Thursday, November 01, 2012
રાજીનામું: અચ્છા, તો હમ ચલતે હૈં
જ્યોતીન્દ્ર દવેએ તેમના વિખ્યાત હાસ્યનિબંધ ‘મારી વ્યાયામસાધના’માં લખ્યું હતું, ‘કુસ્તી માટેના ખાડાને લોકો અ-ખાડો શા માટે કહેતા હશે?’ કંઇક એવું જ આશ્ચર્ય ‘રાજીનામું’ શબ્દ સાંભળીને થાય છેઃ મોટે ભાગે આપનારની નારાજગી સૂચવતા પત્રને લોકો રાજીનામું કેમ કહેતા હશે? તેમના જવાથી બીજા અનેક લોકો રાજી થવાની વ્યવહારુ શક્યતા ઘ્યાનમાં રાખીને?
સાચું કારણ જે હોય તે, પણ એટલું નક્કી છે કે રાજીનામું ભાગ્યે જ ‘રાજી’નામું હોય છે. ઘણુંખરું તો, તે માગવાથી આપનારને દુઃખી થવું પડે છે અને આપવાથી લેનારને. રાજીનામું એક એવો દસ્તાવેજ છે, જે ઓછામાં ઓછા એક જણને અવશ્ય નારાજ કરે છે. બન્ને પક્ષને છૂટ્યાનો આનંદ થાય એવાં ‘વિન-વિન’ રાજીનામાં બહુ ઓછાં હોય છે.
આત્મહત્યાની જેમ રાજીનામા પાછળ બે પ્રકારનાં પ્રેરક બળો કારણભૂત હોઇ શકે છે. જિંદગીથી કંટાળી ચૂકેલા અને કોઇ રીતે મઝા નહીં આવે તેની પાકી ખાતરી ધરાવતા લોકોની જેમ, કેટલાક કર્મચારીઓ બધા વિકલ્પ વિચારી જુએ છે. પછી એક તબક્કો એવો આવે છે જ્યારે તે ગાંઠ વાળે છે, ‘હવે બહુ થયું. સહનશક્તિની હદ આવી ગઇ.’ અને તે કાગળ-પેન લઇને ‘છેલ્લી ચિઠ્ઠી’ની સ્ટાઇલમાં રાજીનામું લખવા બેસે છે. બીજો પ્રકાર ક્ષણિક આવેશમાંથી નીપજતા નિર્ણયનો છે. એવા કિસ્સામાં ‘અડધો કલાક પહેલાં કશું ન હતું. અમે મળ્યા, સાથે ચા પીધી. પણ એવો જરાય ખ્યાલ ન આવ્યો.’ પ્રકારનું વર્ણન લાગુ પડે છે. ત્યાર પછી એવું કશું બને છે કે માણસને ગુસ્સો ચઢે અને તે ‘ક્યાં છે મારી બંદૂક?’ જેવી શૈલીમાં ‘ક્યાં છે કાગળ-પેન? આજે તો ફેંસલો કરી નાખું.’ એમ કહીને રાજીનામાનું લેખન હાથ ધરે છે.
રાજીનામું લખવાના ક્લાસ ચાલતા નથી. અલકમલકના વિષયો પર યુનિવર્સિટી કાઢવા તત્પર ગુજરાત સરકારે હજુ સુધી ‘રાજીનામા યુનિવર્સિટી’ ચાલુ કરી નથી- અથવા એ યોજના અમલમાં આવે તે પહેલાં જ સ્ટાફ રાજીનામું આપીને જતો રહ્યો હોય તો ખબર નથી. રાજીનામું એ વસિયતનામા જેવો દસ્તાવેજ ગણાય છે. એ લખતાં આનંદ થતો નથી. છતાં સ્વસ્થતા અને ‘આપણને કશો ફરક પડતો નથી’ ની મુદ્રા જાળવી રાખવી પડે છે. રાજીનામું કંઇ સાહિત્ય નથી કે તે લખવા માટે મૂડની જરૂર પડે. (હા, ખરાબ મૂડ સારું રાજીનામું લખવાની પ્રેરણા આપી શકે છે.) એટલે ઇન્ટરવ્યુમાં મહાનુભાવોને કોઇ પૂછતું નથી કે ‘રાજીનામું તમે કેવી રીતે લખો? કઇ પેન વાપરો? રાજીનામું લખતી વખતે ચા જોઇએ?’ અર્નેસ્ટ હેમિંગ્વો ઓફિસના ડસ્ટબીનમાં પાણી ભરીને, તેમાં પગ બોળીને રાજીનામું લખતો હતો કે કાલિદાસે દરબારમાંથી રાજીનામું કવિતાસ્વરૂપે આપ્યું હતું, એવી દંતકથાઓ પણ ચાલતી નથી.
