Monday, March 30, 2020

કોરોના, હિજરતીઓ, વડાપ્રધાન અને આપણે

બે-ત્રણ દિવસ પહેલાં, મને જેમના માટે માન છે એવાં મધુ ત્રેહાનનો એક લેખ હતો. તેમણે લખ્યું હતું કે વડાપ્રધાન મોદી સમક્ષ રહેલા બંને વિકલ્પ (લોક ડાઉન કરવું અથવા ન કરવું) ખરાબ હતા. આવી સ્થિતિ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દપ્રયોગ Sophie’s choice તેમણે યાદ કર્યો હતો.

લોક ડાઉન જરૂરી જ નહીં, ઇચ્છનીય છે એના વિશે મારા મનમાં કશી અવઢવ નથી. કોરોના વાઇરસના સાવ શરૂઆતના ગાળામાં તેનાં લક્ષણો અને પ્રસાર વિશેની કેટલીક પ્રાથમિક છતાં આધારભૂત માહિતી સંકલિત કરીને મૂકી હતી. ત્યારથી આ મામલાને સમજવાના અને સમજ્યા પછી તેને સરળતાથી લખવાના પ્રયાસ કરતો રહું છું.

એ દૃષ્ટિએ મને લોક ડાઉનનો નિર્ણય સદંતર યોગ્ય લાગ્યો હતો. પરંતુ સવાલ કેવળ લોક ડાઉનના નિર્ણયનો નથી અને એ નિર્ણય ગમે તેટલો વાજબી હોય તો પણ, તેના પગલે ઊભી થયેલી અરાજકતા કેવળ લોકોનો પ્રોબ્લેમ નથી થઈ જતી.

જરા વિચારી જુઓ : વડાપ્રધાને લોક ડાઉનની જાહેરાત કરતી વખતે કહ્યું હોત કે બે દિવસ પછી લોક ડાઉન અમલમાં આવશે. જે જ્યાં છે ત્યાં જ રહે એવી વિનંતી કરીને તેમણે વિગતવાર માહિતી આપી હોત કે પ્રાથમિક ધોરણે, મોટાં અને મધ્યમ કદનાં શહેરોમાં કામ કરવા આવેલા બીજા પ્રાંત કે બીજા જિલ્લાના લોકોને ભોજનની તકલીફ ન પડે, એ માટે રાજ્ય સરકારની સાથે રહીને અમુક સો કેન્દ્રો ખોલવામાં આવશે. એ કેન્દ્રોની યાદી મોબાઇલ ફોન થકી તમને મળી જશે. તમારે ત્યાં જઈને સવાર સાંજ, સલામત અંતરેથી ઊભા રહીને ભોજન મેળવી લેવાનું રહેશે. એવું જ નાણાંની ચૂકવણી અને મકાનભાડાની માફી કે રહેવાની વ્યવસ્થા વિશે.

આ ત્રણ બાબતો વિશે સરકારે કરેલા નક્કર આયોજનના પ્રયાસની વિગતો આપ્યા પછી તેમણે સમજાવ્યું હોત કે તમને વતન જવાનું મન થાય તે સ્વાભાવિક છે, પણ તમે વતન જઈને તમારા પરિવારને અને આખા ગામને જોખમમાં મૂકી શકો છો. માટે મહેરબાની કરીને તમે છો ત્યાં જ રહેજો.

--અને ત્યાર પછી પણ લોકોએ વતન જવા દોટ કાઢી જ હોત. પણ કદાચ થોડા લોકોને શહેરમાં રહી જવા જેવું પણ લાગ્યું હોત. સોફીઝ ચોઈસ ફક્ત વડાપ્રધાન સમક્ષ જ હોય? લોકો પણ તે ન અનુભવે? વ્યક્તિગત રીતે મારી વાત કરું તો, હું મુંબઈ કામ કરતો હોત અને મને જાણ થાત કે ૨૧ દિવસનું લોક ડાઉન છે, તો મારી પહેલી પ્રતિક્રિયા મહેમદાવાદ પહોંચવાની જ હોત. પણ મને કદાચ સમજાવવામાં આવત કે ઘરે જઈને હું મારા પરિવાર કે મારાં ફળિયાનાં લોકોને જોખમમાં મૂકીશ અને અહીં મુંબઈમાં મારી મૂળભૂત જરૂરિયાતો સચવાઈ જશે, તો કદાચ હું વિચારત. જોકે, એ પણ નક્કી ન કહી શકાય.

ઘણાને આવું થાય, ઘણાને આવું ન પણ થાય. પરંતુ જેમને આવું થાય તેમનો વાંક કાઢી શકાય નહીં. એમ થવું માનવસહજ કે ભારતીયસહજ પ્રતિક્રિયા છે.

અહીં સરકાર સામે ફરી સોફીઝ ચોઇસ આવેઃ લોકોને વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવી કે તેમને બળપૂર્વક જ્યાં છે ત્યાં રોકવા?  વતન જવા દેવાની વ્યવસ્થા કરવામાં રોગચાળો ફેલાવાનો ડર હોય અને બળજબરીથી રાખવામાં, એક હદ પછી લોકો મરણીયા બને તો ગમે તેટલી પોલીસ ઓછી પડે ને લશ્કર બોલાવીને પોતાના જ નાગરિકો પર અમર્યાદ બળપ્રયોગ વાપરવાનો વારો આવે--એક પ્રકારે વિદ્રોહની સ્થિતિ પેદા થાય અને રોગચાળાની જેમ વિદ્રોહ પણ ભારતમાં રહેલી વસ્તીની સંખ્યાને કારણે ભયંકર સ્વરૂપ ધારણ કરે.

પણ નિર્ણય તો લેવો જ પડે. એટલે, જાહેરાત અને અમલની વચ્ચે રહેલા બે દિવસમાં સરકાર લોકોને સતત સમજાવે, મંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્યો-સંસદસભ્યો અને પક્ષવિપક્ષ સૌ નેતાઓની મદદ લઈને સ્થાનિક લોકોને સમજાવવાનો પ્રયાસ થાય.

આટલું કર્યા પછી પણ સરકારના પ્રયાસ નિષ્ફળ જાય અને લોકોનાં ટોળાં ઉમટે, ત્યારે ટોળાંને લાગણીથી દોરવાઈને બેજવાબદાર બનેલાં ગણાવી શકાય અને સરકાર કહી શકે કે અમે બનતું બધું કર્યું. છતાં આ સ્થિતિ પેદા થઈ છે. હવે તેની સાથે કેવી રીતે પનારો પાડવો, તે વિચારીએ. (ખરેખર તો તેની પણ માનસિક તૈયારી હોય જ.)

પરંતુ આવું કશું જ કર્યા વિના, એક રાત્રે જાહેરાત કરીને, ચાર કલાક પછી લોક ડાઉન અમલી બનાવી દેવામાં આવે, તેને શું કહેવું?  કશા વિગતવાર આયોજનની જાહેરાત વિના, અડધા કલાકના ભાષણથી લોકો સમજી જશે અને સરકાર પર ભરોસો મૂકી દેશે, એમ માની લેવું તે અહંકારભર્યા આત્મવિશ્વાસની પરાકાષ્ઠા છે.

અલબત્ત, ભૂતકાળમાં નોટબંધી જેવા ટાણે આવો અહંકારભર્યો આત્મવિશ્વાસ ફળાઉ નીવડ્યો હોવાથી વડાપ્રધાન એવા ખ્યાલમાં રાચે, એ પણ સમજાય એવું છે.

એવા વખતે આપણે, નાગરિકોએ, મનમાં કે મોટેથી, એટલું તો કહેવું પડે કે સાહેબ, આવું ન હોય. આવડી મોટી આફતનું મેનેજમેન્ટ પ્રાઇમ ટાઇમ શોની જેમ ન થાય અને તમે તમારા પોતાના ગમે તેટલા પ્રેમમાં હો, એક નોંધપાત્ર સમુહ તમારું ઉપરાણું કે તમારા સાયબરસેલનો પગાર લઈને તમારા ટીકાકારોનું ગમે તેટલું ટ્રોલિંગ કરતો હોય, પણ આવા વખતે એ પૂરતું ન ગણાય.

લોકોને તેમની સ્વાભાવિક લાગણીથી વિરુદ્ધ જવા માટે સમજાવવાના-તૈયાર કરવાના હોય ત્યારે માઇલેજ લેવાનો મોહ છોડીને જરા હેઠા ઉતરવું પડે. લોકલાગણી થકી ફેલાયેલી અરાજકતાની ટીકા કરવા માટે, પહેલાં આપણે એ અરાજકતાને કાબૂમાં લેવા માટે આગોતરું આયોજન કરવું પડે, એ બાબતે ફાંકાફોજદારીથી નહીં, નક્કર આયોજનથી લોકોને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરવો પડે અને લોકલાગણીના પ્રવાહમાં એ આયોજન નિષ્ફળ બને ત્યારે આપણને ફરિયાદ કરવાનો કંઈક અધિકાર મળે. એ સિવાય નહીં.

અને જે આવા અણઘડ આયોજન (એટલે કે તેના અભાવ)ની ટીકા કરે, તેમને લોક ડાઉન કેમ અનિવાર્ય હતું, તે સમજાવવાની જરૂર નથી.  તે લોક ડાઉનનું મહત્ત્વ તો સમજે જ છે, પણ જે રીતે કશા આયોજન વગર તેનો અમલ કરવામાં આવ્યો,  તેની સામે ફરિયાદ છે- તેની ટીકા છે.

અલબત્ત, વડાપ્રધાનની કાર્યશૈલીથી પરિચિત અને એટલે જ એ કાર્યશૈલીના ટીકાકાર તરીકે તેમાં કશું નવાઈ લાગે એવું નથી.
***

તૈયારી વગરની જાહેરાત એ વડાપ્રધાનની કાયમી શૈલી છે.  જ્યોર્જ બુશ જુનિયર જેને shock & awe કહેતા હતા એવું કંઈક. આ મામલે વડાપ્રધાન જેટલો સહારો નાટ્યાત્મકતાનો અને નાટકીય અસરનો લે છે, તેટલો નિષ્ણાતો અને આગોતરી તૈયારીનો લેતા હોય, એવું જણાયું નથી. પછી તે નોટબંધી હોય, જીએસટી હોય કે લોક ડાઉન.

