Monday, February 16, 2009
વિનોદ મેઘાણીની વિદાય
મેઘાણી સાહિત્યનાં ઉત્તમ સંપાદનો અને કેટલાકના અનુવાદ દ્વારા સાહિત્યરસિકોમાં પ્રિય બનેલા વિનોદ મેઘાણીનું ગઇ કાલે કીડનીની બીમારીથી અવસાન થયું. સુરતથી ફયસલ બકીલી અને અમદાવાદથી સંજય ભાવેએ સમાચાર આપ્યા, ત્યારે સહજ સવાલ થયોઃ વિનોદભાઇ અત્યારે શાનું કામ કરતા હતા? સંજયભાઇએ કહ્યું,’મહાદેવભાઇની ડાયરીનું સંપાદન’.
-અને નારાયણભાઇ દેસાઇના એક ઇન્ટરવ્યુ વખતે તેમની સાથે થયેલો સંવાદ યાદ આવ્યો. મહાદેવભાઇની ડાયરીના અધૂરા કામ વિશે પૂછતાં તેમણે કોઇ અંધશ્રદ્ધાની રીતે નહીં, પણ દુઃખદ સંયોગ તરીકે કહ્યું હતું કે એ કામ કરી શકે એવા માણસો ઓછા છે અને જે હાથમાં લે તે પૂરું કરે એ પહેલાં જ વિદાય થાય છે. તેમણે અગાઉના બે-ત્રણ દાખલા (નરહરિભાઇ પરીખ, ચંદુભાઇ દલાલ, મહેન્દ્ર દેસાઇ) પણ આપ્યા હતા. વિનોદભાઇના અવસાનથી એ સંયોગ વધુ દૃઢ થશે.
વિનોદભાઇ-હિમાંશીબહેન (શેલત)ની જોડીમાંથી હિમાંશીબહેનનું નામ વાર્તાકાર-સાહિત્યકાર તરીકે જાણીતું, જ્યારે વિનોદભાઇનું વધારે જાણીતું પ્રદાન એ તેમનાં સંપાદનો અને અનુવાદો. અરવિંગ સ્ટોને લખેલા ચિત્રકાર વાન ગોગના ચરિત્રનો વિનોદભાઇએ ‘સળગતાં સૂરજમુખી’ શીર્ષકથી અનુવાદ કર્યો હતો. એ પુસ્તક દ્વારા વાન ગોગના જીવનસંઘર્ષના સ્ટોને કરેલા આલેખનને વિનોદભાઇએ પૂરી સફળતાથી ગુજરાતીમાં ઉતાર્યું અને ગુજરાતી વાચકોને ન્યાલ કર્યા. અરવિંગ સ્ટોનની પરવાનગી મેળવ્યા પછી આ પુસ્તકનો પહેલો અનુવાદ તેમણે 1971માં કર્યો. પછી 1990માં વાન ગોગની શતાબ્દિ નિમિત્તે એ જ પુસ્તકના અનુવાદનું નવેસરથી કામ વિનોદભાઇએ નવેસરથી હાથમાં લીધું. કારણઃ ‘શબ્દે શબ્દે વાક્યે વાક્યે અનુવાદની નબળાઇઓ દાંતિયા કરવા લાગી.’
1994માં ‘પ્રસાર’ દ્વારા તે 512 પાનાંના દળદાર ગ્રંથ તરીકે પ્રકાશિત થયો. પુસ્તકના છેડે ‘સ્મૃતિપથે....કર કર લંબી બાંય’ શીર્ષક હેઠળ પોતાના નિવેદનમાં વિનોદભાઇએ મેઘાણીસ્પેશ્યલ નમ્રતાથી લખ્યું હતું, ‘મારા મોટા ભાઇ મહેન્દ્રભાઇએ અમૂલ્ય સમય આપીને અનુવાદનાં પચીસેક પાનાં દસેક દિવસ સુધી ઝીણવટથી તપાસીને સૂચનો કર્યાં તેને આધારે આખી હસ્તપ્રત મારી મર્યાદા અનુસાર મેં સુધારી છે. એ કારણે અનુવાદની ગુણવત્તા ઘણી વધી જ હોય. પણ આનો અર્થ એવો નથી થતો કે આ અનુવાદ મહેન્દ્રભાઇના ઉચ્ચ ધોરણની કસોટીમાંથી પસાર થયો છે.’
થોડાં વર્ષ પહેલાં વડોદરામાં એબીએન એમ્રો બેન્કના હોલમાં વાન ગોગનાં ચિત્રોના સ્લાઇડ શો સાથે વિનોદભાઇ આવ્યા ત્યારે ભાભી કામિની કોઠારી બાળકો સાથે ‘સળગતાં સૂરજમુખી’ લઇને શોમાં ગયાં હતાં. પુસ્તક પર વિનોદભાઇના હસ્તાક્ષર પણ, તેમની આરંભિક આનાકાની પછી લીધા, જે એક યાદગીરી તરીકે આ સાથે મુક્યા છે.
વિનોદભાઇએ મેઘાણીની કેટલીક કૃતિઓના અંગ્રેજી અનુવાદનું મોટું કામ કર્યું. ‘માણસાઇના દીવા’ને ‘અર્થન લેમ્પ્સ’ તરીકે તથા સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓને ‘એ નોબેલ હેરીટેજ’, ‘ધ શેડ ક્રીમ્સન’ અને ‘એ રુબી શેટર્ડ’ એમ ત્રણ અંગ્રેજી સંગ્રહોમાં તેમણે મુકી. હિમાંશીબહેન સાથે મળીને તેમણે કરેલું પિતા ઝવેરચંદ મેઘાણીના પત્રોનું દળદાર સંપાદન ‘લિ.હું આવું છું’ ઉડઝૂડિયાં સંપાદનોથી ગ્રસ્ત સાહિત્યક્ષેત્રે જુદું તરી આવે એવું છે.
ઝવેરચંદ મેઘાણીના પત્રોમાં જેમનો ઉલ્લેખ ‘બાબો’ અથવા ‘બાબાભાઇ’ તરીકે વાંચવા મળે છે તે વિનોદભાઇ, મેઘાણીનાં નવ સંતાનોમાંથી મૃત્યુમાર્ગે પિતા પાસે પહોંચનારા પ્રથમ છે. થોડા દિવસ પહેલાં મહેન્દ્રભાઇ મેઘાણીએ ભાઇ બીરેન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મેઘાણીનાં નવે સંતાન હયાત છે, પણ હવે મારો નંબર છે.’
73 વર્ષના વિનોદભાઇના અવસાનથી મેઘાણીના વારસોની બિરાદરીમાં ખોટકો પડ્યો છે. એ તેમની અંગત ખોટ તો છે જ. સાથે અનેક સાહિત્યરસિકોની પણ ખોટ રહેશે.
Subscribe to:
Post Comments (Atom)
I've read and re-read Salagta Surajmukhi many times...Here is one for Vincent, Stone and flawless work of Vinod Meghani....
ReplyDelete