Saturday, February 28, 2009

તાળાબંધીના વિરોધની તસવીરો




કાંકરિયા મુક્તિ અભિયાન દ્વારા ગઇ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે યોજાયેલા શેરીનાટક અને સૂત્રોચ્ચારના કાર્યક્રમ વખતે કેમેરા હાથવગો ન હોવાથી તેની તસવીરો મુકી શકાઇ નથી. આજે સમીર પાઠકે લીધેલી તસવીરો મળતાં તે અહીં જાણ માટે મુકું છું.

Friday, February 27, 2009

કાંકરિયા મુક્તિ અભિયાનઃ તળાવને લાગી છે તરસ

‘તરસ લાગી છે, તરસ’ એવા જુદી જુદી દિશામાંથી આવતા અવાજો સાથે શેરીનાટકનો- ખરેખર તો સડકનાટકનો- પ્રારંભ થયો. સમય સાંજના સવા પાંચ-સાડા પાંચની આસપાસ. સ્થળઃ ‘મ્યુનિસિપલ કોઠા’ તરીકે ઓળખાતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ સામેનો રસ્તો.

‘તરસ લાગી છે તરસ’ નાટકના લેખક અને મુક્તિ અભિયાન સાથે સંકળાયેલા સૌમ્ય જોશીએ ઢોલના ઘા સાથે કલાકારોને ઇશારો કર્યો, એટલે મુખ્ય રસ્તાની કોરે સો-સવા સો માણસોના કુંડાળાની વચ્ચે સાતેક છોકરા-છોકરીઓએ બાર-તેર મિનીટનું નાટક ભજવ્યું. નાટકનો કેન્દ્રિય વિષયઃ લોકોને રાત્રે ભેદી અવાજો સંભળાય છે. ‘તરસ લાગી છે તરસ...’. અવાજ ક્યાંથી આવે છે, તે ખબર પડતી નથી. લોકોને નહીં. કમિશનરને નહીં. કમિશનરના સાહેબને નહીં. જે આ અવાજને પકડી લાવે તેને રૂ.પાંચ હજારનું ઇનામ, એક પાત્ર કહે છે તેમ ટીડીએસ કાપીને (!), આપવાની જાહેરાત કરવામાં આવે છે.

છેવટે એક પાત્ર અવાજની ભાળ મેળવીને બન્ને સાહેબોને તેના ઠેકાણે લઇ જાય છે. અવાજ કાંકરિયા તળાવમાંથી આવે છે અને કાંકરિયા તળાવ પોતે સાહેબોને કહે છે કે ‘મારી પાસે એક ટોકરી હતી. એ તમે છીનવી લીધી છે. ટોકરીમાં સોનીની ચાલીમાં રહેતાં નવાં પરણેલાં યુગલો માટે ખુલ્લી હવા હતી. બાળકો માટે ફુગ્ગા હતા. ગરીબ લોકો માટે ખુલ્લી જમીન અને ખુલ્લા આકાશનો ટુકડો હતો. તળાવને ટિકીટબારી લગાડી દીધા પછી આ બધા લોકો આવતાં બંધ થઇ ગયાં છે. મને આ બધા લોકોને મળવાની તરસ લાગી છે. તરસ લાગી છે...તરસ.’

નાટક પહેલાં અને પછી મુક્તિ અભિયાનના સભ્યો- જિજ્ઞેશ મેવાણી, કબીર ઠાકોર, આનંદ યાજ્ઞિક, સૌમ્ય જોશી- ઉપરાંત સંજય ભાવે જેવા બીજા થોડા મિત્રોએ સૂત્રોચ્ચાર-હાય,હાય- નારાબાજી કર્યાં. તેમના બુલંદ અવાજોમાં અવાજ ભેળવીને, ઉંચા થયેલા હાથ સાથે હાથ ઉંચો કરીને અને જગ્યા પર વહેંચાયેલાં પીપુડાંમાંથી એક પીપુડું વગાડીને મેં પણ વિરોધનો સૂર પુરાવ્યો.

આજે પહેલી વાર આ નાટક ભજવાયું. હવે ત્રણ જુદી જુદી ટીમો મણિનગર અને આસપાસના વિસ્તારોમાં ૨૫ એપ્રિલ સુધીમાં તેના ૧૦૦ જેટલા શો કરે એવી ગણતરી છે. ૨૫ એપ્રિલે ‘તોડો, તોડો, તાળાં તોડો/ કાંકરિયાનાં તાળાં તોડો’ એવા સૂત્રોચ્ચારના અમલનો કાર્યક્રમ ઘડાયો છે. દરમિયાન, આ રવિવારે બપોરે ત્રણ વાગ્યે ગુજરાત કોલેજથી માદલપુર ગરનાળા-એલિસબ્રિજ-ભદ્ર કિલ્લો- ત્રણ દરવાજા-રાયપુર ચકલા-પારસી અગિયારી-વેદ મંદિર- મજૂર ગામ-ગીતામંદિર રોડ-સ્વામિનારાયણ કોલેજ-શાહઆલમ દરવાજા થઇને કાંકરિયા તળાવના પુષ્પકુંજ દરવાજા સુધીની સાયકલ રેલી પણ યોજવામાં આવી છે.

તળાવને તાળાંના નિર્ણયને તઘલકી કહેવામાં બિચારા તઘલકનું અપમાન થાય છે. એટલે તેને કેવો નિર્ણય કહેવો એ તમારા સૌ પર છોડું છું.

સાચી કવિતા ને કાચાં સન્માન


(photo : Binit Modi)
સરકારી સન્માન મેળવવા માટે જિગર જોઇએ. પહેલાં અરજી કરો, પછી સરકારી ધારાધોરણોમાંથી ખરા ઉતરો, સંસ્થાકીય-પ્રવૃત્તિકીય રાજકારણની ગલીઓમાંથી હેમખેમ નીકળો અને બધું થઇ જાય પછી પણ સન્માન સમારંભમાં સન્માનના નામે થતાં અપમાનો હસતા મોંએ વેઠી જાવ...કારણ કે સરકારી એવોર્ડમાં પ્રધાન એકલા જ ‘પ્રધાન’ અને બાકીના સૌ ગૌણ રહેવાના.

આ બધું ગયા રવિવારે અમદાવાદમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા યોજાયેલા દલિત સાહિત્ય અને પત્રકારત્વના એવોર્ડ સમારંભ વિશે સાંભળીને વધુ એક વાર યાદ આવ્યું. આખો કાર્યક્રમ દલિત કવિ નીરવ પટેલ, સાહિલ પરમાર અને એક દલિત પત્રકાર નટુભાઇ ગોહિલને એવોર્ડ તથા રોકડ રકમ વડે સન્માનિત કરવાનો હતો, પણ કાર્યક્રમના નિમંત્રણ-કાર્ડમાં ક્યાંય એવોર્ડવિજેતાઓનાં નામ નહીં. કાર્યક્રમમાં ત્રણ એવોર્ડવિજેતાઓને સ્ટેજ પર બેસાડવાની જગ્યા તો નહીં જ. પહેલી હરોળમાં પણ તેમનું સ્થાન નહીં.
છતાં નીરવભાઇએ લાઇફટાઇમ એચિવમેન્ટ પ્રકારનો રૂ.50 હજારનો અને સાહિલભાઇ-નટુભાઇએ રૂ.25-25 હજાર તથા સન્માનપત્ર ઉત્સાહભેર સ્વીકાર્યાં.

એવોર્ડ લેનાર માટે આ તો કઠણાઇનું છેલ્લું ચરણ હતું. અગાઉ આઠ-દસ મહિના પહેલાં એવોર્ડની જાહેરાત થઇ ગયા પછી નીરવ પટેલ સિવાયના સૌને સત્તાવાર જાણ કરી દેવામાં આવી, પણ સત્તાધીશોને વીંધી નાખે એવી કવિતા લખનારા નીરવભાઇનું નામ જાણે નવેસરથી વિચારણા હેઠળ મુકાયું હોય એવી હવા ઉભી થઇ. ન સરકાર તરફથી કોઇ ખુલાસો, ન નીરવભાઇ તરફથી સરકારના વલણ અંગેનો કચવાટ. આખરે તેમનું નામ પણ જાહેર થયું અને સમારંભમાં હાજર રહીને બીજી હરોળમાં બેસીને તેમણે એવોર્ડ સ્વીકાર્યો.

કવિતા આમ તો મારી ‘લેન’ નહીં. છતાં નીરવભાઇ-સાહિલભાઇની ઘણી કવિતાઓ વાંચીને ફક્ત ડોલી જ નહીં, હાલી ગયો છું. પોતાની પ્રિયતમાના સૌંદર્યની વાસ્તવિક ઉપમાઓ સાથે સરખામણી કરતી સાહિલભાઇની કવિતા ઘણી વાર વાંચી હશે. એવી જ રીતે, નીરવભાઇની ઘણી કવિતાઓ એટલી ધારદાર હોય કે મંટો જેવા લેખકની વાર્તાની ચોટ જેવો ઘા પડે. એવી એક ટૂંકી કવિતા આ પોસ્ટના અંતે મૂકી છે. નરસિંહ મહેતા-શામળીયાની હૂંડી અને ‘સૌનો બેલી ભગવાન’ જેવાં બિનદલિત બની ચૂકેલાં પ્રતીકો-અભિવ્યક્તિઓ, દેખીતી રીતે અમાનવીય લાગે એવી સ્થિતિ અને તેની પાછળ રહેલી જ્ઞાતિગત ભેદભાવની ક્રૂર વાસ્તવિકતા કેવી નાટ્યાત્મક છતાં સચોટ લાગે છે. (મંટોપ્રેમીઓને તેની ‘શ્યાહ હાશિયે’ની વાર્તાઓ યાદ આવે જ.)

કાર્યક્રમ પછી મંચ પરના કેટલાક મહાનુભાવો મંચ પરથી નીચે પણ ઉતર્યા વિના નાસ્તો કરવા બેસી ગયા. એવોર્ડની સંખ્યા વધારે હોય ને પ્રમાણપત્રો જથ્થાબંધ હોય તો એવોર્ડ આપનારી સંસ્થાઓનું ભલું પૂછવું. ચવાણું કાઢવા માટે ડીશો ખૂટે તો કોરાં પ્રમાણપત્રોનો પણ સદુપયોગ કરી લે. એક વાર ફ્રેમ થઇ ગયેલું પ્રમાણપત્ર તો એટલા કામનું પણ રહેતું નથી.
***

મારો શામળિયો
મારા શામળિયે મારી હૂંડી પૂરી-
નીકર,
ગગલીનું આણું શેં નેકળત?
ચાવંડાની બાધા ફળી
ને જવાનજોધ ગરાહણી ફાટી પડી...
એની ઠાઠડીએ ઓઢાડ્યું રાતું ગવન !
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય
ગગલીની મા તો
જે મલકાય, જે મલકાય, મારી હાહુ...
બસ ડાઘુઓની પૂંઠ ફરે કે
ધૉડું હડડ્ મસાણે-
મારા ભંગિયાનોય બેલી ભગવાન !

નીરવ પટેલ (2006ના દલિત કાવ્યસંગ્રહ ‘બહિષ્કૃત ફૂલો’માંથી )

Thursday, February 26, 2009

સ્લમડોગ વિશે સટરપટરઃ અનલૉક કિયા જાય?

‘આ સ્લમડોગનો રીવ્યુ નથી’ એટલી ચેતવણી સાથે એ ફિલ્મ વિશેની કેટલીક આડીઅવળી વાતોઃ

  • ફિલ્મમાં ‘હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનર’ કાર્યક્રમનો જે છૂટથી ઉપયોગ કર્યો છે, એ જોતાં અડધી-પોણી ફિલ્મ સુધી એવું લાગે કે આ કાર્યક્રમનો પ્રચાર થઇ રહ્યો છે, પણ ઇન્ટરવલ પછીના ટિ્વસ્ટમાં જે રીતે સંચાલક અનિલ કપુર જે રીતે પલટી મારીને હીરોને જેલભેગો કરે છે, એ જોતાં એવું લાગે કે ‘હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનર’ની જબરી વાટ લગાડી છે. કાર્યક્રમના નામથી માંડીને ફોર્મેટ, સેટ, સંગીત અને ‘કમ્પ્યુટરજી’, ‘લોક કિયા જાય’ સુધીનું બઘું અસલી કાર્યક્રમ મુજબનું હોય, છતાં એ કાર્યક્રમના સંચાલકને પહેલથી છેલ્લે સુધી નકારાત્મક ભૂમિકામાં દર્શાવવામાં આવે એની પાછળનું કારણ શું હશે? હેતલ (દેસાઇ) કે જયેશ (અઘ્યારૂ) જેવા મિત્રો વધારે પ્રકાશ પાડી શકે.
  • અમિતાભ બચ્ચન આ ફિલ્મથી ‘ગરીબીના પ્રદર્શન’ બાબતે નારાજ થયા એ બઘું ઠીક છે, પણ ફિલ્મમાં બે રીતે તેમનો રેફરન્સ છે અને તે વિશિષ્ટ છે. એક તો, મળથી ખરડાયેલો છોકરો જે રીતે બેરોકટોક બચ્ચન સુધી પહોંચીને તેના ઓટોગ્રાફ લઇ આવે છે, એ દૃશ્ય ફક્ત જુગુપ્સાપ્રેરક જ નહીં, વાસ્તવિકતાથી બહુ દૂર લાગે એવું છે. એ સીનમાં બચ્ચનનો ફક્ત હાથ બતાવવામાં આવે છે. બીજો ઉલ્લેખ ઉપર જણાવ્યો તેમ, ‘કેબીસી’ના એન્કર તરીકેનો. અનિલ કપૂરે તેમાં દેખીતી રીતે અમિતાભની ભૂમિકા ભજવી છે, પણ અમિતાભ જેવી ગરીમા વિના. ‘કેબીસી’ વિશેનું બઘું જ અસલ દર્શાવાતું હોય ત્યારે સ્પર્ધક સાથે પ્રેમથી-આત્મીયતાથી વાત કરતા અમિતાભને બદલે ફિલ્મી સંચાલક (અનિલ કપૂર) પહેલેથી અને સતત હીરોને ‘ચાયવાલા’ તરીકે ઉતારી પાડતો હોય એવા ચિત્રણ સામે અમિતાભને વાંધો નહીં પડ્યો હોય? જે રીતે સ્પર્ધકને પોલીસમાં પકડાવી દેવાની હદ સુધી મામલો જાય છે, એ તો અસહ્ય છે - અને એ ફિલ્મના ત્રણ સમાંતર ટ્રેકમાંનો એક ટ્રેક છે.
  • ‘ઓમકારા’ જેવી અદભૂત ફિલ્મ આવી ત્યારે મુખ્ય ચર્ચા તેની ગાળો વિશે થઇ હતી. તેની સરખામણીમાં ‘સ્લમડોગ’માં બોલાતી ગાળો વાસ્તવિકતાના આલેખન તરીકે ચાલી ગઇ. બે વર્ષમાં પ્રજા ઉદાર થઇ કે માર્કેટિંગ મજબૂત?
  • ડાયરેક્ટર તરીકે મોટું નામ ધરાવતા ડેની બોયલે ફિલ્મમાં આવતી હિંસાને માપમાં રહીને બતાવી છે. નાના બાળકની આંખમાં તેજાબ રેડવાનું દૃશ્ય થથરાવી નાખે એવું છે, પણ ગંદકીનું પિક્ચરાઇઝેશન તેમણે દિલથી અને ગ્રાફિકલી કર્યું છે.
  • હીરોનો ભાઇ કેવી રીતે ગુંડો બને છે, તેનો જવાબ કથામાંથી મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેના પાત્રનો વિકાસ જોવા મળે છે, પણ હીરોના પાત્ર માટે એ લાગુ પડતું નથી. તેના પાત્રની એક જ મુખ્ય લાક્ષણિકતા છે- હીરોઇન પ્રત્યેનો લગાવ. એ બહુ (હિંદી) ફિલ્મી લાગે છે. આખી ફિલ્મમાં આશાનો સંદેશ હોય એવું પણ મને ખાસ લાગ્યું નહીં. ‘હેપી એન્ડિંગ’ અને ‘આશાનો સંદેશ’ વચ્ચે ફરક છે.
  • ટીવી ચેનલવાળાનું ચાલે તો એ ‘જય હે’ને બદલે ‘જય હો’ને ભારતનું રાષ્ટ્રગીત બનાવી દે. એ ગીતમાં કશું નથી, એવું કહેવું અલ્પોક્તિ (અન્ડરસ્ટેટમેન્ટ) છે.
  • ‘દરસન દો ઘનશ્યામ નાથ,મોરી અખિયાં પ્યાસી રે’- એ સવાલ વિશે પણ ઠીકઠીક ચર્ચા થઇ હતી. આ ભજન કોણે લખ્યું એવો સવાલ ફિલ્મમાં પૂછાયો છે. જે તરજમાં આ ભજન બાળકો ગાય છે, એ હિંદી ફિલ્મ ‘નરસી ભગત’નું બહુ જાણીતું અને મારા જેવા કંઇક લોકોનું પ્રિય ભજન છે (તેની એક યાદગાર પંક્તિ છે,‘દ્વાર દયા કા જબ તુ ખોલે/પંચમ સૂરમેં ગૂંગા બોલે’) સુરતના ફિલ્મ સંશોધક મિત્ર હરીશ રધુવંશીએ થોડા વખત પહેલાં આ વિવાદ વિશેની થોડી માહિતી મોકલી હતી. તેમણે જણાવ્યા પ્રમાણે, સૂરદાસે ‘દરસન દો..’ નહીં, પણ ‘હરિ દરસનકી પ્યાસી યે અખિયાં’ લખ્યું હતું. ‘સ્લમડોગ’માં છૂટથી વપરાયેલું અને ‘કેબીસી’માં પૂછાયેલું ગીત ‘દરસન દો ઘનશ્યામનાથ મોરી અખિયાં પ્યાસી રે’ ગીતકાર જી.એસ. (ગોપાલસિંઘ) નેપાલીએ લખ્યું હતું. સંગીતકાર હતા રવિ. ગોપાલસિંઘના પુત્ર નકુલસિંઘે કોર્ટમાં જવાની તૈયારી કરી હોવાના સમાચાર પણ હરીશભાઇએ આપ્યા હતા. અંધત્વ સાથે સૂરદાસનો મેળ બેસી જાય છે, એવું લોજિક ફિલ્મના હીરોએ લગાવ્યું હોવાની દલીલ થઇ શકે.

