Thursday, November 17, 2016

ચલણી નોટો વચ્ચે સંવાદ

(બોલ્યુંચાલ્યું માફ)

એક તિજોરીમાં પુરાયેલી ચલણી નોટો વચ્ચે શબ્દયુદ્ધ ફાટી નીકળ્યું. શરૂઆત એકની ને બેની નોટે કરી હતી.
એકની નોટ : (મર્માળુ હાસ્ય સાથે) કોઇની પાસે હજારના કે પાંચસોના છૂટ્ટા છે?
બેની નોટ : જબ્બર જોક મારી, બાકી. અત્યારે તો હજાર ને પાંચસોની નોટોની જ છુટ્ટી થઇ ગઇ છે, ત્યાં તેમના છૂટ્ટાની વાત કેવી?
હજારની-પાંચસોની નોટ : (ખીજ સાથે, પગ પછાડીને) કહ્યું છે ને કે હર કુત્તેકે દિન આતે હૈ...
બેની નોટ : અને એમ પણ કહ્યું છે કે હર કુત્તેકે દિન જાતે ભી હૈં...
એકની નોટ : બહુ ઠાંસ હતી ને? પણ બજારમાં તમારી ઇજ્જત અને આબરુ કેવી ઝીરો થઇ ગઇ? અને અમે હજુ પણ બજારમાં નીકળીએ તો અમને જોઇને કોઇ મોં બગાડતું નથી. શુકનમાં માનનારા લોકો તો હજુ અમને શોધતા આવે છે--ભલે ને તેમની પાસે પાંચસો-હજારની નોટોનાં બંડલ હોય.
બેની નોટ : અમારી નોટોમાં લોકોએ ચણા-સીંગ ભર્યાં હોય એવા ફોટા કદી છપાયા ન હતા...
એકની નોટ :...ને અમારો ઉપયોગ લોકોએ ચણાની દાળ ખાવાની ચમચી તરીકે કર્યો હોય, એવી રમુજો પણ થઇ ન હતી.
હજારની નોટ : બસ, હવે બંધ થઇ જાવ. ઓછી કિંમતમાં સંતુષ્ટ રહેવાની મેન્ટાલિટીને લીધે જ તમે કદી આગળ નહીં આવો.
પાંચસોની નોટ : એક્ઝેક્ટલી. અમને બંધ કરવાની જાહેરાત ખુદ વડાપ્રધાને કરી. એની પરથી તમને ખબર પડશે કે અમારું મહત્ત્વ કેટલું બઘું છે.
એકની નોટ : હે મોટી નોટો, તમે ખરેખર મોટ્ટી નોટો છો. તમારા અભિમાનનો પાર નથી ને ઇતિહાસ તમે જાણતા નથી. તમે માનો છો કે ઇતિહાસ ફક્ત તમારી આજુબાજુ, તમને કેન્દ્રમાં રાખીને જ રચાય છે.
બેની નોટ : તમને એવો ફાંકો છે ને કે તમારી કિંમત બહુ મોટી? તમને એ ખબર છે કે ૧૯૭૮માં એક હજાર ઉપરાંત પાંચ હજાર અને દસ હજારની નોટો પણ હતી? ચાળીસ વર્ષ પહેલાં એની કિંમત તમારા કરતાં કેટલા ગણી હશે? વિચારી લો. 
એકની નોટ : છતાં તમારા એ પૂર્વજોને રદ કરવાની જાહેરાત કોણે કરેલી, ખબર છે?
પાંચસોની-હજારની નોટ (એક અવાજે) : રાષ્ટ્રપતિએ?...અમેરિકાના પ્રમુખે?...રશિયાના પ્રમુખે?....યુનોના વડાએ?
એકની નોટ : (કેબીસી સ્ટાઇલમાં) ગલત જવાબ. એ જાહેરાત ઓલ ઇન્ડિયા રેડિયોના સમાચારવાચકે સવારના સમાચારમાં કરી હતી.
પાંચસોની-હજારની નોટ : એ જ તો અમે કહેવા માગીએ છીએ...કે અમારું સ્ટેટસ કેટલું વધ્યું.
એકની નોટ : તમારુ સ્ટેટસ વધ્યું, પણ વડાપ્રધાનના મોભાનું શું? તે ઓલ ઇન્ડિયા રેડિયોના સમાચારવાચકના સ્તરે આવી ગયો?
પાંચસોની-હજારની નોટ : સ્મૉલ થિન્કિંગ... વડાપ્રધાનને બદલે રીઝર્વ બેન્કના ગવર્નર કે તેમના પ્રવક્તા આવી જાહેરાત કરે, તો લોકોને ખબર કેમ પડે કે આ નિર્ણય વડાપ્રધાને લીધો છે?
એકની નોટ : આવો મોટો નિર્ણય તો વડાપ્રધાન જ લઇ શકે ને. નાનું છોકરુંય સમજે એવી વાત છે.
હજારની નોટ : (ગુઢ સ્મિત સાથે) પણ વડાપ્રધાને ફક્ત નાનાં જ નહીં, મોટાં છોકરાંનેય સમજાવવાનાં-પટાવવાનાં હોય છે.
