Wednesday, November 28, 2012

‘ટિકિટકારણ’ : ચિંતા અને ચિંતન


ભારતીય સંસ્કૃતિમાં સામાન્ય રીતે કન્યા માટે ‘કોડભરી’ એવું વિશેષણ વધારે પ્રચલિત છે. સાથોસાથ ‘કુંવારા કોડે મરે ને પરણેલા પસ્તાય’ એવી કહેવત પણ ખરી. પરંતુ વાત ચૂંટણીમાં ટિકિટ મેળવવાની હોય ત્યારે તાલાવેલી, મૂંઝારો, અનિશ્ચિતતા, સુખદ અને દુઃખદ કલ્પનાઓ વચ્ચેનાં ઝોલાં વગેરેના મિશ્રણ જેવી ઉમેદવારોની માનસિકતા માટે ‘કોડભરી’થી વધારે શુભ શબ્દ જડતો નથી.

‘વિના ટિકિટે મુસાફરી કરવી એ ફક્ત કાનૂની જ નહીં, સામાજિક અપરાધ પણ છે’ એવું રેલવેતંત્ર ભારપૂર્વક જાહેર કરે છે. પરંતુ  ‘ટિકિટ’ વગરના નેતા હોવું એ કેવી ગંભીર સામાજિક-રાજકીય (સોશ્યો-પોલિટિકલ) પરિસ્થિતિ છે, એ ભાગ્યે જ કહેવામાં આવે છે. એટલે ટિકિટવિહોણા ‘ઘાયલો’ની ગત તેમના જેવા બીજા ભૂતપૂર્વ કે વર્તમાન ‘ઘાયલ’ સિવાય બીજા બહુ સમજી શકતા નથી.

બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીમાં એક ભાવિ વૈજ્ઞાનિક, ઇજનેર, સી.એ. કે એમ.બી.એ. છુપાયેલો હોય છે એવું સૈદ્ધાંતિક રીતે કહી શકાય. એવી જ રીતે, દરેક ટિકિટવાંચ્છુમાં સૈદ્ધાંતિક રીતે રાજ્યનો ભાવિ પ્રધાન કે મુખ્ય પ્રધાન છુપાયેલો હોઇ શકે છે. પરંતુ આ સિદ્ધાંતસુખની અસર પરિણામ જાહેર થતાં સુધી જ ટકે છે. એક વાર ટિકિટની યાદી બહાર પડી ગયા પછી ‘રીચેકિંગ’ની તક ભાગ્યે જ મળે છે.

ચૂંટણીની જાહેરાત થાય એ સાથે જ, કોઇ દેશી કન્યા એક અઠવાડિયા માટે પરદેશથી પરણવા આવવાની હોય એવું વાતાવરણ ઊભું થાય છે. કન્યાના પરિવારની જેમ સંભવિત ટિકિટવાંચ્છુઓએ તડામાર તૈયારીમાં લાગી જવું પડે છે. એ વખતે કોઇ તેમને પૂછે તો એ કહે છે, ‘બઘું ફાઇનલ જ છે. બસ, મુરતિયો મળી જાય એટલે...’ હકારાત્મક વિચારસરણીની ગોળીઓ પીવડાવનારા કહે છે તેમ, દુનિયા આશા પર ટકેલી છે. એટલે ટિકિટ-વાંચ્છુઓ ચૂંટણી લડવાની જ છે એ આશાએ તૈયારી કરવા લાગે છે. લગ્નપ્રસંગ માટે મંડપવાળા ને બેન્ડવાજાથી માંડીને ગોરમહારાજ સુધી બધાની વ્યવસ્થા  કરવી પડે, તેમ ટિકિટ માટે પોતાના સ્થાનિક ટેકેદારોથી માંડીને છેક ટોચ સુધી જ્યાં છેડા અડતા હોય એ બધા છેડા ચેક કરી લેવા પડે. એની પર ઘૂળ જામી હોય કે કનેક્શન ઢીલાં થયાં હોય તો તેમને નવેસરથી હલાવીને ચેતનવંતાં બનાવવાં પડે. પહેરવેશથી માંડીને વાતેવાતે બે હાથ જોડીને ‘હેં..હેં..હેં.., હું તો તમારો પ્રતિનિધિ છું.’ વાળી મુદ્રા ધારણ કરવાની પ્રેક્ટિસ પાડવી પડે.

