Tuesday, October 29, 2019

એક વર્ષના ગાળામાં બે પ્રિય વડીલોની વિદાય : નરેન્દ્રકાકા અને શૈલેષકાકા

Shailesh K. Parikh/ શૈલેષ પરીખ 
આજે બપોરે શૈલેષકાકાના અવસાનના સમાચાર મળ્યા. હજુ અઠવાડિયા-દસ દિવસ પહેલાં જ, ‘જલસો’ના અંકનું કામ પૂરું કરીને, શૈલેષકાકા અને પરિવારજનોને મળવા મુંબઈ ગયો હતો. કાકાની અવસ્થા જોઈ હતી. એટલે સમાચાર જાણીને સ્વાભાવિક દુઃખની સાથે રાહતની લાગણી પણ થઈ.

અત્યારનો જમાનો સગપણનો નહીં, સંબંધનો છે. ગમે તેટલા નજીકના સગપણવાળા સાથે નિકટતા ન હોય ને મિત્રમંડળ સાથે કૌટુંબિક-આત્મીય સંબંધો હોય, એની નવાઈ નથી. બલ્કે, ઘણુંખરું તો એ જ સામાન્ય ક્રમ બની ગયો છે. અમારા જેવા (મારા ને બીરેન જેવા) બિનસામાજિક લોકો માટે તો ખાસ. તેમાં બે ભવ્ય અપવાદ એટલે નરેન્દ્ર રમણલાલ દેસાઈ-નરેન્દ્રકાકા અને શૈલેષ કાંતિલાલ પરીખ-શૈલેષકાકા.

બંને મારા પપ્પાના પિતરાઈ-અત્યારની પરિભાષામાં કહીએ તો, ફર્સ્ટ કઝિન. નરેન્દ્રકાકા પપ્પાના સગા મામાનો છોકરો અને શૈલેષકાકા સગાં માસીનો છોકરો. બંને વ્યાવસાયિક રીતે સફળ. નરેન્દ્રકાકા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં અમદાવાદ હતા અને શૈલેષકાકા ખાનદાની સોલિસિટર. (તેમના પિતા પણ સોલિસિટર હતા). અમે જોયા ત્યારથી તો મુંબઈમાં પેડર રોડના મુખ્ય રસ્તા પર એક મોટા ફ્લેટમાં તે રહે. બંને કાકાઓની પ્રકૃતિ એકદમ જુદી. નરેન્દ્રકાકા તોફાની, શૈલેષકાકા શાંત. નરેન્દ્રકાકાને છૂટથી બોલવા જોઈએ, શૈલેષકાકા તોળીને બોલે. નરેન્દ્રકાકા મહેમદાવાદી તરીકેનો બિલ્લો ગૌરવથી લગાડીને ફરે અને શહેરીકરણ ને સમૃદ્ધિ પછી પણ, બોલવામાં જૂના મહેમદાવાદની છાંટ ધરાર લઈ આવે—જૂની કહેવતોનો છૂટથી પ્રયોગ કરે. (ઝાંઝરી વેચીને શેઠાણી ન કહેવડાવાય—એ તેમની પ્રિય કહેવતોમાંની એક) શૈલેષકાકા મુંબઈના સોલિસિટર. ‘રીડર્સ ડાયજેસ્ટ’ના- તારક મહેતાના ઊલ્ટા ચશ્માના પ્રેમી વાચક. તેમની વાતોમાં જૂના સ્નેહીઓ-કુટુંબીઓનાં ખબરઅંતર અને જૂના દિવસોની વાતો વધારે હોય. આવા દેખીતા વિરોધાભાસ  છતાં બંનેનો એકબીજા માટેનો-એકબીજાનાં પરિવાર માટેનો અને અમારા પરિવાર માટેનો ભાવ ઊંડો, લાગણી પ્રબળ.

