સોલિયા પણ તેમને મળી આવ્યા. અને તે હતા જ એવા કે એક વાર તેમને જે મળે, તે તેમનો પ્રેમી થઈ જાય. આવા બધા પ્રેમીઓથી તેમણે આજે કાયમી વિદાય લીધી છે. હવે રાજેન્દ્રભાઈ આપણા બધાની સ્મૃતિમાં જીવશે—હસતા મોઢે કપરામાં કપરું યુદ્ધ લડીને અમારા જેવા કંઈકને પ્રેરણા આપનારા વહાલા લડવૈયા તરીકે.

(તેમની તસવીર ન મૂકવાનો વણલખ્યો વિવેક બધા મિત્રોએ જાળવ્યો હતો. આજે હું એ મર્યાદામાં રહીને તોડું છું અને તેમના સૌ મિત્રોને રાજેન્દ્રભાઈ જે સ્વરૂપે યાદ રહેશે, એવા સ્વરૂપની એક તસવીર મૂકું છું.)