Friday, April 15, 2011

‘શહેનશાહ’ અને મોહનઃ બે ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’

‘ઠક, ઠક, ઠક...આપણે સૌ ટ્રેનમાં પ્રવાસ કરી રીયા છીએ.’ એવા પોકારથી સવારની ગુજરાત ક્વિનના મુસાફરોનું ધ્યાન અવાજ ભણી ખેંચાય. તેમની નજર પડે સફેદ કપડાં, સરેરાશથી વધારે ઉંચાઇ અને તેના પ્રમાણમાં નાનો ચહેરો ધરાવતા માણસ પર.

પોતાની ઓળખ ‘શહેનશાહ’ તરીકે આપતો એ જણ લાંબા પટ્ટાવાળું કાળું પાકિટ ડબ્બાની બારી પાસેના હુક પર ભરવીને ઊંચા અવાજે બોલવાનું શરૂ કરે, ‘આપણે સૌ ટ્રેનમાં પ્રવાસ કરી રીયા છીએ.’ પછી એ ખ્યાલ આપે કે ચાલુ પ્રવાસે લીંબુ, મોસંબી, સંતરાં વગેરેનો રસ કાઢવો હોય તો એક અદભૂત મશીન હાજર છે. ‘એમાં લાઇટની જરૂર નહીં, પાવરની જરૂર નહીં. ઓટોમેટિક ચાલે...ઓટોમેટિક’. એમ ‘ઓટોમેટિક’ શબ્દ પર આરોહ-અવરોહ સાથે પુનરાવર્તન કરીને બોલે.

એના હાથની બે આંગળીનાં ટેરવાં સ્ટીલના બે પોલા નાના નળાકારમાં ખોસેલાં હોય. બે સીટ વચ્ચેના પાટિયા પર કાચનો નાનો ગ્લાસ માંડ સ્થિર રહી શકે એટલી જગ્યામાં તે નેનો સાઇઝનો કાચનો ગ્લાસ ગોઠવે, પછી લીંબુ અને મોસંબી કે નારંગી કાઢે અને ત્યાં ગોઠવે. રોજિંદા ન હોય એવા મુસાફરોમાં જાણે જાદુનો ખેલ થવાનો હોય એવું વાતાવરણ સર્જાઇ જાય અને રોજના અપ-ડાઉનવાળા માટે ઓન ધ વ્હીલ્સ, સ્ટેન્ડ અપ શો.

શહેનશાહ પૃથ્વી જેવી ચપટી મોસંબીના ‘ધ્રુવપ્રદેશ’માં સ્ટીલના પોલા નળાકારનો અણીવાળો ભાગ ખૂંપાવે, પછી તેના બીજા છેડે કાચનો ગ્લાસ રાખીને મોસંબીને દબાવતા જાય અને ગોળગોળ ફેરવતા જાય. જોતજોતાંમાં મોસંબી નીચોવાઇ જાય અને તેના રસથી ગ્લાસનો ત્રીસ-ચાળીસ ટકા હિસ્સો ભરાઇ જાય. પછી લીંબુનો વારો આવે. તેમાંથી એ જ પ્રમાણે રસ કાઢવામાં આવે. પ્યાલામાં રહેલા મોસંબીના રસમાં લીંબુનો રસ ઉમેરાય. સમગ્ર કાર્યવાહી દરમિયાન શહેનશાહની અસ્ખલિત, વિલંબિત લયવાળી, પુનરાવર્તિત, સહેજ ગ્રામ્ય છાંટ ધરાવતી અને અપ-ડાઉન કરનારામાં ગલગલિયાંયુક્ત હાસ્ય જગાડે એવી દ્વિઅર્થી વાકધારા ચાલુ હોય.

સ્ટીલના બન્ને નળાકારોને શહેનશાહ ‘જુસ મશીન’ તરીકે ઓળખાવે અને તેના ફાયદા ગણાવેઃ લાઇટની જરૂર નથી, મુસાફરીમાં ગમે ત્યાં વાપરી શકાય, ગ્લાસ ન હોય તો રસ સીધો મોઢામાં પણ પાડી શકાય, લીંબુ-મોસંબી અંદરથી એકદમ સાફ થઇ જાય (એના ‘ડેમો’ તરીકે એ રસ નીકળ્યા પછીનું લીંબુ ખુલ્લું કરીને બતાવે.) ‘લીંબુ, નારંગી, મોસંબી, સંતરા, માલ્ટા, ઓરેન્જ’- આ બધાનો જુસ કાઢી આપતાં બન્ને મશીનની કિંમત તો 15 રૂ છે, પણ ‘પરચાર’ (પ્રચાર) માટે તે 10 રૂપિયામાં આપવામાં આવશે- એમ કહે.

