Friday, May 07, 2010

400મી પોસ્ટ અને ‘બીસ સાલ બાદ’


(l to r : biren, urvish, paula parikh with Asha Bhosle)

બ્લોગમાં, ખાસ કરીને હું જે પ્રકારની પોસ્ટ મુકું છું તેમાં 400નો આંકડો ખાસ્સો સંતોષ થાય એવો છે. તેની અંગત ઉજવણીના ભાગરૂપે થોડી અંગત યાદગીરી.

બરાબર વીસ વર્ષ પહેલાં, મે 1990માં મોટો ભાઇ બીરેન કોઠારી અને હું એક ખાસ હેતુથી મુંબઇ ગયા. એ હેતુ હતોઃ પ્રિય કલાકારોને મળવું.

જૂના ફિલ્મસંગીતમાં બીરેનને અને એના પગલે મને પ્રબળ ખેંચાણ જાગ્યું હતું. ફક્ત ગીતો સાંભળીને બેસી રહેવાથી સંતોષ થતો ન હતો. તેની સાથે સંકળાયેલા ગીતકારો-સંગીતકારો-ગાયકો વિશે વધુ જાણવાની તીવ્ર ઇચ્છા થતી હતી. એ વખતે પત્રકારત્વ કે લેખનમાં કારકિર્દી હોય ને તેમાં આગળ વધી શકાય એવી જાણ પણ ન હતી. લખવું ફક્ત પત્રલેખન પૂરતું મર્યાદિત હતું. પણ એ ઉંમરે (મારી 19 અને બીરેનની 25) હોય એવા મુગ્ધ ઉત્સાહથી અમે બન્ને પોતપોતાની લઘુતાગ્રંથિઓ બાજુ પર મૂકીને મુંબઇ જવા તૈયાર થયા. મુંબઇમાં રહેવાનો સવાલ ન હતો. સગા કાકા અને એટલો જ નિકટનો સંબંધ ધરાવતા પિતરાઇ કાકાનાં ઘર હતાં.

સૌથી પહેલાં કોને મળવું? કેવી રીતે મળી શકાય? એવો કશો ખ્યાલ ન હતો. પણ શૈલેષકાકા (પરીખ)ના પેડર રોડના ઘરેથી ચાલતાં માંડ પાંચેક મિનીટ દૂર ‘પ્રભુ કુંજ’ આવે- મંગેશકર બહેનોનું નિવાસસ્થાન. લતા મંગેશકરનાં ગીતો બીજા કોઇની જેમ અમને ગમે, પણ બીજા ઘણા લોકોની જેમ આશા ભોસલે માટે અમને ખાસ આકર્ષણ. એટલે વિચાર્યું કે આશા ભોસલેને મળાય? પ્રયત્ન કરવામાં કંઇ જતું નથી. એટલે બીરેને એના મિત્ર પાસેથી મુંબઇ માટે લીધેલો ઓલમ્પસનો એસએલઆર કેમેરા, ટ્રાઇપોડ અને અમારા ‘સાહસ’માં અમારા જેટલા જ ઉત્સાહથી ભાગ લેનાર પિતરાઇ પૌલા પરીખ સાથે અમે ‘પ્રભુકુંજ’ ગયા. કોઇ અપોઇન્ટમેન્ટ નહીં. ઇન્ટરવ્યુ લેવા જેવી કોઇ માનસિક ભૂમિકા નહીં. ફક્ત પ્રિય કલાકારને- જેનાં ગીતો સાંભળીને અનેક દિવસો સુધર્યા હોય એવા કલાકારને- મળવાની ઇચ્છા.

પ્રભુકુંજ નીચે પહોંચ્યા એટલે ગુરખાએ પૂછ્યું,’અપોઇન્ટમેન્ટ હૈ?’

પૌલાએ ગુરખો ગૂંચવાય એવો જવાબ આપ્યો,’ફોન કિયા થા, લેકિન બાત નહીં હુઇ’ કે એવું જ કંઇક. પણ તેનાથી કંઇક ભૂમિકા ઉભી થઇ. અમે એવું ઠરાવ્યું કે ચિઠ્ઠી લખીને આપીએ છીએ. તમે લઇને જાવ. પછી હા કહેશે તો આવીશું.

