Friday, June 28, 2013

પૂતળા વિશે સરદાર સાથે ગપસપ

ગુજરાતના મુખ્ય મંત્રીએ ઘણા વખત પહેલાં દુનિયાનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવવાની જાહેરાત કરી હતી. કોના હિસાબે ને જોખમે એ ચર્ચામાં ન પડીએ તો, વિક્રમો સર્જવાનો તેમને શોખ છે. અગાઉ તે એક દિવસમાં સૌથી વઘુ વૃક્ષો વાવવાના કાર્યક્રમ અને એક સાથે સૌથી વઘુ થ્રી-ડી અવતારે ‘દર્શન’ આપવા જેવા મહાન વિક્રમ નોંધાવી ચૂક્યા છે.  એમ તો, પોતાના ખાતા (ગૃહવિભાગ)ના રાજ્યકક્ષાના મંત્રી જેલનશીન હોય ને મોટા પોલીસ અફસરો જેલમાં હોય, એવો વિક્રમ પણ તે નોંધાવી શકે એમ હતા.

આવા વિક્રમોથી ‘ગુજરાત’નું (એટલે કે ગુજરાતના મુખ્ય મંત્રીનું) નહીં, પણ ખરેખરા ગુજરાતનું (એટલે કે ગુજરાતના લોકોનું) શું ભલું થયું? એવા સુશાસન કે દુઃશાસનને લગતા સવાલ પૂછવા નહીં. અને પૂછવા હોય તો ‘ગુજરાતવિરોધી ટોળકી’ તરીકે ઓળખાવાની તૈયારી રાખવી. કેમ કે, મુખ્ય મંત્રી ધારે તો મોટી સંખ્યામાં લોકોને સૌથી લાંબા સમય સુધી સંમોહિત દશામાં રાખવાનો વિક્રમ પણ નોંધાવી શકે છે. અલબત્ત, ‘અમારી મદદ વિના આ વિક્રમ શક્ય બન્યો ન હોત, એવો દાવો કરીને, કોંગ્રેસ ઇચ્છે તો (ધંધાની જેમ) આ જશમાં ભાગીદાર બની શકે છે.

મુખ્ય મંત્રીના વિક્રમપ્રેમી રાજકારણનું પરિણામ એટલે દુનિયાનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવવાનો નિર્ણય. આ પૂતળું સરદાર પટેલનું હોય એમાં બિચારા સરદારનો કશો વાંક નથી. એ ખરેખર નિર્દોષ છે. કારણ કે જાહેર જીવનમાં આવ્યા પછી એમણે ક્યારેય પૂતળાં પાછળ કે બીજી કોઇ પણ રીતે રૂપિયાનો ઘુમાડો કરવાનું કહ્યું ન હતું.

સરદારે પોતાના જીવનમાંથી એવો સંદેશ આપ્યો કે ‘દેશની સેવા કરવા માટે વડાપ્રધાન બનવું જરૂરી નથી’ અને આ જ સરદારનું સૌથી ઊંચું પૂતળું બનાવવા માગતા ગુજરાતના મુખ્ય મંત્રી માટે વડાપ્રધાન બનવું એ પ્રાથમિકતા છે. દેશની સેવા વડાપ્રધાન બન્યા વિના થઇ જ ન શકે, એવું તેમની કહેણી-કરણી પરથી લાગે. મુખ્ય મંત્રી જેના નામે પોતાના ડંકા વગાડવા કોશિશ કરી રહ્યા છે એ સરદાર પટેલે ગાંધીજીના એક જ ઇશારે વડાપ્રધાનપદ જતું કરી દીઘું હતું, જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી વડાપ્રધાનપદ સુધી પહોંચવા માટે કંઇ પણ કરવા તૈયાર છે. પૂતળાબાજીથી સંતોષ ન થતાં, મુખ્ય મંત્રીએ ભારતભરના પાંચ લાખ કિસાનો પાસેથી ખેતીકામમાં વપરાતું લોખંડનું એક ઓજાર  પૂતળામાં તેમના સહયોગ તરીકે માગ્યું છે.

આવા તાયફા વિશે સરદાર પટેલ શું વિચારતા હોત? એવી તીવ્ર જિજ્ઞાસાનો પ્રતિભાવ આપતો હોય એમ ફોન રણક્યો.
ફોન કાને માંડીને ‘કોણ?’ પૂછ્‌યું, એટલે જવાબ મળ્યોઃ ‘હું સરદાર.’

પ્રઃ કોણ સરદાર? કેવા સરદાર? કોના સરદાર? છોટે? ખોટે? મોટે?

સરદારઃ અરર, મારી આટલી બધી નકલો બજારમાં છે એની મને ખબર જ નહીં. પણ હું તો માત્ર સરદાર છું- તમે બધા જેમને ‘લોહપુરૂષ’ કહો છો તે.

પ્રઃ સોરી, પણ તમારી કંઇક ભૂલ થતી લાગે છે. ‘લોહપુરૂષ’ તો બધા અડવાણીને કહેતા હતા.

સરદારઃ એમ? પછી?

પ્રઃ પછી ચોમાસું બેસી ગયું. લોખંડને કાટ ચડી ગયો ને થાંભલાનો ભૂકો થઇ ગયો. પણ એ બધી વાત છોડો. તમે અસલી સરદાર છો? કાટપ્રૂફ સરદાર? ખરેખર?

સરદારઃ (હસીને) અલ્યા, ફોનમાંથી બહાર નીકળીને પુરાવો આપું?

પ્રઃ ના, ના. એવું નથી પણ એકદમ વિશ્વાસ ક્યાંથી પડે? અને થોડી ચિંતા પણ થાય.

સરદારઃ ચિંતા શાની? મેં તો સાંભળ્યું છે કે તમે બધા મને બહુ ભાવથી યાદ કરો છો. કહો છો કે હું લાંબું જીવ્યો હોત તો દેશમાં કોઇ સમસ્યા જ ન હોત. મને એમ કે મારો અવાજ સાંભળીને તમે ખુશખુશાલ થઇ જશો. મારા પુનરાગમનને વધાવી લેશો.

પ્રઃ ભાવ ને બધી વાત સાચી, પણ એ તો તમે ત્યારે લાંબું જીવ્યા હોત કે વડાપ્રધાન બન્યા હોત તો. હવે તમે પાછા આવો કે આમ ફોનો કરવા માંડો તો તકલીફ ન પડે? તમારા વગર માંડ બઘું સરસ ગોઠવાઇ ગયું હોય ને..

સરદારઃ મારા વગર કે મારા નામે?

પ્રઃ હવે તમે સરદાર ખરા..મારો કહેવાનો મતલબ હતો કે વડાપ્રધાન બનું બનું કરી રહેલા અમારા સાહેબે એક લોહપુરૂષને માંડ ઠેકાણે પાડ્યા હોય ને પાછા બીજા આવે તો એમને નવેસરથી દાવપેચ ગોઠવવા ન પડે?

સરદારઃ તે પેલી કહેવત તો સાંભળી જ હશેઃ ‘કુંવારા કોડે મરે ને પરણેલા પસ્તાય.’ તારા સાહેબને પણ સંભળાવજે.

પ્રઃ સાહેબ તો કુંવારા જ છે.

સરદારઃ મને તેમના વૈવાહિક દરજ્જાની પંચાતમાં રસ નથી. મારો મતલબ મારા નામે ચરી ખાનારા પૂરતો છે. અત્યાર લગી લોકો ફક્ત બાપુનું નામ વટાવી ખાતા હતા. મેં સાંભળ્યું છે કે તમે લોકોએ બાપુના નામે બિઝનેસ સેન્ટર બનાવી કાઢ્‌યું છે. એમાં શું વેચશો? બાપુની આબરૂ? કે તમારી નફ્‌ફટાઇ?

પ્રઃ જૂની પેઢીના લોકોની આ જ તકલીફ છે.

સરદારઃ એ ભાઇ, જરા સરખી રીતે વાત કર. તું ગુજરાતનો મુખ્ય મંત્રી નથી કે તારી ઉદ્ધતાઇને ભક્તો તારી હોંશિયારીમાં ખપાવી દે અને હું અડવાણી નથી કે આવું બઘું ચૂપચાપ સાંભળી લઉં. આપણે મુદ્દાની વાત કરીએ. મારા પૂતળાનો શો મામલો છે?

પ્રઃ અરે, સરદારસાહેબ, પાર્ટી આપો પાર્ટી. અમારા મુખ્ય મંત્રી તમારું પૂતળું બનાવવાના છે. એ દુનિયાનું ઊંચામાં ઊંચું પૂતળું હશે. ખ્યાલ આવે છે કંઇ? વર્લ્ડ રેકોર્ડ...તમારા નામે..અને એ પણ અવસાનનાં ૬૩ વર્ષ પછી...

સરદારઃ તે એમાં હું શું કરવા પાર્ટી આપું? પાર્ટી આપશે આ પૂતળાના કોન્ટ્રાક્ટ મેળવનારા અને એમાંથી કટકીઓ કરનારા... ખરી કમાણી તો એમને થવાની છે. જોકે, તમે બધા બીજી એટલી કટકીઓ કરીને બેઠા છો કે કદાચ મારા પૂતળામાંથી કટકીનો વર્લ્ડ રેકોર્ડ નહીં બનાવી શકો.

પ્રઃ અરર, તમે સરદાર ઉઠીને આવું છીછરૂં વિચારો છો?

સરદારઃ હું અસલી સરદાર છું. મૂરખનો સરદાર કે એન્કાઉન્ટર કરનારાનો સરદાર નથી. ઉદ્યોગપતિઓ જોડે તારા સાહેબને છે એના કરતાં વધારે નજીકના સંબંધો મારે હતા. પણ એનો મેં કદી મારી સત્તા માટે ઉપયોગ કર્યો નથી. એટલે મારા પૂતળાની પાર્ટીઓ મારી પાસેથી માગવા જેટલો બુદ્ધુ તું મને ન ગણીશ.

પ્રઃ તમને વાતમાં પહોંચી વળવું અઘરું છે...

સરદારઃ અને તમને બેશરમીમાં...મારી જોડે નહીં લેવા, નહીં દેવા ને મારા નામે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પૂતળું ઠઠાડી દેવાનું? ખરા છો તમને લોકો...

પ્રઃ એમાં કોઇ વ્યક્તિનો વાંક નથી. કોંગ્રેસે બાપુને વટાવ્યા તો અમે સરદારને વટાવીશું. હિસાબ સરભર.

સરદારઃ પણ એમાં મારી આબરૂની ધજા થશે એનો વિચાર કર્યો છે? મારા પૂતળા પાછળ બે હજાર કરોડ રૂપિયાનો ઘુમાડો તમે કરશો ને કિંમત મારી થશે. આવાં પૂતળાંથી રમવા-રમાડવાનો બહુ શોખ હોય તો ડિઝનીલેન્ડ બનાવો. પણ મહેરબાની કરીને અમને બધાને રેઢા મૂકી દો. નહીંતર પછી મારે...

(અઘૂરા વાક્યેથી ફોન કપાઇ ગયો, પરંતુ આખો સંવાદ ભ્રામક વાસ્તવિકતા હતી કે વાસ્તવિક ભ્રમ, હજુ એ નક્કી થઇ શક્યું નથી.)

Thursday, June 27, 2013

વરસાદમાં ન પલળવાનો આનંદ

આ લેખનું વૈકલ્પિક મથાળું ‘વરસાદમાં પલળવાનો ત્રાસ’ એવું હોઇ શકત. પણ ‘પોઝિટિવ થિંકિંગ’ના જમાનામાં થયું કે જરા ‘પોઝિટિવ’ મથાળું બનાવીએ. વાત તો એક જ છે : ચોમાસામાં પલળી જવાય ત્યારે કેવો ત્રાસ પડે છે અને વરસાદમાં પલળવામાંથી બચી જવાય ત્યારે કેવો આનંદ થાય છે.

સંસ્કૃત મહાકાવ્યોથી ફેસબુકનાં સ્ટેટસ સુધીની રેન્જમાં વરસાદનો એટલો મહિમા થયો છે કે તેમાં પલળવાથી ત્રાસ થાય છે, એવું ખોંખારીને કહી શકાય નહીં. લોકલાજનો ડર લાગે. અરસિકમાં ખપી જવાની અને રસિકોની ન્યાતમાંથી બહાર મુકાઇ જવાની બીક લાગે. ‘અરર, તમે કેવા માણસ છો? વરસાદમાં પલળવું નથી ગમતું?’ એવા હળવા ઉપાલંભથી માંડીને ‘ધીક્કાર છે એના જીવનને, જેને વરસાદમાં પલળવાની મોજ માણતાં ન આવડ્યું’ એવાં કડક મહેણાં સાંભળવાની તૈયારી રાખવી પડે. પરંતુ લોકલાજને નજરઅંદાજ કરતાં સમજાય કે કેવળ વરસાદમાં પલળવા-ન પલળવાના આધારે માણસની કિંમત નક્કી કરવાનું છત્રી કે રેઇનકોટ વેચનારા પૂરતું વાજબી ગણી શકાયઃ બધા લોકો વરસાદથી બચવા ઘરમાં-ઓફિસમાં બેસી રહે તો છત્રી-રેઇનકોટનો ધંધો અને એ કરનારાનાં ઘર શી રીતે ચાલે? પણ એ સિવાય બીજા વાંધકો- વાંધો પાડનારા-ની ચિંતા કરવાની ન હોય. કારણ કે એમનાં પ્રમાણપત્રોનું મૂલ્ય ઉઠી ગયેલી કંપનીના શેર સર્ટિફિકેટ કરતાં જરાય વધારે હોતું નથી.

વરસાદમાં પલળવાથી ત્રાસ અનુભવતા લોકોને કદી એવો સવાલ થતો નથી કે ‘વરસાદમાં પલળવામાં શી મઝા આવતી હશે?’ એ સમજી શકે છે કે ‘હોય. આખરે વરસાદ પણ ફુવારાનું વિસ્તૃત અને કુદરતી સ્વરૂપ છે. માણસને ક્યારેક ચાર દિવાલના બંધન ફગાવીને - અને વોટરપાર્કની ટિકિટ ખર્ચ્યા વિના-પણ નહાવાનું મન થાય. એમાં લોકોને મઝા આવી શકે.’ આમ, તે સામા પક્ષનું દૃષ્ટિબિંદુ સમજી શકે છે. પરંતુ વરસાદમાં પલળવાનો આનંદ લઇ શકતા મોટા ભાગના લોકો આટલા ઉદાર હોતા નથી. પોલીસ જે રીતે ચોરને જુએ કે ન્યાયાધીશ જેમ આરોપીને જુએ એવી રીતે વરસાદમાં ભીંજાનારા જીવો વરસાદથી બચીને રહેતા લોકો તરફ જુએ છેઃ એ નજરમાં સહાનુભૂતિ, અનુકંપા, દયા, તિરસ્કાર, તુચ્છકાર, અરેરાટી જેવી અનેક લાગણીઓનું મિશ્રણ થયેલું હોય છે. ‘માણસ જેવા માણસ થઇને વરસાદમાં ભીંજાવાથી ભાગો છો? તમને માણસ કેમ ગણવા? જાવ તમારું માણસ તરીકેનું લાયસન્સ રદ.’ એવો ઠપકો જાણે તેમની નજરમાંથી સતત વરસતો હોય છે. વરસતા વરસાદથી બચી શકતા લોકો એવા ઠપકાના અદૃશ્ય વરસાદથી બચી શકતા નથી.

વરસાદથી દૂર ભાગતા લોકોના હૃદયપરિવર્તન માટે વરસાદપ્રેમીઓનો ઉત્સાહ ભારે હોય છે. તેમાં સેવા-કરૂણાના દબાણથી ધર્માંતર કરાવતા મિશનરી અને તલવારની ધારે ધર્માંતર કરાવતા આક્રમણખોરના મિજાજનું સંયોજન થયેલું હોય છે. વરસાદથી બચીને ચાલનારા સાથે વરસાદપ્રેમીનો પહેલી વાર ભેટો થાય ત્યારે, ‘સુધરેલા’ લોકો આદિવાસીઓ તરફ જુએ એવી રીતે એ લોકો વરસાદથી ગભરાતા લોકો ભણી જુએ છે. ‘આ લોકોને પહેલી તકે આપણી સંસ્કૃતિમાં લાવી દેવા અને ‘માણસ’ બનાવી દેવા’- એવો ઉત્સાહ તેમનામાં છલકાય છે. એ લોકો વરસાદમાં ભીંજાવાની ક્રિયા કેટલી આનંદપ્રદ છે એનું બયાન આપે છે. બે-ચાર નબળીસબળી કવિતાઓ ફટકારીને વરસાદમાં પલળવાની ક્રિયાનું સાહિત્યિક માહત્મ્ય - અને પોતે એ માહત્મ્ય સમજી શકવા જેટલા ‘સુધરેલા’ છે એ- સિદ્ધ કરવા પ્રયાસ કરે છે. કવિતા આમજનતાને પ્રભાવિત કરવાનું સૌથી સહેલું હથિયાર છે એ સમજી ચૂકેલા ઘણા લોકો કવિતાનો વરસાદ અને વરસાદની કવિતા- એવા ઘાતક મિશ્રણથી પોતાનું કામ સિદ્ધ કરવા પ્રયાસ કરે છે.

વરસાદપ્રેમીઓ માને છે કે વરસાદ માણવો એ ‘ટેસ્ટ’નું કામ છે. કુદરતી વરસાદની મઝા ભજીયાં-દાળવડાં-શેકેલો મકાઇ જેવાં બાહ્ય અને કૃત્રિમ આલંબનો થકી કેવી રીતે અનેકગણી કરી શકાય છે, એનું રસઝરતું વર્ણન પણ એ લોકો હોંશથી કરે છે. આમ કરતી વખતે એ ભૂલી જાય છે કે વરસાદથી દૂર ભાગતા લોકોને વરસાદ સામે તત્ત્વતઃ અને ભજીયાં-દાળવડાં-મકાઇ સામે તો સમગ્રતઃ- કશો વાંધો હોતો નથી. બલ્કે, આ બઘું ઝાપટવા માટે તે વરસાદની પરાધીનતા કબૂલ રાખતા નથી. તેમનો ખરો વાંધો વરસાદમાં ભીંજાયેલા કબૂતર જેવા થઇ ગયા પછી પાછો કામ કરવાનો અથવા કામ માટે બહાર ફરવાનો હોય છે. પરંતુ આ સ્પષ્ટતા કરવાની તક તેમને ભાગ્યે જ મળે છે. બસ, ‘વરસાદ નથી ફાવતો’ એટલું સાંભળ્યું નથી કે વરસાદપ્રેમીઓ ગરજી ગરજીને વરસ્યા નથી.

ભજીયાં-દાળવડાં-મકાઇના રસ્તે વરસાદને ચાહી ન શકનારા લોકો માટે બીજો રસ્તો અપનાવવામાં આવે છે.  વરસાદમાં ભીંજાવાની ક્રિયા કેટલી રોમેન્ટિક છે એનાં વર્ણન અને તેમાં રહેલી શક્યતાઓ તેમની સમક્ષ રજૂ કરવામાં આવે છે. કવિ નાનાલાલે ભીંજાયેલી કન્યાના શરીર પરથી જળબિંદુઓ નહીં, પણ તેનું કૌમાર્ય ટપકે છે એવી કલ્પના કરી હતી. આવાં હાથવગાં ઉદાહરણ આપીને વરસાદમાં પલળવાની ક્રિયાની કાવ્યાત્મકતા સિદ્ધ કરવાના પ્રયાસ થાય છે. પરંતુ વરસાદથી નાસતા ફરતા લોકો મગજ ઘરે મૂકી રાખતા નથી. તેમને એટલી તો ખબર પડે છે કે આવા કિસ્સામાં પલળનાર અને જોનાર કોણ, એની પર બહુ મોટો આધાર હોય છે. આપણે પલળીએ તો આપણા શરીર પરથી પડતાં ટીપાં જોઇને નાનાલાલ હોય કે અ-નાનાલાલ, કોઇને પણ એવું જ લાગે કે કૌમાર્ય નહીં, પરાણે પલળવાનું લાચાર્ય ટપકી રહ્યું છે.

કેવળ શાબ્દિક સમજાવટ અને લાલચથી કામ નહીં સરે એવું લાગતાં વરસાદપ્રેમીઓ બીજો તરીકો અપનાવે છે. ‘તમે વરસાદમાં કદી પલળ્યા છો ખરા? એક વાર પલળી તો જુઓ. એવી મઝા આવશે કે તમે યાદ કરશો.’ એ વખતે વરસાદથી બચનારના હોઠે શબ્દો આવતા આવતા અટકી જાય છે કે ‘સાચી વાત છે. ચાર વર્ષ પહેલાં ન છૂટકે પલળવું પડ્યું ત્યારે એવી હાલત થઇ હતી કે અડધે રસ્તેથી લીલા તોરણે પાછા ઘરે જવું પડ્યું ને ઓફિસમાં રજા મૂકવી પડી.’ અથવા ‘બે વર્ષ પહેલાં વરસાદમાં પલળ્યા પછી ઠંડી લાગીને છીંકાછીંક સાથે જે તાવ ચડ્યો હતો અને કળતર થતું હતું એ હજુ યાદ છે.’ આવી કોઇ દુર્ઘટના ઘટી ન હોય એવા લોકો ડીઝાસ્ટર મેનેજમેેન્ટને બદલે ડીઝાસ્ટર મિટિગેશનના ભાગરૂપે પણ વરસાદમાં પલળવાથી દૂર રહે છે.

