Wednesday, November 16, 2011
રોંગ સાઇડ પર ચલાવવા વિશે
સત્ય અને અસત્ય વચ્ચેનો, સાચા અને ખોટા વચ્ચેનો સંઘર્ષ ટ્રાફિક પોલીસના અને વાહનચાલકોના અસ્તિત્ત્વથી ઘણો વધારે જૂનો છે. તેનું એક સ્વરૂપ ફિલસૂફી સાથે સંકળાયેલું છે, પણ બીજું વધારે નક્કર અને ‘રોજબરોજના જીવાતા જીવન સાથે નાતો ધરાવતું’ સ્વરૂપ દલીલ, દંડ, લાંચ, પહોંચ અને સજા જેવી નક્કર, દુન્યવી બાબતો સાથે સંકળાયેલું છે.
મોટા ભાગનાં સત્યોની જેમ ‘રોંગ સાઇડ’ની વ્યાખ્યા સાપેક્ષ અને નક્કી કરનારની મુન્સફી પર આધારિત હોય છે. તેનો વિરોધાભાસ એટલું કહેવાથી જ સમજાઇ જશે કે ભારતમાં ‘રાઇટ સાઇડ’ (જમણી બાજુ) ‘રોંગ સાઇડ’ ગણાય છે. ચાલકોએ ડાબી બાજુએ વાહન ચલાવવાં એવો કાયદો છે. રોડના ભાગલા પાડીને તેની પર રાજ કરવા માટે ડીવાઇડર બનાવવામાં આવે છે, જેથી ચાલકો રોંગ સાઇડ પર વાહન ચલાવતાં શરમાય અને ટ્રાફિક પોલીસ રોંગ સાઇડ પર વાહન ચલાવનાર પાસેથી સહેલાઇથી, ઝાઝી દલીલો વિના પોતાની પહોંચ પ્રમાણે, પહોંચ સાથે કે પહોંચ વિના અમુક રકમ વસૂલી શકે.
રોંગ સાઇડે વાહન ચલાવવું એ ટ્રાફિક પોલીસની દૃષ્ટિએ અપરાધ છે. પરંતુ એન્કાઉન્ટર-પૂજક સંસ્કૃતિમાં રોંગ સાઇડે વાહન ચલાવવું એ પરાક્રમની દિશામાં પ્રવાસનો આરંભ છે. તેની શરૂઆત તો લાયસન્સ મેળવવાની ઉંમરે પણ ન પહોંચેલાં બાળકો દ્વારા વાહન ચલાવવાથી થઇ જાય છે. તેમનાં કુટુંબીજનો પોતાના કાચી વયના બાળકના વાહનચાલન-કસબ પર મુગ્ધ થઇને સ્વપ્નિલ આંખે કહે છે,‘અમે તો એમના જેવડા હતા ત્યારે સાયકલનો દાંડો પકડતાં પણ બીક લાગતી હતી. બાપા જોઇ જાય તો ઘૂળ કાઢી નાખે- સાયકલની નહીં, અમારી. અને આ જુઓ. હજુ તો એના પગ પૂરા બ્રેકે પહોંચતા નથી, પણ કેવી મસ્ત ગાડી ચલાવે છે!’
આવાં ‘દૂધપાક’ બાળકો રોંગ સાઇડે હંકારતાં કે દ્વિચક્રી પર ત્રિસવારીની અવસ્થામાં પકડાય ત્યારે સૌથી પહેલાં તે ‘અન્કલાસ્ત્ર’નો પ્રયોગ કરે છે. પોલીસને ‘અન્કલ, અન્કલ’ કહીને તેમનામાં વાત્સલ્યભાવ જાગ્રત કરવા પ્રયાસ કરે છે. ‘પોલીસ પણ આખરે માણસ છે’ એવું એમના કાને કે આંખે ચડી ગયું હોવાથી તે પોલીસને પલાળવાનો - તેમની માણસાઇનું દોરડું પકડીને પોતાના ગુનામાંથી છટકવાનો પ્રયાસ કરે છે.
‘આખરે કે પહેલાં’ની ચર્ચા જવા દઇએ તો પણ પોલીસ માણસ છે એમાં બેમત નથી. પરંતુ મોટા ભાગના પોલીસ કુટુંબકબીલો ધરાવતા હોય છે. તેમને વાત્સલ્ય ઢોળવા માટે પૂરતાં ઠેકાણાં હોય છે. એટલે અજાણ્યાં બાળકોની સ્વાર્થી કાકલૂદીના જોરે તેમની લાગણીની ચકલી ખુલતી નથી. એ પ્રયાસ નિષ્ફળ જાય એટલે બાળકો ચકલી ખોલવાને બદલે તેને હચમચાવીને તોડવાનો પ્રયાસ કરે છેઃ ‘હું ફલાણાનો છોકરો કે ભત્રીજો કે ભાણીયો કે ભાણીયાનો મિત્ર કે મિત્રનો મિત્ર છું’ એવો દમ તે ભીડાવે છે.