‘શો’ પૂરો થાય એટલે એકાદ ખૂણેથી દસની નોટ આવે. બે ‘મશીન’ પેક કરેલી કોથળી શહેનશાહ આપે. ત્યાર પછી, ‘લઉં કે ન લઉં’ના વિચારમાં પડેલા બે-ચાર-પાંચ લોકો એક જણની પહેલ જોઇને દસની નોટ લંબાવે. એમ કરતાં મણીનગર આવી જાય- અને વાર હોય તો શહેનશાહ આગળના કમ્પાર્ટમેન્ટમાં જાય.

આ વાત 25 વર્ષ પહેલાંની. ચોક્કસ કહું તો 1987ની. મહેમદાવાદમાં 12મું ધોરણ પાસ કરીને કોલેજ માટે અમદાવાદ અપ-ડાઉન શરૂ કર્યું, ત્યારે પહેલી વાર શહેનશાહનાં દર્શન થયાં હતાં. થોડાં લાંબા અંતરાલ પછી તેમને એવા જ ઉત્સાહથી દસ-પંદર રૂપિયાની સોનેરી ચેઇનો વેચતાં જોયા હતા. વળી થોડાં વર્ષ વીત્યા પછી, આ મહિને સવારે સાડા દસ વાગ્યાની મેમુ ટ્રેનમાં ફરી એક વાર ‘જુસ મશીન’નો ડેમો જોયો. એ જ માણસ. હવે એ પોતાની ઓળખ ‘શહેનશાહ’ તરીકે આપતા નથી એટલું જ. બાકી એ જ ચહેરો, એ જ ઢબછબ. વચ્ચેનાં પચીસ વર્ષ તેમના દેખાવ પર જાણે વરતાય જ નહીં. તેમને જોઇને એક રીતે ટાઇમટ્રાવેલ જેવી લાગણી થઇ.

શહેનશાહથી સાવ સામા છેડાનું, પણ એ જ ગાળાનું યાદ કરવું પડે એવું એક પાત્ર મોહન સિંગવાળો. તેમની ઉંમર એ વખતે પચાસ આસપાસ હશે. પણ રફીને કે કિશોરકુમારને જેમ આત્મીયતાર્થે એકવચનમાં ઉલ્લેખવામાં આવે છે, એવું જ મોહનનું. ગુજરાત ક્વિનના જ નહીં, ટ્રેનના ફેરિયાઓમાં મોહનનું નામ ‘લેજન્ડરી’ કહેવાય એવું.

એ માણસ કાળુપુર સ્ટેશને એક નંબરના પ્લેટફોર્મના દાદર પાસે, ઉભા પગે બેઠો હોય. સામે ગરમાગરમ સિંગનો ટોપલો, છાપાંના લંબચોરસ ટુકડા અને એક નાની પ્યાલી. રૂપિયા પ્રમાણે પ્યાલી ભરીને એ સિંગ આપે. ફેરિયાઓના જગતમાં પણ પત્રકારો-કોલમિસ્ટોની જેમ ‘બોલે તેનાં બોર વેચાય’ એ સત્ય પ્રચલિત., પણ મોહન તેમાં મજબૂત અપવાદ હતો. સાંજે છ ને દસે ક્વિન ઉપડે ત્યાં સુધી એ પ્લેટફોર્મ પર એક જ જગ્યાએ હોય. સિંગ વેચવા ક્યાંય ફરવાનું નહીં. લોકો તેને શોધતા શોધતા પહોંચી જાય. પછી એ ટ્રેનમાં ચડે અને અમદાવાદથી મહેમદાવાદ સુધી, એક પણ શબ્દ બોલ્યા વિના, ચૂપચાપ ડબ્બામાં આગળ વધતો રહે. મોહનનો અવાજ ભાગ્યે જ કોઇએ સાંભળ્યો હશે. પણ તેને બોલવાની જરૂર જ નહીં. લોકો તેની રાહ જોતા હોય.

