Thursday, August 06, 2015

ચીઝ મારકે : પીળી એટલી ચીઝ?

વૈશ્વિકીકરણ પછી ભારત ખેતીપ્રધાન દેશ રહ્યો હોય કે નહીં, ગુજરાત અવશ્ય ચીઝપ્રધાનરાજ્ય અવશ્ય બન્યું છે. ખાસ કરીને, મહાનગર અમદાવાદમાં ભયજનક સપાટી વટાવી ગયેલા ચીઝના વપરાશને કારણે કોઇ વિદેશી મુસાફરને એવો જ વિચાર આવે કે કાંકરિયા ચીઝનું તળાવ હશે. ત્યાંથી આખા અમદાવાદને પાઇપલાઇન દ્વારા પ્રવાહી સ્વરૂપે ચીઝ પૂરી પાડવામાં આવતી હશે, જે અમદાવાદીઓ ઘરે થીજાવીને, તેના ચોસલાં પાડીને, કોઇ પણ ચીજ પર છૂટા હાથે લગાડતા કે ભભરાવતા હશે.

છૂટા હાથે ચીઝ ભભરાવવી એ સામાન્ય સંજોગોમાં ટીવી પરના કૂકિંગ શો પૂરતી મર્યાદિત ઘટના હોય, પણ અમદાવાદમાં એવું નથી. અમદાવાદીઓ માટે તે રૉંગસાઇડ પર વાહન ચલાવવા જેવી, ટ્રાફિક પોઇંટ પર પકડાઇ ગયા પછી પોલીસ સાથે દલીલબાજી કરવા જેવી, છાપાંની કૂપનો થકી મળતી ગિફ્‌ટ માટે લાઇનમાં ઊભા રહેવા જેવી કે પહેલા વરસાદમાં અન્ડરપાસના તળાવમાં ફેરવાઇ જવા જેવી --એટલે કે, સાવ સામાન્ય--ઘટના છે. અમદાવાદીઓ અને અમુક અંશે સમસ્ત ગુજરાતીઓ કોઇ પણ વ્યંજન પર ચીઝ ભભરાવી શકે છે. હજુ કોઇ રેસ્તોરાંએ ચીઝ-વૉટરઆપવાનું શરૂ નથી કર્યું, એ ગનીમત છે. બાકી, એવા ઠેકાણે વેઇટર તેની કાયમી ઠાવકાઇથી પૂછી શકે, ‘મીનરલ વૉટર? ચીઝ વૉટર? કે નૉર્મલ વૉટર?’ અને કોઇ ઉત્સાહી ચીઝપ્રેમી ચીઝ વૉટર, ઑફ કોર્સકહે, એટલે ટૂંક સમયમાં વેઇટર ચીઝનું છીણ તરતું હોય એવું પાણી હાજર કરી દે.

અત્યારે આ કલ્પના ભલે અતિશયોક્તિભરેલી લાગે, પણ જમાનો હાસ્યલેખોમાં લખાયેલી કલ્પનાઓ સાચી પડી જાય એવો એટલે કે ખરાબ છે. એટલે નજીકના ભવિષ્યમાં આવું કંઇ જોવા મળે ત્યારે યાદ રાખજો કે એ પહેલી વાર અહીં વાંચ્યું હતું. (કોઇ ઉત્સાહીએ આવો પ્રયોગ શરૂ કરી દીધો હોય, તો પછી કશું કહેવાનું રહેતું નથી.) વધારે વાસ્તવવાદી બનીને વિચારવું હોય તો, સાદા પાણીથી પહેલાં પાણીપુરીમાં ચીઝ-પાણીનું ચલણ થઇ જાય એવી આશંકા વધારે છે. પાણીપુરીના પાણીમાં ચીઝનો પ્રયોગ લોકપ્રિય બને, તો શક્ય છે કે ડેરીઓ પિત્ઝાની મોઝરેલા ચીઝની જેમ, પાણીપુરીના પાણી માટેની અલગ ચીઝ બનાવતી-વેચતી થઇ જાય. વિવિધતામાં એકતા તે આનું નામ.

