Wednesday, November 16, 2016

'સર્જિકલ સ્ટ્રાઇક' નહીં, ખુવારીજનક 'યુદ્ધ'

બે જુદા જુદા સમાચાર લગભગ સમાંતરે આવ્યાઃ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના પ્રમુખ તરીકે મળનારો ચાર લાખ ડોલરનો પગાર તે નહીં લે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવુક થઇને કહ્યું કે તેમણે દેશ માટે સર્વસ્વ છોડ્યું છે. આ મહાનુભાવોના સાદગી અને ત્યાગ જેવા મહાન ગુણો તેમના ટીકાકારો પીછાને ત્યારે ખરા, પણ સામાન્ય મતદારો માટે આવું પ્રદર્શન હૃદયસ્પર્શી નીવડી શકે છે. રાજકારણમાંથી નીતિમત્તાનો એકડો નીકળી ગયો છે ત્યારે (નૈતિકતાના બીજા માપદંડ બાજુ પર રાખીને) આટલુંય કોણ કરે છે?’ની લાગણી ભલભલાને ભીંજવી શકે છે.

પરંતુ ટ્રમ્પની મુદત હજુ શરૂ થઇ નથી અને ભારતના વડાપ્રધાન અડધે રસ્તે પહોંચી ચૂક્યા છે. તેમણે લીધેલું રૂ.પાંચસો અને રૂ.એક હજારની ચલણી નોટો રદ કરવાનું પગલું દેખીતી રીતે તેમની કાળાં નાણાંવિરોધી ઝુંબેશનો જ ભાગ છે. આ પગલું તેમણે ઓચિંતુ જાહેર કર્યું તેનાથી રોકડ કાળું નાણું ધરાવતા ઘણા લોકો ઉંઘતા ઝડપાયા. તેમને પોતાનાં નાણાં સગેવગે કરવાનો સમય જ ન મળ્યો. બેન્કો પર અને એટીએમ પર રૂપિયા ઉપાડવા માટેની લાંબી લાઇનો લાગી. ખાતેદારોની આવી લાઇનો વર્ષો પહેલાં માધવપુરા મર્કન્ટાઇલ બેન્ક ઉઠી ગઇ ત્યારે સહકારી બેન્કો પર જોવા મળી હતી. (માધવપુરા કૌભાંડના સૂત્રધાર કેતન પારેખના એક વકીલ હાલમાં દેશના નાણાંપ્રધાન છે, એ પણ વિચિત્ર યોગાનુયોગ ગણાય)

કાળું નાણું એટલે એવી તમામ પ્રકારની આવક--એવું તમામ ધન જે કરવેરાને પાત્ર હોવા છતાં, તેને જાહેર કરાયું ન હોય અને તેની પર કરવેરો ભરવામાં આવ્યો ન હોય. આ ધન રોકડ પણ હોય અને સોનું-મકાન જેવાં અન્ય સ્વરૂપે રોકાયેલું પણ હોય. તેનો કેટલોક હિસ્સો વિદેશી બેન્કોમાં મુકાયેલો પણ હોઇ શકે. સચ્ચાઇનો આધાર ધરાવતી દંતકથાઓ પ્રમાણે, કાળું નાણું ધરાવતા ઘણા લોકો પાસે તેનો અમુક હિસ્સો કોથળા કે ઓરડા ભરીને પાંચસો-હજારની નોટોનાં બંડલ સ્વરૂપે હોય છે. તેમને એકદમ ઠેકાણે શી રીતે પાડવાં?  બેન્કમાં એક દિવસમાં એક વ્યક્તિ પોતાના ઓળખપત્ર સાથે ફક્ત રૂ.ચાર હજારની નોટો બદલાવી શકે. (ગઇ કાલથી એ મર્યાદા રૂ.4,500ની થઇ). હજારની નોટોનાં બંડલોનાં બંડલ ધરાવતા લોકો પોતાના પચીસ માણસોને નોટો બદલાવવા મોકલે તો પણ એક દિવસમાં એક હજારના એક જ બંડલને બદલાવી શકાય. નોટો બદલાવવાની મુદત પણ શરૂઆતમાં માંડ બે-ત્રણ દિવસ પૂરતી હતી (જે હવે વધુ દસ દિવસ લંબાવાઇ છે)

પહેલાં એવી વાત હતી કે એક ખાતામાં રૂ. અઢી લાખ સુધીની રકમ ભરાય ત્યાં લગી કશી પૂછપરછ કરવામાં નહીં આવે. પરંતુ હવે એની પણ ખાતરી નથી. કેમ કે, કાળું નાણું ધરાવતા લોકો જનધન યોજના અંતર્ગત ખુલેલાં ખાતાંમાં કે બીજા ઓળખીતાં-સગાંવહાલાંના ખાતાંમાં અઢી લાખ રૂપિયા જમા કરાવીને, એ રીતે તેમની મોટી રકમનો શક્ય એટલો હિસ્સો બચાવી લેવાની કોશિશમાં છે.