મહેમદાવાદ સ્ટેશને મોહન ઉતરી પડે. એમાં પણ એની ખાસ સ્ટાઇલ. ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી રહે ત્યાં સુધી એ સિંગ વેચે. ટ્રેન ચાલુ થાય એટલે તે ચાલતી ટ્રેને સહેજ દોડીને ટોપલા સાથે ઉતરી જાય. ચાલુ ક્વિનમાંથી ઉતરતો મોહન પ્લેટફોર્મ પર ફરવા જતા ઘણા મહેમદાવાદીઓ માટે, સૂરજના આથમવા જેવું કાયમી દૃશ્ય. કેટલાક ખાસ મોહનની સિંગ લેવા માટે ક્વિન પર જાય. બીરેન એ વખતે આઇપીસીએલમાં નોકરી કરતો અને મહેમદાવાદ રહેતો હતો. નાઇટ શિફ્ટ હોય ત્યારે એ ક્વિનમાં વડોદરા જાય. ભાભી કામિની તેડવા જેવડી શચિને લઇને બીરેન સાથે સ્ટેશને જાય. વળતાં એ મોહનની સિંગ લેતાં આવે. નાની શચિને જોઇને મોહન પ્રેમથી એકાદ રૂપિયાની સિંગનું અલગ ‘છોટા પેક’ આપે. અડધો-પોણો કલાક મહેમદાવાદ પ્લેટફોર્મ પર બેઠા પછી એ ઇન્ટરસીટી એક્સપ્રેસ પકડીને અમદાવાદ પાછો. ધંધાનો આ જ ટાઇમઃ ક્વિનથી ઇન્ટરસીટી. ઇન્ટરસીટીમાં પણ લોકો મોહનની રાહ જોતા હોય.

ભાવ વધારવો હોય ત્યારે પેકેટ નાનું કરવાને બદલે જથ્થો ઘટાડી નાખવો, એ ફન્ડા વેફરોવાળા કરતાં વીસેક વર્ષ પહેલાં મોહનને આવડતો હતો. એટલે ભાવ ગમે તેટલા વધે, મોહનની માપની ડબ્બી એની એ જ રહે. હા. એના તળીયે મુકાતાં કાગળનાં પેકિંગ ઉમેરાતાં જાય. મોહનની સમૃદ્ધિ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત હતી. એમાંની એકાદ તો શબ્દાર્થમાં દંતકથા હતી. કારણ કે મોહનનો એક દાંત સોનાનો હતો. છોકરા વેલ સેટલ્ડ હોવા છતાં મોહન સિંગ વેચે છે અથવા મોહનનો મસ્ત બંગલો છે, એવું ઘણી વાર સાંભળવા મળતું હતું.

‘આપણી ક્વોલિટી હશે તો લોકો સામેથી શોધતા આવશે. આપણી સરસ ચીજ વેચવા માટે લાઉડ કે ચીપ થવાની જરૂર નથી’ એવી ‘મોહન-સ્કૂલ’થી તદ્દન વિપરીત ‘શહેનશાહ-સ્કૂલ’ - લાઉડ, લોકરંજક, ગલગલિયાં કરાવીને માલ વેચનારી. જાતે ને જાતે મોટા દાવા કરનારી અને પોતાની આવડત કરતાં વધારે સામેવાળાના ‘ભોળપણ’ પર શ્રદ્ધા રાખીને પિચિંગ કરનારી. (વાચકોને છાપાં-મેગેઝીન-કોલમિસ્ટો સહિત બીજાં ક્ષેત્રોમાં પણ ‘મોહન-સ્કૂલ’ અને ‘શહેનશાહ-સ્કૂલ’ વાળાં નામ યાદ આવી શકે છે)

શહેનશાહને ખબર હોય કે આપણા પ્રચાર પછી એક જણ ખરીદશે, એટલે પાછળ બીજા લોકો પણ આવશે. એ માટે અમારા ગામના એક છોકરાને તેમણે પહેલી ખરીદી માટે કહી રાખેલું. ડેમો પૂરો થાય એટલે એ છોકરો દસની નોટ કાઢીને શહેનશાહને આપે. એ જોઇને બીજા પણ પ્રેરાય. મણિનગર ઉતરીને શહેનશાહ છોકરાને દસની નોટ પાછી આપી દે અને ‘મશીન’નું પેકેટ લઇ લે. બદલામાં ક્યારેક બીજા અપ-ડાઉનવાળાની જેમ એ છોકરાને પ્યાલામાં ભેગો થયેલો લીંબુ-મોસંબીનો રસ પીવા મળે.. શહેનશાહની કાર્યપદ્ધતિની ઝલક આપતી કેટલીક ‘રસ’પ્રદ તસવીરો-