ચીઝની વર્તમાન લોકપ્રિયતા, બલ્કે તેનો અતિરેક જોતાં એવી કલ્પના પણ ન આવે કે માંડ દોઢ-બે દાયકા પહેલાં ચીઝ લક્ઝરી ગણાતી હતી. પછી શું થયું? ગરીબીરેખાની નીચે જીવતા લોકોની ટકાવારી ઘટાડવા માટે સરકારશ્રી લોકોને ગરીબીરેખાની ઉપર લઇ જતી નથી. તે ગરીબીરેખાને ગરીબો સુધી (એટલે કે નીચે) લઇ જાય છે. કંઇક એવું જ ચીઝની બાબતમાં થયું. ચીઝ સાથે સંકળાયેલો મોંઘાપણાનો ખ્યાલ કાળક્રમે દૂર થઇ ગયો અને એવો ખ્યાલ પ્રચલિત બન્યો કે કોઇ પણ ખાદ્યસામગ્રીની ઉપર ધરાર ચીઝ ભભરાવવી એ દરેકનો ગુજરાતીસિદ્ધઅધિકાર છે. ચીઝના ઉમેરણને કારણે વાનગીની કિંમતમાં આવેલો ઊછાળો વિકાસના પરિણામ તરીકે તેમને મંજૂર હતો.

વડાપાંઉની જન્મભૂમિ જેવા મુંબઇનાં વડાપાઉં આર્ટ ફિલ્મના હીરો જેવાં લાગતાં હોય, પણ એ જ વડાપાઉં અમદાવાદમાં આવે ત્યારે બટરમાં તળાઇને, ચીઝ-કેચપથી અભિષિક્ત થઇને કરણ જોહરની ફિલ્મના હીરો જેવાં બની જાય છે. ઘણાં મુંબઇકરો અમદાવાદનાં ચીઝ-કેચપ-બટરસમૃદ્ધ વડાપાંઉ ખાય ત્યારે તે વડાપાંઉના સંસ્કૃતિકરણને કે સમૃદ્ધિકરણને પ્રમાણી-વખાણી શકતાં નથી. વઘુ એકેડેમિક વૃત્તિ ધરાવતા લોકો માટે આ ચર્ચા એ પ્રકારની છે કે આદિવાસીઓને આદિવાસી જ રહેવા દેવા? બસો-પાંચસો-હજાર વર્ષ પહેલાં એ જે હાલતમાં રહેતા હતા, એવી જ રીતે તેમને રેઢા મૂકીને તેમી પ્રાકૃતતાનો મહિમા કરવો? કે પછી તેમને આઘુનિક’, ‘સભ્ય’, ‘સુધરેલાસમાજમાં ભેળવવા પ્રયાસ કરવો?’

માત્ર એક કોરા પાંઉ વચ્ચે કાપો પાડીને, તેમાં તીખી, કોરી ચટણી લગાડીને વચ્ચે બટાટાવડું ઠાંસી દેવું, એ વડાપાંઉનું આદિમ સ્વરૂપ છે. અસલ એ અસલની રીતે તેનાં વખાણ પણ થઇ શકે, પરંતુ સંસ્કૃતિનો અભ્યાસ કરનારા કહી શકશે કે આવી ચીજો ધબકતા જનજીવન કરતાં નિષ્પ્રાણ મ્યુઝીયમમાં વધારે જોવા મળે છે. તેમની સરખામણીમાં બટરથી લસલસતાં, લાલ ચટણી-બટરના મિશ્રણમાં સાંતળાયેલા, લાલ-લીલી ચટણી અને કેચપને ધારણ કરનાર પાંઉમાં વડાનું અસ્તિત્ત્વ જરાય વડું નથી હોતું. બટાટાવડાનું ત્યાં હોવું લગભગ સંયોગ જેવું લાગે. ત્યાં બીજું કંઇ પણ હોઇ શકે. કારણ કે અમદાવાદમાં વડાપાંઉ તરીકે ઓળખાતી વાનગીમાં વડા કે પાંઉ કરતાં વધારે અને મુખ્ય સ્વાદ ચટણીઓ-કેચપ અને ચીઝનો આવે છે. વડાપાંઉ પર પોતીકાપણાનો હકદાવો કરીને, ગુજરાત પર તેને બગાડવાનો આક્ષેપ મૂકનારા મુંબઇકરો વિકાસશીલ ગુજરાતની ગતિ શું જાણે? તેમને શી ખબર પડે કે ડાલ ડાલ પર સોનેકી ચિડીયા ભલે બસેરા ન કરતી હોય, પણ પાંઉ-પાંઉ અને ડીશ-ડીશ પર ચીઝના છીણના ઢગલા સુધી ગુજરાત પહોંચી ચૂક્યું છે.