ડાયરીમાંથી કાગળની ચબરખી ફાડી, પણ લખવું શું? આ પ્રકારની મુલાકાતનો પહેલો પ્રસંગ હતો. બીજી મુલાકાતો માટેના ઉત્સાહનો ઘણો આધાર આ મુલાકાત પર આધારિત હતો. આશા ભોસલેના મોઢેથી ‘આઇયે મહેરબાન...’ આજે સાંભળવા મળે એવું શું કરીએ? થોડી ઉત્તેજનાપૂર્ણ ક્ષણો પછી ચબરખીમાં લખ્યું, ‘આયે હૈં દૂર સે, મિલને હજુરસે.. કેન વી સે ધીસ પર્સનલી?’

ગુરખો એ ચિઠ્ઠી લઇને ઉપર ગયો. અમારી ચટપટીનો પાર નહીં. કેટલો સમય વીત્યો હશે ખબર નહીં. કારણ કે સેકંડો કલાક જેવી લાગતી હતી. થોડી વારે જોયું તો ગુરખો દાદર પર ઉભો રહીને અમને ઉપર આવવા ઇશારો કરતો હતો..

ઉપર પહોંચ્યા ત્યારે એક માણસે દરવાજો ખોલ્યો. અમે અંદર બેઠા. તરત અંદરથી આશા ભોસલે પ્રગટ થયાં. તદ્દન ઘરેલુ પોશાકમાં, ચહેરા પર સ્મિત સાથે એમનો પહેલો સવાલઃ’દૂરસે, કહાં સે આયે હૈં?’ મોટા ભાગના લોકોએ મહેમદાવાદનું નામ પણ ન સાંભળ્યું હોય. એમને અમદાવાદના રેફરન્સથી સમજાવવું પડે. ત્યાર પછી આશાજી નિરાંતે તેમના આ મહેમદાવાદી ચાહકો સાથે બેઠાં. કોઇ ભાર નહીં, કોઇ હવા નહીં, સેલિબ્રિટી તરીકેના કોઇ દાવપેચ નહીં. એ મુલાકાત લગભગ પોણો કલાક ચાલી હશે. વચ્ચે વચ્ચે બીરેન ટ્રાઇપોડ પર કેમેરા ગોઠવીને ફોટા પાડતો રહ્યો. પાંચ-છ ફોટા પાડ્યા. ફિલ્મમાં (રોલમાં) ફોટાનું પણ રેશનિંગ હોય.

‘કયાં ગીતો સાંભળો છો?’ એવી વાત થઇ. અમે ‘રીધમ હાઉસ’માંથી અમુક એલ.પી. ખરીદી હતી તેનાં નામ દીધાં એટલે કહે,’આપ તો બહોત પુરાને ગાને સુનતે હો.’ એ અરસામાં આશા ભોસલે-આર.ડી.-ગુલઝારનાં ગેરફિલ્મી ગીતોની બે રેકોર્ડનું એક આલ્બમ ‘દિલ પડોસી હૈ’ બહાર પડ્યું હતું. એ અંદરથી લઇ આવ્યાં. એની સાથે ગુલામઅલી સાથેનું બે રેકોર્ડનું ગઝલ આલ્બમ ‘મેરાજ-એ-ગઝલ’ અને નુરજહાંના ગીતો તેમણે (આશાએ) ફરી રેકોર્ડ કર્યાં હતાં તેની એક કેસેટ. આ બધું અમને આપવા માટે! પ્રિય કલાકારોને મળવાની યાત્રાના પહેલા જ મુકામ પર, આશા ભોસલે જેવાં કલાકાર પાસેથી મેળવેલી રેકોર્ડનો સ્વાદ કેવો સ્વર્ગીય લાગે!

આ મુલાકાતનો સૌથી મોટો આડફાયદો એ થયો કે બીજા કલાકારોને મળવાની અને સારા-નરસા અનુભવો મેળવવાની હિંમત અને ઉત્સાહ આવ્યાં. ખરા અર્થમાં એક દુનિયા જોવા મળી. મુગ્ધતાનો સવેળા મોક્ષ થવાથી આગળ જતાં ઘણા ઉધામા ન જાગ્યા અને પત્રકારત્વમાં આવતાં પહેલાં, અજાણતાથી, તેનું જુદા પ્રકારનું લેસન થયું.

આશા ભોસલેની મુલાકાતની તારીખ હતી 22-5-1990 અને બીજા દિવસે શ્યામ બેનેગલને ગ્રાન્ટ રોડ સ્ટેશન પાસે આવેલા ‘એવરેસ્ટ’ બિલ્ડિંગમાં તેમની ઓફિસમાં મળ્યા. મહાનતના ભાર વગરના બેનેગલે પણ કલાકેક બેસાડીને અમને અમારી મર્યાદિત સમજણ સાથે બરાબર સાચવ્યા. વાતો કરી. ટ્રાઇપોડ પર ‘ઓટો’ મોડમાં અમારી સાથે ફોટો પડાવ્યો. કાગળીયાંથી આચ્છાદિત ઓફિસમાં બે જ ખુરશી હતી, તો બે ખુરશીમાં અમારી સાથે ત્રીજા શ્યામ બેનેગલ પણ સાંકડમાંકડ જરાય કટાણું મોં કર્યા વિના ગોઠવાયા.

