Friday, April 29, 2011

‘સિવિલ સોસાયટી’ : નાગરિકોનું શસ્ત્ર અને શાસ્ત્ર

અમદાવાદ સ્ટેશને ઉતરીને એક સજ્જને રિક્ષાવાળાને કહ્યું,‘સિવિલ સોસાયટી લઇ લો.’

સરનામું સાંભળીને રિક્ષાવાળા ભાઇ મૂંઝાયા. તેમણે કહ્યું, ‘સિવિલ હોસ્પિટલ જોઇ, મણિનગરમાં આવેલી મઘ્યમ વર્ગ સોસાયટી ખબર છે, કહેતા હો તો વાસણામાં આવેલી ટ્રસ્ટનગર સોસાયટી લઇ જઉં, પણ સિવિલ સોસાયટી? એ ક્યાં આવી?’
***

અન્ના હઝારેના આંદોલન પછી બહુચર્ચિત એવી ‘સિવિલ સોસાયટી’ ઉર્ફે નાગરિક સમાજ વિશેની રમૂજ બાજુ પર રાખીએ તો પણ, સવાલ તો ઉભો રહે જ છેઃ ક્યાં છે સિવિલ સોસાયટી? તેમાં કોણ કોણ હોય? આપણે તેમાં ભળવા શું કરવું પડે? સિવિલ સોસાયટીએ શું કરવાનું હોય? તેનાથી શું ન થાય?

અને કળિયુગમાં સૌથી મહત્ત્વનો સવાલઃ સિવિલ સોસાયટીથી આપણને શો ફાયદો?

સંભવિત રીમોટ કન્ટ્રોલ
કેટલાક શબ્દો-શબ્દસમુહો સૌથી વઘુ બોલાતા-ચર્ચાતા અને સૌથી ઓછા સમજાતા હોય છે. જેમ કે, ‘સિવિલ સોસાયટી’. શાબ્દિક અર્થ પ્રમાણે સિવિલ સોસાયટી એટલે નાગરિક સમાજ. એ દૃષ્ટિએ સરકાર, સરકારી સંસ્થાઓ અને રાજકારણીઓ સિવાયના તમામ નાગરિકો તથા તેમનાં સંગઠનોને ‘સિવિલ સોસાયટી’ ગણી શકાય. પરંતુ વ્યવહારમાં તેનો અર્થ છેઃ નાગરિકોના હક અને ફરજની દિશામાં સક્રિયતાપૂર્વક કામ કરતાં જૂથ-સંગઠન.

સિવિલ સોસાયટી કોઇ એક જૂથ, મંડળ કે સામાજિક રીતે વગદાર એવા મુઠ્ઠીભર લોકોનું સંગઠન નથી. રાજ્યશાસ્ત્ર પ્રમાણે સિવિલ સોસાયટીની વ્યાખ્યા શી છે કે વિવિધ પરદેશી વિદ્વાનો કોને સિવિલ સોસાયટી ગણે છે, એની શાસ્ત્રીય ચર્ચાને બદલે, વાસ્તવિકતા નજર સામે રાખીને જોઇએ તો : સામાન્ય નાગરિકો માટે, નાગરિકો વડે ચાલતો નાગરિકોનો કોઇ પણ સમુહ ‘સિવિલ સોસાયટી’નો હિસ્સો ગણાય.

નાગરિકોના હક અને ફરજોને કેન્દ્રમાં રાખીને ચાલતાં સંગઠનો જેટલાં મજબૂત, વઘુ સક્રિય અને એકબીજા સાથે વઘુ ગૂંથાયેલાં, એટલો સમાજ વધારે સ્વસ્થ-તંદુરસ્ત. કારણ કે, આ પ્રકારનાં સંગઠનોનું મુખ્ય કામ છેઃ નાગરિકોના હિતને લગતી બાબતો માટે સત્તાધીશો અને વિપક્ષો બન્ને પર દબાણ આણવું. એ માટેના પ્રેશર ગુ્રપ તરીકે કામ કરવું.

લોકશાહીમાં એક વાર ચૂંટાઇ ગયા પછી નેતાઓની ચોટલી મતદારોના-નાગરિકોના હાથમાં રહેતી નથી. એ સંજોગોમાં સિવિલ સોસાયટી ઉર્ફે નાગરિક સંગઠનો પોતપોતાની શક્તિ અને મર્યાદા પ્રમાણે, જુદી જુદી અસરકારકતા ધરાવતાં રીમોટ કન્ટ્રોલ બની શકે છે. તેમના થકી નાગરિકો પોતાની લાગણી ને માગણી, વાંધા ને વિરોધ નેતાઓ સુધી પહોંચાડી શકે છે. તે નેતાઓને ઢંઢોળી શકે, જગાડી શકે અને વખત આવ્યે તેમની ઉંઘ પણ ઉડાડી શકે છે.

નાગરિકોના કચડાતા અધિકારો સામે કે ન મળતા અધિકારો માટે ઝુંબેશ ચલાવવાનું કામ ફક્ત પત્રકારોથી કે પ્રસાર માઘ્યમોનું જ છે? ના. હવેના સમયમાં પ્રસાર માઘ્યમો કોઇ પણ મુદ્દો લાંબા સમય સુધી પકડી રાખતાં નથી. એ મુદ્દો તેના તાર્કિક અંત સુધી પહોંચે, એ માટે નાગરિક સંગઠનોએ સક્રિય થવું પડે. તેનાથી ઉલટું પણ બનવું જોઇએ. એટલે કે, નાગરિકહિતને લગતો કોઇ અગત્યનો મુદ્દો પ્રસારમાઘ્યમોમાં ‘પકડાય’ તેની રાહ જોવાને બદલે, નાગરિક સંગઠનો તે મુદ્દાને જાહેરમાં લાવી શકે છે. દરેક વખતે, દરેક મુદ્દે હળાહળ ધંધાદારી બની ગયેલાં પ્રસાર માઘ્યમો પર આધાર રાખીને બેસી રહેવાની કે પ્રેસનોટ આપીને સંતુષ્ટ થઇ જવાની માનસિકતા નાગરિક સંગઠનો માટે ઘાતક નીવડી શકે છે.

ઉત્તરદાયિત્વની પૂર્વશરત
શેરીના-સોસાયટીના મંડળથી માંડીને રાજ્ય-રાષ્ટ્ર કક્ષાની સંસ્થાઓ ‘સિવિલ સોસાયટી’માં સ્થાન પામે છે. બધી નાગરિક સંસ્થાઓ બધા હેતુઓ માટે કામ કરે એ જરૂરી નથી. તેમનો હેતુ મર્યાદિત હોઇ શકે, પણ ‘સિવિલ સોસાયટી’નો હિસ્સો બનવા માટે તેમનાં હિત સંકુચિત ન હોવાં જોઇએ. લાયન્સ-રોટરી પ્રકારની સંસ્થાઓ આદર્શ રીતે નાગરિક સમાજનો હિસ્સો ગણી શકાય. પણ તેમાં નાગરિક હિત અને એ માટેની નક્કર કામગીરી કરતાં આનંદપ્રમોદ-ઉજવણી અને લગે હાથ સમાજની થોડી ચિતા કર્યાની સંતોષી મનોવૃત્તિ વધારે પ્રબળ હોય છે. શિક્ષણ સહિત વિવિધ વ્યવસાયોનાં મંડળો પણ સિવિલ સોસાયટીનો ભાગ છે. પરંતુ પોતાના હિતને સ્પર્શતી અને ખાસ તો પોતાનું અહિત કરતી બાબતો સિવાય બીજી વાતોમાં આ મંડળોને બહુ રસ પડતો નથી. આ જાતનાં સંગઠનો મોટે ભાગે સરકાર સાથે સારાસારી રાખીને, નેતાઓને મોટા ભા બનાવીને હક નહીં પણ કૃપાદૃષ્ટિ લેખે પોતાનુ કામ કઢાવી લેવાના પ્રયત્નમાં રહે છે.

જ્ઞાતિકેન્દ્રી અને જ્ઞાતિની બોલબાલા ધરાવતા ભારતીય સમાજમાં ઘણાં જ્ઞાતિસંગઠનો બળુકાં અને પ્રભાવશાળી હોય છે. માથાંની સંખ્યા અને શક્તિના જોરે તે રાજકારણીઓ પર પ્રભાવ પાડી શકે છે. પરંતુ જ્ઞાતિનાં મંડળો વ્યાપક નાગરિક સમાજને બદલે, કેવળ પોતાની જ્ઞાતિના લોકોના હિત વિશે વિચારતા હોય - અને તે માટે નાગરિકોના બીજા જૂથનું અહિત થતું હોય તો તેની પરવા ન કરતા હોય- ત્યારે એ સંગઠનો ધબકતા નાગરિક સમાજનો હિસ્સો બની શકતાં નથી. તેમની સંકુચિતતા ભાગલા પાડીને રાજ કરવા ઇચ્છતા નેતાઓને બહુ અનુકૂળ પડે છે. તેમાંથી મતબેન્કની માનસિકતા પણ પેદા થાય છે.

જ્ઞાતિમંડળો જેવાં બીજાં મોટાં જૂથ ધર્મો-સંપ્રદાયોનાં કે કથાકારોનાં હોય છે. તેમની પાસે અઢળક સંપત્તિ, ધાર્મિક લાગણીનું કવચ અને ભક્તમંડળનો મોટો સમુહ હોય છે. શાસક અને વિરોધી એમ બન્ને પક્ષના રાજકારણીઓ તેમના આશીર્વાદ લે છે. ધર્મ કરતાં સાવ જુદા પાટે ચાલતી ધર્મસંસ્થાઓ, સંપ્રદાયો-ફિરકા અને કહેવાતા પૂજ્યો-બાપુઓ કે ધાર્મિક અગ્રણીઓને નાગરિકસમાજ સાથે કશી નિસબત હોતી નથી. તેમના દ્વારા થતાં ‘સામાજિક કાર્યો’ની સામે તેમને મળેલાં સત્તા-સંપત્તિ અને તેમના પ્રભાવનું ગણિત માંડીએ તો ‘એરણની ચોરી અને સોયનું દાન’ જેવી કહેવત યાદ આવે.

ધર્મસંસ્થાઓ અને તેના મુખિયાઓને, કથાકારો અને ઉપદેશકોને સવાલો પૂછતા- જવાબ માગતા નાગરિકો નહીં, ચરણસ્પર્શ કરીને કૃતકૃત્ય થતા ભક્તો ખપે છે. હક માટેના સંઘર્ષને તે અનિષ્ટ અને મહદ્‌ અંશે અનિચ્છનીય ગણે છે. સામાન્ય રીતે એ સત્તાધીશો અને સમાજ બન્નેને હાથમાં રાખીને ચાલે છે અને તેમાંથી કોઇ એકને પસંદ કરવા પડે એવો દિવસ આવવા દેતા નથી. એવો દિવસ આવે ત્યારે તે સગવડીયું મૌન સેવીને સત્તાધીશોની તરફેણમાં જાય એવી ‘તટસ્થતા’ ધારણ કરે છે. નાગરિક સમાજનો હિસ્સો બનવા માટેની પૂર્વશરત ગણાય એવું ઉત્તરદાયિત્વ/આન્સરેબિલીટી તેમના કોર્સની બહાર હોય છે. સરવાળે તે લોકશાહીને બદલે આપખુદશાહીનાં વ્યક્તિકેન્દ્રી રજવાડાં બની જાય છે, જેમાં સામાન્ય નાગરિકની સમસ્યાઓને કે તેમની પીડાને કોઇ સ્થાન હોતું નથી. તેમાં આવતા લોકોએ ધર્મસંસ્થાની સમૃદ્ધિ અને તેના વડાની સાહ્યબી, રાજનેતાઓ સાથેની આત્મીયતા અને ભવ્ય ધર્મસ્થાનો જોઇને નાગરિક તરીકેનાં પોતાનાં દુઃખદર્દ ભૂલી જવાનાં હોય છેે. પોતાના હક માટે સંઘર્ષ કરવાને બદલે ઇશ્વર કે ઇશ્વરના આડતિયા-એજન્ટો પર ભરોસો રાખીને ‘સૌ સારાં વાનાં થશે’ એવું મન મનાવવાનું હોય છે. બહુમતી લોકો એક યા બીજી ધર્મસંસ્થા કે સંપ્રદાયની દુકાન સાથે સંકળાયેલા હોય, ત્યારે તેમનામાં નાગરિકભાન જગાડવાનું અને નાગરિક સમાજનાં અસરકારક સંગઠનો ઉભાં કરવાનું કામ વધારે કઠણ બને છે.

નાગરિક સંગઠનની વ્યાખ્યામાં આવતાં સૌએ હંમેશાં લડવું જરૂરી નથી, પણ સત્તા સામે શિગડાં ભરાવવાની ત્રેવડ અને વખત આવ્યે ધ્રુજારો બતાવવાની તાકાત આવશ્યક છે. આર્થિક કે વ્યાવસાયિક હિત સિવાયની બાબતોમાં તેમની સક્રિયતા હોવી જોઇએ. કોમી વિખવાદથી માંડીને દલિતો સાથે ભેદભાવ જેવા અનેક સામાજિક પ્રશ્નો અંગે સરકારની નિષ્ફળતા, બિનકાર્યક્ષમતા કે ઉદાસીનતાને કારણે નાગરિક સંગઠનોની જવાબદારી અને ભૂમિકાનો વ્યાપ વધી જાય છે. સરકાર દ્વારા દાખવવામાં આવતી સીધીસાદી, ભ્રષ્ટ કે ગુનાઇત બેદરકારીના પ્રસંગોએ નાગરિક સમાજની જરૂરિયાત તીવ્રપણે વરતાય છે અને તેમની અછત બહુ સાલે છે.

સ્વૈચ્છિક સંસ્થાઓની સમસ્યા
ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ત્રણેક દાયકાથી ‘સિવિલ સોસાયટી’ એટલે સ્વૈચ્છિક સંસ્થાઓ, એવું સમીકરણ પ્રચલિત બન્યું છે. સ્વૈચ્છિક સંસ્થાઓની સ્થાપનાનો આશય સરકારની સરકાર જ્યાં ન પહોંચી હોય અથવા જ્યાં પહોંચવાની સરકારની દાનત ન હોય, એવાં ક્ષેત્રોમાં કામગીરી કરવાનો હતો. સમાજના મુખ્ય પ્રવાહથી એક યા બીજા કારણોસર દૂર રહી ગયેલા લોકોને નાગરિક તરીકેના હક મળે એ તેમનો હેતુ હતો. એ માટે જરૂર પડ્યે સરકાર સામે સંઘર્ષમાં ઉતરવું પડે તો એ માટેની તેમની તૈયારી હતી. પરંતુ પાછલાં વર્ષોમાં સંઘર્ષથી દૂર રહેવાનું લક્ષણ કે ફક્ત રોકડી કરી શકાય એટલા પૂરતો સંઘર્ષ કરવાનું લક્ષણ ચંિતાજનક હદે પ્રસર્યું છે.

જૂજ અપવાદોને બાદ કરતાં, સિવિલ સોસાયટી કહેવાતી સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાનાં સંકુચિત રજવાડાંમાં રાચતી અને સમસ્યાઓ ઉકેલવાને બદલે, તેમાંથી કેવી રીતે વઘુ ને વઘુ ફંડિગ મેળવી શકાય એ રીતે વિચારતી થઇ છે. નક્કર કામગીરીને બદલે વહીવટ પાછળ ખર્ચાતી રકમ ઘણી વધી જતી હોવા છતાં તેમને જવાબ અને હિસાબ ફક્ત ફંડિગ એજન્સીને આપવાનો હોવાથી, સ્થાનિક સ્તરે તેમનું ઉત્તરદાયિત્વ નહીંવત્‌ રહ્યું છે. સરકાર કદીક તેમનો કાંઠલો પકડે તો એ પણ ‘અમારી સામે પડ્યા તો ખેર નથી’ એટલી ધમકી આપવા પૂરતો જ. ઘણાં સ્વૈચ્છિક સંગઠનો હોંશે હોંશે સરકાર સાથે હળીમળીને કામ કરતાં થયાં છે. એમ કરતાં નાગરિકોનું ભલું થતું હોય તો શો વાંધો? પણ મોટે ભાગે બને છે એવું કે નાગરિકો ઠેરના ઠેર રહે છે અને સંસ્થાઓને સરકારનું ફંડિગ સદી જાય છે. બદલામાં, નાગરિકોના હિત માટે સરકારને અપ્રિય થવાની વૃત્તિ ભલે જતી રહે!

તાત્પર્ય એટલું જ કે નાગરિક સમાજ/સિવિલ સોસાયટી જાદુઇ લાકડીથી પલકવારમાં સર્જાઇ જવાની નથી અને નાગરિકો જાગ્રત નહીં રહે તો સિવિલ સોસાયટીની ગમે તેવી ઉત્તમ સંસ્થાઓ પણ લાંબા ગાળે ઘસાઇને કોઇનાં રજવાડાં કે કોઇના હાથના રમકડાં જેવી બની રહેશે.

Thursday, April 28, 2011

મનુષ્યો માટેનું દૈવી વાહનઃ રિક્ષા


ધાર્મિક કથાઓમાં દેવોનાં અનેક વાહનની કલ્પના કરવામાં આવી છે. તેમાંથી ઘણાંખરાં જીવંત ‘વાહન’ને અત્યારે આરટીઓ પાસંિગ મળવું અશક્ય છે. ભૂલેચૂકે આરટીઓ તેમને પાસ કરે તો જીવદયાપ્રેમીઓ આરટીઓ અને વાહનમાલિકો બન્નેને ફાડી ખાય.

બાકી રહ્યાં રથ પ્રકારનાં વાહન. તેમાં ઘોડા જોડવાનો, એ ઘોડાને પાલવવાનો અને ખાસ તો તેમને પાર્ક કરવાનો સવાલ આવે. રથનું પીયુસી કેવી રીતે કઢાવવું, તેમાં સીટ બેલ્ટ કેવી રીતે બાંધવો, એવા ગૌણ પ્રશ્નો પણ ખરા. ટ્રાફિક પોલીસ સામે આવીને ઉભા રહે ત્યારે એ પ્રશ્ન ગૌણ મટીને મુખ્ય બની જાય છે. ધારો કે ટ્રાફિક પોલીસ સડક પર ચાલતા રથને સરકારની રાબેતા મુજબની નાટકબાજીનો હિસ્સો ગણીને ન અટકાવે તો પણ, કોઇ શહેરી માતા-પિતા હાથ લાંબો કરીને રથ ઉભો રખાવે અને ‘બાબાને સી.જી.રોડનો એક આંટો મરાવવો છે. શું લઇશ?’ એવું પૂછી પાડે તો? રથ પર આરૂઢ સવારની આબરૂનું શું?

પૌરાણિક વાહનો સાથે સંકળાયેલાં જોખમો ઘ્યાનમાં રાખતાં એવું ધારી શકાય કે દેવતાઓ કળિયુગમાં પૃથ્વી પર- ભારતમાં- ગુજરાતમાં આવે તો પોતાના વાહન તરીકે એ આરટીઓ માન્ય કોઇ વાહન જ પસંદ કરે. દેવોની પસંદગીનું વાહન- ‘ધ ચોઝન વન’- રિક્ષા જ હોય એ બાબતે કોઇ શંકા ખરી?

રિક્ષા દૈવી વાહન છે કે આસુરી, એ વિશે ઉગ્ર મતભેદ થઇ શકે છે, પરંતુ બન્ને પરસ્પર વિરોધી વિશેષણોમાં આખરે રિક્ષાની શક્તિનો સ્વીકાર થયેલો છે એ યાદ રહે. રિક્ષાને અમથેઅમથું દૈવી વાહન જાહેર કરી દેવાયું નથી. દૈવી વાહન બનવા માટે કેટલીક મૂળભૂત લાયકાતો રિક્ષામાં મોજૂદ છે.

જેમ કે, દૈવી વાહન પહેલી નજરે, દેખાવમાં બીજાં વાહનથી જુદું તરી આવવું જોઇએ. એ રીતે જોઇએ તો, બૈ પૈડાંવાળાં (દ્વિચક્રી) અને ચાર કે વઘુ પૈડાંવાળા (ચતુષ્ચક્રી- બહુચક્રી) વાહનો ઘણાં છે. તેમાંથી કોને દૈવીનો દરજ્જો આપવો? બે પૈડાં ગાડાને હોય ને મોટરસાયકલને પણ હોય. ચાર પૈડાંવાળી હાથલારી પણ હોઇ શકે ને મર્સિડીઝ પણ. તેમની સરખામણીએ ત્રિચક્રીની કલ્પના કરતાં, રિક્ષા અને ફક્ત રિક્ષા જ યાદ આવશે. ત્રણ નેત્રવાળા શિવ કે ત્રણ મસ્તક ધરાવતા બ્રહ્માનાં ઉદાહરણ પરથી ત્રિચક્રી રિક્ષાને દૈવી ગણવાનું સહજ બની જાય છે.

દેવોની ત્રિમૂર્તિમાં સૃષ્ટિના પાલનનું કામ વિષ્ણુનું અને સંહારનું કામ શિવનું ગણાય છે, પણ સડકની સૃષ્ટિમાં ત્રિચક્રી રિક્ષા પાલન અને સંહારની સંયુક્ત જવાબદારી નિભાવે છે. ચાલકોના અસંખ્ય પરિવારોને તે પુરાણકથાના વિષ્ણુની જેમ પોષે છે અને કંઇક રાહદારીઓને તે સંહારક શિવની માફક ભયભીત કરે છે. ભરટ્રાફિકમાં સડસડાટ ચાલી જતી રિક્ષાને જોઇને શ્રદ્ધાળુઓને તાંડવની યાદ ન આવે તો જ નવાઇ.