વરસાદમાં પલળવાની મઝા નથી આવતી, એના ટેકામાં પણ દલીલો હોઇ શકે એ ઘણા વરસાદપ્રેમીઓથી સહન થતું નથી. ‘જે આપણી સાથે નથી તે આપણી સામે છે’- એવી વિચારધારાના યુગમાં ઘણા વરસાદપ્રેમીઓ ખુન્નસથી વિચારે છે, ‘વરસાદમાં પલળવાથી કતરાતા લોકોને તો પકડી પકડીને...ઝાપટાબંધ વરસતા વરસાદમાં અડધે રસ્તે રેઇનકોટ-છત્રી વિના અને ઓફિસનાં કપડાંમાં પરાણે પલળવાની ફરજ પાડવી જોઇએ.’ વરસાદથી બચનારા વૈચારિક રીતે આટલા હિંસક બની શકતા નથી. એમને કદી એવું થતું નથી કે ‘વરસાદમાં છાકટા થઇને પલળનારાને પકડી પકડીને વરંડાના તાર પર લટકાવીને ઉપર ક્લીપો મારી દેવી જોઇએ.’

Tuesday, June 25, 2013

કેદારનાથ: દુર્ઘટના પછી

મોદી-નીતિશકુમાર-અડવાણીની ખેંચતાણ, કોલસાકૌભાંડ, આઈપીએલ અને બીસીસીઆઇનો કકળાટ- આ બઘું ગયા અઠવાડિયે બાજુ પર હડસેલાઇ ગયું. શ્રદ્ધાળુઓ માટે પવિત્ર ગણાતાં ચાર ધામમાંથી એક કેદારનાથમાં પુર અને ભૂસ્ખલનની વિનાશલીલામાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા. તેમનો સાચો આંકડો જાણી શકાય એટલું પણ ઠેકાણું હજુ પડ્યું નથી. ગૌરીકુંડથી કેદારનાથ સુધીના આખા પહાડી વિસ્તારમાં રસ્તા ઓળખાય નહીં એ હદે ભાંગીતૂટી ગયા છે. કાદવકીચડનો છ-આઠ ફૂટનો થર પથરાયેલો છે.

વિનાશક વરસાદ અને તેના પરિણામે આવેલા ઓચિંતા પૂરમાં કેટલા તણાઇ ગયા એનો હિસાબ નથી. બચી ગયેલા લોકોએ ગામડાં સિવાયની જગ્યાઓએ, જંગલમાં કે રસ્તા વચ્ચે ક્યાંય આશરો લીધો હોય તો તેમના માટે દિવસો સુધી ખોરાકપાણી વિના જીવતર ટકાવી રાખવાની કસોટી સૌથી કપરી હશે. બચાવ માટે ઉડતાં લશ્કરી હેલિકોપ્ટરનું પહેલું ઘ્યેય ચોક્કસ મંદિરની આસપાસ કે ગામડાંમાં આશરો લેનારા લોકોને સહીસલામત બહાર કાઢવાનું હોય. ફસાયેલા લોકોની સંખ્યા એટલી મોટી છે (અંદાજે પચાસ હજાર) અને દુર્ઘટનાસ્થળની ભૂગોળ એટલી પ્રતિકૂળ કે મોટા પાયે રાહતકાર્ય ચલાવવાનું અશક્ય બની જાય. આ દુર્ઘટનાની થપાટ એવી આકરી છે કે કેદારનાથને ફરી યાત્રાને લાયક બનાવતાં બે-ત્રણ વર્ષ નીકળી જશે, એવું ઉત્તરાખંડના મુખ્ય મંત્રીએ કહ્યું છે.

આવું પહેલી વાર થયું? 

એના જવાબમાં કેટલાક સમાચાર જોઇએઃ

‘ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ અને બાઘેશ્વર જિલ્લામાં ‘ક્લાઉડબર્સ્ટ’- વાદળ ફાટવાને કારણે ઓછામાં ઓછા ૩૦નાં મૃત્યુ થયાં અને ૪૦ હજુ લાપતા છે. આગલી રાતથી વરસાદ ચાલુ હતો અને વહેલી સવારે વાદળ ફાટતાં રૂદ્રપ્રયાગનાં અનેક ગામડાંમાં તબાહીનાં દૃશ્યો સર્જાયાં છે. સરયુ અને કાલીગંગા નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.’ (સપ્ટેમ્બર, ૨૦૧૨)

 ‘વાદળ ફાટતાં થયેલા ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં એક સ્કૂલનું મકાન પડી ગયું. તેમાં ૧૮ બાળકો મૃત્યુ પામ્યાં અને બીજાં ૩૦ હજુ કાટમાળમાં સપડાયેલાં છે. ભારે વરસાદ વચ્ચે બાળકોને બચાવવાની રાહતકામગીરી ચાલી રહી છે. ભારે વરસાદને લીધે છેલ્લાં બે દિવસમાં મૃત્યુઆંક ૬૦નો આંકડો વટાવી ગયો છે. અલકનંદામાં આવેલાં પુરને લીધે બદ્રીનાથના મંદીરને નેશનલ હાઇ વે સાથે જોડતો રસ્તો ધોવાઇ જતાં સંખ્યાબંધ યાત્રાળુઓ અટવાઇ ગયા હતા. બોર્ડર રોડ્‌સ ઓર્ગેનાઇઝેશને કામચલાઉ રસ્તો તૈયાર કરી દીધો હોવા છતાં પાંચેક હજાર યાત્રાળુઓ હજુ ફસાયેલા છે.’(સપ્ટેમ્બર, ૨૦૧૦)

‘ઉત્તરાખંડમાં વાદળ ફાટવાને કારણે પડેલા ધોધમાર વરસાદમાં ભૂસ્ખલનને કારણે ૧૫ માણસો મૃત્યુ પામ્યાં છે અને બીજાં ૩૮ કાટમાળ નીચે દટાયેલાં હોવાની આશંકા છે. રાજ્યના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ‘મેજર ટ્રેજીડી’ ગણાવી છે.’ (ઓગસ્ટ, ૨૦૦૯)

 મતલબ એટલો જ કે ચોમાસાની ૠતુમાં ઉત્તરાખંડમાં અને એમાં પણ રૂદ્રપ્રયાગ જેવા જિલ્લામાં વાદળ ફાટવાની અને નદીઓમાં ભયંકર પુર આવવાની નવાઇ નથી. પહાડી ઇલાકામાં સાંકડા રસ્તે બધો વ્યવહાર ચાલતો હોય. એમાં વાદળ ફાટે અને ભૂસ્ખલન થાય- ભેખડો ધસી પડે, રસ્તા તૂટી જાય એટલે પૂર્વવત્‌ વ્યવહાર સ્થપાતાં સમય નીકળી જાય છે. કાશ્મીરમાં આવેલા યાત્રાધામ અમરનાથમાં પણ ભૂસ્ખલનોને કારણે યાત્રાળુઓને જીવનું કે અટવાઇ પડવાનું જોખમ રહે છે અને યાત્રાને અટકાવી દેવી પડે છે.

આમ, ૨૦૧૩માં કેદારનાથમાં થયેલી દુર્ઘટના વિનાશવ્યાપની રીતે વધારે ખતરનાક નીવડી છે, પણ પ્રકારની રીતે આ તેનું અનેકમી વારનું પુનઃપ્રસારણ છે.

વાદળનું ફાટવું એટલેે?

ક્લાઉડબર્સ્ટ ઉર્ફે વાદળ ફાટવું એ કુદરતી ઘટના છે. આ શબ્દપ્રયોગ વૈજ્ઞાનિક નહીં, પણ બોલચાલની ભાષાનો છે. પાણી ભરેલા ફુગ્ગાની જેમ વાદળમાં પણ ઠાંસોઠાંસ પાણી ભરાવાના કારણે એ ફાટતું હશે, એવી માન્યતાના કારણે તેનું આવું નામ પડ્યું છે. ઉત્તરાખંડ કે લદ્દાખ જેવા પહાડી વિસ્તારોથી માંડીને મુંબઇ-પૂના જેવા મેદાની ઇલાકામાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ બની ચૂકી છે. ભરેલું વાદળ ધીમે ધીમે ખાલી થવાને બદલે, જાણે ઠલવાઇ જવાની ઉતાવળ હોય એમ એકસામટું મર્યાદિત વિસ્તાર પર ગાજવીજ સાથે વરસી પડે ત્યારે ક્લાઉડબર્સ્ટ સર્જાય છે. સામાન્ય રીતે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગર પરથી સર્જાયેલું વરસાદી વાદળ ઉત્તર તરફ ઢસડાઇને હિમાલયની પર્વતમાળા સુધી પહોંચીને ‘ફાટે છે’. એવી સ્થિતિમાં એક કલાકમાં આઠ-દસ ઇંચ જેટલો વરસાદ આવી શકે છે. થોડા વિસ્તારમાં એકદમ અને એકસામટું આટલું પાણી પડે એટલે ભારે પૂર આવે અને રસ્તામાં જે આવે તેને તાણી જતો પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય.

ક્લાઉડબર્સ્ટને કારણે આવેલા પૂર માટે ‘ફ્‌લેશફ્‌લડ’ જેવો શબ્દપ્રયોગ વપરાય છેઃ હમણાં કશો અણસાર ન હોય, જોતજોતાંમાં વાદળ ખાબકે અને થોડા વિસ્તારમાં સ્થળ ત્યાં જળ થઇ જાય. પહાડી વિસ્તારમાં વાદળ ફાટે ત્યારે ઠેકઠેકાણેથી ભેખડો ધસી પડવાની કે તોતિંગ શીલાઓ ગબડવાની ઘટનાઓ પણ બને છે, જેના લીધે ફ્‌લેશફ્‌લડની ઘાતકતામાં વધારો થાય છે. કેદારનાથમાં એવું જ બન્યું હતું. ત્યાં ક્લાઉડબર્સ્ટ, તેને કારણે છલકાઇ ઉઠેલી નદીઓ અને મોટી શીલાઓ ધસવાના બનાવને કારણે ત્રિપાંખિયો વિનાશ થયો.

ક્લાઉડબર્સ્ટ અને ફ્‌લેશફ્‌લડ ઓચિંતી ઘટનાઓ હોવાથી, તેમની સવેળા આગાહી થાય અને એ વિસ્તારમાં પ્રવાસીઓ જવાનું ટાળે તો જ જાનહાનિ નિવારી શકાય. બાકી સ્થાનિક લોકોના માથે જાનની  નહીં તો કમ સે કમ માલની નુકસાનીનો ખતરો તોળાયેલો જ રહે છે.  ગૌરીકુંડથી કેદારનાથ જવાના આશરે ૧૩-૧૪ કિ.મી.ના પગપાળા પહાડી રસ્તા પર સેંકડો યાત્રાળુઓ ચાલતા, ડોળીમાં કે ઘોડા પર જતા હોય અને સાંજ પડ્યે પાછા આવી જતા હોય, ત્યારે આગોતરી આગાહીથી યાત્રાળુઓ એ દિવસ પૂરતું કેદારનાથ જવાનું માંડી વળે એ શક્ય છે. પરંતુ ક્લાઉડબર્સ્ટની સચોટ આગાહીની સમસ્યા અને હવામાનખાતા પર લોકોના અવિશ્વાસને કારણે, ચાર ધામ જાતરાની મોસમમાં ક્લાઉડબર્સ્ટ વિનાશ ફેલાવે, ત્યારે વહીવટી તંત્રની સ્થિતિ ખરેખર લાચાર બને છે. ક્લાઉડબર્સ્ટ થકી થયેલા વિનાશ માટે વહીવટી તંત્રનો વાંક કાઢવાનો ઝાઝો અર્થ નથી. અલબત્ત, ક્લાઉડબર્સ્ટની સ્થિતિ કેમ સર્જાઇ એના માટે સરકારો અને વહીવટી તંત્રોને આરોપીના કઠેડામાં ઊભાં રાખવામાં આવે છે.

પર્યાવરણ સાથે છેડછાડ અને બંધોને લીધે આ સ્થિતિ સર્જાય છે? 

ઉત્તરાખંડમાં ક્લાઉડબર્સ્ટ અને જાનમાલની વ્યાપક હાનિના સમાચારને પગલે અરેરાટી અને સહાનુભૂતિની સાથે બે પ્રતિક્રિયાઓ વિશિષ્ટ અને નોંધપાત્ર હતી. ઇશ્વરમાં ન માનતા ઘણા લોકોએ દુર્ઘટનામાં જીવ ખોનારા અને ફસાયેલા લોકો પ્રત્યે યથાયોગ્ય લાગણી પ્રગટ કર્યા પછી એવો પણ મુદ્દો ઊભો કર્યો કે ભગવાને તેમના ભક્તોનું રક્ષણ કેમ ન કર્યું? ખાસ કરીને કેદારનાથનું મંદિર અને તેની બહાર નંદીની પ્રતિમા સલામત રહી હોવાના સમાચારને ઇશ્વરી સંકેત તરીકે ખપાવવાનો પ્રયાસ થયો ત્યારે ભક્તોની સલામતીનો પ્રશ્ન તાર્કિક અને વાજબી લાગે. પરંતુ આટલા મોટા પાયે કરૂણ ઘટના સર્જાઇ હોય ત્યારે શ્રદ્ધાળુઓ થોડા સમય માટે ઇશ્વરી સંકેતો શોધવાનું માંડવાળ કરે અને વિવેકબુદ્ધિવાદીઓ દુર્ઘટનાનું કેવળ નિરીશ્વરવાદી દૃષ્ટિકોણથી વિશ્લેષણ મોકૂફ રાખી શકે, એ સમયની માગ ગણાય.

બીજી પ્રતિક્રિયા પણ ‘કરો એવાં ભોગવો’ પ્રકારની હતી. પહાડી અને જંગલ ધરાવતા ઉત્તરાખંડ કે હિમાચલપ્રદેશ જેવા વિસ્તારોમાં  આડેધડ વ્યાપારીકરણ, જમીનોની સોદાબાજી, પર્યાવરણનો કે સલામતીનો વિચાર કર્યા વિના કેવળ ધંધાદારી ગણતરીથી ઊભાં થઇ રહેલાં મકાન અને રીઅલ એસ્ટેટનો ધંધો, પહાડોમાં થઇ રહેલું ખાણકામ, પહાડી વિસ્તારમાં નદીઓના પ્રવાહ પર બનેલા બંધ અને આ બધાના કારણે ખોરવાતું પર્યાવરણનું સંતુલન- આ કારણ ઠીક ઠીક ચર્ચામાં રહ્યું. પર્યાવરણના મુદ્દે ઝુંબેશ ચલાવતાં ઘણાં વ્યક્તિઓ- સંસ્થાઓએ ‘જોયું? અમે નહોતા કહેતા? પણ અમારું સાંભળે કોણ?’ એવા વલણ સાથે આ દુર્ઘટનાને જોઇ. પ્રસાર માઘ્યમોને પણ આ મુદ્દો સૌથી હાથવગો લાગ્યો.

છેલ્લા એકાદ દાયકાથી મોસમના મિજાજમાં અણધાર્યા અને વિચિત્ર પલટા આવ્યા છે. પુર-વાવાઝોડાં-ત્સુનામી-ભૂકંપ જેવી ઘટનાઓ કાર્યકારણનો સંબંધ સમજાવી ન શકાય એ રીતે વધી રહી છે. આ પ્રકારની કોઇ પણ ઘટના બને ત્યારે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને થઇ રહેલા નુકસાન તરફ આંગળી ચીંધવામાં આવે છે. પરંતુ કુદરતી આફતો માટે જવાબદાર પરિબળો એટલાં સંકુલ હોય છે કે દુર્ઘટના સાથે તેમનો સીધો સંબંધ સ્થાપિત કરી શકાતો નથી. બીજી તરફ, પર્યાવરણપ્રેમીઓના ઇરાદા ગમે તેટલા સારા હોય, પણ ઘણી વાર તે પોતાનો પ્રચાર સાચો ઠેરવવા માટે કાર્યકારણના સગવડિયા સંબંધ ઉપજાવી લેતા હોય છે. એને આધાર આપવા માટેના નક્કર અભ્યાસ કે પુરાવા પૂરતા પ્રમાણમાં અથવા પૂરતા વિશ્વસનીય હોતા નથી. સામા પક્ષે ‘વિકાસ’વાદીઓ પોતાનાં ગુલાબી ચિત્રો વેચવા તૈયાર જ હોય છે. ઉત્તરાખંડમાં પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં પણ આડેધડ બાંધકામો થાય અને બધા પક્ષો તેની સામે આંખમીંચામણાં કરે ત્યારે, દુર્ઘટનાનાં તો ખબર નહીં, પણ દુર્ઘટનામાં ભારે નુકસાનનાં મૂળિયાં અવશ્ય નખાય છે.

ભારત હોય કે અમેરિકા, કુદરતી આફત સામે સૌ લાચારી અનુભવતા હોય છે. ફરક ત્યાર પછીના બોધપાઠ શીખવામાં પડે છે. પરંતુ ગુજરાતમાં ૨૦૦૧ના ભૂકંપ પછી થોડા સમય પૂરતું, કોલમ (ઉભા થાંભલા) પર ઉભા કરાયેલા ફ્‌લેટનું બજાર ગગડીને ફરી પહેલાંના જેવું થઇ ગયું, એવું જ રીઅલ એસ્ટેટની તેજી બાબતે ઉત્તરાખંડમાં બનવાની પૂરી શક્યતા છે. સ્વાર્થઅંધો બોધપાઠ શીખે  એવી અપેક્ષા રાખવી એ ક્લાઉડબર્સ્ટ પછી પૂર ન આવે એવી અપેક્ષા રાખ્યા બરાબર છે.  

Sunday, June 23, 2013

ભારતમાં ૧૬૩ વર્ષની અવિરત કામગીરી પછી ‘ડૉટ કોમ’ના દાદા જેવી ‘ડોટ-ડેશ’ની ટેલીગ્રાફ સેવાનો યુગાંત

તેના સબમરીન કેબલ દરિયાના પેટાળમાં પથરાઇને સંદેશાવ્યવહારની વૈશ્વિક ક્રાંતિના સર્જક બન્યા, તેનાથી ભૌગોલિક અંતર ઓગળ્યાં, લખાતી ભાષા પર અસર પડી અને નવી જાતની ‘કેબલીઝ’ શૈલી ચલણી બની, વેપારધંધાનાં અને લશ્કરી ગણિત બદલાઇ ગયાં. ઇન્ટરનેટની ખૂબીઓનું લાગે એવું આ વર્ણન હકીકતમાં દોઢસો વર્ષ પહેલાં શોધાયેલા ટેલીગ્રાફ/ telegraphનું છે.


You ને બદલે ફક્ત u, See ને બદલે c, Your ની જગ્યાએ ur, Good Morning ની જગ્યાએ gm, ફોટોગ્રાફ્‌સ માટે pix, Thanks ને બદલે tnx- આ જાતની ટૂંકાક્ષરી એસ.એમ.એસ./sms અને સોશ્યલ નેટવર્કિંગની સાઇટ પર વપરાતી જોઇને જીવ કકળી ઉઠે છે? ‘અંગ્રેજીનું શું થશે?’ એવી ચિંતા થાય છે?

વાંધો નહીં. ચિંતા કરવાની ના નથી, પણ એટલું જાણી લઇએ કે ઉપર ટાંકેલી બધી ટૂંકાક્ષરી ‘આજકાલના’ મોબાઇલ-ઇન્ટરનેટના જમાનાની નહીં, પણ દોઢ સદી જૂના ટેલીગ્રાફના જમાનાની છે. ટેલીગ્રાફ એટલે તારથી જોડાયેલાં બે મથકો વચ્ચે ટેલીગ્રાફ મશીનની ‘ટીક ટીક’થી, ડોટ (.) અને ડેશ (-)ની સાંકેતિક ભાષામાં, વિદ્યુતપ્રવાહ દ્વારા સંદેશો મોકલવાની ટેકનોલોજી. આ રીતે અપાયેલો સંદેશો એટલે ટેલીગ્રામ. અંગ્રેજીમાં એ ‘કેબલ’ તરીકે અને ગુજરાતીમાં ‘તાર’ તરીકે ઓળખાયો. કારણ કે તેના વહન માટે તારનું નેટવર્ક જરૂરી હતું.
telegraph codes/ ટેલીગ્રાફ માટેની સાંકેતિક લિપી
સ્માર્ટફોન અને વિડીયો ચેટિંગના જમાનામાં ડોટ-ડેશથી સંદેશા મોકલવાની વાત બાવા આદમના યુગની લાગે અને ‘સેમ્યુઅલ મોર્સે ટેલીગ્રાફની શોધ કરી હતી’ એનું મહત્ત્વ સામાન્ય જ્ઞાનના અડધા માર્કના સવાલથી વિશેષ ન લાગે. પણ ટેલીગ્રાફની ટેકનોલોજી આવી ત્યારે તેને એ જમાનાનું ઇન્ટરનેટ કહેવામાં ખાસ અતિશયોક્તિ નથી. ઇ.સ.૧૮૪૪માં અમેરિકાની સંસદના ટેકાથી મોર્સે વોશિંગ્ટન ડી.સી.-બાલ્ટિમોર વચ્ચે ટેલીગ્રાફ લાઇન નાખી અને સફળતાપૂર્વક સંદેશો મોકલી બતાવ્યો. આ નવતર પદ્ધતિમાં સંદેશો મોકલવા માટે અગાઉની જેમ ખેપિયાને મોકલવાની જરૂર પડતી ન હતી અને સંદેશો પહોંચવામાં દિવસો નીકળી જતા ન હતા. ઇન્ટરનેટ તો ઠીક, ફોન-ફેક્સની કોઇએ કલ્પના કરી ન હોય ત્યારે આ શોધ ચમત્કારિક ન લાગે?

