Tuesday, August 25, 2015

સામાજિક અન્યાય વિરુદ્ધ શક્તિપ્રદર્શન

માહોલ આત્મનિરીક્ષણને બદલે શક્તિપ્રદર્શનનો અને સમજપૂર્વકની ચર્ચાને બદલે પોતાનો કક્કો ખરો કરવાનો છે.  બહુમતીના અન્યાયબોધનું રાજકારણ ભડકાવનાર અને તેની પર પોતાના રોટલા શેકનાર સરકારને હવે બંદૂકના નાળચાની સામેની બાજુ ઊભા રહેવાનો વારો આવ્યો છે. કારણ કે પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં રેલીઓ કાઢીને, પોતાના કહેવાતા અન્યાયબોધની ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે. આ પ્રકારના દેખાવોમાં પારો ચઢેલો હોય ત્યારે સરકારને પાડવાથી ઓછી વાત હોતી નથી. સત્તાવાર રીતે પાટીદારો તેમનો સમાવેશ અન્ય પછાત જ્ઞાતિઓમાં (ઓબીસીમાં) થાય એવી માગણી કરી રહ્યા છે. એ ન સ્વીકારાય તો ગુજરાતની જ નહીં, દિલ્હીની સરકારને હચમચાવવાની ચીમકીઓ અપાઇ છે.

ગુજરાતનાં પટેલ મુખ્ય મંત્રીએ અત્યાર લગી પટેલોને બીજા વિકલ્પો વિશે સલાહ આપવાનું વલણ રાખ્યું છે.  દેશના ઓબીસી વડાપ્રધાન પહેલાં ગુજરાતમાં અને હવે રાષ્ટ્રિય સ્તરે જાણીતા બનેલા તેમના ખાસમખાસ અંદાજમાં મૌન છે. (વડાપ્રધાન વિશે ઓબીસી જેવો શબ્દપ્રયોગ જેમને ખૂંચ્યો હોય તેમના લાભાર્થે જણાવવાનું કે ખુદ વડાપ્રધાન એ હોદ્દે પહોંચ્યાં પહેલાં પોતાના ઓબીસી હોવાનો સીધો કે આડકતરો ભરપૂર પ્રચાર કરાવતા હતા.)  પટેલોને ઓબીસીમાં સામેલ કરવામાં આવે તેની સામે અન્ય પછાત જ્ઞાતિમાં હાલ સમાવિષ્ટ જ્ઞાતિઓમાંથી કેટલાકે વળતાં શક્તિપ્રદર્શન આરંભ્યાં છે.
આખી ચર્ચા બનવી જોઇતી હતી અન્ય પછાત જ્ઞાતિઓ-ઓબીસી- માટે નક્કી કરાયેલા પછાતપણાના માપદંડ વિશેની, પરંતુ મોટે ભાગે બનતું આવ્યું છે તેમ, આ ચર્ચાના એક ફાંટાને અનામતના વિરોધના પાટે ચડાવી દેવાયો છે.  વક્રતા એ વાતની છે કે એક શ્વાસમાં પોતાના માટે અનામત માગનારા ઘણા બીજા શ્વાસમાં મેરિટોક્રસી-ગુણવત્તાશાહીના નામે અનામતનો જોરશોરથી વિરોધ પણ કરે છે.

પોતાના માટે અનામત માગનારા અને બીજાને--ખાસ કરીને દલિતોને--મળેલી અનામતનો વિરોધ કરનારા પાયાની-પ્રાથમિક બાબતો વિશે વિચાર કરે તો પણ પોતાની માગણી વાજબી છે કે ગેરવાજબી, એ તેમને સમજાઇ જાય. ભારતના વિશિષ્ટ દૂષણ જેવી જ્ઞાતિપ્રથાને લીધે સેંકડો વર્ષોથી એવા સમાજનું નિર્માણ થયું, જેને મેરિટોક્રસી ઉર્ફે ગુણવત્તા સાથે કશી લેવાદેવા ન હોય. વ્યક્તિની જ્ઞાતિ એ જ તેની ગુણવત્તાનું અને તેની નીયતીનું અફર પ્રતિક બની રહે. (આ બાબતમાં અપવાદો ટાંકવા આવી જતા ઉત્સાહીઓએ સમજવું જોઇએ કે અપવાદો છેવટે નિયમનું અસ્તિત્ત્વ સાબીત કરતા હોય છે.) અમેરિકામાં કાળા લોકો સહિત દુનિયાના બીજા દેશોમાં થયેલા આ જાતના અન્યાયોમાં જ્ઞાતિપ્રથાની તોલે આવે એટલો લાંબો અને ગહન અન્યાય બીજો એકે નથી. માટે, ભારતમાં અનામત નક્કી કરતી વખતે જ્ઞાતિનો આધાર રાખવામાં આવ્યો. ચોક્કસ જ્ઞાતિના હોવાને કારણે સૈકાઓથી જેમને સમાન તક ન મળતી હોય, ચોક્કસ જ્ઞાતિના હોવાને કારણે જેમને સામાજિક રીતે નીચા અને કલંકિત ગણાવું પડતું હોય,ચોક્કસ્ જ્ઞાતિના હોવાને કારણે જેમને કહેવાતી ઉપલી જ્ઞાતિઓ તરફથી ભેદભાવ અને તુચ્છકાર વેઠવાં પડતાં હોય, એવી જ્ઞાતિઓને અનામતનો લાભ મળવો જોઇએ.

અનામત માટે રેલીઓ કાઢનારા પાટીદારોમાંથી કેટલા પોતાની છાતી પર હાથ મૂકીને ઇમાનદારીથી કહી શકશે કે -- પટેલ હોવાને કારણે અમારી સામે ભેદભાવ રાખવામાં આવ્યો... પટેલ હોવાના કારણે અમારે કલંકિત ગણાવું પડ્યું ને તુચ્છકાર વેઠવો પડ્યો... પટેલ હોવાને કારણે, બીજા કોઇ કારણસર નહીં, પણ ફક્ત પટેલ હોવાને કારણે,અમારા સમાજના લોકો ગરીબ રહ્યા... પટેલ હોવાને કારણે અમે અમારી અટક કે ઓળખ સુદ્ધાં ગૌરવભેર જાહેર કરી શકતા નથી... આ બધા જાત પાસે ઇમાનદારીથી માગવાના જવાબ છે. પાટીદાર સૂચક અટક હોવાને કારણે એડમિશન ન મળ્યુંએવી દલીલ પણ ટકે એમ નથી. કારણ સીધું છે : બીજા લોકો દ્વારા પાટીદારો સાથે થતા વ્યવહારમાં પાટીદારોની અટકને લીધે ભાગ્યે જ કશો ફરક પડે છે.

હવે પાટીદારોએ જાતને પૂછવા જેવા બીજા સવાલ : આપણામાંથી કેટલાએ ધંધા-નોકરીમાં ગુણવત્તા જોઇને- ન્યાયબુદ્ધિથી જ નિર્ણયો લીધા અને કેટલાએ પી ફોર પટેલની લાઇન ચલાવી છે? હકીકતમાં આ સવાલ ફક્ત પાટીદારોને નહીં, મેરિટોક્રસીના બહાને અનામતનો વિરોધ કરવા નીકળેલા સૌને છે. તેમાંથી કેટલા વાણિયા-બ્રાહ્મણ-પટેલને ધરીને ઉજળિયાત કે આપણા જેવાગણીને, પ્રગટ કે અપ્રગટ રીતે એ તરફ ઝૂકેલા છે અને છતાં પોતે બહુ તટસ્થ હોવાનો વહેમ સેવે છે? સૈકાઓના અન્યાય પછી માંડ બે-ત્રણ પેઢીથી અનામતના લાભ મેળવનાર દલિતોમાંથી સમૃદ્ધ થયેલા એક નાનકડા વર્ગને ચુનંદા શબ્દો વડે ઉતારી પાડનારા એટલું જાણે છે કે એ પોતાનામાં રહેલા હળાહળ જ્ઞાતિવાદી-પછાત માનસનું વરવું પ્રદર્શન કરી રહ્યા છે?

કેટલાક એવી (તેમના મતે) સચોટ દલીલ કરે છે કે અનામતથી સમાજમાં કશો ફાયદો થયો હોય તો અમને અનામત આપો, નહીંતર અનામત નાબૂદ કરી નાખો.તેનો સાદો જવાબ એ છે કે અનામતથી સામાજિક અસમાનતામાં બહુ મોટો ફેર પડ્યો નથી, પણ નાના પાયે, થોડા લોકોને તેનો ફાયદો અવશ્ય થયો છે. એ ફાયદો એટલો તો છે કે સામાજિક અન્યાયને દૂર કરવાની વધુ સારી- વધુ અસરકારક વ્યવસ્થા અમલમાં ન આવે, ત્યાં સુધી હાલની અનામત વ્યવસ્થા ચાલુ રાખવી પડે.

અનામતથી અમને અન્યાય થાય છેઅથવા બંધારણમાં તો સૌ માટે સમાનતાની વાત લખી હતી. અનામતની જોગવાઇથી બંધારણના હાર્દનો ભંગ થાય છે’--આવી દલીલ કરનારાની અન્યાયની સમજ બહુ વિશિષ્ટહોય છે.  કોઇ પોતાની ઓળખ માણસ તરીકેના ગૌરવથી જાહેર સુદ્ધાં ન કરી શકે, એ અન્યાય તેમને ઠીક છેપ્રકારનો લાગે છે. એક દલિત પોલીસ અફસરે એક પત્રકાર મિત્ર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારો બિનદલિત કમાન્ડો ધરાર મારા ઘરનું પાણી પીતો નથી. હું પીઠ ફેરવું કે તરત મારી કચેરીમાં મારા વિરુદ્ધ જ્ઞાતિગત અપશબ્દો ચાલુ થઇ જાય છે.આ ખૂણાખાંચરાના ગામડાની નહીં, મોટા શહેરની અને વર્ષ 2015ની વાત છે. (સંબંધિત અફસર સ્પર્ધાત્મક પરીક્ષામાંં અનામત બેઠક પર નહીં, મેરિટ પર પસંદ થયેલા છે.) એને અમાનવીય અન્યાય ગણવાનું તો બાજુ પર રહ્યું, મેરિટોક્રસીની વાતો કરતા મોટા ભાગના લોકો જ્ઞાતિને વિસરી શકતા નથી. 