આવી કંઇક તિકડમબાજી થતી હશે. છતાં એક વાત નક્કી છેઃ વડાપ્રધાનના આ નિર્ણયથી કાળાં નાણાં ધરાવતા લોકોને અભૂતપૂર્વ અગવડ પડી, એ લોકો દોડતા થઇ ગયા અને નાણાંપ્રધાન જેટલીના જણાવ્યા પ્રમાણે, શનિવાર બપોર સુધીમાં રૂ.  બે લાખ કરોડ બેન્કોમાં જમા થયા. આ રકમ ભારતના જીડીપીના હિસાબે મામુલી કહેવાય, એવી દલીલ થઇ શકે. પરંતુ આ નિર્ણય પરિણામલક્ષી ન હતો અથવા તેનાથી કાળાં નાણાં ધરાવતા લોકો પર કશી અસર પડી નથી, એવું ન જ કહી શકાય.

1978માં મોરારજી દેસાઇની જનતા સરકારે રૂ.એક હજાર, રૂ. પાંચ હજાર અને રૂ.દસ હજારની નોટો પાછી ખેંચી ત્યારે આ નોટોનું મૂલ્ય એટલું મોટું હતું કે સામાન્ય માણસો પાસે તે નોટો હોવાની સંભાવના સાવ ઓછી. (એ વખતે 10 ગ્રામ સોનું રૂ.૬૮૫માં મળતું હતું.) માટે, એ પગલાની અસર આમજનતા પર ખાસ ન પડી. પરંતુ અત્યારે રૂ.એક હજારની અને ખાસ તો રૂ. પાંચસોની નોટની જરાય નવાઇ રહી નથી. પાંચસોનાં બંડલ ધનવાનોનો ઇજારો હોઇ શકે, પણ પાંચસોની નોટ છૂટથી સામાન્ય વ્યવહારમાં ફરતી જોવા મળે છે. ચીજવસ્તુઓના ભાવ એવા છે કે સોની નોટ કશા હિસાબમાં નથી. આવી સ્થિતિમાં રૂ.પાંચસોની નોટ રદ કરવાથી કાળા ધનવાળા લોકોની સાથોસાથ મોટી સંખ્યામાં સામાન્ય લોકોને પણ ભારે અગવડ વેઠવાની આવશે, તેનો સરકારને અને વડાપ્રધાનને કદાચ અંદાજ ન આવ્યો. અથવા એ અંદાજ હોય તો તેને પહોંચી વળવાનું તંત્ર તે અસરકારક રીતે ગોઠવી શક્યા નહીં. બાકી, વડાપ્રધાને પોતે જ કહ્યું છે તેમ, આ પગલું દસેક મહિનાથી તેમના મનમાં હતું. (એટલે ઉત્તર પ્રદેશની ચૂંટણી લડવા માટે ભાજપના અઢળક ભંડોળનું શું થયું હશે એવી ખોટી ચિંતા કોઇએ કરવી નહીં.) 

પરિણામ એ આવ્યું કે બેન્કો અને એટીએમ પર અમાનવીય કહેવાય એવી લાંબી લાઇનો લાગી. તેમાં ભારતીય નાગરિકોની અધીરાઇ ભળી. બેન્કોમાં ને એટીએમમાં બદલી આપવા માટેનાં નાણાં ખૂટી ગયાં. રીઝર્વ બેન્કના ગવર્નરની સહી ધરાવતું નાણું ચલણમાં હોય, છતાં ખુદ સરકારી બેન્ક તેની અદાયગી ન કરી શકે તેને અંગ્રેજીમાં ડીફોલ્ટ કહેવાય. દેશમાં અંશતઃ કામચલાઉ ડીફોલ્ટ જેવી સ્થિતિ સર્જાઇ. કાળાં નાણાંવાળા લોકો ચિંતાતુર બનીને રસ્તા વિચારતા હતા, પણ તેમને સડક પર આવી જવાપણું ન હતું. કારણ કે તે સમૃદ્ધ હતા. (માલેતુજારો લાઇનોમાં કેમ દેખાતા નથી, એવો સવાલ જેમને થતો હોય તેમણે સમજવું જોઇએઃ માલેતુજારો પાસે લાઇનમાં ઊભા રહે એવા માણસો હોય છે.)

