Wednesday, May 19, 2010
ગાંધીયુગમાં ટ્વીટર હોત તો?
એક મંત્રી (શશિ થરૂર) અને એક કમિશનર (લલિત મોદી)ને ભૂતપૂર્વ બનાવનાર ‘ટ્વીટર’નો પ્રતાપ સૌ જાણી ચૂક્યા છે. શબ્દાર્થમાં ‘ટ્વીટર’ એટલે ઘ્વનિવર્ધક- અવાજ મોટો કરી આપતું- યંત્ર અને ‘ટ્વીટ’ એટલે ‘ચીં ચીં’ પ્રકારનો પક્ષીના બચ્ચાનો કલરવ.
પણ ૧૪૦ કેરેક્ટરની મર્યાદામાં સૌને પોતાની વાત કહેવાની-મુકવાની-ફેંકવાની-ઉછાળવાની તક આપતી વેબસાઇટ ‘ટ્વીટર.કોમ’ને લીધે બધા અર્થો અને તેની છાયાઓ બદલાઇ ગયાં છે. ‘ટ્વીટર’થી અવાજ કરતાં વધારે ઘોંઘાટ વઘ્યો છે અને એટલા પૂરતું ઇન્ટરનેટનું માઘ્યમ જાણે માણેકચોક-ગાંધીરોડ જેવું થઇ ગયું છે. ‘ટ્વીટર’ પર મૂકાતા ‘ટ્વીટ’ (સંદેશા) ઘણી વાર ‘ચીં ચીં’ને બદલે ‘મ્યાઊં મ્યાઊં’ જેવા હોય છે, જે વાંચીને લલિત મોદી જેવા લોકોને થાય છે,‘મેરી બિલ્લી, મુઝકો મ્યાઊં?’ અને ઇન્ટરનેટની બહારના વાસ્તવિક જગતમાં યુદ્ધો ફાટી નીકળે છે.
એફ.એમ.રેડિયોની વ્યાખ્યા પ્રમાણે પ્રાચીન કહેવાય એવી ફિલ્મ ‘બોબી’નું એક યુગલગીત હતું: ‘મુઝે કુછ કહેના હૈ...મુઝે ભી કુછ કહેના હૈ..’ ટ્વીટરયુગમાં આ યુગલગીત કોરસ બન્યું છે અને અસલી ગીતની જેમ તેમાં કોઇ ‘પહેલે તુમ...પહેલે તુમ...’ નથી કરતું. બધા કહે છે,‘પહેલે મૈં...પહેલે મૈં...’
‘બોબી’થી પણ જૂના, ‘બરસાત’ના જમાનામાં નાના ગામના પાદરે ઘટાદાર વડ-પીપળાની નીચે જે પ્રકારની મંડળીઓ જામતી અને ગામ-દેશ-દુનિયાની ચોવટ થતી, એ કામ ઇ-યુગમાં ટ્વીટર અને ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કંિગની વેબસાઇટો પર થાય છે. તેમના પીપળા નીચે બેસીને લોકો પોતપોતાના વિશે, એકબીજાના વિશે અને બાકીના સૌ વિશે મનમાં આવે તે કહે છે, શબ્દોમાં હસે છે, શબ્દોમાં ગિન્નાય છે, શબ્દોમાં બાખડે છે ને શબ્દોમાં આશિકી કરે છે. ક્ષણિક આવેશને વશ થઇને, શાંતિથી વિચાર્યા વિના લખી નાખવું અને (મોટે ભાગે) તેનો અફસોસ ન અનુભવવો, એ ટ્વીટર-ફેસબુક-ઓરકુટ સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ છે.
એકવીસમી સદીની તાસીર જેવાં ટ્વીટર-ફેસબુક ગાંધીયુગમાં હોત તો? કલ્પનાઓનો પાર નથીઃ કોંગ્રેસનાં અધિવેશનોમાં બેઠાં બેઠાં જવાહરલાલ નેહરૂ શશિ થરૂર જેટલા જ ઉત્સાહથી કેવા ટ્વીટ પર ટ્વીટ કરતા હોત અને પક્ષને મૂંઝવણમાં નાખતા હોત! સરદાર-નેહરૂ વચ્ચે ટ્વીટના આદાનપ્રદાનની કાચા પૂંઠાની ફૂટપાથિયા પુસ્તિકાઓ બહાર પડતી હોત. ઝીણાએ ગાંધીજીને કહી દીઘું હોત કે જ્યાં સુધી ટ્વીટર પર મારા ફોલોઅર્સની સંખ્યા તમારા ફોલોઅર્સ જેટલી નહીં થાય, ત્યાં સુધી આપણી વચ્ચે કોઇ પણ પ્રકારની વાટાઘાટો શક્ય નહીં બને- અને ગાંધીજીએ પોતાના બધા ફોલોઅર્સને ઝીણાના ફોલોઅર્સ બનવા માટે અપીલ કરી દીધી હોત. દર સોમવારે ગાંધીજી ટ્વીટર ઉપર પણ મૌન પાળતા હોત. મહાદેવભાઇએ ગાંધીજીના ‘ટ્વીટરદેહ’નું સંપાદન કર્યું હોત અને તેની પ્રસ્તાવનામાં બાપુએ પોતાના ગડબડિયા અક્ષરોમાં લખ્યું હોત,‘મારાં ટ્વીટ એ જ મારો સંદેશ’.
