Friday, November 30, 2012

‘આમઆદમી’નું રાજકારણઃ કેજરીવાલ, કોંગ્રેસ અને ગાંધી

અરવિંદ કેજરીવાલ છેવટે તેમના રાજકીય પક્ષનું નામકરણ કરીને સત્તાવાર રીતે મેદાનમાં ઉતર્યા. તેમની જનલોકપાલ ઝુંબેશની શરૂઆત ‘મૈં અન્ના હું’ની ટોપીઓથી થઇ અને અન્નાના છૂટા-છેડા પછી ‘આમઆદમી’કેન્દ્રસ્થાને આવ્યો.

આમઆદમીના નામે ભારતના રાજકારણમાં ઝંપલાવનારા કેજરીવાલ પહેલા નથી. અગાઉ સિત્તેરના દાયકામાં ઇંદિરા ગાંધીએ ‘ગરીબી હટાવો’ જેવા હવાઇ સૂત્રથી ગરીબોને પોતાના રાજકારણના કેન્દ્રસ્થાને લાવી મૂક્યા. પરંતુ ગરીબી હટાવવાની તેમની પદ્ધતિ બહુ ઘાતક હતી. પોતાને મનગમતાં, અનુકૂળ અને રાજકીય દૃષ્ટિએ ફાયદાકારક એવાં પગલાં લઇને તેમને એ ગરીબલક્ષી ગણાવી દેતાં હતાં.  સંપત્તિવાનો પાસેથી સરકાર તગડા કરવેરા વસૂલે તે એક રીતે ‘ગરીબલક્ષી’ પગલું ગણાવી શકાય. કારણ કે એ રીતે મળનારાં નાણાં સરકાર ગરીબકલ્યાણ માટે વાપરશે, એવો દાવો કરવામાં આવે. પરંતુ ગરીબોના નામે વેડફાયેલાં-ચવાયેલાં-ખવાયેલાં બેહિસાબ નાણાંને કારણે, યોજનાઓનું ગુલાબી સ્વપ્નદર્શન કાગળ પર રહી જતું હતું અને ગરીબી એની જગ્યાએ સહીસલામત.

ઇંદિરા ગાંધીએ ‘ગરીબી હટાવો’નું સૂત્ર આપ્યું ત્યાર પહેલાંના નેતાઓ શું ‘ગરીબી ટકાવો’ની દિશામાં કામ કરતા હતા? સમાજના સૌથી છેવાડાના-ગરીબ-પછાત એવા ‘આમઆદમી’ની  ચિંતા ગાંધીજીની આગેવાની હેઠળ કોંગ્રેસની એક મુખ્ય ઓળખ હતી, પણ તેમને ઇંદિરા ગાંધીની જેમ ઇમેજ બિલ્ડિંગ કે રાજકીય હેતુ માટે આવાં સૂત્રોનો સહારો લેવાની જરૂર ન હતી.

‘ખાસ’થી ‘આમ’ ભણી

ગુલામ ભારતમાં ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ’ની સ્થાપના થઇ અને ડિસેમ્બરમાં તેનાં અધિવેશન મળવા લાગ્યાં, ત્યારે તે વેકેશન ભોગવતા વકીલોની પાર્ટી ગણાતી હતી. તેમાં બ્રિટિશ તાજને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા સાથે કાર્યવાહી શરૂ થતી ને અંગ્રેજીમાં ચર્ચાઓ ચાલતી. લાંબા ઠરાવો, છટાદાર વક્તૃત્વકળા અને સરવાળે વકીલ તરીકેની ધીકતી પ્રેક્ટિસમાં ગાબડું પાડ્યા વિના કંઇક કર્યાનો સંતોષ લઇને મોટા ભાગના સાહેબલોક છૂટા પડતા.

૧૯૧૫માં ભારત આવેલા, પણ જુદી માટીના બનેલા બેરિસ્ટર ગાંધીએ આ જોયું અને પામી લીઘું કે આ રાજકારણમાં દેશના આમઆદમી કહેતાં સામાન્ય માણસને કશું સ્થાન નથી. ‘લોકોને આમાં કશી ખબર ન પડે. વૈચારિક આદાનપ્રદાન અને દેશના ઉદ્ધાર જેવાં મહાન કાર્યો તો આપણે સૂટ-બૂટધારી નિષ્ણાતોએ ભેગા થઇને જ કરવાનાં હોય’ એવો અગાઉનો નેતાગીરીનો પ્રચલિત ખ્યાલ તેમણે પાયામાંથી બદલી નાખ્યો.  સૂટ-બૂટ તો તેમણે દક્ષિણ આફ્રિકામાં જ છોડી દીધાં હતાં, પણ ભારતની ગરીબીનો જાતપરિચય મેળવ્યા પછી તેમણે સંપૂર્ણ-સમૃદ્ધ લાગે એવો ફેંટા સહિતનો આખો પોશાક તજીને કેવળ એક વસ્ત્ર અપનાવ્યું. એ ચેષ્ટા પરદેશીઓ ઉપરાંત ઘણા દેશીઓને પણ નાટકીય કે નાટકીયા લાગી હશે, પણ કહેણી એવી કરણી ધરાવતા ગાંધીજી સહજતાથી દેશના સેંકડો ગરીબો સાથે પોતાનો તાર જોડી શક્યા.

આજે ‘ઓળખના રાજકારણ’માં ખપી જાય એવી વ્યૂહરચના તરીકે ગાંધીજીએ અને તેમની સાથે જોડાયેલા ઘણા સાથીદારોએ વકીલ-બેરિસ્ટર કે ભણેલગણેલા, અંગ્રેજી બોલતા-વાંચતા-લખતા ભદ્ર વર્ગ તરીકેની પોતાની ઓળખ સાવ ઓગાળી નાખી અને ખાદીમાં સજ્જ થઇને ‘આમઆદમી’ તરીકે રજૂ થવા લાગ્યા.

ભારત જેવા દેશમાં મુઠ્‌ઠીભર નેતાઓ ગમે તેટલા તેજસ્વી હોય તો પણ તેમના જોરે પ્રજાકીય ચળવળ ચલાવી ન શકાય અને કદાચ રાજકીય પરિવર્તન આવે તો પણ ‘આમઆદમી’ની જિંદગીમાં કશો ફરક પાડી ન શકાય, એ ગાંધીજી બરાબર સમજતા હતા. એટલે તેમણે સમાજના દરેક સમુહોને ચળવળમાં જોડ્યા. અંગ્રેજીમાં ઠરાવો ઘડવા ને ચર્ચા કરવામાં બધાનો ગજ વાગે નહીં, પણ ગાંધીજીની અહિંસક લડત અને સવિનય કાનૂનભંગમાં સૌ સામેલ થઇ શકે એમ હતાં. ભારતમાં ‘આમઆદમી’ની વાત થાય ત્યારે સ્ત્રીઓ નજરઅંદાજ ન થઇ જાય, એની ચીવટ પણ ગાંધીજીએ રાખી અને સમૃદ્ધ પરિવારોથી માંડીને સામાન્ય સ્થિતિ ધરાવતી સ્ત્રીઓને તેમણે ઢંઢોળી. લાજ, આમન્યા જેવાં રૂઢિચુસ્તતાનાં બંધન છતાં એ સમયની સ્ત્રીઓ આંદોલનો-સરઘસ-સભા-પિકેટિંગ જેવા કાર્યક્રમોમાં ઘરની બહાર નીકળતી થઇ.

પરિવર્તન વ્યક્તિગતને બદલે સંસ્થાગત થયું એટલે મહાસભા (કોંગ્રેસ) નાતાલની રજાઓમાં ગપ્પાંગોષ્ઠિ- ચર્ચાવિચારણા કરતા વકીલબેરિસ્ટરોનો પક્ષ મટીને, ‘દેશના એક છેડાથી બીજા છેડા સુધી સાત લાખ ગામડાંમાં વેરાયેલા મૂગા અર્ધ પેટે રહેતા માણસોની પ્રતિનિધિ’ બની શકી. ૧૯૨૪ના એક લેખમાં ગાંધીજીએ કહ્યું હતું, ‘કોંગ્રેસે આમજનતાના વધારે ને વધારે પ્રતિનિધિ બનતા જવું જોઇએ. લોકો હજી રાજકારણથી અસ્પૃષ્ટ છે. આપણા રાજદ્વારી પુરૂષો ઇચ્છે તેવી રાજકીય જાગૃતિ તેમનામાં આવી નથી. તેમનું રાજકારણ ‘રોટી ને ચપટી મીઠું’માં પૂરું થાય છે. રોટી ને ‘માખણ’ તો ન કહી શકાય, કારણ કે કરોડોને ઘી તો શું, તેલ પણ ચાખવાનું મળતું નથી. તેમનું રાજકારણ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેના વહેવાર ગોઠવવા પૂરતું મર્યાદિત છે...પહેલાં આપણે તેમની વચ્ચે રહીને તેમને માટે કામ કરવું જોઇએ. આપણે તેમના દુઃખે દુઃખી થવું જોઇએ. તેમની મુશ્કેલીઓ સમજવી જોઇએ..ગામડાના લોકો જેઓ ઉનાળાના તાપમાં કેડ વાળીને મજૂરી કરે છે તેમની સાથે આપણે ભળવું જોઇએ. તેઓ જે ખાબોચિયામાં નહાય છે, કપડાં ઘુએ છે, વાસણ માંજે છે અને જેમાં તેમનાં ઢોર પાણી પીએ છે ને આળોટે છે તેમાંથી પાણી પીતાં આપણને કેવું લાગે તેનો વિચાર કરવો જોઇએ. આ પ્રમાણે કરીશું  ત્યારે જ આપણે જનતાના સાચા પ્રતિનિધિ બની શકીશું અને ત્યારે જ તેઓ આપણી દરેક હાકલનો જવાબ વાળશે.’ (યંગ ઇન્ડિયા, ૧૧-૯-૧૯૨૪)

ગાંધીજીના કાંતણ અને ખાદીના કાર્યક્રમમાં મુખ્ય ખ્યાલ સ્વાવલંબન અને ગ્રામસ્વરાજનો હતો. એટલે, ખાદીનાં વસ્ત્રો અને ગાંધીટોપી ફક્ત કોંગ્રેસ કે ગાંધીવાદનું નહીં, પણ આમઆદમી સાથે તાદાત્મય સાધવાનું પણ પ્રતીક બન્યાં.

અત્યારે અરવિંદ કેજરીવાલ કે તેમના બીજા ટેકેદારો ટોપી પહેરે એ બહુ અસ્વાભાવિક અને કૃત્રિમ લાગે છે. કારણ કે ટોપી હવે સામાન્ય માણસનું પ્રતીક નથી. ઉલટું, આઝાદી પછી બહુ ઝડપથી ગાંધીટોપી સત્તાલાલસા અને ભ્રષ્ટાચારમાં રાચતા દંભીઓનો યુનિફોર્મ બનવા લાગી અને એકવીસમી સદી આવે તે પહેલાં જ એનું સઘળું મહત્ત્વ ઓસરી ગયું. કેજરીવાલને પહેરવેશમાં આમઆદમી સાથે એકરૂપતા સાધવાની જરૂર લાગતી હોય તો તે બને એટલાં સાદાં વસ્ત્રો અને પગમાં મામૂલી ચપ્પલ પહેરે તો થયું. અલબત્ત, આમ કરવું જરૂરી નથી. એને બદલે પોતાનો પક્ષ ભ્રષ્ટાચાર-ભંડાફોડ સિવાયના બીજા અનેક મુદ્દા અંગે શું માને છે અને તે જનસામાન્યના જીવનને કેવી રીતે સ્પર્શવા માગે છે, તેની વાત સાવ નીચલા સ્તરથી શરૂ કરે. ત્યાંથી ધીમે ધીમે તેનું રાષ્ટ્રિય માળખું ઘડાતું જાય

સત્તા મળ્યા પછી

સફળતાપૂર્વક વિરોધ કરવો એક વાત છે અને ‘આમઆદમી’ને નજર સામે રાખીને શાસન ચલાવવું બીજી વાત છે. આ વાત જેટલી કેજરીવાલ એન્ડ પાર્ટીને લાગુ પડે છે, એટલી જ આઝાદી પછીની કોંગ્રેસને લાગુ પડતી હતી. આઝાદીનાં થોડાં વર્ષ પહેલાંથી લડતમાં નેતાઓને સરકારી સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો. ત્યારે તેમને ટપારવા માટે ગાંધીજી હયાત હતા. પરંતુ તેમનો અવાજ ઘણો ક્ષીણ થઇ ચૂક્યો હતો. તેમનાં આદરમાન સૌ જાળવતા, પણ તેમણે આગળ કરેલા પ્રજાકેન્દ્રી રાજકારણના સિદ્ધાંતોનો ઝાઝા લોકોને ખપ રહ્યો ન હતો.

દેશ આઝાદ થયો એ ઐતિહાસિક પ્રસંગે ગાંધીજી પાટનગર દિલ્હીથી ઘણે દૂર, કોમી આગ ઠારવામાં ખૂંપેલા હતા. એટલે દેશનાં પ્રધાનપદાં સંભાળનારા નેતાઓ તેમને તત્કાળ મળી શક્યા નહીં, પણ બંગાળના પ્રધાનો ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે જ ગાંધીજીના આશીર્વાદ લેવા ગયા હતા. તેમને ગાંધીજીએ કહ્યું હતું, ‘આજથી તમે કાંટાળો તાજ પહેરો છો. સત્તાની ખુરશી ખરાબ છે. એમાં બેસીને તમે સતત જાગ્રત રહેજો...અંગ્રેજોના જમાનામાં તમારી કસોટી હતી. છતાં એક રીતે ન પણ હતી. પણ હવે તો તમારી પરીક્ષા જ પરીક્ષા છે. તમે જાહોજલાલીની જાળમાં ન ફસાતા. ઇશ્વર તમને સહાય કરે- ગામડાં અને ગરીબોનો ઉદ્ધાર કરવાનો છે. ’

આઝાદીના એક દાયકા પહેલાં, ૧૯૩૭ની ચૂંટણી પછી પ્રાંતિક ધારાસભાઓમાં કોંગ્રેસની સરકારો રચાઇ અને ચળવળકારો પ્રધાન બન્યા ત્યારથી ગાંધીજીએ સત્તાનો સ્વાદ ચાખનારા નેતાઓને ટપારવાનું શરૂ કરી દીઘું હતું. તેમણે લખ્યું હતું, ‘સાદાઇની એમને (પ્રધાન બનેલા મહાસભાના નેતાઓને) શરમ ન આવવી જોઇએ, તેઓ તેમાં ગૌરવ માને. આપણે જગતની ગરીબમાં ગરીબ પ્રજા છીએ અને આપણે ત્યાં કરોડો માણસો અડધો ભૂખમરો વેઠે છે. એવા દેશના પ્રતિનિધિઓએ પોતાને ચૂંટનાર મતદારોના જીવનની જોડે જેનો કશો જ મેળ ન હોય એવી ઢબે ને એવી રહેણીએ રહેવાય જ નહીં. વિજેતા અને રાજ્યકર્તા તરીકે આવનાર અંગ્રેજોએ જે રહેણીનું ધોરણ દાખલ કર્યું તેમાં જિતાયેલા અસહાય લોકોનો બિલકુલ વિચાર કર્યો ન હતો...મહાસભાના પ્રધાનો જો તેમને ૧૯૨૦થી વારસામાં મળેલી સાદાઇ અને કરકસર કાયમ રાખશે તો તેઓ હજારો રૂપિયા બચાવશે, ગરીબોના દિલમાં આશા પેદા કરશે અને સંભવ છે કે સરકારી નોકરોની ઢબછબ પણ બદલાવશે.’ (હરિજનબંઘુ, ૧૮-૭-૧૯૩૭)

સાથોસાથ, ગાંધીજી પ્રચલિત ગેરમાન્યતા પ્રમાણે ફક્ત સાદગીને સર્વસ્વ માની બેઠા ન હતા. પ્રધાનોની કાર્યક્ષમતા પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું, ‘પ્રધાનોએ સાદાઇ ધારણ કરી એ આરંભ તરીકે આવશ્યક હતું. છતાં જો તેઓ આવશ્યક ઉદ્યોગ, શક્તિ, પ્રામાણિકતા, નિષ્પક્ષપણું અને વિગતો ઉપરનો કાબૂ મેળવવાની અગાધ શક્તિ નહીં બતાવે તો એકલી સાદાઇ તેમને કંઇ કામ આવવાની નથી. ’

કેજરીવાલ બાકી બધા મુદ્દા બાજુ પર રાખીને ફક્ત ભ્રષ્ટાચાર  ને ભંડાફોડમાં મશગુલ રહેશે તો એ તેમને ક્યાં સુધી કામ આવશે, એ સવાલ છે. આમઆદમીને લગતા રાજકારણમાં આગળ વધવા માટે તેમની પાસે બે ‘ગાંધીમાર્ગ’ છે: સૂત્રોચ્ચારનો ઇંદિરા ગાંધીમાર્ગ અને નક્કર કામગીરીનો મહાત્મા ગાંધીમાર્ગ.
 તેમની પસંદગી જાણવા માટે બહુ લાંબો સમય રાહ નહીં જોવી પડે.

Wednesday, November 28, 2012

‘ટિકિટકારણ’ : ચિંતા અને ચિંતન


ભારતીય સંસ્કૃતિમાં સામાન્ય રીતે કન્યા માટે ‘કોડભરી’ એવું વિશેષણ વધારે પ્રચલિત છે. સાથોસાથ ‘કુંવારા કોડે મરે ને પરણેલા પસ્તાય’ એવી કહેવત પણ ખરી. પરંતુ વાત ચૂંટણીમાં ટિકિટ મેળવવાની હોય ત્યારે તાલાવેલી, મૂંઝારો, અનિશ્ચિતતા, સુખદ અને દુઃખદ કલ્પનાઓ વચ્ચેનાં ઝોલાં વગેરેના મિશ્રણ જેવી ઉમેદવારોની માનસિકતા માટે ‘કોડભરી’થી વધારે શુભ શબ્દ જડતો નથી.

‘વિના ટિકિટે મુસાફરી કરવી એ ફક્ત કાનૂની જ નહીં, સામાજિક અપરાધ પણ છે’ એવું રેલવેતંત્ર ભારપૂર્વક જાહેર કરે છે. પરંતુ  ‘ટિકિટ’ વગરના નેતા હોવું એ કેવી ગંભીર સામાજિક-રાજકીય (સોશ્યો-પોલિટિકલ) પરિસ્થિતિ છે, એ ભાગ્યે જ કહેવામાં આવે છે. એટલે ટિકિટવિહોણા ‘ઘાયલો’ની ગત તેમના જેવા બીજા ભૂતપૂર્વ કે વર્તમાન ‘ઘાયલ’ સિવાય બીજા બહુ સમજી શકતા નથી.

બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીમાં એક ભાવિ વૈજ્ઞાનિક, ઇજનેર, સી.એ. કે એમ.બી.એ. છુપાયેલો હોય છે એવું સૈદ્ધાંતિક રીતે કહી શકાય. એવી જ રીતે, દરેક ટિકિટવાંચ્છુમાં સૈદ્ધાંતિક રીતે રાજ્યનો ભાવિ પ્રધાન કે મુખ્ય પ્રધાન છુપાયેલો હોઇ શકે છે. પરંતુ આ સિદ્ધાંતસુખની અસર પરિણામ જાહેર થતાં સુધી જ ટકે છે. એક વાર ટિકિટની યાદી બહાર પડી ગયા પછી ‘રીચેકિંગ’ની તક ભાગ્યે જ મળે છે.

ચૂંટણીની જાહેરાત થાય એ સાથે જ, કોઇ દેશી કન્યા એક અઠવાડિયા માટે પરદેશથી પરણવા આવવાની હોય એવું વાતાવરણ ઊભું થાય છે. કન્યાના પરિવારની જેમ સંભવિત ટિકિટવાંચ્છુઓએ તડામાર તૈયારીમાં લાગી જવું પડે છે. એ વખતે કોઇ તેમને પૂછે તો એ કહે છે, ‘બઘું ફાઇનલ જ છે. બસ, મુરતિયો મળી જાય એટલે...’ હકારાત્મક વિચારસરણીની ગોળીઓ પીવડાવનારા કહે છે તેમ, દુનિયા આશા પર ટકેલી છે. એટલે ટિકિટ-વાંચ્છુઓ ચૂંટણી લડવાની જ છે એ આશાએ તૈયારી કરવા લાગે છે. લગ્નપ્રસંગ માટે મંડપવાળા ને બેન્ડવાજાથી માંડીને ગોરમહારાજ સુધી બધાની વ્યવસ્થા  કરવી પડે, તેમ ટિકિટ માટે પોતાના સ્થાનિક ટેકેદારોથી માંડીને છેક ટોચ સુધી જ્યાં છેડા અડતા હોય એ બધા છેડા ચેક કરી લેવા પડે. એની પર ઘૂળ જામી હોય કે કનેક્શન ઢીલાં થયાં હોય તો તેમને નવેસરથી હલાવીને ચેતનવંતાં બનાવવાં પડે. પહેરવેશથી માંડીને વાતેવાતે બે હાથ જોડીને ‘હેં..હેં..હેં.., હું તો તમારો પ્રતિનિધિ છું.’ વાળી મુદ્રા ધારણ કરવાની પ્રેક્ટિસ પાડવી પડે.

