Tuesday, February 10, 2009

ગુજરાતી બચાવોઃ કેટલીક ગેરમાન્યતાઓ

ગુજરાતી ભાષા અને ગ્લોબલ વૉર્મંિગ વચ્ચે શું સામ્ય છે? બન્નેની ચિંતા કરનારા બહુ છે, પણ એ દિશામાં નક્કર કામગીરી ભાગ્યે જ થાય છે. ગુજરાતી માઘ્યમ અને ઈંગ્લીશ મીડિયમ વચ્ચેનું યુદ્ધ ક્યારનું સમાપ્ત થઇ ચૂક્યું છે. તેમાં ઈંગ્લીશ મીડિયમનો શરમજનક વિજય થયો છે. એ મુકાબલા વિશે અત્યારે વિચારતાં ઇરાક-અમેરિકાનું ‘યુદ્ધ’ યાદ આવે, જે ખરેખર તો અમેરિકાનું ઇરાક પરનું પ્રચંડ એકતરફી આક્રમણ હતું.

ગુજરાતી માઘ્યમ જેમ બિચારૂંબાપડું બનતું ગયું, તેમ ગુજરાતી ભાષા વિશેની ચિંતા શરૂ થઇ અને વધી. અત્યારે ગુજરાતી ભાષામાં કામ કરતા વિદ્વાનો-અભ્યાસીઓનો એક વર્ગ એવો છે, જેણે ગુજરાતી ભાષાના નામનું નાહી નાખ્યું છે. તેમને ગુજરાતી ભાષાનું ભવિષ્ય અંધકારમય લાગે છે. કેટલાક તો એવું પણ માને છે કે આવતાં પચાસ-સો વર્ષમાં ગુજરાતી ભાષાનું ઉઠમણું થઇ જશે. ગુજરાતી ભાષાની ભવિષ્ય વિશે અટકળો કરતાં પહેલાં તેના વર્તમાન અને ભૂતકાળ વિશેના કેટલાક ભ્રમ વેળાસર - ખરેખર તો મોડે મોડેથી- દૂર કરવા જેવા છે.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી...
બીજું કંઇ પણ કર્યા વિના, ગુજરાત વિશે ફક્ત ગૌરવ લેવામાં કવિ ખબરદારની પંક્તિઓ ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ બહુ કામમાં લાગી છે. હવે કમ સે કમ ગુજરાતી ભાષાના મામલે એ પંક્તિઓને રજા આપવાનો સમય થઇ ગયો છે.

પરદેશમાં વસતા ગુજરાતીઓ માટે ગુજરાત એટલે? ખમણ, ઢોકળાં, ખીચડી-કઢી, સ્વાઘ્યાય, સ્વામિનારાયણ, વિદેશી ચલણનો રૂપિયામાં ગુણાકાર... આ યાદીમાં ગુજરાતી ભાષાને ભાગ્યે જ સ્થાન મળે છે. અત્યાર સુધી વિદેશમાં વસતા ગુજરાતીઓની બીજી-ત્રીજી પેઢી સુધી ઘરમાં ગુજરાતી ટકી રહેતું હતું. પણ હવે એવી શક્યતા નથી. વૈશ્વિકીકરણ (ગ્લોબલાઇઝેશન)ની ઝડપ પછી ગુજરાતમાં ગુજરાતીની ચાલ ખોડંગાતી હોય ત્યાં પરદેશીમાં ગુજરાતી ટકી રહેશે એવી આશા રાખવી વઘુ પડતી છે. વિપુલ કલ્યાણી કે જગદીશ દવે જેવા નિષ્ઠાથી એ દિશામાં પ્રયાસ કરે છે, પણ તેમની કામગીરી પાછળ ભવિષ્યની ઉજળી આશા કરતાં માતૃભાષા પ્રત્યેની મમતાનો ભાવ મુખ્ય છે.

સાર એટલે કે જ્યાં જ્યાં વસે સેંકડો ગુજરાતી, એવા દેશો કે રાજ્યોમાં પણ ગુજરાતીનાં અંજળ ખૂટ્યાં છે. બોલચાલની ભાષા તરીકે હજુ થોડાં વર્ષ - કદાચ થોડા દાયકા- તે ટકે, પણ લેખન-વાચનમાંથી તેનો એકડો ઝડપથી અને સદંતર નીકળી જશે.