વૈસે ભી, ઇનામ-બીનામ, હીરોઇન-બીરોઇન, ઓસ્કાર-બોસ્કાર બઘું આખરે શું છે? કરેક્ટ આન્સરઃ (ડી) ઇટ્સ રીટન!

Tuesday, February 24, 2009

ઈંગ્લીશનો ધસારો, ગુજરાતીનો ઘસારો

માતૃભાષામાં શિક્ષણ કેટલું જરૂરી અને ઉપયોગી છે, એની ભાષણબાજી સાંભળવામાં હવે ગુજરાતીઓને કંટાળો આવે છે. એના માટે માતૃભાષા પ્રત્યે પ્રેમના અભાવ ઉપરાંત ભાષાપ્રેમનાં ભાષણો-ઉપદેશો આપનારા મહાનુભાવો પણ ઓછા જવાબદાર નથી.

ગુજરાતીનાં મહત્તા-માહત્મ્ય-મહાનતા વિશે ભાવભીની વાતો ઘણી થાય છે, પરંતુ તેના ગઢમાં પડેલાં મસમોટાં ગાબડાં પુરવા માટે શું કરવું જોઇએ, એ બાબતે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવતો નથી. પરિણામે ભાષાબચાવ ઝુંબેશો ભવિષ્યની વ્યૂહરચના વિશેની ચર્ચાસભાને બદલે ભૂતકાળનાં, ઘણે અંશે આત્મકથાત્મક, સંભારણાં વાગોળવાની નિરર્થક- બહુ તો મનોરંજક- બેઠકો બની રહે છે.

ગુજરાતી માઘ્યમ અને તેનાથી ઘણી વ્યાપક એવી ગુજરાતી ભાષાને ઈંગ્લીશના હુમલાથી સલામત રાખવા માટે શું થઇ શકે? કેટલાક ઉપાયો વિચારતાં પહેલાં ગુજરાતમાં-ભારતમાં ઈંગ્લીશનાં મૂળીયાં વિશે અછડતી જાણકારી મેળવીએ.

ઈંગ્લીશઃ પ્રવેશ અને આક્રમણ

રમૂજમાં ભારતની ‘મધરટન્ગ’ (માતૃભાષા) નહીં, પણ ‘આન્ટી ટન્ગ’ (માસીની ભાષા?) તરીકે ઓળખાતી ઈંગ્લીશની બોલબાલા વિશે એક પ્રચલિત વિધાન છેઃ ‘ઈંગ્લીશ ઇઝ નોટ માય મધર્સ ટન્ગ, બટ ઇટ ઇઝ માય મધરટન્ગ.’ (ઈંગ્લીશ મારી માતાની ભાષા નથી, પણ મારી માતૃભાષા છે.)

ત્રણેક દાયકા પહેલાં એક વિદ્વાને ભારતમાં અંગ્રેજી ભાષાને ગાય સાથે સરખાવી હતી. સરખામણીનો પહેલો મુદ્દોઃ ભારતીયો પરલોક તરી જવા માટે ગાયનું અને આ લોક તરી જવા માટે ઈંગ્લીશનું પૂંછડું પકડે છે. મુદ્દો બીજોઃ બન્ને વિશે અત્યંત આદર હોવા છતાં બન્નેની દશા ભારતમાં ભૂંડી છે.

પહેલો મુદ્દો હજુ એટલો જ સાચો છે, પણ બીજા મુદ્દે મોટો ફેરફાર થયો છે. કેટલાક અભ્યાસીઓ જેને ‘વ્હાઇટ રેવોલ્યુશન’ (‘શ્વેત ક્રાંતિ’?) કહે છે, તે પ્રક્રિયા અંતર્ગત દેશમાં હવે ઈંગ્લીશને કારણે ઘણી સ્થાનિક ભાષાઓની દશા બેઠી છે. બે-ત્રણ દાયકા પહેલાં સુધી ગુજરાત જેવાં રાજ્યોમાં ઈંગ્લીશ શીખવવા માટે ઝુંબેશ ઉપાડવી પડે એવી સ્થિતિ હતી. ગુજરાતમાં પહેલાં ઈંગ્લીશ પાંચમા ધોરણથી શીખવવું કે આઠમા ધોરણથી, એ વિશેના ગરમાગરમ વિવાદો થતા હતા. હવે ગુજરાતી શીખવવાની-બચાવવાની ઝુંબેશ કરવાના દિવસ આવ્યા છે.

ઈંગ્લીશના આક્રમણનું જોર જોતાં એવું લાગે, જાણે ભારતમાં એ ભાષા સદીઓથી મૂળીયાં નાખીને પડી છે. ઐતિહાસિક તથ્યો એ વિશે શું કહે છે?

વિશ્વભાષા તરીકે ઈંગ્લીશ છેક વીસમી સદીમાં અને એ પણ બે વિશ્વયુદ્ધો પછી સ્થપાઇ. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ આથમી ગયો, પણ બ્રિટનનાં સંસ્થાનો પૂરતું મર્યાદિત રહેલું ઈંગ્લીશનું સામ્રાજ્ય અકબંધ રહ્યું અને વિસ્તર્યું. કેમ કે, વિશ્વયુદ્ધો પછી રાજકીય-આર્થિક સુપરપાવર તરીકે ઉભરેલા અમેરિકાની મુખ્ય ભાષા ઈંગ્લીશ હતી. અમેરિકન ઈંગ્લીશ પહેલાં સમૃદ્ધિની અને પછીનાં વર્ષોમાં જ્ઞાનની ભાષા તરીકે દુનિયાભરમાં ફરી વળ્યું. ૧૯૮૫ના ‘યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રીપોર્ટ’ સામયિકમાં ઈંગ્લીશના આક્રમણ વિશેના એક લેખમાં નોંઘ્યા પ્રમાણે, એ સમયે કમ્પ્યુટરમાં સ્ટોર થયેલી દુનિયાભરની ૮૦ ટકા માહિતી ઈંગ્લીશમાં હતી અને દુનિયાની વસ્તીમાં દર સાત માણસે એક માણસ ઓછેવત્તે અંશે ઈંગ્લીશ જાણતો હતો.

ભારતમાં ઈંગ્લીશ ભાષાના પગપેસારા માટે એકતરફ ‘લીન્ગ્વીસ્ટીક ઇમ્પીરીયાલીઝમ’ (ભાષાકીય સામ્રાજ્યવાદ) જેવો શબ્દપ્રયોગ વપરાય છે, તો સી.રાજગોપાલાચારી સરખા વિદ્વાન નેતાએ ઈંગ્લીશને ‘ગોડેસ સરસ્વતીઝ ગિફ્ટ ટુ ઇન્ડિયા’ (દેવી સરસ્વતી ભારતને ભેટ) તરીકે ઓળખાવી. આ ભાષાનો તેના જન્મસ્થળ ઈંગ્લેન્ડમાં માંડ પાંચેક સદી પહેલાં ‘સાહિત્યિક શક્યતાઓ ધરાવતી ભાષા’ તરીકે સ્વીકાર થયો. છતાં ૧૭મી સદી સુધી ન્યૂટન જેવા વૈજ્ઞાનિક લેટિન ભાષામાં ગ્રંથો લખતા હતા. છેક ૧૯મી સદી સુધી ઈંગ્લેન્ડની સ્કૂલોમાં ઈંગ્લીશ ભણાવવામાં આવતું ન હતું. (સંદર્ભઃ ધ પોલિટિક્સ ઓફ ઇન્ડિયન ઈંગ્લીશ, એન.કૃષ્ણસ્વામી અને અર્ચના એસ. બર્ડે, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૯૮)

ભારતમાં ઓગણીસમી સદીમાં (૧૮૨૩માં) નીમાયેલી ‘ધ જનરલ કમિટી ઓફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન’ના સભ્યોએ ઈંગ્લીશ ભાષા અને ઈંગ્લીશ મીડિયમના પ્રસારની વિરૂદ્ધમાં અભિપ્રાય આપ્યો હતો. ત્યાર પછીના દોઢેક દાયકામાં ‘ધ બોમ્બે નેટીવ એજ્યુકેશન સોસાયટી’એ મુંબઇ ઇલાકામાં ‘ડિસ્ટ્રીક્ટ ઈંગ્લીશ સ્કૂલ્સ’ (જિલ્લા કક્ષાની ઈંગ્લીશ શાળાઓ) શરૂ કરી. અંગ્રેજી રાજની વહીવટી ભાષા બનેલી ઈંગ્લીશ શીખવાની તમન્ના ‘દેશીઓ’માં જાગવા માંડી. ૧૮૩૫માં મેકોલેએ ભારતમાં ઈંગ્લીશના શિક્ષણ દ્વારા કારકુનો પેદા કરવાના સૂચન સાથે નવી દિશા ચીંધી આપી. (જાપાનની એક યુનિવર્સિટીનો ઘ્યેયમંત્ર હતોઃ ‘કારકુન કરતાં કારીગર સારો’) બીજો મહત્ત્વનો વળાંક ૧૮૫૪માં આવ્યો, જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ચાર્લ્સ વૂડે ‘વૂડ્સ ડિસ્પેચ’ તરીકે ઓળખાતા અહેવાલમાં નવી શિક્ષણનીતિની રૂપરેખા આપી. તેમાં મુખ્ય શહેરોમાં મહાવિદ્યાલયો (યુનિવર્સિટી)નો આરંભ, શિક્ષકો માટે તાલીમસંસ્થાઓની સ્થાપના અને ‘ગ્રાન્ટ-ઇન-એઇડ’ પ્રથા શરૂ કરવાનો નિર્ણય લેવાયો. એ સાથે ભારતના વહીવટી તંત્રમાં પહેલી વાર શિક્ષણવિભાગ અલગ રીતે અસ્તિત્ત્વમાં આવ્યો.

‘વૂડ્સ ડિસ્પેચ’ની દોઢ સદી પછી હવે ગુજરાતી ભાષામાં તથા ગુજરાતી ભાષાના અસરકારક શિક્ષણ માટે કોઇ ‘ડિસ્પેચ’ તૈયાર કરવો પડે એવી સ્થિતિ છે.

સુદૃઢ ગુજરાતી માટે સંભવિત ઉપાયો

ભાષા સાથે જુદા જુદા સ્તરે કામ પાડતા અભ્યાસીઓ સાથેની વાતચીતમાંથી મળેલાં ગુજરાતી ભાષાને મજબૂત કરવાનાં કેટલાંક ઉપયોગી-વ્યવહારૂ સૂચનો અહીં મુક્યાં છેઃ

કાંટાથી કાંટો કાઢવોઃ રતિલાલ બોરીસાગર આ શબ્દપ્રયોગ વાપરીને કહે છે કે અંગ્રેજી ભાષાથી જ અંગ્રેજીના મોહ સામે લડવું. એટલે કે, ગુજરાતી શાળાઓમાં પહેલા ધોરણથી અંગ્રેજી એક વિષય તરીકે દાખલ કરવું અને ઈંગ્લીશ મીડિયમમાં ભણાવાતા અંગ્રેજીની સમકક્ષ ઈંગ્લીશ ગુજરાતી માઘ્યમમાં ભણાવવું. નગેન્દ્રવિજય એટલી હદ સુધી કહે છે કે ગુજરાતી માઘ્યમમાં અંગ્રેજી પર ભાર મુકવા માટે જરૂર લાગે તો અંગ્રેજી વિષયનાં એકને બદલે બે પેપર કરી નાખવાં.

આ સૂચનો પાછળનું હાર્દ એટલું જ કે તેનાથી સંતાનનું ઈંગ્લીશ કાચું કે નબળું રહી જતું હોવાની માતાપિતાની ફરિયાદ દૂર થશે અને સંતાનના દિમાગમાં ભાષા ભેળપુરી થતી અટકશે. ઈંગ્લીશ ભાષા અંગે સરકારની ઉદાર નીતિ જોતાં ગુજરાતી શાળાઓ માટે પહેલા ધોરણથી ઈંગ્લીશ દાખલ કરવાના પગલાંને સરકાર તરફથી કોઇ મુશ્કેલી નડવી જોઇએ નહીં.

એટલું ખરૂં કે આ કામનો બોજ મામૂલી પગાર ધરાવતા વિદ્યાસહાયકો પર નાખી શકાય નહીં. સરકારે એ માટે પૂરા કદના, સારો પગાર ધરાવતા શિક્ષકોની ભરતી કરવી પડે. અત્યારે ઈંગ્લીશ મીડિયમની સ્કૂલોમાં પણ સારૂં અંગ્રેજી શીખવવાનાં ફાંફાં હોય, ત્યારે સારા અંગ્રેજી શિક્ષકો તૈયાર કરવાનું કામ પ્રાથમિક બની રહે.

માતૃભાષાનું બાકાયદા મહત્ત્વઃ ઈંગ્લીશ મીડિયમની સ્કૂલોમાં બારમા ધોરણ સુધી ગુજરાતી ફરજિયાત હોવું જોઇએ. એટલું જ નહીં, ગુજરાતીને પૂરતું મહત્ત્વ પણ મળવું જોઇએ. આ કામ સરકારી હુકમ અને ખાસ તો, તેના કડક અમલથી દ્વારા શકે. આ પ્રકારના સરકારી હુકમો સામેનો વિરોધ અદાલતોમાં પણ ટકી શકતો નથી.