બંને કાકાઓને તેમના પિતરાઈ (મારા પપ્પા) સાથે ગાઢ સંબંધ હોય તેમાં કશી નવાઈ ન ગણાય. કેમ કે, મહેમદાવાદમાં કૌટુંબિક રીતે અમારું ઘર એટલે ‘મોટું ઘર’. અમદાવાદ-મુંબઈથી વેકેશનમાં પપ્પાનાં મામા-માસીઓ કે તેમનાં સંતાનો વેકેશનમાં અમારા જૂના ઘરે આવીને પંદર દિવસ-મહિનો રહે, એ દિવસોમાં થઈ શકતી મઝા કરે, નદીએ નહાવા જાય, ઘરમાં ધમાલ કરે, કૌટુંબિક શિક્ષક-વડીલ કનુકાકા પાસે ભણે (અમારા કુટુંબના એ વિશિષ્ટ પાત્ર વિશે બીરેનના બ્લોગની લિન્ક http://birenkothari.blogspot.com/search/label/Kanukaka)

પણ આ કાકાઓ સાથેના અમારા સંબંધની ખાસિયત એ હતી કે પપ્પા સાથે તેમને માપસરનો સારો સંબંધ હતો, જે અમારા બંને ભાઈઓ સાથે પહેલાં કરતાં વધારે, એકદમ ગાઢ બન્યો. એટલું જ નહીં, તે પછીની પેઢી સુધી વિસ્તર્યો. તેમાં શૈલેષકાકાનાં પત્ની રેખાકાકીના અત્યંત ઉત્સાહી, પ્રેમાળ સ્વભાવનો ફાળો પણ મોટો. શૈલેષકાકાની એકની એક પુત્રી પૌલા, તેના પતિ કપિલભાઈ, નરેન્દ્રકાકાનાં સંતાનો સોનલ વખારિયા-દેસાઈ અને આશિષ દેસાઈ પણ અમારી સાથે એટલા પ્રેમથી જોડાયાં ને લોહીના સગપણની ઔપચારિકતાને વળોટીને નજીકનાં સ્નેહી બન્યાં. કૌટુંબિક સંબંધોના આથમતા યુગમાં, ભત્રીજાઓ સાથે સંબંધ પહેલાં કરતાં વધારે ગાઢ બને અને ધીમે ધીમે તેમાંથી સ્વતંત્ર સંબંધો-ગાઢ આત્મીયતા જન્મે, એવંં અમારા સંબંધમાં થયું.
L to R, sitting : Paula Marwaha, Pooja, Sonal Vakharia-Desai, Sahil ;
Standing : Hiral Ashish Desai, Ashish N. Desai, Narendra Desai, Swati Desai

***
નરેન્દ્રકાકા સાથે પરિચય-આત્મીયતા પ્રમાણમાં વહેલાં થયેલાં. તેનું એક કારણ ભૌગોલિક. તે અમદાવાદમાં રહેતા હોવાને કારણે ઘરે અવરજવર થાય. સરખામણીએ શૈલેષકાકા સાથેનો પરિચય મોડો થયો. પહેલાં મુંબઈ મારા સગા મોટા કાકાને ઘેર રહેવા જઈએ, ત્યારે એક સાંજે શૈલેષકાકાને ઘેર જમવાનો કાર્યક્રમ હોય. તેમનાં બહેન-બનેવી ઉષાફોઈ-અનિલફુઆ પણ મોટે ભાગે હોય. પરંતુ એ મિલન મુખ્યત્વે વડીલોનું હોય. અમારે તો મોટા કાકાના છોકરાઓ સાથે પેડર રોડ પર (ફિલ્મ્સ ડિવિઝનની સામેના ભાગમાં) ચોથા માળે બારીમાંથી નીચે જતોઆવતો ટ્રાફિક જોવાનો હોય. (નાનપણમાં એવા ટ્રાફિકનું દૃશ્ય પણ થોડા સમય માટે રોમાંચક લાગતું હતું.)

