Tuesday, April 05, 2011
ગાંધીજીઃ અપમાન, આપખુદશાહી અને અપરાધભાવ
હાસ્યકટાક્ષની ‘ભગવદ્ગીતા’ જેવી હિંદી હાસ્યનવલ ‘રાગ દરબારી’ (લેખકઃ શ્રીલાલ શુક્લ)માં છોટે પહેલવાનનું એક પાત્ર છે. ગામઠી ઢબછબ અને શિષ્ટતાની ઐસીતૈસી કરતી (છતાં) સચોટ અભિવ્યક્તિ છોટેની ખાસિયત છે. પહેલવાનના ખાનદાનમાં એક પરંપરા છેઃ પુત્ર મોટો થાય એટલે પિતાને ફટકારે. હા, ઝૂડી નાખે. એક દિવસ છોટે પહેલવાનથી જરા વધારે જોર થઇ જાય છે. સામાન્ય રીતે ઉંહકારા અને બડબડાટ કરીને ચલાવી લેતા પિતા કુસહરપ્રસાદ ફરિયાદ કરે છે. પંચ સમક્ષ કેસ ચાલે છે, પણ કાર્યવાહીમાં કુસહરપ્રસાદના રંગીન મિજાજનો ઉલ્લેખ થાય છે, એ સાથે જ છોટે પહેલવાન અપમાનબોધથી તતડીને ઉભા થઇ જાય છે. બાપનું બાવડું પકડીને ‘વોક આઉટ’ કરતાં છોટે એ મતલબનું કહે છે કે, ‘સમજો છો શું તમારા મનમાં? ગમે તેમ તોય મારો બાપ છે. હું એને મારું ને ગમે તે કરું, પણ એનું અપમાન કરનારા તમે કોણ?’
ભારતના રાજકારણમાં અત્યારે છોટે પહેલવાનોની બોલબાલા છે. તેમનું નામ વીરપ્પા મોઇલી હોય ને નરેન્દ્ર મોદી પણ હોય. તે કોંગ્રેસી પણ હોય ને ભાજપી પણ હોય. રાષ્ટ્રપિતા ગાંધીજીના અપમાનના મુદ્દે કોંગ્રેસી-ભાજપી નેતાઓની ઉગ્ર પ્રતિક્રિયા અને ઘરઆંગણે ગાંધીનાં તમામ મૂલ્યો નેવે મૂકતું તેમનું રાજકારણ નજર સામે રાખતાં, આ નેતાઓને એક જ બાબતનો વાંધો હોય એવું લાગેઃ ‘અમારા રાષ્ટ્રપિતાને નીચા પાડનાર તમે કોણ? આટલા વર્ષથી એમનાં અપમાન પર અપમાન કરનારા અમે નથી બેઠા? ’
‘અપમાનપ્રૂફ’ બનાવવાના ઉધામા
વાત છે એક અમેરિકન અભ્યાસી જોસેફ લેલીવેલ્ડે લખેલા ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવનચરિત્રની. દક્ષિણ આફ્રિકાની રંગભેદવિરોધી લડતના અભ્યાસી લેલીવેલ્ડનું પુસ્તક હજુ વાચકો સુધી પહોંચે ત્યાર પહેલાં તેના ટૂંકા-છાપાળવા રીવ્યુ આમ અને ખાસ જનતા સુધી પહોંચી ગયા. પુસ્તકના મસાલેદાર રીવ્યુમાં બે બાબતો ઉછાળવામાં આવી હતીઃ ૧) ગાંધીજી ‘રેસિસ્ટ’ (રંગભેદમાં માનતા) હોવાનો આરોપ ૨) ગાંધીજી અને તેમના નિકટના સાથીદાર કેલનબેક વચ્ચે સજાતીય સંબંધ હોવાનો આરોપ.
