Friday, April 29, 2011
‘સિવિલ સોસાયટી’ : નાગરિકોનું શસ્ત્ર અને શાસ્ત્ર
અમદાવાદ સ્ટેશને ઉતરીને એક સજ્જને રિક્ષાવાળાને કહ્યું,‘સિવિલ સોસાયટી લઇ લો.’
સરનામું સાંભળીને રિક્ષાવાળા ભાઇ મૂંઝાયા. તેમણે કહ્યું, ‘સિવિલ હોસ્પિટલ જોઇ, મણિનગરમાં આવેલી મઘ્યમ વર્ગ સોસાયટી ખબર છે, કહેતા હો તો વાસણામાં આવેલી ટ્રસ્ટનગર સોસાયટી લઇ જઉં, પણ સિવિલ સોસાયટી? એ ક્યાં આવી?’
***
અન્ના હઝારેના આંદોલન પછી બહુચર્ચિત એવી ‘સિવિલ સોસાયટી’ ઉર્ફે નાગરિક સમાજ વિશેની રમૂજ બાજુ પર રાખીએ તો પણ, સવાલ તો ઉભો રહે જ છેઃ ક્યાં છે સિવિલ સોસાયટી? તેમાં કોણ કોણ હોય? આપણે તેમાં ભળવા શું કરવું પડે? સિવિલ સોસાયટીએ શું કરવાનું હોય? તેનાથી શું ન થાય?
અને કળિયુગમાં સૌથી મહત્ત્વનો સવાલઃ સિવિલ સોસાયટીથી આપણને શો ફાયદો?
સંભવિત રીમોટ કન્ટ્રોલ
કેટલાક શબ્દો-શબ્દસમુહો સૌથી વઘુ બોલાતા-ચર્ચાતા અને સૌથી ઓછા સમજાતા હોય છે. જેમ કે, ‘સિવિલ સોસાયટી’. શાબ્દિક અર્થ પ્રમાણે સિવિલ સોસાયટી એટલે નાગરિક સમાજ. એ દૃષ્ટિએ સરકાર, સરકારી સંસ્થાઓ અને રાજકારણીઓ સિવાયના તમામ નાગરિકો તથા તેમનાં સંગઠનોને ‘સિવિલ સોસાયટી’ ગણી શકાય. પરંતુ વ્યવહારમાં તેનો અર્થ છેઃ નાગરિકોના હક અને ફરજની દિશામાં સક્રિયતાપૂર્વક કામ કરતાં જૂથ-સંગઠન.
સિવિલ સોસાયટી કોઇ એક જૂથ, મંડળ કે સામાજિક રીતે વગદાર એવા મુઠ્ઠીભર લોકોનું સંગઠન નથી. રાજ્યશાસ્ત્ર પ્રમાણે સિવિલ સોસાયટીની વ્યાખ્યા શી છે કે વિવિધ પરદેશી વિદ્વાનો કોને સિવિલ સોસાયટી ગણે છે, એની શાસ્ત્રીય ચર્ચાને બદલે, વાસ્તવિકતા નજર સામે રાખીને જોઇએ તો : સામાન્ય નાગરિકો માટે, નાગરિકો વડે ચાલતો નાગરિકોનો કોઇ પણ સમુહ ‘સિવિલ સોસાયટી’નો હિસ્સો ગણાય.
નાગરિકોના હક અને ફરજોને કેન્દ્રમાં રાખીને ચાલતાં સંગઠનો જેટલાં મજબૂત, વઘુ સક્રિય અને એકબીજા સાથે વઘુ ગૂંથાયેલાં, એટલો સમાજ વધારે સ્વસ્થ-તંદુરસ્ત. કારણ કે, આ પ્રકારનાં સંગઠનોનું મુખ્ય કામ છેઃ નાગરિકોના હિતને લગતી બાબતો માટે સત્તાધીશો અને વિપક્ષો બન્ને પર દબાણ આણવું. એ માટેના પ્રેશર ગુ્રપ તરીકે કામ કરવું.
