Monday, May 03, 2010

કચ્છ સરહદે પાકિસ્તાની આક્રમણઃ મંત્રણાના મેજ પર કાચું પડેલું ભારત


અલગ ગુજરાતના ઇતિહાસનું એક વિસરાયેલું પ્રકરણ

ભારત-પાકિસ્તાન વચ્ચેનાં યુદ્ધોની તવારીખમાં કચ્છની સરહદ ઘણી વાર વિસરાઇ જાય છે. ૧૯૭૧ના યુદ્ધ વખતે કરાચી પર હુમલો કરવા ગયેલા મિસાઇલ બોટો ઓખાથી રવાના થઇ હતી. એ પ્રકરણ નૌકાસૈન્યની તવારીખમાં યાદગાર ગણાય છે. પરંતુ ૧૯૭૧ના યુદ્ધના અંતે ભારતીય સૈનિકોની બહાદુરી પછી, શાસકોના પક્ષે કુનેહનો જે અભાવ જોવા મળ્યો, તેનો પહેલો અંક ૧૯૬૫માં કચ્છના રણમાં ભજવાઇ ચૂક્યો હતો.

પાકિસ્તાનના સરમુખત્યાર ફિલ્ડમાર્શલ ઐયુબખાન કચ્છના રણની માલિકી બાબતે વિવાદ ઉભો કરવા માગતા હતા. એ વિવાદ ચગે એટલે તેને આંતરરાષ્ટ્રિય તખ્તા પર લઇ જવાનો તેમનો પ્લાન હતો. કચ્છનું અડપલું ખરૂં જોતાં તેમને મન ટેસ્ટકેસ જેવું હતું. તેમાં ભારતની લશ્કરી તાકાતનો અંદાજ આવી જાય, તો પછી કાશ્મીર અને પંજાબની સરહદે મોરચા ખોલીને દિલ્હી સર કરી લેવાનું તેમનું સ્વપ્ન હતું.

ઐયુબખાનના અડપલાનો આરંભ
ઐયુબખાનના પ્લાન પ્રમાણે, ૧૯૬૫ના જાન્યુઆરી મહિનાથી પાકિસ્તાનનું નાટક શરૂ થઇ ગયું. કચ્છના રણમાં સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા ભારતીય સીમા સુરક્ષા દળના જવાનોએ એક સવારે જોયું તો સરહદનાં બે સ્થળો સરાઇ અને દિંગ વચ્ચે પાકિસ્તાને પાકી સડક બાંધી દીધી હતી. (સ્થળોનો ખ્યાલ મેળવવા માટે જુઓ નકશો)



સરાઇ અને દિંગ પાકિસ્તાન બાજુ આવેલાં હતાં, પણ તેમને જોડતી સડક ભારતમાં ત્રણેક કિલોમીટર અંદરથી પસાર થાય એ રીતે બાંધવામાં આવી હતી. ત્યાંથી પસાર થતા ભારતીય જવાનોને પાકિસ્તાની જવાનોએ આંતર્યા અને ‘ચોરી પર શિરજોરી’ની અદાથી તેમની પર ધૂસણખોરીનો આક્ષેપ કર્યો. આટલેથી અટકી જવાને બદલે, પાકિસ્તાને કંજરકોટની ચોકી પર કબજો જમાવવાનું નક્કી કર્યું. પાકિસ્તાની સુરક્ષા દળોની હિલચાલના જવાબમાં ભારતના જવાનોએ કંજરકોટથી દસેક કિલોમીટર દૂર આવેલા વીગોકોટમાં ચોકી સ્થાપી અને દીંગમાં પાકિસ્તાની મોરચાબંધીના જવાબરૂપે સરદાર પોસ્ટમાં સીમા સુરક્ષા દળની ટુકડીઓ મોકલી આપી.