દૈવી વાહનનું બીજું મહત્ત્વનું લક્ષણ એ કે તે ટ્રાફિકના દુન્યવી નિયમોથી પર હોય છે. ‘રુકના તેરી શાન નહીં, ચલના તેરી શાન’ એ ઘણાખરા રિક્ષાચાલકોનો ઘ્યેયમંત્ર હોય છે. જેમ્સ કેમેરૂનની ફિલ્મ ‘અવતાર’નાં વિરાટકાય પક્ષીઓની જેમ, ચાલક એક વાર દૈવી વાહનને અંકુશમાં કરી લે એટલે ખલાસ! તે ચાલકની ઇચ્છા સિવાય બીજા કશાની પરવા કરતું નથી. રિક્ષા શા માટે ટ્રાફિક પોલીસની, આરટીઓના કાયદાની કે રસ્તાના નિયમોની પરવા કર્યા વિના, ચાલકને મનફાવે ત્યાં ધસી જાય છે, એનો ખ્યાલ હવે આવ્યો? આઘ્યાત્મિક ઊંડાણ વિના કેટલીક બાબતો ન સમજાય, એટલે અજ્ઞાનીઓ રિક્ષા અને તેના ચાલકોની ‘બેફામ ગતિ’ની ટીકા કરે છે. ક્યારેક પોલીસ પણ દૈવી વાહનનો માર્ગ રોકીને કાયદાનું ટિપણું ધરે છે. એ વખતે બ્રહ્મા અને શિવની લીલા આત્મસાત્‌ કરી ચૂકેલી રિક્ષાના ચાલકો વિઘ્નહર્તા ગણેશના નહીં, પણ વિષ્ણુપ્રિયા લક્ષ્મીના સાક્ષાત્કાર દ્વારા પોલીસનું વિઘ્ન ટાળે છે.

મોર, ઉંદર, વાઘ કે હંસ દૈવી વાહન હોય એનો અર્થ એવો નહીં કે બધા મોર, બધા ઉંદર, બધા વાઘ કે બધા હંસ દિવ્ય બની જાય. દૈવીપણાનો આધાર ચાલકના ‘સત્‌’ પર હોય છે. તેના થકી સામાન્ય વાહન ‘દૈવી’નો દરજ્જો મેળવે છે. આ નિયમ રિક્ષાને પણ લાગુ પડે ઃ બધી રિક્ષા એકસરખી હોય છે, પણ તેના દૈવી પ્રતાપનો આધાર ચાલક પર રહે છે.

કેટલાક રિક્ષાચાલકો એટલી ટાઢકથી, ગપ્પાંગોષ્ઠિ કરતાં કરતાં રિક્ષા ચલાવે છે, જાણે આપણે રિક્ષાને નહીં, પણ એમણે આપણને (એમની વાતો સાંભળવા) ભાડે કર્યા હોય. એવા ચાલકોના હાથમાં સાવ બળદગાડા જેવી લાગતી રિક્ષા કોઇ તેજતર્રાર ડ્રાઇવરના હાથમાં બેકાબૂ સાંઢણી જેવી બની જાય છે. ‘હમણાં બહાર ફંગોળ્યા કે ફંગોળશે’ એવી બીક ઉતરવાનું ન આવે ત્યાં સુધી તેમાં બેઠેલા મુસાફરોને રહે છે. એવી માતેલી રિક્ષાના ચાલકોની જીભેથી રાહદારીઓ અને બીજા વાહનો માટે સ્વસ્તિવચનો નીકળે, ત્યારે રિક્ષાની ગતિ વધારેહિંસક છે કે જીભની, એ નક્કી કરવું અઘરું બની જાય છે. રિક્ષાચાલક જાણે (અશ્વમેધની જેમ) રિક્ષામેધ યજ્ઞ પર નીકળ્યા હોય, આખી દુનિયા તેમની રિક્ષાને- અને યજ્ઞમાં વિઘ્નો નાખવા ઇચ્છતી હોય અને ચાલકે ‘હું કોઇને તાબે નહીં થાઉં’ એવો નિર્ધાર કર્યો હોય, એવું વીરરસભર્યું દૃશ્ય સર્જાય છે.

રિક્ષા સંસ્કૃત સાહિત્યના યુગમાં શોધાઇ હોત તો રસશાસ્ત્રીઓએ તેને વીરરસના ખાનામાં મુકી હોત. આમ પણ રિક્ષાનો મિજાજ એકવીસમી સદીને બદલે મઘ્ય યુગને વઘુ અનુરૂપ છે. જરા કલ્પના કરોઃ પૃથ્વીરાજ ચૌહાણ સંયુક્તાનું અપહરણ કરવા માટે ઘોડા પર બેસીને જવાને બદલે રિક્ષા લઇને ગયો હોત અને સંયુક્તાને રિક્ષામાં ભગાડી લાવ્યો હોત તો? એવું બિલકુલ માની શકાય કે જયચંદના યોદ્ધા મોટી મોટી ગાડીઓ લઇને પૃથ્વીરાજની પાછળ પડ્યા હોત, પણ કનૌજથી દિલ્હીના ટ્રાફિકમાં જયચંદના યોદ્ધાઓની ગાડીઓ અટવાઇ પડી હોત અને પૃથ્વીરાજની રિક્ષા સડસડાટ દિલ્હી પહોંચી ગઇ હોત. સંભવ છે કે એ પ્રસંગ પૂરતું સંયુક્તાનું પરાક્રમ, સૌંદર્ય અને લાવણ્ય રિક્ષા સામે ઝાંખું પડી ગયું, એવો કોઇ છંદ કવિ ચંદે ગાયો હોત.

આ યુગમાં કે બીજા યુગમાં રિક્ષાને કવિતા કે સાહિત્ય સાથે શો સંબંધ? એવો સવાલ કોઇ અરસિકને અથવા એકદંડીયા મહેલ/આઇવરી ટાવરમાં બેઠેલા જણને જ થઇ શકે. ‘હૂડ પર કોઇએ હાથ મૂકવો નહીં’, ‘સભ્યતાથી બેસવું’ એવાં અસ્મિતાસૂચક વચનોથી માંડીને ‘ચેમ્બુરકી રાની, બોરીવલીકા રાજા/ મિલના હૈ તો દહીસર આજા’ જેવી ઇશ્કે મિજાજી અને ‘ધીરે ધીરે ચલોગે તો ફિર મિલોગે/ ફાસ્ટ ચલોગે તો સીધે હરિદ્વાર મિલોગે’ જેવી ઇશ્કે હકીકીની રચનાઓ રિક્ષા થકી બહોળા જનસમુદાય સુધી પહોંચી છે. આ રચનાઓ સંસ્કૃતમાં લખાઇ નહીં, એ જ તેમનો વાંક?

લોકોની વાચનની ટેવ (જો હોય તો) એ છૂટી રહી છે એવી ફરિયાદો ચોતરફ થઇ રહી છે, ત્યારે રસ્તા પર ચાલતાં રિક્ષાઓ થકી સાહિત્યનો પ્રસાર થાય એ પ્રશંસનીય છે. ફરી ક્યારેક સરકારને ‘વાંચે ગુજરાત’ જેવું કંઇક ઊભુ કરવાનું મન થાય તો તે તરતા પુસ્તકની યોજનાને બદલે સાહિત્યપંક્તિઓ લખેલી રિક્ષાઓ તરતી મુકવાનું પણ વિચારી શકે. તેનાથી ‘વહીવટ’ની રકમમાં અનેક ગણો વધારો થશે અને અનેકવિધ વ્યવસાયો હાથ ધરતા પ્રકાશકોને રિક્ષાક્ષેત્રે ઝંપલાવવાની પણ પ્રેરણા મળશે. પ્રેરણાની જરૂર ફક્ત લેખકો-કવિઓને જ હોય એવું કોણે કહ્યું?

સાહિત્યપ્રસારમાં રિક્ષાઓનો ફાળો- અને ગુજરાતી સાહિત્યની વર્તમાન સ્થિતિ- જોતાં ભવિષ્યમાં રિક્ષાચાલકોના એસોસિએશન માટે રણજીતરામ ચંદ્રકની માગણી ઉઠી શકે છે. અમેરિકામાં યુવતીઓ માટે બોલચાલની ભાષા/સ્લેન્ગમાં ‘ચિક’ શબ્દ વપરાય છે અને તેમના દ્વારા, તેમના માટે લખાતું સાહિત્ય ‘ચિકલિટ’ કહેવાય છે. એ જ તરાહ પર ગુજરાતી રિક્ષાચાલકો સત્તાવાર રીતે ‘રિક-લિટ’ જેવો કોઇ પ્રકાર સ્થાપિત કરે તો રણજીતરામ માટેનો તેમનો દાવો વધારે મજબૂત બને.

રણજીતરામ મળે કે ન મળે, પણ પોષક અને સંહારક એવી રિક્ષાની કામગીરીમાં ‘સર્જન’ની લીલા ઉમેરાતાં, રિક્ષાનો દૈવી દરજ્જો સંપૂર્ણતા પામશે એ નક્કી.

Tuesday, April 26, 2011

સત્ય અને સાંઇબાબા

આખરે સત્ય સાંઇબાબા તેમણે ભાખેલા ૯૬ વર્ષના આયુષ્ય કરતાં વહેલા ગુજરી ગયા. થોડાં વર્ષો પહેલાં સાઇબાબા વિશે ચાલાકી, બનાવટ, જૂઠા ચમત્કાર, ઠગવિદ્યા...એવા શબ્દો ધરાવતાં મથાળાં છાપનારાં ગુજરાતી અખબારો સહિતનાં પ્રસાર માઘ્યમો આળોટી આળોટી પડ્યાં. સત્ય સાંઇબાબા અને તેમના અનુયાયીઓની સેવાકીય પ્રવૃત્તિઓના વખાણનાં ગાડાં નહીં, આખેઆખાં માલવાહક જહાજો ઠલવાયાં. તેમના અનુયાયીઓ કેટલા મહાન છે, એમાંથી કેટલા બધા તો વિજ્ઞાનમાં માનવાવાળા છે- એવી બધી રાબેતા મુજબની વાતો કહેવાઇ.

સત્ય સાંઇબાબા સાથે મારો પ્રત્યક્ષ કશો પરિચય નથી, પણ બે બહુ નિકટના પરોક્ષ પરિચય છે. તેના આધારે અને એ સિવાય, સામાન્ય/સ્વસ્થ/નોર્મલ માણસ તરીકે કેટલાક સવાલો હતા અને રહે છે. તેમાં સાંઇબાબાની અઢળક સંપત્તિ, વ્યાવસાયિક જાદુગરોને સસ્તા/‘ચીપ’ લાગતા સાંઇબાબાના ચમત્કારો અને તેમની નિકટના માણસો અંગેના સવાલો મુખ્ય રહે છે. સાંઇબાબા લોકો પર બહુ પ્રભાવ પાડતા હોવાનું કહેવાય છે, પણ એકેય રાજકારણીમાં કે એકંદરે રાજકારણમાં સાંઇબાબાનો સાત્ત્વિક પ્રભાવ પડ્યો હોય એવું કહી શકાય એમ નથી. ઉલટું, એવી છાપ પડે કે સત્તાધીશો અને સત્તાના દલાલો સાંઇબાબાને વધારે સહેલાઇથી મળતા હતા. વગદાર માણસો સાંઇબાબાનાં રૂબરૂ દર્શન કરી શકતા હતા અને એવા દર્શન કરાવી આપનારા લોકો પણ હતા.

સાંઇબાબાના ચમત્કારને બદલે ફક્ત તેમના લોકકલ્યાણનાં કાર્યોની જ વાત કરવી જોઇએ, એવી દલીલ કરનારાએ સૌથી પહેલાં એ સત્ય સાંઇબાબાને સમજાવવાની જરૂર હતી. કારણ કે તેમનું સામ્રાજ્ય ઉભું થવામાં તેમના ચમત્કારોનો પ્રભાવ અને ફાળો ઓછો ન હતો.

વિજ્ઞાનવાળા કે નાની પાલખીવાળા જેવા બૌદ્ધિકો પણ સાંઇબાબામાં માનતા હતા, એવી દલીલથી કશું સિદ્ધ થતું નથી. ‘પાલખીવાળા કરતાં પણ તમે વધારે બુદ્ધિશાળી?’ એવી દલીલનો એટલો જ જવાબ હોય કે ‘કોઇની આગળ નમી પડવાની કે તેના ચરણોમાં બેસી પડવાની બાબતને ફક્ત બુદ્ધિ સાથે સંબંધ નથી. તેમાં અનેક પરિબળો ભાગ ભજવે છે. શક્ય છે કે મારા જેવા ઘણા લોકોને સાંઇબાબાના ટેકાની જરૂર પડે એવા સંજોગો ઉભા ન થયા હોય, જ્યારે પાલખીવાળાને તેમની કોઇ નબળી કે માનસિક પરિતાપ-અવઢવની ક્ષણોમાં સાંઇબાબાને કારણે સારું લાગ્યું હોય. એનો અર્થ એવો બિલકુલ નથી કે મને પણ એવું થવું જોઇએ.

સાંઇબાબાનાં સેવાકાર્યોને સદંતર કે એકઝાટકે કાઢી નાખી શકાય એવાં મામૂલી કે નાનાં ન હતાં. ગુજરાતમાં તેમના નામે ચાલતી હાર્ટ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને બાયપાસ જેવી સર્જરી મફત કરી આપવાનું કામ ચાલતું હોય તો તેની પ્રશંસા જ કરવાની હોય. પરંતુ કમબખ્ત ગાંધી ‘સાધનશુદ્ધિ’ નામની એક ફૂટપટ્ટી એવી મૂકીને ગયો છે કે એ વાપરીને જોતાં ખબર પડે : પ્રવૃત્તિ ગમે તેટલી સાત્ત્વિક હોય, પણ તેની સાથે સંકળાયેલા લોકોના ગંભીર પ્રશ્નો હોય અને તેમાંથી જો પાવર ઊભો થાય તો તે પાવરનો ઉપયોગ સદંતર તામસી કામો માટે પણ થઇ શકે છે. આ થિયરી નથી. વાસ્તવિકતા છે.

બીજો અનુભવ અમારા એક અત્યંત નિકટના સ્નેહીનો છે. તે અત્યંત સમૃદ્ધ, નિરભિમાની, કોઇને મદદ કરવાની વૃત્તિ ધરાવનારા માણસ. પરદેશ રહેતા હતા. ત્યાં સાંઇબાબાના ભક્ત બન્યા. તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર શરૂ કર્યું. કાળક્રમે કૌટુંબિક સંજોગો અને પોતાની તબિયતને કારણે તેમની આર્થિક સમૃદ્ધિ તો રહી, પણ એ સિવાય તે સાવ પરાધીન બની ગયા. તેમણે સાંઇબાબાના નામે અનેક દાન કર્યાં, મદદ આપી. તે એટલા સજ્જન છે કે તેમના વિશે સહેજ પણ ઘસાતું લખતાં જીવ ન ચાલે. એટલે જ મને લાગે છે કે એ જો સાંઇબાબાના ભક્ત ન બન્યા હોત તો બીજા કોઇના ભક્ત બનીને તેમની પ્રવૃત્તિમાં જોડાયા હોત અને પોતાનો સેવાભાવ ત્યાં ઢોળ્યો હોત.

સાંઇબાબા વિશે સંશયાત્મા બનવા માટે રેશનાલિસ્ટ કે નિરિશ્વરવાદી હોવું જરૂરી નથી. શીરડીના સાંઇબાબાનો બીજો અવતાર કેવી રીતે હોઇ શકે? એવો સવાલ પણ થવો જ જોઇએ.

પણ ના, મિત્ર આશિષ કક્કડે લખ્યું છે તેમ, લેટેસ્ટ ફેશન એવી છે કે ‘સિક્કાની બીજી બાજુ જોવી અને ચાલો, કંઇક તો સારું થાય છે’ એમ માનીને હરખાવું.

સત્ય સાંઇબાબા અને તેમની લીલા વિશે રસ ધરાવતા મિત્રો માટે અહીં ૧૯૮૩ના ‘જેન્ટલમેન’ સામયિકની કવરસ્ટોરીનું કટિગ મૂક્યું છે. વર્ષોથી જાળવીને રાખેલો આ લેખ, આગળ જતાં પેંગ્વિન ઇન્ડિયાના સંચાલક તરીકે જાણીતા બનેલા ડેવિડ દેવીદારે લખેલો છે. (ઉચ્ચારની ભૂલચૂક લેવીદેવી). આખો લેખ સરસ ભાષામાં અને સરસ રીતે લખાયેલો છે. તેમાં સત્ય સાંઇબાબાની અવિરત પાન ખાવાની ટેવ, તેના કારણે રાતા થયેલા હોઠ, એ હોઠ લૂછવા વપરાતા કકડા અને એ કકડા ‘પ્રસાદ’ તરીકે લેવા માટે ભક્તોની તત્પરતાથી માંડીને વિખ્યાત જાદુગર પી.સી.સરકાર (જુનિયર)નો અનુભવ પણ ડેવિડે ટાંક્યો છે. સમય લઇને વાંચવા જેવો લેખ. નરસિમ્હન્‌ અને પી.સી. (જુનિયર)ના બોક્સમાં મુકાયેલા ઇન્ટરવ્યુ ખાસ વાંચવા જેવા છે. (પાનાં પર ક્લિક કરવાથી લેખ મોટા અક્ષરમાં વાંચી શકાશે)

એ સિવાય સાંઇબાબાના ચમત્કારોમાં રસ ધરાવતા મિત્રો આ લિન્ક પણ જુએ.

Sunday, April 24, 2011

સફળ જનવિદ્રોહની અટવાયેલી આગેકૂચ: ‘ક્રાંતિની ચિનગારી’ અને કર્નલ ગદ્દાફીનું લિબીયા


આરબ રાષ્ટ્રોમાં સફળ વિદ્રોહના બનાવોથી પ્રસાર માઘ્યમોમાં ક્રાંતિનો નાદ ગુંજવા લાગ્યો હતોઃ આઘા ખસી જજો. અત્યાર લગી વેઠતા રહેલા નાગરિકો હવે સળવળી ઉઠ્યા છે. લાંબા સમયથી રાજ કરતા સરમુખત્યારોની ખેર નથી. જનાક્રોશના વાવાઝોડા સામે તે ફેંકાઇ જશે...ટ્યુનિશિયા, ઇજિપ્ત- એમ એક પછી એક દેશમાં સરમુખત્યારોના વાવટા સંકેલાતા ગયા. જાણે વિદ્રોહના રાજસૂય યજ્ઞનો ઘોડો આગળ વધતો ન હોય!
પછી વારો આવ્યો ઉત્તર આફ્રિકાના દેશ લિબીયાનો. ૪૧ વર્ષથી દેશ પર રાજ કરતા, ઘણા મક્કમ- થોડા ચક્રમ એવા મુઅમ્માર અલ-ગદ્દાફી સામે અસંતોષ તો હતો જ. તેમાં વિદ્રોહનો ચેપ લાગતાં ચિનગારીમાંથી ભડકો થયો. ફરી પ્રસાર માઘ્યમોમાં નાદ જાગ્યો, ‘જોયું? નહોતું કહ્યું? ક્રાંતિની જ્વાળાઓ બધાને લપેટમાં લેશે. ગદ્દાફીનું રાજ હવે ગયું સમજો. લોકજુવાળ સામે તેનું કેટલું ગજું?’

પરંતુ ગદ્દાફી સામેના સશસ્ત્ર વિદ્રોહનો લગભગ બે મહિના પછી પણ છેડો દેખાતો નથી. શરૂઆતમાં વિદ્રોહીઓના સૈન્યે મુખ્યત્વે પૂર્વનાં થોડાં શહેરો કબજે કરી લીધાં, પણ ૬૯ વર્ષના ગદ્દાફીએ ગાંજ્યા જવાને બદલે કે પોબારા ગણી જવાને બદલે પોતાનું વફાદાર સૈન્ય અને ટુકડીઓ છૂટાં મૂકી દીધાં. તેમણે વિદ્રોહીઓ પાસેથી ઘણા ખરા પ્રદેશ પાછા મેળવી લીધા. દરમિયાન, ગદ્દાફી અને તેમના વારસદાર ગણાતા પુત્ર સૈફ અલ-ઇસ્લામ-અલ-ગદ્દાફીએ છેલ્લા સૈનિક સુધી લડત આપવાની જાહેરાત કરીને ક્રાંતિની સફળતાના ગુલાબી ખ્યાલમાંથી હવા કાઢી નાખી.

ગદ્દાફી સામેના વિદ્રોહની શરૂઆત આ વર્ષના ફેબુ્રઆરીમાં પૂર્વ લિબયાના બેન્ગાઝી શહેરથી થઇ. તેની પાછળ ૪૧ વર્ષના એકહથ્થુ શાસન કરતાં વધારે મોટું કારણ ક્યાં શોધવા જવાનું? ૧૯૬૯માં બળવા થકી સત્તા હાંસલ કરનાર ગદ્દાફી (જેના નામના પહેલા અક્ષરનો ઉચ્ચાર ‘ક’ અને ‘ગ’ ની વચ્ચેનો છે) દેશને ખાનગી પેઢીની જેમ ચલાવતા હતા. આફ્રિકાના બીજા દેશોની સરખામણીમાં ક્રુડ ઓઇલની આવકને કારણે લિબીયા સમૃદ્ધ હતું, પરંતુ ‘લિબીયા’નો અર્થ હતો કર્નલ મુઅમ્માર ગદ્દાફી, તેમનો પરિવાર અને તેમના વફાદારો.

ગદ્દાફીની આરંભિક (કુ)ખ્યાતિ એક કટ્ટર અને ભેજાફરેલ સરમુખત્યાર તરીકેની હતી. અમેરિકા સહિતના પાશ્ચાત્ય દેશો સાથે સંબંધો બગાડવામાં- તેમના વિશે બેફામ બોલવામાં ગદ્દાફી ગૌરવ લેતા હતા. તેમણે સત્તા સંભાળ્યા પછી દસ વર્ષમાં લિબીયાના અમેરિકી દૂતાવાસને તાળાં વાગી ગયાં. અમેરિકાના આક્રમક પ્રમુખ રોનાલ્ડ રેગને જર્મનીમાં એક ડિસ્કોથેક પર હુમલાના આરોપસર લિબીયાનાં બે મુખ્ય શહેરો- પાટનગર ટ્રિપોલી અને બેન્ગાઝી પર બોમ્બમારો કર્યો હતો.

