Wednesday, November 30, 2011

બૂટ અને દોરીઃ પ્યારકા બંધન

કેટલાંક કાર્યો એવાં છે, જે કરતાં આવડે તો જ મનુષ્યનો અવતાર સાર્થક થયો ગણાય. કમ સે કમ, ઘણા વડીલો આવી દૃઢ માન્યતા ધરાવે છે અને તેનાથી પ્રેરાઇને એવાં કામોની તૈયાર યાદી રાખે છે. બાળકો માટે આ યાદી એક સાથે આપત્તિ અને અવસર પૂરાં પાડે છેઃ જો કામ આવડ્યું તો હોંશિયાર-ચબરાક-મોટા ગણાવાનો અવસર અને ન આવડે તો? ચુનંદાં વિશેષણો સાંભળવાની તૈયારી. આવાં કામમાંનું એક કામ છેઃ બૂટની દોરી બાંધતાં આવડવી.

બૂટના મુખ્ય બે પ્રકાર છેઃ ચામડાના અને સ્પોર્ટ્‌સ શૂઝ. પરંતુ આ વિભાજન સાવ ઉપરછલ્લું - ‘સ્કીનડીપ’ છે. શાણા લોકો બૂટના બે પ્રકાર પાડે છેઃ દોરીવાળા અને દોરી વગરના. બૂટમાં દોરી હોવી જોઇએ કે નહીં, એ ‘ઇશ્વર છે કે નહીં’ એ પ્રકારનો સવાલ છે. કેટલાક માને છે કે બૂટમાં દોરી હોવી જ જોઇએ. એના વિના બૂટની મઝા ન આવે. બીજા કેટલાક કહે છે કે ‘બૂટમાં દોરીનું શું કામ છે? એ વળી શી વધારાની ઝંઝટ? જીવનમાં આટલી ગાંઠો ઓછી છે કે તેમાં બૂટની દોરીની ગાંઠોનો ઉમેરો કરવો?’ ત્રીજા વર્ગને દોરી-કે ઇશ્વર- પ્રત્યે વાંધો નથી ને તેની જરૂર પણ નથી. હોય તો ઠીક ને ન હોય તો ઠીક. પગમાં કંઇક પહેરવાનું હોવું જોઇએ. બસ.

દોરી વગરના બૂટના પ્રેમીઓ વિચારે છે કે ‘બૂટ જેવા બૂટમાં દોરીની શી જરૂર છે? પેન્ટમાં કમરેથી કસવાની દોરી હોય છે? શર્ટમાં ખભેથી કે નીચેથી બાંધવાની દોરી હોય છે? બીજી વાત જવા દો, પગની જ વાત કરીએ તો, ચપ્પલ કે સ્લીપરમાં ફીટીંગ માટે દોરી હોય છે? નહીં. તો પછી બૂટમાં દોરીની શી જરૂર? પગ નાખો ને પહેરાઇ જાય એવા સીધાસાદા બૂટ શું ખોટા?’

દરેક બાબતને મોટે ભાગે તાલમેલિયાં દૃષ્ટાંતથી સમજાવવાની ભારતીય કથાકારોની પરંપરા પ્રમાણે, દોરીવિરોધીઓ કહી શકે છે, ‘અમારા એક પાડોશી રસ્તે ચાલતા હતા ત્યારે તેમના બૂટની દોરી છૂટી ગઇ. તેમને ખ્યાલ ન રહ્યો ને દોરી એમના બીજા પગે ભરાઇ, તે રસ્તા વચ્ચે પડી ગયા અને પાછળથી એક ટ્રક આવતી હતી. એ ત્યાં જ...’ અથવા ‘મારી સાથે ઓફિસમાં કામ કરતા એક ભાઇ રોજ મોડા પડે ને એમને ઠપકો સાંભળવો પડે. એક દિવસ મેં એમને કારણ પૂછ્‌યું તો એ કહે, ‘તૈયાર તો હું રાઇટ ટાઇમે થઇ જાઉં છું, પણ બૂટની દોરી બાંધવાના સમયનું માર્જિન રાખવાનું ભૂલી જાઉં છું. એટલે રોજ બસ છૂટી જાય છે ને મારે શટલમાં આવવું પડે છે.’ આ બોધકથાઓમાંથી પ્રગટતો પ્રજાજોગ સંદેશ એટલો જ હોય છે કે ‘દોરી વગરના બૂટ અપનાવો અને સુખી થાવ.’

ઉત્સાહી આંકડાપ્રેમીઓ આટલેથી ન અટકતાં ગણી કાઢે છે કે ‘દોરીવાળા બૂટ પહેરનારો પ્રત્યેક માણસ તેના જીવનના બાવીસ કે સાડત્રીસ કે તેંતાળીસ કલાકો દોરી બાંધવા જેવા ક્ષુલ્લક કામમાં વેડફી નાખે છે.’ આ પ્રકારની માહિતીથી દોરીવાળા બૂટનો વિરોધ એ શ્રદ્ધાનો નહીં, પણ નક્કર માહિતી આધારિત સચ્ચાઇનો મામલો બને છે. તેના થકી ‘હવે તમારે માનવું જ પડશે’ એવું દબાણ દોરીતરફીઓ પર ઊભું કરવાની કોશિશ થાય છે.

દોરી વગરના બૂટની તરફેણમાં મજબૂત અને દેખીતી દલીલો હોવા છતાં, સૌ જાણે છે કે બજારમાં દોરીવાળા બૂટ મોટા પ્રમાણમાં વેચાય છે. તેનો અર્થ શું એવો કરવાનો કે દોરીવાળા બૂટ ખરીદનારા બધા ડફોળ છે? અથવા બૂટની દોરીની જેમ તેમના મગજની અમુક ગાંઠો ઢીલી રહી ગઇ છે, જેના કારણે દોરી વગરના બૂટ શ્રેષ્ઠ કહેવાય આટલી સાદી સમજણ તેમને પડતી નથી?

દોરી વગરના બૂટ પહેરતા લોકોને આવું માનવું ગમે, પણ એ સાચું નથી. બૂટની દોરીના પ્રેમીઓ કહે છે,‘દોરીવાળા બૂટ એટલે જાણે બટનવાળું, વ્યવસ્થિત, સુસભ્ય શર્ટ અને દોરી વગરના બૂટ એટલે ટીશર્ટ.’ પછી દોરીમહિમા કરતાં કહે છે,‘શર્ટનાં પાંચ-છ બટન નાખવાના કામને કોઇ ઝંઝટ ગણે છે? અને એટલા ખાતર શર્ટ પહેરવાનું માંડી વાળીને ટી-શર્ટ અપનાવે છે? તો પછી બૂટની બાબતમાં બેવડાં ધોરણ શા માટે?’

‘દોરીવાળા બૂટ પહેરવા એ વિચારશીલ મનુષ્યનું લક્ષણ છે’ એવું ભવ્ય વિધાન હજુ સુધી ગુજરાતી ચિંતનજગતમાં કેમ અવતર્યું નથી? (‘અવતર્યું’ બન્ને અર્થમાં: જન્મના અને ટાંકવાના. કારણ કે ‘અવતરણ ટાંક્યા વિનાનો ચિંતનલેખ ચટણી વગરની ભેળ જેવો ગણાય’ - બર્નાડ શો) માણસ બૂટની દોરી બાંધે કે છોડે એટલા સમયમાં તેની વિચારપ્રક્રિયામાં અનેક પલટા આવી શકે છે. સૌથી પહેલાં તો, તેને દોરી બાંધવા કે છોડવામાં ઘ્યાન પરોવવું પડે એટલે તેના ચાલુ વિચારપ્રવાહમાં અવરોધ આવે છે. એટલો સમય મામૂલી ગુસ્સાનું બાષ્પીભવન કરવા માટે કે હિંસક કાર્યવાહીમાંથી પાછા ફરવા માટે ઘણી વાર પૂરતો નીવડે છે. દોરી વગરના બૂટ પહેર્યા હોય તો ઉશ્કેરાટ ચડ્યા પછી બૂટ કાઢીને ફેંકતાં વાર લાગતી નથી. દોરીવાળો બૂટ કાઢવાનું- અને એટલે જ છૂટો ફેંકવાનું- એટલું સહેલું નથી. શક્ય છે કે બૂટ ફેંકવાના હિંસક ઇરાદાથી બૂટની દોરી છોડતી વખતે ફરી વિચાર કરતાં માણસનો નિર્ણય બદલાય અને તે બૂટ કાઢવાને બદલે, બન્ને બાજુની ઢીલી થયેલી દોરી ફીટ કરવા માંડે.

દોરીવાળા બૂટના વિરોધીઓ દોરીથી એવા ભડકે છે, જાણે તેમને દોરીમાં (રજ્જુમાં) સર્પની ભ્રાંતિ થતી હોય. દોરી બાંધવા-કાઢવાનું કામ કાલીય નાગને નાથવા જેવું હોય, એવું તેમના ઉદ્‌ગાર પરથી લાગે. દોરી વગરના બૂટમાં પગ ખોસી દેવો એ કંઇક અંશે બળનું કામ છે, જ્યારે દોરીવાળા બૂટ પહેરવા એ કળનો મામલો છે. એટલે બન્ને પ્રકારના બૂટને ‘પશુબળ વિરુદ્ધ બુદ્ધિબળ’ના ત્રાજવે પણ તોલી શકાય. ઘણાખરા દોરીવિરોધીઓનો આશય ‘દોરી બાંધવાની ઝંઝટ’માંથી મુક્તિ મેળવવાનો હોય છે, પણ દોરીવાળા બૂટ પહેરનારાનો જુસ્સો એવો હોય છે કે ‘આટલી નાની ઝંઝટોથી હારતા-ભાગતા રહીએ તો આવી દુનિયામાં કેમ કરીને જીવાય?’

રોજબરોજના વ્યવહારમાં દોરીવાળા બૂટ પહેરનારને ઘણી વાર ઊભાં ઊભાં બૂટની દોરી બાંધવાનો પ્રસંગ પડે છે. યોગી જેવી સજ્જતા માગી લેતી આ ક્રિયા માટે શરીર ઉપરાંત મન ઉપર પણ કાબૂ જોઇએ. તેને ‘(કરોડ)રજ્જુયોગ’ કહેવામાં ખાસ અતિશયોક્તિ નથી. બે પગાળો માણસ કમરેથી વાંકો વળીને, કોઇ તપસ્વીની જેમ એક પગે ઊભો રહીને, ડગુમગુ થતાં પણ સમતુલા જાળવીને, બીજા પગના બૂટની દોરી બાંધતો હોય, એ દૃશ્ય રોજંિદું હોવાથી તેનો મહિમા લોકોને સમજાતો નથી. યજમાન પોતાની ઉદારતા દર્શાવવા માટે ‘શાંતિથી બેસીને પહેરો’ એવી દરખાસ્ત મૂકે છે, પણ યોગી જેવી મનોદશા ધરાવનારા લોકો તેનાથી ચલિત થવાને બદલે, વઘુ દૃઢતાપૂર્વક દોરી બાંધતા બાંધતા, વઘુ કષ્ટ વેઠીને એ જ અવસ્થામાં ડોકું ઊંચું કરીને બોલ્યા વિના યજમાનને સંદેશો આપે છે કે ‘અમારા જેવા સિદ્ધ લોકો માટે આ કામ તમે ધારો છો એવું અઘરું નથી.’

કેટલાક યજમાનો યજમાનધર્મ અદા કરવા માટે મહેમાનને બહાર સુધી વળાવવા આવે છે. પરંતુ મહેમાને દોરીવાળા બૂટ પહેર્યા હોય તો યજમાન સામે ધર્મસંકટ ઊભું થાય છે. મહેમાન ડગુમગુ થતાં બૂટની દોરી બાંધતા હોય ત્યારે તેમનો સંકોચ વધારવા માટે માથે ઊભા રહેવું? કે પછી તેમને નિરાંતે દોરી બાંધતા મૂકીને ‘બસ ત્યારે? આવજો.’ કહીને નીકળી જવું?

બૂટની દોરી નાખવા, બાંધવા અને છોડવાના સર્ટિફિકેટ કોર્સ હજુ સુધી શરૂ થયા નથી. કોઇ ખાનગી શિક્ષણ સંસ્થા એ દિશામાં પહેલ કરે તો કદાચ ફેકલ્ટીની મુશ્કેલી થાય, પણ વિદ્યાર્થીઓ મેળવવામાં વાંધો નહીં આવે.

Tuesday, November 29, 2011

દેશદાઝઃ શહીદ ભગતસિંઘ અને સની દેઓલ

હમણાં સુધી કૌભાંડોમાં અને ગેંગસ્ટરો સાથે સંડોવણીના આરોપો, ક્રિકેટનું રાજકારણ અને અઢળક સંપત્તિ માટે કુખ્યાત કેન્દ્રીય મંત્રી શરદ પવાર ગયા અઠવાડિયે જરા જુદી રીતે ચમક્યા. બલ્કે, શબ્દાર્થમાં ચમકી ગયા. ‘સમાચાર’ અને ‘મનોરંજન’ વચ્ચેની ભેદરેખા ભૂંસી ચૂકેલી ટીવી ચેનલોએ અગણિત વાર બતાવેલા દૃશ્ય પ્રમાણે, એક જણે પવારને તમાચો જડી દીધો. કોંગ્રેસનું પ્રતીક પંજો પવારના ગાલે દેખાતું હોય એવાં કાર્ટૂન અને કમેન્ટ્‌સના ઢગ ખડકાયા. પવાર પરના ‘વર્ચ્યુઅલ ટપલીદાવ’ ઉપરાંત હુમલો કરનારની ભરપૂર પ્રશંસા પણ થઇ. હુમલો કરનાર ભાઇ અન્નાના સમર્થક છે કે નહીં તેની પંચાતમાં ન પડીએ. અન્ના હજારેની ટીકા કરવા ખાતર તેમને ‘ગાંધીવાદી’ ગણાવવાની રીતમાંથી હવે બચીએ. તો પણ, હુમલાને વધાવી લેનારા ઘણા લોકો માટે એ અન્નાપ્રેરિત ભ્રષ્ટાચારવિરોધી આંદોલનની આગલી કડી જેવો હતો. સામે પક્ષે, ચળવળકારો પર થતા હુમલા વખતે ચૂપ રહેનારા બધા પક્ષના નેતાઓએ પવાર પર થયેલા હુમલાને એક અવાજે વખોડીને પોતાની અસલિયતનો વઘુ એક વાર પરિચય આપ્યો.

‘પવાર એ જ લાગના છે’ એવી લાગણી એક ચીજ છે અને ‘ભ્રષ્ટાચારીઓ સાથે આવું જ થવું જોઇએ’- એ જરા જુદી વાત છે. એ જ રીતે, ઉશ્કેરાટમાં કે બીજા કારણથી એક માણસ પવારને થપાટ મારે અને લોકોને ઘડીક આનંદ થાય તે એક વાત છે, પણ એ માણસના ભગતસિંઘની કુરબાની યાદ કરવાના અને ‘સબ ચોર હૈ’, ‘ચીરકે રખ દૂંગા’ જેવા સની દેઓલ ટાઇપ બખાળાને ઘણા લોકો હોંશીલી ગંભીરતાથી લે - તેમાં મુગ્ધ સંમતિથી ડોકાં ઘુણાવે અને દેશપ્રેમ-દેશદાઝ-દેશભક્તિની તથા ભ્રષ્ટાચારીઓનું શું કરવું જોઇએ એની વાત કરવા બેસી જાય તે અલગ અને ચિંતાજનક બાબત છે.

ભગતસિંઘની યાદ એટલે?
પહેલાં થોડી વાત હુમલાખોર થકી લોકોને યાદ આવેલા ભગતસિંઘ અને તેમની કુરબાની વિશે. ‘શહીદ-એ-આઝમ’ તરીકે ઓળખાતા ભગતસિંઘની મહાનતા ફક્ત એટલી ન હતી કે તે હિંસક ક્રાંતિમાં માનતા હતા અને પોતાની વિચારધારા ખાતર ફાંસીએ ચડી ગયા. આટલું વર્ણન તો થોડા ફેરફાર સાથે ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને પણ લાગુ પડી શકે. તેને મન ગાંધીજીની હત્યા ધર્મકાર્ય હતી- વિચારધારાનો ભાગ હતી. ગાંધીજીના પુત્ર રામદાસ ગાંધીએ પિતાના હત્યારા માટે દયાની અરજી કરી હોવા છતાં, ગોડસેને ફાંસી થઇ ત્યાં સુધી તેણે કદી અફસોસ વ્યક્ત કર્યો હોય એવું ઘ્યાનમાં નથી.

ગોડસે, હિંદુ મહાસભા અને તેની વિચારધારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ પ્રકારનાં સંગઠનોની ‘દેશદાઝ’ તથા ભગતસિંઘની દેશદાઝ વચ્ચે પાયાનો તફાવત રહ્યો છે. ભગતસિંઘની દેશદાઝ કહો કે રાષ્ટ્રભાવના, તે કોમી દ્વેષથી-કોમવાદથી દૂષિત ન હતી. પોલીસની લાઠીથી ઘવાઇને મૃત્યુ પામેલા લાલા લજપતરાયનો બદલો વાળવા માટે ભગતસિંઘ અને બીજા ક્રાંતિકારીઓએ અંગ્રેજ અફસરની હત્યાનું કાવતરું ઘડ્યું એ બહુ જાણીતી વાત છે. પરંતુ શહીદ ભગતસિંઘનું નામ વટાવી ખાનારા કદી કહેતા નથી તે હકીકત એ છે કે જીવનનાં પાછલાં વર્ષોમાં કોમવાદી બનેલા લાલા લજપતરાયનો ભગતસિંઘે ઉગ્ર વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, તેમના વિરુદ્ધ પત્રિકા પણ છપાવી હતી.

દેશભક્તિનો ઘેલો ઉભરો નહીં, પણ પ્રખર બૌદ્ધિકતા ધરાવતા ભગતસિંઘે પત્રિકામાં લાલા લજપતરાયની તસવીર સાથે રોબર્ટ બ્રાઉનિંગની કવિતા ‘ધ લોસ્ટ લીડર’ મૂકી હતી, જે બ્રાઉનિંગે ફ્રેંચ ક્રાંતિની ટીકા કરનારા બીજા મહાન કવિ વર્ડ્‌સવર્થને કેન્દ્રમાં રાખીને લખી હતી. તેની પહેલી કડી હતીઃ ‘જસ્ટ ફોર એ હેન્ડફુલ ઓફ સિલ્વર હી લેફ્‌ટ અસ/ જસ્ટ ફોર એ રિબન ટુ સ્ટિક ઇન હીઝ કોટ’ (આપણને છેહ દીધો એમણે મુઠ્ઠીભર ચાંદી ખાતર/ કેવળ એક ફૂમતું લગાડવા ખાતર)

ભગતસિંઘને કેવળ હિંસા સાથે સાંકળી દેવા અને તેમને ફક્ત કુરબાની માટે યાદ કરવા, એ તેમની મહાનતાનું અપમાન છે. પવારને લાફો મારનારને રોકડ ઇનામ જાહેર કરનાર ‘ભગતસિંઘ ક્રાંતિ સેના’ જેવાં સંગઠન એ વાત ન સમજે, તેથી સચ્ચાઇ બદલાઇ જતી નથી. અંગ્રેજ અફસરોના ખૂનથી કે ‘બહેરી સરકારના કાન સુધી ઇન્કિલાબનો અવાજ પહોંચાડવા માટે’ (એ વખતની) સંસદમાં બોમ્બ ફેંકવાથી ભગતસિંઘની દેશદાઝનો કે બહાદુરીનો અંત આવી જતો ન હતો. એ તેમના રાષ્ટ્રપ્રેમ કે શૌર્યનું શીખર ન હતું. ભગતસિંઘને આગળ ધરીને ગાંધીજીની લીટી નાની કરવાનો કુટિરઉદ્યોગ ચલાવતા ઘણા લોકો એ ભૂલાવી દે છે કે ગાંધીજી અને ભગતસિંઘ બન્નેના માર્ગ સામા છેડાના હોવા છતાં, આઝાદ દેશ વિશેના તેમના સ્વપ્નમાં એક મૂળભૂત અને પાયાનું સામ્ય હતું. ગાંધીજી અંત્યોદય અને સર્વોદયની વાત કરતા હતા, તો ભગતસિંઘનું ‘ઇન્કિલાબ’નું સ્વપ્ન પણ દેશના ગરીબમાં ગરીબ માણસને આવરી લેતું હતું. તેમની ખેવના શોષણમુક્ત, જ્ઞાતિના ભેદભાવોથી મુક્ત, ફક્ત રાજકીય નહીં પણ તમામ અર્થમાં સ્વતંત્ર-આઝાદ સમાજ માટેની હતી.

માંડ સાડા ત્રેવીસ વર્ષના ટૂંકા આયુષ્યમાં ભગતસિંઘ માનવકરુણાથી પ્રેરાઇને પ્રખર નિરીશ્વરવાદી બન્યા. પૂર્વજન્મ અને કર્મના સિદ્ધાંતોનો છેદ ઉડાડનાર અને ‘આ દુનિયામાં સૌથી મોટું પાપ તો ગરીબ હોવું એ જ છે’ એમ કહેનાર ભગતસિંઘે પ્રતીતિપૂર્વક કહ્યું હતું કે ‘બધા જ ધર્મો, સંપ્રદાયો તથા પંથો અને એવી બીજી ધાર્મિક સંસ્થાઓ અંતે તો જુલમગારો, શોષણખોરો, સ્થાપિત હિતો તથા એવા વર્ગોનાં કેવળ ટેકેદારો જ બની રહ્યાં છે. જેમ કે, રાજા સામે બળવો કરવો એને દરેક ધર્મે પાપ લેખાવ્યું છે.’

ભગતસિંઘની ખરી મહાનતા તેમના આવેશ વગરના, વિચારસમૃદ્ધ અને વળતરની અપેક્ષા વગરના બલિદાનમાં છે. ફાંસીએ ચડતાં સુધીની જીવનયાત્રામાં તે ફક્ત અંગ્રેજ સરકારને તમામ અનિષ્ટોનું મૂળ ગણાવીને કે ‘બધા ચોર છે’ કહીને છૂટી ગયા નથી. ભારતીય સામાજિક દૂષણોનાં મૂળ સુધી તે ગયા અને એ વિશે ખોંખારીને લખ્યું. ભ્રષ્ટ રાજનેતાઓ પરના પરચૂરણ હુમલા ટાણે ભગતસિંઘ જેવાની યાદ તાજી કરવામાં આવે ત્યારે તેમાં ભગતસિંઘની સામાજિક સુધારની સમજણને બદલે, કેવળ હિંસક માર્ગનું અવિચારી સમર્થન જણાય છે.

એન્કાઉન્ટર, બહાદુરી અને શરમ
પવારને કોઇ અજાણ્યા માણસ તરફથી પડ્યો તેના કરતાં ઘણા વધારે સંગીન શાબ્દિક તમાચા અત્યાર લગી ગુજરાત સરકારને અદાલતો તરફથી પડ્યા છે. ઇશરત એન્કાન્ટર કેસ એ યાદીનો લેટેસ્ટ ઉમેરો છે. નકલી એન્કાઉન્ટરોના સંગીન અને જામીન ન મળે એવા આરોપસર ગુજરાતના સંખ્યાબંધ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જેલમાં છે અને ઇશરત એન્કાઉન્ટર કેસને કારણે તેમાં કેટલાક વઘુનો ઉમેરો થવાની સંભાવના છે. છતાં, ગુજરાતના મુખ્ય મંત્રીના પ્રેમમાં કેસરીયાં કરી ચૂકેલા ઘણા લોકોને આ બાબતે કશું શરમાવાપણું લાગતું નથી.

સૌ જાણે છે કે મોટા ભાગનાં એન્કાઉન્ટરમાં મૂઠભેડ નહીં, પણ પકડાયેલા ગુનેગારની ઠંડા કલેજે હત્યા થાય છે. તેમ છતાં, આ હત્યાઓને મોટા પાયે લોકસમર્થન મળે છે. કારણ કે લોકો માને છે કે દેશમાં ગુનેગારો પૈસાના જોરે અને રાજકીય વગના જોરે છટકી જાય છે. તેમનો ન્યાય તોળાતો નથી. ધરપકડ થાય તો સજા થવામાં વર્ષો નીકળી જાય છે. ગુનો કરનાર પર દાખલો બેસે એવી સજાઓ થતી નથી. એના કરતાં પોલીસ હાથે ચડેલા ગુંડાને પૂરા કરી નાખે તો એમાં ખોટું શું છે? આ પ્રકારની રજૂઆતો નકલી એન્કાઉન્ટરના સમર્થકો દ્વારા થાય છે.

