Sunday, November 25, 2012
બાળ ઠાકરેઃ કાર્ટૂનકળાની કારકિર્દી
‘બાળ ઠાકરે આજીવન ફક્ત જ કાર્ટૂનિસ્ટ રહ્યા હોત તો?’ આ સવાલ ‘હિટલર આજીવન ચિત્રકાર રહ્યો હોત તો?’ અથવા ‘મહંમદઅલી ઝીણા તેમની જીવલેણ બિમારીમાં પાંચ વર્ષ વહેલા ગુજરી ગયા હોત તો?’ અથવા ‘જવાહરલાલ નેહરૂ માત્ર લેખક જ રહ્યા હોત તો?’- એ પ્રકારનો છે.
બંધારણ-લોકશાહી-(બીજાના) અભિવ્યક્તિસ્વાતંત્ર્યના વિરોધી તરીકે નામીચા બનેલા ઠાકરે/Bal Thackeray આજીવન કાર્ટૂનિસ્ટ રહ્યા હોત તો ફક્ત રાજકારણ અને જાહેર જીવનનું જ નહીં, કાર્ટૂનજગતનું પણ ભલું થયું હોત એવું તેમના ઘણાં કાર્ટૂન જોઇને લાગે. આર.કે.લક્ષ્મણ/ R,K.Laxman અને ઠાકરેનાં ઠઠ્ઠાચિત્રો અને તેમની રેખાઓ એક ગોત્રનાં હતાં. બન્ને પર બ્રિટિશ કાર્ટૂનિસ્ટ ડેવિડ લૉ/ David Lawની શૈલીનો ખાસ્સો પ્રભાવ. રાજકીય કાર્ટૂન માટે આવશ્યક ગણાય એવી તીખાશ અને પ્રહારક્ષમતા પણ ઠાકરે માટે સહજ હતી.
કાર્ટૂનકળાની રીતે જોઇએ તો, તેમનાં ઘણાં કાર્ટૂનમાં મુખ્યત્વે શાબ્દિક રમૂજનું જ ચિત્રાંકન રહેતું. જેમ કે, સદ્ગત નેતા ચંદ્રશેખરે કાંટાથી કાંટો કાઢવાનું વિચારતા હોય, તો એ કાર્ટૂનમાં ઇન્દિરા ગાંધી અને ચરણસિંઘને ઠઠ્ઠાચિત્રમાં કાંટા-સ્વરૂપ બતાવી દેવાનાં.
Cartoon by Bal Thackeray |
Cartoon: Bal Thackeray, Film India (see his signature at bottom left corner) |
બાળ ઠાકરે ૧૯૪૭ની આસપાસ મુંબઇના ‘ફ્રી પ્રેસ જર્નલ’માં કાર્ટૂનિસ્ટ તરીકે જોડાયા. તેમના પછી થોડા સમયમાં લક્ષ્મણ પણ ત્યાં આવ્યા. લક્ષ્મણે નોંઘ્યું છે કે ‘(હું ફ્રી પ્રેસ જર્નલમાં જોડાયો ત્યારે) એક માણસ બાજુમાં બેસીને પાંજરે પુરાયેલા પંખીનું ચિત્ર જોશભેર દોરી રહ્યો હતો. (એનું નામ) બાળ ઠાકરે. તેમની ડાબી બાજુ બીજો છોકરો દોરતો હતો. એ હતો ભટ્ટ...અમે બહુ મઝા કરતા હતા. સોમવારે મારે કાર્ટૂન દોરવાનું. મંગળવારે ઠાકરેનો વારો અને બુધવારે ભટ્ટનો. એવી રીતે અમારું કામ ચાલતું.’ (ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઓફ ઇન્ડિયા, ૨૯-૧-૧૯૮૯)
વર્ષ ૨૦૦૨માં ‘બીપીઆઇ ઇન્ડિયા’એ આર.કે.લક્ષ્મણ અને બાળ ઠાકરેનાં ‘ફ્રી પ્રેસ’ વખતનાં કાર્ટૂનનો એક સંગ્રહ ‘લાફ્ટર લાઇન્સઃ ધ કાર્ટૂનક્રાફ્ટ ઓફ આર.કે.લક્ષ્મણ એન્ડ બાળ ઠાકરે’ પ્રકાશિત કર્યો. તેમાં પ્રસ્તાવના અને કાર્ટૂન અંગેની જરૂરી વિગત એમ.વી.કામથે લખ્યાં હતાં, જે પોતે પણ એ અરસામાં ‘ફ્રી પ્રેસ’માં કામ કરી ચૂક્યા હતા. કામથે નોંઘ્યું હતું કે સંગ્રહમાં લેવાયેલાં લક્ષ્મણ અને ઠાકરેનાં ઘણાં કાર્ટૂન શીખાઉ લાગે એવાં છે. બન્ને એ વખતે તેમના જીવનની વીસીમાં હતા. તેમની કળા વિકસી રહી હતી...લક્ષ્મણનું કામ વધારે સફાઇદાર ગણાતું અને ઠાકરેનું (પ્રાકૃતના અર્થમાં) ‘દેશી’.