મોટા કાકાની દિકરીના લગ્નનો પ્રસંગ મહેમદાવાદમાં ઉજવ્યો, ત્યારે શૈલેષકાકા સપરિવાર મહેમદાવાદ આવ્યા. એ વખતે મારાથી દોઢેક વર્ષ મોટી તેમની પુત્રી પૌલા સાથે અમારે દોસ્તી થઈ. તેમાં ઘણી બધી ક્રેડિટ પૌલાની. કેમ કે, એ સાઉથ મુંબઈમાં રહેતી, અંગ્રેજી મિડીયમમાં ભણતી સમૃદ્ધ પરિવારની એકની એક દીકરી અને અમે બંને પાકા મહેમદાવાદી. છતાં, સમજણમાં અમારી વચ્ચે પહેલી મુલાકાત પછી પત્રવ્યવહાર શરૂ થયો અને એવો નાતો બંધાયો, જે હજુ પણ એટલો જ મજબૂત છે. વખતોવખત અમારાં ત્રણેનાં લગ્ન થયાં. પૌલા બાજુના જ ફ્લેટમાં રહેતા કપિલભાઈ મારવાહા સાથે પરણી. તેમના દાંપત્યજીવનનાં શરૂઆતનાં વર્ષોમાં બીરેન અને હું પ્રસંગે પ્રસંગે અવનવાં કાર્ડ બનાવતા-સર્જકતાની છાંટ ધરાવતી સામગ્રી અંગ્રેજીમાં તૈયાર કરતા અને તે બંને જ નહીં, આખું પરિવાર અમારી સામગ્રીને વધાવતું. ‘અમારા મહેમદાવાદવાળા કઝિન અનિલભાઈના દીકરાઓ’થી ધીમે ધીમે અમારી સ્વતંત્ર ઓળખ પ્રસ્થાપિત થવા લાગી હતી.

પૌલાનું લગ્ન ૧૯૯૨માં થયું, પણ અમારી સ્વતંત્ર ઓળખ અને સ્વતંત્ર સમીકરણો રચાવાની શરૂઆત ૧૯૯૦ની અમારી મુલાકાતથી થઈ. (એ વાતને ત્રીસેક વર્ષનો ગાળો વીતી ગયો, એ વિચારીને નવાઈ લાગે છે.) બીરેન અને હું જૂના ફિલ્મસંગીત સાથે સંકળાયેલાં ગમતાં કલાકારોને મળવા માટે મુંબઈ ગયા. એ વખતે પહેલી વાર અમે આ રીતે સ્વતંત્રપણે શૈલેષકાકાને ત્યાં રહ્યા. ત્યારે તેમના મોટા કહેવાય એવા ફ્લેટમાં પણ મેળાવડો ભરાયેલો હતો. પૌલાનાં મુંબઈ રહેતાં માસી અને તેમની દીકરીઓ ઋજુતા અને શીતલ, અમદાવાદ રહેતાં માસી-માસા અને તેમની દીકરી નિયતિ, તેના મામાનો દીકરો સૌરીન, તેનાં નાના-નાની ઉપરાંત અમદાવાદથી નરેન્દ્રકાકા અને તેમનો દીકરો આશિષ. આટલા મોટા ઝુંડમાં વળી અમે બે ઉમેરાયા. આમ તો મુંઝવણભરી સ્થિતિ થાય, પણ શૈલેષકાકા-રેખાકાકી-પૌલાનો ફ્લેટ મોટો અને મન તો વળી એના કરતાં ઘણું મોટું. એટલે અમે બધાં સુખેથી સમાઈ ગયાં. એ વખતે યાદ છે કે શૈલેષકાકા અમને બધાને કોઈ સાઉથ ઇન્ડિયન રેસ્તોરાંમાં જમવા લઈ ગયા હતા. અમારું ત્યાં જવાનું એક કારણ પૌલા સાથે શરૂ થયેલો પત્રવ્યવહાર અને બીજું કારણ એ હતું કે અમારી યાદીમાંથી ત્રણ જણ તેમના ઘરથી ચાલતા જવાય એટલા નજીક હતાઃ આશા ભોસલે, સલિલ ચૌધરી અને શ્યામ બેનેગલ. અમે—મહેમદાવાદીઓએ—આશા ભોસલેને મળવા જવાની અમારી યોજનાની વાત કરી, એટલે ઘડીભર તો મોટા વૃંદમાં શંકાનું મોજું ફેલાઈ ગયું. ‘એ લોકો આવી રીતે મળે?’ એવા પ્રકારના અનેક સવાલો થયા. તેના જવાબ તો અમારી પાસે પણ ન હતા. છતાં, બહુ ખબર ન હોવાને કારણે એક પ્રકારનો (આપણે ક્યાં કશું ખોવાનું છે? એવો) આત્મવિશ્વાસ હતો. એટલે કશી અપોઇન્ટમેન્ટ વગર કે કશી એવી દેખીતી લાયકાત-ઓળખાણ વિના બીરેન, હું અને પૌલા પાંચેક મિનીટના અંતરે આવેલા ‘પ્રભુ કુંજ’માં આશા ભોસલેને મળવા પહોંચ્યાં. ત્યાર પછી જે થયું, તે અલગથી બ્લોગમાં લખ્યું છે. (http://urvishkothari-gujarati.blogspot.com/2010/05/400.html) પણ એ અમારા ત્રણે માટે ચમત્કારથી કમ ન હતું.