આ સીધી-સ્પષ્ટ સમજૂતીમાં કેટલીક વાતો કોઇ ખરાઇ કે ચર્ચા વિના સ્વીકારી લેવામાં આવે છે. જેમ કે, એન્કાઉન્ટરમાં મરનારા બધા ત્રાસવાદી ન હોય તો પણ ગુંડા તો હોય જ છે. જે લોકો બીજાના માનવ અધિકારની ચિંતા ન કરતા હોય, તેમના માનવ અધિકારની ચિંતા શા માટે કરવી જોઇએ? તેમનાં એન્કાઉન્ટર કરનારા પોલીસ કે એ કરાવનારા સત્તાધીશો, એ લોકો ન્યાયતંત્રની મર્યાદા સમજીને કેવળ સમાજનો ભાર ઓછો કરવાના શુભ આશયથી, ધર્મના ભેદભાવ રાખ્યા વિના એન્કાઉન્ટર કરાવે છે. ટૂંકમાં, જે કામ ન્યાયતંત્ર કરી શકતું નથી, એ કામ પોલીસ અને થોડા ‘હિંમતબાજ’- ન ગાંઠનારા નેતાઓ કરી બતાવે તો નેતાઓની મક્કમતાનાં અને પોલીસ અફસરોની બહાદુરીનાં-કર્તવ્યનિષ્ઠાનાં વખાણ ન થવાં જોઇએ?

પવારનો લાફો હોય કે સોરાબુદ્દીન-કૌસરબી-તુલસી-ઇશરત જેવાંનાં એન્કાઉન્ટર, આગળ જણાવેલા ખ્યાલના પ્રચારકો માટે તેમાં કશું વિચારવાપણું હોતું નથી. નેતાઓ પોતાની મજબૂત છબી માટે કે આભાસી સલામતી ખાતર કે ખંડણી ઉઘરાવવા નકલી એન્કાઉન્ટરો કરાવી શકે, પોલીસ અફસરો નેતાઓને વહાલા થવા ખાતર કે ગેંગવોરમાં કોઇ એક ગેંગના પક્ષે રહીને આડેધડ એન્કાઉન્ટર કરી શકે, એન્કાઉન્ટરમાં મરતાં ગુંડામાંથી કેટલાક ગુનાખોરીના વૃક્ષની ડાળીઓ જેવાં હોય ને નેતા-પોલીસની સાંઠગાંઠરૂપી થડ અડીખમ ઊભું હોય- એવી અનેક વાસ્તવિક શક્યતાઓ એન્કાઉન્ટરના સમર્થકો જોઇ શકતા નથી અથવા કોઇ નેતા પ્રત્યેના સ્વાર્થી કે ભોળપણયુક્ત અહોભાવમાં તે જોવા માગતા નથી. ‘ગુંડો માત્ર, એન્કાઉન્ટરને પાત્ર’ એવી તેમની સમજણમાં ગુંડાની વ્યાખ્યા કોણ કરે, એવા મહત્ત્વના સવાલ અંગે વિચારવાની કે તેની પાછળ ખેલાતી રાજરમતો અંગે શંકા કરવાની જરૂર તેમને લાગતી નથી.

સવાલ ફક્ત ગુજરાતમાં થતાં એન્કાઉન્ટરનો નથી. છતાં, ગુજરાતની વાત નીકળે એટલે ‘તટસ્થતા’ની દુહાઇઓ આપીને બીજાં રાજ્યોના દાખલા દેવા દોડી આવતા અને ગુજરાતના મુખ્ય મંત્રીની વાત નીકળે એટલી વાર બીજા રાજ્યોની- કે કેન્દ્રની બીજા પક્ષની સરકારોની વાત લઇ આવતા બિલ્લાધારકો એટલું વિચારતા નથી કે ગુજરાતમાં રહેનારે સૌથી પહેલાં અને સૌથી વિશેષ ઘરની- પોતાના રાજ્યની ચિંતા કરવાની હોય. પરંતુ બીજાને કોંગ્રેસી કે સ્યુડો-સેક્યુલર કે ગુજરાતવિરોધી ઠરાવવાના ઉત્સાહમાં બેશરમ થઇને મુખ્ય મંત્રીની ફેનક્લબના માનદ્‌ હોદ્દેદાર બની જનારા પાસેથી આવા પ્રમાણભાનની અપેક્ષા શી રીતે રાખી શકાય?

ગુજરાત હોય કે દિલ્હી, રાજ્ય હોય કે કેન્દ્ર, તમાચો હોય કે એન્કાઉન્ટર, પ્રમાણભાન અંગે શક્ય એટલી સ્પષ્ટતા થતી રહે, તો એ પણ પ્રમાણભાન હાંસલ કરવાની દિશામાં શરૂઆત તરીકે ખોટું નથી.

Sunday, November 27, 2011

અડધી સદીની કાર્ટૂનયાત્રા પછી કુટ્ટીની વિદાય


ભારતમાં આર.કે.લક્ષ્મણ કાર્ટૂનનો પર્યાય ગણાય છે. કાર્ટૂનજગતના અમિતાભ બચ્ચન જ કહો. કાર્ટૂનકળામાં એકથી દસ નંબર સુધી લક્ષ્મણનું નામ મૂકવું પડે, એવું ઘણા લોકો અને ખુદ લક્ષ્મણ પણ માનતા હતા. ઊંચી ગુણવત્તા ઉપરાંત ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ જેવા માતબર રાષ્ટ્રિય અખબારમાં દાયકાઓ સુધી અવિચળ સ્થાન મળવાને કારણે લક્ષ્મણ જીવતેજીવ દંતકથા સમા કાર્ટૂનિસ્ટ બની રહ્યા છે. તેમના સર્જન ‘કોમનમેન’નું પૂતળું મુકાવાથી માંડીને કોમનમેનના કોટમાં કેટલાં ચોખંડાં છે એની પર સટ્ટો રમાવા સુધીનો લક્ષ્મણનાં કાર્ટૂનનો વ્યાપ છે. વડાપ્રધાનોથી અંગ્રેજી અખબારના સામાન્ય વાચકો સુધી અને લક્ષ્મણનાં કાર્ટૂન પરથી બનેલી સિરીયલ ‘વાગલેકી દુનિયા’ના દર્શકો સુધી તેમનો દબદબો પથરાયેલો છે. દૂરદર્શન યુગની ‘વાગલેકી દુનિયા’ના દોઢ-બે દાયકા પછી ફરી એક વાર ‘આર.કે.લક્ષ્મણકી દુનિયા’ સિરીયલ સ્વરૂપે લક્ષ્મણનાં કાર્ટૂન માઘ્યમાંતર પામીને આવી રહ્યાં છે.

લક્ષ્મણ-મહિમાનું અતિશયોક્તિ વગરનું વર્ણન કર્યા પછી કહેવાનું એટલું જ કે એ બઘું સાચું હોવા છતાં, ‘કાર્ટૂન એટલે લક્ષ્મણ’ એ લોકપ્રિય સમીકરણ સાચું નથી. આઝાદી પહેલાં અને પછીના ભારતમાં સંખ્યાબંધ ઉત્તમ કાર્ટૂનિસ્ટ પાક્યા છે. ઘણા ભારતીય કાર્ટૂનિસ્ટોના ગુરૂપદે રહેલા કાર્ટૂનિસ્ટ શંકર (પિલ્લઇ)થી શરૂ કરીને વિજયન્‌, અબુ અબ્રાહમ, રાજિન્દર પુરી, સુધીર દર,  મારિઓ મિરાન્ડા, ઉન્ની, કેશવ, રવિશંકર, સુધીર તેલંગ, જન્મે ગુજરાતી એવા મુંબઇના હેમંત મોરપરિઆ..આ યાદી હજુ ઘણી લાંબી થઇ શકે એમ છે અને આ તમામ કાર્ટૂનિસ્ટોનું કામ અવ્વલ દરજ્જાનું છે. તેમનું નામ લક્ષ્મણ જેટલું જાણીતું ભલે ન લાગે, પણ તેમના કામની ગુણવત્તા અને તેનો વ્યાપ-વિસ્તાર-જથ્થો ઘ્યાનમાં લેતાં ‘કાર્ટૂન એટલે લક્ષ્મણ’ એ સમીકરણ કેટલું ખોટું છે એ સમજાઇ શકે છે.

ભારતના પ્રતાપી, સિનિયર અને લક્ષ્મણના સમકાલીન કાર્ટૂનિસ્ટોમાં માનભર્યું સ્થાન ધરાવતા કુટ્ટી/Kuttyનું ગયા મહિને અવસાન થયું. ૫૭ વર્ષની લાંબી કાર્ટૂન કારકિર્દી ધરાવતા કુટ્ટીની કમાલ એ હતી કે તે જન્મ્યા કેરળમાં (૪-૯-૧૯૨૧), કારકિર્દીનો મોટો ભાગ દિલ્હીમાં રહ્યા અને તેમનાં મોટા ભાગનાં કાર્ટૂન બંગાળી ભાષામાં છપાયાં. કારણ કે એમનાં કાર્ટૂન એ ટુચકા જેવા લાંબા લખાણની ઉપર દોરેલાં ચિત્રો નહીં, પણ ચોટદાર દૃશ્યાત્મક રમુજનાં ઉત્તમ ઉદાહરણ હતાં. ભાષાનો તેમાં ઓછામાં ઓછો ઉપયોગ થતો. એટલે બંગાળી આવડતું ન હોવા છતાં, તે કાર્ટૂનિસ્ટ તરીકે બંગાળમાં એટલા જાણીતા બન્યા કે તેમની કારકિર્દીનાં પચાસ વર્ષ નિમિત્તે એક મલયાલી પત્રકારે લખ્યું હતું, ‘બંગાળમાં ત્રણ મલયાલીઓ અત્યંત જાણીતા છેઃ આદિ શંકર(શંકરાચાર્ય), શંકર (ઇએમએસ) નામ્બુદ્રિપાદ અને શંકરન્‌ (પીકેએસ) કુટ્ટી.’
પત્તાના બાદશાહ જેવા ખોખલાં પાત્રો અને 'એલિસ' તરીકે ઇન્દિરા ગાંધી/ Kutty

કેરળના ‘માતૃભૂમિ’ અખબાર જૂથના ‘વિશ્વરૂપમ્‌’ સામયિકમાં ૧૯ વર્ષની ઉંમરે કુટ્ટીએ કાર્ટૂન દોરવાની- અને તેમાંથી કમાણીની- શરૂઆત કરી. સરદાર પટેલ અને માઉન્ટબેટનની સાથે દેશી રાજ્યોના વિલીનીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મલયાલી અફસર વી.પી.મેનન કુટ્ટીના કૌટુંબિક સગા હતા. તેમની સાથે દિલ્હીમાં (૧૯૪૦માં) થયેલી મુલાકાત પછી મેનને કુટ્ટીને કાર્ટૂનના નમૂના મોકલવા કહ્યું. એ વખતે દિલ્હીમાં કાર્ટૂનિસ્ટ તરીકે શંકરનો દબદબો હતો.  એ જમાનામાં ફક્ત પત્રકારોને સરકાર તરફથી એક્રેડીટેશન (માન્યતાપત્ર) મળતું હતું, ત્યારે આ માન્યતા મેળવનાર શંકર પહેલા અને એ સમયે એકમાત્ર  કાર્ટૂનિસ્ટ હતા. જવાહરલાલ નેહરૂ જેવા નેતાઓ સાથે તેમના ઘનિષ્ઠ સંબંધ હતા.

જવાહરલાલને કોંગ્રેસના મુખપત્ર તરીકે શરૂ કરેલા પોતાના અખબાર ‘ધ નેશનલ હેરલ્ડ’ માટે એક કાર્ટૂનિસ્ટની જરૂર હતી. તેમણે શંકરને વાત કરી. શંકરે વી.પી.મેનનની ભલામણથી કુટ્ટીનું કામ જોયું અને તેમને તાલીમ આપીને તૈયાર કરવાનું સ્વીકાર્યું. યુવાન કુટ્ટી ગુરૂશિષ્ય પરંપરા પ્રમાણે શંકરને ઘેર જતા, ત્યાં જમતા, તેમના બાળકો સાથે રમતા અને કાર્ટૂનકળાના પાઠ પણ શીખતા. કુટ્ટીએ ૨૦૦૯માં પ્રકાશિત થયેલી આત્મકથા ‘યર્સ ઓફ લાફ્‌ટરઃ રેમિનિસન્સિસ ઓફ એ કાર્ટૂનિસ્ટ’/ Years of Laughter: Reminiscences Of a Cartoonist માં નોંઘ્યું છે કે ‘જીવનમાં હું ફક્ત બે જણથી બીતો હતોઃ એક મારા પિતા અને બીજા શંકર. એમના મૃત્યુ સુધી મારા મનમાં એ બન્ને માટેની બીક રહી.’

દિલ્હીમાં રહેતા કુટ્ટી ટપાલ દ્વારા લખનૌ ‘નેશનલ હેરલ્ડ’ માટે કાર્ટૂન મોકલતા હતા. થોડો સમય તે લખનૌ જઇને પણ રહ્યા અને ત્યાં ‘કોફીહાઉસ પર્સનાલિટી’ (બૌદ્ધિકોમાં વિખ્યાત જણ) તરીકે જાણીતા થયા. ‘નેશનલ હેરલ્ડ’ પછી કુટ્ટીનો મુકામ મુંબઇનું ‘ધ ફ્રી પ્રેસ જર્નલ’ હતો. બીજાં છાપાંમાં એક કાર્ટૂનિસ્ટનાં ફાંફાં હતાં, ત્યારે એસ.સદાનંદના તંત્રીપદે નીકળતા ‘ફ્રી પ્રેસ’માં બાળ ઠાકરે સહિત ત્રણ-ત્રણ કાર્ટૂનિસ્ટ હતા અને કુટ્ટી તેમાં ચોથા ઉમેરાયા. પગાર મહિને રૂ.૩૦૦ , જે એ જમાના પ્રમાણે માતબર ગણાય. તંત્રી સદાનંદ એવા ઘૂનકીવાળા કે કુટ્ટી પહેલો પગાર લેવા ગયા ત્યારે તેમને રૂ.૩૦૦ને બદલે રૂ.૩૫૦ મળ્યા. કારણ પૂછતાં ખબર પડી કે ‘સાહેબે (સદાનંદે) તમારો પગાર વધારી દીધો છે.’ આઝાદી પહેલાંના એ સમયમાં પણ કુટ્ટીએ લખ્યું છે કે ‘હું મરાઠી નહીં, પણ કેરળનો હતો - છતાં મારાં કાર્ટૂન નિયમિત પ્રગટ થવા લાગ્યાં, એ વાતે બાળ ઠાકરેને વાંધો પડ્યો હોય એવું જણાતું હતું.’ એક વર્ષના મુંબઇનિવાસ દરમિયાન આ જ અખબારમાં એ. એફ. એસ. (બોબી) તાલ્યારખાન રમતગમતનું પાનું સંભાળતા અને કુટ્ટીએ (એમના દાવા પ્રમાણે) ભારતમાં પહેલી વાર સ્પોર્ટ્‌સ કાર્ટૂન શરૂ કર્યાં.

છૂટીછવાયી કામગીરી પછી ૧૯૫૧થી મલયાલી કાર્ટૂનિસ્ટ કુટ્ટીનો બંગાળી પ્રકાશનો સાથેનો વિશિષ્ટ નાતો શરૂ થયો, જે છેક ૧૯૯૭ સુધી ચાલ્યો. સૌથી લાંબા સમય (૧૯૫૧-૧૯૮૬) સુધી તેમણે આનંદબજાર પત્રિકા જૂથનાં પ્રકાશનોમાં અને ત્યાર પછી બંગાળી અખબાર ‘આજકાલ’ માટે કાર્ટૂન દોર્યાં. કાર્ટૂનિસ્ટ તરીકેની ૫૭ વર્ષની (૧૯૪૦-૧૯૯૭) સુધીની કારકિર્દીમાં ‘શંકર્સ વીકલી’ સહિત બીજાં અંગ્રેજી પ્રકાશનો અને નામી અખબારો માટે પણ સમાંતરે કાર્ટૂન દોરવાનું તેમણે ચાલુ રાખ્યું. એક સમયે તેમના ગુરૂ શંકરની શૈલીનો તેમની પર એવો પ્રભાવ હતો કે તે શંકરે આપેલા આઇડીયા પર કાર્ટૂન દોરતા હોવાનું કહેવાતું હતું. પોતાની પ્રતિભાના બળે તે આ છાપમાંથી બહાર નીકળી શક્યા.

કુટ્ટીનાં કાર્ટૂન અને વ્યંગચિત્રો (કેરિકેચર)ની વિશિષ્ટતા હતીઃ ઓછામાં ઓછી છતાં સચોટ અને અસરકારક રેખાઓ. તેમનાં કાર્ટૂનમાં શબ્દોનું-લખાણનું મહત્ત્વ સાવ ઓછું અને દૃશ્યાત્મક રમૂજનું પ્રમાણ સૌથી વધારે રહેતું. કાર્ટૂનની સર્જનપ્રક્રિયા વિશે તેમણે આત્મકથામાં લખ્યું હતું,‘આઇડીયા વિશે વિચાર કરતી વેળા હું આડાંઅવળાં ચિતરામણ (ડૂડલિંગ) કરતો. એમાં ને એમાં મોટે ભાગે, મને અગાઉ કલ્પના પણ ન આવી હોય એવો કોઇ  આઇડીયા ટપકી પડતો ને હું કાર્ટૂન દોરવા બેસી જતો.’ જવાહરલાલ નેહરૂથી સોનિયા ગાંધી સુધીનો જમાનો દોરનાર રાજકીય કાર્ટૂનિસ્ટ કુટ્ટીએ લખ્યું હતું, ‘કોંગ્રેસના મોટા ભાગના ટોચના નેતાઓ રૂઢિચુસ્ત હતા. એમનું ચાલ્યું હોત તો અમને આઝાદ ભારતમાં જે મોકળાશ મળી તે કદી શક્ય બની ન હોત. તેમાંથી ઘણા તો કાર્ટૂનો પર પ્રતિબંધ મૂકવાના મતના હતા. પરંતુ નેહરુ કાર્ટૂનિસ્ટોના પ્રબળ સમર્થક હતા. કાર્ટૂન પ્રત્યેના વિરોધને તે મોટે ભાગે હસી કાઢતા હતા.’ કુટ્ટીના ગુરૂ શંકરને ‘ડોન્ટ સ્પેર મી, શંકર’ (મને છોડતા નહીં, શંકર) કહેનારા નેહરૂને લીધે કાર્ટૂનિસ્ટોને અભયારણ્ય મળ્યું. આ હકીકત, નેહરૂ પ્રત્યે નીચો અભિપ્રાય- અને એ માટેનાં કારણો- ધરાવનાર કુટ્ટીએ ભારપૂર્વક નોંધી છે.
(ડાબેથી) સરોજિની નાયડુ, ડો.આંબેડકર, લોર્ડ માઉન્ટબેટન, ગુલઝારીલાલ નંદા, રામમનોહર લોહિયા, આચાર્ય કૃપલાણી, શ્યામાપ્રસાદ મુખર્જી

કુટ્ટીએ કાર્ટૂનગુરૂ શંકરના ‘શંકર્સ વીકલી’ના ઉદ્‌ઘાટન સમારંભમાં ચાહીને આવનારા વડાપ્રધાન નેહરૂના જમાનાથી, ‘શંકર્સ વીકલી’ બંધ થવા માટે કારણભૂત બનેલી કટોકટી લાદનાર નેહરૂપુત્રી ઇંદિરા ગાંધીનો, રાજીવનો અને છેલ્લે સોનિયા ગાંધીનો જમાનો પણ જોયો. છેલ્લાં વર્ષોમાં તે અમેરિકા રહેતા હતા, ત્યારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા. ‘આજકાલ’(કલકત્તા)ના સંચાલકોએ કુટ્ટીને અમેરિકા ફોન કરતાં માલૂમ પડ્યું કે એ અફવા હતી. કુટ્ટીએ આ અફવા ખોટી પાડવા માટે લસરકાથી પોતાની લાગણી વ્યક્ત કરી અને પોતાનું તાજું કેરિકેચર છાપવા માટે મોકલી આપ્યું (જે આ લેખ સાથે મૂક્યું છે). તેની સાથે મોકલેલી હળવી નોંધમાં તેમણે લખ્યું હતું કે ‘બંગાળ અને કેરળમાં માણસ મરી જાય પછી મોટો દેખાડો કરવામાં આવે છે...પણ અફસોસ. હમણાં હું મૃત્યુ પામ્યો ત્યારે મને કોઇ જાતનાં માનસન્માન મળ્યાં નહીં.’

ઓક્ટોબર ૨૨, ૨૦૧૧ના રોજ આવેલા કુટ્ટીના મૃત્યુના સમાચાર અફવા ન હતા. પરંતુ અફવાની જેમ તેમના મૃત્યુના સાચા સમાચારને પણ મુખ્ય ધારાનાં પ્રસાર માઘ્યમોમાં ખાસ મહત્ત્વ મળ્યું નહીં. રાજકીય કાર્ટૂનની ભારતીય પરંપરામાં ‘કાર્ટૂન એટલે લક્ષ્મણ’થી આગળ વધવા માગનાર કોઇને પણ એ સફરમાં કુટ્ટીનાં કાર્ટૂન મળી આવશે.

Wednesday, November 23, 2011

મારો ધર્મ મારો ધર્મ બને એ મારો ધર્મ છે : ફાધર વાલેસ

સ્કેચ કરતાં આવડતું હોય તો કેટલી ઓછી રેખાઓમાં બની જાય એવો ચહેરો
Father Valles, Ahmedabad, 21 Nov. 2011

વચ્ચે બેઠેલા ફાધર વાલેસ/Father Valles સાથે (ડાબે) રઘુવીર ચૌધરી, (જમણે) ગુર્જર ધર્મસભાના વડા, છેક જમણા છેડે પુસ્તકના એક સંપાદક ફાધર વર્ગીસ પોલ અને બીજા છેડે બીજા સંપાદક નવીન મેકવાન

સોમવારે (21-11-11) સાંજે ફાધર વાલેસના મુખ્ય મહેમાનપદે ‘વિકાસના હમસફર’ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ હતો. ગુજરાતના વિકાસમાં ખ્રિસ્તીઓના પ્રદાન અંગેના આ પુસ્તકના સંપાદકો છેઃ ફાધર વર્ગીસ પોલ અને નવીન મેકવાન. ફાધર વાલેસે પુસ્તકનું વિમોચન કર્યું અને પચીસેક મિનીટ પ્રવચન કર્યું (જે શુક્રવારના તેમના વક્તવ્ય કરતાં ચડિયાતું લાગ્યું.)