ચૂંટણી નજીક આવે અને તારીખોની જાહેરાત થાય, એટલે લગ્નોત્સુક કન્યા દેશમાં આવી ગઇ હોય એ તબક્કો શરૂ થાય. ત્યાર પછી ‘બાકી બદ્ધું ગોઠવાઇ ગયું છે’ના રટણને બદલે, જે એકમાત્ર ચીજ બાકી છે ત્યાં સુધી પહોંચવાના સીધા પ્રયાસ શરૂ થાય. ત્યારે ઘણી વાર બાળકો માટે આવતાં ‘રસ્તો શોધો’નાં ચિત્રો જેવી સ્થિતિ સર્જાય છે.  ‘સસલાને ગાજર સુધી પહોંચાડી આપો’ની ભૂલભૂલામણીમાં સસલું ને ગાજર આમનેસામને હોવા છતાં, તેમની વચ્ચેના રસ્તા એટલા ગૂંચવાડાભર્યા હોય છે કે વચ્ચે રસ્તો જરાક જ ફંટાય તો સસલું ગાજર સુધી પહોંચી ન શકે.

એવી જ રીતે, ટિકિટ સુધી પહોંચવાના અનેક રસ્તા દેખાતા હોય, કોને કહેવાથી ને ક્યાં છેડા અડાડવાથી ટિકિટ હસ્તગત કરી શકાય એનો ખ્યાલ હોય. છતાં, કયો રસ્તો અધવચ્ચેથી ફંટાઇને અચાનક પૂરો થઇ જાય છે અને કયો છેવટે ટિકિટ સુધી પહોંચે છે, એ નક્કી કરવાનું લગભગ અશક્ય લાગે. આશાવાદીઓ હંમેશાં ગની દહીંવાલાના અંદાજમાં વિચારતા હોય, ‘મારો હાથ ઝાલીને લઇ જશે, મુજ શત્રુઓ (પણ) ટિકિટ સુધી’, જ્યારે નિરાશાવાદીઓને બધા પ્રયાસ કર્યા પછી પણ રાત્રે એવાં સ્વપ્ન આવતાં હોય કે ટિકિટની ફાઇનલ યાદીમાં એમનું નામ જાહેર થયા પછી અને મીઠાઇઓ વહેંચી લીધા પછી, બીજા દિવસે યાદીમાં સુધારો થાય છે અને તેમનું નામ કમી થઇ જાય છે.

રેલવેની ટિકીટની જેમ વિધાનસભા-લોકસભાની ટિકિટમાં પણ કન્ફર્મ્ડ, આરએસી  (રીઝર્વેશન અગેઇન્સ્ટ કેન્સલેશન) અને વેઇટિંગ જેવા પ્રકારભેદ પાડી શકાય. દરેક પક્ષમાં કેટલાક નેતાઓની ઉમેદવારી નક્કી હોય છે. કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા કે ભાજપમાંથી આનંદીબહેન પટેલ કે ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી કેશુભાઇ પટેલને ટિકિટ મળશે કે નહીં, એવી એવઢવ કોઇને હોતી નથી. આ બધા કન્ફર્મ્ડ ટિકિટધારકો છે. અલબત્ત, અમુક કન્ફર્મ્ડ ટિકિટધારકોને ટિકિટની ચિંતા ન રહે એટલે પછી તે અપર બર્થ છે કે લોઅર, તેની ચિંતા કરવામાં પડી જાય છે. કારણ કે ટિકિટસંબંધિત ચિંતા કરવામાં ન આવે ત્યાં સુધી લોકશાહી અને ચૂંટણીની રસમ પૂરી થઇ ન ગણાય એવું તેમને લાગે છે.

બીજો પ્રકાર છે આરએસી-નેતાઓનો. બેઠક પરના ચાલુ ઉમેદવારનું ‘રીઝર્વેશન કેન્સલ થાય’- પત્તું કપાય, તો તેમને તક મળે. વાંચ્છુકોની યાદીમાં તેમનું નામ પહેલું તો નહીં, પણ અગ્રતાક્રમે જરૂર હોય છે અને ‘આશા અમર છે’ના વચનમાં તેમના જેટલી શ્રદ્ધા ભાગ્યે જ બીજા કોઇને હશે. હાડોહાડ આશાવાદીઓ ટિકિટની ફાઇનલ યાદી બહાર પડી ગયા પછી પણ, ચૂંટણીના આગલા દિવસ લગી ચૂંટણી રદ થવાની અને નવેસરથી ચૂંટણીમાં પોતાને તક મળવાની આશા છોડતા નથી. ‘આજકાલ ગમે તે ઉંમરે માણસોને હાર્ટએટેક આવે અને રસ્તા પરનો બેફામ ટ્રાફિક તો તમને ખબર છે. ગયા અઠવાડિયે જ અમારા એક ઓળખીતા ગાડીમાં જતા હતા ને સામેથી આવીને કોઇ ઠોકી ગયું...આપણે કોઇનું ખરાબ ન ઇચ્છીએ. પણ  શું છે કે જમાનો ખરાબ છે.’ વગેરે.

વેઇટિંગવાળા સૌથી છેલ્લે આવે. રેલવેની જેમ વિધાનસભાના ‘વેઇટિંગ’ ટિકિટધારકોને ઉપરથી કોઇ જ ખાતરી અપાતી નથી. પરંતુ કોઇ પણ માણસ ગમે તેવી ટ્રેનની વેઇટિંગની ટિકિટ લઇને, તેના મુસાફર હોવાનો સુખદ ભ્રમ પંપાળી શકે છે. એવી જ રીતે, ‘વેઇટિંગ’ ઉમેદવારો જાતે ને જાતે પોતાનું નામ આશાસ્પદ ઉમેદવાર તરીકે તરતું મૂકાવે છે. ‘ગઇ વખતે અમે મુંબઇ ગયા ત્યારે ૧૮૯ વેઇટિંગ હતું. તો પણ છેલ્લી ઘડીએ ટિકિટ કન્ફર્મ થઇ ગઇ.’ એવી રેલવેની પરચા-છાપ આશ્વાસનપદ્ધતિ વિધાનસભાની ટિકિટમાં પણ કામે લગાડી શકાય છે. જેમ કે, ‘ગઇ વખતે ફલાણી બેઠક પર ઢીકણાભાઇનું નામ છેવટ સુધી ક્યાંય સંભળાતું જ ન હતું. કોઇને આશા પણ ન હતી કે એમને ટિકિટ મળે. પણ યાદી બહાર પડી ત્યારે એમનું નામ સૌથી પહેલું હતું. આ વખતે આપણું પણ એવું જ છે. હજુ સુધી આપણું નામ ક્યાંય સંભળાતું નથી. એટલે ટિકિટ મળવાના ચાન્સીસ જોરદાર છે.’ વેઇટિંગ લિસ્ટની ટિકિટ કન્ફર્મ ન થાય તો એનાં કારણ શોધવા જેટલી મૌલિકતા- અને ફરી વખત ટિકિટ માટે મેદાનમાં ઉતરીશું ત્યારે આવું નહીં થાય એવી શ્રદ્ધા- દરેકમાં હોય છે, પછી તે રેલવેની ટિકિટ હોય કે વિધાનસભાની.

રેલવેની જેમ વિધાનસભા-લોકસભાની ટિકિટોમાં ‘એજન્ટપ્રથા’ નાબૂદ થઇ ચૂકી હોવાના દાવા જોરશોરથી થાય છે, પણ તેની અસલિયત શી છે, એ જાણનાર  જાણે છે.

Monday, November 26, 2012

બાળ ઠાકરેઃ રાજકારણ અને સમાજકારણનું સરવૈયું

(24-11-2012)
બાળ ઠાકરેએ ૧૯૬૬માં ‘શિવસેના’ની રચના કરી, ત્યારે તેમણે આપેલું સૂત્ર હતુ: ‘એંશી ટક્કે સમાજકારણ આણિ વીસ ટક્કે રાજકારણ.’ ગયા સપ્તાહે ઠાકરેનું અવસાન થતાં, તેમના જ આપેલા સૂત્રના આધારે સાડા ચાર દાયકાની તેમની જાહેર કારકિર્દીનો હિસાબ માંડી શકાય.

વારસાનો તત્કાળ પરચો

બાળ ઠાકરેનું ૧૭ નવેમ્બર, ૨૦૧૨ના રોજ ૮૫ વર્ષની પાકટ વયે લાંબી બિમારી પછી અવસાન થયું. તેમના રાજકારણ-સમાજકારણનો સહિયારો વારસો એવો કે બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવે શિવસૈનિકોને શાંતિ જાળવવાની અપીલ કરવી પડી.

ગમે તેવા મહાન નેતાનું પાકટ વયે, બિમારી પછી, કુદરતી મૃત્યુ થાય તો તેમના અનુયાયીઓ કે ભક્તોને આઘાત લાગી શકે, તે શોકના મહાસાગરમાં ડૂબી શકે, માથે મુંડો કરાવે, દક્ષિણ ભારતની ઘેલછાભરી પરંપરા પ્રમાણે, ચાહકો પોતાના પ્રિય નેતા-અભિનેતા પાછળ કદાચ આત્મહત્યા કરે...પરંતુ સરેરાશ શિવસૈનિકોને તેમની વિવિધ લાગણી  ધાંધલ- ધાકધમકી- હલ્લો- બંધ જેવા રસ્તે અભિવ્યક્ત કરવાનું વધારે ફાવે છે. ઠાકરે સિનિયરના મૃત્યુનો શોક પણ એ પરંપરામાં વ્યક્ત ન થઇ જાય, એ માટે તેમને શાંતિ જાળવવાની અપીલ કરવી પડી.

- અને ટીવી પર શિવસેનાના પ્રવક્તાએ  ગંભીરતાપૂર્વક કહ્યું કે આવી ભવ્ય અપીલ કરવા બદલ ઉદ્ધવ ઠાકરેની શાંતિપ્રિયતા બિરદાવવી જોઇએ.

શિવસેના-સ્પેશ્યલ વક્રતા આટલેથી અટકતી નથી. થાણેની એક છોકરીએ ‘ફેસબુક’ પર ‘પરાણે બંધ’નો વિરોધ કર્યો અને બીજી છોકરીએ આ વિધાન ‘લાઇક’ કર્યું, તો એ બન્ને સામે પોલીસ ફરિયાદ થઇ. લખનાર છોકરીના કાકાના દવાખાને શિવસૈનિકોએ તોડફોડ મચાવી. પોલીસે તત્કાળ બન્ને છોકરીઓની ધરપકડ કરી. આરોપઃ ધિક્કાર કે શત્રુવટ ફેલાય એવાં વિધાન કરવાં.

યાદ રહે કે મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની નહીં, પણ કોંગ્રેસ-એનસીપીની સરકાર છે. એ પણ યાદ રાખવું જોઇએ કે છોકરીઓ સામે લાગુ પડાયેલી કલમો ભારતના રાજકારણમાં સૌથી વધારે  કદાચ બાળ ઠાકરેને લાગુ પાડી શકાય એમ હતી. છતાં, શિવસેનાના સાથી પક્ષ ભાજપ ઉપરાંત કોંગ્રેસ-એનસીપી જેવા પક્ષો ઠાકરેના બેફામપણા સામે આંખ આડા કાન કરતા રહ્યા અને તેમનું અનિષ્ટમૂલ્ય ઉત્તરોત્તર વધારતા રહ્યા.

બાળ ઠાકરેના અવસાન પછી ઠલવાયેલી અંજલિઓ વાંચીને લાગે, જાણે કોઇ મહાશૂરવીર અને સાચાબોલા-આખાબોલા જણે વિદાય લીધી છે. પરંતુ મોટા ભાગની અંજલિઓનું ‘ગુજરાતી’ કરવું હોય તો આટલું જ થાયઃ ‘અમારે પણ મુંબઇમાં રહેવાનું છે.’ કાઉન્સિલના આખાબોલા-વિવાદપ્રિય અઘ્યક્ષ અને ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ કાત્જુ લખી શક્યા, ‘દિલગીર છું કે હું બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી શકતો નથી.’

ઔચિત્યભંગનો સિલસિલો

ભારતનાં બંધારણ અને લોકશાહીમાં વિશ્વાસ નહીં ધરાવનારા અને ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીને સમર્થન આપનારા- હિટલર પ્રત્યે આદરભાવ ધરાવનાર બાળ ઠાકરેનું અવસાન થયું, ત્યારે પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવી. તેમના મૃતદેહને રાષ્ટ્રઘ્વજ વડે લપેટવામાં આવ્યો અને અગ્નિસંસ્કાર શિવાજી પાર્કના ખુલ્લા મેદાનમાં કરવામાં આવ્યો.

આ તમામ નિર્ણયો વિવાદાસ્પદ અને ખોટો ચીલો પાડે એવા છે. બાળ ઠાકરેએ આજીવન બંધારણીય કે લોકશાહી ઢબે એક પણ હોદ્દો ભોગવ્યો ન હતો. બલ્કે, તે એવા અપવાદરૂપ રાજકારણી છે જેમનો મતાધિકાર ૬ વર્ષ માટે છીનવી લેવાયો હતો. આ નિર્ણયમાં સર્વોચ્ચ અદાલત- ચૂંટણીપંચ અને ભારતના રાષ્ટ્રપતિ જેવા ત્રણ, બંધારણીય દૃષ્ટિએ સ્વતંત્ર રીતે સર્વોચ્ચ એવા પક્ષકારો સામેલ હતા. છતાં, આટલું મોટું કલંક ઠાકરેના મૂલ્યાંકન વખતે લગભગ ભૂલી જવામાં આવ્યું.

મુંબઇ (ઉત્તર-પશ્ચિમ)ની વિધાનસભા બેઠક પર ૧૯૮૬માં થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના જૂના જોગી પ્રભાકર કુંતે સામે શિવ સેનાના રમેશ પ્રભુ ઊભા હતા. પ્રભુના ચૂંટણીપ્રચાર દરમિયાન ઠાકરેએ રાબેતા મુજબ ઉશ્કેરણીજનક પ્રવચનો કર્યાં. ચૂંટણીમાં પરાજિત કુંતેએ ઠાકરેનાં ત્રણ પ્રવચનો ટાંકીને હાઇકોર્ટમાં કેસ કર્યો. ત્યાં જસ્ટિસ ભરૂચાએ ૧૯૮૭માં ઠાકરેને દોષી ઠરાવીને તેમનો મતાધિકાર અને ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો અધિકાર રદ કરવા સૂચવ્યું. ઠાકરે સુપ્રીમ કોર્ટમાં ગયા અને ત્યાં પણ હાર્યા. ૧૧ ડિસેમ્બર, ૧૯૯૫ના રોજ સુપ્રીમ કોર્ટે ઠાકરેનો મતાધિકાર અને ઉમેદવારી-અધિકાર છીનવી લેવાની રાષ્ટ્રપતિને સલાહ આપી.

રાષ્ટ્રપતિએ તેનો અમલ કરવાને બદલે ચૂંટણીપંચને આખા મામલાની તપાસ કરવા કહ્યું. પંચે મુખ્ય ચૂંટણી કમિશનર એમ.એસ.ગીલ અને બીજા ચૂંટણી કમિશનર લિંગ્દોહની બનેલી સમિતિ નીમી. સમિતિએ પોતાનો અહેવાલ ૨૨ સપ્ટેમ્બર, ૧૯૯૮ના રોજ રાષ્ટ્રપતિને સુપ્રત કર્યો. ત્યાર પછી ૧૭ જુલાઇ, ૧૯૯૯ના ગેઝેટ નોટિફિકેશન દ્વારા ચૂંટણીપંચે રાષ્ટ્રપતિ કે.આર.નારાયણન્‌ની મંજૂરીથી, બાળ ઠાકરેનાં મતાધિકાર અને ઉમેદવારી-અધિકાર ૬ વર્ષ માટે છીનવી લીધાં. ઉદારતા ફક્ત એટલી દાખવી કે ૬ વર્ષની ગણતરી સુપ્રીમ કોર્ટના ચુકાદાની તારીખ (૧૧-૧૨-૧૯૯૫)થી ગણવામાં આવી. એટલે અસરકારક રીતે ઠાકરેને લગભગ બે વર્ષ માટે (૧૦-૧૨-૨૦૦૧ સુધી) મતાધિકાર-ઉમેદવારી અધિકારથી વંચિત રહેવું પડ્યું.

આવી ગંભીર બંધારણીય સજા મેળવી ચૂકેલા અને એક પણ બંધારણીય હોદ્દો ન ધરાવનાર નેતાના મૃતદેહને રાષ્ટ્રિય સન્માન આપવામાં ને તેને ત્રિરંગો લપેટવામાં કેટલું ઔચિત્ય છે? એ પોતાની જાતને દેશપ્રેમી ગણાવતા સૌએ વિચારવાનું છે.

ઔચિત્યનો બીજો મુદ્દો જાહેરમાં અગ્નિસંસ્કારને લગતો છે. લોકમાન્ય ટિળકનું અવસાન થયું ત્યારે ચોપાટી પર તેમના અગ્નિસંસ્કાર થયા હતા. એવો બીજો પ્રસંગ સરદાર પટેલના મૃત્યુ ટાણે ઊભો થયો. તેમણે મેળવેલો લોકાદર અને ભારતના રાષ્ટ્રનિર્માણમાં તેમના પ્રદાનને  ઘ્યાનમાં રાખતાં, ઠાકરે સાથેની તેમની સરખામણી બેહૂદી લાગે. છતાં,  આ કિસ્સા પૂરતી એટલા માટે કરવી પડે કે સરદારના મૃત્યુ વખતે એવી લાગણી હતી કે ટિળકની જેમ તેમના પણ ચોપાટી પર અગ્નિસંસ્કાર કરવા. પરંતુ સરદારના ચરિત્રકાર રાજમોહન ગાંધીની નોંધ પ્રમાણે, સરદારના પરિવારને એ યોગ્ય ન લાગ્યું. એટલે સોનાપુર સ્મશાનમાં સરદારની અંતિમ વિધિ થઇ.

સરદારને જાહેરમાં અંતિમ વિધિનું માન ન મળ્યું, એની પાછળ ઘણાને નેહરુનો સરદાર પ્રત્યેનો દ્વેષ દેખાયો. એ આશંકા સાચી હોય તો પણ, સરદારને ઓળખનારા સલામતીપૂર્વક ધારી શકે કે ખુદ સરદારે જાહેરમાં અંતિમ વિધિનો ચીલો પાડ્યો ન હોત.

બદલાતા સાથી, બદલાતા દુશ્મન

બાળ ઠાકરેના ‘સમાજકારણ’ની શરૂઆત  મરાઠી અસ્મિતાની સાથે ગુજરાતીઓને ભાંડવાથી અને તેમનાં માલમિલકત પર હુમલા કરવાથી થઇ. અત્યારે વાસ્તવિક અને વર્ચ્યુઅલ વિશ્વમાં (ફેસબુક-ટ્‌વીટર-બ્લોગ જગતમાં) રાજકીય હિંદુત્વના વેતનધારી કે અવેતન પ્યાદાં બનેલા ઘણા ગુજરાતી ઉત્સાહીઓ આ વાત જાણતા નથી અથવા યાદ કરવા માગતા નથી. પરંતુ એ સમયે મુંબઇમાં રહેતા ગુજરાતીઓને ઠાકરે અને શિવસેનાના ધિક્કાર અને ગુંડાગીરીનો પાકો અનુભવ થયો હતો.

