Tuesday, April 26, 2011
સત્ય અને સાંઇબાબા
આખરે સત્ય સાંઇબાબા તેમણે ભાખેલા ૯૬ વર્ષના આયુષ્ય કરતાં વહેલા ગુજરી ગયા. થોડાં વર્ષો પહેલાં સાઇબાબા વિશે ચાલાકી, બનાવટ, જૂઠા ચમત્કાર, ઠગવિદ્યા...એવા શબ્દો ધરાવતાં મથાળાં છાપનારાં ગુજરાતી અખબારો સહિતનાં પ્રસાર માઘ્યમો આળોટી આળોટી પડ્યાં. સત્ય સાંઇબાબા અને તેમના અનુયાયીઓની સેવાકીય પ્રવૃત્તિઓના વખાણનાં ગાડાં નહીં, આખેઆખાં માલવાહક જહાજો ઠલવાયાં. તેમના અનુયાયીઓ કેટલા મહાન છે, એમાંથી કેટલા બધા તો વિજ્ઞાનમાં માનવાવાળા છે- એવી બધી રાબેતા મુજબની વાતો કહેવાઇ.
સત્ય સાંઇબાબા સાથે મારો પ્રત્યક્ષ કશો પરિચય નથી, પણ બે બહુ નિકટના પરોક્ષ પરિચય છે. તેના આધારે અને એ સિવાય, સામાન્ય/સ્વસ્થ/નોર્મલ માણસ તરીકે કેટલાક સવાલો હતા અને રહે છે. તેમાં સાંઇબાબાની અઢળક સંપત્તિ, વ્યાવસાયિક જાદુગરોને સસ્તા/‘ચીપ’ લાગતા સાંઇબાબાના ચમત્કારો અને તેમની નિકટના માણસો અંગેના સવાલો મુખ્ય રહે છે. સાંઇબાબા લોકો પર બહુ પ્રભાવ પાડતા હોવાનું કહેવાય છે, પણ એકેય રાજકારણીમાં કે એકંદરે રાજકારણમાં સાંઇબાબાનો સાત્ત્વિક પ્રભાવ પડ્યો હોય એવું કહી શકાય એમ નથી. ઉલટું, એવી છાપ પડે કે સત્તાધીશો અને સત્તાના દલાલો સાંઇબાબાને વધારે સહેલાઇથી મળતા હતા. વગદાર માણસો સાંઇબાબાનાં રૂબરૂ દર્શન કરી શકતા હતા અને એવા દર્શન કરાવી આપનારા લોકો પણ હતા.
સાંઇબાબાના ચમત્કારને બદલે ફક્ત તેમના લોકકલ્યાણનાં કાર્યોની જ વાત કરવી જોઇએ, એવી દલીલ કરનારાએ સૌથી પહેલાં એ સત્ય સાંઇબાબાને સમજાવવાની જરૂર હતી. કારણ કે તેમનું સામ્રાજ્ય ઉભું થવામાં તેમના ચમત્કારોનો પ્રભાવ અને ફાળો ઓછો ન હતો.
વિજ્ઞાનવાળા કે નાની પાલખીવાળા જેવા બૌદ્ધિકો પણ સાંઇબાબામાં માનતા હતા, એવી દલીલથી કશું સિદ્ધ થતું નથી. ‘પાલખીવાળા કરતાં પણ તમે વધારે બુદ્ધિશાળી?’ એવી દલીલનો એટલો જ જવાબ હોય કે ‘કોઇની આગળ નમી પડવાની કે તેના ચરણોમાં બેસી પડવાની બાબતને ફક્ત બુદ્ધિ સાથે સંબંધ નથી. તેમાં અનેક પરિબળો ભાગ ભજવે છે. શક્ય છે કે મારા જેવા ઘણા લોકોને સાંઇબાબાના ટેકાની જરૂર પડે એવા સંજોગો ઉભા ન થયા હોય, જ્યારે પાલખીવાળાને તેમની કોઇ નબળી કે માનસિક પરિતાપ-અવઢવની ક્ષણોમાં સાંઇબાબાને કારણે સારું લાગ્યું હોય. એનો અર્થ એવો બિલકુલ નથી કે મને પણ એવું થવું જોઇએ.