યાદ રહે, નોટબંધીના નિર્ણય પાછળ પ્રાથમિક ધોરણે કંઈક લોજિક જણાયું હતું. નોટબંધી વિશે જાણ્યું ત્યારે મારી પહેલી પ્રતિક્રિયા 'ભલું થયું ભાંગી જંજાળ’ની હતી. એવી જ રીતે, જીએસટી પણ લોક ડાઉનની જેમ ઇચ્છનીય જ હતો. પરંતુ આ દરેક અનુભવે સમજાયું કે

૧) વડાપ્રધાનનો મુખ્ય રસ ડ્રામાબાજીનો છે. એમ કરતાં કંઈક સારું થઈ જાય તો તેને આડપેદાશ ગણવી. ડ્રામાબાજીનો અને માઇલેજ લેવાનો મુખ્ય હેતુ સરી ગયા પછી, બાકીની બાબતો વડાપ્રધાન માટે ગૌણ હોય છે. તેમાં તેમને સતત લક્ષ્યાંક બદલતાં કે જૂઠું બોલતાં કશો સંકોચ થતો નથી. મુખ્ય હેતુ સિદ્ધ થઈ ગયા પછીની લડાઈ તો મુખ્યત્વે સાયબરસેલ અને બાકી રહેલા તરફીઓ સંભાળી લેતા હોય છે.

૨) પૂરતી તૈયારી કે પૂરતા વિચારવિમર્શ વિના નિર્ણયો લેવાની તેમની પદ્ધતિ એટલે પણ વકરી છે કે તે કદી કોઈને ઉત્તરદાયી રહ્યા નથી. એ વન વે ટ્રાફિકમાં જ સમજે છે અને ક્યારેક સમ ખાવા પૂરતા ગણ્યાગાંઠ્યા પત્રકારો કે લોકો સાથે સંવાદ કરે છે, ત્યારે પણ તે સાહેબલીલાનો જ અંશ બની રહે છે. લોકશાહી દેશના વડાપ્રધાને છ વર્ષમાં એકેય ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ ન કરી હોય એવો શરમજનક રેકોર્ડ વડાપ્રધાન મોદીના નામે છે અને તેનો જગતના કોઈ ધોરણથી બચાવ થઈ શકે તેમ નથી. આમ કરવામાં નકરી તુમાખી સિવાય બીજા કોઈ કારણની કલ્પના કરવી અઘરી છે. કોરોના જેવી ભયંકર વૈશ્વિક મહામારી પછી પણ તે ટીવી પર પ્રાઇમ ટાઇમમાં શબ્દાળુ ભાષણ ફટકારીને જ સ્ટેટ્સમેન તરીકે સ્થાપિત થવાની કોશિશ કરે છે.

વડાપ્રધાન અગત્યની વાત કહેવા માટે રાષ્ટ્રજોગ પ્રવચન કરે અને તેમાં પોતાના પગલાનું વાજબીપણું સમજાવે તેમાં કશું ખોટું નથી. પણ વર્તમાન વડાપ્રધાનના પ્રવચનમાં મહત્ત્વના મુદ્દાની ચોખવટો લગભગ હોતી નથી અને ડ્રામાપ્રેમ જ છલકતો હોય છે. તેની સાથે વિગતો આવતી હોય તો ડ્રામાપ્રેમ તરફ આંખ આડા કાન કરી શકાય. એવું પણ થતું નથી.

૩) કોરોના લોક ડાઉન હોય કે અગાઉનાં પગલા, તેમાં નિષ્ણાતોની સલાહ લેવાઈ હોય કે તેની પર અમલ થયો હોય એવું તે પગલાંના અમલ પરથી તો લાગતું નથી. તેમનાં નાટકીય પગલાનો ધબડકાજનક અમલ જોયા પછી એવું લાગે કે તે દરેક સમસ્યાને રાજકીય દૃષ્ટિકોણથી જોઈને, તેનો રાજકીય ઉકેલ જ શોધવા મથે છે અને કહેવાતા રાજકીય 'માસ્ટર સ્ટ્રોક’થી જ સમસ્યાને ઉડાડી દેવા કોશિશ કરે છે.

અમારા એક અત્યંત પ્રિય, દિવંગત વડીલ રવજીભાઈ સાવલિયા હંમેશાં કહેતા હતા કે આપણી મોટા ભાગની સમસ્યાઓના ઉકેલ ટેકનિકલ હોય છે. તે પોતે આવા ઉકેલો કાઢવાના નિષ્ણાત હતા. પરંતુ વડાપ્રધાન મોદી અને સરકારની બીજી મુદતમાં મોખરે ને મોખરે રહ્યા પછી આપત્તિના સમયમાં અચાનક અદૃશ્ય બની ગયેલા તેમના જોડીદાર અમિત શાહ, દરેક બાબતોમાં રાજકીય કુકરીથી જ કામ લેતા હોય એવું છે. તેમની પાસે રાજકીય ગણતરીઓનું એક જ બેટ હોય એવું જણાય છે, જે તે ક્રિકેટ ઉપરાંત બેઝબોલ, હોકી, ફુટબોલ, બેડમિંટન, ટેનિસ...અરે કબડ્ડીમાં પણ એ જ વાપરે છે.
***

કોરોનાની કટોકટી એટલી મોટી છે કે મહાનમાં મહાન શાસકથી તેમાં ભૂલો થઈ શકે. શાસક માત્ર, ભૂલને પાત્ર. પણ લોક ડાઉનના નિર્ણયના અમલની આટલી ટૂંકી મુદત આપવાથી માંડીને, માનવીય કટોકટી ઊભી થયા પછી, તેને પહોંચી વળવાના બનતા પ્રયાસ કરવાના મામલે ક્યાંય ભૂલ થઈ હોય એવું વડાપ્રધાન સ્વીકારતા નથી. તેમનો અહમ્ તેમને એ સ્વીકારવા દે એમ નથી અને તેમની ફરતે રચાયેલા મંડળમાંથી તેમને કહેવાની કોઈની જિગર નથી.

‘મનકી બાત’માં માફી માગી તો પણ શાની?  ‘કઠણ પગલાં તમારા હિત માટે જરૂરી હોવાથી ભરવા પડ્યાં, એ બદલ તમને અગવડ થઈ’ તેની.
અલ્યા ભાઈ, કઠણ પગલાં નક્કર આયોજનની વિગતો વિના ભર્યાં એની માફી ક્યારે માગશો?

તેમના અહંકારનો ક્વોટા અને સાયબરસેલનો ધીક્કારનો ક્વોટા અખૂટ લાગે છે.  ધીક્કારના આ વાહકો જાતને છેતરવામાં એટલા ઊંડા ઉતરી ગયા છે કે વડાપ્રધાનની મુદ્દાસર ટીકા કરનારને તે ધીક્કાર ફેલાવનારા તરીકે જાહેર કરે છે અને પોતાની જાતને ખરા દેશભક્ત.

ધીક્કારના આ વાહકોએ એવો પ્રચાર ઊભો કર્યો, જાણે બીજે ક્યાંય તો હિજરતની મુશ્કેલી જ નથી, પણ દિલ્હીમાં કેજરીવાલના પાપે હિજરતીઓની મુશ્કેલી ઊભી થઈ. એટલે ટ્વિટર પર તો કેજરીવાલને દૂર કરવાનો અને કટોકટી લાદવાનો એમ બે મુદ્દા ટ્રેન્ડિંગ પણ થયા. આવા અપપ્રચારમાં ભારતનાં બીજાં રાજ્યોમાં હિજરતીઓને પડેલી મુશ્કેલી સલુકાઈથી ગુપચાવી દેવામાં આવી.
ઝેરી પ્રચાર કરતા સાયબરસેલના અસલી લાભાર્થી કોણ છે એ તો ઉઘાડી સચ્ચાઈ છે અને ઘણા ટ્રોલને વડાપ્રધાન બેશરમીથી ફોલો કરે છે, તે હવે જૂના સમાચાર છે.

દરેકમાં માઇલેજ લેવાની માનસિકતાનું પ્રતિબિંબ, જેની કશી જરૂર નથી એવા નવા ઊભા કરાયેલા ફંડમાં પણ પડ્યું. વડાપ્રધાન રાહતનિધિ ઓલરેડી હોય ત્યારે લોકો પાસેથી દાન માગતા અને 'પીએમ-કેર'  જેવું નામ ધરાવતા ટ્રસ્ટનું ઔચિત્ય બીજી કોઈ રીતે સમજવું અઘરું છે.
***

એટલે વડાપ્રધાનના લોક ડાઉનના નિર્ણયનું હું સમર્થન કરું છું. પરંતુ લોક ડાઉનનું સમર્થન કરનારા દરેકને એ વિચારવા વિનંતી કરું છું કે શું તમારું એ સમર્થન વડાપ્રધાનની બેદરકારી ને અવિચારીપણાને પણ છે?
અને તેમને સાવધ રહેવા પણ સૂચવું છું કે જોજો, તમે આપેલા લોક ડાઉનના સમર્થનને સલુકાઈથી વડાપ્રધાનના સમર્થનના ખાંચામાં વાળી લેવામાં ન આવે.

કપરા સમયમાં રાજકીય ટીકાથી દૂર રહેવું જોઈએ, એવું ઘણાને લાગી શકે. તેને કહેવાનું કે કેટલો કપરો સમય છે એ મને બરાબર ખબર છે. એટલે જ, મારે નાગરિક તરીકે જે કરવાનું છે તે હું કરી જ રહ્યો છું. વડાપ્રધાને આપેલા લોક ડાઉનના એલાનનું સપરિવાર વફાદારીપૂર્વક પાલન કરી રહ્યો છું. ઉપરાંત ક્યાંક મદદરૂપ થવાય તેનો પ્રયાસ પણ.

તેનો મતલબ એમ નથી કે આવા કપરા સમયમાં નાગરિક તરીકેની વિચારશક્તિ જવાબો આપવાથી કતરાતા નેતૃત્વના શરણે મૂકી દેવી.

કોરોનાના પ્રસારને અટકાવવાના તમામ પ્રયત્નોમાં યથાશક્તિ સહભાગી થઈને, નેતૃત્વનાં દેખીતાં ગાબડાં વિશે સવાલો કરતા રહેવું, એ પણ દેશના નાગરિક તરીકેની ફરજ છે.

વડાપ્રધાને દેશને લોક ડાઉન કરવાનું એલાન આપ્યું છે, મગજને લોક ડાઉન કરવાનું નહીં.

Monday, March 23, 2020

કોરોના વાઇરસ પછીનું વિશ્વ આપણે કેવું ઈચ્છીએ છીએ?