સામાન્ય વાતચીત તો ઠીક છે, પણ દાંડીકૂચ જેવી કોઇ ઘટના વખતે ટ્વીટર-ફેસબુક જેવી તત્કાળ ઉભડક ટીપ્પણીઓના આદાનપ્રદાનની સુવિધા મોજૂદ હોત તો કેવાં દૃશ્યો સર્જાયાં હોત?
***
(ટ્વીટર જેવી સાઇટો પર અસલી નામ ઉપરાંત ઘણ વાર ફેન્સી નામ સાથે પણ લોકો રજૂ થાય છે. ટ્વીટર-સંસ્કૃતિના એ રિવાજને ઘ્યાનમાં રાખીને અહીં એવાં કાલ્પનિક ફેન્સી નામ મૂકવામાં આવ્યાં છે. તેમાં સંબંધિત નેતાઓનો કોઇ પ્રકારે અનાદર જોવાની જરૂર નથી.)
હરહરજવાહરઃ બાપુને ઘણી વાર શું થઇ જાય છે, ખબર પડતી નથી. હું બુઢ્ઢો થઇશ ત્યારે મને પણ આવું થશે?
સેવકમહાદેવઃ બાપુની તબિયત સારી છે. આજે એમણે રોજની જેમ ખજૂર અને બકરીનું દૂધ લીઘું. જવાહરભાઇ એમની ખબર જોવા આવ્યા હતા.
વીફોરવલ્લભઃ અમુક જણને અમુક લક્ષણો માટે બુઢ્ઢા થવાની રાહ જોવી પડતી નથી.
કાકાકા (કાલેલકર): હું ને સ્વામી (આનંદ) હિમાલય ગયા ત્યારે મોટી ઊંમરના એક સાઘુની તંદુરસ્તી જોઇને અમે દંગ થયા હતા.
આનંદઆનંદઃ સત્તાની લાલી વિના પણ તેમના ચહેરા પર તેજ હતું. એ જોઇને બાપુની યાદ આવી.
હરહરજવાહરઃ લોકો ગમે તે કહે, હું હિમાલય જવાનો નથી. હું દાંડીકૂચના નિર્ણયની વાત કરૂં છું. મીઠા માટે કાયદો તોડાય? મીઠા માટે છેક અમદાવાદથી દાંડી ચાલતા જવાય? અંગ્રેજોએ રેલવે કોના માટે શોધી છે?
પ્રસાદરાજેનઃ અંગ્રેજોએ રેલવે સત્યાગ્રહ કરવા તો નથી જ શોધી.
વીફોરવલ્લભઃ ચાલતા જવાથી દાંડીમાં નહીં, ડરબનમાં મીઠું મફત મળતું હોય તો અમદાવાદી ત્યાં જાયઃ-) @હરહરજવાહર: અમદાવાદમાં અને અલાહાબાદમાં ફેર છે.
હરહરજવાહરઃ જ્રવીફોરવલ્લભઃ ગમ્મતની વાત નથી. હું સિરીયસ છું.
વીફોરવલ્લભઃ એ જ ગમ્મતની વાત નથી? મીઠાવાળું હુંય સમજ્યો નથી. પણ ડોસાને સમજ્યો છું. એટલે મગજમારી કરતો નથી. મહારાજને રૂટના સર્વે માટે મોકલ્યા છે.
ઓલ્ડઇઝગોલ્ડઃ ગાંધીની કૂચ નિષ્ફળ જશે તો કોંગ્રેસનું મીઠું પણ નહીં આવે ને વગર મીઠે વિસર્જન થઇ જશે.
ઓરિજિનલકોંગ્રેસીઃ આટલી મહેનત પછી આપણે માંડ દિલ્હી સુધી પહોંચ્યા ને હવે ગાંધી દિલ્હીથી દાંડી લઇ જવા માગે છે. દાંડીમાં નવી ધારાસભા ખુલવાની છે?