પાંચસોની નોટ : અત્યારે તમે ભલે અમારી ઠેકડી ઉડાડો ને અમારા કોનમાં શિંગ-ચણા ભરેલા દેખાડો, પણ તમને ખબર હોવી જોઇએ કે અમે સંભવામિ યુગે યુગેના ખાનામાં આવીએ છીએ. આ બારણેથી ગયાં ને આ બારણેથી પાછાં દાખલ--અને આ વખતે મને કંપની આપવા માટે હજારની નોટ નહીં હોય, તો બે હજારની નોટ હશે.
એકની નોટ : (બેની નોટને) આ લોકોનું કામકાજ વાયરસ જેવું છે. નાબૂદ કરો તોય પાછા અક્કરચક્કરમાંથી આવી જાય.
પાંચસોની અને હજારની કેટલીક નોટો (સૂત્રોચ્ચારના અંદાજમાં) : ગર્વસે કહો, હમ બડે નોટ હૈં... જબ તક સુરજચાંદ રહેંગે, દેશમેં બડે નોટ રહેંગે... એક દો,તીન, ચાર, મોટી નોટોનો જયજયકાર...બડે નોટ હટાયેંગે, યુપી-પંજાબ જિતાયેંગે...
એક હજારની નોટ : (અચાનક અટકીને) પેલું છેલ્લું સૂત્ર કેન્સલ ગણવું. એ જરા ઉત્સાહમાં બોલાઇ ગયું...
એકની નોટ : બિલ્ડરો, અફસરો ને નેતાઓ જોડે રહીને તમને પણ એમનો ચેપ લાગ્યો જણાય છે. શરમાવાનું હોય ત્યાં બેશરમ થઇને કૂદાકડા મારી રહ્યાં છો. કાળાં નાણાંનો હાથો બનવાની તમને શરમ નથી આવતી?
પાંચસોની અને હજારની નોટ : તમે લોકો શરમમાં ને શરમમાં જ પાછળ રહી ગયાં. જાતે નહીં તો કોઇનું જોઇને તો શીખો? રાહુલ ગાંધી કેવા નવેસરથી શીખવા પ્રયત્ન કરે છે.
એકની નોટ : પણ એ ક્યારે શીખી રહેશે? લોકોની મુશ્કેલી જાણવા માટે એટીએમ પર લાઇનમાં ઊભા રહેવાનું ને લોકોને સૌથી વધારે મુશ્કેલી આપતી ઝેડ પ્લસ સિક્યોરિટીની વ્યવસ્થા સાથે રાખવાની--હવે તો તેમની પર બાળકબુદ્ધિનો આરોપ પણ મુકાય એમ નથી. બાળકો નારાજ થઇ જાય છે.
બેની નોટ : પણ એક વાત કહો, મોટી નોટો. તમે કોના પક્ષમાં છો?
મોટી નોટો : યે ભી કોઇ પૂછનેકી બાત હૈ? અમીરોના પક્ષમાં.
એકની નોટ : ના, એમ નહીં. રાજકારણમાં કયા પક્ષમાં છો?
પાંચસોની નોટ : સૉરી, એ માહિતી મેળવવાનો અધિકાર તો કાયદામાં પણ હજુ નથી આવ્યો...
એક હજારની નોટ : (આંખ મીંચકારીને) એમ ન પૂછો કે અમે કયા પક્ષમાં છીએ. એમ પૂછો કે અમે કયા પક્ષમાં નથી...
પાંચસોની નોટ : (તરત, એક હજારની નોટના મોં પર હથેળી દાબીને) : તું આ લોકોના ટ્રેપમાં ક્યાં આવે છે? તારે તો હવે ઠીક છે જાણે, વિદાય થવાનું છે...પણ મારે તો હજુ આ જ લોકો સાથે રહેવાનું છે.

(એ સાથે જ દેવોની પુષ્પવૃષ્ટિની જગ્યાએ આકાશમાંથી પાંચસો-હજારની રદ થઇ ગયેલી નોટોનો વરસાદ થાય છે અને સંવાદ પૂરો થાય છે.)

3 comments:

  1. ગણા વખતે " બોલ્યું ચાલ્યું માફ " થયું, દર બુધવારે દિવ્યભાસ્કર માં શોધું છું. આના માટે તો ગુજરાત છોડીને દિવ્ય ભા. બંધાવેલું। .....

    ReplyDelete
  2. દિવ્ય ભાસ્કરમાં આ કોલમ થોડા વખત પહેલાંથી બંધ થઇ છે. બ્લોગ પર નિયમિત લખું છું અને ફેસબુક પર મૂકું છું. દિવાળીમાં બે અઠવાડિયાં એ બંધ રાખ્યું હતું એટલું જ.

    ReplyDelete
    Replies
    1. કવિ એવું કેહતા હતા કે કવિ તમારા ચાહક છે અને તેમને તમારી બધી જ કોલમો ગમે છે :-)

      Delete