અમેરિકાને નહીં ગાંઠવા માટે જાણીતા ગદ્દાફીએ ૧૯૮૮માં પાન અમેરિકન એરલાઇન્સના વિમાનમાં બોમ્બવિસ્ફોટનું કાવતરું ઘડ્યું અને તેને સફળતાપૂર્વક પાર પડાવ્યું. મધઆકાશે વિમાનમાં બોમ્બ ફાટતાં ૨૭૦ મુસાફરો મોતને ભેટ્યા. વિશ્વભરમાં હાહાકાર મચ્યો. પણ થોડા સમય પછી ગદ્દાફીએ બહુ મોટું પરાક્રમ કર્યું હોય એમ બોમ્બ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી. એટલું જ નહીં, તેના આરોપીઓના પરિવારોને સરકારી રાહે મદદ કરી.

પરંતુ આ જ ગદ્દાફી એકવીસમી સદીમાં ‘સુધરી ગયા’. કમ સે કમ અમેરિકા સહિત ઘણા દેશોને એવું લાગ્યું. બાકી, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલ-કાયદાના ત્રાસવાદીઓનો હુમલો ગદ્દાફીએ બિરદાવ્યો હોત. પણ એમણે એ હુમલાને વખોડી કાઢ્‌યો અને ત્યાર પછીની તપાસમાં અમેરિકાને પૂરતો સહયોગ આપ્યો. આરબો અને યહુદીઓ શાંતિથી એક દેશમાં રહે એવી પણ તેમણે દરખાસ્ત કરી. આ એ જ માણસ હતો, જે થોડાં વર્ષો પહેલાં ઇઝરાઇલના બધા યહુદીઓને દરિયામાં ધકેલી દેવાની વાત કરતો હતો. ગદ્દાફીએ યુરોપીયન યુનિઅની તરાહ પર આફ્રિકાના ૫૩ દેશોનું એક યુનિઅન બનાવ્યું. ગદ્દાફીને તેના અઘ્યક્ષપદે નીમવામાં આવ્યા. (૨૦૦૯માં પાન અમેરિકનના છૂટેલા અપરાધીનું શાનદાર સ્વાગત કરીને, આંતરરાષ્ટ્રિય સ્તરે માંડ મેળવેલી આબરૂ ગદ્દાફીએ ઘૂળમાં મેળવી દીધી, પણ એ જુદી વાત છે.)

આંતરરાષ્ટ્રિય સ્તરે ગદ્દાફીની છાપમાં ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું હતું, ત્યારે લિબીયાની પરિસ્થિતિમાં ઝાઝો ફરક પડ્યો ન હતો. ગદ્દાફીના અનેક પુત્રોમાંથી તેમનો વારસદાર મનાતો સૈફ કોઠાકબાડા કરીને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી પીએચ.ડી. થઇ આવ્યો હતો. લિબીયાને ‘આફ્રિકાનું દુબઇ’ બનાવવાની તેને બહુ હોંશ હતી. ક્રુડઓઇલની કમાણીને કારણે આર્થિક રીતે એ શક્ય હતું. આગામી ત્રણ વર્ષમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે તેણે ૧૩૦ અબજ ડોલરની યોજનાઓની જાહેરાતો કરી હતી. પણ જમીન પર તેનો અમલ થાય એવાં કોઇ એંધાણ ન હતાં. કારણ કે, ગદ્દાફીની યોજનાઓમાં પોતાની સત્તા ટકાવી રાખનાર ચુનંદા લોકો સિવાય, સામાન્ય પ્રજાજનો માટે કોઇ સ્થાન ન હતું.

ગદ્દાફીની ઉંમર થતાં તે સૈફને ગાદીએ બેસાડી દે એવી આશા પણ થોડા સમયમાં નષ્ટ થઇ. રૂપાળી યુક્રેનિયન નર્સોના કાફલા સાથે, રંગબેરંગી કપડાંમાં મહાલતા ગદ્દાફીને જાણે ઉંમર અડતી જ ન હતી. તેમની સાથે કામ કરી ચૂકેલી એક નર્સે ‘ન્યૂઝવીક’ (૧૮ એપ્રિલ,૨૦૧૧)ને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે કે ‘ગદ્દાફીને અમે ‘પાપિક’ કહેતા હતા, જેનો રશિયન ભાષામાં અર્થ છેઃ લીટલ ફાધર...એમને કપડાં બદલવાનો બહુ શોખ હતો...દિવસમાં કેટલીય વાર એ કપડાં બદલતા...એમને રૂપાળી છોકરીઓથી વીંટળાયેલા રહેવાનું ગમતું.. પણ એ (ઇટાલીના વડાપ્રધાન) બર્લુસ્કોની જેવા લંપટ ન હતા...તેમનું બ્લડ પ્રેશર અને ધબકારા કોઇ જુવાન માણસના હોય એવા રહેતા.’

પોતાનું આભામંડળ અને તેને પોષતી સત્તા ટકાવી રાખવા માટે ગદ્દાફીએ સૈન્યને પણ કદી એટલું મજબૂત થવા દીઘું નહીં. સૈન્ય એકજૂથ હોય તો તેના કોઇ અફસરને વિદ્રોહનો વિચાર આવે ને? પોતાની સલામતી માટે ગદ્દાફીએ દેશના આશરે ૫૦ હજારના સૈન્ય પર બધો ભરોસો રાખવાને બદલે, પોતાના કબીલાના લોકોનું જુદું સૈન્ય બનાવ્યું. તેમાં પણ ત્રણેક હજારની એક ટુકડી એવી કે જે ફક્ત ગદ્દાફીના અંગત રક્ષણ માટે હોય. એ સિવાય આજુબાજુના ગરીબ દેશોમાંથી રાખેલા ભાડૂતી સૈનિકો તો ખરા જ, જેમાંના ઘણા અત્યારે ગદ્દાફી વતી વિદ્રોહીઓ સામે લડી રહ્યા છે.

ફેબ્રુઆરી ૨૫, ૨૦૧૧થી બેન્ગાઝીમાં શરૂ થયેલાં વિરોધ પ્રદર્શનો ધીમે ધીમે સશસ્ત્ર લડાઇમાં પરિણમ્યાં. લિબીયામાં વિરોધપક્ષ કહેવાય એવું કોઇ એક જૂથ તો હતું નહીં. એટલે વિદ્રોહીઓએ પોતપોતાની રીતે જેમ સૂઝે તેમ, લાંબા આયોજન વિના કે પૂરતા શસ્ત્રસરંજામ વિના, ગદ્દાફીના સૈન્યનો મુકાબલો શરૂ કર્યો. ક્રુડ ઓઇલના ભંડાર ધરાવતા પૂર્વ લિબીયામાં બેન્ગાઝી સહિત ઘણા વિસ્તારો પર વિદ્રોહીઓએ કબજો જમાવ્યો. એ સમયે ઇજિપ્ત અને ટ્યુનિસિયાના અનુભવો પરથી એવી માન્યતા પ્રવર્તતી હતી કે થોડીઘણી લડત આપ્યા પછી લોકમિજાજ જોઇને ગદ્દાફી રફુચક્કર થઇ જશે, પરંતુ ગદ્દાફીનાં તાલીમબદ્ધ સૈનિકો અને ખાસ તો વાયુદળે વિદ્રોહીઓની જીતને લાંબું ટકવા દીધી નહીં.

સ્વાભાવિક છે કે વિદ્રોહીઓ અને ગદ્દાફીના સૈન્ય વચ્ચેની સશસ્ત્ર લડાઇમાં સામાન્ય નાગરિકોનો પણ ભોગ લેવાય. આ પરિસ્થિતિના મૂક પ્રેક્ષક બનેલા બીજા દેશો થોડા સમય પછી સળવળ્યા. સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સભાએ નાગરિકો પર હુમલો કરવાના આરોપસર ગદ્દાફી અને તેમના સલાહકારો પર આંતરરાષ્ટ્રિય પ્રતિબંધો જાહેર કર્યા. તેમ છતાં, ગદ્દાફીનો મિજાજ મોળો પડવાનાં કોઇ ચિહ્નો ન હતાં. છેવટે, સંયુક્ત રાષ્ટ્રસંઘે લિબીયાના નાગરોકના રક્ષણ માટે ‘લેવાં પડે એવાં તમામ પગલાં’ લેવાનો સભ્યરાષ્ટ્રોને અનુરોધ કર્યો. તેનો સાદો અર્થ હતોઃ લિબીયા પર લશ્કરી આક્રમણ.

બીજા દેશ પર - ખાસ કરીને ક્રુડઓઇલ સમૃદ્ધ દેશ પર- લશ્કરી આક્રમણમાં મોખરે અને સંચાલકની ભૂમિકામાં રહેતું અમેરિકા આ વખતે પાછળ રહ્યું. ફ્રાન્સ અને બ્રિટનનાં વિમાનોએ લિબીયાના સૈન્ય પર હુમલા શરૂ કર્યા. અમેરિકાએ મિસાઇલો દ્વારા લિબીયાની વાયુશક્તિ પર પ્રહાર કર્યા. તેમની સંયુક્ત તાકાત સામે ગદ્દાફીના સૈન્યને બેન્ગાઝી શહેરનો કબજો છોડવો પડ્યો. ત્યાર પછી આખા લિબીયા પર ‘નો ફ્‌લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો, જેથી ગદ્દાફીના સૈન્યને આકાશી મદદ મળે નહીં. આખી લશ્કરી કાર્યવાહીમાં મુખ્ય ભૂમિકા કોઇ એક દેશની નહીં, પણ ‘નાટો’ તરીકે ઓળખાતા ‘નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન’ના સહિયારા સૈન્યની રહી. અગાઉ ઇરાકમાં સૈનિક કાર્યવાહીમાં દાઝી ચૂકેલા અમેરિકાએ લિબીયામાં પોતાની ભૂમિકા મર્યાદિત રાખી અને એ માટે ટીકા પણ વહોરી.

સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવ પછી પણ લિબીયામાં અસરકારક સૈનિક કાર્યવાહી દ્વારા ગદ્દાફીશાસનનો અંત લાવવાનું આ લખાય છે ત્યાં સુધી શક્ય બન્યું નથી. ‘નાટો’ સૈન્યોની મુખ્ય કામગીરી લિબીયાના નાગરિકોને બચાવવાની છે કે ગદ્દાફીને સત્તા પરથી હટાવવાની એ અંગે પણ સાથીદેશો વચ્ચે મતભેદ પ્રવર્તે છે. રશિયા જેવા દેશે આ પ્રશ્ન લશ્કરી કાર્યવાહીને બદલે રાજકીય રીતે ઉકેલવા સૂચવ્યું છે. કેટલાક દેશો વિદ્રોહીઓના રગડધગડ લશ્કરને તાલીમ અને શસ્ત્રો આપીને ગદ્દાફીને પરાસ્ત કરવાના મતના છે. બળતામાં ઘી હોમવા માટે, અલ-કાયદાના નેતા અલ-જવાહીરીએ રાબેતા મુજબ આખા પ્રશ્નને મુસ્લિમો વિરુદ્ધ પશ્ચિમ તરીકે ગણાવીને મુસ્લિમોને પાશ્ચાત્ય સૈન્યો સામે લડવાનું એલાન આપ્યું છે. આ બધી માથાખંજવાળ દરમિયાન યુદ્ધ ચાલુ છે. ગદ્દાફી અને તેમનો પુત્ર હજુ અડીખમ છે- જાણે સંદેશો આપતા હોય કે અમારા જેવા ખૂંખાર શાસકો સામે સફળ વિદ્રોહ કરવો છે? તો ફક્ત પ્રસારમાઘ્યમોની હવા કે આંતરરાષ્ટ્રિય આશાવાદ પૂરતો નથી. નક્કર આયોજન અને મક્કમ ઇરાદા જોઇશે.

Wednesday, April 20, 2011

ભ્રષ્ટાચારના મુદ્દે બે છાવણીમાં ચર્ચા

અન્ના હઝારેના આંદોલનમાં ઇન્ટરવલ પડ્યો છે, પણ રાજકીય પક્ષોમાં ગરમાટો વ્યાપી ગયો છે. આંદોલનથી પ્રજા ‘ગેરરસ્તે’ ન દોરવાઇને ભ્રષ્ટાચાર સામે જાગ્રત ન બની જાય અને સામેનો પક્ષ આંદોલનના વાતાવરણનો લાભ ન લઇ જાય, એ માટે શું કરવું એની વ્યૂહરચનાઓ ઘડાઇ રહી છે. તેમની વચ્ચે કેવી ચર્ચાઓ ચાલતી હશે, એની કલ્પના કરી શકાય.

કોંગ્રેસની છાવણી

રાહુલ ગાંધીઃ ગમે તે કહો, પણ આંદોલને આપણી વાટ લગાડી દીધી.

સોનિયા ગાંધીઃ બાબા, હું એટલે જ તમને બહુ બહાર ફરવાની ના પાડું છું. તમારી ભાષાને શું થઇ ગયું? વાટ લગાડી દીધી એટલે શું?

મનમોહન સિંઘઃ મેડમ, હશે. બાબા હજુ બાળક છે. (રાહુલ ગાંધી તરફ જોઇને) રાહુલજી, તમારી વાત ખરી છે. એટલે જ તો આપણે ભેગા થયા છીએ.

ચિદમ્બરમ્ઃ મને એક આઇડિયા આવે છે. નક્સલવાદ માટે આપણે ‘ઓપરેશન ગ્રીન હન્ટ’ કરવાના હતા, તેમ ભ્રષ્ટાચાર માટે આપણે ‘ઓપરેશન બ્લેક (મની) હન્ટ’ કરીએ, તેના વડા તરીકે અન્ના હઝારેને નીમી દઇએ અને ઓપરેશનની મેઇન ઓફિસ દાંતેવાડામાં રાખીએ.

પ્રણવ મુખરજીઃ પણ હવે અન્ના હઝારે એકલા નથી.

રાહુલઃ યુ મીન, આખા દેશની જનતા એમની સાથે છે?

મુખરજીઃ ના. એમ નહીં. હવે ફક્ત અન્નાને નીમવાથી નહીં ચાલે. એમના સાથીદારો પણ છે. મને તો થાય છે કે આગામી બજેટની રાહ જોયા વિના ભ્રષ્ટાચારીઓ પર આકરામાં આકરો ટેક્સ નાખી દેવો જોઇએ. તેનાથી ભ્રષ્ટાચાર સામે આપણે કેટલા કડક છીએ તેનો લોકોને સંદેશો પહોંચે. ધારો કે, માણસે જેટલી રકમનો ભ્રષ્ટાચાર કરે તેની પર 125 ટકા ટેક્સ. કેમ રહેશે, ડોક્ટર?

સિંઘઃ તમારી વાત પણ ખરી છે. સવાલ માત્ર એટલો છે કે જે લોકો ભ્રષ્ટાચાર દ્વારા રૂપિયા ભેગા કરે છે, તે ઇમાનદારીથી ટેક્સ ચૂકવશે ખરા?

ચિદમ્બરમ્ઃ રાજાએ કર્યું એટલું મોટું કૌભાંડ હોય તો 125 ટકા ચૂકવવા માટે તેમણે દેશને ગીરવે મુકવો પડે.

રાહુલઃ દેશને ગીરવે મુકવામાં હજુ કંઇ બાકી રહ્યું છે?

સિંઘઃ ધીમે, રાહુલજી. આટલા યથાર્થવાદી થઇએ તો રાજ ન ચાલે. તમે મારું પેલું ગઠબંધનધર્મવાળું પ્રવચન સાંભળ્યું હતું ને? ટીવીવાળાઓને મેં મોં પર નહોતું કહી દીધું કે ભાઇ, બધું આપણું ધાર્યું ન થાય. એ તો તે દિવસે ચેનલોના માલિકો ને તંત્રીઓ આવ્યા હતા એટલે. રીપોર્ટરો હોત તો મેં તેમને એક જ સવાલ પૂછ્યો હોત, ‘તમારી ચેનલમાં બધું તમારું ધાર્યું થાય છે? તમારા સાહેબો બારોબાર વહીવટ નથી કરી નાખતા? મારી સ્થિતિ એવી જ છે.’ મને ખાતરી છે કે રીપોર્ટરો મારી મજબૂરી તરત સમજી ગયા હોત.

સોનિયાઃ પણ અત્યારે આખું આંદોલન આપણી સામે હોવાનું વાતાવરણ ઉભું થયું છે. એનું શું કરવું? અને ભવિષ્યમાં આવાં બીજાં આંદોલન થાય તો?

મુખરજીઃ સમય પસાર થવા દો, બસ. આપણે ત્યાં કહેવત છે ને મેડમ, કે દુઃખનું ઓસડ દહાડા. લોકશાહીમાં દિવસો વીતે એટલે લોકો બધું ભૂલી જાય છે. છ મહિના પછી લોકો એમ જ માનતા થઇ જશે કે લોકપાલ વિધેયક આપણે જ લાવ્યા હતા અને અન્નાને આપણે જ કમિટીમાં બેસાડ્યા હતા. આપણી સરકાર કેટલી લોકાભિમુખ છે?

રાહુલઃ પણ ભાજપ સામે પ્રચાર નહીં કરે?

સોનિયાઃ કરશે, પણ એમાં દમ નહીં હોય. કારણ કે એમના નેતાઓની બધી વિચારશક્તિ ‘જો ભાજપ ચૂંટણી જીતી જાય તો વડાપ્રધાન કોણ બનશે’ એના દાવપેચમાં જ પરોવાયેલી હશે.

***

ભાજપની છાવણી

નીતિન ગડકરીઃ વાહ, બગાસું ખાતાં પતાસું, તે આનું નામ.

અરૂણ જેટલીઃ નીતિનજી, ધીમેથી બોલો. આજકાલ ગમે તેની સીડી ફરતી થઇ જાય છે.

નરેન્દ્ર મોદીઃ મા જગદંબાની કૃપાથી..

સુષ્મા સ્વરાજઃ એક મિનિટ, નરેન્દ્રભાઇ...આ ગુજરાત નથી. અહીં મા જગદંબા ને મા કામાક્ષીની વાર્તાઓ નહીં કરો તો ચાલશે. આપણે મુદ્દાની વાત પર આવીએ.

લાલકૃષ્ણ અડવાણીઃ હું પણ મુદ્દાની વાત પર જ આવતો હતો. અન્નાજીએ નરેન્દ્રભાઇને સર્ટિફિકેટ આપ્યું એટલે ગુજરાતનો બહુમતી વર્ગ નવેસરથી એમની પર મોહિત થઇ જશે અને નરેન્દ્રભાઇ ગુજરાતમાં સુખેથી રાજ કરશે. એમાં આપણે કશો ફેરફાર કરવો નથી અને દિલ્હી માટે તો હું છું જ ને. મારી તબિયત બહુ સરસ છે. વેઇટિંગ રૂમમાં બેઠાં બેઠાં હાથપગ થોડા જકડાઇ ગયા છે એટલું જ.

જેટલીઃ મને ચિંતા એ વાતની છે કે અન્ના હઝારેનું મિસાઇલ કાલે આપણી સામે ફૂટે તો?

મોદીઃ એમ થોડું ચાલે? બોલ્યા બાદ બોલ્યા. એક વાર આપણને સર્ટિફિકેટ મળી ગયું પછી એ વાપરવાનું બંધ ક્યારે કરવું, એ આપણા હાથમાં છે. હવે એ સર્ટિફિકેટ પાછું ખેંચી લે તો પણ શું? એ છાપામાં આવેલા ખુલાસા જેવું કહેવાય. સમાચાર સૌ વાંચે, ખુલાસો કોણ વાંચે?

સુષ્માઃ પણ જરા જાતમાં ડોકિયું કરીએ તો ચિંતા નથી થતી? ભ્રષ્ટાચારમાં આપણો પક્ષ ક્યાં જુદો છે?

મોદીઃ બહેન, જાતમાં ડોકિયાં કરવાં હોય તો વિપશ્યના કરો. રાજકારણમાં શું કામ આવો છો? હું જાતમાં ડોકિયાં કરતો હોત તો ક્યારનો હિમાલય ભેગો થઇ ગયો હોત...તમને ખ્યાલ આવે છે? આટલાં તપાસપંચ, તપાસસમિતિઓ, સ્ટીંગ ઓપરેશનો, મારી પૂછપરછો, મારા રાજ્યકક્ષાના ગૃહમંત્રીની ધરપકડ- આ બધું છતાં મેં કેવી ઉજળી છબી ટકાવી રાખી છે? એના માટે આપણે ઉજળા થવાની જરૂર નથી હોતી. લોકોની આંખો અને દિમાગ આંજી દેવાં પડે- અને એ કામ માટે અન્નાના સર્ટિફિકેટ જેવી ફ્લડલાઇટ મળે ત્યારે ચિંતા કરવાની હોય કે આનંદ?

સુષ્માઃ પણ કર્ણાટકનું કૌભાંડ...અને મેં તો સાંભળ્યું છે કે ગુજરાતમાં પણ કેટલાક મંત્રીઓ અને તેમનાં સગાંવહાલાં બહુ કમાયાં છે... કૃપાપાત્ર ઉદ્યોગપતિઓ કે બિલ્ડરો જ નહીં, પ્રિન્ટિંગ પ્રેસવાળા ને પ્રકાશકો પણ કમાયા છે...

મોદીઃ લાગે છે કે ગુજરાતવિરોધી ટોળકીએ તમારા મગજમાં ઝેર રેડ્યું છે. પણ એટલું યાદ રાખજો. ગુજરાતની છ કરોડ જનતા તેનું અપમાન બરદાસ્ત નહીં કરી લે- અને ભવિષ્યમાં અન્ના હજારે કદીક આપણી સામે ઉપવાસ પર બેસશે ત્યારે તમારે મારી પાસે જ આવવું પડશે.

જેટલીઃ આપણે આંતરિક વિખવાદમાં પડવાને બદલે પહેલાં દિલ્હી કેવી રીતે સર કરવું તેની વ્યૂહરચના ઘડીએ. ભ્રષ્ટાચાર વિશે સત્તા મેળવ્યા પછી ને બે-ચાર-પાંચ કૌભાંડો થયા પછી શાંતિથી ચર્ચા કરીશું.

ગડકરીઃ વાહ, આ તો કાનૂની પણ છે ને નૈતિક પણ. બહુ કહેવાય.

