Friday, November 11, 2016

સરકારનું માથાદુઃખણું અને પેટકૂટણું

સમાચાર આપનારાં ખુદ સમાચાર બને, તે કેટલું સારું છે ને કેટલું ખરાબ, એ બન્ને અંતિમો ગયા અઠવાડિયે જાણવા મળ્યા. માહિતી-પ્રસારણ મંત્રાલયે નીમેલી એક સરકારી સમિતિએ એનડી ટીવીને સજા ફટકારી. ગુનોઃ જાન્યુઆરીમાં પઠાણકોટ પર થયેલા હુમલાના કવરેજ વખતે કેટલીક સંવેદનશીલ માહિતી ટીવી પર રજૂ કરવી. સજાઃ નવમી નવેમ્બરના એક દિવસ પૂરતું ભારતમાં આ ચેનલનું પ્રસારણ બંધ રાખવું.

સરકારી સમિતિએ એનડી ટીવીને કારણદર્શક નોટિસ આપી હતી, જેનો એનડી ટીવીએ ખુલાસાવાર જવાબ આપ્યો. એનડી ટીવી પર એ દિવસે રજૂ થયેલી અને સરકારને સંવેદનશીલ લાગેલી માહિતી બીજાં છાપાં-ચેનલો અને ખુદ લશ્કરના પ્રવક્તા જાહેર કરી ચૂક્યા હતા. આ વાત એનડી ટીવીએ આધારપુરાવા સાથે પોતાના ખુલાસામાં ટાંકી. પણ એ ખુલાસો સરકારે ગણકાર્યો નહીં. છાપાં અને વેબસાઇટ કરતાં ચેનલનો વ્યાપ ઘણો વધારે છે અને બીજી ચેનલોએ આવું પ્રસારણ કર્યું હોય તેનાથી એનડી ટીવીનું પ્રસારણ વાજબી ઠરી જતું નથીઆવી સરકારી દલીલ હતી. પણ એક જ ગુના માટે એકને સજા અને બાકીનાને કેમ નહીં? તેનો સ્પષ્ટ અને તાર્કિક જવાબ સરકાર આપી શકી નથી.

ટીવી પ્રસારણને લગતા કાયદામાં ગયા વર્ષે (2015માં) રાષ્ટ્રીય સુરક્ષાની કલમનો ઉમેરો થયા પછી, તેની અંતર્ગત પહેલી વાર સરકારે દંડો ઉગામ્યો છે. તેના પ્રતિભાવ પણ ધાર્યા પ્રમાણેના છે. વડાપ્રધાનના ભક્તમંડળને એનડી ટીવી સામે જૂનો વાંધો છે. (તેની શરૂઆત ગુજરાતમાં 2002થી થઇ હતી) એનડી ટીવીના ટીકાકાર હોવું એક વાત છે, વ્યક્તિભક્તિથી કે વિચારધારાથી પ્રેરાઇને એનડી ટીવી પ્રત્યે વેરભાવ સેવવો એ બીજી વાત છે અને જૂના ખુન્નસથી પ્રેરાઇને એનડી ટીવી પરનો એક દિવસીય પ્રતિબંધ વધાવી લેવો એ ત્રીજી વાત છે. સરકારે બાકીનાં પ્રસાર માધ્યમોથી એનડી ટીવી હિંદીને અલગ પાડીને, પોતાની મથરાવટીના મેલમાં વધારો કર્યો છે અને કિન્નાખોરીનો આરોપ સામે ચાલીને વહોરી લીધો છે.