ઇન્ટરનેટ માટે કહેવાય છે એ જ દાયકાઓ લગી ટેલીગ્રાફ માટે કહેવાતું હતુંઃ આ શોધથી ભૌગોલિક અંતર ઓગળી ગયાં અને દુનિયા નાની બની ગઇ. ફક્ત સંદેશા મોકલવાની બાબતમાં જ નહીં, ધંધાઉદ્યોગો અને રાજકીય ગતિવિધિઓની બાબતમાં આદાનપ્રદાન શક્ય બન્યાં. રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય ખબરઅંતરથી અજાણ રહેવાને કારણે દુનિયા જ નહીં, દેશો અને પ્રદેશો સુદ્ધાં નાના-અલિપ્ત ટુકડામાં વહેંચાયેલા હતા. ટેલીગ્રાફની શોધે એ બધાને એકબીજા સાથે જોડવાનું, બીજા શબ્દોમાં કહીએ તો ‘ગ્લોબલાઇઝેશન’ના આરંભનું કામ કર્યું.

નવી ટેકનોલોજી આવે એટલે બન્ને પ્રકારના વર્તારા નીકળે એ સ્વાભાવિક છે. કેટલાકે એ મતલબની શંકા કરી કે આ સાધનથી શા કાંદા કાઢી લેવાના છે? ઉલટું એ ખાનગી માહિતીઓ મોકલવામાં અને વેપારીઓને ફાયદો કરાવવાના કામમાં લાગશે. બીજા પ્રકારના લોકોએ કલ્પના કરી કે દેશ-દેશ વચ્ચેનું અંતર મટી જશે. એટલે વિશ્વશાંતિ સ્થાપવામાં આ શોધ બહુ ઉપયોગી બની રહેશે. પરંતુ ખુદ મોર્સે ૧૮૩૮માં એક પત્રમાં લખ્યું હતું, ‘તરત સંદેશો મોકલવાનું આ રીત અનિવાર્યપણે પ્રચંડ તાકાત ધરાવતું સાધન બની રહેશે. તેની પાસેથી જેવું કામ લેવામાં આવશે એ પ્રમાણે તેનો સારો ઉપયોગ પણ થઇ શકશે અને ખરાબ પણ.’

થોડાં વર્ષોમાં ભારતીયોને તેનો અનુભવ થઇ ગયો. ૧૮૫૭નો સંગ્રામ શરૂ થયો ત્યારે એક વાર તો ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું સિંહાસન ડોલી ઉઠ્યું, પણ વળતી લડત આપવામાં અંગ્રેજોને ગુરખા-શીખ સૈનિકો ઉપરાંત ટેલીગ્રાફની અમૂલ્ય મદદ મળી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સામે હથિયાર ઉઠાવનારા લોકો વચ્ચે સંકલનનો અને સંદેશાવ્યવહારનાં સાધનનો અભાવ હતો, જ્યારે ટેલીગ્રાફના પ્રતાપે અંગ્રેજી સેનાપતિઓ એકબીજા સાથે સમાચારોની આપ-લે કરી શકતા હતા, વ્યૂહરચના ઘડી શકતા હતા અને બીજાં સ્થળે સંગ્રામની ઝાળ ન લાગે તેના માટે આગોતરો બંદોબસ્ત ગોઠવી દેતા હતા. ૧૮૫૭-૫૯ દરમિયાન પંજાબમાં અને થોડો સમય અવધમાં કામ કરનાર અંગ્રેજ અફસર રોબર્ટ મોન્ટગોમરીએ કહ્યું હતું, ‘ભારતને (એટલે કે ભારતમાં અંગ્રેજી રાજને) ઇલેક્ટ્રિક ટેલીગ્રાફે બચાવી લીઘું.’ ૧૮૫૭ના સંગ્રામમાં ટેલીગ્રાફ ઓફિસના કર્મચારીઓની સેવાની કદરરૂપે એપ્રિલ ૧૯, ૧૯૦૨ના રોજ જૂના દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં ‘ધ ટેલીગ્રાફ મેમોરિયલ’ ઊભું કરવામાં આવ્યું. કોઇ વ્યક્તિને બદલે ટેકનોલોજીને બિરદાવતું સ્મારક બન્યું હોય એવો આ વિલક્ષણ કિસ્સો હતો.
Picture postcard of Telegraph memorial, Delhi/ દિલ્હીનું ટેલીગ્રાફ સ્મારક

ટેલીગ્રાફના લશ્કરી અને જાસુસી ઉપયોગનો બીજો પ્રસંગ અમેરિકાના આંતરવિગ્રહ (૧૮૬૧-૧૮૬૫) વખતે આવ્યો. ઉત્તર અને દક્ષિણ અમેરિકાનાં સૈન્યો વચ્ચે થયેલા યુદ્ધમાં બન્ને પક્ષો પાસે ટેલીગ્રાફની સુવિધા હતી. તેથી એકબીજાના સંદેશા આંતરીને- હેકિંગ કરીને- સામા પક્ષની વ્યૂહરચના જાણી લેવાની યુક્તિ પણ અજમાવાઇ.

વિદેશોમાં અખબારોના સંચાલનની અને પત્રકારોની કામ કરવાની રીતમાં ટેલીગ્રાફના આગમન પછી ઘણા ફેરફાર થયા. તરત સંદેશા મોકલવાનું શક્ય બન્યું એટલે સમાચારપત્રોના વ્યાપ-વિસ્તારમાં વધારો શક્ય બન્યો. સમાચારમાં ‘બ્રેકિંગ ન્યૂઝ’નું તત્ત્વ દાખલ થયું. સૌથી મોટી અસર સમાચાર મોકલવાની ભાષા પર પડી. ટેલીગ્રામમાં લખાતા સંદેશા માટે શબ્દ દીઠ ભાવ ચૂકવવો પડતો હતો. વિરામચિહ્ન લખવાનું મોંધું પડતું હતું. પરિણામે, આખેઆખાં વાક્યોમાં (જરૂર પડ્યે વચ્ચે ‘સ્ટોપ’ શબ્દ વાપરીને) બે શબ્દોનો એક શબ્દ કરવાનું, નવા જોડીયા શબ્દો નીપજાવવાનું અને લેખની શરૂઆતમાં નોંધી છે એવી ટૂંકાક્ષરી ભાષા લખવાનું ચલણ પત્રકારો-સંવાદદાતાઓમાં શરૂ થયું. ટેલીગ્રામ ‘કેબલ’ તરીકે ઓળખાતા હતા, એટલે તેમાં વપરાતું વિશિષ્ટ શૈલીનું અંગ્રેજી ‘કેબલીઝ’ તરીકે ઓળખાયું. તેના એક નમૂના તરીકે આ સમાચાર. તે પેરિસની મુલાકાતે જતા પ્રિન્સ ઓફ વેલ્સે સ્ટેશન પર આપેલા સંદેશ અંગે હતા.

Wales Parisward smorning omnistation cheered stop he said friendship proFrance unceasing.

આ તારનો અખબારની ઓફિસમાં થયેલો ‘વિચારવિસ્તાર’-

The prince of Wales left for Paris this morning. All those present at the station cheered him widely. He said 'My friendship for France  will always be with me.'

‘કેબલીઝ’માં ફક્ત શબ્દો જ નહીં, અભિવ્યક્તિ પણ ટૂંકાણમાં સચોટ રીતે કરવાની રહેતી. અર્નેસ્ટ હેમિંગ્વે જેવા વિખ્યાત લેખક  પહેલાં પત્રકાર તરીકે કામ કરતા હતા અને સામયિકોમાં લખવાનું તેમણે છેવટ સુધી ચાલુ રાખ્યું. સ્પેન વિશેના તેમના ઘણા અહેવાલ ‘કેબલીઝ’માં લખાયેલા હતા. એ સમયના કેટલાક પત્રકારો સીધેસીધા ‘કેબલીઝ’માં એટલે કે ટૂંકાક્ષરીમાં, વિરામચિહ્નો વગર અને શબ્દો જોડીને, ફટાફટ અહેવાલ તૈયાર કરી નાખતા હતા. હેમિંગ્વે પોતાના અહેવાલો ‘કેબલીઝ’ ઉપરાંત વિસ્તૃત વાક્યો સ્વરૂપે પણ તૈયાર કરતા હતા. અભ્યાસીઓએ તેમના આ બન્ને પ્રકારનાં લખાણોની ભાષા અને અભિવ્યક્તિની દૃષ્ટિએ સરખામણી કરી છે.

ભારતમાં પણ તારમાં લખાતા સંદેશામાં શબ્દો બચાવવા માટે ક્રિયાપદો વગરનાં વાક્યો લખાતાં હતાં (‘ફાધર સિરીયસ કમ સૂન’) પરંતુ ‘કેબલીઝ’ની જેમ તેમાં બે શબ્દો ભેગા કરવાનું ચલણ ન હતું. એટલે ભારતમાં ‘કેબલીઝ’- તારનાં  લખાણની અલગ શૈલી-નો અલગ મહિમા ન થયો. બાકી, આઝાદીની લડાઇ વખતે ગાંધીજી અને બીજા નેતાઓ મહત્ત્વના સંદેશા ઝડપથી મોકલવા માટે તારનો ઘણો ઉપયોગ કરતા હતા. હજારો પત્રો લખનારા અને ટૂંકાં વાક્યો-સચોટ અભિવ્યક્તિ પર ભારે હથોટી ધરાવતા ગાંધીજીના પત્રોની જેમ તેમના તાર પણ ‘કેબલીઝ’ના દૃષ્ટિકોણથી તપાસવા જેવા છે. તેનો એક ઉત્તમ નમૂનો છે મહાદેવભાઇ દેસાઇના મૃત્યુપ્રસંગે તેમણે મોકલેલો તાર.

આગાખાન જેલમાં મહાદેવભાઇનું અવસાન થયું અને જેલમાં જ તેમની અંતીમ ક્રિયા થઇ. એ પ્રસંગનું ભાવભર્યું વર્ણન અને આનુષંગિક સલાહસૂચનો તેમણે તારનાં ટૂંકાં વાક્યોમાં આ રીતે વણી લીધાં હતાં. (લખાણની ચોટ માટે મૂળ અંગ્રેજી જ ટાંક્યું છે)‘મહાદેવ ડાઇડ સડનલી. ગેવ નો ઇન્ડિકેશન. સ્લેપ્ટ વેલ લાસ્ટ નાઇટ. હેડ બ્રેકફાસ્ટ. ટોક્ડ વિથ મી. સુશીલા જેલ ડોક્ટર્સ ડીડ ઓલ ધે કુડ, બટ ગોડ હેડ વિલ્ડ અધરવાઇઝ. સુશીલા એન્ડ આઇ બેધ્‌ડ બોડી. બોડી લાઇંગ પીસફુલી કવર્ડ વિથ ફ્‌લાવર્સ, ઇન્સેન્સ બર્નિંગ. સુશીલા એન્ડ આઇ રીસાઇટિંગ ગીતા. મહાદેવ હેઝ ડાઇડ યોગીઝ એન્ડ પેટ્રિયટ્‌સ ડેથ. ટેલ દુર્ગા, બાબલા એન્ડ સુશીલા નો સોરો. ઓન્લી જોય ઓવર સચ નોબલ ડેથ. ક્રીમેશન ટેકિંગ પ્લેસ ફ્રન્ટ ઓફ મી. શેલી કીપ એશીઝ. એડવાઇઝ દુર્ગા રીમેઇન આશ્રમ બટ શી મે ગો ટુ હર પીપલ ઇફ શી મસ્ટ. હોપ બાબલા વીલ બી બ્રેવ એન્ડ પ્રીપેર હિમસેલ્ફ ફિલ મહાદેવ્ઝ પ્લેસ વર્ધિલી. - લવ, બાપુ’

૧૫ જુલાઇ, ૨૦૧૩ના રોજ, ૧૬૩ વર્ષની લાંબી સેવા પછી, ભારતમાં ટેલીગ્રાફની મઘુર ટક ટક અટકી જશે. ઇન્ટરનેટ- મોબાઇલ ફોનના જમાનામાં એની ખોટ તો નહીં સાલે, પણ અતીતરાગના અને સંદેશાવ્યવહાર ઇતિહાસના મહત્ત્વના હિસ્સા તરીકે ટેલીગ્રાફનું સ્થાન અમીટ રહેશે.

Tuesday, June 18, 2013

‘મોદીનીતિ’ એટલે ?

ગુજરાતના મુખ્ય મંત્રીને ગોવા સાથે લેણું લાગે છે.૨૦૦૨માં તેમના શાસનના માથે કોમી હિંસાનું કલંક હતું. છતાં એ વર્ષે ગોવામાં ભાજપની રાષ્ટ્રિય કાર્યકારિણીમાં તેમને ‘પોસ્ટરબોય’નો - એટલે કે પક્ષ જેનું મહિમાગાન કરી શકે એવા નેતાનો-દરજ્જો મળ્યો. તેમના વિશેની શરમને પક્ષીય ગૌરવમાં ફેરવવામાં અડવાણીનો મોટો ફાળો હતો. ૨૦૧૩માં ફરી એક વાર ગોવામાં, આ વખતે અડવાણીને કારણે નહીં પણ તેમના વિરોધ છતાં, નરેન્દ્ર મોદીને ભાજપની ચૂંટણીપ્રચાર સમિતિના અઘ્યક્ષ બનાવાયા.

મહત્ત્વાકાંક્ષાથી ફાટફાટ થતા ગુજરાતના મુખ્ય મંત્રીની સાથે રહીને કે સામે રહીને, અડવાણીના ભાગે ‘ધોબીશ્વાનત્વ’ જ આવવાનું હતું. કારણ કે ૮૫ વર્ષના અને છેલ્લાં થોડાં વર્ષથી વિપક્ષી નેતા તરીકે સાવ બિનઅસરકારક નીવડેલા અડવાણીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરવાનું ભાજપ માટે અઘરૂં હતું. કેવળ રાહુલ ગાંધીની વયનું પરિબળ જ અડવાણી-ભાજપને મહાત કરવા પૂરતું થઇ પડે. આ વાજબી કારણમાં ગુજરાતના મુખ્ય મંત્રીની ભડભડતી મહત્ત્વાકાંક્ષા ઉમેરાય, એટલે અડવાણીનું એ જ થાય, જે થયું.

બાકીના કોઇ ભાજપી નેતા પાસે ગુજરાતના મુખ્ય મંત્રી જેટલી મજબૂત ‘તિજોરી’ નથી. રાજકારણમાં કેવળ વ્યક્તિત્વ કે ભાષણોથી પ્રભાવ પાડી શકાય ને સાથી-નેતાઓને પોતાની તરફેણમાં ખેંચી શકાય, એ જમાનો ક્યારનો વીતી ગયો. છટા-શૈલી-વાક્ચાતુર્ય આ બધું જાહેરમાં  દેખાડા પૂરતું કામ લાગે, પણ સત્તા ખાતર ટેકો મેળવવાની વાત આવે ત્યારે તિજોરીનાં બારણાં ખોલી નાખ્યા વિના છૂટકો નહીં. દેખીતું છે કે એ માટે તિજોરી ભરવી પણ પડે. કેટલાક પોતાની તિજોરી વાપરે અને એ ભરવા જતાં ભ્રષ્ટાચારી તરીકે વગોવાય. કેટલાક બીજાની તિજોરી વાપરે, બદલામાં તિજોરીમાલિકોને ફાયદા કરી આપે અને આખા વ્યવહારમાં પોતે ક્યાંય વચ્ચે નથી એવું દુનિયાને બતાવે. આ પદ્ધતિ વિશે સુફિયાણી ભાષામાં એવું કહેવાય કે, ‘એમને કોર્પોરેટ વર્લ્ડનો ટેકો છે.’

ભાજપમાં મુખ્ય મંત્રી મોદીને ચૂંટણીસમિતિના અઘ્યક્ષપદે આગળ કરવામાં આવ્યા છે. અડવાણીનું ત્રાગું બ્રહ્માસ્ત્રને બદલે બૂમરેન્ગ સાબીત થતાં પક્ષની અંદર તેમનો રસ્તો સાફ થઇ ગયો છે. બીજા ભાજપી નેતાઓ, કમ સે કમ અત્યારે તો ‘મોદીનો કોઇ વિકલ્પ નથી’ એવું માનતા લાગે છે. એ જોતાં નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર થાય એ નક્કી લાગે છે.

વાસ્તિકતાનાં પારખાં

મુખ્ય મંત્રી મોદીને વડાપ્રધાનપદના શ્રેષ્ઠ ઉમેદવાર અને દેશના ઉદ્ધારક તરીકે રજૂ કરવાનાં ઉદ્યોગ અને ઉદ્યમ મોટા પાયે આરંભાઇ ચૂક્યાં છે. તેમના ભક્તોથી માંડીને પેઇડ પ્રચારકો ટીવી- પ્રિન્ટ અને ઇન્ટરનેટ એમ ત્રણે લોકમાં ગાઇવગાડીને કહે છે કે મોદી ઉત્તમ શાસક છે અને ગુજરાતનો વિકાસ તેમના સુશાસનનો ઉત્તમ નમૂનો છે. માટે દેશના હિતમાં એ જ વડાપ્રધાન બનવા જોઇએ.

તેમના ટીકાકારો અગિયાર વર્ષ પહેલાંની કોમી હિંસામાં તેમની સરકારની નિષ્ક્રિયતાને માફ કરી શક્યા નથી. મોદીભક્તો પ્રચાર કરે છે તેમ, મામલો ફક્ત ૧૧ વર્ષ પહેલાં બની ચૂકેલા એકમાત્ર ઘટનાક્રમનો નથી. ત્યાર પછી થવી જોઇતી ન્યાયપ્રક્રિયામાં રાજ્ય સરકારની ભૂમિકા સંદેહાસ્પદ રહી છે. સરકાર ન્યાય થાય એમ ઇચ્છતી હોય, એવું ભાગ્યે જ લાગ્યું છે. ત્યાર પછીના સમયગાળામાં થયેલાં બનાવટી એન્કાઉન્ટર, હરેન પંડ્યાની હત્યા જેવા અનેક મુદ્દે મુખ્ય મંત્રીની પાટી  કોરી ગણાતી નથી.

તેમ છતાં, મુખ્ય મંત્રીના ટેકેદારોનો નવેસરથી આગ્રહ છે કે જૂના જખમ ખોતરવાને બદલે, છેલ્લાં થોડાં વર્ષોમાં મુખ્ય મંત્રીએ પાર પાડેલાં વિકાસકાર્યો નજર સામે રાખવાં જોઇએ. તેમની દીર્ઘદૃષ્ટિ અને મહાન નેતાગીરીને બિરદાવવાં જોઇએ. જ્યાં સુધી ટીકાકારોની કોટે વળગેલું કોમી હિંસાનું ભૂત નહીં ઉતરે, ત્યાં સુધી તે મુખ્ય મંત્રી મોદીનું ‘વિરાટ સ્વરૂપ’ જોઇ નહીં શકે... વગેરે.

ભલે. થોડી વાર માટે મુખ્ય મંત્રી મોદીને કોમી હિંસા અને નકલી એન્કાઉન્ટર વિશેની ચર્ચાના મેદાનમાં ન લઇ જઇએ. કારણ કે એમ કરવાથી તેમની બીજી ઘણી સિદ્ધિઓને અન્યાય થાય છે, એવું તેમના સમર્થકો માને છે. એને બદલે, અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પહેલાં યોજાતી ચર્ચાની ઢબે, મુખ્ય મંત્રી મોદીનાં કોમી હિંસા-નકલી એન્કાઉન્ટર સિવાયનાં પાસાં તપાસી જોઇએ.

શરૂઆત આર્થિક બાબતોમાં તેમના વલણથી કરીએ. કારણ કે યુપીએની સરકાર સામે અત્યારે સૌથી મોટી સમસ્યા દેશના અર્થતંત્રને સ્થિર ગતિએ આગળ ધપાવવાની અને ખાઇમાં ધસતું અટકાવવાની છે. અર્થતંત્રને કાબૂમાં રાખવાનાં પગલાંમાં એક હતુંઃ ડીઝલના ભાવ પરનો સરકારી અંકુશ દૂર કરવો. યુપીએ સરકારે માંડ માંડ મરતાં મરતાં આ પગલું લીઘું. ત્યાર પહેલાં પેટ્રોલના ભાવ પરનો સરકારી અંકુશ સત્તાવાર રીતે દૂર થઇ ચૂક્યો છે. છતાં હજુ પણ બિનસત્તાવાર રીતે સરકારની ઇચ્છા વિના ઓઇલ કંપનીઓ ભાવ વધારતી નથી.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં બહારનાં પરિબળોના આધારે વધઘટ થતી રહે તો સરકારને ફાળવવી પડતી અબજો રૂપિયાની સબસીડીની રકમ બચે. પરંતુ નેતાઓ વિપક્ષમાં હોય ત્યારે આવી બાબતો વિશે ભાગ્યે જ વિચાર કરતા હોય છે. એ વખતે તેમનું મુખ્ય ઘ્યેય શક્ય એટલા મુદ્દે સરકારવિરોધી લાગણી ઉભી કરવાનું અને તેને હવા આપવાનું હોય છે. મોદી પણ એ જ માળાનો મણકો પુરવાર થયા છે. તે ડીઝલના ભાવવધારાનો વિરોધ કરી ચૂક્યા છે. (કારણ કે તેનાથી લોકલાગણીની સાથે રહી શકાય છે.)

ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણના એમઓયુના મસમોટા આંકડા આપીને છાકા પાડવા પ્રયત્નશીલ નરેન્દ્ર મોદી મલ્ટીબ્રાન્ડ રીટેલમાં સીધા વિદેશી મૂડીરોકાણનો વિરોધ કરે છે. કારણ કે આ બઘું ‘ઇટાલિયન વેપારીઓના લાભાર્થે’ હોવાનું તે માને છે. ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ (૧૨-૬-૧૩)માં મિહિર શર્મા લખે છે, ‘ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ કરવાનું શક્ય છે અને જરૂરી પણ છે. તેનાથી દેશના અર્થતંત્રને બે પર્સન્ટેજ પોઇન્ટનો ફાયદો થાય એમ છે. મોટા ભાગનાં ભાજપશાસિત રાજ્યો પણ એ માટે તૈયાર છે. છતાં મોદી એમાં નન્નો ભણે છે...(સબસીડી રાજમાંથી અર્થતંત્રને બહાર કાઢવાનું અનિવાર્ય છે, પણ) મોદી ખેડૂતો માટે લોનમાં ૧૦૦ ટકા રાહત અને વીજળીના બિલમાં ૫૦ ટકા રાહતની જાહેરાત કરે છે.’ મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજનાને કોંગ્રેસ હુકમના એક્કા જેવી ગણીને તેમાં થતા નાણાંના વેડફાટ અંગે આંખ આડા કાન કરે તે સમજી શકાય એવું છે, પણ મોદી આ અંગે શું વિચારે છે? તેમણે વિરોધ તો બાજુએ રહ્યો, આ યોજના અંતર્ગત ગુજરાતમાં રોજની મજૂરીનો દર રૂ.૧૩૪માંથી રૂ.૧૪૭ કરાવ્યો છે.

મુખ્ય મંત્રી પાસે ચબરાકીયાં સૂત્રો-શબ્દપ્રયોગોની ખોટ નથી. ચીન સાથે સ્પર્ધા માટે તેમનું સૂત્ર છે : ‘સ્કીલ, સ્કેલ, સ્પીડ.’ આ મહાન સૂત્ર કેવી રીતે અમલમાં મૂકી શકાય? મુખ્ય મંત્રી કહે છે, ‘આખા ચીનની ચર્ચા ક્યાંય થતી નથી. એ લોકો ફક્ત શાંઘાઇ જ દેખાડે છે. એવી રીતે આપણે પણ શક્તિપ્રદર્શન તરીકે કંઇક કરવું જોઇએ. અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ બુલેટ ટ્રેન શરૂ કરવાથી દુનિયાને આપણી શક્તિનું ભાન થશે.’

આવી ડાયલોગબાજી પર તાળીઓ પાડનારાને ચીનના શેનઝેન જેવા તોતિંગ ઔદ્યોગિક વિસ્તારો યાદ નથી આવતા અને એ પણ યાદ રહેતું નથી કે ચીન શાંઘાઇની ઝાકઝમાળથી નહીં, પણ લશ્કરી દાદાગીરી-ટેકનોલોજીની તાકાતના જોરે દુનિયાને ડારે છે. મુખ્ય મંત્રી વાતો ચીનના સ્કેલની કરે છે અને એ લાગુ પૂતળાને પાડે છે. છવાઇ જવા માટે તેમને ‘ઇસરો’ની અવકાશી સિદ્ધિઓ કરતાં વિશ્વનું ઊંચામાં ઊંચું પૂતળું વધારે ખપનું લાગે છે. તેમની આ પ્રકારની વિચારસરણી-કાર્યપદ્ધતિને  ગવર્નન્સનું ‘ડીઝનીલેન્ડ મોડેલ’ કહી શકાય.

તત્કાળ તાળી ઉઘરાવે એવા સંવાદો એ પૂરી છટાથી બોલી શકે છે, પણ એ આવડત તેમને ગુજરાતી નાટકોમાં અભિનય-કારકિર્દી માટે થોડીઘણી કામ લાગે. દેશનું શાસન ચલાવવું હોય તો એનાથી ઘણું આગળ જવું પડે. પરંતુ રસ્તા અને ફ્‌લાયઓવર, બીઆરટી અને મેટ્રો, લેકફ્રન્ટ અને રીવરફ્રન્ટ જેવા ‘વિકાસ’થી તથા વાઇબ્રન્ટથી પશુમેળા સુધીના તમામ કાર્યક્રમોમાં મુખ્ય મંત્રીની મોટી તસવીરોથી લોકો અંજાયેલા રહેતા હોય તો બીજું કંઇ કરવાની શી જરૂર?

નક્સલવાદના મુદ્દે તે ‘ઝીરો ટોલરન્સ પોલિસી’ની વાત કરે છે. એ ચિદમ્બરમના નામે ચડેલા ‘ઓપરેશન ગ્રીન હન્ટ’ના પ્રસ્તાવ કરતાં કેવી રીતે જુદી હશે, એ તો એ જ જાણે. આર્થિક નીતિના મામલે કોંગ્રેસ અને મોદી વચ્ચે ભાગ્યે જ કશો ફરક હશે. મળતિયાઓને ફાયદો કરાવનારા મૂડીવાદ (ક્રોની કેપિટાલિઝમ)ના આરોપ પણ બન્ને પર થયા છે. યુપીએ સરકારને ડૂબાડનારું એક મોટું પરિબળ ભ્રષ્ટાચાર છે. તો એમાં મોદીની મથરાવટી ક્યાં ચોખ્ખી દેખાઇ છે? અન્ના આંદોલન યુપીએ સરકારના વિરોધની હવા જમાવી રહ્યું હતું ત્યારે અન્નાને પત્ર લખવાનું તિકડમ કરનાર મોદી ઘરઆંગણે લોકાયુક્તની નિમણૂંકની વાત આવે ત્યારે શિંયાવિંયા થઇને કેવા છટકબારીઓ અને વિલંબનીતિનો આશરો લેવા માંડે છે, એ ખુલ્લી આંખો ધરાવતા સૌએ જોયું જ છે.

તેમની સરકાર પર થયેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપ અંગે મોદીનું વલણ કેવું રહ્યું છે? જે ‘કેગ’ના આંકડાના જોરે કેન્દ્ર સરકાર સામે તે ઉછળી ઉછળીને આરોપો કરતા હતા, એ જ ‘કેગ’ની રાજ્ય શાખાએ ગુજરાત સરકારની કુંડળી કાઢી, ત્યારે તેનો અહેવાલ વિધાનસભામાં છેક છેલ્લા દિવસે મુકીને મુખ્ય મંત્રીએ પોતાની દાનતનો ખ્યાલ આપી દીધો. લોકશાહી સંસ્થાઓ માટેનો તેમનો અનાદર જાહેર છે. ગુજરાતના શિક્ષણમાં વિદ્યાસહાયકોના રૂપાળા નામે સરકારી શોષણની પરંપરા શરૂ કરીને અને સરકારી શાળાઓને રેઢી મૂકીને બંધ થવાના રસ્તે ધકેલીને તેમની સરકારે ગુજરાતના શિક્ષણનું અને વિદ્યાર્થીઓનું ભારે અહિત કર્યું છે. શિક્ષણના ખાનગીકરણના નામે બેફામ વ્યાપારીકરણને છૂટો દોર મળી ગયો હોવાથી મઘ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ-વાલીઓની મુસીબતનો પાર નથી...

યુપીએના કુશાસનમાંથી દેશનો ઉદ્ધાર આ મહાપુરૂષ કરશે?  શાંતિથી વિચારી જોજો. 

Monday, June 17, 2013

‘રેનબેક્સી’ની રહસ્યકથા (૩) : નફાખોરીથી ગુનાખોરી સુધી

બજારમાં ફટાફટ પોતાનો માલ વેચાતો થઇ જાય, એ માટે ‘રેનબેક્સી’/Ranbaxyએ અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ/FDA સમક્ષ ઘણું જૂઠાણું ચલાવ્યું. ખોટા રીપોર્ટ રજૂ કર્યા. ગુણવત્તામાં ઘાલમેલ કરી. તપાસ અધિકારીઓને ઊઠાં ભણાવ્યાં. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને અંધારામાં રાખ્યો. છેવટે, અમેરિકાની અદાલતમાં કેસ ચાલ્યો. દેર તો થઇ. થોડું અંધેર પણ ચાલ્યું હોય એમ લાગ્યું. કારણ કે ગયા મહિને કંપનીએ ૫૦ કરોડ ડોલર ભરીને સિવિલ અને ફોજદારી એમ બન્ને પ્રકારના ગુનામાંથી છૂટકારો મેળવી લીધો. એક જ વર્ષમાં ફક્ત અમેરિકામાં ૧૦૦ કરોડ ડોલરનો ધંધો કરી નાખતી કંપનીનાં વર્ષોનાં ‘પાપ’ માટે ૫૦ કરોડ ડોલરનો દંડ ઓછો જ ગણાય- ખાસ કરીને કંપનીના એક પણ જવાબદાર માણસ સામે ફોજદારી કાર્યવાહી ન થઇ હોય ત્યારે.

‘રેનબેક્સી’ અમેરિકામાં ઝડપાઇ, પણ વિશ્વના દોઢસો દેશમાં દવાઓનું સામ્રાજ્ય ધરાવતી આ કંપની સામે બીજા દેશોમાં કશી કાર્યવાહી થઇ હોય એવું જણાતું નથી. ભારતમાં મુંબઇની ‘જસલોક હોસ્પિટલ’ દ્વારા ડોક્ટરોને ‘રેનબેક્સી’ની દવાઓ ન વાપરવાની સલાહ અપાઇ હોવાના અહેવાલ મળ્યા હતા. એવી જ રીતે, ભારતના સૌથી મોટા દવાઓના ચેઇન સ્ટોર ‘એપોલો’માં થોડા દિવસ માટે ‘રેનબેક્સી’ની દવાઓનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ‘રેનબેક્સી’ તરફથી ખાતરી મળ્યા પછી ફરી વેચાણ શરૂ થઇ ગયાના અહેવાલ છે.

વર્ષ ૨૦૦૮માં ‘રેનબેક્સી’ના ભારતીય માલિકો પાસેથી જાપાની કંપની ‘દાઇચી સાન્ક્યો’એ કંપનીનો મોટો હિસ્સો ખરીદી ૪.૨ અબજ ડોલરની કિંમતે ખરીદી લીધો. ત્યાર પછી કંપનીના ગોરખધંધા માટે જાપાની કંપની જૂના માલિકો ભણી આંગળી ચીંધે છે ને જૂના માલિકો જાપાની કંપની ભણી. હકીકત એ પણ છે કે ૨૦૧૨માં ‘રેનબેક્સી’ની અમેરિકાના બજારમાં વેચાયેલી દવામાંથી કાચના ટુકડા નીકળ્યા, ત્યારે  બધો કારભાર જાપાની કંપનીને હસ્તક હતો. એટલે જાપાની કંપની તરફથી અત્યારે અપાતી ગુણવત્તાની ખાતરી-બાંહેધરી કેટલી વિશ્વસનીય કહેવાય એ સવાલ છે. અમેરિકાનું ફુડ એન્ડ ડ્રગ્સ ખાતું કંપનીઓએ રજૂ કરેલા અહેવાલ અને આંકડા પર વિશ્વાસ મૂકવાની ભૂલ વારંવાર કરી ચૂક્યું છે.

અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે છેક ૨૦૦૮માં ‘રેનબેક્સી’ના બે પ્લાન્ટની તપાસ પછી ત્યાં બનેલી દવાઓ અને દવાઓમાં વપરાતી સામગ્રીની અમેરિકામાં આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હિમાચલ પ્રદેશમાં આવેલા પાંવટાસાહેબ પ્લાન્ટ અને મઘ્ય પ્રદેશમાં આવેલા દેવાસ પ્લાન્ટ સામેના આવા કડક પગલાને કારણે, અમેરિકામાં મંજૂરી ધરાવતી હોવા છતાં, ‘રેનબેક્સી’ની ત્રીસ દવાઓના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકાયો. આ બધો સમય ભારત સરકારના સંબંધિત વિભાગો આંખ આડા કાન કરતા રહ્યા. ભારતમાં આ બન્ને ફેક્ટરી ચાલુ હોય, પણ માલ અગાઉની જેમ અમેરિકા જતો ન હોય, ત્યારે એ માલ ક્યાં- કયા બજારમાં જાય છે અને તેની ગુણવત્તા અમેરિકાને કેમ વાંધાજનક લાગી, એવી કશી તપાસ કરવાની જરૂર ભારતના આરોગ્યખાતાને જણાઇ નહીં. અમેરિકાની અદાલતમાં ‘રેનબેક્સી’એ ગુનો કબૂલી લીધા પછી પણ ભારતના આરોગ્યસચિવ અદાલતી ચુકાદાના ઝીણવટપૂર્વક અભ્યાસની વાત કરતા હતા. હવે મોડે મોડેથી ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલે ‘રેનબેક્સી’ના દેવાસ અને પાંવટા સાહેબ પ્લાન્ટની તપાસ કરવાનું ઠરાવ્યું અને કંપનીને એ મતલબની જાણ કરી. ભારતની સર્વોચ્ચ અદાલતમાં ‘રેનબેક્સી’ની દવાઓ પર પ્રતિબંધ મૂકવા માટે જાહેર હિતની એક અરજી દાખલ થઇ છે, પણ અદાલતે અરજદાર વકીલને તતડાવીને પુરતા પુરાવા રજૂ કરવા કહ્યું છે.

‘રેનબેક્સી’ના કેસમાં ઢીલાશ અંગે અમેરિકાના સરકારી તંત્રની ભૂમિકા પણ વખાણવા જેવી રહી નથી. ૨૦૦૫માં ‘રેનબેક્સી’નાં ભોપાળાં જાણ્યા પછી અને કંપની દ્વારા પોર્નોગ્રાફિક વેબસાઇટ જોવાના વાહિયાત આરોપ મુકાયા પછી, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગમાં કામ કરતા દિનેશ ઠાકુરે ‘રેનબેક્સી’ની નોકરી છોડી. પરંતુ પોતાની અને પરિવારની સલામતી માટે તેમને ખાનગી સુરક્ષા રાખવાનું જરૂરી લાગ્યું. નોકરી છોડ્યા પછી ચારેક મહિના સુધી દિનેશ ઠાકુર ચૂપ બેસી રહ્યા. પણ પછી તેમને પોતાનું મૌન અકારું લાગવા માંડ્યું. તેમને લાગ્યું કે સેંકડો લોકોના આરોગ્યનો સવાલ હોય ત્યારે આ રીતે ચૂપ રહી શકાય નહીં.

આખરે તેમણે ‘યાહુ’ મેઇલ સર્વિસમાં ભળતા નામે એક મેઇલ એકાઉન્ટ ખોલ્યું અને તેમાંથી અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સંબંધિત અધિકારીઓને ‘રેનબેક્સી’નાં કરતૂતોની વિશે જાણ કરી. શરૂઆતમાં તેમણે પોતાની ઓળખ કંપનીના સંશોધક તરીકેની આપી અને સચ્ચાઇ છતી ન થઇ જાય એ માટે ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં રજૂઆતો કરી. પરંતુ તેનો ક્યાંયથી જવાબ મળ્યો નહીં. આ રીતે ઉપરછલ્લા, ખોટા નામવાળા ઇ-મેઇલથી કામ નહીં સરે એવું લાગતાં, તેમણે નામજોગ અને વિગતોજોગ અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનરને લખ્યું કે ‘રેનબેક્સી યોગ્ય ચકાસણી કર્યા વગરની, બનાવટી અને બિનઅસરકારક દવાઓ વેચે છે.’

ઠાકુરને હતું કે તેમની રજૂઆતથી સરકારી તંત્ર કામે લાગી જશે અને પોતાને એક હદથી વઘુ સામેલ થવું નહીં પડે. પણ એ શક્ય બન્યું નહીં. કઠણાઇ એવી થઇ કે ઠાકુરે ફોન પર ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી, એના દસ જ દિવસ પછી ‘રેનબેક્સી’ની વઘુ એક દવાને અમેરિકામાં વેચાણની મંજૂરી આપવામાં આવી. ઠાકુરે આ બાબતે આઘાત વ્યક્ત કરતાં તેમને જણાવવામાં આવ્યું કે આ દવાની મંજૂરીપ્રક્રિયા ઠાકુરની રજૂઆત પહેલાં પૂરી થઇ ચૂકી હતી. એટલે કોઇ નક્કર કારણ કે આધાર વિના તેની મંજૂરી રદ કરી શકાય એમ ન હતી.

અમેરિકાની સરકારી તપાસની કથા લાંબી છે, પણ ટૂંકી વાત એટલી કે છેક ૨૦૦૫માં શરૂ થયેલો ‘રેનબેક્સી’ની તપાસનો સિલસિલો લાંબો ચાલ્યો. બે વર્ષ પછી દિનેશ ઠાકુર આવા કેસમાં ‘વ્હીસલ બ્લોઅર’ને મદદ કરતી એક સંસ્થાના પરિચયમાં આવ્યા. ત્યાર પછી છાનાછપના વિગતો આપવાને બદલે તે સત્તાવાર ધોરણે ‘વ્હીસલ બ્લોઅર બન્યા’ અને સરકાર જે રકમ વસૂલ કરે તેના લગભગ ત્રીજા ભાગ જેટલી રકમ મેળવવાના હકદાર પણ બન્યા. ‘રેનબેક્સી’ની ગેરરીતિના પુરાવા મળવા છતાં, તેનાં તમામ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનું પગલું અમેરિકામાં કદી ન લેવાયું. ભારતના બે પ્લાન્ટમાં બનેલી દવાઓ ગુણવત્તાની રીતે અયોગ્ય જણાઇ, ત્યારે અમેરિકાએ એ પ્લાન્ટમાંથી આયાત પર પ્રતિબંધ મૂક્યો, પણ એ જ પ્લાન્ટમાં બનેલી અને અમેરિકાનાં બજારમાં ખડકાઇ ચૂકેલી દવાઓ પાછી ખેંચવાનું પગલું ન લીઘું.

‘રેનબેક્સી’ પ્રકરણમાંથી ઉઠતા સવાલો તો અનેક છેઃ કંપનીના ભૂતપૂર્વ માલિક મલવિન્દરસિંઘ સહિતના જવાબદાર લોકો વિશે ‘ફોર્ચ્યુન’ સામયિકના અહેવાલમાં નામજોગ આરોપ મુકવામાં આવ્યા છે. પરંતુ આ લોકોએ આરોપોને રદિયો આપવા સિવાય બીજું  કોઇ પગલું ભર્યું નથી. અહેવાલ પ્રગટ કરનાર સામયિક સામે તેમણે કાયદેસર કાર્યવાહીની કે બદનક્ષીની નોટિસ મોકલી હોય, એવું જાણવા મળતું નથી. ‘રેનબેક્સી’ દ્વારા અપાયેલી ખાતરીઓ કે તેના દ્વારા થતા દાવા કેટલા સાચા માનવા, એ પણ મોટો સવાલ છે.

ફક્ત ‘રેનબેક્સી’ જ શા માટે, તેના જેવી આંતરરાષ્ટ્રિય કંપની નફાખોરી ખાતર આવા ગુનાઇત ગોરખધંધા કરતી હોય ત્યારે દવા બનાવતી બાકીની કંપનીઓ પ્રત્યે સંશય જાગે એ પણ સ્વાભાવિક છે. દવાઓનાં યોગ્ય પરીક્ષણ કર્યા વિના તેનાં અગાઉથી નક્કી થયેલાં પરિણામ લખી પાડવામાં આવે, એવા કિસ્સા બીજી કંપનીઓમાં નહીં બનતા હોય, એવું શી રીતે માની લેવાય? ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા ‘રેનબેક્સી’ના દાખલામાંથી ધડો લઇને, મોટી કંપનીઓ પર આડેધડ ભરોસો મૂકવાનું બંધ કરશે?

 જીભે ઉગતા જવાબ આપવા જેવા નથી ને મનમાં ઉગતી આશાઓ ફળે એવી લાગતી નથી.

(નોંધઃ ત્રણ હપ્તાની આ લેખમાળાનો મુખ્ય આધાર ‘ફોર્ચ્યુન’ સામયિકમાં પ્રગટ થયેલો કેથરીન ઇબનનો લેખ છે. આશરે ૯૮૦૦ શબ્દોના આ લેખનું મથાળું છેઃ ડર્ટી મેડિસીન.)

Wednesday, June 12, 2013

જકડાયેલી ડોકઃ મુડ મુડકે ના દેખ...

‘હૈ ઔર ભી ગમ ઝમાનેમેં મુહબ્બતકે સિવા’- એવું શાયરે કહ્યું ત્યારે તેમને કદાચ અંદાજ પણ નહીં હોય કે તેમણે કેટલું મોટું અને સર્વવ્યાપી સત્ય ઉચ્ચાર્યું છે.

કવિઓ-શાયરો માનસિક- અને મોટે ભાગે કાલ્પનિક-  દુઃખોની વાત બહુ કરે છે, પણ નક્કર-શારીરિક દુઃખો વિશે તેમને ભાગ્યે જ કંઇ કહેવાનું હોય છે. કોઇ કવિએ આર્થરાઇટિસના કે ઢાંકણીના દર્દ વિશે ગઝલ ફટકારી? હાઇ બ્લડપ્રેશર વિશે હાઇકુ લખ્યાં? એન્જિઓપ્લાસ્ટી વિશે અછાંદસ કવિતા લખી? સિત્તેર-એંસી વર્ષે એ લોકો આશુકમાશુકની વાતો લખે એને તેમનો શાયરાના વિશેષાધિકાર ગણી લઇએ. પણ એ ઉંમરે થતી વાસ્તવિક અનુભૂતિઓનું શું? ઝામર કે થાપાનું હાડકું ભાંગવા વિશે કે લાકડી લઇને ચાલવા વિશે કેમ કંઇ લખાતું નહીં હોય? (નમૂનોઃ ‘ઝામરની આંખે તને જોઉં ને ભડકું છું,  તું મને આ જગત જેવી ઘૂંધળી દેખાય છે’)

શારીરિક તકલીફો માટે બધો વખત વૃદ્ધાવસ્થાની રાહ જોવાની પણ જરૂર હોતી નથી. કેટલાંક દર્દ કાળઝાળ યુવાનીની પરવા કર્યા વિના તેમનો પરચો બતાવે છે. જેમ કે, ગરદનનો દુઃખાવો ઉર્ફે ડોકી ઝલાઇ જવી. એ વયનિરપેક્ષ દર્દ છે. તેની અસરો કામચલાઉ હોય છે, પણ એનો ભોગ બનનારને દર્દ નહીં, જિંદગી કામચલાઉ લાગવા માંડે છે.