ચીઝને ધનિકોનું ભોજન સમજતા લોકોને સડક પરના લારીખુમચામાં થતો ચીઝનો જથ્થાબંધ વપરાશ જોઇને અચંબો થાય છે. કોઇ પણ વાનગી તૈયાર કર્યા પછી ખુમચા-સંચાલક ચીઝ જેવું લાગતું, પીળા રંગનું એક ચોસલું છીણવા મેદાને પડે છે, ત્યારે જોનારના શ્વાસ અદ્ધર થઇ જાય છે. કેલરીસભાન લોકો માટે તો આ દૃશ્ય જોવું સુદ્ધાં સલાહભરેલું નથી. કારણ કે ચીઝનો ગઠ્ઠો હાથમાં પકડ્યા પછી ખુમચા-બહાદુર કાં હું નહીં, કાં તું નહીંના અંદાજમાં, ચીઝ પર જૂનું વેર વાળતો હોય એ રીતે, તેનો ખાત્મો બોલાવવા મચી પડે છે. ગ્રાહકોને વેલ્યુ ફોર મનીનો પૂરો સંતોષ આપવા માટે આ દૃશ્ય મહત્ત્વનું હોય છે. ઘણા ગ્રાહકો માટે ચીઝના સ્વાદ કરતાં તેનો જથ્થો વધારે મહત્ત્વનો હોય છે. વાનગીના સ્વાદને બદલે ગ્રાહકના સંતોષને પોતાનો મુદ્રાલેખ ગણતા ખુમચાકર્મીઓ દરેક વાનગી પર ચીઝનો એટલો મોટો ઢગ ખડકી દે છે કે જોનારને એવું લાગે, જાણે ચીઝનગરમાં ધરતીકંપ થયો હશે અને તેમાં ચીઝના કાટમાળ તળે આખેઆખી સેન્ડવિચ કે આખેઆખી દાબેલી કે વડાપાંઉ દટાઇ ગયાં છે.

વિદેશોમાં અનેક પ્રકારની ચીઝ મળે છે, પરંતુ ગુજરાતમાં અને અમદાવાદમાં એક જ ચીઝના અનેક પ્રકાર મળે છે : સારી (મોંઘી), સસ્તી, વઘુ સસ્તી, એથી પણ વઘુ સસ્તી...શાયરે કહ્યું હતું કે પીતાં આવડે તો એવો કયો પદાર્થ છે, જે શરાબ નથી. ચીઝના પ્રેમીઓની દશા કંઇક એવી જ હોય છે. ખુમચા પર અમુલના પતરાના ડબ્બામાં ભરેલો પ્રત્યેક પીળો પદાર્થ તેમને ચીઝ લાગે છે. એ ભરપૂર માત્રામાં નખાવ્યાથી તેમને સમૃદ્ધવાનગી ખાવાનો અને પોતે એ વાનગી ખાવા જેટલા સમૃદ્ધ થઇ શક્યા હોવાથી, પોતાનો વિકાસ થયાનો અહેસાસ થાય છે. સામાજિક નિસબત ધરાવતા લોકો માને છે કે ખુમચાવાળાને આટલા ભાવમાં આટલી બધી ચીઝ નાખવી પોસાય છે, તેનો અર્થ એ કે તેનો પણ વિકાસ થયો.

ખુમચા પર વપરાતી ચીઝને ગુજરાતના વિકાસનું પ્રતીક ગણવાનું હજુ સુધી કોઇ વિકાસપ્રેમીને કેમ સૂઝ્‌યું નથી, એ સવાલ છે. બાકી, અસલિયત ઢાંકી દઇને, ઉપરછલ્લી સમૃદ્ધિનો છાકો પાડતી વિકાસ-વ્યાખ્યા ખુમચા-ચીઝ સાથે બધી રીતે સુસંગત લાગે છે.