ગુજરાતી માઘ્યમ એટલે ગુજરાતી ભાષા
આ ગેરસમજણ સૌથી પ્રચલિત છે. તેમાં તથ્યનો અંશ ખરો, પણ સચ્ચાઇથી એ બહુ દૂર છે. એક રીતે વિચારતાં, ભણતરમાં ગુજરાતી માઘ્યમનો વ્યાપ જેમ વધારે તેમ ગુજરાતી ભાષા વઘુ સલામત. શહેરી અને હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઈંગ્લીશ મીડિયમના પ્રચંડ આક્રમણને કારણે ગુજરાતી માઘ્યમનાં વળતાં પાણી ક્યારનાં શરૂ થઇ ગયાં છે. વૈશ્વિકીકરણમાં વિશ્વભાષા તરીકે ઈંગ્લીશના વ્યવહારસિદ્ધ ઉપયોગને કારણે મોટા ભાગના લોકો ઈંગ્લીશ મીડિયમને સફળતાનો શોર્ટકટ માનતા થઇ ગયા છે. સ્કૂલમાં બે-પાંચ હજાર રૂપિયાનો માસિક પગાર ધરાવતા, સવારે ભણીને સાંજે ભણાવતા ‘સર’ કે ‘મેડમ’ હોય તેનો બાધ નથી. પરવા પણ નથી. મીડિયમ ઈંગ્લીશ હોવું જોઇએ અને ફી આકરી! તેનાથી માતાપિતાને સંતાન પ્રત્યેની ફરજ અદા કર્યાનો સંતોષ.

ઈંગ્લીશનું મહત્ત્વ સમજનારા ખોટા નથી, પણ ગુજરાતી માઘ્યમની સાથે ગુજરાતી ભાષા પ્રત્યે આભડછેટ સેવવાનો અભિગમ વઘુ પડતો છે. ગુજરાતી વાંચતાં-લખતાં ન આવડવું શરમજનકને બદલે ગૌરવપ્રદ ગણાય, એ સ્થિતિ માટે ઈંગ્લીશ મીડિયમ નહીં પણ અધકચરાં માતાપિતાની ઈંગ્લીશ મીડિયમ માટેની ઘેલછા જવાબદાર છે. તેમની આવી વૃત્તિને કારણે ગુજરાતભરમાં ગુજરાતી માઘ્યમની શાળાઓ ભાંગી રહી છે અથવા ઈંગ્લીશ મીડિયમ શરૂ કરી રહી છે. આ પ્રવાહ શહેરો પૂરતો મર્યાદિત નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ‘શહેર જેવું’ ભણતર આપવા માટે મોંઘી ફી લેતી ઈંગ્લીશ મીડિયમની ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. ગુજરાતી માઘ્યમ ટૂંક સમયમાં ‘સરકારી’, ‘ગરીબ’, ‘સામાજિક રીતે પછાત લોકો માટે’ એવા શબ્દોનું પર્યાય બની જશે. એ દિશામાં શરૂઆત ક્યારની થઇ ચૂકી છે.

છતાં ગુજરાતી માઘ્યમમાં ભણનારા લોકોની સંખ્યા નાનીસૂની નથી. અને એ નજીકના ભવિષ્યમાં ચિંતાજનક રીતે ઓછી થઇ જાય એ પણ લાગતું નથી. કોઇ પણ માઘ્યમમાં ન ભણ્યા હોય અથવા ખપજોગું ભણ્યા હોય એવા લોકોની બોલચાલની કે સંપર્ક-વ્યવહારની ભાષા ગુજરાતમાં તો ગુજરાતી જ રહેવાની છે. ગુજરાતી પછી મુખ્યત્વે ‘હેવ નોટ્સ’ની (વંચિતોની) ભાષા બની જશે અને ટાટા કે અંબાણી અત્યારે એકાદ વાક્ય ગુજરાતીમાં બોલીને જે રીતે પોતાનું ગુજરાતીપણું બતાવે છે, એવું ભવિષ્યમાં ગુજરાતના સમૃદ્ધ ગુજરાતીઓ પણ કરશે. એ પ્રવાહ પણ શરૂ થઇ ચૂક્યો છે.

