Monday, March 23, 2020

કોરોના અને આપણે

(ફેસબુક પરની બે પોસ્ટનું સંકલન, કાયમી સંદર્ભ માટે)
(૨૦-૩-૨૦)

નેતા કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પર અવિશ્વાસ હોય કે તેમની ઘણીખરી 'નીતિ'ઓની ટીકા કરવાની થતી હોય તો પણ, કોરોના વાઇરસના મુદ્દે તેમણે કશું ટીકાપાત્ર કહ્યું હોય એવું ધ્યાનમાં નથી. હા, 'જનતા કરફ્યુ' જેવા વિરોધ પ્રદર્શન સાથે સંકળાયેલા શબ્દની આખી અર્થચ્છાયા તેમણે બદલી નાખી, પણ એ સિવાય ટ્રમ્પે કરેલી મૂર્ખામીઓ જેવું કશું હજુ સુધી તેમણે કર્યું નથી કે નથી કશું નુકસાનકારક કર્યું.

તેમણે ભલે એકલા રવિવારની વાત કરી, હકીકતમાં આગામી દિવસોમાં જરૂર ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળી શકાય તો સારું. 'સાહેબે કહ્યું એટલે રવિવારે તો ટાળવું જ પડશે' અને 'મોદીએ કહ્યું છે એટલે રવિવારે તો ખાસ નીકળવું પડશે'--એ બંને પ્રકારની પ્રતિક્રિયાથી બચીને, પુખ્ત વયની વ્યક્તિ તરીકે શક્ય તેટલી તકેદારી આવનારા દિવસોમાં આપણે જ રાખવાની

આ સંજોગોમાં રોજ કમાઈને રોજ ખાનાર સેંકડો પરિવારોનું શું થશે, એવો વિચાર ઘણાબધાને આવતો હશે, મને પણ આવે છે. અલબત્ત, તેમાં સરકારનો વાંક કાઢી શકાય નહીં. કેમ કે સૌના આરોગ્યનો-સલામતીનો સવાલ છે.

વાઇરસના આક્રમણથી બચવાના મામલે સરકારની મહાનતા કે સરકારની અધમતાની ચર્ચાને ઓછામાં ઓછી ત્રણેક ફૂટ દૂર રાખીને આપણાથી બનતું કરવા જેવું છે.
***
(૨૨-૩-૨૦)
 - ચેપગ્રસ્ત ન હોય એવા લોકોએ માસ્ક પહેર્યો એટલે રાજા થઈ ગયા, એવું માની લેવાની જરૂર નથી. માસ્ક એ વાઇરસ સામેના રક્ષણની પહેલી દીવાલ છે. એટલે માસ્ક પહેર્યા પછી ગાફેલ થવાને બદલે વધારે સાવચેતી રાખવી જોઈએ—ખાસ કરીને માસ્કના ઉપયોગમાં. તેને દોરીથી જ પકડવો, ભીનો થાય તો કાઢી નાખવો. માસ્કના મુખ્ય ભાગ પર હાથ ન લાગે તેનું ધ્યાન રાખવું. ભૂલેચૂકે માસ્કના આગળના ભાગમાં હાથ અડી જાય તો (અને એ સિવાય પણ) હાથ ધોતા રહેવું. આ બાબતમાં જરાય બેદરકારી દાખવવાથી માસ્ક રક્ષણને બદલે મુશ્કેલી પેદા કરનારો પણ બની શકે અને એવું થાય તો તેમાં માસ્કનો વાંક ન કાઢી શકાય.

- એવી જ રીતે, મોઢે રૂમાલ બાંધીને 'આપણે માસ્કની શી જરૂર?’ એવું માનતા લોકોએ વિચારવું કે રૂમાલ મોઢેથી છોડી નાખ્યા પછી તેનું શું થાય છે? એ રૂમાલ બીજા કોઈ કામમાં ન વપરાવો જોઈએ અને સીધો સારી રીતે, ધોવાઈ જવો જોઈએ. ફક્ત સાદા પાણીથી નહીં, પણ જંતુનાશક ભેળવેલા પાણીથી.

- ક્યાંક મ્યુનિસિપાલિટીઓએ સફાઈ ઝુંબેશ ઉપાડી છે. સફાઈ જ્યારે પણ થાય ત્યારે સારું જ છે. પણ આ વાઇરસના પ્રસરવા સાથે જાહેર સફાઈઝુંબેશને સીધી લેવાદેવા નથી. જાહેર સ્વચ્છતા હોય તો તબિયત સારી રહે અને બીજી બિમારીઓ દૂર હોય તો વાઇરસની ઘાતક અસરની સંભાવના ઓછી રહે.