4 comments:

  1. Anonymous9:35:00 PM

    વિકાસ અને પ્રજા વત્સલ એક (અને માત્ર એક) નેતા વિષે વાતો ચાલતી હતી ત્યારે એક મિત્રએ મજાક કરી કે, અમદાવાદમાં એક જાહેર મૂતરડીના ઓપનીંગમાં એ નેતા હોય તો, આવું ભાષણ કરે...

    દોસ્તો, મારા ગુજરાતના પાંચ કરોડ લોકોને પ્રોબ્લેમ છે.. અને તેમાંય વળી અમદાવાદના મારા ભાઇઓને કચ્ચીને પેશાબ લાગી હોય તો ક્યાં જાય..એ શું કરે..? એમના માટે અગાઉની (સંભવતઃ કોંગ્રેસ જ !) સરકારોએ મિત્રો, કોઇ વિચાર જ કર્યો નથી. બધાએ માત્ર ભ્રષ્ટ્રાચાર જ કર્યો છે. માટે ભાઇઓ અમારી સરકારે દરેક વિસ્તારમાં જાહેર મૂતરડીઓ બનાવવાનો નિર્ણય કર્યો છે... અને એના ભાગરૂપે આ પહેલું સોપાન છે..હવે ... (ખાલી જગ્યા) ગુજરાત...

    આ વાત પાંચ કરતા વધારે વર્ષો પહેલાંની છે.. સ્વચ્છતા અભિયાન અને શૌચાલયનો ખ્યાલ ક્યાંય કોઇની શોચમાં ન હતો...

    અેવી રીતે ...

    ચીઝનું ય થાય...કદાચ, હોં ઉર્વીશભાઇ...

    પણ શરત એ છે કે, આવો ભવ્ય વિચાર ભવ્ય માણસ સાથે સંકળાયેલો હોવો જોઇએ..

    ReplyDelete
  2. ઉર્વીશભાઈ, પશ્ચિમના દેશોમાં આપણે ત્યાં જે રીતે ઘી વપરાય છે એ જગ્યાએ/ એ રીતે ચીઝ વપરાય છે, દરેક વાનગીમાં ચીઝ હોવું જરૂરી નથી અને સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય નથી, આપણે પણ ઘી એ રીતે પ્રમાણસર જ ખાઈએ છીએ, પણ એની અતિશયોક્તિ નથી હોતી, ઘી પણ જેટલું વધુ હોત તે વસ્તુ સારી તો લાગે જ છે, પણ એની પણ એક હદ હોય છે, એ જ રીતે ગુજરાતી વાનગીમાં ચીઝ મર્યાદામાં હોય તો તો ઠીક છે પણ અતિશય હોય તે વધુ પડતું જ છે.

    ReplyDelete
  3. ચીઝની કહાણી વાંચી અને થયું કે હું તમારી જેવું તો સરસ ના લખી શકું પણ એટલું ધ્યાન દોરું મારી સમજ મુજબ કે આ અમદાવાદની બજાર/હોટેલોમાં મળતું અને વપરાતું ચીઝ કેટલું 'ચીઝ' હશે તેની શુદ્ધિની ચકાસણી જરુર માંગી લ્યે છે, જો ચીઝની લહેર લોકપ્રિય થઇ તો પછી ભેળસેળની તો ઘણી મોટી શક્યતા છે અને આ વહેતી 'ગંગા'માં બધાય તકવાદી તસ્કરો 'ચરણામત'
    પણ લેવાનું ચુકે જ નહિ,તો સમજદાર લોકોએ સમજવાનું છે કે તેમને શુદ્ધ 'ચીઝ' ખાવું છે કે પછી 'સાબુના ભુક્કા' કે 'લોટના ગઠ્ઠા' ગળે ઉતારવા છે !!

    ReplyDelete
  4. Urvishbhai, Nice blog. Avu pella pan hatu... Ghee no relo potani baju j avvo joyye :-) .. Gujrarat smachaar ma tamne miss karu chhu .. khas karine budhvare Tantri-lekh ni niche ...bloyu chalyu maaf

    ReplyDelete