ચૂંટણી નજીક આવે અને તારીખોની જાહેરાત થાય, એટલે લગ્નોત્સુક કન્યા દેશમાં આવી ગઇ હોય એ તબક્કો શરૂ થાય. ત્યાર પછી ‘બાકી બદ્ધું ગોઠવાઇ ગયું છે’ના રટણને બદલે, જે એકમાત્ર ચીજ બાકી છે ત્યાં સુધી પહોંચવાના સીધા પ્રયાસ શરૂ થાય. ત્યારે ઘણી વાર બાળકો માટે આવતાં ‘રસ્તો શોધો’નાં ચિત્રો જેવી સ્થિતિ સર્જાય છે.  ‘સસલાને ગાજર સુધી પહોંચાડી આપો’ની ભૂલભૂલામણીમાં સસલું ને ગાજર આમનેસામને હોવા છતાં, તેમની વચ્ચેના રસ્તા એટલા ગૂંચવાડાભર્યા હોય છે કે વચ્ચે રસ્તો જરાક જ ફંટાય તો સસલું ગાજર સુધી પહોંચી ન શકે.

એવી જ રીતે, ટિકિટ સુધી પહોંચવાના અનેક રસ્તા દેખાતા હોય, કોને કહેવાથી ને ક્યાં છેડા અડાડવાથી ટિકિટ હસ્તગત કરી શકાય એનો ખ્યાલ હોય. છતાં, કયો રસ્તો અધવચ્ચેથી ફંટાઇને અચાનક પૂરો થઇ જાય છે અને કયો છેવટે ટિકિટ સુધી પહોંચે છે, એ નક્કી કરવાનું લગભગ અશક્ય લાગે. આશાવાદીઓ હંમેશાં ગની દહીંવાલાના અંદાજમાં વિચારતા હોય, ‘મારો હાથ ઝાલીને લઇ જશે, મુજ શત્રુઓ (પણ) ટિકિટ સુધી’, જ્યારે નિરાશાવાદીઓને બધા પ્રયાસ કર્યા પછી પણ રાત્રે એવાં સ્વપ્ન આવતાં હોય કે ટિકિટની ફાઇનલ યાદીમાં એમનું નામ જાહેર થયા પછી અને મીઠાઇઓ વહેંચી લીધા પછી, બીજા દિવસે યાદીમાં સુધારો થાય છે અને તેમનું નામ કમી થઇ જાય છે.

રેલવેની ટિકીટની જેમ વિધાનસભા-લોકસભાની ટિકિટમાં પણ કન્ફર્મ્ડ, આરએસી  (રીઝર્વેશન અગેઇન્સ્ટ કેન્સલેશન) અને વેઇટિંગ જેવા પ્રકારભેદ પાડી શકાય. દરેક પક્ષમાં કેટલાક નેતાઓની ઉમેદવારી નક્કી હોય છે. કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા કે ભાજપમાંથી આનંદીબહેન પટેલ કે ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી કેશુભાઇ પટેલને ટિકિટ મળશે કે નહીં, એવી એવઢવ કોઇને હોતી નથી. આ બધા કન્ફર્મ્ડ ટિકિટધારકો છે. અલબત્ત, અમુક કન્ફર્મ્ડ ટિકિટધારકોને ટિકિટની ચિંતા ન રહે એટલે પછી તે અપર બર્થ છે કે લોઅર, તેની ચિંતા કરવામાં પડી જાય છે. કારણ કે ટિકિટસંબંધિત ચિંતા કરવામાં ન આવે ત્યાં સુધી લોકશાહી અને ચૂંટણીની રસમ પૂરી થઇ ન ગણાય એવું તેમને લાગે છે.