એવી જ રીતે, અલગ મહારાષ્ટ્ર થયા પછી કર્ણાટક સાથેના સરહદ વિવાદ વખતે ઠાકરેએ તમામ દક્ષિણ ભારતીયોને ‘મદ્રાસી’ અને ‘લુંગી’ જેવાં નામથી ઘુત્કારીને તેમની પર હુમલા શરૂ કર્યા. ઘણાં ઉડીપી રેસ્ટોરાં અને દક્ષિણ ભારતીય ફિલ્મનિર્માતાઓની ફિલ્મોને શિવસેનાની ગુંડાગીરીનો ભોગ બનવું પડ્યું.  એ સમયે તેમણે પ્રચલિત કરેલું એક સૂત્ર હતું: ‘લુંગી હટાઓ, પુંગી બજાઓ’. દરમિયાન, હળાહળ કોમવાદ, ધિક્કાર અને હિંસા, તેમના રાજકારણ કહો તો રાજકારણ અને સમાજકારણ કહો તો સમાજકારણમાં હાડોહાડ વ્યાપી ચૂક્યાં હતાં. ૧૯૬૯-૭૦ના અરસામાં દક્ષિણીઓની સાથોસાથ મુસ્લિમો પણ સેનાની ધિક્કારઝુંબેશનો ભોગ બન્યા. ભીવંડી અને જલગાંવમાં થયેલાં રમખાણો માટે શિવસેના તરફ આંગળી ચીંધાઇ હતી.

સંઘ પરિવારનો ઠાકરે એન્ડ પાર્ટી સામે વિરોધ હોવા છતાં, ભાજપ દ્વારા નવેસરથી પ્રતિષ્ઠિત મુસ્લિમવિરોધી હિંદુત્વના રાજકારણમાં ઠાકરે જાતે ‘હિંદુહૃદયસમ્રાટ’ બની બેઠા. ગુજરાતીઓ-દક્ષિણ ભારતીયો કે ત્યાર પછીના અરસામાં ઉત્તર ભારતીયો પ્રત્યે ધિક્કાર દર્શાવવામાં ઠાકરેનું કયું હિંદુત્વ કામ કરતું હતું, એ કોઇએ પૂછ્‌યું નહીં. મરાઠવાડા યુનિવર્સિટીને ડો.આંબેડકરનું નામકરણ કરવાના મુદ્દે અને ડો.આંબેડકરના પુસ્તક ‘રીડલ્સ ઓફ હિંદુઇઝમ’ના પુનઃપ્રકાશન પ્રસંગે દલિતો તેમના હિંસક વાણીવિલાસનું નિશાન બન્યા. ઠાકરેને મન કદાચ શિવસેનામાં જોડાય અથવા તેમનાં પાયલાગણે આવે એટલા જ લોકો ‘હિંદુ’ અથવા ‘દેશભક્ત’ હતા.

રાજકીય કારકિર્દીની શરૂઆતથી ઠાકરે અને તેમના કઠપૂતળી પક્ષ શિવસેનાએ રાજકીય વિચારસરણી કે સિદ્ધાંતો જેવું કંઇ સમ ખાવા પૂરતું પણ રાખ્યું ન હતું. શરૂઆતના ગાળામાં મુંબઇમાં કામદારો પરનું ડાબેરીઓનુંવર્ચસ્વ તોડવા માટે કોંગ્રેસે શિવસેનાનો ઉપયોગ કર્યો અને તેને પ્રોત્સાહન આપ્યું. બદલામાં સેનાએ ખૂનખરાબાથી માંડીને તમામ રસ્તા અપનાવીને ડાબેરીઓનો સફાયો કરી દીધો. ‘હિંદુહૃદયસમ્રાટ’ બે વાર મુસ્લિમ લીગ સાથે સગવડીયું જોડાણ કરી ચૂક્યા હતા. કોંગ્રેસ પ્રત્યેનો તેમનો પ્રેમ કટોકટી વખતે પણ જળવાયેલો રહ્યો. આગળ જતાં કેન્દ્રિય મંત્રી બનેલા કોંગ્રેસી મુરલી દેવરા સિત્તેરના દાયકામાં શિવ સેનાના ટેકાથી મુંબઇના મેયર બન્યા હતા. શરદ પવાર સાથે પણ ઠાકરેને જાહેરમાં ગાળાગાળી અને અંગત ધોરણે મૈત્રીના સંબંધ રહ્યા. રામ જન્મભૂમિ ઝુંબેશના પગલે સર્જાયેલા હિંદુત્વના મોજા પછી શિવસેનાની પહોંચ મ્યુનિસિપલ કોર્પોરેશનથી વિધાનસભા સુધી પહોંચી. ભાજપ સાથે યુતિ રચીને શિવ સેનાએ ૧૯૯૫માં મહારાષ્ટ્રમાં સરકાર સ્થાપી, પરંતુ ત્યાર પછી એવી સફળતાનું પુનરાવર્તન થઇ શક્યું નહીં. મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા જેવા વિસ્તારોમાં શિવસેનાને કદી એક હદથી વધારે સફળતા ન મળી.

છતાં, બેફામ વાણીવર્તન, નમાલા વિપક્ષો, કરોડરજ્જુ વગરના સત્તાધીશો, ઝનૂની અનુયાયીઓ, સનસનાટીપ્રિય પ્રસાર માઘ્યમો જેવાં અનેક પરિબળોના પ્રતાપે બાળ ઠાકરે રાષ્ટ્રિય નેતા તરીકે ઉભર્યા અને પૂરા રાજકીય સન્માન સાથે વિદાય પામ્યા.

Sunday, November 25, 2012

બાળ ઠાકરેઃ કાર્ટૂનકળાની કારકિર્દી


‘બાળ ઠાકરે આજીવન ફક્ત જ કાર્ટૂનિસ્ટ રહ્યા હોત તો?’ આ સવાલ ‘હિટલર આજીવન ચિત્રકાર રહ્યો હોત તો?’ અથવા ‘મહંમદઅલી ઝીણા તેમની જીવલેણ બિમારીમાં પાંચ વર્ષ વહેલા ગુજરી ગયા હોત તો?’ અથવા ‘જવાહરલાલ નેહરૂ માત્ર લેખક જ રહ્યા હોત તો?’- એ પ્રકારનો છે.

 બંધારણ-લોકશાહી-(બીજાના) અભિવ્યક્તિસ્વાતંત્ર્યના વિરોધી તરીકે નામીચા બનેલા ઠાકરે/Bal Thackeray આજીવન કાર્ટૂનિસ્ટ રહ્યા હોત તો ફક્ત રાજકારણ અને જાહેર જીવનનું જ નહીં, કાર્ટૂનજગતનું પણ ભલું થયું હોત એવું તેમના ઘણાં કાર્ટૂન જોઇને લાગે. આર.કે.લક્ષ્મણ/ R,K.Laxman અને ઠાકરેનાં ઠઠ્‌ઠાચિત્રો અને તેમની રેખાઓ એક ગોત્રનાં હતાં. બન્ને પર બ્રિટિશ કાર્ટૂનિસ્ટ ડેવિડ લૉ/ David Lawની શૈલીનો ખાસ્સો પ્રભાવ. રાજકીય કાર્ટૂન માટે આવશ્યક ગણાય એવી તીખાશ અને પ્રહારક્ષમતા પણ ઠાકરે માટે સહજ હતી.

કાર્ટૂનકળાની રીતે જોઇએ તો,  તેમનાં ઘણાં કાર્ટૂનમાં મુખ્યત્વે શાબ્દિક રમૂજનું જ ચિત્રાંકન રહેતું. જેમ કે, સદ્‌ગત નેતા ચંદ્રશેખરે કાંટાથી કાંટો કાઢવાનું વિચારતા હોય, તો એ કાર્ટૂનમાં ઇન્દિરા ગાંધી અને ચરણસિંઘને ઠઠ્‌ઠાચિત્રમાં કાંટા-સ્વરૂપ બતાવી દેવાનાં.

Cartoon by Bal Thackeray
એવો બીજો નમૂનોઃ પચાસના દાયકામાં બાબુરાવ પટેલના ‘ફિલ્મ ઇન્ડિયા’/ Film India માસિકમાં છપાયેલું ચોપાટી પરનાં પૂતળાં વિશેનું તેમનું કાર્ટૂન. ‘ચોપાટી- ધ ન્યૂ ગ્રેવયાર્ડ ઓર બર્ડ પાર્ક?’ (ચોપાટીઃ નવું કબ્રસ્તાન કે પંક્ષીઉદ્યાન?’) આ કાર્ટૂનમાં વાત એટલી હતી કે ચોપાટી પર નેતાઓનાં પૂતળાં બહુ થઇ ગયાં છે, જે પક્ષીઓ માટે ‘સુલભ’ બની ગયાં છે. તેની નીચે ભેળપુરી ને વડા-ચેવડાવાળા ધંધો કરે છે. ટૂંકમાં, એ નેતાઓની ગરીમા જળવાતી નથી.

Cartoon: Bal Thackeray, Film India (see his signature at bottom left corner)
આ પ્રકારનાં કાર્ટૂનના વિચારતત્ત્વમાં ખાસ વિશેષતા હોતી નથી. એટલે જ, કાર્ટૂનકળાની દૃષ્ટિએ આ શૈલી સહેજ ઉતરતા દરજ્જાની ગણાય. છતાં, ગતિશીલ અને જોમવંતી રેખાઓ ધરાવતાં ઠાકરેનાં વ્યંગચિત્રોને કારણે, કાર્ટૂન જોઇને છ દાયકા પછી પણ મોં મલકી જાય છે.

બાળ ઠાકરે ૧૯૪૭ની આસપાસ મુંબઇના ‘ફ્રી પ્રેસ જર્નલ’માં કાર્ટૂનિસ્ટ તરીકે જોડાયા. તેમના પછી થોડા સમયમાં લક્ષ્મણ પણ ત્યાં આવ્યા. લક્ષ્મણે નોંઘ્યું છે કે ‘(હું ફ્રી પ્રેસ જર્નલમાં જોડાયો ત્યારે) એક માણસ બાજુમાં બેસીને પાંજરે પુરાયેલા પંખીનું ચિત્ર જોશભેર દોરી રહ્યો હતો. (એનું નામ) બાળ ઠાકરે. તેમની ડાબી બાજુ બીજો છોકરો દોરતો હતો. એ હતો ભટ્ટ...અમે બહુ મઝા કરતા હતા. સોમવારે મારે કાર્ટૂન દોરવાનું. મંગળવારે ઠાકરેનો વારો અને બુધવારે ભટ્ટનો. એવી રીતે અમારું કામ ચાલતું.’ (ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઓફ ઇન્ડિયા, ૨૯-૧-૧૯૮૯)

વર્ષ ૨૦૦૨માં ‘બીપીઆઇ ઇન્ડિયા’એ આર.કે.લક્ષ્મણ અને બાળ ઠાકરેનાં ‘ફ્રી પ્રેસ’ વખતનાં કાર્ટૂનનો એક સંગ્રહ ‘લાફ્‌ટર લાઇન્સઃ ધ કાર્ટૂનક્રાફ્‌ટ ઓફ આર.કે.લક્ષ્મણ એન્ડ બાળ ઠાકરે’ પ્રકાશિત કર્યો. તેમાં પ્રસ્તાવના અને કાર્ટૂન અંગેની જરૂરી વિગત એમ.વી.કામથે લખ્યાં હતાં, જે પોતે પણ એ અરસામાં ‘ફ્રી પ્રેસ’માં કામ કરી ચૂક્યા હતા. કામથે નોંઘ્યું હતું કે સંગ્રહમાં લેવાયેલાં લક્ષ્મણ અને ઠાકરેનાં ઘણાં કાર્ટૂન શીખાઉ લાગે એવાં છે. બન્ને એ વખતે તેમના જીવનની વીસીમાં હતા. તેમની કળા વિકસી રહી હતી...લક્ષ્મણનું કામ વધારે સફાઇદાર ગણાતું અને ઠાકરેનું (પ્રાકૃતના અર્થમાં) ‘દેશી’.

ઠાકરેએ કાર્ટૂનિસ્ટ સુધીર તેલંગ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘હું ૧૯૪૭માં ફ્રી પ્રેસ જર્નલમાં જોડાયો. આર.કે.લક્ષ્મણ પણ જોડાયા. અમારી વચ્ચે સરસ બનતું હતું. મેં ત્રણ વાર ફ્રી પ્રેસ છોડ્યું અને એ લોકો મને પાછો બોલાવી લેતા હતા. ત્યાં તંત્રી તરીકે સદાનંદ હતો ત્યાં સુધી કામ કરવાની પૂરી મોકળાશ હતી. પણ એ.બી.નાયરે આવીને મારી પર ઘણા અંકુશ મૂકી દીધા. કંટાળીને મેં ફ્રી પ્રેસ છોડી દીઘું.’ (હિંદુસ્તાન ટાઇમ્સ, ૧૦-૧૨-૨૦૦૦)

પચાસનો દાયકો પૂરો થવા આવ્યો ત્યાં સુધીમાં બાળ ઠાકરે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળમાં સક્રિય થઇ ચૂક્યા હતા. ‘ફ્રી પ્રેસ’ છોડ્યા પછી તેમણે અને બીજા કેટલાક મિત્રોએ ‘ન્યૂઝડે’ નામનું અંગ્રેજી દૈનિક શરૂ કર્યું. તેમાં ઠાકરે એક ડાયરેક્ટર હતા અને (સમાજવાદી નેતા) જ્યોર્જ ફર્નાન્ડિસ પણ તેમની સાથે હતા. ૧૯૬૦માં મહારાષ્ટ્ર-ગુજરાત અલગ પડ્યાં અને ઠાકરેએ તેમનું કાર્ટૂનપ્રધાન સાપ્તાહિક ‘માર્મિક’ શરૂ કર્યું.   (ગુજરાતીમાં કાર્ટૂનિસ્ટ ‘શનિ’ લગભગ એ જ અરસામાં ‘ચેત મછંદર’ ચલાવતા હતા.) ભારતમાં કાર્ટૂનપ્રધાન સામયિકો બહુ થોડાં છે. તેમાં બાળ ઠાકરે અને કાર્ટૂનકળામાં તેમના ઉત્તરાધિકારી રાજ ઠાકરેના ‘માર્મિક’ના કામની નોંધ લેવી પડે- ભલે તે ઉત્તરોત્તર રાજકીય પક્ષનાં મુખપત્ર બની ગયાં હોય.

 ‘રીમોટ કન્ટ્રોલ’ કાકા બાળ ઠાકરેનું ભત્રીજા
રાજે દોરેલું વ્યંગચિત્ર/ Cartoon : Raj Thackeray
‘માર્મિક’માં ઠાકરેનાં કાર્ટૂનની ધાક હતી. ઘણા રાજનેતા તેનાથી શિયાંવિયાં થઇ જતા હતા. ઠાકરેએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘આચાર્ય અત્રેને તો મેં કાર્ટૂનથી જ ઘ્વસ્ત કરી દીધા હતા. મેં એમનું સૂવરના સ્વરૂપમાં કાર્ટૂન બનાવ્યું, એ જોઇને બીજા જ દિવસે તેમણે વિવાદનો અંત આણી દીધો.’

‘માર્મિક’ અને તેમાં પ્રગટ થતાં ઠાકરેનાં કાર્ટૂન તેમના રાજકારણનાં વાહન બન્યાં. નવા રાજકીય પક્ષ શિવસેનાની આબોહવા બાંધવામાં પણ ‘માર્મિક’નો ફાળો અગત્યનો હતો. ૧૯૬૬માં શિવસેનાનો જન્મ થયો. ત્યાર પછી  છેક ૧૯૮૭ સુધી તેમણે ‘માર્મિક’માં કાર્ટૂન દોરવાનું ચાલુ રાખ્યું. ધીક્કારના રાજકારણમાં તેમના ઉત્તરાધિકારી એવા ભત્રીજા રાજ ઠાકરેએ પણ કાકાના પગલે, તેમની જ શૈલીમાં કાર્ટૂનકળા અપનાવી. ઠાકરેમાં એક સારો કેરિકેચરિસ્ટ (ઠઠ્‌ઠાચિત્રકાર) ઘણા લાંબા સમય સુધી જીવીત હતો. સુધીર તેલંગ સાથેની મુલાકાત વખતે તેમણે ડિસેમ્બર, ૨૦૦૦માં પેનના થોડા લસરકાથી ઇંદિરા ગાંધીનું આબાદ વ્યંગચિત્ર બનાવ્યું હતું. પરંતુ રાજકારણમાં તેમની ભૂમિકા પ્રાંતીયમાંથી રાષ્ટ્રિય બની, તેમ કાર્ટૂન  સાથેનો તેમનો નાતો છૂટતો ગયો. ‘હવે ટાઇમ જ ક્યાં મળે છે? લોકો જંપવા દેતા નથી.’ એવું તે કહેતા હતા. તેમ છતાં, ‘માર્મિક’ના મુખપૃષ્ઠ પર આવતા કાર્ટૂન માટે રાજ ઠાકરેને આઇડીયા એ આપતા હતા.
 બાંગ્લાદેશ છૂટું પાડીને યાહ્યાખાનને પરાસ્ત કરતાં
‘દુર્ગાસ્વરૂપ’ ઇંદિરા ગાંધી/ Cartoon : Bal Thackeray

કાર્ટૂનિસ્ટોની નવી પેઢી માટે ઠાકરે નિરાશાવાદી હતા. તેમનામાં એકાગ્રતા અને રાજકીય જ્ઞાનનો અભાવ છે એવું તે માનતા હતા. સુધીર તેલંગને તેમણે કહ્યું પણ હતું કે ‘આજકાલના કાર્ટૂનિસ્ટો મારું વ્યંગચિત્ર પણ સરખું દોરી શકતા નથી. મેં પાઇપ પીવાનું ક્યારનું છોડી દીઘું છે. છતાં એ મને પાઇપ પીતો દેખાડે છે...હવે હું સીગાર પીઉં છું. તમે મને સીગાર પીતો ચીતરજો...’

કાર્ટૂનકળાનાં વૃદ્ધિ અને વિકાસ માટે લોકશાહી આવશ્યક છે. પરંતુ સારા રાજકીય કાર્ટૂનિસ્ટ એવા ઠાકરે રાજનેતા તરીકે લોકશાહીના વિરોધી હતા. કાર્ટૂનિસ્ટ તરીકે બીજા ઘણા નેતાઓએ સહિષ્ણુતાથી ઠાકરેનાં કાર્ટૂન માણ્યાં, પણ ઠાકરેનું સમગ્ર રાજકારણ અસહિષ્ણુતા અને એક યા બીજા જૂથ પ્રત્યેના ધીક્કારથી પ્રેરિત હતું.

એક સારો રાજકીય કાર્ટૂનિસ્ટ અંતિમવાદી રાજનેતામાં ફેરવાય એ પણ એક ચોટદાર કાર્ટૂનનો વિષય નથી?

(આવતી કાલેઃ બાળ ઠાકરેના રાજકારણ અને સમાજકારણનું સરવૈયું)

Wednesday, November 21, 2012

ઇન્ટરનેટ પર અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યઃ મજા અને સજા


(નોંધઃ ફેસબુક-ટ્વીટર પર લખાણ સામે આત્યંતિક પોલીસ કાર્યવાહીના પ્રમાણમાં નવા અને આવી રહેલા પ્રવાહ વિશે શનિવારે આ લેખ લખીને આપ્યો ત્યારે ખ્યાલ ન હતો કે બાળ ઠાકરેના અવસાન નિમિત્તે ભારતમાં પણ એ મુદ્દો ગરમાગરમ ચર્ચાનો વિષય બનશે.)

ઇન્ટરનેટની સુવિધા ગણ્યા-ગાંઠ્‌યા સંશોધકોને બદલે વ્યાપક જનસમુદાય સુધી પહોંચી ત્યારથી તેના ‘ચાલ, ચરિત્ર અને ચહેરા’માં અનેક પરિવર્તન આવ્યાં છે. છતાં, અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યની તેની ધરી બદલાઇ નથી. ‘લોકશાહી’ની જેમ ‘ઇન્ટરનેટ’ બોલતાં-લખતાં વેંત મનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ખ્યાલ પ્રગટે છે. તેના વિના ઇન્ટરનેટ - અને લોકશાહી- ફિક્કાં લાગે છે.

વેબસાઇટ અને બ્લોગથી શરૂ થયેલી ઇન્ટરનેટની યાત્રા હવે ફેસબુક/Facebook-ટ્‌વીટર/Twitter જેવા સોશ્યલ નેટવર્કિંગ-માઇક્રોબ્લોગિંગ માઘ્યમો થકી અભૂતપૂર્વ માત્રામાં લોકોને અભિવ્યક્તિની તક આપી રહી છે. છેક એકવીસમી સદીની શરૂઆત સુધી ઇન્ટરનેટના ઉપયોગ માટે કમ્પ્યુટર જરૂરી હતાં. પરંતુ મોબાઇલ ફોન અને ટેબ્લેટની ક્રાંતિકારક સુવિધાઓ થકી, ઇન્ટરનેટ લોકોના મોટા સમુહ સુધી પહોંચી શક્યું છે. મોબાઇલ-ઇન્ટરનેટ જેટલી ઝડપથી ભાગ્યે જ બીજી કોઇ હાઇ-ટેક શોધ, તમામ આર્થિક સમુદાયો સુધી પહોંચી હશે.