બંધારણમાં લખેલી સમાનતાની વાતને હાડોહાડ અમાનવીય અન્યાયોમાં લાગુ પાડવાનું કે અન્યાયનું પ્રમાણભાન વિચારવાનું તેમને સૂઝતું નથી. સમાનતા જેવા પવિત્ર શબ્દને સંકુચિત સ્વાર્થ માટે દૂષિત કરી નાખતાં તેમને જરાય ખચકાટ થતો નથી. બીજી તરફ, પોતાના કે પોતાના ઓળખીતાનાં કોઇ બાળકને (કદાચ પોતાના જ સમાજના કોઇ દ્વારા સંચાલિત) કોલેજમાં ઊંચી ફી આપીને એડમિશન લેવું પડે, એમાં તેમને હાડોહાડ સામાજિક અન્યાયબોધ વ્યાપી જાય છે.  લોકશાહીમાં સૌને શાંતિમય રીતે પોતાના વાંધાવિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ દાવો જેટલો મોટો હોય, એટલાં ન્યાયબુદ્ધિ અને પ્રમાણભાનનાં કાટલાં વધારે ન્યાયી રાખવાં પડે.

Friday, August 21, 2015

સનત મહેતાની વિદાય

Sanat Mehta (centre) with Prakash N Shah (L) 7 Bhagwatikumar Sharma (R)
(Pic : Urvish Kothari)

ગુજરાતના જાહેર જીવનમાં બહુ મોડેથી રસ પડતો થયો. એટલે સનત મહેતાનું નામ અલપઝલપ કાને પડેલું. એનાથી વધારે કશો પરિચય નહીં. પછી ’દિવ્ય ભાસ્કર’ની તેમની કોલમથી અને પ્રકાશભાઇ (પ્રકાશ ન. શાહ), ચંદુભાઇ (ચંદુ મહેરિયા) જેવા વડીલ મિત્રોને કારણે તેમના કામનો થોડો પરિચય થયો. એ વિશિષ્ટ વિષયો પર લખતા. પહેલી નજરે એ શુષ્ક વિષયો લાગે. એમના લખાણમાં પણ કોઇ શૈલી આણવાનો પ્રયાસ નહીં. સીધીસાદી હકીકતો અને ખાસ્સા આંકડા હોય. પણ એટલું સમજાતું કે એ જે લખે છે, તે લખાવું બહુ જરૂરી છે. ગુજરાતની વિકાસવાર્તાનો એ સમાંતર પથ હતો, જે મુખ્ય ધારાના પત્રકારત્વમાં ખેડાય એ બહુ જરૂરી લાગતું હતું. 

સનતભાઇનો પરિચય થયો ત્યારે તે એંસી વટાવી ચૂકેલા, પણ કડેધડે લાગે. તેમને વૃદ્ધ ગણવાનું મન ન થાય. પોતે જે વિષયો પર લખતા એ અંગેની તેમની જાણકારી કોઇ પણ બીટ રીપોર્ટરને શરમાવે એટલી નક્કર અને અપ ટુ ડેટ રહેતી. એ અને પ્રકાશભાઇ મળે ત્યારે એ પ્રકાશભાઇને એકવચનમાં બોલાવે અને પ્રકાશભાઇ રાબેતા મુજબ સનતભાઇ સાથે પણ મસ્તી કરી લે, એ જોવાની બહુ મઝા આવે. સનતભાઇનો થોડો કડપ પણ ખરો. ઉંમર સાથે એ ઓસર્યો હશે, પણ એના અણસાર ક્યારેક જોવા મળી જાય. એમની સાથે કોઇ અદ્ધરતાલ વાત ન કરી શકે. જીભના આખા. કડવાની હદે આખા. રજનીભાઇએ (રજનીકુમાર પંડ્યાએ)  ઘણા વખત પહેલાં એક પ્રસંગ કહ્યો હતો. તેમની હાજરીમાં સનતભાઇને કોઇ મળવા આવ્યું. (મોટે ભાગે રાજકીય માણસ). એણે સનતભાઇનાં વખાણ શરૂ કર્યાં. એ બહુ ચાલ્યું, એટલે સનતભાઇએ ગાળ બોલીને કહ્યું, ’મને તો આ બધી ખબર જ છે. બહાર જઇને કહેને.’

સનતભાઇ સાથે પહેલી મુલાકાત મિત્ર અને એ વખતે અમદાવાદ દૂરદર્શનમાં કાર્યક્રમો તૈયાર કરતાં સિનિયર અફસર રૂપા મહેતા થકી થઇ. રૂપાબહેનના પપ્પા અને સનતભાઇ જૂના મિત્રો. એ નાતે રૂપાબહેન તેમના ’દૃષ્ટિકોણ’ ટોક શોમાં ચર્ચા માટે સનતભાઇને બોલાવે અને સનતભાઇ સવારે ગાડી લઇને વડોદરાથી નીકળીને વેળાસર સ્ટુડિયો પર પહોંચી જાય. એ કાર્યક્રમમાં એન્કર તરીકે મારે કાર્યક્રમ પહેલાં, દરમિયાન અને પછી તેમની સાથે સત્સંગ કરવાની તકો મળી. ત્યાર  પછી એ વક્તા હોય એવા બે-ત્રણ કાર્યક્રમમાં હું હતો. ઇન્દુલાલ યાજ્ઞિકની આઉટ ઓફ પ્રિન્ટ થઇ ગયેલી આત્મકથા તેમણે પુનઃપ્રકાશિત કરી, એ સમારંભનું મેં બહુ ભાવપૂર્વક બ્લોગ માટે રીપોર્ટિંગ કર્યું હતું. (તેની લિન્ક

એવી જ રીતે કનુભાઇ કળસરિયાની મહુવાથી ગાંધીઆશ્રમ (અમદાવાદ) સુધીની પદયાત્રામાં શારીરિક રીતે અશક્ત સનતભાઇને વ્હીલચેરમાં બેસીને પણ ધોમધખતા તડકામાં સામેલ થતા જોયા, ત્યારે તેમના માટેના માનમાં ઘણો ઉમેરો થયો હતો.  (લિન્ક) કેમ કે, મારી પેઢીના ભાગે આવા રાજકીય નેતાઓ જોવાના આવ્યા નહીં. 
Sanar Mehta (in wheel chair) in Dr.Kanu Kalsariya's rally. Ahmedabad
(Pic : Urvish Kothari)

’સાર્થક જલસો’ શરૂ કર્યું ત્યારે તેના બીજા અંકમાં સનતભાઇની વિસ્તૃત મુલાકાત લેવાનો ખ્યાલ હતો. એ માટે પ્રકાશભાઇ સાથે વડોદરા જઇને તેમને એક વાર નિરાંતે મળવું અને પછી ચંદુભાઇ મુલાકાત લે, એવું વિચાર્યું હતું. પણ એ બન્યું નહીં. તે આત્મકથા લખે એવી પણ બહુ ઇચ્છા હતી. પ્રકાશભાઇએ ગયા અઠવાડિયે સનતભાઇના સન્માન નિમિત્તે લખેલા લેખમાં પણ એ વાત મૂકી હતી. પરંતુ એ પણ બન્યું નહીં. 

સનતભાઇ સાથે છેલ્લો છેલ્લો પ્રેમસંવાદ છેલ્લા એકાદ મહિનામાં થયો. ’ભાસ્કર’માં જોડાયા પછી તેમનું મેટર તો તેમના ઓફિસ સહાયક દિલીપભાઇ મોકલી આપતા પણ એક વાર સનતભાઇનો ફોન આવ્યો. બસ, ભાસ્કરમાં વેલ કમ કરવા માટે.  બીજી વાર તેમણે મેટર સિવાયનું એક લખાણ મોકલ્યું. નીચે પોતાના અક્ષરમાં મને ઉદ્દેશીને બે લીટી લખી અને એ પત્ર મેં જોયો કે નહીં, એ પૂછવા માટે તેમણે ફોન કર્યો. 

એ પત્રમાં તેમણે ભાસ્કરની કોલમ વિશે પોતે કેટલા ચોક્કસ હતા અને એ કેટલી ફરજપૂર્વક--લગભગ ધર્મપૂર્વક લખતા હતા, એનો કિસ્સો એમણે લખ્યો હતો, જેમાં અગાઉ એ મૃત્યુના દરવાજે દસ્તક દઇને આવ્યા છતાં કોલમ પડવા દીધી ન હતી. એ પત્ર અને નીચે તેમના હસ્તાક્ષરમાં લખેલી નોંધ અહીં આપ્યાં છે. (એ ઝૂમ કરીને સારી રીતે વાંચી શકાશે.)


આ વખતની બિમારીમાં પણ તેમની તબિયતના ચઢાવઉતારના સમાચાર સાંભળીને એવું થતું કે સનતભાઇ ફરી એક વાર દસ્તક દઇને પાછા આવી જશે. પણ એવું ન બન્યું.

વંચિતો માટે લડનાર અને તેમના હિતને પોતાનો ધર્મ ગણનાર સનતભાઇને આખરી સલામ.
***

ચંદુ મહેરિયાએ આજના ’દિવ્ય ભાસ્કર’માં સનતભાઇને આપેલી અંજલિ

Tuesday, August 18, 2015

અનામત નિમિત્તે સમાજનું વાસ્તવદર્શન

પાટીદાર સમાજના અનામત-આંદોલન વિશે માથાં એટલી વાતો છે. આ આંદોલનમાં સરકાર સાથે વાતચીત કરી શકે એવા નેતાઓ અને તેમની માગણીઓથી માંડીને આંદોલન સ્વયંભૂ છે કે સંચાલિતતેના વિશે જુદા જુદા મત પ્રવર્તે છે. સોશ્યલ મિડીયાની વાત કરીએ તો, ત્યાં અનામત-તરફી આંદોલનની ચર્ચા પહેલી તકે દલિતોને મળતી અનામતના હળહળતા વિરોધમાં સરી જાય છે. બાકી, સોશ્યલ મિડીયા વાપરનારી (યુવા) પેઢી માટે ઘણા એવું માનતા હતા કે તે જ્ઞાતિના ભેદભાવોથી પર છે.