પરિણામે, પ્રતિષ્ઠિત પુલિત્ઝર પારિતોષિક વિજેતા પત્રકાર-લેખક લેલીવેલ્ડનું ગાંધીચરિત્ર ફક્ત બે જ શબ્દોમાં સમેટાઇને રહી ગયું: રેસિસ્ટ અને હોમોસેક્સ્યુઅલ (કે બાયસેક્સ્યુઅલ). આખા પુસ્તકમાંથી આ બે બાબતો શોધીને ઉછાળનારના રીવ્યુકારોની ‘કાગનજર’ વિશે શું કહેવું? જેમ ટીવી પર ટીઆરપીની સત્યડૂબાડ હરિફાઇ તેમ પ્રિન્ટમાં સનસનીખેજ સમાચારો અને વિવાદની હોડ. તેમાં ગાંધી જેવી વિશ્વવિભૂતિ મળી જાય એટલે સનસનાટીપ્રેમીઓને જાણે ગોળનું ગાડું મળ્યું!
પુસ્તકના રીવ્યુના આધારે ગાંધીજી પરના આરોપો સુધીનો ઘટનાક્રમ ખેદજનક હતો. તેમાંથી પુસ્તક કરતાં તેના રીવ્યુકારો વિશે વધારે જાણવા મળ્યું. પરંતુ ત્યાર પછી જે બન્યું, તેનાથી ગાંધીના અપમાનની બૂમો પાડનારની અસલી માનસિકતા છતી થઇ.
દેશના બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપમાંથી પુસ્તક પર પ્રતિબંધ મૂકવાના હાકોટા પડ્યા. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના કાયદા મંત્રી વીરપ્પા મોઇલી રાજાપાઠમાં આવી ગયા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવા વિચારી રહી છે. આટલું ઓછું હોય તેમ, મોઇલીએ ચીમકી આપી કે રાષ્ટ્રપિતા ગાંધીજીનું અપમાન જેલની સજાને પાત્ર ગુનો ગણાય, એવી જોગવાઇ માટે કેન્દ્ર સરકાર વિચારી રહી છે. મોઇલીનો તર્ક હતો,‘મહાત્મા ગાંધી ફક્ત ભારતમાં જ નહીં, વિશ્વભરમાં લાખો લોકો માટે આદરણીય છે. આવી ઐતિહાસિક હસ્તી વિશે ગમે તે લોકો ગમે તેવી ટીપ્પણીઓ કરે અને તેમનું અપમાન કરે તે ચલાવી ન લેવાય. (જો આપણે ચલાવી લઇએ તો) ઇતિહાસ આપણને માફ ન કરે.’
પુસ્તકવિવાદ પછી રાષ્ટ્રિય ચિહ્નોના અપમાનના કાયદામાં સુધારો કરીને, તેમાં ગાંધીજીના અપમાનની કલમને સામેલ કરવા અંગે કેન્દ્ર સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. ‘પ્રીવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, ૧૯૭૧’ અંતર્ગત ભારતીય રાષ્ટ્રઘ્વજ કે ભારતના બંધારણનું અપમાન કરનારને વઘુમાં વઘુ ત્રણ વર્ષની જેલની સજા અને/અથવા દંડની જોગવાઇ છે. કોંગ્રેસી-ભાજપી નેતાઓના ટોળાનું ચાલશે તો તે આ કાયદામાં ગાંધીજીનો ઉમેરો કરીને તેમને ‘અપમાનપ્રૂફ’ બનાવ્યાનો સંતોષ એ લોકો લઇ લેશે. એમ કરવાથી પ્રજા સમક્ષ પોતાનો સગવડિયો ગાંધીપ્રેમ બતાવવાની તક મળશે અને ભવિષ્યના અભ્યાસીઓ પર ‘આડાંઅવળાં’ સંશોધનો કરવાને બદલે સરકાર માઇબાપ નારાજ ન થાય એવાં જ સંશોધનો કરવાનો દાખલો બેસાડી શકાશે.