આટલે સુધી પાકિસ્તાની સૈન્ય ચિત્રમાં આવ્યું ન હતું. સીમા સુરક્ષા દળો વચ્ચે જ દાવપેચ ચાલતા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા શાંતિકરાર મુજબ ‘રાજકોટ પોલીસ રેન્જર્સ’ના ડી.આઇ.જી.એ પાકિસ્તાનના ‘ઇન્ડસ રેન્જર્સ’ના વડા સાથે તાત્કાલિક મુલાકાત યોજવાનો આગ્ર રાખ્યો. પણ પાકિસ્તાનને સમય પસાર કરવામાં રસ હતો. એટલે ‘ઇન્ડસ રેન્જર્સ’ના વડાને બદલે કોઇ સ્થાનિક અફસરને મોકલવામાં આવ્યો. એ વાતચીતનું કશું પરિણામ ન આવ્યું. પાકિસ્તાને એક જ રટણ ચાલુ રાખ્યું, ‘અમે અમારા વિસ્તારમાં જ પેટ્રોલિંગ કરીએ છીએ. અમે ક્યાંય ધૂસણખોરી કરી નથી. કંજરકોટમાં અમારૂં કોઇ થાણું નથી.’

વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની સરકારે પાકિસ્તાન સમક્ષ સત્તાવાર રીતે વાંધો પ્રગટ કર્યો, ત્યારે પાકિસ્તાન સરકારે લેખિતમાં જણાવ્યું,‘અમારાં દળોએ કંજરકોટ કબજે કર્યું નથી.’

જૂઠાણાં પછી આક્રમણ
ખાસ્સું ડહાપણ ડહોળ્યા પછી પાકિસ્તાને કચ્છની સરહદે સૈન્યની જમાવટ શરૂ કરી. કચ્છને અડીને આવેલા સિંધ પ્રાંતના કરાચી નજીકનો કેન્ટોન્ટમેન્ટ વિસ્તાર ચહલપહલથી ધમધમી ઉઠ્યો. ભૂમિદળનો ત્રણ બટાલિયન, તોપદળ તથા મોર્ટારથી સજ્જ એક-એક ટુકડી સરહદ તરફ રવાના કરવામાં આવી.

પાકિસ્તાનની બે બટાલિયનોએ વિધિવત્ રીતે ભારતની સરહદમાં આવેલી સરદાર પોસ્ટ પર હુમલો કર્યો, ત્યારે ૯ એપ્રિલ, ૧૯૬૫ની બપોરના સાડા ત્રણ વાગ્યા હતા. સરદાર પોસ્ટની ચોકી પર સીમા સુરક્ષા દળની બે કંપની મોજૂદ હતી. તેમની પાસે બંદૂકો હતી, પણ તે તાલીમબદ્ધ સૈન્યની સામે ઝીંક ઝીલી શકે એમ ન હતા. સંખ્યાબળની દૃષ્ટિએ પણ પાકિસ્તાનની સૈનિકો ભારતીય જવાનો કરતાં ચાર-પાંચ ગણી સંખ્યામાં હતા.

મર્યાદિત સાધનો અને સંખ્યાબળ હોવા છતાં સીમા સુરક્ષા દળના જવાનોએ પાકિસ્તાની હુમલા સામે ચોકી ટકાવી રાખી. સરદાર પોસ્ટની લડાઇમાં બે ભારતીય જવાનો શહીદ થયા. પાકિસ્તાનના ૨૪ સૈનિકો માર્યા ગયા. આમ પહેલા હુમલામાં પાકિસ્તાનને નિષ્ફળતા મળી. બીજા દિવસે સવારે પાકિસ્તાને નવેસરથી હુમલો કર્યો, ત્યારે સરદાર પોસ્ટ જાળવનારા જવાનો પાસે દારૂગોળો તો ઠીક, પીવાનું પાણી પણ ખૂટી ગયું હતું. તેમ છતાં ૧૪ કલાક સુધી ચોકી ટકાવી રાખ્યા પછી ન છૂટકે તે પીછેહઠ કરીને વીગોકોટની ચોકી પર પહોંચ્યા. એ તબક્કે ભારતીય સૈન્યએ સીમા સુરક્ષા દળ પાસેથી મોરચો સંભાળી લીધો.

બન્ને દેશનાં લશ્કર આમનેસામને આવી ગયાં. ગૃહમંત્રી ગુલઝારીલાલ નંદાએ લોકસભામાં કચ્છની વણસતી સ્થિતિ વિશે માહિતી આપી અને ભારતીય લશ્કરે હવાલો સંભાળી લીધો હોવાનું કહ્યું. સીધા યુદ્ધમાં ભારતને હંફાવવાનું અઘરૂં પડે એમ ધારીને ઐયુબખાને ‘બે ડગલાં આગળ, એક ડગલું પાછળ’ની નીતિ અપનાવી.

મંત્રણાના ડોળ સાથે હુમલા
બે અઠવાડિયાં સુધી પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામની ઉટપટાંગ દરખાસ્તો સૂચવાતી રહી. ભારતના હાઇકમિશનરને બોલાવીને ‘કચ્છ-સિંધ સરહદે ભારતે કરેલી ધૂસણખોરી’ બદલ પાકિસ્તાને વાંધો પ્રગટ કર્યો. પાકિસ્તાની વિદેશ મંત્રી ઝુલ્ફીકારઅલી ભુટ્ટોએ ગુમાનભેર જાહેરાત કરી કે કંજરકોટની ચોકી છોડી દેવાનો સવાલ જ પેદા થતો નથી.

બન્ને દેશો વચ્ચે મંત્રણાઓનાં વાદળાં બંધાતાં હતાં, ત્યારે પાકિસ્તાને નવેસરથી કચ્છ સરહદે હુમલા કર્યા. સરદાર પોસ્ટ, વીગોકોટ અને કંજરકોટથી આશરે ૭૦ કિલોમીટર દૂર આવેલા બાયરબેટ ઉપરાંત ‘પોઇન્ટ ૮૪’ ઉપર પણ પાકિસ્તાની સૈન્યએ ભારે હુમલો કર્યો. કંજરકોટથી આશરે ૪૮ કિ.મી. પૂર્વમાં આવેલા પોઇન્ટ ૮૪ પરના હુમલામાં ટેન્કો પણ સામેલ હતી. ભારતીય સૈનિકોએ પાકિસ્તાનની ૬ ટેન્કોનો ખુરદો બોલાવી દીધો અને તેનો બીજો હુમલો પણ નિષ્ફળ બનાવ્યો. એટલે ફરી એક વાર પાકિસ્તાને સુલેહની દરખાસ્ત મૂકી. ૨૭ એપ્રિલ, ૧૯૬૫ના રોજ પાકિસ્તાની પ્રવક્તાએ કહ્યું કે ‘બન્ને દેશો વિવાદગ્રસ્ત વિસ્તારમાંથી પોતાનાં સૈન્યો પાછાં ખેંચી લે એવું સમાધાન પાકિસ્તાનને મંજૂર છે.’

(નકશામાં) ૨૪ અક્ષાંશની રેખાથી ઉપર આવેલો આશરે ૩,૫૦૦ ચોરસ માઇલનો પ્રદેશ વિવાદાસ્પદ તરીકે ખપાવી દેવાનો પાકિસ્તાનનો ઇરાદો હતો. ૧૯૪૭ થી ૧૯૬૫ સુધીમાં આઠેક વખત પાકિસ્તાને આ વિસ્તારને સિંધ પ્રાંતનો હિસ્સો ગણાવવાની કોશિશ કરી હતી, પણ તેમાં સફળતા મળી ન હતી. પોતાનો સીધેસીધો દાવો માન્ય નહીં રહે એવું લાગતાં પાકિસ્તાને બીજી દલીલ પણ તૈયાર રાખી હતી.

રણને સમુદ્ર ગણાવવાની ચાલ
આંતરરાષ્ટ્રિય નિયમ પ્રમાણે બે પ્રદેશોની વચ્ચેસમુદ્ર કે તળાવ આવેલું હોય તો તેના સમગ્ર વિસ્તાર પર કોઇ એક દેશની માલિકી નહીં, પણ બન્ને દેશોની સરખા હિસ્સે માલિકી રહે છે. પાકિસ્તાને દાવો કર્યો કે કચ્છનું રણ વાસ્તવમાં સિંધ અને કચ્છ વચ્ચે આવેલો સમુદ્ર છે. જનાબ ભુત્તોએ કહ્યું કે વર્ષમાં છ મહિના આ પ્રદેશ પાણીમાં રહેતો હોવાથી તેને સમુદ્ર અથવા તળાવની સમકક્ષ ગણવો જોઇએ. પરંતુ ભારતે આઝાદી પહેલાંના અનેક ગેઝેટીયરો અને બીજા પુરાવા રજૂ કરીને આ દાવાનો છેદ ઉડાડી દીધો.

વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ૨૮ એપ્રિલ, ૧૯૬૫ના રોજ લોકસભામાં જાહેર કર્યું કે ‘પાકિસ્તાન હુમલા ચાલુ રાખશે તો ભારતનું સૈન્ય દેશનું રક્ષણ કરવા ઉપરાંત તેને યોગ્ય લાગે એ રીતે વ્યૂહરચના ગોઠવશે.’ એટલે ઐયુબખાને ફરી પોતાની નિર્દોષતા જાહેર કરી અને કહ્યું કે ‘અમારે હુમલા કરવા હોત તો કચ્છને બદલે બીજા મોરચે ન કર્યા હોત!’

કચ્છમાં અડપલાં કરવા પાછળનો ઐયુબખાનનો મુખ્ય હેતુ પાકિસ્તાની શસ્ત્રબળની તાકાત ચકાસવાનો હતો. અમેરિકાની દયાથી મેળવેલાં આઘુનિક સેબરજેટ યુદ્ધવિમાનો અને પેટન ટેન્કના જોરે ઐયુબખાનનો જુસ્સો માતો ન હતો. કચ્છમાં ભારતના મર્યાદિત સંખ્યાબળ સામે પોતાનું મોટું સૈન્ય લગાડીને ઐયુબખાને (ખોટું) તારણ કાઢ્યું કે ભારતને પછાડવામાં વાંધો નહીં આવે.

એપ્રિલના છેલ્લા અઠવાડિયે રણમાં યુદ્ધ થયા પછી મંત્રણાઓ ચાલતી હતી. તેમ છતાં, ૨૫ મેનારોજ ભારતની સરહદમાં સાતેક કિલોમીટર અંદર આવેલા બાયરબેટ પર પાકિસ્તાની સૈનિકોએ બખ્તરિયા ગાડી સહિત આક્રમણ કર્યું. એ જ પ્રમાણે, ૧૫મી જૂને સરદાર પોસ્ટ અને વીગોકોટ પર પાકિસ્તાને હુમલા કર્યા. અંતે બ્રિટનના વડાપ્રધાન હેરોલ્ડ વિલ્સનની દરમિયાનગીરીથી બન્ને દેશ યુદ્ધવિરામ માટે સંમત થયા. ૩૦ જૂનની બપોરે બાર વાગ્યે વિલ્સનની દરખાસ્તો પર સહી થતાં ૧ જુલાઇ, ૧૯૬૫થી સવારે છ વાગ્યાથી કચ્છ સરહદ શાંત થઇ.

બેની લડાઇમાં ત્રીજાની દખલગીરી
વિલ્સન કરારમાં યુદ્ધવિરામ અને લશ્કર પાછું ખેંચી લેવાની કલમો ઉપરાંત ૧ જાન્યુઆરી, ૧૯૬૫ની સ્થિતિ યથાવત્ રાખવાની કલમ હતી. કચ્છ-સિંધના મામલે બ્રિટિશ જમાનાથી ચાલી આવતી સરહદ આખરી ગણવાને બદલે વિલ્સને બન્ને દેશોની સરકારો પર મામલો છોડ્યો. બન્ને દેશો નિર્ણય પર ન આવી શકે તો ત્રણ વ્યક્તિઓની એક સમિતિ રચવાની જોગવાઇ પણ તેમાં હતી. એ સમિતિમાં બન્ને દેશ તેમના નાગરિક ન હોય એવા એક-એક વિદેશી પ્રતિનિધિ નીમે અને અઘ્યક્ષ તરીકે બન્ને પક્ષોને માન્ય કોઇ વ્યક્તિ નીમાય. અઘ્યક્ષ અંગે બન્ને દેશો એકમત સાધી ન શકે તો ‘યુનો’ના સેક્રેટરી જનરલ અઘ્યક્ષની નિમણૂંક કરે.