અંગત રીતે યાદગાર એવા આ પ્રસંગો આપવડાઇ તરીકે નહીં, પણ સામેનાં પાત્રોના નમૂનેદાર વ્યવહાર તરીકે હંમેશાં દિલમાં અંકાઇ ગયા છે. ત્યાર પછી બીજા ઘણા, મુખ્યત્વે જૂના કલાકારોને મળવાનું થયું. પત્રકાર બન્યા પછી પણ ઘણા ‘મોટા’ લોકોને મળવાનું થયું, પણ 19 વર્ષના એક સામાન્ય મહેમદાવાદી તરીકે 20 વર્ષ પહેલાં આશા ભોસલેને મળવાની જે થ્રીલ હતી, તેનું સ્થાન હંમેશાં વિશિષ્ટ અને ઊંચું રહ્યું છે.






24 comments:

  1. Anonymous12:43:00 PM

    ૪૦૦ પોસ્ટ પૂરી કરવા માટે અભિનંદન અને તમારી અને બીરેન કાકાની બીસ સાલ પહેલાની વાતો જોવા-વાંચવાની મજા આવી... :)

    ReplyDelete
  2. મજાની વાત એ છે કે તમે ત્યારે પણ આજે લાગો છો એવા જ લગતા! અને તમારે દર મહીને કે અઠવાડીએ કે પખવાડીએ આવો એકાદ ફિલ્મી અનુભવ મુકતો રહેવો જોઈએ, તો વધુ મજા આવે. મહાન લોકો નમ્ર પણ હોય છે બસ ખાલી એ સાચી રીતે મહાન હોવા જોઈએ

    ReplyDelete
  3. Anonymous1:47:00 PM

    તમારા અનુભવો વાંચ્યા પછી મને પણ મારી લગુતાગ્રંથી તોડવાની પ્રેરણા મળી. કાશ સહુની પાસે તમારા જેવા ભાઈ હોય. I would love to meet you and your brother One day. Thanks but we want more. - Nikunj Manav

    ReplyDelete
  4. vaah... maja padi gai... thanks for sharing..
    many happy returns...
    tamaru balanced lakhaan vaanchva ni je maja aave chhe...
    tamane vaanchati vakhate mane mara "normal" hova no je anubhav thaay chhe... thanks...

    ReplyDelete
  5. Anonymous11:37:00 PM

    Congratulations Urvishbhai. - Pancham

    ReplyDelete
  6. Anonymous1:13:00 AM

    vah
    maza padi gayi
    Vijay Shah

    ReplyDelete
  7. Anonymous8:27:00 AM

    Urvishbhai
    I have also not seen these pictures.But Vijay remembered as soon as he saw this and said AAYE HAI DOR SE..... .Very nice.
    shefali

    ReplyDelete
  8. congrats... ! looking toooo young with shyam benegal. enjoyed ... aaye hai durse !

    મહાન લોકો નમ્ર પણ હોય છે બસ ખાલી એ સાચી રીતે મહાન હોવા જોઈએ. good one... :)

    ReplyDelete
  9. Anonymous12:21:00 PM

    Congrats Urvish. I went to Asha Bhonsale's concert just a month ago here in SF. She is unbelievable. Now she is 76 and she was treating audience as a true performance does - by entertaining them! No attitude as you said. I was very impressed with her even from far away. I had chills listening to "chura liya" and "mera kuchh saman" from the legend herself! I am glad you got to meet her in such a personal setting.

    SP

    ReplyDelete
  10. Salil Dalal (Toronto)8:22:00 AM

    પ્રિય ઉર્વીશ,
    ૪૦૦મી પોસ્ટના હાર્દિક અભિનંદન!
    બિરેનના માથે આટલા વાળ અને ખુદ ગબ્બર પણ મુછવાલે... મઝા પડી ગઇ.... પણ ખરો આનંદ આશાજીના ફોટા જોઇને થયો... ઘરના જ વેશમાં.... આટલા ડાઉન ટુ અર્થ બીજા કયા કલાકાર હશે? શ્યામ બેનેગલ સાથે તને તથા બિરેનને બેઠેલા જોયા અને આણંદ - મહેમદાવાદ- અમદાવાદની આપણી વરસો સુધી માણેલી (?) અપડાઉનની બેઠક પ્રથાની યાદ તાજી થઇ.... ...મઝા પડી ગઇ... Miss you a lot here...dear...
    -સલિલ

    ReplyDelete
  11. Congratulations! Wish you to continue with the same passion!