ગુજરાતી હવેના જમાનામાં અપ્રસ્તુત છે
‘ગાંધી હવે અપ્રસ્તુત છે’ એ વિધાન જેટલું સાચું હોય, એટલું જ આ વિધાન પણ સાચું છે. એમ કહેવાથી એવો આભાસ ઉભો થાય છે કે ગુજરાતી ભાષા (કે ગાંધી) એના વાંકે અપ્રસ્તુત બની ગઇ. હકીકત શી છે? ગુજરાતીમાં જ્ઞાનસંચયનાં સાધનો ઉભાં કરવામાં પ્રજા તરીકે આપણે નિષ્ફળ ગયાં. નવી-જૂની વિદ્યાઓમાં ગુજરાતીમાં ઉતારવાનું કામ અઘ્યાપકો અને ભાષા સાથે કામ પાડનારા દ્વારા સાથે મળીને થવું જોઇતું હતું. એ ફક્ત અઘ્યાપકો દ્વારા થયું. પારિભાષિક શબ્દોના પ્રેમી અઘ્યાપકોએ અંગ્રેજીમાં ઉપલબ્ધ જ્ઞાનનું ગુજરાતી એવી ક્લિષ્ટ અને દુર્બોધ ભાષામાં કર્યું કે ઘણી વાર ગુજરાતી વાંચ્યા પછી સમજવા માટે અંગ્રેજીમાં વાંચવું પડે. (અતિશયોક્તિ લાગતી હોય તો ‘સાયન્સ સીટી’માં મુકેલા પ્રયોગોનું વર્ણન વાંચવાનો પ્રયોગ કરી જોવો.)

જ્ઞાનની ક્ષિતિજો સતત અંગ્રેજી કે બીજી કેટલીક ભાષાઓમાં વિકસતી ગઇ. બીજી ભાષાઓમાં વિકસતું જ્ઞાન અંગ્રેજીમાં સતત ઉતરતું રહ્યું, પણ એ ગુજરાતીમાં ઉતરી શક્યું નહીં. એટલે એક સ્તરથી આગળના અભ્યાસ માટે ભાષા તરીકે ગુજરાતી ટાંચી પડી. પાઠ્યપુસ્તકો અને ઉચ્ચ અભ્યાસને લગતાં પુસ્તકો ગુજરાતીમાં તૈયાર કરવાનું કામ દેશના પરમાણુ કાર્યક્રમ કરતાં પણ વધારે મહત્ત્વનું હતું. પરંતુ એ કામ અનેક કૌભાંડોથી ખરડાયું. ગુજરાતી સામગ્રીની ગુણવત્તા સાવ નબળી બની. જોડણી જેવી મૂળભૂતના મામલે અનેક ગોટાળા અને વિસંગતી ધરાવતો પાયો રચાયો. તેની પર ચણાયેલી ઇમારતમાં અરાજકતાનો ગુણાકાર થયો.

શિક્ષણક્ષેત્રની નિષ્ફળતાએ બાકી રાખેલી કસર પ્રસાર માઘ્યમોએ પૂરી કરી. સમુહ માઘ્યમોએ જોડણી અને ભાષાની પરવા કર્યા વિના એવી ગાડી દોડાવી કે ખરાખોટાનો છોછ જતો રહ્યો. ‘નિષ્ણાત’ને બદલે ‘નિષ્ણાંત’ જેવા ઘણા અક્ષમ્ય ગોટાળા પ્રસાર માઘ્યમોએ સ્થાપિત કરેલી સચ્ચાઇ તરીકે સમાજમાં પ્રસરી ગયા અને એમ.ડી. થયેલા ગુજરાતી ડોક્ટરો પણ પોતાના પાટિયામાં ‘નિષ્ણાંત’ ચિતરાવવા લાગ્યા.

થોડા વખતથી યુવાન વાચકોને રીઝવવાના નામે વર્ણસંકર ગુજરાતીનો ખેલ ચાલે છે. સવાલ ‘ટેબલ’ને બદલે ‘મેજ’ કે ‘પેન’ને બદલે ‘કલમ’ જેવું ભદ્રંભદ્રીય ગુજરાતી લખવાનો નથી. સહેલાઇથી અને સૌ સમજી શકે એવા ગુજરાતી શબ્દો ઉપલબ્ધ હોય, ત્યારે પણ યુવાન વાચકોને આકર્ષવાના બહાને ગુજરાતી ભાષા પાસે ‘સ્ટ્રીપટીઝ’ કરાવવામાં આવે એ દુઃખદ છે. વર્ણસંકર અને કાલુંઘેલું ગુજલીશ વાંચનારા લોકોને સીઘુંસાદું ગુજરાતી નથી વાંચવું એવું શા માટે ધારી લેવામાં આવે છે? પણ સ્ટાઇલના ધખારાને જમાનાની - વાચકોની માગ તરીકે રજૂ કરવામાં આવે તેને લીધે ઘણા લોકો એવી ગેરસમજણ સેવતા થઇ જાય છે કે ‘હવેના જમાનામાં તો આવું ભેળસેળીયું ગુજરાતી જ ચાલે.’