Tuesday, April 19, 2011

નવનિર્માણથી જંતરમંતર, વાયા ઉમાશંકર જોશી

આર્થિક ઉદારીકરણ પછીના યુગની ભ્રષ્ટાચારવિરોધી લોકઝુંબેશનો પહેલો અઘ્યાય સમાપ્ત થયો. અન્ના હઝારેના નેતૃત્વ હેઠળ, જાહેર જીવનનાં કેટલાંક જાણીતાં નામોના સહયોગથી અને ઘણા પ્રાણપ્રશ્નોની ઉપેક્ષા માટે નામીચા એવા મઘ્યમ વર્ગના ઉત્સાહી ટેકાથી પહેલું ડગલું મંડાયું છેઃ લોકપાલ ખરડાની જોગવાઇમાં દાંત-નહોર ઉમેરીને તેને સંસદમાં લાવવા માટે સરકાર પર દબાણ આણી શકાયું છે.

ભ્રષ્ટાચાર જેવા હાડમાં ઉતરી ગયેલી લક્ષણ સામેની લડતનો રસ્તો લાંબો જ હોય. તેથી લાંબા રસ્તે પહેલું ડગ મંડાયાનો આનંદ માણતી વખતે, ‘આગળઉપર ભટકી ન જવાય’ એવી ઘંટડી મનમાં વાગે, તો તેને નિરાશાવાદ નહીં, અગાઉના અનુભવોનું પરિણામ ગણીને સાબદા રહેવું. ‘આંદોલનકારીઓની જીત અને લોકશક્તિનો જયજયકાર’નાં બ્યુગલ બજાવનારા ગમે તે કહે, લોકોએ- ખાસ કરીને ગુજરાતના લોકોએ- ભ્રષ્ટાચારના વિરોધમાં થયેલા નવનિર્માણ આંદોલનના બોધપાઠ ભૂલવા જેવા નથી.

વાત ભલે ૧૯૭૪ની હોય, ભ્રષ્ટાચારના વિરોધ માટે દેશભરમાં જાણીતા બનેલા નવનિર્માણ આંદોલનની તાસીર અને દશા-અવદશાની વાત ૨૦૧૧માં પણ પ્રસ્તુત છે. ‘નવનિર્માણ’ના અંજામના આધારે વર્તમાન આંદોલનની સફળતા-નિષ્ફળતાની ત્રિરાશિ માંડવાની કે તેનું ભવિષ્ય ભાખવાની વાત નથી, પણ ભ્રષ્ટાચાર સામેના જનઆંદોલનની વાત થતી હોય ત્યારે આટલો નજીકનો ભૂતકાળ ભૂલી શકાય નહીં. તેના ઓથારમાં ભલે ન રહીએ, તેનાથી સાવ અજાણ્યા રહેવું પણ ન પાલવે.

૧૯૭૪થી ૨૦૧૧ વચ્ચેના લગભગ ચાર દાયકાના સમયગાળામાં પ્રજા અને નેતાઓની પેઢીઓ, તેમની કાર્યપદ્ધતિ, શાસક પક્ષ-વિરોધ પક્ષનાં સમીકરણો, ભ્રષ્ટાચારની અને વિરોધપ્રદર્શનની રીતો...ઘણું બઘું બદલાયું છે. છતાં એ બધાની પાછળ રહેલી માનસિકતા એમ ચાર દાયકામાં થોડી બદલાય?


વિશ્વાસની કટોકટી
એલ.ડી.એન્જિનિયરિગ કોલેજની હોસ્ટેલના ફૂડબિલમાં વધારો થતાં, તેના વિરોધમાં ૧૯૭૪નું નવનિર્માણ આંદોલન શરુ થયું. આ થયો એક લીટીનો ઇતિહાસ, પણ ઉમાશંકર જોશી જેવા સાહિત્યિક-સાંસ્કૃતિક તેમ જ જાહેર બાબતોમાં રસ ધરાવતા અભ્યાસીની દૃષ્ટિએ ‘નવનિર્માણ’ આંદોલનનો આલેખ અને તેની ફળશ્રુતિ- બોધપાઠ તપાસવા જેવાં છે.

જાન્યુઆરી, ૧૯૪૭થી શરૂ થયેલા ઉમાશંકર જોશીના માસિક ‘સંસ્કૃતિ’નાં પાને (અને તેમાંથી ‘સમયરંગ’-‘શેષ સમયરંગ’ આ બન્ને સંપાદનોમાં) ઉમાશંકર જોશીની સજાગ દૃષ્ટિએ ઝીલાયેલી નવનિર્માણની છબી વર્તમાન આંદોલન સંબંધે વિચારવાની નવી દિશા ખોલી આપે એવી છે. કારણ કે ઉમાશંકર એ વખતે રાજ્યસભાના (નિયુક્ત) સભ્ય હોવા છતાં, તે સત્તાપક્ષે ન હતા. તેમની સ્વાભાવિક સહાનુભૂતિ વિદ્યાર્થીઓના ભ્રષ્ટાચારવિરોધી આંદોલન સાથે હોવા છતાં, એકાદ બે લડાઇ/બેટલની જીતથી ગાફેલ થઇને યુદ્ધ/વૉરમાં હારી ન જવાય, એ માટે તે સતત જાગ્રત હતા.

મહાગુજરાતના આંદોલન પછી ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્ત્વમાં આવ્યું, ત્યારે ગુજરાતીને વિશ્વનાગરિક અને ગુર્જર ભારતવાસી બનવાની વાત કરનાર ઉમાશંકરે ‘નવનિર્માણ’ને મહાગુજરાત આંદોલન કરતાં વધારે મહત્ત્વનું ગણાવ્યું હતું. કારણ કે તેમને નવનિર્માણમાં ‘સામાજિક ક્રાંતિનાં પગરણ’ દેખાયાં હતાં. ફૂડબિલમાં વધારા સામે વિદ્યાથીઓની ઝુંબેશ જોતજોતાંમાં ભ્રષ્ટાચાર સામેના નવનિર્માણ આંદોલનમાં ફેરવાઇ. ઉમાશંકરે નોંઘ્યુ છે, ‘(આમ થવાનું) કારણ અનાજના પુરવઠાની મુશ્કેલી માત્ર ન હતું. મુખ્ય કારણ વિદ્યાર્થીઓની અને લોકોની તીક્ષ્ણ નજરે પકડી પાડ્યું. રાજકર્તાઓનો ભ્રષ્ટાચાર એ મુખ્ય કારણરૂપ હતો. જે આંદોલન ચાલ્યું તે છાત્રાલયનું માસિક ભોજનખર્ચ નીચું લાવવા માટે ન હતું...આપણી પ્રજાને રાજકર્તાઓની દાનતમાં વિશ્વાસ હોય તો તે પુરવઠાની મુશ્કેલી બરદાસ્ત કરવામાં ઘણી ધીરજ દાખવી શકે એવી છે. પણ એણે વિશ્વાસની કટોકટી અનુભવી.’

‘વિશ્વાસની કટોકટી’ ૧૯૭૪ અને ૨૦૧૧નાં આંદોલનોને જોડતો શબ્દપ્રયોગ ગણી શકાય. બન્ને ભ્રષ્ટાચારવિરોધી આંદોલનો અને તેમાં પ્રજાકીય સામેલગીરી અંગે એક વાત નોંધપાત્ર જણાય છેઃ ૧૯૭૪નું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન જરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા જેવા, મુખ્યત્વે મઘ્યમ વર્ગને સ્પર્શતા મુદ્દામાંથી સળગ્યું હતું. એવી જ રીતે, અન્ના હઝારેના ઉપવાસ નિમિત્તે ઉભો થયેલો જણાતો લોકજુવાળ મુખ્યત્વે એક પછી એક બહાર આવેલાં મોટી રકમનાં કૌભાંડો અને તેના કૌભાંડીઓ સામે મઘ્યમ વર્ગના અસંતોષમાંથી પેદા થયેલો છે.

આ જ આંદોલન સામાન્યમાં સામાન્ય માણસને અસર કરતા કાંદા સિત્તેર-એંસી રૂપિયે કિલોના ભાવે પહોંચી ગયા ત્યારે કૃષિ મંત્રી અને તેમની સરકારના ભ્રષ્ટ આચાર સામે થયું હોત તો? મહારાષ્ટ્ર-કર્ણાટક-આંધ્ર પ્રદેશ-ગુજરાત સહિતનાં રાજ્યોમાં ખેડૂતોની આત્મહત્યાના બનાવોની સિલસિલાબંધ વિગતો બહાર આવતી હતી, ત્યારે એ સરકારોના ભ્રષ્ટ આચાર સામે થયું હોત તો? શક્ય છે કે તેને બોલકા મઘ્યમ વર્ગનો આટલો વ્યાપક ટેકો ન મળ્યો હોત. કારણ કે એ હેતુઓમાં ‘ભવ્યતા’ને બદલે સામાન્યતાની છાપ હતી.

પ્રસાર માઘ્યમો જે વર્ગના અસ્તિત્ત્વને ગણકારતાં નથી, એવા સામાન્ય લોકોની આ આંદોલનમાં બહુમતી હોત તો પૂરતા ‘કવરેજ’ના અભાવે તે કેટલું મોટું થઇ શક્યું હોત એ પણ વિચારવું રહ્યું. વર્તમાન આંદોલન મુખ્યત્વે મોટા કૌભાંડીઓને નિશાન બનાવવા ધારે છે. અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર સામે આંદોલન આવકાર્ય જ છે, પણ સામાન્ય લોકોના જીવનને સીધી અસર કરે એવા ભ્રષ્ટ સરકારી નિર્ણયો સામે સ્થાનિક સ્તરે આંદોલનની પ્રાથમિકતા એટલી જ અથવા એનાથી પણ વધારે નથી?

વિજય પછીના સવાલ
વિદ્યાર્થીઓ પ્રેરિત નવનિર્માણ આંદોલન વખતે ચીમનભાઇ પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકાર અને ઇન્દિરા ગાંધીની આગેવાની ધરાવતી કેન્દ્ર સરકાર શરૂઆતમાં અડગ રહી. દમનનો પ્રયોગ થયો. છતાં પ્રજાકીય સામેલગીરી અને આંદોલનનો મહદ્‌ અંશે બિનરાજકીય રંગ દેખાયા પછી ચીમનભાઇ પટેલની ભ્રષ્ટાચારી સરકારને જવું પડ્યું. વાત એટલેથી ન અટકી. વિધાનસભાના વિસર્જનની લોકમાગણી ચાલુ રહી. સંસ્થા કોંગ્રેસના નેતા મોરારજીભાઇએ વિધાનસભા વિસર્જનની માગણી સાથે અચોક્કસ મુદતના ઉપવાસ કર્યા. આખરે સરકારને ઝૂકવું પડ્યું.

આ બહુ મોટી જીત હતી. વર્તમાન કેન્દ્ર સરકાર અને અન્ના હઝારે વચ્ચે થયેલી સુલેહ કરતાં ઘણી મોટી. ગુજરાતના લોકઆંદોલનનો ચેપ દેશભરમાં ફેલાય એવી શક્યતા ઉભી થઇ. જયપ્રકાશ નારાયણ જેવા નેતાએ નવનિર્માણ આંદોલનમાંથી પ્રેરણા લઇને બિહારથી ‘સંપૂર્ણ ક્રાંતિ’ની શરૂઆત કરી. ગાંધીનું ગુજરાત જાણે ફરી એક વાર લડતમાં દેશને દોરવણી આપનાર બન્યું.

‘ભારતમાં લોકશાહી ઓક્સિજન પર છે અને જેપી એ ઓક્સિજન છે.’ એવું લખનાર ઉમાશંકર જોશી નવનિર્માણ આંદોલનની બે મોટી સફળતાથી રાજી હતા. ‘હવે પછી ગુજરાતમાં શું કે આખા ભારતમાં શું, પ્રજાને ગજવામાં ઘાલીને કોઇ ફરી શકશે નહિ, ભ્રષ્ટાચાર છાતી કાઢીને ચાલી શકશે નહિ’ એવું એમણે લખ્યું, પરંતુ એ કલ્પનાને વાસ્તવિકતા બનાવવાનું કેટલું કપરું છે એનો તેમને બરાબર ખ્યાલ હતો. તેમણે લખ્યું હતું, ‘આ લોક-આંદોલને ક્રાંતિની જે હવા જન્માવી છે તે ચરિતાર્થ તો ત્યારે થશે જ્યારે ભ્રષ્ટાચાર જેવો સમાજને રૂંવેરૂંવે વ્યાપેલો રોગ ઓસરશે. આ આંદોલન શુદ્ધિ આંદોલન છે. સમાજને નવો ઘાટ આપવા એ નિર્માયું છે.’

અન્ના હઝારેએ લોકપાલ પછીના ક્રમે ચૂંટણીસુધારા હાથ પર લેવાની જાહેરાત કરી છે. ઉમાશંકરે ફેબુ્રઆરી, ૧૯૭૪માં, નવનિર્માણની સફળતા પછી લખ્યું હતું, ‘ભ્રષ્ટાચારનું એક મુખ્ય કારણ ખર્ચાળ ચૂંટણીઓ છે. હવે પછીની ચૂંટણીઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અઘ્યાપકો અને સામાન્ય પ્રજાજનો એ દેખાડી આપે કે ચૂંટણી અધિકારીએ નિયત કરેલા ચૂંટણીખર્ચની મર્યાદામાં રહીને જ ચૂંટણીઓ થશે. ભારતમાં લોકશાહીને બચાવવામાં અને ભારતના રાજકીય-સામાજિક જીવનને શુદ્ધ કરવામાં આ નાનુંસૂનું અર્પણ નહીં હોય...નવનિર્માણ સમિતિઓ દૂરદૂરનાં નાનાંનાનાં ગામડાંમાં પણ ઊભી થઇ ગઇ છે. એ બધાનું સંગઠન થાય, બધાંને દોરવણી અને કાર્યક્રમ મળે એ જરૂરી છે. એવું સંગઠન વિધાનસભ્યોને ‘હિસાબ આપો’ એમ કહી શકે એવી ચોકી હંમેશ માટે પૂરી પાડશે.’

વિધાનસભાના વિસર્જન જેવી રોમાંચકારી સિદ્ધિઓ હવે નહીં હોવાની, એમ કહીને તેમણે લખ્યું હતું કે ‘હવેની કામગીરી ઠંડી તાકાત, મક્કમ નિર્ણય, સાચી ઊંડી લોકલગની માગી લે એવી રહેવાની. એ અઘરી પણ ઘણી હશે.’

એ કામગીરીના અઘરાપણાનો અંદાજ મેળવવા બહુ રાહ ન જોવી પડી. નવનિર્માણની સફળતાથી ઉભા થયેલા તમામ આશાવાદ છતાં ચૂંટણીઓ થઇ ત્યારે બાબુભાઇ પટેલની આગેવાની હેઠળ જનતા મોરચાને સ્પષ્ટ બહુમતિ ન મળી. જે ચીમનભાઇ પટેલને મુખ્ય મંત્રીપદેથી હાંકી કાઢવા એ નવનિર્માણની સિદ્ધિ ગણાઇ હતી, એ જ ચીમનભાઇ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે હારી જવા છતાં, તેમના ‘કિસાન મજદૂર લોક પક્ષ’ (કિમલોપ)નો જનતા મોરચાએ બિનશરતી ટેકો લીધો. બીજી તરફ, સરકારે આપેલું ‘માસ પ્રમોશન’ સ્વીકારીને વિદ્યાર્થીઓ આગલા ધોરણમાં પહોંચી ગયા. તેનાથી ભ્રષ્ટાચાર સામે આંદોલનના હાર્દને વઘુ એક ધોખો પહોંચ્યો.

નવનિર્માણ જેવાં આંદોલનની કેટલીક લાંબા ગાળાની આડઅસર હોય છે. જેમ કે, સામાન્ય સંજોગોમાં સ્વીકાર્ય ન બને એવાં ભાગલાવાદી કે કોમવાદી રાજકીય પરિબળો ‘વ્યાપક હેતુ માટેનાં’ આંદોલનમાં સ્વીકૃતિ પામે છે. સમય જતાં આંદોલનનું મૂળ હાર્દ વિસરાઇ જાય, પણ તેના પગલે મળેલી સ્વીકૃતિ બરકરાર રહે છે. કટોકટી સામેની લડતને કારણ જનસંઘને મળેલી જનસ્વીકૃતિ કે રાજીવ ગાંધી સરકારના ભ્રષ્ટાચાર સામે વી.પી.સંિઘની ઝુંબેશ ટાણે ભાજપના હિદુત્વના રાજકારણને મળેલી સ્વીકૃતિ એવાં ઉદાહરણો છે.

હજુ પહેલા પગથિયે પહોંચેલા અન્ના હઝારેના આંદોલનમાં આ તબક્કે જ એવું એક આડપરિણામ ફૂટી નીકળ્યું છેઃ અન્નાએ તેમના આંદોલનના ક્ષેત્રની બહાર સ્વૈરવિહાર કરીને, ગુજરાતના અને બિહારના મુખ્ય મંત્રીને ઉત્કૃષ્ટ વિકાસ માટેનાં પ્રમાણપત્રો ફાડી આપ્યાં છે. વડાપ્રધાન બનવા ઉત્સુક, પણ એ માટેની રાષ્ટ્રિય સ્વીકૃતિથી વંચિત એવા ગુજરાતના મુખ્ય મંત્રી અન્નાના પ્રમાણપત્રનો ઉપયોગ બરાબર જાણતા-સમજતા જ હોય. પછી ભલે ને એ પ્રમાણપત્ર સામે પોતાના છ કરોડ નાગરિકોમાંથી ઘણાને ગંભીર પ્રશ્નો હોય!

ભ્રષ્ટાચાર સામે હાલના આંદોલન સંદર્ભે નવનિર્માણની લડતનો એક મુખ્ય બોધપાઠ એ પણ ગણી શકાય કે સામાજિક પરિવર્તન વિના, કેવળ રાજકીય બદલાવ આણવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થતો નથી. એકંદર સામાજિક બદલાવને બદલે કેવળ ભ્રષ્ટાચારને નિશાન બનાવવામાં આવે તો ગમે તેટલા શુભ આશયો ધરાવતું આંદોલન પણ આખરે વિપક્ષનો સત્તા સુધીનો માર્ગ મોકળો કરી દીધા પછી નિરર્થક બનીને રહી જાય છે.

Friday, April 15, 2011

‘શહેનશાહ’ અને મોહનઃ બે ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’

‘ઠક, ઠક, ઠક...આપણે સૌ ટ્રેનમાં પ્રવાસ કરી રીયા છીએ.’ એવા પોકારથી સવારની ગુજરાત ક્વિનના મુસાફરોનું ધ્યાન અવાજ ભણી ખેંચાય. તેમની નજર પડે સફેદ કપડાં, સરેરાશથી વધારે ઉંચાઇ અને તેના પ્રમાણમાં નાનો ચહેરો ધરાવતા માણસ પર.

પોતાની ઓળખ ‘શહેનશાહ’ તરીકે આપતો એ જણ લાંબા પટ્ટાવાળું કાળું પાકિટ ડબ્બાની બારી પાસેના હુક પર ભરવીને ઊંચા અવાજે બોલવાનું શરૂ કરે, ‘આપણે સૌ ટ્રેનમાં પ્રવાસ કરી રીયા છીએ.’ પછી એ ખ્યાલ આપે કે ચાલુ પ્રવાસે લીંબુ, મોસંબી, સંતરાં વગેરેનો રસ કાઢવો હોય તો એક અદભૂત મશીન હાજર છે. ‘એમાં લાઇટની જરૂર નહીં, પાવરની જરૂર નહીં. ઓટોમેટિક ચાલે...ઓટોમેટિક’. એમ ‘ઓટોમેટિક’ શબ્દ પર આરોહ-અવરોહ સાથે પુનરાવર્તન કરીને બોલે.

એના હાથની બે આંગળીનાં ટેરવાં સ્ટીલના બે પોલા નાના નળાકારમાં ખોસેલાં હોય. બે સીટ વચ્ચેના પાટિયા પર કાચનો નાનો ગ્લાસ માંડ સ્થિર રહી શકે એટલી જગ્યામાં તે નેનો સાઇઝનો કાચનો ગ્લાસ ગોઠવે, પછી લીંબુ અને મોસંબી કે નારંગી કાઢે અને ત્યાં ગોઠવે. રોજિંદા ન હોય એવા મુસાફરોમાં જાણે જાદુનો ખેલ થવાનો હોય એવું વાતાવરણ સર્જાઇ જાય અને રોજના અપ-ડાઉનવાળા માટે ઓન ધ વ્હીલ્સ, સ્ટેન્ડ અપ શો.

શહેનશાહ પૃથ્વી જેવી ચપટી મોસંબીના ‘ધ્રુવપ્રદેશ’માં સ્ટીલના પોલા નળાકારનો અણીવાળો ભાગ ખૂંપાવે, પછી તેના બીજા છેડે કાચનો ગ્લાસ રાખીને મોસંબીને દબાવતા જાય અને ગોળગોળ ફેરવતા જાય. જોતજોતાંમાં મોસંબી નીચોવાઇ જાય અને તેના રસથી ગ્લાસનો ત્રીસ-ચાળીસ ટકા હિસ્સો ભરાઇ જાય. પછી લીંબુનો વારો આવે. તેમાંથી એ જ પ્રમાણે રસ કાઢવામાં આવે. પ્યાલામાં રહેલા મોસંબીના રસમાં લીંબુનો રસ ઉમેરાય. સમગ્ર કાર્યવાહી દરમિયાન શહેનશાહની અસ્ખલિત, વિલંબિત લયવાળી, પુનરાવર્તિત, સહેજ ગ્રામ્ય છાંટ ધરાવતી અને અપ-ડાઉન કરનારામાં ગલગલિયાંયુક્ત હાસ્ય જગાડે એવી દ્વિઅર્થી વાકધારા ચાલુ હોય.