પ્રજાકીય વ્યવહારમાંથી અંગ્રેજીને વિદાયઃ ગુજરાતી માઘ્યમના વિદ્યાર્થીને સારૂં અંગ્રેજી ભણાવવાની સાથોસાથ, ગુજરાતી પર પ્રભુત્વ ધરાવનાર માટે કારકિર્દીની બહોળી તકો ઉપલબ્ધ બને, એવું વાતાવરણ રોજેરોજના જીવનમાં ગુજરાતીના બહોળા પ્રયોગથી સર્જાવું જોઇએ. આમજનતાની ભાષા ગુજરાતી હોય ત્યારે રોજબરોજના જીવનમાં ધૂસી ગયેલા અને લોકો માટે અન્યાયી થઇ પડતા અંગ્રેજીને દૂર કરવું પડે. ધારાશાસ્ત્રી ગિરીશ પટેલ કહે છે કે હાઇકોર્ટમાં વકીલો અને ન્યાયમૂર્તિ બધા ગુજરાતી હોય, તો પણ કાર્યવાહી અંગ્રેજીમાં ચાલે છે. ઘણાખરા અસીલોને ખબર જ ન પડે કે પોતાનો વકીલ શું ગબડાવે છે. આવી સ્થિતિ નાબૂદ થવી જોઇએ. ભાષાનો મુદ્દો ફક્ત સાહિત્ય કે ભણેલાગણેલા લોકોને જ નહીં, ‘આમજનતા’ તરીકે ઓળખાતા સૌનાં હિત અને તેમના અધિકારો સાથે સીધો સંકળાયેલો છે.

ગુજરાતી ભાષામાં પાઠ્યપુસ્તકોનું પુનઃલેખનઃ બાળકનું શ્રેષ્ઠ ભણતર તેની માતૃભાષામાં થઇ શકે છે, એ વિજ્ઞાનસિદ્ધ હકીકત છે. પ્ર.ચુ.વૈદ્ય જેવા ગણિતશાસ્ત્રીએ અભ્યાસ દ્વારા તારવ્યું છે કે ‘ગણિત એટલે ફક્ત આંકડા’ એ માન્યતા ખોટી છે. ગણિત શીખવવામાં આંકડા જેટલું જ- તેનાથી બિલકુલ ઓછું નહીં એવું- મહત્ત્વ ભાષાનું છે.

ગુજરાતીમાં શીખવવાની વાત કરીએ ત્યારે બહુ મોટો મુદ્દો અને ચિંતાનો વિષય છે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ પાઠ્યપુસ્તકો અને સંદર્ભસામગ્રી. અત્યંત દુર્બોધ અથવા ટેકનિકલ ભાષામાં લખાયેલાં ગુજરાતી લખાણો કરતાં ઈંગ્લીશ સમજવાનું ઓછું અઘરૂં પડે છે. એટલે જ, નગેન્દ્રવિજય અને ડો.સુશ્રુત પટેલ જેવા વિજ્ઞાનમાં ઊંડાણપૂર્વકનું છતાં લોકભોગ્ય ભાષામાં લખનારા વિદ્વાનો, સમજાય એવા ગુજરાતીમાં પાઠ્યપુસ્તકો અને બીજાં સંદર્ભપુસ્તકો ઉપલબ્ધ બને તેની ઉપર ભાર મુકે છે. સરકારી પાઠ્યપુસ્તક મંડળ સરળ ગુજરાતીમાં લખી ન શકતા પ્રોફેસરોને થોડો વિરામ આપીને, વિષયનિષ્ણાતો અને સરળ ભાષામાં લખનારા લોકોને ભેગા કરવાની તસ્દી લે તો કંઇક કામ બને.

સરકારી શાળાઓની સજ્જતાઃ અત્યારના ઘણા ‘મોટા માણસો’ સરકારી નિશાળોમાં ભણ્યા છે એની ગાથા જવા દઇએ, તો પણ સરકારી નિશાળોની સંખ્યા અને સુવિધા સમય જતાં વધવાને બદલે ઘટ્યાં છે એ હકીકત છે. બોલકા વર્ગનાં સંતાનો માટે ખાનગી શાળાઓ ઉભી થઇ ગઇ હોવાથી તેમને સરકારી શાળાઓના હાલહવાલની પરવા નથી. પણ આ જ શાળાઓ ગુજરાતી માઘ્યમ અને ભાષાને બચાવવાનાં મહત્ત્વનાં કેન્દ્રો બની શકે એમ છે. એ માટે સરકાર પોતે પ્રયાસ કરે અથવા ભણતર ગરીબો માટે સુલભ રહે એ રીતે બીજાને પ્રયાસ કરવા દે, તો ગુજરાતી વિશેની ઘણીખરી ચિંતા નાબૂદ થઇ જાય.

આ યાદી હજુ લંબાઇ શકે. કેટલાંક સૂચનો અંગે વઘુ ચર્ચાને અવકાશ હોઇ શકે. છતાં, ગુજરાતીને મજબૂત કરવા ઇચ્છતા સૌએ પહેલા પગથિયા તરીકે એક પ્રતિજ્ઞા લેવા જેવી છેઃ ‘હવેથી અમે ગુજરાતી ભાષા વિશેની લાગણીસભર વાતોના દાયરા- અને ડાયરા-માંથી બહાર નીકળીને, નક્કર ઉપાયો વિશેની ચર્ચા અને ક્રમબદ્ધ-સમયબદ્ધ અમલીકરણ પર જ ઘ્યાન કેન્દ્રિત કરીશું.’

Monday, February 23, 2009

સ્લમડોગ હવે સ્લમગોડ...

જૂની કહેવત હતીઃ સત્તા આગળ શાણપણ નકામું છે. નવી કહેવત બનાવી શકાયઃ સફળતા આગળ શાણપણ નકામું છે. ઓસ્કર એવોર્ડમાં ‘સ્લમડોગ મિલિયોનર’ની બમ્પર સફળતાથી વધુ એક વાર કહી શકાય.
રહેમાન ઉપરાંત કાકા ગુલઝાર સહિત બીજા ભારતીયોને ઓસ્કર મળ્યો એ આનંદની વાત છે, પણ તેમાં ઉભરાઇ જવાપણું નથી. આ રેકોર્ડબુકની ક્ષણ હોઇ શકે છે-હૃદયોર્મિની નહીં.

અભિનવ બિન્દ્રા ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતી લાવ્યો, તેની સાથે આ સિદ્ધિની તુલના થઇ શકે? જવાબ સ્પષ્ટ ‘ના’માં મળે છે. બિન્દ્રાની સિદ્ધિ ભારતસહજ તમામ પ્રતિકૂળતાઓ અને સમૃદ્ધ પરિવારના સંતાનસહજ તમામ અનુકૂળતાઓ પછી પણ એક ભારતીયની નિર્ભેળ, માર્કેટિંગના જોર વગરની, નિર્વિવાદ, સ્પર્ધાત્મક સિદ્ધિ છે, જ્યારે ‘સ્લમડોગ..’ પેકેજિંગ, પ્રેઝન્ટેશન અને માર્કેટિંગની ધારી સફળતા છે. તેની સાથે સંકળાયેલાં ઘણાં પડદા ઉપરનાં અને પાછળનાં પાત્રો ભારતીય છે. છતાં આ ફિલ્મ ભારત વિશેની છે- ભારતની નથી એ યાદ રહે. અને ભારતની હોય તો પણ, ઓસ્કર એ સફળતાનો અને લોબીઇંગનો માપદંડ છે, ગુણવત્તાનો નહીં.

‘સ્લમડોગ..’ નિમિત્તે ગરીબીના ચિત્રણની બહુ ચર્ચા થઇ હતી, પણ મોટા ભાગની ચર્ચા આડા પાટે રહી. કેમ કે, તેનો મુખ્ય મુદ્દો ‘એક વિદેશીએ બતાવેલી ગરીબી’ હતો. દર્શક તરીકે એટલું જ જોવાનું રહે કે ગરીબીનું ચિત્રણ કોણે નહીં, કેવું કર્યું છે. એ બાબતે મધુ રાય સાથે એક વાર વાત થઇ ત્યારે તેમણે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘કેટલોક ભાગ બહુ વિરૂપ છે. આપણને ખબર પડે કે આવું ન હોય.’ આવી જ લાગણી બીજા કેટલાક મિત્રોની પણ રહી છે. આ મુદ્દો કળાકીય સૌંદર્યદૃષ્ટિનો છે-દેશપ્રેમનો નહીં, એટલું યાદ રહે.

કાયદાકાનૂન વિશે અજબગજબની માહિતી આપતા અર્થશાસ્ત્રી બિબેક દેબ્રોયે આજના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં ઓસ્કર વિશે કેટલીક મઝાની વાતો લખી છે.

  • ‘એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સીસ’ના આશરે 6 હજાર મતદારોના મતથી વિજેતાની પસંદગી થાય છે. આ મતદાન યોગ્ય ઢબે થયું છે એવું પ્રમાણપત્ર (હવે ‘સત્યમ’ના ગોટાળાથી નામીચી બનેલી કંપની) પ્રાઇસવોટરહાઉસ કૂપર્સ આપે છે.
  • કોઇ પણ ફિલ્મ કેલિફોર્નિયાની લોસ એન્જલીસ કાઉન્ટીમાં રિલીઝ ન થાય ત્યાં સુધી તેને ઓસ્કર માટે લાયક ગણવામાં આવતી નથી.
  • સીટીઝન કેન, સાયકો, 2001 એ સ્પેસ ઓડીસી, ઇટી, સ્ટારવોર્સ જેવી ઘણી ફિલ્મો ઓસ્કર જીતી શકી નથી.
  • લેખમાં અપાયેલા ફિલ્મનિર્માણના વાર્ષિક આંકડા રસપ્રદ છેઃ 2007ના વર્ષમાં ભારતમાં 1,164, અમેરિકામાં 453, જાપાનમાં 407 અને ચીનમાં 402 ફિલ્મો બની. અમેરિકા કરતાં લગભગ અઢી ગણી ફિલ્મો બનાવવા છતાં ભારતની ફિલ્મોને ત્યાં સ્વાભાવિક રીતે ‘ફોરેન ફિલ્મ’ની કેટેગરીથી સંતોષ માનવો પડે છે.

છેલ્લે વાત રહેમાનની. એ વર્તમાન સમયનો શીર્ષસ્થ સંગીતકાર છે અને વ્યક્તિગત રીતે લાંબાપહોળા દાવા કર્યા વિના તે સફળતાનાં પગથિયાં ચડતો રહ્યો છે. પણ મારા જેવા ઘણા શ્રોતાઓને રહેમાનના સંગીતમાં મોટે ભાગે મેલડીનો અભાવ લાગે છે. અમારા કાન અત્યંત મધુર એવાં જૂનાં હિંદી ગીતોથી ટેવાયેલા છે એ ખરું, પણ એ એકમાત્ર કારણ નથી. સરખામણી આમ તો અસ્થાને જ ગણાય, પણ રહેમાન પર વિશેષણોનો ખડકલો થઇ રહ્યો છે અને થશે ત્યારે, આર.સી.બોરાલ, પંકજ મલિક, અનિલ બિશ્વાસ, નૌશાદથી સલિલ ચૌધરી અને જયદેવ સુધીના સંગીતકારોને અન્યાય ન થાય એટલા માટે આટલું યાદ અપાવવું જરૂરી લાગ્યું.

બાકી, ‘છોટી સી આશા’નો હું એવો ચાહક હતો કે ‘રોજા’ની બે કેસેટ લાવ્યો હતો- એક ઘસાઇ જાય તો બીજી લેવા ન જવું પડે- અને રહેમાનની તાજગી પ્રત્યે મારો પ્રેમ જાણતા ગુરૂ નલિન શાહ ચેન્નઇમાં રહેમાનને એના સ્ટુડિયો પર મળ્યા, ત્યારે ખાસ મારું અને બીરેનનું નામ લખાવીને રહેમાનની તસવીર પાછળ એના ઓટોગ્રાફ લઇ આવ્યા હતા. છતાં...

મધુ રાય પર મુકદ્દમોઃ બામશક્કત લેખનની સજાને પાત્ર મુજરિમ બાઇજ્જત બરી







(photoline : 1. drishti patel, prakash n.shah, labhshankar thakar, sitanshu maheta, himmat kapasi. 2. chinu modi, harshad trivedi 3. madhu rye 4. with avinash parekh 5. with suvarnaben 6. with suvarnaben and brother arun thakar
All photos : Binit Modi

(શનિવાર, તા.21 ફેબ્રુઆરીની સાંજે પરિષદના રા.વિ.પાઠક સભાગૃહમાં મધુ રાયની પંચાયત યોજાઇ હતી. રમેશ તન્ના (‘ગુજરાત ટાઇમ્સ’) અને બીજી કેટલીક સંસ્થાઓના સહયોગથી થયેલા આ કાર્યક્રમ વખતે હું બહારગામ હતો, પણ બિનીત મોદી, પ્રણવ અધ્યારુ અને બીરેન કોઠારી તેમાં પહેલેથી છેલ્લે સુધી રહ્યા. તેમની સાથેની વાતચીત અને બિનીતે લખેલા અહેવાલ પરથી આ નોંધ મુકી છે.)

‘કોઇ પણ એક ફૂલનું નામ બોલો તો’ જેવી કૃતિઓમાં આવતું કેશવ ઠાકરનું પાત્ર જેમનો ઓલ્ટર ઇગો હોવાનો ભાસ થાય, એવા લેખક મધુ રાય ઉર્ફે ગગનવાલા જૂના અને સંગીન અપરાધી છે. ઓછું લેખન તેમનો મુખ્ય ગુનો છે. (‘ભાસ્કર’ની કોલમમાં આવે છે એવું ડાબા હાથનું લેખન બીજો ગુનોઃ-)

અંગત રીતે નાજુક મિજાજના માણસ તરીકે જાણીતા ગગનવાલા સામે ખુલી-ખેલીને મુકદ્દમો ચલાવવાનું કામ સહેલું નથી. એટલે જ, ચિનુ મોદી જેવા ‘આકંઠ’ મિત્ર ફરિયાદી પક્ષના વકીલ અને સાક્ષીઓમાં લાભશંકર ઠાકર, ઇન્દુ પુવાર, પ્રીતિ સેનગુપ્તા, પન્ના નાયક જેવાં મિત્રો હોવા છતાં, કાર્યક્રમમાં આરોપ-પ્રતિઆરોપોની ફટકાબાજી ન થાય એ સમજાય એવું હતું.

અગાઉ અશ્વિની ભટ્ટને પોતાની નવલકથા ધરાર પાસે બેસાડીને સંભળાવી ચૂકેલા અને ત્યાર પછી પંદરસો પાનાંની નવલકથાઓ લખનારા અશ્વિનીભાઇ ક્યાંક બદલો ન લે એ બીકે તેમનાથી દૂર ભાગતા રહેલા મધુભાઇની પંચાયતમાં સૌથી વધુ મઝા અશ્વિનીભાઇએ કરાવી. તેમણે મધુ રાયનો બચાવ કર્યો હતો.
કોર્ટમાં, ઓ.કે.- પંચાયતમાં, સાક્ષીઓનો ક્રમઃ વિનાયક રાવલ, ચંદ્રકાંત શેઠ, પ્રીતિ સેનગુપ્તા, ઇન્દુ પુવાર, ઠાકોરભાઇ પટેલ, અશ્વિની ભટ્ટ, હર્ષદ ત્રિવેદી અને પન્ના નાયક. ગુજરાતની સાહિત્ય અકાદમીના મહામાત્ર (છતાં) સાહિત્યકાર-સાહિત્યપ્રેમી તરીકે પ્રતિષ્ઠા ધરાવતા કિરીટ દૂધાત, દામિની મહેતા, મૃણાલિની સારાભાઇ અને લલિત લાડ હાજર રહી શક્યાં ન હતાં.