વાંચ્યા વિના વાંધા
કેન્દ્ર સરકાર હજુ જેનો વિચાર કરે છે, તેનો ગુજરાતના પ્રતિબંધપ્રેમી મુખ્ય મંત્રીએ અમલ પણ કરી દીધો. તેમણે ગુજરાતમાં લેલીવેલ્ડના પુસ્તક પર પ્રતિબંધ ફરમાવી દીધો. ભૂતકાળ યાદ રાખવાની કુટેવ ધરાવતા લોકોને સ્વાભાવિક રીતે જસવંતસંિઘના પુસ્તક પર ગુજરાતમાં મુકાયેલા પ્રતિબંધની યાદ તાજી થઇ હશે. જસવંતસિંઘના પુસ્તક પર સરદાર પટેલ વિશે ઘસાતા ઉલ્લેખ હોવાનો આરોપ હતો.
જસવંતસિંઘ અને લેલીવેલ્ડના પુસ્તકો પર ગુજરાતમાં મુકાયેલા - અને કેન્દ્રસ્તરે વિચારાધીન- પ્રતિબંધ વચ્ચે એક વિશિષ્ટ અને શરમજનક સામ્ય છેઃ બન્ને પુસ્તકો પર પ્રતિબંધ મૂકતાં પહેલાં, એ પુસ્તકો વાંચવાની અને રીવ્યુમાં ઉછાળવામાં આવેલો વિવાદાસ્પદ કહેવાતો ભાગ ખરેખર કેવી રીતે, કેવા શબ્દોમાં લખાયો છે, એ જાણવાની પ્રાથમિક દરકાર લેવામાં આવી નથી.
લેલીવેલ્ડે આખા પુસ્તકમાં ગાંધીજી વિશે ક્યાંય રેસિસ્ટ કે હોમોસેક્સ્યુઅલ જેવા સીધા શબ્દપ્રયોગો કર્યા નથી, એવું ચાર્મી હરિકૃષ્ણને પુસ્તક વાંચીને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (૧ એપ્રિલ,૨૦૧૧)માં લખ્યું છે. તેમણે નોંઘ્યા પ્રમાણે, લેલીવેલ્ડે દક્ષિણ આફ્રિકામાં રંગભેદના મામલે ગાંધીજીની સમજણ ધીમે ધીમે કેવી રીતે વિકસી તેનો તબક્કાવાર આલેખ આપ્યો છે. તેમાંથી આરંભિક તબક્કાનો હિસ્સો આગળપાછળના સંબંધ વિના ટાંકવામાં આવે, તો ગાંધીજીને રંગભેદના મુદ્દે કાચા સાબીત કરી શકાય. (જે રિવ્યુમાં થયું હોવાનું લાગે છે.)
જેમ કે, ભારતીયો સદીઓ જૂની સંસ્કૃતિને કારણે સુધરેલી-સભ્ય પ્રજા છે અને તેમને દક્ષિણ આફ્રિકાની મૂળ ‘કાફિર’ જાતિના લોકો સાથે એક લાકડીએ હાંકી શકાય નહીં, એવી ગાંધીજીની રજૂઆત કલેક્ટેડ વર્ક્સ/અક્ષરદેહના સાવ શરૂઆતના ભાગોમાં અનેક ઠેકાણે જોવા મળે છે. લંડનથી પત્રકાર ડબલ્યુ.જે.સ્ટેડને લખેલા પત્રમાં તેમણે એવી રજૂઆત કરી છે કે બોઅર નેતાઓને સ્થાનિક કાફિર જાતિ સામે પૂર્વગ્રહ હતો એ જ પૂર્વગ્રહ તેમણે ભારતીયોના મામલે લાગુ પાડ્યો છે. આ બન્ને વચ્ચે કેટલો તીવ્ર તફાવત છે એ તમારે લખવું જોઇએ. ભારતીય સંસ્કૃતિ કેટલી પ્રાચીન છે, ટ્રાન્સવાલમાં તેમની કોઇ રાજકીય મહત્ત્વાકાંક્ષા નથી, સંખ્યામાં એ બહુ થોડા (૧૩ હજાર) છે- આ બધી હકીકતો તમે લખશો તો બોઅર નેતાઓ માનશે.(૧૬-૧૧-૦૫,કલેક્ટેડ વર્ક્સ-૬)
પરંતુ, અગાઉ જણાવ્યું તેમ, ગાંધીજી જેવી વ્યક્તિ વિશે અભિપ્રાય બાંધતાં પહેલાં આખા સમયગાળાને અને તેમાં બદલાયેલાં તેમનાં વલણોને ઘ્યાનમાં લેવાં પડે.