સ્ટીલના બન્ને નળાકારોને શહેનશાહ ‘જુસ મશીન’ તરીકે ઓળખાવે અને તેના ફાયદા ગણાવેઃ લાઇટની જરૂર નથી, મુસાફરીમાં ગમે ત્યાં વાપરી શકાય, ગ્લાસ ન હોય તો રસ સીધો મોઢામાં પણ પાડી શકાય, લીંબુ-મોસંબી અંદરથી એકદમ સાફ થઇ જાય (એના ‘ડેમો’ તરીકે એ રસ નીકળ્યા પછીનું લીંબુ ખુલ્લું કરીને બતાવે.) ‘લીંબુ, નારંગી, મોસંબી, સંતરા, માલ્ટા, ઓરેન્જ’- આ બધાનો જુસ કાઢી આપતાં બન્ને મશીનની કિંમત તો 15 રૂ છે, પણ ‘પરચાર’ (પ્રચાર) માટે તે 10 રૂપિયામાં આપવામાં આવશે- એમ કહે.

‘શો’ પૂરો થાય એટલે એકાદ ખૂણેથી દસની નોટ આવે. બે ‘મશીન’ પેક કરેલી કોથળી શહેનશાહ આપે. ત્યાર પછી, ‘લઉં કે ન લઉં’ના વિચારમાં પડેલા બે-ચાર-પાંચ લોકો એક જણની પહેલ જોઇને દસની નોટ લંબાવે. એમ કરતાં મણીનગર આવી જાય- અને વાર હોય તો શહેનશાહ આગળના કમ્પાર્ટમેન્ટમાં જાય.

આ વાત 25 વર્ષ પહેલાંની. ચોક્કસ કહું તો 1987ની. મહેમદાવાદમાં 12મું ધોરણ પાસ કરીને કોલેજ માટે અમદાવાદ અપ-ડાઉન શરૂ કર્યું, ત્યારે પહેલી વાર શહેનશાહનાં દર્શન થયાં હતાં. થોડાં લાંબા અંતરાલ પછી તેમને એવા જ ઉત્સાહથી દસ-પંદર રૂપિયાની સોનેરી ચેઇનો વેચતાં જોયા હતા. વળી થોડાં વર્ષ વીત્યા પછી, આ મહિને સવારે સાડા દસ વાગ્યાની મેમુ ટ્રેનમાં ફરી એક વાર ‘જુસ મશીન’નો ડેમો જોયો. એ જ માણસ. હવે એ પોતાની ઓળખ ‘શહેનશાહ’ તરીકે આપતા નથી એટલું જ. બાકી એ જ ચહેરો, એ જ ઢબછબ. વચ્ચેનાં પચીસ વર્ષ તેમના દેખાવ પર જાણે વરતાય જ નહીં. તેમને જોઇને એક રીતે ટાઇમટ્રાવેલ જેવી લાગણી થઇ.

શહેનશાહથી સાવ સામા છેડાનું, પણ એ જ ગાળાનું યાદ કરવું પડે એવું એક પાત્ર મોહન સિંગવાળો. તેમની ઉંમર એ વખતે પચાસ આસપાસ હશે. પણ રફીને કે કિશોરકુમારને જેમ આત્મીયતાર્થે એકવચનમાં ઉલ્લેખવામાં આવે છે, એવું જ મોહનનું. ગુજરાત ક્વિનના જ નહીં, ટ્રેનના ફેરિયાઓમાં મોહનનું નામ ‘લેજન્ડરી’ કહેવાય એવું.

એ માણસ કાળુપુર સ્ટેશને એક નંબરના પ્લેટફોર્મના દાદર પાસે, ઉભા પગે બેઠો હોય. સામે ગરમાગરમ સિંગનો ટોપલો, છાપાંના લંબચોરસ ટુકડા અને એક નાની પ્યાલી. રૂપિયા પ્રમાણે પ્યાલી ભરીને એ સિંગ આપે. ફેરિયાઓના જગતમાં પણ પત્રકારો-કોલમિસ્ટોની જેમ ‘બોલે તેનાં બોર વેચાય’ એ સત્ય પ્રચલિત., પણ મોહન તેમાં મજબૂત અપવાદ હતો. સાંજે છ ને દસે ક્વિન ઉપડે ત્યાં સુધી એ પ્લેટફોર્મ પર એક જ જગ્યાએ હોય. સિંગ વેચવા ક્યાંય ફરવાનું નહીં. લોકો તેને શોધતા શોધતા પહોંચી જાય. પછી એ ટ્રેનમાં ચડે અને અમદાવાદથી મહેમદાવાદ સુધી, એક પણ શબ્દ બોલ્યા વિના, ચૂપચાપ ડબ્બામાં આગળ વધતો રહે. મોહનનો અવાજ ભાગ્યે જ કોઇએ સાંભળ્યો હશે. પણ તેને બોલવાની જરૂર જ નહીં. લોકો તેની રાહ જોતા હોય.

મહેમદાવાદ સ્ટેશને મોહન ઉતરી પડે. એમાં પણ એની ખાસ સ્ટાઇલ. ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી રહે ત્યાં સુધી એ સિંગ વેચે. ટ્રેન ચાલુ થાય એટલે તે ચાલતી ટ્રેને સહેજ દોડીને ટોપલા સાથે ઉતરી જાય. ચાલુ ક્વિનમાંથી ઉતરતો મોહન પ્લેટફોર્મ પર ફરવા જતા ઘણા મહેમદાવાદીઓ માટે, સૂરજના આથમવા જેવું કાયમી દૃશ્ય. કેટલાક ખાસ મોહનની સિંગ લેવા માટે ક્વિન પર જાય. બીરેન એ વખતે આઇપીસીએલમાં નોકરી કરતો અને મહેમદાવાદ રહેતો હતો. નાઇટ શિફ્ટ હોય ત્યારે એ ક્વિનમાં વડોદરા જાય. ભાભી કામિની તેડવા જેવડી શચિને લઇને બીરેન સાથે સ્ટેશને જાય. વળતાં એ મોહનની સિંગ લેતાં આવે. નાની શચિને જોઇને મોહન પ્રેમથી એકાદ રૂપિયાની સિંગનું અલગ ‘છોટા પેક’ આપે. અડધો-પોણો કલાક મહેમદાવાદ પ્લેટફોર્મ પર બેઠા પછી એ ઇન્ટરસીટી એક્સપ્રેસ પકડીને અમદાવાદ પાછો. ધંધાનો આ જ ટાઇમઃ ક્વિનથી ઇન્ટરસીટી. ઇન્ટરસીટીમાં પણ લોકો મોહનની રાહ જોતા હોય.

ભાવ વધારવો હોય ત્યારે પેકેટ નાનું કરવાને બદલે જથ્થો ઘટાડી નાખવો, એ ફન્ડા વેફરોવાળા કરતાં વીસેક વર્ષ પહેલાં મોહનને આવડતો હતો. એટલે ભાવ ગમે તેટલા વધે, મોહનની માપની ડબ્બી એની એ જ રહે. હા. એના તળીયે મુકાતાં કાગળનાં પેકિંગ ઉમેરાતાં જાય. મોહનની સમૃદ્ધિ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત હતી. એમાંની એકાદ તો શબ્દાર્થમાં દંતકથા હતી. કારણ કે મોહનનો એક દાંત સોનાનો હતો. છોકરા વેલ સેટલ્ડ હોવા છતાં મોહન સિંગ વેચે છે અથવા મોહનનો મસ્ત બંગલો છે, એવું ઘણી વાર સાંભળવા મળતું હતું.

‘આપણી ક્વોલિટી હશે તો લોકો સામેથી શોધતા આવશે. આપણી સરસ ચીજ વેચવા માટે લાઉડ કે ચીપ થવાની જરૂર નથી’ એવી ‘મોહન-સ્કૂલ’થી તદ્દન વિપરીત ‘શહેનશાહ-સ્કૂલ’ - લાઉડ, લોકરંજક, ગલગલિયાં કરાવીને માલ વેચનારી. જાતે ને જાતે મોટા દાવા કરનારી અને પોતાની આવડત કરતાં વધારે સામેવાળાના ‘ભોળપણ’ પર શ્રદ્ધા રાખીને પિચિંગ કરનારી. (વાચકોને છાપાં-મેગેઝીન-કોલમિસ્ટો સહિત બીજાં ક્ષેત્રોમાં પણ ‘મોહન-સ્કૂલ’ અને ‘શહેનશાહ-સ્કૂલ’ વાળાં નામ યાદ આવી શકે છે)

શહેનશાહને ખબર હોય કે આપણા પ્રચાર પછી એક જણ ખરીદશે, એટલે પાછળ બીજા લોકો પણ આવશે. એ માટે અમારા ગામના એક છોકરાને તેમણે પહેલી ખરીદી માટે કહી રાખેલું. ડેમો પૂરો થાય એટલે એ છોકરો દસની નોટ કાઢીને શહેનશાહને આપે. એ જોઇને બીજા પણ પ્રેરાય. મણિનગર ઉતરીને શહેનશાહ છોકરાને દસની નોટ પાછી આપી દે અને ‘મશીન’નું પેકેટ લઇ લે. બદલામાં ક્યારેક બીજા અપ-ડાઉનવાળાની જેમ એ છોકરાને પ્યાલામાં ભેગો થયેલો લીંબુ-મોસંબીનો રસ પીવા મળે.. શહેનશાહની કાર્યપદ્ધતિની ઝલક આપતી કેટલીક ‘રસ’પ્રદ તસવીરો-

Wednesday, April 13, 2011

સોનિયા ગાંધી-મનમોહન સિઘનો ‘મહાભારત સંવાદ’

મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ ભગવદ્‌ગીતા તરીકે જાણીતો છે. ગયા અઠવાડિયે અન્ના હઝારેએ ઉપવાસ કરીને સરકારને માથે લીધી, ત્યારે દિલ્હીમાં મહાભારત યુદ્ધ જેવું વાતાવરણ ઉભું થયું. સંજય ભણસાળીની નહીં, મહાભારતવાળા સંજયની ‘સંજયદૃષ્ટિ’ કામે લગાડતાં જાણવા મળ્યું કે દિલ્હીના મહાભારતમાં ‘કિગ નહીં, પણ કિગમેકર’ એવા કૃષ્ણની જગ્યાએ ‘વડાપ્રધાન-મેકર’ સોનિયા ગાંધી હતાં અને બાકી બઘું ભૂલીને ચકલીની આંખ જોતા અર્જુનને બદલે ફક્ત જીડીપી- ગ્રોથરેટ જોતા મનમોહન સિઘ હતા.

કલ્પનાના ચશ્મા પહેરીને ‘સંજયદૃષ્ટિ’થી જોતાં બીજાં ઘણાં દૃશ્યો દેખાયાં અને એ પણ કમર્શિયલ બ્રેક વગર. અન્ના હઝારેના ઉપવાસ એલાનથી જાણે શંખ-દુદુંભિ આદિ રણવાદ્યો બજી ઉઠ્યાં. ઘોડાની હણહણાટી, રથના ખડખડાટ અને હાથીની ચિઘાડની અવેજીમાં ટીવી ચેનલો, ફેસબુક, ટ્‌વીટર આદિ સ્થળોએ કોલાહલ અને ધમધમાટ મચ્યો. રથીઓ, અતિરથીઓ, મહારથીઓ અને સ્વારથીઓ (સ્વાર્થીઓ) ધજાપતાકા-બેનર લઇને મેદાને ઉતરી પડ્યા.

ઘેરાયેલા મનમોહન સિઘે તેમનાં ‘શ્રીકૃષ્ણ’ સોનિયા ગાંધી સમક્ષ હાથ જોડીને કહ્યું, ‘હે મહાબાહો, તમે મને સંિહાસન પર તો બેસાડી દીધો, પણ હવે મારે યુદ્ધ લડવાનું આવ્યું છે. મને થાય છે કે મેદાન છોડીને ફરી વર્લ્ડ બેન્કના રસ્તે પ્રયાણ કરું, જ્યાં હું ભલો ને મારું અર્થશાસ્ત્ર ભલું. આ અનર્થમાં હું ક્યાં ફસાયો?’

સોનિયા ગાંધી ટીવી સિરીયલોના શ્રીકૃષ્ણ જેવું કે લકી ડ્રોમાં પ્લાસ્ટિકની ચમચી લાગ્યા પછી કરવું પડે એવું સ્મિત કરીને બોલ્યાં, ‘હે કોંગ્રેસપુત્ર, જય-પરાજય, માન-અપમાન, લાભ-હાનિ, સુખ-દુઃખ આ બધી પરિસ્થિતિમાં શૂરવીર ધૈર્ય ખોતો નથી. યોદ્ધો તેનાથી કદી હાર માનતો નથી કે ગભરાતો નથી. તારા જેવા શાણા, કહ્યાગરા સેનાપતિના મનમાં આજે કસોટીના સમયે આવો ઉચાટ ક્યાંથી?’

અર્જુનના રોલમાં ધનુષ-બાણ જમીન પર મૂકીને બે હાથ જોડીને બેસી ગયેલા સિઘે કહ્યું, ‘હે કોંગ્રેસનાં તારણહાર, નથી હું જય-પરાજયની ચંિતા સેવતો કે નથી હું સુખ-દુઃખથી વિચલિત થતો. મને નથી સ્વર્ગની કામના કે નથી રાજ્યની. જેપીસીની કે લોકપાલની ચંિતાથી પણ મારાં ગાત્રો શિથિલ થયાં નથી.’

‘તો હે આકાશી રંગની પાઘડી ધારણ કરનાર, તને થયું છે શું? આટલાં વર્ષથી તારી આભા પ્રસરાવતું તેજવર્તુળ ક્યાં અદૃશ્ય થઇ ગયું? રાજા-કલમાડી જેવા કોઇએ તારા તેજવર્તુળને ‘કોમન વેલ્થ’ ગણીને ક્યાંક એનો વહીવટ કરી નાખ્યો કે શું? અને તું આમ ઇન્કમટેક્સના દરોડાથી બીતા વેપારી જેવો દીન શા માટે બન્યો છે?’

સિઘે કહ્યું,‘હે દૂનબંઘુ-અર્ધાંગિની, કોંગ્રેસમાં તમારાથી ક્યાં કશું અજાણ્યું છે? તમે ગતિવિધિઓથી અજાણ છો એવું સૂચવીને હું મન, વચન કે કર્મથી, કોઇ પણ રીતે અહેમદભાઇ પર અવિશ્વાસ મૂકવા માગતો નથી. ભગવાન કૃષ્ણના મુખમાં માતા યશોદાને સમસ્ત બ્રહ્માંડનાં દર્શન થયાં હતાં, તેમ કોંગ્રેસી નેતાઓને આપના પાલમાં સમગ્ર સંસારની ઝાંખી થાય છે. આપ કોંગ્રેસનિયંતા અને પાલનહાર છો, આપ જ સર્જક અને રક્ષક પણ આપ જ છો. છતાં આપ મારા મુખેથી જવાબ સાંભળવા ઇચ્છો છો, એટલે દીનભાવે નિવેદન કરું છું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધના જંગમાં મારે કોની સામે લડવાનું છે? અને શા માટે?’

આ નિવેદન સાંભળીને સોનિયા ગાંધીના ચહેરા પર રહેલી કરુણાનો આછો ભાવ, થોડા વખત પહેલાં વધેલા કાંદાના ભાવની જેમ, અચાનક વધી ગયા. ‘અર્જુન’ની તબિયત વિશે તેમના મનમાં પહેલી વાર ચિતા જાગી હોય એવું લાગ્યું, પરંતુ હૈયાધારણ આપવા તેમણે કહ્યું, ‘હે અણુકરારભાગ્યવિધાતા, તારી મૂંઝવણનું કારણ સ્પષ્ટ શબ્દોમાં મને જણાવ. મારા થકી અવશ્ય તને એનું નિવારણ પ્રાપ્ત થશે.’

સિઘે કહ્યું, ‘હે એનડીએગર્વભંજક, જંગના મેદાનમાં સ્પેક્ટ્રમ કૌભાંડના આંકડા જેવાં વિશાળ સૈન્યો પર હું જ્યાં નજર કરું ત્યાં મને મારાં જ સાથી-સ્નેહી-સમધર્મી-સમકાલીનો દેખાય છે. તેમાંથી કોણ મારાં ને કોણ પરાયાં? કોણ પક્ષ ને કોણ વિપક્ષ? કોણ ભ્રષ્ટ ને કોણ ચોખ્ખાં? કોની સામે તપાસનું અસ્ત્ર ઉગામું ને કોને જવા દઉં? કોની માગણી સ્વીકારું અને કોને નકારું? અરે, મને તો પાંડવ કોણ ને કૌરવ કોણ એ પણ સમજાતું નથી. હું કોના પક્ષે લડું? કોને હણું? અને હું કશું જ નહીં કરું તો આ વિશાળ જનસમુદાય મારી કેવી દુર્દશા કરશે?...ગૃહમાં પહેલી વાર તોફાન જોઇને મારો અવાજ જે રીતે કંપતો હતો, એ રીતે આજે મારા પગ ધ્રજે છે. મારા ધનુષ્યની પ્રત્યંચા પણ, મારા મંત્રીઓની જેમ, મારા કાબૂમાં રહેતી નથી. હું ભારતમાં નહીં, જાપાનમાં ઉભો હોઉં તેમ મારા પગ નીચેની ધરતી ડોલી રહી છે. મારા કંઠમાં વગર સૂત્રોચ્ચાર કર્યે શોષ પડે છે અને કોઇએ મારી પર જાણે કશુંક જંતરમંતર કર્યું હોય એવું લાગે છે. હે સર્વભૂતોનું રક્ષણ કરનારા, મારું રક્ષણ કરો અને મને માર્ગ બતાવો.’

સિઘની મૂંઝવણની વિગત સાંભળીને સોનિયા ગાંધીના ચહેરા પરથી અદૃશ્ય થયેલો પ્રસન્ન ભાવ, ગઠબંધન છોડ્યા પછી નાકલીટી તાણીને પાછા ફરતા સાથીપક્ષની જેમ, પાછો આવી ગયો. તેમણે કહ્યું, ‘હે ઉદારીકરણપ્રણેતા, બસ, આટલી અમથી વાતથી તું વિષાદયોગમાં સરી પડ્યો? તો ચિત્તમાંથી સંશય દૂર કરવા માટે હવે હું જે કહું તે ઘ્યાનથી સાંભળ અને તેને હૃદયમાં ધારણ કર. તારો સઘળો વિષાદ, સ્વિસ બેન્કમાં જમા થતાં દેશનાં કાળાં નાણાંની જેમ, અદૃશ્ય થઇ જશે.’

ગમતી સિરીયલના ટાઇટલ શરૂ થાય એટલે બીજાં કામ પડતાં મૂકીને ટીવી સામે ત્રાટક કરતા દર્શકોની જેમ, સિઘે તેમના ઉદ્ધારક ભણી ઘ્યાન કેન્દ્રિત કર્યું. સોનિયા ગાંધીએ કહ્યું, ‘ભ્રષ્ટાચાર સામેના ધર્મયુદ્ધનો પહેલો અને મુખ્ય નિયમ તું સાંભળઃ એ યુદ્ધ આપણી સામેનું છે અથવા આપણે તેમાં સામેના પક્ષે છીએ એવું કદી માનવું કે જાહેર કરવું કે જાહેર થવા દેવું નહીં. આપણે ભ્રષ્ટાચાર સામે લડાઇ છેડનારાની સાથે જ લડી રહ્યા છીએ, એવી રણગર્જનાઓ કરવી. ગર્જનાને બદલે ‘મ્યાંઉ, મ્યાંઉ’ નીકળે તો વાંધો નહીં. એમાંથી ગર્જના કેમ બનાવી લેવી, એ ટીવી ચેનલોને આવડે છે. રહી વાત પક્ષ અને વિપક્ષની. કોણ પક્ષ અને કોણ વિપક્ષ, એ તારી મુંઝવણ ધર્મ્ય અને એટલે જ ક્ષમ્ય છે. વિપક્ષો છેવટે આપણા જ છે અને આપણે સૌએ મળીને પ્રજાનો ‘ઉદ્ધાર’ કરવાનો છે. છતાં વિપક્ષોને કાબૂમાં રાખવા માટે અને પ્રજાને આભાસમાં રાખવા માટે વિપક્ષોને શત્રુ ઘોષિત કરી દેવામાં બાધ નથી. તેમની સામે કડક પગલાં ભલે ન લઇએ, પણ એ દિશામાં શરૂઆત કરીએ તો ભવિષ્યમાં તેમની સાથેની વિષ્ટિમંત્રણા વખતે સાટુ કરવા એ બહુ કામ લાગે.’

એટલું બોલીને સોનિયા ગાંધી અટક્યાં. આંખ મીંચી, સિઘના ભેજામાં ઉપદેશ ઉતરી રહ્યો છે કે નહીં એ જોયું અને આગળ ચલાવ્યું,‘ બાકી રહી વાત પ્રજાની. તો હે શુભ્રછબીધારક, ટિ્‌વટર અને ફેસબુકના ઘ્વનિથી તું ભય પામીશ નહીં. આ તો આરંભનો ઉત્સાહ છે. એકાદ નાની જીતના ટુકડા પછી એ શમી જશે. નેતાઓ પારણાં કરશે અને લોકો ફરી પાછા પારણાંમાં પોઢી જશે. કારણ કે તારી જે મૂંઝવણ છે એ જ એમની પણ મૂંઝવણ છે. ભ્રષ્ટાચારના યુદ્ધમાં કોણ પાંડવ ને કોણ કૌરવ- અરે, પોતે કૌરવ છે કે પાંડવ એ પણ તેમને નથી સમજાતું. એટલે, તું વિષાદ ખંખેરીને ઉભો થા અને પરાજય સ્વીકારવાનો દેખાવ કરીને સામા પક્ષને જીતના આનંદમાં ગુલતાન થવા દે. આ યુદ્ધનો ફેંસલો એક લડાઇમાં આવી જવાનો નથી અને હારીને પણ જીતી શકાય છે.આ બન્ને સત્ય તારે મનમાં અહર્નિશ વિચારવાનાં છે અને ફરી વિષાદયોગ આવે ત્યારે યાદ રાખવાનાં છે.’

પ્રેરક વચનોનું પાન કરીને મનમોહન સિઘમાં નવું જોમ આવ્યું અને પછી શું થયું એ તો સૌ જાણે છે.