આમ, દસ મહિનાથી વડાપ્રધાનના મનમાં જે હતો અને સંભવતઃ તેમણે જેની બરાબર તૈયારી કરી હતી, એ નિર્ણય અમલી બન્યો ત્યારે (તેનો મૂળ આશય સારો હોવા છતાં) સામાન્ય જનતા માટે તે ભયંકર અગવડ આપનારો બન્યો. રાહુલ ગાંધીએ લોકોની મુશ્કેલી જાણવા માટે નોટો બદલવાની લાઇનમાં ઊભા રહેવાનો સ્ટન્ટ કર્યો. તેમને સમજાવું જોઇતું હતું કે પોતાના તમામ સુરક્ષાકર્મીઓ સહિત લાઇનમાં ઊભા રહેવાથી લોકોની મુશ્કેલી ઘટે નહીં, વધે. શરૂઆતમાં પોતાના પગલા વિશે મુસ્તાક વડાપ્રધાને જાપાનની મુલાકાત વખતે ઠઠ્ઠામશ્કરી કરી અને કહ્યું કે ભલભલા લાઇનમાં ઊભા રહેતા થઇ ગયા. પરંતુ ભારત પાછા આવ્યા પછી તેમને લોકોની વાસ્તવિક હાડમારી અને ખાસ તો તેનાથી ઉભો થઇ રહેલો અસંતોષ દેખાયાં હશે. એટલે તેમણે વધુ એક વાર અભિયનકળાનો આશરો લીધો અને રડું રડું થતાં કહ્યું કે મેં દેશ માટે ઘરપરિવાર સર્વસ્વ છોડ્યું છે અને લોકો મને જીવતો સળગાવી દે તો પણ હું કોઇથી ડરતો નથી. (ફાંસીએ લટકાવી દે કે મારી નાખે જેવા પ્રચલિત પ્રયોગને બદલે જીવતો સળગાવી દે તેમને કેમ સૂઝ્યું હશે, એની તપાસ માનસશાસ્ત્રના અભ્યાસીઓએ કરવા જેવી છે.)


આ પગલું જાહેર થયું ત્યારે ઘણાએ તેને કાળાં નાણાં પરની સર્જિકલ સ્ટ્રાઇક તરીકે ઓળખાવ્યું હતું, પરંતુ આ સ્ટ્રાઇકમાં જે રીતે મોટા પાયે નિર્દોષોને વેઠવું પડ્યું છે એ જોતાં, તેને નિર્દોષોનો ભોગ લેનાર લોહીયાળ યુદ્ધ તરીકે ઓળખાવવું વધુ યોગ્ય ગણાશે

5 comments:

 1. (‘ફાંસીએ લટકાવી દે’ કે ‘મારી નાખે’ જેવા પ્રચલિત પ્રયોગને બદલે ‘જીવતો સળગાવી દે’ તેમને કેમ સૂઝ્યું હશે, એની તપાસ માનસશાસ્ત્રના અભ્યાસીઓએ કરવા જેવી છે.) આ કૌંસમાંની પાંચશેરી ધાર્યાં નિશાન પાડશે.😀

  ReplyDelete
 2. ઉર્વીશ સર, છાપાંની કોલમ કરતાં બ્લોગ પર વધારે ખીલો છો. ગુડ રીડ.

  ReplyDelete
  Replies
  1. પણ આ તો (જુદા મથાળા સાથેની) કોલમ જ છે.

   Delete
 3. good one. happy to note that someone in Gujarat is thinking , writing, publishing, courageous and uploading. Brave and keep moving... happy reading.. few people do it in world and you are among them.

  ReplyDelete
 4. ગઇ કાલથી એ મર્યાદા રૂ.4,500ની થઇ...
  આજથી પછી રૂ. 2,000 થઇ ગઈ...

  ReplyDelete