આપણી સરકારોને અને નેતાઓને જોકે ‘રેસિસ્ટ’ કરતાં અનેક ગણો વાંધો ‘હોમોસેક્સ્યુઅલ’ના વિશેષણ હશે, એવું એકંદર માનસિકતા જોતાં ધારી શકાય. રીવ્યુમાં કેટલાંક ચુનંદા વાક્યો ટાંકીને આ મુદ્દો ચગાવવામાં આવ્યો છે. ચાર્મી હરિકૃષ્ણને પુસ્તકનો હવાલો આપીને લખ્યું છે કે લેલીવેલ્ડે ગાંધીજી-કેલેનબેક વચ્ચેના સંબંધો માટે એક જગ્યાએ ‘હોમોઇરોટિક’ શબ્દ વાપર્યો છે, પણ ‘હોમોસેક્સ્યુઅલ’નું વિશેષણ રીવ્યુકારોના દિમાગની પેદાશ છે.
ફક્ત હવામાં ઉડતી વાતોના આધારે સરકાર કોઇ અભ્યાસીના પુસ્તક પર પ્રતિબંધ મૂકવા જેવું બિનલોકશાહી અને સરમુખત્યારી પગલું લે - કે એવું પગલું લેવાનો વિચાર કરે - એ ફક્ત શરમજનક નથી, ચિંતાજનક પણ છે. કોઇ માનસશાસ્ત્રી ઇચ્છે તો, મનઘડંત અથવા સાવ મામૂલી પુરાવાના આધારે ધરપકડો કરવાની સરકારી આપખુદશાહી અને પુસ્તક વાંચ્યા વિના તેની પર પ્રતિબંધ મૂકવાના સરકારી ફતવાની તુલના કરી શકે.
બીજી ઘણી બાબતોની જેમ આ બાબતને પણ પક્ષાપક્ષીથી પર રહીને જોવાની જરૂર છે. પુસ્તક પર પ્રતિબંધ મૂકવા માટે કેન્દ્રમાં ભાજપ સરકારને આગ્રહ કરે છે અને ગુજરાતમાં પ્રતિબંધ મૂકી દેનાર મુખ્ય મંત્રીનું ગુજરાત કોંગ્રેસ અનુમોદન કરે છે. આ બધામાં એટલી પાયાની શરમ કે ન્યાયવૃત્તિ બચ્યાં નથી કે પ્રતિબંધ જેવું આત્યંતિક પગલું ભરતાં પહેલાં પુસ્તક વાંચવા જેવી પ્રાથમિક કાર્યવાહી કરે, આ વિષયના નિષ્ણાતોના અભિપ્રાય લે અને ત્યાર પછી પુસ્તકમાં - રીવ્યુમાં નહીં, પુસ્તકમાં- છપાયેલી વિગતો સચ્ચાઇથી વેગળી, બિનઆધારભૂત કે અવળચંડી લાગે તો સરમુખત્યારીનો દંડુકો પછાડ્યા વિના તેની સામે યથાયોગ્ય કાર્યવાહી કરે.
અભાવ હોય તો એ શરમનો કે ન્યાયવૃત્તિનો છે. બાકી પોતાનો રાજકીય સ્વાર્થ નેતાઓને શીખવવો પડે? તેમને મન ગાંધીજીનું વિદેશી લેખકે કરેલું અપમાન એ પણ રાજકીય સ્કોર કરી લેવાનો મુદ્દો છે. ‘સામેનો પક્ષ આ મુદ્દે લોકલાગણી બહેકાવી જાય અને આપણે ક્યાંક એનો લાભ લેવામાંથી ચૂકી ન જઇએ’ એવી ચિંતા કોંગ્રેસ-ભાજપ બન્ને પક્ષે જોવા મળે છે. બાકી, ગાંધીજીના માન-અપમાન સાથે કે તેમના મૂલ્યો સાથે રાજકીય પક્ષોને શી લેવાદેવા?