10 comments:

 1. Vahenchava badal aabhaar...up-down na divaso yaad aavi gaya...

  ReplyDelete
 2. vaah kavi... majaa aavi... (tamari 'sansmarano' shaili pan khub rasprad chhe)
  mohan ane eni garama-garam sing to mane pan yaad chhe....
  man-mohan-sing ane......? ;-)

  ReplyDelete
 3. Anonymous9:45:00 PM

  A quite different approaches of marketing.

  J.

  ReplyDelete
 4. Anonymous9:51:00 AM

  ઉર્વિશ ભાઇ તમે મને પણ ૧૯૮૫-૯૦ ના દિવસો યાદ કરાવી દીધા.હજુ પણ બારેજડી ના સમોસા અને તમારા મહેમદાવાદ ની ઢેબરી બહુ યાદ આવે છે.( ૧ રુ મા ૩ સમોસા !!) શુ દિવસો હતા .ક્વિન મા સાજે એક કાકા ચણા ની દાળ વેચતા હતા ( સફેદ જભ્ભો ને ચક્ચકિત દાઢી ) જો હજુ પણ આવતા હોય તો ક્યારેક ફોટો મુકજો.બિજા એક બોબડા ભાઈ( ખરેખર હતા કે નહિ તે ખબર નથી)જે બધા ના હાથ મા બહેરો બોબડો છુ તેમ કહી છાપેલા કાગળ પકડાવી દઈ રુપીયા ઉઘરાવતા હતા.

  રાજન શાહ ( વેન્કુવર)

  ReplyDelete
 5. So Nostalgic! Reminds me of good old days of weekly commute to Vidyanagar! very interesting observation and written very nicely!

  ReplyDelete
 6. Anonymous10:44:00 PM

  વર્ષો પહેલાની મુસાફરીમાં જૂશ મશીનની અને સોનાની ચેનની ખરીદી કરીને ઘરના લોકોને રાજી કરી દેવાની લાલચ ઘણી વાર થઈ હતી પણ સદબુદ્ધિ (!) ના પ્રતાપે એ દિવસોમાં બચાવેલા રૂપિયા આજે પણ આનંદ આપે છે કારણકે એ ચેન અને જૂશ મશીન "હું " લાવ્યો હતો એટલે ઘરમાંથી કચરો પણ કાઢવાની હિંમત કોઈએ કરી ન હોત અને એ જોઇને રૂપિયા બળ્યાનો વસવસો થતો હોત! છોકરાઓને-બાળકોને ખાસ વંચાવવા જેવો લેખ કહી શકાય. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે એ કહેવત "શહેનશાહ" બરાબર જાણતા હશે!!.....-અમિત શાહ ઈસનપુર અમદાવાદ

  ReplyDelete
 7. અપ ડાઉન ની આ એક અલગ જાહોજલાલી છે!
  છેલા ૬-૭ વર્ષ થી અપડાઉન કરું છું , અને આવી અગણિત યાદો આ પોસ્ટ વાંચી ને યાદ આવી!
  રોજ ના અપ ડાઉન વાળા અને આ ફેરિયા ઓ વચ્ચે લગભગ ફેમીલી જેવી આત્મીયતા થઇ જાય છે~ !
  અને આ ફેરિયા અને એમની પ્રોડક્ટ્સ ની વિવિધતા [ શાકભાજી, ડ્રેસ મટીરીયલ થી લઇ ને બ્રાન્ડેડ કોસ્મેટીક્સ! ] નું બેસ્ટ ઉદાહરણ તો અમારા લેડીઝ ડબ્બા માં જ મળે! :)

  અભાર આ અલગ દુનિયા ને શેર કરવા!

  ReplyDelete
 8. shahenshah ane mohan amadavad hoy ke mumbai ek sarakha j hoy chhe e vachi ne anubhayu.

  ReplyDelete
 9. nice to read this..enjoyed...
  thanks
  today read so many posts here..eક્ષ્cellent...!!

  ReplyDelete