પાટીદાર અનામત જેવા મુદ્દે સ્વસ્થતાથી ચર્ચા થઇ શકે એવું વાતાવરણ રહ્યું નથી--અને સૂત્રોચ્ચારોમાં ઉમેરો કરવાનો ઇરાદો નથી. તેને બદલે, ‘સામાજિક સમરસતાની કે સામાજિક તંદુરસ્તીની દૃષ્ટિએ એટલો વિચાર જરૂર કરવો જોઇએ :  અનામતની કોઇ પણ ચર્ચા હરીફરીને દલિતોની અનામતના ઉગ્રતમ વિરોધમાં કેમ ફેરવાઇ જાય છે? અત્યારનું આંદોલન ભલે અનામતની માગણીનું હોય, તો પણ તેના નિમિત્તે ૧૯૮૧-૧૯૮૫નાં અનામતવિરોધી રમખાણ જેવા દલિતવિરોધના ઉભરા કેમ દેખાય છે?

સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અન્ય પછાત જ્ઞાતિઓ (ઓબીસી) માટે ૨૭ ટકા, શિડ્યુલ્ડ ટ્રાઇબ (આદિવાસી સમાજ) માટે ૧૫ ટકા અને શિડ્યુલ્ડ કાસ્ટ (દલિત સમાજ) માટે ૭ ટકા બેઠકો અનામત હોય છે. આમ, દલિતોની અનામત ટકાવારીની રીતે સૌથી ઓછી છે. છતાં તેનો સૌથી વધારે વિરોધ શા માટે થાય છે? પાટીદારોના આંદોલનનું વિશ્લેષણ કરતી ચર્ચાઓમાં એવું પણ કહેવાય છે કે અનામતની માગણી વાસ્તવમાં અનામતનો વિરોધ કરવાની જ નવી વ્યૂહરચના છે.કોઇ પાટીદાર સંગઠન તરફથી સત્તાવાર રીતે આવું કહેવામાં આવ્યું નથી, પણ રેલીઓમાં અનામતની માગણી સાથે છૂટાછવાયા અનામતના વિરોધના સૂર જરૂર સાંભળવા મળ્યા છે.

આ બધી ચર્ચામાં એક યા બીજા પક્ષે ઝુકાવતાં પહેલાં કેટલીક હકીકતો વિશે સ્પષ્ટ થવું રહ્યું.

સમાજમાં હજુ દલિતો સાથે ભેદભાવ રખાય છે?
જો આ સવાલનો જવાબ નાહોય તો, જાતને પૂછવા જેવો પેટાસવાલ : આપણી જાણકારી શાના પર આધારિત છે? શહેરી ઓફિસોમાં જોયેલા- સાંભળેલા બે-પાંચ કિસ્સા પરથી?’ સરકારી ઓફિસોમાં અનામત થકી બે પાંદડે થયેલા કે સાહેબલાગતા દલિતોનું પ્રમાણ આખા રાજ્યની કુલ દલિત વસ્તીમાં નહીંવત્‌ છે. (એ જુદી વાત છે કે સરકારી નોકરીઓમાં દલિતો માટેની અનામત, છતાં ભરાયા વગર પડી રહેલી જગ્યાઓની--બેકલોગની-- યાદી લાંબી છે.) તેમના આધારે રાજ્યના દલિતોની સ્થિતિ નક્કી કરવાનું અને તેમને હવે અનામત ન મળવી જોઇએએવું નક્કી કરવાનું કેટલું યોગ્ય છે?

આપણા સમાજની કડવી વાસ્તવિકતા એ છે કે બંધારણમાંથી સત્તાવાર રીતે અસ્પૃશ્યતા નાબૂદ કરી દીધા છતાં, આજની તારીખે દલિતો સાથે અનેક પ્રકારના ભેદભાવ રાખવામાં આવે છે. નવસર્જન ટ્રસ્ટના એક અભ્યાસ પ્રમાણે, રોજિંદા વ્યવહારોમાં અને અન્ય ક્ષેત્રોમાં કહેવાતા ઉજળિયાતો ૯૦થી પણ વધુ પ્રકારની બાબતોમાં દલિતો પ્રત્યે ભેદભાવ રાખે છે--આભડછેટ રાખે છે. તેનાં એક કહેતાં દસ ઉદાહરણ ચાલુ વર્તમાનકાળમાં મળી શકે એમ છે. શરત એટલી કે જ્ઞાતિગૌરવ-કમ-જ્ઞાતિદ્વેષની પટ્ટી આંખ પરથી ઉતારવી પડે.

ગરીબો સૌ સરખા. તેમાં દલિત શું ને બિનદલિત શું?
આર્થિક પછાતપણાના આધારે અનામતની તરફેણ કરતા ઘણા લોકો માને છે કે ગરીબ દલિતો અને ગરીબ બિનદલિતોની સ્થિતિ એકસરખી કફોડી હોય છે. ગરીબીને જ્ઞાતિનાં બંધન નડતાં નથી.ખુલ્લાં આંખ-કાન સાથે સમાજનો વ્યવહાર જોનાર કોઇ પણ વ્યક્તિને દેખાશે કે દલિતોને ગરીબીની સાથોસાથ જ્ઞાતિની રીતે નીચા હોવાનો વધારાનો અને કમરતોડ બોજ સહન કરવાનો આવે છે. અનામતનો લાભ મેળવનાર બીજા કોઇ વર્ગને સામાજિક રીતે આવી ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડતું નથી. ઉજળિયાત કહેવાતા અને અમે પણ ગરીબ હતાએવું ગૌરવ ધરાવનારા પોતાની જાતને દલિતોની જગ્યાએ મૂકી જુએ અને વિચારી જુએ : ગમે તેટલી ગરીબીમાં પણ પોતાની બિનદલિત અટક ગૌરવપૂર્વક જાહેર કરતાં તેમને ખચકાટ થયો હતો? થાય છે?

સમાજનો બહુમતી હિસ્સો વ્યક્તિનું માપ તેની જ્ઞાતિ પરથી કાઢતો હોય અને તમે કેવા?’ એ સવાલ પૂછવો જ્યાં સામાન્ય ગણાતો હોય, ત્યાં ગરીબ દલિતોને સામાજિક રીતે બીજા ગરીબોની હરોળમાં મૂકી શકાય નહીં. અરે, ગરીબ દલિતો જ શા માટે, ઠીક ઠીક પૈસાપાત્ર ગણાતા અને પ્રતિભાશાળી દલિતોને પણ ઓળખ જાહેર કરવાનો સંકોચ થાય, એવી સ્થિતિ સામાજિક વાસ્તવિકતા છે. તેના ઉકેલ માટે તેનો પહેલાં તેનો સ્વીકાર કરવો પડે.

અનામતને લીધે ભેદભાવની ખાઇ પહોળી બને છે?
એવી વ્યાપક માન્યતા છે કે દલિત વિદ્યાર્થીઓને સાવ ઓછા ટકે એડમિશન મળી જાય છે ને તેજસ્વી બિનદલિત વિદ્યાર્થીઓને વધારે ટકે પણ એડમિશન મળતું નથી. એટલે બિનદલિતોમાં દલિતો પ્રત્યે રોષની લાગણી ઊભી થાય છે. મેરિટનો અભાવ દલિતોમાં સૌથી વધારે હોવાથી દલિતો પ્રત્યેનો રોષ સૌથી વધારે હોય છે.

આ દલીલનું સુખ એ છે કે દલિતો પ્રત્યે રખાતા તમામ પ્રકારના એક જ તર્કથી વાજબી ઠરાવી શકાય છે. પણ ઇમાનદારીથી જાતને પૂછવા જેવો સવાલ : શું આપણે એટલા બધા મેરિટપ્રેમી છીએ કે થોડા દલિત વિદ્યાર્થીઓ થોડા ઓછા ટકે એડમિશન મેળવી લે, તેનાથી આખા સમાજ સામે ધીક્કાર થઇ જાય? એ સાચું હોય તો ઓછા ટકે ડોનેશનની સીટ પર પ્રવેશ લેનારા લોકોથી માંડીને, અનામતનો લાભ ધરાવનારા બીજા સમુહો સામે પણ આટલો જ ખાર પેદા ન થવો જોઇએ? એવું નથી થતું, તેનો અર્થ શો થાય? મેરિટપ્રેમ કે અન્યાયબોધના નામે છડેચોક જ્ઞાતિદ્વેષ તો વ્યક્ત થઇ જતો નથી ને? બીજી હકીકત એ પણ છે કે દલિત અને બિનદલિત વિદ્યાર્થીઓ વચ્ચેની ટકાવારીનો તફાવત એંસી અને ચાળીસ જેટલો મોટો રહ્યો નથી. ત્રીજો મુદ્દોઃ જ્યાં પ્રવેશ કે નોકરીની કશી તકરાર ન હોય એવાં અનેક ક્ષેત્રોમાં પણ, આવી કોઇ હરિફાઇમાં ન હોય એવા દલિતો પ્રત્યે પણ ભારોભાર ભેદભાવના અસંખ્ય કિસ્સા જોવા મળે છે.