યુવાલ નોઆ હરારી / Yuval Noah Harari

Sapien અને Homo Deus જેવાં સરસ અને સુપરહિટ પુસ્તકોના લેખક હરારીનો આ લેખ ૨૦ માર્ચના રોજ Financial Times માં છપાયો હતો. તેનો વાંચવા-વિચારવાના આનંદ ખાતર--અને કોરોના વિશેનાં કેટલાંક ચિંતાજનક ચિંતનીયાં લખાણો જોયા પછી, વાચકો પ્રત્યેની અનુકંપાથી પ્રેરાઈને-- કરેલો અનુવાદ. 
(રસ ધરાવતા મિત્રો માટે મૂળ લેખની લિન્ક)


માનવજાત હાલમાં વૈશ્વિક ખતરાનો સામનો કરી રહી છે. આપણી પેઢીએ જોયેલી કદાચ આ સૌથી મોટી આફત હશે. હવે પછીનાં અઠવાડિયાંમાં લોકો અને સરકારો જે નિર્ણય લેશે તે આવનારાં વર્ષોમાં દુનિયા કેવી હશે એ નક્કી કરવામાં મહત્ત્વનાં સાબીત થઈ શકે છે. માત્ર આરોગ્યસુવિધાઓ જ નહીં, અર્થતંત્ર, રાજકારણ અને સાંસ્કૃતિક બાબતોમાં પણ તેની અસર પડશે. આપણે ત્વરિત અને નિર્ણાયક પગલાં ભરવાં પડશે. સાથોસાથ, આપણાં પગલાંની લાંબા ગાળાની અસરોને પણ ધ્યાનમાં લેવી પડશે. વિકલ્પોની પસંદગી કરતી વખતે આપણે વર્તમાન ખતરાના મુકાબલા ઉપરાંત એ પણ વિચારવું જોઈશે કે એક વાર આ મુસીબત પસાર થઈ જાય ત્યાર પછીની આપણી દુનિયા કેવી થશે.  હા, વર્તમાન વાવાઝોડું તો પસાર થઈ જશે. માનવજાત ટકી જશે, આપણામાંથી મોટા ભાગના જીવીત રહેશે, પણ ત્યાર પછીની આપણી દુનિયા બદલાઈ જશે.

વર્તમાન આપત્તિ માટે લેવાયેલાં ઘણાં પગલાં કાયમી બની જશે. આપત્તિઓની એ જ પ્રકૃતિ હોય છે. તે ઐતિહાસિક પ્રક્રિયાઓની ઝડપને એકદમ વધારી મૂકે છે. સામાન્ય સંજોગોમાં જે નિર્ણય લાંબી વિચારણા પછી લેવાય, તે આવા સંજોગોમાં કલાકોમાં થઈ જાય છે. કાચીપાકી અને ખતરનાક ટેકનોલોજી પણ વપરાવા લાગે છે.  કેમ કે, કશું નહીં કરવાનું જોખમ ઘણું મોટું હોય છે. વિશાળ સ્તરના સામાજિક પ્રયોગોમાં આખેઆખા દેશો પ્રયોગનું સાધન બની જાય છે.

બધા લોકો ઘરેથી કામ કરવા માંડે ને એકબીજાથી સલામત અંતર રાખીને જ વાત કરતા થઈ જાય તો શું થાય? અને બધી શાળાઓ-યુનિવર્સિટીઓ ઓનલાઇન થઈ જાય તો? સામાન્ય સ્થિતિમાં સરકારો, ધંધાદારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આવા પ્રયોગ માટે કદી તૈયાર ન થાય. પણ આ સામાન્ય સ્થિતિ નથી.

આપત્તિના આ સમયમાં આપણે ખાસ તો બે બાબતોમાં પસંદગી કરવાની છે. પહેલી પસંદગી એકહથ્થુ (સરમુખત્યારશાહી પ્રકારની) દેખરેખ અને નાગરિક સશક્તિકરણ વચ્ચેની છે, તો બીજી રાષ્ટ્રની અલગતા અને વૈશ્વિક સાથસહકાર વચ્ચેની.

શરીરની અંદર સુધીનો ચોકીપહેરો
મહામારીને રોકવા માટે આખેઆખા લોકસમુદાયે અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. તે બે રીતે થઈ શકે.  પહેલી રીતમાં, સરકાર લોકો પર ચોકીપહેરો રાખે અને નિયમો તોડનારને સજા કરે.

માનવજાતના ઇતિહાસમાં પહેલી વાર, ટેક્નોલોજીના પ્રતાપે માણસ પર ચોવીસ કલાક દેખરેખ રાખવાનું શક્ય છે.  પચાસ વર્ષ પહેલાં, સોવિયેત રશિયાની (ખતરનાક) જાસુસી સંસ્થા કેજીબી પણ ૨૪ કરોડ રશિયનો પર ૨૪ કલાકનો ચોકીપહેરો રાખી શકે અને ૨૪ કલાક દરમિયાન મળતી માહિતીનું અર્થઘટન કરી શકે, એવી ક્ષમતા ધરાવતી ન હતી. કેજીબી પાસે ત્યારે જાસુસો અને વિશ્લેષકો હતા, પણ તે કેટલા હોય? દરેક માણસ પાછળ તો એક જાસુસ લગાડી શકાય નહીં.  પણ હવે સરકારોને માણસ પર આધાર રાખવાની જરૂર નથી. તેમની પાસે સર્વવ્યાપી સેન્સર અને શક્તિશાળી અલ્ગોરિધમ (ખાસ પ્રકારની ક્ષમતા ધરાવતા કમ્પ્યુટર પ્રોગ્રામ) હાજર છે.

કોરોના વાઇરસ સામેના જંગમાં ઘણે ઠેકાણે ચોકીપહેરા માટેનાં નવાં સાધનો વપરાયાં છે. તેમાં સૌથી નોંધપાત્ર કિસ્સો ચીનનો છે. લોકોના સ્માર્ટફોન પર કડક જાપ્તો રાખીને, ચહેરાની ઓળખ કરનારા કેમેરા લાખોની સંખ્યામાં વાપરીને, લોકોને તેમના શરીરનું તાપમાન અને બીજી તબીબી વિગતો તપાસવાની અને તેને સરકારમાં જણાવવાની ફરજ પાડીને, ચીન વાઇરસના વાહકોને ઝડપથી ઓળખી શકે છે, એટલું જ નહીં, તે ક્યાં જાય છે અને કોના સંપર્કમાં આવે છે, તે પણ જાણી શકે છે. ઘણાં મોબાઇલ એપ લોકોને વાઇરસગ્રસ્તોથી નજીદીકીની ચેતવણી આપે છે.

આવી ટેકનોલોજી પૂર્વ એશિયા પૂરતી સીમિત નથી. ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ, સામાન્ય રીતે ત્રાસવાદીઓ પર દેખરેખ રાખવા માટે વપરાતી ટેક્નોલોજી કોરોનાગ્રસ્ત દર્દીઓનું પગેરું રાખવા માટે વાપરવાની સત્તા ઇઝરાઇલ સિક્યુરિટી એજન્સીને આપી દીધી.  સંસદની સંબંધિત ઉપસમિતિએ આ પગલા સામે વાંધો ઉઠાવ્યો, ત્યારે નેતાન્યાહુએ તેને 'આપત્તિકાલીન ફરમાન' તરીકે જાહેર કરીને અમલી બનાવી દીધી.

તમને થશે કે એમાં નવું શું છે? છેલ્લાં વર્ષોમાં સરકારો અને કંપનીઓ લોકોની હિલચાલનું પગેરું દાબવા, તેમની પર દેખરેખ રાખવા અને તેમને ભરમાવવા માટે વધુ ને વધુ પ્રમાણમાં આધુનિક ટેક્નોલોજી વાપરી રહ્યાં છે.

છતાં, આપણે સાવધ ન રહીએ તો કોરોનાની મહામારી ચોકીપહેરો રાખવાની કામગીરીના ઇતિહાસમાં મહત્ત્વનો વળાંક બને એમ છે.  કેમ કે, અત્યાર સુધી જે દેશોએ સામુહિક જાપ્તા માટેની ટેકનોલોજી અપનાવી ન હતી, તે પણ એ રસ્તે જઈ શકે છે. એટલું જ નહીં, દેખરેખનું ક્ષેત્ર ‘ઓવર ધ સ્કીન’ કહેવાતી બાહ્ય બાબતો ઉપરાંત ‘અન્ડર ધ સ્કીન’ એટલે કે શરીરની આંતરિક માહિતીના સ્તરે વિસ્તરી શકે છે.

અત્યાર સુધી તમારી આંગળી સ્માર્ટફોનને અડે અને કોઈ લિન્ક પર તે ક્લિક કરે, તો સરકારને એ જાણવું હોય કે તમે કઈ લિન્ક પર ગયા. પણ કોરોના વાઇરસને કારણે સરકારની દેખરેખનું ક્ષેત્ર બદલાય છે. હવે સરકાર એ જાણવા ઇચ્છે છે કે તમારી આંગળીનું તાપમાન કેટલું છે અને  લોહીનું દબાણ—બ્લડ પ્રેશર—કેટલું છે.

ઇમરજન્સી પુડિંગ ઉર્ફે ગુંદરીયા કટોકટી
દેખરેખ અને જાપ્તાને લગતી એક સમસ્યા એ છે કે આપણી પર કઈ હદનો જાપ્તો રખાય છે અને આગામી સમયમાં તે ક્યાં સુધી પહોંચશે, તે જ આપણે જાણતા નથી. જાપ્તો રાખવાની ટેક્નોલોજી પ્રચંડ ઝડપે વધી રહી છે. દસ વર્ષ પહેલાં જે વિજ્ઞાનકથા જેવું લાગતું હતું, તે હવે વાસી સમાચાર ગણાય છે.

એક કાલ્પનિક પ્રયોગ વિચારી જોઈએ. ધારો કે સરકાર બધા નાગરિકોને હાથે એક બાયોમેટ્રિક પટ્ટી પહેરવાનું કહે છે. તેનો આશય પહેરનારના શરીરનું તાપમાન અને તેના હૃદયના ધબકાર માપવાનો છે. આ પટ્ટી થકી મળતો ડેટા સરકાર એકત્ર કરે છે અને અલ્ગોરિધમ (ચોક્કસ પ્રકારનું પ્રોગ્રામિંગ ધરાવતાં કમ્પ્યુટર) વડે તેનું અર્થઘટન થતું રહે છે. આવી સ્થિતિમાં, માણસ બીમાર છે તેની જાણ તેને પોતાને થાય તે પહેલાં કદાચ સરકારી અલ્ગોરિધમને થઈ જશે. તેને એ પણ ખબર પડી જશે કે તમે ક્યાં છો અને કોને કોને મળ્યા. તેના લીધે ચેપનો સિલસિલો ટૂંકાવી શકાશે કે સદંતર રોકી શકાશે. આવી વ્યવસ્થા મોજૂદ હોય તો મહામારીને થોડા દિવસમાં જ અટકાવી શકાય. આ તો કેટલું સારું કહેવાય, નહીં?