આરોપીના પિંજરા જેવી ગોઠવણમાં ખુરશી પર બેઠેલા મધુ રાય સાક્ષીઓના આરોપોનો એક જ જવાબ આપતા રહ્યાઃ ‘નો કમેન્ટ્સ’. પણ બચાવ પક્ષના વકીલ અને ‘અભિયાન’ના ભૂતપૂર્વ માલિક-બિલ્ડર અવિનાશ પારેખને તે સતત કાનમાં બચાવમંત્રો ફૂંકતા હતા.
મંચ પર બેઠેલા પંચ તરીકે લાભશંકર ઠાકર, હિંમત કપાસી, સિતાંશુ યશશ્ચંદ્ર, પ્રકાશ ન. શાહ અને દૃષ્ટિ પટેલ હતાં. ‘ગુજરાત ટાઇમ્સ’ના ઠાકોરભાઇ પટેલે અખબારનો આરંભકાળ અને મધુ રાયની તેમાં ભૂમિકાને યાદ કરીને કહ્યું કે ‘આ ખટલો ત્રીસ વર્ષ પહેલાં મંડાવો જોઇતો હતો. મધુ રાયને તંત્રી બનાવ્યા પછી મારા ઉજાગરા ઘટવાને બદલે વધી ગયા હતા. કારણ કે એ લીટીએ લીટીએ પ્રૂફની-ભાષાની-વાક્યરચનાની-જોડણીની ભૂલો કાઢતા હતા.’ પ્રીતિ સેનગુપ્તાએ કહ્યું કે ‘મધુ રાયે મિસ્ટર યોગીને પરણાવી દીધો, પણ તેની અમેરિકન ગર્લફ્રેન્ડ હજુ હડસન નદીના કિનારે રાહ જુએ છે, તેનું યોગ્ય ઠેકાણું લેખક શોધી શકતા નથી.’ મધુ રાય ક્યાંય ટકતા નથી એવા એક આરોપના જવાબમાં તેમની સાથે અમેરિકામાં કામ કરી ચૂકેલાં એક ‘પંચ’ દૃષ્ટિ પટેલે કહ્યું કે’છેલ્લા પંદર વર્ષથી તે ન્યૂ જર્સીમાં સ્થાયી છે.’ પંચ ‘થોડું મવાળવાદી અને આરોપીતરફી’ હોવાની કબૂલાત સિતાંશુભાઇએ કરીને વાતાવરણને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો.

છેલ્લે સ્વબચાવમાં મધુ રાયે કહ્યું,’આ બધું ભેટવાને બદલે ધબ્બો મારવા જેવું છે. અહીંથી પરદેશ ગયો, તો દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટને બદલે ટેકનિકલરમાં જોવા મળી. ભરત જેવો ભાઇ (અરૂણ ઠાકર) અને હર્ષદ ત્રિવેદી જેવા મિત્ર મળ્યા એટલો હું નસીબદાર છું- અને જેવું છું એવો, મારા વિશે બે કલાક ચર્ચા થઇ શકે એટલો તો સૌભાગ્યશાળી છું ને’.

સજા સંભળાવતાં દૃષ્ટિ પટેલે કહ્યું,’જ્યાંથી આવ્યા ત્યાં જ પાછા જાવ.’ (મધુ રાયઃ જવાનો જ છું.) સિતાંશુભાઇએ ગગનવાલાના ઘણા પ્રેમીઓની લાગણીને વાચા આપતાં કહ્યું,’મધુ, તમે અમેરિકા ગયા અને અમે એક સર્જક ગુમાવ્યો એનોય વાંધો નથી. વાંધો એ છે કે અમારો શાલિગ્રામ ત્યાં ચટણી વાટવા માટે વપરાય છે.’ લાભશંકર ઠાકરે કહ્યું,’મધુ ઉત્તમ અભિનેતા છે. હૃદયપૂર્વક ઇચ્છીએ કે તે પાછો અમદાવાદ-ગુજરાત આવે. જો કે એ જ્યાં પણ રહેશે, ગમે તેટલું લખશે, લખશે તો ગુજરાતીમાં જ.’

***
પંચાયત પૂરી થતાં રમેશ તન્નાએ મધુ રાયનાં બા સહિત બીજા કુટુંબીજનોનું શાલથી સન્માન કર્યું. સન્માનના પ્રત્યુત્તરમાં મધુ રાયે કહ્યું,’અહીં એક વ્યક્તિ એવી છે જેનું મારા જીવનમાં એક ચોક્કસ સમયગાળા માટે વિશેષ સ્થાન રહ્યું છે. મને મળેલું સન્માન હું તેને અર્પણ કરું છું.’ એમ કહીને તે બીજી હરોળમાં બેઠેલાં સુવર્ણાબહેન (ભૂતપૂર્વ સુવર્ણા રાય) તરફ આગળ વધ્યા. સુવર્ણાબહેન ઊભાં થઇને આગળ આવ્યાં, મધુ રાયને મળ્યાં, બા અને બીજાં કુટુંબીજનોનાં ખબરઅંતર પૂછ્યાં. બન્નેએ સાથે બેસીને હેવમોરનો ‘લોનાવલી’ આઇસક્રીમ ખાધો. વિશિષ્ટ તસવીરો માટે જાણીતા બિનીતે એક ‘કપલ ફોટો’ માટે વિનંતી કરી એટલે મધુભાઇ કહે,’કેમ નહીં. કહો તો એકબીજાને ચમચી-ચમચી આઇસક્રીમ પણ ખવડાવીએ.’ પણ એવું થાય તે પહેલાં હરિયાની ઉર્ફે અર્ચન ત્રિવેદીની ‘કાન’ નાટકનો અંશ ભજવવા સ્ટેજ પર એન્ટ્રી થઇ.

કાર્યક્રમના અંતે ‘અરૂણોદય પ્રકાશન’ દ્વારા મધુ રાયનાં લખેલાં ત્રણ પુસ્તકો ‘યાર અને દિલદાર’, ‘કાન્તા કહે’ અને ‘સુરા, સુરા, સુરા’નું વિમોચન થયું. શરૂઆતમાં તેમની મધુ રાયની જૂની તસવીરો અને તેમની કૃતિઓ પરથી ટેલીફિલ્મ-નાટક-સિરીયલ બનાવનાર કેતન મહેતાનો ટૂંકો ઇન્ટરવ્યુ રજૂ થયાં.
મુકદ્દમાની નોંધ નિમિત્તે એટલું જણાવવાનું કે કોઇ પણ વાચકમિત્રો પાસે મધુ રાયનાં લખેલાં – અને પુસ્તક તરીકે પ્રગટ ન થયેલાં- નાટકોની સ્ક્રીપ્ટ, સંવાદો, ઓડિયો રેકોર્ડિંગ, પ્રચારસામગ્રી કે બીજું કંઇ પણ મટીરિયલ હોય તો જણાવવા વિનંતી. તેના થકી મધુ રાયના લેખનને લગતી ઘણી ખૂટતી દસ્તાવેજી કડીઓ જોડી શકાશે.

Wednesday, February 18, 2009

વ્હાલા ગગનવાલાની પંચાયત ઉર્ફે પંચાત

અમેરિકા મઘ્યે નિવાસ કરતા ગૂગળી બ્રાહ્મણ મઘુસુદન ઠાકર, ઊં.વ..., ઉંચાઇ ... , બાંધો મઘ્યમ..., વર્ણ ગૌર, વ્યવસાયે લેખક...

એક મિનીટ! ‘મિસ્ટર યોગી’ ખ્યાત ‘કિમ્બલ રેવન્સવુડ’ નવલકથામાં કન્યાના હટાણે ભારત આવતા કોઇ કોડીલા યુવકની કથા નથી. આ તો ‘યોગી’ના સર્જક ખુદ- મઘુ રાય- વિશેની વાત છે અને એમાં પણ બીજો કશો ગોટાળો નથી. તેમની પર આ શનિવારે સાંજે સાહિત્ય પરિષદના રા.વિ.પાઠક સભાગૃહમાં એક પંચાયત બેસવાની છે, તેની જાણકારી અને નિમંત્રણ છે.

‘ગુજરાત ટાઇમ્સ’ના તંત્રી-મિત્ર રમેશ તન્નાએ બીજા મિત્રો અને સંસ્થાઓના સહકારમાં ‘પંચાયતમાં સાહિત્યકાર મઘુ રાય’ એવા અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમમાં લાભશંકર ઠાકર, ચીનુ મોદી, ઇન્દુ પુવાર, સિતાંશુ યશશ્ચંદ્ર, અવિનાશ પારેખ, મૃણાલિની સારાભાઇ, હિંમત કપાસી, અશ્વિની ભટ્ટ, હિંમત કપાસી, હર્ષદ ત્રિવેદી, ભિખેશ ભટ્ટ, વિનાયક રાવલ, ઠાકોરભાઇ પટેલ, લલિત લાડ, પ્રીતિ સેનગુપ્તા, પન્ના નાયક, દૃષ્ટિ પટેલ ઉપસ્થિત રહેશે. (સઘળા ફેરફારના હક આયોજકોને આધીન)

અર્ચન ત્રિવેદી ‘હરિયો’ બનીને નાટ્યાંશ રજૂ કરશે અને ધીમંત પુરોહિત મઘુ રાય વિશેની ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિ કરશે.

કાર્યક્રમનો સમયઃ ૨૧ ફેબ્રુઆરી, શનિવાર, સાંજે ૫: ૩૦ વાગ્યે

સ્થળઃ રા.વિ.પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ

મઘુ રાયના અને સાહિત્યના પ્રેમીઓને પંચાયતમાં જલસો પડવાની અને સાહિત્યનો કાર્યક્રમ થવાની પૂરેપૂરી સંભાવના છે.

Monday, February 16, 2009

કાંકરિયા પ્રવેશફીઃ સરકારે તળાવની સાથેસાથે મગજને પણ તાળાં માર્યાં છે?

કાંકરિયાની ફરતે દરવાજા ઊભા કરીને, તેની ફરતે તાળાં મારીને, લોકો પાસેથી દસ-દસ રૂપિયા પ્રવેશ ફી તરીકે ઉઘરાવવાની સરકારી ગુસ્તાખીના વિરોધમાં બસો-અઢીસો દેખાવકારો રવિવારની સાંજે પાંચ વાગ્યે કાંકરિયાના પુષ્પકુંજ દરવાજા પાસે ભેગા મળ્યા હતા. તેમણે દોઢ-બે કલાક સુધી સૂત્રોચ્ચાર અને પ્રવેશફી વિરોધી દેખાવો કર્યા હતા. એ દેખાવોની બિનીત મોદીએ પાડેલી બે તસવીરો અહીં મુકી છે.

તબક્કાવાર વેગ પકડનારા આ આંદોલનમાં અંતિમ પગલા તરીકે ૨૫ એપ્રિલના રોજ સવિનય કાનૂનભંગ કરીને, કાંકરિયામાં ટિકીટ વિના પ્રવેશ કરવામાં આવશે. તેની વઘુ વિગતો અહીં મળતી રહેશે. દરમિયાન હાથ ધરાનારા જુદા જુદા કાર્યક્રમોમાં યથાશક્તિ સહયોગ આપવા સૌને વિનંતીપૂર્વકનો આગ્રહ.

વિનોદ મેઘાણીની વિદાય




મેઘાણી સાહિત્યનાં ઉત્તમ સંપાદનો અને કેટલાકના અનુવાદ દ્વારા સાહિત્યરસિકોમાં પ્રિય બનેલા વિનોદ મેઘાણીનું ગઇ કાલે કીડનીની બીમારીથી અવસાન થયું. સુરતથી ફયસલ બકીલી અને અમદાવાદથી સંજય ભાવેએ સમાચાર આપ્યા, ત્યારે સહજ સવાલ થયોઃ વિનોદભાઇ અત્યારે શાનું કામ કરતા હતા? સંજયભાઇએ કહ્યું,’મહાદેવભાઇની ડાયરીનું સંપાદન’.
-અને નારાયણભાઇ દેસાઇના એક ઇન્ટરવ્યુ વખતે તેમની સાથે થયેલો સંવાદ યાદ આવ્યો. મહાદેવભાઇની ડાયરીના અધૂરા કામ વિશે પૂછતાં તેમણે કોઇ અંધશ્રદ્ધાની રીતે નહીં, પણ દુઃખદ સંયોગ તરીકે કહ્યું હતું કે એ કામ કરી શકે એવા માણસો ઓછા છે અને જે હાથમાં લે તે પૂરું કરે એ પહેલાં જ વિદાય થાય છે. તેમણે અગાઉના બે-ત્રણ દાખલા (નરહરિભાઇ પરીખ, ચંદુભાઇ દલાલ, મહેન્દ્ર દેસાઇ) પણ આપ્યા હતા. વિનોદભાઇના અવસાનથી એ સંયોગ વધુ દૃઢ થશે.
વિનોદભાઇ-હિમાંશીબહેન (શેલત)ની જોડીમાંથી હિમાંશીબહેનનું નામ વાર્તાકાર-સાહિત્યકાર તરીકે જાણીતું, જ્યારે વિનોદભાઇનું વધારે જાણીતું પ્રદાન એ તેમનાં સંપાદનો અને અનુવાદો. અરવિંગ સ્ટોને લખેલા ચિત્રકાર વાન ગોગના ચરિત્રનો વિનોદભાઇએ ‘સળગતાં સૂરજમુખી’ શીર્ષકથી અનુવાદ કર્યો હતો. એ પુસ્તક દ્વારા વાન ગોગના જીવનસંઘર્ષના સ્ટોને કરેલા આલેખનને વિનોદભાઇએ પૂરી સફળતાથી ગુજરાતીમાં ઉતાર્યું અને ગુજરાતી વાચકોને ન્યાલ કર્યા. અરવિંગ સ્ટોનની પરવાનગી મેળવ્યા પછી આ પુસ્તકનો પહેલો અનુવાદ તેમણે 1971માં કર્યો. પછી 1990માં વાન ગોગની શતાબ્દિ નિમિત્તે એ જ પુસ્તકના અનુવાદનું નવેસરથી કામ વિનોદભાઇએ નવેસરથી હાથમાં લીધું. કારણઃ ‘શબ્દે શબ્દે વાક્યે વાક્યે અનુવાદની નબળાઇઓ દાંતિયા કરવા લાગી.’

1994માં ‘પ્રસાર’ દ્વારા તે 512 પાનાંના દળદાર ગ્રંથ તરીકે પ્રકાશિત થયો. પુસ્તકના છેડે ‘સ્મૃતિપથે....કર કર લંબી બાંય’ શીર્ષક હેઠળ પોતાના નિવેદનમાં વિનોદભાઇએ મેઘાણીસ્પેશ્યલ નમ્રતાથી લખ્યું હતું, ‘મારા મોટા ભાઇ મહેન્દ્રભાઇએ અમૂલ્ય સમય આપીને અનુવાદનાં પચીસેક પાનાં દસેક દિવસ સુધી ઝીણવટથી તપાસીને સૂચનો કર્યાં તેને આધારે આખી હસ્તપ્રત મારી મર્યાદા અનુસાર મેં સુધારી છે. એ કારણે અનુવાદની ગુણવત્તા ઘણી વધી જ હોય. પણ આનો અર્થ એવો નથી થતો કે આ અનુવાદ મહેન્દ્રભાઇના ઉચ્ચ ધોરણની કસોટીમાંથી પસાર થયો છે.’

થોડાં વર્ષ પહેલાં વડોદરામાં એબીએન એમ્રો બેન્કના હોલમાં વાન ગોગનાં ચિત્રોના સ્લાઇડ શો સાથે વિનોદભાઇ આવ્યા ત્યારે ભાભી કામિની કોઠારી બાળકો સાથે ‘સળગતાં સૂરજમુખી’ લઇને શોમાં ગયાં હતાં. પુસ્તક પર વિનોદભાઇના હસ્તાક્ષર પણ, તેમની આરંભિક આનાકાની પછી લીધા, જે એક યાદગીરી તરીકે આ સાથે મુક્યા છે.
વિનોદભાઇએ મેઘાણીની કેટલીક કૃતિઓના અંગ્રેજી અનુવાદનું મોટું કામ કર્યું. ‘માણસાઇના દીવા’ને ‘અર્થન લેમ્પ્સ’ તરીકે તથા સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓને ‘એ નોબેલ હેરીટેજ’, ‘ધ શેડ ક્રીમ્સન’ અને ‘એ રુબી શેટર્ડ’ એમ ત્રણ અંગ્રેજી સંગ્રહોમાં તેમણે મુકી. હિમાંશીબહેન સાથે મળીને તેમણે કરેલું પિતા ઝવેરચંદ મેઘાણીના પત્રોનું દળદાર સંપાદન ‘લિ.હું આવું છું’ ઉડઝૂડિયાં સંપાદનોથી ગ્રસ્ત સાહિત્યક્ષેત્રે જુદું તરી આવે એવું છે.

ઝવેરચંદ મેઘાણીના પત્રોમાં જેમનો ઉલ્લેખ ‘બાબો’ અથવા ‘બાબાભાઇ’ તરીકે વાંચવા મળે છે તે વિનોદભાઇ, મેઘાણીનાં નવ સંતાનોમાંથી મૃત્યુમાર્ગે પિતા પાસે પહોંચનારા પ્રથમ છે. થોડા દિવસ પહેલાં મહેન્દ્રભાઇ મેઘાણીએ ભાઇ બીરેન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મેઘાણીનાં નવે સંતાન હયાત છે, પણ હવે મારો નંબર છે.’

