Tuesday, June 04, 2013
નક્સલવાદઃ સાદી સમજણના સવાલ
વ્યક્તિઓના નામ પરથી વિવિધ વિચારધારાનાં નામ પડે એની નવાઇ નથી. પણ એક ગામના નામ પરથી આખા વાદની ઓળખ ઊભી થાય એવું નક્સલવાદના કિસ્સામાં બન્યું. બંગાળી ઉચ્ચાર પ્રમાણે નક્સલબાડી, ગુજરાતીમાં નક્સલવાડી અને અંગ્રેજી સ્પેલિંગ- Naxalbari-ના ઉચ્ચાર પ્રમાણે નક્સલબારી- આ ગામ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાનું એ સ્થળ છે, જ્યાં ૧૯૬૭માં નક્સલવાદને જન્મ આપનાર જમીનદારીવિરોધી વિદ્રોહ જાગ્યો. આરંભિક ઘર્ષણ પછી પોલીસે ગોળીબાર કરીને ૧૧ દેખાવકર્તાઓને ઠાર કર્યાં. તેમાં સ્ત્રીઓ અને બે બાળકો પણ હતાં. આ ઘટનાથી શરૂ થયેલા હિંસક લોકઆંદોલનની જ્વાળા ધીમે ધીમે આખા બંગાળમાં ફેલાઇ અને તે સંઘર્ષ નક્સલવાદ તરીકે ઓળખાયો.
સાદી અને અઘૂરી સમજણ મુજબ, નક્સલવાદ એટલે અન્યાયનો હિંસાથી મુકાબલો કરવાની વિચારધારા અને તેમાં માનનારા ચળવળકાર એટલે નક્સલવાદીઓ. શરૂઆતમાં નક્સલવાડીના ચારુ મઝુમદાર, કનુ સન્યાલ, જંગલ સંથાલ જેવા સામ્યવાદી કાર્યકરો નક્સલવાદના મશાલચી બન્યા. પરંતુ નક્સલવાદ વાસ્તવમાં કોઇ અલગ ‘વાદ’ ન હતો. એ ભારતમાં અને ખાસ કરીને બંગાળમાં ફેલાઇ ચૂકેલી ડાબેરી-સામ્યવાદી વિચારસરણીનું વધારે આક્રમક સ્વરૂપ હતું. ભારતના ડાબેરીઓમાં પણ જૂથ અને ફાંટાનો પાર ન હતો. તેમાં માર્ક્સવાદીઓ હતા ને માઓવાદી-લેનિનવાદી પણ. એટલે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા -સીપીઆઇ-ની પાછળ કૌંસમાં અવનવાં લટકણિયાં લાગતાં રહ્યાં.
નક્સલવાદના શરૂઆતનાં વર્ષોમાં મુખ્ય નેતાઓ ચારુ મઝુમદાર અને કનુ સન્યાલ વચ્ચે પાયાના મતભેદ થયા. ટ્રાફિક પોલીસને શોષક સરકારનો પ્રતિનિધિ ગણીને તેની હત્યા કરવાથી ક્રાંતિ ન થાય, આવું કનુ સન્યાલે પછીથી અનેક મુલાકાતોમાં કહ્યું હતું. નક્સલવાદી નેતાઓ પર સરકારની તવાઇ ઉતર્યા પછી ચારુ મઝુમદારનું જેલમાં મૃત્યુ થયું, જ્યારે કનુ સન્યાલ શોષણવિરોધી-ગરીબતરફી આંદોલનની નિષ્ફળતા અને તેનાં બદલાયેલાં સ્વરૂપ જોવા લાંબું જીવ્યા.
નક્સલવાદના ઇતિહાસની વિગતોમાં ઊંડા ઉતરવાનો અહીં ઇરાદો નથી. છત્તીસગઢમાં થયેલા હિંસક નક્સલવાદી હુમલાના પ્રકાશમાં નક્સલવાદના વર્તમાન સ્વરૂપ, સંભવિત કારણો, ગેરસમજણો અને કેટલાક પાયાના સવાલો વિશે થોડી તપાસ કરવા જેવી છે.