    ReplyDelete
  12. ઉર્વીશભાઈ તમારા લખાણ માં જે સાદાઈ અને સચ્ચાઈ હોય છે ..............તેના કારણો માં કદાચ તમારા આવા મીઠા અનુભવો નો ઘણો મોટો ફાળો હશે .ખરેખર ૨૦ વર્ષ જુના આશાજી ના અને તમારા ફોટા જોઇને ઘણો આનંદ થયો. મોટા હોવું અને નાના રેહવું એ ઘણી મોટી વાત છે. અને ભલે તમને ૪૦૦ ના આંકડા થી સંતોષ થયો હોય પણ અમને નથી થયો .........so keep rocking us with your unique and interesting posts.....

    ReplyDelete
  13. urvish kothari12:22:00 PM

    thanx for all kind words. will keep on meeting. 400th is just a milestone, not the end.

    ReplyDelete
  14. josal patel5:35:00 PM

    nice...very innocent....

    ReplyDelete
  15. ઉર્વીશભાઈ
    સૌથી મોટી વાત છે મોટા માણસ સુધી પહોચવું.. અને એ પણ પૂર્વમંજુરી વિના.. તોયે પાછું મળીને, ઇન્ટરવ્યુ કરીને, ફોટા પાડીને પાછું આવવું એ જોરદાર જ કહેવાય ને.. જો કે, એનાથી જોરદાર એ કહેવાય કે મોટા માણસ સાલસતાથી વાત કરે..

    ReplyDelete
  16. Paula Marwaha (nee Parikh)8:04:00 PM

    Memories of our visit at Ashaji's house are still very clear and vivid in my mind!!It was something so UNBELIEVABLE that i got to sit next to the famous ASHA BHOSLE !!I had never dreamt that meeting with her was possible!! THANKS to the MAHEMDAVAD BROTHERS it actually happenend!!! All the very best to you both for your future!!!
    From Paula Marwaha (nee Parikh)

    ReplyDelete
  17. Urvish, this is so touching and fascinating. It is indeed so heartening to know that she is so 'normal' in real life. Part of the romance of a true celebrity is always embedded in how 'real' they are in their everyday interactions with commoners. It brings back memories of my first such meeting with Nani Palkhiwala, a man who I truly admired, in Bombay House, which was again way back in 1990; again a very pleasant one.

    ReplyDelete
  18. Anonymous10:31:00 AM

    we feel jelous that u met such big ppl.. mota manasho ni avi namratathi ghanu sikhavanu male.....Y they were not such polite 4 other singers like geeta dutt ,suman kalyanpur etc...they delayed d useful flyover 4 many years... our films,artists r banned in pakistan + 26/11 attack on mumbai,y she wants to work with pak. singers...(i m great fan of Asha Bhoshle as a singer)...dr.vijay mehta




    ReplyDelete
  19. waah....kya khub...kya exp raha hoga biren bhai....

    ReplyDelete
  20. Anonymous5:55:00 PM

    બહું જ સરસ પોસ્ટ. મજા આવી. - મૂકેશ મોદી

    ReplyDelete
  21. આપ તો થોડો સંઘર્શ કરીને સમર્થ કલાકારને મળી આવ્યા પણ મે તો ઘેર આવેલી ગંગા ગુમાવી એનો અફસોસ મને આજેય થયા કરે છે. ચાઇના એટેક થયો ત્યારે મુકેશ અને તલત મહેમુદ મારા ઘરમા રહેલા, ડીફેંસ ફન્ડ માટે. ગીતો ગમતા-ભેગાય કરતી અને ગાતી પણ ત્યારે ખબર નહતીકે આલોકોજ આફિલ્મોના ગીતો ગાય છે.જ્યારે ખબર પડી ત્યારે ઘણુ મોડુ થૈ ગયેલુ.પણ અબ પછતાવે હોત ક્યા જબ ચિડીયા ચુગ ગૈ ખેત.

    ReplyDelete
  22. તમારે દર મહીને કે અઠવાડીએ કે પખવાડીએ આવો એકાદ ફિલ્મી અનુભવ મુકતો રહેવો જોઈએ

    ReplyDelete
  23. This is so heartening! Beyond words.

    ReplyDelete