‘અંગ્રેજી અને સ્પેનિશ કરતાં વધારે પુસ્તકો ગુજરાતીમાં લખનાર’ ફાધરના પ્રવચનના મુદ્દાઃ

 • ધર્મ, પુસ્તક અને ભારત- આ ત્રણે મારા પ્રિય વિષયો છે અને આ પુસ્તકમાં એ ત્રણે ભેગા થયા છે. ‘ધર્મ’ શબ્દ સાથે મારી તકલીફ છે. હું ગુજરાતી શીખતો હતો ત્યારે (‘ધર્મ’ શબ્દને લીધે) મારી કફોડી સ્થિતિ થઇ. કઇ રીતે? ભાષા શીખવાનું પહેલું હથિયાર છે શબ્દકોશ. કયો શબ્દ કોશ? ગુજરાત વિદ્યાપીઠનો સાર્થ જોડણીકોશ. વીસ રૂપિયાનો. ગુજરાતી ભાષા શીખવા માટે ગુજરાતી-અંગ્રેજી કે અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ નકામો. દરેક વખતે અહીંથી યુરોપ જવું પડે (દરેક ગુજરાતી શબ્દનો અર્થ અંગ્રેજી શબ્દના સંદર્ભમાં સમજવો પડે) એ ઠીક નહીં.
 • ગુજરાતી વાંચતાં વાંચતાં પ્રાણીઓ અને તેમનાં લક્ષણો વિશે જોતો હતો. તેમાં એક વાક્ય આવ્યું ‘ગાયનો ધર્મ દૂધ આપવાનો છે.’ મને થયું કે આ વાક્યનો અર્થ ‘રિલિજીયન ઓફ કાઉ’ એવો તો ન જ થાય. ગાયના ગુણ ઘણા છે, પણ એનો ‘રિલિજીયન’? એટલે (હું સમજ્યો કે) ગાયનો ધર્મ એટલે તેનો સ્વભાવ, પ્રકૃતિ, શક્તિ, જણાય-દેખાય-ઉપયોગી થાય તે. ફક્ત રિલિજીયન નહીં, પણ ડ્યુટી. ધર્મના ગુંચવાડા દૂર કરવા માટે મેં એક વાક્ય બનાવ્યું હતું, જેમાં ધર્મના ત્રણે અર્થ આવતા હતા. એ વાક્ય હતું, ‘મારો ધર્મ મારો ધર્મ બને એ મારો ધર્મ છે.’ તેનું અંગ્રેજી થાયઃ My religion that becomes my nature is my duty.` એટલે ધર્મના ત્રણ અર્થ એક જ વાક્યમાં થાયઃ રિલિજીયન, નેચર અને ડ્યુટી. ધર્મ એટલે ફક્ત કાયદાઓ, આજ્ઞાઓ, બહારથી આવેલું વજન નહીં, પણ જે સ્વાભાવિક અને નૈસર્ગિક થઇ જાય એ જ મારો ધર્મ. તો જ એ સરલ અને સહજ બને. કબીરનું વચન મારા મનમાં બેસી ગયું હતું, ‘સહજ સમાધિ ભલી.’ ધર્મ-પ્રાર્થનામાં બહુ સાધના-તપશ્ચર્યા કરીએ એને કરતાં ખરો ધર્મ હૃદયમાંથી નીકળે, પ્રકૃતિમાં આવે, એ ઉપરથી નહીં, અંદરથી આવેલું જોઇએ. એ રીતે અર્થ કરતાં ધર્મમાં આખું જીવન આવી શકે.
 • ફાધરે માર્મિક રીતે કહ્યું કે આ પુસ્તકની ટેગલાઇન ‘ગુજરાતના વિકાસમાં ખ્રિસ્તીઓનું પ્રદાન’ એ વાક્યમાં ‘વિકાસ’ પહેલાં છે અને ‘ખ્રિસ્તીઓનું પ્રદાન’ પછી. ‘વિકાસ’ એટલે આગળ, ઉપર, વધારે. (ફાધર છેલ્લાં થોડાં વર્ષથી ગુજરાતમાં રહેતા હોત તો તેમણે વિકાસની થોડી વધુ વ્યાખ્યાઓ પણ આપી હોત.) ફાધરોને માટે મુદ્રાલેખ છે, ‘જે કર્યું છે તે સારું છે, પણ હજુ વધારે. બેસી રહેવાનું નથી. સંતોષ પૂરતો નથી. એટલે આ લખાણ જોઇને મને આનંદ થયો.
 • ‘ધર્મોના સંઘર્ષો પણ છે અને ગેરસમજણો પણ છે. પણ હવે બધા ડાહ્યા થઇ રહ્યા છે.’ એવો ઉલ્લેખ કરીને ફાધરે કાકાસાહેબ કાલેલકરને યાદ કર્યા અને કહ્યું કે તેમણે ‘સર્વધર્મસમભાવ’ પછી ‘સર્વધર્મમમભાવ’ શબદ આપ્યો. બધા ધર્મોમાં જે સારું છે એ મારું છે. એ સ્વીકારીએ, અપનાવીએ તો બધા ભેગા થઇને ઉપર જઇ શકીએ. ધર્મ બધી રીતે ઉપકારક છે, પણ ઇતિહાસમાં ધર્મના નામે અધર્મ ઘણો થયો છે. રાજકારણ સાથે, દેશો-દેશો વચ્ચેની ગેરસમજણો સાથે તેનો સંબંધ આવી જાય છે. ધર્મ ને રાજકારણ બધું ભેગું થાય તો નુકસાન થાય.
 • ફાધર ટોની (એન્થની) ડીમેલોનાં લખાણની યાદ અપાવે એવો એક દાખલો ફાધર વાલેસે આપ્યોઃ આયર્લેન્ડમાં અમુક કામ માટે ફોર્મ ભરવાનાં હતાં. ત્યાં પ્રોટેસ્ટન્ટ અને કેથલિક એમ બન્ને પ્રકારના ખ્રિસ્તીઓ છે. ફોર્મમાં બધાએ નામ, સરનામું, ઉંમર, ધર્મ બધું લખવાનું હતું. એક જણે ફોર્મમાં ધર્મની સામે લખ્યું ‘નાસ્તિક.’ બરાબર છે. તેમને કહેવામાં આવ્યું, ‘આવું લખવાનો તમારો અધિકાર છે, પણ એ તો કહો? તમે નાસ્તિક એટલે કેથલિક નાસ્તિક કે પ્રોટેસ્ટન્ટ નાસ્તિક?’
 • ફાધરે ધર્મ અને પરમતત્ત્વમાં શ્રદ્ધાનો પણ મહિમા કર્યો અને કહ્યું કે ચર્ચમં, મંદિરમાં દિલથી ભગવાનનું નામ લેવાનું, જે કરો તે શ્રદ્ધા, લાગણીથી, દિલથી કરવાનું. અમે તો ન્રમતાથી પણ વિશ્વાસથી કહીએ, ‘આવીએ ભગવાન પાસેથી, જઇએ ભગવાન પાસે.’
 • ફાધરે હળવાશથી કહ્યું, ‘પુસ્તક લખવાં એ મારો ધંધો છે.’ બાજુમાં બેઠેલા રઘુવીર ચૌધરીએ સુધાર્યું, ‘ધંધો નહીં, ધર્મ’. એટલે ફાધરે કહ્યું, ‘ધર્મ તો ખરો પણ ડ્યુટી, રિલીજીયન કે નેચર?’ પછી જાતે જ કહ્યું, ‘એ મારે સ્વભાવ બને તે સૌથી ઉત્તમ. જોર કરીને પુસ્તક લખવાનાં નહીં. મનમાંથી આવે તે આવવા દેવાનું. ગુજરાતીમાં સરસ પ્રયોગ છેઃ બોલાઇ ગયું, લખાઇ ગયું. આટલાં પુસ્તક લખાઇ ગયાં એ સંતોષ લઇને હું જઇશ.’

રઘુવીર ચૌધરીએ પરદેશમાં સ્વામિનારાયણ (બાપ્સ) દ્વારા ખરીદાયેલાં કેટલાંક ચર્ચોની વાત કરીને કહ્યું કે ‘એ કેટલી મોટી ઘટના છે? પણ ચિંતા નથી. કારણ કે સ્વામિનારાયણે લીધેલાં ચર્ચોમાં પણ ધર્મસ્થાન જ રહ્યાં છે. (ખરીદાયેલા ચર્ચની જગ્યાએ) બજાર બને તો ચિંતા થાય. ‘અજ્ઞેય’ને યાદ કરીને અને તેમને ટાંકીને રઘુવીરભાઇએ કહ્યું, ‘ઇસ્લામના આક્રમણકારીઓએ ધર્મસ્થાન તોડ્યાં છે, પણ ત્યાં શરાબખાનાં નહીં, ધર્મસ્થાન જ બનાવ્યાં છે એવું અજ્ઞેયજીએ કહ્યું હતું. ચુસ્ત હિંદુઓને આઘાત લાગે એવી વાત છે. પણ અજ્ઞેય વેદાંત અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી હતા. તેમણે આ વાતને આ રીતે જોઇ.’

ખ્રિસ્તી ધર્મસંસ્થા દ્વારા નગરોમાં અપાયેલી શિક્ષણસુવિધાની પ્રશંસા કરતાં કહ્યું કે ખ્રિસ્તી ધર્મનો વિરોધ કરનારાનાં બાળકો પણ ત્યાં ભણતાં હતાં. ‘સેન્ટ ઝેવિયર્સ કોલેજ’ના વિદ્યાર્થી તરીકે પોતાનો ઋણભાવ પ્રગટ કરીને રઘુવીરભાઇએ કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં પણ આરોગ્ય અને શિક્ષણને લગતું ઉત્તમ કામ થયું.

રઘુવીરભાઇના પ્રવચનમાં તેમની વિખ્યાત શૈલી (સામે બેઠેલામાંથી બે-ચાર જણને ઉદ્દેશીને કંઇક ટીપ્પણી કરવી) તો હોય જ (જેના નમૂના અહીં આપવાની જરૂર નથી.) સાથે કટાક્ષ પણ ખરા. ‘ખ્રિસ્તી પાદરીઓએ ગુજરાતી ભાષામાં અને વ્યાકરણમાં આપેલા પ્રદાન વિશે અધ્યાપકો તો જાણતા જ હશે’ એમ કહીને એમણે ચોખવટ કરી કે ‘જે વાંચતા હોય એવા અધ્યાપકોની વાત કરું છું.’ બાઇબલના ગુજરાતી અનુવાદને ‘બહુ મોટું કામ’ ગણાવીને તેમણે બાજુમાં બેઠેલા ફાધરને પૂછ્યું, ‘તમે એમાં મદદ કરતા હતા?’ ફાધરે હાવભાવથી હકાર ભણ્યો, એટલે રઘુવીર ચૌધરી ઉવાચ ‘કરે જ ને. ક્યાં જાય... પણ એ અનુવાદથી ગુજરાતી ભાષા ધન્ય થઇ.’ એક સમયે અંગ્રેજી મિડીયમની સ્કૂલો એટલે મિશનરી સ્કૂલ, એવી સમજણ હતી. પણ હવે રઘુવીરભાઇએ કહ્યું તેમ, ‘જેમને અંગ્રેજી આવડતું નથી એવા લોકો અંગ્રેજી સ્કૂલો ખોલીને બેસી ગયા છે, તમારા (મિશનરીઓના) અનુકરણમાં.’

બટાટાવડા-પ્રધાન

ઇશ્વરની જેમ બટાટાનાં, કે ખાનપાનપ્રેમીઓના મતે બટાટાની જેમ ઇશ્વરનાં, અનેક સ્વરૂપ છે. જેને જે સ્વરૂપ ભાવે-ફાવે-સદે-પચે, એ સ્વરૂપને તે ભજેઃ બટાટાનાં જુદાં જુદાં શાક, ફ્રેંચ ફ્રાય કહેવાતી ચીપ્સ, કાતરી, વેફર, શેકેલા ‘બાર્બેક્યુ’ બટાટા, બટાટાની સેવો, બટાટાના પાપડ, બટાટાનાં ભજીયાં, બફ, બટાટાવડાં...

ઇશ્વરની બાબતમાં ‘સર્વધર્મસમભાવ’ સેવતા લોકો કરતાં બટાટાની સર્વ વાનગી માટે સમભાવ રાખનારાની સંખ્યા ઘણી વધારે છે. ઘણા લોકો ઇશ્વરની જેમ બટાટામાં- એટલે કે બટાટા ખાવામાં- બિલકુલ માનતા નથી.પરંતુ એવા બટાટા-નાસ્તિકોને લીધે બટાટાનો ઇશ્વરીય દરજ્જો દૃઢ થાય છે, એમ કહેવામાં ખોટું નથી. બટાટાની લીલાનો આટલો વિસ્તાર જોતાં, લગભગ દરેક વિષયોમાં અઘ્યાપકો કે જગ્યાની પરવા રાખ્યા વિના યુનિવર્સિટીઓ ખોલી નાખનાર ઉત્સાહી રાજ્ય સરકારે હજુ સુધી ‘બટાટા યુનિવર્સિટી’ કેમ ખોલી નથી, એની નવાઇ લાગે છે. ‘વિશ્વની પહેલી અને એક માત્ર-શ્યામાપ્રસાદ મુખર્જી બટાટા યુનિવર્સિટી’ - આ વાંચતાં જ ગુજરાતગૌરવથી રૂંવાડાં ઊભાં નથી થઇ જતાં?

‘બટાટાની કઇ વાનગી સૌથી સારી?’ એવો સવાલ શ્રીકૃષ્ણનું કયું સ્વરૂપ સૌથી સારું, એ પ્રકારનો છે. જેવી જેની શ્રદ્ધા. છતાં, યુનિવર્સિટી ઓફ સાઉથ ઝુમરીતલૈયાના એક અભ્યાસ પ્રમાણે, બટાટાવડાંનું સ્થાન સૌથી વિશિષ્ટ છે. વિખ્યાત નવલકથાકાર અશ્વિની ભટ્ટે એક વાર રમૂજમાં બટાટાવડાંની દુકાન ખોલવાની અને તેનું નામ ‘વડાપ્રધાન’ રાખવાની તોફાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એક જમાનામાં કોંગ્રેસ જેમ કોઇના ટેકા વિના, પોતાના બળે સરકાર રચી શકતી હતી તેમ, બટાટાવડાં એક ટંક ભોજનમાં એકલાં ચાલી જતાં હતાં. નવી પેઢીના લોકોને માત્ર કોંગ્રેસની સરકાર કે જમવામાં એકલાં બટાટાવડાં- બન્ને ખ્યાલ નવાઇભર્યા લાગે છે.

કોઇ પણ વાનગીને તેનાં મૂળ અને સર્જનપ્રક્રિયા થકી તપાસવા ટેવાયેલા લોકો કહેશે, ‘બટાટાવડાં? એમાં કંઇ નથી. એ બનાવવાં બહુ સહેલાં છે. બટાટા બાફી દેવાના. એમાં મસાલો કરવાનો, એના ગોળા બનાવવાના ને ખીરામાં બોળીને તળી કાઢવાના.’ સહેજ વિચારતાં જણાશે કે આ પદ્ધતિથી કોઇ પણ વાનગીની ફરતે રહેલું તેજવર્તુળ કે તેના સ્વાદમાં છૂપાયેલું રહસ્ય ઉતારી પાડી શકાય છે. એટલે જ, ઘણા લોકો આ પ્રકારના જ્ઞાન કે વર્ણનથી પ્રભાવિત થતા નથી. ખાણીપ્રેમીઓના એક વર્ગની ફિલસૂફી વધારે સીધી ને પારદર્શક છે. તેમને સ્વાદ સિવાય બીજા કશામાં રસ પડતો નથી. એટલે તે કહે છે,‘બટાટાવડાં? એમાં કંઇ નથી. દુકાને જઇને કહેવાનું એક અઢીસો બટાટાવડાં. એટલે બે જ મિનીટમાં બટાટાવડાં તૈયાર.’

બટાટાવડાં આરોગવાથી માંડીને મારામારી સુધીના કામમાં લાગે એટલા જુદા જુદા કદમાં મળે છે. કેટલીક દુકાનોનાં બટાટાવડાં જોઇને એવી શંકા જાય કે આ તોપના અવગતે ગયેલા ગોળા તો નહીં હોય? બટાટાવડાંનો દેખાવ બટાટાનાં ભજિયાં જેવો ‘સ્લીમ એન્ડ ટ્રીમ’ નહીં, પણ કોઇ ફિલ્મના ખાસ રોલ માટે વજન વધારનાર હીરો કે હીરોઇન જેવો, હર્યોભર્યો હોય છે. ગોળાઇ, હૃષ્ટપુષ્ટતા, વજન આ બઘું બટાટાવડાની અસ્મિતા ગણાય છે. આઘુનિક બટાટાવડાને ડાયેટિંગ કરીને બટાટાના ‘પતરી’ ભજિયાં જેવા બનવાનું મન થાય છે કે નહીં, એ સંશોધનનો વિષય છે. પણ ઘણા પતરી જેવા માણસો બેફામપણે બટાટાવડા જેવી તળેલી ચીજોનું સેવન કરીને વડા જેવો આકાર ધારણ કરે છે. કમ સે કેમ, તેમના કુટુંબીજનોને તો એવું જ લાગે છે. બટાટાવડાંની ફરાળી આવૃત્તિ જેવાં બફ રંગે, રૂપે, સ્વાદે તેમ આકારમાં પણ પોતાના નાના કદથી જુદાં તરી આવે છે. ભૂખ્યા રહેવા જેવા અઘરા રસ્તે વ્રત-ટાણાં ન કરી શકતા લોકો માટે બફ ઇશ્વરીય દેન જેવાં છે. કારણ કે બફ ખાનારના મનમાં આપોઆપ ઉપવાસી હોવાનો કે અગિયારસ કરી હોવાનો ભાવ પેદા થાય છે. મહત્ત્વ આખરે ભૂખમરાનું છે કે ભાવનું?

આકારની જેમ બટાટાવડાંના સ્વાદમાં ઘણું વૈવિઘ્ય હોય છે. કેટલાંક બટાટાવડાં એટલાં ગળચટ્ટાં હોય છે કે તેમને ચાસણીમાં ઝબોળી દઇએ તો સફેદ (અને બટાટાનાં) ગુલાબજાંબુ તરીકે સહેલાઇથી ખપાવી શકાય. અમુક પ્રકારનાં બટાટાવડાંનો મસાલો એટલો તીખો હોય છે કે સીધાસાદા ખાનારને ‘ભૂલથી મરચાંનાં વડાં તો નહીં આવી ગયાં હોય?’ એવો શક પડે. કેટલાંક ઘરેલુ બટાટાવડાંમાં લીલા મરચાંના ટુકડા, ધાણા કે દ્રાક્ષ શોધી શકાય છે, પણ ચટાકાભર્યો સ્વાદ શોધવાનું અઘરૂં પડે છે. અમુક માણસો જેમ અમુક જ કંપનીમાં ચાલે-નભે (એ સિવાય બહાર ક્યાંય ન ચાલે) તેમ આ પ્રકારનાં બટાટાવડાં કેચઅપ કે ચટણીની કંપનીમાં જ ચાલી શકે છે.

બટાટાવડાંના સ્વાદમાં ભજિયાં જેવું વૈવિઘ્ય કે ચટાકો કે વર્ગભેદની ભાષામાં કહીએ તો ‘ડાઉનમાર્કેટ ટચ’ નહીં, પણ એક પ્રકારનું ઠરેલપણું અને ઘરેલુપણું છે. તેને કેટલાક સ્વાદશોખીનો ફિક્કાશ કહીને ઉતારી પાડતા હોય, તો પણ એ જ ગુણધર્મ બટાટાવડાંને ‘ઘરની આઇટેમ’ જેવી સાત્ત્વિકતા પ્રદાન કરે છે અને તેને ઘરની થાળીમાં માનભર્યું સ્થાન અપાવે છે. ભજિયાં લોકો હોંશે હોંશે ઝાપટે છે ખરા, પણ તેને મુખ્ય થાળીમાં સામેલ થવાનું ગૌરવ ભાગ્યે જ મળે છે.

બમ્બૈયા હિંદીની જેમ કે મુંબઇની શિવસેના-ભાજપ યુતિની જેમ, બટાટાવડાની પાંઉ સાથે યુતિથી રચાયેલું ‘વડાપાંઉ’ સ્વરૂપ પણ ગુજરાતમાં લોકપ્રિય છે. વડાપાંઉના સંયોજનમાં મુખ્ય સ્થાન અને મુખ્ય સ્વાદ વડાંનો છે. છતાં, વડાપાંઉનાં પ્રેમીઓને એકલાં બટાટાવડાંમાં ‘વો બાત’ લાગતી નથી. પાંઉ પર ઉમેરાતી તીખી ચટણીઓ, ગુજરાતની સમૃદ્ધિના પ્રતીકરૂપે કોઇ પણ વાનગીની જેમ વડાપાંઉના પાંઉમાં પણ ઉમેરાતું બટર- આ બધાને લીધે બટાટાવડાંનું, ટેકનોલોજીની પરિભાષામાં,અપગ્રેડેશન થયું હોય એવું લાગે છે. વડાપાંઉ સિલિકોન વેલીમાં શોધાયાં હોત તો તેને કદાચ ‘બટાટાવડાં ૨.૦’ કહેતા હોત અને અમદાવાદમાં મળતાં વડાપાંઉ ‘વડાં ૨.૫’ ગણાયાં હોત.

ગુજરાતમાં બટાટાવડાંને બદલે વડાપાંઉનું ચલણ વધવા લાગ્યું ત્યારે કેટલાક સમાજશાસ્ત્રીઓને તેમાં શિવસેનાના કાવતરાની ગંધ આવી હતી. શું ગુજરાતી વાનગીનાં પ્રતીક જેવાં બટાટાવડાં લોકહૃદયમાંથી તેમનું સ્થાન ગુમાવી દેશે? અને તેના સ્થાને ‘એન્ગ્લોઇન્ડિયન’ વાનગી જેવાં વડાપાંઉ કબજો જમાવી દેશે? પાંઉના વિદેશી કુળ વિશે ઘણા લોકોના મનમાં શંકા જાગી હશે ને બટાટાવડાંની ઓળખ ભૂંસાઇ જવાના સવાલ ઉભા થયા હશે. પરંતુ ચાઇનીઝ ઢોંસા જેવી ક્રાંતિ સામે વડાપાંઉમાં ‘પ્રયોગ’ કે ‘નવીનતા’ ક્યાંથી લાગે? ઉલટું, વડાપાંઉને ‘લારીની આઇટેમ’ ગણી કાઢવામાં આવી. ગુજરાતમાં ફક્ત બટાટાવડાં વેચતી હોય અને સાથે પાંઉ ન રાખતી હોય એવી લારી કે દુકાનો હવે ઓછી થતી જાય છે. મેકડોનાલ્ડ જેવી કંપનીઓએ હજુ સુધી ભજિયાં-બટાટાવડાંમાં ઝંપલાવ્યું નથી કે પિત્ઝા હટની જેમ ‘વડાં હટ’ના ચેઇન સ્ટોર ખુલ્યા નથી. ત્યાં સુધી બટાટાવડાંની રાષ્ટ્રિય ઓળખ સામે કોઇ ખતરો નથી. છતાં સલામતી ખાતર બાસમતી ચોખાની જેમ બટાટાવડાંના પેટન્ટ કરાવી લેવા હોય તો હજુ મોડું થયું નથી.

Tuesday, November 22, 2011

પેટ્રોલિયમના ધંધામાં સરકારની ખોટ વધારે કે આવક?

પેટ્રોલ અને પેટ્રોલિયમ પેદાશોમાં લિટરદીઠ રૂ.૧.૫૦ (વેરા સહિત રૂ.૧.૮૦)ના ભાવવધારા નિમિત્તે શરૂ થયેલી આ સિરીઝ પૂરી થાય તે પહેલાં ૧૬ નવેમ્બરના રોજ પેટ્રોલના ભાવમાં રૂ.૧.૮૫ (વેરા સહિત રૂ.૨.૨૨નો) ઘટાડો કરવામાં આવ્યો છે.

જૂન, ૨૦૧૦થી સરકારે પેટ્રોલની કિંમતો નક્કી કરવાનું કામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સોંપી દીઘું, જ્યારે કેરોસીન-ડીઝલ-એલપીજી ખોટ ખાઇને વેચવાનું ચાલુ રાખ્યું. સમજણ એવી હતી કે ઓઇલ કંપનીઓ ‘બજારનાં પરિબળોને આધીન’, ખોટ ન ખાવી પડે એ રીતે પેટ્રોલના ભાવમાં વધઘટ કરી શકે. એ ગોઠવણ પ્રમાણે, છેલ્લા ૧૭ મહિનામાં થયેલા ૧૦ ભાવવધારા પછીનો આ પહેલો ભાવઘટાડો છે. તેના માટે ઓઇલ કંપનીઓએ ક્રુડના ભાવ અને ડોલર સામે રૂપિયો સ્થિર થવાનાં તથા આંતરરાષ્ટ્રિય બજારમાં પેટ્રોલનો ભાવ ઘટવાનાં કારણ આપ્યાં છે.