પણ અનામતથી દલિતોનો ઉદ્ધાર થવાનો નથી. ઉલટું તેમના પ્રત્યે લોકોને દુર્ભાવ થશે.
એ વાત તો સાચી કે અનામતથી દલિતોની એક-બે પેઢીના થોડા લોકોને ફાયદો થયો હોવા છતાં, એકંદર દલિત સમાજને ખાસ ફાયદો થયો નથી. જેટલો ફાયદો થયો છે, તે પણ મોટે ભાગે આર્થિક પ્રકારનો રહ્યો છે. સામાજિક સમાનતા આવી નથી. કારણ કે, સરકારી રાહે અપાયેલી અનામતથી દલિતોને તક મળે છે. અત્યાચારવિરોધી કાયદાને લીધે દલિતોને (થિયરીમાં) રક્ષણ મળે છે. પરંતુ કાયદાથી સમાનતા લાવી શકાતી નથી. સમાનતા લાવવાનું કામ સમાજનું છે.

દલિતોને મળતી અનામતથી અમને અન્યાય થયો છેએવું માનનારા પહેલાં સામાજિક અન્યાય સ્વીકારે અને તેને દૂર કરવાની વૈકલ્પિક વ્યવસ્થા વિચારે--જેમ કે, શાળાના સ્તરેથી દલિત બાળકોને તૈયાર કરવામાં રસ લે, તેમને સમાન તક આપે અને તેમના મનમાંથી જ્ઞાતિગત હીનતાની ભાવના કાઢી નાખે--તો અનામતની જરૂર નહીં રહે. અનામત નાબૂદ કરનારા આ એજેન્ડા અપનાવે તો બને કે બહુમતી દલિતો પણ તેમને હોંશે હોંશે સાથ આપે.

Monday, August 17, 2015

ગાંધી-સરદારના સાથીદારો : જરા યાદ ઇન્હેં ભી કર લો

'દિવ્ય ભાસ્કર' માટે 15 ઓગસ્ટ, 2015 નિમિત્તે ગાધી-સરદારના કેટલાક ઓછા જાણીતા કે વિસરાયેલા કે બન્ને પ્રકારના સાથીદારો વિશે ટૂંકી છતાં જાણવા જેવી માહિતી અને તેમાંથી કેટલાકની ગુગલ પર પણ ન મળે એવી તસવીર. 
લેખન : ઉર્વીશ કોઠારી, અશ્વિન ચૌહાણ, કિરણ કાપુરે, ચંદુ મહેરિયા
ડિઝાઇન : નરેશ ખીંચી
(પાના પર રાઇટ ક્લિક કરીને સેવ કર્યા પછી, ઝૂમ કરીને પાનું વ્યવસ્થિત વાંચી શકાશે)

Tuesday, August 11, 2015

પટેલ અનામત : મૂળભૂત-મહત્ત્વના સવાલ

પહેલી વાર ૧૯૮૫માં દસમા ધોરણના વિદ્યાર્થી તરીકે અનામત આંદોલનસ્પર્શ્યું, ત્યારે તેનો અર્થ હતો : અનામતવિરોધી આંદોલન’. તેના નેતા હતા (વાલીમંડળના) શંકરભાઇ પટેલ. તેનાં ત્રીસ વર્ષ પછી શંકરભાઇ પટેલના જ્ઞાતિબંધુઓ અનામતના વિરોધમાં નહીં, અનામતની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે.

ત્રણેક અઠવાડિયાંથી ગુજરાતમાં ચાલતા પટેલ અનામત આંદોલનની ભાષા રસપ્રદ છે. અમુક રેલીમાં નારા પોકારાય છે, ‘ભીખ નહીં, અનામત જોઇએ.પટેલો સાથે થયેલો અન્યાયકેવો છે? એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ‘પટેલસમાજના વિકાસ માટે કોઇ આયોગની સ્થાપના થઇ નથી, વિદ્યાર્થીઓને ઊંચી ટકાવારી છતાં કોઇ જાતની પ્રાથમિકતા મળતી નથી, મનગમતી વિદ્યાશાખામાં પ્રવેશ મળતો નથી. સરકારી નોકરીમાં પણ આવી સ્થિતિ છે.

અનામતનો સૌથી મોટો હિસ્સો (૨૭ ટકા) અન્ય પછાત જાતિઓ (ઓબીસી) પાસે છે. તેમાં ભાગ મેળવવા માટે પટેલોએ સામાજિક રીતે પછાત-નબળા પુરવાર થવું પડે. નબળાપણાના લાભ મેળવવા માટે તેમણે શક્તિપ્રદર્શનનો સહારો લીધો છે. 

સામાન્ય સમજમાં ન ઉતરે એવી બીજી પણ રાજકીય અને સામાજિક બાબતો પટેલ અનામત આંદોલનમાં છે.

- કોઇ પણ જ્ઞાતિએ અન્ય પછાત જ્ઞાતિમાં (ઓબીસીમાં) સમાવિષ્ટ થવું હોય તો બંધારણીય જોગવાઇ મુજબ, દરેક રાજ્યમાં એક પંચ હોય છે. ગુજરાતમાં સુજ્ઞાબહેન ભટ્ટના અઘ્યક્ષપણા હેઠળ એવું પંચ છે. તેની સમક્ષ પટેલોએ રજૂઆત કરી હતી? ત્યાંથી તેમની માગણી નકારાઇ હતી? કે તેમણે સીધો આંદોલન-શક્તિપ્રદર્શનનો રસ્તો લીધો?  અત્યાર સુધીના અહેવાલો પ્રમાણે, તેમણે પંચ સમક્ષ રજૂઆત કરી હોય એવું જણાતું નથી. સામાજિક પછાતપણા માટે નિશ્ચિત કરાયેલા માપદંડોમાંથી પટેલો પાર ઉતરે કે કેમ એ પણ સવાલ

- વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે, ગુજરાતની વસ્તીમાં પટેલોનું પ્રમાણ ૧૨ ટકા છે. બધા પટેલ વ્યક્તિગત રીતે સમૃદ્ધ ન હોય તો પણ, તેમનાં સામાજિક સંગઠનો મજબૂત છે. (પટેલ વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારી કરાવવાના ક્લાસ સુદ્ધાં ચાલે છે.) આવો સમુહ ૨૭ ટકા અનામતના તળાવમાં ખાબકે, તો બાકીની ઓબીસી જ્ઞાતિઓમાંથી ખરેખર સામાજિક રીતે પછાત હોય તેમનું શું થાય? મજબૂત સંગઠનોનું પીઠબળ ધરાવતા પટેલો સાથે હરીફાઇ કરવાનું એમનું કેટલું ગજું? આ સંજોગોમાં, અનામતની ખરેખર જરૂર ધરાવતી પછાત જ્ઞાતિઓની સ્થિત સુધરે કે બગડે? સામાજિક સમાનતા વધે કે ઘટે? અને એવી જ્ઞાતિઓ પટેલો સામે અનામતવિરોધી આંદોલન છેડી શકે?

- ૧૯૮૧-૮૫નાં અનામતવિરોધી તોફાનોમાં પટેલો સહિતના કહેવાતા ઉજળિયાતો દલિતોને મળેલી અનામતનો ઉગ્ર વિરોધ કરતા હતા. દલિતોને મળેલી અનામત તેમની સાથે સદીઓથી થયેલા ઐતિહાસિક અન્યાયના અપૂરતા-અધકચરા પ્રાયશ્ચિત જેવી છે, પણ ત્યારના કહેવાતા ઉજળિયાત આંદોલનકારીઓને એ સમજાતું ન હતું. ભીખ નહીં પણ હકએ સૂત્ર ખરું જોતાં દલિતો-આદિવાસીઓની અનામતને લાગુ પડે છે. કેમ કે, અનામત પાછળનો મુખ્ય અને મૂળ આશય આર્થિક નહીં, સામાજિક વિષમતા ઘટાડવાનો છે.

સામાજિક અન્યાયના નામે અનામતની મહાક્રાંતિકરવા મેદાને પડેલા પટેલસમાજના લોકો દલિતોને સદીઓથી થયેલા અન્યાય વિશે કશું કહેવા ધારે છે? (સિવાય કે તેમને બહુ વર્ષો અનામત આપી. હવે ક્યાં સુધી?’) ૧૯૮૧-૮૫નાં આંદોલનોમાં દેખાડેલા દલિતદ્વેષ બદલ કે અનામતવિરોધી ઝેર બદલ તે પશ્ચાતાપ કે દિલગીરીની લાગણી અનુભવે છે? પોતાના અનામત આંદોલનની સાથોસાથ દલિતો-આદિવાસીઓની અનામતને પૂરેપૂરો ટેકો આપવા જેટલી-તેના અસરકારક અમલની ખેવના રાખવા જેટલી સમાનતા તે બતાવી શકશેકે પોતાની અનામતની માગણીની સાથોસાથ દલિતો-આદિવાસીઓને અનામત ક્યાં સુધી?’નો મનમાં રહેલો ફુંફાડો હજુ તે જાળવી રાખશે?

- પટેલ સંમેલનોમાં અનામતની વર્તમાન ટકાવારી ગણાવીને, ‘ઓપન કેટેગરીમાટે બહુ ઓછી બેઠકો બચી છે, એવી દલીલો કરવામાં આવે છે. હકીકતમાં સદીઓના અન્યાય પછી પણ દલિતોને અને સમાજના મુખ્ય પ્રવાહથી અળગા રહેલા આદિવાસીઓને તેમની વસ્તીની ટકાવારી જેટલી જ અનામત મળી છે. તેથી વધારે નહીં. ઓબીસીની ટકાવારીનો સત્તાવાર આંકડો મોજૂદ નથી, પણ તેમની વસ્તી ઓછામાં ઓછી ચાળીસ ટકા છે. (વાસ્તવિક પ્રમાણ ઘણું વધારે હોઇ શકે. કારણ કે ચાળીસ ટકાનો આંકડો બહુ જૂનો છે.) તેમની વચ્ચે મળેલી અનામત ૨૭ ટકા છે.

ઓબીસીને આ રીતે અનામત મળવી જોઇએ કે નહીં અને તેમાં અસમાન વહેંચણીના પ્રશ્નો જુદી ચર્ચાનો વિષય છે. પટેલો તેની ચર્ચામાં નથી. તેમની દલીલ છે કે બીજા સમાજોને મળી ગયેલી અનામતને કારણે ઓપન કેટેગરીમાં આવતો તેમનો સમાજ પાછળ પડી ગયો.