ક્રાંતિ અને ભ્રાંતિ
સૌથી પહેલી સ્પષ્ટતા એ કે નક્સલવાડીમાંથી ફેલાયેલો નક્સલવાદ અને એવું જ કે થોડું વઘુ હિંસક સ્વરૂપ ધરાવતો માઓવાદ ઘણા સમયથી એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. આ લેખમાં તેમનો ઉલ્લેખ નક્સલવાદ તરીકે કરીશું.
નક્સલવાદીઓનો દાવો હંમેશાં એવો રહ્યો છે કે તેમણે ગરીબ-શોષિત-વંચિત અને સરકારી અત્યાચારનો ભોગ બનેલા લોકોના હક માટે હથિયાર ઉઠાવ્યાં છે. ચોતરફ અન્યાય વ્યાપ્યો હોય અને સરકાર પાસેથી કશી આશા ન હોય, ત્યારે હિંસક આંદોલનનો રસ્તો પણ એક સમયે ઘણો લોકપ્રિય બન્યો. બંગાળના અનેક બૌદ્ધિકો નક્સલવાદના સમર્થક બન્યા. સરકારે પણ હિંસાનો મુકાબલો સવાયી હિંસાથી કર્યો. સિત્તેરના દાયકામાં પશ્ચિમ બંગાળમાં નક્સલવાદીઓ પર થયેલું સરકારી દમન એટલું આત્યંતિક અને ઘાતકી હતું કે નક્સલવાદી હોવાના આરોપસર ઘણા નિર્દોષ નવલોહિયા-આશાસ્પદ લોકોને પોલીસે નક્સલવાદી હોવાના આરોપસર ખતમ કરી નાખ્યા. ‘હઝાર ચુરાશીર માં’ જેવી મહાશ્વેતાદેવી લિખિત કથા અને તેની પરથી ગોવિંદ નિહલાણીએ બનાવેલી ફિલ્મ ‘હઝાર ચૌરાસીકી માં’ (કેદી નં.૧૦૮૪ની માતા) એ ગાળાના બંગાળની વાત કરે છે, પરંતુ અત્યારના નક્સલવાદ ઉર્ફે માઓવાદનો તેની સાથેનો સંબંધ ફક્ત નામ પૂરતો રહ્યો છે.
એનો અર્થ એમ નથી કે સરકારો સુધરી ગઇ છે. નક્સલવાદના આરંભ અને તેના ફેલાવા માટે સરકારોની ગુનાઇત બેદરકારી અને તેનું દમનચક્ર ઘણી હદે જવાબદાર રહ્યાં છે. આઝાદી મળ્યા પછી દેશવાસીઓના એક મોટા વર્ગ માટે ફક્ત માલિકી બદલાવા પૂરતો જ ફરક પડ્યો. તેમનું શોષણ ન અટક્યું, દળદર ન ફીટ્યાં, આર્થિક-સામાજિક ગુલામી યથાવત્ રહી. છતાં એ વઘુ કારમી લાગી, કારણ કે હવે ‘સ્વ-રાજ’ હતું. દૂરસુદૂરનાં ગામડાંમાં વસતા સેંકડો ગરીબો-આદિવાસીઓ સરકારને મન આ દેશનાં નાગરિકો જ ન હતાં. પાટનગરો-રાજધાનીઓમાં બેઠેલી સરકારોને મન તેમનું અસ્તિત્ત્વ ન હતું. બીજી તરફ, સરકારના સ્થાનિક પ્રતિનિધિ એવા સાહેબલોકને મન આ લોકો માણસ ન હતાં.