સરકારી અંકુશ દૂર થયા પછી ઓઇલ કંપનીઓ દર પખવાડિયે પેટ્રોલના ભાવ અંગે વિચારણા કરે છે અને તેના આધારે આગામી પખવાડિયા માટે પેટ્રોલની કિંમત નક્કી કરવામાં આવે છે. જૂન, ૨૦૧૦માં આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઇલનો ભાવ બેરલ દીઠ ૮૦ ડોલરની આસપાસ હતો, જે છેલ્લા થોડા સમયથી ૧૧૦ ડોલરની આસપાસ ચાલે છે. તેમાં કોઇ મોટો ઘટાડો થયો નથી. ડોલર સામે રૂપિયાનો ભાવ ગગડતાં પડતા પર પાટુ જેવી અસર થઇ છે. જૂન, ૨૦૧૧માં એક ડોલરનો ભાવ રૂ.૪૪.૮૪ હતો, જે નવેમ્બરમાં રૂ.૪૯.૨૮થી રૂ.૫૦.૬૭ની વચ્ચે રહ્યો છે અને ૧૯ નવેમ્બરના રોજ તો રૂ.૫૧ને આંબી ગયો છે.

તેમ છતાં, ૪ નવેમ્બરે પેટ્રોલમાં ‘હિસાબ સરભર કરવા માટે’ કંપનીઓ લિટરદીઠ રૂ.૧.૫૦નો વધારો કરે અને ૧૬ નવેમ્બરે પેટ્રોલમાંથી વધારાની આવક થઇ રહી છે એવું લાગતાં, ફરી હિસાબ સરભર કરવા માટે રૂ.૧.૮૫નો ભાવઘટાડો કરી નાખે, એ ગણિત સમજવું અઘરું છે. તેમાં ગણિત ઓછું ને રાજકારણ વધારે લાગે છે. ઓએનજીસીના ભૂતપૂર્વ ચેરમેન અને ભૂતપૂર્વ પેટ્રોલિયમ સેક્રેટરી જેવા આ ક્ષેત્રના જાણકારોએ અખબારી મુલાકાતોમાં રાજકારણની શક્યતાને ભારપૂર્વક સમર્થન આપ્યું છે.

દરમિયાન, એક ઓઇલ કંપનીના અફસરે કહ્યું છે કે ‘લોકોએ હવે દર પખવાડિયે પેટ્રોલમાં ભાવના ફેરફાર માટે તૈયાર રહેવું પડશે.’ આમ તો, એ જ બજારનો નિયમ છે. એ નિયમ લાગુ પડે તો છેલ્લા પખવાડિયામાં ડોલર સામે રૂપિયાની ઘટેલી કિંમતને લીધે આગામી પખવાડિયામાં પેટ્રોલના ભાવ ફરી વધવા જોઇએ.

બીજાં પરિબળો યથાવત્‌ હોય ને રૂપિયાનો ભાવ ઘટે તેમ છતાં ઓઇલ કંપનીઓ પેટ્રોલનો ભાવ ન વધારે, તેના બે અર્થ થાયઃ ૧) પેટ્રોલના ભાવમાં ઘટાડા અને ત્યાર પહેલાંના વધારા માટે તેમણે આપેલાં કારણમાં અર્ધસત્ય છે. ૨) કંપનીઓ ભાવવધારો કરવા ઇચ્છે છે, પણ રાજકીય દબાણને કારણે તે આટલા ટૂંકા ગાળામાં ફરી ભાવ વધારી શકતી નથી. એટલે કે પેટ્રોલના ભાવ પરનો સરકારી અંકુશ કાગળ પરથી હટી ગયો હોવા છતાં, વાસ્તવમાં તે ચાલુ છે.

ભાવોની વધઘટમાં સરકાર દ્વારા થતું બજાર અને રાજકારણનું સગવડીયું મિશ્રણ દાટ વાળી રહ્યું છે. આ મહિને જે ગાળામાં પેટ્રોલમાંથી વધારાની આવક થતી હોવાનો દાવો કરવામાં આવ્યો, એ જ ગાળામાં ડિઝલમાં ખાવી પડતી ખોટનું પ્રમાણ વઘ્યું હતું. ડિઝલમાં એક લિટર દીઠ અન્ડર રિકવરી રૂ. ૮.૫૮થી વધીને રૂ.૧૦.૧૭ થઇ. અન્ડર રિકવરી એટલે મળવાપાત્ર કિંમત કરતાં ઓછા ભાવે પેદાશો વેચવાથી પડતી ઘટ. આ ઘટ સરકાર, ઓએનજીસી જેવી સરકારી કંપનીઓ અને થોડા હિસ્સે ખુદ ઓઇલ કંપનીઓ ભોગવે છે.

વહીવટ બજારના ન્યાય પ્રમાણે ચાલતો હોત તો, ડીઝલના વેચાણમાં વધેલી અન્ડર રીકવરી (ઘટ) પેટ્રોલમાંથી થતી થોડી વધારાની આવકથી ઘણી હદે સરભર થઇ શકી હોત. વડાપ્રધાન પોતે તમામ પેટ્રોલિયમ પેદાશોના ભાવ પરનો સરકારી અંકુશ ઉઠાવી લેવાના મતના છે. અગાઉ નીમાયેલી સમિતિઓએ પણ એ પગલું સૂચવ્યું છે. છતાં, તેનો અમલ, દૂરદર્શનને અપાયેલી ‘સ્વતંત્રતા’ જેવો અધકચરો થવાનો હોય અને સરકાર મન પડે ત્યારે પોતાની ધોરાજી હંકારવાની હોય, તો એ પગલાની કેટલી અસર પડશે, તે કલ્પી શકાય એમ છે.

પેટ્રોલિયમ પેદાશોઃ આવકજાવકની આંટીધૂંટી
સરકારનું પેટ્રોલિયમ મંત્રાલય કે ઓઇલ માર્કેટિંગકંપનીઓ પેટ્રોલિયમ પેદાશોના ભાવ અને તેમાં વેઠવી પડતી ખોટ કેવી રીતે ગણે છે, તેની તપાસ ભેદભરમથી ભરપૂર આંકડાકીય રહસ્યકથાનો મસાલો છે.

મુરલી દેવરા પેટ્રોલિયમ મંત્રી હતા ત્યારે તેમણે લોકસભામાં એક જવાબમાં કહ્યું હતું કે ક્રુડ ઓઇલનું રિફાઇનિંગ કરવાની પ્રક્રિયાના કુલ ખર્ચમાં ૯૦ ટકા હિસ્સો ક્રુડ ઓઇલની કિંમતનો હોય છે. રિફાઇનિંગ દરમિયાન ક્રુડ ઓઇલમાંથી જુદી જુદી પેદાશો અલગ તારવવામાં આવે છે, પરંતુ તેમને છેવટના વાપરી શકાય એવા સ્વરૂપમાં ફેરવવા માટે તેમાં કરવી પડતી પ્રક્રિયાઓ અને ઉમેરણોથી (પેટ્રોલ કે ડીઝલ જેવી) કોઇ એક ચીજની કિંમત ચોક્કસપણે નક્કી કરવાનું અઘરું છે.

હા, તેની પર લાગતા કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના વેરા વિશે પ્રમાણમાં ચોક્સાઇભર્યા આંકડા મળી શકે છે. વર્તમાન પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીએ રાજ્યસભામાં આપેલી- અને ઇન્ડિયન ઓઇલ કંપનીએ પૂરી પાડેલી- માહિતી પ્રમાણે, ઓગસ્ટ ૧, ૨૦૧૧ના રોજ દિલ્હીમાં ભાવની વહેંચણ આ પ્રમાણે હતી.

૧ લિટર પેટ્રોલ દીઠ રીફાઇનરીને ચૂકવાતી ‘ટ્રેડ પેરિટી પ્રાઇસ’ હતીઃ રૂ.૩૫.૩૯. (ટ્રેડ પેરિટી પ્રાઇસ એટલે પેટ્રોલની આયાતકિંમતના ૮૦ ટકા અને તેની નિકાસકિંમતના ૨૦ ટકાની સરેરાશ). બીજા શબ્દોમાં કહીએ તો, ૧ લિટરનો કોઇ પણ વેરા વગરનો બજારભાવ રૂ.૩૫.૩૯ બેસે છે. (જો તે આયાતી ન હોય અને ભારતમાં જ બન્યું હોય તો રિફાઇનરીને આનાથી ઓછા ભાવે પડતું હોય એવું પણ બની શકે.)

તેમાં કેન્દ્ર સરકારના સ્તરે (૧ લિટર દીઠ) બીજા આટલા ઉમેરા થાય છેઃ વહનખર્ચ ૬૫ પૈસા. માર્કેટિંગ કિંમત અને માર્જિન રૂ.૧.૪૭. સૌથી મોટો આંકડો એક્સાઇઝ ડ્યુટીનો છેઃ રૂ.૧૪.૭૮. કુલ સરવાળો થયોઃ રૂ.૫૨.૨૯. તેમાંથી ઓઇલ કંપનીઓ દ્વારા ભોગવાતી અન્ડર રિકવરી લીટર દીઠ ૭૧ પૈસાની બાદબાકી. (પેટ્રોલના ભાવ પરનો સરકારી અંકુશ ઉઠ્યા પછી ઓઇલ કંપનીઓ અન્ડર રિકવરી વેઠવાને બદલે ભાવેભાવ પેટ્રોલ કેમ વેચી શકે નહીં, એ સ્પષ્ટ થતું નથી.) આમ, કેન્દ્ર સ્તરે પેટ્રોલનો ભાવ થયોઃ રૂ.૫૧.૫૮.

ત્યાર પછી આવે રાજ્યનો વારો. ડીલરનું કમિશન લિટર દીઠ દોઢ રૂપિયો અને કુલ ‘વેટ’ રૂ. ૧૦.૬૨. એટલે રિફાઇનરીને રૂ. ૩૫.૩૯માં પડતું ૧ લિટર પેટ્રોલ દિલ્હીના ગ્રાહકને રૂ.૬૩.૭૦માં પડે.

ડિઝલના ભાવ પર સરકારી અંકુશ છે. તેના ભાવની ગણતરી આ પ્રમાણે છેઃ ૧ લિટર દીઠ રિફાઇનરીને ચૂકવાતી ટ્રેડ પેરિટી પ્રાઇસઃ રૂ.૩૭.૪૬. વહનખર્ચ ૬૯ પૈસા, માર્કેટિંગ ખર્ચ અને માર્જિન રૂ.૧.૩૯ અને એક્સાઇઝ ડ્યુટી રૂ.૨.૦૬ (કારણ કે ગ્રાહકને તે સસ્તા ભાવે આપવાનું છે.) કેન્દ્રસ્તરે ૧ લિટર ડિઝલની કિંમતનો કુલ સરવાળો થયોઃ રૂ.૪૧.૬૦. તેમાંથી રૂ.૬.૦૬ અન્ડર રિકવરી (ખોટ પેટે) સરકાર બાદબાકી કરે છે. એટલે ભાવ થયો રૂ.૩૫.૫૪.

હવે રાજ્યસ્તરનો વારો. તેમાં ડીલર કમિશન ૧ લિટર દીઠ ૯૧ પૈસા અને વેટ રૂ.૪.૮૧. એટલે કુલ કિંમત થઇ રૂ.૪૧.૨૯. ધારો કે કેન્દ્ર સરકાર ભાવનો અંકુશ ઉઠાવી લે અને અન્ડર રિકવરી ભોગવવાનું બંધ કરે તો ડીઝલનો લિટર દીઠ ભાવ થાય રૂ.૪૭.૩૫.

ડીઝલમાં વેટના દર અને એક્સાઇઝ ડ્યુટી બન્નેનું ભારણ પ્રમાણમાં ઓછું છે, પણ પેટ્રોલમાં તે ઘણું મોટું છે. રાજ્યોમાં વેટના દર જુદા જુદા હોય છે. ગુજરાતમાં પેટ્રોલ પર ૨૩ ટકા વેટ લાગે છે. ગુજરાતમાં ૧ લિટર પેટ્રોલની કિંમત રૂ.૭૩.૦૭ થઇ ત્યારે તેમાં રાજ્યના વેટ અને સેસનો કુલ હિસ્સો રૂ.૧૫.૦૫ તથા કેન્દ્રની એક્સાઇઝ ડ્યુટીનો હિસ્સો રૂ.૧૪.૭૮ હતો. પેટ્રોલની છેવટની કિંમતમાં આ બન્નેનો સંયુક્ત હિસ્સો ૪૦ ટકા જેટલો મોટો થાય.

ડિઝલમાં કેન્દ્રની એક્સાઇઝ ડ્યુટી લિટર દીઠ રૂ.૨.૦૬ જેટલી ઓછી હોવા છતાં, ગુજરાતમાં રાજ્યસ્તરે લાગતું વેટ અને સેસનું ભારણ રૂ.૯.૩૧ જેટલું મોટું છે. ડીઝલની કુલ કિંમતમાંથી સરકારનો હિસ્સો આશરે ૩૩ ટકા થાય છે.
આમ, પેટ્રોલમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા ડિઝલમાં એકલી રાજ્ય સરકાર ઇચ્છે તો પોતાનો હિસ્સો ઘટાડીને પેટ્રોલ-ડિઝલ વાપરનારને થોડી રાહત આપી શકે. પરંતુ સરકાર પક્ષે થતી દલીલ એવી છે કે આ રીતે ઉઘરાવાતા વેરામાંથી દેશના ‘આમઆદમી’ના હિત માટેનાં આયોજન કરવામાં આવે છે. આ દાવો સાવ પાયા વગરનો ન હોવા છતાં, તેના આયોજન-અમલીકરણમાં રહેલા પ્રશ્નોને લીધે તેની પાછળનો હેતુ ઝાઝો બર આવતો નથી.

આ લેખમાળામાં છેલ્લો અને ખરા અર્થમાં સસ્પેન્સ જેવો સવાલ એ રહે કે એક તરફ અન્ડર રિકવરી તરીકે બતાવાતી તોતિંગ ઘટ અને બીજી તરફ રાજ્ય અને કેન્દ્રસ્તરે થતી આવકમાંથી, સરકાર દર્શાવે છે તેમ, ખરેખર ઘટનું પલ્લું ભારે રહે છે? એટલે કે સરકાર છૂટક રીતે નહીં, પણ સરવાળે ખોટનો ધંધો કરે છે?

પેટ્રોલના ભાવ પરનો સરકારી અંકુશ દૂર થયો તે પહેલાં આ દિશામાં કવાયત હાથ ધરવામાં આવી હતી. તેમાંથી મળેલા તારણ પ્રમાણે, પેટ્રોલ-કેરોસીન-ડીઝલ અને એલપીજી આ ચારેના ધંધામાં સરકારે સબસિડી અને અન્ડર રિકવરી બઘું મળીને વેઠેલી ખોટ કરતાં વેરા દ્વારા થયેલી આવક ઘણી વધારે હતી.

૨૦૦૬-૦૭માં સબસિડી-અન્ડર રિકવરી રૂ.૫૧,૯૧૧ કરોડ. તેની સામે (વેરા સ્વરૂપે) કેન્દ્રની આવક રૂ.૭૭,૧૪૮ કરોડ અને રાજ્યોની આવક રૂ. ૫૯,૯૫૫ કરોડ. કુલ આવકઃ રૂ.૧.૩૭ લાખ કરોડ.

વર્ષ ૨૦૦૭-૦૮માં કુલ ‘ખોટ’ રૂ.૭૯,૭૬૪ની સામે કેન્દ્રની આવક રૂ.૮૪,૩૨૧ કરોડ અને રાજ્યોની આવક રૂ.૬૩,૪૪૫ કરોડ.

વર્ષ ૨૦૦૮-૦૯માં કુલ સબસિડી-અન્ડર રિકવરી રૂ.૧.૦૯ લાખ કરોડની સામે કેન્દ્રની આવક રૂ.૭૬,૯૭૭ કરોડ અને રાજ્યોની આવક રૂ.૬૮,૨૮૬ કરોડ. કુલ સરકારી આવકઃ રૂ.૧.૪૫ લાખ કરોડ. (આ તમામ આંકડા ઊર્જાની બાબતમાં આયોજન પંચના સલાહકાર રહી ચૂકેલા સૂર્ય પી.સેઠીને ટાંકીને આપવામાં આવ્યા છે.)

પેટ્રોલિયમ પેદાશોની વાત નીકળે ત્યારે સરકાર તરફથી મોટે ભાગે અન્ડર રિકવરીના તોતિંગ આંકડા જ બહાર પાડવામાં આવે છે. સામા પક્ષે થતી આવક વિશે ફોડ પાડવામાં આવતો નથી. આ રીતે થતી આવકમાં કેન્દ્ર અને રાજ્યના ભાગથી માંડીને બીજી અનેક આંટીધૂંટી હશે, સરકારને થતી આવકની જરૂર રાષ્ટ્રનાં ઘણાં કામમાં વપરાતી હશે, છતાં તેને બાજુ પર રાખીને કેવળ અન્ડર રિકવરીના આંકડા બતાવવાથી સાચું ચિત્ર મળતું નથી, એ પણ વાસ્તવિકતા છે.

Sunday, November 20, 2011

ફાધર વાલેસઃ બે વર્ષ પછી ફરી એક વાર

(Renovated R.V.Pathak Hall of Gujarati Sahitya Parishad)

(L to R: Ramesh Tanna, Madhav Ramanuj, Raghuveer choudhary, Father Valles, Dr.Meeta Peer, Devendra Peer, Rajendra Patel)

કાકાસાહેબ કાલેલકર પછી ‘સવાયા ગુજરાતી’ની વ્યાખ્યામાં બરાબરબંધ બેસતા અને લેખનમાં કંઇક અંશે એ પરંપરાના ફાધર વાલેસ/ Father Valles દાયકાઓ સુધી અમદાવાદમાંરહ્યા પછી હવે સ્પેન રહે છે. બે વર્ષ પહેલાં તે, લાંબા અંતરાલ પછી, અમદાવાદ આવ્યાત્યારે ગુજરાત વિદ્યાપીઠના નવા હોલમાં મિત્ર રમેશ તન્ના અને બીજા લોકોએ ફાધર વાલેસનો જાહેર કાર્યક્રમ ગોઠવ્યો હતો. (એ કાર્યક્રમના અહેવાલ માટે:
http://urvishkothari-gujarati.blogspot.com/2009/10/blog-post_14.html
વિદ્યાપીઠના એ કાર્યક્રમમાં ઉમટેલા લોકો જોઇને ફાધરની લોકચાહનાનો ખ્યાલ આવે.
કંઇક એવુંજ શુક્રવારે (18 નવેમ્બર,2011) સાહિત્ય પરિષદના રા.વિ.પાઠક ખંડમાં યોજાયેલાકાર્યક્રમમાં પણ બન્યું.

‘પ્રિય લેખકને મળો’ અને ફાધર વાલેસના પુસ્તક ‘નાઇન નાઇટ્સ ઇન ઇન્ડિયા’ના વિમોચન કાર્યક્રમના આયોજનમાં આ વખતે પણ ‘ગુજરાત ટાઇમ્સ’ના તંત્રી રમેશ તન્ના મુખ્ય ભૂમિકામાં હતા. પરિષદના સાઠ-સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે નવા રૂપરંગમાં તૈયાર થયેલા હોલનું હજુ વિધિવત્ – એટલે કે (હોલ માટે પાંચ લાખ રૂ.આપનાર) મોરારિબાપુના હાથે- ઉદઘાટન થવાનું બાકી છે. છતાં ફાધર વાલેસ પ્રત્યે સન્માનાભાવની અભિવ્યક્તિ તરીકે, તેમનો કાર્યક્રમ આ હોલમાં યોજવામાં આવ્યો. સાંજે છથી આઠનાઆ કાર્યક્રમમાં ફાધર વાલેસ ગુજરાતી ભાષા વિશે બોલવાના હતા અને પછી તેમની સાથે સવાલજવાબ હતા. આ બન્ને મારા જેવા ઘણા માટે મુખ્ય આકર્ષણ હતાં. કારણ કે ફાધર વાલેસ જેવા પૂર્વસૂરિ અને પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા લેખકને ‘જોવાનો’ શોખ બે વર્ષ પહેલાં પૂરો થઇ ચૂક્યો હતો.

વેળાસર હોલ પર પહોંચી જવાને કારણે ઘણા મિત્રો-વડીલો સાથે લટકસલામો થઇ. રમેશ તન્ના તેમનાં પત્ની અનિતા જતકર ઉપરાંત ગળે કેમેરા સાથે સજ્જ તેમના પુત્ર સાથે વહીવટમાં-દોડધામમાં હતા. ફાધરની રાહ જોવાતી હતી. પાછળ ‘પારંપારિક વસ્ત્રોમાં સજ્જ’કન્યાઓ અને ફેન્સી ડ્રેસમાં સજ્જ થોડાં બાળકો દેખાતાં હતાં. અંદર હોલ ભરાતો જતોહતો અને કાર્યક્રમ શરૂ થયા પછી આવેલા લોકો માટે બેસવાની જગ્યા ન હતી (જે જોઇને કોઇ પણ આયોજકને બહુ સંતોષ થાય.) સામાન્ય રીતે ન જોવા મળે એવી એક વ્યવસ્થા સ્વયંસેવકોની હતી, જેમાં વિદ્યાપીઠ-યુનિવર્સટીના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ બીજી બાબતો ઉપરાંત આવનારને એકલદોકલ ખાલી જગ્યા સુધી પહોંચાડવાનું પુણ્યકાર્ય કરતા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં યથાયોગ્ય કોરિઓગ્રાફી સાથે ‘વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા’ સ્તુતિ રજૂ થઇ. ત્યાર પછી એક રાસ અને એક ગરબો. ફાધર વાલેસના કાર્યક્રમમાં તેનો સંબંધ એવો હતો કે તેમનું નવું પુસ્તક નવરાત્રિ વિશેનું હતું. છતાં, ફાધરને સાંભળવા આવ્યા હોઇએ ત્યારે નવરાત્રિની એકાદ આઇટેમ પૂરતી થઇ પડે.

માધવ રામાનુજે કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું. (જેને પોતાની કવિતા વિશે બહુ અસલામતી અથવા પોતાની કક્ષા વિશે પાકી ખાતરી હોય તેને જ પોતાનું નામ ‘કવિ ફલાણા ઢીકણા’ એવું લખવું-લખાવવું પડે.) માધવભાઇએ કહ્યુ કે ‘સત્ય, પ્રેમ અને કરૂણા જેવા શબ્દો ફાધર વાલેસ જેવા જ કોઇ વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને ઉચ્ચારાયા હશે. એ શબ્દો ફાધરના વ્યક્તિત્વમાં ચરિતાર્થ થાય છે.’ કાર્યક્રમ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે ફાધર વાલેસને ક્યારેક ‘બાપા વાલેસ’ પણ કહેવું જોઇએ. પરંતુ સારા ઉઘાડ પછી માધવભાઇએ આખા કાર્યક્રમ દરમિયાન, પોતે ઓટલે બેઠા હોય એવાં, કેઝ્યુઅલ ઉચ્ચારણો દ્વારા સંચાલન કર્યું. ઔપચારિકતા અને ગરીમા વચ્ચેનો તફાવત અહીં ઉદાહરણો આપીને બતાવીએ તેના કરતાં સ્થળ પર વધારે તીવ્રતાથી અનુભવી શકાય. પરંતુ એ તફાવત મોટો છે અને માધવભાઇના સંચાલનમાં ઘણા ઠેકાણે કાર્યક્રમની ગંભીરતા-ગરીમા-ગ્રેવિટી જળવાયાં નહીં એવું લાગ્યું.

પરિષદમંત્રી રાજેન્દ્ર પટેલે ‘સમાજઘડતરમાં વ્હાલસોયા પિતાનો સ્નેહ’ આપનાર ફાધર વિશે કહ્યું કે ‘ગુજરાતી ભાષા વૃક્ષ હોય તો (ફાધરની હાજરીથી) આજે વસંત આવી છે.’ ફાધર જેવા ‘કુટુંબના મોભી’ની હાજરીમાં ‘સુખદુઃખની વાતો’ કરવાના ઉપક્રમે રાજેન્દ્રભાઇએ પ્રો.રવીન્દ્ર દવેને ટાંકીને કહ્યું કે દર વર્ષે દોઢ ટકા લોકો ગુજરાતી ભાષાથી વિમુખ થઇ રહ્યા છે. અત્યારે કુલ ટકાવારી 12 ટકા છે, તે 30 ટકા વટાવશે તો ગુજરાતી ભાષા લુપ્ત થશે.’ ગુજરાતીઓ દ્વારા લેવાતા ‘ગુજરાતી ભાષા ન બોલવાના ગૌરવ’નો પણ તેમણે ઉલ્લેખ કર્યો. આ પરિસ્થિતિમાં ફાધર ‘પિતાની ભૂમિકા પછી માતાની પણ ભૂમિકા પૂરી પાડે’ એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી.