73 વર્ષના વિનોદભાઇના અવસાનથી મેઘાણીના વારસોની બિરાદરીમાં ખોટકો પડ્યો છે. એ તેમની અંગત ખોટ તો છે જ. સાથે અનેક સાહિત્યરસિકોની પણ ખોટ રહેશે.

Saturday, February 14, 2009

ગુજરાતી બચાવો રેલીઃ સવા સો માણસની સભા





on stage, L to R : Yogendra Vyas, Raghuvir Chowdhary, Girish Patel, Suresh Dalal, Gunvant Shah, Kanubhai Jani

આજે સવારે ગુજરાતી ભાષા પરિષદ અને બીજી ચૌદેક વન-મેન સંસ્થા, ટુ-મેન સંસ્થા, થ્રી-મેન સંસ્થા અને કેટલીક મોટી સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે એક રેલી નીકળવાની હતી. ગુજરાત (કે ગૂજરાત?) વિદ્યાપીઠથી ઇન્કમટેક્સ ગાંધીજીના પૂતળે થઇને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ખાંચામાં આવેલી (શ્વ્લેષ વાંચવો હોય તો તમારી મરજી) ગુજરાતી સાહિત્ય પરિષદ - આ તેનો માર્ગ હતો.

રેલી ગુજરાત વિદ્યાપીઠથી એટલે ઘ્યાન રહે, વિદ્યાપીઠની અંદરથી નહીં, બહારથી - તેના દરવાજેથી- નીકળવાની હતી. એ અંગેની અપ્રિય લાગે એવી સ્પષ્ટતાઓ પણ આગળના દિવસોમાં થઇ ચૂકી હતી. વિદ્યાપીઠના કુલસચિવ રાજેન્દ્રભાઇ ખીમાણીએ તા.૩૧-૧-૦૯ના એક પત્રમાં ભાષા પરિષદને લખ્યું હતું કે
શ્રીમાન,
ગુજરાતીબચાવ ઝુંબેશ રેલી તા. ૧૪-૨-૦૯ના રોજ વિદ્યાપીઠથી સાહિત્ય પરિષદ સુધીની કાઢવાના છો એવી પત્રિકા મળી છે. ગૂજરાત વિદ્યાપીઠની અંદરથી જો આ રેલી નીકળવાની હોય તો તે માટે ગૂજરાત વિદ્યાપીઠની પરવાનગી લેવી આવશ્યક બને છે. આપને વિનંતી છે કે જો આવી કોઇ પરવાનગી તમે લીધી ન હોય તો ગૂજરાત વિદ્યાપીઠના પરિસરમાંથી આ રેલીનું આયોજન ના થાય તેની તકેદારી રાખશો અને જરૂર જણાય તો આ બાબતે ફરી પરિપત્ર કરીને બધાને જાણ કરશો કે આ રેલી ગૂજરાત વિદ્યાપીઠમાંથી નીકળવાની નથી.’

પત્રનો સૂર સ્પષ્ટ હતો. ‘વિદ્યાપીઠમાં પેઠા તો તમારી ખેર નથી’ એવું લખવાનું ખીમાણીસાહેબે બાકી રાખ્યું. ભાષા પરિષદની મુખ્ય પ્રવૃત્તિ એવી ઉંઝા જોડણી સામે સાર્થ જોડણીકોશની માતૃસંસ્થા એવી વિદ્યાપીઠનો વિરોધ જાણીતો છે. પણ ઉપરનો પત્ર વાંચીને ચોક્કસપણે એવું થાય કે આ વાત જરા વધારે લાગણીપૂર્વક કે પ્રેમથી કહી શકાઇ હોત. ભાષા પરિષદ વતી ઇન્દુકુમાર જાનીએ ૪-૨-૦૯ના રોજ આ પત્રના જવાબમાં લખ્યું,
શ્રીમાન,
ઉપરના વીષયમાં ઉપરના પત્રના સંદર્ભમાં નીચે પ્રમાણે વીદીત થાયઃ
૧. ગુજરાત વીદ્યાપીઠની અંદરથી રેલી નીકળવાની હોય અથવા રેલીમાં કોઈપણ રીતે વીદ્યાપીઠની જગા વાપરવાની હોય તો વીદ્યાપીઠની પરવાનગી અમે લઈએ જ. એટલી સામાન્ય સમજ અને વીવેક અમારામાં હોય જ.

૨. 'ગુજરાતી બચાવ ઝુંબેશ રેલી' (૧) માતૃભાષામાં શીક્ષણ (૨) ભાષાનું સરળીકરણ (૩) ગુજરાતી સાહીત્ય પ્રસાર અને (૪) અંગ્રેજી–ઘેલછાથી મુક્તી માટે યોજી છે. અમારા નમ્ર મત પ્રમાણે આ ધ્યેયો માટે ગુજરાત વીદ્યાપીઠનો સહકાર પણ મળી રહેવો જોઈએ. અમારી તો આશા એવી હોય કે ગુજરાત વીદ્યાપીઠ પણ રેલીમાં જોડાય અને રેલીને સમર્થન આપે.

ખેર, તમે સુચવેલી તકેદારી રાખીશું જ, પણ અમે જાણે કોઈ અનુચીત પ્રવૃત્તી કરતા હોય તેવો ભાવ તમારા પત્રમાં ડોકાય છે. વીદ્યાપીઠ પાસેથી ગાંધીજીએ પ્રબોધેલી સહીષ્ણુતા અને સંવાદની અપેક્ષા સહેજે રહે.

***
આજે સવારે દસ વાગ્યે રેલીનો સમય હતો. પોણા અગિયાર જેવું થશે એવી ગણતરી હતી. પણ મારે પહોંચતાં અગિયાર થયા. ત્યાં સુધીમાં રેલી નીકળીને વિદ્યાપીઠથી પરિષદ પહોંચી ચૂકી હતી. મિત્રો પાસેથી જાણ્યું કે દસ વાગ્યાનો સમય હોવાથી પોલીસ સમયપાલનની ઉતાવળ કરી રહી હતી. પોલીસને સમજાવવાના થોડા પ્રયાસ થયા, પણ છેવટે દસ ને વીસ-પચીસે રેલી નીકળી ગઇ. તેમાં સો-સવાસો માણસો હશે. એ ઓછા કહેવાય કે વધારે, એનો આધાર તમારા દૃષ્ટિબિંદુ પર છે.

ગુજરાતી ભાષા માટે આટલા માણસો પણ ક્યાંથી? એવું એક સહજ આશ્વાસન હાથવગું હોય છે, પણ કેટલીક વાર લોકો સુધી વાત પહોંચતી ન હોવાને કારણે અને એથી પણ ખરાબ શક્યતામાં વઘુ લોકોને સામેલ ન થાય એ રીતે સંખ્યામર્યાદા રાખવામાં આવતી હોય છે. આ રેલીના કિસ્સામાં કયો વિકલ્પ સાચો હતો એ ખબર નથી. આમજનતાના ગણાતા માતૃભાષાના સવાલ માટે નીકળેલી રેલીના અંતે ભરાનારી સભા પરિષદ જેવી સંસ્થામાં, જેની પોતાની લોકાભિમુખતાના પ્રશ્નો છે ત્યાં શા માટે રાખવી જોઇએ, એવો પણ સહજ સવાલ થાય.

પરિષદમાં સભા શરૂ થતાં પહેલાં હું પહોંચી ગયો હતો. મંચ પર (ડાબેથી જમણેના ક્રમમાં) યોગેન્દ્ર વ્યાસ, રધુવીર ચૌધરી, ગિરીશ પટેલ, સુરેશ દલાલ, ગુણવંત શાહ, કનુભાઇ જાની હતા. સંચાલન મનીષી જાની કરતા હતા. મંચસ્થ મહાનુભાવોમાંથી કનુભાઇ જાની સજોડે રેલીમાં હતા. નાદુરસ્ત તબિયતને કારણે તે એક ખુલ્લા વાહનમાં રેલીની આગળ હતા. તેમની સાથે યોગેન્દ્રભાઇ હતા. રધુવીરભાઇ, ગુણવંતભાઇ અને સુરેશભાઇ રેલીમાં ઉપસ્થિત ન હતા.

સભા એકંદરે જ નહીં, બધી રીતે નબળી રહી. ત્યાં હાજર સો-સવાસો માણસો ભાષા વિશે ચિંતા ધરાવતા અને બધા પ્રશ્નોથી અમુક હદે વાકેફ હોવાથી જ આવ્યા હતા. એમની આગળ હવે પછી શું એની વાત કરવાની હોય. એને બદલે કેટલાક વક્તાઓએ મુખ્ય મુદ્દાનું પુનરાવર્તન કર્યું, તો આત્મકથા કહેવાના શોખીન વક્તાઓએ પોતે કયા દેશોમાં ફર્યા ને ત્યાં એમને કોણે શું કહ્યું ને પોતે જવાબમાં શું કહ્યું, એવી બધી અપ્રસ્તુત કથાઓ કરી. કેટલીક નોંધપાત્ર /ખટકે એવી/ જાણવાજોગ વાતો. ગિરીશભાઇએ માતૃભાષાનું મહત્ત્વ ફક્ત સાહિત્યને બદલે વ્યાપક લોકસમુદાયના સંદર્ભમાં મુકી આપ્યું.
સુરેશ દલાલ
  • અંગ્રેજી મીડિયમમાં ભણતાં બાળકો દ્વારા બોલાતી ઈંગ્લીશને સુરેશ દલાલે સુરેશીય બાનીમાં ‘ખાંડવીના વાટાની જેમ નીકળતી’ અને ‘કાન આગળથી ગલીપચી કરીને ચાલી જતી’ કહી.
  • સુરેશભાઇએ અને તેમના પછીના બે-ત્રણ વક્તાઓએ કહ્યું કે સંતાનોને ગુજરાતીમાં ભણાવ્યાં/ભણાવવાનો પ્રયત્ન કર્યો, પણ સંતાનોનાં સંતાનોને ઈંગ્લીશ મીડિયમથી રોકી શક્યો નથી. તેમણે કહ્યું મારાં છોકરાંને રોકી શકતો નથી, તો સમાજને કેવી રીતે રોકીશું?
  • સુરેશભાઇએ વઘુ એક વાર સુરેશવિશેષ બાનીમાં કહ્યું કે ‘ગુજરાતીઓ એક્સપ્રેસ કરવા નહીં, પણ ઇમ્પ્રેસ કરવા માટે અંગ્રેજી બોલે છે.’ આ સભામાં સુરેશભાઇના પ્રવચનની એ મોટી મર્યાદા રહી કે તેમનામાં ફક્ત શબ્દોનાં ઝુંડ જ નહીં, આખેઆખાં વાક્યો અંગ્રેજીમાં આવ્યાં. સુરેશભાઇના અંગ્રેજી વિશે કોઇ શંકા નથી. એ ‘એક્સપ્રેસ’ કરવા જ બોલ્યા હશે, છતાં...
  • સુરેશભાઇએ કહ્યું કે ગોકળીબાઇ હાઇસ્કૂલમાં ૨૩ હજાર વિદ્યાર્થીઓમાંથી ૪ હજાર વિદ્યાર્થીઓ જ ગુજરાતીમાં ભણે છે અને તે પણ આર્થિક મજબૂરીને કારણે. ગરીબ માતા-પિતાનાં એ સંતાનોને દફતર-પાઠ્યપુસ્તકોથી માંડીને યુનિફોર્મ અને ભોજન સંસ્થા પૂરાં પાડશે. પણ ગુજરાતી માઘ્યમના અંગ્રેજી સાથે એ બહાર જશે અને એમને જે લધુતાગ્રંથિ થશે એનું શું?
  • સુરેશભાઇની છેલ્લી ‘ઝલક’: ‘મારા માટે સંસ્કૃત ભાષા બેઝમેન્ટ, ગુજરાતી ડ્રોઇંગ રૂમ-બેડરૂમ, મરાઠી ભાષા બાલ્કની અને અંગ્રેજી અગાશી છે, જ્યાં ઊભો રહીને વિશ્વ સાથે વાત કરૂં છું.’

ગુણવંત શાહ

  • ગુણવંત શાહે કહ્યું કે એમનાં પૌત્રો ઈંગ્લીશ મીડિયમમાં ભણે છે એટલે એમની સાથે સંવાદોમાં ગાબડાં પડ્યાં છે.
  • એમના પ્રવચનનો ટૂંક સાર એ હતો કે એ દેશવિદેશમાં ફર્યા છે ને મોટા-મોટા લોકોને મળ્યા છે.
  • ગુજરાતીમાં ભણેલા ગાંધીજીનું અંગ્રેજી કેવું ફક્કડ હતું તેનો નમૂનો બતાવવા (એ બતાવવાની શી જરૂર હશે એ તો ગુણવંતભાઇ જ જાણે) ગુણવંતભાઇ એમની શૈલીમાં એક દળદાર પુસ્તક સાથે લાવ્યા હતા, જેમાં મુકી રાખેલો એક ફ્લેપ વારેવારે વક્તાની વિદ્વત્તાની યાદ અપાવતો હતો. એમાંથી ગુણવંતભાઇએ વાંચી તો એક લીટી જ અને એ પણ શ્રોતાઓના આગ્રહથી. તો પછી પુસ્તક ઊંચકી લાવવાને બદલે ફક્ત એનો રેફરન્સ લખી લાવ્યા હોત તો ઊંચકવાની મહેનત ન બચત? આવા બધા પામર વિચારો એમનું પ્રવાસવર્ણન સરખું વક્તવ્ય સાંભળતી વખતે આવતા હતા.
  • છેલ્લે એમણે એક સૂચન કર્યું કે પરિષદ દ્વારા જોડણીઆયોગની રચના થવી જોઇએ, જેમાં ભાષાવિદે હોય ને એ સૌ ચર્ચા કરીને નક્કી કરે. આ સૂચન ઉંઝા જોડણીની ચર્ચામાં કામ લાગે તો લાગે, પણ મુખ્ય મુદ્દો ગુજરાતી ભાષાનો હતો. એના વિશે વક્તાને ‘બીજી કોઇ ભાષામાં નરસિંહ મહેતા બતાવો ને બીજી કોઇ ભાષામાં મુકુંદરાય હોય તો બતાવો’ એ સિવાય ખાસ કંઇ કહેવાનું ન હતું.

રધુવીર ચૌધરી

  • રધુવીર ચૌધરીએ કહ્યું કે પરીક્ષાનાં પેપરમાં જોડણી વિષયક સવાલો પૂછાવા જોઇએ નહીં, જેથી ખરીખોટી જોડણીનો વિવાદ ન થાય.
  • ‘સાહિત્ય પરિષદે આ વિચાર એક તબક્કે કરેલો’ એવો ઉડતો રેફરન્સ તેમણે આપીને બીજી વાતો કરી. તેમણે સરકાર પાસેથી પગલાંની અપેક્ષા રાખી અને ‘મુખ્ય મંત્રીની નજીક જઇ રહેલા ગુણવંતભાઇ’ (રધુવીરભાઇના શબ્દો) સમક્ષ એમ પણ કહ્યું કે મુખ્ય મંત્રી ગુજરાતમાં જ બોલતા હોય તો પણ ભાવાવેશમાં આવે ત્યારે હિંદીમાં કેમ બોલે છે?’ હસાહસ વચ્ચે તેમણે એમ પણ કહ્યું કે ‘હવે તો એ (મોદી) થોડુંઘણું ઈંગ્લીશમાં પણ બોલવા લાગ્યા છે.’ ફરી હસાહસ.
  • સરકારે ૧ થી ૧૨ ધોરણ સુધી ગુજરાતી ફરજિયાત કરવું જોઇએ એવું રધુવીરભાઇએ કહ્યું. એમણે ગુણવંતભાઇની સામે જોઇને પૂરા રધુવૈર્ય સાથે કહ્યું કે તમે- બક્ષીસાહેબ બધા લોકસાહિત્યની મજાક ઉડાવતા હતા, પણ એ જ ભાષા બચાવશે.