રાજીનામું લખવાનું કામ ભૌતિક રીતે અઘરું નથી. ચાર લીટી લખતાં કેટલી વાર? પણ ‘જૂનું ઘર ખાલી કરતાં’ પ્રકારની કવિતામાં ઘર છોડતી વખતે પગમાં ‘લોહ કેરા મણિકા’ પડી જાય છે, તેમ રાજીનામું લખતી વખતે હાથ પર બેડીઓ જકડાઇ ગઇ હોય અને હાથ ઉપડતા ન હોય એવું લાગી શકે છે. જેમની પર નારાજગીનો ઢગ ખડકવાનો હોય એવી વ્યક્તિ માટે ‘પ્રિય’, ‘માનનીય’, ‘ડીઅર’ કે ‘રીસ્પેક્ટેડ’ જેવું સંબોધન વાપરતાં કીડીઓ ચઢે છે. પરંતુ ‘હવે ક્યાં ફરી એમના મોઢે લાગવાનું છે’ એમ વિચારીને છેલ્લી વાર આ ઔપચારિકતા કરી નાખવામાં આવે છે. એ વખતે એવું થાય છે કે રાજીનામાનો આખો પત્ર પૂરો કરી દીધા પછી, મોતની સજા ફટકારતા હિંદી ફિલ્મી ન્યાયાધીશની અદાથી, પેન તોડી નાખવી જોઇએ.
ઠરેલ માણસો સલાહ આપે છે કે રાજીનામામાં (પણ) સાચેસાચું ન લખવું જોઇએ. એ શિખામણનું પાલન કરીને મોટા ભાગના રાજીનામું ધરનારા સંસ્થાનાં, સાહેબનાં અને સહકર્મચારીઓનાં વખાણ કરે છે અને (રાજીનામું આપવા સુધીની અવસ્થાએ પહોંચવામાં) તેમણે આપેલા સહકાર બદલ આભાર માને છે. કોઇ એવું નથી લખતું કે ‘માનનીય સાહેબશ્રી, તમારા અઢળક ત્રાસ, અપાર શોષણ, તુંડમિજાજ, આપખુદશાહી અને નબળા સહકર્મચારીઓની અમર્યાદ ચાડીચુગલીથી થઇ રહેલી મારી સહનશક્તિની કસોટી આજે પૂરી થાય છે. મને તત્કાળ અસરથી ફરજમુક્ત અને ત્રાસમુક્ત કરવા વિનંતી.’
રાજકારણના કુરુક્ષેત્રમાં રાજીનામું બ્રહ્માસ્ત્રની અવેજીમાં વપરાય છે. તેનો પ્રહાર સફળ થાય તો શત્રુઓ ચિત થાય છે ને એ આપીને પાછું ખેંચતાં ન ફાવે તો ખુરશી ગુમાવવાનો વારો આવે છે. રાજકારણમાં અપાતાં ઘણાં રાજીનામાં બૂમરેન્ગ પ્રકારનાં હોય છે. તે આપનારા ઇચ્છતા હોય છે કે મેં ભલે રાજીનામું ધરી દીઘું, પણ તે અસ્વીકાર થઇને બૂમરેન્ગની જેમ પાછું ફરવું જોઇએ. રાજકારણમાં પ્રયોજાતાં વિવિધ રાજીનામાંના કેટલાક તાત્ત્વિક પ્રકારભેદ.