આશા ભોસલે અમને મળ્યાં અને શાંતિથી અમારી સાથે વાતો કરી, એ જ મુંબઈ-મુલાકાતમાં એક મિત્રની ઓળખાણથી શૈલેષકાકા અમને નૌશાદને મળવા તેમના બંગલે લઈ ગયા. ઝાઝી વાતો ન થઈ. ફોટા પણ ફ્લેશ ન ચાલવાથી સરખા ન આવ્યા. છતાં મળવાનું તો થયું. શૈલેષકાકાના એક ક્લાયન્ટ સુશીલકુમાર જૂની ફિલ્મોમાં હીરો તરીકે કામ કરી ચૂક્યા હતા. અમારો રસ જાણીને શૈલેષકાકાએ એક વાર સુશીલકુમારને ઘરે જમવા બોલાવ્યા. પછી તો વાતોનો દૌર જામ્યો. નિયમિત જીવન અને વહેલા સુવા-વહેલા ઉઠવા ટેવાયેલા શૈલેષકાકાને ત્યાં એક પછી એક વિકેટો પડતી ગઈ. છેવટે સુશીલકુમાર, કાકા અને અમે રહી ગયા. ત્યારે સુશીલકુમારે માંડ વાત સંકેલી.

૧૯૯૦ની અમારી ફિલ્મસંગીતવિષયક મુલાકાતોના ક્ષેત્રની સાથોસાથ શૈલેષકાકા-રેખાકાકી-પૌલા સાથેના સંબંધોમાં પણ જાણે એક નવું આવરણ ઉમેરાયું. ત્યાર પછી એ ત્રણે સાથે અમારા સંબંધો સમુહગત અને વ્યક્તિગત રીતે વધુ ને વધુ મજબૂત બનતા ગયા. બિનસામાજિકતા માટે જાણીતા એવા પૌલાના પતિ કપિલભાઈ પણ વિવાહના સમયથી અમારી સાથે એટલા ભળી ગયા કે અમે જઈએ ત્યારે તે સમય કાઢીને પણ અચૂક મળવા આવે અને નિરાંતે ગપ્પાંગોષ્ઠિ ચાલે. બીરેન અને હું નવેસરથી પરીખ પરિવારની નિકટ આવ્યા અને સગપણને ટપી જાય એવો સંબંધ બંધાયો, એ બાબતે શૈલેષકાકા બહુ આનંદ અને સંતોષ વ્યક્ત કરતા હતા. એ વાતનો જશ તે અમને આપતા હતા, પણ અમે તેમને સાચી રીતે સમજાવતા હતા કે એ જશ તેમનો અને તેમના પરિવારનો હતો. બાકી, મુંબઈ જેવા શહેરમાં અને એ પણ દક્ષિણ મુંબઈમાં બે મહેમદાવાદી ભત્રીજાઓને કોઈ શા માટે ભાવ આપે?
(L: Paula, Pooja, Sahil, R: Kapil Marwaha, Paula, Pooja)
***
ધીમે ધીમે એવો ક્રમ શરૂ થયો કે મુંબઈ જઈએ ત્યારે શૈલેષકાકાને ત્યાં રાત રોકાવાનું જ હોય. રાત્રે સામાન્ય રીતે નવ વાગ્યે સુઈ જનાર કાકા-કાકી અમારી સાથે અગીયાર-સાડા અગીયાર-બાર સુધી બેસે, અવનવી વાતો કરે, જૂના દિવસો-મહેમદાવાદનાં સ્મરણ તાજાં કરે. બાજુના ફ્લેટમાં રહેતી પૌલા પણ વહેલી સવારે ઉઠી હોવા છતાં, રાત્રે બધું પરવારીને અમારી મહેફિલમાં જોડાય ને એમ અમે સાડા અગીયાર-બાર વગાડીએ. ક્યારેક બિનીત મોદી, પરેશ પ્રજાપતિ, અભિષેક શાહ જેવા મિત્રો સાથે પણ ત્યાં રાત રોકાઈએ. ત્રણે જણનો સ્વભાવ એટલો પ્રેમાળ અને કાકીની મહેમાનગતિ એવી નમૂનેદાર કે ત્યાં મિત્રો સાથે જતાં પણ સંકોચ ન થાય.