લોકશાહીમાં એક વાર ચૂંટાઇ ગયા પછી નેતાઓની ચોટલી મતદારોના-નાગરિકોના હાથમાં રહેતી નથી. એ સંજોગોમાં સિવિલ સોસાયટી ઉર્ફે નાગરિક સંગઠનો પોતપોતાની શક્તિ અને મર્યાદા પ્રમાણે, જુદી જુદી અસરકારકતા ધરાવતાં રીમોટ કન્ટ્રોલ બની શકે છે. તેમના થકી નાગરિકો પોતાની લાગણી ને માગણી, વાંધા ને વિરોધ નેતાઓ સુધી પહોંચાડી શકે છે. તે નેતાઓને ઢંઢોળી શકે, જગાડી શકે અને વખત આવ્યે તેમની ઉંઘ પણ ઉડાડી શકે છે.
નાગરિકોના કચડાતા અધિકારો સામે કે ન મળતા અધિકારો માટે ઝુંબેશ ચલાવવાનું કામ ફક્ત પત્રકારોથી કે પ્રસાર માઘ્યમોનું જ છે? ના. હવેના સમયમાં પ્રસાર માઘ્યમો કોઇ પણ મુદ્દો લાંબા સમય સુધી પકડી રાખતાં નથી. એ મુદ્દો તેના તાર્કિક અંત સુધી પહોંચે, એ માટે નાગરિક સંગઠનોએ સક્રિય થવું પડે. તેનાથી ઉલટું પણ બનવું જોઇએ. એટલે કે, નાગરિકહિતને લગતો કોઇ અગત્યનો મુદ્દો પ્રસારમાઘ્યમોમાં ‘પકડાય’ તેની રાહ જોવાને બદલે, નાગરિક સંગઠનો તે મુદ્દાને જાહેરમાં લાવી શકે છે. દરેક વખતે, દરેક મુદ્દે હળાહળ ધંધાદારી બની ગયેલાં પ્રસાર માઘ્યમો પર આધાર રાખીને બેસી રહેવાની કે પ્રેસનોટ આપીને સંતુષ્ટ થઇ જવાની માનસિકતા નાગરિક સંગઠનો માટે ઘાતક નીવડી શકે છે.
ઉત્તરદાયિત્વની પૂર્વશરત
શેરીના-સોસાયટીના મંડળથી માંડીને રાજ્ય-રાષ્ટ્ર કક્ષાની સંસ્થાઓ ‘સિવિલ સોસાયટી’માં સ્થાન પામે છે. બધી નાગરિક સંસ્થાઓ બધા હેતુઓ માટે કામ કરે એ જરૂરી નથી. તેમનો હેતુ મર્યાદિત હોઇ શકે, પણ ‘સિવિલ સોસાયટી’નો હિસ્સો બનવા માટે તેમનાં હિત સંકુચિત ન હોવાં જોઇએ. લાયન્સ-રોટરી પ્રકારની સંસ્થાઓ આદર્શ રીતે નાગરિક સમાજનો હિસ્સો ગણી શકાય. પણ તેમાં નાગરિક હિત અને એ માટેની નક્કર કામગીરી કરતાં આનંદપ્રમોદ-ઉજવણી અને લગે હાથ સમાજની થોડી ચિતા કર્યાની સંતોષી મનોવૃત્તિ વધારે પ્રબળ હોય છે. શિક્ષણ સહિત વિવિધ વ્યવસાયોનાં મંડળો પણ સિવિલ સોસાયટીનો ભાગ છે. પરંતુ પોતાના હિતને સ્પર્શતી અને ખાસ તો પોતાનું અહિત કરતી બાબતો સિવાય બીજી વાતોમાં આ મંડળોને બહુ રસ પડતો નથી. આ જાતનાં સંગઠનો મોટે ભાગે સરકાર સાથે સારાસારી રાખીને, નેતાઓને મોટા ભા બનાવીને હક નહીં પણ કૃપાદૃષ્ટિ લેખે પોતાનુ કામ કઢાવી લેવાના પ્રયત્નમાં રહે છે.