પોલીસ દ્વારા ઘેરાઇ ગયેલો જાસુસ જેમ પોતાનું આઇ-કાર્ડ કાઢીને ‘તમે મને પકડવામાં નકામી મહેનત કરી, મૂરખાઓ. હું તો પકડ-પ્રૂફ છું.’ એવું સ્મિત કરે, એવી છટાથી ટ્રાફિક પોલીસે પકડેલું ટાબરિયું કે કિશોર-કિશોરી મોબાઇલ ફોન કાઢે છે. તેની અદા જોઇને એવું લાગે, જાણે હમણાં એ મોબાઇલ ફોન હવામાં ઘસશે એટલે તેમાંથી એના વગદાર બાપા કે ભાઇ કે સગાવહાલાં જીન બનીને પ્રગટશે, ટ્રાફિક પોલીસને પછાડી નાખશે અને પકડાયેલા ટાબરિયાનો મોક્ષ કરાવશે.
ફોન કાઢ્યા પછી, પોલીસ સામે જોઇને તે ‘હવે તમારી ખેર નથી. તમને મારી ઓળખાણનો પાવર બતાવી ન દઉં તો મારું નામ નહીં’ એવી મુખમુદ્રા સાથે જોશથી મોબાઇલના નંબર દબાવે છે અને ફોન લાગે એટલે તરત, દઝારો થતો હોય તેમ, ફોન પોલીસના હાથમાં પકડાવી દે છે. આ પ્રક્રિયાનાં પરિણામ દરેક વખતે જુદાં જુદાં હોઇ શકે છે. કેટલાક પોલીસ મોબાઇલ ફોન જાણે મેમો હોય તેમ, તેને હાથમાં પકડવાનો જ ઇન્કાર કરે છે અને કહે છે, ‘મારે વાત નથી કરવી. મારે વાત કરવાની શી જરૂર? તમે દંડ ભરી દો એટલે છૂટા.’
લાયસન્સ મેળવ્યા પૂર્વેની અવસ્થામાં આ પ્રકારના અનુભવોથી સમૃદ્ધ થયેલાં કિશોર-કિશોરીઓ બાકાયદા પરવાનો મળ્યા પછી ગાંઠે? વણદીઠેલી તો નહીં, પણ વણચીંધાયેલી એવી રોંગસાઇડની ભોમકા પર વાહન ચલાવવા માટે તેમનું યૌવન આંખ માંડે છે ને આતમ પાંખો વીંઝે છે.
રોંગસાઇડે વાહન ચલાવવું એ ટ્રાફિક પોલીસની દૃષ્ટિએ ગુનો છે, પણ વાહનચાલક માટે તે પરાક્રમનું પ્રતીક છે. એમ તો પર્વતારોહણથી માંડીને બીજી અનેક પ્રવૃત્તિઓ એવી છે, જેમાં કરનારને પરાક્રમ લાગે ને બીજા ઘણાને એમ થાય કે આ લોકો શું કરવા સામે ચાલીને જાન જોખમમાં નાખવાની મૂર્ખામી કરતા હશે? એના કરતાં ઘેર બેસીને હિમાલયની ડોક્યુમેન્ટરી જોઇ લેતા હોય તો? ટૂંકમાં, પર્વતારોહણ કરવું કે રોંગ સાઇડે વાહન ચલાવવું એ તર્કનો કે દલીલબાજીનો નહીં, પણ ભાવનાનો મામલો છે. જેની ભાવના હોય તે કરે અને કિંમત ચૂકવવાની થાય ત્યારે હોંશે હોંશે ચૂકવે, પણ પ્રવૃત્તિ ન છોડે.