શૈલેષકાકાને પહેલેથી કરોડરજ્જુની તકલીફ હતી. એટલે ટટ્ટાર બેસવામાં મુશ્કેલી પડે. સ્વભાવના પણ તે નરમ. કાકી સામાજિક રીતે અને જ્ઞાતિની કે બીજી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અત્યંત સક્રિય. એ અને પૌલા સારું ગાય પણ ખરાં. પ્રસંગો-કાર્યક્રમોના આયોજનમાં પણ મઝા કરાવે. અમે હાઉસી એટલે શું તે પહેલી વાર પચીસેક વર્ષ પહેલાં તેમના ઘરે જાણ્યું ને રમ્યા. તેમના ઘરે આવતા બીજા લોકો સાથે પણ તે અમારી પ્રેમથી ઓળખાણ કરાવે—અને તે પણ એવા સમયે, જ્યારે અમારા બંનેમાંથી કોઈનો લખવા સાથે કશો સંબંધ ન હતો કે એવો કોઈ સામાજિક દરજ્જો પણ નહીં.

શૈલેષકાકા આખા કુટુંબમાં તેમની ચોક્સાઈ અને ચીવટ માટે જાણીતા. અમારા બૃહદ પરિવારમાં નરેન્દ્રકાકા, શૈલેષકાકા અને ત્રીજા એક કાકા વયજૂથમાં સરખા. એટલે નરેન્દ્રકાકા તેમના ખાસ અંદાજમાં કહે, ‘અમારા ત્રણેમાં શૈલેષ અતિ ચોક્કસ, --- અતિ લબાડ અને હું વચ્ચે.’ શૈલેષકાકાને ત્યાં તેમના પત્તા રમનારા મિત્રો ભેગા થયા હોય ત્યારે કાકા એક બાજુ પર બેસીને રીડર્સ ડાયજેસ્ટ વાંચે. મિત્રો તેમને પત્તાં રમવાનો આગ્રહ કરે, ત્યારે કાકા તેમને કહે, ‘હું તમને રીડર્સ ડાયજેસ્ટ વાંચવાનું કહું છું? તમારે મને પત્તાં રમવાનું નહીં કહેવાનું.’ કાકા રીડર્સ ડાયજેસ્ટના એવા પ્રેમી કે અમારો સંપર્ક થયા પછી તેમણે અમારા માટે રીડર્સ ડાયજેસ્ટનું એક વર્ષનું લવાજમ ભર્યું હતું અને મહેમદાવાદના સરનામે રીડર્સ ડાયજેસ્ટના અંકો આવતા હતા. (જોકે, ઘરના સરનામે અંકો આવવાનો ભારે રોમાંચ પૌલા અને કપિલભાઈએ અમને આપ્યો હતો. તેમને છ મહિના અમેરિકા જવાનું થયું, ત્યારે અમે હકથી પૌલાને કહ્યું હતું કે ‘શક્ય હોય તો અમારા પ્રિય ‘મૅડ’/MAD મેગેઝીનનું લવાજમ ભરજે. મુંબઈની ફૂટપાથો પરથી સેકન્ડ હેન્ડ તો ઘણાં ખરીદ્યાં છે, પણ એક એવી ઇચ્છા છે કે તે મહેમદાવાદના સરનામે આવે તો મઝા પડી જાય.’ પૌલા સાથે એવી નિકટતા કે તેને આવું કહેવાય. અને તેણે પણ યાદ રાખીને લવાજમ ભર્યું. એટલે લુહારવાડ, મહેમદાવાદ-૩૮૭૧૩૦ના સરનામે 'મૅડ'ની લવાજમધારકો માટેની ખાસ, ઉપરનું અલગ સફેદ પૂંઠું ધરાવતી નકલ, એક વર્ષ સુધી આવી હતી.)