પ્રો.યોગેન્દ્ર વ્યાસ

યોગેન્દ્ર વ્યાસે કેટલાક વૈજ્ઞાનિક મુદ્દા કહ્યા. તેમાં એક સૌથી નવાઇ લાગે એવો છતાં સાચો મુદ્દો ગણિતશાસ્ત્રી ડો.પી.સી.વૈદ્યના અભ્યાસને ટાંકીને કહ્યો. વૈદ્યસાહેબે એક અભ્યાસ પછી તારણ કાઢ્યું કે ગણિત એટલે ફક્ત આંકડા એ માન્યતા ખોટી છે. સારૂં ગણિત શીખવવામાં આંકડા જેટલું જ મહત્ત્વ ભાષાનું હોય છે.

કનુભાઇ જાની

છેલ્લે કનુભાઇ જાનીએ આભારવિધી સાથે શ્રોતાઓમાં અધિરાઇ પ્રેરે એવું પ્રવચન આપ્યું. તેમાં એક મુદ્દો એ હતો કે ‘ફક્ત શ્રીકૃષ્ણ કમિશનના અહેવાલો જ દબાવી દેવામાં આવે એવું નથી. પરિષદે ૧૯૮૭માં એક ઇ-ઉ અપનાવવાનો ઠરાવ કરેલો. એ જો હજુ હશે કે રહેવા દીધો હશે તો જોવા મળશે. પણ પછી એ દબાવી દેવામાં આવ્યો.’

***

આખા કાર્યક્રમની ફળશ્રુતિ

  • ઉંઝા જોડણીના ટેકેદારોને કાર્યક્રમ સફળ લાગ્યો હશે. કારણ કે કનુભાઇએ કહ્યું તેમ, ‘અમે અત્યાર સુધી ટકોરા માર-માર કરતા હતા, પણ આજે ચાવીરૂપ પુરૂષ રધુવીરભાઇએ ઉંઝા જોડણી માટે તાળાં ખોલ્યાં.’
  • મારા જેવા ઘણા મિત્રો ઉંઝા જોડણીની ચર્ચા કરતાં ગુજરાતી ભાષા પર ઈંગ્લીશ મીડિયમનો મારો અને ધસારો ખાળવાનું યુદ્ધ વધારે મોટું અને વધારે મહત્ત્વનું માને છે. એ દિશામાં શું થઇ શકે, એ મુદ્દે આખા કાર્યક્રમમાં કશી ચર્ચા ન થઇ. એ વિશેની ઉપલબ્ધિ શૂન્યવત્ રહી.

Thursday, February 12, 2009

ઈંગ્લીશ ‘સફારી’ની પહેલી વર્ષગાંઠ





‘સફારી’ એટલે ગુજરાતી, એવું ગણિત સામયિકના મોટા ભાગના ચાહકોના મનમાં વર્ષોથી બેઠેલું છે. પરંતુ ઈંગ્લીશ મીડિયમના વધતા પ્રભાવની સાથે વર્ષોથી ઘણા ગુજરાતી વાચકોની એવી લાગણી હતી કે ફક્ત ઈંગ્લીશ મીડિયમમાં ભણવાનાં વાંકે અમારાં બાળકો ‘સફારી’ના જ્ઞાનથી વંચિત રહી જાય એ ન ચાલે.

વાત જરા વિરોધાભાસી કે વદતોવ્યાઘાત લાગે એવી છે, પણ ‘સફારી’ના મામલે એ સાચી છે. ઈંગ્લીશ મીડિયમમાં ભણતાં બાળકો ગુજરાતી ‘સફારી’ ન વાંચી શકવા બદલ વંચિત હોવાનો ભાવ અનુભવે- બાળકોને નહીં તો એમનાં માતા-પિતાને એવું અવશ્ય લાગે- એવું ગુજરાતી ‘સફારી’નું સ્તર અને ધોરણ રહ્યું છે.

એકાદ દસકા પહેલાં, મોટે ભાગે નગેન્દ્રભાઇના તંત્રીપદ હેઠળ હર્ષલ અને અમે બીજા બે-ત્રણ મિત્રો ‘સીટીલાઇફ’ મેગેઝીન કાઢતા હતા,એ અરસામાં અગ્રેજી ‘સફારી’નો એક પ્રયોગ થયો હતો. પણ અનેક કારણોસર એ શક્ય બન્યું નહીં. છેવટે ફેબ્રુઆરી, ૨૦૦૮માં મહિનાઓની મથામણ, તૈયારી અને મહેનત પછી ઈંગ્લીશ ‘સફારી’નો પહેલો અંક બજારમાં આવ્યો. તેની સામગ્રીની ગુણવત્તાથી માંડીને છપાઇ અને ફોન્ટ-લે આઉટની સુઘડતા જોતાં ઈંગ્લીશ ‘સફારી’ને સહેલાઇથી અને વાજબી રીતે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાનાં જ્ઞાનવિજ્ઞાન સામયિકોની સાથે મુકી શકાય એવું એ . તેના માટે નગેન્દ્રભાઇના સદાબહાર સક્ષમ માર્ગદર્શન ઉપરાંત ભાઇ હર્ષલનું પૂરા કદનું સમર્પણ જવાબદાર છે.

આ મહિને જોતજોતાંમાં ઈંગ્લીશ ‘સફારી’નું એક વર્ષ પૂરૂં થયું. ચોતરફ ઝાકઝમાળયુક્ત, ભેળપુરી છાપ સામગ્રી અને જાહેરખબરોનો ખડકલો ધરાવતાં પચાસ-સો રૂપિયાનાં ગ્લોસી સામયિકો વચ્ચે એક નિષ્ઠાવાન, મિશનનો જુસ્સો ધરાવતું જ્ઞાનપ્રદ સામયિક કેવું હોય તેનો ઈંગ્લીશ ‘સફારી’ ઉત્તમ નમૂનો છે. આ પ્રકારના સામયિકને પડી શકે એવી બધી જ તકલીફો વેઠીને પણ સામયિકનું સ્તર ટકાવી રાખવામાં હર્ષલને સફળતા મળી છે. ‘તંત્રીનો પત્ર’ અને વાચકોના પત્રો સિવાયના ગુજરાતી ‘સફારી’ના તમામ વિભાગો ઈંગ્લીશ ‘સફારી’માં વાંચવા મળે છે - અને તે પણ ગુજરાતી સફારી જેવા જ સહજ, સુપાચ્ય છતાં ગુજરાતીપણાની છાંટ વગરના અંગ્રેજીમાં! આ સિદ્ધિ બદલ હર્ષલ અને તેની સાવ નાનકડી ટીમ કોરાં અભિનંદને જ નહીં, લવાજમોના વરસાદને પણ પાત્ર ગણાવી જોઇએ! ક્યા ખયાલ હૈ?

નોંધઃ
1. ગુજરાતી લેખોને ફ્લેવર્ડ ઈંગ્લીશમાં અને છતાં ટેકનિકલ ભૂલો વિના રજૂ કરી શકે એવા લેખકો-અનુવાદકોની તીવ્ર ખેંચ ઈંગ્લીશ ‘સફારી’ને પડે છે. આ પ્રકારનાં આવડત-રૂચિ-ક્ષમતા ધરાવતા મિત્રો અથવા વડીલો ‘સફારી’ના લેખોનું ઈંગ્લીશ કરવાના કામ માટે ઇચ્છુક અને ગંભીર હોય તો તે હર્ષલ પુષ્કર્ણાનો સંપર્ક કરી શકે છેઃ hp@safari-india.com

Tuesday, February 10, 2009

ગુજરાતી બચાવોઃ કેટલીક ગેરમાન્યતાઓ

ગુજરાતી ભાષા અને ગ્લોબલ વૉર્મંિગ વચ્ચે શું સામ્ય છે? બન્નેની ચિંતા કરનારા બહુ છે, પણ એ દિશામાં નક્કર કામગીરી ભાગ્યે જ થાય છે. ગુજરાતી માઘ્યમ અને ઈંગ્લીશ મીડિયમ વચ્ચેનું યુદ્ધ ક્યારનું સમાપ્ત થઇ ચૂક્યું છે. તેમાં ઈંગ્લીશ મીડિયમનો શરમજનક વિજય થયો છે. એ મુકાબલા વિશે અત્યારે વિચારતાં ઇરાક-અમેરિકાનું ‘યુદ્ધ’ યાદ આવે, જે ખરેખર તો અમેરિકાનું ઇરાક પરનું પ્રચંડ એકતરફી આક્રમણ હતું.

ગુજરાતી માઘ્યમ જેમ બિચારૂંબાપડું બનતું ગયું, તેમ ગુજરાતી ભાષા વિશેની ચિંતા શરૂ થઇ અને વધી. અત્યારે ગુજરાતી ભાષામાં કામ કરતા વિદ્વાનો-અભ્યાસીઓનો એક વર્ગ એવો છે, જેણે ગુજરાતી ભાષાના નામનું નાહી નાખ્યું છે. તેમને ગુજરાતી ભાષાનું ભવિષ્ય અંધકારમય લાગે છે. કેટલાક તો એવું પણ માને છે કે આવતાં પચાસ-સો વર્ષમાં ગુજરાતી ભાષાનું ઉઠમણું થઇ જશે. ગુજરાતી ભાષાની ભવિષ્ય વિશે અટકળો કરતાં પહેલાં તેના વર્તમાન અને ભૂતકાળ વિશેના કેટલાક ભ્રમ વેળાસર - ખરેખર તો મોડે મોડેથી- દૂર કરવા જેવા છે.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી...
બીજું કંઇ પણ કર્યા વિના, ગુજરાત વિશે ફક્ત ગૌરવ લેવામાં કવિ ખબરદારની પંક્તિઓ ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ બહુ કામમાં લાગી છે. હવે કમ સે કમ ગુજરાતી ભાષાના મામલે એ પંક્તિઓને રજા આપવાનો સમય થઇ ગયો છે.

પરદેશમાં વસતા ગુજરાતીઓ માટે ગુજરાત એટલે? ખમણ, ઢોકળાં, ખીચડી-કઢી, સ્વાઘ્યાય, સ્વામિનારાયણ, વિદેશી ચલણનો રૂપિયામાં ગુણાકાર... આ યાદીમાં ગુજરાતી ભાષાને ભાગ્યે જ સ્થાન મળે છે. અત્યાર સુધી વિદેશમાં વસતા ગુજરાતીઓની બીજી-ત્રીજી પેઢી સુધી ઘરમાં ગુજરાતી ટકી રહેતું હતું. પણ હવે એવી શક્યતા નથી. વૈશ્વિકીકરણ (ગ્લોબલાઇઝેશન)ની ઝડપ પછી ગુજરાતમાં ગુજરાતીની ચાલ ખોડંગાતી હોય ત્યાં પરદેશીમાં ગુજરાતી ટકી રહેશે એવી આશા રાખવી વઘુ પડતી છે. વિપુલ કલ્યાણી કે જગદીશ દવે જેવા નિષ્ઠાથી એ દિશામાં પ્રયાસ કરે છે, પણ તેમની કામગીરી પાછળ ભવિષ્યની ઉજળી આશા કરતાં માતૃભાષા પ્રત્યેની મમતાનો ભાવ મુખ્ય છે.

સાર એટલે કે જ્યાં જ્યાં વસે સેંકડો ગુજરાતી, એવા દેશો કે રાજ્યોમાં પણ ગુજરાતીનાં અંજળ ખૂટ્યાં છે. બોલચાલની ભાષા તરીકે હજુ થોડાં વર્ષ - કદાચ થોડા દાયકા- તે ટકે, પણ લેખન-વાચનમાંથી તેનો એકડો ઝડપથી અને સદંતર નીકળી જશે.

ગુજરાતી માઘ્યમ એટલે ગુજરાતી ભાષા
આ ગેરસમજણ સૌથી પ્રચલિત છે. તેમાં તથ્યનો અંશ ખરો, પણ સચ્ચાઇથી એ બહુ દૂર છે. એક રીતે વિચારતાં, ભણતરમાં ગુજરાતી માઘ્યમનો વ્યાપ જેમ વધારે તેમ ગુજરાતી ભાષા વઘુ સલામત. શહેરી અને હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઈંગ્લીશ મીડિયમના પ્રચંડ આક્રમણને કારણે ગુજરાતી માઘ્યમનાં વળતાં પાણી ક્યારનાં શરૂ થઇ ગયાં છે. વૈશ્વિકીકરણમાં વિશ્વભાષા તરીકે ઈંગ્લીશના વ્યવહારસિદ્ધ ઉપયોગને કારણે મોટા ભાગના લોકો ઈંગ્લીશ મીડિયમને સફળતાનો શોર્ટકટ માનતા થઇ ગયા છે. સ્કૂલમાં બે-પાંચ હજાર રૂપિયાનો માસિક પગાર ધરાવતા, સવારે ભણીને સાંજે ભણાવતા ‘સર’ કે ‘મેડમ’ હોય તેનો બાધ નથી. પરવા પણ નથી. મીડિયમ ઈંગ્લીશ હોવું જોઇએ અને ફી આકરી! તેનાથી માતાપિતાને સંતાન પ્રત્યેની ફરજ અદા કર્યાનો સંતોષ.

ઈંગ્લીશનું મહત્ત્વ સમજનારા ખોટા નથી, પણ ગુજરાતી માઘ્યમની સાથે ગુજરાતી ભાષા પ્રત્યે આભડછેટ સેવવાનો અભિગમ વઘુ પડતો છે. ગુજરાતી વાંચતાં-લખતાં ન આવડવું શરમજનકને બદલે ગૌરવપ્રદ ગણાય, એ સ્થિતિ માટે ઈંગ્લીશ મીડિયમ નહીં પણ અધકચરાં માતાપિતાની ઈંગ્લીશ મીડિયમ માટેની ઘેલછા જવાબદાર છે. તેમની આવી વૃત્તિને કારણે ગુજરાતભરમાં ગુજરાતી માઘ્યમની શાળાઓ ભાંગી રહી છે અથવા ઈંગ્લીશ મીડિયમ શરૂ કરી રહી છે. આ પ્રવાહ શહેરો પૂરતો મર્યાદિત નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ‘શહેર જેવું’ ભણતર આપવા માટે મોંઘી ફી લેતી ઈંગ્લીશ મીડિયમની ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. ગુજરાતી માઘ્યમ ટૂંક સમયમાં ‘સરકારી’, ‘ગરીબ’, ‘સામાજિક રીતે પછાત લોકો માટે’ એવા શબ્દોનું પર્યાય બની જશે. એ દિશામાં શરૂઆત ક્યારની થઇ ચૂકી છે.

છતાં ગુજરાતી માઘ્યમમાં ભણનારા લોકોની સંખ્યા નાનીસૂની નથી. અને એ નજીકના ભવિષ્યમાં ચિંતાજનક રીતે ઓછી થઇ જાય એ પણ લાગતું નથી. કોઇ પણ માઘ્યમમાં ન ભણ્યા હોય અથવા ખપજોગું ભણ્યા હોય એવા લોકોની બોલચાલની કે સંપર્ક-વ્યવહારની ભાષા ગુજરાતમાં તો ગુજરાતી જ રહેવાની છે. ગુજરાતી પછી મુખ્યત્વે ‘હેવ નોટ્સ’ની (વંચિતોની) ભાષા બની જશે અને ટાટા કે અંબાણી અત્યારે એકાદ વાક્ય ગુજરાતીમાં બોલીને જે રીતે પોતાનું ગુજરાતીપણું બતાવે છે, એવું ભવિષ્યમાં ગુજરાતના સમૃદ્ધ ગુજરાતીઓ પણ કરશે. એ પ્રવાહ પણ શરૂ થઇ ચૂક્યો છે.