બીજી ચેનલોની જેમ એનડી ટીવી પણ ટીકાથી પર નથી. પરંતુ સરકાર વાજબી અને સ્પષ્ટ કારણો વિના તેને દંડે ત્યાર સવાલ ફક્ત એક ચેનલનો રહેતો નથી. સરકારને અનુકૂળ ન હોય એવાં તમામ પ્રસાર માધ્યમો માટે આ ચોખ્ખો સંદેશો છે : સરકારને ભીંસમાં મૂકે એવા મુદ્દા બાબતે આડાઅવળા સવાલ પૂછતા નહીં. સખણા રહેજો. વર્ના, ગબ્બરસે દુશ્મની ભારે પડી જશે.  આ સ્થિતિ કટોકટી જેવી કહેવાય કે નહીં, એની પિંજણ ઝાડવાં ગણવાની લ્હાયમાં જંગલને ભૂલવા જેવી છે. આ પગલામાં સરકારની આપખુદશાહી સ્પષ્ટ છે અને એટલી પ્રતીતિ આ પગલાના વિરોધ માટે પૂરતી હોવી જોઇએ. સાથોસાથ, એ પણ સાચું છે કે ટીવી ચેનલોએ પણ સ્વ-નિયંત્રણ અંગે ઝડપથી-નક્કર કાર્યવાહી કરવી પડશે. નહીંતર પારકી માતા (સરકાર) ચેનલોના કાન વીંધવાના બહાને બીજું ઘણું વીંધી નાખશે.

એનડી ટીવી હિંદી ઘણે અંશે રવીશકુમારનો પર્યાય હોવાથી તેમના વિશે પણ બે વાત. બધા પક્ષોને લપેટતા અને સત્તાધારી પક્ષને વિશેષ લાભ આપતા રવીશકુમાર વડાપ્રધાનના ભક્તસમુદાયને બહુ ખટકે છે. કારણ કે તે એવા પાયાના સવાલ પૂછે છે, જેના જવાબ આપવાનું સરકારોને-નેતાઓને કઠણ પડે. તેમને સગવડ પ્રમાણે કોંગ્રેસના કે આપના એજન્ટ તરીકે ખપાવી દેવાય છે. રવીશકુમાર ભૂલપ્રૂફ નથી કે સુપરમેન પણ નથી. પરંતુ જે લોકોને રવીશકુમાર પ્રકારના પત્રકારત્વ સામે વાંધો પડતો હોય, તેમનું કશું ન થઇ શકે. કેમ કે, તેમની માનસિકતા લીટરના માપિયાથી લંબાઇ માપવાની હોય છે. તેમની સાથે ચર્ચાની સાધારણ સમાન ભૂમિકા જ ઊભી થઇ શકતી નથી.

ટીવી ચેનલો પર ચર્ચાના નામે કેવું માનસપ્રદૂષણ- ધ્વનિપ્રદૂષણ ફેલાય છે તે રવીશકુમારે ટીવીના પડદે અંધારું દર્શાવીને દેખાડ્યું હતુંઅને તેમાં પોતાની જાતને પણ બાકાત રાખી ન હતી. સવાલોથી અકળાતી સરકારની અને એનડી ટીવી પરના એક દિવસીય પ્રતિબંધની ફિલમ ઉતારવા માટે તે પોતાના કાર્યક્રમમાં માઇમ કલાકારો (મૂક અભિનેતાઓ)ને લઇ આવ્યા. (એ કાર્યક્રમની કેટલીક ક્ષણો ચાર્લી ચેપ્લિનની મહાન ફિલ્મ ધ ગ્રેટ ડિક્ટેટરની યાદ અપાવે એવી હતી.) આવી મૌલિકતા અને મૂળીયાં સાથે નાતો ધરાવતા રવીશકુમાર સાથે અસંમતિ હોઇ શકે અને તેમની ટીકા પણ થઇ જ શકે. પરંતુ તેમના લોકલક્ષી પત્રકારત્વના મૂળભૂત આશય ને ઇમાન સામે સવાલ ઉઠાવનારાને ગેટ વેલ સુન સિવાય બીજું કંઇ કહેવાનું રહેતું નથી.

સરકારી સમિતિએ કહ્યું છે કે કાયદાકીય જોગવાઇ મુજબ તે ત્રીસ દિવસની સજા ફટકારી શકે એમ હતી. પણ પ્રતીકરૂપે તેણે ફક્ત એક દિવસની સજા કરી છે. એડિટર્સ ગિલ્ડથી માંડીને વિવિધ પત્રકાર સંગઠનોએ યોગ્ય રીતે જ આ સજાનો વિરોધ કર્યો હતો. દરમિયાન એનડી  ટીવીએ સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી ત્યાર પછી સરકારે તપાસ ચાલુ હોવાનું બહાનું કાઢીને છેલ્લી ઘડીએ પ્રતિબંધનો હુકમ માટે મોકુફ રાખ્યો છે. માહિતી-પ્રસારણ મંત્રી વૈંકેયા નાયડુએ કહ્યું હતું કે અગાઉ પણ ચેનલોને આવી સજા થઇ ચૂકી છે. તેમણે એ ન કહ્યું કે આવી મોટા ભાગની સજાઓ અશ્લીલ સામગ્રી માટે હતી અને અલ જઝીરાને થયેલી સજા ભારતનો નકશો ખોટો બતાવવા માટે હતી.