ઘણાં વર્ષોથી શૈલેષકાકાએ પ્રેક્ટિસ તો બંધ કરી હતી. છતાં ઘરની સામે આવેલી બેન્કમાં જવાનો ક્રમ તેમણે રાખ્યો હતો. ઉપરાંત, તેમના રોકાણથી માંડીને નાનીમોટી કાયદાકીય અને બીજી બાબતોમાં પણ તે બહુ ચોક્સાઈથી કામ લેતા. તેમના જમાઈ કપિલભાઈ પણ આજના જમાનામાં દુર્લભ કહેવાય એવી ચોક્સાઈ ને એવા પ્રેમનું મિશ્રણ. એટલે તે પણ કાકાનું બરાબર ધ્યાન રાખે. બંને જણને બરાબર ફાવે. કાકાએ રોજિંદી પ્રવૃત્તિ તરીકે પણ ઘરની સામે આવેલી બેન્કમાં જવાનું રાખ્યું હતું. એ ઘરેથી થોડા જોક્સ વાંચે અને બેન્કમાં જઈને સ્ટાફને એ જોક્સ કહે. એ ન કહે, તો સ્ટાફ સામેથી ફરમાઈશ કરે. સ્ટાફવાળા ‘પારીખસાબ’ને ચા પીવડાવે. માર્ચ એન્ડિંગ વખતે દૂર દૂરથી આવનારા સ્ટાફના લોકોને કાકી વારાફરતી ઘરે બોલાવીને ચા-નાસ્તો કરાવે. મુંબઈમાં આવા સંબંધો ઓછા જોવા મળે. પણ કાકા-કાકી અને તેમની સાથેના સંસ્કારને કારણે પૌલા પણ એવા સંબંધોમાં કુશળ બની અને ગણતરી વગર, કેવળ પ્રેમ અને લાગણીથી વ્યવહાર કરવાનો દુર્લભ ગુણ આત્મસાત્ કર્યો.
***
છેલ્લાં થોડાં વર્ષોમાં કાકાની તબિયત લથડી હતી. કરોડરજ્જુની તકલીફ વકરી. બહાર નીકળવાનું ઓછું ને પછી બંધ થયું. અમે જઈએ ત્યારે રાત્રે જાગવાની મુદત પણ ઘટવા લાગી. કાકી અને પૌલા બેઠાં હોય. પણ કાકાને સુઈ જવું પડે. છતાં ફોનથી કાકા સતત સંપર્ક રાખે. નરેન્દ્રકાકાને ફોન કરે, અમને ફોન કરે, એકબીજાના સમાચાર જણાવે. એક વાર કાકા-કાકી અમદાવાદ આવ્યાં ત્યારે નરેન્દ્રકાકાને સાથે લઈને મહેમદાવાદ આવ્યાં હતાં. એ રાત્રે થયેલી બેઠક યાદગાર હતી. બંને કાકાઓ વર્તમાનની વાસ્તવિકતાઓ અને ભૂતકાળની સ્મૃતિઓમાં એવા ખોવાઈ ગયા હતા કે વાતાવરણ લાગણીસભર બની ગયું અને અમે એ લાગણીથી ભીંજાયા.
(L to R : Narendrakaka, Rekhakaki, Shaileshkaka at Mahemdavad)
ગયા વર્ષે ડિસેમ્બરમાં થોડી બિમારી પછી નરેન્દ્રકાકાએ વિદાય લીધી. દુઃખ તો થાય, પણ પાકટ ઉંમરે અને ઘણાં સંભારણાં આપીને એ ગયા હતા. અને તેમનાં સંતાનો સોનલ-આશિષ સાથે સ્વતંત્ર રીતે સંબંધ ઊભો થયો હોવાથી અને છેલ્લાં વર્ષોમાં તેમનાં પત્ની સ્વાતિકાકી સાથે પણ લાગણીનો સંબંધ થવાથી, મળવાનું ઓછું થતું હોવા છતાં નરેન્દ્રકાકા સાથેનો પારિવારિક સંબંધ ચાલુ રહેશે-- અને નરેન્દ્રકાકાને ભૂલવાનો તો સવાલ જ નથી. ઘણી વાર, ઘણી વાતોમાં, ઘણા સંદર્ભે તેમને યાદ કરવાનું થતું જ રહે છે.