જ્ઞાતિકેન્દ્રી અને જ્ઞાતિની બોલબાલા ધરાવતા ભારતીય સમાજમાં ઘણાં જ્ઞાતિસંગઠનો બળુકાં અને પ્રભાવશાળી હોય છે. માથાંની સંખ્યા અને શક્તિના જોરે તે રાજકારણીઓ પર પ્રભાવ પાડી શકે છે. પરંતુ જ્ઞાતિનાં મંડળો વ્યાપક નાગરિક સમાજને બદલે, કેવળ પોતાની જ્ઞાતિના લોકોના હિત વિશે વિચારતા હોય - અને તે માટે નાગરિકોના બીજા જૂથનું અહિત થતું હોય તો તેની પરવા ન કરતા હોય- ત્યારે એ સંગઠનો ધબકતા નાગરિક સમાજનો હિસ્સો બની શકતાં નથી. તેમની સંકુચિતતા ભાગલા પાડીને રાજ કરવા ઇચ્છતા નેતાઓને બહુ અનુકૂળ પડે છે. તેમાંથી મતબેન્કની માનસિકતા પણ પેદા થાય છે.
જ્ઞાતિમંડળો જેવાં બીજાં મોટાં જૂથ ધર્મો-સંપ્રદાયોનાં કે કથાકારોનાં હોય છે. તેમની પાસે અઢળક સંપત્તિ, ધાર્મિક લાગણીનું કવચ અને ભક્તમંડળનો મોટો સમુહ હોય છે. શાસક અને વિરોધી એમ બન્ને પક્ષના રાજકારણીઓ તેમના આશીર્વાદ લે છે. ધર્મ કરતાં સાવ જુદા પાટે ચાલતી ધર્મસંસ્થાઓ, સંપ્રદાયો-ફિરકા અને કહેવાતા પૂજ્યો-બાપુઓ કે ધાર્મિક અગ્રણીઓને નાગરિકસમાજ સાથે કશી નિસબત હોતી નથી. તેમના દ્વારા થતાં ‘સામાજિક કાર્યો’ની સામે તેમને મળેલાં સત્તા-સંપત્તિ અને તેમના પ્રભાવનું ગણિત માંડીએ તો ‘એરણની ચોરી અને સોયનું દાન’ જેવી કહેવત યાદ આવે.
ધર્મસંસ્થાઓ અને તેના મુખિયાઓને, કથાકારો અને ઉપદેશકોને સવાલો પૂછતા- જવાબ માગતા નાગરિકો નહીં, ચરણસ્પર્શ કરીને કૃતકૃત્ય થતા ભક્તો ખપે છે. હક માટેના સંઘર્ષને તે અનિષ્ટ અને મહદ્ અંશે અનિચ્છનીય ગણે છે. સામાન્ય રીતે એ સત્તાધીશો અને સમાજ બન્નેને હાથમાં રાખીને ચાલે છે અને તેમાંથી કોઇ એકને પસંદ કરવા પડે એવો દિવસ આવવા દેતા નથી. એવો દિવસ આવે ત્યારે તે સગવડીયું મૌન સેવીને સત્તાધીશોની તરફેણમાં જાય એવી ‘તટસ્થતા’ ધારણ કરે છે. નાગરિક સમાજનો હિસ્સો બનવા માટેની પૂર્વશરત ગણાય એવું ઉત્તરદાયિત્વ/આન્સરેબિલીટી તેમના કોર્સની બહાર હોય છે. સરવાળે તે લોકશાહીને બદલે આપખુદશાહીનાં વ્યક્તિકેન્દ્રી રજવાડાં બની જાય છે, જેમાં સામાન્ય નાગરિકની સમસ્યાઓને કે તેમની પીડાને કોઇ સ્થાન હોતું નથી. તેમાં આવતા લોકોએ ધર્મસંસ્થાની સમૃદ્ધિ અને તેના વડાની સાહ્યબી, રાજનેતાઓ સાથેની આત્મીયતા અને ભવ્ય ધર્મસ્થાનો જોઇને નાગરિક તરીકેનાં પોતાનાં દુઃખદર્દ ભૂલી જવાનાં હોય છેે. પોતાના હક માટે સંઘર્ષ કરવાને બદલે ઇશ્વર કે ઇશ્વરના આડતિયા-એજન્ટો પર ભરોસો રાખીને ‘સૌ સારાં વાનાં થશે’ એવું મન મનાવવાનું હોય છે. બહુમતી લોકો એક યા બીજી ધર્મસંસ્થા કે સંપ્રદાયની દુકાન સાથે સંકળાયેલા હોય, ત્યારે તેમનામાં નાગરિકભાન જગાડવાનું અને નાગરિક સમાજનાં અસરકારક સંગઠનો ઉભાં કરવાનું કામ વધારે કઠણ બને છે.