‘સ્વદેશી’ અપમાન
ભારતમાં ગાંધીજીના અપમાનની ક્યાં નવાઇ છે? ગાંધીજી જીવતા હતા ત્યારે તેમના જયજયકાર-પૂતળાં અને હારતોરામાં તેમને પોતાનું અપમાન લાગતું હતું. ઉમાશંકર જોશીએ ‘સંસ્કૃતિ’માં નોંઘ્યું છે કે ગાંધીજીની હયાતીમાં મુંબઇના દરિયાકિનારે તેમની વિરાટ પ્રતિમા મુકવાની વાત આવી, ત્યારે ગાંધીજીએ તેનો તીવ્ર વિરોધ કરતાં એ પ્રોજેક્ટ પડતો મૂકાયો હતો. ચલણી નોટો પર - ખાસ કરીને ઊંચા મૂલ્યની ચલણી નોટો પર- પોતાની તસવીર જોઇને ગાંધીજીને કેવી લાગણી થઇ હોત, એ સમજી શકાય છે. ગાંધીજીને પોતાના ગણાવતી કોંગ્રેસ તેમનાં તમામ મૂલ્યો ધોઇની પી ગઇ છે. બીજી તરફ, હિંદુત્વના કટ્ટર સમર્થકો ગાંધીહત્યાને ‘ગાંધીવધ’ તરીકે ઓળખાવે છે (જાણે ગાંધી કોઇ અસુર હોય અને દૈવી શક્તિએ તેનો વધ કર્યો હોય). અત્યારે ગાંધીની આબરૂ બચાવવા નીકળી પડેલા ઘણા ‘ગાંધીવધ’ની વિચારસરણી ગળથૂંથીમાં પીને ઉછરેલા છે. દારૂબંધીના આગ્રહી ગાંધીના નામે વિદેશમાં ક્યાંક દારુનો બાર ખુલે તો ભારતીયોને અપમાન લાગે છે, પણ ગરીબમાં ગરીબ માણસનો વિચાર કરતા, સાદગીના પર્યાય જેવા ગાંધીના નામે ભવ્ય બિઝનેસ સેન્ટર બાંધીને તેને ‘મહાત્મામંદિર’ નામ આપવામાં આવે અને ત્યાં રુપિયાના ઘુમાડા થાય તેમાં કોઇને ગાંધીનું અપમાન લાગતું નથી.
ગાંધીજીના અપમાનનું બૂમરાણ મચાવનારા સગવડપૂર્વક એ ભૂલી જાય છે કે ગાંધીજીનું ભારતીય નેતાઓ કર્યું છે એનાથી વધારે અપમાન બીજું કોઇ કરી શકે એમ નથી. તેમ છતાં, ગાંધીજીના ઘણા વિચારો સ્થળ-કાળ-દેશ-રંગ-ભાષાથી પર એવી વૈશ્વિક અપીલ ધરાવે છે. તેમના પ્રભાવને કે લોકનેતા તરીકેની તેમની છબીને ગરજાઉ અને વહેંતીયા નેતાઓના રક્ષણની જરુર નથી.
હા, નેતાઓને ગાંધીના રસ્તેથી સાવ અવળા માર્ગે ચાલ્યાનો બેશરમ અહેસાસ હોય અને તેને પોતાના ફાયદામાં વાળવા માટે એ બીજા દ્વારા થતા ગાંધીના અપમાન સામે કાગારોળ મચાવે, એ શક્યતા વધારે તાર્કિક જણાય છે.
Labels:
books,
Gandhi/ગાંધી,
Gujarat government/ગુજરાત સરકાર,
politics
Subscribe to:
Post Comments (Atom)
Excellent annalysis. Very wll said. Keep it up.
ReplyDelete