નરેન્દ્રકાકા ગયા એ અરસામાં શૈલેષકાકાની તબિયત પણ મંદ પડતી હતી. અગાઉ એક-બે વાર ઘરની પાડોશમાં આવેલી જસલોક હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. પણ દોઢ-બે મહિના પહેલાં કપિલભાઈનો ફોન આવ્યો. તેમણે અને પૌલાએ ખાસ એ કહેવા માટે ફોન કર્યો હતો કે શૈલેષકાકાને અલ્ઝાઇમર્સની બિમારી છે અને એ બિમારીમાં ધીમે ધીમે સ્મૃતિભ્રંશ વધશે. માટે ઉતાવળથી કે દોડીને નહીં, પણ અનુકૂળતાએ આવી જવું. બીરેનની અને મારી સાથે કાકાની આત્મીયતા જાણીને તેમણે ખાસ આ ફોન કર્યો હતો. એટલે હું 'જલસો'નું કામ પૂરું કરીને, બે દિવસ મુંબઈ જઈ આવ્યો. સાંજે કાકાને ત્યાં પહોંચ્યો અને તેમને પથારીમાં જોયા, ત્યારે મનમાં ઉગેલો એક શબ્દ હતોઃ વાઇન્ડિંગ પ્રોસેસ. કાકાનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. બોલતાં શ્રમ પડતો હતો. અલ્ઝાઇમર્સની તો શરૂઆત હતી. છતાં, બીજી બધી તકલીફોથી તે ગ્રસ્ત હતા. તેમની સાથે વાતો કરી. તેમને કશું આશ્વાસન આપી શકાય તેમ તો ન હતું. પણ પ્રસન્નતાપૂર્વક થઈ શકે એટલી વાતો કરી. આખા દિવસમાં સમય પસાર કરવા શું થઈ શકે એવી પણ થોડી વાતો કરી. પરંતુ એ બધું તો પૌલા-કપિલભાઈ અને રેખાકાકી કરી જ ચૂક્યાં હોય. પૌલાનાં સંતાનોમાં પૂજા વેટરનરીમાં માસ્ટર્સ કરે છે ને નાનો સાહિલ કમ્પ્યુટર એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં. બંનેને પણ નાના-નાની સાથે ઘણી માયા. પૂજા ગૌહત્તી (આસામ) ભણે છે. એટલે તેની સાથે ફોન પર વાત થઈ. સાહિલ મળ્યો. રાત્રે અમે રાબેતા મુંજબ બેઠાં, પણ કાકાને તો સમ ખાવા પૂરતું જમીને અંદર જતા રહેવું પડ્યું. કાકી અને પૌલા સાથે હું બેઠો. અગીયારેક વાગ્યા સુધી વાતો કરી. બીજા દિવસે સવારે કપિલભાઈ મળ્યા. તેમણે કહ્યું કે ‘તને નહીં ખબર પડે, પણ અમે રોજ જોઈએ છે એટલે સમજાય છે કે તને જોઈને શૈલેષભાઈના ચહેરા પર ચમક આવી હતી.’ મેં કહ્યું કે તેમની સ્મૃતિ સારી હતી, ત્યારે હું તેમને મળી શક્યો, એ બદલ મને બહુ સારું લાગ્યું.

ઘરેથી નીકળ્યો ત્યારે અમારા બંને વચ્ચે કે કદાચ અમારા બધા વચ્ચે નહીં કહેવાયેલી, પણ બધાના મનમાં રમતી લાગણી હતી કે ખબર નહીં, હવે ફરી કાકાને મળવાનું થાય કે નહીં. એવું જ થયું. આજે સવારે કપિલભાઈના ફોનથી જાણ્યું કે અમારી એ મુલાકાત છેલ્લી જ હતી. પણ આવી લાગણીઓ સદેહે મુલાકાતની મોહતાજ હોતી નથી. તેમની સાથે ગાળેલાં અને તેમના પ્રેમથી ભીંજાયાનાં વર્ષોનો ગાળો એટલો લાંબો છે કે નરેન્દ્રકાકા અને શૈલેષકાકા બંને જુદી જુદી રીતે અમારી સ્મૃતિનો અને અમારી ભાવસૃષ્ટિનો કાયમી હિસ્સો બની રહેશે.