રાજીનામા ખાતર રાજીનામું
કળા ખાતર કળાની જેમ, કેટલાક નેતાઓ રાજીનામા ખાતર રાજીનામું આપવામાં માહેર હોય છે. તે ખરેખર રાજીનામું આપતા નથી, પણ વારેઘડીએ રાજીનામું આપવાની તૈયારી-કમ-ધમકી બતાવ્યા કરે છે. પોતાની સામે આરોપો થાય ત્યારે પણ રાજીનામું આપવાને બદલે એ કહે છે, ‘મારી સામેના આરોપ પુરવાર થાય તો હું રાજીનામું આપી દઇશ.’ કેમ જાણે, આરોપો પુરવાર થયા પછી રાજીનામું આપીને તે લોકો પર ઉપકાર કરવાના હોય.
રાજીનામા માટે રાજીનામું
રાજકારણમાં પક્ષ ને પક્ષમાં રાજકારણ હોય છે. મોરચા સરકારોમાં એકબીજા સાથીદારો વચ્ચે થાય છે, એટલી ખેંચતાણ વિરોધીઓ વચ્ચે પણ નથી થતી. એવા સંજોગોમાં કેટલાક લોકો ‘ફલાણાને હોદ્દા પરથી દૂર કરો. એનું રાજીનામું નહીં લો, તો હું રાજીનામું આપી દઇશ.’ એવી ચીમકી આપે છે. અલબત્ત, આ રીતે કોનું રાજીનામું માગવામાં આવે છે અને ચીમકી આપનારનું વજન કેટલું છે તે અત્યંત મહત્ત્વનું છે. જો સામેનો માણસ વધારે મહત્ત્વન હોય તો હાઇકમાન્ડ આ ચીમકીને ઓફર ગણીને ઉત્સુકતાથી પૂછી શકે છે,‘ ખરેખર? ક્યારે?’
રાજીનામા ઉપર રાજીનામું
કેટલીક જાહેર સંસ્થાઓમાં કે રાજકારણમાં કોઇ કામના માણસને માઠું લાગી જાય ને તે રાજીનામું ધરી દીધા પછી કોઇ વાતે સમજવા તૈયાર ન હોય, ત્યારે આ દાવ અજમાવવામાં આવે છે. બીજા એક-બે જણ તેમને કહે છેઃ તમે રાજીનામું પાછું નહીં ખેંચો તો અમે પણ અમારા હોદ્દેથી રાજીનામું આપી દઇશું. પછી જે થવું હોય તે થાય.’ આવા કિસ્સામાં મોટે ભાગે પછી કશું થતું નથી. કોઇને રાજીનામું આપવું પડતું નથી, આપેલું રાજીનામું પાછું ખેંચાઇ જાય છે અને માખણના ઠામમાં માખણ પડી રહે છે.
આદતવશ રાજીનામું
ઘણા લોકોને વાતેવાતે સમ ખાવાની જેમ વાતેવાતે રાજીનામું ધરી દેવાની ટેવ હોય છે. સહેજ પણ નારાજગી થાય એવું કંઇ બને એટલે ‘એવું હોય તો હું રાજીનામું આપી દઉં. પછી તમારે જે કરવું હોય તે કરો’ એમ કહીને તે ઉભા રહી જાય છે. આ ટેવ એટલી ઊંડી ઉતરી જાય છે કે ઘરમાં ન ભાવતું શાક બન્યું હોય તો પણ તેમનાથી બોલી જવાય છે, ‘ફરી આ શાક બનાવ્યું તો હું રાજીનામું આપી દઇશ.’ પછી કુટુંબીજનોના ચહેરા પર ઉપહાસાત્મક હાસ્ય જોઇને તેમને યાદ આવે છે કે ખોટી જગ્યાએ ધમકી અપાઇ ગઇ. અલબત્ત ભસતાં કૂતરાં કરડે નહીં એ ન્યાયે, આ જાતના રાજીનામાધરુઓ પાસે રાજીનામું આપવા કરતાં ન આપવાનાં કારણોની સંખ્યા હંમેશાં વધારે હોય છે. એટલે તે ભાગ્યે જ રાજીનામું આપે છે.