સાંઇબાબાનાં સેવાકાર્યોને સદંતર કે એકઝાટકે કાઢી નાખી શકાય એવાં મામૂલી કે નાનાં ન હતાં. ગુજરાતમાં તેમના નામે ચાલતી હાર્ટ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને બાયપાસ જેવી સર્જરી મફત કરી આપવાનું કામ ચાલતું હોય તો તેની પ્રશંસા જ કરવાની હોય. પરંતુ કમબખ્ત ગાંધી ‘સાધનશુદ્ધિ’ નામની એક ફૂટપટ્ટી એવી મૂકીને ગયો છે કે એ વાપરીને જોતાં ખબર પડે : પ્રવૃત્તિ ગમે તેટલી સાત્ત્વિક હોય, પણ તેની સાથે સંકળાયેલા લોકોના ગંભીર પ્રશ્નો હોય અને તેમાંથી જો પાવર ઊભો થાય તો તે પાવરનો ઉપયોગ સદંતર તામસી કામો માટે પણ થઇ શકે છે. આ થિયરી નથી. વાસ્તવિકતા છે.
બીજો અનુભવ અમારા એક અત્યંત નિકટના સ્નેહીનો છે. તે અત્યંત સમૃદ્ધ, નિરભિમાની, કોઇને મદદ કરવાની વૃત્તિ ધરાવનારા માણસ. પરદેશ રહેતા હતા. ત્યાં સાંઇબાબાના ભક્ત બન્યા. તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર શરૂ કર્યું. કાળક્રમે કૌટુંબિક સંજોગો અને પોતાની તબિયતને કારણે તેમની આર્થિક સમૃદ્ધિ તો રહી, પણ એ સિવાય તે સાવ પરાધીન બની ગયા. તેમણે સાંઇબાબાના નામે અનેક દાન કર્યાં, મદદ આપી. તે એટલા સજ્જન છે કે તેમના વિશે સહેજ પણ ઘસાતું લખતાં જીવ ન ચાલે. એટલે જ મને લાગે છે કે એ જો સાંઇબાબાના ભક્ત ન બન્યા હોત તો બીજા કોઇના ભક્ત બનીને તેમની પ્રવૃત્તિમાં જોડાયા હોત અને પોતાનો સેવાભાવ ત્યાં ઢોળ્યો હોત.
સાંઇબાબા વિશે સંશયાત્મા બનવા માટે રેશનાલિસ્ટ કે નિરિશ્વરવાદી હોવું જરૂરી નથી. શીરડીના સાંઇબાબાનો બીજો અવતાર કેવી રીતે હોઇ શકે? એવો સવાલ પણ થવો જ જોઇએ.
પણ ના, મિત્ર આશિષ કક્કડે લખ્યું છે તેમ, લેટેસ્ટ ફેશન એવી છે કે ‘સિક્કાની બીજી બાજુ જોવી અને ચાલો, કંઇક તો સારું થાય છે’ એમ માનીને હરખાવું.
સત્ય સાંઇબાબા અને તેમની લીલા વિશે રસ ધરાવતા મિત્રો માટે અહીં ૧૯૮૩ના ‘જેન્ટલમેન’ સામયિકની કવરસ્ટોરીનું કટિગ મૂક્યું છે. વર્ષોથી જાળવીને રાખેલો આ લેખ, આગળ જતાં પેંગ્વિન ઇન્ડિયાના સંચાલક તરીકે જાણીતા બનેલા ડેવિડ દેવીદારે લખેલો છે. (ઉચ્ચારની ભૂલચૂક લેવીદેવી). આખો લેખ સરસ ભાષામાં અને સરસ રીતે લખાયેલો છે. તેમાં સત્ય સાંઇબાબાની અવિરત પાન ખાવાની ટેવ, તેના કારણે રાતા થયેલા હોઠ, એ હોઠ લૂછવા વપરાતા કકડા અને એ કકડા ‘પ્રસાદ’ તરીકે લેવા માટે ભક્તોની તત્પરતાથી માંડીને વિખ્યાત જાદુગર પી.સી.સરકાર (જુનિયર)નો અનુભવ પણ ડેવિડે ટાંક્યો છે. સમય લઇને વાંચવા જેવો લેખ. નરસિમ્હન્ અને પી.સી. (જુનિયર)ના બોક્સમાં મુકાયેલા ઇન્ટરવ્યુ ખાસ વાંચવા જેવા છે. (પાનાં પર ક્લિક કરવાથી લેખ મોટા અક્ષરમાં વાંચી શકાશે)
એ સિવાય સાંઇબાબાના ચમત્કારોમાં રસ ધરાવતા મિત્રો આ લિન્ક પણ જુએ.
Labels:
media,
religion,
Sathya Saibaba,
society- trends/સમાજ-પ્રવાહો
Subscribe to:
Post Comments (Atom)
બહુ જ સરસ લેખ.