વિલ્સનકરારથી કે આ સમિતિની રચનાથી પાકિસ્તાનને કશું નુકસાન ન હતું. એના માટે ‘વકરો એટલો નફો’ હતો. જે સરહદ માટે કોઇ વિવાદ ન હતો. ભારત માટે ફરી એક વાર, નાના પાયે, કાશ્મીરમાં જે થયું હતું તેનું પુનરાવર્તન થયું. ૧ જાન્યુઆરી, ૧૯૬૫ના દિવસની સ્થિતિ યથાવત્ જાળવી રાખવાની કલમને કારણે પાકિસ્તાને કંજરકોટ, બાયરબેટ અને પોઇન્ટ ૮૪ ખાલી કર્યાં, પણ સામા પક્ષે ભારતને વીગોકોટ અને સરદાર પોસ્ટ છોડવાં પડ્યાં.

કચ્છનું યુદ્ધ થોડા મહિના પછી (૧ સપ્ટેમ્બર, ૧૯૬૫થી શરૂ થઇને ૨૨ દિવસ સુધી ચાલનારા) ભારત-પાકિસ્તાન યુદ્ધનું ટ્રેલર હતું. પૂરા કદના યુદ્ધમાં પાકિસ્તાનની અવદશા થઇ, પરંતુ મંત્રણાઓના મોરચે ભારતના ભાગે લખાયેલી નુકસાનીનો કોઇ ઇલાજ ન હતો.

1 comment:

  1. કચ્છના રણ વિશે આટલો સરસ અને માહિતીપૂર્ણ લેખ ભાગ્યે જ વાંચવામાં આવે છે. રણમાં સેવા બજાવી ચૂકેલા સીમા સુરક્ષા દળના અફસર તરીકે આપનો આભાર માનું છું.

    આપના લેખમાં એક સુધારો કરવાની જરૂર છે. સીમા સુરક્ષા દળની સ્થાપના ૧ ડીસેમ્બર ૧૯૬૫ના રોજ થઇ હતી. ૯મી એપ્રિલ ૧૯૬૫ના દિને જ્યારે પાકિસ્તાને સરદાર પોસ્ટ પર હુમલો કર્યો ત્યારે ત્યાં (અને સીમા પરની અન્ય ચોકીઓમાં) CRPFના સૈનિકો હતા. પાકિસ્તાની સેનાએ તેમની બ્રિગેડ (૩૦૦૦ સૈનિકો)) અને ૨૫ રતલના વજનના ગોળા ફેંકનારી તોપ સાથે હુમલો કર્યો ત્યારે કેવળ મોર્ટર્સ અને લાઇટ મશીનગન સાથે CRPFના બહાદુર સૈનિકોએ તેમનો સામનો કર્યો.ત્યાર પછીની બધી વિગતો આપે સુંદર રીતે વર્ણવી છે. અહીં આપના વાચકો માટે એક લિંક અપું છું, જે કદાચ સૌને ગમશે.

    http://www.slideshare.net/bagadeniteen/sardar-post

    વિગોકોટમાં હું સેવા બજાવી ચૂક્યો છું. આ બેટ ધોળા વીરા જેવો સિંધુ સરસ્વતિ સંસ્ક્ૃતિનો અવશેષ છે અને ત્યાં રહેલી સીમા સુરક્ષા દળની ચોકીની નીચે મોહેંજો ડેરો જેવી ઇંટો છે. આ મેં જાતે જોઇ છે. એક જગ્યાએ સુરક્ષા માટે ખઇ ખોદાવતાં ત્યાં માનવ અસ્થિપીંજર પણ મળી આવ્યા હતા. આ જગ્યાનું સંશોધન કરવાથી ઘણી પુરાતન માહિતી મળી શકે. કચ્છની સીમા પર BSF ૧૯૬૭ બાદ સેવા બજાવી રહી છે. અહીંની આખ્યાાયિકાઓ અને કેટલીક માહિતી મારા બ્લૉગ www.captnarendra.blogspot.com માં જોઇ શકશો.

    ReplyDelete