બીજો પ્રકાર છે આરએસી-નેતાઓનો. બેઠક પરના ચાલુ ઉમેદવારનું ‘રીઝર્વેશન કેન્સલ થાય’- પત્તું કપાય, તો તેમને તક મળે. વાંચ્છુકોની યાદીમાં તેમનું નામ પહેલું તો નહીં, પણ અગ્રતાક્રમે જરૂર હોય છે અને ‘આશા અમર છે’ના વચનમાં તેમના જેટલી શ્રદ્ધા ભાગ્યે જ બીજા કોઇને હશે. હાડોહાડ આશાવાદીઓ ટિકિટની ફાઇનલ યાદી બહાર પડી ગયા પછી પણ, ચૂંટણીના આગલા દિવસ લગી ચૂંટણી રદ થવાની અને નવેસરથી ચૂંટણીમાં પોતાને તક મળવાની આશા છોડતા નથી. ‘આજકાલ ગમે તે ઉંમરે માણસોને હાર્ટએટેક આવે અને રસ્તા પરનો બેફામ ટ્રાફિક તો તમને ખબર છે. ગયા અઠવાડિયે જ અમારા એક ઓળખીતા ગાડીમાં જતા હતા ને સામેથી આવીને કોઇ ઠોકી ગયું...આપણે કોઇનું ખરાબ ન ઇચ્છીએ. પણ  શું છે કે જમાનો ખરાબ છે.’ વગેરે.

વેઇટિંગવાળા સૌથી છેલ્લે આવે. રેલવેની જેમ વિધાનસભાના ‘વેઇટિંગ’ ટિકિટધારકોને ઉપરથી કોઇ જ ખાતરી અપાતી નથી. પરંતુ કોઇ પણ માણસ ગમે તેવી ટ્રેનની વેઇટિંગની ટિકિટ લઇને, તેના મુસાફર હોવાનો સુખદ ભ્રમ પંપાળી શકે છે. એવી જ રીતે, ‘વેઇટિંગ’ ઉમેદવારો જાતે ને જાતે પોતાનું નામ આશાસ્પદ ઉમેદવાર તરીકે તરતું મૂકાવે છે. ‘ગઇ વખતે અમે મુંબઇ ગયા ત્યારે ૧૮૯ વેઇટિંગ હતું. તો પણ છેલ્લી ઘડીએ ટિકિટ કન્ફર્મ થઇ ગઇ.’ એવી રેલવેની પરચા-છાપ આશ્વાસનપદ્ધતિ વિધાનસભાની ટિકિટમાં પણ કામે લગાડી શકાય છે. જેમ કે, ‘ગઇ વખતે ફલાણી બેઠક પર ઢીકણાભાઇનું નામ છેવટ સુધી ક્યાંય સંભળાતું જ ન હતું. કોઇને આશા પણ ન હતી કે એમને ટિકિટ મળે. પણ યાદી બહાર પડી ત્યારે એમનું નામ સૌથી પહેલું હતું. આ વખતે આપણું પણ એવું જ છે. હજુ સુધી આપણું નામ ક્યાંય સંભળાતું નથી. એટલે ટિકિટ મળવાના ચાન્સીસ જોરદાર છે.’ વેઇટિંગ લિસ્ટની ટિકિટ કન્ફર્મ ન થાય તો એનાં કારણ શોધવા જેટલી મૌલિકતા- અને ફરી વખત ટિકિટ માટે મેદાનમાં ઉતરીશું ત્યારે આવું નહીં થાય એવી શ્રદ્ધા- દરેકમાં હોય છે, પછી તે રેલવેની ટિકિટ હોય કે વિધાનસભાની.

રેલવેની જેમ વિધાનસભા-લોકસભાની ટિકિટોમાં ‘એજન્ટપ્રથા’ નાબૂદ થઇ ચૂકી હોવાના દાવા જોરશોરથી થાય છે, પણ તેની અસલિયત શી છે, એ જાણનાર  જાણે છે.

1 comment:

  1. Anonymous3:41:00 PM

    Tatkal Scheme jevu kai hoy chhe?

    ReplyDelete