પરંતુ અન્યાયની બૂમ પાડતાં પહેલાં પટેલો વિચારી જુએ : સરકારી નોકરીઓમાં કે વિદ્યાર્થીઓના પ્રવેશમાં પટેલોની ટકાવારી ૧૨ ટકા કરતાં ઓછી છે કે વધારે? એક દાવા પ્રમાણે, ૧૯૬૦થી ૨૦૦૫ સુધીમાં સરકારી નોકરીમાં ૪૪-૪૫ ટકા પટેલો હતા. ધારો કે આ દાવામાં અતિશયોક્તિ હોય અને વાસ્તવિક ટકાવારી એનાથી અડધી હોય તો પણ, પટેલોએ તેમાં કશું ફરિયાદ કરવાપણું રહેતું નથી. કારણ કે તેમની વસ્તીના પ્રમાણમાં તેમનું પ્રતિનિધિત્વ વધારે જ રહે છે.

સરકારી નોકરીઓમાં અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણના પ્રવેશમાં પટેલોનું પ્રમાણ ૧૨ ટકાથી ઘટી જાય, તો સામાજિક રીતે પાછળ પડી ગયાના તેમના દાવામાં કમ સે કમ તર્કનું થોડુંઘણું વજન આવે. બાકી, પોતાની ટકાવારી કરતાં ત્રણ-ચાર-પાંચ ગણા પ્રતિનિધિત્વની અપેક્ષાને સમાનતાનહીં, ‘વર્ચસ્વકહેવાય. સમાજ પરથી અમારું વર્ચસ્વ ઓછું થઇ ગયુંએનો કકળાટ કરતાં આંદોલનો હોય?

- પટેલોના વિકાસ માટે કોઇ આયોગની સ્થાપના થઇ નથી, એવું કહેવામાં આવે છે. તો શું પોતાની વસ્તીના પ્રમાણ કરતાં વધારે પ્રતિનિધિત્વ ધરાવતા પટેલો માટે એક આયોગ નીમી દેવાથી આંદોલનનો અંત આવી જશે? ત્યાર પછી બીજાં વગદાર જૂથો આવા આયોગ અને તેની અંતર્ગત ફેંકાતા વિવિધ યોજનાઓના ટુકડા માટે આંદોલન નહીં કરે?

- પટેલ અનામત આંદોલન માટે વારંવાર વપરાતું એક વિશેષણ છે : સ્વયંભૂ’. જો એ સાચું હોય અને ગુજરાતના ઘણા પટેલોને પોતાનો સમાજ પછાત કે પાછળ પડી ગયેલો લાગતો હોય, તો તેના માટે જવાબદાર કોણ? અનામત તો પહેલેથી છે. પ્રચારિત માન્યતા પ્રમાણે, વર્ષ ૨૦૧૪ સુધી ગુજરાતે ધડધડાટ વિકાસ કર્યો હોય અને પટેલોએ (તેમનામાંથી કેટલાકના કહેવા પ્રમાણે) ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા હોય, તો એક જ વર્ષમાં પટેલો સામાજિક રીતે પાછળ પડી ગયા?

સવાલો અનેક છે. તેના જવાબ સૌ મેળવે, ત્યાં સુધી જ્ઞાતિવાદથી દૂર રહેલા સરદાર પટેલનું નામ, જ્ઞાતિગત આંદોલનથી છેટું રાખીને તેમની ગરીમા જળવાય તો પણ ઘણું.

Saturday, August 08, 2015

અખબારી લેખન, પુરસ્કાર, નવોદિતો, શોષણ, તકનો અભાવ અને એવું બધું : થોડા 'સાર્થક' મુદ્દા

ફેસબુક પરની ચર્ચાને બ્લોગ પર આણવામાં, ગલ્લા-મિત્રને ઘરે બોલાવવા જેવું લાગે. પણ ફેસબુક-ગલ્લા પર ક્યારેક, ચેન્જ ખાતર, ઉત્તમ મિત્રો મળી જાય છે. એટલું જ નહીં, ધોરણસરની ચર્ચાઓ પણ થતી હોય છે. (અમુક લોકોની હાજરી અને અમુક તત્ત્વોની ગેરહાજરી તેના માટે કારણભૂત હોય છે.:-)

એવી એક ચર્ચા પરમ મિત્ર અને સાર્થક-સાથીદાર ધૈવત (ત્રિવેદી)ની વોલ પર વાંચી. જીતેશ દોંગા અને ગોરા ત્રિવેદીએ ઊભા કરેલા કેટલાક મુદ્દા વિશે ધૈવતે લંબાણથી અભિપ્રાય આપ્યો હતો. એ વાંચીને મને પણ કંઇક લખવાની ઇચ્છા થઇ. લખ્યું. ત્યાર પછી બીજા સાર્થક-મિત્ર દીપક (સોલિયા)એ પણ પોતાના અંદાજમાં દસ મુદ્દા લખ્યા.

અમારાં ત્રણેનાં આ લખાણ 'અસાધારણ' ગણાય એવાં નથી. એ જેમ સૂઝ્યાં તેમ, છપાતાં લખાણ જેવી સભાનતા કે ચોંપ વગર, લખાયાં છે. છતાં, મને લાગ્યું કે એ ત્રણેમાં કેટલાક મુદ્દા સારી રીતે આવ્યા છે. ભવિષ્યમાં આ પ્રકારની ચર્ચા માટે પણ તે ઉપયોગી રેફરન્સ બની શકે,  એ હેતુથી ત્રણેનું સાદુંસીધું સંકલન અહીં મૂક્યું છે. તેમાં કશું એડિટિંગ પણ કર્યું નથી અને ઉમેરો પણ નહીં. આશય ફક્ત એટલો જ છે કે ફેસબુકવાળી એ ચર્ચામાં ત્રણ સાર્થક-મિત્રોનાં લખાણ એક સાથે અને સહેલાઇથી વાંચવા મળી રહે.
***

ધૈવત ત્રિવેદી

અખબાર-સામયિકોમાં નવોદિતોને બહુ પાંખો પુરસ્કાર આપવામાં આવે છે અથવા તો બિલકુલ આપવામાં નથી આવતો એવી ફરિયાદ અંશતઃ સાચી છે.

અંશતઃ એટલા માટે કે, ઘણા ખરા કિસ્સામાં એ જ ફરિયાદ સિનિયર, ઘડાયેલા, મંજાયેલા, લોકપ્રિય અને ખાસ્સા એવા વંચાતા લેખકોને ય લાગુ પડે છે. નવોદિતોને પાંખો પુરસ્કાર મળે છે તો "જૂનોદિતો" કંઈ બંગલા નથી બાંધી જતા. એમને ય પાંખો જ પુરસ્કાર મળે છે અથવા તો બિલકુલ નથી મળતો. આવું હું ત્રણેય મુખ્ય અખબારોનું ચક્કર કાપ્યા પછી પ્રથમદર્શી ગવાહ તરીકે અધિકારપૂર્વક કહી શકું છું.

એક સાધારણ ગણિત કહું. ધારો કે એક અખબાર કે સામયિકમાં કુલ 50 કોલમ છપાતી હોય તો તેમાંથી 40 ટકા એટલે કે 20 કોલમ ઈનહાઉસ હોય. ઈનહાઉસ એટલે અખબારના પે-રોલ પર કામ કરતાં અમારા જેવા લેખકો-પત્રકારો દ્વારા લખાયેલી. ઈનહાઉસ કોલમના લેખકને આ (અને આ સિવાયના અન્ય ઘણાં) કામ માટે ધોરણસરનો, લાયકાત મુજબનો પગાર મળતો હોય છે એટલે તેને કોલમ લખવા માટેનો પુરસ્કાર અલગથી મળતો હોતો નથી. 

બાકીની 60 ટકા કોલમ પૈકી ભાગ્યે જ 10 ટકા કોલમ (આશરે પાંચ) એવી હોય છે જે અખબારની કે સામયિકની ઓળખ ગણાતી હોય. એ પાંચ લેખકોને પુરસ્કાર માંગવાની તેમની ક્ષમતા અને અખબાર, સામયિકમાં તેમની હાજરીની જરૂરિયાતના આધારે પ્રમાણમાં સન્માનજનક પુરસ્કર મળતો હોય છે. એ રકમ એટલી હોય છે કે ચાર વ્યક્તિનો એક પરિવાર ઠીકઠાક રીતે ગુજરાન ચલાવી શકે. પણ એ રકમ સુધી પહોંચવા માટે અને એવો સન્માનજનક મુકામ હાંસલ કરવા માટે લેખકને નેવાના પાણી મોભે ચડાવવા પડે છે.

બાકીની 50 ટકા કોલમો એવી હોય છે જે સદંતર મફતમાં અને છતાં ય લેખક દ્વારા હોંશભેર લખાતી હોય છે. નવોદિતોને તક નથી મળતી, નવોદિતોને પુરસ્કાર નથી મળતો તેના માટે જવાબદાર હું અખબારો કે સામયિકોથી ય વધુ આ 50 ટકા કોલમોના લખનારાને ગણું છું.

- આ એવા લોકો છે જે બહાર વાચકો સામે બગલમાં બામલાઈ થઈ હોય તેમ પહોળા પહોળા ચાલે છે પણ અખબાર, સામયિકની ઓફિસમાં બંધ બારણે મુજરો કરી નાંખતા ય શરમાતા નથી.

- આ એવા લોકો છે જે વાચકો સામે છપ્પનની છાતી અને એસિડિક મિજાજના બણગાં ફૂંકે છે, ખુદ્દારી અને ખુમારીના લેખો લખે છે, જીવનસાફલ્યના ચિંતનની ચટણી ચટાડે છે પણ અખબાર, સામયિકની ઓફિસમાં "જી.. જી..." થી વધારે એક ઉંહકારો ય કાઢી શકતા નથી.