નાગરિક સંગઠનની વ્યાખ્યામાં આવતાં સૌએ હંમેશાં લડવું જરૂરી નથી, પણ સત્તા સામે શિગડાં ભરાવવાની ત્રેવડ અને વખત આવ્યે ધ્રુજારો બતાવવાની તાકાત આવશ્યક છે. આર્થિક કે વ્યાવસાયિક હિત સિવાયની બાબતોમાં તેમની સક્રિયતા હોવી જોઇએ. કોમી વિખવાદથી માંડીને દલિતો સાથે ભેદભાવ જેવા અનેક સામાજિક પ્રશ્નો અંગે સરકારની નિષ્ફળતા, બિનકાર્યક્ષમતા કે ઉદાસીનતાને કારણે નાગરિક સંગઠનોની જવાબદારી અને ભૂમિકાનો વ્યાપ વધી જાય છે. સરકાર દ્વારા દાખવવામાં આવતી સીધીસાદી, ભ્રષ્ટ કે ગુનાઇત બેદરકારીના પ્રસંગોએ નાગરિક સમાજની જરૂરિયાત તીવ્રપણે વરતાય છે અને તેમની અછત બહુ સાલે છે.
સ્વૈચ્છિક સંસ્થાઓની સમસ્યા
ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ત્રણેક દાયકાથી ‘સિવિલ સોસાયટી’ એટલે સ્વૈચ્છિક સંસ્થાઓ, એવું સમીકરણ પ્રચલિત બન્યું છે. સ્વૈચ્છિક સંસ્થાઓની સ્થાપનાનો આશય સરકારની સરકાર જ્યાં ન પહોંચી હોય અથવા જ્યાં પહોંચવાની સરકારની દાનત ન હોય, એવાં ક્ષેત્રોમાં કામગીરી કરવાનો હતો. સમાજના મુખ્ય પ્રવાહથી એક યા બીજા કારણોસર દૂર રહી ગયેલા લોકોને નાગરિક તરીકેના હક મળે એ તેમનો હેતુ હતો. એ માટે જરૂર પડ્યે સરકાર સામે સંઘર્ષમાં ઉતરવું પડે તો એ માટેની તેમની તૈયારી હતી. પરંતુ પાછલાં વર્ષોમાં સંઘર્ષથી દૂર રહેવાનું લક્ષણ કે ફક્ત રોકડી કરી શકાય એટલા પૂરતો સંઘર્ષ કરવાનું લક્ષણ ચંિતાજનક હદે પ્રસર્યું છે.