ફાધરના પુસ્તક ‘નાઇન નાઇટ્સ ઇન ઇન્ડિયા’ના લોકાર્પણ માટે નરસિંહ-નર્મદ-મીરા-અખો જેવા સાહિત્યકારો અને ગાંધી-નેહરુ જેવાં પાત્રોની વેશભૂષામાં બાળકોને તૈયાર કરવામાં આવ્યાં હતાં. બાળકોને એ વેશભૂષામાં લાવવાનો વિચાર મૌલિક હતો, પણ એ પાત્રો તરીકે આવેલાં બાળકો ફાધરને પગે લાગે તે અજુગતું લાગતું હતું. પગે લાગવા સિવાય એ બાળકોનો બીજો કશો રોલ ન હોય તેમ એમને ફેન્સી ડ્રેસ સાથે બાજુ પર ઊભાં રાખી દેવામાં આવ્યાં અને ફાધરના પુસ્તકનું વિમોચન થયું. એક મિત્રે રમૂજમાં ટીપ્પણી પણ કરી કે ‘ગણતર’ના સુખદેવ પટેલ (જે ઓડિયન્સમાં હાજર હતા) બાળમજૂરીનો કેસ ન કરે તો સારું.


વચ્ચે વચ્ચે માધવભાઇની કેઝ્યુઅલ ટીપ્પણીઓ ચાલુ જ હતી. પછી રઘુવીર ચૌધરીનો વારો આવ્યો. તેમના પ્રવચનનો આરંભ કંઇક આવો હતોઃ ‘આ (માઇક) ફાધરનેતો નીચું પડશે, એમના માટે ઊંચું કરવું પડશે, પણ એ તો ત્યાં (એમની જગ્યાએ) બેસીને બોલવાના છે.’ પછી રઘુવૈર્યનો પરિચય આપતાં તેમણે કહ્યું, ‘માધવ રામાનુજ પરિષદના કોષાધ્યક્ષ છે. હજુ સુધી પરિષદ માટે રૂપિયા લાવ્યા નથી. એ કીડની હોસ્પિટલ માટે ઘણા રૂપિયા લાવ્યા છે. પરિષદ માટે પણ લાવશે. કીડની હોસ્પિટલવાળું વધારે અગત્યનું છે.’

આવી અસંબદ્ધ પણ રઘુવીરભાઇનો પરિચય ધરાવનારને બિલકુલ નવાઇ ન લાગે એવી શરૂઆત પછી તેમણે ફાધરના પુસ્તક વિશે થોડી વાત કરી. ‘ભારતે પશ્ચિમમાંથી પોતાના સંત પ્રાપ્ત કર્યા અને વિશ્વને આપ્યા’ અને ‘ગાંધીજીની ધર્મભાવના એ જ ફાધરની ધર્મભાવના છે’ એવાં ક્વોટેબલ વિધાન તેમણે તરતાં મૂક્યાં. બે વર્ષ પહેલાં ફાધર આવ્યા ત્યારે તેમના ઉતારા પાસે નવરાત્રિ નિમિત્તે થતો ઘોંઘાટ ફાધરને ઘોંઘાટ ન લાગ્યો, એ વિશે પ્રશંસા વ્યક્ત કરતાં ફરી એકવાર રઘુવૈર્યનો નમૂનોઃ ‘લાભશંકર ઠાકરને એ ઘોંઘાટ લાગે છે. એમની કવિતામાં એ બહુ આવે છે. ફાધરને એમાં પણ કંઇક મળી રહે છે.’ માત્ર લા.ઠા.ને જ નહીં, કોઇ પણ ધોરણસરના માણસને એ ઘોંઘાટ જ લાગે. તેમાંથી ધર્મભાવના શોધી કાઢવી એ ફાધર જેવાનું કામ અને તેની પ્રશંસા નિમિત્તે લા.ઠા.ને લગે હાથ ‘અંજલિ’ આપી દેવી એ રઘુવીરભાઇ જેવાનું કામ.

એમ તો પોતાના ‘પ્રિય પાત્ર’ પ્રકાશભાઇ (ન.શાહ)ના ‘અઘરા ગુજરાતી’ વિશે પણ તેમણે ચીલાચાલુ કમેન્ટ તેમણે ફટકારી દીધી. પ્રકાશભાઇના ગુજરાતી વિશે ‘ગેરસમજણ ફેલાવવામાં’ તો નહીં, પણ ‘સમજણ ન ફેલાવા દેવામાં’ રઘુવીરભાઇનો ઠીક ઠીક ફાળો છે. પ્રકાશભાઇને ખરેખર કંઇક મહત્ત્વનું કહેવાનું હોય છે એ જાણનારા અથવા ગુજરાતી ભાષાનાં પ્રચલિત સિવાયનાં સ્વરૂપો માણી શકનારા કે સમાચારો-ઘટનાઓના યોગ્ય સંદર્ભો ધરાવનારા મોટા ભાગના વાચકોને પ્રકાશભાઇના ગુજરાતીમાં તકલીફ પડતી નથી. બલ્કે, મઝા આવે છે. રઘુવીરભાઇ જેવા ભાષાના માણસ ઉપર જણાવેલી કેટેગરીમાંથી એકેયમાં નહીં આવતા હોય? એવો સહજ સવાલ થાય. ફાધરને તેમણે ‘સૌથી વધુ સાયકલ ચલાવનારા’ વ્યક્તિઓની યાદીમાં પણ મૂક્યા અને કહ્યું કે ‘અતિથી થઇને સ્વજન બની જવું એમને બહુ ફાવે છે...સંસારને છોડ્યા વિના સંસારને ગ્રંથિ વિના પૂર્ણપણે ચાહવો’ એવી ફાધરની લાક્ષણિકતા તેમણે જણાવી. ત્યાર પછી ફાધરના કસ્ટોડિયન-ઇન-ચીફ દેવેન્દ્ર પીર અને તેમનાં પત્ની મીતા પીર બન્ને અલગ અલગ બોલ્યાં. ડો.મીતા પીરે ફાધરની વર્ષગાંઠ (4-11-1925) નો ઉલ્લેખ કરીને સ્ટેન્ડિંગ ઓવેશન માટે વિનંતી કરતાં, સૌએ હોલમાં ઉભા થઇને મીતાબહેન સાથે ‘હેપી બર્થ ડે ડીયર ફાધર’ ગાયું.

માધવભાઇએ એકથી વધુ વાર અમેરિકામાં પોતે માણેલા દેવેન્દ્ર પીરના આતિથ્યનો ઉલ્લેખ કરીને, પોતે વિચરતા સમુદાયની જે સંસ્થા સાથે સંકળાયેલા છે તેના માટે, લગે હાથ, સ્ટેજ પરથી જ અને સંચાલકની ભૂમિકામાંથી જ, પીર દંપતિ પાસે આર્થિક સહાયની માગણી મૂકી દીધી.

આમ, છથી આઠના કાર્યક્રમમાં ફાધરનો વારો આવ્યો ત્યારે સાડા સાત ઉપર થઇ ગયા હતા. ફાધર પચીસેક મિનીટ બોલ્યા. તેમનું પ્રવચન ભાવપૂર્ણ, લાગણીસભર પણ કશા ચમકારા વિનાનું હતું. તેનાં ઘણાં કારણ હોઇ શકેઃ થાક, ઉંમર, છૂટી ગયેલો સંપર્ક, નવી વાત-નવા મુદ્દાનો અભાવ...પોતે ઘણાં- ‘કદાચ વધારે પડતાં’- પુસ્તકો લખ્યાં હોવા છતાં આ પહેલી વાર પુસ્તકનો વિમોચન કાર્યક્રમ થઇ રહ્યો છે, એવું નોંધીને ફાધરે સૌને બિરદાવ્યા અને ‘અમદાવાદ છોડવું નહીં એવો વિચાર પણ એરપોર્ત પર આવી ગયો હતો’ એ મતલબનું કહ્યું. તેમની પ્રસિદ્ધ વિહારયાત્રા અને તેની સાથે સંકળાયેલા થોડા બનાવો યાદ કર્યા. તેમના મિત્રો અને તેમની ધર્મસંસ્થાના ઉપરી ફાધરને પણ લાગતું હતું કે લોકોના ઘરે ‘નહીં ઓછા, નહીં વધારે’ એમ સાત દિવસ રહેવાનો ફાધરનો કાર્યક્રમ લાંબો નહીં ચાલે. એટલે તેમને મંજૂરી પણ આપી દીધી. પરંતુ ફાધરે કહ્યું કે ‘એ દસ દિવસ નહીં, દસ વર્ષ ચાલ્યો.’ ‘મને લેખક તરીકે બધા ઓળખે, માનસન્માન મળે, પણ ધંધામાં હું ગણિતવારો છું’ એવું કહીને ફાધરે પોતાના ગણિત સાથેના સંબંધ અને તેમના અઘરા દાખલા વિદ્યાર્થી અવસ્થામાં કેવી ચીડ ચડાવે ને પછી કેવા સારા લાગે તેનો એકાદ પ્રસંગ કહ્યો. તેમણે કહ્યું કે હું ભારતમાં આવ્યો ત્યારે અમારા ધર્મમત પ્રમાણે એવું માનતો હતો કે ‘ચર્ચ સિવાય મુક્તિ નહીં.’ એક વખત ઉમાશંકર જોષીને ત્યાં કાકાસાહેબને મળવાનું થયું. કાકાસાહેબ ખ્રિસ્તી મતથી પરિચિત. એટલે પહેલી જ મુલાકાતમાં એ મને કહે, ‘અહીં નર્કનો એક ઉમેદવાર ઊભો છે.’ જવાબમાં મેં કાકાસાહેબને કહ્યું, ‘નર્કમાં જો કોઇ જાય તો તે હું હોઇશ, તમને ત્યાં મોકલવા બદલ.’ યુરોપીયન ધાર્મિક સંકુચિતતાને બદલે ભારતમાં તેમને વિશાળ દૃ્ષ્ટિ મળી એવું પણ ફાધરે કહ્યું.ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના (માસ)ના અંગ્રેજીનો પ્રાસાદિક ગુજરાતી અનુવાદ કરવાનો પ્રસંગ વિગતે યાદ કરીને ફાધરે કહ્યું ‘એ પ્રાર્થના હજુ ચર્ચમાં ગવાય છે, પણ લોકોને ખબર નથી કે એ મારી છે. મને બહુ આનંદ છે કે મારું ભાષાંતર ગવાય છે.’ (‘લોર્ડ, યુ આર હોલી ઇનડીડ’નો ફાધરે કરેલો અનુવાદ હતો, ‘પવિત્રતા તમારું નામ છે પ્રભુ’) એ જ રીતે એમનો કોઇ લેખ ઉમાશંકર જોષીએ ભીંત પર લગાડ્યો હતો એ વાત પણ તેમણે યાદ કરી. સામાન્ય રીતે ફાધર જેવા નમ્ર માણસ પોતાના કતૃત્વ વિશે ભલે હુંકાર વગર, તો પણ આટલા ભારપૂર્વક વાત કરે નહીં. એટલે એ ઉંમરનો પ્રતાપ હશે કે લાગણીવશતાનો કે બીજા કોઇ પરિબળનો, એવો વિચાર એ વખતે આવ્યો હતો. ફાધરે કહ્યું ‘જીવન જેવું આવે એવું જીવવાનું. એ લઇ જાય ત્યાં જવાનું- આનંદ અને શ્રદ્ધાની સાથે, એ મારો સિદ્ધાંત છે...મારી આંખો સામે આ દૃશ્ય, આ ચહેરા દિલમાં લઇને જઉં છું. જ્યાં હોઇશ ત્યાં, જીવન લઇ જાય ત્યાં, આમાંથી શક્તિ લઇને ભગવાનનું કામ આપણે બધા કરતા રહીશું.’ એ શબ્દો સાથે ફાધરે સ્પેનિશ છાંટને કારણે મીઠા લાગતા ગુજરાતીમાં પોતાનું પ્રવચન પૂરું કર્યું. ત્યાર પછી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો, પણ માંડ બે-ત્રણ ઔપચારિક પ્રશ્નો પછી ફાધરના થાક અને અવસ્થાને ધ્યાનમાં રાખીને રમેશ તન્નાએ વિસ્તૃત આભારવિધી કરીને સૌને ભોજન લઇને જવા આગ્રહ કર્યો. મોટા ભાગના લોકોએ તેમના આગ્રહને માન પણ આપ્યું.(Father Valles/ફાધર વાલેસ, નવેમ્બર 2011)

Wednesday, November 16, 2011

રોંગ સાઇડ પર ચલાવવા વિશે

સત્ય અને અસત્ય વચ્ચેનો, સાચા અને ખોટા વચ્ચેનો સંઘર્ષ ટ્રાફિક પોલીસના અને વાહનચાલકોના અસ્તિત્ત્વથી ઘણો વધારે જૂનો છે. તેનું એક સ્વરૂપ ફિલસૂફી સાથે સંકળાયેલું છે, પણ બીજું વધારે નક્કર અને ‘રોજબરોજના જીવાતા જીવન સાથે નાતો ધરાવતું’ સ્વરૂપ દલીલ, દંડ, લાંચ, પહોંચ અને સજા જેવી નક્કર, દુન્યવી બાબતો સાથે સંકળાયેલું છે.

મોટા ભાગનાં સત્યોની જેમ ‘રોંગ સાઇડ’ની વ્યાખ્યા સાપેક્ષ અને નક્કી કરનારની મુન્સફી પર આધારિત હોય છે. તેનો વિરોધાભાસ એટલું કહેવાથી જ સમજાઇ જશે કે ભારતમાં ‘રાઇટ સાઇડ’ (જમણી બાજુ) ‘રોંગ સાઇડ’ ગણાય છે. ચાલકોએ ડાબી બાજુએ વાહન ચલાવવાં એવો કાયદો છે. રોડના ભાગલા પાડીને તેની પર રાજ કરવા માટે ડીવાઇડર બનાવવામાં આવે છે, જેથી ચાલકો રોંગ સાઇડ પર વાહન ચલાવતાં શરમાય અને ટ્રાફિક પોલીસ રોંગ સાઇડ પર વાહન ચલાવનાર પાસેથી સહેલાઇથી, ઝાઝી દલીલો વિના પોતાની પહોંચ પ્રમાણે, પહોંચ સાથે કે પહોંચ વિના અમુક રકમ વસૂલી શકે.

રોંગ સાઇડે વાહન ચલાવવું એ ટ્રાફિક પોલીસની દૃષ્ટિએ અપરાધ છે. પરંતુ એન્કાઉન્ટર-પૂજક સંસ્કૃતિમાં રોંગ સાઇડે વાહન ચલાવવું એ પરાક્રમની દિશામાં પ્રવાસનો આરંભ છે. તેની શરૂઆત તો લાયસન્સ મેળવવાની ઉંમરે પણ ન પહોંચેલાં બાળકો દ્વારા વાહન ચલાવવાથી થઇ જાય છે. તેમનાં કુટુંબીજનો પોતાના કાચી વયના બાળકના વાહનચાલન-કસબ પર મુગ્ધ થઇને સ્વપ્નિલ આંખે કહે છે,‘અમે તો એમના જેવડા હતા ત્યારે સાયકલનો દાંડો પકડતાં પણ બીક લાગતી હતી. બાપા જોઇ જાય તો ઘૂળ કાઢી નાખે- સાયકલની નહીં, અમારી. અને આ જુઓ. હજુ તો એના પગ પૂરા બ્રેકે પહોંચતા નથી, પણ કેવી મસ્ત ગાડી ચલાવે છે!’

આવાં ‘દૂધપાક’ બાળકો રોંગ સાઇડે હંકારતાં કે દ્વિચક્રી પર ત્રિસવારીની અવસ્થામાં પકડાય ત્યારે સૌથી પહેલાં તે ‘અન્કલાસ્ત્ર’નો પ્રયોગ કરે છે. પોલીસને ‘અન્કલ, અન્કલ’ કહીને તેમનામાં વાત્સલ્યભાવ જાગ્રત કરવા પ્રયાસ કરે છે. ‘પોલીસ પણ આખરે માણસ છે’ એવું એમના કાને કે આંખે ચડી ગયું હોવાથી તે પોલીસને પલાળવાનો - તેમની માણસાઇનું દોરડું પકડીને પોતાના ગુનામાંથી છટકવાનો પ્રયાસ કરે છે.

‘આખરે કે પહેલાં’ની ચર્ચા જવા દઇએ તો પણ પોલીસ માણસ છે એમાં બેમત નથી. પરંતુ મોટા ભાગના પોલીસ કુટુંબકબીલો ધરાવતા હોય છે. તેમને વાત્સલ્ય ઢોળવા માટે પૂરતાં ઠેકાણાં હોય છે. એટલે અજાણ્યાં બાળકોની સ્વાર્થી કાકલૂદીના જોરે તેમની લાગણીની ચકલી ખુલતી નથી. એ પ્રયાસ નિષ્ફળ જાય એટલે બાળકો ચકલી ખોલવાને બદલે તેને હચમચાવીને તોડવાનો પ્રયાસ કરે છેઃ ‘હું ફલાણાનો છોકરો કે ભત્રીજો કે ભાણીયો કે ભાણીયાનો મિત્ર કે મિત્રનો મિત્ર છું’ એવો દમ તે ભીડાવે છે.

પોલીસ દ્વારા ઘેરાઇ ગયેલો જાસુસ જેમ પોતાનું આઇ-કાર્ડ કાઢીને ‘તમે મને પકડવામાં નકામી મહેનત કરી, મૂરખાઓ. હું તો પકડ-પ્રૂફ છું.’ એવું સ્મિત કરે, એવી છટાથી ટ્રાફિક પોલીસે પકડેલું ટાબરિયું કે કિશોર-કિશોરી મોબાઇલ ફોન કાઢે છે. તેની અદા જોઇને એવું લાગે, જાણે હમણાં એ મોબાઇલ ફોન હવામાં ઘસશે એટલે તેમાંથી એના વગદાર બાપા કે ભાઇ કે સગાવહાલાં જીન બનીને પ્રગટશે, ટ્રાફિક પોલીસને પછાડી નાખશે અને પકડાયેલા ટાબરિયાનો મોક્ષ કરાવશે.

ફોન કાઢ્‌યા પછી, પોલીસ સામે જોઇને તે ‘હવે તમારી ખેર નથી. તમને મારી ઓળખાણનો પાવર બતાવી ન દઉં તો મારું નામ નહીં’ એવી મુખમુદ્રા સાથે જોશથી મોબાઇલના નંબર દબાવે છે અને ફોન લાગે એટલે તરત, દઝારો થતો હોય તેમ, ફોન પોલીસના હાથમાં પકડાવી દે છે. આ પ્રક્રિયાનાં પરિણામ દરેક વખતે જુદાં જુદાં હોઇ શકે છે. કેટલાક પોલીસ મોબાઇલ ફોન જાણે મેમો હોય તેમ, તેને હાથમાં પકડવાનો જ ઇન્કાર કરે છે અને કહે છે, ‘મારે વાત નથી કરવી. મારે વાત કરવાની શી જરૂર? તમે દંડ ભરી દો એટલે છૂટા.’

લાયસન્સ મેળવ્યા પૂર્વેની અવસ્થામાં આ પ્રકારના અનુભવોથી સમૃદ્ધ થયેલાં કિશોર-કિશોરીઓ બાકાયદા પરવાનો મળ્યા પછી ગાંઠે? વણદીઠેલી તો નહીં, પણ વણચીંધાયેલી એવી રોંગસાઇડની ભોમકા પર વાહન ચલાવવા માટે તેમનું યૌવન આંખ માંડે છે ને આતમ પાંખો વીંઝે છે.

રોંગસાઇડે વાહન ચલાવવું એ ટ્રાફિક પોલીસની દૃષ્ટિએ ગુનો છે, પણ વાહનચાલક માટે તે પરાક્રમનું પ્રતીક છે. એમ તો પર્વતારોહણથી માંડીને બીજી અનેક પ્રવૃત્તિઓ એવી છે, જેમાં કરનારને પરાક્રમ લાગે ને બીજા ઘણાને એમ થાય કે આ લોકો શું કરવા સામે ચાલીને જાન જોખમમાં નાખવાની મૂર્ખામી કરતા હશે? એના કરતાં ઘેર બેસીને હિમાલયની ડોક્યુમેન્ટરી જોઇ લેતા હોય તો? ટૂંકમાં, પર્વતારોહણ કરવું કે રોંગ સાઇડે વાહન ચલાવવું એ તર્કનો કે દલીલબાજીનો નહીં, પણ ભાવનાનો મામલો છે. જેની ભાવના હોય તે કરે અને કિંમત ચૂકવવાની થાય ત્યારે હોંશે હોંશે ચૂકવે, પણ પ્રવૃત્તિ ન છોડે.

‘રોંગ સાઇડ ચલાવવામાં શું મઝા આવતી હશે?’ એવા સવાલનો જવાબ આગળની સરખામણીમાંથી મેળવી શકાય છેઃ ‘દોરડાં ને ખીલા લઇને પહાડ ખૂંદવામાં શી મઝા આવતી હશે?’ એવું પણ કોઇ પૂછી શકે. સવાલ રોમાંચનો અને ‘કીક’નો છે. રોંગ સાઇડે વાહન ચલાવવામાં ઘણાને પાવરનો અહેસાસ થાય છે. દૂર પોલીસ ઊભેલા દેખાતા હોય તો પણ રોંગ સાઇડમાં ધૂસે એવા લોકોને જોઇને પોલીસ પોતે વિચારમાં પડી જાય છે કે આ કયા મંત્રીનું કે પોલીસ અફસરનું ન્યાયાધીશનું કે કયા વીઆઇપીનું સંતાન કે પીએ કે સગો કે પીએનો પુત્ર કે પુત્રનો પીએ કે સગાનો સગો હશે? રોંગ સાઇડે આવતા વાહન સામે ફરજપૂર્વક હાથ લાંબો કરીને તે વાહન ઊભું રખાવે ત્યારે ચાલકને ઉપર જણાવેલા વિકલ્પોમાંથી જનરલ ઓપ્શન આપવાનાં જ બાકી રાખે છે.

મોબાઇલનો જમાનો આવ્યો તે પહેલાં રીઢા રોંગસાઇડબાજો પકડાય ત્યારે મુખ્ય મંત્રી સુધીની ઓળખાણો આપતા હતા. મોબાઇલના જમાનામાં એ પહેલાં જેટલું સહેલું રહ્યું નથી. પોલીસ ફોન કરાવવાનો આગ્રહ રાખીને ચાલકના આત્મવિશ્વાસની તપાસ કરી જુએ છે, પણ ફોન લાગે એટલે ‘ઠીક છે, ઠીક છે’ એવો ભાવ રાખીને ફોન પર વાત કર્યા વિના માફીની કે બીજી યથાયોગ્ય કાર્યવાહી કરે છે.

રોંગ સાઇડે વાહન ચલાવનારને કેટલાક કાયદાપ્રેમીઓ તિરસ્કારની નજરે જુએ છે. તે સમજતા નથી કે રોંગ સાઇડે ચલાવનારનો મુખ્ય આશય મોંધું પેટ્રોલ અને મહામોંધું પર્યાવરણ બચાવવાનો છે. રાઇટ સાઇડના નિયમનું પૂંછડું પકડી રાખીને લાંબું ચક્કર મારવું, તેમાં વગર કારણનું પેટ્રોલ બાળવું ને હવામાં એટલું પ્રદૂષણ ઉમેરવું, એના કરતાં ટૂંકા રસ્તે વાહન હંકારવું દરેક રીતે આવકાર્ય ન ગણાવું જોઇએ? સમાજમાં પણ ઘ્યેયસિદ્ધિ માટે ટૂંકા રસ્તાનો છોછ રહ્યો નથી - ભલે ને એ ખોટો કેમ ન હોય- તો પછી, રસ્તા પર વાહન ચલાવવાની બાબતમાં બેવડાં ધોરણ શા માટે? પરંતુ પેટ્રોલ અને પર્યાવરણની બેવડી બચત માટે શાબાશી આપવાને બદલે પોલીસ રોંગ સાઇડે ચલાવનારને દંડ કરવાની વાત કરે, ત્યારે સમજાય છે કે પૃથ્વીના પર્યાવરણની આવી અવદશા કેમ થઇ છે.