ઠાકરેએ કાર્ટૂનિસ્ટ સુધીર તેલંગ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘હું ૧૯૪૭માં ફ્રી પ્રેસ જર્નલમાં જોડાયો. આર.કે.લક્ષ્મણ પણ જોડાયા. અમારી વચ્ચે સરસ બનતું હતું. મેં ત્રણ વાર ફ્રી પ્રેસ છોડ્યું અને એ લોકો મને પાછો બોલાવી લેતા હતા. ત્યાં તંત્રી તરીકે સદાનંદ હતો ત્યાં સુધી કામ કરવાની પૂરી મોકળાશ હતી. પણ એ.બી.નાયરે આવીને મારી પર ઘણા અંકુશ મૂકી દીધા. કંટાળીને મેં ફ્રી પ્રેસ છોડી દીઘું.’ (હિંદુસ્તાન ટાઇમ્સ, ૧૦-૧૨-૨૦૦૦)
પચાસનો દાયકો પૂરો થવા આવ્યો ત્યાં સુધીમાં બાળ ઠાકરે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળમાં સક્રિય થઇ ચૂક્યા હતા. ‘ફ્રી પ્રેસ’ છોડ્યા પછી તેમણે અને બીજા કેટલાક મિત્રોએ ‘ન્યૂઝડે’ નામનું અંગ્રેજી દૈનિક શરૂ કર્યું. તેમાં ઠાકરે એક ડાયરેક્ટર હતા અને (સમાજવાદી નેતા) જ્યોર્જ ફર્નાન્ડિસ પણ તેમની સાથે હતા. ૧૯૬૦માં મહારાષ્ટ્ર-ગુજરાત અલગ પડ્યાં અને ઠાકરેએ તેમનું કાર્ટૂનપ્રધાન સાપ્તાહિક ‘માર્મિક’ શરૂ કર્યું. (ગુજરાતીમાં કાર્ટૂનિસ્ટ ‘શનિ’ લગભગ એ જ અરસામાં ‘ચેત મછંદર’ ચલાવતા હતા.) ભારતમાં કાર્ટૂનપ્રધાન સામયિકો બહુ થોડાં છે. તેમાં બાળ ઠાકરે અને કાર્ટૂનકળામાં તેમના ઉત્તરાધિકારી રાજ ઠાકરેના ‘માર્મિક’ના કામની નોંધ લેવી પડે- ભલે તે ઉત્તરોત્તર રાજકીય પક્ષનાં મુખપત્ર બની ગયાં હોય.