ગુજરાતી હવેના જમાનામાં અપ્રસ્તુત છે
‘ગાંધી હવે અપ્રસ્તુત છે’ એ વિધાન જેટલું સાચું હોય, એટલું જ આ વિધાન પણ સાચું છે. એમ કહેવાથી એવો આભાસ ઉભો થાય છે કે ગુજરાતી ભાષા (કે ગાંધી) એના વાંકે અપ્રસ્તુત બની ગઇ. હકીકત શી છે? ગુજરાતીમાં જ્ઞાનસંચયનાં સાધનો ઉભાં કરવામાં પ્રજા તરીકે આપણે નિષ્ફળ ગયાં. નવી-જૂની વિદ્યાઓમાં ગુજરાતીમાં ઉતારવાનું કામ અઘ્યાપકો અને ભાષા સાથે કામ પાડનારા દ્વારા સાથે મળીને થવું જોઇતું હતું. એ ફક્ત અઘ્યાપકો દ્વારા થયું. પારિભાષિક શબ્દોના પ્રેમી અઘ્યાપકોએ અંગ્રેજીમાં ઉપલબ્ધ જ્ઞાનનું ગુજરાતી એવી ક્લિષ્ટ અને દુર્બોધ ભાષામાં કર્યું કે ઘણી વાર ગુજરાતી વાંચ્યા પછી સમજવા માટે અંગ્રેજીમાં વાંચવું પડે. (અતિશયોક્તિ લાગતી હોય તો ‘સાયન્સ સીટી’માં મુકેલા પ્રયોગોનું વર્ણન વાંચવાનો પ્રયોગ કરી જોવો.)

જ્ઞાનની ક્ષિતિજો સતત અંગ્રેજી કે બીજી કેટલીક ભાષાઓમાં વિકસતી ગઇ. બીજી ભાષાઓમાં વિકસતું જ્ઞાન અંગ્રેજીમાં સતત ઉતરતું રહ્યું, પણ એ ગુજરાતીમાં ઉતરી શક્યું નહીં. એટલે એક સ્તરથી આગળના અભ્યાસ માટે ભાષા તરીકે ગુજરાતી ટાંચી પડી. પાઠ્યપુસ્તકો અને ઉચ્ચ અભ્યાસને લગતાં પુસ્તકો ગુજરાતીમાં તૈયાર કરવાનું કામ દેશના પરમાણુ કાર્યક્રમ કરતાં પણ વધારે મહત્ત્વનું હતું. પરંતુ એ કામ અનેક કૌભાંડોથી ખરડાયું. ગુજરાતી સામગ્રીની ગુણવત્તા સાવ નબળી બની. જોડણી જેવી મૂળભૂતના મામલે અનેક ગોટાળા અને વિસંગતી ધરાવતો પાયો રચાયો. તેની પર ચણાયેલી ઇમારતમાં અરાજકતાનો ગુણાકાર થયો.

શિક્ષણક્ષેત્રની નિષ્ફળતાએ બાકી રાખેલી કસર પ્રસાર માઘ્યમોએ પૂરી કરી. સમુહ માઘ્યમોએ જોડણી અને ભાષાની પરવા કર્યા વિના એવી ગાડી દોડાવી કે ખરાખોટાનો છોછ જતો રહ્યો. ‘નિષ્ણાત’ને બદલે ‘નિષ્ણાંત’ જેવા ઘણા અક્ષમ્ય ગોટાળા પ્રસાર માઘ્યમોએ સ્થાપિત કરેલી સચ્ચાઇ તરીકે સમાજમાં પ્રસરી ગયા અને એમ.ડી. થયેલા ગુજરાતી ડોક્ટરો પણ પોતાના પાટિયામાં ‘નિષ્ણાંત’ ચિતરાવવા લાગ્યા.

થોડા વખતથી યુવાન વાચકોને રીઝવવાના નામે વર્ણસંકર ગુજરાતીનો ખેલ ચાલે છે. સવાલ ‘ટેબલ’ને બદલે ‘મેજ’ કે ‘પેન’ને બદલે ‘કલમ’ જેવું ભદ્રંભદ્રીય ગુજરાતી લખવાનો નથી. સહેલાઇથી અને સૌ સમજી શકે એવા ગુજરાતી શબ્દો ઉપલબ્ધ હોય, ત્યારે પણ યુવાન વાચકોને આકર્ષવાના બહાને ગુજરાતી ભાષા પાસે ‘સ્ટ્રીપટીઝ’ કરાવવામાં આવે એ દુઃખદ છે. વર્ણસંકર અને કાલુંઘેલું ગુજલીશ વાંચનારા લોકોને સીઘુંસાદું ગુજરાતી નથી વાંચવું એવું શા માટે ધારી લેવામાં આવે છે? પણ સ્ટાઇલના ધખારાને જમાનાની - વાચકોની માગ તરીકે રજૂ કરવામાં આવે તેને લીધે ઘણા લોકો એવી ગેરસમજણ સેવતા થઇ જાય છે કે ‘હવેના જમાનામાં તો આવું ભેળસેળીયું ગુજરાતી જ ચાલે.’

ગુજરાતી શુદ્ધ જ રહેવું જોઇએ એવો કોઇ દુરાગ્રહ નથી. બહારના શબ્દો આવતા હોય તો ભલે. પણ લખનારનું બીજી ભાષાનું શબ્દભંડોળ થોડું વધે કે તરત પ્રચલિત ગુજરાતી શબ્દોને ફગાવી દેવાની કે તેમને અપ્રસ્તુત જાહેર કરી દેવાની ઘૃષ્ટતા હવે સામાન્ય થઇ પડી છે.

ભાષાને સરળ કરવી એ જ ઉપાય
થોડી પેઢી પછી ગુજરાતી ભાષાનું ચલણ સમૃદ્ધ વર્ગમાં કદાચ મામૂલી થઇ જાય, પણ એ સિવાયના વિશાળ અને ભાગ્યે જ ગણતરીમાં લેવાતા સમાજમાં ગુજરાતી ટકી રહેવાની છે. એ સંદર્ભે અને જોડણીની અરાજકતા દૂર કરવા માટે અત્યારે ઉંઝા જોડણી જેવા પ્રયાસ ચાલી રહ્યા છે. મહેન્દ્ર મેઘાણી વર્ષોથી ગુજરાતી મૂળાક્ષરોમાંથી જોડાક્ષરો દૂર કરવા પ્રયત્નશીલ છે. ઉંઝા જોડણી હોય કે મહેન્દ્રભાઇની લિપી, બન્ને કેવળ ભાવનાત્મક મુદ્દા નથી. તેની પાછળ ચોક્કસ તર્ક છે. વર્ષોથી એક પ્રકારની જોડણીથી (કે તેની અરાજકતાથી) ટેવાઇ ગયા પછી કોઇ પણ નવી વ્યવસ્થા સ્વીકારવાનું કાઠું પડે એ સમજાય એવું છે. પણ ઉંઝા જોડણી જેવો વિકલ્પ ખુલ્લા મને વિચાર થઇ શકે એટલો આધાર ધરાવે છે.

પણ આ તો થઇ જોડણીરૂપી વાંસળીની વાત. ખરો સવાલ ભાષારૂપી વાંસનો છે. તેમાં જોડણીસુધાર જેવી બાબતો અમુક હદથી વધારે મદદરૂપ બની શકતી નથી. ગુજરાતી બચાવ ઝુંબેશ સાથે સંકળાયેલી કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ ૧૪ ફેબુ્રઆરીની સવારે દસ વાગ્યે ગુજરાત વિદ્યાપીઠથી એક રેલીનું આયોજન કર્યું છે. લોકોમાં જાગૃતિ આણવાના ઉપાય તરીકે તે આવકાર્ય છે, પણ ગુજરાતી ભાષાના અસ્તિત્ત્વ વિશેની મૂળભૂત ચિંતા દૂર કરવા માટે અનેક સ્તરે અને જુદી જુદી દિશામાં વધારે સાતત્યપૂર્ણ કામગીરીની જરૂર છે. ગુજરાતી ભાષા ધબકે છે ત્યાં સુધી એ કામ ઉપાડવામાં કદી મોડું થવાનું નથી. ગુજરાતી બચાવવાની ઝુંબેશ ભાવનાત્મક ઉપરાંત વ્યૂહાત્મક પણ બનાવવી પડે, બસ!

Monday, February 09, 2009

તળાવ ગંધાય, તળાવ ખાઉં



(photoline 1: Chunikaka vaidya, Girish Patel, Achut Yagnik, Ghanshyam Shah & others 2. Ghanshyam shah (white shirt) 3. Shri Chhaya 4. L to R Rutul Joshi, Kabir Thakore, Saumya Joshi 5.Anand Yagnik
વિકાસની રાક્ષસી ભૂખમાં સરકાર-કોર્પોરેશને કાંકરિયા તળાવને દરવાજા લગાડીને દસ રૂપિયાની પ્રવેશફી ફટકારી દીધી, તેના વિરોધમાં શનિવારે સાંજે હઠીસિંઘ વિઝ્યુઅલ સેન્ટરમાં એક સભા થઇ. ભેગા મળેલા સૌનો મુદ્દો હતોઃ કાંકરિયા તળાવ જેવી જાહેર સંપત્તિ કોર્પોરેશન કે સરકારની માલિકીની કેવી રીતે થઇ જાય? અને વહીવટી તંત્ર તેના પ્રવેશ માટે ફી શી રીતે ઉઘરાવી શકે?

નાગરિકવિરોધની પહેલ કરનાર ઋતુલ જોશી, સૌમ્ય જોશી, આનંદ યાજ્ઞિક, જિજ્ઞેશ મેવાણી અને કબીર ઠાકોર દ્વારા આયોજિત સભામાં હાજર રહેલા સૌએ હાજરીથી અને કેટલાકે બોલીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. હાઇકોર્ટના વકીલ-જૂના જોગી ગિરીશભાઇ પટેલ, ચુનીકાકા (વૈદ્ય), અભ્યાસી પ્રો.ઘનશ્યામ શાહ, આર્કિટેક્ટ શ્રી છાયા, અને આપના વિશ્વાસુએ યથામતિ વક્તવ્યો આપ્યાં.

ઘનશ્યામભાઇએ વિકાસવાર્તાની વાસ્તવિકતા આંકડાના આધાર સાથે સ્પષ્ટ કરી આપી. તેમણે 1993 અને 2004-05ના આંકડા ટાંકીને કહ્યું કે સરકારી દવાખાનાં, રેફરલ હોસ્પિટલ, સરકારી શાળાઓ, વિદ્યાર્થી દીઠ શિક્ષકનો ગુણોત્તર આ બધી જનસામાન્ય માટેની સુવિધાઓમાં વધારાને બદલે ઘટાડો થયો છે. બાળમરણ દર (ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ) પણ ઘટવાને બદલે એમનો એમ જ રહ્યો છે. સામાન્ય લોકોની સુવિધાઓ માટે નાણાં વાપરવાને બદલે કોર્પોરેશનની પ્રાથમિકતાઓ બદલાઇ ગઇ હોવાનું તેમણે કહ્યું.

સરૂપબેન ધ્રુવે કહ્યું કે કાંકરિયા માટે મોડાં પડ્યાં છીએ, પણ ચંડોળા તળાવનો ‘વિકાસ’ કરવાનું સરકાર વિચારી રહી છે. તેમાં આવું ન થાય તેનું ધ્યાન રાખીએ. રૂપા મહેતાએ કાંકરિયા તળાવને સ્થાપત્યની દૃષ્ટિએ થયેલા નુકસાનની વાત કરી. અમદાવાદના સમૃદ્ધ વિસ્તારોમાં આવેલાં તળાવોમાં પ્રવેશ મફત છે. (વસ્ત્રાપુર તળાવમાં શરૂઆતમાં રખાયેલી એક રૂપિયો પ્રવેશફી વિરોધ પછી રદ કરાઇ હતી) કાંકરિયામાં મોર્નિંગ વૉક કરનારાએ વિરોધ કરતાં સવારે ચાર કલાક તેમનો પ્રવેશ મફત કરી આપવામાં આવ્યો. એટલે તેમનો વિરોધ શમી ગયો છે. કાંકરિયામાં વાહનોનું પાર્કિંગ મફત અને પ્રવેશના દસ રૂપિયા છે.

ઉપસ્થિત પરિચિત મિત્રો-વડીલોમાં કેટલાંક નામઃ અચ્યુત યાજ્ઞિક, હીરેન ગાંધી, સંજય ભાવે, ઉષ્મા શાહ, અમિત દવે, સુકુમાર ત્રિવેદી, પ્રશાંત દયાળ, આશિષ વશી, જયદેવ પરમાર, વિશાલ પાટડિયા, કેતન રૂપેરા, મુંબઇથી આવેલાં અને અમદાવાદ પર અંગ્રેજીમાં પુસ્તક લખી રહેલાં મિત્ર અમૃતા શાહ...(અધૂરી યાદી છે)
સ્થળ પર સહીઓ લેવાઇ અને વધુ સહીઓ લેવાનો નિર્ણય થયો. કેટલાક મિત્રોની ‘સીધાં પગલાં’ની માગણીને યોગ્ય પ્રતિસાદ મળતાં આવતા રવિવારે, તા. 15 ફેબ્રુઆરીની સાંજે પાંચ વાગ્યે કાંકરિયા તળાવના રાયપુર તરફના – અંબુભાઇ પુરાણી વ્યાયામશાળા તરફના દરવાજે ભેગા મળીને સવિનય કાનૂનભંગ કરવાનું નક્કી થયું છે. એ કાર્યક્રમનું કામચલાઉ નામ છેઃ ચાલો કાંકરિયા, વિના મૂલ્યે.

સરકારી તંત્રને સમાજની સંપત્તિ પચાવી પાડવાનો અધિકાર નથી એવું માનતા સૌ કોઇએ 15 ફેબ્રુઆરીની સાંજે કાંકરિયા તળાવના વ્યાયામશાળા તરફના દરવાજે પોતાનો વિરોધ નોંધાવવા ઉપસ્થિત રહેવું.

Friday, February 06, 2009

‘આસિમ’ રાંદેરીએ લીલા સંકેલી


(Aasim in 1939, Aasim with Jigar muradabadi, 1952)


ભીની ભીની સાંજનો મંજુલ મધુર પગરવ મળે
એ જ તાપી, એ જ લીલા સહ પ્રણય ઉત્સવ મળે
એ જ દૃષ્ટિએ થતું લીલા ને ‘આસિમ’નું મિલન
રાધાને માધવ ને સીતાજીને રાઘવ મળે

ગઝલસંગ્રહ ‘લીલા’થી જાણીતા, ગઝલની રાંદેર સ્કૂલના રોમેન્ટિક શાયર ‘આસિમ’ રાંદેરીનું ગઇ કાલે 105 વર્ષના દીર્ઘ આયુષ્ય પછી અવસાન થયું.

મહેમૂદમિંયા તરીકે 2 ડિસેમ્બર, 1904ના રોજ તેમનો જન્મ થયો હતો. યુવાન વયે ગઝલના રંગે રંગાયા. પછી ગઝલ છૂટી, પણ રંગ છૂટ્યો નહીં. અંગ્રેજીમાં જેને ‘ડીસન્સી’ કહેવામાં આવે છે તે શાલીનતા કે ખાનદાની ‘આસિમ’ની મૂળભૂત પ્રકૃતિ. ચાર વર્ષ પહેલાં રાંદેરના તેમના જૂના છતાં આલિશાન મકાનમાં ભાઇ બીરેન તથા મિત્રો બકુલ ટેલર (સુરત), હસિત મહેતા (નડિયાદ) સાથે તેમને મળવાનું થયું, ત્યારે એ ખાનદાનીનો પ્રત્યક્ષ પરિચય પણ થયો.

મિજાજની જેમ ચહેરો પણ 101 વર્ષની વયે ગુલાબી, ફ્રેન્ચ કટ દાઢી, પગની તકલીફ સૂચવતું સામે પડેલું વૉકર. સાંભળવામાં ખાસ્સી અને બોલવામાં થોડી તકલીફ પડે. છતાં જાણવા મળ્યું કે (અમે મળ્યા એના) ચાર મહિના પહેલાં મુશાયરામાં ગઝલપાઠ કરી આવ્યા હતા. અમારો મળવાનો ખાસ હેતુ જ્યોતીન્દ્ર દવે વિશેના મારા સંશોધન સંબંધે તો ખરો જ. ઉપરાંત, આટલા વયોવૃદ્ધ શાયરની મુલાકાતનો આશય પણ ખરો. અમે સૌ સવાલો પૂછીએ એટલે સવાલ સાંભળ્યા પછી થોડો સમય તેમના ચહેરા પર કોઇ ભાવ ન દેખાય. સવાલ તેમને સંભળાયો હશે કે કેમ એ વિશે આપણે શંકા થાય. પણ થોડી વાર સુધી શબ્દો અને શક્તિ એકઠી કરી લીધા પછી ધ્રુજતા હોઠે તે બોલવાનું શરૂ કરે, ધ્રુજતી હથેળીઓ એકબીજા સાથે ભીંસાય, ચહેરાની રેખાઓમાં વરતાતી થોડી કરચલીઓ તેમની આશિકાના ગુલાબીયતમાં ખલેલ પાડ્યા વિના ઉપસી આવે અને વાત આગળ વધે એમ ચહેરા પર ભૂતકાળને સાંભરવાનું સુખ પથરાતું જાય.