તેની બીજી બાજુ એ છે કે તેનાથી નવા પ્રકારની ખતરનાક જાપ્તા પદ્ધતિને માન્યતા મળી જશે.  ધારો કે તમને ખબર પડે કે મેં એનડી ટીવીની નહીં, રીપબ્લિક ટીવીની લિન્ક પર ક્લિક કર્યું છે, તો તમને મારા રાજકીય વિચારો ને કદાચ મારા વ્યક્તિત્વ વિશે થોડો અંદાજ આવી શકે. પણ હું કોઈ વિડીયો જોતો હોઉં એ વખતે તમે મારા શરીરનું તાપમાન, હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર જાણી શકો તો તમને એ પણ ખબર પડે કે શાનાથી મને હસવું આવે છે, શાનાથી રડવું આવે છે અને ક્યારે જોરદાર ગુસ્સો આવે છે.

ગુસ્સો, આનંદ, કંટાળો અને પ્રેમ તાવ અને ખાંસીની માફક જ જૈવિક બાબતો છે, એ યાદ રાખવા જેવું છે.  જે ટેક્નોલોજી ખાંસી ઓળખી શકે તે હાસ્ય પણ પારખી શકે. સરકારો અને કંપનીઓ મોટા પાયે લોકોની આવી વિગતો સંઘરવાનું ચાલુ કરે, તો આપણી જાતને આપણા કરતાં એ લોકો વધારે ઓળખતા થઈ જાય. તે આપણી લાગણીઓ કલ્પી શકે, એટલું જ નહીં, તેની સાથે છેડછાડ કરીને આપણને કોઈ વસ્તુથી માંડીને કોઈ નેતા સુધીનું કંઈ પણ વેચી શકે. આ પ્રકારની દેખરેખ—બાયોમેટ્રિક મોનિટરિંગ-ની સરખામણીમાં કેમ્બ્રિજ એનાલિટીકાનું ડેટાકૌભાંડ તો પથ્થરયુગનું હોય એવું લાગે.

ધારો કે ઉત્તર કોરિયામાં વર્ષ ૨૦૩૦માં બધા નાગરિકોએ ચોવીસે કલાક કાંડે આવા પટ્ટા પહેરવાના છે. પછી તે કિમ જોંગ ઉનનું ભાષણ સાંભળી રહ્યા છે અને તેમાંથી કોઈના કાંડે પહેરેલો પટ્ટો એવું સૂચવે છે કે તેમને ભાષણ સાંભળીને ગુસ્સો આવી રહ્યો છે. તો પછી એ જણનું શું થાય તે વિચારી લેવાનું.

બાયોમેટ્રિક દેખરેખ કામચલાઉ અને આપત્તિના સમય પૂરતી જ છે, એવું કહી શકાય. એક વાર આપત્તિ જતી રહેશે, પછી એવી દેખરેખ પણ નહીં રહે.
પરંતુ કામચલાઉ પગલાંની માઠી બાબત એ છે કે આપત્તિ જાય ત્યાર પછી પણ તે રહી પડે છે. કારણ કે, કોઈક ખૂણેથી નવી આપત્તિ ડોકાતી જ હોય છે. મારા વતન ઇઝરાઇલમાં ૧૯૪૮માં સ્વતંત્રતાની લડાઈ ટાણે કટોકટી ઘોષિત કરવામાં આવી હતી. માધ્યમો પર સેન્સરશિપ, જમીનસંપાદન અને પુડિંગ બનાવવા ઉપર પ્રતિબંધ (આ ગમ્મત નથી) જેવાં પગલાં કામચલાઉ ધોરણે લેવાયાં. પછી યુદ્ધ તો ક્યારનું જીતાઈ ગયું, પણ ૧૯૪૮ની કટોકટી વખતે લેવાયેલાં ઘણાંખરાં કામચલાઉ પગલાં હજુ પણ અમલમાં છે. (કટોકટી વખતે આવેલો પુડિંગને લગતો વટહુકમ વર્ષ ૨૦૧૧માં રદ થયો, એટલી દયા.)

કોરોનાનો ચેપ સાવ અટકી જાય, દર્દીઓની સંખ્યા શૂન્ય પર પહોંચે, ત્યાર પછી પણ નાગરિકોની વિગતો ઝંખતી સરકારો કહી શકે છે કે કોરોનાના બીજા હુમલાની તૈયારીરૂપે તે બાયોમેટ્રિક ચોકીપહેરો ચાલુ રાખવા ઇચ્છે છે. અરે, કોરોના નહીં, તો આફ્રિકામાંથી આવતો ઇબોલા ને ઇબોલા નહીં તો...ટૂંકમાં, તમે મુદ્દો સમજી ગયા. છેલ્લાં થોડાં વર્ષોમાં આપણી પ્રાઇવસી--આપણી અંગતતા-અંગત વિગતો-માહિતી-ના અધિકાર માટે ભારે યુદ્ધ છેડાયેલું છે. કોરોના વાઇરસથી પેદા થયેલી કટોકટી આ યુદ્ધમાં નિર્ણાયક બની શકે છે. કારણ કે, લોકોને પ્રાઇવસી અને આરોગ્ય બેમાંથી એકની પસંદ કરવાનું કહેવામાં આવે તો લોકો આરોગ્ય જ પસંદ કરશે

સાબુ-ઇન્સ્પેક્ટર?
લોકોને પ્રાઇવસી અને આરોગ્યમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહેવું, એ જ અસલમાં સમસ્યાનું મૂળ છે. કારણ કે આ વિકલ્પો જ ખોટા છે. આપણે પ્રાઇવસી અને આરોગ્ય બંને સાથે મેળવી જ શકીએ અને આપણે તે બંને સાથે મેળવવાં જોઈએ. આપણે એકહથ્થુ જાપ્તો રાખતી પદ્ધતિને શરણે થયા વિના, નાગરિકોના સશક્તિકરણથી આપણી તબિયત સાચવી શકીએ અને કોરોનાનો ફેલાવો પણ અટકાવી શકીએ. છેલ્લાં થોડાં અઠવાડિયાંમાં કોરોનાને કાબૂમાં રાખવાના સૌથી સફળ પ્રયત્નો દક્ષિણ કોરિયા, તાઇવાન અને સિંગાપોરમાં જોવા મળ્યા. આ દેશોએ લોકો પર દેખરેખ રાખતી ટેક્નોલોજીનો થોડો ઉપયોગ ચોક્કસ કર્યો, પણ તેમનો મોટો આધાર ટેસ્ટ કરવા પર, સાચી માહિતી આપવા પર અને માહિતીથી સજ્જ લોકોના ઉત્સાહી સહકાર પર રહ્યો.

લાભદાયી સૂચનાઓનું પાલન કરાવવા માટે કેન્દ્રીય જાપ્તો અને આકરી સજાઓ એકમાત્ર રસ્તો નથી. લોકોને વૈજ્ઞાનિક માહિતી જણાવવામાં આવે અને લોકો સત્તાધીશો પર આ બાબતે વિશ્વાસ મૂકી શકતા હોય, તો સર્વશક્તિમાન સરકારની દેખરેખ વિના પણ લોકો કરવાયોગ્ય હશે તે કરશે. જાતે તૈયાર થયેલા અને યોગ્ય માહિતી ધરાવતા લોકો પોલીસના દંડે હંકારાતા અબુધ લોકો કરતાં વધારે શક્તિશાળી અને અસરકારક હોય છે.

સાબુથી હાથ ધોવાની જ વાત કરીએ. માનવજાતના આરોગ્યના મામલે આ બહુ મોટી પ્રગતિ હતી. આ સીધાસાદા પગલાથી દર વર્ષે લાખોના જીવ બચે છે. અત્યારે એ ભલે સામાન્ય લાગે, પણ પણ વિજ્ઞાનીઓને છેક ૧૯મી સદીમાં સાબુથી હાથ ધોવાના મહત્ત્વની જાણ થઈ. તે પહેલાં ડોક્ટર અને નર્સ પણ એક ઓપરેશન કર્યા પછી હાથ ધોયા વિના જ બીજું ઓપરેશન કરતાં હતાં. આજે અબજો લોકો રોજ હાથ ધુએ છે, તે શું કોઈ સાબુ-ઇન્સ્પેક્ટરથી ડરીને? ના, તેમને પોતાને એ મહત્ત્વ સમજાયું છે એટલે. હું સાબુથી હાથ ધોઉં છું. કારણ કે મેં વાઇરસ અને બેક્ટેરિયા વિશે સાંભળ્યું છે. મને ખબર છે કે એ ટચૂકડાં જીવ રોગ ફેલાવી શકે છે અને મને ખબર છે કે સાબુથી તેમને દૂર રાખી શકાય છે.

પણ આ સ્તરની સામેલગીરી અને સહકાર મેળવવા માટે ભરોસો જોઈએ. લોકોએ વિજ્ઞાન પર, જાહેર સંસ્થાઓના હોદ્દેદારો પર અને પ્રસાર માધ્યમો પર વિશ્વાસ મૂકવો પડે. છેલ્લાં થોડાં વર્ષોમાં બેજવાબદાર રાજનેતાઓએ ઇરાદાપૂર્વક વિજ્ઞાન પરના, જાહેર સંસ્થાઓના હોદ્દેદારો પરના અને પ્રસાર માધ્યમો પરના લોકોના વિશ્વાસમાં ગાબડું પાડ્યું છે. હવે આ જ બેજવાબદાર રાજનેતાઓ આપખુદશાહીના રસ્તો લેવા લલચાશે. તેમની દલીલ હશે કે લોકો બધું બરાબર જ કરશે એવો ભરોસો રખાય નહીં.