‘રીમોટ કન્ટ્રોલ’ કાકા બાળ ઠાકરેનું ભત્રીજા રાજે દોરેલું વ્યંગચિત્ર/ Cartoon : Raj Thackeray |
‘માર્મિક’ અને તેમાં પ્રગટ થતાં ઠાકરેનાં કાર્ટૂન તેમના રાજકારણનાં વાહન બન્યાં. નવા રાજકીય પક્ષ શિવસેનાની આબોહવા બાંધવામાં પણ ‘માર્મિક’નો ફાળો અગત્યનો હતો. ૧૯૬૬માં શિવસેનાનો જન્મ થયો. ત્યાર પછી છેક ૧૯૮૭ સુધી તેમણે ‘માર્મિક’માં કાર્ટૂન દોરવાનું ચાલુ રાખ્યું. ધીક્કારના રાજકારણમાં તેમના ઉત્તરાધિકારી એવા ભત્રીજા રાજ ઠાકરેએ પણ કાકાના પગલે, તેમની જ શૈલીમાં કાર્ટૂનકળા અપનાવી. ઠાકરેમાં એક સારો કેરિકેચરિસ્ટ (ઠઠ્ઠાચિત્રકાર) ઘણા લાંબા સમય સુધી જીવીત હતો. સુધીર તેલંગ સાથેની મુલાકાત વખતે તેમણે ડિસેમ્બર, ૨૦૦૦માં પેનના થોડા લસરકાથી ઇંદિરા ગાંધીનું આબાદ વ્યંગચિત્ર બનાવ્યું હતું. પરંતુ રાજકારણમાં તેમની ભૂમિકા પ્રાંતીયમાંથી રાષ્ટ્રિય બની, તેમ કાર્ટૂન સાથેનો તેમનો નાતો છૂટતો ગયો. ‘હવે ટાઇમ જ ક્યાં મળે છે? લોકો જંપવા દેતા નથી.’ એવું તે કહેતા હતા. તેમ છતાં, ‘માર્મિક’ના મુખપૃષ્ઠ પર આવતા કાર્ટૂન માટે રાજ ઠાકરેને આઇડીયા એ આપતા હતા.
બાંગ્લાદેશ છૂટું પાડીને યાહ્યાખાનને પરાસ્ત કરતાં ‘દુર્ગાસ્વરૂપ’ ઇંદિરા ગાંધી/ Cartoon : Bal Thackeray |
કાર્ટૂનિસ્ટોની નવી પેઢી માટે ઠાકરે નિરાશાવાદી હતા. તેમનામાં એકાગ્રતા અને રાજકીય જ્ઞાનનો અભાવ છે એવું તે માનતા હતા. સુધીર તેલંગને તેમણે કહ્યું પણ હતું કે ‘આજકાલના કાર્ટૂનિસ્ટો મારું વ્યંગચિત્ર પણ સરખું દોરી શકતા નથી. મેં પાઇપ પીવાનું ક્યારનું છોડી દીઘું છે. છતાં એ મને પાઇપ પીતો દેખાડે છે...હવે હું સીગાર પીઉં છું. તમે મને સીગાર પીતો ચીતરજો...’
કાર્ટૂનકળાનાં વૃદ્ધિ અને વિકાસ માટે લોકશાહી આવશ્યક છે. પરંતુ સારા રાજકીય કાર્ટૂનિસ્ટ એવા ઠાકરે રાજનેતા તરીકે લોકશાહીના વિરોધી હતા. કાર્ટૂનિસ્ટ તરીકે બીજા ઘણા નેતાઓએ સહિષ્ણુતાથી ઠાકરેનાં કાર્ટૂન માણ્યાં, પણ ઠાકરેનું સમગ્ર રાજકારણ અસહિષ્ણુતા અને એક યા બીજા જૂથ પ્રત્યેના ધીક્કારથી પ્રેરિત હતું.
એક સારો રાજકીય કાર્ટૂનિસ્ટ અંતિમવાદી રાજનેતામાં ફેરવાય એ પણ એક ચોટદાર કાર્ટૂનનો વિષય નથી?
(આવતી કાલેઃ બાળ ઠાકરેના રાજકારણ અને સમાજકારણનું સરવૈયું)
Subscribe to:
Post Comments (Atom)
ખૂબ સરસ લેખ..
ReplyDeleteસરસ લેખ-
ReplyDelete