ડોકીનો દુઃખાવો મહારોગોની જેમ ધીમા પગલે ને મલપતી ચાલે આવતો નથી. તે આકસ્મિક આવતા ચેકિંગ કે ઇન્સ્પેક્શનની માફક, અચાનક ટપકી પડે છે અને ભોગ બનનારને, ઘણુંખરૂં તો શબ્દાર્થમાં, ઉંઘતા ઝડપે છે. સુવામાં કે પાસું બદલતી વખતે એકાદ સંવેદનશીલ નસ દબાઇ જાય ત્યારે ખબર પડતી નથી. કારણ કે પ્રેમની જેમ ઉંઘમાં પણ માણસની આંખો મીંચાયેલી અને મગજ સુષુપ્ત હોય છે. પરંતુ આંખ ખુલ્યા પછી પહેલી વાર ડોક સામાન્ય અંદાજમાં ફેરવતી વખતે જોરદાર હાયકારો નીકળી જાય છે અને ‘અરર, મને આ શું થઇ ગયું?’- એવું લાગે છે. જાણીતી વાર્તા ‘મેટામોર્ફોસિસ’ની માફક સાવ જંતુ ભલે ન બની જવાય, પણ ‘આ ડોક મારી જ છે?’ અને ‘જો આ જ ડોક મારી છે, તો હું કોણ છું?’ એવા અસ્તિત્ત્વવાદી સવાલ નવલકથાના નાયક-નાયિકાઓને જાગી શકે છે.

વ્યવહારમાં ડોકી જકડાઇ જાય ત્યારે સૌથી પહેલાં ફિલસૂફી નહીં, અમંગળ કલ્પનાઓ મનમાં જાગે છે. સૌથી પહેલાં એવો ડર લાગે છે કે ‘આ ડોકી કદી રીપેર નહીં થાય કે શું?’ કાટખૂણે જોવા માટે કેવળ ડોકી ધુમાવવાને બદલે આખું ધડ ૯૦ અંશના ખૂણે ફેરવવું પડે, એ સ્થિતિ બહુ શોભાસ્પદ કે સગવડદાયક હોતી નથી. દિલમાં જે ક્યારેક હોય છે એ દર્દ કાયમી રહી જાય તો પેગંબરી મળે એવી ‘મરીઝ’ની કલ્પના હતી, પણ આ સ્કીમ ડોકીના દર્દના લાગુ પડતી નથી. પેગંબરીના લાભ વગરનું ડોકીનું દર્દ વધારે અકારું હોય છે. ડોક અક્કડ રાખીને ફરવાથી પેગંબરી તો દૂર રહી, અભિમાનીમાં ખપી જવાની સંભાવના રહે છે. ડોક ડાબે કે જમણે વાળવા માટે આખું શરીર એ તરફ વાળવું પડે, ત્યારે એવું લાગે છે જાણે ડોક સુકાન અને શરીર ‘ટાઇટેનિક’ હોય. તેને ઝડપથી આમથી તેમ વાળી શકવાનું અઘરૂં લાગે છે. ‘રામસે બ્રધર્સ’ પ્રકારની હિંદી હોરર ફિલ્મોમાં બિહામણું પાત્ર જે રીતે ધીમેથી ડોકી ફેરવીને પોતાના ભૂતસ્વરૂપનું પ્રત્યક્ષ નિદર્શન આપે, એવા અંદાજમાં ડોકી ફેરવવી પડે છે. એટલે જીવતાંજીવ ભૂત જેવો અહેસાસ થાય છે.  

ડોકીનું દર્દ કંઇ બ્લડપ્રેશર-ડાયાબિટીસ નથી કે તેને માપીને  આંકડાની રીતે તેની ગંભીરતાનો તાગ મેળવી શકાય. આત્માની જેમ ડોકીના દર્દના અસ્તિત્ત્વને ભૌતિક સ્વરૂપે પામવાનું અશક્ય છે. એક્સ-રે જેને પકડી શકતો નથી, સ્ટેથોસ્કોપ જેને મહેસુસ કરી શકતું નથી, ઇન્જેક્શન જેને મટાડી શકતું નથી ને લેસર જેને બાળી શકતું નથી, એવું ડોકીનું દર્દ અમર નથી એટલો તેનો ઉપકાર છે. ‘છુપતે નહીં હો સામને આતે નહીં હો તુમ, જલવા દિખાકર જલવા દિખાતે નહીં હો તુમ’ - એવી પંક્તિ ઇશ્વરને બદલે ડોકીના દર્દ માટે લખાઇ હોય એવી પાકી શંકા જાય છે. કારણ કે એ પણ બ્રહ્મજ્ઞાનની જેમ સ્વાનુભૂતિનો વિષય છે.

જ્ઞાનીઓ કહી ગયા છે કે મોક્ષની, બ્રહ્મજ્ઞાનની કે ડોકીના દર્દની અનુભૂતિ કોઇને કરાવી શકાતી નથી. એનો અહેસાસ દરેકે પોતે કરવો પડે છે અને તેને દૂર કરવાના પ્રયાસ પણ જાતે જ કરવા પડે છે. પરંતુ જ્ઞાનની એ અવસ્થા સુધી પહોંચતાં પહેલાં, અજ્ઞાનની જેમ ડોકીનું દર્દ દૂર કરવા માટે પણ લોકો અનેક બાહ્ય સાધનોનું આલંબન લે છે. ડોકીના દર્દમાં સૌથી પહેલી કરૂણતા તેના સ્વીકારના તબક્કે આવે છે.  ભોગ બનનાર પોતે સૌથી પહેલાં તો ડોકી ઝલાઇ ગઇ છે એવું સ્વીકારી શકતો નથી. ભારતીય શાસકો ચીનની ધૂસણખોરી પ્રત્યે દાખવે છે એવું વલણ દાખવતાં એ વિચારે છે,‘એ તો ઉંઘીને ઉઠ્યા પછી સહેજ એવું લાગે. હમણાં ચા-પાણી કરીશું ત્યાં સુધીમાં બઘું ઠીક થઇ જશે.’ પરંતુ ચા પણ પીવાઇ જાય ને નાહી-પરવારીને કામે જવાનો સમય થાય ત્યાં સુધી, ભારતીય સરહદમાં ચીને બાંધેલા રોડની જેમ, ડોકીનું દર્દ અડીખમ રહે છે.

ત્યાર પછીનો તબક્કો સ્વીકાર અને ચિંતાનો આવે છે. પોતે જેને મામૂલી માનીને ગણકાર્યું ન હતું એના વિશે બીજાને જાણ કયા મોઢે કરવી? અને એની ગંભીરતા તેમને શી રીતે સમજાવવી? બીજા પણ એવું જ નહીં કહે કે ‘એ તો હમણાં બઘું ઠીક થઇ જશે, ભલા માણસ. આટલી અમથી વાતમાં રોદણાં શું રડો છો?’ રામબાણની જેમ ડોકીના આંચકા વાગ્યા હોય એ જ જાણે. કોઇને કહેવા જતાં ઉલટું ઠપકો સાંભળવાનો વારો આવે કે ‘આપણા શહીદો પોતાની ડોકે ફાંસીના ગાળિયા લગાડ્યા પછી પણ હસતા હતા ને તમે જરાક અમથા દુઃખાવામાં બૂમો પાડો છો.’ ભોગ બનનારના મોઢે શબ્દો આવી જાય છે કે ‘ફાંસી ખમાય, પણ દુઃખાવો સહન થતો નથી.’ પરંતુ શહીદો પ્રત્યેના માન અને ફાંસી ખમવાની પોતાની અક્ષમતા ઘ્યાનમાં રાખીને એ બોલવાનું ટાળે છે.

દર્દ જાહેર થયા પછી ઘરમાંથી સેવાસુશ્રુષાના પ્રસ્તાવ આવે છે. ‘તમારું ગળું કદી દુઃખતું નથી?’- એ રમૂજ સાકાર થવાનો આ દિવસ હોવાથી પ્રસ્તાવ સ્વીકારવામાં સાવધાની રાખવી હિતાવહ છે. પણ માણસ દુઃખાવાથી એટલું ત્રાસી ગયેલું હોય છે કે ‘કોઇ અમુક ચોક્કસ જગ્યાએ દબાવી આપે તો હમણાં મટી જાય’ એવો ભ્રમ તેના મનમાં જાગે છે. જોતજોતામાં જાતે ઊભા કરેલા ભ્રમને એ પોતે જ સાચો ઇલાજ માની બેસે છે. પરંતુ ‘ડોક-સેવા’ શરૂ થયા પછી સમજાય છે કે ખરેખર ડોકનો કયો વિસ્તાર અશાંતિગ્રસ્ત છે, એ નક્કી કરવું અઘરૂં છે.   ‘ડોક-સેવક’ની સ્થિતિ નક્સલવાદ સામેની લડાઇમાં ભરતી થયેલા ભાડૂતી સૈનિક જેવી થાય છેઃ ઘડીમાં તેને એક જગ્યાએ મોકલવામાં આવે છે, તો ઘડીમાં બીજી જગ્યાએ. ક્યારેક લાગે છે કે ડોકના ચોક્કસ બિંદુ પર દબાવવાથી સારું લાગશે, તો બીજી ક્ષણે લાગે છે, ‘ના, એના કરતાં પીઠ પરના અમુક પોઇન્ટ પર દબાવો, તો કદાચ મટી જશે.’ ત્યાં દબાણ આપતાં સમજાય છે કે ‘આ પણ ઠીક નથી. એક કામ કરો. કમરના અમુક ભાગમાં કે પીઠની વચ્ચોવચ્ચે કરોડરજ્જુની આસપાસ અમુક જગ્યાએ દબાણ આપી જુઓ. કદાચ ત્યાંથી જ દુઃખાવો પેદા થાય છે.’

ડોકનું દર્દ ગામલોકોની જોડે ભળી ગયેલા આતંકવાદીઓની જેમ, બીજાં અંગો સાથે એવું હળીભળી ગયું હોય છે કે તેને અલગ પાડવાનું અઘરૂં લાગે છે. પીઠ અને ડોકના વિસ્તારનું વિગતવાર ‘કોમ્બિંગ ઓપરેશન’ કરવા છતાં ડોકના દર્દનો અસલી મુકામ જડતો નથી. એટલે દબાવનાર હિંમત હારીને કામ પડતું મૂકે છે. પોતાનાં દળો નિષ્ફળ જાય એટલે તેમનો વડો મેદાનમાં ઉતરે એવા અંદાજથી, દર્દગ્રસ્ત માણસ પોતે વિચારે છે, ‘રહેવા દો. એ તમારા બધાથી નહીં થાય. હવે હું જાતે જ એને શોધીને નાબૂદ કરીશ.’ આ ‘ઓપરેશન’ માટે તે ડોક અને પીઠ નીચે અમુક રીતે ઓશિકું મૂકીને દર્દને કાબૂમાં આણવાનો પ્રયાસ કરે છે.  આરામખુરશીમાં અમુક ભાગ દબાય એ રીતે બેસવાનો પ્રયાસ કરી જુએ છે.પરંતુ તેમાં જૂનો દુઃખાવો મટવાને બદલે બીજી નવી જગ્યાએ દુઃખાવો ઊભો થવાની બીક લાગે છે. દુઃખાવો દૂર કરવાની યોજના સરકારી હોય તો આ તેનો આદર્શ ઉકેલ ગણાયઃ જૂનો દુઃખાવો ઠેરનો ઠેર રહે અને બધાનું ઘ્યાન નવા દુઃખાવા તરફ કેન્દ્રિત થઇ જાય, એટલે તત્પૂરતો જૂનો દુઃખાવો ભૂલાઇ જાય. પરંતુ મામલો પોતાના શરીરનો હોવાથી તેમાં ‘સરકારી’ અભિગમ રાખી શકાતો નથી.

બધા પ્રયાસ નિષ્ફળ ગયા પછી થાકીને સુઇ ગયેલો દર્દી બીજા દિવસે સવારે ઉઠે ત્યારે તેની ડોક બીજા લોકોની જેમ જ, સહેલાઇથી ફરતી જોઇને એને લાગે છે કે પોતાની ડોકી દુઃખવી એ વાસ્તવિકતા નહીં, પણ રાતે આવેલું ખરાબ સ્વપ્ન હશે. એટલે બીજા કોઇની ડોકી દુઃખવાની ફરિયાદ સાંભળીને એ કહે છે,‘એ તો હમણાં બઘું ઠીક થઇ જશે, ભલા માણસ. આટલી અમથી વાતમાં રોદણાં શું રડો છો?’

Tuesday, June 11, 2013

નક્સલવાદઃ સમજણ, પ્રતિકાર અને ઉકેલના પ્રશ્નો

માઓવાદના પર્યાય બની ચૂકેલા નક્સલવાદ વિશે વાત કરતી વખતે, વર્તમાન નક્સલવાદીઓને આંખ મીંચીને ‘પીડિતોના પ્રતિનિધિ’ તરીકે વધાવી શકાય નહીં શકાય નહીં. એવી જ રીતે, નક્સલવાદ વિશેની ચર્ચામાં બે જ પક્ષો (સરકાર વિરુદ્ધ નક્સલવાદીઓ-ગરીબો-પીડિતો) ધારી લેવાને બદલે, સ્થાનિક લોકોને સરકાર અને નક્સલવાદીઓથી અલગ એવા ત્રીજા પક્ષ તરીકે ગણવા પડે. ગયા સપ્તાહે શરૂ કરેલા આ મુદ્દા અંગે થોડી વઘુ વાત.

‘સાલ્વા જુડુમ’નો સરકારમાન્ય ત્રાસવાદ

મઘ્ય પ્રદેશના બસ્તર જિલ્લામાં નક્સલવાદીઓના ધામા એંસીના દાયકાથી હતા. વર્ષ ૨૦૦૦માં છત્તીસગઢનું અલગ રાજ્ય બન્યું ત્યારે બસ્તર નવા રાજ્યમાં ગયું. એ જ વર્ષે માઓવાદીઓએ ‘પીપલ્સ લીબરેશન ગુરીલા આર્મી’ની સ્થાપના કરી, જેમાં આગળ જતાં ‘પીપલ્સ વૉર ગુ્રપ’ જેવાં અગાઉનાં હિંસક જૂથ પણ ભળ્યાં. પરિસ્થિતિ વણસવાની આ શરૂઆત હતી. વર્ષ ૨૦૦૫માં છત્તીસગઢની ભાજપી સરકારે કોંગ્રેસી ધારાસભ્ય મહેન્દ્ર કર્માના સક્રિય પ્રયાસથી ‘સાલ્વા જુડુમ’ નામનું દળ સ્થાપ્યું. સ્થાનિક ગૌંડી બોલીમાં તેનો અર્થ ‘શાંતિકૂચ’ થતો હોવાનું કહેવાય છે, પણ તેનો વાસ્તવિક મતલબ અત્યંત લોહિયાળ નીકળ્યો.  રમણસિંઘની ભાજપી સરકારે ‘સાલ્વા જુડુમ’ને ‘માઓવાદી હિંસા સામે આદિવાસીઓનો સ્વયંભૂ પ્રતિકાર’ ગણાવ્યો.આ દાવો બિલકુલ ગળે ઉતરે એવો ન હતો.

‘સાલ્વા જુડુમ’માં આશરે ચારેક હજાર આદિવાસીઓની ભરતી કરવામાં આવી. તેમાં ભૂતપૂર્વ માઓવાદીઓ પણ ખરા. આ સૌના હાથમાં સરકાર બંદૂક પકડાવે, માસિક અઢી-ત્રણ હજાર રૂપિયા પગાર આપે અને સ્પેશ્યલ પોલીસ ઓફિસર (એસપીઓ) તરીકેની ઓળખ આપે. તેમનું મુખ્ય કામ? માઓવાદીઓને - અથવા તેમને જે માઓવાદી લાગે એને- ખતમ કરવા અને આખેઆખાં ગામનાં ગામ માઓવાદીઓથી ‘મુક્ત’ કરાવવાં. આટલી મોટી ‘જવાબદારી’ સાથે કામે લગાડાયેલા એસપીઓને લૂંટફાટ, હત્યા અને બળાત્કાર કરવાની ‘સત્તા’ અલગથી આપવાની હોય? ઘણા એસપીઓએ પોતાને મળેલા બંદૂકના જોરનો બેફામ ઉપયોગ કર્યો અને ઘાતકીપણામાં માઓવાદીઓને ક્યાંય ટપી ગયા. આ દળમાં પુખ્ત વયના ન હોય એવા કિશોરોની બિનધાસ્ત ભરતી કરતાં પણ સરકારને શરમ ન આવી.

‘સાલ્વા જુડુમ’ની કાર્યપદ્ધતિ કંઇક આવી હતીઃ ગામમાં જવું, ગામલોકોને (‘તેમની સલામતી માટે’) ઘર ખાલી કરીને સરકારે સ્થાપેલી છાવણીઓમાં જતા રહેવા કહેવું (જેથી એ ગામમાં માઓવાદીઓ ગામલોકોની ઓથે રહી ન શકે- તેમની મદદ મેળવી ન શકે), ગામ છોડવા માટે લોકોને થોડી મહોલત આપવી, ત્યાર પછી પણ ગામલોકો તેમનાં ઘર ખાલી ન કરે તો બળજબરીથી તેમને ઘરમાંથી હાંકી કાઢવાં, તોડફોડ મચાવવી. આ પ્રક્રિયામાં જે લોકો (મુખ્યત્વે આદિવાસીઓ) પોતાનાં ઘરબાર-ઢોરઢાંખર છોડીને જેલ જેવી સરકારી છાવણીને બદલે જંગલમાં નાસી જવાનું પસંદ કરે, તેમને માઓવાદી ગણી લેવા અને તક મળ્યે ઠાર કરવા, તેમની સ્ત્રીઓ પર અત્યાચાર ગુજારવા અને માઓવાદ સામે કડકાઇથી કામ લીધાનાં બણગાં ફૂંકવાં.

ટૂંકમાં, ‘સાલ્વા જુડુમ’ એટલે કોઇ જમીનદારનું કે ગુંડાનું નહીં, પણ લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારનું ખાનગી લશ્કર. તેને કોઇ નીતિનિયમ-કાયદાકાનૂન લાગુ ન પડે. તેમ છતાં તત્કાલીન (કોંગ્રેસી) કેન્દ્રીય ગૃહમંત્રી ચિદમ્બરમ્‌થી માંડીને રાજ્યના (ભાજપી) મુખ્યમંત્રી રમણસિંઘ ‘સાલ્વા જુડુમ’ની કામગીરીનાં ગુણગાન ગાય.

આવાં ક્રૂર આંખમીંચામણાં અથવા ઘાતકી યોજના પાછળનું કારણ?  કેટલાક અહેવાલ પ્રમાણે એક ખાનગી કંપનીને મસમોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવો હતો. તેના માટે મેદાન ચોખ્ખું કરી આપવાની ખાનગી સમજૂતી મુજબ કોંગ્રેસી-ભાજપી સાંઠગાંઠથી ‘સાલ્વા જુડુમ’ની સ્થાપના થઇ. આવા આરોપના નક્કર પુરાવા નથી હોતા, પરંતુ સરકારના ખાનગી લશ્કરે જે રીતે આતંક મચાવ્યો એ જોતાં આરોપ તાર્કિક લાગે એવો હતો. (નક્સલવાદનાં એકથી વઘુ પાસાં, અલબત્ત ફિલ્મી ઢબે, રજૂ કરતી પ્રકાશ ઝાની ફિલ્મ ‘ચક્રવ્યૂહ’માં પણ સાલ્વા જુડુમ-ઉદ્યોગપતિ-સરકારની સાંઠગાંઠ દર્શાવાઇ છે)

‘સાલ્વા જુડુમ’ વિરુદ્ધ માઓવાદીઓના સંગ્રામમાં સ્થાનિક લોકોનો મરો થયો ઃ સાલ્વા જુડુમના ગુંડાઓએ ગામ ખાલી કરવાની મહોલત આપ્યા પછી, ગામલોકો ગામ ન છોડે તો એ ‘માઓવાદી’ અને ગામ છોડીને સરકારી છાવણીમાં જાય તો ‘સરકારી બાતમીદાર’. જે ગામમાં ‘સાલ્વા જુડુમ’ની છાવણી હોય તેના લોકો પણ ગમે ત્યારે નક્સલવાદી હિંસાનો શિકાર બની શકે.

છતાં, ‘સાલ્વા જુડુમ’ના ભયંકર અત્યાચારોની કથા બહાર આવતી ગઇ તેમ એક કામ અસરકારક રીતે થયું: નક્સલવાદ-માઓવાદ સાથે કશી લેવાદેવા ન હોય એવા સ્થાનિક લોકો પણ નક્સલવાદીઓની સરકારવિરોધી હિંસાથી રાજી થવા લાગ્યા- પોતાની પર થતા અત્યાચારોનો બદલો કોઇકે તો લીધો, એમ ગણીને. માઓવાદીઓ તેમને આનાથી વઘુ ભાગ્યે જ કશું આપી શકે એમ હતા. પ્રાથમિક સુવિધા-સંસાધનોની દૃષ્ટિએ બસ્તર જિલ્લો દેશભરમાં તળિયે હતો ને ત્યાં જ રહ્યો.

માનવ અધિકાર સંસ્થાઓના અહેવાલોમાં ‘સાલ્વા જુડુમ’નાં કરતૂતો જાહેર થયા પછી પણ ‘નક્સલવાદ સામે કડક હાથે કામ’ના બહાને આ ત્રાસ થોડાં વર્ષ ચાલ્યો. તેનાથી માઓવાદીઓની હિંસાને ‘જવાબી હિંસા’ ગણાવી શકાય એવી સ્થિતિ સર્જાઇ. માઓવાદી હિંસા (કે પ્રતિહિંસા) ચરમસીમાએ પહોંચી. ‘સાલ્વા જુડુમે’ માઓવાદી હિંસાની આગ પર પાણીને બદલે પેટ્રોલ છાંટવાનું કામ કર્યું.

સમર્થકો જેને ‘પોલીસ એક્ટ અંતર્ગત કાયદેસર રચાયેલું દળ’ ગણાવતા હતા, એ ‘સાલ્વા જુડુમ’ને જુલાઇ, ૨૦૧૧માં સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય જાહેર કર્યું. સ્પેશ્યલ પોલીસ ઓફિસરને અપાયેલાં હથિયાર પાછાં ઉઘરાવી લેવાનો આદેશ પણ અદાલતે રાજ્ય સરકારને આપ્યો. સાથોસાથ, સાલ્વા જુડુમ દ્વારા થયેલા અત્યાચારોના તમામ બનાવોની તપાસ કરવા જણાવાયું. જસ્ટિસ રેડ્ડી અને જસ્ટિસ નિજ્જરની બેન્ચે ‘સાલ્વા જુડુમની અસરકારકતા’ની લોકપ્રિય દલીલનો છેદ ઉડાડતાં કહ્યું કે ‘(ધારો કે તે અસરકારક હોય તો પણ) કોઇ પગલું બંધારણીય છે કે નહીં એ કેવળ તેની અસરકારકતાથી નક્કી કરી શકાય નહીં.’

માઓવાદીઓએ સાલ્વા જુડુમ સાથે સંકળાયેલા નેતાઓને વીણી વીણીને માર્યા. તેમાં ગયા મહિને કોંગ્રેસી કાફલા પર થયેલા હુમલામાં ‘સાલ્વા જુડુમ’ના મૂળમાં રહેલા મહેન્દ્ર કર્મા પણ સપડાઇ ગયા. હવે ‘સાલ્વા જુડુમ’ નથી, પરંતુ માઓવાદના પ્રતિકાર અને તેના ઉકેલની ચર્ચા વખતે તેના ઓળા કાયમ ઝળુંબતા રહે છે.

‘નહીં ચાલે’, પણ શું? 

કોંગ્રેસી કાફલા પર થયેલા ઘાતકી હુમલા પછી ગુજરાતના  મુખ્યમંત્રી જેવા કેટલાક ઉત્સાહીઓએ ‘ઝીરો ટોલરન્સ’ની વાત કરી, પરંતુ આ મહાન નીતિ કેવી રીતે અમલમાં મૂકી શકાય એની વાત ભાગ્યે જ થાય છે. નેતાઓ ‘સાલ્વા જુડુમ’ને ‘ઝીરો ટોલરન્સ’ નીતિ સાથે સાંકળે છે. ખરેખર, બસ્તર-દાંતેવાડા-સુકમાથી માંડીને બીજા પ્રદેશો-રાજ્યોના લોકોની અવદશા અંગે ‘ઝીરો ટોલરન્સ’ અપનાવવાની જરૂર છે.  બસ્તર જેવા જિલ્લામાં સરકારી સહાયનો કે સલામતી દળોનો તોટો નથી. છતાં, શાળાઓ અને આરોગ્યકેન્દ્રોનો કારમો અભાવ છે. શાળાઓમાં મકાન હોય ત્યાં છાપરાં કે શૌચાલયનાં ઠેકાણાં ન હોય.

નક્સલવાદીઓ છે ત્યાં દરેક જગ્યાએ સરકાર આદિવાસીઓને તેમના ગામમાંથી હાંકી કાઢીને કિમતી ખનીજો પડાવી લેવા માગે છે એવું પણ નથી. સરકારની દાનત ખોરી જ હોય છે, છતાં આ પ્રકારના આરોપનું સામાન્યીકરણ કરવાથી નક્સલવાદના હેતુ વિશે ભ્રમ ઉભો થાય છે. ઘણા લોકો તેમને ‘ગરીબોના હક માટે લડનારા’ ગણવા પ્રેરાય છે. નક્સલવાદીઓ ગેરીલાયુદ્ધમાં પાવરધા અને વર્તનમાં ક્રૂર છે. પણ સંખ્યાબળની રીતે સરકારની સરખામણીમાં એ ઘણા ઓછા છે. છતાં તેમની પ્રચંડ શક્તિ વિશે સાચીખોટી-રોમેન્ટિક કથાઓ ચાલતી રહે, તેમાં બન્ને પક્ષોને લાભ છેઃ નક્સલવાદીઓનો દબદબો ચાલુ રહે છે અને સરકારને છેવાડાના વિસ્તારો સુધી સુવિધાઓ પહોંચાડવાની તસ્દી લેવી પડતી નથી. નક્સલવાદી હિંસાનું કારણ આગળ ધરીને સરકાર હાથ ઊંચા કરી દે છે. માટે, બધી બાજુથી વેઠવાનું સામાન્ય માણસને જ આવે છે.

લોકોના નામે સરમુખત્યારશાહી

વ્યક્તિગત અન્યાયનો ભોગ બનેલા બંદૂક ઉપાડનારા ચંબલના બાગીઓથી માંડીને અલગ પ્રદેશ માગતા ખાલિસ્તાનના શીખો સુધીની અનેક હિંસક સરકારવિરોધી કાર્યવાહીઓ ભારતમાં થઇ છે, પરંતુ એમાં સૌથી અસ્પષ્ટ છતાં સૌથી લાંબી ચાલેલી ઝુંબેશ નક્સલવાદ ઉર્ફે માઓવાદની છે. તેમને લોકયોદ્ધા કે અન્યાય સામે ઝઝૂમનારા ગણતી વખતે પાયાનો સવાલ એ થાય કે ‘આખરે તેમને જોઇએ છે શું?’

 આ સવાલના જવાબમાં શોષણનો વિરોધ ને લોકોના અધિકાર જેવી આદર્શ અને કહેવાની વાતોને બાદ કરીએ તો, મુદ્દાની વાત એ છે કે નક્સલવાદીઓને ભારત સરકાર અને ભારતીય લોકશાહી ખપતી નથી. તેમને બંદૂકના જોરે પોતાનું રાજ સ્થાપવું છે. ભારતીય લોકશાહીની લાખ મર્યાદાઓ અને તેમાં આવેલી ભારે વિકૃતિ છતાં, તે સરમુખત્યારશાહી કરતાં સારી છે.  બીજી તરફ ‘પીપલ્સ લીબરેશન’ના- એટલે કે લોકોના નામે ચીનમાં લોકોની મૂળભૂત સ્વતંત્રતા પર થતું લોખંડી દમન માઓવાદીઓની કાર્યપદ્ધતિનો જ એક નમૂનો છે.

નક્સલવાદીઓને સૌથી પહેલાં દેશના વંચિત-શોષિત નાગરિકોથી અલગ પાડીને જોવાની જરૂર છે. કેમ કે, શોષિતોને ‘ભારત સરકારની ગુલામી’થી છોડાવવા ઇચ્છતા નક્સલવાદીઓ અંતે તેમની પર પોતાની હકૂમત સ્થાપવા ઇચ્છે છે. વંચિતો-શોષિતો માટે તો ફરી એક વાર આ માલિકીપલટાની જ વાત છે. ‘વંચિતો-શોષિતોનું સશક્તિકરણ’ એ અમલમાં મૂકવાનો નહીં, પણ રાજસત્તા સુધી પહોંચવાનો જ નારો હોય છે અને માઓવાદ-નક્સલવાદ તેમાંથી બાકાત હશે એમ માનવાનું કારણ નથી.

નક્સલવાદ સામેની ઝુંબેશમાં સ્થાનિક લોકોનો સક્રિય ટેકો મેળવવા માટે સર્વસમાવેશક વિકાસ અનિવાર્ય છે. પરંતુ નક્સલવાદીઓનું આખરી ઘ્યેય શોષણ અટકાવવાને બદલે પોતાનું રાજ સ્થાપવાનું હોય ત્યાં સુધી, કેવળ સર્વસમાવેશક વિકાસથી નક્સલવાદ આપોઆપ નાબૂદ થઇ જશે એવું પણ માનવાજોગ લાગતું નથી.  

Monday, June 10, 2013

‘રેનબેક્સી’ની રહસ્યકથા (૨) : ગુણવત્તાના નામે સરકારને ગોળીઓ ગળાવવાનો ધંધો

ગુણવત્તાનાં કડક ધારાધોરણ ધરાવતા અમેરિકામાં, દવા જેવા અત્યંત સંવેદનશીલ મામલે, ‘રેનબેક્સી’ જેવી પ્રતિષ્ઠિત કંપનીએ કેવી આડેધડ છેતરપીંડી અને કેવાં જૂઠાણાં ચલાવ્યાં? ગયા વર્ષે ફક્ત અમેરિકામાં ૧ અબજ ડોલરની જેનરિક દવાઓ વેચનાર ‘રેનબેક્સી’નો આટલો પગપેસારો શી રીતે થયો?


આફ્રિકાના દેશોમાં એઇડ્‌સગ્રસ્ત લોકો માટે દવાઓ પૂરી પાડવા બદલ ‘રેનબેક્સી’નો જયજયકાર થતો હતો. મોંઘા ભાવની પેટન્ટેડ દવાઓની સરખામણીમાં ‘રેનબેક્સી’એ વિશ્વના સેંકડો ગરીબ લોકો માટે નવી આશા ઊભી કરી હતી. કારણ કે ‘રેનબેક્સી’ની જેનરિક દવાઓ સસ્તી છતાં ગુણવત્તામાં અકસીર હતી. કમ સે કમ, મોટા ભાગના લોકો એવું માનતા હતા.

પરંતુ છેક ૨૦૦૪માં ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’એ કરેલી તપાસમાં ‘રેનબેક્સી’ના કળા કરતા મોરની પૂંઠ સહેજ છતી થઇ ગઇ. ‘રેનબેક્સી’એ એઇડ્‌સને લગતી દવાઓની ચકાસણીનું કામ ‘વિમટા લેબોરેટરીઝ’ને સોંપ્યું હતું. તેની તપાસ માટે ગયેલા વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓને કંપનીના અહેવાલ જોઇને નવાઇ લાગી. કેમ કે, પરીક્ષણ દરમિયાન એક દવાની જુદા જુદા દર્દીઓ પર થયેલી અસરના આંકડા તેમાં એકસરખા જ હતા. જાણે દર્દીઓનાં નામ બદલીને કાઢેલી ફોટોકોપી. પરિણામ અગાઉથી ‘ફિક્સ’ કરી દેવાયું હોય તો જ આવું બને. બાકી, માણસે માણસે દવાની અસરના આંકડામાં મામુલી ફેરફાર થવો રહ્યો.

આ કિસ્સો ‘રેનબેક્સી’ની એઇડ્‌સને લગતી એન્ટીરેટ્રોવાઇરલ પ્રકારની દવાઓનો હતો, પણ કંપનીના રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના વડા રાજિન્દરકુમારને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે આ પ્રકારનું ‘ફિક્સિંગ’ ઘણી બધી દવાઓના ટેસ્ટિંગમાં ચાલી રહ્યું હતું. તેમણે પોતાના હાથ નીચે કામ કરતા તેજસ્વી અફસર દિનેશ ઠાકુરને આ જાણકારી આપી અને કંપનીના ગોરખધંધાની માહિતી એકઠી કરવા કહ્યું.

દવાઓના ધંધામાં તેને બજારમાં મુકતાં પહેલાં વિગતવાર ચકાસણી થાય એ બહુ જરૂરી હોય છે. દવામાં વપરાયેલાં તત્ત્વોની અસરોથી માંડીને એ દવા કેટલા સમય પછી તેની અસર ગુમાવી બેસે અથવા હાનિકારક સ્વરૂપ ધારણ કરે, એ બધાં અવલોકન ઝીણવટપૂર્વક થવાં અને નોંધાવાં જોઇએ. તેમાં જરાસરખી પણ ગોલમાલ થાય તો દવાની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઊભો થાય. કારણ કે તપાસ કરનાર સરકારી પરીક્ષકોનો ઘણોખરો આધાર કંપની દ્વારા પૂરાં પડાતાં પરિણામ પર હોય છે. ‘રેનબેક્સી’માં રહીને આંતરિક ધોરણે તપાસ કરતાં ઠાકુરને જાણવા મળ્યું કે કંપની ઘણી વાર દવાનાં (આદર્શ) પરિણામ પહેલાં ગોઠવી દેતી હતી અને એ પરિણામ આવે એ રીતે પરીક્ષણો કરાવતી હતી. તેમના દાવા પ્રમાણે, કંપનીના સિનિયર અફસરો આ રિવાજથી પૂરેપૂરા વાકેફ હતા.

ઠાકુરના જણાવ્યા પ્રમાણે, દવા બનાવવા માટે સારી ગુણવત્તાની મોંઘી ચીજોને બદલે હલકી અને સસ્તી ચીજો વાપરવાનું કહેવાતું હતું. દવાનું વ્યવસ્થિત પરીક્ષણ થતું હોય અને તેમાં અશુદ્ધિનું પ્રમાણ વધારે જણાય તો, ગુણવત્તાનાં ધોરણમાં ફેરફાર કરીને અશુદ્ધિને ‘સ્વીકાર્ય ધોરણ’માં લાવી દેવાતી હતી. ધાર્યાં પરિણામ મેળવવા માટે ઘણી વાર સાવ સાદો રસ્તો અપનાવાતો હતોઃ જે મોંઘી પેટન્ટેડ દવા પરથી સસ્તા ભાવની છતાં એવી જ ગુણવત્તાવાળી સસ્તી જેનરિક દવા બનાવવાની હોય, એ મોંઘી દવાનાં સેમ્પલનું જ પરીક્ષણ કરીને તેનાં પરિણામ જેનરિક દવાના નામે ચઢાવી દેવાતાં હતાં.

‘રેનબેક્સી’નું કૌભાંડ સમજવા માટે જેનરિક અને પેટન્ટેડ દવાઓના ચક્કર વિશે પણ ટૂંકમાં જાણી લેવું જરૂરી છે. ખાનગી કંપનીઓ પ્રયોગ-સંશોધન પાછળ ભારે ખર્ચ કરીને અમુક રોગોની દવા બનાવે. એવાં મૌલિક સંશોધનના તેને પેટન્ટ મળે. એટલે કે દસ વર્ષ સુધી કંપનીને એ દવાઓ વેચવાનો એકાધિકાર મળે. એ વખતે દવાની કિંમત અત્યંત ઊંચી હોય. કેમ કે તેમાં મૂળ સામગ્રી ઉપરાંત સંશોધન-રોકાણથી માંડીને ઊંચા પગાર અને જાહેરખબરોના ખર્ચ સુદ્ધાં ચડ્યા હોય.

જેનરિક દવાઓ બનાવતી કંપનીઓ આર્થિક ક્ષમતા કે દાનત કે સજ્જતા કે એ બધાના સહિયારા અભાવે સંશોધનની માથાકૂટમાં પડતી નથી. પેટન્ટેડ દવાઓમાં રહેલા રાસાયણિક તત્ત્વની માહિતી મળી જાય, એટલે તેનું અનુકરણ કરીને તે જેનરિક દવાઓ બનાવે છે. આ દવાઓ પેટન્ટેડ દવાઓની સરખામણીમાં ઘણી સસ્તી હોય છે. પરંતુ આ દવાઓ બજારમાં મુકતાં પહેલાં, તેની ગુણવત્તા પેટન્ટેડ દવા જેવી જ છે એવું પ્રમાણપત્ર કંપનીએ મેળવવું પડે છે.

અમેરિકાના બજારમાં વર્ષો સુધી પેટન્ટેડ દવાઓની બોલબાલા હતી. પરંતુ દવાઓની કિંમતો નીચી આણીને સૌને સુલભ બનાવવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને ૧૯૮૪માં જેનરિક દવાઓને મંજૂરી આપવામાં આવી. ‘એબ્રીવીએટેડ ન્યૂ ડ્રગ એપ્લિકેશન’ની પદ્ધતિ પ્રમાણે, જેનરિક દવા બનાવતી કંપની પોતાની રીતે પેટન્ટેડ દવા જેવી જ દવા બનાવી શકતી હતી. અલબત્ત, એ દવા બજારમાં વેચતાં પહેલાં તેણે પોતાના દવા બનાવતા પ્લાન્ટનાં તથા દવાનાં ધારાધોરણ પુરવાર કરવાં પડે.

અત્યંત મોંઘી પેટન્ટેડ દવાઓ અને સાવ સસ્તી જેનરિક દવાઓ વચ્ચેનો એક તબક્કો હતો, જેણે ‘રેનબેક્સી’ની ચડતીમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. નિયમ પ્રમાણે, દવાના પેટન્ટ પૂરા થયા પછી જે કંપની તેની જેનરિક દવા બનાવવા માટે પહેલી રજૂઆત કરે, તેને પછીના છ મહિના સુધી જેનરિક દવા વેચવાનો એકાધિકાર મળે. આવો એકાધિકાર મેળવવા માટે કંપનીઓએ પહેલાં પોતાની સજ્જતા અને પોતાની જેનરિક દવાની ગુણવત્તા પુરવાર કરી બતાવવી પડે અને તેનાં કાગળિયાં રજૂ કરવાં પડે. જેનરિક દવાઓ બનાવતી કંપની માટે આ તક ટંકશાળ જેવી પુરવાર થતી હતી. કારણ કે પેટન્ટેડ દવાની એક ટીકડી ધારો કે રૂ.૧૦માં વેચાતી હોય તો જેનરિક વેચવાનો એકાધિકાર મંેળવનાર કંપની એ જ ટીકડીને છ મહિના સુધી રૂ.૮માં વેચી શકે. છ મહિના પછી એ જ ટીકડી ૫૦ પૈસામાં વેચાતી થઇ જાય. કારણ કે બીજી કંપનીઓ પણ મેદાનમાં આવી જાય.

જેનરિક દવામાં છ મહિના માટે મળતો એકાધિકાર કેટલી મોટી ીલોટરી હોય તેનું એક જ ઉદાહરણઃ ગયા સપ્તાહે જેની વાત કરી હતી એ ફાઇઝર કંપનીની ‘લિપિટર’ નામની દવાના પેટન્ટ પૂરા થયા. એટલે ‘રેનબેક્સી’એ તેની જેનરિક દવાના હક મેળવી લીધા. કારણ કે છ મહિનાના સમયગાળામાં  ૬૦ કરોડ ડોલરની કિંમતની જેનરિક ‘લિપ્ટર’ વેચાવાની ધારણા હતી. આટલો મોટો તડાકો પડવાનો હોય, એટલે જેનરિક દવાની અરજી ફાઇલ કરવા માટે કેવી હૂંસાતૂંસી ચાલતી હશે, એ કલ્પી શકાય. ‘ફોર્ચ્યુન’માં પ્રગટ થયેલા અહેવાલમાં જણાવાયું છે કે દવાના પેટન્ટ પૂરા થતા હોય, એ રાત્રે કંપનીના અધિકારીઓ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઓફિસના કમ્પાઉન્ડમાં પોતાની કારમાં સુઇ રહે, જેથી બીજા દિવસે સવારે જેનરિક દવા બનાવવા માટેની પહેલી અરજી તેમની નોંધાય.

અમેરિકામાં જેનરિક દવાઓ વેચવાની પરવાનગી મેળવનાર ‘રેનબેક્સી’ પહેલી કંપની હતી. જેનરિક દવાઓમાં તેનો સિક્કો એવો જામ્યો કે ગયા વર્ષે તેણે દુનિયાભરમાં વેચેલી કુલ ૨.૩ અબજ ડોલરની જેનરિક દવાઓમાંથી આશરે ૧ અબજ ડોલરની દવાઓ ફક્ત અમેરિકામાં ખપી હતી. આમાંની ઘણી દવાઓ અમેરિકાની બહાર, મોટે ભાગે ભારતમાં વિવિધ સ્થળે આવેલા પ્લાન્ટમાં બનતી હતી. અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર આ પ્લાન્ટની મુલાકાત લે અને ત્યાં ગુણવત્તાનાં ધોરણ બરાબર જળવાય છે એવું પ્રમાણપત્ર આપે, એટલે અમેરિકાના દવાબજારમાં કંપનીને મોકળું મેદાન મળી જાય.

ખાટલે મોટી ખોડ એ વાતની હતી કે પરદેશના પ્લાન્ટમાં તપાસ માટે આવતાં પહેલાં અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી આગોતરી જાણ કરવામાં આવતી હતી. તપાસ પણ માંડ અઠવાડિયું ચાલતી હતી. (સ્થાનિક કંપનીઓને હંમેશાં અણધારી અને ચાર-છ અઠવાડિયાં સુધી ચાલતી તપાસ માટે તૈયારી રાખવી પડતી.) ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં દસ વર્ષ સુધી જેનરિક દવાઓને લગતી તપાસના વડા રહી ચૂકેલા ગેરી બ્યુહલરે ‘ફોર્ચ્યુન’ સામયિકને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘કંપનીઓ દ્વારા અપાતી માહિતી સાચી હોવાનું અમે માનતા હતા.’

(આવતા સપ્તાહેઃ કંપનીની ગેરરીતિઓ ખુલ્લી પાડીને અમેરિકાના કાયદા પ્રમાણે આશરે ૪.૮ કરોડ ડોલરનું ‘વ્હીસલ-બ્લોઅર તરીકેનું ઇનામ’ મેળવનાર દિનેશ ઠાકુરે ‘રેનબેક્સી’ના ગોરખધંધા કેવી રીતે ખુલ્લા પાડ્યા?)

નોંધઃ આખી લેખમાળાનો મુખ્ય આધાર ‘ફોર્ચ્યુન’ સામયિકમાં પ્રગટ થયેલો કેથરીન ઇબનનો લેખ છે. આશરે ૯૮૦૦ શબ્દોના આ લેખનું મથાળું છેઃ ડર્ટી મેડિસીન.  

Wednesday, June 05, 2013

કેરીનો ગોટલોઃ કાળજા કેરો કટકો

મનુષ્યજીવનમાં ઓટલા અને રોટલાના મહત્ત્વ વિશે ઘણું લખાયું છે, પણ કેટલીક બાબતોમાં તેમની સમકક્ષ બિરાજી શકે એવા ગોટલાની ધરાર ઉપેક્ષા થઇ છે. ઉનાળો આવે એટલે રસપ્રેમીઓ કેરીના નામની માળા જપે છે અને કેરી માટે ઘેલાં કાઢે છે (એના માટે કેરીનું નારીવાચક હોવું કેટલું જવાબદાર રહશે એવો આડસવાલ થઇ શકે), પણ ગોટલો એમને સાંભરતો નથી. ઉમાશંકર જોશીએ ચૂસાયેલા ગોટલા વિશે કવિતા લખીને એ દિશામાં યથાશક્તિ પ્રયાસ કર્યો હતો, પણ લોકોને ચુસાયેલા ગોટલા વિશેની નહીં, પણ એના જેવી- ચુસાઇને જેના રેસા નીકળી ગયા હોય એવી કાવ્યપંક્તિઓમાં વધારે રસ પડે છે એવો સામાન્ય અનુભવ છે.

કેરી અને ગોટલાનું યુગ્મ આદમ-ઇવ જેવું નહીં, પણ આપણી ભક્તિ પરંપરાના આઘ્યાત્મિક પ્રેમીઓ જેવું હોય છેઃ બન્ને એકબીજામાં સમાયેલાં અને એકમેકમાં ઓતપ્રોત હોય છે. પાકી કેરીના ઇચ્છુક ગોટલાને ઉવેખી ન શકે અને ગોટલો ઇચ્છનારે કેરીમાંથી પસાર થવું પડે. ગોટલો બીજરૂપ છે. એટલે તેનું દર્શન પ્રગટ નથી. તેની કદર કરવા માટે બારીક દૃષ્ટિની જરૂર પડે છે. દુન્યવી મોહમાયામાં લપેટાયેલા લોકો માટે ગોટલો કેરીની છાલની જેમ જ ‘કચરો’ છે, જે ગાયને ખવડાવીને વગર ખર્ચે પુણ્ય હાંસલ કરી શકાય છે. ઘણા માણસોને ગોટલો એટલો પ્રિય હોય છે કે ગયા જન્મમાં તે ગાય હોવાની શંકા પડે. પરંતુ આમાં વાંક એમનો નથી. (ગાયનો પણ નથી.) પ્રેમપદારથની જેમ ગોટલાના પદારથનો લહાવો લૂંટ્યા પછી ફક્ત જીભે જ નહીં, અંતરમનમાં તેનો સ્વાદ રહી જાય છે.

ઘણા અબુધજનો ‘કેરી ખાવી’ એવું કહે ત્યારે તેમના મનમાં ગોટલાથી અલગ કરાયેલી કેરીનો જ ખ્યાલ હોય છે. હવે દેશી-ચૂસવાની કેરી ઓછી મળે છે, એટલે ટુકડા કરીને ખાવી પડે એવી કેરીની જ વાત કરીએ તો, તેનાં ચીરી કે ટુકડા ખાઇ જવામાં કશી ધાડ મારવાની નથી. કાંટાચમચીથી આવી કેરી ખાવામાં આવે ત્યારે હાથ કે મોં બગડતાં નથી અને બરાબર ઘ્યાન ન હોય તો જીભ પણ બગડતી નથી. આ રીતે કેરી ખાઇ રહ્યા પછી ક્યારેક એવું લાગે છે જાણે આપણે તો કેરી ખાધી જ નહીં. બધી કેરી કાંટો ખાઇ ગયો.

ગોટલાના આશિકો કદી આવી ગાફેલિયતનો ભોગ બનતા નથી. કેરીનું નામ પડે ત્યારથી તેમના ચિત્તમાં ગોટલા વિશે અવનવી રમ્ય કલ્પનાઓ જાગે છે. ગોટલાપ્રેમીઓ આઘ્યાત્મિક રીતે વધારે ઉન્નત હોવાથી, તે કેરીના બાહ્ય દેખાવ કે રૂપરંગના મોહમાં લપેટાતા નથી. તેમને ખબર છે કે અસલી ચીજ તો તેનું અંતઃતત્ત્વ છે. એવા લોકો કેરી જુએ ત્યારે તેમની આંખો ભલે કેરીની સપાટી પર ફરતી હોય, પણ તેમનાં મનચક્ષુઓ કેરીની પછવાડે રહેલા ગોટલા સુધી પહોંચે છે.

સામાજિક-વ્યવહારુ લોકો મુરતિયા પરથી તેના કુટુંબનો ને કુટુંબ પરથી મુરતિયાનો અંદાજ કાઢે એવી જ રીતે, કેરીના જાણકાર લોકો કેરી પરથી ગોટલાનો અને ગોટલા પરથી કેરીની ગુણવત્તાનો અંદાજ બાંધે છે. ‘ના, આ કેરીમાં મઝા નહીં હોય. એનો ગોટલો જુઓ ને. કેટલો રેસાવાળો છે અને ચોખ્ખો થતો નથી.’ અથવા તો ‘આવો ચપટો અને નાનો ગોટલો જોઇને જ લાગે કે ફળ મસ્ત હશે.’ એ ખરૂં કે ગોટલા પરથી કેરીની ગુણવત્તા નક્કી કરવા માટે પહેલાં કેરી કાપવી પડે છે. ભવિષ્યમાં એવી કોઇ સ્કેનિંગ ટેકનોલોજી આવે કે જેમાં અંદર રહેલો ગોટલો પહેલો તપાસી શકાય, તો કેરીની ગુણવત્તા પારખવાનું કામ ઘણું સહેલું થઇ જાય છે.

ઘણા ઉન્નતભ્રુ લોકોને ગોટલો ખાવાની કલ્પનામાત્રથી તેમની પોઝિશનમાં પંક્ચર પડી જતું લાગે છે. ગોટલા વિશે મોં મચકોડતી વખતે તેમની સૌથી પહેલી દલીલ એ હોય છે કે ‘એંહ, હાથ કોણ બગાડે?’ જેમને ખાવું હોય પણ હાથ ન બગાડવા (વાપરવા) હોય અને જોવું હોય પણ મગજ ન વાપરવું હોય, તેમની રૂચિ વિશે શું કહેવું? કેરીના ફળને વ્યવસ્થિત રીતે ચિરીયાંબદ્ધ કરી દીધા પછી બાકી રહેલો ગોટલો કાંટાચમચીથી તો ખાઇ શકાય નહીં અને સાદી ચમચીથી તેને ખોતરી શકાય નહીં. એટલે આઘુનિકતાનો અને સાધનસામગ્રીનો ગુલામ બનેલો માણસ પરવશતા અનુભવે છે. પોતાની પરવશતા ઢાંકવા તે કહેવાતી સભ્યતાનો સહારો લે છે અને એવું ઠસાવવા જાય છે કે ગોટલા ખાવાથી હાથ બગડે એ ખરાબ લાગે અને સભ્ય માણસોથી આવી રીતે ન ખવાય.

સભ્યતા જો આનું જ નામ હોય તો ચૂસાયેલા ગોટલાથી પણ પહેલાં એવી સભ્યતાને ફગાવી દેવા જેવી છે. કારણ કે ગોટલાનો અને ખરેખર તો કેરી ખાધાનો અસલી સંતોષ ત્યારે જ થાય, જ્યારે કાંડા સુધીના હોઠ અને ગાલ સુધીનું મોં ગોટલા પર ચોંટેલી કેરી ખાવાની પ્રક્રિયામાં ખરડાય. મટકીમાંથી માખણ કાઢીને ખાતા અને એ પ્રક્રિયામાં આખું મોં ચીતરતા કૃષ્ણની તસવીર જોઇને ગોટલાપ્રેમીઓને હંમેશાં ગોટલો યાદ આવે છેઃ કૃષ્ણ ભગવાને બાળલીલાના ભાગરૂપે માખણને બદલે કેરી ખાધી હોત તો તેમનું મોં અચૂક ગોટલા વડે ખરડાયું હોત અને તેમના ચહેરા પર કેરીલીલા સંપૂર્ણ કર્યાનો આનંદ છલકાતો હોત.

સભ્યતાના નામે માણસ ઘણી વાર અવળી ગતિ કરે છે. જેમ કે, એ જેમ વઘુ સભ્ય બને તેમ વઘુ હિંસક હથિયાર બનાવે છે. એવી જ રીતે ઘણા લોકોને એવું ગુમાન હોય છે કે ‘હું કેરી કાપું એટલે એવી રીતે કાપું કે ગોટલા પર કશું ન રહે. ગોટલો સફાચટ થઇ જાય.’ આવી અરસિક વાત ગૌરવનો નહીં, પણ શરમનો વિષય છે એવું તેમને કોણ કહે? હકીકતમાં ગમે તેટલા કુશળ કાપક કેરી કાપે તો પણ ગોટલામાંથી તે બધો ગર દૂર કરી શકતો નથી. ગોટલો એ વખતે આકરી કસોટીમાં મુકાયેલા કોઇ પ્રતિભાશાળી જેવો ભાસે છે- જાણે કહેતો હોયઃ ‘તમે લઇ લઇને શું લેશો? મારી પાસે મારું પોતાનું જે છે એ તમે કોઇ કાળે લઇ શકવાના નથી.’

ઘણા સભ્યતાપ્રેમીઓ અથવા ગોટલાદ્વેષીઓ માને છે કે ગોટલાનું અસ્તિત્ત્વ કેરીના ગર થકી જ છે. આ તો એવી વાત થઇ કે ઇશ્વરનું અસ્તિત્ત્વ તેના ભક્ત થકી છે. તાત્ત્વિક રીતે વાત સાચી હોય તો પણ એનાથી ગોટલાનો કે ઇશ્વરનો મહિમા ઓછો થતો નથી. ગોટલામાં વધારાનો ફાયદો એ છે કે ગર કે રસા વગરના ચોખ્ખા ગોટલાના પણ સ્વતંત્રપણે ઉપયોગો થઇ શકે છે. થોડોઘણો રસો હોય એવા ગોટલાનું શાક બને છે અને રસનું છેલ્લું ટીપું ગુમાવી ચૂકેલા ગોટલાને શેકીને તેમાંથી ગોટલી કાઢવામાં આવે છે, જે મુખવાસમાં વપરાય છે. સ્વાર્થી લોકો કેરીને જુએ ત્યારે તેમને ફક્ત કેરીની છાલ દેખાય છે, પણ જ્ઞાની લોકો એ છે જે પાકી કેરીમાં શેકેલી ગોટલીનાં દર્શન કરી શકે.

ગોટલાનું માહત્મ્ય સમજવા માટે બાળસહજ નિર્મળતા જોઇએ. માણસ જેમ રીઢો થતો જાય એમ તેને ગોટલો નિરર્થક અને નકામો લાગવા માંડે છે. બાકી, નાનાં બાળકો વચ્ચે સમારેલી કેરીના ભાગ પાડવાના થાય ત્યારે ગોટલા માટે હંમેશાં ખેંચતાણ થાય છે. ગોટલો મેળવવા માટે બાળકો કાપેલી કેરીનો થોડો હિસ્સો જતો કરવા તૈયાર થઇ જાય છે. કેમ કે ગોટલો શું ચીજ છે, એ તે બરાબર સમજે છે. ઉંમર વધતાં વ્યવહારુપણાનો કાટ ઘણી વાર તેમની સમજણને બુઠ્ઠી કરી નાખે છે. ગોટલામાંથી રસ ગુમાવી ચૂકેલાં લોકોને ત્યાર પછી મોટાં થયેલાં જાહેર કરવામાં આવે છે.

Tuesday, June 04, 2013

નક્સલવાદઃ સાદી સમજણના સવાલ

વ્યક્તિઓના નામ પરથી વિવિધ વિચારધારાનાં નામ પડે એની નવાઇ નથી. પણ એક ગામના નામ પરથી આખા વાદની ઓળખ ઊભી થાય એવું નક્સલવાદના કિસ્સામાં બન્યું. બંગાળી ઉચ્ચાર પ્રમાણે નક્સલબાડી, ગુજરાતીમાં નક્સલવાડી અને અંગ્રેજી સ્પેલિંગ- Naxalbari-ના ઉચ્ચાર પ્રમાણે નક્સલબારી- આ ગામ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાનું એ સ્થળ છે, જ્યાં ૧૯૬૭માં નક્સલવાદને જન્મ આપનાર જમીનદારીવિરોધી વિદ્રોહ જાગ્યો. આરંભિક ઘર્ષણ પછી પોલીસે ગોળીબાર કરીને ૧૧ દેખાવકર્તાઓને ઠાર કર્યાં. તેમાં સ્ત્રીઓ અને બે બાળકો પણ હતાં. આ ઘટનાથી શરૂ થયેલા હિંસક લોકઆંદોલનની જ્વાળા ધીમે ધીમે આખા બંગાળમાં ફેલાઇ અને તે સંઘર્ષ નક્સલવાદ તરીકે ઓળખાયો.

સાદી અને અઘૂરી સમજણ મુજબ, નક્સલવાદ એટલે અન્યાયનો હિંસાથી મુકાબલો કરવાની વિચારધારા અને તેમાં માનનારા ચળવળકાર એટલે નક્સલવાદીઓ. શરૂઆતમાં નક્સલવાડીના ચારુ મઝુમદાર, કનુ સન્યાલ, જંગલ સંથાલ જેવા સામ્યવાદી કાર્યકરો  નક્સલવાદના મશાલચી બન્યા. પરંતુ નક્સલવાદ વાસ્તવમાં કોઇ અલગ ‘વાદ’ ન હતો. એ ભારતમાં અને ખાસ કરીને બંગાળમાં ફેલાઇ ચૂકેલી ડાબેરી-સામ્યવાદી વિચારસરણીનું વધારે આક્રમક સ્વરૂપ હતું. ભારતના ડાબેરીઓમાં પણ જૂથ અને ફાંટાનો પાર ન હતો. તેમાં માર્ક્‌સવાદીઓ હતા ને માઓવાદી-લેનિનવાદી પણ. એટલે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા -સીપીઆઇ-ની પાછળ કૌંસમાં અવનવાં લટકણિયાં લાગતાં રહ્યાં.

નક્સલવાદના શરૂઆતનાં વર્ષોમાં મુખ્ય નેતાઓ ચારુ મઝુમદાર અને કનુ સન્યાલ વચ્ચે પાયાના મતભેદ થયા. ટ્રાફિક પોલીસને શોષક સરકારનો પ્રતિનિધિ ગણીને તેની હત્યા કરવાથી ક્રાંતિ ન થાય, આવું કનુ સન્યાલે પછીથી અનેક મુલાકાતોમાં કહ્યું હતું. નક્સલવાદી નેતાઓ પર સરકારની તવાઇ ઉતર્યા પછી ચારુ મઝુમદારનું જેલમાં મૃત્યુ થયું, જ્યારે કનુ સન્યાલ શોષણવિરોધી-ગરીબતરફી આંદોલનની નિષ્ફળતા અને તેનાં બદલાયેલાં સ્વરૂપ જોવા લાંબું જીવ્યા.

નક્સલવાદના ઇતિહાસની વિગતોમાં ઊંડા ઉતરવાનો અહીં ઇરાદો નથી. છત્તીસગઢમાં થયેલા હિંસક નક્સલવાદી હુમલાના પ્રકાશમાં નક્સલવાદના વર્તમાન સ્વરૂપ, સંભવિત કારણો, ગેરસમજણો અને કેટલાક પાયાના સવાલો વિશે થોડી તપાસ કરવા જેવી છે.

ક્રાંતિ અને ભ્રાંતિ

સૌથી પહેલી સ્પષ્ટતા એ કે નક્સલવાડીમાંથી ફેલાયેલો નક્સલવાદ અને એવું જ કે થોડું વઘુ હિંસક સ્વરૂપ ધરાવતો માઓવાદ  ઘણા સમયથી એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. આ લેખમાં તેમનો ઉલ્લેખ નક્સલવાદ તરીકે કરીશું.

નક્સલવાદીઓનો દાવો હંમેશાં એવો રહ્યો છે કે તેમણે ગરીબ-શોષિત-વંચિત અને સરકારી અત્યાચારનો ભોગ બનેલા લોકોના હક માટે હથિયાર ઉઠાવ્યાં છે. ચોતરફ અન્યાય વ્યાપ્યો હોય અને સરકાર પાસેથી કશી આશા ન હોય, ત્યારે હિંસક આંદોલનનો રસ્તો પણ એક સમયે ઘણો લોકપ્રિય બન્યો. બંગાળના અનેક બૌદ્ધિકો નક્સલવાદના સમર્થક બન્યા. સરકારે પણ હિંસાનો મુકાબલો સવાયી હિંસાથી કર્યો. સિત્તેરના દાયકામાં પશ્ચિમ બંગાળમાં નક્સલવાદીઓ પર થયેલું સરકારી દમન એટલું આત્યંતિક અને ઘાતકી હતું કે નક્સલવાદી હોવાના આરોપસર ઘણા નિર્દોષ નવલોહિયા-આશાસ્પદ લોકોને પોલીસે નક્સલવાદી હોવાના આરોપસર ખતમ કરી નાખ્યા. ‘હઝાર ચુરાશીર માં’ જેવી મહાશ્વેતાદેવી લિખિત કથા અને તેની પરથી ગોવિંદ નિહલાણીએ બનાવેલી ફિલ્મ ‘હઝાર ચૌરાસીકી માં’ (કેદી નં.૧૦૮૪ની માતા) એ ગાળાના બંગાળની વાત કરે છે, પરંતુ અત્યારના નક્સલવાદ ઉર્ફે માઓવાદનો તેની સાથેનો સંબંધ ફક્ત નામ પૂરતો રહ્યો છે.

એનો અર્થ એમ નથી કે સરકારો સુધરી ગઇ છે. નક્સલવાદના આરંભ અને તેના ફેલાવા માટે સરકારોની ગુનાઇત બેદરકારી અને તેનું દમનચક્ર ઘણી હદે જવાબદાર રહ્યાં છે. આઝાદી મળ્યા પછી દેશવાસીઓના એક મોટા વર્ગ માટે ફક્ત માલિકી બદલાવા પૂરતો જ ફરક પડ્યો. તેમનું શોષણ ન અટક્યું, દળદર ન ફીટ્યાં, આર્થિક-સામાજિક ગુલામી યથાવત્‌ રહી. છતાં એ વઘુ કારમી લાગી, કારણ કે હવે ‘સ્વ-રાજ’ હતું. દૂરસુદૂરનાં ગામડાંમાં વસતા સેંકડો ગરીબો-આદિવાસીઓ સરકારને મન આ દેશનાં નાગરિકો જ ન હતાં. પાટનગરો-રાજધાનીઓમાં બેઠેલી સરકારોને મન તેમનું અસ્તિત્ત્વ ન હતું. બીજી તરફ, સરકારના સ્થાનિક પ્રતિનિધિ એવા સાહેબલોકને મન આ લોકો માણસ ન હતાં.

સાહેબોએ સરકારી રાહે જમીનદારી ચલાવી. આરોગ્ય-શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ નહીં અને કુદરતી સંસાધનો પર સરકારનો- જંગલવિભાગનો અધિકાર. આગળ જતાં બાકીના દેશના ‘વિકાસ’ માટે જંગલો કે ખનીજની ખાણો પર રહેતા લોકોને તેમની જગ્યાએ હાંકી કાઢવાના પ્રશ્નો આવ્યા. બંગાળમાં ચાના બગીચામાં કામ કરનારાનું ભારે શોષણ થતું હતું, જે આઝાદી પછી તો ઠીક, નક્સલવાદી આંદોલન પછી પણ ચાલુ રહ્યું. કનુ સન્યાલે ૧૯૯૦-૨૦૦૦ના દાયકામાં પત્રકારો સાથેની મુલાકાતો દરમિયાન શોષણનો સિલસિલો કેવી રીતે ચાલુ રહ્યો હતો, એની વાતો કરી હતી. (રસ ધરાવતા વાચકો વઘુ વિગત માટે ‘આઉટલૂક’ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની વેબસાઇટ પર નક્સલવાડી વિશેના લેખ જોઇ શકે છે.)