સાહેબોએ સરકારી રાહે જમીનદારી ચલાવી. આરોગ્ય-શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ નહીં અને કુદરતી સંસાધનો પર સરકારનો- જંગલવિભાગનો અધિકાર. આગળ જતાં બાકીના દેશના ‘વિકાસ’ માટે જંગલો કે ખનીજની ખાણો પર રહેતા લોકોને તેમની જગ્યાએ હાંકી કાઢવાના પ્રશ્નો આવ્યા. બંગાળમાં ચાના બગીચામાં કામ કરનારાનું ભારે શોષણ થતું હતું, જે આઝાદી પછી તો ઠીક, નક્સલવાદી આંદોલન પછી પણ ચાલુ રહ્યું. કનુ સન્યાલે ૧૯૯૦-૨૦૦૦ના દાયકામાં પત્રકારો સાથેની મુલાકાતો દરમિયાન શોષણનો સિલસિલો કેવી રીતે ચાલુ રહ્યો હતો, એની વાતો કરી હતી. (રસ ધરાવતા વાચકો વઘુ વિગત માટે ‘આઉટલૂક’ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની વેબસાઇટ પર નક્સલવાડી વિશેના લેખ જોઇ શકે છે.)
સાર એટલો કે શોષણ-અન્યાય-સુવિધાના અભાવ સામે નક્સલવાદી-હિંસાની વિચારસરણી બંગાળમાં અને કેટલાંક બીજાં રાજ્યોમાં ફેલાતી રહી. પરંતુ જન્મસ્થળ નક્સલવાડી સહિત ઘણાખરા વિસ્તારોમાં નક્સલવાદી આંદોલનની વાસ્તવિક અસરો બહુ મર્યાદિત રહી. કનુ સન્યાલે કહ્યું હતું તેમ, આંદોલનના પ્રતાપે અમુક જગ્યાએ ગરીબ ખેતમજૂરોને જમીનો મળી, પણ એમાંથી ઘણાખરા ટુકડા એટલા નાના હતા કે તેમાંથી એક પરિવારનું ગુજરાન ચાલી શકે નહીં. એટલે ઘણા લોકો માટે એ ટુકડા વેચીસાટીને ફરીને જમીનદારોના ખેતરમાં કે ચાના બગીચામાં મજૂરી કરવા સિવાય આરો ન રહ્યો. પરંતુ રશિયાની ‘લોકક્રાંતિ’નો ભ્રમ દાયકાઓ સુધી ટક્યો હોય, તો નક્સલવાદી ક્રાંતિની લોકપ્રિયતાથી નવાઇ ન લાગવી જોઇએ. નક્સલવાદથી સલામત અંતરે રહેલા ગુજરાતમાં પણ શોષણવિરોધના રોમોન્ટિક ખ્યાલ તરીકે અમુક અંશે નક્સલવાદ માટેનું આકર્ષણ જોવા મળે છે.
બે નહીં, ત્રણ ધ્રુવ
નક્સલવાદની લોકપ્રિયતા અને તેની સફળતાના પ્રચારમાં સૌથી મોટો ફાળો સરકારે આપ્યો. નક્સલવાદની અસરકારકતા વિશે ખાતરી ન હોય એવા લોકોને પણ સરકારી તંત્રની બદમાશી, ઉદાસીનતા અને પોલીસદમનની ક્ષમતા અંગે કોઇ અવઢવ ન હતી. એટલે શોષણના વિરોધની વાત નીકળે ત્યારે તેમને બેમાંથી કોઇ એક જ પક્ષ લેવાનો હતો: સરકારી કે નક્સલવાદી.
નક્સલવાદ અંગેની ચર્ચા અને સમજણ પણ દ્વિધ્રુવી રહી. માઓવાદીઓને ‘બંદૂકધારી ગાંધીવાદીઓ’ તરીકે ઓળખાવનાર અરુંધતિ રોયથી માંડીને ઘણા બૌદ્ધિક મિત્રો ‘માઓવાદી-નક્સલવાદી એટલે લોકયોદ્ધા’ એવું સાદું સમીકરણ બેસાડતા રહ્યા છે. પરંતુ નક્સલવાદના વર્તમાન સ્વરૂપ પરથી જણાય છે કે ઘણા સમયથી એ પ્રશ્નમાં બે નહીં, ત્રણ પક્ષ ઘ્યાનમાં લેવા પડેઃ સરકાર, નક્સલવાદીઓ અને સ્થાનિક લોકો.