તેનાં સારાં-નરસાં પરિણામ પણ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્‌સ પર જોઇ શકાય છે. બધાના હાથમાં એક-એક માઇક આવી જાય ત્યારે શું થાય? લોકશાહી અને અભિવ્યક્તિના અધિકારની દૃષ્ટિએ આ સ્થિતિ બહુ ઇચ્છનીય છે. અગાઉ માહિતી અને અભિપ્રાયો પર સ્થાપિત અને જંગી માળખું ધરાવતાં પ્રસાર માઘ્યમોનો એકાધિકાર હતો. એને બદલે દરેક વ્યક્તિ, કમ સે કમ સૈદ્ધાંતિક રીતે, ‘હરતું ફરતું પ્રસાર માઘ્યમ’ બની શકે છે. તેની પાસે માહિતી, અભિપ્રાય, ફોટો, વિડીયો - આ બઘું જ દુનિયા સમક્ષ મૂકવાની સુવિધા છે અને તે પણ મફત અથવા નજીવી કિંમતે અને કોઇની દખલગીરી વગર.

દરેક સ્વતંત્રતાની સાથે સ્વચ્છંદતાનું ભયસ્થાન સંકળાયેલું હોય છે. અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય કદી અમર્યાદ હોઇ શકતું નથી, એ વાત ઘણી વાર ભૂલી જવામાં આવે છે. ફેસબુક-ટ્‌વીટર જેવાં માઘ્યમો જાહેર કહેવાય કે અંગત, એ વિશે પણ પૂરેપૂરી સ્પષ્ટતા હજુ જોવા મળતી નથી. તેને કારણે પોતાના જીવનની અંગતતમ વાતો-લાગણીઓથી માંડીને પોતાના મનમાં રહેલી અનેક ગ્રંથિઓ અને બિમારીઓ લોકો જાણ્યે-અજાણ્યે આ માઘ્યમો પર ઠાલવતા રહે છે. આ પ્રકારના ‘અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય’માં બેફામપણાનું તત્ત્વ ભળે ત્યારે પાનના ગલ્લે કે ચાની કીટલી પર પણ ન થાય એ જાતની ગાળાગાળી કે બેહૂદી ‘ચર્ચા’ઓ થાય છે અને તેના બચાવમાં ‘લોકશાહી મૂલ્યો’, ‘મતભેદ-સ્વાતંત્ર્ય’ અને ‘સહિષ્ણુતા’ જેવા ભવ્ય શબ્દો ટાંકવામાં આવે છે. બહારની દુનિયામાં રાજકારણ કે ઉદ્યોગજગતમાં બને છે તેમ, ઇન્ટરનેટ પર વ્યક્તિગત ધોરણે પોતાના ધારી લીધેલા દુશ્મનો કે વિરોધીઓ સામે ઝેરીલી ઝુંબેશો ચલાવવા માટે પાળેલા પાયદળને છૂટું મૂકી દેવામાં આવે છે.

આ બઘું ‘અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય’ની વ્યાખ્યામાં આવી જાય? કે તેને બહારની-વાસ્તવિક દુનિયાના તકાદા લાગુ પડે? સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર થતાં ઘણાં આદાનપ્રદાન એવાં હોય છે કે જે કેવળ અપ્રત્યક્ષ સ્વરૂપે જ થઇ શકે. સામસામે વાત કરવાની હોય તો મોટા ભાગના લોકો એવા બેફામ વાણીવિલાસની હિંમત ન કરે અથવા કરે તો મારામારીની તૈયારી રાખીને કરે. ઇન્ટરનેટના વર્ચ્યુઅલ વર્લ્ડમાં એવી ચિંતા કરવાની હોતી નથી. એટલે અસલી દુનિયાનાં સભ્યતા-શિષ્ટાચારના અને જાહેર વર્તણૂંકના નિયમો પણ જાણે નડતા નથી.

આ સ્થિતિમાં હવે પરિવર્તન આવી રહ્યું છે. ઇન્ટરનેટ પરના બેફામ વાણીવિલાસ સામે કાયદાનો સહારો લેવાનું ચલણ વઘ્યું છે. જૂના અથવા આ માઘ્યમને ઘ્યાનમાં રાખીને સુધારાયેલા કાયદા પ્રમાણે, અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યનો દુરુપયોગ કરનારને અદાલતોમાં સજા પણ મળવા લાગી છે- અને આવું ઇન્ટરનેટ પર લોખંડી સકંજો રાખનારા ચીન જેવા દેશમાં નહીં, પણ ઉદારમતવાદી બ્રિટન જેવા દેશોમાં બની રહ્યું છે.

‘સ્વાતંત્ર્ય’ના ઝંડા સામે કાયદાનો દંડો

ઓક્ટોબર મહિનામાં ૨૦ વર્ષના એક યુવાને છ બ્રિટિશ સૈનિકોના મૃત્યુ વિશે પોતાનો અભિપ્રાય આપતાં ફેસબુક પર લખ્યું :‘ઓલ સોલ્જર્સ શુડ ડાઇ એન્ડ ગો ટુ હેલ.’ (બધા સૈનિકો મરે ને જહન્નમમાં જાય.) આવું લખવા બદલ તેની સામે કેસ થયો. અદાલતે તેને ૨૪૦ કલાકની કમ્યુનિટી સર્વિસ (સમાજસેવા) અને ૩૦૦ પાઉન્ડનો દંડ ફટકાર્યાં.

આ ભાઇ જરા નસીબવાળો હતો કે તેને જેલની સજા ન થઇ. બાકી, ભૂતકાળમાં લોકોને ઉત્સાહમાં આવીને ફેસબુક પર કંઇક ભરડી માર્યા પછી જેલની સજા ભોગવવાનો વારો આવ્યો છે. બ્રિટનમાં એક બાળકીનું અપહરણ થયું ત્યારે તેને લગતી વાહિયાત જોક્સ ૧૯ વર્ષના એક છોકરાએ પોતાના ફેસબુક પેજ પર લખી પાડી. એ વાંચીને કેટલાક   લોકો એટલા ઉશ્કેરાયા કે તેમણે છોકરાના ઘરે હલ્લો બોલાવ્યો. પોલીસ આવી અને છોકરાની સલામતી ખાતર તેને પોતાની સાથે લઇ ગઇ.

કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે બચાવપક્ષના વકીલે કહ્યું કે ‘પીધેલી અવસ્થાની ક્ષણિક મૂર્ખામીથી દોરાઇને આ ભાઇએ કંઇક લખી દીઘું, એમાં તો એને અપહરણકાર પછીના તરતના ક્રમનો ગુનેગાર બનાવી દેવામાં આવ્યો છે.’ પરંતુ અદાલતે તેમનો બચાવ માન્ય રાખ્યો નહીં અને છોકરાને ૧૨ અઠવાડિયાંની જેલની સજા આપી. ત્યાર પહેલાં એક કાળો ફૂટબોલ ખેલાડી ચાલુ રમતે મેદાનમાં હૃદયરોગનો હુમલો આવતાં બેહોશ થઇ ગયો ત્યારે એક વિદ્યાર્થીએ ટ્‌વીટર પર કાળા ખેલાડી વિશે બેફામ ટીપ્પણીઓ કરી. તેમાં ધીક્કારની સાથેસાથે કાળા-ગોરાના વંશીય ભેદભાવનું તત્ત્વ પણ હતું. તેને આશરે બે મહિના (૫૬ દિવસ)ની જેલની સજા થઇ.

અલબત્ત, અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યની ચર્ચા સાથે બ્રિટનમાં સૌથી ગાજેલો કેસ ‘ટ્‌વીટર જોક ટ્રાયલ’/ twitter joke trial હતો. જાન્યુઆરી, ૨૦૧૦માં પોલ ચેમ્બર્સે હિમવર્ષાને કારણે એરપોર્ટ બંધ થઇ જતાં પોતાની ગર્લફ્રેન્ડને મળવા નહીં જઇ શકાય, તેની નિરાશા વ્યક્ત કરતાં ટ્‌વીટર પર તેણે એમ પણ લખ્યું કે ‘હું એરપોર્ટને ફૂંકી મારીશ.’ એ તો ટ્‌વીટર પર હૈયાવરાળ ઠાલવીને ભૂલી ગયો, પણ અઠવાડિયા પછી ત્રાસવાદવિરોધી દળની પોલીસ તેને શોધતી ઓફિસે આવી પહોંચી. ૨૬ વર્ષનો ચેમ્બર્સ ફાઇનાન્શ્યલ સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. તેને ઉપાડીને આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. એટલેેથી સંતોષ ન થતાં તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો. નીચલી અદાલતે ચેમ્બર્સને દોષી ઠેરવીને જેલ અને દંડની સજા ફટકારી. કેસ થવાને કારણે ચેમ્બર્સની નોકરી ગઇ, અદાલતી કાર્યવાહીમાં સારો એવો ખર્ચ થયો ને બીજે નોકરી મેળવવામાં મુશ્કેલી ઊભી થાય એવો ગુનાઇત ભૂતકાળ પણ લમણે લખાયો.

અલબત્ત, ચેમ્બરર્સના કિસ્સામાં  કીડી પર કટક જેવું બન્યું હતું. તેણે ટ્‌વીટર પર પોતાની નિરાશાનું કારણ લખ્યા પછી એરપોર્ટ ઉડાડી મૂકવાની વાત કરી હતી, જેનો જડ શબ્દાર્થ છોડીને ઘ્વનિ સમજવામાં આવે તો એ સ્પષ્ટ હતું કે તેનો ઇરાદો એરપોર્ટ ફૂંકી મારવાનો ન હતો. તેમ છતાં, પોલીસે અને અદાલતે આકરું વલણ લીઘું એટલે ચેમ્બર્સની તરફેણમાં ઇન્ટરનેટ પર ઝુંબેશ ચાલુ થઇ. બ્રિટનની કેટલીક નામી હસ્તીઓ પણ ચેમ્બર્સના બચાવમાં અને પોલીસની વઘુ પડતી આક્રમકતાના વિરોધમાં ખુલીને બહાર આવી. આખરે, આ વર્ષના જુલાઇ મહિનામાં હાઇકોર્ટમાં કરેલી અપીલમાં ચેમ્બર્સ કેસ જીતી ગયો. હાઇકોર્ટે પણ કાયદાને આટલી જડ કડકાઇથી કામ ન લેવા જણાવ્યું.

બ્રિટનમાં ઇન્ટરનેટ પરની બેફામ વર્તણૂંક કે લુખ્ખાગીરી સંબંધે કરાતા કેસ અને તેમાં થતી સજાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અહેવાલો પ્રમાણે, વર્ષ ૨૦૦૭માં આ પ્રકારે સજા મેળવનારા લોકોની સંખ્યા ૪૯૮ હતી. ૨૦૦૯માં તે ૮૦૦નો આંકડો પાર કરી ગઇ. ગયા વર્ષે ૧,૨૦૦થી પણ વધારે લોકોને અદાલતે ઇન્ટરનેટ પર કાયદાનો ભંગ થાય એવું વર્તન કરવા બદલ દોષી ઠરાવ્યા છે અને એ રીતે, ઓનલાઇન તથા ઓફલાઇન દુનિયા વચ્ચેનો ભેદ ભૂંસી કાઢ્‌યો છે.

આ બધી સજાઓ બ્રિટનના ‘કમ્યુનિકેશન્સ એક્ટ, ૨૦૦૩’/ Communications Act w003 ની કલમ ૧૨૭ અંતર્ગત થાય છે. તેમાં ‘પબ્લિક ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન્સ નેટવર્ક’ (ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહારના જાહેર માળખા) દ્વારા નીતાંત અપમાનજનક, અભદ્ર, અશ્વ્લીલ કે ડરાવે-ધમકાવે એવી સામગ્રી અથવા સંદેશો મોકલવાનો ગુનો  આવરી લેવામાં આવ્યો છે. આ વ્યાખ્યામાં બીજાને અસુખ, અગવડ કે ઉચાટ થાય એવી સામગ્રીને પણ સામેલ કરવામાં આવે છે. તેમાં દોષી પુરવાર થનારને વઘુમાં વઘુ છ મહિનાની સજા અને પાંચ હજાર પાઉન્ડ સુધીનો દંડ થઇ શકે છે.

નાગરિક અધિકારોના રક્ષણ માટે તત્પર જૂથો કાયદાની આ ગતિથી ચિંતિત છે. કેમ કે, ચેમ્બર્સના કિસ્સામાં બન્યું તેમ, ઘ્વન્યાર્થને બદલે શબ્દાર્થને પકડી રાખવામાં આવે તો ફેસબુક-ટ્‌વીટર પર મુકાતી ઘણી સામગ્રી કાયદાના દાયરામાં આવી જાય. એ સંજોગોમાં કટાક્ષ-મસ્તી -થોડી હદ વટાવતી રમૂજોનો પણ ભોગ લેવાઇ જાય અથવા તે ગુનામાં ગણાઇ જાય. આ સ્થિતિ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો પર્યાય ગણાતા ઇન્ટરનેટને લીધે આવે, એ ભારે વક્રતા કહેવાય. તેનો દુરુપયોગ પણ છૂટથી થઇ શકે.

બ્રિટનની સરખામણીમાં અમેરિકામાં ઇન્ટરનેટ પર વ્યાપક છૂટછાટો પ્રવર્તે છે. અમેરિકાના બંધારણના પહેલા સુધારામાં મળેલો અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર ઇન્ટરનેટને પણ લાગુ પડતો હોવાનો ચુકાદો અમેરિકાની સર્વોચ્ચ અદાલતે આપેલો છે. જર્મની જેવા દેશોમાં બીજું બઘું સ્વાતંત્ર્ય ખરું, પણ યહૂદીઓના જનસંહારને લઇને કોઇ મસ્તી ચાલતી નથી. તેની સામે સરકાર કડક હાથે કામ લે છે અને ટ્‌વીટર-ફેસબુક જેવી વેબસાઇટો આ બાબતમાં સ્થાનિક સરકારોના હુકમનું આજ્ઞાંકિત બનીને પાલન કરે છે.

ફેસબુક-ટ્‌વીટર જેવાં માઘ્યમોમાં અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યનો લાભ લેતી વખતે બહેતર એ જ છે કે એ જાહેર મંચ છે એટલું યાદ રાખવું.  અદાલતમાં આરોપી કે ફરિયાદીની વર્તણૂંક અથવા તેની માનસિકતાના પુરાવા તરીકે તેના ફેસબુક કે ટ્‌વીટર એકાઉન્ટર પરની સામગ્રી ખપમાં લઇ શકાય છે અને અદાલત તેને માન્ય પણ રાખી શકે છે. એટલે, ફેસબુક-ટ્‌વીટર પર પથરા ફેંકીને નાસી જવાથી કાયદેસર રીતે કોઇ આપણું કશું બગાડી લેવાનું નથી કે આપણી ક્યાંય નોંધ રહેવાની નથી, એવું પણ માની ન લેવું.

ઇન્ટરનેટના રૂપમાં મળેલી અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યની ભેટનું રક્ષણ કરવામાં રાખીએ, એટલી જ જાગૃતિ તેને લાયક બનવામાં પણ રાખીએ તો એ બમણી ફાયદાકારક નીવડશે.

Tuesday, November 20, 2012

શિવાજી પાર્કમાં ઉદય-અસ્ત


૧૯૬૬ની દશેરાથી ૨૦૧૨ની લાભપાંચમ. શિવાજી પાર્કના મેદાનથી શિવાજી પાર્કના મેદાન સુધી. આ હતી બાળ ઠાકરેની રાજકીય યાત્રા. પરંતુ વચ્ચેનાં ૪૬ વર્ષમાં તેમણે મહારાષ્ટ્રના રાજકારણને તળેઉપર કરી નાખ્યું અને રાષ્ટ્રિય રાજકારણમાં પણ હાજરી પુરાવતા રહ્યા.

સમાજસુધારક પિતા કેશવ ‘પ્રબોધનકાર’ ઠાકરેના પુત્ર બાળ ઠાકરેનો જાહેર જીવનમાં આડકતરો પ્રવેશ કાર્ટૂનિસ્ટ તરીકે થયો. ‘આડકતરો’ એટલા માટે કે તેમનાં રાજકીય ટીપ્પણી-વ્યંગ-તીખાશની, ક્યારેક શિષ્ટાચારની હદો વટાવતી અભિવ્યક્તિનો આરંભ કાર્ટૂનમાં થયો. છતાં કાર્ટૂનિસ્ટ તરીકેનું કામ તેમને કળાકારનો દરજ્જો અપાવે એ બરનું હતું.  એ જ સમયથી તેમના મનમાં ‘મહારાષ્ટ્રને અન્યાય’ અને ‘મરાઠી માણૂંસ’ના હિતના વિચારો શરૂ થઇ ચૂક્યા હોવાનું, તેમના એક સમયના સાથી કાર્ટૂનિસ્ટ આર.કે.લક્ષ્મણે નોંઘ્યું છે. તેનું પરિણામ એ આવ્યું કે ઠાકરેનું કાર્ટૂનસામયિક ‘માર્મિક’ સરવાળે તેમના રાજકીય પક્ષ ‘શિવસેના’ માટેનો તખ્તો તૈયાર કરનારું બની રહ્યું.

શિવાજી પાર્કના મેદાનમાં ૧૯૬૬ની દશેરાએ શિવસેનાની શરૂઆત થઇ. તેનો પાયો સંકુચિત પ્રાંતવાદ અને પરપ્રાંતીયો માટેના અણગમા-ધીક્કાર પર રચાયેલો હતો. ‘અસ્મિતા’ના રાજકારણની એ ખાસિયત હોય છે, કારણ કે ‘અસ્મિતા’ની રાજકીય વ્યાખ્યા ‘પોતાનું સારું’ કરતાં પણ વધારે ‘બીજા ખરાબ’ પર આધારિત હોય છે. ‘શિવસેના’ને  લાંબા સમય સુધી કોંગ્રેસ તરફથી સગવડપૂર્વક આડકતરું પ્રોત્સાહન મળતું રહ્યું. એક સમયે મુંબઇમાં સમાજવાદીઓની બોલબાલા હતી ત્યારે તેમની સામે ઠાકરેને ટેકો આપવામાં કોંગ્રેસને શિવસેનાના પ્રાંતવાદી રાજકારણનો કોઇ છોછ નડ્યો ન હતો.

‘મહારાષ્ટ્રવાદ’ (જો એવું કશું હોય તો)ના રાજકારણમાંથી ધીમે ધીમે ઠાકરેએ કોમવાદની દિશા લીધી. સિત્તેરના દાયકામાં ભીવંડીમાં થયેલાં કોમી રમખાણોમાં શિવસેના તરફ આંગળી ચીંધાઇ હતી. પરંતુ એંસીના દાયકામાં શિવસેના પૂરા કદનો અંતિમવાદી-કોમવાદી રાજકીય પક્ષ બન્યો. મુસ્લિમો વિશે બેફામ વિધાન કરવાં અને શિવસૈનિકોના બાહુબળ-અનિષ્ટ શક્તિપ્રદર્શનથી બધાને ડારો દેવો, એ ઠાકરેની પ્રિય કાર્યપદ્ધતિ બની. એ વખતે મુંબઇ અને મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકારો ન હતી. છતાં, બીજા પક્ષોએ સ્વાર્થવશ કે બીકવશ ઠાકરેની ગેરબંધારણીય અને કાયદાનો છડેચોક ભંગ કરતી ચેષ્ટાઓને ચલાવી લઇને, તેમના તેજવર્તુળમાં અનેક વલયો ઉમેરી આપ્યા. ‘મુંબઇના બેતાજ બાદશાહ’ અને ‘ટાઇગર’ જેવાં ઉપનામોથી તેમના ઉલ્લેખ થવા લાગ્યા, જે કાયદો-વ્યવસ્થા પ્રત્યેની રાજકીય પક્ષોની ઉદાસીનતા અને મૂલ્યનિષ્ઠ રાજકારણના સહસ્ત્રમુખ વિનિપાતનું સૂચક હતું.

સંઘ પરિવારના દાયકાઓના પ્રયાસ પછી દેશના રાજકારણની મુખ્ય ધારામાં ‘હિંદુત્વ’નો પ્રવેશ થયો ત્યારે ઠાકરે એ મુકામ પર પહેલેથી જ બિરાજમાન હતા. હિંદુત્વના રાષ્ટ્રિય ઉદયે ઠાકરેને રાષ્ટ્રિય નેતા તરીકેની આભાસી આભા આપી. મુસ્લિમો અને પાકિસ્તાનને એકરૂપ ગણતા અને એ બન્નેને ભાંડવાના પ્રસંગો ઊભા કરતા ઠાકરે માટે ‘હિંદુહૃદયસમ્રાટ’ જેવું વિશેષણ પ્રયોજાયું અને વ્યાપક ધોરણે ચલણી બન્યું, તે માર્કેટિંગની જબરી સફળતા હતી. કેમ કે, ઠાકરેની ‘હિંદુ’ની વ્યાખ્યામાં દલિતો કે બીજા પ્રાંતના લોકોનો સમાવેશ થતો ન હતો. તેમની વિરુદ્ધ દ્વેષપૂર્ણ અને હિંસક વિધાનો કરવામાં તથા ઉશ્કેરણી ફેલાવવામાં ઠાકરેને જરાય સંકોચ થતો ન હતો.

અસરકારક પ્રતિકાર અને બીજા પક્ષોની રાજકીય ઇચ્છાશક્તિના અભાવે મુંબઇને બાનમાં લેવું એ ઠાકરેની તાકાત અને ‘લોકપ્રિયતા’ ગણાવા લાગ્યાં. શહેરના અંગ્રેજી નામ ‘બોમ્બે’ને બદલીને ‘મુંબઇ’ કરવું કે ‘વિક્ટોરિયા ટર્મિનસ’ને ‘છત્રપતિ શિવાજી ટર્મિનસ’ બનાવવું એ તેમનો મરાઠી અસ્મિતાનો ખ્યાલ હતો, જેને જરાક જ ફેરફાર સાથે વિસ્તારીને હિંદુ અસ્મિતા સુધી લઇ જવામાં આવ્યો. ઠાકરે પ્રકારના રાજકારણીઓનું સમગ્ર રાજકારણ વિરોધ અને ઉગ્રતા-આત્યંતિકતા પર આધારિત હોય છે, જેને ‘વ્યવહારુ’ લોકો સ્પષ્ટવક્તાપણું કહે છે. પોતે જેના નેતા હોવાનો દાવો કરતા હોય, એવા લોકોને સતત બીજાની બીક બતાવીને પોતાની નેતાગીરીના વાવટા ફરકાવવા અને એવા બીધેલા લોકોના હાથમાં હથિયારો પકડાવીને, તેમના જોરે પોતાના વિરોધીઓને દબડાવવા, એ આ પ્રકારના રાજકારણનો મુખ્ય સિદ્ધાંત હોય છે. આ મોડેલને ઠાકરે રાજ્યસ્તરે સ્થાપી શક્યા અને લાંબા સમય સુધી ટકાવી શક્યા. સફળતાના મૂલ્યનિરપેક્ષ પ્રેમીઓ આ બાબતને બિરદાવી શકે છે.

લોકશાહી-બંધારણ જેવી બાબતોમાં શ્રદ્ધા ન ધરાવતા ઠાકરે ચૂંટણી લડ્યા વિના મહારાષ્ટ્ર પર રાજ કરી શક્યા. ભારતના રાજકારણમાં અપવાદો સર્જનારા ઠાકરેની અંતિમ વિધી માટે, અપવાદરૂપે આઝાદી પછી પહેલી વાર, શિવાજી પાર્કના જાહેર મેદાનના ઉપયોગની પરવાનગી આપવામાં આવી. શ્રદ્ધાંજલિના સામાન્ય રિવાજ પ્રમાણે ઠાકરેની વિદાયને ‘એક યુગનો અંત’ ગણાવવી પડે. પરંતુ શિવસેના અને રાજ ઠાકરેના પક્ષની નીતિરીતિ જોતાં, એ યુગનો અંત આવ્યો છે એવું ભાગ્યે જ કહી શકાય.

(તંત્રીલેખ,  'ગુજરાત સમાચાર')

Sunday, November 18, 2012

મૂંગી ફિલ્મોના યુગની બોલકી જાહેરખબરો: ગાંધીજી, સ્વદેશી અને દેશભક્તિનું વ્યાપારીકરણ




ભારતમાં ફિલ્મઉદ્યોગની શરૂઆત અને ચઢતી લગભગ ગાંધીયુગની સમાંતરે થયાં. ગાંધીજી બાળપણમાં જે નાટકથી અત્યંત પ્રભાવિત થયા હતા એ રાજા હરિશ્ચંદ્રની કથા પરથી પહેલી મૂંગી ફિલ્મ ૧૯૧૩માં બની. તેેનાં બે વર્ષ પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. ૧૯૨૦ના દાયકામાં ગાંધીજીના નેતૃત્વ તળે દેશમાં સત્યાગ્રહની લડતનો માહોલ બરાબર જામ્યો. એ ગાળો ફિલ્મો માટે એક માઘ્યમ તરીકે સ્થાપિત થવાનો હતો. ફિલ્મો આજે નવાઇ લાગે, પરંતુ એ વખતે ફિલ્મોની સીધી અને તીવ્ર હરીફાઇ નાટકો સાથે હતી. ફિલ્મો ત્યારે ટૂંકી બનતી અને નાટકો બે-ત્રણ કલાક તો ચાલે જ અને ‘વન્સ મોર’ થાય તે જુદા. નાટકોની જાહેરખબરોમાં પણ આ વાત ગાઇવગાડીને કહેવામાં આવતી હતી (જેનો એક નમૂનો ઉપર મૂક્યો છે)

દાંડીકૂચ (૧૯૩૦) સુધીમાં ગાંધીજીનું નેતૃત્વ અને ફિલ્મઉદ્યોગ પોતાનું સ્થાન કાયમી કરવાના છેલ્લા તબક્કામાં હતાં. બીજા વર્ષે ગાંધીજી ગોળમેજી પરિષદમાં લંડન ગયા, તેના થોડા મહિના પહેલાં ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ (૧૯૩૧) આવી. પારસી નિર્માતા અરદેશર ઇરાનીએ બનાવેલી આ ફિલ્મની બુકલેટ ગુજરાતીમાં પણ હતી. (‘આલમઆરા’ના ‘લેડીઝ સ્પેશ્યલ’ શોની વિશિષ્ટ જાહેરખબર આ લેખ સાથે છે.)


અમદાવાદમાં એક વર્ષ પછી પણ, ઘીકાંટા પાસે આવેલી નોવેલ્ટી ટોકીઝમાં ‘આલમઆરા’ રજૂ થઇ ત્યારે તેની જાહેરખબર આ પ્રમાણે કરવામાં આવી હતીઃ ‘અમદાવાદના આંગણે સ્વદેશી હીંદી, બોલતી ગાતી ફીલમ. હીંદી ભાઇઓને હાથે બનેલી હીંદની હીંદી ભાષામાં હીંદી એક્ટરોના એકત્ર બળથી તૈયાર થયેલી શ્રી ઇમ્પીરીયલ મુવીટોનની સળંગ બોલતી ફીલમ.’

‘હીંદ’ અને ‘હીંદી’નું આટલું પુનરાવર્તન કર્યા પછી પણ ‘સ્વદેશી’નો મુદ્દો વધારે ધુંટવા માટે તેમાં લખ્યું હતું ‘અત્યાર સુધી ચીત્રપટો  મુંગાં આવતાં હતાં. પરંતુ હવે તમારા માનીતા એક્ટરોને સાંભળવાની તમોને ઉમદા તક મળી છે. તમો તેમને ગાતા તથા વાતચીત કરતા જોશો. ૧૦૦ ટકા બોલતી ગાજતી વાજતી ભાષણો સંવાદો ગાયનો નાચના સુંદર દેખાવો સ્વદેશી હુનરની આ કીર્તીવંત ફતેહ છે એમ તમો જરૂર કબુલ કરશો. જ્યારે અત્યારે સ્વદેશીનો જમાનો છે, ત્યારે હજારોના ભોગે તઇયાર થયેલી તથા હજારોના ભોગે જ જહેમતથી આ ફીલમ રજુ થાય છે...’

ગાંધીજીને જોકે ફિલ્મો સાથે કશો સંબંધ ન હતો અને ગોળમેજી પરિષદ નિમિત્તે લંડનરોકાણ દરમિયાન, ચાર્લી ચેપ્લિનને મળતાં પહેલાં ‘એ કોણ?’ એવું પણ ગાંધીજીએ પૂછ્‌યું હતું. બીજી તરફ, ફિલ્મઉદ્યોગને, કમ સે કમ માર્કેટિંગ પૂરતો સ્વદેશી અને ગાંધીજીમાં ભરપૂર રસ હતો. ઐતિહાસિક-પૌરાણિક ફિલ્મો દ્વારા પ્રાચીન ‘આર્યભૂમિ’નું ગૌરવ કરીને પ્રેક્ષકોને ખેંચવા માગતા ફિલ્મવાળાને ગાંધીજીનાં સત્યાગ્રહ અને સ્વદેશી  અને આઝાદીની ચળવળમાં પોતાના ધંધાના માર્કેટિંગની ઘણી તક દેખાઇ હતી. એ ગાળાની ફિલ્મોની જાહેરખબરોમાં પણ તે જોવા મળે છે. નમૂના લેખે  અહીં મૂકાયેલી ‘આદર્શ અબળા’ ફિલ્મની જાહેરખબર વાંચો.


સ્વાતંત્ર્ય સંગ્રામને સાંકળતી ઇમ્પીરીયલ સ્ટુડિયોની ફિલ્મ ‘અમારૂ હિન્દુસ્થાન’ની જાહેરખબરમાં લખાણ છેઃ ‘બ્રહ્માંડો પલટે, યુગયોગો ઉગે કે આથમે, આસમાનો તૂટે અને આખી આલમમાં અજબ પરીવર્તન આવે છતાં એ અમર આર્યાવર્તનો ઝંડો તો અફર અને અણનમજ રહેશે...એ ઝંડાધારીઓ કોણ છે? માતૃભૂમી માટે માથા કેમ મુકે છે? એ જોવા માટે આ ફીલ્મ જરૂર જોજો.’ (આ અને હવે પછીનાં દરેક જાહેરખબરીયાં લખાણોમાં જોડણી-વાક્યરચના અસલ પ્રમાણે). આટલા માર્કેટિંગથી સંતોષ ન થતાં જાહેરખબરમાં લખવામાં આવ્યું છેઃ ‘આર્યાવર્તની આઝાદી પ્રકટે માટે આ ફીલ્મ જોવા જરૂર ત્હમારા માનીતા સીનેમામાં પધારજો.’

હિંદી ફિલ્મનું એક અંગ્રેજી નામ રાખવાની એ સમયની સ્ટાઇલ પ્રમાણે ‘અમારૂ હિન્દુસ્થાન’નું અંગ્રેજી નામ હતું ‘ફાધર ઇન્ડિયા’.  આ નામ આપવા પાછળનું સંભવિત કારણ અમેરિકન પત્રકાર કેથરિન મેયોનું પુસ્તક ‘મધર ઇન્ડિયા’ હશે. એ પુસ્તકમાં ભારતની નકરી બદબોઇ કરવામાં આવી હતી, એવું એ વખતના નેતાઓને લાગ્યું હતું. ગાંધીજીએ આ પુસ્તકને ‘ગટર ઇન્સ્પેક્ટર્સ રીપોર્ટ’ ગણાવ્યું હતું. એનો સંદર્ભ લઇને ‘અમારૂ હિન્દુસ્થાન’ની જાહેરખબરમાં  લખાયું હતુંઃ ‘ગટર મુકાદમ તરીકે નામચીન થએલી મીસ મેયોએ પ્રચારેલા ઝેર સામે આ ચિત્રપટ અમૃત સંજીવનીસમું ઝળકી ઉઠે છે.’ (૧૯૩૦)

‘કૃષ્ણ ફિલ્મ કંપની’એ ‘નવચેતન’ના તંત્રી ચાંપશીભાઇ ઉદ્દેશીની નવલકથા પરથી એ જ નામે બનાવેલી મૂંગી ફિલ્મ ‘તાતી તલ્વાર’ની આખા પાનાની જાહેરખબરમાં મોટું મથાળું ચમકે છેઃ ‘જ્યાં વિદેશી ફિલ્મો ફરકતી ત્યાં સ્વદેશી ચિત્રપટ ચમકે છે.’ અને તળીયે સૂચના છે,‘આવતા ગુરૂવારે- સ્વદેશી કળાના ઉત્તમ નમુનાને નીરખવા તૈયાર રહેજો.’ (૧૯૩૦) બીજા વર્ષે ‘કૃષ્ણ’ની ફિલ્મ ‘અમર કીર્તી’ની જાહેરાતમાં આ પંક્તિઓ મૂકવામાં આવી છેઃ ‘અમર કીર્તી’ને કાજ, ગાંધી ગુજરાતે ભમે/ સંભળાએ વીરહાક, સ્વતંત્ર થાવા આવજો.. ત્યાર પછીનું લખાણ છે, ‘દેશ અત્યારે સળગી રહ્યો છે ત્યારે તમારી ફરજ શું છે? એ વીચારો, અને માતૃભૂમીની મદદે ટુટી પડો. પરંતુ તે પહેલાં તમે ‘અમર કીર્તી’ કેમ રાખવી તે નજરે નજર જુઓ અને શીખો...શ્રી કૃષ્ણ ફીલ્મ કુંપની કૃત જમાનાનું જ્વલંત ચીત્રપટ..અમર કીર્તી.’

૧૯૩૨માં ગાંધીજીના ભાષણની ‘ફક્ત કૃષ્ણ કંપનીએ’ ઉતારેલી ફિલ્મની જાહેરખબર પણ જોવા મળે છે. તેમાં જણાવાયું છે, ‘મહાત્માજીના દર્શનનો લાભ તથા ભાષણ સ્પષ્ટ સાંભળવા સહકુટુંબ પધારો.’


સિનેમા અંગે ગાંધીજીના મનમાં કદી ભાવ પેદા ન થયો કે ન કોઇ ફિલ્મવાળાને તેમના સીધા કે આડકતરા આશીર્વાદ હતા. ‘રામરાજ્ય’ ફિલ્મ ગાંઘીજીને બહુ ગમી હોવાની વાત જૂના વખતથી ચાલી આવતી દંતકથા જ છે. એ ફિલ્મના આર્ટ ડાયરેક્ટર અને ગુજરાતી ચિત્રકાર કનુ દેસાઇના સૂચનથી ગાંધીજીને આ ફિલ્મ બતાવવામાં આવી હતી. ત્યાર પહેલાં કોઇની ખોટી સમજાવટથી મીરાબહેને ગાંધીજીને ‘મિશન ટુ મોસ્કો’ નામની અંગ્રેજી ફિલ્મ બતાવી હતી. તેના પ્રતિભાવમાં ગાંધીજીએ ચબરખીમાં લખ્યું હતું, ‘આવા નાગા નાચ મને દેખાડવાનું શું સૂઝ્‌યું?’ ‘રામરાજ્ય’ની વાત આવી એટલે ગાંધીજીએ કહ્યું, ‘એક વિલાયતી ફિલમ જોવાની ભૂલ કરી. એટલે હવે બીજી કરવી જ પડશે ને?’ બહુ રકઝક પછી તેમણે ફિલમ જોઇ અને તેમને જરાય ન ગમી, એવું શાંતિકુમાર મોરારજીએ ‘ગાંધીજીનાં સંસ્મરણો અને બીજી સાંભરણો’માં નોંઘ્યું છે.




‘મારું ચાલે તો હિંદુસ્તાનભરમાંથી સિનેમા થિયેટરની જગ્યાએ કાંતણ થિયેર ઊભાં કરું. જુદી જુદી હાથકળાની સામગ્રીઓ થિયેટરમાં બનાવું.’ એવું કહેનાર ગાંધીજીને સિનેમા સામે ગંભીર વાંધા હતા. ‘મને ઘણા ખૂબ સમજાવે છે કે સિનેમા જોવાથી ઘણો બોધ મળે છે, પણ મને તો એ વાત ગળે ઊતરતી જ નથી. એક તો એ બંધિયારમાં બેસવાથી શ્વાસોચ્છ્‌વાસ રૂંધાય છે. હું તો બહુ નાનો હતો ત્યારે આવા થિયેટરમાં ગયો હતો...છાપાંઓમાં આપણાં નટનટીઓની જાહેરખબરો દ્વારા કેટલા ગંદા ફોટા મૂકવામાં આવે છે? અને વિચાર તો કરો કે એ નટનટીઓ છે કોણ? આપણી જ બહેનો અને આપણા જ ભાઇઓ છે. પૈસાની બરબાદી સાથે આપણી સંસ્કૃતિની બરબાદી થાય છે. જો કોઇ મને આ દેશનો વડોપ્રધાન બનાવે તો...સિનેમા થિયેટર તદ્દન બંધ જ કરાવું અથવા કદાચ એટલી છૂટ મૂકું કે કેળવણી કે કુદરતી દૃશ્યો બતાવાય તેવાં જ ચિત્રો બતાવું...હું સરકારને ત્યાં સુધી સૂચવું કે, આવી જીવન હણે એવી પ્રવૃત્તિઓ પર એવો સખત કર નાખો...’ (તા. ૨૭-૫-૧૯૪૭, ‘બિહાર પછી દિલ્હી’)

રીચાર્ડ એટેનબરોની ‘ગાંધી’ ફિલ્મ અને તેની પ્રચંડ સફળતા જોઇને ગાંધીજીએ શું કહ્યું હોત? એ બીજા લેખનો- કદાચ હાસ્યલેખનો- વિષય છે.

Sunday, November 11, 2012

ફિલ્મઉદ્યોગની શતાબ્દિનો અજાણ્યો ખૂણો: મૂંગી ફિલ્મો, બોલકી જાહેરખબરો



સમય, સમાજ અને પ્રચલિત ભાષાનું પ્રતિબિંબ સાહિત્યમાં, સમાચારોમાં અને લખાણોમાં શોધવાની પ્રથા જાણીતી છે. આ યાદીમાં જાહેરખબરોનો ભાગ્યે જ સમાવેશ થાય છે.

જાહેરખબરો- એડવર્ટાઇઝમેન્ટ્‌સ નથી કળા કે નથી સાહિત્ય. તેમાં સમાચાર પણ નથી હોતા ને સચ્ચાઇ પણ ઘણી વાર સંદેહાસ્પદ હોય છે. એ બઘું બરાબર. છતાં, જાહેરખબરોમાં વીતેલા સમયની ઘણી રંગછટાઓ ભળેલી હોય છે. માત્ર ધંધાદારી કે ‘પેઇડ’ હોવાને કારણે, તેમનું મૂલ્ય ઓછું આંકી શકાય નહીં. હા, એ માપવા માટેની ફૂટપટ્ટી જરા બદલવી પડે.

જેમ કે, ફિલ્મની જાહેરખબરો. એ કામ હવે મોભાદાર અને સર્જકતા માગી લેતું ગણાય છે. તેમાં છાપાં-સામયિકો ઉપરાંત વિડીયો, રેડિયો અને ઇન્ટરનેટ જેવાં માઘ્યમોનો ઉમેરો થતાં, જાહેરખબરોનું સ્વરૂપ બદલાયું છે. પરંતુ ભારતમાં ફિલ્મોનો આરંભ થયો ત્યારે પ્રસારમાઘ્યમોનો વ્યાપ - અને સાક્ષરતાનું પ્રમાણ- આટલાં વિશાળ ન હતાં. વર્ષો સુધી ફિલ્મ અને તેની સાથે સંકળાયેલી તમામ બાબતો પ્રત્યે કહેવાતો ‘સભ્ય સમાજ’ નાકનું ટીચકું ચઢાવતો હતો. પ્રતિષ્ઠિત ગણાતાં સામયિકોને ફિલ્મોની જાહેરખબરો છાપવામાં શરમ આવતી હતી ને હીણપત લાગતી હતી. પરંતુ ‘વીસમી સદી’ (હાજી મહંમદના મૃત્યુ પછી તેમના પુત્રે ચાલુ કરેલો બીજો અવતાર), ‘બે ઘડી મોજ’ જેવાં સાહિત્યિકતાના ભાર વગરનાં ભેળપુરી સામયિકોને એવો કોઇ છોછ નડતો ન હતો.


પરિણામે, ફિલ્મઉદ્યોગનાં ૧૦૦ વર્ષ નિમિત્તે જૂની- ખાસ કરીને બોલતી ફિલ્મ પહેલાંના સમયની જાહેરાતો શોધવાની થાય, ત્યારે એ ગાળાનાં ‘કુમાર’ જેવાં માતબર સામયિકો ખપ લાગતાં નથી ને ‘પરચૂરણ’ ગણાયેલાં સામયિકો ઘણુંખરું જોવા મળતાં નથી.  અખબારોમાં ફિલ્મની જાહેરખબરો આવતી હતી, પણ જાહેર પુસ્તકાલયોના સંગ્રહમાં એટલાં જૂનાં અખબાર મળે નહીં.

ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ ૧૯૩૧માં રજૂ થઇ. ત્યાર પહેલાં ૧૯૧૩થી મૂંગી ચાલુ થયેલી મૂંગી ફિલ્મોનો દૌર કેવો હતો? એ ઇતિહાસ પર પ્રકાશ પાડતાં થોડાં સંશોધન થયાં છે, પણ જાહેરખબરોના માઘ્યમથી એ સમય તપાસવાની જુદી જ મઝા છે. તેમાં આઠ-નવ દાયકા પહેલાંની ફિલ્મી દુનિયા ઉપરાંત એ સમયની ગુજરાતી ભાષા તથા પ્રચારના તરંગતુક્કાગતકડાંનો પણ આબાદ અને કંઇક અંશે રમૂજી ખ્યાલ મળે છે.

જેમ કે, માર્ચ ૧૯૨૮માં છપાયેલી ‘કોહિનૂર ફિલ્મ કંપની’ની  ‘વીરાંગના’ ફિલ્મની જાહેરખબર. તેના લખાણમાં મથાળે આગાહી કરવામાં આવી છે, ‘આ અઠવાડીયામાં- સીનેમા બજારમાં મોટી ઉથલપાથલ થશે તમાશબીનોનાં ટોળેટોળાં સીનેમા મેજેસ્ટીકમાં ઉતરી પડશે. કારણ- ગંજાવર ખરચે તૈયાર કરેલી મી.દવેની લખેલી નવી કોહીનુર ફીલ્મ- વીરાંગના.’ (જોડણી અસલ પ્રમાણે) ‘આ અઠવાડીયામાં જ રજૂ થઇ છે કે જેમાં જાણીતા નટ મી.ખલીલ, મી. ગનીબાબુ ને મુંબઇની રંગભુમીનો માનીતો કોમેડીયન શીવોભાઇ, મીસ યકબાલ, મીસ હીરા વીગેરે કમાલ કરે છે.’

જાહેરખબરમાં હજુ વજન ખૂટતું હોય તેમ, તળીયે ઉમેરવામાં આવ્યું છે,‘આ ફીલ્મમાં ૧૦૦૦ આદમી, ૫૦૦ પોઠીયા, ૨૦૦ ઘોડા, ૧ ઊંટ, ૧ હાથીનો ઉપયોગ કરી આરય (આર્ય) રમણીઓનાં શીયળ, વીરતા, ક્ષમા ને ગૃહીણીના ઉચ્ચ ગુણોની અદ્‌ભૂત આદર્શ ઘટના રજુ કરવામાં આવી છે.’

સાર્થ જોડણી કોશ તૈયાર થયો એ પહેલાંની આ જાહેરખબરોમાં જોડણીની અને ભાષાની અપરંપાર અરાજકતા જોવા મળે છે. (એનો અર્થ એમ નહીં કે પછી એ સુધરી ગઇ.) ‘કોહિનૂર’ની જ ૧૯૨૯ની ફિલ્મ ‘વીરપૂજન’ની જાહેરખબરમાં લખ્યું છે, ‘આ ફિલ્મ ત્હમને ખરેખરા અભિનય અને લલિત્વનું ભાન કરાવશે...માટે બઘું ભૂલજો! પરંતુ આ અઠવાડીએ આ ફીલ્મ જોવાનું રખે ચૂકતા’ એવી તાકીદ કરવામાં આવી છે.


સામાજિક સમસ્યાઓના નામે ફિલ્મની જાહેરાતોમાં થતી મસાલેદાર રજૂઆતો પણ અત્યારે મનોરંજક લાગે એવી છે.  કનૈયાલાલ મુનશીની નવલકથા પરથી ‘કૃષ્ણ ફિલ્મ કંપની’એ બનાવેલી ફિલ્મ ‘કોનો વાંક?’ (૧૯૨૯)ની જાહેરખબરના મથાળે લખ્યું છે, ‘હિન્દુ સમાજ માને છે- શું? યુવતિ વિધવા એટલે સંસારની પતિતા, સમાજ ત્હેને અધઃપતનની ઉંડી ગર્તામાં હોમી દે છે. એવી સંસારની પતિત કહેવાતી વિધવાની કરૂણ કહાણી ત્હમે કોઇ વખત સાંભળી છે?’  મોટા અક્ષરે ફિલ્મનું નામ લખ્યા પછી બે જ લીટીમાં અપાયેલો કથાસારઃ ‘એક વિધવાનો એક એક આંસુ સમાજનું નખ્ખોદ વાળવાનો ભયંકર ઘોરી શાપ આપી રહ્યો છે. અહા! એ વિધવાનો કરૂણ અવાઝ અને ચિતાર જોવો હોય તો, જરૂર ત્હમારા કુટુંબ સહિત આ ફિલ્મ જોવાને ચૂકવું નહિં.’

ફિલ્મની જાહેરખબરના મથાળે પંક્તિઓ કે નવા-જૂના દુહા મૂકવાનું ચલણ ઘણી જાહેરખબરોમાં જોવા મળે છે. ‘સુરેશ ફીલ્મ્સનું માસ્તરપીસ પ્રોડક્ષન’ ગણાવાયેલી ૧૯૩૦ની ફિલ્મ ‘સોનેરી ખંજર’ની જાહેરખબરમાં મથાળે પંક્તિઓ છેઃ ‘ખેલાડી પેંતરા જાણે, બીજા ખેલાડીના/ અંધારે પણ ઉંદરને, શોધશે ડોળા બિલાડીના’. આવી ‘ભેદી’ પંક્તિ પછી એક શ્વાસે રજૂ થયેલો ફિલ્મનો કથાસાર, ‘મુતસદીગીરીનો મહાન ઉસ્તાદ મુછ પર લીંબુ ઠરાવનાર બાપ, પોતાની સગી પુત્રીને રાજ ખટપટની શેતરંજની એક સોગઠી બનાવી બે ભાઇ વચે એક વેશયા તરીકે વેચાવી પોતાનો અધઃપાત સોનેરી ખંજરથી કરી મૂકે છે તેનો ત્રાસ- અતી ત્રાસ- દારૂણ ત્રાસ ઉપજાવતો ચીતાર રજૂ કરતું...’

‘મિત્ર મિત્રમાં ફેર છે, બહુધા મતલબી માન/ સમય પરે પરખાય છે, સન્મિત્ર કે શયતાન!’ એવી પંક્તિના મુગટ સાથે આવેલી ‘સન્મિત્ર કે શયતાન’ (૧૯૨૯)ની જાહેરખબરમાં ‘ફક્કડ ફોટોગ્રાફી’નું વર્ણન આ શબ્દોમાં કરવામાં આવ્યું છેઃ ‘ઉંચ્ચા ટેકરા, ડોલતા પર્વતો અને ખીણોમાં ખાબકતા ઘોડાનાં ધમાસાણોનાં દૃશ્યો શ્રી ચતુરભાઇએ કેમેરાની કાતિલ ખુબીથી ઉતાર્યાં છે. તમાશબીનોને ખરે જ તાજુબ કરે એવી આ ફીલમ જો કોઇ નહીં જુએ તે ખરેખર જીંદગીની એક અમુલ્ય તક ગુમાવશે.’


‘કૃષ્ણ’ની ફિલ્મ ‘શૂરાના સંગ્રામ’ની જાહેરાતમાં સૌથી પહેલાં વીસમી સદીનાં યુદ્ધોની ઝાટકણી આ રીતે કાઢવામાં આવી છેઃ ‘વીસમી સદીનાં યુદ્ધો એટલે? વિશ્વાસઘાત, દાવપેચ, કુટીલતા અને કાયરતાનાં પ્રદર્શનો, યાંત્રિક સાધનો અને વૈજ્ઞાનિક વિઘાતક વસ્તુઓના નિર્દય પ્રયોગો.’ પછી જાહેરખબર ‘મેરા ભારત મહાન’ના રસ્તે વળી જઇને કહે છે, ‘પરંતુ હિંદુસ્તાનના એ સુવર્ણ યુગમાં તો સામસામા શૂરાના સંગ્રામ ખેલાતા- નીતિ અને ધર્મપૂર્વક વીરનાં વેર લેવાતાં- શત્રુની મુસીબતનો લાભ લઇને કાયરતાભર્યા હુમલાઓ ન થતા- બલ્કે દુશ્મનની દીકરીને પોતાની દીકરી માની મદદ કરતા. એ જમાનાની, સોરઠના ઇતિહાસમાંથી ઉતારેલી એક વીરરસથી ભરપૂર ફિલ્મ...’ ‘આર્યન ફિલમ કુંપની’ કૃત ‘ઠકસેન રાજપૂત્ર’ (૧૯૨૯)ની જાહેરખબરમાં કરાયેલો દાવો જ વીરરસથી ભરપૂર છેઃ ‘જૂના જમાનાની શમશીર ને પટાબાજીની રમતોને ઉલથાપ આપનારા દાવપેચો જોઇને તમારામાં એક શેર તાજું લોહી આવશે.’

‘લીટલ ફિલમ કુંપની’ તેની ફિલ્મ ‘ખૂની કોણ?’ (૧૯૨૯) વિશે કહે છે, ‘અત્યારે મારફાડ ને દોડધામની ફિલમો સાધારણ  થઇ પડી છે. તેમાં આ ફિલમની કળા તમને કાંઇ જુદો જ ખ્યાલ આપશે...માર મારના વરસાદમાં પણ આવજો. આવી ફિલમ જોવાની તક ફરી ફરી હાથ આવતી નથી...દિલ્ચષ્પ પ્લોટ અને વાર્તા જોઇ છક્ક થશો.’ ‘રૂક્ષ્મિણીહરણ’ (૧૯૨૯)જેવી ફિલ્મોમાં પ્લોટ તો જાણીતો જ હોય. ત્યારે દર્શકોને કહેવામાં આવતું,‘જેનું રહસ્ય તમે જાણો છો તથા વાંચ્યું હશે, પણ તેનો આબેહૂબ ચીતાર જોવા તમે ત્હમારા બાળગોપાળ સહિત જરૂર પધારો.’

(મૂંગી ફિલ્મોની અને શરૂઆતના ગાળાની બોલતી ફિલ્મોની અજબગજબ જાહેરાતો વિશે વઘુ આવતા સપ્તાહે)

Wednesday, November 07, 2012

દિવાળીના નાસ્તા વચ્ચે રાજકીય ચર્ચા

ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ હજુ જોઇએ એવું જામ્યું નથી. ‘કોને જોઇએ એવું?’ એવો સવાલ અસ્થાને છે. શાસકપક્ષ વઘુ એક વાર એક તગડા ‘ગુજરાતશત્રુ’ની શોધમાં છે. છે કોઇ કાલ્પનિક-વાસ્તવિક પાત્ર, જેનાથી ગુજરાતીઓને ‘હું નહીં હોઉં તો બાવો પકડી જશે’ સ્ટાઇલમાં બીવડાવી શકાય? અને જેનાથી છ કરોડ ગુજરાતીઓના રક્ષણનો દાવો કરી શકાય? ફળદ્રુપ કલ્પનાશીલતા ધરાવતા લોકો પોતપોતાની કલ્પના - અને યોગ્ય વળતરની અપેક્ષા-સાથે શાસક પક્ષનો સંપર્ક સાધી શકે છે.

દરમિયાન, વિરોધ પક્ષે એટલા બધા મુદ્દા શોધી કાઢ્‌યા છે કે મતદારોની હાલત પચાસ-પંચોતેર વાનગીઓના બુફે ડીનરમાં પહોંચી ગયેલા નિમંત્રીતો જેવી થઇ શકે છે. વઘુ પડતી પસંદગીના ગૂંચવાડાને લીધે, જમનાર મૂંઝાઇ જાય અને ‘આના કરતાં તો ઘરનાં ખીચડી-કઢી સારાં’ એવા નિષ્કર્ષ પર પહોંચે, એવું પણ બનતું હોય છે.

ચૂંટણી નજીક આવશે તેમ દરેક ચર્ચાનું ચૂંટણીકરણ થવા લાગશે. રાજકારણના રસિયા જીવોને જડચેતનઅર્ધચેતન તમામ પદાર્થો ચૂંટણીરંગે રંગાયેલા લાગશે. તો પછી દિવાળી નિમિત્તે આવનારા નાસ્તા ને મીઠાઇઓ તેમાંથી કેવી રીતે બાકાત રહી શકે?

ધારો કે જુદા જુદા દિવાળીનાસ્તા વચ્ચે ગુજરાતની ચૂંટણીસંબંધી રાજકીય ચર્ચા છેડાઇ જાય તો?

***

ચોળાફળીઃ (નિઃસાસાના સૂરમાં) આવી ગઇ વઘુ એક ચૂંટણી. અમારામાંથી ઘણા સંગઠનનું કામ કરવામાં જ ઘસાઇને લાંબા થઇ ગયા.  છતાં ચૂંટણી જીત્યા પછી કોઇ એમનો ભાવ સરખો પૂછતું નથી.ઉપરથી અમારી ગેરહાજરીમાં એવું કહેવામાં આવે છે કે ‘ચોળાફળી આમ બહુ સરસ, પણ એ એક જ વાર લેવાય. બીજી વાર લઇએ તો તબિયત બગાડે.’ આ કુપ્રચાર વિશ્વસનીય લાગે એટલે તેને ‘નો રીપીટ થીયરી’ જેવું નામ આપવામાં આવ્યું છે... ખરેખર, હવે બહુ થયું. આપણી આ છેલ્લી દિવાળી...એટલે કે છેલ્લી ચૂંટણી.

ધુઘરોઃ (પોતાની ફુલેલી દેહયષ્ટિ ભણી ગૌરવછલકતી નજર નાખીને) એમ લાંબા થઇ જવાથી રાજકારણમાં આગળ આવી જવાતું હોત તો અમિતાભ બચ્ચન ક્યારનો વડાપ્રધાન બની ગયો ન હોત? આપણામાં જુદી જાતનો મસાલો હોવો જોઇએ. સમજ્યા? ખિસ્સાં ભરેલાં ને તેમાં રહેલો મસાલો વેરવાની તૈયારી રાખવી પડે. બાકી, સંગઠનવાળા તો ધક્કાફેરા ને મજૂરીનાં કામ આવે ત્યારે જ બધાને યાદ આવે છે. મને યાદ છે, પહેલાં મારું ખિસ્સું ભરેલું ન હતું ત્યારે લોકો મને ‘પૂરી’ કહેતા હતા ને મારી મજાક ઉડાવતા હતા.

મઠિયાં: સાવ એવું પણ નથી. મારું ખિસ્સું ભરેલું દેખાય છે? છતાં અમે  કેટલાં લોકપ્રિય છીએ. ગુજરાતમાં નેનો પ્લાન્ટે જેટલી રોજી પેદા નહીં કરી હોય, એટલી અમારા થકી લોકોને મળી છે. અમારા લીધે કેટલાંય ઉદ્યોગગૃહો, આઇ મીન ગૃહઉદ્યોગો, કમાઇ ગયા ને બે પાંદડે નહીં, બે સેઝે થઇ ગયા. ચોળાફળીઓને આવડ્યું નહીં. મેં એમને પૂછ્‌યું હતું કે બોલો, અમારી ટીમમાં રહેશો? પણ ચોખ્ખો જવાબ આપવાને બદલે એ લોકો કે’શું, કે’શું- એમ કહીને ટાળતા રહ્યા ને પછી કહેવા બેઠા ત્યારે બહુ મોડું થઇ ગયું હતું.

ચોળાફળીઃ હા, ભઇ. કહેવામાં મોડું થયું એ તો લાગે જ છે. આપણે ત્યાં કોઇ એક વાર ચાલે એટલે ચાલી નીકળે. પછી કોઇ બહુ વિચારતું નથી. બાકી મઠિયાં ખાધા પછી દાઢે વળગે કે ન વળગે, પણ દાંતે તો ચોંટે જ છે. છતાં મઠિયાંનું ઇમેજ બિલ્ડિંગ જ એવું થયું કે જાણે એ ગુજરાતની  સંસ્કૃતિનાં પ્રતિનિધિ અને ગુજરાતની અસ્મિતાનો પર્યાય હોય. ગુજરાતમાં તો ઠીક, ઇંગ્લેન્ડ-અમેરિકામાં પણ ગુજરાતોએ ‘ગુજરાતી નાસ્તો એટલે મઠિયાં ને મઠિયાં એટલે ગુજરાતી નાસ્તો’ એવું ફેલાવી દીઘું.

મઠિયાં: આ બધી તો જૂની વાત થઇ. હવે મારી ગણતરી ગુજરાતી નહીં, રાષ્ટ્રિય નાસ્તા તરીકે થાય છે. બ્રિટિશ એરવેઝની ફ્‌લાઇટમાં વેજિટેરિયન મુસાફરોને નાસ્તામાં મઠિયાં અપાય એવી પણ વાત છે.

ચોળાફળીઃ અમે લોકોને કહી કહીને થાક્યા કે ‘હવે મઠિયાં ક્યાં સુધી ખાધા કરશો? કંઇક બદલો. પરિવર્તન કરો.’

ફરસી પુરીઃ પણ જેવું તમે કહો કે ‘પરિવર્તન એટલે મઠિયાંની જગ્યાએ ચોળાફળી’, એ સાથે જ બાકીના બધા હસવા લાગે છે. તમારી પીઠ પાછળ કહે છે પણ ખરા કે ‘મઠિયાં ને ચોળાફળી- બન્ને એક જ ફેક્ટરીમાંથી બહાર પડેલાં છે. એમાં પરિવર્તન ક્યાં આવ્યું?

સુંવાળીઃ એક વખતે અમારું મહત્ત્વ પણ આટલું જ હતું.  એક જ થાળીમાંથી અમે ખવાતાં, ભૂકામાં ફેરવાતાં અને દિવાળીના તહેવારો પૂરા થયા પછી બનતી વધેલા નાસ્તાની ભેળમાં પણ અમે સાથે જ ઠલવાતાં. હવે તો જાણે અમે કોઇને યાદ જ આવતાં નથી. ઘણા સ્વાદશાસ્ત્રીઓ કહે છે કે ગુજરાતમાં લોકોને ચટાકેદારનો ચસકો લાગ્યો છે એટલે સુંવાળીનો સ્વાદ તેમને નહીં ભાવે.

મગસઃ ખોટી વાત છે. આ બધી માર્ક્‌સવાદી સ્વાદશાસ્ત્રીઓની કાલ્પનિક થીયરી છે. ગુજરાતીઓને ફક્ત ચટાકેદાર જ ભાવે છે એ વાત સાચી હોત, તો અમે પણ ડાયનોસોરની માફક દિવાળીના નાસ્તાની થાળીમાંથી લુપ્ત ન થઇ ગયા હોત?

કાજુકતરી (આળસ મરડીને): એટલે તમે એમ કહેવા માગો છો કે તમે હજુ ‘વેરી મચ ઇન’ છો? તમને ખબર લાગતી નથી કે દિવાળીની શહેરી ‘થાળી’માંથી તમને ક્યારની વિદાય મળી ગઇ છે.

મગસઃ પણ અમે ગાંધીવાદી સંસ્કાર ધરાવીએ છીએ.બાપુએ કહ્યું હતું કે  અસલી ભારત તો ગામડાંમાં વસે છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ અમારું ચલણ છે.

રતલામી સેવઃ આવા ને આવા ભ્રમમાં રાચવાને કારણે અને બીજું કશું કર્યા વગર ગાંધીનું નામ વટાવી ખાવાની ફિરાકમાં ગુજરાત કોંગ્રેસની હાલત કેવી થઇ હતી, ખબર નથી? પોતાનો પક્ષ કદી ગુજરાતનો શાસક પક્ષ હતો, એ વાત જ કોંગ્રેસના ઘણા નેતા ભૂલી ગયા...પણ જવા દો. અમે સાચું કહીએ ત્યારે અમારી વાત બધાને બહુ તીખી લાગે છે.

સાદી સેવઃ એ રતલામી સેવ, તારે ગુજરાતની બાબતમાં માથું મારવાની જરૂર નથી. તું બહારની હોવા છતાં તને માનપાન આપીએ એનો અર્થ એવો નહીં કે તારે ગાંધીજી વિશે એલફેલ બોલવાનું.

રતલામી સેવઃ જોયું? કહ્યું’તું ને કે મરચાં લાગશે? પણ ગાંધીજી વિશે મેં ક્યાં કશું કહ્યું? મેં તો પડ્યા પછી પણ ટંગડી ઊંચી રાખતા મગસના બચાવને રાજકીય સંદર્ભમાં મૂકી આપ્યો.