સાર એટલો કે શોષણ-અન્યાય-સુવિધાના અભાવ સામે નક્સલવાદી-હિંસાની વિચારસરણી બંગાળમાં અને કેટલાંક બીજાં રાજ્યોમાં ફેલાતી રહી. પરંતુ જન્મસ્થળ નક્સલવાડી સહિત ઘણાખરા વિસ્તારોમાં નક્સલવાદી આંદોલનની વાસ્તવિક અસરો બહુ મર્યાદિત રહી. કનુ સન્યાલે કહ્યું હતું તેમ, આંદોલનના પ્રતાપે અમુક જગ્યાએ ગરીબ ખેતમજૂરોને જમીનો મળી, પણ એમાંથી ઘણાખરા ટુકડા એટલા નાના હતા કે તેમાંથી એક પરિવારનું ગુજરાન ચાલી શકે નહીં. એટલે ઘણા લોકો માટે એ ટુકડા વેચીસાટીને ફરીને જમીનદારોના ખેતરમાં કે ચાના બગીચામાં મજૂરી કરવા સિવાય આરો ન રહ્યો. પરંતુ રશિયાની ‘લોકક્રાંતિ’નો ભ્રમ દાયકાઓ સુધી ટક્યો હોય, તો નક્સલવાદી ક્રાંતિની લોકપ્રિયતાથી નવાઇ ન લાગવી જોઇએ. નક્સલવાદથી સલામત અંતરે રહેલા ગુજરાતમાં પણ શોષણવિરોધના રોમોન્ટિક ખ્યાલ તરીકે અમુક અંશે નક્સલવાદ માટેનું આકર્ષણ જોવા મળે છે.

બે નહીં, ત્રણ ધ્રુવ

નક્સલવાદની લોકપ્રિયતા અને તેની સફળતાના પ્રચારમાં સૌથી મોટો ફાળો સરકારે આપ્યો. નક્સલવાદની અસરકારકતા વિશે ખાતરી ન હોય એવા લોકોને પણ સરકારી તંત્રની બદમાશી, ઉદાસીનતા અને પોલીસદમનની ક્ષમતા અંગે કોઇ અવઢવ ન હતી. એટલે શોષણના વિરોધની વાત નીકળે ત્યારે તેમને બેમાંથી કોઇ એક જ પક્ષ લેવાનો હતો: સરકારી કે નક્સલવાદી.

નક્સલવાદ અંગેની ચર્ચા અને સમજણ પણ દ્વિધ્રુવી રહી. માઓવાદીઓને ‘બંદૂકધારી ગાંધીવાદીઓ’ તરીકે ઓળખાવનાર અરુંધતિ રોયથી માંડીને ઘણા બૌદ્ધિક મિત્રો ‘માઓવાદી-નક્સલવાદી એટલે લોકયોદ્ધા’ એવું સાદું સમીકરણ બેસાડતા રહ્યા છે. પરંતુ નક્સલવાદના વર્તમાન સ્વરૂપ પરથી જણાય છે કે ઘણા સમયથી એ પ્રશ્નમાં બે નહીં, ત્રણ પક્ષ ઘ્યાનમાં લેવા પડેઃ સરકાર, નક્સલવાદીઓ અને સ્થાનિક લોકો.

 હા, સ્થાનિક લોકોને નક્સલવાદીઓ સાથે એકરૂપ માની લેવાનું યોગ્ય નથી. તેમનો બે બાજુથી મરો છે. સરકાર તો એમની કદી હતી જ નહીં અને એક સમયે સામાન્ય લોકો માટે હથિયાર ઉપાડવાનો દાવો કરનારા નક્સલવાદી-માઓવાદીઓને હવે પોતાની સરમુખત્યારીથી ઓછું કંઇ ખપતું નથી. સરકાર કોઇને પણ- અરે, કેટલીક વાર તો માઓવાદીઓનો રંગ ગણાતા લીલા રંગનું શર્ટ પહેરનારને- માઓવાદી ગણીને  મારી શકે છે, તો માઓવાદીઓ પણ ગામના કોઇ પણ માણસને સરકારી બાતમીદાર હોવાની શંકાના આધારે ઘાતકી રીતે ખતમ કરી શકે છે.

સરકાર જ્યાં પહોંચી ન હતી- અને હવે માઓવાદીઓને કારણે જ્યાં પહોંચી શકતી નથી, એવા પ્રદેશોમાં લોકો પાસે માઓવાદીઓની આણ સ્વીકાર્યા વિના- તેમને મદદ કર્યા વિના બીજો કોઇ વિકલ્પ નથી. બીજી તરફ, માઓવાદીઓ સિદ્ધાંતના કટકા અને ગરીબોના હિતચિંતક છે એવા ભ્રમમાં રહેવાની પણ હવે જરૂર નથી. તેમના તાબામાં રહેલા પ્રદેશોમાં રહેતા સામાન્ય લોકોનું તેમણે કેટલું ભલું કરી નાખ્યું, એ તપાસનો વિષય છે. તેમની પાસે આવતાં આઘુનિક શસ્ત્રો અને તેમના સંખ્યાબળને ટકાવી રાખવા માટે અઢળક નાણાં જોઇએ. એ નાણાં માટે માઓવાદીઓ બેન્કો લૂંટવા જતા નથી. તેમની આવકનો એક મુખ્ય આધાર ખંડણી છે. નક્સલવાદનો પ્રભાવ હોય ત્યાં પણ ઔદ્યોગિક પ્રોજેક્ટ સ્થાપી શકાય. શરત એટલી કે એ માટે નક્સલવાદીઓને ખંડણી ચૂકવવી પડે અને વખતોવખત તેમની માગણીઓને કબૂલ રાખવી પડે.

ઉદ્યોગો પાસેથી ખંડણી લઇને તેમને કામ કરવા દેનારી વિચારધારામાં સ્થાનિક લોકોના હિતનો કેટલો વિચાર કરાતો હશે, એ કલ્પનાનો વિષય છે. પરંતુ અમીરોને લૂંટીને ગરીબોને વહેંચનારા રોબિનહુડ મોડેલ પ્રત્યે સરેરાશ લોકોને પ્રબળ આકર્ષણ હોય છે. તેના લીધે અનેક ગુંડા રાજકારણીઓ પોતપોતાના વિસ્તારના ‘ભાઇ’ બનીને સુખેથી ગુંડાગીરી ચલાવી શકે છે અને ત્રાસવાદ ફેલાવતા ઘણા માઓવાદી-નક્સલવાદીઓને સિદ્ધાંતનિષ્ઠ-શોષણવિરોધી લડવૈયા તરીકેનો આદર મળી રહે છે.

ખોટા પક્ષનો વિરોધ કરનારા હંમેશાં સાચા હોય એવું બનતું નથી. પોતપોતાનાં સ્થાપિત હિત માટે બે ખોટા વચ્ચે પણ લડાઇ થઇ શકે છે. તેમાં એકની સાથે નથી, તેણે બીજાની સાથે જ હોવું જોઇએ, એવાં સહેલાં સમીકરણ બેસાડવાનું યોગ્ય નથી.

(સાલ્વા જુડુમનો સરકારી ત્રાસવાદ અને નક્સલવાદીઓને આખરે જોઇએ છે શું, એ વિશેની કેટલીક પાયાની વાત આવતા સપ્તાહે)

Sunday, June 02, 2013

‘રેનબેક્સી’ની રહસ્યકથા : મેચ-ફિક્સિંગ કરતાં અનેક ગણું મોટું અને જાહેર હિત માટે અત્યંત મહત્ત્વનું આંતરરાષ્ટ્રિય કૌભાંડ

પહેલી નજરે ‘બિઝનેસ થ્રીલર’ લાગે એવી ‘રેનબેક્સી લેબોરેટરીઝ’/ Ranbaxy Laboratoriesના ગોટાળાની સિલસિલાબંધ કથા કેવળ ‘કોર્પોરેટ કપટ’નો મામલો નથી. આ કંપનીની દવાઓ લેનાર ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોના લોકોના આરોગ્ય સાથે તેને સીધો સંબંધ છે. છતાં, ભારત તો ઠીક, અમેરિકા જેવા કડક કાયદાપાલક દેશમાં આ મામલે રખાયેલી ઢીલાશ આશ્ચર્ય- આઘાત પમાડે એવી છે.

દવાઓના ધંધામાં વૈશ્વિક સ્તરે ભારતનો ઝંડો ફરકાવવામાં ‘રેનબેક્સી’/ Ranbaxyનો મોટો હિસ્સો છે. આ ભારતીય કંપનીએ તૈયાર કરેલી દવાઓ અમેરિકા-યુરોપ સહિત વિશ્વભરના દોઢસો દેશોમાં વેચાય છે. ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની આંતરરાષ્ટ્રિય ચડતીમાં ‘રેનબેક્સી લેબોરેટરીઝ’ની સફળતા નમૂનારૂપ ગણાય છે.

રણજિતસિંઘ અને ગુરુબક્ષસિંઘ નામના બે પિતરાઇઓએ છેક ૧૯૩૭માં દવાઓના વેચાણ માટે અમૃતસરમાં એક કંપની શરૂ કરી હતી. રણજિતસિંઘના સ્પેલિંગમાંથી ‘રેન’ અને ગુરબક્ષસિંઘના સ્પેલિંગમાંથી ‘બક્ષ’નું સંયોજન કરીને કંપનીનું નામ પાડવામાં આવ્યું : રેનબેક્સી. ત્યાર પછીના સાડા સાત દાયકામાં ‘રેનબેક્સી’એ ઘણા ચઢાવઉતાર જોયા. તેની માલિકી બદલાઇ. દવા બનાવતી વિશ્વની ટોચની કંપનીઓની પંગતમાં તેનો પાટલો પડ્યો. વર્ષ ૨૦૦૮માં જાપાની કંપની ‘દાઇચી સાન્ક્યો’એ ભારતીય માલિક બંઘુઓ મલવિન્દરસિંઘ અને શિવિન્દરસિંઘ પાસેથી ‘રેનબેક્સી’નો મોટો હિસ્સો ૪.૨ અબજ ડોલરની અધધ કિંમતે ખરીદી લીધો. તેની પરથી  ‘રેનબેક્સી’ની સફળતાનો અને તેના કામકાજના વ્યાપનો અંદાજ આવશે. ‘રેનબેક્સી’ની બધી સિદ્ધિઓ અને ગૌરવગાથાઓ માટે વર્તમાનકાળને બદલે ભૂતકાળમાં વાત કરવી પડે, એવી નિર્ણાયક ઘડી આખરે ગયા મહિને આવી.

ભારતનાં પ્રસાર માઘ્યમો આઇપીએલ અને તેના ફિક્સિંગની રસઝરતી ચર્ચામાં ડૂબેલાં હતાં, ત્યારે વર્ષોથી ‘રેનબેક્સી’માં ચાલતી ગેરરીતિઓનો ઘડો છલકાયો. પાઘડીનો વળ છેડે આવ્યો. મે ૧૩, ૨૦૧૩ના રોજ અમેરિકાના અદાલતમાં ‘રેનબેક્સી’એ પોતાના સંખ્યાબંધ ગોરખધંધાનો એકરાર કર્યો અને દીવાની- ફોજદારી આરોપોના વળતર પેટે ૫૦ કરોડ ડોલરનો તગડો દંડ ભરવાનું કબૂલ્યું. લોકોના આરોગ્ય સાથે ગંભીર અને ગુનાઇત ચેડાં બદલ એક પણ વ્યક્તિને જોકે કસૂરવાર ઠરાવવામાં આવી નહીં. એ રીતે ‘રેનબેક્સી’ માટે શૂળીનો ઘા સાવ સોયથી નહીં તો પણ થોડા ફટકાથી સરી ગયો ગણાય. મોટું નુકસાન એ થયું કે ‘રેનબેક્સી’નો - અને દવાઓના ક્ષેત્રે ભારતના ગૌરવનો - ટોચે ફરકતો ઘ્વજ આ ચુકાદા પછી અરધી કાઠીએ આવી ગયો. ત્યાર પછીના દસેક દિવસમાં બીજી ભારતીય ફાર્મા કંપની ‘વોકાર્ટ’ને અમેરિકાની ફુડ એન્ડ ડ્રગ વિભાગની નવેસરની કડકાઇનો પરિચય મળ્યો. ‘વોકાર્ટ’ના ઔરંગાબાદ નજીક આવેલા પ્લાન્ટમાં ઉત્પાદનનાં ધોરણો જળવાતાં નથી, એવું જાહેર કરીને ફુડ એન્ડ ડ્રગ વિભાગે ત્યાં બનેલી દવાઓ અમેરિકામાં વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો.

‘રેનબેક્સી’ની મૂળ વાત પર પાછા આવીએ તો, સવાલ માત્ર તેની પ્રતિષ્ઠા પાણીમાં ગયાનો કે મૂડીબજારમાં થાય એવા આર્થિક ગોટાળાનો નથી. ‘રેનબેક્સી’ વિવિધ પ્રકારની દવાઓ બનાવે છે, જે આબાલવૃદ્ધ, દેશીવિદેશી, પહેલા વિશ્વના અને ત્રીજા વિશ્વના એમ તમામ પ્રકારના લોકો વાપરે છે. ભારે દબાણ અને અકાટ્ય પુરાવા પછી કંપનીને કબૂલવું વડ્યું કે તેની દવાઓમાં ગુણવત્તાનાં ધારાધોરણો પળાયાં નથી અને તેમના વિશે કરાયેલા દાવા જૂઠા છે. આ શરમજનક એકરાર કોઇ એકાદ દવા પૂરતો પણ નથી. બહાર આવેલી વિગતો પ્રમાણે દવાની ગુણવત્તા અંગેના નિયમ ચાતરવા અને પોતાની હલકી ગુણવત્તાની દવાઓ ધુસાડીને અઢળક કમાણી કરવી, એ ‘રેનબેક્સી’ માટે નિયમ બની ગયો હતો.

આ જાતની ગેરરીતિ કોઇ એકલદોકલ વ્યક્તિથી ન થઇ શકે.  માલિકોથી માંડીને કંપનીના ઉચ્ચ હોદ્દેદારોની સંડોવણી તેમાં હોવી જોઇએ. (આ જાતના ભયંકર કૌભાંડમાં નૈતિક જવાબદારી તો બહુ દૂરની વાત છે. પહેલાં સીધી જવાબદારીઓના સ્વીકાર થાય એ જરૂરી છે.) ઉપલબ્ધ વિગતો પ્રમાણે, કંપનીના બોર્ડના સભ્યો અને માલિકો દવાઓના પરીક્ષણ અને ઉત્પાદનમાં ચાલતી ગેરરીતિથી પૂરેપૂરા વાકેફ હતા. તેમ છતાં, તેમણે જેમ ચાલે છે તેમ ચાલવા દેવાની અને સો જૂઠાણાં ઢાંકવા બીજાં સો જૂઠાણાં આચરવાની (અ)નીતિ અપનાવી. જેમને આ બઘું કઠતું હતું, એવા કેટલાક લોકોએ પોતાની રીતે સ્થિતિ સુધારવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા પછી કંપની છોડી દીધી. દિનેશ ઠાકુર જેવા, આગળ જતાં ‘વ્હીસલ બ્લોઅર’ બનેલા અધિકારીને બેઆબરૂ કરીને રવાના કરાયા.

કંપનીના રીસર્ચ ઇન્ફર્મેશન એન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટર દિનેશ ઠાકુરે તેમના ઉપરી રાજિન્દરકુમારની શંકા અનેે સૂચના પછી ગોટાળાની ઝીણવટભરી વિગતો મેળવી હતી. રાજિન્દરકુમારે કંપનીના જવાબદાર સત્તાધીશો અને બોર્ડના સભ્યો સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ તેમના વલણમાં કશો ફરક પડ્યો નહીં. એટલે રાજિન્દરકુમારે ‘રેનબેક્સી’ છોડી દીધી. તેના થોડા સમયમાં (૨૦૦૫માં) દિનેશ ઠાકુરને કંપનીના કમ્પ્યુટરમાં પોર્નોગ્રાફીક વેબસાઇટો જોવાના બેહુદા આરોપસર છૂટા કરવામાં આવ્યા. ત્યાર પછી જે બન્યું તે ‘રેનબેક્સી’ની ગેરરીતિઓ જેટલું જ કે તેનાથી પણ વધારે આઘાતજનક હતું.

અમેરિકાની અસરકારક અને ઝડપી ગણાતી ન્યાય વ્યવસ્થામાં  આઠ-આઠ વર્ષ સુધી ‘રેનબેક્સી’ના ગોરખધંધા સામેની તપાસો અટવાતી રહી. દરમિયાન સંદેહાસ્પદ ગુણવત્તાનો આરોપ ધરાવતી ‘રેનબેક્સી’ને અમેરિકાના બજારમાં નવી નવી દવાઓ વેચવાની મંજૂરી પણ મળતી રહી અને દિનેશ ઠાકુર લોકોના આરોગ્ય સાથે થતો આ ખિલવાડ લાચારીપૂર્વક જોતા રહ્યા. ‘રેનબેક્સી’ છોડ્યા પછી તેમને પોતાની અને પરિવારની સલામતીની એટલી ચિંતા હતી કે તેમને અંગરક્ષકો રાખવાનું જરૂરી લાગ્યું હતું. તેમની ચિંતા પાયેદાર હતી. કારણ કે ‘રેનબેક્સી’ના ગોરખધંધા વિશે તેમણે ભેગી કરેલી માહિતી બારૂદના આખા ભંડાર જેટલી સ્ફોટક હતી. તેના ધડાકાના કાન ફાડી નાખે એવા પડઘા વિશ્વભરમાં પડે એમ હતા.

દિનેશ ઠાકુર ‘રેનબેક્સી’માં હતા ત્યારે તેમના પુત્રની બીમારી વખતે તેમણે પોતાની કંપનીની એક દવા આપી હતી. તેનાથી બીમારીમાં ફાયદો થવાને બદલે દીકરાને બરાબર તાવ ચડ્યો હતો. ત્રણ દિવસ રાહ જોયા પછી તેમણે બીજી કંપનીની દવા આપી. એ કારણથી કે પછી ગમે તે કારણથી, પણ ત્યાર પછી તેમનો પુત્ર સાજો થયો. દિનેશ ઠાકુરને જે સત્ય વહેલું સમજાયું, તે ‘રેનબેક્સી’ના બીજા ઉચ્ચ અધિકારીઓને પણ સમજાયું હતું. એટલે અહેવાલો પ્રમાણે, કંપનીના માણસોએ પોતાની કંપનીની દવાઓ વાપરવાનું બંધ કરી દીઘું હતું. એ રીતે પોતાના પરિવારની સલામતી તેમણે જાળવી લીધી. પણ અમેરિકા સહિતના બીજા ઘણા દેશોમાં ‘રેનબેક્સી’ની દવાઓ બેરોકટોક વેચાતી હતી.

આફ્રિકાના દેશોમાં મોકલાયેલી અને કંપનીના નેક ઇરાદાની જાહેરાત જેવી એચઆઇવીને લગતી દવાઓમાં પણ શંકાસ્પદ ગુણવત્તા ધરાવતા પદાર્થો વપરાયા હતા. કંપનીની કરામત તો ખરી જ, પણ અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ વિભાગની ગાફેલિયત કઇ હદની હશે કે અનેક વિવાદો અને કંપની વિરુદ્ધ માહિતી મળ્યા પછી પણ તેની એક દવા (જેનરિક લિપ્ટર)ને છેક નવેમ્બર ૨૦૧૧માં અમેરિકાના બજાર માટે મંજૂર કરવામાં આવી. ફુડ એન્ડ ડ્રગ વિભાગે કહ્યું કે ‘રેનબેક્સી’ સામેનો વાંધો તેના ચોક્કસ પ્લાન્ટ્‌સ સાથે સંબંધિત છે અને આ દવા જ્યાં બને છે એ પ્લાન્ટમાં એવું કશું જણાયું નથી. મૂળ અરજીમાં ફેરબદલ કરીને કંપનીએ તેના અમેરિકાના એક પ્લાન્ટમાં આ દવા બનાવવાનું શરૂ કર્યું. એ પ્લાન્ટ ફુડ એન્ડ ડ્રગ વિભાગની કંપની સામેની તપાસમાં આંખે ચડ્યો ન હતો. ત્યાં બનેલી દવાઓમાં ચોક્સાઇનું જે ધોરણ હોય તે, પણ ડિસેમ્બર, ૨૦૧૨માં ‘રેનબેક્સી’ની ‘લિપ્ટર’માં કાચના ઝીણા કણો મળી આવ્યા. પરિણામે લાખો ગોળીઓ બજારમાંથી પાછી ખેંચી લેવી પડી.

દવામાં કાચના કણ મળી આવે છતાં કંપનીને કશું મોટું નુકસાન ન થાય- આવું તો ભારતમાં જ બનતું હોવાનું આપણે માની લઇએ, પણ ‘રેનબેક્સી’ના કિસ્સામાં ‘ફક્ત ભારતમાં જ બની શકે એવા’ ગોટાળા અનેક વાર અમેરિકામાં બન્યા હતા. છતાં કંપની એકાદ દાયકા કરતાં પણ વધારે સમય સુધી નિરાંતજીવે અમેરિકા સહિત વિશ્વભરમાં દવાઓ વેચતી રહી.

(આવતા સપ્તાહેઃ કંપનીના ગોટાળાની અંદરની વિગતો અને એ કેવી રીતે બહાર આવી તેની કથા.)

નોંધઃ આખી લેખમાળાનો મુખ્ય આધાર સીએનએનની વેબસાઇટ પર મુકાયેલો ‘ફોર્ચ્યુન’ સામયિકનો એક લેખ છે. કેથરીન ઇબનના આશરે ૯૮૦૦ શબ્દોના એ લેખનું મથાળું છેઃ ડર્ટી મેડિસીન/ Dirty Medicine