સામાન્ય સંજોગોમાં, વર્ષોથી ઉડી ગયેલો વિશ્વાસ રાતોરાત પાછો આણી શકાય નહીં. પણ આ સામાન્ય સંજોગો નથી. આપત્તિના સમયમાં મન ઝડપથી બદલાઈ શકે છે. તમારાં ભાઈભાંડુ સાથે વર્ષોથી તકરાર ચાલતી હોય, પણ આફતના સમયમાં તમને અચાનક સૌહાર્દ અને ભરોસાનો છૂપો ખજાનો મળી આવે અને તમે એકમેકની સાથે થઈ જાવ. માટે, જાપ્તો રાખવાની વ્યવસ્થાઓ ઊભી કરવાને બદલે લોકોનો વિજ્ઞાનમાં, જાહેર સંસ્થાઓના હોદ્દેદારોમાં અને પ્રસાર માધ્યમોમાં ભરોસો બેેસે, એ માટેના પ્રયાસ કરવા. તેમાં હજુ મોડું થયું નથી. નવી ટેક્નોલોજીનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ, પણ નાગરિકોના સશક્તિકરણ માટે. મારા શરીરના તાપમાન અને બ્લડપ્રેશર પર દેખરેખની હું તરફેણ કરું છું, પણ એ ડેટાનો ઉપયોગ સરકારને સર્વસત્તાધીશ બનાવવામાં ન થવો જોઈએ. ઉલટું, એ ડેટાથી મારા માટે વ્યક્તિગત પસંદગીના વિકલ્પ વધવા જોઈએ અને સરકારને તેના નિર્ણયો માટે જવાબદાર ઠેરવી શકવાની નાગરિકોની ક્ષમતા વધવી જોઈએ.

હું ચોવીસે કલાક મારી શારીરિક સ્થિતિ પર નજર રાખી શકતો હોઉં, તો હું ક્યારે બીજાના આરોગ્ય માટે જોખમરૂપ બનુ છું એ તો હું જાણી જ શકું, સાથોસાથ કઈ ટેવો મારા આરોગ્ય માટે ઉપકારક છે એની પણ મને ખબર પડે. કોરોના વાઇરસના પ્રસાર વિશેની પ્રમાણભૂત માહિતી મને જાણવા મળે અને હું તેનું વિશ્લેષણ કરી શકું તો મને એ પણ ખબર પડે કે સરકાર સાચું બોલે છે કે નહીં અને તે મહામારી સામે યોગ્ય નીતિ અપનાવી રહી છે કે નહીં. લોકો જ્યારે પણ દેખરેખની વાત કરે ત્યારે યાદ રાખો કે દેખરેખની ટેક્નોલોજી ફક્ત સરકાર લોકો પર નજર રાખવા નહીં, લોકો પણ સરકાર પર નજર રાખવા માટે વાપરી શકે.

આમ, કોરોના વાઇરસ નાગરિકતા માટે મહત્ત્વની કસોટી છે. આગામી સમયમાં આપણે સ્વાર્થી રાજનેતાઓ અને પાયા વગરનાં પડીકાંને બદલે વૈજ્ઞાનિક માહિતી અને આરોગ્યક્ષેત્રના નિષ્ણાતો પર ભરોસો મૂકવો જોઈએ. આપણે યોગ્ય પસંદગી નહીં કરીએ તો મહામૂલી આઝાદીને એમ સમજીને જતી કરી બેસીશું કે આરોગ્ય સાચવવાનો એ એક જ રસ્તો છે.

વૈશ્વિક આયોજનની જરૂર
બીજી મહત્ત્વની પસંદગી રાષ્ટ્રીય અલગતા અને વૈશ્વિક સહભાગીતા વચ્ચેની છે. મહામારી પોતે અને તેના કારણે પેદા થનારી આર્થિક મુશ્કેલી વૈશ્વિક સમસ્યાઓ છે. તેમને વૈશ્વિક સહકારથી જ અસરકારક રીતે ઉકેલી શકાય.

સૌથી પહેલાં તો, વાઇરસને હરાવવા માટે વૈશ્વિક સ્તરે માહિતીનું આદાનપ્રદાન જરૂરી છે. ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસ અને અમેરિકામાં ફેલાયેલા કોરોના વાઇરસ માણસને કેવી રીતે ચેપ લગાડવો એ વિશે વાત કરી શકવાના નથી. પણ કોરોના વાઇરસ સાથે કેવી રીતે કામ પાડવું તે વિશે ચીન અમેરિકાને ઘણું શીખવી શકે. ઇટાલીનો ડોક્ટર સવારમાં કોઈ શોધ કરે, તેની મદદથી એ સાંજે તાઇવાનમાં કોઈનો જીવ બચી જાય એવું બને. બ્રિટનની સરકાર અનેક નિર્ણયો વચ્ચે અટવાતી હોય તો તે મહિનાઓ પહેલાં એ પ્રકારની મૂંઝવણ અનુભવી ચૂકેલી કોરિયાની સરકારની સલાહ લઈ શકે.  પણ તેના માટે વૈશ્વિક સહકાર અને વિશ્વાસનું વાતાવરણ જોઈએ.

દેશો એકબીજા સાથે માહિતીના આદાનપ્રદાન માટે તથા નમ્રતાથી સલાહ લેવા માટે તૈયાર હોવા જોઈએ અને આ રીતે જે માહિતી તથા સૂઝ મળે તેની પર ભરોસો કરી શકવા જોઈએ. તબીબી સામગ્રી બનાવવામાં પણ વૈશ્વિક પ્રયાસોની જરૂર છે--ખાસ કરીને ટેસ્ટ કરવા માટેની કિટ અને શ્વાસ માટેનાં સાધનો. બધા દેશો બધું જાતે બનાવીને બધું દેશમાં જ ભરી રાખે તેને બદલે, વૈશ્વિક સંકલનથી ઉત્પાદન ઝડપી બનાવી શકાય અને જીવનરક્ષક ઉપકરણોનું વિતરણ વધારે ન્યાયી રીતે કરી શકાય. જેમ દેશો યુદ્ધના સમયે મહત્ત્વના ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરે છે, તેમ કોરોના વાઇરસ સામે માનવજાતના યુદ્ધમાં મહત્ત્વની ચીજોના ઉત્પાદનનું 'માનવીયકરણ' થવું જોઈએ. કોઈ સમૃદ્ધ દેશમાં ઓછા દર્દીઓ હોય તો તે પોતાની સાધનસામગ્રી વધારે કેસ ધરાવતા ગરીબ દેશમાં મોકલે અને તેને એવી ખાતરી હોય કે ભવિષ્યમાં તેને જરૂર પડશે તો બીજા દેશો મદદે આવીને ઊભા રહેશે.

એવું જ તબીબી ક્ષેત્રે કામ કરનારા લોકોની બાબતમાં પણ વિચારી શકાય. ઓછી અસર ધરાવતા દેશો તેમનો મેડિકલ સ્ટાફ સૌથી ખરાબ અસર ધરાવતાં ઠેકાણે મોકલી આપે. તેનાથી યજમાન દેશને મદદ મળે અને સ્ટાફને બહુમૂલ્ય અનુભવ. આગળ જતાં રોગનું ઠેકાણું બદલાય, તો સ્ટાફનો પ્રવાહ પણ એ દિશામાં ફંટાય.

આર્થિક મામલે પણ વૈશ્વિક સહયોગની જરૂર છે. અર્થતંત્ર અને પુરવઠાના તંત્રનો વૈશ્વિક વ્યાપ ધ્યાનમાં રાખતાં, જો બધી સરકારો બીજાની પરવા કર્યા વિના પોતાનું જ દીધે રાખે, તો અરાજકતા ફેલાય અને કટોકટી વધુ ગંભીર બને. અત્યારે વૈશ્વિક એક્શન પ્લાનની જરૂર છે અને એ પણ પહેલી તકે.

બીજી એક જરૂર આવનજાવન માટેની વૈશ્વિક સમજૂતી માટેની છે. બધી આંતરરાષ્ટ્રીય અવરજવર મહિનાઓ સુધી બંધ રાખવામાં મુસીબતોનો પાર નહીં રહે અને કોરોના વાઇરસ સામેની લડાઈમાં તે નડતરરૂપ બનશે. આથી, જરૂરી લોકોની અવરજવર સરહદપાર પણ ચાલુ રહે તે માટેની સમજૂતી જરૂરી છે. એવા લોકોમાં વિજ્ઞાનીઓ, તબીબો, પત્રકારો, રાજનેતાઓ અને ધંધાદારીઓનો સમાવેશ થઈ શકે. તે માટે એવો વૈશ્વિક કરાર કરી શકાય કે દરેક દેશ પોતાના માણસોને બહાર મોકલતાં પહેલાં તેનું પાકા પાયે ટેસ્ટિંગ કરશે અને પછી જ તેને વિમાનમાં બેસવા દેશે. આવા મુસાફરોને આવકારવામાં બીજા દેશોને પણ વાંધો ન હોય.

કમનસીબે, અત્યારે કોઈ દેશ આવું કશું કરતો નથી. આંતરરાષ્ટ્રીય સમુદાય સામુહિક ધોરણે લકવાગ્રસ્ત જણાય છે. આ બધાની વચ્ચે કોઈ પુખ્ત વિચારણાવાળો માણસ જ જાણે નથી. વિશ્વના ટોચના નેતાઓ વચ્ચે અઠવાડિયાઓ પહેલાં આવી બેઠક થઈ જવી જોઈતી હતી. જી-૭ દેશોના નેતાઓ આ અઠવાડિયે  માંડ વિડીયો કોન્ફરન્સ થકી ભેગા થયા, પણ તેમની બેઠકમાંથી કોઈ પ્લાન નીપજ્યો નથી.

અગાઉની વૈશ્વિક કટોકટીમાં-- જેમ કે, ૨૦૦૮ની વૈશ્વિક મંદીમાં કે ૨૦૧૪ની ઇબોલા મહામારી વખતે-- અમેરિકાએ વિશ્વનેતાની ભૂમિકા લીધી હતી. પણ વર્તમાન અમેરિકન તંત્રે એ પદ તજી દીધું છે.  તેણે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તેને માનવજાતના ભવિષ્ય કરતાં (ટ્રમ્પના સુત્ર 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન' સંદર્ભે) અમેરિકાની મહાનતામાં વધારે રસ છે.

આ તંત્રે તેના સૌથી નિકટના સાથીદારોથી પણ છેડો ફાડી નાખ્યો છે. અમેરિકાએ યુરોપીઅન યુનિઅનમાંથી આવનારા પર પ્રતિબંધ મૂકી દીધો, ત્યારે યુરોપીઅન યુનિઅનને વિશ્વાસમાં લેવાનું તો દૂર રહ્યું, એ બાબતે આગોતરી નોટિસ આપવાની તસ્દી પણ તેમણે લીધી ન હતી.  એક જર્મન ફાર્માસ્યુટિકલ કંપનીને વાઇરસની રસીના એકાધિકાર પેટ એક અબજ ડોલરની ઓફર કરીને અમેરિકાએ જર્મનીને પણ દુઃખી કર્યું છે. તેમ છતાં, વર્તમાન તંત્ર પાટો બદલે અને ફરી વિશ્વનેતાની ભૂમિકામાં આવે તો પણ, જે કદી જવાબદારી ન લે, ભૂલો સ્વીકારે નહીં અને દોષ બીજા પર ઢોળીને હંમેશાં જશ લેવા માટે તલપાપડ હોય એવા નેતાની પાછળ કોણ ઊભું રહે?

અમેરિકાએ છોડેલો શૂન્યાવકાશ બીજા દેશો નહીં ભરે તો વર્તમાન મહામારી અટકાવવાનું તો અઘરું પડશે જ, પણ ત્યાર પછીના સમયમાં આંતરરાષ્ટ્રીય સંબંધો પર તેની માઠી અસર પડશે. અલબત્ત, દરેક આપત્તિમાં તક છુપાયેલી હોય છે. વૈશ્વિક કુસંપથી પેદા થનારા ખતરાનો અહેસાસ માનવજાતને   વર્તમાન આપત્તિ નિમિત્તે થાય, એવી આપણે આશા રાખીએ.

માનવજાતે પસંદગી કરવાની વેળા છે. આપણે કુસંપનો રસ્તો લઈશું કે વૈશ્વિક સાથસહકારનો? આપણે કુસંપના માર્ગે ચાલીશું તો તેનાથી વર્તમાન આપત્તિ લંબાશે, એટલું જ નહીં, ભવિષ્યમાં તેનાથી મોટી આપત્તિની સંભાવના ઊભી થશે.
આપણે વૈશ્વિક સ્તરે સાથસહકાર અપનાવીશું તો તે ફક્ત કોરોના વાઇરસ સામેની જ નહીં, એકવીસમી સદીમાં માનવજાત સામે આવનારી બધી મહામારીઓ અને કટોકટી સામેની જીત હશે. 
***
નોંધઃ હરારીના પુસ્તક Sapienનો મિત્ર રાજ ગોસ્વામીએ કરેલો ગુજરાતી અનુવાદ આર. આર. શેઠની કંપની દ્વારા પ્રગટ થયો છે. પુસ્તક મેળવવાની લિન્કઃ
https://www.instamojo.com/@rrsheth/l275368fa098d4836ad7d64bcde0786c7/

કોરોના અને આપણે

(ફેસબુક પરની બે પોસ્ટનું સંકલન, કાયમી સંદર્ભ માટે)
(૨૦-૩-૨૦)

નેતા કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પર અવિશ્વાસ હોય કે તેમની ઘણીખરી 'નીતિ'ઓની ટીકા કરવાની થતી હોય તો પણ, કોરોના વાઇરસના મુદ્દે તેમણે કશું ટીકાપાત્ર કહ્યું હોય એવું ધ્યાનમાં નથી. હા, 'જનતા કરફ્યુ' જેવા વિરોધ પ્રદર્શન સાથે સંકળાયેલા શબ્દની આખી અર્થચ્છાયા તેમણે બદલી નાખી, પણ એ સિવાય ટ્રમ્પે કરેલી મૂર્ખામીઓ જેવું કશું હજુ સુધી તેમણે કર્યું નથી કે નથી કશું નુકસાનકારક કર્યું.

તેમણે ભલે એકલા રવિવારની વાત કરી, હકીકતમાં આગામી દિવસોમાં જરૂર ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળી શકાય તો સારું. 'સાહેબે કહ્યું એટલે રવિવારે તો ટાળવું જ પડશે' અને 'મોદીએ કહ્યું છે એટલે રવિવારે તો ખાસ નીકળવું પડશે'--એ બંને પ્રકારની પ્રતિક્રિયાથી બચીને, પુખ્ત વયની વ્યક્તિ તરીકે શક્ય તેટલી તકેદારી આવનારા દિવસોમાં આપણે જ રાખવાની

આ સંજોગોમાં રોજ કમાઈને રોજ ખાનાર સેંકડો પરિવારોનું શું થશે, એવો વિચાર ઘણાબધાને આવતો હશે, મને પણ આવે છે. અલબત્ત, તેમાં સરકારનો વાંક કાઢી શકાય નહીં. કેમ કે સૌના આરોગ્યનો-સલામતીનો સવાલ છે.

વાઇરસના આક્રમણથી બચવાના મામલે સરકારની મહાનતા કે સરકારની અધમતાની ચર્ચાને ઓછામાં ઓછી ત્રણેક ફૂટ દૂર રાખીને આપણાથી બનતું કરવા જેવું છે.
***
(૨૨-૩-૨૦)
 - ચેપગ્રસ્ત ન હોય એવા લોકોએ માસ્ક પહેર્યો એટલે રાજા થઈ ગયા, એવું માની લેવાની જરૂર નથી. માસ્ક એ વાઇરસ સામેના રક્ષણની પહેલી દીવાલ છે. એટલે માસ્ક પહેર્યા પછી ગાફેલ થવાને બદલે વધારે સાવચેતી રાખવી જોઈએ—ખાસ કરીને માસ્કના ઉપયોગમાં. તેને દોરીથી જ પકડવો, ભીનો થાય તો કાઢી નાખવો. માસ્કના મુખ્ય ભાગ પર હાથ ન લાગે તેનું ધ્યાન રાખવું. ભૂલેચૂકે માસ્કના આગળના ભાગમાં હાથ અડી જાય તો (અને એ સિવાય પણ) હાથ ધોતા રહેવું. આ બાબતમાં જરાય બેદરકારી દાખવવાથી માસ્ક રક્ષણને બદલે મુશ્કેલી પેદા કરનારો પણ બની શકે અને એવું થાય તો તેમાં માસ્કનો વાંક ન કાઢી શકાય.

- એવી જ રીતે, મોઢે રૂમાલ બાંધીને 'આપણે માસ્કની શી જરૂર?’ એવું માનતા લોકોએ વિચારવું કે રૂમાલ મોઢેથી છોડી નાખ્યા પછી તેનું શું થાય છે? એ રૂમાલ બીજા કોઈ કામમાં ન વપરાવો જોઈએ અને સીધો સારી રીતે, ધોવાઈ જવો જોઈએ. ફક્ત સાદા પાણીથી નહીં, પણ જંતુનાશક ભેળવેલા પાણીથી.

- ક્યાંક મ્યુનિસિપાલિટીઓએ સફાઈ ઝુંબેશ ઉપાડી છે. સફાઈ જ્યારે પણ થાય ત્યારે સારું જ છે. પણ આ વાઇરસના પ્રસરવા સાથે જાહેર સફાઈઝુંબેશને સીધી લેવાદેવા નથી. જાહેર સ્વચ્છતા હોય તો તબિયત સારી રહે અને બીજી બિમારીઓ દૂર હોય તો વાઇરસની ઘાતક અસરની સંભાવના ઓછી રહે.

-એક વાત યાદ રાખવીઃ તમે મોટા પહેલવાન હો તો પણ, વાઇરસનો ચેપ તો લાગી જ શકે છે. વિવિધ ચીજોથી તમે કેળવેલી રોગપ્રતિકારક શક્તિ વાઇરસનો મુકાબલો કરવામાં ખપ લાગી શકે છે, તેનો ચેપ રોકવામાં નહીં. એક વાર ચેપ લાગ્યા પછી મોટા ભાગના લોકો માટે તે જીવલેણ નીવડતો નથી. પણ ચેપ લાગ્યા પછી કેવા ધંધે લાગવું પડે, એ હવે અલગથી કહેવાની જરૂર નથી.
માટે, ગમે તેવી મહાન રોગપ્રતિકારક શક્તિ ચેપ રોકવામાં કામ નહીં લાગે, એ બાબત બરાબર સમજી લેવી અને તેના વિશે જરાય ભ્રમમાં ન રહેવું.

- વાઇરસને હળવાશથી લેવાનું સૂચવતાં કે તેના તેના નિમિત્તે ફિલસૂફી ઝાડતાં લખાણોથી કે આખી વાતને જોણું બનાવતા રાજકીય-બિનરાજકીય ગતકડાંથી ગેરરસ્તે દોરાવું નહીં.

- જનતા કરફ્યુ એટલે 'રજા' નહીં. શેરીમાં ટોળટપ્પાં મારવાનો, ક્રિકેટ રમવાનો કે બીજી સમુહપ્રવૃત્તિઓ કરવાનો ટાઇમ નહીં.

- એક દિવસના 'જનતા કરફ્યુ' પહેલાં અને પછી બધું મોકળું--એવું માની લેવું નહીં. આજે જનતા કરફ્યુને વડાપ્રધાનનો આદેશ ગણીને પોલીસ પણ તેનો અમલ કરાવવા નીકળે છે. જનતા કરફ્યુના મૂળભૂત ખ્યાલથી વિપરીત, રેલવે-બસતંત્રે પણ સેવાઓ બંધ રાખી છે.
'જનતા કરફ્યુ'નું એલાન જનતાએ નહીં, પણ વડાપ્રધાને આપ્યું હોય ત્યારે આવું જ થાય. બધા મૂળ વાત સમજ્યા વિના સાહેબેચ્છાનો અમલ કરાવવા કોશિશ કરે. કાલથી પોલીસ ન પણ આવે, ટ્રેન-બસ ચાલુ પણ થાય, છતાં બને ત્યાં સુધી લોકસંપર્ક ટાળવા જેવો છે. તેને રાજકીય વિરોધ કે વફાદારીનો મુદ્દો બનાવ્યા વિના, વ્યક્તિગત અને સામુદાયિક આરોગ્ય માટે તે જરૂરી છે.

- સાંજે તાળીઓ પાડવી કે નહીં, થાળીઓ ખખડાવવી કે નહીં, તે તમારી મુન્સફીની વાત છે. યાદ રાખવા જેવું એ છે કે જે વાઇરસના મુકાબલામાં કે એ દરમિયાન બીજી કોઈ પણ રીતે મદદરૂપ થતા હોય તેમની કદર કાયમી ધોરણે મનમાં રાખવી અને વ્યક્ત પણ કરવી.

- આ વાઇરસ અતિગંભીર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ૨૦ માર્ચની રાત સુધીના આંકડા પ્રમાણે, આખા વિશ્વમાં ત્યાં સુધીમાં કુલ બે લાખ છાસઠ હજાર તોંતેર કેસ નોંધાયા. તેમાંથી બત્રીસ હજાર તો છેલ્લા ચોવીસ કલાકમાં. કુલ મૃત્યુ આંક ૧૧,૧૮૪. છેલ્લા ચોવીસ કલાક (૨૦ માર્ચ)માં ૧,૩૪૪.