-એક વાત યાદ રાખવીઃ તમે મોટા પહેલવાન હો તો પણ, વાઇરસનો ચેપ તો લાગી જ શકે છે. વિવિધ ચીજોથી તમે કેળવેલી રોગપ્રતિકારક શક્તિ વાઇરસનો મુકાબલો કરવામાં ખપ લાગી શકે છે, તેનો ચેપ રોકવામાં નહીં. એક વાર ચેપ લાગ્યા પછી મોટા ભાગના લોકો માટે તે જીવલેણ નીવડતો નથી. પણ ચેપ લાગ્યા પછી કેવા ધંધે લાગવું પડે, એ હવે અલગથી કહેવાની જરૂર નથી.
માટે, ગમે તેવી મહાન રોગપ્રતિકારક શક્તિ ચેપ રોકવામાં કામ નહીં લાગે, એ બાબત બરાબર સમજી લેવી અને તેના વિશે જરાય ભ્રમમાં ન રહેવું.

- વાઇરસને હળવાશથી લેવાનું સૂચવતાં કે તેના તેના નિમિત્તે ફિલસૂફી ઝાડતાં લખાણોથી કે આખી વાતને જોણું બનાવતા રાજકીય-બિનરાજકીય ગતકડાંથી ગેરરસ્તે દોરાવું નહીં.

- જનતા કરફ્યુ એટલે 'રજા' નહીં. શેરીમાં ટોળટપ્પાં મારવાનો, ક્રિકેટ રમવાનો કે બીજી સમુહપ્રવૃત્તિઓ કરવાનો ટાઇમ નહીં.

- એક દિવસના 'જનતા કરફ્યુ' પહેલાં અને પછી બધું મોકળું--એવું માની લેવું નહીં. આજે જનતા કરફ્યુને વડાપ્રધાનનો આદેશ ગણીને પોલીસ પણ તેનો અમલ કરાવવા નીકળે છે. જનતા કરફ્યુના મૂળભૂત ખ્યાલથી વિપરીત, રેલવે-બસતંત્રે પણ સેવાઓ બંધ રાખી છે.
'જનતા કરફ્યુ'નું એલાન જનતાએ નહીં, પણ વડાપ્રધાને આપ્યું હોય ત્યારે આવું જ થાય. બધા મૂળ વાત સમજ્યા વિના સાહેબેચ્છાનો અમલ કરાવવા કોશિશ કરે. કાલથી પોલીસ ન પણ આવે, ટ્રેન-બસ ચાલુ પણ થાય, છતાં બને ત્યાં સુધી લોકસંપર્ક ટાળવા જેવો છે. તેને રાજકીય વિરોધ કે વફાદારીનો મુદ્દો બનાવ્યા વિના, વ્યક્તિગત અને સામુદાયિક આરોગ્ય માટે તે જરૂરી છે.

- સાંજે તાળીઓ પાડવી કે નહીં, થાળીઓ ખખડાવવી કે નહીં, તે તમારી મુન્સફીની વાત છે. યાદ રાખવા જેવું એ છે કે જે વાઇરસના મુકાબલામાં કે એ દરમિયાન બીજી કોઈ પણ રીતે મદદરૂપ થતા હોય તેમની કદર કાયમી ધોરણે મનમાં રાખવી અને વ્યક્ત પણ કરવી.

- આ વાઇરસ અતિગંભીર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ૨૦ માર્ચની રાત સુધીના આંકડા પ્રમાણે, આખા વિશ્વમાં ત્યાં સુધીમાં કુલ બે લાખ છાસઠ હજાર તોંતેર કેસ નોંધાયા. તેમાંથી બત્રીસ હજાર તો છેલ્લા ચોવીસ કલાકમાં. કુલ મૃત્યુ આંક ૧૧,૧૮૪. છેલ્લા ચોવીસ કલાક (૨૦ માર્ચ)માં ૧,૩૪૪.

- WHO પાસેથી આંકડા સહિતની સત્તાવાર વિગતો સીધી મેળવવી હોય તો આ નંબર પર વોટ્સએપ મેસેજમાં Hi લખી મોકલો. નંબરઃ +41 79 893 1892

No comments:

Post a Comment