જેમ રમેશ પારેખની ‘સોનલ’ એમ ‘આસિમ’ની લીલા. એમને મળીએ- અને ગમે તેટલો ચાલુ સવાલ લાગવાનું જોખમ સ્વીકારીને પણ લીલા વિશે ન પૂછીએ એ કેમ બને? પૂછ્યું. એટલે એમણે કહ્યું,’હજુ ઘણા લોકો માને છે કે લીલા ખરેખર મારા જીવનમાં આવેલું કોઇ પાત્ર હશે. પણ એવું કોઇ નથી.’ થોડો વિરામ. શબ્દો અને શક્તિ એકઠા કરવાની પ્રક્રિયા ચાલે છે. પછી આગળ,’હા, એક જગ્યાએ દિલ લાગ્યું હતું. પણ એનું નામ લીલા ન હતું. રોજ તાપીના કાંઠે એને મળવાનું થતું. શું દિવસો હતા અને શું લખાયું એ દિવસોમાં. એવું લાગે છે જાણે કોઇ લખાવતું હતું.’ અને એ દિવસોની યાદમાં 101 વર્ષના ‘આસિમ’ જરા ખોંખારો ખાઇને કહે છે,

રેતી ઉપર નસીબની રેખા મળી ગઇ
પાણીની પાસ પ્રેમપ્રતિમા મળી ગઇ
કાલે પવિત્ર લીલાનું એવું મિલન થયું
તાપીના તટ પર જાણે ગંગા મળી ગઇ

‘આસિમ’ વ્યસાયાર્થે અને પછી પરિવાર સાથે લાંબો સમય અમેરિકા રહ્યા. પહેલેથી અત્યંત સમૃદ્ધ. ઉદાર પણ ખરા, મોટે ભાગે પાતળી આર્થિક સ્થિતિ ધરાવતા શાયર મિત્રોને મદદરૂપ પણ થાય. ‘મરીઝ’ પર કામ કરી ચૂકેલો મિત્ર જિજ્ઞેશ મેવાણી પુરાવાસહિત પ્રકાશ પાડી શકે, પણ ‘આસિમ’ની કેટલીક ગઝલો મરીઝે લખી આપી હતી એવી પણ વાત છે. ‘આસિમ’ને ન્યાય ખાતર એટલું કહેવું પડે કે તેમણે ‘મરીઝ’ સહિત ઘણા ગઝલકાર મિત્રો માટે મદદનો ભાવ રાખ્યો હતો. એ તેમની પ્રકૃતિ હતી.

અમારી વાતચીત પૂરી થઇ. ‘આસિમ’ સ્થિતપ્રજ્ઞ ભાવે કહે,’મિત્રો ગયા, વાતાવરણ ગયું, અમે પ્રભાતના દીવા જેવા છીએ. ગમે ત્યારે બુઝાશું.’

અમે ઊઠીને દરવાજા સુધી પહોંચી ગયા હતા, પણ ‘આસિમ’ને તેમના સેવકની મદદથી ઊભા થતા જોઇને અમે સૌ દરવાજા આગળ અર્ધવર્તુળાકારે ઊભા રહી ગયા. વૉકરના ટેકે ‘આસિમ’ આવ્યા. ચહેરા પર સ્મિત. બધાએ થોડું ઝૂકીને તેમની વૃદ્ધ છતાં ભરાવદાર હથેળીમાં પોતાની હથેળી મુકી અને રજા માગી. તેમણે યજમાની વિવેકથી કહ્યું,’આપ લોગોંસે મિલકર અગલે ઝમાને કી શરાફત યાદ આ ગઇ.’
ખરેખર તો એ અમારો સંવાદ હતો. તેમના જ એક શેરથી ‘આસિમ’ને અલવિદા.

મૃત્યુ તણા બહાને મને યાદ તો કર્યો
ઇશ્વરે છાને છાને મને યાદ તો કર્યો


(‘આરપાર’ના 10-10-2005ના અંકમાં દીપક દેસાઇના ઉપનામથી છપાયેલો આસિમ વિશેનો મારો લેખ.)

નોંધઃ મિત્ર સંજય ભાવેએ ગઇ કાલે રાત્રે એસએમએસથી સમાચાર આપ્યા એટલે સવારના સમયનો સદુપયોગ કરીને આટલી ઝડપથી આ નોંધ તૈયાર થઇ શકી છે.

Thursday, February 05, 2009

કાંકરિયાઃ તળાવને તાળાં


સામાન્ય રીતે બાળવાર્તાઓમાં આવું બઘું બનતું હોય છેઃ એક રાજા હતો. તેના રાજમાં એક તળાવ હતું. લોકો સવાર-સાંજ તળાવના કિનારે હવા ખાવા, ફરવા, આનંદ કરવા જતા હતા. એક દિવસ રાજાને વિચાર આવ્યો કે તળાવને તાળું મારીએ તો?
રાજા, વાજા ને વાંદરાં કોને કહ્યાં! રાજાનો હુકમ છૂટ્યો એટલે ખલાસ! તેનો વિરોધ કોણ કરે? ઉલટું, રાજાને પોતાનો તારણહાર માનતી પ્રજા ખુશીથી નાચી ઉઠીઃ જોયું અમારૂં રાજ? કેવું પ્રગતિશીલ! કેવું આઘુનિક! તળાવને તાળાં માર્યાં હોય એવું ક્યાંય સાંભળ્યું છે? પણ અમારા રાજમાં તો તળાવને પણ તાળાં! આને કહેવાય સલામતી! આને કહેવાય પ્રગતિ!
અને પછી શું થયું? કંઇ નહીં. થોડા લોકોએ જીવ બાળ્યો અને બાકીને તળાવના કાંઠે જવા માટે એન્ટ્રી ટિકીટ ખરીદી, અંદર મળતાં વાહિયાત પોપકોર્ન ખાધાં, સોફ્ટ ડ્રિન્ક પીઘું અને રાજાને નિરાંતે રાજ કરવા દીઘું.
***
ઉપરની બાળવાર્તા ખરેખર જીવ બાળે એવી વાસ્તવિકતા છે. હમણાં સુધી આમજનતા માટે ખુલ્લા રહેલા અને અનેક લોકોના પ્રિય સ્થળ એવા કાંકરિયા તળાવના વિકાસના નામે સરકારે તળાવની ફરતે તોતિંગ દરવાજા ઊભા કરી દીધા છે, અંદર પાળી અને ટોય ટ્રેન છે. પણ એ કશામાં ન બેસવું હોય ને કાંકરિયાની લટાર મારવી હોય તો પણ માણસે એન્ટ્રી ટિકીટના દસ રૂપિયા આપવા પડે. તળાવની હવા ખાવાના દસ રૂપિયા. કારણ કે હવામાં પણ પ્રગતિનો અહેસાસ છે. મોર્નંિગ વોક કરનારાએ થોડો કકળાટ કર્યો એટલે સવારમાં ચાર કલાક મફત પ્રવેશ રાખી દીધો. પણ બાકીનો સમય દસ રૂપિયા ખર્ચો ને કાંકરિયા જાવ. દસ રૂપિયા નથી? તો કાંકરિયા તમારા માટે નથી.
સરકાર આવું પગલું લે એ તો આઘાતજનક ખરૂં, પણ આટલા દેખીતા અન્યાયી પગલાંનો કશો વિરોધ ન થાય અને દસ રૂપિયાની ટિકીટ ચાલુ થઇ જાય એ આઘાતજનક ઉપરાંત શરમજનક પણ છે.
આ શરમ થોડીઘણી નિવારવા માટે અમદાવાદના હઠીસિંગ વિઝ્યુઅલ સેન્ટરમાં આ શનિવારે સાંજે પાંચ વાગ્યે એક જાહેર સભા યોજવામાં આવી છે. આર્કિટેક્ટ મિત્ર ઋતુલ જોશી, કવિ-નાટ્યકાર સૌમ્ય જોશી, જિજ્ઞેશ મેવાણી જેવા મિત્રો આ સભા સાથે સંકળાયેલા છે. અમદાવાદમાં રહેતા ઘણા મિત્રોને મણિનગર પરદેશ જેવું કે ગામડા જેવું લાગતું હોય તો પણ, સવાલ કાંકરિયાનો નથી. કોઇ પણ પક્ષની સરકાર દ્વારા સમાજની મિલકતો છીનવવાનો છે. આ મુદ્દે સંમતિ ધરાવતા સૌ શનિવારે સાંજે પાંચ વાગ્યે હઠીસિંગ પર આવી શકે છે.

Wednesday, February 04, 2009

રંગીન પોલીસ સ્ટેશન


આ તસવીર શાની છે?
ત્રણ અટકળો આપવામાં આવે તો મોલ, મલ્ટીપ્લેક્સ, ઓફિસ કોમ્પ્લેક્સ કે મંદિર જેવા વિકલ્પો મનમાં આવી શકે. પણ ભાઇ, આ ગુજરાત છે અને હા, આ આલીશાન મકાન મણિનગરના રામબાગ વિસ્તારમાં તૈયાર થયેલા પોલીસ સ્ટેશનનું છે.

પોલીસ સ્ટેશનનું આટલું ભવ્ય અને મોટું મકાન હોય તો અંદર શું શું થઇ શકે? એવા કુવિચારો આવવાના તરત શરૂ થઇ જાય. ખાસ કરીને, મણિનગર મુખ્ય મંત્રીનો મતવિસ્તાર હોય ત્યારે તો ખાસ.
કેટલીક કલ્પનાઓઃ
પોલીસ સ્ટેશનમાં જ માનવ અધિકાર ભંગની, નકલી એન્કાઉન્ટરની, ખોટી ધરપકડોની અને હવે તો ગુમ થયેલા (ભાગેડુ) મંત્રીઓની ફરિયાદ લખાવવા માટેના અલગ અલગ ઓરડા ફાળવી શકાય! વન શોપ સ્ટોપ પોલીસ સ્ટેશન. આવી જાવ. ‘અહીં તમારી તમામ ફરિયાદોનો અને બહુ આઘાપાછા થશો તો તમારો પોતાનો પણ નિકાલ થઇ જશે.’ એવું પણ લખી શકાય. થોડા વઘુ રંગીન બનવું હોય તો, રંગીન પોલીસ સ્ટેશનમાં ‘પરમિટ શૉપ’, હુક્કાબાર, કેસિનો જેવી સુવિધાઓ વિશે પણ વિચારી શકાય. કોઇ પૂછે તો કહી શકાય કે ‘વઘુ ને વઘુ લોકોને પોલીસ સ્ટેશન સુધી આવતા કરવા અને પોલીસ પ્રજાનો મિત્ર છે એવું ખરા અર્થમાં લગાડવા માટે આ વ્યવસ્થાઓ રાખી છે.’

ખાડિયાનરેશ અશોક ભટ્ટ ઇચ્છે તો કહી શકે, ‘આ પોલીસ સ્ટેશન એશિયાનું મોંઘામાં મોંધું પોલીસ સ્ટેશન છે.’ અને મુખ્ય મંત્રી કહી શકે,‘મિત્રો..., આ પોલીસ સ્ટેશન માટે આપણે પાંચસો કરોડ રૂપિયાનો એમઓયુ કર્યો છે.’
આલીશાન પોલીસ સ્ટેશન વિશેની વઘુ કલ્પનાઓ આવકાર્ય છે.

Tuesday, February 03, 2009

‘સફારી’ની નવી વેબસાઇટઃ સાત ડગલાં સાયબર-આકાશમાં


‘સફારી’ના કાયમી પ્રેમીઓ અત્યાર સુધી જાણી ચૂક્યા હશે એવા ખુશખબર એ છે કે ‘સફારી’ની વેબસાઇટ હવે નવા સ્વરૂપે, સ્વચ્છ-સુઘડ-વાચકોપયોગી (રીડર-ફ્રેન્ડલી, ધેટ ઇઝ)-નવતર સુવિધાઓથી સજ્જ થઇ છે.
ગઇ કાલની રાતથી અપલોડ થયેલું વેબસાઇટનું નવું સ્વરૂપ ઘણી રીતે મઝાનું છે.

અંગ્રેજી અને ગુજરાતી એમ બે જુદા વિભાગમાં વહેંચાયેલી આ સાઇટનું સૌથી અપૂર્વ (યુનિક) પાસું છેઃ પેજફ્લીપ તરીકે ઓળખાતી વ્યવસ્થા. વેબસાઇટમાં એક વાર લોગ ઇન થયા પછી નમૂના લેખે જોવા મળતી ‘સફારી’ની નકલમાં વાચકોને છાપેલું સામયિક વાંચવા મળતું હોય એવો અહેસાસ થાય છે. કેમ કે, વાચકો માઉસની મદદથી સ્ક્રીન પરનું પાનું રીતસર અડઘું કે આખું ‘પકડીને’ ઉથલાવી શકે છે. એવી જ રીતે ‘ઇન્સ્ટારીડ’ સુવિધામાં યથાયોગ્ય ડોલર ભરનાર વાચકો આ સાઇટ પર હર્ષલ પબ્લિકેશનનાં આઉટ ઓફ પ્રિન્ટ થઇ ગયેલાં અને હાલમાં ઉપલબ્ધ પ્રકાશનો વાંચી શકે છે.

સાદગીપૂર્ણ લે-આઉટથી શોભતી આ સાઇટ પર વાચકો માટેના ફોરમથી માંડીને દરેક લવાજમધારક પોતાના ‘ખાતા’ની સ્થિતિ ઓનલાઇન ચકાસી શકે એવી અનેક વ્યવસ્થાઓ ભાઇ હર્ષલે વિશાલ અને તેમની ટીમ સાથે મળીને યોજી છે.

સફારીની વેબસાઇટ પહેલી વાર ૧૯૯૯માં તેના દંતકથારૂપ તંત્રી નગેન્દ્રવિજયના હાથે લૉન્ચ કરવામાં આવી હતી. ત્યાર પછી સમયાંતરે તેમાં પરિવર્તન થતાં રહ્યાં. પણ ટેકનિકલ મર્યાદાઓને કારણે અત્યાર સુધી તેમાં એક પણ વાર ગુજરાતી ફોન્ટ (યુનિકોડ)માં મેટર મુકવામાં આવ્યું ન હતું. સઘળો વ્યવહાર પીડીએફ ફોર્મેટ અથવા અંગ્રેજીમાં ચાલતો હતો.

ગઇ કાલથી અમલમાં આવેલા ‘સફારી’ની વેબસાઇટના આ પાંચમા અવતારમાં હવે સમગ્ર સાઇટ ખરા અર્થમાં ગુજરાતી બની છે. ગુજરાતી ભાષાને બચાવવા અંગે ચિંતિત લોકો એકવીસમી સદીમાં ગુજરાતી ભાષાને કેવી રીતે બચાવી શકાય તેના કેટલાક ઉપાયોમાંના એક ઉપાય લેખે પણ આ વેબસાઇટની મુલાકાત લે.

ગુજરાતમાં અંધજનો માટે તૈયાર થતી સફારીની શ્રાવ્ય આવૃત્તિ ઇન્ટરનેટ પર મુકવાની પણ યોજના છે, જે પરદેશમાં રહેતા અને ગુજરાતી સમજી શકતા પણ વાંચી ન શકતા લોકો માટે બહુ ઉપયોગી નીવડી શકે છે. એ જ રીતે ‘ગિફ્ટ અ સબસ્ક્રીપ્શન’ (કોઇ સ્નેહીને સફારીનું લવાજમ ભેટમાં આપવાની) યોજના પણ ટૂંક સમયમાં મુકાશે. અત્યારે ઇન્ટરનેટ એક્સ્પ્લોરર ૭ અને મોઝિલામાં પૂરેપૂરી સુવિધાઓ સાથે ખુલતી આ વેબસાઇટ ટૂંક સમયમાં એક્સપ્લોરરનાં ૭થી નીચેનાં વર્ઝનમાં ખુલે એવી થઇ જશે.