Tuesday, April 12, 2011

અન્ના, આંબેડકર અને ગાંધીઃ લડતની સાક્ષીએ

બે દિવસ પછી ડો.આંબેડકરની જન્મતારીખ છે, પણ છેલ્લા થોડા વખતથી એમની યાદ તીવ્રપણે આવી રહી છે. ચોક્કસ કહીએ તો, સામાજિક આગેવાન અન્ના હઝારેએ ‘જન લોકપાલ’ ખરડાને કાયદો બનાવવાની માગ સાથે ઉપવાસનો પ્રારંભ કર્યો ત્યારથી.

આંબેડકર અને અન્ના વચ્ચે મહારાષ્ટ્રનાં મૂળીયાં બાદ કરતાં બીજો શો સંબંધ? એવો સહજ સવાલ થાય. ડો.આંબેડકરની આખી જિંદગી અસ્પૃશ્યતા સામે ઝઝૂમીને દલિતોને નાગરિક તરીકેનો સમાન દરજ્જો, સમાન તક અને સમાન ગૌરવ અપાવવાના પ્રયાસમાં વીતી. અન્ના હઝારે દોઢેક દાયકાથી ભ્રષ્ટાચાર સામેના ઝુંબેશકાર તરીકે જાણીતા છે. ડો.આંબેડકર અસ્પૃશ્યતાનાબૂદી માટે કડક કાયદો ઇચ્છતા હતા. અન્ના રાજકીય નેતાઓ અને જાહેર સેવકોના ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કાયદાકીય વ્યાપક સત્તા ધરાવતા લોકપાલની નિમણૂંક ઇચ્છે છે. બન્ને નેતાઓની વ્યક્તિગત નિષ્ઠા પોતપોતાના ઠેકાણે શંકાથી પર છે. અસ્પૃશ્યતા અને ભ્રષ્ટાચાર જેવાં દૂષણોને ગુનો ગણીને તેની સામે અસરકારક કાર્યવાહી અને કડક સજા થાય એ કોને ન ગમે?

સવાલ- અને ઇતિહાસનો બોધપાઠ- એ છે કે અસ્પૃશ્યતા અને ભ્રષ્ટાચાર જેવાં દૂષણો માટે કાયદો જરૂરી છે. છતાં, એ પૂરતો નથી. તેના માટે કાયદાકીય જોગવાઇ કરાવીને નાગરિકો નિરાંતે ઉંઘી શકતા નથી. ભ્રષ્ટાચાર હોય કે અસ્પૃશ્યતા, તે એવી ઉપરછલ્લી બાબતો નથી કે ફક્ત કાયદાથી - કે કાયદા અંતર્ગત રચાયેલી લોકપાલ જેવી સંસ્થાથી- નાબૂદ થઇ જાય અથવા મોળી પડી જાય. તેનો સીધો સંબંધ આખરે તો નાગરિક-જાગૃતિ અને સમાજની મૂલ્યવ્યવસ્થા સાથે હોય છે. જે સમાજમાં ધીરુભાઇ અંબાણી અને ગાંધીજીની સરખામણી સામે નાગરિકોને તીવ્ર વાંધા ન પડતા હોય, એ સમાજમાં પેદા થતા નેતાઓ માટે ગમે તેવા ભ્રષ્ટાચારવિરોધી કાયદા કેટલા અસરકારક થાય? આ અને આવી ઘણી ત્રિરાશી વિચારવા જેવી છે.

પરિવર્તનના બે વિકલ્પ
અસ્પૃશ્યતાની જેમ ભ્રષ્ટાચારના વિરોધ માટે પૂરતી કાનૂની જોગવાઇઓ છે. દેશનાં ૧૮ રાજ્યોમાં અત્યારે પણ લોકાયુક્તનું માળખું અસ્તિત્ત્વ ધરાવે છે. એ સિવાય સરકારી (જાહેર) વિભાગોમાં ગેરરીતિની તપાસ માટે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ), સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (સીવીસી) જેવી બંધારણીય સંસ્થાઓ છે. પોલીસમાં એન્ટીકરપ્શન બ્યુરો છે. આર્થિક અથવા બીજા ગુનાની તપાસ માટે સીબીઆઇ છે. સરકારના આર્થિક અને બીજા વ્યવહારોની માહિતી પ્રજા સુધી પહોંચાડતો માહિતી અધિકારનો કાયદો/રાઇટ ટુ ઇન્ફર્મેશન પણ હવે થયો છે. તેનો અમલ પૂરેપૂરો સંતોષકારક નથી. છતાં, જેવા છે તેવા માહિતી અધિકારના કાયદાથી ઘણા ગોટાળા ખુલ્લા પડ્યા છે. મુદ્દાનો પ્રશ્ન એ છે કે કાગળ પરની જોગવાઇનું જોર કેટલું?

બંધારણના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપનાર ડો.આંબેડકરે છ દાયકા પહેલાં કહ્યું હતું, ‘નવા બંધારણ પ્રમાણે રાજ્યનો કારભાર વ્યવસ્થિત રીતે ન ચાલે તો એમાં દોષ બંધારણનો નહીં હોય. મનુષ્યસમાજમાં જે અધમતા છે એને તેના માટે જવાબદાર ગણવી પડશે.’ બીજા પ્રસંગે તેમણે બંધારણસભામાં કહ્યું હતું, ‘બંધારણ ગમે તેટલું સારું હોય કે ગમે તેટલું ખરાબ, તે કેવું નીવડે છે તેનો છેવટનો આધાર ભાવિ રાજ્યકર્તાઓ તેનો કેવો ઉપયોગ કરે છે તેની પર છે.’

અમલ કરનારાની અધમતાનો નાગરિકોને બહોળો અનુભવ થઇ ચૂક્યો છે. એ સ્થિતિમાં નાગરિકો પાસે બે વિકલ્પ રહે છેઃ

૧) સ્થાનિકથી માંડીને રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ નાગરિકોએ પોતાના પ્રતિનિધિઓ પર દબાણ આણવું, વર્તમાન જોગવાઇઓમાં સુધારાવધારા આણવા/ફાઇન ટ્યુનિંગ કરવું અને લોકશાહી બંધારણ હેઠળ અસ્તિત્ત્વ ધરાવતાં માળખાં વઘુ અસરકારક બને એવા પ્રયાસ કરવા. માહિતી અધિકાર જેવા કાયદા કે ન્યાયતંત્રનું ઉત્તરદાયિત્વ નક્કી કરતા કાયદા જેવાં ઓજારો આ કામ માટે ઉભાં કરી શકાય- વાપરી શકાય. આ પદ્ધતિમાં કામચલાઉ આવેશની નહીં, લાંબું ચાલે એવા ધીરજપૂર્વકના, દૃઢ સંકલ્પયુક્ત જુસ્સાની જરૂર પડે છે. તેની પ્રક્રિયા ધીમી, છતાં લાંબા ગાળે ટકાઉ પરિણામ આપનારી છે.

૨) વર્તમાન વ્યવસ્થા સુધારવાને બદલે, એક ઝાટકે, એક જ આંદોલનથી નવી સમાંતર વ્યવસ્થા ઉભી કરવી. આ પદ્ધતિ ટૂંકા ગાળે, જીતનો મઘુર છતાં આભાસી અહેસાસ આપનારી છે. તેમાં ભાગ લેનારને ટૂંકા ગાળામાં, ઓછામાં ઓછો ભોગ આપીને, ‘આઝાદી આંદોલન’માં ભાગ લીધાનો અને ક્રાંતિના એક મશાલચી હોવાનો સંતોષ મળે છે. અન્ના હઝારે અને સાથીદારોના આંદોલને મહદ્‌ અંશે બીજો રસ્તો લીધો છે.

લડતની ફિલ્મી રજૂઆત
હઝારે અને તેમના સાથીઓએ સરકાર દ્વારા તૈયાર કરાયેલા મોળા લોકપાલ ખરડાને બદલે ‘જનલોકપાલ’ તરીકે ઓળખાતો નાગરિક-મુસદ્દો તૈયાર કર્યો. તેમની માગણી હતી કે સરકાર પોતાના નબળા ખરડાને બદલે, નાગરિક-સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા ઘડાયેલો ‘જનલોકપાલ’ ખરડો સંસદના ચોમાસુ સત્રમાં દાખલ કરે. એ માગણીના સ્વીકાર માટે અન્નાએ આમરણ ઉપવાસ શરૂ કર્યા.

બેફામ અને નિરંકુશ ભ્રષ્ટાચારથી ત્રાસી ગયેલા લોકોએ અન્નાના ઉપવાસને ‘ભ્રષ્ટાચાર સામેની બહાદુરીભરી લડત’ તરીકે બિરદાવ્યા. ફેસબુક-ટિ્‌વટર જેવી વેબસાઇટો પર અન્નાની લડતને ટેકો આપવાની ઝુંબેશો ચાલી. ટીવી ચેનલો તેમાં સક્રિય ભાગીદાર બની. ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત’, ‘આઝાદીની બીજી લડાઇ’ જેવાં ભવ્ય મથાળાં બાંધવામાં આવ્યાં. અન્નાએ પારણાં કર્યાં ત્યારે ‘(વર્લ્ડકપ પછી) ભારતનો બીજો વિજય’, ‘લોકશાહી અને લોકશક્તિનો વિજય’ જેવો જયજયકાર થયો.

ભ્રષ્ટાચાર સામેની કોઇ પણ પહેલ- ખાસ કરીને તે નાગરિકોને સાંકળતી હોય ત્યારે- આવકારદાયક ગણાય. પરંતુ અન્નાના ઉપવાસને ભવ્ય સ્ટોરી તરીકે રજૂ કરવામાં, ઘણા મુદ્દે પ્રમાણભાન જળવાયું નહીં અને આખી લડતનો ખાસ્સા ફિલ્મી રંગે પ્રચાર થયો. અન્નાના ઉપવાસ અને તેની લાર્જર ધેન લાઇફ રજૂઆત એકથી વધારે કારણોસર ઘ્યાન અને વિચાર માગી લે છેઃ

અન્ના અને સાથીદારો તરફથી રજૂ કરવામાં આવેલો ‘જનલોકપાલ’ ખરડાનો મુસદ્દો વર્તમાન બંધારણ અને લોકશાહી કાર્યપદ્ધતિથી સાવ વિપરીત ગણાય એવી માગ કરતો હતો. જેમ કે, પ્રતિષ્ઠિત નાગરિકોની સમિતિ દ્વારા કેન્દ્રમાં નીમાયેલા લોકપાલને ભ્રષ્ટાચાર-ગેરરીતિના કેસમાં તપાસ કરવાની, ફરિયાદ નોંધવાની, ધરપકડ કરવાની, ભ્રષ્ટાચારની રકમ જપ્ત કરવાની અને ભ્રષ્ટાચારીને સજા કરવાની- એ તમામ સત્તા મળે. તેમની કામગીરીમાં પોલીસતંત્ર કે ન્યાયતંત્ર બિલકુલ દખલ કરી શકે નહીં. એક વર્ષમાં દરેક કેસનો નિકાલ લાવવામાં આવે. બંધારણ મુજબ નિમાયેલા વિજિલન્સ કમિશનને લોકપાલમાં ભેળવી દેવામાં આવે.
ટૂંકમાં, લોકપાલ તરીકે નીમાયેલો એક માણસ પોલીસતંત્ર અને ન્યાયતંત્રના સરવાળા જેટલી સત્તાઓ ધરાવતો થઇ જાય.

‘કાયદો કામ ન કરે તો પછી કાયદો હાથમાં લેવો’ એવી ટોળાન્યાયની પ્રચલિત બનેલી માનસિકતાને મહાશક્તિમાન લોકપાલનો ખ્યાલ બહુ પસંદ પડે. બીજું કારણ એ પણ ખરું કે એક વાર સર્વશક્તિમાન લોકપાલ નિમાઇ જાય, એટલે અપેક્ષાનો બધો ભાર તેમના ખભે ઢોળીને નિરાંત અનુભવી શકાય. પણ એક જ વ્યક્તિના હાથમાં, કોઇ પણ પ્રકારના ઉત્તરદાયિત્વ વિના આટલી મોટી સત્તા આપી દેવાનું ઇચ્છનીય ખરું? એ હોદ્દે નીમાયેલો માણસ સારો જ હશે અને આટલી સત્તા મળ્યા પછી સારો જ રહેશે, એ આશાવાદ નથી? અને એ આશા નિષ્ફળ જાય તો તેના માટે ચૂકવવી પડતી કંિમત ઘણી વધારે ન હોય? આ સવાલો વાસ્તવિક અને અણીદાર છે. એ ઘ્યાનમાં રાખીને, ગણ્યાંગાંઠ્યાં પ્રસાર માઘ્યમોએ તથા કેટલાક સામાજિક અગ્રણીઓએ સર્વશક્તિમાન લોકપાલના ખ્યાલનો વિરોધ કર્યો છે. લોકશાહીનાં વર્તમાન માળખાંની ઉપેક્ષા કરીને, તેમની સમાંતરે, તેમનાથી ચડિયાતું અને યોગ્ય ઉત્તરદાયિત્વ વગરનું માળખું રચવાની માગણીને તેમણે લોકશાહી માટે ખતરનાક ગણાવી છે.

જીત કેટલી દૂર?
ટીવી ચેનલો અને ઇન્ટરનેટ પરના બહુમતી પ્રચારથી એવી છાપ ઉભી થાય કે ભારતીયો અને ભ્રષ્ટાચાર વચ્ચેની વન ડે મેચ ચાલી રહી હતી, જેમાં આખરે ભારતીયોનો વિજય થયો છે. આ (ગેર)સમજણ મુગ્ધ અને ખોટી છે. શરૂઆતમાં અન્ના હઝારેના ઉપવાસને ભાવ નહીં આપવાનાં તેવર દેખાડનારી સરકાર સમાધાન કરવા માટે ઝૂકી, તેને આંદોલનની એક ઉપલબ્ધિ કહી શકાય, પણ જીત? એ તો બહુ દૂરની વાત છે.

બન્ને પક્ષોએ સમાધાનમાં થોડું થોડું જતું કર્યું છે. સરકારે લોકપાલ ખરડાનો નવો મુસદ્દો બનાવવા માટેની સમિતિમાં પાંચ સરકારી સભ્યોની સાથે બિનસરકારી સભ્યો નીમવાનું સ્વીકાર્યું છે. પરંતુ કડક અમલ માટે જેનો સૌથી વધારે આગ્રહ રખાતો હતો તે ‘પોલીસતંત્ર-ન્યાયતંત્રની સહિયારી સત્તા’ સ્વીકારવાનું સરકારે કોઇ વચન આપ્યું નથી. લોકપાલ ખરડાનું આખરી સ્વરૂપ કેવું આવે છે, એ માટે થોડી રાહ જોવી પડશે. તૈયાર થયેલો ખરડો ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં મૂકવાનું સરકારના હાથમાં છે, પણ તેને પસાર કરવાની ખાતરી સરકાર આપી શકે એમ નથી. આંદોલનની અત્યારની આબોહવા જોતાં બીજા પક્ષો એ ખરડાની આડે ન આવે અને ખરડો બન્ને ગૃહોમાં પસાર થઇને રાષ્ટ્રપતિની સહી સાથે કાયદો બને, તો એ આંદોલનની બીજી ઉપલબ્ધિ બની રહે.

પણ જીત? જીત તો ત્યાર પછી પણ દૂર રહે છે.

ભ્રષ્ટાચારનો વ્યાપ એટલો મામૂલી નથી કે કેન્દ્રસ્તરે એક લોકપાલની નિમણૂંકથી લડાઇનો અંત આવી જાય. ભ્રષ્ટાચાર સામેની વ્યાપક લડાઇનું એ પહેલું કદમ જરૂર બની શકે, જેનાં પછીનાં પગલાંમાં સ્થાનિક અને રાજ્યસ્તરે, પક્ષાપક્ષીથી પર રહીને, જાગ્રત નાગરિકો દ્વારા ભ્રષ્ટાચાર સામે લોકઆંદોલનો થતાં રહે. એ ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરીને કે ટ્‌વીટર પર ટ્‌વીટ કરીને ‘ક્રાંતિના હિસ્સેદાર’ બન્યાનો સંતોષ મેળવવા જેટલું સહેલું નથી. તેમાં પ્રસાર માઘ્યમોના ટેકા વિના સત્તાધીશો સામે બાથ ભીડવાની હામ અને ધીરજની જરૂર પડે છે. (મહુવાના આંદોલનકારીઓ પાસેથી આ વિશે વઘુ જાણી શકાય.)

અન્ના હઝારેના આમરણ ઉપવાસ અને આંબેડકરજયંતિ નિમિત્તે પૂના કરાર પહેલાં ગાંધીજીના આમરણ ઉપવાસની યાદ તાજી થાય છે- જોકે, મહાનતાના સંદર્ભે નહીં, ભ્રષ્ટાચાર અને અસ્પૃશ્યતા જેવા સંકુલ મુદ્દામાં આમરણના ઉપવાસના શસ્ત્રની મર્યાદાના સંદર્ભે. ગાંધીજીએ દલિતોને અલગ મતદાર મંડળ આપવાના- તેમને હિંદુઓથી અલગ ગણવાના વિરોધમાં ઉપવાસ કર્યા હતા. તેમની હૈયાધારણ એવી હતી અસ્પૃશ્યતા હિંદુઓનું પાપ છે અને તેનું પ્રાયશ્ચિત પણ હિંદુઓ જ કરશે. એ વખતે ગાંધીજીનો જીવ બચાવવા માટે ડો.આંબેડકરે પરાણે પૂનાકરાર કરવો પડ્યો. પૂનાકરારના પગલે આવેલો અસ્પૃશ્યતાનિવારણનો જુવાળ ત્યાર પછી થોડા સમયમાં ઓસરી ગયો હતો.

અન્ના હઝારેના ભ્રષ્ટાચાર સામેના ઉપવાસ અને તેના પહેલા તબક્કાને મળેલી આંશિક સફળતાથી ભ્રષ્ટાચારનો જંગ જિતાઇ ગયો હોય એવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે- જાણે પૂનાકરાર પછી ઉભો થયેલો અસ્પૃશ્યતાનિવારણનો માહોલ! પણ અસ્પૃશ્યતા હોય કે ભ્રષ્ટાચાર, તેમાં એક લડાઇથી યુદ્ધ જીતાતું નથી. માટે, નાની લડાઇની જીતથી રાજી થવું, પણ તેનાથી સંતોષ માનીને બેસી જવું નહીં. લાંબું-મોટું યુદ્ધ હજુ બાકી છે અને પોતાની ખરા અર્થમાં સક્રિય હિસ્સેદારી વિના જીતાવાનું નથી એ નાગરિકોએ યાદ રાખવું.

Sunday, April 10, 2011

જાનનું જોખમ ખેડીને અણુમથકનું સમારકામ કરતા ‘જમ્પર’: ક્યારેક દેશ માટે, ક્યારેક ‘કૅશ’ માટે

‘હવે રોદણાં રડવાનો અર્થ નથી. અત્યારે અમે નરકમાં હોઇએ તો પણ સરકીને સ્વર્ગ તરફ ગયા વિના છૂટકો નથી. અણુશક્તિની અદૃશ્ય શક્તિ પર નજર રાખજો. (આ અકસ્માતમાંથી) બઘું સમુસુતરું પાર પડે એ માટે અમે કામ કરી રહ્યા છીએ.’
***
‘મારાં માતાપિતા ત્સુનામીમાં તણાઇ ગયાં..આ પ્રકારની માનસિક સ્થિતિમાં હું અત્યંત કઠણ કામમાં જોતરાયેલો છું...હવે વધારે સહન થતું નથી.’
***
‘મારા સહિત બધા આપત્તિનો ભોગ બનેલા છે. પણ અમે અમારી જાતનો ભોગ બનેલા તરીકે વિચાર કરવાને બદલે, કંપનીના કર્મચારી તરીકે અમારું કામ પૂરું કરવા માટે પરિશ્રમ કરી રહ્યા છીએ.’
***
‘અકસ્માત પછીના થોડા દિવસ કામદારોએ માત્ર બ્રેડના જોરે ટકી રહીને રોજના ૨૩-૨૩ કલાક કામ કર્યું હતું અને માત્ર એક કલાક આરામ લઇને ફરી કામે ચઢી જતા હતા. આટલી ઓછી ઉંઘને લીધે ઘણી વાર તે એટલા થાકી જતા કે બ્રેડ ચાવવાનું પણ તેમને આકરું લાગતું હતું.’
***
‘સૌ પોતાના વતનથી દૂર છે. પાછા ફરવાનું ક્યારે થશે એની ખબર નથી. અમારી ચિંતાઓ અને ગુસ્સો કોની સમક્ષ ઠાલવવો એ સમજાતું નથી...સૌએ સર્વસ્વ ગુમાવ્યું છે- ઘરબાર, નોકરી, સ્કૂલ, મિત્રો, પરિવાર...આ વાસ્તવિકતા સામે કોણ ઝીંક ઝીલી શકે?
***
ઉપરનાં અવતરણો જાપાનના દુર્ઘટનાગ્રસ્ત ફુકુશિમા અણુમથકમાં કામ કરનારા કેટલાક કર્મચારીઓનાં છે. ૧૧ માર્ચ, ૨૦૧૧ના રોજ ભૂકંપ અને ત્સુનામી પછી ફુકુશિમાનાં રીએક્ટરોમાં ભંગાણ પડ્યું, ત્યારે સૌથી ગંભીર આશંકા વિકિરણો ફેલાવાની હતી. જોતજોતાંમાં તે વાસ્તવિકતા બની. એ સાથે જ રાહત કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થવો જોઇતો હતો. પ્લાન્ટની સંચાલક ‘ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કંપની’ના કર્મચારીઓ માનવશરીર પર વિકિરણોની ગંભીર અસરો વિશે જાણતા જ હોય. બેકાબૂ બનેલાં રીએક્ટરો અને તેમાંથી ફેલાતા વિકિરણને કાબૂમાં લેવાના પ્રયાસમાં કર્મચારીઓ શા માટે જીવનું જોખમ વહોરે?