- આ એવા લોકો છે જે પોતાની કારકિર્દીમાં મજેથી ગોઠવાઈ ચૂક્યા છે, પણ અખબારમાં છપાવાની વાસના અતિશય તીવ્ર છે.

- આ એવા લોકો છે જેમને અખબારના કટારલેખક તરીકે પોતાના ઓળખીતા-પાળખીતા અને પ્રશંસકોમાં છાકો પાડવામાં અનેરી લિજ્જત આવે છે.

- આ એવા લોકો છે જેમને દર અઠવાડિયે પોતાની કોલમની લિન્ક કે પતાકડા ફેસબુક પર ફરતાં મૂકીને લાઈક્સની વાહવાહી ઉઘરાવવામાં ચરમોત્કર્ષ (Orgasm)ની અનુભૂતિ થઈ જાય છે.

મીડિયામાં સક્રિય રીતે પ્રવેશ્યો એ પહેલાં હું પણ સરેરાશ વાચકની માફક કટારલેખકોને બેહદ અહોભાવથી જોતો. મારા એક મિત્રના પપ્પાને ખબર કે મને વાંચવા-લખવામાં બહુ રસ છે. એટલે એમના એક મિત્રની ઓળખાણ કરાવી. એ મહાશય એક કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરે અને કોઈક ચિરકુટ છાપામાં કોલમ લખતા હશે. માય ગોડ... શું બડાશો હાંકે, શું બડાશો હાંકે... જાણે એમના પેશાબ થકી જ આખાય અમદાવાદના દીવા બળતા હોય.  હવે મને ખબર છે કે એ મહાશય કેવા મુજરાક્વિન છે અને કોલમ લખવા મળે એ માટે અખબારની ઓફિસોમાં નિતંબ મટકાવીને કેવી ચાંપલુશી કરે છે. 

બહેન ગોરા, ભાઈ જીતેશ...તમને આવા લોકો નડે છે. જેને મફતમાં લખીને નામ છપાવવું છે. જેમને સ્વમાન નેવે મૂકીને કોલર ઊંચા રાખવા છે. જેમને પોતાની ખુદની નજરમાં નીચા પડીને વાચકની નજરમાં ઊંચા થવામાં કોઈ છોછ નથી નડતો.

યાદ રાખજો... અહીં એવા નવોદિતોની ય કમી નથી, જે ફેસબુક ઉપર ખુમારી, ખુદ્દારીના ફાંકા મારતા ફરે છે પણ ખાનગીમાં જુદો જ રાસ રમી જતાં હોય. તમે બંનેએ લખ્યું છે એવું જ એક બહેને દોઢ-બે વર્ષ પહેલાં અહીં ફેસબુક પર આવી પોસ્ટ મૂકીને કહ્યું હતું. હું તો વારી જ ગયો... વાહ, ખુદ્દારી આને કહેવાય. મેં પણ એ પોસ્ટ નીચે મફતમાં ન લખવાની એમની ખુમારીને સલામ ભરી લીધી.

પછી થોડાક સમય પછી એ બહેન ઓફિસમાં મળ્યા. મને કહે કે, "જુઓને મારૂં કંઈ થતું હોય તો..."

મેં કહ્યું, "કદાચ થાય પણ ખરું, પણ પુરસ્કાર ન મળે અને તમે તો..."

"ના.. ના..." એમણે તરત જ મને અટકાવ્યો, "આપણે એવો કોઈ હઠાગ્રહ નથી. લખવા મળે એટલે ઘણું"

"પણ તમે તો ફેસબુક પર મફતમાં તો નહિ જ લખું એવું કહેતાં હતાં"

"હા.. એ ખરું.. એવું લખ્યું હતું.. હું એવું માનું ય છું...પણ..." એ બહેન સ્હેજ થોથવાવા માંડ્યા, પછી છેવટે શ્વાસ એકઠો કરીને કહી જ દીધું, "પણ જુઓને કંઈ થતું હોય તો... એ તો પુરસ્કાર વગર પણ ચાલે!!!!!"

મેં કદી કોઈની પાસે મફતમાં લખાવ્યું નથી. સંદેશમાં હતો ત્યારે સંપાદક તરીકે હું નવો હતો અને લેખક તરીકે ભાવિન અધ્યારુ ય સાવ કોરો હતો તોય તેને પ્રતિ કોલમ ઓછામાં ઓછો 500 રૂ. પુરસ્કાર તો અપાવ્યો જ હતો. (એમાં મેં કોઈ અહેસાન નથી કર્યો. એ ભાવિનનો હક હતો. મેં ફક્ત મેનેજમેન્ટ સમક્ષ લમણાંઝિંક કરીને પુરસ્કાર મંજૂર કરાવ્યો હતો)

અંગત રીતે બહુ જ દૃઢતાપૂર્વક હું માનું છું કે લેખકનું સન્માન જળવાશે તો જ તેના લખાણમાં એ અંદાજ ઝળકશે.  માટે જ, વિવિધ વાસનાઓના મોક્ષાર્થે લખવા માંગતા લેખકો સજ્જનો અને સન્નારીઓની હું કદી ભલામણ કરતો નથી.  કારણ કે તેઓ એક તેજસ્વી, હોનહાર કલમનો ભોગ લઈ રહ્યા છે. આવતીકાલના વસાવડા, રામાવત કે કોઠારીનો ગર્ભપાત કરી રહ્યા છે.

અને છેલ્લે...
સ્થળઃ રૂડું કાઠિયાવાડ નામે વસ્ત્રાપુર તળાવ સામે આવેલી રેસ્ટોરન્ટની અગાશી.
તારીખ-વાર યાદ નથી, પણ અશ્વિનીદાદા સાથેની એ કદાચ ત્રીજી મુલાકાત હતી.
મેં સહજ રીતે જ પૂછ્યું, "આટલી પ્રચંડ લોકપ્રિયતા પછી મગજમાં રાઈ ન ભરાઈ જાય?"

દાદાએ તરત જવાબ વાળ્યો, "ભરાઈ જ જાય... ભરાવી જ જોઈએ, પણ એ રાઈ શેઠની કેબિનમાં ખોંખારીને પગાર માંગવામાં છે, લેખકને નવાજતાં ભોળા, સાચા દિલના વાચકો સામે છાકો પાડવામાં નહિ."
(અશ્વિની ભટ્ટ સાથેની એ યાદગાર બેઠકનો અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
***

ઉર્વીશ કોઠારી

એકદમ બરાબર Dhaivat Trivedi. બહારની દુનિયામાં પોતાના વિશેના ભવ્ય ભ્રમ ઊભા કરનારા કોલમિસ્ટ અંદરથી કેવા હોય છે તેનો પહેલો અને વિસ્તૃત પરચો સંદેશમાં હું ૧૯૯૯-૨૦૦૦ની આસપાસ રવિ-બુધ પૂર્તિ સંભાળતો હતો ત્યારે થઇ ચૂક્યો છે. સ્વમાન અને ગુણવત્તા- બન્નેમાંથી કશા જોડે બાંધછોડ નહીં કરનારા નગેન્દ્ર વિજયને પણ નજીકથી જોયા અને બહાર ફાંકા મારીને અંદર પૂંછડી પટપટાવતા--અત્યારે જેમના નામના સેમી-સંપ્રદાયો બની ગયા છે એવાઓને પણ જોયા. તંત્રીને તો ઠીક, પૂર્તિ સંપાદકને પણ એ લોકો એવા મસકા મારે કે આપણને થાય, 'આ બધાની શી જરૂર છે. તમે સારું જ લખો છો.'

અખબારોમાં મફત લખનારા પોતાનું વળતર બીજેથી મેળવી લેવાની 'કળા' ધરાવતા હોવાથી અથવા તગડા પગારની નોકરી ધરાવતા હોવાથી, તેમને મન 'પ્રાગટ્ય એ જ પુરસ્કાર'નો ખ્યાલ હોય છે, પણ તેનાથી છાપાંના વાઘ મફતિયા માલનું લોહી ચાખી જાય છે. અત્યાર સુધી ઘણી વાર મને વિચાર આવ્યો છેઃ બધા મફત લખનારા એક સાથે નક્કી કરે કે કાલથી (કે ફલાણી તારીખથી) મફત લખવાનું બંધ- તો શું થાય? સિમ્પલ. તેમની જગ્યા લેવા બમણા લોકો તલપાપડ હોય અને અત્યારના જમાનામાં કેટલાક તો સામેથી રૂપિયા આપવાની પણ ઓફર કરી શકે.

થોડું નવોદિતો વિશે પણ. નવોદિત હોવું જેમ વાંક નથી, તેમ લાયકાત પણ નથી. લખાણ આવ્યા પછી એ લખાણ હોય છે. સરેરાશ નવોદિતોને ફેસબુક-સ્ટાર થઇ જવાની ઉતાવળ હોય છે. પચીસમી કોલમની સિલ્વર જ્યુબિલી ઉજવવાથી માંડીને પોતાની જ કોલમમાં પોતાનાં વખાણ ઠાલવવા કે પોતાના ઇન્ટરવ્યુ કરવા જેવી બાલિશ ચેષ્ટાઓ એ કરે, ત્યારે પહેલાં ઉદાર ભાવે થાય કે 'થશે, આ લોકો પણ મોટા થશે'. પરંતુ ઇન્સ્ટન્ટ લોકપ્રિયતાનું અફીણ તેમનામાં રહેલી ગુણવત્તાની સભાનતાને કાયમ માટે પોઢાડી દે છે. પછી તે પોતાની લોકપ્રિયતાના ખાબોચિયાને મહાસાગર ગણીને, પોતાના નાવડાને ટાઇટેનિક ગણીને પોતે લીઓનાર્દો થઇ જાય છે. તેમને છાપરે (ડેક પર) ચઢાવનાારાની કદી ખોટ હોતી નથી અને સાચું સાંભળવાની - તેની પર અમલ કરવાની તેમની તૈયારી રહેતી નથી.