પૌંઆનો ચેવડોઃ આ ખરું કહેવાય. મગસની ઝાટકણી કાઢો તો ગાંધીનું અપમાન થાય ને મઠિયાંની ટીકા કરો તો ગુજરાતની ટીકા થાય.

બેકરીમાં પડાવેલાં બિસ્કિટ મગસના બચાવમાં કંઇક કહેવાનો પ્રયાસ કરે છે, ત્યારે મઠિયાં ને ચોળાફળી ભેગાં મળીને બિસ્કિટને ‘વિદેશી કુળનાં’ ગણાવીને, ‘આ દિવાળીની વાત ચાલે છે. નાતાલ વિશે વાત કરીએ ત્યારે તું બોલજે’ એમ કહીને તોડી પાડવાનો પ્રયાસ કરે છે. તેનાથી હોહા થઇ જાય છે અને સંસદની જેમ ઘોંઘાટથી ચર્ચાનો અવિધિવત્‌ અંત આવે છે.

Tuesday, November 06, 2012

‘ઇલેક્ટોરલ કોલેજ’નાં કક્કો-બારાખડી

‘સુપરપાવર’ લોકશાહીના પ્રમુખ લોકોના સીધા મતથી ચૂંટાતા નથી


ચૂંટણી ને રાજકારણથી કંટાળો આવતો હોય, પણ અમેરિકાની ચિત્રવિચિત્રતાઓમાં રસ પડતો હોય, તેમના માટે ‘ઇલેક્ટોરલ કોલેજ’/electoral college  સદાબહાર વિષય છે. આશરે બસો વર્ષ પહેલાં અસ્તિત્ત્વમાં આવેલી ‘ઇલેક્ટોરલ કોલેજ’ વાસ્તવમાં કોઇ કોલેજ કે સંસ્થા નહીં, પણ પદ્ધતિનું નામ છે. અમેરિકામાં મંગળવારે થનારું પ્રમુખપદની ચૂંટણી માટેનું મતદાન હકીકતે ‘ઇલેક્ટોરલ કોલેજ’ના સભ્યો- ઇલેક્ટર્સ- ની વરણી માટેનું છે. અમેરિકાના મતદારો સીધા મતદાન દ્વારા પ્રમુખને ચૂંટતા નથી.

એમ તો આપણા દેશમાં મતદારો પણ ક્યાં સીધી ચૂંટણીથી વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને ચૂંટે છે? રાષ્ટ્રપતિ કેવળ બંધારણીય વડા હોવાથી, સરકારના વડા એવા વડાપ્રધાનની વાત કરીએ તો, આપણા મતદારો તેમનો મત વડાપ્રધાનપદના કોઇ ઉમેદવારને આપતા નથી. ભારતના મતદારો પક્ષના કે અપક્ષ ઉમેદવારને મત આપે છે. એ ચૂંટાઇને લોકસભામાં જાય, એટલે ત્યાં બહુમતી ધરાવતા પક્ષના અથવા મોરચાના નેતા વડાપ્રધાન બને છે. આ પદ્ધતિમાં દરેક રાજ્યના કેટલા પ્રતિનિધિ લોકસભામાં જશે, એ તેમની ૧૯૭૧ની) વસ્તીના પ્રમાણમાં નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યની વસ્તી જેમ વધારે, એમ લોકસભામાં તેના સભ્યોની સંખ્યા વધારે અને વડાપ્રધાન કોણ બનશે એ નક્કી કરવામાં તેનું વજન પણ વધારે.

અમેરિકામાં પ્રમુખશાહી પદ્ધતિ છે અને રાજકારણમાં ઘણા સમયથી બે જ પક્ષો છેઃ ભૂરા રંગથી ઓળખાતો ડેમોક્રેટિક/democratic પક્ષ અને લાલ રંગ ધરાવતો રીપબ્લિકન/republican પક્ષ. યાદ રહે કે અમેરિકાના બંધારણમાં ક્યાંય દ્વિપક્ષી રાજકારણનો આદેશ આપવામાં આવ્યો નથી. પરંતુ બંધારણમાં સૂચવાયેલી પ્રમુખ ચૂંટવાની પદ્ધતિ જ એવી છે કે જે રાષ્ટ્રિય રાજકારણમાં ત્રીજા પક્ષને ઉભરવા ન દે. અમેરિકા જેવા વિશાળ ભૌગોલિક વ્યાપ અને ૫૦ રાજ્યોનો પથારો ધરાવતા દેશમાં પક્ષીય પીઠબળ વિના, કેવળ વ્યક્તિગત લોકપ્રિયતાના જોરે, રાષ્ટ્રિય પ્રભાવ મેળવવાનું અશક્યવત્‌ છે. વિશાળતા અને વૈવિઘ્યને દૃષ્ટિએ ભારતનો કિસ્સો અમેરિકાથી પણ વધારે પેચીદો છે. પરંતુ બન્નેના લોકશાહીના અલગ મોડેલ અને સાવ જુદી ચૂંટણીપદ્ધતિઓને કારણે, અમેરિકામાં બે રાજકીય પક્ષો મજબૂત રહ્યા છે અને ‘ઇસ જંગલમેં હમ દો શેર’ જેવી સ્થિતિ ટકી રહી છે. ભારતમાં મુખ્યત્વે પોતાના વાંકે નબળા પડેલા બન્ને મુખ્ય રાજકીય પક્ષો, સ્પષ્ટ બહુમતી મેળવી શકતા નથી. એટલે વઘુ ને વઘુ ઓશિયાળા તથા સ્થાનિક પક્ષોની દયા પર આધારિત બનતા જાય છે.

એનો અર્થ એવો બિલકુલ નથી કે અમેરિકાની ઇલેક્ટોરલ કોલેજ પદ્ધતિ બત્રીસ લક્ષણી છે. બલ્કે, ઘણાને તે બત્રીસ અપલક્ષણી લાગે છે. છતાં, થિયરીની દૃષ્ટિએ ઊભી રહેતી સંભાવનાઓ હજુ વાસ્તવિકતા બનતી નથી, એટલે ઇલેક્ટોરલ કોલેજ પદ્ધતિ તેની બધી વિચિત્રતાઓ સહિત અડીખમ છે.

કેવી છે આ પદ્ધતિ, જે સુપરપાવર દેશના સર્વેસર્વાને ચૂંટતી હોવા છતાં, તેની આંટીધૂંટી કોઇ વિડીયોગેમ જેવી લાગે છે?

પ્રતિનિધિઓની પસંદગી

અમેરિકાની ચૂંટણીમાં પ્રમુખ-ઉપપ્રમુખની ઉમેદવારી સહિયારી હોય છે. જીતે તો બન્ને જીતે ને જાય તો બન્ને જાય. પ્રમુખ ડેમોક્રેટ હોય ને ઉપપ્રમુખ રીપબ્લિકન એવું કે એથી ઉલટું કદી ન બને. અમેરિકાનાં તમામ ૫૦ રાજ્યોમાં એકસાથે એક જ દિવસે (રાજ્યોના પોતપોતાના અનુકૂળ સમય પ્રમાણે) યોજાતી ચૂંટણીમાં મતદારો પ્રમુખ-ઉપપ્રમુખના એક જોડકાને પોતાનો મત આપે છે. પરંતુ તેમનો મત સીધો એ જોડકાને મળતો નથી. અહીં ઇલેક્ટોરલ કોલેજનો કસબ કામે લાગે છે.

અમેરિકાના બંધારણ પ્રમાણે, તેના પ્રમુખની ચૂંટણી સીધી મતદારો દ્વારા નહીં, પણ ઇલેક્ટોરલ કોલેજ- ઇલેક્ટરોના સમુહ દ્વારા થાય છે. દરેક રાજ્યમાંથી તેની વસ્તીના પ્રમાણમાં ઇલેક્ટરની- પ્રતિનિધિઓની સંખ્યા નક્કી કરવામાં આવે છે.  બધા રાજ્યોના મળીને કુલ ૫૩૮ ઇલેક્ટર છે. તેમાંથી ૨૭૦ના મત જે ઉમેદવારને મળે તે પ્રમુખ તરીકે ચૂંટાય.

દરેક રાજ્યમાં બન્ને પક્ષો પોતપોતાના પ્રતિનિધિઓ- ઇલેક્ટર્સની પસંદગી પોતાને ઠીક લાગે એ રીતે કરે છે. ઘણાખરા મતદારો પોતાના રાજ્યના તમામ પ્રતિનિધિઓને ઓળખતા પણ નથી હોતા. છતાં મતદારોના મત હકીકતમાં પ્રમુખપદના ઉમેદવારોને નહીં, પણ આ પ્રતિનિધિઓને જાય છે. ઉદાહરણથી આ વાત વધારે સ્પષ્ટ રીતે સમજી શકાશે.

ધારો કે ઇલેક્ટોરલ કોલેજમાં એક રાજ્યના ૧૫ પ્રતિનિધિ છે. એટલે ડેમોક્રેટિક અને રીપબ્લિકન એમ બન્ને પક્ષો એ રાજ્યમાં પોતપોતાના ૧૫ લોકોનાં નામ પસંદ કરશે. બને કે મતદારોમાંથી ઘણાએ તેમાંથી અમુક નામ સાંભળ્યાં પણ ન હોય. કારણ કે તેમણે પસંદગી પ્રતિનિધિઓ વચ્ચે નહીં, પણ ઓબામા અને રોમ્ની વચ્ચે કરવાની છે. ચૂંટણીના દિવસે એ રાજ્યના મતપત્રક પર બન્ને પક્ષના પ્રમુખ-ઉપપ્રમુખનાં નામ ઉપરાંત તમામ પ્રતિનિધિઓનાં નામ હોવાં જરૂરી નથી. એ માટે દરેક રાજ્યોના જુદા નિયમ છે. મત આપતી વખતે એ રાજ્યનો મતદાર પોતાની પસંદગીના પ્રમુખ-ઉપપ્રમુખના જોડકાને મત આપે છે.

વિનર-ટેક-ઓલઃ આર યા પાર

સામાન્ય મતદારના મત-લોકમત- માટે વપરાતો શબ્દ છેઃ પોપ્યુલર વોટ.  મતદાન પછી રાજ્યમાં પોપ્યુલર વોટની ગણતરી થાય છે. તેમાં જે પક્ષના પ્રમુખ-ઉપપ્રમુખના જોડકાને વધારે મત મળ્યા હોય, તેમને એ રાજ્યના તમામ ૧૫ પ્રતિનિધિઓના મત મળી ગયેલા ગણાય છે. તેનો બીજો વિકલ્પ એવો હોઇ શકત કે એક જોડકાને ૩૩ ટકા મત મળે તો તેને ૫ પ્રતિનિધિઓના મત મળે અને ૬૬ ટકા મત મેળવનાર જોડકાને ૧૦ પ્રતિનિધિઓના મત મળે. પરંતુ ઇલેક્ટોરલ કોલેજ પદ્ધતિમાં ‘વિનર્સ ટેક ઓલ’નો નિયમ છેઃ જીતે તેને રાજ્યના બધા જ પ્રતિનિધિઓના મત મળે અને હારે તેને કશું નહીં. બે રાજ્યોને બાદ કરતાં બાકીનાં ૪૮ રાજ્યોમાંથી આ જ નિયમ લાગુ પડે છે. બે રાજ્યોમાં પ્રતિનિધિઓના મત વહેંચાઇ શકે છે ઃ તેમાંથી બે પ્રતિનિધિઓના મત ‘વિનર- ટેક- ઓલ’ નિયમ પ્રમાણે, જીતનાર જોડકાને મળે અને બાકીના પ્રતિનિધિઓના મત તેમના પ્રાંતમાં જે પક્ષની જીત થઇ હોય, એ પક્ષના ઉમેવદવારોને જાય.

‘વિનર-ટેક-ઓલ’ની વિચિત્રતા આટલેથી અટકતી નથી. અગાઉનું ઉદાહરણ આગળ વધારીએ તો, ધારો કે એ રાજ્યમાં ડેમોક્રેટિક  પક્ષના પ્રમુખ-ઉપપ્રમુખને વધારે પોપ્યુલર વોટ મળ્યા છે. એટલે એ રાજ્યના તમામ ૧૫ ડેમોક્રેટેકિ પ્રતિનિધિઓ ઇલેક્ટરોલ કોલેજમાં તેમનો મત ઓબામાને આપવા ‘પ્રતિજ્ઞાબદ્ધ’ ગણાય છે. એ માટે પણ બધાં રાજ્યોમાં જુદી જુદી જોગવાઇ છે. કેટલાંક ઠેકાણે પક્ષ પોતે પોતાના ઇલેક્ટર્સને પ્રતિજ્ઞાબદ્ધ કરે છે, તો ક્યાંક રાજ્યની સરકાર ઇલેક્ટર્સને તેમના પક્ષના ઉમેદવારને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા કરાવે છે. અલબત્ત, આવી પ્રતિજ્ઞા તોડવાનું ગેરબંધારણીય નથી. બંધારણ એ માટેની મોકળાશ આપે છે. એટલે ઇલેક્ટોરલ કોલેજમાં મતદાન વખતે, રાજ્યના ૧૫ ડેમોક્રેટિક પ્રતિનિધિઓમાંથી કોઇ રોમ્નીને મત આપવા ઇચ્છે, તો એ આપી શકે છે. એમ કરવાથી પ્રતિજ્ઞાનો ભંગ થાય છે, પક્ષ તેની સામે પગલાં લઇ શકે છે, ટેકનિકલ રીતે એ ગુનો બનતો નથી. આવા ઇલેક્ટર ‘ફેઇથલેસ’ તરીકે ઓળખાય છે.

આ વર્ણન વાંચીને ભારતના રાજકારણની પક્ષપલટુ સંસ્કૃતિ યાદ આવે. પરંતુ અમેરિકામાં ‘ફેઇથલેસ’ થવાના બનાવ જૂજ પ્રમાણમાં બને છે. (ભારે રસાકસી ધરાવતી આ ચૂંટણીમાં ત્રણ-ચાર સાંસદો ‘ફેઇથલેસ’ થવાની સંભાવના છે, એવું કેટલાંક સર્વેક્ષણમાં જાહેર કરવામાં આવ્યું હતું.) અલબત્ત, અમેરિકાની લોકશાહીના બસોથી પણ વઘુ વર્ષના ઇતિહાસમાં, ‘ફેઇથલેસ’ ઇલેક્ટરના મતથી આખો તખ્તો પલટાઇ ગયો હોય, એવું કદી બન્યું નથી.

ધારો કે  બન્ને ઉમેદવારોને સરખા ઇલેક્ટોરલ મત મળે, તો પછી પ્રમુખની ચૂંટણી ‘હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ્ઝ’/house of represntatives (લોકસભા) દ્વારા થાય છે. એ વખતે રાજ્ય નાનું હોય કે મોટું, તે એક જ મત આપી શકે છે. તેમાં ૨૬ મત મેળવનાર ઉમેદવાર પ્રમુખ બની જાય છે. કેટલીક વાર રાજ્યના પ્રતિનિધિઓ કોને મત આપવો એ બાબતે એકમત ન થઇ શકે, તો એ મતદાનથી અળગા રહે છે. તેના લીધે ફરી વાર ‘ટાઇ’ પડે તો, નવેસરથી એ જ પ્રક્રિયા પરિણામ ન આવે ત્યાં સુધી ફરી કરવાની રહે છે. ઉપપ્રમુખની ચૂંટણી એ જ રીતે સેનેટ (રાજ્યસભા) દ્વારા થાય છે.

લોકમતની ‘અવગણના’

ઇલેક્ટોરલ કોલેજની બીજી વિચિત્ર બાબત છેઃ પોપ્યુલર વોટમાં જીતવા છતાં, ઇલેક્ટરના મતમાં બહુમતી ન મળે, તો એ હાર જ ગણાય. આવા કિસ્સા જૂજ બને, છતાં નજીકના ભૂતકાળમાં વર્ષ ૨૦૦૦માં એવું થયું હતું. ડેમોક્રેટિક ઉમેદવાર અલ ગોર/al goreને પોપ્યુલર વોટ વધારે મળ્યા, પણ રીપબ્લિકન જ્યોર્જ બુશ/ george w. bush ઇલેક્ટર વોટની સરસાઇ પર અમેરિકાના પ્રમુખ બની ગયા. આમ થવાનું કારણ એટલું કે અમેરિકાના બંધારણ પ્રમાણે, નાગરિકોના (પોપ્યુલર) વોટનું પ્રમુખપદની ચૂંટણીમાં સીઘું કશું જ મહત્ત્વ નથી. કેવળ બંધારણના શબ્દો પકડીને ચાલવામાં આવે, તો રાજ્યો પોતાના તરફથી વગર ચૂંટણીએ ઇલેક્ટર્સ નીમી દે અને એ લોકો ઇલેક્ટોરલ કોલેજ તરીકે અમેરિકાનો પ્રમુખ ચૂંટી કાઢે, તો એ  પણ ગેરબંધારણીય ન ગણાય. પરંતુ પુખ્ત લોકશાહી વ્યવસ્થાની એક વિશિષ્ટતા એ હોય છે કે તેમાં છીંડાં હોવા છતાં, તેમનો ગેરલાભ લેવાને બદલે બંધારણના હાર્દને વઘુ મહત્ત્વનું ગણવામાં આવે છે.

ઇલેક્ટોરલ કોલેજ પદ્ધતિથી જીતવા માટે રાષ્ટ્રવ્યાપી માળખું અને પહોંચ હોવાં જરૂરી છે, જે સ્થાનિક કે થોડાં રાજ્યોમાં દબદબો ધરાવતા અપક્ષ ઉમેદવાર માટે શક્ય બનતાં નથી. અમેરિકાનાં ૧૧ રાજ્યો અડધાઅડધ ઇલેક્ટોરલ વોટ ધરાવે છે. પરંતુ એ રાજ્યો ડેમોક્રેટિક અને રીપબ્લિકન પક્ષ વચ્ચે વહેંચાયેલાં છે. એટલે ઓછા ઇલેક્ટર ધરાવતાં નાનાં રાજ્યો પણ મહત્ત્વનાં બને છે. ઇલેક્ટોરલ કોલેજ પદ્ધતિના ટીકાકારોને ‘વિનર-ટેક-ઓલ’/winner-take-all માં લોકપ્રતિનિધિત્વના સિદ્ધાંતોનો ભંગ થતો લાગે છે. એક જ રાજ્યના ૧૩ પ્રાંતમાંથી ૬ જીલ્લામાં ડેમોક્રેટિક પક્ષ જીતતો હોય ને ૭ જીલ્લામાં રીપબ્લિકન જીતતા હોય, તો આખરી પરિણામમાં રાજ્યના બધા જ ઇલેક્ટર મત રીપબ્લિકનને મળી જાય. તેના લીધે જે ૬ જીલ્લામાં ડેમોક્રેટિક પક્ષ જીત્યો હતો, ત્યાંના મતદારોના મતનું કશું મૂલ્ય રહેતું નથી.

તેમ છતાં, ઇલેક્ટોરલ કોલેજ  પદ્ધતિ વ્યવહારમાં એટલી સફળ નીવડી છે કે થિયરીની દૃષ્ટિએ તેમાં રહેલી વિચિત્રતાઓ ગૌણ બની જાય છે અને તેમાં સુધારો કરવાની વાત ચર્ચાના સ્તરેથી ભાગ્યે જ આગળ વધી છે

Monday, November 05, 2012

IF I DON’T SURVIVE….LOVE YOU

A first person account of Super-storm Sandy 

Neesha Parikh

Neesha Stays at 
Philadelphia 
with her brother 
Maulik and studies 
Certified Public 
Accountacy,  She's
much more than 
a niece. Good friend 
& someone who 
loves to read & write

For me the hurricane began on Saturday.

Till then I was blissfully unaware of something this catastrophic coming my way. Having my exam on Monday I was too self-absorbed in my world to regard anything that was happening outside. Saturday morning I had a talk with friend who lives in New York. She was pretty sure my exam will be cancelled due to 'hurricane' hitting on Monday night. 

Call it my stupidity. I dismissed it by saying such hurricanes come in Florida and NOT on East coast.


Besides that morning itself (Saturday) I got my confirmation of exam on Monday. At 3 in afternoon I get a mail saying - oh! The exams have been cancelled as the center is closed for safety of students and staff. Silently cursing my friend I went on to work, to find another exam date. It a RULE in USA - nothing and no one works on week end. Given the situation, even more so.