Tuesday, November 15, 2011

પેટ્રોલિયમ પેદાશોમાં સરકાર કેટલી ખોટ ખાય છે?

પેટ્રોલના ભાવવધારાના મુદ્દે ગયા સપ્તાહે જોયું તેમ, બીજા ઘણા દેશોની સરખામણીમાં ભારતમાં પેટ્રોલનો ભાવ ઊંચો છે- અને હજુ વધી રહ્યો છે. કેરોસીન-ડીઝલ-એલપીજી જેવાં બળતણોના ભાવ પર સરકારી નિયંત્રણ ચાલુ છે. કારણ કે તેમાં થતો ભાવવધારો ‘આમઆદમી’ને અને બીજી અનેક ચીજવસ્તુઓના ભાવને અસર કરે છે.

પેટ્રોલ અને બીજી પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારા સામે સરકારની મુખ્ય અને મજબૂત દલીલ છેઃ આ ધંધામાં સરકાર અને સરકારને હસ્તક જાહેર સાહસો (‘ઇન્ડિયન ઓઇલ’ જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ) ભારે ખોટ કરે છે. એટલે નફો કરવા માટે નહીં, પણ ખોટ ઘટાડવા માટે ભાવવધારો જરૂરી બને છે.

બીજા શબ્દોમાં, પેટ્રોલિયમ પેદાશોની બજારકિંમત કરતાં, સરકારી રાહે નક્કી થતી તેની વેચાણકિંમત ઓછી છે. આ બન્ને વચ્ચેની ઘટનો મોટો હિસ્સો સરકાર ઓઇલ કંપનીઓને ભરપાઇ કરી આપે છે, ત્યારે ગ્રાહકને અત્યારના ભાવે ડીઝલ-કેરોસીન-એલપીજી મળે છે. ગયા વર્ષથી પેટ્રોલની કિંમતો પરનો સરકારી અંકુશ નીકળી જતાં, તેના ભાવમાં ઓઇલ કંપનીઓ બજારનાં પરિબળોને અનુરૂપ વધારો કરી શકે છે. જેમ કે, પેટ્રોલના તાજા (રૂ.૧.૮૦ના) ભાવવધારા માટે ડોલરની સામે રૂપિયાના ઘટેલા મૂલ્યનું એક કારણ આપવામાં આવ્યું છે.

‘અન્ડર રિકવરી’ની ભૂલભૂલામણી
સરકારી સબસિડીની જેમ, ઓઇલ કંપનીઓ દ્વારા ‘ખોટના ધંધા’ સૂચવવા માટે વપરાતો ચાવીરૂપ શબ્દ છેઃ અન્ડર રીકવરી. તેનો સાદો અર્થ થાયઃ મળવાપાત્ર કિંમત અને વેચાણકિંમત વચ્ચેનો તફાવત. જેનો બજારભાવ સો રૂપિયા બેસતો હોય, એવી ચીજને કંપની નેવુ રૂપિયામાં વેચે તો તેની અન્ડર રિકવરી દસ રૂપિયા કહેવાય.

દર વર્ષે ઓઇલ કંપનીઓની અન્ડર રિકવરીના આંકડા હજારો કરોડમાં જાય છે. ગયા અઠવાડિયે ‘ઇન્ડિયન ઓઇલ કોપોરેશન’ના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટરે આપેલી માહિતી પ્રમાણે, આ નાણાંકીય વર્ષના પહેલા છ મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૧૧) માં ત્રણે સરકારી ઓઇલ કંપનીઓની અન્ડર રીકવરીનો કુલ આંકડો રૂ.૬૪,૯૦૦ કરોડે પહોંચ્યો છે.

કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય સાથે જોડાયેલા ‘પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ’ની તાજી વિગતો પરથી જણાય છે કે ઓઇલ કંપનીઓ પ્રત્યેક લીટર દીઠ ડીઝલમાં રૂ.૮.૫૮, કેરોસીનમાં રૂ.૨૫.૬૬ અને ઘરેલુ વપરાશ માટેના એલપીજીમાં સિલીન્ડર દીઠ રૂ.૨૬૦.૫૦ની અન્ડર રીકવરી ભોગવે છે. આ હિસાબ પ્રમાણે, છ મહિનામાં ડીઝલ ખાતે કુલ અન્ડર રિકવરીઃ રૂ.૩૭,૭૧૯ કરોડ, ઘરેલુ વપરાશના એલપીજી ખાતેઃ રૂ.૧૩,૮૨૦ કરોડ અને કેરોસીનના ખાતે રૂ.૧૩,૩૬૧ કરોડ.

નવાઇ લાગે એવી વાત એ છે કે તોતિંગ અન્ડર રીકવરી ધરાવતી ઓઇલ કંપનીઓ આ વર્ષને બાદ કરતાં સામાન્ય રીતે નફો કરતી હોવાનું જાહેર થતું રહે છે. પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીએ ૧ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ રાજ્યસભામાં આપેલા લેખિત જવાબ પ્રમાણે, છેલ્લાં ત્રણ વર્ષમાં ઓઇલ કંપનીઓનો ટેક્સ પહેલાંનો નફો હતોઃ રૂ.૬૦૪૫ કરોડ (૨૦૦૮-૦૯), રૂ.૧૮,૫૯૭ કરોડ (૨૦૦૯-૧૦) અને રૂ.૧૩,૮૫૪ કરોડ (૨૦૧૦-૧૧).

એક તરફ અન્ડર રીકવરી અને બીજી તરફ નફો? આવું કેવી રીતે બને? તેના માટે અન્ડર રીકવરીની ગણતરીને લગતા બે સવાલ અગત્યના છે. અન્ડર રીકવરી નક્કી કરવા માટે ચાવીરૂપ એવી ‘મળવાપાત્ર કિંમત’ કેવી રીતે ગણવામાં આવે છે? અને ‘અન્ડર રીકવરી’નો આર્થિક બોજ આખરે કોણ ઉપાડે છે?

સૌથી પહેલાં તો એ યાદ રહે કે ‘મળવાપાત્ર કિંમત’ એ વાસ્તવિક કે પડતર કિંમત નથી. તે ‘નોશનલ’ એટલે કે બીજી કિંમતોને ઘ્યાનમાં રાખીને નક્કી કરાતી કિંમત છે. ‘મળવાપાત્ર કિંમત’ માટે વપરાતો શબ્દપ્રયોગ છેઃ ‘ટ્રેડ પેરિટી પ્રાઇસ’. એટલે કે ધંધામાં બીજાની સમકક્ષની કિંમત. પેટ્રોલિયમ પેદાશોની ટ્રેડ પેરિટી પ્રાઇસ નક્કી કરવા માટેનું સરકારી સમીકરણ છેઃ આયાતકિંમતના ૮૦ ટકા અને નિકાસકિંમતના ૨૦ ટકા. ધારો કે ભારતમાં એક લીટર ડીઝલની આયાતકિંમત ૧૫ રૂપિયા અને નિકાસ કિંમત ૧૦ રૂપિયા પડતી હોય, તો તેની ‘ટ્રેડ પેરિટી પ્રાઇસ’ ૧૪ રૂ. થાય. આ ડીઝલ સરકારી રાહતને કારણે ૯ રૂપિયે લીટર વેચાતું હોય, તો પ રૂપિયા ઓઇલ કંપનીની અન્ડર રીકવરી ગણાય.

પરંતુ અન્ડર રીકવરી એ ખોટ નથી. કારણ કે એ બોજ ત્રણ ભાગે વહેંચવામાં આવે છે. ઓઇલ કંપનીની અન્ડર રીકવરીનો એક હિસ્સો કેન્દ્ર સરકાર પોતે ભોગવે છે, બીજો મોટો હિસ્સો (ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા જેવી) ‘અપસ્ટ્રીમ’ કંપનીઓ ઉપાડે છે, જે પેટ્રોલિયમ પેદાશોના વેચાણમાં નહીં, પણ ક્રુડ ઓઇલ અને ગેસ શોધવાના-પૂરાં પાડવાના ધંધામાં છે. ત્રીજો અને સૌથી ઓછો હિસ્સો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પોતે ભોગવે છે.

પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીએ રાજ્યસભામાં આપેલી લેખિત માહિતી (૧-૮-૧૧) પ્રમાણે, વર્ષ ૨૦૦૮-૦૯માં ઓઇલ કંપનીઓનો ટેક્સ પહેલાંનો નફો રૂ.૬૦૪૫ કરોડ હતો. એ વર્ષે ચૂકવવા પાત્ર ટેક્સ હતોઃ રૂ.૧,૭૮૪ કરોડ. એટલે કે ઓઇલ કંપનીનો ટેક્સ પછીનો નફો થયો રૂ.૪,૨૬૧ કરોડ.

પરંતુ વાસ્તવિકતા શી હતી? એ વર્ષે કેન્દ્ર સરકારે રૂ.૭૧,૨૯૨ કરોડની (કુલ અન્ડર રીકવરીના ૬૯ ટકા) મદદ કરી હતી અને અપસ્ટ્રીમ કંપનીઓએ બાકીના રૂ.૩૨ હજાર કરોડની (૩૧ ટકા) સહાય આપી. આમ, રૂ.૧ લાખ કરોડથી પણ ઉપરની સરકારી સહાય પછી ઓઇલ કંપનીઓએ,અન્ડર રીકવરીનો એક પણ રૂપિયો ભોગવ્યા વિના, રૂ. ૪,૨૬૧ કરોડનો ‘નફો’ કર્યો હતો, જે હકીકતમાં ઓઇલ કંપનીઓની રૂ.૯૭,૨૪૭ કરોડની ખોટ ગણાવી જોઇતી હતી. (આ વર્ષે ક્રુડ ઓઇલના ભાવ ૧૪૦ ડોલર પ્રતિ બેરલે પહોંચ્યા તે પણ ઊંચી અન્ડર રીકવરી પાછળનું મોટું કારણ હતું.)

એ જ પ્રમાણે, ૨૦૦૯-૧૦ અને ૨૦૧૦-૧૧ના આંકડા પણ રેડ્ડીએ આપ્યા હતા. તેની પર એક નજર નાખવાથી, અન્ડર રીકવરીનો બોજ કોણ કેટલો ઉપાડે છે અને ઓઇલ કંપનીઓના નફાની વાસ્તવિકતા શી છે, તેનો બરાબર ખ્યાલ આવશે. (આંકડા શક્ય એટલી સાદી ભાષામાં - સમજાય અને વાંચી શકાય એ રીતે મૂકવાનો પ્રયાસ કર્યો છે. તેને જોઇને ભડકવાની જરૂર નથી.)

વર્ષ ૨૦૦૯-૧૦. ઓઇલ કંપનીઓએ ભોગવેલી અન્ડર રીકવરી રૂ.૫,૬૨૧ કરોડ (કુલ અન્ડર રીકવરીના ૧૨ ટકા). તેનો ટેક્સ પહેલાંનો નફો રૂ.૧૮,૫૯૭ કરોડ. ટેક્સ માટેની જોગવાઇ રૂ.૫,૫૩૭ કરોડ. ટેક્સ પછીનો નફો રૂ.૧૩,૦૬૦ કરોડ. પણ એ જ વર્ષે સરકારે કરેલી સહાય રૂ.૨૬ હજાર કરોડ (૫૭ ટકા), અપસ્ટ્રીમ કંપનીઓએ આપેલી મદદ રૂ.૧૪,૪૩૦ કરોડ (૩૧ ટકા). એટલે ઓઇલ કંપનીઓએ કરેલું કુલ વાસ્તવિક નુકસાન રૂ.૨૧,૮૩૩ કરોડ.

વર્ષ ૨૦૧૦-૧૧. ઓઇલ કંપનીઓએ ભોગવેલી અન્ડર રીકવરી રૂ.૩,૮૯૩ કરોડ (૯ ટકા). ટેક્સ પહેલાંનો નફો રૂ.૧૩,૮૫૪ કરોડ. ટેક્સ માટેની જોગવાઇ રૂ.૩,૩૨૩ કરોડ. ટેક્સ પછીનો નફો રૂ.૧૦,૩૫૧ કરોડ. પરંતુ સરકારી સહાય રૂ.૪૧ હજાર કરોડ (૫૨ ટકા) અને અપસ્ટ્રીમ કંપનીઓનું ભંડોળ રૂ.૩૦,૪૯૭ કરોડ (૩૯ ટકા). એટલે ઓઇલ કંપનીઓની વાસ્તવિક ખોટ રૂ.૫૭,૪૪૩ કરોડ.

આ વર્ષે એપ્રિલ-જૂન, ૨૦૧૧ના ફક્ત ત્રણ મહિનાના ગાળામાં કુલ અન્ડર રીકવરી રૂ.૪૩,૫૨૬ કરોડ. સરકારે ભોગવેલી રકમ રૂ. ૧૫ હજાર કરોડ (૩૪ ટકા), અપસ્ટ્રીમ કંપનીઓએ ભોગવેલી રકમ રૂ.૧૪,૫૦૯ કરોડ (૩૩ ટકા) અને ઓઇલ કંપનીઓના ભાગે આવેલી અન્ડર રીકવરી રૂ.૧૪,૦૧૮ કરોડ.

જુલાઇ-સપ્ટેમ્બર, ૨૦૧૧ના ત્રણ મહિનામાં, ફક્ત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ભાગે રૂ.૧૧,૭૫૭ કરોડની અન્ડર રીકવરી હતી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરના નિવેદન પ્રમાણે, ‘આ રકમમાંથી રૂ.૪,૩૦૦ કરોડ અપસ્ટ્રીમ કંપનીઓએ ભોગવ્યા અને બાકીની અન્ડર રીકવરી અમારે ભાગે આવી છે.’ એટલે કે સરકારે પોતાના ભાગે પડતી રકમ ચૂકવી નથી. અન્ડર રીકવરીમાં સૌથી મોટો હિસ્સો ભોગવતી સરકાર મોટે ભાગે ઓઇલ બોન્ડથી અથવા અમુક હિસ્સો રોકડ સબસિડીથી ભરપાઇ કરે છે.

ઓઇલ બોન્ડના આંબાઆંબલી
એક અંદાજ પ્રમાણે, છેલ્લાં છ વર્ષમાં સરકારે ઓઇલ કંપનીઓ માટે અન્ડર રીકવરીના હિસ્સા પેટે રૂ.૧,૮૬,૬૫૬ કરોડ રૂપિયાની કિંમતના ઓઇલ બોન્ડ જારી કર્યા છે. રોકડી ખોટ સરભર કરવા માટે અપાતા આ બોન્ડ કેવી રીતે કામ કરે છે?

સરકાર કંપનીઓને તરત રોકડી કરી શકાય એવા નહીં, પણ નિશ્ચિત મુદત પછી પાકતા ઓઇલ બોન્ડ આપે. ઓઇલ કંપનીઓ આ બોન્ડને પોતાના ચોપડે આવક ખાતે બતાવે (જે હકીકતમાં નુકસાન ભરપાઇ કરવા માટે હોય). કંપનીઓના સરવૈયામાં આ બોન્ડને ‘રોકાણ’ ગણાવે. આ બોન્ડ રાખી મૂકવામાં આવે તો તેની પર ૭-૮ ટકા જેવું મામૂલી વ્યાજ મળે. પાકતી મુદતે સરકાર આ બોન્ડના બદલામાં રોકડ રકમ ચૂકવે. પરંતુ વચ્ચેના સમયગાળામાં કંપનીઓને સરકારી ઓઇલ બોન્ડ બજારમાંથી ઉછીના રૂપિયા મેળવવા માટે ખપમાં ન લાગે. એટલે કંપનીએ બજારમાં ઊંચા વ્યાજેથી રૂપિયા ઉછીના લેવા પડે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ફાઇનાન્સ ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે, કંપનીના માથે પાંચ અબજ ડોલરનું વિદેશી દેવું છે.(૫ નવેમ્બર,૨૦૧૧).

રૂપિયાની તાતી જરૂર ઉભી થાય અને ઉધારીની પણ હદ આવતી હોય, ત્યારે તે મ્યુચ્યુઅલ ફંડ કે ઇન્સ્યોરન્સ કંપનીઓ કે એ પ્રકારની બીજી નાણાંકીય સંસ્થાઓને અમુક રકમના સરકારી બોન્ડ ડિસ્કાઉન્ટ ભાવે વેચી નાખે. આ રીતે તેને બોન્ડની રકમ કરતાં ઓછી રકમ મળે, પણ હાથમાં રોકડ આવે એટલું ઓછું છે? આ નાણાંકીય વર્ષમાં અત્યાર લગી કંપનીએ ઓઇલ બોન્ડ વેચીને રૂ.૩૦૦ કરોડ ઊભા કર્યા હોવાના અહેવાલ પ્રકાશિત થયા હતા.

ઓઇલ કંપનીઓની ખરાબ નાણાંકીય હાલત જોતાં પેટ્રોલિયમ મંત્રાલયે સરકારના નાણાં મંત્રાલય પર અન્ડર રીકવરીની ભાગે પડતી રકમ છૂટી કરવા દબાણ કર્યું છે. પરંતુ કેટલાક અહેવાલો પ્રમાણે, નાણાં મંત્રાલયને ઓઇલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા રજૂ કરાતી અન્ડર રીકવરીની ગણતરીથી અસંતોષ છે.

અન્ડર રીકવરીની ગણતરીમાં કેવી રીતે ગરબડ થઇ શકે? જે મળવાપાત્ર કિંમતોના આધારે અન્ડર રીકવરીના તોતિંગ આંકડા કાઢવામાં આવે છે, તે પેટ્રોલિયમ પેદાશોની વાસ્તવિક પડતર કિંમત કરતાં કેટલી વધારે હોય છે? અને ડાબું ખિસ્સું ખંખેરીને જમણું ખિસ્સું ભરવાની કે શર્ટનું ખિસ્સું ખાલી કરીને પેન્ટનું ખિસ્સું ભરવાની પ્રવૃત્તિ પેટ્રોલિયમના ધંધામાં સરકારી રાહે કેવી રીતે ચાલે છે? તેના જવાબો આવતા સપ્તાહે.

Monday, November 14, 2011

આઝાદી પછીના અસલી ભારતનો એક્સ-રે: રાગ દરબારી

(બ્લોગ પર તો શ્રીલાલ શુક્લ/Shrilal Shukla અને 'રાગ દરબારી'/Raag Darbari/राग दरबारी વિશે સારું એવું લખ્યું હતું, પરંતુ એટલું પૂરતું નથી અને તેના વિશે વ્યાપક પ્રસાર ધરાવતી કોલમમાં લખવું જ જોઇએ, એવું લાગતાં કરેલો આ, બ્લોગની અંગતતા અને અંગત ઉલ્લેખોની બાદબાકી સાથેનો, આ લેખ.).

ગામડું એટલે? આહા! ચોખ્ખાં હવાપાણી, ભેળસેળ વગરનાં ઘીદૂધ, તાજાં શાકભાજી, રોટલા પર માખણના લચકા, ગાડાનું કીચુડ કીચુડ, ભોળા-મદદગાર-નિષ્કપટ- ગરીબ છતાં દિલના અમીર લોકો, તળાવ, ખેતર, સીમ, વાડી, વગડો વગેરેનાં નિબંધકારો-ચંિતનખોરોએ ઉપસાવેલાં મંગલ-મંગલ શબ્દચિત્રો...

આ માન્યતા હજુ સુધી પૂરેપૂરી નાબૂદ થઇ નથી. પોતાના શહેરના દૂરનાં પરાંને ગામડા સમકક્ષ ગણતા ઘણા શહેરીજનો માટે અસલી ગામડું એટલે હિંદી ફિલ્મોમાં કેમેરાની આંખે રજૂ થતું કુદરતી સૌંદર્ય અથવા શહેરની મોંઘી રેસ્ટોરાંમાં ઉભા કરાયેલા આભાસી સેટ અને નોકરીના માર્યા ગામઠી અભિવાદનના પોપટિયા પાઠ કરતા સાફાવાળા વેઇટર.
પરંતુ ભારતનું અસલી ગામડું કેવું હતું? તેનો હાસ્ય-કટાક્ષથી ભરપૂર છતાં અતિશયોક્તિ વગરનો, ક્રૂર છતાં પ્રામાણિક અને વાર્તારસથી ભરેલો દસ્તાવેજ એટલે શ્રીલાલ શુક્લ લિખિત હિંદી નવલકથા ‘રાગ દરબારી’. ગયા મહિને (૨૮ ઓક્ટોબર,૨૦૧૧) ૮૬ વર્ષની ઉંમરે લખનૌમાં શ્રીલાલ શુક્લનું અવસાન થયું. તેમના ચારેક દાયકાના સાહિત્યસર્જનની યાદીમાં ‘અંગદકા પાંવ’ જેવા હાસ્યવ્યંગના લેખસંગ્રહથી માંડીને ગંભીર નવલકથાઓ, સંસ્મરણ, પરંતુ ૧૯૬૮માં પ્રગટ થયેલી વ્યંગ નવલકથા ‘રાગ દરબારી’ ફક્ત શ્રીલાલ શુક્લનાં જ નહીં, ભારતીય સાહિત્યનાં સર્વકાલીન શ્રેષ્ઠ પુસ્તકોમાં સ્થાન પામે એવી છે.

આઝાદીના માત્ર બે દાયકા પછી સેવેલા આદર્શથી બહુ દૂર નીકળી ચૂકેલી વાસ્તવિકતાનો પરિચય સરકારી અધિકારી તરીકે શ્રીલાલ શુક્લને પાકા પાયે હતો. ઉત્તર પ્રદેશની સિવિલ સર્વિસમાં અફસર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર શુક્લ ડિસેમ્બર ૩૧, ૧૯૨૫ના રોજ લખનૌ જિલ્લાના એક ગામડામાં જન્મ્યા હતા. નોકરીને કારણે ગામડાં અને ગામલોકો સાથેનો તેમનો સંપર્ક ચાલુ રહ્યો હતો. ગામડાં સુખ-સમૃદ્ધિ-સંતોષ-સદાચાર જેવી બાબતોમાં ભારતનાં આદર્શ એકમ બનવાને બદલે, બાબુશાહી-વંશપરંપરાગત શાસન-ખટપટ-લોભ-સ્વાર્થ-સારામાં સારા હેતુઓના ખરાબમાં ખરાબ અમલ જેવી ઘણી બાબતોમાં ભારતનું પ્રતિબંિબ બન્યાં હતાં. તેનો તીવ્ર અહેસાસ શ્રીલાલ શુક્લની કલમેથી ૩૩૦ પાનાંની, પાને પાને, ફકરે ફકરે અને ઘણી વાર તો વાક્યે વાક્યે વ્યંગના સટાકા બોલાવતી નવલકથાના સ્વરૂપે પ્રગટ્યો.

નવલકથાનું મુખ્ય કેન્દ્ર શિવપાલગંજ નામનું કાલ્પનિક ગામ છે. તેમાં વૈદ્ય મહારાજનો દબદબો છે. તે ‘નવયુવકોંકે લિયે આશાકા સંદેશ’ આપતી દવાઓ બનાવે છે, ગામની કોલેજ અને કો-ઓપરેટિવ યુનિયનના સર્વેસર્વા છે. ગામમાં શાંતિથી રહેવું હોય એ બધાએ વૈદ્ય મહારાજ ઉપરાંત તેમના મોટા પુત્ર- ‘બિના સૂંઢકા હાથી’જેવા પહેલવાન પુત્ર બદ્રી અને ‘ચા બિસ્કીટ પર જીવતા ખડમાંકડી છાપ છતાં બાર ખાંડીનો મિજાજ ધરાવતા’, કોલેજના ‘ઇશ્ટુડેન્ડ યુનિયન’ના લીડર, નાના પુત્ર રૂપ્પનને સલામ કરવી પડે. વૈદ્ય મહારાજ ભાગ્યે જ ગુસ્સે થાય છે, પણ એ ફિલસૂફીવચનો બોલે એટલે જાણકારો સમજી જાય છે કે હવે સામેવાળાને કોઇ બચાવી નહીં શકે. વૈદ્ય મહારાજનો પરિચય આપતું ‘રાગ દરબારી’ શૈલીનું એક ચોટદાર વાક્ય છેઃ વૈદ્ય મહારાજ થે, હૈ ઔર રહેંગે.