જેમને એવું લાગે છે કે તે સરસ લખે છે, પણ છાપામાં તક નથી મળતી, તેમને વિનંતીપૂર્વક કહેવાનું કે બ્લોગ લખો. હાથ સાફ કરવા માટે એ સારું છે. મોટા પ્લેટફોર્મ પર લખવાને કારણે દિમાગી સંતુલન ખોઇ બેઠેલા એટલા કિસ્સા જોયા છે કે અમુક પ્રકારની સમધારણતા વિના એ પ્લેટફોર્મ લખવાનું -- અથવા પોતાના વિશે માપ બહારનો ઊંચો ખ્યાલ રાખીને કોલમ શરૂ કરવાનું-- માનસિક આરોગ્ય માટે હાનિકારક નીવડી શકે છે.
***

દીપક સોલિયા

ચર્ચા સાર્થક છે.  માટે, ઘા ભેગો ઘસરકો અને ચિત્રમાં એક લસરકો. ટેન કમાન્ડમેન્ટ્સ ફોર અ રાઈટર
  1. લેખન પ્રત્યે ખૂબ જ પેશન હોય તો વાન ગોગની તસવીર ટેબલ પર રાખવી, જે જીવતો હતો ત્યાં સુધી કશું ન કમાયો અને એ મર્યો પછી એનાં પેઇન્ટિંગ્ઝ કરોડોમાં વેચાયાં. લેખક-કવિ પણ બહુ સારો હશે તો એ વહેલો-મોડો (હયાતીમાં કે રાવજી પટેલની જેમ મર્યા પછી) પોંખાઈ શકે ખરો. જોકે એની પણ ગેરંટી નથી. ગેરંટી કેમ નથી? જુઓ, પોઈન્ટ નં. ૨.
  2. આ વાત સ્વીકારવી મને પોતાને ગમતી તો નથી, છતાં સાલું આ લક (લક શબ્દ અંધશ્રદ્ધાળુ લાગતો હોય તો સંજોગો) જેવું પણ કંઈક હોય તો છે જ. સચીનથી પણ વધુ પ્રતિભા ધરાવવા છતાં ક્રિકેટર બનવાને બદલે રિક્ષા ચલાવતા કે ભેંસો ચરાવતા કે ગલ્લે બેસતા કે નવથી પાંચની નોકરી કરતા- એકદમ કસીને બાંધેલી ધારણા કહું તો- કમસે કમ પચાસેક યુવકો તો ભારતમાં હશે જ. હું કંઈ સચીન નથી, છતાં કહીશ કે મારાથી સારું લખી શકનારા અનેક લોકો લેખનના ક્ષેત્રથી જોજનો દૂર હોય એ શક્ય છે જ.
  3. અચ્છું લખનારાઓને પૈસા મળવામાં અને પછી વળતર વધવામાં વાર લાગે છે એ વાત સાચી, પણ માગ-પૂરવઠાનો પાયારૂપ નિયમ લેખન-બજારને લાગુ પડતો જ નથી, એવું સાવ તો નથી જ. 
  4. ફેસબુક-વોટ્સેપ પર કે અન્ય કોઈ વર્તુળમાં આપણા વફાદાર ચાહકોનું વર્તુળ હોય પણ એ વર્તુળ વિસ્તારવામાં સફળતા ન મળતી હોય તો વ્યાપક જગતને મારી કદર જ નથી એવું વિચારી-વિચારીને દુઃખી થવા કરતાં પોતાના મર્યાદિત વર્તુળમાં ખુશ રહેવું સારું. 
  5. લેખન પણ એક બજાર જ છે. હમ હૈ મતા-એ-કૂચા-ઓ-બાઝાર કી તરહ. માલની ડિમાન્ડ કેવી છે? બ્રેક-ઇવન સુધી (લેખકના કિસ્સામાં સજ્જતા અને મહેનત મુજબ વળતર મળવા લાગે ત્યાં સુધી) ટકી રહેવાની ક્ષમતા છે કે નહીં? માર્કેટિંગમાં ફાવટ છે કે નહીં? ફાઈનાન્સ (લેખકના ઘરનો ચૂલો લેખનથી કે અન્ય નોકરી-ધંધાથી સળગતો રહે એટલી આવક) છે કે નહીં? આવાં અનેક પરિબળો લેખન-બજારમાં ઝંપલાવનાર વ્યક્તિ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે એ નકારી શકાય નહીં. 
  6. લખીને જ કમાવું હોય તો પત્રકાર બની જવું, નર્મદની જેમ કલમના ખોળામાં ઝંપલાવીને જેટલા પૈસા મળે એટલાથી ચલાવતા શીખી જવું. મારી તો વ્યવહારુ સલાહ એ જ છે કે લખવામાં બહુ મજા આવતી હોય તો લેખનને વ્યવસાય ન બનાવવો. કમાણી માટે નોકરી-ધંધો કરવો અને જલસા માટે લખવું. બાકી લેખનને ગુજરાન બનાવવા માટે ખૂબ હિંમત, ખૂબ સાદું જીવન, ખૂબ ખુમારી જોઈએ. આવી બધી લાયકાત વિના લેખનમાં જે ખાબકે (સ્વેટર વિના જે હિમાલય પહોંચે) તે ઠરી જ જવાના, મરી જ જવાના.
  7. ચીજ તરશે કે ડૂબી જશે એનો આધાર ચીજ ઉપરાંત પાણી પર પણ રહેલો છે. એ જ રીતે સર્જન કેટલું પોંખાય છે એનો આધાર લેખક ઉપરાંત પ્રજા-ભાવક-લેવાલ-ઘરાક-વાચક પર પણ ખરો.
  8. આપણે લખીએ અને આપણી કદર ન થાય ત્યારે ચચરાટી થાય તો ખરી જ (મેરા વિદ્રોહ ગલત હો સકતા હૈ, પર મેરી પીડા સચ્ચી હૈઃ અજ્ઞેય). આ પીડાનો એક ઇલાજ આ છેઃ પીડાને લેખનના સંતોષની કિંમત ગણવી. આમ પણ, જગતમાં કશું મફતમાં તો મળતું નથી. એટલે લખવામાં મજા પડતી હોય તો જાલિમ બેકદર જમાનાની અવગણનાને આપણી અંગત મજાની વાજબી કિંમત ગણીને વટથી ચૂકવી દેવી.
  9. લેખનમાંથી (કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાંથી) ભરપૂર મોજ મેળવવી હોય તો સફળતાની ઝાઝી ફિકર કરવી નહીં. લેખકે સુખી થવું હોય તો અત્યંત દૃઢપણે એવું માનવું કે પૈસા તો બોસ, લખવાની મજાના છે. એ ઉપરાંત જે કંઈ પૈસા-બૈસા-પ્રસિદ્ધિ-બ્રસિદ્ધિ મળે એ તો બોનસ.
  10. લેખકે તંત્રી કે માલિકને ફક્ત એટલું જ કહેવાનું હોય કે મારા લખાણનો આ ભાવ છે, લેવું હોય તો લઈને અને ન લેવું હોય તો ન લઈને તમે પણ ખુશ રહો અને હું પણ ખુશ રહીશ. સામે પક્ષે તંત્રી-માલિક એવું કહે કે હું તો આ જ ભાવ આપીશ ત્યારે એ ભાવ સ્વીકારીને ખુશ રહી શકાતું હોય તો લખાણ આપીને ખુશ રહેવું અને એ ભાવ અપમાનજનક લાગે તો લખાણ ન આપીને ખુશ રહેવું. સરવાળે, ખુશ રહેવું, બસ!

Thursday, August 06, 2015

ચીઝ મારકે : પીળી એટલી ચીઝ?

વૈશ્વિકીકરણ પછી ભારત ખેતીપ્રધાન દેશ રહ્યો હોય કે નહીં, ગુજરાત અવશ્ય ચીઝપ્રધાનરાજ્ય અવશ્ય બન્યું છે. ખાસ કરીને, મહાનગર અમદાવાદમાં ભયજનક સપાટી વટાવી ગયેલા ચીઝના વપરાશને કારણે કોઇ વિદેશી મુસાફરને એવો જ વિચાર આવે કે કાંકરિયા ચીઝનું તળાવ હશે. ત્યાંથી આખા અમદાવાદને પાઇપલાઇન દ્વારા પ્રવાહી સ્વરૂપે ચીઝ પૂરી પાડવામાં આવતી હશે, જે અમદાવાદીઓ ઘરે થીજાવીને, તેના ચોસલાં પાડીને, કોઇ પણ ચીજ પર છૂટા હાથે લગાડતા કે ભભરાવતા હશે.

છૂટા હાથે ચીઝ ભભરાવવી એ સામાન્ય સંજોગોમાં ટીવી પરના કૂકિંગ શો પૂરતી મર્યાદિત ઘટના હોય, પણ અમદાવાદમાં એવું નથી. અમદાવાદીઓ માટે તે રૉંગસાઇડ પર વાહન ચલાવવા જેવી, ટ્રાફિક પોઇંટ પર પકડાઇ ગયા પછી પોલીસ સાથે દલીલબાજી કરવા જેવી, છાપાંની કૂપનો થકી મળતી ગિફ્‌ટ માટે લાઇનમાં ઊભા રહેવા જેવી કે પહેલા વરસાદમાં અન્ડરપાસના તળાવમાં ફેરવાઇ જવા જેવી --એટલે કે, સાવ સામાન્ય--ઘટના છે. અમદાવાદીઓ અને અમુક અંશે સમસ્ત ગુજરાતીઓ કોઇ પણ વ્યંજન પર ચીઝ ભભરાવી શકે છે. હજુ કોઇ રેસ્તોરાંએ ચીઝ-વૉટરઆપવાનું શરૂ નથી કર્યું, એ ગનીમત છે. બાકી, એવા ઠેકાણે વેઇટર તેની કાયમી ઠાવકાઇથી પૂછી શકે, ‘મીનરલ વૉટર? ચીઝ વૉટર? કે નૉર્મલ વૉટર?’ અને કોઇ ઉત્સાહી ચીઝપ્રેમી ચીઝ વૉટર, ઑફ કોર્સકહે, એટલે ટૂંક સમયમાં વેઇટર ચીઝનું છીણ તરતું હોય એવું પાણી હાજર કરી દે.