After two long hours exhausted of calling every darn number I could find on internet to mailing as many places I could, I had only one result - NOTHING. Frustrated beyond level as I had worked a month off for this exam day and night just to get it cancelled, I decided I need to know more about the culprit of it all. 
This being the second hurricane I was about to endure on east coast (I was in jersey which Irene hit last august) I knew one thing - people panic here easily and govt hypes it. Maybe to make sure people are prepared and are in safe places. This was Saturday. I was still not sure as to how serious it was. Because all hyped Irene was nothing but a breeze when it reached NY last year. This time I knew it had to be serious enough of NY is shutting down subways - subways are life line of NY. Daily millions of people take them to get in and out. SEPTA were shutting down at mid night as well. (I live near Philadelphia and that’s our public transport)

The seriousness crept in Sunday morning and for that I blame my mom.  I was sleeping peacefully till 'late morning when she called and said, ‘remember that boardwalk we went to when we visited Atlantic City.’  I was like - Yh.. ‘Well that’s gone now.’ (They visited this Aug- Sept so memories all fresh) I jerked out of my bed and caught hold of my laptop. Still in bed and in covers, I saw the devastation that was coming. All the coastal areas of NY-NJ were flooded already with the storm good 30 hrs away. Even though Sandy was going to hit Atlantic City - what it was doing was forming one BIG arc. One side throwing rains and the other, winds. Hence the NY-NJ was receiving floods and rain while North Carolina had a different story. Thanks to the winds, Appalachian mountain and low temperatures in Oct end, it was snowing. The hurricane had turned into a snow storm. New York wasn’t the only place affected. 8 states in total were victims of Sandy.

Digesting all this, I went to pictures. I landed up seeing one of battery park (place where to get ferry for statue of liberty and Governor`s island) which I had visited a week ago. Steps submerged in water I saw news lady saying this tide and ebb effect (next day Sharad Punam it was) and it will just get worst. Having enough of it, I got off the bed and did what you do to prepare for hurricanes. Called up my brother (who was out) to get bottled water and food to last for days to come. I made my way to kitchen to make haandvo which would last two days without fridge (mom`s idea of course. I wouldn’t have had a clue what to make). After putting haandvo in oven, we went ahead to put water in zip lock bags and place them in the freezer. Yes, we had loads of frozen food. More than half of America lives on frozen food, that way the water turned into ice will maintain the temps even with no power. And, of course grocery.  Everything from water to candles to flash lights. (US panics and panics easily) 

After a leisurely shower (I didn’t know for long we won’t have power. no power = no hot water. In India lights are out – fine. We are used to it. In US electric gas, hot water, internet, phones and laptops – that’s your life. With no power, there is no life) I went on to message everyone I knew on East coast. BBM , Whats app and facebook coming to my aid. Most replied they are in safe places (the truth was no one knew what the impact’s going to be)

In process the frustration of exams plus the morning wake up, wait and anticipation got to me and I decided I will do a dead speech as I named it *if i don’t survive* message . It started out with messages being of couple of lines to just `love you` in end. I sent it out to random friends and people whom I could think of at that time. The replies amazed me. From ‘what`s up’ to su thayu to ‘r u drunk’? Darn, I never knew saying ‘love you’ back is so hard! The best ones were from my ex-roommates (I formerly resided in jersey city-NJ). One said, ‘Relax! do meditation and yoga.’ The other said ‘Get off the news NOW and go watch movies’ (they know me while enough). I stopped when one of my cousin asked ‘why so randomly?’ and all I wanted to reply was, ‘I will get thru the BBM and punch you if you don’t say it back. Needless to say, I got a ‘love you’ there. 

Sunday night I slept with still a day to go. I think a lot of people were like me who really lost nerve due to wait of it. I even heard someone say, it might be as bad as they make it out to be or all this will be a waste. Waste it was not! Monday morning things were just getting bad. People where evacuating, floods and water levels increasing. I was in Philadelphia. It was in path of sandy. One by one everything from tunnels to roads was shutting down almost everywhere. Power was going out and NC was already in inches of snow. Atlantic city was worst hit. I was off news to read a book and calm myself.

In evening, we went to our neighbors, sat, talked with the news in background. The last news I got was sandy was stripped from its title as hurricane to be called a post tropical storm which no one bought as we all knew what it was capable of. We lost power around 9.30 and I knew it just a start. I stood by the glass door to witness drizzling rain and winds at such high speeds that send shivers down my spine. Once or twice I saw sky lighted with green which should be lighting or my hallucination as green sky is freaky to watch even if for a minute. Finally we decided to call it a night around 11.30. Once while going up to our own apt. I did go out to see what I was like. It was cold, winds that I could fly away and dark. I went in as quickly as I came out. Mind you - Philly was not bang in the path but very close by with no water bodies around. So it was wind`s play all the way. While my brother decided to sleep I couldn’t with howling winds outside. With candles (and playing noorii- nooriii) i made my bed and lied down (it was supposed to pass at 2 in night).

Those were the worst hours to pass by. Leaves were flying. (One of my friends said – ‘mohobatien’ ma pata udta te ne eva..just scary) trees falling   a dreaded thought crossed my mind wishing I still have roof on my head in morning. I live in second floor with no levels above and houses here are made of wood. Finally I feel asleep around 5 in morning and it was Tuesday morning.

I didn’t have power for more than 34 hours and in a way I am thankful for that or else the news would have freaked me. I was lucky enough to have only broken trees and damaged cars around as images of coastal areas on NJ-NY and other places scared me when I looked up after power returned. (manhattan was dark that night- a rare sight) It’s been two days and I still haven’t gotten the exam rescheduled nor do my friends in Jersey city had power nor will they till 5th Nov . But what matters is the death toll has risen to 68 (again a friend said, aa USA che etle , india hot toh lakho upar pochi gaya hot and I side that) and I pray for the family who lost their dears ones, houses and modes of living . But one thing I give to Usa govt is they care. They care for each and every citizen.

And if you ask me - yes I can very much see the world ending on 21st Dec because no one is powerful as mother nature. Even when you know a disaster is hitting, all you can do is wait and that is unrequited power. So I would recommend to stay with near and dear ones that day and do what I did. Say ‘love you’ and unlike me, don’t rely on replies.

Sunday, November 04, 2012

અમેરિકામાં વાવાઝોડું અને ચૂંટણીઃ તક અને તબાહીનો સમાંતર ખેલ



અમેરિકા આ સમયે સમાચારમાં તો રહેવાનું જ હતું, પણ બે દિવસ પછી, ૬ નવેમ્બરના રોજ, થનારી પ્રમુખપદની ચૂંટણીઓ માટે. ‘હરિકેન સેન્ડી’/ Sandy વાવાઝોડાના પ્રતાપે સ્થિતિ પલટાઇ ગઇ. પ્રમુખપદ માટેની રસાકસીભરી ચૂંટણીમાં ‘કતલના’ કહેવાય એવા છેલ્લા સાત-આઠ દિવસમાં ઓબામા-રોમ્ની વચ્ચેજી ગાજવીજ બાજુ પર ધકેલાઇ ગઇ. તેના ઠેકાણે રાષ્ટ્રિય આફતનો માહોલ છવાયો.

અમેરિકામાં વાવાઝોડાંની નવાઇ નથી. ટેકનોલોજીના પ્રતાપે વાવાઝોડાંનાં પગલાં પારખીને, તેમની સામે ટકવાની આગોતરી તૈયારી કરી શકાય છે. છતાં, હકીકત એ પણ છે કે ટેકનોલોજી કુદરતી પરિબળોને નાથી શકતી નથી. તેનાથી થતું નુકસાન કેમ ઘટાડવું એટલું જ તે કરી શકે  છે અને તેનાથી ઉચાટ જરાય ઓછો થતો નથી. આ લખાય છે ત્યારે અમેરિકાના પૂર્વ કાંઠે વાવાઝોડું ત્રાટક્યા પછી થનારી તેની વિનાશંક અસરોનો અંદાજ લગાડાઇ રહ્યો છેઃ ભયાનક ઝડપે સૂસવાતો પવન, સમુદ્રમાં ઉછળતાં તોતિંગ મોજાં, ભારે વરસાદ, પૂરની પરિસ્થિતિ, ખોરવાઇ ગયેલો વીજળીનો પુરવઠો - આ બધી ભયાનક સંભાવનાઓનું ટ્રેલર ચાલુ છે - સુપરપાવર દેશના અંદાજે પચાસેક લાખ લોકો વીજળી વિના જીવવા મજબૂર બન્યા છે- અને આ લખાણ તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં, આખેઆખી ફિલ્મ પણ રજૂ થઇ ચૂકી હશે.


યોગાનુયોગે, છેલ્લા ત્રણેક દાયકામાં આ વખતે પહેલી વાર અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના મુદ્દામાં ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના મુદ્દા ચર્ચાયા નથી. અલબત્ત, આ મુદ્દે વર્તમાન પ્રમુખ અને ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર ઓબામા તથા રૂઢિચુસ્ત રીપબ્લિકન ઉમેદવાર રોમ્નીના વિરાધાભાસી વિચાર જાણીતા છે.  ચૂંટણી સંદર્ભે એકાદ ડઝન જેટલી વિજ્ઞાન અને ઇજનેરી સંસ્થાઓએ ‘સાયન્સડીબેટ’ વેબસાઇટ અંતર્ગત ૧૪ સવાલ તૈયાર કર્યા હતા. તેમના વિશે બન્ને ઉમેદવારોએ  આમનેસામને ચર્ચા તો ન કરી, પણ તેમના પ્રચાર-કારભારીઓ તરફથી એ સવાલોના જવાબ મળ્યા હતા. તેમાં ઓબામાએ ક્લાયમેટ ચેન્જને ‘આ પેઢી સમક્ષ રહેલી સૌથી મોટી સમસ્યાઓમાંની એક’ ગણાવીને હતી, જ્યારે રોમ્ની  આ મુદ્દે ઓબામા જેટલા સ્પષ્ટ ન હતા. તેમણે અગાઉ માનવજાતની પ્રવૃત્તિને કારણે ગ્લોબલ વોર્મિંગ - પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું હોવાનો ધરાર ઇન્કાર કર્યો હતો, પરંતુ પ્રમુખપદના ઉમેદવાર તરીકે તેમણે વલણ બદલ્યું છે. ‘સાયન્સડીબેટ’ના સવાલના જવાબમાં તેમણે ગ્લોબલ વોર્મિંગ માટે માનવજાતની જવાબદારી સ્વીકારી. સાથોસાથ, એમ પણ કહ્યું કે કારણો અને અસરોના મુદ્દે ‘વિજ્ઞાનજગતમાં એકમતિનો અભાવ છે’ અને આ મુદ્દે ‘ચર્ચા ચાલુ રહે’ એવું તે ઇચ્છે છે.

‘હરિકેન સેન્ડી’ની અસાધારણ ગંભીરતામાં ગ્લોબલ વોર્મિંગની કેવી ને કેટલી ભૂમિકા છે એની ચર્ચાની સાથોસાથ, વાવાઝોડાની પ્રમુખપદની ચૂંટણી પર કેવી અસર થશે, એ પણ અગત્યનો મુદ્દો બન્યો છે. વાવાઝોડાના પગરવ સંભળાતાં જ પ્રમુખ ઓબામા અને હરીફ ઉમેદવાર રોમ્નીએ ‘આ મુદ્દે કોઇ રાજકારણ નહીં’ એવી જાહેરાત કરી દીધી છે. (ગુજરાતના મુખ્ય મંત્રીએ થોડાં વર્ષ પહેલાં પૂર આવ્યું ત્યારે તેમાં રાહત કામગીરી માટે છપાવેલાં વિશિષ્ટ કાર્ડમાં, અંદરના ભાગમાં તબાહીનું દૃશ્ય અને ઉપરના ભાગમાં પોતે હેલિકોપ્ટરમાંથી આ બઘું જોઇ રહ્યા હોય એવું કટ-આઉટ મૂકાવ્યું હતું.)

નાગરિકોના જાનમાલનું વ્યાપક જોખમ હોય ત્યારે, તેનો (ગેર)લાભ ઉઠાવવાની કોશિશ અમેરિકામાં બેશક કોઇ પણ ઉમેદવાર માટે નુકસાનકારકનીવડે. થોડા સમય પહેલાં લિબિયામાં અમેરિકાની એલચી કચેરી પર થયેલા હુમલા વખતે રોમ્નીએ રાજકારણ ખેલવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની ઠીકઠીક ટીકા થઇ હતી. વાવાઝોડાના માહોલમાં ઓબામાએ વેળાસર જાહેર કરી દીઘું છે કે ‘વાવાઝોડાની ચૂંટણી પર કેવી અસર થશે એની મને પરવા નથી. મને તો પરિવારોની અને બીજા કરતાં પહેલાં વાવાઝોડાનો માર વેઠનારા લોકોની ચિંતા છે.’

ચૂંટણીના સાવ છેલ્લા તબક્કામાં ખતરનાક વાવાઝોડું આવે ત્યારે મીટ રોમ્ની પાસે અસરગ્રસ્ત વિસ્તારોમાં (રાહત કામગીરીને નુકસાન ન થાય એ રીતે) ફરી વળવાની વધારે મોકળાશ રહેવાની. કારણ કે તેમને સત્તાવાર જવાબદારીઓ અદા કરવાની નથી. ફક્ત લોકસંપર્કમાં અને લોકો પ્રત્યે નક્કર લાગે એવી સહાનુભૂતિ દર્શાવવામાં જ ઘ્યાન આપવાનું છે. ઓબામા માટે આ વાવાઝોડું એક સાથે પડકાર અને તક લાવ્યું છે. વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સમયે પ્રમુખ તરીકે ઓબામા   અસરકારક નેતાગીરી પૂરી પાડે અને રાહતનું સંતોષકારક તંત્ર ગોઠવી શકે, તો બીજા ઘણા મુદ્દા ગૌણ બને અને પલ્લું તેમની તરફેણમાં નમી શકે છે. પરંતુ રાહત કામગીરીમાં જરા પણ કાચું કપાયું કે બોલવામાં જીભ લપસી તો ખલાસ.


ઓબામા પહેલાંના પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશને તેનો અનુભવ થઇ ચૂક્યો છે. તેમના રાજમાં ન્યૂ ઓર્લિઅન્સમાં હરિકેન કેટરિનાએ તબાહી મચાવી ત્યારે બુશની કામગીરી અને નેતાગીરી સાવ ટાઢાંબોળ રહ્યાં. કાળા લોકોનું પ્રભુત્વ ધરાવતા એ વિસ્તારમાં રાહત કામગીરીના નામે જે ધાંધિયાં થયાં, તે ભારત જેવા દેશની યાદ અપાવે એવાં હતાં. વાવાઝોડાના મહિનાઓ પછી પણ ન્યૂ ઓર્લિઅન્સના અસરગ્રસ્તો કામચલાઉ ઘરમાં કે ટ્રેલરમાં જીવન વીતાવતા હતા. એ વખતે ચૂંટણી ઘણી દૂર હતી, છતાં બુશની નિષ્ફળતાઓમાં ન્યૂ ઓર્લિઅન્સમાં તેમના તંત્રની નિષ્ફળતા મહત્ત્વની બની રહી.

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી ઇતિહાસમાં જ્યોર્જ ડબલ્યુ. બુશ બીજી રીતે યાદગાર છે. વીસમી સદીના અમેરિકામાં તે એવા એકમાત્ર પ્રમુખ હતા, જે ‘પોપ્યુલર વોટ્‌સ’- લોકોના મત-ની ગણતરીમાં હારી જવા છતાં, અમેરિકાના પ્રમુખપદે બિરાજ્યા. એ કેવી રીતે શક્ય બને? તેનો મુદ્દાસર જવાબઃ

અમેરિકાના પ્રમુખની ચૂંટણીના છેલ્લા તબક્કામાં, બન્ને મુખ્ય પક્ષોના ઉમેદવારો ફાઇનલ થઇ ગયા પછી, નક્કી કરેલા દિવસે અમેરિકાનાં તમામ રાજ્યોમાં લોકો મતદાન કરે છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી ક્યારે કરવી એ પણ બંધારણમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છેઃ દર ચાર વર્ષે, નવેમ્બર મહિનાના પહેલા સોમવાર પછીના મંગળવારના દિવસે. (એટલે કે, નવેમ્બરની ૧ તારીખે મંગળવાર હોય તો ચૂંટણી પહેલા સોમવાર- ૭ નવેમ્બર- પછીના મંગળવારે, ૮ નવેમ્બરે કરવી પડે.)

દરેક રાજ્યમાં મતદારોએ મત પ્રમુખપદના ઉમેદવારને નહીં, પણ તેમના પક્ષના પ્રતિનિધિને આપવાનો હોય છે.  ‘ઇલેક્ટોરલ કોલેજ’ તરીકે ઓળખાતી, અમેરિકાની આશરે ૨૦૦ વર્ષ જૂની પ્રમુખ ચૂંટવાની  પદ્ધતિ પહેલી નજરે જરા વિચિત્ર લાગે એવી છે. ભારતની જેમ અમેરિકાની સંસદ (‘કોંગ્રેસ’)નાં ઉપલા ગૃહ (સેનેટ) અને નીચલા ગૃહ (હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ્ઝ)માં બધાં રાજ્યોમાંથી પ્રતિનિધિઓ ચૂંટાય છે. દરેક રાજ્યમાંથી ઉપલા ગૃહમાં બે સભ્યો જાય છે. નીચલા ગૃહમાં  રાજ્યના પ્રતિનિધિઓની સંખ્યા, અમેરિકાની કુલ વસ્તીમાં રાજ્યની વસ્તીનું કેટલું પ્રમાણ છે તેના આધારે નક્કી થાય છે.

બન્ને ગૃહોમાં મળીને રાજ્યના કુલ જેટલા પ્રતિનિધિ (‘સાંસદ’) હોય, તે રાજ્યના ‘ઇલેક્ટર’ કહેવાય છે.  ટેકનિકલી, તેમના મતોના આધારે પ્રમુખની ચૂંટણી થાય છે. વાસ્તવમાં, સૌથી પહેલાં કયા રાજ્યમાં કયો પક્ષ જીત્યો તે નાગરિકોના મત (પોપ્યુલર વોટ)થી નક્કી થાય છે. દાખલા તરીકે, ૬ નવેમ્બરના રોજ થનારી ચૂંટણીમાં કેલિફોર્નિયામાં ડેમોક્રેટિક ઉમેદવારને સૌથી વધારે મત મળે,  તો એનો અર્થ એ થયો કે, કેલિફોર્નિયાના તમામ ૫૫ ઇલેક્ટર મત ડેમોક્રેટિક ઉમેદવાર ઓબામાને જશે. અમેરિકાના બંધારણ પ્રમાણે, રાજ્યમાં જે પક્ષના ઉમેદવારને સૌથી વઘુ મત મળે, એ પક્ષને રાજ્યના તમામ ‘સાંસદો’ (ઇલેક્ટર)એ પોતાના મત આપવા પડે. આમ કરવા માટે સાંસદો ‘પ્રતિજ્ઞાબદ્ધ’ ગણાય છે. આ પ્રતિજ્ઞા તોડી શકાય છે, પણ ભાગ્યે જ એવું બને છે.

બધાં રાજ્યોનાં કુલ ૫૩૮ ઇલેક્ટર મતમાંથી પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછા ૨૭૦ મત મેળવવા જરૂરી છે. ઇલેક્ટર મતોની અવળચંડી લાગતી પ્રથાને લીધે સૈદ્ધાંતિક રીતે એવું પણ શક્ય છે કે અમેરિકાનાં ૩૯ રાજ્યોમાંથી ઉમેદવારને એક પણ ઇલેક્ટર મત ન મળે, છતાં તે ૧૧ રાજ્યોના કુલ ૨૭૦ ઇલેક્ટર મતોની મદદથી અમેરિકાનો પ્રમુખ બની જાય. અલબત્ત, વ્યવહારમાં એવું બનતું નથી એ જુદી વાત છે.

વાવાઝોડાની અસરને ઘ્યાનમાં રાખીને કેટલાક અહેવાલોમાં એવી સંભાવના પણ વ્યક્ત થઇ છે કે રાજ્યો (ટેકનિકલી) ચૂંટણી કર્યા વિના- એટલે કે નાગરિકોના મત મેળવ્યા વિના, પોતાના ઇલેક્ટર મત એક યા બીજા ઉમેદવારને આપી શકે છે. મતદાનના સમયમાં વધઘટ કરવાની સત્તા પણ રાજ્યો પાસે હોય છે.

વાવાઝોડાની અને ચૂંટણીની બેવડી કસોટીમાંથી કયા ઉમેદવાર પાર ઉતરે છે, એ જાણવા માટે બસ થોડા દિવસની પ્રતીક્ષા.

તા.ક. આ લેખ લખાયા પછી 'સેન્ડી'નો હરિકેન તરીકેનો દરજ્જો 'છિનવી લેવાયો' હતો અને તેને 'સુપરસ્ટોર્મ' જાહેર કરાયું.