વૈદ્ય મહારાજના દરબારીઓમાં લંગોટી પહેરીને ભાંગ લસોટતા, ‘હનુમાનજીને એકમાત્ર ભગવાન અને વૈદ્ય મહારાજને એક માત્ર માણસ સમજતા’ સનિચરથી માંડીને કોલેજના પ્રિન્સિપાલનો સમાવેશ થાય છે. પ્રિન્સિપાલ છે એનાં કરતાં વધારે ડફોળ દેખાઇને પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખે છે. વૈદ્ય મહારાજનો શહેરી ભાણીયો રંગનાથ એમ.એ.(‘રાગ દરબારી’નાં પાત્રોની શૈલીમાં, ‘એ.મે.’) કર્યા પછી રીસર્ચ માટે મામાને ઘેર આવે છે અને પોતાના શહેરી દૃષ્ટિકોણથી આ ઘટનાઓને જુએ છે, ‘કુછ કરના ચાહિયે’ જેવા અધકચરા એક્ટિવિઝમથી તેમાં તણાય છે, પણ છેવટે કશું કરી શકતો નથી.

મહાભારત માટે જે કહેવાય છે, તે શિવપાલગંજ વિશે - અને ‘રાગ દરબારી’ વિશે પણ -કહેવાય છે, ‘જે અહીં છે એ બઘું જ બહાર છે અને જે અહીં નથી તે ક્યાંય નથી.’ ઉદારીકરણના અને ઇન્ટરનેટના જમાનામાં હવે કદાચ નવલકથા વિશે આવું ન કહી શકાય, પણ તેમાં આવરી લેવાયેલા વિષયો જોતાં એવું લાગે કે લગભગ કશું જ બાકી રહેતું નથીઃ ન્યાયતંત્ર, બાબુશાહી, પ્લાનિંગ કમિશન, નેતાઓ, તેમના ‘પાલક બાલક’ એવા ચેલાચમચા, ચૂંટણી, તેમાં થતા ગોટાળા, રાજકારણનું અપરાધીકરણ, સહકારી સંસ્થાઓના ગોટાળા, સરકારી યોજનાઓના દુરુપયોગ, શિક્ષણ-અઘ્યાપકો-સંશોધકો, પોલીસતંત્ર, રીક્ષાવાળા, વિરોધ પક્ષો, જૂથબંધી, લાગવગશાહી, ગામના મેળા, અખાડા, ચબૂતરા, પ્રેમપ્રકરણો, દારૂડિયા, ગામનાં પંચ...

નવલકથા આઝાદીના બે દાયકા પછી લખાઇ હોવા છતાં, તેમાં ગાંધીનો ઉલ્લેખ કેવી રીતે આવે છે? ‘ગાંધી, જૈસા કિ કુછ લોગોંકો આજ ભી યાદ હોગા, ભારતવર્ષમૈં હી પૈદા હુએ થે ઔર ઉનકે અસ્થિ-કલશકે સાથ ઉનકે સિદ્ધાંતોંકો સંગમમેં બહા દેનેકે બાદ યહ તય કિયા ગયા થા કિ ગાંધીકી યાદમેં અબ સિર્ફ પક્કી ઇમારતેં બનાયી જાયેંગી ઔર ઇસી હલ્લેમેં શિવપાલગંજમેં યહ ચબૂતરા બન ગયા થા.’

ન્યાયતંત્રની ગતિથી માંડીને તેના અનિવાર્ય અંગ જેવા બની ગયેલા પ્રોફેશનલ નકલી સાક્ષીઓ અને તેમના દ્વારા છડેચોક ટેકનિકલી સાચી, પણ ખરેખર જૂઠી-ઉડાઉ જુબાનીઓ અને અદાલતો દ્વારા એ અંગે કરાતા આંખ આડા કાન અંગે પણ માર્મિક સંવાદો અને ટીપ્પણીઓ નવલકથામાં છે. અદાલતોનો ઉલ્લેખ કરતાં શ્રીલાલ શુક્લ લખે છે, ‘પુનર્જન્મકે સિદ્ધાંતકી ઇજાદ દીવાની અદાલતોંમેં હુઇ થી, તાકિ વાદી ઔર પ્રતિવાદી ઇસ અફસોસકો લેકર ન મરેં કિ ઉનકા મુકદ્દમા અઘૂરા હી પડા રહા.ઇસકે સહારે વે સોચતે હુએ ચૈનસે મર સકતે હૈં કિ મુકદ્દમેકા ફૈસલા સુનનેકે લિએ અભી અગલા જન્મ તો પડા હી હૈ.’

‘રાગ દરબારી’ની એક વિશિષ્ટતા એ હતી કે તેમાં સ્ત્રી-પાત્રો નહીંવત્‌ અને જે છે તે પણ મુખ્યત્વે પુરૂષ પાત્રોનાં ચરિતર ઉપસાવવા માટેનાં છે. કદાચ એ જ કારણથી સાહિત્ય અકાદમી પુરસ્કૃત આ નવલકથા પરથી હજુ સુધી ફિલ્મ બની નથી. ૧૯૯૭માં શ્રીલાલ શુક્લના લખનૌના ઘરે તેમની સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે ‘ગર્મ હવા’ના ડાયરેક્ટર એમ.એસ.સથ્યુ અને તેમનાં પત્ની શમા ઝૈદીએ ‘રાગ દરબારી’ પરથી ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શ્રીલાલ શુક્લના જણાવ્યા પ્રમાણે, ‘મેં તેમને હતોત્સાહ કરવા બહુ પ્રયાસ કર્યો. સ્ત્રીપાત્ર વિના ફિલ્મ કેવી રીતે બનાવશો? હજુ લોકોના મનમાં ગામડાની છબી રોમેન્ટિક છે. શહેરી યુવાનો ગામડે જઇને ત્યાંની છોકરી સાથે ઝાડની ફરતે ગીતો ગાય એવું જ લોકોને ગમે છે.’ છતાં સથ્યુ ફિલ્મ બનાવવા ઉત્સુક હતા. ‘કથા’ના નિર્માતા સુરેશ જિંદાલ આ પ્રોજેક્ટ માટે નાણાં રોકવાના હતા. તે છેવટ સુધી તૈયાર હતા, પણ ઘણા વખત પછી સથ્યુએ ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મૂક્યો. શ્રીલાલ શુક્લે કહ્યું હતું,‘હું એમને જે પહેલેથી સમજાવતો હતો, એ તેમને કદાચ પછી સમજાયું હશે.’

એંસીના દાયકામાં ‘રાગ દરબારી’ પરથી કૃષ્ણ રાઘવ રાવે બનાવેલી ૧૩ હપ્તાની ટીવી સિરીયલ દૂરદર્શન પર પ્રસારિત થઇ હતી. તેમાં ઓમ પુરી, મનોહર સિંઘ, આલોકનાથ, રાજેશ પુરી, દિનેશ શાકુલ જેવાં સજ્જ કલાકારોએ કામ કર્યું હતું. પરંતુ ‘રાગ દરબારી’ના આલેખનની-ભાષાની ચુસ્તી અને કાતિલતા એવી છે કે બીજા માઘ્યમમાં તો ઠીક, બીજી ભાષામાં પણ તેની ધાર જાળવવાનું અઘરું પડે. નેશનલ બુક ટ્રસ્ટે તેનો ગુજરાતી સહિત બધી ભાષાઓમાં અનુવાદ કરાવ્યો હોવા છતાં, હિંદી વાંચી શકનારા માટે તે હિંદીમાં જ વાંચવાનું સલાહભર્યું છે.

‘રાગ દરબારી’ની સરખામણી એક રીતે ‘શોલે’ સાથે કરી શકાયઃ બન્નેનાં નાનામાં નાનાં પાત્રો અવિસ્મરણીય બન્યાં છે અને બન્નેના આખેઆખા સંવાદો અને નિરૂપણો મોઢે કડકડાટ બોલી જાય એવા તેના ચાહકો મોટી સંખ્યામાં છે.

મરણપથારીએ જ્ઞાનપીઠથી સન્માનિત શ્રીલાલ શુક્લે આ દુનિયામાંથી ભલે વિદાય લીધી, પણ ‘રાગ દરબારી’ના કર્તા તરીકે તે ‘થે, હૈ ઔર રહેંગે.’

ફ્‌લેશબેક
સામા છેડાનાં બે ગામઃ શિવપાલગંજ અને માલગુડી
ભારતીય સાહિત્યના ઇતિહાસમાં બે કાલ્પનિક ગામડાં અમર થઇ ગયાંઃ એક ‘રાગ દરબારી’નું શિવપાલગંજ અને બીજું અંગ્રેજીમાં લખતા ભારતીય લેખક આર.કે.નારાયણે સર્જેલું માલગુડી. કાવાદાવા અને અનિષ્ટોથી ખદબદતા શિવપાલગંજની સરખામણીમાં નારાયણનું માલગુડી, તેમાં રહેતા ‘સ્વામી એન્ડ ફ્રેન્ડ્‌સ’ અને બીજા લોકો સીધાસાદા, ભોળાભાળા ગામડાના લોકો છે. તેમની સમસ્યાઓ અને તેના ઉકેલો પણ પેચીદા નથી. માલગુડીના સ્વામી સહિતનાં પાત્રો વિશે વાંચીને દરેકને થાય કે કાશ, આપણું ગામ આવું હોય અને શિવપાલગંજ વિશે વાંચ્યા પછી દરેકને થશે કે આપણા ગામમાં પણ આમાંનું ઘણું બઘું હતું.

Saturday, November 12, 2011

ગુજરાતઃ વનપ્રવેશના વળાંકે વક્રાવલોકન

(ગુજરાતની સ્થાપનાને પચાસમું વર્ષ બેઠું ત્યારનો એક હળવો લેખ)

અલગ ગુજરાતની સ્થાપના થઇ ત્યારે તે એક ‘પ્રયોગ’ ગણાતું હતું. એ પ્રયોગનાં પચાસ વર્ષ દરમિયાન ગુજરાત અને ગુજરાતીઓએ ઝીલેલાં, અપનાવેલાં, ખીલવેલાં, સુધારેલાં, બગાડેલાં, ફગાવેલાં અથવા દૃઢ કરેલાં કેટલાક લક્ષણ, તીરછી નજરે.

 • ત્રણ-ચાર દાયકા પહેલાં જ્યાં અંગ્રેજી શીખવવા માટે આંદોલન કરવું પડતું હતું, એ જ ગુજરાતમાં હવે ગુજરાતી બચાવવા માટે આંદોલન કરવાં પડે છે- અને અંગ્રેજી શીખવવાનું તો હજુ બાકી જ છે. પરિણામે, અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની અંગ્રેજી ભાષા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની ગુજરાતી જેટલી જ ‘સારી’ હોય છે.
 • પહેલાં ગુજરાત બહારના લોકો ગુજરાતી માટે ‘શું શાં પૈસા ચાર’ની છાપ ધરાવતા હતા. હવે બહારના લોકો ફાટી આંખે (હકારાત્મક અને નકારાત્મક બન્ને અર્થમાં) ગુજરાત ભણી જુએ છે, ત્યારે ખુદ ગુજરાતીઓ ગુજરાતીને ‘શું શાં પૈસા ચાર’ માને છે અને બે ગુજરાતીઓ મળે ત્યારે બમ્બૈયા હિંદીમાં કે હિંગ્લીશમાં વાતો કરે છે.
 • સવિનય કાનૂનભંગનો જુસ્સો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદા સામે લોકજુવાળ તરીકે પ્રગટ થાય છે. અમૃત ‘ઘાયલ’નો એ મતલબનો એક શેર હતો કે ‘પીતાં આવડે તો હે મૂર્ખ મન મારા, કયો પદાર્થ એવો છે જે શરાબ નથી.’ ગુજરાતે આ ફિલસૂફી બરાબર પચાવી છે અને શરાબના નામે જે રાસાયણિક સંયોજન મળે તે ગટગટાવે છે. વૈશ્વિકીકરણ પછી હોમ ડીલીવરીની સુવિધા પણ છે.
 • ગુજરાતીઓનો ‘ઇટીંગ આઉટ’નો ચસકો વર્ષો સુધી જ્ઞાતિભોજનો દ્વારા સંતોષાતો હતો. હવે મોંઘાંદાટ રેસ્ટોરાં એ ખોટ, ભારે કિંમત વસૂલીને, પૂરી કરે છે. જ્ઞાતિભોજનનો મિજાજ જાળવી રાખવાનો હોય તેમ, મોટા ભાગનાં રેસ્ટોરાંમાં પણ ભીડ, લાઇન, ધક્કા, પીરસનાર સાથે તકરાર અને થાળીમાં બધી વાનગીઓ એક સાથે ક્યારેય ભેગી ન થાય એવી ખાસિયતો જોવા મળે છે.
 • ગુજરાતી થાળી અને ગુજરાતની પ્રજામાં સતત બહારના લોકો ઉમેરાતા અને ભળતા રહ્યા છે. રોટલી-દાળ-ભાત-શાક-કઠોળ-મિષ્ટાન્નથી સંપૂર્ણ ગણાતી ગુજરાતી થાળીમાં હવે પંજાબી અને ‘મદ્રાસી’થી માંડીને ચાઇનીઝ, મેક્સિકન, ઇટાલીયન, થાઇ વાનગીઓ સમાઇ ગઇ છે. ગુજરાતી થાળી બનાવનારા મહારાજ મોટે ભાગે રાજસ્થાની હોય છે. જ્ઞાતિપ્રથા સામે વિરોધ ધરાવતા લોકોને પણ જેનો મોહ થાય એવાં જ્ઞાતિભોજનનાં દાળ-બટાટાનું શાક હવે દોહ્યલાં બન્યાં છે.
 • ‘ગુરબતમેં હો અગર હમ, રહેતા હૈ દિલ વતનમેં’ એવી ઇકબાલની પંક્તિ પ્રમાણે, પરદેશમાં રહેતા ગુજરાતીઓનો જીવ સદા ગુજરાતમાં રહે છે. ઉંટ ભલે મરે ત્યારે મારવાડ સામે જોતું હોય, પણ મોટા ભાગના ગુજરાતીઓ જીવતેજીવ ગુજરાત સામે તાકી રહે છે. એમના ગુજરાતપ્રેમની પૂર્વશરત એ છે કે કોઇ પણ ભોગે, જે દેશમાં જવા મળે ત્યાં, પણ ગુજરાત છોડવું, છોડવું ને છોડવું.
 • ગુજરાતનો જન્મ અસ્થિરતાની આશંકાઓ સાથે થયો હતો, પણ આટલાં વર્ષો પછી ગુજરાતીઓ દરેક બાબતનું ગૌરવ લેતાં શીખી ગયા છે. અમેરિકન ગુજરાતી સુનિતા વિલિયમ્સ અવકાશમાં જાય કે દશેરાના દિવસે અમદાવાદમાં અમુક કરોડ રૂપિયાનાં ફાફડા-જલેબી વેચાય, ગુજરાતીઓ એકસરખું ગૌરવ અનુભવે છે.
 • ગુજરાતમાં સામ્યવાદી બનવા માટે ‘દાસ કેપિટલ’ વાંચવા કરતાં સહેલો અને સુલભ રસ્તો નોનવેજ તરફ ફંટાઇ જવાનો હતો. માંસાહારી ભોજન, મદીરા અને ધુમ્રકંડિકા/સિગરેટનું સેવન તબિયત માટે જેવું હોય તેવું, સામ્યવાદ માટે ઉપકારક ગણાતું હતું. સામ્યવાદનો ‘સાપ’- ઘણા કોંગ્રેસી-ભાજપીના મતે ‘શાપ’ – ગયો, પણ તેના લીસોટા રહી ગયા છે. સામ્યવાદનો ‘સ’ ન સાંભળ્યો હોય એવી નવી પેઢી મોજથી ‘લીસોટા’નું સેવન કરે છે.
 • ખાધેપીધે સુખી લોકો દીવાનખાનાંમાં બેસીને રાજકારણની ચર્ચા કરે છે. ક્યારેક સક્રિય થવાનું આવે તો, લાગ મળ્યે ગાડી લઇને ‘પેન્ટાલૂન’ જેવા સ્ટોર લૂંટવા જાય છે. મત આપવા જેવાં ક્ષુલ્લક કામોમાં તેમને રસ નથી. પોતાના ‘તારણહાર’ મળી જાય તો તેમના ખોળે માથું નાખીને ઉંઘવું અને ‘તારણહાર’ ન મળે ત્યાં સુધી ‘બધા ચોર છે’ એમ વિચારીને ઉંઘવું, તેમની પ્રિય પ્રવૃત્તિ છે.
 • સમાજવાદી લોકોએ જેનાં સ્વપ્નાં જોઇને જિંદગી કાઢી નાખી એવો સમાજવાદ ગુજરાતમાં સેલફોનથી આવ્યો છે. એક સમાજવાદી શેઠની નવી વાર્તા કંઇક આવી છેઃ એક શેઠ એટલા સમાજવાદી હતા કે તેમની પાસે સેલફોન, તેમના નોકર પાસે પણ સેલફોન, તેમના માળી, રસોઇયા અને ડ્રાઇવર પાસે પણ સેલફોન!
 • આંખમાં મેશને બદલે સ્વપ્નાં આંજેલી કોડભરી ગુજરાતી કન્યાઓ તેમના સંભવિત ભાવિ ભરથારના પ્રશ્નોની ઝડીના ટૂંકાક્ષરી જવાબો આપ્યા પછી, માથું સહેજ ઉઠાવીને એક જ સવાલ પૂછતી હતીઃ ‘ડ્રેસ (પંજાબી) પહેરવા મળશે?’ અને પ્રામાણિક મુરતિયાઓ આ સવાલથી ગેંગેંફેંફેં થઇ જતા હતા. હવે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં બાળકોને મૂકવા સ્કૂલે આવેલી માતાઓની વસ્ત્રભૂષા જોઇને ભૂલથી ફેશનપરેડમાં આવી ગયાનો અહેસાસ થઇ શકે છે.
 • અસલના ધાર્મિક ગુજરાતીઓને સવારસાંજ રામચરિતમાનસ કે ભાગવતના ગુટખાનું સેવન કર્યા વિના ગોઠતું ન હતું. ગુજરાતીઓના ગુટખાપ્રેમમાં કશી ઓટ નથી આવી. બલ્કે, એ વધ્યો છે. હવે પાન પરાગ,વિમલ, ઝટપટ, મિરાજ જેવા ગુટખાએ રામચરિતમાનસ-ભાગવતનું સ્થાન લીધું છે.
 • ‘ભક્તિનો માર્ગ છે બૂઢાનો, નહીં જવાનનું કામ જો ને’ એવી જાડી સમજણ એક સમયે પ્રચલિત હતી. ફેશનેબલ વસ્ત્રો પહેરતી નવી પેઢીએ તે માન્યતા ખોટી પાડી છે. ધર્મસ્થાનોની અંદર જ નહીં, બહાર પણ ઉભરાતી ભીડમાં મોટું પ્રમાણ ‘જવાનિયા’નું હોય છે. બાઇક ચલાવતી વખતે રસ્તામાં આવતા મંદિર સમક્ષ, ચાલુ બાઇકે એક હાથ છાતી પર રાખીને ડોકું સહેજ ઢાળી દેવામાં પણ નવી પેઢી અગ્રસર છે.
 • ગુજરાતીઓ અખબારો-સામયિકો વાંચવાના ભારે શોખીન છે- ખાસ કરીને તે બીજાનાં હોય ત્યારે. ગુજરાતમાં પાંચેક વર્ષ સુધી અખબારોમાં છપાયેલા ભેટકૂપનોની લોકપ્રિયતા એટલી પ્રચંડ હતી કે ભલભલા લોકપ્રિય કટારલેખકોને કૂપનની ઇર્ષ્યા થાય. સવારે સાત વાગ્યા છાપું આવે. સાત ને બે મિનીટે છાપામાંથી કૂપન કપાઇ જાય, ત્યાર પછી ઘણાં ઘરમાં છાપું ‘નકામું’ બની જતું હતું.
 • ગુજરાતીઓ પુસ્તકો ખરીદતા નથી, એ છાપ હવે ખોટી સાબીત થઇ છે. અંગ્રેજી-ગુજરાતી પુસ્તકની એસી દુકાનોમાં ભારે ભીડ થાય છે. જોકે, ગુજરાતીઓ જે માત્રામાં પુસ્તકો ખરીદે છે, એ જ પ્રમાણમાં પુસ્તકો વાંચે છે, તે કેવળ સાંયોગિક પુરાવાના આધારે જ માની લેવાનું રહે છે. ઘણા વાચકો પણ પોતાના પ્રિય લેખકોની જેમ ‘જેકેટ રીડિંગ’થી કામ ચલાવી લે છે.

Wednesday, November 09, 2011

મુખ્ય મંત્રીનો ચીનપ્રવાસઃ કાલ્પનિક ડાયરી

બઘું ધાર્યા મુજબ થશે તો ગુજરાતના મુખ્ય મંત્રી ગઇ કાલથી ચાર દિવસના ચીનના પ્રવાસે ઉપડી ગયા હશે. ચીનમાં મુખ્ય મંત્રી શું કરશે? મંચુરિયન ને હક્કા નુડલ્સ ખાશે? ચીનની દીવાલ પર ઉભા રહીને, ગુજરાતને બાકીના ભારતથી અલગ પાડતી, દુનિયાની મોટામાં મોટી દીવાલ બાંધવાની જાહેરાત કરશે? ચીની સરકારે વિદ્યાર્થી ક્રાંતિને ટેંકો તળે કચડી નાખી હતી, એ બેજિંગના ચોકમાં મુખ્ય મંત્રી ચાઇનીઝ પોશાક પહેરેલી પોતાની તસવીરો ધરાવતાં બે-ચાર હોર્ડિંગ મુકાવશે? વિકાસના રેશમી ગાલીચા તળે માનવ અધિકારોના ઉલ્લંઘનનો કચરો કેવી રીતે સંતાડવો એ વિશેની તરકીબોનું ‘સાંસ્કૃતિક આદાનપ્રદાન’ કરશે? મુખ્ય મંત્રીની પ્રતિભાથી પરિચિત લોકોના મનમાં આવા અનેક સવાલ જાગી શકે છે. કેવી હશે તેમના ચીનપ્રવાસની ડાયરી? તેમનો પ્રવાસ ભલે ચાલુ હોય, પણ કલ્પનાચક્ષુથી તેમની ચીનયાત્રાની ખાનગી ડાયરી આગોતરી જોઇ-વાંચી શકાય તો?
***
ખાનગી બાબતો આમ તો હું લખતો નથી. પહેલેથી મેં ટેવ જ નથી પાડી. ‘પહેલેથી’ એટલે ૨૦૦૨થી. મારી શરૂઆત આમ જુઓ તો ત્યારથી જ થઇ ગણાય ને! મને ત્યારથી જ સમજાઇ ગયું હતું ગમે તેટલું ખાનગીમાં લખ્યું હોય, પણ કોણ ક્યારે સામે પડે, કહેવાય નહીં. ઓફિસરોને શું? બધી વખતે આપણે કહીએ તેમ ન પણ કરે. એટલે સો વાતની એક વાત. લખવું જ નહીં. સહી કરવાની તો વાત જ નથી. લખવામાં આટલી સાવચેતી રાખી તો હવે પેલા રાજુભાઇ રામચંદ્રનભાઇ લઇ પડ્યા છે કે મારા બોલવા પર કેસ કરો. પણ મિત્રો, હું ગુજરાતવિરોધી ટોળકીનું કાવતરું સફળ નહીં થવા દઉં...

એક મિનીટ. હું ભૂલી ગયો કે હું ભાષણ કરી રહ્યો નથી, પણ લખી રહ્યો છું. હા, ચીનના પ્રવાસની ડાયરી લખવાનું નક્કી કર્યું છે. પણ ડાયરી હું મારા હાથથી લખવાનો નથી. એટલે ગમે ત્યારે હું કહી શકીશ કે આ ડાયરી મારા નામે બીજા કોઇકે લખી છે. એ વખતે સંજીવ ભટ્ટ પણ એવું નહીં કહી શકે કે મુખ્ય મંત્રીએ ડાયરી લખી ત્યારે હું હાજર હતો. જોકે, સંજીવનું તો ભલું પૂછવું. એ એવું પણ કહે કે મુખ્ય મંત્રીએ ડાયરી લખવાનો આદેશ આપ્યો ત્યારે હું હાજર હતો. ગુજરાતને બદનામ કરવાનું વઘુ એક કાવતરું. પણ હું મારા છતે (બીજા) કોઇનું કાવતરું સફળ થાય એ વાતમાં શો માલ છે?