જૂજ અપવાદોને બાદ કરતાં, સિવિલ સોસાયટી કહેવાતી સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાનાં સંકુચિત રજવાડાંમાં રાચતી અને સમસ્યાઓ ઉકેલવાને બદલે, તેમાંથી કેવી રીતે વઘુ ને વઘુ ફંડિગ મેળવી શકાય એ રીતે વિચારતી થઇ છે. નક્કર કામગીરીને બદલે વહીવટ પાછળ ખર્ચાતી રકમ ઘણી વધી જતી હોવા છતાં તેમને જવાબ અને હિસાબ ફક્ત ફંડિગ એજન્સીને આપવાનો હોવાથી, સ્થાનિક સ્તરે તેમનું ઉત્તરદાયિત્વ નહીંવત્ રહ્યું છે. સરકાર કદીક તેમનો કાંઠલો પકડે તો એ પણ ‘અમારી સામે પડ્યા તો ખેર નથી’ એટલી ધમકી આપવા પૂરતો જ. ઘણાં સ્વૈચ્છિક સંગઠનો હોંશે હોંશે સરકાર સાથે હળીમળીને કામ કરતાં થયાં છે. એમ કરતાં નાગરિકોનું ભલું થતું હોય તો શો વાંધો? પણ મોટે ભાગે બને છે એવું કે નાગરિકો ઠેરના ઠેર રહે છે અને સંસ્થાઓને સરકારનું ફંડિગ સદી જાય છે. બદલામાં, નાગરિકોના હિત માટે સરકારને અપ્રિય થવાની વૃત્તિ ભલે જતી રહે!
તાત્પર્ય એટલું જ કે નાગરિક સમાજ/સિવિલ સોસાયટી જાદુઇ લાકડીથી પલકવારમાં સર્જાઇ જવાની નથી અને નાગરિકો જાગ્રત નહીં રહે તો સિવિલ સોસાયટીની ગમે તેવી ઉત્તમ સંસ્થાઓ પણ લાંબા ગાળે ઘસાઇને કોઇનાં રજવાડાં કે કોઇના હાથના રમકડાં જેવી બની રહેશે.
Labels:
anna hazare,
Gujarat/ગુજરાત,
ngo,
society- trends/સમાજ-પ્રવાહો
Subscribe to:
Post Comments (Atom)
પ્રિય ઉર્વીશભાઈ,
ReplyDeleteઆપે લખ્યું તેમ સિવિલ સોસાયટી નો એક હેતુ એ પણ હોય છે કે સરકાર જે કાર્ય ના કરી શકે તે કાર્ય કરવું અને જે કાર્ય સરકારે કરવું જોઈએ એ કરે એ માટે ચાપતી નજર રાખી, સરકાર સાથે સંઘર્ષ કરી ને પણ સરકાર પાસે એ કામ કરાવડાવું. સ્વૈચ્છિક સંસ્થાઓ મા પ્રવેશેલો 'સ્વાર્થી' ભાવ પર ચાંપતી નજર રાખવા અને સંસ્થાઓ પાસે પારદર્શી રીતે કામ લેવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ પર એક 'સિવિલ સોસાયટી' હોવી જોઈએ.
હું છેલ્લા ઘણા વર્ષો થી સ્વૈચ્છિક સંસ્થા મા કામ કરું છું અને આપના વિચારો ને આવકારું છું. સમય આવી ગયો છે જયારે સ્વૈચ્છિક સંસ્થાઓ 'ફંડિંગ' માટે ના સ્વાર્થી ભાવો થી બહાર આવી લોકો માટે કર્યો કરે. નહિ તો એ સમય દુર નથી જયારે અન્ના હજારે જેવા લોકો સ્વૈચ્છિક સંસ્થાઓ સામે બ્યુગલ વગાડી ધારણા પર બેસશે.
I think in Gujarat there is no concept of Civil society.. The NGOs and KARMSHILO they themself labaled as the civil society.. In Gujarat byan large society and such institutions are always on opposite end. I do agree NGOs are become a Private firms. . they are loosing their reputation and pro-poor stand. I have works two decade in NGOs and firmly believes that there should accrediation process of NGO..Truely agree NGOs are only fund driven..project driven..
ReplyDelete