બળજબરીથી લેવાયેલું રાજીનામું
જેમ પોલીસનાં એન્કાઉન્ટરને ઘણા લોકો ખૂન ગણતા નથી, તેમ આ જાતનાં રાજીનામાં પણ બરતરફી ગણાતાં નથી. ફરક માત્ર શબ્દોનો જ હોય છે. આ પ્રકારનું રાજીનામું આપનારને બે સુખ હોય છેઃ પહેલું સુખ એ કે રાજીનામું લખવું પડતું નથી. એ તૈયાર જ રખાયું હોય છે. તેમણે ફક્ત સહી કરવાની રહે છે. બીજું અને મોટું સુખઃ આ રીતે રાજીનામું આપ્યા પછી, બાકીની આખી જિંદગી પોતે નોકરીમાંથી રાજીનામું આપીને એક્સ કે વાય ક્ષેત્રને કેવા સમર્પીત થઇ ગયા, તેનાં ગાણાં ગાઇ શકાય છે.
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ
Subscribe to:
Post Comments (Atom)
નીચે લખેલ આપના વાક્યો નાં અનુસંધાનમાં પુછવાનું કે અલકમલક લાગે તેવા વિષયો નાં કોઈ ઉદાહરણ છેકે ગુજરાત સરકાર ની એનકેન અથવા જબરદસ્તી પુર્વક ટીકા કરવાની આદત નું પરિણામ છે...?
ReplyDelete"અલકમલકના વિષયો પર યુનિવર્સિટી કાઢવા તત્પર ગુજરાત સરકારે હજુ સુધી ‘રાજીનામા યુનિવર્સિટી’ ચાલુ કરી નથી- અથવા એ યોજના અમલમાં આવે તે પહેલાં જ સ્ટાફ રાજીનામું આપી"
પુર્વગ્રહ અને અંગત અણગમા મુકી ને લખવનો આગ્રહ રાખો તો તમારી લેખન કળા સોળિ કળા એ ખીલે...!
મારી લેખનકળાની લાગણીપૂર્વક ચિંતા કરવા બદલ આભાર. પેટ્રોલિયમ યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તત્કાળ યાદ આવતાં નામ છે. સામે દેખાતું ધરાર નહીં જોવાની ટેવ વિશે પણ થોડી ચિંતા રાખશો તો આનંદ થશે. જે કામ માહિતીખાતાને કરવાનું હોય એ કામ રાજ્યના નાગરિકો, સંભવતઃ સ્વૈચ્છિક રીતે, કરતા થઇ જાય એ ખરેખર ચિંતાજનક છે.
Deleteરાજ્ય કે કેન્દ્ર સરકાર બનાવતી વખતે મુખ્ય પ્રધાન કે વડા પ્રધાન અમુક મંત્રીઓ અગાઉથી રાજીનામું લખી આપે તો મંત્રી બનાવે છે. જેમાં કેન્દ્રમાં કોંગ્રેસ અને મહારાશ્ટ્રમાં શીવસેનાના દાખલા સમજવા.....
ReplyDeleteActually it should have been naraajinaamu. At least the English word "resignation" is much closer to the truth. Great read Urvish! :)
ReplyDeleteમારી લેખનકળાની લાગણીપૂર્વક ચિંતા કરવા બદલ આભાર! LOL
ReplyDelete@મેહુલઃ- તમારા અંગત 'ગમા'ઓને બાજુ પર રાખીને જે ત્રણ યુનિવર્સિટીઓનો ઉલ્લેખ થયો છે ત્યાં જરા આંટો મારી આવો એટલે ખબર પડશે કે કાગળ પરની યુનિ.ઓ કેવી હોય છે. આમાં એક નામ ઉમેરવા જેવું છે, ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ. આના જેવી ફક્ત નામની યુનિ. તો દુનિયાભરમાં ક્યાંય નહિ મળે. અંધભક્તિમાંથી બહાર આવો તો ખ્યાલ આવશે કે ક્યાં શું થઇ રહ્યું છે.
ReplyDeleteભારત અને સમગ્ર માનવ સમાજ નો ઇતિહાસ નો અભ્યાસ કરીશું તો ઘણા ઉદાહરણો મળી આવશે। જે પદાધિકારી ના નસીબ માં રાજીનામાં નથી લખેલ હોતા તેઓ કમનસીબો ને ઉપરવાળો પધ્ભ્રસ્થ થવા નો અનુભવ જરૂર કરાવે છે। પીડિતો અને ઈશ્વર દરમ્યાન કોઈ નથી હોતું।
ReplyDelete