હવે મુદ્દાની વાત પર આવું. ચીન વિશે અત્યાર સુધી બહુ સાંભળ્યું હતું. ‘ગુજરાતની હરીફાઇ ચીન સાથે છે’ એવું કહીને બહુ તાળીઓ ઉઘરાવી છે. એ ચીનના શાહુકાર- એટલે કે ચીનના મહેમાન- થવાનું મળ્યું, તેનો આનંદ છે. અમેરિકા પર આપણે કંઇ છાપ મારી છે? લોકો કહે છે કે ચીન અમેરિકાને પાછળ પાડીને સુપરપાવર બની જશે. મારે ચીનના નેતાઓને એ જ કહેવું છે કે જો તમે ગુજરાતનો એટલે કે મારો સહકાર લેશો તો આપણે ભેગા થઇને અમેરિકાને પતાવી દઇશું- અને સહકાર ન લેવો હોય તો હું એકલો જ એ કામ માટે સક્ષમ છું. હું બધી અમેરિકન કંપનીઓને એવી લલચામણી શરતોએ ગુજરાતમાં બોલાવી લઇશ કે અમેરિકામાં એકેય કંપની જ નહીં રહે. ગુજરાતમાં માણસોને વાહન ચલાવવાની કે ખેતી કરવાની જગ્યા નહીં રહે એ જુદી વાત છે. પણ એવું હોય તો ગુજરાતીઓ અમેરિકા સેટલ થઇ જશે. એનો આપણને વાંધો નથી. ત્યાં રહીને એ પણ અત્યારના એનઆરઆઇઓની જેમ આપણાં ગુણગાન ગાશે.

મારે અમેરિકાને બતાવી દેવું છે કે મને વિઝા ન આપનાર દેશનું શું થાય છે. ખરેખર મારે એમ જ કહેવું જોઇતું હતું કે અમેરિકાની મંદી મારો હાયકારો લાગવાથી જ આવી છે. પણ એ કહેવામાં મોડું થઇ ગયું. જોઇએ, ચીન સાથે કેવોક ખેલ પાડી શકાય છે.
***
ચીનમાં બે દિવસ થયા. મને સૌથી મોટી નવાઇ એ વાતની લાગે છે કે અહીં નેતાઓનાં હોર્ડિંગ ખાસ જોવા મળતાં નથી. તો પછી એ લોકો રાજ શી રીતે ચલાવતા હશે? અને સુપરપાવર શી રીતે બની શકશે? ગુજરાતની પ્રગતિનો અસલી રાઝ છેઃ મારાં હોર્ડિંગ. સામાન્ય રીતે લોકો સિદ્ધિ મેળવ્યા પછી હોર્ડિંગ મૂકતા હોય, પણ મેં નવો રિવાજ પાડ્યો છેઃ પહેલાં હોર્ડિંગ મૂકી દેવાનાં. સિદ્ધિ પછી મળવી હોય તો મળે. કંઇ નહીં તો સૌથી વધારે હોર્ડિંગની સિદ્ધિ તો મળે જ મળે. મેં ચીની નેતાઓને આ વાત સમજાવાનો પ્રયત્ન કરી જોયો, પણ એ મારી સામે જોઇને ઝીણી આંખે તાકી રહ્યા. મારી વાત સાંભળીને એમની આંખ ઝીણી થઇ કે એમની આંખો એવી જ હતી, એ મને ખ્યાલ ન આવ્યો.

ચીનના થોડા નેતા સાથે હું બંધબારણે ૫૭ મિનીટ બેઠો. અમે ઘણી વાતો કરી. એ બધી બિનસત્તાવાર હતી. પણ કોઇને કાનમાં કહેવાને બદલે ડાયરીમાં લખવાનું મને વધારે ગમશે. એ લોકોએ મારા વિશે ઘણું સાંભળ્યું હતું. એમના મનમાં અનેક સવાલો ને જિજ્ઞાસા પણ હતાં. એમને જાણવામાં રસ હતો કે લોકશાહીના માળખામાં રહીને, બંધારણ હોવા છતાં તેની ઐસીતૈસી કેવી રીતે કરી શકાય, મિડીયાની સ્વતંત્રતા હોવા છતાં અને તેમની પર કોઇ જાતની સેન્સરશીપ ન હોવા છતાં તેમને કાબૂમાં કેવી રીતે રાખી શકાય, આપણા વિરોધી પ્રચારમાંથી ફાયદો કેવી રીતે મેળવી શકાય, સરમુખત્યારીના લોખંડી સકંજા વિના લોકોને લાંબા સમય સુધી પ્રભાવમાં કેવી રીતે રાખી શકાય...

ગુજરાત વિશેના તેમના સામાન્ય જ્ઞાનથી મને બહુ આનંદ થયો અને ગીતાવચન યાદ આવ્યું કે કરેલું એળે જતું નથી. મેં એમને આખી વાત માંડીને સમજાવી. કહ્યું કે તમે ધારો છો એવું કંઇ હોતું નથી. લોકશાહી, સરમુખત્યારશાહી, બંધારણ, મિડીયા બઘું કહેવાનું છે. છેવટે પોતાની આવડત પર બધો આધાર છે. મેં એમ પણ કહ્યું કે એવું હોય તો તમે ચૂંટણી યોજો ત્યારે મને બોલાવજો- બને તો ટ્રેન વ્યવહાર હોય એવા કોઇ રાજ્યમાં- અથવા અમારે ત્યાં ચૂંટણી યોજાય ત્યારે તમે જોવા આવજો. લોકશાહી કેમ ચાલે છે, મિડીયાનો શું ભાવ છે, લોકો કેવા અંજાયેલા છે એ બઘું પ્રત્યક્ષ જોવા મળશે. ચીનાઓ માનવ અધિકારોને ખિસ્સામાં મૂકીને ઓલિમ્પિકનું સફળ આયોજન કરી શક્યા હતા. એટલે મારી વાતમાં તેમને સમજણ પડી.
***
છેલ્લા દિવસ સુધી બધી વાતો થઇ, પણ મારા મનમાં ગુજરાતના હિતનો વિચાર સતત ઘોળાયા કરતો હતો. મને થતું હતું કે આ લોકો આપણી સાથે એકેય એમઓયુ ન કરવાના હોય, તો આ બધી ડાહીડાહી વાતોનો શો અર્થ છે? આપણી પ્રજા એમઓયુની ભાષા વધારે સમજે છે. તેની વિગતોમાં ઉતરવાનો ને અમલીકરણ તથા અસરો જોવાનો કોને ટાઇમ છે? મેં અગાઉ કેટલાક ચીની ઉદ્યોગપતિઓને કાનમાં ફૂંક મારી રાખી હતી. આપણા ઉદ્યોગપતિઓને તો હવે ફૂંક મારવાની પણ જરૂર ન હોય. એટલે છેલ્લા દિવસે બઘું ગોઠવાઇ ગયું. મારા મનમાં છાપાનાં મથાળાં ને સમાચાર તરવરવા લાગ્યાં છેઃ ‘ગુજરાત સાથે ચીનના અમુક લાખ કરોડના એમઓયુ. ચીની સરકાર ગુજરાતમાં તાલુકે તાલુકે માનવ અધિકાર પ્રશિક્ષણની હાઇટેક સંસ્થાઓ શરૂ કરશે. તેનાથી માનવ અધિકારના મુદ્દે ગુજરાતને બદનામ કરતી ગુજરાતવિરોધી ટોળકીને જડબાતોડ જવાબ મળશે અને માનવ અધિકારના મુદ્દે તે ગુજરાત સામે આંગળી ચીંધી નહીં શકે.

Tuesday, November 08, 2011

પેટ્રોલિયમ પેદાશોનું રાજકારણ અને અર્થકારણ

ગયા અઠવાડિયે પેટ્રોલનો ભાવ ફરી એક વાર વઘ્યો. એપ્રિલ, ૨૦૧૧થી શરૂ થયેલા આ નાણાંકીય વર્ષનો તે ચોથો અને જૂન, ૨૦૧૦માં પેટ્રોલના ભાવ પરથી સરકારી અંકુશ ઉઠી ગયા પછીનો તે દસમો ભાવવધારો હતો. એક જ વર્ષમાં પેટ્રોલની કિંમત આશરે ૪૦ ટકા વધી ગઇ.

પેટ્રોલનો ભાવ વધે એટલે દરેક વખતે વિપક્ષો અને મોરચા સરકારના સાથીપક્ષો બૂમરાણ મચાવે છે. આ વખતે યુપીએ સરકારનાં મહત્ત્વનાં સાથી મમતા બેનરજીએ ‘ઇનફ ઇઝ ઇનફ’ (હવે બહુ થયું)નો ધ્રુજારો બતાવ્યો. સામે પક્ષે નાણાં મંત્રી પ્રણવ મુખર્જીએ આ ભાવવધારો કેમ જરૂરી હતો તે સમજાવવાનું આશ્વાસન આપ્યું. એક સમયે એવો રિવાજ હતો કે સરકાર વધારો જાહેર કર્યા પછી, ‘લોકલાગણીને માન આપીને’, વધારામાં ઘટાડો કરીને લોકોને પટાવી લે. હવે તો એટલી ઔપચારિકતા પણ થતી નથી. એક લિટર પેટ્રોલનો ભાવ સિત્તેર રૂપિયાની ઉપર આગેકૂચ કરવા માંડે, તો પણ જનવિરોધ એવો હોતો નથી કે સરકારને ભાવવધારો મોકૂફ રાખવાની ફરજ પડે.

રાજકીય દૃષ્ટિએ વિચારતાં વાસ્તવિકતા એ પણ છે કે ભાવવધારો એ દરેક સત્તાધારી પક્ષ કે મોરચાની નીયતી બની ચૂક્યો છે અને તેનો વિરોધ દરેક વિપક્ષનો કાર્યક્રમ. કદાચ એટલા માટે જ, વિપક્ષી વિરોધની ખાસ અસર પડતી નથી. પેટ્રોલથી ચાલતાં વાહનો વાપરનારો વર્ગ ભાવવધારો અમલી બનવાનો હોય તે પહેલાં પેટ્રોલપમ્પો પર લાઇન લગાડીને, ઓછા ભાવે ટાંકી ફુલ કરાવીને રૂપિયા બચાવ્યાનો ઠાલો સંતોષ મેળવે છે.

રાજકીય પક્ષો ‘જુઓ, અમે વિરોધ કરીએ છીએ. પછી કહેતા નહીં કે અમે વિરોધ નહોતો કર્યો’ એવી મુદ્રામાં ભાવવધારાના વિરોધમાં નિવેદનબાજી કરે છે અને નિવેદનો છપાઇ જાય-ટીવી પર આવી જાય, પછી આખો મુદ્દો ભૂલી જાય છે. અથવા એક બોજનો વિરોધ કરવા માટે તે સંસદની કાર્યવાહી ખોરવે છે અને પ્રજાકીય નાણાંનો વેડફાટ કરે છે.

સામાન્ય નાગરિક દરેક ભાવવધારા વખતે માથું ખંજવાળે છે કે આમાં આપણે શું સમજવું? ભાવવધારો કેમ થાય છે? ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રિય ભાવમાં આટલી બધી ચડઉતર થતી હશે કે એક વર્ષમાં અગિયાર વાર પેટ્રોલનો ભાવ વધારવો પડે? ભાવ કોણ વધારે છે? સરકાર જો આ પ્રક્રિયામાંથી નીકળી ગઇ હોય, તો પછી સરકારી ઓઇલ કંપનીઓ મન ફાવે તેમ ભાવ વધારી શકે? સરકાર તેમને અંકુશમાં રાખી શકે નહીં? શું સરકારી કંપનીઓ ખોટ ખાઇને પેટ્રોલ વેચે છે, એટલે ભાવવધારો જરૂરી બને છે? શું આટલા ભાવવધારા પછી પણ કંપનીઓ પેટ્રોલના ધંધામાં ખોટ ખાય છે? પેટ્રોલની જેમ કેરોસીન-ડીઝલ જેવાં બળતણોનો ભાવ આટલો ઝડપથી કેમ વધતો નથી?

આ સવાલોની સાથે સંકળાયેલા પેચીદા અર્થકારણને બદલે, આંકડાના આધારે કેટલાક જવાબો મેળવવાથી, ગૂંચવાડા ઘટવાની અને સમજણ વધવાની શક્યતા રહે છે.

આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઇલના ભાવ ઘટવા છતાં પેટ્રોલના ભાવ કેમ વધે છે?
ભાવવધારાના સંદર્ભે થતી સૌથી દેખીતી દલીલ આ છે. ત્રણેક વર્ષ પહેલાં (૨૦૦૮માં) ક્રુડ ઓઇલના ભાવ બેરલ દીઠ ૧૦૦ ડોલરથી વધીને ૧૪૭ ડોલરની વિક્રમજનક સપાટીએ પહોંચી ગયા હતા. ત્યાર પછી એ ભાવોમાં ઘટાડો થયો છે. હાલમાં તેનો ભાવ બેરલ દીઠ ૧૧૦ ડોલરની આસપાસ છે. છતાં ભારતમાં પેટ્રોલના ભાવ ક્રુડના આંતરરાષ્ટ્રિય ભાવ પ્રમાણે ઘટવાને બદલે કેમ વધે છે?

જેવો કાયમી સવાલ, તેવો જ કાયમી જવાબ છેઃ સરકાર ભારે ખોટ ખાઇને પેટ્રોલ વેચે છે. એટલે કે ગ્રાહકોને મોંધું લાગતું પેટ્રોલ, સરકારની સબસિડી ન હોય તો, હજુ વઘુ મોંધું થાય. ક્રુડ ઓઇલના ભાવ ઘટે, તો સરકારને વેઠવી પડતી ખોટમાં થોડી રાહત મળે. પરંતુ તેની ખોટ એટલી મોટી છે કે સરકારને લાંબા સમય સુધી એ ખોટ કરવાનું પરવડે નહીં. આ કારણથી સરકાર પોતાની ખોટ ઘટાડવા માટે ધીમી ગતિએ ભાવવધારાનો આશ્રય લે છે, જેથી ગ્રાહકો પર એકસામટો બોજો પડે નહીં.

ગયા વર્ષથી સરકારે પેટ્રોલને અંકુશમુક્ત કરી દીઘું. તેની પાછળનાં હાર્દ અને આદર્શ એવાં હતાં કે હવે અર્થતંત્રનાં બીજાં પરિબળો ઉપરાંત સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય બજારનાં પરિબળોથી - માર્કેટ ફોર્સીસથી- પેટ્રોલના ભાવ નક્કી થશે. એ પ્રમાણે, ભાવની વધઘટનો નિર્ણય હવે સરકારી મંત્રાલય નહીં, પણ (ઇન્ડિયન ઓઇલ જેવી) સરકારની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ લે છે. પરંતુ તાત્ત્વિક રીતે બઘું એકનું એક જ છે. કેમ કે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સરકારી છે. પેટ્રોલ ‘સસ્તું’ આપવાને લીધે તેમને વેઠવી પડતી ખોટ છેવટે સરકાર પોતે જ ભરપાઇ કરે છે.

એ જ રીતે, ભાવવધારા-ઘટાડાનો નિર્ણય ટેકનિકલ હોવા છતાં, રાજકીય સાહેબોની સંમતિ વિના જાહેર થઇ શકતો નથી. એટલું જ નહીં, લેટેસ્ટ ભાવવધારાનું બૂમરાણ મચ્યું ત્યારે સરકારી ઓઇલ કંપનીઓના સાહેબોએ કહી દીઘું હતું કે સરકાર કહે તો અમે ભાવઘટાડો કરવા તૈયાર છીએ. આમ, કાગળ પર પેટ્રોલના ભાવ કંપનીઓ નક્કી કરે છે. છતાં વાસ્તવમાં સરકાર ચાહે ત્યારે તેમાં વધઘટ કરાવી શકે છે.

બીજા દેશોની સરખામણીમાં ભારતમાં પેટ્રોલના ભાવ તોતિંગ છે?
ભાવવધારાનો વિરોધ કરનારાથી માંડીને દેશી લોકોનાં અમેરિકન સગાંસંબંધીઓ ઘણી વાર કહે છે કે ‘અમારે ત્યાં ગેસ બહુ સસ્તો.’ એ વખતે સાંભળનાર ખભા ઉલાળીને કહે છે, ‘હોય. અમેરિકા લશ્કરનો આટલો મોટો ખર્ચો શાના માટે વેઠે છે? તેલિયા દેશોમા લોકશાહી સ્થાપવાની માળા શું કરવા જપે છે? તમને પેટ્રોલ સસ્તા ભાવે મળી રહે એટલા માટે.’

આ આશ્વાસન સાચું હોવા છતાં, તેમાંથી સંપૂર્ણ ચિત્ર મળતું નથી. કેમ કે, સવાલ ફક્ત અમેરિકા જેવા દેશોનો નથી. એક અભ્યાસીએ ૨૦૦૮ થી ૨૦૧૧ની શરૂઆત સુધીના ગાળામાં ભારત અને અમેરિકા ઉપરાંત કેનેડા, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશોમાં પેટ્રોલના સરેરાશ ભાવની સરખામણી પણ આપી હતી. તેના આંકડા પર એક નજર નાખવાથી ચિત્રનો થોડો ખ્યાલ આવશે. દરેક ભાવ લિટર દીઠ અને એ સમયના વિનિમય દર પ્રમાણે રૂપિયામાં છે.

ભારત: રૂ.૫૦.૬૫ (૨૦૦૮), રૂ.૫૨.૫૩ (૨૦૧૦) અને રૂ.૫૬.૫૨ (૨૦૧૧). હવે તેની સરખામણીમાં બીજા દેશોનો ભાવ જુઓ.

પાકિસ્તાનઃ રૂ.૩૦.૫૪ (૨૦૦૮), રૂ.૩૧.૪૩ (૨૦૧૦), રૂ.૩૯.૨૨ (૨૦૧૧).

શ્રીલંકા રૂ.૫૪.૧૨ (૨૦૦૮), રૂ.૪૦.૬ (૨૦૧૦), રૂ.૪૭.૦૪ (૨૦૧૧)

કેનેડા રૂ.૨૬.૫૯ (૨૦૦૮), રૂ.૩૫.૯૯ (૨૦૧૦), રૂ.૫૩.૦૧ (૨૦૧૧)

અમેરિકાઃ રૂ.૧૭.૫૭ (૨૦૦૮), રૂ.૨૬.૨૫ (૨૦૧૦) અને રૂ.૩૯.૬૪ (૨૦૧૧)

આમ, ૨૦૦૮માં શ્રીલંકાને બાદ કરતાં બધી વખતે ભારતમાં પેટ્રોલનો ભાવ સૌથી વધારે હતો. કેનેડા જેવા દેશમાં ત્રણ વર્ષમાં પેટ્રોલનો ભાવ લગભગ બમણા જેવો થઇ ગયો હોવા છતાં, તે ભારત કરતાં ઓછો હતો, જ્યારે પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ ભારતની સરખામણીએ અડધાથી થોડોક જ વધારે હતો.

પેટ્રોલ સિવાયનાં બળતણોનું શું?
સરકારી મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ) દ્વારા ૨૦૦૯-૧૦માં અપાયેલા આંકડા પ્રમાણે, ડીઝલ અને કેરોસીનના ભારતના અને આંતરરાષ્ટ્રિય (અખાતી દેશોના) ભાવમાં પેટ્રોલના ભાવ જેટલો મોટો તફાવત ન હતો. ગરીબોનું બળતણ ગણાતા કેરોસીનનો ૨૦૦૨-૦૩માં આંતરરાષ્ટ્રિય બજારમાં ભાવ રૂ.૮.૯૪ (પ્રતિ લિટર) અને ભારતમાં રૂ.૮.૯૮ (પ્રતિ લિટર) હતો, જે ૨૦૦૯-૧૦માં અનુક્રમે રૂ.૨૨.૯૧ અને રૂ.૯.૩૨ થયો. એટલે કે કેરોસીન અખાતી આરબ દેશો કરતાં ભારતમાં બે થી અઢી ગણું સસ્તું થયું.

ડિઝલની વાત કરીએ તો, ૨૦૦૨-૦૩માં આંતરરાષ્ટ્રિય બજારમાં તેનો ભાવ રૂ.૮.૮૩ (પ્રતિ લિટર) અને ભારતમાં રૂ.૨૨.૧૨ પ્રતિ લિટર હતો. વર્ષ ૨૦૦૯-૧૦માં તે અનુક્રમે રૂ.૨૨.૭૦ અને (ભારતમાં) રૂ.૩૮.૧૦ થયો. એટલે કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય ભાવો વચ્ચે રહેલો તફાવત નોંધપાત્ર રીતે ઘટ્યો.

ભારત સરકારની સબસિડીના પ્રતાપે અને આ ચીજોની કિંમત નક્કી કરવાનું કામ સરકારને હસ્તક હોવાથી, એ શક્ય બન્યું. આ બન્ને ચીજોને ગરીબલક્ષી ગણીને તેને પેટ્રોલની સરખામણીમાં વિશેષ લાભ આપવામાં આવતો હતો. એ જ કારણસર કેરોસીન-ડિઝલનો ભાવ પેટ્રોલની સરખામણીમાં ઓછા વધતા હતા-વધે છે. ડીઝલમાં સરકાર દ્વારા અપાતી સબસિડી અને તેને ખાવી પડતી ખોટની સામે થતી એક દલીલ એવી છે કે ઘણી વૈભવી કાર ડીઝલ પર ચાલે છે. એ ચલાવનાર ધનિક વર્ગ બિનજરૂરી રીતે ડીઝલ પરની સરકારી સબસિડીનો લાભ ખાટી જાય છે અને પેટ્રોલનાં વાહન ચલાવનારને એ લાભ મળતો નથી.

આ દલીલ સાચી છે, પરંતુ ડીઝલના ભાવવધારાની સીધી અસર વાહનવ્યવહાર સાથે અને તેના દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચતી ચીજવસ્તુઓના ભાવ સાથે સંકળાયેલી છે. ડીઝલના ભાવ વધે તે સાથે જ ખાધાખોરાકીથી માંડીને કલ્પના પણ ન આવે એવી ચીજોના ભાવમાં વધારો ઝીંકાઇ શકે છે, જે ગરીબમાં ગરીબ માણસને સ્પર્શે છે. એ કારણથી સરકાર ડીઝલના ભાવ સાવચેતીપૂર્વક અને ફૂંકી ફૂંકીને વધારે છે. તેની સરખામણીમાં પેટ્રોલના ભાવવધારાની અસર સીધી રીતે ‘આમઆદમી’ (પેટ્રોલીયા વાહન પરવડતું ન હોય એવા ગરીબો) પર પડતી નથી. એટલે થોડા હોબાળા પછી બધું શાંત પડી જાય છે.

ડીઝલની સબસિડીનો ઉપયોગ ધનિકોની મોંઘીદાટ કારના બળતણમાં ન થાય એ માટે સરકાર પક્ષે યોગ્ય પગલાં લેવાની જરૂર છે. પરંતુ આ મુદ્દા પૂરતી એ આડવાત થઇ. કરોડો રૂપિયાનો સવાલ એ છે કે પેટ્રોલ હોય કે ડીઝલ, સરકાર દાવો કરે છે તેમ, આ ધંધામાં તે ખરેખર ખોટ ખાય છે? કે પછી સરકારી- ઓઇલ કંપનીઓના આંકડામાં રજૂ થતી તોતિંગ ખોટ આંકડાની માયાજાળનો એક ભાગ છે? કેરળની હાઇકોર્ટે શા માટે સરકારી અને ખાનગી ઓઇલ કંપનીઓને પોતાના ચોપડા-સરવૈયાં બતાવવા કહ્યું છે?

(આ સવાલના જવાબ સહિત બીજી કેટલીક નક્કર હકીકતો આવતા સપ્તાહે)