‘રોંગ સાઇડ ચલાવવામાં શું મઝા આવતી હશે?’ એવા સવાલનો જવાબ આગળની સરખામણીમાંથી મેળવી શકાય છેઃ ‘દોરડાં ને ખીલા લઇને પહાડ ખૂંદવામાં શી મઝા આવતી હશે?’ એવું પણ કોઇ પૂછી શકે. સવાલ રોમાંચનો અને ‘કીક’નો છે. રોંગ સાઇડે વાહન ચલાવવામાં ઘણાને પાવરનો અહેસાસ થાય છે. દૂર પોલીસ ઊભેલા દેખાતા હોય તો પણ રોંગ સાઇડમાં ધૂસે એવા લોકોને જોઇને પોલીસ પોતે વિચારમાં પડી જાય છે કે આ કયા મંત્રીનું કે પોલીસ અફસરનું ન્યાયાધીશનું કે કયા વીઆઇપીનું સંતાન કે પીએ કે સગો કે પીએનો પુત્ર કે પુત્રનો પીએ કે સગાનો સગો હશે? રોંગ સાઇડે આવતા વાહન સામે ફરજપૂર્વક હાથ લાંબો કરીને તે વાહન ઊભું રખાવે ત્યારે ચાલકને ઉપર જણાવેલા વિકલ્પોમાંથી જનરલ ઓપ્શન આપવાનાં જ બાકી રાખે છે.
મોબાઇલનો જમાનો આવ્યો તે પહેલાં રીઢા રોંગસાઇડબાજો પકડાય ત્યારે મુખ્ય મંત્રી સુધીની ઓળખાણો આપતા હતા. મોબાઇલના જમાનામાં એ પહેલાં જેટલું સહેલું રહ્યું નથી. પોલીસ ફોન કરાવવાનો આગ્રહ રાખીને ચાલકના આત્મવિશ્વાસની તપાસ કરી જુએ છે, પણ ફોન લાગે એટલે ‘ઠીક છે, ઠીક છે’ એવો ભાવ રાખીને ફોન પર વાત કર્યા વિના માફીની કે બીજી યથાયોગ્ય કાર્યવાહી કરે છે.
રોંગ સાઇડે વાહન ચલાવનારને કેટલાક કાયદાપ્રેમીઓ તિરસ્કારની નજરે જુએ છે. તે સમજતા નથી કે રોંગ સાઇડે ચલાવનારનો મુખ્ય આશય મોંધું પેટ્રોલ અને મહામોંધું પર્યાવરણ બચાવવાનો છે. રાઇટ સાઇડના નિયમનું પૂંછડું પકડી રાખીને લાંબું ચક્કર મારવું, તેમાં વગર કારણનું પેટ્રોલ બાળવું ને હવામાં એટલું પ્રદૂષણ ઉમેરવું, એના કરતાં ટૂંકા રસ્તે વાહન હંકારવું દરેક રીતે આવકાર્ય ન ગણાવું જોઇએ? સમાજમાં પણ ઘ્યેયસિદ્ધિ માટે ટૂંકા રસ્તાનો છોછ રહ્યો નથી - ભલે ને એ ખોટો કેમ ન હોય- તો પછી, રસ્તા પર વાહન ચલાવવાની બાબતમાં બેવડાં ધોરણ શા માટે? પરંતુ પેટ્રોલ અને પર્યાવરણની બેવડી બચત માટે શાબાશી આપવાને બદલે પોલીસ રોંગ સાઇડે ચલાવનારને દંડ કરવાની વાત કરે, ત્યારે સમજાય છે કે પૃથ્વીના પર્યાવરણની આવી અવદશા કેમ થઇ છે.
Subscribe to:
Post Comments (Atom)
वाह बहोत बढ़िया,,,,,
ReplyDeleteસરસ લેખ...... ઉર્વિશભાઈ..... પરંતુ આ ૭૦ રૂપિયાના પેટ્રોલના જમાનામાં માં-બાપને છોકરો રોંગ માં જઈને થોડું પેટ્રોલ બચાવીને ૫૦ રૂપિયામાં પોલીસને કેવો "ખરીદે" છે તેનો ગર્વ હોય છે. BRTS ના અમદાવાદના આજના જમાનામાં તો રોંગ સાઈડે જવુજ પડે તેવી પરિસ્થિતિ ઘણી જગ્યાએ સર્જાય છે તેનું શું? ૯૯ % જગ્યાએ રોંગ સાઈડે પોલીસ ઉભા જ નથી હોતા તેની દરેક ટાબરિયાને ૧૦૦ % ખબર હોય છે. બાય ધ વે તમે અને આ તમારા લેખો વાંચનારા જો અમદાવાદના રસ્તાઓ થી માહિતગાર હોય તો મારે એક વધારાની વાત જણાવવાની છે કે કાલુપુરથી રાઈપુર થઈ આસ્ટોડિયા થઈ લાલ દરવાજા સુધી જનારને જ ખબર હશે કે અમદાવાદના રસ્તાની જીંદગીમાં કેટલા "ઉતાર -ચઢાવ" આવ્યા છે ! જમ્પર બનાવનારાઓ રોડ બનાવનાર સાથે મળીને આપણને તો બનાવતા નથીને? - અમિત શાહ ઇસનપુર અમદાવાદ.
ReplyDelete