હરહરજવાહરઃ હં...તમારી વાત સાચી લાગે છે.
વીફોરવલ્લભઃ @ઓરિજિનલકોંગ્રેસીઃ દિલ્હી પહોંચીને શું ઉખેડી લીઘું?
હરહરજવાહરઃ હં...તમારી વાત પણ સાચી લાગે છે...મારો આ જ પ્રોબ્લેમ છે.
પ્રસાદરાજેનઃ અમને તો ખબર હતી. તમને ખબર છે જાણીને આનંદ થયો.
મોગલગાર્ડનઃ માર્ચ-એપ્રિલની ગરમીમાં ગાંધી અધરસ્તે ઢળી પડે તો અંતિમ ક્રિયાની બધી વ્યવસ્થા અમે તૈયાર રાખી છે. એમને અંજલિ આપતું વાઇસરોયનું પ્રવચન ટાઇપ થઇ ગયું છે. અમારામાં પણ લાગણી જેવું હોય છે.
વીફોરવલ્લભઃ શું ભાવ આપી લાગણી? એક કિલોના કેટલા પાઉન્ડ-શિલિંગ-પેન્સ?
ઓલ્ડઇઝગોલ્ડઃ મીઠું તો કંઇ મુદ્દો છે? ગાંધીને ભાન નથી.
રીડલ્સઓફકોંગ્રેસ (ડો.આંબેડકર) : કદાચ આ બાબતે હું કોંગ્રેસ સાથે સંમત થઇ શકું. કાલારામ મંદિરમાં પ્રવેશનો અમારો સત્યાગ્રહ ચાલે છે, ખબર છે?
બાપુનાઆશીર્વાદ: ૧૨ માર્ચની સવારે દાંડી જવા નીકળીશ. તમારો રામ સૂઝાડે તેમ કરજો.
Subscribe to:
Post Comments (Atom)
કેમ છો સાહેબ ,
ReplyDeleteતમારો બ્લોગ જોઈ ખુબ આનંદ થયો કારણ કે તમે જે ગુજરાતી અનુવાદ માટે ની વેબ સીટે મૂકી તેના માટે હું ખુબ ખુબ આભારી છું તમે મારી ખુશી નહિ જાની શકો .
ખુબ ખુબ આભાર .
વિપુલ ચૌહાણ
@vipul. happy it could be of your use.
ReplyDeletePretty Cool.
ReplyDeleteઉર્વીશભાઈ ખરેખર જોરદાર કલ્પના..
ReplyDeleteit's nice. thanx for such a good work. my regards.
ReplyDeleteHi Urvishbhai, Aa lekh me to te divse j vanchyo hato. Pan Hamna ek mitra sathe vat thai aa lekhni, ene mane game tem karine shodhine forward karva kahyu, ne lekh mali pan gayo. Tamara ketlak excellent hasya-lekhomano ek lekh.
ReplyDeleteDhokavi naikha.....khub maja aavi..:D
ReplyDeletean article with absolute originality...! I feel if facebook or twitter would have been there it would have definately made the satyagraha fast... see the examples of modern rebels like EGYPT...!
ReplyDeleteઅદભુત! અત્યારના સમયના કેટલા ગુજરાતી ચિંતકો અને લેખકો ફેસબુકની પંચાતી દુનિયામાંથી બહાર નીકળીને ટ્વિટર જેવાં ઇન્ટરફેસ પણ 'એક્સ્પ્લોર' કરી શકે છે? વિનોદ ભટ્ટના કટાક્ષ પછી કદાચ હવે મજા આવી!
ReplyDelete- સૌને પોતાની વાત કહેવાની-મુકવાની-ફેંકવાની-ઉછાળવાની
ReplyDelete- એફ.એમ.રેડિયોની વ્યાખ્યા પ્રમાણે પ્રાચીન કહેવાય એવી ફિલ્મ ‘બોબી’નું એક યુગલગીત હતું
- મહાદેવભાઇએ ગાંધીજીના ‘ટ્વીટરદેહ’નું સંપાદન કર્યું હોત અને તેની પ્રસ્તાવનામાં બાપુએ પોતાના ગડબડિયા અક્ષરોમાં લખ્યું હોત,‘મારાં ટ્વીટ એ જ મારો સંદેશ’.
- હરહરજવાહર
- વીફોરવલ્લભઃ @ઓરિજિનલકોંગ્રેસીઃ દિલ્હી પહોંચીને શું ઉખેડી લીઘું?
(વાહ વાહ શું મજા પડી છે ને આ બધી કલ્પ્નમાં!)