હા, સ્થાનિક લોકોને નક્સલવાદીઓ સાથે એકરૂપ માની લેવાનું યોગ્ય નથી. તેમનો બે બાજુથી મરો છે. સરકાર તો એમની કદી હતી જ નહીં અને એક સમયે સામાન્ય લોકો માટે હથિયાર ઉપાડવાનો દાવો કરનારા નક્સલવાદી-માઓવાદીઓને હવે પોતાની સરમુખત્યારીથી ઓછું કંઇ ખપતું નથી. સરકાર કોઇને પણ- અરે, કેટલીક વાર તો માઓવાદીઓનો રંગ ગણાતા લીલા રંગનું શર્ટ પહેરનારને- માઓવાદી ગણીને મારી શકે છે, તો માઓવાદીઓ પણ ગામના કોઇ પણ માણસને સરકારી બાતમીદાર હોવાની શંકાના આધારે ઘાતકી રીતે ખતમ કરી શકે છે.
સરકાર જ્યાં પહોંચી ન હતી- અને હવે માઓવાદીઓને કારણે જ્યાં પહોંચી શકતી નથી, એવા પ્રદેશોમાં લોકો પાસે માઓવાદીઓની આણ સ્વીકાર્યા વિના- તેમને મદદ કર્યા વિના બીજો કોઇ વિકલ્પ નથી. બીજી તરફ, માઓવાદીઓ સિદ્ધાંતના કટકા અને ગરીબોના હિતચિંતક છે એવા ભ્રમમાં રહેવાની પણ હવે જરૂર નથી. તેમના તાબામાં રહેલા પ્રદેશોમાં રહેતા સામાન્ય લોકોનું તેમણે કેટલું ભલું કરી નાખ્યું, એ તપાસનો વિષય છે. તેમની પાસે આવતાં આઘુનિક શસ્ત્રો અને તેમના સંખ્યાબળને ટકાવી રાખવા માટે અઢળક નાણાં જોઇએ. એ નાણાં માટે માઓવાદીઓ બેન્કો લૂંટવા જતા નથી. તેમની આવકનો એક મુખ્ય આધાર ખંડણી છે. નક્સલવાદનો પ્રભાવ હોય ત્યાં પણ ઔદ્યોગિક પ્રોજેક્ટ સ્થાપી શકાય. શરત એટલી કે એ માટે નક્સલવાદીઓને ખંડણી ચૂકવવી પડે અને વખતોવખત તેમની માગણીઓને કબૂલ રાખવી પડે.
ઉદ્યોગો પાસેથી ખંડણી લઇને તેમને કામ કરવા દેનારી વિચારધારામાં સ્થાનિક લોકોના હિતનો કેટલો વિચાર કરાતો હશે, એ કલ્પનાનો વિષય છે. પરંતુ અમીરોને લૂંટીને ગરીબોને વહેંચનારા રોબિનહુડ મોડેલ પ્રત્યે સરેરાશ લોકોને પ્રબળ આકર્ષણ હોય છે. તેના લીધે અનેક ગુંડા રાજકારણીઓ પોતપોતાના વિસ્તારના ‘ભાઇ’ બનીને સુખેથી ગુંડાગીરી ચલાવી શકે છે અને ત્રાસવાદ ફેલાવતા ઘણા માઓવાદી-નક્સલવાદીઓને સિદ્ધાંતનિષ્ઠ-શોષણવિરોધી લડવૈયા તરીકેનો આદર મળી રહે છે.
ખોટા પક્ષનો વિરોધ કરનારા હંમેશાં સાચા હોય એવું બનતું નથી. પોતપોતાનાં સ્થાપિત હિત માટે બે ખોટા વચ્ચે પણ લડાઇ થઇ શકે છે. તેમાં એકની સાથે નથી, તેણે બીજાની સાથે જ હોવું જોઇએ, એવાં સહેલાં સમીકરણ બેસાડવાનું યોગ્ય નથી.
(સાલ્વા જુડુમનો સરકારી ત્રાસવાદ અને નક્સલવાદીઓને આખરે જોઇએ છે શું, એ વિશેની કેટલીક પાયાની વાત આવતા સપ્તાહે)

Labels:
naxal violence
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment