Tuesday, November 29, 2016

'પોસ્ટ ટ્રુથ સોસાયટી' : તથ્યો જાણે માર્યાં ફરે

બ્રિટન યુરોપીઅન યુનિઅનમાંથી છૂટું પડ્યું અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદની હોડમાં ઝુકાવીને વિજયી બન્યા, તેની સમાંતરે પશ્ચિમી પ્રસાર માઘ્યમોમાં પોસ્ટ ટ્રુથ સોસાયટીએ શબ્દપ્રયોગ બહુ ચર્ચામાં છે. તેનો સાદો અર્થ છે : એવો સમાજ, જેને સચ્ચાઇ સાથે લેવાદેવા નથી- હકીકતોની તેની પર કશી અસર થતી નથી. તેના દ્વારા લેવાતા નિર્ણયોમાં હકીકતનું- સચ્ચાઇનું-ટ્રુથનું કશું વજન પડતું નથી.

સામાજિક લાક્ષણિકતા વર્ણવતા કોઇ પણ શબ્દપ્રયોગમાં અતિશયોક્તિના અંશ રહેવાના. આ પ્રયોગ પણ તેમાંથી બાકાત નથી. તેની મર્યાદાઓ વિશે ચર્ચા કરતાં પહેલાં, તેમાં રહેલું હકીકતનું વજન તપાસી જોઇએ. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદની ઉમેદવારી નોંધાવી ત્યારે તેમની છાપ સદંતર નકારાત્મક હતી. તેમના માટે સૌથી હકારાત્મક વિશેષણ વાપરવું હોય તો તેમને વિવાદાસ્પદગણાવી શકાય. અબજોપતિ, બિઝનેસમાં કોઠાકબાડા કરનારા, સ્ત્રીઓના મામલે બદનામ... સ્વસ્થ સમાજમાં અપેક્ષા એવી હોય કે આવા માણસની ઉમેદવારીને ગણતરીમાં જ ન લેવાય. મોટા ભાગનાં પ્રસાર માધ્યમો સહિત અમુક વર્ગે ટ્રમ્પને આગળ જણાવ્યાં તે કારણોસર ગંભીરતાથી ન લીધા.

ભૂતકાળની છાપ ઓછી પડતી હોય તેમ ટ્રમ્પે ઉમેદવારી નોંધાવ્યા પછી પણ નિયમિત ધોરણે ઉશ્કેરણીજનક-વાંધાજનક-દ્વેષયુક્ત તરંગી વિધાનો ચાલુ રાખ્યાં. જે પ્રકારના એક વિધાનથી માણસની પ્રમુખપદની ઉમેદવારી પર પૂર્ણવિરામ મૂકાઇ જાય, એવાં વિધાન ટ્રમ્પ છાશવારે કરતા હતા. છતાં તેમની ઉમેદવારી આટોપાઇ જતી ન હતી.  ટ્રમ્પનાં વિધાનો તેમના વિરોધીઓની ટીકાને વધુ ને વધુ ટેકો પૂરો પાડતાં હતાં--અને સમર્થકોને આવાં વિધાનોથી પાનો ચડતો હતો અથવા તે આવાં વિધાનો પ્રત્યે આંખ આડા કાન કરતા હતા.

આખરે, ટ્રમ્પની ઉમેદવારીને ગંભીરતાથી ન લેનારાનો વિશ્વાસ ખોટો પડ્યો અને ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા. ટ્રમ્પની ગંભીરતાપૂર્વકની ઉમેદવારી અને સરવાળે જીતને કારણે અમેરિકાનો સમાજ પોસ્ટ ટ્રુથ સોસાયટીહોવાની ટીકા થઇ. મતલબ, ‘ઉમેદવાર ગમે તેવો દ્વેષીલો, જૂઠો, (સાચી રીતે) બદનામ હોય, અમને કશો ફરક નથી પડતો. જ્યાં સુધી તે અમારા અમુક પૂર્વગ્રહોને પંપાળે અથવા અમને અમુક પ્રકારનાં સપનાં દેખાડે, ત્યાં સુધી અમે તેના વિશેની બધી ધૃણાસ્પદ સચ્ચાઇ નજરઅંદાજ કરતા રહીશું. તેની સામેના સાચા આરોપોને એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખીશું. એટલું જ નહીં, એ આરોપ કરનારા ઉપર વળતા આરોપ મૂકીશું. એમ કરવામાં અસભ્યતા આચરતાં કે બેફામ બનતાં જરાય ખચકાટ નહીં અનુભવીએ--અને આ બધું સરવાળે દેશહિત-દેશભક્તિનો ભાગ હોવાનો દાવો કરીશું.ટ્રમ્પને મત આપનારા બધા લોકો આ બધી લાગણી એકસરખી તીવ્રતાથી અનુભવતા હોય, એ જરૂરી નથી. એટલે કે ટ્રમ્પને મત આપનાર બધા મહિલાવિરોધી, મુસ્લિમવિરોધી કે મેક્સિકોના દુશ્મન હોય એવું જરૂરી નથી. પણ ટ્રમ્પ સાથે વૈચારિક એકરૂપતા ન અનુભવતા લોકો માટે ભય કે (અવાસ્તવિક) આશા કે બન્નેના મિશ્રણે તેમને ટ્રમ્પના મતદાર બનાવ્યા.

અમેરિકાના સમાજને પોસ્ટ ટ્રુથ સોસાયટીમાં ફેરવવામાં જ્યોર્જ બુશ જુનિયરનો ફાળો નોંધપાત્ર ગણાય. તેમણે અમેરિકાની પ્રજા આગળ જૂઠાણાં ચલાવ્યાં, ત્રાસવાદવિરોધી યુદ્ધના નામે દેશને દેવાના ખાડામાં ઉતારી દીધો, વિદેશોમાં મોરચા ખોલીને અમેરિકાના સૈન્યને ખુવારીમાં ઉતાર્યું. છતાં, તેમને અમેરિકાના લોકોએ બબ્બે વાર પ્રમુખપદે ચૂંટ્યા. ત્યાર પછી અમેરિકાના પહેલા કાળા પ્રમુખ તરીકે ઓબામા ચૂંટાયા અને સતત બે મુદત સુધી પ્રમુખ બની રહ્યા, તેમાં બુશશાસનના વિરોધનો પણ થોડો ફાળો હશે. ઓબામા જેવા ઉમેદવારની જીતને કારણે પોસ્ટ ટ્રુથ સોસાયટીની ચર્ચા ઠરી ગઇ હશે, જે ટ્રમ્પની ઉમેદવારી અને વિજય પછી નવી ઉગ્રતાથી શરૂ થઇ છે.

જ્યોર્જ બુશ જુનિયરના જમાનામાં અમેરિકાને તેનાં દુઃસાહસોમાં સક્રિય સહકાર આપનાર બ્રિટન બ્રેક્ઝિટના લોકમત વખતે અને તેના પરિણામ પછી પોસ્ટ ટ્રુથ સોસાયટીનો નમૂનો ગણાયું. કેમ કે, યુરોપીઅન યુનિઅન સાથે બ્રિટનનું જોડાણ કેટલું નુકસાનકારક છે અને છૂટા પડ્યા પછી--બ્રેક્ઝિટ પછી--બ્રિટનને કેટલો ફાયદો થશે, તેના મનઘડંત આંકડા બ્રેક્ઝિટના ટેકેદારો ઉછાળતા હતા. એ આંકડા ખોટા હોવાનું પછીથી તેના કેટલાક મુખ્ય પ્રચારકોએ પણ કબૂલ્યું. પરંતુ ત્યાર પહેલાં તેમના આક્રમક પ્રચાર પર વિશ્વાસ મુકીને, ચાલુ સ્થિતિ પ્રત્યે હતાશા વ્યક્ત કરવા માટે બહુમતી લોકોનો મત બ્રેક્ઝિટની તરફેણમાં પડી ચૂક્યો હતો. શું અમેરિકા કે શું બ્રિટન, બન્નેને પોસ્ટ ટ્રુથ સોસાયટીબનાવવામાં ચાલુ વ્યવસ્થા સામે લોકોના અસંતોષ ઉપરાંત અવાસ્તવિક આશા અને બઢાવેલાચઢાવેલા ભયનું મિશ્રણ મહત્ત્વપૂર્ણ નીવડ્યું.

પોસ્ટ ટ્રુથ સોસાયટીએ પ્રયોગને કેટલાક ટીકાકારો અવાસ્તવિક અને અભિમાનથી ભરેલો ગણાવે છે. તેમના મતે, પોસ્ટ ટ્રુથ સોસાયટીની વાતો કરનારાને એવો ફાંકો છે કે સચ્ચાઇની ફક્ત તેમને જ ખબર છે. એટલે કે, એ કહે તે જ સાચું છે અને તેનાથી વિપરીત અભિપ્રાય ધરાવનારા બધા એકસરખા ખરાબ, ‘ટ્રોલ’, રેસિસ્ટ (રંગભેદમાં માનનારા) અને નિમ્ન મનોદશા ધરાવતા લોકો છે.આ દલીલના ઉત્તરાર્ધમાં તથ્યનો અંશ છે. જેમ ટ્રમ્પના વિરોધીઓમાં અનેક પ્રકારભેદ, ગુણભેદ, સમજભેદ અને કક્ષાભેદ હોઇ શકે, તેમ જ હિલેરીના વિરોધીઓમાં-ટ્રમ્પના ટેકેદારોમાં પણ ઘણા પ્રકાર હોય. ટ્રમ્પને કે બ્રેક્ઝિટને કે ભારતની વાત કરીએ તો નરેન્દ્ર મોદીને મત આપનારા બધા કોમવાદી, આત્યંતિક માનસિકતા ધરાવતા, ‘ભક્તજ હોય એવું માની લેવાય નહીં. ઘણા લોકો એવા પણ હોય, જે વર્તમાન શાસનમાં બદલાવની ઝંખનાને કારણે અથવા તેમના કોઇ નિર્દોષ’ (દા.ત. આર્થિક વિકાસના) એજેન્ડાને કારણે તેમને મત આપવા-તક આપવા તૈયાર થયા હોય. એ બધાને એક લાકડીએ હાંકવામાં પ્રમાણભાન જળવાતું નથી.

અલબત્ત, આ દલીલ ટ્રોલકે રેસિસ્ટ કે કોમવાદી કે ભક્તહોય, તે લોકો પોતાના બચાવ માટે વાપરે ત્યારે તે વજન ગુમાવી બેસે છે. મોદીની તરફેણ કરતા બધા ભક્તનથી હોતા એનો અર્થ એવો પણ ન જ થાય કે ભક્તોજેવું કંઇ હોતું જ નથી. નિર્દોષઆકાંક્ષા ધરાવતા નાગરિકસમુહમાં ભળી જવા માટે આ દલીલનો ઉપયોગ કરવો એ આગળ જણાવેલા લોકોની વ્યૂહરચનાનો એક ભાગ હોય છે. ઘણા ઉદારમતવાદીઓ પણ આ મામલે ભક્તોનાં ભાષણો સાંભળી લે છે--ખાસ કરીને અત્યારે છે એવી આત્મગ્લાનિ અને આત્મનિરીક્ષણની માનસિક સ્થિતિમાં.

બીજો સવાલ ટ્રુથકહેતાં સચ્ચાઇનો છે. એ ખરું કે ઘણી બાબતોમાં છેવટના સત્ય જેવું કંઇ હોતું નથી અને વ્યક્તિ પ્રમાણે તેની સમજ બદલાતી રહે છે. પણ એવા ફિલસૂફીભર્યા તર્ક હેઠળ નક્કર સચ્ચાઇને-હકીકતોને પણ વિવાદાસ્પદઅથવા સાપેક્ષતરીકે ખપાવી દેવાની ચબરાકી અપનાવવામાં આવે છે. ટ્રમ્પનો ભૂતકાળનો રેકોર્ડ કે તેમનાં વર્તમાનકાળનાં વિવાદાસ્પદ નિવેદનો સત્યછે. કોઇ પણ વ્યક્તિ તેની ખરાઇ કરી શકે છે. તેમના માટે સત્ય સાપેક્ષ હોય છેએવું શાણપણ શી રીતે લાગુ પાડી શકાય?

ટ્રુથશબ્દ વજનદાર લાગતો હોય, તો પોસ્ટ-ફેક્ટ સોસાયટી’ (તથ્યનિરપેક્ષ સમાજ) જેવો પ્રયોગ થઇ શકે--મુદ્દો ભાષાનો નહીં, ભયંકર તથ્યો પ્રત્યે આંખ આડા કાન કરવાનો છે.

Monday, November 28, 2016

ફુલે : રચના અને સંઘર્ષના સત્યનિષ્ઠ કર્મવીર

જોતિરાવ ફુલે/ Jotirao Phule
મુંબઇ પ્રાંતના કે ભારતના સમાજસુધારકોની વાત નીકળે ત્યારે રાજા રામમોહન રાય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, મહર્ષિ કર્વે, ન્યાયમૂર્તિ રાનડે, દયાનંદ સરસ્વતી જેવાં નામ ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં જોવા મળે છે. તેમાં ભાગ્યે જ દેખાતું અને ઘણે ભાગે અદૃશ્ય રહેલું એક નામ છે : જોતિરાવ ફુલે (1827-1890). દયાનંદ સરસ્વતી-રાનડે-લોકમાન્ય ટિળક જેવા ઇતિહાસપુરૂષોના સમકાલીન હોવા છતાં, ફુલેનું નામ જાણે આ બધા કરતાં અલગ પડી જાય છે : ઉપેક્ષાની રીતે પણ અને પ્રતાપની રીતે પણ. ફુલે કોઇ એક પ્રાંતના કે એક સદીના સુધારક નથી. ભારતનાં સર્વકાલીન મહાન વ્યક્તિત્વોમાં તેમની ગણતરી કરવી પડે એવું તેમનું કામ છે.

તો પછી તેમનું નામ કેમ સમાજના અમુક જ વર્ગમાં વધારે જાણીતું છે? અને સમાજનો બોલકો વર્ગ મહદ્‌ અશે ફુલેથી કેમ અજાણ રહે છે? પહેલું અને મુખ્ય કારણ છે : જ્ઞાતિના ભેદભાવ. મહારાષ્ટ્રની પરંપરા પ્રમાણે જોતિબાતરીકે ઓળખાતા જોતિરાવ ફુલે જન્મે માળી જ્ઞાતિના હતા. નીચલી ગણાતી (છતાં અસ્પૃશ્ય નહીં) એવી જ્ઞાતિના બાળક તરીકે એક પ્રસંગે વેઠવા પડેલા અપમાને તેમને સામાજિક અસમાનતાથી પરિચિત કરાવ્યા. કટ્ટર બ્રાહ્મણવાદના ગઢ જેવા ઓગણીસમી સદીના પૂનામાં અસ્પૃશ્યોને તો માણસ જ ગણવામાં આવતા ન હતા. પણ આજની પરિભાષામાં જેમને ઓબીસી ગણી શકાય એવી ઘણી જ્ઞાતિઓને પણ હડઘૂત કરવામાં આવતી હતી. છેલ્લા થોડા દાયકામાં  દલિત ચળવળ અને દલિત સાહિત્યની ઝુંબેશ શરૂ થઇ છે, પરંતુ એક-દોઢ સદી પહેલાંના પૂનામાં એવી કોઇ કલ્પના સુદ્ધાં થાય તેમ ન હતી. એ વખતે જોતિરાવ ફુલેએ આજીવન સમાજસુધારાની કામગીરી એવા અભૂતપૂર્વ જુસ્સાથી ચલાવી કે આ બાબતમાં તેમની જોડનો કોઇ આગેવાન ભાગ્યે જ થયો હશે. તેમના સમકાલીનોમાં તો નહીં જ.

જોતિરાવની કેટલીક વિશિષ્ટતાઓ તેમના પછી ઉભરેલા ગાંધીજીમાં જોવા મળે છે. પરંતુ ઉજળિયાતકુટુંબમાં જન્મેલા, અસ્પૃશ્યતા પ્રત્યે ભરપૂર રોષ ધરાવતા છતાં વર્ણાશ્રમધર્મની તેમની સમજને વળગી રહેલા ગાંધીજીને દેશની રાજકીય આઝાદી માટેની લડાઇની આગેવાની લેવાની આવી. પરિણામે, તેમનો સમાજસુધારાનો કાર્યક્રમ એટલી અગ્રતા અને એટલી વ્યાપક સ્વીકૃતિ મેળવી શક્યો નહીં. ભારતના વ્યાપક જનસમુદાયને ગાંધીજીની મુખ્ય અપીલ આઝાદી અપાવનાર કર્મવીર તરીકેની હતી. એ આભા સાથે ગાંધીજી સમાજસુધારાની વાત કરતા હતા, તો પણ તેમની એ વાતોના લેવાલ ઓછા રહેતા. જ્યારે જોતિરાવનું મુખ્ય કામ જ સમાજસુધારા માટે લડત ચલાવવાનું હતું. આ પ્રકારની લડતમાં અનિષ્ટોનો મુકાબલો કરતી વખતે લાંબા ગાળે આખી લડત ખંડનાત્મક થઇ જવાની પૂરી સંભાવના રહે છે. પરંતુ જોતિરાવે સંઘર્ષની સાથે રચનાત્મક પ્રવૃત્તિનું સંતુલન બરાબર જાળવી રાખ્યું. આ બાબતમાં ગાંધીજીની સરખામણી જોતિરાવ સાથે થઇ શકે.

ગાંધીજી પર થતો એક કાયમી આરોપ છે કે દક્ષિણ આફ્રિકામાં તેમણે સ્થાનિક કાળા લોકોની સમસ્યાને અવગણી અથવા તેને પ્રાથમિકતા ન આપી. આરોપની  તરફેણમાં અને વિરોધમાં દલીલો-રજૂઆતો થઇ શકે. પરંતુ ગાંધીજીની પ્રાથમિકતા દક્ષિણ આફ્રિકામાં રહેતા હિંદીઓના હકની હતી. તેમનાથી ૪૨ વર્ષ પહેલાં જન્મેલા જોતિરાવને કદી વિદેશ જવાનું બન્યું નહીં. પરંતુ અમેરિકામાં કાળા લોકોને ગુલામ તરીકે રાખવાની અમાનુષી પ્રથા સામે લડત ચાલી અને ગુલામીપ્રથા નાબૂદ થઇ, તેનાં સ્પંદનો પૂનામાં રહ્યે રહ્યે જોતિરાવે ઝીલ્યાં હતાં--વૈશ્વિકીકરણની એક સદી પહેલાં.

ભારતના જાહેર જીવનમાં સત્યની પ્રાણપ્રતિષ્ઠાનો પ્રયાસ ગાંધીજીએ કર્યો અને લોકમાન્ય ટિળક સાથેની એક ચર્ચામાં તેમણે શઠમ્‌ પ્રત શાઠ્યમ્‌’ (જેવા સાથે તેવા)ને બદલે શઠમ્‌ પ્રતિ સત્યમ્‌ની વાત કરી. તેનાં વર્ષો પહેલાં જોતિરાવ ફુલેએ સત્યમેવ જયતેના મંત્રને પોતાનો મુદ્રાલેખ બનાવ્યો હતો અને તેને લેટરહેડ પર સ્થાન આપ્યું હતું. બીજી ગોળમેજી પરિષદ વખતે બ્રિટન ગયેલા ગાંધીજી તેમના રાબેતા મુજબના પોશાકમાં શહેનશાહને મળ્યા હતા અને છેવાડાના ભારતીયો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા શહેનશાહ આગળ રજૂ કરવાની નૈતિક હિંમત દર્શાવી હતી. એ બનાવના ચાર દાયકા પહેલાં, ઇ.સ. ૧૮૮૮માં બ્રિટનના રાજકુમાર સજોડે ભારતની મુલાકાતે આવ્યાં, ત્યારે પૂનામાં તેમના માનમાં ભોજન સમારંભ યોજાયો. ત્યાં પૂના શહેરના તમામ અગ્રણીઓ બનીઠનીને આવ્યા હતા, પણ જોતિબા તેમના રાબેતા મુજબના ભારતીય ગામઠી પહેરવેશમાં પહોંચ્યા. તેમની પાસે આમંત્રણપત્ર હોવા છતાં દરવાનો તેમને અંદર જવા દેતા ન હતા. દરમિયાન યજમાનનું ધ્યાન જતાં તેમને આદરપૂર્વક અંદર લઇ જવાયા અને મહત્ત્વના સ્થાને બેસાડવામાં આવ્યા.

બોલવાનો વારો આવ્યો ત્યારે જોતિબાએ રાજકુમાર (ડ્યુક ઑફ કૉનોટ)ને સંબોધીને કહ્યું,‘અહીં બેઠેલા લોકોનાં ભપકાદાર કપડાં અને ઘરેણાં પરથી તમને લાગશે કે ભારત કેટલું સુખી અને સમૃદ્ધ છે. વાસ્તવમાં આ છાપ ગેરરસ્તે દોરનારી છે.અહીં બેઠેલા લોકો રાણી વિક્ટોરિયાશાસિત ભારતના ખરા પ્રતિનિધિ નથી. ખરું ભારત ગામડાંમાં વસે છે, જ્યાં સેંકડો લોકો પાસે શરમ ઢાંકવા જેટલાં પણ કપડાં નથી, ખાવા માટે અન્ન નથી, રહેવા માટે છાપરું નથી અને મિલકતમાં ફૂટી કોડી નથી.ભારતની વાસ્તવિકતાનો ચિતાર આપીને તેમણે ડ્યુકને કહ્યું,‘આપનાં માતાજી રાણી વિક્ટોરિયાને કહેજો કે તેમની પ્રજા અત્યંત ગરીબીમાં જીવી રહી છે અને તેમને શિક્ષણની બેહદ જરૂર છે.

યાદ રહે કે ગાંધીજીની જેમ જોતિબા પણ પોતે જન્મજાત અસ્પૃશ્યન હતા. પરંતુ બાળપણમાં થયેલા જ્ઞાતિ આધારિત ભેદભાવના અનુભવે તેમને સમાનતાના યોદ્ધા બનાવ્યા--જેમ બેરિસ્ટર ગાંધીને દક્ષિણ આફ્રિકામાં થયેલા રંગભેદના અનુભવે ભેદભાવની સામે શીંગડાં માંડતા કર્યા. ઘણી બાબતોમાં ગાંધીજીના પૂર્વસૂરિ લાગે એવા જોતિરાવ ફક્ત સુફિયાણી વાતો કરવામાં માનતા ન હતા. તેમના જમાનાના ઘણા સુધારકો સુધારાવાદી ભાષણો કર્યા પછી અમલની વાત આવે ત્યારે સમાજની બીકે પાણીમાં બેસી જતા હતા, ત્યારે જોતિરાવના ઉપદેશ અને આચરણ વચ્ચે ફરક ન હતો. સાવિત્રીબાઇ સાથે લગ્ન પછી સંતાન ન હોવાથી, પિતાએ જોતિરાવને બીજું લગ્ન કરવાની સલાહ આપી, ત્યારે જોતિરાવે પૂછ્‌યું હતું,‘સંતાન ન હોવા માટે હું કારણભૂત હોઉં, તો તમે સાવિત્રીને બીજું લગ્ન કરવા દેશો?’

અસ્પૃશ્યતા નિવારણ અને સમાજસુધારામાં ગાંધીજીના પૂર્વજ એવા આ મહાન અગ્રણીનો ગાંધીજીના અને ગાંધીજીના અંતેવાસીઓના સાહિત્યમાં ભાગ્યે જ ઉલ્લેખ જોવા મળે છે, તે આશ્ચર્ય અને ખેદ ઉપજાવે એવું છે. કલેક્ટેડ વર્ક્‌સ ઑફ મહાત્મા ગાંધીના 97 ગ્રંથોની નામસૂચિમાં જોતિરાવ ફુલેનું નામ સરખું નથી. એ સંપાદનમાં રહેલી ક્ષતિ છે કે ખરેખર ગાંધીજીએ ક્યાંય જોતિરાવનો ઉલ્લેખ નથી કર્યો, એ તો કોઇ અઠંગ અભ્યાસી જ કહી શકે. આખા ભારતમાં અસ્પૃશ્યાવિરોધી ચળવળ ઉપાડનાર અને એ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે મુકી આપનાર ગાંધીજીએ શા માટે જોતિરાવનું નામ લેવું અનિવાર્ય હતું? અને એ ન લીધું હોય તો ગાંધીજી અને તેમના સાથીદારો માટે શા માટે વિચિત્ર ગણાય? તેની વાત આવતા સપ્તાહે.

Tuesday, November 22, 2016

કાળાં નાણાંનો જંગઃ દાનત અને બરકત

વહીવટી બાબતોમાં શાસકનાં બે કામ છેઃ નીતિનિર્ધારણ અને અમલીકરણ. કાળું નાણું અંકુશમાં લેવા માટે વડાપ્રધાને રૂપિયા પાંચસો અને હજારની નોટો પાછી ખેંચી લીધી એની નીતિવિષયક ચર્ચા ચાલુ છે અને આખરી ચુકાદો બાકી છે. નજીકના ભૂતકાળનો આવો કોઇ દાખલો નથી, જેના આધારે ત્રિરાશી માંડી શકાય. 1978માં મોટી નોટો રદ કરવાનો નિર્ણય લેવાયો ત્યારે દેશની વસ્તીના અંદાજે 0.6 ટકા લોકો પાસે એવી નોટો કેન્દ્રિત હતી. તેમ છતાં એ વખતે રીઝર્વ બેન્કના ગુજરાતી ગવર્નર આઇ.જી.પટેલને એ પગલું કામચલાઉ અસર ધરાવતું લાગ્યું હતું. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના વડા રહી ચૂકેલા આઇ.જી.ને લાગતું હતું કે કાળાં નાણાં પર લાંબા ગાળે તેની ઝાઝી અસર નહીં પડે. અત્યારે પણ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો વહેંચાયેલા છે. તેમાં સૌથી વિશ્વસનીય અને આવેશ વગરનો જણાતો અભિપ્રાય એવો છે કે આ પગલાની ખરી અસરો જાણવા માટે રાહ જોવી પડે. ખુદ વડાપ્રધાને પણ દેશવાસીઓ પાસે પચાસ દિવસની મુદત માગી છે.

અર્થશાસ્ત્ર જેવી બાબતમાં કોઇ પણ નીતિ ફૂલપ્રૂફ કે સો ટકા ખાતરીદાયક નથી હોતી. તેમાં અણધાર્યાપણાનું થોડું તત્ત્વ રહે જ છે, જે ગમે તેટલી તૈયારી પછી પણ આશ્ચર્ય પેદા કરી શકે. આવા સંજોગોને પહોંચી વળવા માટે વડાપ્રધાન મુદત માગે, તો એટલો સમય નાગરિકોએ તકરાર વિના આપવો જોઇએ. આમ પણ સમય આપવો કે ન આપવો, એ તો નાગરિકોના હાથમાં નથી હોતુ. એ ખુશીથી આપવો કે કકળાટથી એ જ તેમણે નક્કી કરવાનું હોય છે.

નાગરિકો કકળાટ ન કરે એવી અપેક્ષા રાખતી વખતે સરકારે પણ પોતાના પક્ષે પાકું લેસન અને મજબૂત તૈયારી કરવાં પડે. વ્યક્તિને બદલે નીતિ(પોલિસી)ને, દાનતને બદલે આયોજનને પ્રાધાન્ય આપવું પડે. એવું ન થાય તો તેનાં પરિણામે પેદા થતો કકળાટ અને અસંતોષ સરકારની પોતાની કમાણી કહેવાય. તેના માટે નાગરિકોને દોષ ન દેવાય. નાટ્યાત્મક અને બોલ્ડ પગલાનો જશ વડાપ્રધાનને મળતો હોય, તો તેની કાચી તૈયારી અને આડેધડ અમલીકરણનો અપજશ પણ વડાપ્રધાનને મળવો જોઇએ. દેખીતું છે કે વડાપ્રધાને માગેલા પચાસ દિવસ પછી પણ ભારતના અર્થતંત્રમાં ચમત્કાર થવાનો નથી. ભારત જેટલા મોટા અર્થતંત્રમાં કોઇ પણ પગલાની અસર માટે પચાસ દિવસ બહુ ઓછો સમય ગણાય. મૂળભૂત રીતે વડાપ્રધાન એવું કહેવા માગે છે કે તમને તમારાં નાણાં મેળવવામાં જે તકલીફ પડી રહી છે, તેના માટે પચાસ દિવસ રાહ જુઓ. ત્યાં સુધીમાં બધું ગોઠવાઇ જશે. એનું ગુજરાતી એવું પણ થાય કે અમારા અણઘડ આયોજનના લીધે તમને પચાસેક દિવસ તકલીફ પડશે. એ તમે વેઠી લેજો. જો તમે અમારા ખરાબ આયોજનની-અલેલટપ્પુ અમલીકરણની ટીકા કરશો, તો એ અમારી દાનતની ટીકા ગણાશે અને તમે કાળાં નાણાંના તરફદાર ગણાઇ જશો. વડાપ્રધાનની તસવીર ધરાવતી જાહેરખબરોમાં હવે એવા દાવા કરવામાં આવે છે કે તમારાં નાણાં સુરક્ષિત છે. હકનાં નાણાં મેળવવા લોકોને લાઇનોમાં ઊભા રહેવું પડે છે. છતાં રોકડના અભાવે ઘણાને એ નાણાં મળી શકતાં નથી, એ કડવી સચ્ચાઇ જાહેરખબરોના મારા તળે છુપાવવાની કોશિશ થઇ રહી છે.

આ બાબતે થતો રાજકીય વિરોધ પણ પ્રતીતિજનક લાગતો નથી. વિપક્ષોએ સામાન્ય લોકોને પડતી હાડમારીની વાત કરી, પણ કયો મુદ્દો સૌથી મુખ્ય બનાવ્યો? કયા મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) નીમવાની માગણી કરી? તેમનો આરોપ છેઃ સરકારે આ નિર્ણયની જાણકારી પોતાના ચુનંદા મિત્રોને અગાઉથી આપી દીધી હતી (અને તેમાં અમારો સમાવેશ થતો ન હતો.) માટે આ લીકના આરોપની તપાસ માટે જેપીસી નીમાવી જોઇએ. ભાજપ સહિતના કોઇ પણ રાજકીય પક્ષને કાળાં નાણાં વગર ચાલે એમ નથી. એટલે જ, કાળાં નાણાંના મુદ્દે શાહુકારીના દાવા કરીને બીજા ભણી આંગળી ચીંધતા વડાપ્રધાનને પોતાના પક્ષ ભણી ચીંધાતી ચાર આંગળીઓ દેખાતી નથી, એ બાબતે તેમના આત્મવિશ્વાસને દાદ આપવી પડે. તેમના લાઇટ એન્ડ સાઉન્ડ શો (ગડગડાટી અને ધણધણાટી)ને કારણે બીજા ઘણા લોકો પણ એ વિચારતા નથી કે કાળાં નાણાંના મુદ્દે (બીજા પક્ષોની માફક) ભાજપ ક્યાં ઊભો છે. લોકોના ખાતામાં રહેલા પચાસ હજાર રૂપિયાના હિસાબો માગનાર ભાજપ કેમ માહિતી અધિકાર હેઠળ પોતાના ચોપડા ખુલ્લા કરવા તૈયાર નથી?

નાગરિકો પાસેથી નાણાંકીય પારદર્શકતાની અપેક્ષા રાખનાર, કાળાં નાણાંના પ્રખર વિરોધી તરીકેની ભૂમિકા ભજવી રહેલા વડાપ્રધાનનો તેમના પક્ષ પર સંપૂર્ણ કાબૂ છે. પક્ષપ્રમુખ તેમના જૂના સાગરીત છે અને વડાપ્રધાન અત્યારે અમલના ધબડકાને બદલે પોતાની ઉચ્ચ દાનત પર ભાર મૂકી રહ્યા છે. તો દાનની જેમ દાનતની શરૂઆત પણ પોતાનાથી-પોતાના પક્ષથી ન થવી જોઇએ? પક્ષના થોડા નેતાઓને પોતાનાં કાળાં નાણાં થાળે પાડવામાં દોડધામ પડી, તેના પરથી એવું શી રીતે માની લેવાય કે છેક ઉપર સુધી આવી સ્થિતિ હશે? ભાજપ જેમનો ભૂતકાળમાં લાભાર્થી રહી ચૂક્યો છે અને ભવિષ્યમાં લાભાર્થી બની શકે છે એવા જનાર્દન રેડ્ડી દીકરીના કરોડો રૂપિયા ખર્ચી શકે છે.

દાનતની જ વાત કરીએ છીએ, ભાઇ. એ જ દાનતની, જેના આધારે નાગરિકોને બધું વેઠી લેવાના ને બધું ભૂલી જવાના ઉપદેશો સતત અપાઇ રહ્યા છે. ચાળીસથી વધારે લોકોનાં મૃત્યુ થયાં, એ પણ નાગરિકોએ ભૂલી જવાનું છે. પચાસ દિવસ દરમિયાન બીજાં મૃત્યુ થાય કે બેન્કમાં રોકડના અભાવે પ્રસંગો અટવાઇ પડે, મુશ્કેલીઓનો પાર ન રહે તો પણ નાગરિકોએ ચૂપ રહેવાનું છે. ઠીક છે. પણ પચાસ દિવસમાં બીજાની દાનતની કસોટીઓ યોજતી વખતે, લગીર તમારી દાનતનો નક્કર પરિચય તો આપો. દેશમાં બીજા લોકો કાળું ધન ન રાખે તેનાં પગલાં લેતી વખતે, તમારો પક્ષ કાળું ધન નહીં રાખે અને નાણાંકીય રીતે પારદર્શક બનશે, એટલું તો બતાવી આપો.

લોકોના ખાતામાં રૂ.15 લાખ જમા કરાવવાનો વડાપ્રધાનનો વાયદો જુમલા હતો, એ તો પક્ષપ્રમુખે ખુલાસો કરી દીધો. પરંતુ ચૂંટાયા પછી સો દિવસમાં વિદેશથી કાળું ધન આણી દેવાનો વાયદો તો જુમલો છે, એટલું કહેવાની તસ્દી સુદ્ધાં કોઇએ લીધી નથી. અને આગળ જણાવ્યું તેમ, પચાસ દિવસનો વાયદો સરકારના અણઘડ અમલીકરણને લીધે પડેલી તકલીફોના અંત માટેનો છેકાળાં નાણાંના અંત માટેનો નહીં. સૈંયા ભયે કોતવાલની મુદ્રામાં ફરતા, કરોડો રૂપિયાના આસામી બાબા રામદેવે એક સમારંભમાં તેમનો સાચો હરખ વ્યક્ત કરતાં કહી દીધું કે સરકારે વિપક્ષો પાસેથી વોટ પણ લઇ લીધા છે ને નોટ પણ લઇ લીધી છે. 

બાબાએ ઉત્સાહમાં આવીને ક્યાંક કાળાં નાણાંવિરોધી ઝુંબેશનો અસલી હેતુ તો છતો નથી કરી દીધો ને? અંગ્રેજીમાં એને ફ્રોઇડીયન સ્લીપ કહેવાયઅને આયુર્વેદમાં શું કહેવાય એ તો રામ જાણે કે પછી રામદેવ જાણે.