પરંતુ જાપાનમાં એ સવાલ પેદા જ ન થયો. અકસ્માત પછી ઘણા કર્મચારીઓ સ્થળ છોડીને સલામત વિસ્તારમાં જવાને બદલે, પ્લાન્ટ પર સતત તહેનાત રહ્યા. બીજા વિશ્વયુદ્ધમાં જાણીતા બનેલા જાપાની કામીકાઝી (આત્મઘાતી) પાયલોટોની જેમ, પોતાના જીવની પરવા ન કરનારા કર્મચારીઓની કુલ સંખ્યા ૩૦૦થી ૫૦૦ જેટલી છે. પણ દરેક પાળીમાં ૫૦ કર્મચારીઓ કામ કરતા હોવાથી, પ્રસાર માઘ્યમોએ તેમનું નામ પાડ્યું: ‘ફુકુશિમા-૫૦’. તેમનું એક જ લક્ષ્યઃ કોઇ પણ ભોગે, પોતાના જીવના પણ જોખમે, વઘુ નુકસાન થતું અટકાવવું. રીએક્ટરોને ટાઢાં પાડવાં અને વિકિરણોનો ફેલાવો રોકવો.

અણુમથકમાં મોટો અકસ્માત થયા પછી રાહત કામગીરીમાં કેવાં જોખમ હોય છે, તે ૧૯૮૬ની ચેર્નોબિલ દુર્ઘટના પછી જાણીતું હતું. યુનાઇટેડ નેશન્સ સાયન્ટિફિક કમિટીના અહેવાલ પ્રમાણે, ચેર્નોબિલ દુર્ઘટના પછી ત્રણ મહિનામાં ૨૮ જેટલા બચાવ કામદારો વિકિરણોની અસરને કારણે મૃત્યુ પામ્યા. વિકિરણની ત્વચા પર અસરને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જતાં, બીજા ૧૯નાં મૃત્યુ થયાં અને ૧૦૦થી વઘુ લોકોને ઉબકા, ઉલટી, ડાયેરિયા જેવી વિકિરણની વિવિધ અસરો થઇ.

‘ફુકુશિમા ૫૦’ તરીકે ઓળખાતી ટુકડી રાહત કામગીરીમાં રહેલાં જોખમોથી ભાગ્યે જ અજાણ હોય. છતાં, એ લોકો હજુ મેદાન છોડવા તૈયાર નથી. આટલી મોટી સંખ્યામાં કામદારો જોખમ વહોરી લેતા હોવા છતાં એકાદ અપવાદને બાદ કરતાં ભાગ્યે જ કોઇનાં કુટુંબીઓ પ્રસાર માઘ્યમો સમક્ષ સહાનુભૂતિ માટે આવ્યાં છે. જૂજ નિવેદનોમાં એક માતાનું બયાન સૌથી જાણીતું બન્યું છે, જેણે પોતાના ૩૨ વર્ષના પુત્ર અને તેના સાથીદારોની બહાદુરી અંગે ગળગળા કંઠે કહ્યું હતું કે કે ‘પોતે કેવું જોખમ લઇ રહ્યા છે, તે એ લોકો જાણે છે. (બચાવ કામગીરી પછી) તેમની જિંદગી થોડાં અઠવાડિયાં કે મહિના પૂરતી હશે અથવા લાંબા ગાળે તે કેન્સરનો ભોગ બનશે, એ પણ તે સમજે છે. પરંતુ તેમણે એ હકીકત સ્વીકારી લીધી છે.’

અકસ્માતના સ્થળે કામ કરનારાની સ્થિતિ વિશે આ લખાય છે ત્યાં સુધીમાં સૌથી અધિકૃત માહિતી ‘ન્યુક્લીયર સેફ્‌ટી એજન્સી’ના ઇન્સ્પેક્ટર કાઝુમા યોકોતાએ પૂરી પાડી છે. પાંચ દિવસ સુધી કામદારો સાથે રહેલા યોકોતાએ જાપાની ‘દૂરદર્શન’ (એનએચકે) સમક્ષ કહ્યું હતું,‘કામદારો કોન્ફરન્સ રૂમમાં, હોલ-વેમાં કે બાથરૂમ નજીક સુઇ જાય છે. દરેક કામદારને એક-એક ધાબળો આપવામાં આવે છે. સૌ ફરસ પર પાથરેલી સીસાની ચાદરો પર લાઇનબંધ સુઇ જાય છે. સીસું મકાનમાં પ્રવેશતાં વિકિરણો સામે તેમનું રક્ષણ કરે છે.’

યોકોતાના જણાવ્યા પ્રમાણે, રોજ સવારે ૨૭૦થી ૫૮૦ જેટલા કર્મચારીઓ મિટિંગ યોજીને પરિસ્થિતિની ચર્ચા કરે છે અને રોજનું કામ વહેંચે છે. મોટા ભાગના કર્મચારીઓ સવારના દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કામ કરે છે. રાતની પાળીમાં મુખ્યત્વે પ્લાન્ટની મશીનરીનાં રીડિંગ નોંધવામાં આવે છે. દરેક કામદારને માપ મુજબનું ભોજન અને પાણી આપવામાં આવે છે. નાસ્તામાં વઘુ કેલરી ધરાવતાં બિસ્કિટ અને ભોજનમાં ગરમાગરમ ચડાવેલો ભાત તથા જેમાં વિકિરણોની અસરનો ભય ન હોય એવો ટીનબંધ ખોરાક આપવામાં આવે છે. આ ખોરાકમાંથી કામદારોને પૂરતું પોષણ નહીં મળતું હોય, એવી ટીપ્પણી પણ યોકોતાએ કરી હતી.

જાપાનના પ્રસિદ્ધ અખબાર ‘યોમુરી શિમ્બુન’ના અહેવાલ પ્રમાણે, દરેક કામદારને રોજ ફક્ત દોઢ લીટર પાણી આપવામાં આવે છે. તેથી તે નહાતા નથી અને હાથ પણ પાણીને બદલે આલ્કોહોલથી ઘુએ છે. એ પોતાનાં કપડાં પણ ભાગ્યે જ બદલી શકે છે. કામ કરતી વખતે રક્ષણાત્મક વસ્ત્રો ઉપરાંત બેવડું આવરણ ધરાવતાં હાથમોજાં, ચહેરા સહિત આખું માથું ઢંકાય એવા માસ્ક અને અંધારામાં કામ કરી શકાય એ માટે ફ્‌લેશલાઇટ તેમની પાસે હોય છે. તે ઇલેક્ટ્રિક વાયર બિછાવવાથી માંડીને કાટમાળ સાફ કરવાનું અને રીએક્ટર પર પાણીનો મારો કરવા જેવાં કામ કરે છે.

ફરજપરસ્ત અને દેશભરમાં ‘હીરો’ તરીકે પંકાયેલા કર્મચારીઓ હોવા છતાં કેટલાંક કામ એટલાં જોખમી છે કે તેના માટે અલગથી ભરતી કરવા માટે ટોકિયો ઇલેક્ટ્રિક કંપનીએ કલાકના પાંચ હજાર ડોલર જેવા મહેનતાણાની જાહેરાત કરી છે.

અણુમથકોની જોખમી કામગીરી માટે વફાદાર કર્મચારીઓ હોય તો પણ ફક્ત તેમનાથી કામ ચાલી જાય, એવું ભાગ્યે જ બને છે. એ સંજોગોમાં ઊંચું મહેનતાણું લઇને જોખમી કામ કરી આપનારા લોકો ‘જમ્પર’ તરીકે ઓળખાય છે. અમેરિકા જેવા સમૃદ્ધ ગણાતા દેશમાં છેક સિત્તેરના દાયકાથી થોડા ડોલરમાં અણુમથકોનું જોખમી કામ કરી આપનારા ‘જમ્પર’નું આખું બજાર ખીલ્યું છે. વર્ષો પહેલાં (નવેમ્બર, ૧૯૮૨ના અંકમાં ‘મધર જોન્સ’ સામયિકમાં ‘ધ ગ્લો બોય્ઝ’ શીર્ષક હેઠળ જમ્પરોના બજાર વિશે વિસ્તૃત અહેવાલ પ્રગટ થયો હતો. એ લખનાર પત્રકારે પોતે છૂપી રીતે જમ્પરોની ભરતીપ્રક્રિયામાં જોડાઇને જમ્પરોને કેવી રીતે પ્રશિક્ષણ આપવામાં આવે છે, કેવી રીતે તેમને જોખમથી સાચીખોટી રીતે નિશ્ચિંત બનાવવામાં આવે છે અને ડોલર માટે જીવ જોખમમાં મુકનારાની માનસિકતા કેવી હોય છે એ બધી વાતો લખી હતી. તે ‘એટલાન્ટિક ન્યુક્લીઅર સર્વિસિઝ’માં જમ્પર તરીકે ભરતી થયો હતો. તેના એ વખતના અંદાજ પ્રમાણે, ૧૯૮૨માં ફક્ત અમેરિકામાં જમ્પરોની સંખ્યા ૪૦ હજારના આંકડે પહોંચવાનો અંદાજ હતો.

ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કંપનીએ ‘જમ્પર’ માટે પાંચ હજાર ડોલર પ્રતિ કલાકના ભાવે જમ્પરની ભરતીનો પ્રયાસ કર્યા પછી, ચેર્નોબિલ અણુમથકની કામગીરીમાં છ વાર ઉતરી ચૂકેલા સર્ગેઇ બેલ્યાકોવની કથા પણ બહાર આવી. યુક્રેન યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરનાર બેલ્યાકોવ ૪૦ દિવસ સુધી ચેર્નોબિલમાં રહેલો હતો. એ દરમિયાન અણુરીએક્ટરના છાપરા પર વઘુમાં વઘુ બે મિનિટ અને ઓછામાં ઓછી ૩૦-૪૦ સેકન્ડ જેટલો સમય ગાળીને તેમણે નિર્ધારીત સફાઇકામ કર્યું હતું. આ કામગીરીમાં ઘણા લોકો સંકળાયેલા હતા. તેમાંથી પાંચ સાથીદારોના મૃત્યુ વિશે બેલ્યાકોવ જાણે છે. એ પોતે થોડો સમય બિમાર રહ્યા, પણ તેમનો જીવ બચી ગયો. આ કામ માટે કેટલી રકમ મળી હતી? એ સવાલના જવાબમાં બેલ્યાકોવે કહ્યું હતું,‘એ રકમથી હું પહેલી વાર ભારત ફરવા આવી શક્યો. એ મારી પહેલી વિદેશયાત્રા હતી.’

બેલ્યાકોવ જેવા લોકો ‘જમ્પર’ તરીકે કામ કર્યા પછી ટકી શકે તો વિદેશયાત્રા કરી શકે અને વિકિરણની અસરો ઘાતક નીવડે તો? છેક ઉપરની યાત્રા. પણ બન્નેમાંથી એકેયનો વિચાર કર્યા વિના કામ કરી રહેલા ‘ફુકુશિમા-૫૦’એ અણુઇતિહાસની તવારીખમાં નવા પૃષ્ઠનો ઉમેરો કર્યો છે.

Wednesday, April 06, 2011

બોર્ડની પરીક્ષાનું બ્રહ્મસત્યઃ કેવું ગયું પેપર?

દસમા-બારમા ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન મૂંઝવતા અનેક સવાલ માટે બજારમાં યથાશક્તિ- વિદ્યાર્થીઓની સમજશક્તિ મુજબ નહી, વાલીની ખરીદશક્તિ પ્રમાણે - માર્ગદર્શન મળે છેઃ ટ્યુશન, કોચિંગ ક્લાસ, સ્યોર સજેશન, મોક ટેસ્ટ...પરીક્ષા નજીક આવે ત્યારે અભ્યાસ સિવાયના પ્રશ્નો માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શનના લેખો અને પુસ્તકોથી માંડીને ડોક્ટરની સલાહ-કાઉન્સેલિંગના વિકલ્પ હોય છે. પરંતુ પરીક્ષાલક્ષી શિક્ષણના બજારમાં એક સમસ્યાસર્જક સવાલની ભારે અવગણના થઇ છે. વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકતો, તેમને અસત્યના રસ્તે, આત્મવંચના-જાતને છેતરવા- તરફ વાળતો કે આત્મદયામાં ધકેલતો એ સવાલ છેઃ ‘કેવું ગયું પેપર?’

પરીક્ષા નજીક આવે એટલે ‘કેવી છે તૈયારી?’ એવી પૂછપરછથી પેપર અંગેના કાતિલ સવાલનો માહોલ બંધાવા લાગે છે. તૈયારી વિશે જવાબ આપવામાં વિદ્યાર્થીને મૂંઝવણ નડતી નથી. આધ્યાત્મિક પરિબળોના શરણે ગયા વિના, માત્ર ભૌતિક બાબતોથી એ જવાબ આપવાનું શક્ય છે. જેમ કે, ‘તૈયારી તો જોરદાર ચાલે છે. રોજના પંદર કલાક.’ અથવા ‘છેલ્લા એક મહિનાથી અમને ટ્યુશનમાં પેપર લખવાની જ પ્રેક્ટિસ કરાવે છે.’ અથવા ‘છેલ્લા છ મહિનાથી બંધ ટીવી-પિક્ચર-ફેસબુક બધું બંધ છે.’ પૂછનારને મોટે વિદ્યાર્થીની તૈયારી વિશે જાણવા કરતાં પોતાની નિસબત બતાવવામાં વધારે રસ હોય છે. એટલે સામેથી જવાબ કોઇ પણ મળે, સવાલ પૂછનાર ‘સરસ, સરસ. વેરી ગુડ’ એવો કોઇ છાપેલો પ્રતિભાવ જારી કરીને, સરકારી માહિતીખાતાની નિસ્પૃહતાથી, તે બીજી વાત પર ચડી જાય છે.

ઉત્તરાયણ પહેલાં દોરી પીવડાવનાર દરેક જણ એવી શ્રદ્ધા ધરાવે છે કે આપણી દોરી પાક્કી છે. એક વાત ત્યારે નજરઅંદાજ કરવામાં આવે છે કે દોરી કરતાં વધારે મહત્ત્વ પતંગ ચડાવનારના કૌશલ્યનું હોય છે. પરીક્ષાની તૈયારી વિશે પૂછવું એ દોરીની ગુણવત્તા વિશે પૂછપરછ કરવા બરાબર છેઃ સહજ-સ્વાભાવિક, પૂછવાથી બન્ને પક્ષને સારું લાગે એવું છતાં એકંદરે નિરર્થક. આખરે તો અગાશીમાં (કે પરીક્ષાખંડમાં) જે થાય તે જ ખરું- એ સત્ય બન્ને પક્ષો પોતપોતાની રીતે જાણે છે.

પરીક્ષા સાવ નજીક આવે એટલે તૈયારીને લગતા પ્રશ્નો ગૌણ બની જાય છે અને શુભેચ્છા-આશીર્વાદનો દૌર ચાલુ થાય છે. પહેલાં એ માટે શબ્દો કે ઇષ્ટદેવની પ્રસાદી પૂરતી ગણાતી હતી. હવે લગ્નપ્રસંગની જેમ પરીક્ષાટાણે ચોકલેટ કે પેનનો ‘ચાંલ્લો’ કરવાનો રિવાજ થયો છે. જૂના વખતમાં લગ્નપ્રસંગે ભેટમાં મળેલાં દિવાલ ઘડિયાળ કે લેમનસેટ (કાચના પ્યાલા-જગ) ઘણી વાર ખોખાબંધ અવસ્થામાં જ, ઉપર ફક્ત આપનારના નામનું લેબલ બદલીને, બીજા કોઇને ભેટમાં આપી દેવાતાં હતાં. એવું શુભેચ્છા-સ્પેશ્યલ (એટલે કે ઓછી કિંમતની) પેનની બાબતમાં થઇ શકે છે. પણ ભેટમાં મળતી પેનનો જથ્થો બીજાને પધરાવીને સહેલાઇથી નિકાલ કરી શકાય એટલો ઓછો નથી હોતો. ઘરમાં પેનના ખડકલા જોઇને વાસ્તવવાદી વાલી એવું પણ વિચારી શકે છે કે ‘બાળક પરીક્ષામાં ધબડકો કરશે તો છેવટે તેને પેનની દુકાન કરી આપીશું. એના માટેનો સ્ટોક બહારથી લાવવાની જરૂર નહીં પડે.’

ભેટમાં આવેલી સંખ્યાબંધ પેન જોઇને શરૂઆતમાં વિદ્યાર્થી રાજી થાય છે, પણ મોટા ભાગની પેનો એક જ પ્રકારની- ફક્ત ચાલુ (ચાલતી) નહીં, સાવ ચાલુ (સાધારણ)- છે એ જાણ્યા પછી તેનો રસ ઉડી જાય છે. એક તરફ વિદ્યાર્થી કાચી વયે ભોગવીને ત્યાગવાની ઉચ્ચ માનસિક અવસ્થાએ પહોંચે છે, ત્યારે કેટલાંક મોટેરાં પેનના જથ્થા પર નજર બગાડે છે. શરૂઆત તે નવા જમાનાના વિચિત્ર રિવાજોની ટીકાથી કરે છે. ‘અમારા જમાનામાં આવું કશું ન હતું. ભગવાનનો પ્રસાદ કે ગાયના શુકન કરીને નીકળીએ એટલે થયું.’ એમ કહ્યા પછી તે સંગ્રહખોરી કેવી ખરાબ બાબત છે એ સમજાવે છે અને છેલ્લે મુદ્દાની વાત પર આવતાં કહે છે, ‘આટલી બધી પેનોનું તું શું કરીશ? અમારે તો રોજેરોજ પરીક્ષા હોય છે અને હા, મારા તને આશીર્વાદ તો છે જ.’ એમ કહીને જથ્થામાંથી બે-ચાર પેનો ઉપાડી લે છે. ‘ચાલુ (ફાલતુ) પેનો સંઘરવી મટી’ એમ વિચારીને વિદ્યાર્થી રાજી થાય છે અને પેનના ઢગલાને કારણે પોતે લેનારને બદલે આપનારની ભૂમિકાએ પહોંચી શક્યો તેનું ગૌરવ પણ અનુભવે છે.

પરીક્ષા શરૂ થાય એટલે બીજી બાબતો બાજુ પર ધકેલાઇ જાય છે અને સઘળું ધ્યાન પેપર પર કેન્દ્રિત થાય છે- વિદ્યાર્થીઓનું નહીં, વાલીઓનું. વિદ્યાર્થી પહેલું પેપર આપીને પરીક્ષાકેન્દ્રની બહાર નીકળે એ સાથે જ વાલીઓ પોતપોતાની ખાસિયત પ્રમાણે સક્રિય બને છે. કેટલાક વાલી પેપરમાં પૂછાયા હોય એના કરતાં વધારે સંખ્યામાં અને વધારે અઘરા સવાલ પેપર વિશે પૂછવા માંડે છેઃ ‘કેવું ગયું પેપર? કેવું હતું? સહેલું કે અઘરું? ક્લાસમાં બીજા બધાને કેવું લાગ્યું? સુપરવાઇઝર બહુ કડક હતા? કેટલા માર્કનું છૂટ્યું? કેટલા માર્ક આવે એવું લાગે છે આશરે? ચોરી થતી હતી? તેં કરી? ચેકિંગ આવ્યું હતું? બહુ કડક હતું?’ સવાલોનો વરસાદ સાંભળીને એક વાર તો વિદ્યાર્થીને દોડીને ફરી ક્લાસરૂમમાં જતા રહેવાની ઇચ્છા થઇ આવે છે, પણ તે પીઢ અભિનેતાની જેમ, શબ્દોને બદલે હાવભાવથી નારાજગી વ્યક્ત કરીને અપાય એટલા જવાબ આપે છે. પણ આ પ્રકારના વાલી અણઘડ પ્રેક્ષક હોવાથી તેમનું સઘળું ધ્યાન અભિનયને બદલે ‘સ્ટોરી’માં હોય છે.

ધીરજવાન વાલીઓ પરીક્ષાકેન્દ્રની બહાર નીકળતા તેમના સંતાન પર ‘પહેલી ધારના’ સવાલો લઇને તૂટી પડતા નથી. એ જાણે છે કે સંતાન સાથે સવાલજવાબ કરવાનો આ ‘અભી નહીં તો કભી નહીં’ જેવો, છેલ્લો મોકો નથી. હવે ઘરે જ જવાનું છે. ત્યાં સચ્ચાઈની નજીકના જવાબ મળશે. ‘પોલીસ જેવા પોલીસ ગુનેગારને પકડ્યા પછી સ્થળ પર ઉલટતપાસ કરવાને બદલે ચોકીએ લઇ જાય છે, તો આપણે પોલીસથી પણ ગયા?’ એવો વિચાર તેમના મનમાં ઝબકી જાય છે.

શેરલોક હોમ્સ કે સિગ્મંડ ફ્રોઇડની નવી આવૃત્તિનો વહેમ ધરાવતા કેટલાક વાલીઓ સીધી પૂછપરછને બદલે સંતાનને ‘લોડેડ’ સવાલો પૂછે છે, ‘તારી ચાલ ઢીલી લાગે છે. પેપર બરાબર ગયું નથી કે શું? તારા ચહેરો ઉતરી ગયેલો દેખાય છે. કેટલા માર્કનું છૂટ્યું? તારા અવાજમાં આત્મવિશ્વાસનો રણકો નથી. સાચું કહેજે, કેવું ગયું પેપર?’

આ સિલસિલાને કારણે પરીક્ષા પૂરી થાય ત્યાં સુધીમાં વિદ્યાર્થીને ડિપ્લોમેટિક જવાબો આપતાં આવડી જાય છે. પેપર સાવ ભંગાર ગયું હોય તો પણ પરીક્ષાકેન્દ્રની બહાર નીકળીને ‘કેવું ગયું પેપર?’ના જવાબમાં આત્મવિશ્વાસના રણકા સાથે કહી શકે છે, ‘નોર્મલ... કાલના જેવું જ...એટલે સારું...એટલે એકસ્ટ્રા ઓર્ડિનરી નહીં ને ભંગાર પણ નહીં...એટલે સરસ...એટલે...આમ સરસ જ...એટલે આમ તો બધું આવડ્યું...’ આ જવાબ સાંભળીને વાલીને એટલી ખાતરી થાય છે કે બીજાં પેપર ગમે તેવાં જાય, પણ તેનું ભાષાનું પેપર સરસ જશે.