અત્યારે આ કલ્પના ભલે અતિશયોક્તિભરેલી લાગે, પણ જમાનો હાસ્યલેખોમાં લખાયેલી કલ્પનાઓ સાચી પડી જાય એવો એટલે કે ખરાબ છે. એટલે નજીકના ભવિષ્યમાં આવું કંઇ જોવા મળે ત્યારે યાદ રાખજો કે એ પહેલી વાર અહીં વાંચ્યું હતું. (કોઇ ઉત્સાહીએ આવો પ્રયોગ શરૂ કરી દીધો હોય, તો પછી કશું કહેવાનું રહેતું નથી.) વધારે વાસ્તવવાદી બનીને વિચારવું હોય તો, સાદા પાણીથી પહેલાં પાણીપુરીમાં ચીઝ-પાણીનું ચલણ થઇ જાય એવી આશંકા વધારે છે. પાણીપુરીના પાણીમાં ચીઝનો પ્રયોગ લોકપ્રિય બને, તો શક્ય છે કે ડેરીઓ પિત્ઝાની મોઝરેલા ચીઝની જેમ, પાણીપુરીના પાણી માટેની અલગ ચીઝ બનાવતી-વેચતી થઇ જાય. વિવિધતામાં એકતા તે આનું નામ.

ચીઝની વર્તમાન લોકપ્રિયતા, બલ્કે તેનો અતિરેક જોતાં એવી કલ્પના પણ ન આવે કે માંડ દોઢ-બે દાયકા પહેલાં ચીઝ લક્ઝરી ગણાતી હતી. પછી શું થયું? ગરીબીરેખાની નીચે જીવતા લોકોની ટકાવારી ઘટાડવા માટે સરકારશ્રી લોકોને ગરીબીરેખાની ઉપર લઇ જતી નથી. તે ગરીબીરેખાને ગરીબો સુધી (એટલે કે નીચે) લઇ જાય છે. કંઇક એવું જ ચીઝની બાબતમાં થયું. ચીઝ સાથે સંકળાયેલો મોંઘાપણાનો ખ્યાલ કાળક્રમે દૂર થઇ ગયો અને એવો ખ્યાલ પ્રચલિત બન્યો કે કોઇ પણ ખાદ્યસામગ્રીની ઉપર ધરાર ચીઝ ભભરાવવી એ દરેકનો ગુજરાતીસિદ્ધઅધિકાર છે. ચીઝના ઉમેરણને કારણે વાનગીની કિંમતમાં આવેલો ઊછાળો વિકાસના પરિણામ તરીકે તેમને મંજૂર હતો.

વડાપાંઉની જન્મભૂમિ જેવા મુંબઇનાં વડાપાઉં આર્ટ ફિલ્મના હીરો જેવાં લાગતાં હોય, પણ એ જ વડાપાઉં અમદાવાદમાં આવે ત્યારે બટરમાં તળાઇને, ચીઝ-કેચપથી અભિષિક્ત થઇને કરણ જોહરની ફિલ્મના હીરો જેવાં બની જાય છે. ઘણાં મુંબઇકરો અમદાવાદનાં ચીઝ-કેચપ-બટરસમૃદ્ધ વડાપાંઉ ખાય ત્યારે તે વડાપાંઉના સંસ્કૃતિકરણને કે સમૃદ્ધિકરણને પ્રમાણી-વખાણી શકતાં નથી. વઘુ એકેડેમિક વૃત્તિ ધરાવતા લોકો માટે આ ચર્ચા એ પ્રકારની છે કે આદિવાસીઓને આદિવાસી જ રહેવા દેવા? બસો-પાંચસો-હજાર વર્ષ પહેલાં એ જે હાલતમાં રહેતા હતા, એવી જ રીતે તેમને રેઢા મૂકીને તેમી પ્રાકૃતતાનો મહિમા કરવો? કે પછી તેમને આઘુનિક’, ‘સભ્ય’, ‘સુધરેલાસમાજમાં ભેળવવા પ્રયાસ કરવો?’

માત્ર એક કોરા પાંઉ વચ્ચે કાપો પાડીને, તેમાં તીખી, કોરી ચટણી લગાડીને વચ્ચે બટાટાવડું ઠાંસી દેવું, એ વડાપાંઉનું આદિમ સ્વરૂપ છે. અસલ એ અસલની રીતે તેનાં વખાણ પણ થઇ શકે, પરંતુ સંસ્કૃતિનો અભ્યાસ કરનારા કહી શકશે કે આવી ચીજો ધબકતા જનજીવન કરતાં નિષ્પ્રાણ મ્યુઝીયમમાં વધારે જોવા મળે છે. તેમની સરખામણીમાં બટરથી લસલસતાં, લાલ ચટણી-બટરના મિશ્રણમાં સાંતળાયેલા, લાલ-લીલી ચટણી અને કેચપને ધારણ કરનાર પાંઉમાં વડાનું અસ્તિત્ત્વ જરાય વડું નથી હોતું. બટાટાવડાનું ત્યાં હોવું લગભગ સંયોગ જેવું લાગે. ત્યાં બીજું કંઇ પણ હોઇ શકે. કારણ કે અમદાવાદમાં વડાપાંઉ તરીકે ઓળખાતી વાનગીમાં વડા કે પાંઉ કરતાં વધારે અને મુખ્ય સ્વાદ ચટણીઓ-કેચપ અને ચીઝનો આવે છે. વડાપાંઉ પર પોતીકાપણાનો હકદાવો કરીને, ગુજરાત પર તેને બગાડવાનો આક્ષેપ મૂકનારા મુંબઇકરો વિકાસશીલ ગુજરાતની ગતિ શું જાણે? તેમને શી ખબર પડે કે ડાલ ડાલ પર સોનેકી ચિડીયા ભલે બસેરા ન કરતી હોય, પણ પાંઉ-પાંઉ અને ડીશ-ડીશ પર ચીઝના છીણના ઢગલા સુધી ગુજરાત પહોંચી ચૂક્યું છે.

ચીઝને ધનિકોનું ભોજન સમજતા લોકોને સડક પરના લારીખુમચામાં થતો ચીઝનો જથ્થાબંધ વપરાશ જોઇને અચંબો થાય છે. કોઇ પણ વાનગી તૈયાર કર્યા પછી ખુમચા-સંચાલક ચીઝ જેવું લાગતું, પીળા રંગનું એક ચોસલું છીણવા મેદાને પડે છે, ત્યારે જોનારના શ્વાસ અદ્ધર થઇ જાય છે. કેલરીસભાન લોકો માટે તો આ દૃશ્ય જોવું સુદ્ધાં સલાહભરેલું નથી. કારણ કે ચીઝનો ગઠ્ઠો હાથમાં પકડ્યા પછી ખુમચા-બહાદુર કાં હું નહીં, કાં તું નહીંના અંદાજમાં, ચીઝ પર જૂનું વેર વાળતો હોય એ રીતે, તેનો ખાત્મો બોલાવવા મચી પડે છે. ગ્રાહકોને વેલ્યુ ફોર મનીનો પૂરો સંતોષ આપવા માટે આ દૃશ્ય મહત્ત્વનું હોય છે. ઘણા ગ્રાહકો માટે ચીઝના સ્વાદ કરતાં તેનો જથ્થો વધારે મહત્ત્વનો હોય છે. વાનગીના સ્વાદને બદલે ગ્રાહકના સંતોષને પોતાનો મુદ્રાલેખ ગણતા ખુમચાકર્મીઓ દરેક વાનગી પર ચીઝનો એટલો મોટો ઢગ ખડકી દે છે કે જોનારને એવું લાગે, જાણે ચીઝનગરમાં ધરતીકંપ થયો હશે અને તેમાં ચીઝના કાટમાળ તળે આખેઆખી સેન્ડવિચ કે આખેઆખી દાબેલી કે વડાપાંઉ દટાઇ ગયાં છે.

વિદેશોમાં અનેક પ્રકારની ચીઝ મળે છે, પરંતુ ગુજરાતમાં અને અમદાવાદમાં એક જ ચીઝના અનેક પ્રકાર મળે છે : સારી (મોંઘી), સસ્તી, વઘુ સસ્તી, એથી પણ વઘુ સસ્તી...શાયરે કહ્યું હતું કે પીતાં આવડે તો એવો કયો પદાર્થ છે, જે શરાબ નથી. ચીઝના પ્રેમીઓની દશા કંઇક એવી જ હોય છે. ખુમચા પર અમુલના પતરાના ડબ્બામાં ભરેલો પ્રત્યેક પીળો પદાર્થ તેમને ચીઝ લાગે છે. એ ભરપૂર માત્રામાં નખાવ્યાથી તેમને સમૃદ્ધવાનગી ખાવાનો અને પોતે એ વાનગી ખાવા જેટલા સમૃદ્ધ થઇ શક્યા હોવાથી, પોતાનો વિકાસ થયાનો અહેસાસ થાય છે. સામાજિક નિસબત ધરાવતા લોકો માને છે કે ખુમચાવાળાને આટલા ભાવમાં આટલી બધી ચીઝ નાખવી પોસાય છે, તેનો અર્થ એ કે તેનો પણ વિકાસ થયો.

ખુમચા પર વપરાતી ચીઝને ગુજરાતના વિકાસનું પ્રતીક ગણવાનું હજુ સુધી કોઇ વિકાસપ્રેમીને કેમ સૂઝ્‌યું નથી, એ સવાલ છે. બાકી, અસલિયત ઢાંકી દઇને, ઉપરછલ્લી સમૃદ્ધિનો છાકો પાડતી વિકાસ-વ્યાખ્યા ખુમચા-ચીઝ સાથે બધી રીતે સુસંગત લાગે છે.