હિંદી એનડી ટીવીના પ્રતિબંધની સમાંતરે રામનાથ ગોએન્કા એવોર્ડ સમારંભ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો. નિર્ભીક પત્રકારત્વ માટે જાણીતા ગોએન્કાના નામના એવોર્ડ આપવા માટે, નિર્ભીક પત્રકારત્વના કટ્ટર અ-મિત્ર એવા વડાપ્રધાનને બોલાવવામાં આવ્યા, એ વિશેની ટીકાટીપ્પણી શમી ન હતી. એવોર્ડના વિજેતા એવા એક પત્રકાર અક્ષય મુકુલે વડાપ્રધાનના હાથેથી આ એવોર્ડ લેવાની ના પાડી દીધી. વડાપ્રધાને રાબેતા મુજબ તેમના ભાષણમાં પત્રકારત્વનાં મૂલ્યોની વાતો કરીને અને વર્તમાન પત્રકારત્વની ટીકા કરીને તાળીઓ ઉઘરાવી. છેલ્લે આભારવિધિ જેવા ઔપચારિક ભાગમાં ઇન્ડિયન એક્સપ્રેસના તંત્રી રાજકમલ ઝાએ અત્યંત સૌમ્યતા અને શાલીનતાથી વડાપ્રધાનનો આભાર માન્યો, તેમણે આપેલો બોધ ગ્રહણ કરવાની વાત કરી અને લગે હાથ એમ પણ કહી દીધું કે સરકારની નારાજગી એ પત્રકાર માટે માનચાંદ બરાબર છે. ગોએન્કાને યાદ કરીને તેમણે કહ્યું કે એક મુખ્ય મંત્રીએ ગોએન્કાના પત્રકારનાં વખાણ કર્યાં, ત્યારે ગોએન્કાએ એ પત્રકારને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.’ અને વડાપ્રધાનના સામાન્ય જ્ઞાનના લાભાર્થે કહ્યું કે આ તમને વિકીપીડીયામાં વાંચવા નહીં મળે. ઝાએ કશું અઘટિત કે અવિવેકી કહ્યું ન હતું. પણ પોતાની વાતની સામે બીજું કોઇ આ રીતે વાત મૂકે, એનાથી વડાપ્રધાન ટેવાયેલા નથી.  તેમને બોલાવવાનો શોખ ધરાવતાં પ્રસાર માધ્યમોને કેવા કડવા ઘૂંટડા ગળવા પડ્યા છે, તેના ગુજરાતમાં પણ દાખલા મોજૂદ છેતે ડાયલોગના (સંવાદના) નહીં, મોનોલોગના (એકોક્તિના) કલાકાર છે. તેમની તાકાત સાંભળવામાં નહીં, બોલવામાં (અને ઘણી વાર, ખરી જરૂર હોય ત્યારે, ચૂપ થઇ જવામાં) છે. એટલે ઝાની બે સાદી વાતો સાંભળવામાં તેમને પડતું કષ્ટ તેમની બોડી લેન્ગ્વેજમાં બરાબર ઉપસી આવ્યું હતું.

આવું આદાનપ્રદાન લોકશાહી છે અને વાજબી કારણો-સ્પષ્ટતા વિના મૂકાતા પ્રતિબંધ આપખુદશાહી. 

4 comments:

  1. ઘણા લાંબા સમય પછી કંઈક સાર્થક વાંચનની તૃપ્તિ મળી. દુર્લભ પ્રાણી જેવું તટસ્થ અને નિડર પત્રકારત્વ ત્થા ચોખ્ખા ઘીના શીરા જેમ ગટક દઈને ઉતરતી ભાષા શુદ્ધિ... આભાર ઉર્વીશ ભાઈ

    ReplyDelete
  2. One of your best analysis..... intelligent views ..... balanced language........

    ReplyDelete