પેપર કેવું ગયું તેનો જવાબ ફક્ત કુટુંબીજનોને આપવાથી વાત પૂરી થતી નથી. ‘કેવી ચાલે છે તૈયારી?’વાળો વર્ગ પણ ફોન પર પૂછે છે, ‘શું? કેમ રહ્યું? જોરદાર?’ આ સવાલ ‘આજે બહુ ગરમી છે, નહીં?’ એ રીતે પૂછાતો હોય છે. તેનો જવાબ સાચો નહીં, પૂછનારની અપેક્ષા પ્રમાણે આપવાનો હોય છે. એટલે તેમાં બહુ આવડતની જરૂર પડતી નથી.

પરિણામની તારીખ નજીક આવતી જાય, તેમ ‘કેવું ગયું હતું પેપર?’ અને ‘શું લાગે છે?’ના જવાબમાં નાની છતાં વ્યૂહાત્મક – ‘શરતો લાગુ’વાળી ફુદડીઓ ઉમેરાતી રહે છે, જેથી પરિણામના દિવસે કોઇ પણ જાતની દુર્ઘટના થાય તો ઉંઘતા ઝડપાવાનું ન થાય.

‘કેવું ગયું પેપર’ના જવાબમાં વિદ્યાર્થીએ પરીક્ષાથી પરિણામ વચ્ચેના ગાળામાં જુદા જુદા સમયે આપેલા જવાબ જ્યોતિષીની આગાહી જેવા હોય છે. એ સાચી ન પડે, તો તેના વિશે તકરાર થતી નથી. ‘જે થયું તે થયું. હવે જે થઇ શકે તે કરીએ.’ એમ વિચારીને સૌ આગળ વધે છે. એટલે જ જ્યોતિષીઓની આગાહી અને ‘કેવું ગયું પેપર?’ એ સવાલનો મહિમા ઘટવાને બદલે અવિચળ રહ્યો છે.

Tuesday, April 05, 2011

ગાંધીજીઃ અપમાન, આપખુદશાહી અને અપરાધભાવ

હાસ્યકટાક્ષની ‘ભગવદ્‌ગીતા’ જેવી હિંદી હાસ્યનવલ ‘રાગ દરબારી’ (લેખકઃ શ્રીલાલ શુક્લ)માં છોટે પહેલવાનનું એક પાત્ર છે. ગામઠી ઢબછબ અને શિષ્ટતાની ઐસીતૈસી કરતી (છતાં) સચોટ અભિવ્યક્તિ છોટેની ખાસિયત છે. પહેલવાનના ખાનદાનમાં એક પરંપરા છેઃ પુત્ર મોટો થાય એટલે પિતાને ફટકારે. હા, ઝૂડી નાખે. એક દિવસ છોટે પહેલવાનથી જરા વધારે જોર થઇ જાય છે. સામાન્ય રીતે ઉંહકારા અને બડબડાટ કરીને ચલાવી લેતા પિતા કુસહરપ્રસાદ ફરિયાદ કરે છે. પંચ સમક્ષ કેસ ચાલે છે, પણ કાર્યવાહીમાં કુસહરપ્રસાદના રંગીન મિજાજનો ઉલ્લેખ થાય છે, એ સાથે જ છોટે પહેલવાન અપમાનબોધથી તતડીને ઉભા થઇ જાય છે. બાપનું બાવડું પકડીને ‘વોક આઉટ’ કરતાં છોટે એ મતલબનું કહે છે કે, ‘સમજો છો શું તમારા મનમાં? ગમે તેમ તોય મારો બાપ છે. હું એને મારું ને ગમે તે કરું, પણ એનું અપમાન કરનારા તમે કોણ?’

ભારતના રાજકારણમાં અત્યારે છોટે પહેલવાનોની બોલબાલા છે. તેમનું નામ વીરપ્પા મોઇલી હોય ને નરેન્દ્ર મોદી પણ હોય. તે કોંગ્રેસી પણ હોય ને ભાજપી પણ હોય. રાષ્ટ્રપિતા ગાંધીજીના અપમાનના મુદ્દે કોંગ્રેસી-ભાજપી નેતાઓની ઉગ્ર પ્રતિક્રિયા અને ઘરઆંગણે ગાંધીનાં તમામ મૂલ્યો નેવે મૂકતું તેમનું રાજકારણ નજર સામે રાખતાં, આ નેતાઓને એક જ બાબતનો વાંધો હોય એવું લાગેઃ ‘અમારા રાષ્ટ્રપિતાને નીચા પાડનાર તમે કોણ? આટલા વર્ષથી એમનાં અપમાન પર અપમાન કરનારા અમે નથી બેઠા? ’

‘અપમાનપ્રૂફ’ બનાવવાના ઉધામા
વાત છે એક અમેરિકન અભ્યાસી જોસેફ લેલીવેલ્ડે લખેલા ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવનચરિત્રની. દક્ષિણ આફ્રિકાની રંગભેદવિરોધી લડતના અભ્યાસી લેલીવેલ્ડનું પુસ્તક હજુ વાચકો સુધી પહોંચે ત્યાર પહેલાં તેના ટૂંકા-છાપાળવા રીવ્યુ આમ અને ખાસ જનતા સુધી પહોંચી ગયા. પુસ્તકના મસાલેદાર રીવ્યુમાં બે બાબતો ઉછાળવામાં આવી હતીઃ ૧) ગાંધીજી ‘રેસિસ્ટ’ (રંગભેદમાં માનતા) હોવાનો આરોપ ૨) ગાંધીજી અને તેમના નિકટના સાથીદાર કેલનબેક વચ્ચે સજાતીય સંબંધ હોવાનો આરોપ.

પરિણામે, પ્રતિષ્ઠિત પુલિત્ઝર પારિતોષિક વિજેતા પત્રકાર-લેખક લેલીવેલ્ડનું ગાંધીચરિત્ર ફક્ત બે જ શબ્દોમાં સમેટાઇને રહી ગયું: રેસિસ્ટ અને હોમોસેક્સ્યુઅલ (કે બાયસેક્સ્યુઅલ). આખા પુસ્તકમાંથી આ બે બાબતો શોધીને ઉછાળનારના રીવ્યુકારોની ‘કાગનજર’ વિશે શું કહેવું? જેમ ટીવી પર ટીઆરપીની સત્યડૂબાડ હરિફાઇ તેમ પ્રિન્ટમાં સનસનીખેજ સમાચારો અને વિવાદની હોડ. તેમાં ગાંધી જેવી વિશ્વવિભૂતિ મળી જાય એટલે સનસનાટીપ્રેમીઓને જાણે ગોળનું ગાડું મળ્યું!

પુસ્તકના રીવ્યુના આધારે ગાંધીજી પરના આરોપો સુધીનો ઘટનાક્રમ ખેદજનક હતો. તેમાંથી પુસ્તક કરતાં તેના રીવ્યુકારો વિશે વધારે જાણવા મળ્યું. પરંતુ ત્યાર પછી જે બન્યું, તેનાથી ગાંધીના અપમાનની બૂમો પાડનારની અસલી માનસિકતા છતી થઇ.

દેશના બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપમાંથી પુસ્તક પર પ્રતિબંધ મૂકવાના હાકોટા પડ્યા. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના કાયદા મંત્રી વીરપ્પા મોઇલી રાજાપાઠમાં આવી ગયા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવા વિચારી રહી છે. આટલું ઓછું હોય તેમ, મોઇલીએ ચીમકી આપી કે રાષ્ટ્રપિતા ગાંધીજીનું અપમાન જેલની સજાને પાત્ર ગુનો ગણાય, એવી જોગવાઇ માટે કેન્દ્ર સરકાર વિચારી રહી છે. મોઇલીનો તર્ક હતો,‘મહાત્મા ગાંધી ફક્ત ભારતમાં જ નહીં, વિશ્વભરમાં લાખો લોકો માટે આદરણીય છે. આવી ઐતિહાસિક હસ્તી વિશે ગમે તે લોકો ગમે તેવી ટીપ્પણીઓ કરે અને તેમનું અપમાન કરે તે ચલાવી ન લેવાય. (જો આપણે ચલાવી લઇએ તો) ઇતિહાસ આપણને માફ ન કરે.’

પુસ્તકવિવાદ પછી રાષ્ટ્રિય ચિહ્નોના અપમાનના કાયદામાં સુધારો કરીને, તેમાં ગાંધીજીના અપમાનની કલમને સામેલ કરવા અંગે કેન્દ્ર સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. ‘પ્રીવેન્શન ઓફ ઇન્સલ્ટ્‌સ ટુ નેશનલ ઓનર એક્ટ, ૧૯૭૧’ અંતર્ગત ભારતીય રાષ્ટ્રઘ્વજ કે ભારતના બંધારણનું અપમાન કરનારને વઘુમાં વઘુ ત્રણ વર્ષની જેલની સજા અને/અથવા દંડની જોગવાઇ છે. કોંગ્રેસી-ભાજપી નેતાઓના ટોળાનું ચાલશે તો તે આ કાયદામાં ગાંધીજીનો ઉમેરો કરીને તેમને ‘અપમાનપ્રૂફ’ બનાવ્યાનો સંતોષ એ લોકો લઇ લેશે. એમ કરવાથી પ્રજા સમક્ષ પોતાનો સગવડિયો ગાંધીપ્રેમ બતાવવાની તક મળશે અને ભવિષ્યના અભ્યાસીઓ પર ‘આડાંઅવળાં’ સંશોધનો કરવાને બદલે સરકાર માઇબાપ નારાજ ન થાય એવાં જ સંશોધનો કરવાનો દાખલો બેસાડી શકાશે.

વાંચ્યા વિના વાંધા
કેન્દ્ર સરકાર હજુ જેનો વિચાર કરે છે, તેનો ગુજરાતના પ્રતિબંધપ્રેમી મુખ્ય મંત્રીએ અમલ પણ કરી દીધો. તેમણે ગુજરાતમાં લેલીવેલ્ડના પુસ્તક પર પ્રતિબંધ ફરમાવી દીધો. ભૂતકાળ યાદ રાખવાની કુટેવ ધરાવતા લોકોને સ્વાભાવિક રીતે જસવંતસંિઘના પુસ્તક પર ગુજરાતમાં મુકાયેલા પ્રતિબંધની યાદ તાજી થઇ હશે. જસવંતસિંઘના પુસ્તક પર સરદાર પટેલ વિશે ઘસાતા ઉલ્લેખ હોવાનો આરોપ હતો.

જસવંતસિંઘ અને લેલીવેલ્ડના પુસ્તકો પર ગુજરાતમાં મુકાયેલા - અને કેન્દ્રસ્તરે વિચારાધીન- પ્રતિબંધ વચ્ચે એક વિશિષ્ટ અને શરમજનક સામ્ય છેઃ બન્ને પુસ્તકો પર પ્રતિબંધ મૂકતાં પહેલાં, એ પુસ્તકો વાંચવાની અને રીવ્યુમાં ઉછાળવામાં આવેલો વિવાદાસ્પદ કહેવાતો ભાગ ખરેખર કેવી રીતે, કેવા શબ્દોમાં લખાયો છે, એ જાણવાની પ્રાથમિક દરકાર લેવામાં આવી નથી.

લેલીવેલ્ડે આખા પુસ્તકમાં ગાંધીજી વિશે ક્યાંય રેસિસ્ટ કે હોમોસેક્સ્યુઅલ જેવા સીધા શબ્દપ્રયોગો કર્યા નથી, એવું ચાર્મી હરિકૃષ્ણને પુસ્તક વાંચીને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (૧ એપ્રિલ,૨૦૧૧)માં લખ્યું છે. તેમણે નોંઘ્યા પ્રમાણે, લેલીવેલ્ડે દક્ષિણ આફ્રિકામાં રંગભેદના મામલે ગાંધીજીની સમજણ ધીમે ધીમે કેવી રીતે વિકસી તેનો તબક્કાવાર આલેખ આપ્યો છે. તેમાંથી આરંભિક તબક્કાનો હિસ્સો આગળપાછળના સંબંધ વિના ટાંકવામાં આવે, તો ગાંધીજીને રંગભેદના મુદ્દે કાચા સાબીત કરી શકાય. (જે રિવ્યુમાં થયું હોવાનું લાગે છે.)

જેમ કે, ભારતીયો સદીઓ જૂની સંસ્કૃતિને કારણે સુધરેલી-સભ્ય પ્રજા છે અને તેમને દક્ષિણ આફ્રિકાની મૂળ ‘કાફિર’ જાતિના લોકો સાથે એક લાકડીએ હાંકી શકાય નહીં, એવી ગાંધીજીની રજૂઆત કલેક્ટેડ વર્ક્‌સ/અક્ષરદેહના સાવ શરૂઆતના ભાગોમાં અનેક ઠેકાણે જોવા મળે છે. લંડનથી પત્રકાર ડબલ્યુ.જે.સ્ટેડને લખેલા પત્રમાં તેમણે એવી રજૂઆત કરી છે કે બોઅર નેતાઓને સ્થાનિક કાફિર જાતિ સામે પૂર્વગ્રહ હતો એ જ પૂર્વગ્રહ તેમણે ભારતીયોના મામલે લાગુ પાડ્યો છે. આ બન્ને વચ્ચે કેટલો તીવ્ર તફાવત છે એ તમારે લખવું જોઇએ. ભારતીય સંસ્કૃતિ કેટલી પ્રાચીન છે, ટ્રાન્સવાલમાં તેમની કોઇ રાજકીય મહત્ત્વાકાંક્ષા નથી, સંખ્યામાં એ બહુ થોડા (૧૩ હજાર) છે- આ બધી હકીકતો તમે લખશો તો બોઅર નેતાઓ માનશે.(૧૬-૧૧-૦૫,કલેક્ટેડ વર્ક્‌સ-૬)
પરંતુ, અગાઉ જણાવ્યું તેમ, ગાંધીજી જેવી વ્યક્તિ વિશે અભિપ્રાય બાંધતાં પહેલાં આખા સમયગાળાને અને તેમાં બદલાયેલાં તેમનાં વલણોને ઘ્યાનમાં લેવાં પડે.

આપણી સરકારોને અને નેતાઓને જોકે ‘રેસિસ્ટ’ કરતાં અનેક ગણો વાંધો ‘હોમોસેક્સ્યુઅલ’ના વિશેષણ હશે, એવું એકંદર માનસિકતા જોતાં ધારી શકાય. રીવ્યુમાં કેટલાંક ચુનંદા વાક્યો ટાંકીને આ મુદ્દો ચગાવવામાં આવ્યો છે. ચાર્મી હરિકૃષ્ણને પુસ્તકનો હવાલો આપીને લખ્યું છે કે લેલીવેલ્ડે ગાંધીજી-કેલેનબેક વચ્ચેના સંબંધો માટે એક જગ્યાએ ‘હોમોઇરોટિક’ શબ્દ વાપર્યો છે, પણ ‘હોમોસેક્સ્યુઅલ’નું વિશેષણ રીવ્યુકારોના દિમાગની પેદાશ છે.

ફક્ત હવામાં ઉડતી વાતોના આધારે સરકાર કોઇ અભ્યાસીના પુસ્તક પર પ્રતિબંધ મૂકવા જેવું બિનલોકશાહી અને સરમુખત્યારી પગલું લે - કે એવું પગલું લેવાનો વિચાર કરે - એ ફક્ત શરમજનક નથી, ચિંતાજનક પણ છે. કોઇ માનસશાસ્ત્રી ઇચ્છે તો, મનઘડંત અથવા સાવ મામૂલી પુરાવાના આધારે ધરપકડો કરવાની સરકારી આપખુદશાહી અને પુસ્તક વાંચ્યા વિના તેની પર પ્રતિબંધ મૂકવાના સરકારી ફતવાની તુલના કરી શકે.

બીજી ઘણી બાબતોની જેમ આ બાબતને પણ પક્ષાપક્ષીથી પર રહીને જોવાની જરૂર છે. પુસ્તક પર પ્રતિબંધ મૂકવા માટે કેન્દ્રમાં ભાજપ સરકારને આગ્રહ કરે છે અને ગુજરાતમાં પ્રતિબંધ મૂકી દેનાર મુખ્ય મંત્રીનું ગુજરાત કોંગ્રેસ અનુમોદન કરે છે. આ બધામાં એટલી પાયાની શરમ કે ન્યાયવૃત્તિ બચ્યાં નથી કે પ્રતિબંધ જેવું આત્યંતિક પગલું ભરતાં પહેલાં પુસ્તક વાંચવા જેવી પ્રાથમિક કાર્યવાહી કરે, આ વિષયના નિષ્ણાતોના અભિપ્રાય લે અને ત્યાર પછી પુસ્તકમાં - રીવ્યુમાં નહીં, પુસ્તકમાં- છપાયેલી વિગતો સચ્ચાઇથી વેગળી, બિનઆધારભૂત કે અવળચંડી લાગે તો સરમુખત્યારીનો દંડુકો પછાડ્યા વિના તેની સામે યથાયોગ્ય કાર્યવાહી કરે.

અભાવ હોય તો એ શરમનો કે ન્યાયવૃત્તિનો છે. બાકી પોતાનો રાજકીય સ્વાર્થ નેતાઓને શીખવવો પડે? તેમને મન ગાંધીજીનું વિદેશી લેખકે કરેલું અપમાન એ પણ રાજકીય સ્કોર કરી લેવાનો મુદ્દો છે. ‘સામેનો પક્ષ આ મુદ્દે લોકલાગણી બહેકાવી જાય અને આપણે ક્યાંક એનો લાભ લેવામાંથી ચૂકી ન જઇએ’ એવી ચિંતા કોંગ્રેસ-ભાજપ બન્ને પક્ષે જોવા મળે છે. બાકી, ગાંધીજીના માન-અપમાન સાથે કે તેમના મૂલ્યો સાથે રાજકીય પક્ષોને શી લેવાદેવા?

‘સ્વદેશી’ અપમાન
ભારતમાં ગાંધીજીના અપમાનની ક્યાં નવાઇ છે? ગાંધીજી જીવતા હતા ત્યારે તેમના જયજયકાર-પૂતળાં અને હારતોરામાં તેમને પોતાનું અપમાન લાગતું હતું. ઉમાશંકર જોશીએ ‘સંસ્કૃતિ’માં નોંઘ્યું છે કે ગાંધીજીની હયાતીમાં મુંબઇના દરિયાકિનારે તેમની વિરાટ પ્રતિમા મુકવાની વાત આવી, ત્યારે ગાંધીજીએ તેનો તીવ્ર વિરોધ કરતાં એ પ્રોજેક્ટ પડતો મૂકાયો હતો. ચલણી નોટો પર - ખાસ કરીને ઊંચા મૂલ્યની ચલણી નોટો પર- પોતાની તસવીર જોઇને ગાંધીજીને કેવી લાગણી થઇ હોત, એ સમજી શકાય છે. ગાંધીજીને પોતાના ગણાવતી કોંગ્રેસ તેમનાં તમામ મૂલ્યો ધોઇની પી ગઇ છે. બીજી તરફ, હિંદુત્વના કટ્ટર સમર્થકો ગાંધીહત્યાને ‘ગાંધીવધ’ તરીકે ઓળખાવે છે (જાણે ગાંધી કોઇ અસુર હોય અને દૈવી શક્તિએ તેનો વધ કર્યો હોય). અત્યારે ગાંધીની આબરૂ બચાવવા નીકળી પડેલા ઘણા ‘ગાંધીવધ’ની વિચારસરણી ગળથૂંથીમાં પીને ઉછરેલા છે. દારૂબંધીના આગ્રહી ગાંધીના નામે વિદેશમાં ક્યાંક દારુનો બાર ખુલે તો ભારતીયોને અપમાન લાગે છે, પણ ગરીબમાં ગરીબ માણસનો વિચાર કરતા, સાદગીના પર્યાય જેવા ગાંધીના નામે ભવ્ય બિઝનેસ સેન્ટર બાંધીને તેને ‘મહાત્મામંદિર’ નામ આપવામાં આવે અને ત્યાં રુપિયાના ઘુમાડા થાય તેમાં કોઇને ગાંધીનું અપમાન લાગતું નથી.

ગાંધીજીના અપમાનનું બૂમરાણ મચાવનારા સગવડપૂર્વક એ ભૂલી જાય છે કે ગાંધીજીનું ભારતીય નેતાઓ કર્યું છે એનાથી વધારે અપમાન બીજું કોઇ કરી શકે એમ નથી. તેમ છતાં, ગાંધીજીના ઘણા વિચારો સ્થળ-કાળ-દેશ-રંગ-ભાષાથી પર એવી વૈશ્વિક અપીલ ધરાવે છે. તેમના પ્રભાવને કે લોકનેતા તરીકેની તેમની છબીને ગરજાઉ અને વહેંતીયા નેતાઓના રક્ષણની જરુર નથી.

હા, નેતાઓને ગાંધીના રસ્તેથી સાવ અવળા માર્ગે ચાલ્યાનો બેશરમ અહેસાસ હોય અને તેને પોતાના ફાયદામાં વાળવા માટે એ બીજા દ્વારા થતા ગાંધીના અપમાન સામે કાગારોળ મચાવે, એ શક્યતા વધારે તાર્કિક જણાય છે.

Monday, April 04, 2011

Final Frames

બે સંસ્કૃતિઓઃ સ્તૂપ અને ક્રિકેટ (ચૈત્યભૂમિ, શિવાજી પાર્ક, મુંબઇ)

પલાંઠી વાળીને બીજાની દોડાદોડ જોવાની મઝા

ક્રિકેટમેવ જયતે ? (પાછળ દેખાતી ચાર સિંહોની રાષ્ટ્રિય મુદ્રાની પ્રતિકૃતિ, ચૈત્યભૂમિ)

પીપુડું વગાડવા ગળું ફાડવાની જરૂર નથી. આ રીતે પણ હવા ભરી શકાય છે

એક હેન્ડલ પર બે-ત્રણ જણ વળગેલા હોય અને ડબ્બાની ફરસ દેખાય નહીં એવી રાત્રે સાડા આઠની બોરિવલી લોકલઃ ભારતનું બેટિંગ ચાલુ થયા પછી

મરાઠી ગર્વની અભિવ્યક્તિઃ સચિન સસ્તામાં આઉટ થયો તે પહેલાં

છોટા (રી)ચાર્જ