- WHO પાસેથી આંકડા સહિતની સત્તાવાર વિગતો સીધી મેળવવી હોય તો આ નંબર પર વોટ્સએપ મેસેજમાં Hi લખી મોકલો. નંબરઃ +41 79 893 1892

Friday, March 06, 2020

કોરોના વાઇરસઃ સીધા સવાલ, સરળ જવાબ

વૈશ્વિક સ્તરે ફેલાઈને અત્યાર લગી ત્રણ હજારથી વધુ મૃત્યુ માટે જવાબદાર કોરોના વાઇરસ/CoronaVirusને જરાય હળવાશથી લેવા જેવો નથી, તેમ માથે આભ પડ્યું હોય એ રીતે બાવરા થઈ જવાની પણ જરૂર નથી. થોડી પ્રાથમિક હકીકતો જાણી લઈએ, તો ઘણીબધી શંકાઓ દૂર થઈ શકે તેમ છે.

કોરોના વાઇરસ પહેલી વારનો છે?
ના. કોરોના 'પરિવાર’માં સેંકડો વાઇરસનો સમાવેશ થાય છે. તેમાંથી સાત વાઇરસ એવા છે,  જે માણસજાતને 'વળગે' છે. છેલ્લા ત્રણ દાયકા જેટલા ટૂંકા ગાળામાં, કોરોના પરિવારના ત્રણ વાઇરસ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પહોંચ્યા છે.

એક મિનીટ...પ્રાણીઓમાંથી મનુષ્યોમાં, એટલે?
પ્રાણીઓને પાળવાથી માંડીને (મુખ્યત્વે ચીનમાં) અવનવાં પ્રાણીઓને આરોગવા સુધીના સંબંધો માણસે પ્રાણીઓ સાથે બાંધ્યા છે.  તેના કારણે કેવળ પ્રાણીઓના શરીર પર કે શરીરમાં નિવાસ કરતા વાઇરસ ગમે ત્યારે માણસમાં આવી શકે છે.  HIVથી માંડીને અત્યારના SARS-CoV-2 જેવા ઘણા વાઇરસ માણસને આવી રીતે જ લાગુ પડ્યા છે.

SARS-CoV-2...આટલું બધું ભારે નામ? અને પહેલાં તો તે n-CoV કહેવાતો હતો…
બરાબર છે. પહેલાં તેની પાકી ઓળખ થઈ ન હતી. એટલે તેનું કામચલાઉ નામ હતું, 'ન્યૂ કોરોના વાઇરસ' n-CoV. પછી તેનાં લક્ષણ પરખાયાં. લાગ્યું કે ઓહો, આ તો વર્ષ ૨૦૦૩માં પ્રગટ થયેલા આ જ પરિવારના વાઇરસ SARS- સીવીઅર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ-નો જ પિતરાઈ ભાઈ છે. એટલે  વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની 'ઇન્ટરનેશન કમિટી ઓન ટેક્સોનોમી ઓફ વાઇરસીસ’ તરફથી તેનું પાકું નામ પડ્યુંઃ SARS-CoV-2.  એટલે કે SARSના જ બીજા સ્વરૂપ જેવો કોરોના વાઇરસ. અને આ વાઇરસથી જે રોગ થાય તેનું નામ પડ્યું COVID-19 એટલે કે કોરોના વાઇરસ ડીસીઝ ૨૦૧૯.

એક આડવાતઃ વાઇરસનું વર્ગીકરણ કરીને તેનું નામ પાડતી સંસ્થા એટલા માટે જરૂરી કે જેથી કોઈ વ્યક્તિ કે પ્રદેશ કે લોકસમુદાયની બદનામી ન થાય. બાકી, SARS જેવા એક વાઇરસનું નામ હતુંઃ MERS (મીડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ)

બીજી આડવાતઃ આ પ્રકારના વાઇરસની રચના બહારની બાજુએ જાણે મુગટ હોય એવી છે. મુગટને અંગ્રેજીમાં ક્રાઉન/Crown અને લેટિનમાં કોરોના/Corona કહે છે. સૂર્યની ફરતેનો તેજોવલય પણ કોરોના કહેવાય છે.

આડવાતો બહુ થઈ. હવે મુખ્ય સવાલ. આ વાઇરસનો ચેપ કેટલો ઘાતક છે? તેનો ચેપ લાગે તો માણસ મરી જ જાય?
આ વાઇરસનો ચેપ એક વાર લાગે, ત્યાર પછી તેનું પોત પ્રકાશતાં બેથી બાર દિવસ જેટલો સમય લાગી શકે છે. (કેટલાક ઠેકાણે એક-બે દિવસ ઓછાવત્તા જોવા મળે છે). ત્યાં સુધી જેને ચેપ લાગ્યો છે તેને ખબર ન પડે. છેવટે, તાવ, શ્વાસને લગતી તકલીફો, ક્યારેક પેટ- આંતરડાંમાં તકલીફ—એવા કોઈક લક્ષણ તરીકે વાઇરસ પોતાની હાજરી છતી કરે.

એક વાર દર્દી ઓળખાઈ જાય ત્યાર પછી તે બીજાને ચેપ ન લગાડે, એવી રીતે તેની સારવાર કરવી પડે. સારવાર પછી મોટા ભાગના કિસ્સામાં દર્દી બચી જાય છે. જુદા જુદા ઠેકાણે જુદા જુદા આંકડા વાંચવા મળે છે અને હજુ તો વાઇરસની અસરો પૂરેપૂરી પ્રગટ થઈ રહી છે. છતાં, સલામત અંદાજ પ્રમાણે, વાઇરસ ધરાવતા સો દર્દીઓમાંથી બે કે ત્રણ લોકો મૃત્યુ પામી શકે છે.

આ ટકાવારી હજુ ઓછી હોવાનો સંભવ છે. જોકે, ફ્લુ જેવા રોગોમાં દર હજારે એક દર્દીના મૃત્યુની સંભાવના હોય છે. તેની સરખામણીમાં આ પ્રમાણ મોટું ગણાય.

ટૂંકમાં, આ બાજુ વાઇરસ લાગ્યો ને આ બાજુ વિકેટ પડી, એવું નથી. ઠીક. પણ એનો ચેપ લાગે શી રીતે?
વાઇરસનો ભોગ બનેલી વ્યક્તિ છીંક ખાય કે ઉધરસ ખાય,એ વખતે જે છાંટા ઉડે તેનાથી. આવી વ્યક્તિની ત્રણેક ફૂટ સુધીના અંતરે ઊભેલા લોકોમાંથી કોઈનાં આંખ, નાક કે મોંમાં એ છાંટાનો નરી આંખે ન દેખાતો અંશ જાય, તેમાં વાઇરસ હોવાની પૂરેપૂરી સંભાવના.

આવી રીતે ઉડેલા છાંટા ઓફિસમાં કે બીજાં ઠેકાણે આજુબાજુ રહેલી ચીજવસ્તુઓ પર ઉડે. (દા.ત. ફોન કે ટેબલ કે એવી કોઈ બધાના ઉપયોગની વસ્તુ), એ વસ્તુને સ્વસ્થ માણસ હાથમાં પકડે અને પછી પોતાનો જ હાથ તે આંખો, નાક કે મોં પર અડાડે, તો પણ વાઇરસનો ચેપ લાગી શકે.

દર્દી છીંક ખાય ને આપણે વધારે દૂર ઊભા હોઈએ, તો પણ વાઇરસ હવામાં તરીને આપણા સુધી પહોંચી ન જાય?
ના, અત્યાર સુધીનો અભ્યાસ કહે છે કે આ વાઇરસ હવાથી ફેલાતો નથી. તે આંખ, નાક અને મોં વાટે જ ફેલાય છે. શરીરના એ સિવાયના ભાગો પરથી પણ તે ચેપ લગાડતો નથી.

અચ્છા...તો પછી આવા ચેપની સંભાવનાથી બચવું શી રીતે?
ઉપદેશ આપનારા તો કહે છે કે લોકોના સમુહથી દૂર રહેવું. પણ સવા અબજના દેશમાં આવી સલાહ આપવાથી, સલાહ આપ્યાના સંતોષ સિવાય ખાસ કશો અર્થ નથી. વાસ્તવિક કામ એટલું થાય કે આપણી બાજુમાં કોઈને છીંક આવતી લાગે, તો આપણે આપણા રૂમાલથી મોં-નાક અને શક્ય હોય તો આખો ચહેરો ઢાંકી દેવો. ફક્ત મોં-નાક ઢાંકવાથી નહીં ચાલે, એ આપણે ઉપર જોયું.

આટલું પણ પૂરતું નથી. ચેપ લાગવાની સૌથી વધુ શક્યતા શબ્દશઃ આપણા હાથમાં હોય છે. વાઇરસ-દૂષિત જગ્યા પર આપણો હાથ અડે અને પછી એ હાથ આપણા જ આંખ-નાક-મોં પર અડે તે સૌથી મોટું જોખમ. એટલે આવી કોઈ પણ અજાણી ચીજને અડ્યા પછી પહેલી તકે હાથ વ્યવસ્થિત રીતે ધોઈ નાખવા. ફક્ત પાણીથી પખાળવાને બદલે સારી રીતે ધોવા. થોડો વખત સાબુની કરકસર નહીં કરો તો ચાલશે. પણ આ ઉપાય સૌથી અકસીર છે.

તમે આટલી પારાયણ કરી, પણ મૂળ ઉપાય તો બતાવ્યો જ નહીં...
કયો? માસ્ક પહેરવાનો?

હા, દુનિયાભરમાં લોકોએ માસ્ક પર દરોડો પાડ્યો છે… સાંભળ્યું છે કે એમેઝોન પર પણ માસ્ક ખૂટી પડ્યા છે…
ઉપર આપેલી વિગત વાંચ્યા પછી તમને લાગે છે કે આપણે માસ્ક પહેરવાની જરૂર હોય? માસ્ક દર્દીઓ માટે જરૂરી છે અને તેમની સારવાર કરનારા કે તેમની પાસે રહેનારા માટે. એ સિવાય બધા હઈસો હઈસોમાં માસ્ક લેવા દોડે, એટલે ઉલટાનો ગભરાટ ફેલાય, જરૂર વગરના લોકો માસ્ક પહેરીને ફરવા માંડે ને જરૂર હોય ત્યાં માસ્ક ખૂટી પડે...આવું હું નથી કહેતો, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કહે છે. તેણે લોકોને અપીલ કરવી પડી છે કે મહેરબાની કરીને માસ્કનો ઉપયોગ વિવેકપૂર્વક કરો. ખાતરી ન થતી હોય તો આ રહ્યું WHOની વેબસાઇટ પરનું લખાણઃ If you are not ill or looking after someone who is ill then you are wasting a mask. There is a world-wide shortage of masks, so WHO urges people to use masks wisely.