ReplyDeleteવ્યક્તિગત રીતે હુ કોઇ બાબા કે સ્વામી નો ભક્ત કે વિરોધી નથી. પણ એક વાત મને ક્યારે પણ સમજાઇ નથી.. બધી જ મોહમાયા ત્યાગીને “સંત” બનેલા આ બાબાઓ શા માટે આવા “લક્ઝરી” આશ્રમોમા રહેતા હશે? શા માટે તેઓ કરોડો, અબજોની સંપતિ એકઠી કરતા હશે. ભક્તો કહેશે કે સમાજ સેવા માટે. સરસ. જો એમજ હોય તો જ્યારે આંન્ધ્ર પ્રદેશ ના ખેડુતો આત્મહત્યા કરતા હતા ત્યારે બાબાની 40,000 કરોડની સંપતિમાથી તેમના માટે શુ કરવામા આવ્યુ? આ સંપતિ એ ખેડુતોની આપવામા આવી હોત તો તેઓને આત્મહત્યા કરવાની જરૂર જ ન પડી હોત. શા માટે સંસાર છોડી દીધેલ વ્યક્તિએ કરોડોની સંપતી એકત્ર કરવી જ જોઇએ. આ વાત બધા બાબાઓ માટે છે, એમા રામદેવબાબા પણ આવી ગયા. સમાજ સેવા માટે તો તેઓ માંગે ત્યારે દાન આપવા માટે ભક્તો તૈયાર જ હોય છે. પરંતુ આ બાબાઓની નીતિઓ વિશે શંકા જાય એટલી હદે તેઓ સંપતિ એકઠી કરતા હોય છે.
જો કે સિક્કાની બીજી બાજુ એ છે કે ભક્તો પણ આવા 5 સ્ટાર બાબાઓનેજ વધારે મળે છે. જંગલમા કે નાના ગામમાં રહીને ભક્તિ કરતા બાબાઓ ની તો કદાચ ભગવાનને પણ ખબર નથી હોતી, તો ભક્તોને તો ક્યાથી હોય? “જો દીખતા હૈ, વો બીકતા હૈ”, અને એ પણ આકર્ષક પેકિંગ મા હોય તો જ !
જય હો !
Excellent as always Urvish! Just when his demise was coming out of my ears!
ReplyDeleteજાદુગર બનવા માગતા બાબાને પરાણે લોકોએ સાઈબાબા બનાવી દીધા. એમને પણ વખત જતા થયું હશે કે આમ ચાલે છે તો ચાલવા દો. એક વાર ચાલવા દીધું પછી એ પુરપાટ દોડવા લાગ્યું. એટલું પુરપાટ કે એની સામે પડનાર પરપોટો થઇ જાય. લોકોને એમના દર્શન કરવા કરતા જાદુ જોવામાં વધારે રસ હતો. દેશમાં આવા બાબા - બેબીઓનું આવન - જાવન ચાલુ રહેશે ત્યાં સુધી જંતર મંતરની ભૂખ હડતાલો પણ ચાલુ રહેશે. અનુયાયી હોય તેવા લોકો કરતા અનુયાયી ના હોય તેવા લોકોની સંખ્યા કાયમ વધારે જ રહેવાની એ સત્ય સાઈબાબાને સમજાઈ ગયું હતું, તેમના પ્રજ્ઞાચક્ષુ ભક્તોને સમજતા સમય લાગશે.
ReplyDeleteબિનીત મોદી (અમદાવાદ) / M: 9824 656 979
E-mail: binitmodi@gmail.com
એક મહિનાથી આતુરતાપૂર્વક રાહ જોતો હતો કે 'બાબા-વિરોધી સમાજ' ને નૈતિક હિંમત આપતું અને તેઓને 'બાબા-તરફી' ઓના ભયાનક આક્રમણ સામે ટકી રહેવા શક્તિ આપતું આવું અનિવાર્ય 'બૂસ્ટર' આ ઉર્વીશ-બ્લોગ પર મૂકાય! બાકી તો ઈસુને યાદ કરીને બાબા તરફીઓને કહેવું પડે કે "હે પ્રભુ, આ નિર્દોષોને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે....તેઓને માફ કરી દેજો."
ReplyDeleteAs long cosmetic/wrong fear & greed exist, there is a big market in this 'man-made-divined' field.
ReplyDeleteઆવા કેતલાય બાબા હજુ આવશે અને જશે. લોકો મુરખ બનતાં હતા અને બનતા રહેશે.
ReplyDeleteકોઈ વ્યક્તિની પૂજા કરવી કે તેની પાછળ આંધળા થઈ જવું તે અધુરી સમજની નિશાની છે. ભક્ત સમુદાય ગમે તેટલો વિશાળ હોય તેને સમજદાર માણસોની કેટેગરીમાં કેવી રીતે મુકાય.
ReplyDeleteUtpalbhai Bhatt said my/many people's feelings. Keep it up Urvishbhai.
ReplyDeletewhat a good artical !
ReplyDeleteone man come with true to say
Gandhi sadhan shuddhi but that are not intrested in that word,
bahu seva karyo kare che that's enough for all sai bhakto.........................