તમારી વાત પરથી એટલું લાગે છે કે પ્રાથમિક ધ્યાન રાખીએ તો બહુ હાયવોય કરવા જેવી નથી… પણ તો પછી દુનિયામાં ને અર્થતંત્રમાં પણ આટલી કાગારોળ કેમ મચી છે?
વાઇરસનો ચેપ ધમધમાટ પ્રસરવા ન લાગે, એ માટે બધા દેશો સાવધાન થઈ જાય, એટલે બીજા દેશોમાંથી ચીજવસ્તુઓ અને માણસો--એ બંને પર સીધી અસર પડે. એ આવજા ઓછી થાય, તેની સીધી અસર અર્થતંત્ર પર પડે.

તો પછી, ધુળેટી રમવી કે નહીં?
જેમને છીંકો કે ઉધરસ ન આવતી હોય એવી વ્યક્તિઓ સાથે, એટલે કે મોટા ભાગના પરિચિતો સાથે, પ્રેમથી ધુળેટી રમી શકાય.  છીંકો કે ઉધરસની જરા સરખી શંકા લાગે, તેવા સ્નેહીઓને કહી દેવાનું કે માસ્ક પહેરી લો. પછી રમીએ અને રમી લીધા પછી તરત હાથ સારી રીતે ધોઈ નાખવા.

હા, સેંકડોની સંખ્યામાં ડાકોર પદયાત્રામાં જવાનું ટાળવા જેવું ખરું--પણ એ તો વગર કોરોનાએ ટાળવા જેવું નથી લાગતું?

(નોંધઃ આ પ્રમાણભૂત અંગ્રેજી લેખો પરથી કરેલું ખપજોગું સંકલન છે.)

Sunday, March 01, 2020

દિલ્હીની કોમી હિંસા અને આપણે

એક મિત્રે પૂછ્યું કે દિલ્હીમાં મુસલમાન હિંસા કરતા હોય, એના વિડીયો પણ હોય, તો એ સંજોગોમાં આપણે શું કરવાનું? અથવા આપણું વલણ શું હોવું જોઈએ?

કોમવાદનો વિરોધ કરનારા ઘણા લોકોને પણ આ પૂછનાર જેવો સવાલ થઈ શકે. એટલે તેની જાહેરમાં જ વાત કરવી જોઈએ, એવું લાગતાં મારો જવાબ અહીં લખું છું.

- પહેલી વાત તો એ છે કે હિંસા કોઈ પણ કરે,  તે મને માન્ય નથી. કોમી હિંસાને બહુ તો સમજાવી શકાય, પણ તેને કોઈ કાળે વાજબી ઠરાવી શકાય નહીં.  હિંસા એ હિંસા જ છે--તે હિંદુની હોય કે મુસલમાનની, જમણેરીની હોય કે ડાબેરીની, આઘાતની હોય કે પ્રત્યાઘાતની. એકેય હિંસાને હું સમર્થન આપી શકતો નથી, વાજબી ઠરાવી શકતો નથી.

- 'તો પછી તમે મુસલમાનોની હિંસાની કેમ વાત કરતા નથી?’ એવો સવાલ દિલ્હીના સંદર્ભે થઈ શકે.  'તમે મુસલમાનોની હિંસાની ટીકા કરતા નથી અને ફક્ત હિંદુઓની હિંસાને વખોડો છું એ બરાબર ન કહેવાય. ન્યાય ખાતર તમારે બંનેની હિંસાને એકસરખી વખોડવી જોઈએ.’ એવું કોઈ કહી શકે. સાંભળવામાં બહુ તાર્કિક લાગે, એવી આ દલીલ થાય, ત્યારે સૌ પહેલાં એટલું વિચારવું પડે કે આ દલીલ કરનારનો આશય શો છે? બીજી શબ્દોમાં, મારી પ્રાથમિક ભૂમિકા જેમ કોઈ પણ હિંસાને અમાન્ય ગણવાની છે,  તેવી જ રીતે આ દલીલ કરનારને પણ બંને પક્ષોની હિંસા અસ્વીકાર્ય છે?

દિલ્હીની વાત કરીએ, તો 'તમે મુસલમાનોની હિંસાની કેમ વાત કરતા નથી?’ એવું કોણ પૂછે છે?
- જે લોકોને આટલા વખતથી ચાલતા શાહીનબાગના આંદોલનમાં જળવાયેલો સંયમ દેખાતો નથી તે?
- જે લોકો બે-ચાર મુસલમાનોના બેફામ બખાળાની સાથે બે મહિનાના શાહીનબાગના અહિંસક દેખાવોને કે સીએએના ટીકાકારોને દેશદ્રોહી કે દેશહિતવિરોધી કે હિંદુવિરોધી ગણાવવા તત્પર છે તે?
-સત્તાધારી પક્ષના નેતાઓ તથા જવાબદાર મંત્રીઓ તરફથી સતત થયેલા હિંસા ભડકાવવાના ભયંકર પ્રયાસ જેમને દેખાતા નથી અથવા તેમાં જેમને કશું વરવું લાગતું નથી, તે?

જો ઉપર જણાવ્યા છે એવા લોકો પૂછતા હોય,  તો તેમના સવાલને સવાલ તરીકે લેવાની અને તેનો જવાબ આપવામાં પડવા જેવું નથી.  કેમ કે, એવા ઘણાખરાને મન તે સવાલ નથી, હથિયાર છે. એ જાણવા માટે નહીં, પ્રહાર કરવા માટે વપરાય છે. તેનો આશય સત્તાધારી પક્ષપ્રેરિત હિંસાના આપણા દ્વારા થતા વિરોધને મોળો પાડવાનો હોય છે.

એવા સવાલનો ગમે તેટલો પ્રામાણિક જવાબ આપો, તેમાંથી કશો સંવાદ નીપજશે નહીં. કેમ કે, તે સવાલ ન્યાયવૃત્તિમાંથી પેદા થયેલો નથી. તેનો આશય સંવાદ નીપજાવીને સમજ અને શાંતિ સ્થાપવાનો નથી. આવો સવાલ ફેંકનારામાંથી કોઈ વડાપ્રધાનપ્રેમી હશે, કોઈ મુસ્લિમદ્વેષી, કોઈ કોંગ્રેસવિરોધી હશે, કોઈ 'આપ'વિરોધી, તો કોઈને ઉદારમતવાદી વલણ સામે વાંધો હશે. આ બધાનું ઓછુંવત્તું મિશ્રણ હોય એવા પણ ઘણા.

આવા લોકોમાંથી કોઈ આપણા માટે 'હિંદુવિરોધી' કે 'દેશહિતવિરોધી'  જેવાં પ્રમાણપત્રો ફાડે તો બચાવની મુદ્રામાં આવી જવું નહીં કે પોતાની તટસ્થતા વિશે શંકામાં ડૂબી જવું નહીં.  (આવા સવાલ પૂછનારામાંથી ઘણાને ગાંધીજી પણ હિંદુવિરોધી લાગતા હોય છે. એટલે, ચાલ્યા કરે.)

- 'પણ મૂળ સવાલ ઊભો રહ્યો. વિડીયોમાં હિંસા કરતા ઝડપાયેલા મુસલમાનોનું શું?’
એનો જવાબ બહુ સાદો છેઃ હિંસા કરતા કોઈ પણ માણસનું કાયદાના રાજમાં શું થવું જોઈએ?  એ જ વિડીયોમાં ઝડપાયેલી વ્યક્તિનું થવું જોઈએ. તે મુસલમાન હોય કે ન હોય, તેનાથી મને કશો ફરક નથી પડતો. મારી અપેક્ષા એટલી જ છે કે હિંસા ફેલાવનાર-ધીક્કાર ફેલાવનાર વ્યક્તિ કયા પક્ષની છે, તે જોયા વિના સરકાર તેની સામે એકસરખાં કડક પગલાં ભરે.

આવું ન થાય અને
- સરકાર ધરાર પોતાના પક્ષની ભયંકર કક્ષાની ઉશ્કેરણીઓ પ્રત્યે આંખ આડા કાન કરતી રહે,
- સરકાર અને તેના કોમવાદના સમર્થકો રાહ જોતા હોય કે ક્યારે મુસલમાન તોફાન કરતા ઝડપાય ને તેમને આગળ કરીને, અત્યાર સધી આપણા પક્ષે ફેલાવેલો બધો ધીક્કાર વાજબી ઠરાવી પાડીએ- હિંસાને 'પ્રતિકાર' તરીકે ખપાવી દઈએ.
- વાજબી જ શા માટે,  આવા ધીક્કારને અગમચેતીભર્યો ઠરાવવાની કોશિશો પણ થાય છે ('જોયું? અમે નહોતા કહેતા? આ લોકો તો છે જ એવા')

આવા સંજોગોમાં, ઉપર જણાવેલી માનસિકતા ધરાવતા લોકો આપણી પાસેથી મુસલમાનોની હિંસાની ટીકાની અપેક્ષા રાખે, ત્યારે આપણે શા માટે બચાવની મુદ્રામાં આવવું જોઈએ?

આપણી ભૂમિકા સ્પષ્ટ છેઃ હિંસા ફેલાવનાર-ધીક્કાર ફેલાવનાર વ્યક્તિ કયા પક્ષની છે, તે જોયા વિના સરકાર તેની સામે એકસરખાં કડક પગલાં ભરે.  અને તે એવું ન કરે,  ઉપરથી પોતે જ ધીક્કાર ફેલાવવામાં કારણભૂત બને, તો આપણે એ સરકારની ટીકા કરવી જ પડે.

તે વખતે મુસલમાનોની હિંસાની અલગથી ટીકા કરવાથી, સરકારપ્રેમીઓને તમને 'તટસ્થ' ગણશે એવા ભ્રમમાં ન રહેવું.  તમે તેમને કદી સંતોષી નહીં શકો. કારણ કે તેમની ભૂમિકા ન્યાયની નથી.

આપણે આપણી જાતને, આપણી નૈતિકતાને, થોડો મોટો શબ્દ વાપરીને કહું તો આપણા અંતરાત્માને જવાબદાર છીએ. તેમાં કોઈની હિંસા માટે કૂણી લાગણીને સ્થાન નથી--તરફેણ કરવાની તો બહુ દૂરની વાત છે.  આપણા મનમાં આટલી સ્પષ્ટતા હોય, ત્યાર પછી દિલ્હીમાં મોટા પાયે અને આક્રમક રીતે સરકારી રાહે ફેલાવાયેલા ધીક્કારની ગંભીર નોંધ લીધા વિના કેમ ચાલે?