ગુજરાતી શુદ્ધ જ રહેવું જોઇએ એવો કોઇ દુરાગ્રહ નથી. બહારના શબ્દો આવતા હોય તો ભલે. પણ લખનારનું બીજી ભાષાનું શબ્દભંડોળ થોડું વધે કે તરત પ્રચલિત ગુજરાતી શબ્દોને ફગાવી દેવાની કે તેમને અપ્રસ્તુત જાહેર કરી દેવાની ઘૃષ્ટતા હવે સામાન્ય થઇ પડી છે.

ભાષાને સરળ કરવી એ જ ઉપાય
થોડી પેઢી પછી ગુજરાતી ભાષાનું ચલણ સમૃદ્ધ વર્ગમાં કદાચ મામૂલી થઇ જાય, પણ એ સિવાયના વિશાળ અને ભાગ્યે જ ગણતરીમાં લેવાતા સમાજમાં ગુજરાતી ટકી રહેવાની છે. એ સંદર્ભે અને જોડણીની અરાજકતા દૂર કરવા માટે અત્યારે ઉંઝા જોડણી જેવા પ્રયાસ ચાલી રહ્યા છે. મહેન્દ્ર મેઘાણી વર્ષોથી ગુજરાતી મૂળાક્ષરોમાંથી જોડાક્ષરો દૂર કરવા પ્રયત્નશીલ છે. ઉંઝા જોડણી હોય કે મહેન્દ્રભાઇની લિપી, બન્ને કેવળ ભાવનાત્મક મુદ્દા નથી. તેની પાછળ ચોક્કસ તર્ક છે. વર્ષોથી એક પ્રકારની જોડણીથી (કે તેની અરાજકતાથી) ટેવાઇ ગયા પછી કોઇ પણ નવી વ્યવસ્થા સ્વીકારવાનું કાઠું પડે એ સમજાય એવું છે. પણ ઉંઝા જોડણી જેવો વિકલ્પ ખુલ્લા મને વિચાર થઇ શકે એટલો આધાર ધરાવે છે.

પણ આ તો થઇ જોડણીરૂપી વાંસળીની વાત. ખરો સવાલ ભાષારૂપી વાંસનો છે. તેમાં જોડણીસુધાર જેવી બાબતો અમુક હદથી વધારે મદદરૂપ બની શકતી નથી. ગુજરાતી બચાવ ઝુંબેશ સાથે સંકળાયેલી કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ ૧૪ ફેબુ્રઆરીની સવારે દસ વાગ્યે ગુજરાત વિદ્યાપીઠથી એક રેલીનું આયોજન કર્યું છે. લોકોમાં જાગૃતિ આણવાના ઉપાય તરીકે તે આવકાર્ય છે, પણ ગુજરાતી ભાષાના અસ્તિત્ત્વ વિશેની મૂળભૂત ચિંતા દૂર કરવા માટે અનેક સ્તરે અને જુદી જુદી દિશામાં વધારે સાતત્યપૂર્ણ કામગીરીની જરૂર છે. ગુજરાતી ભાષા ધબકે છે ત્યાં સુધી એ કામ ઉપાડવામાં કદી મોડું થવાનું નથી. ગુજરાતી બચાવવાની ઝુંબેશ ભાવનાત્મક ઉપરાંત વ્યૂહાત્મક પણ બનાવવી પડે, બસ!

12 comments:

 1. ek karun ramooj:
  Gujarat bachavanao zando laine farta ek lekhak-chintakno blog englishma che!!

  ReplyDelete
 2. Anonymous5:02:00 PM

  true, and the work that needs to be done in the long run is not to change the medium of study change from english to gujarati, but to change our viewpoint in preserving our own language.

  Ane jya sudhi reli ane dekhavo no saval che, mara mate tena thi vadhare lokone gujarati vanchva mate prerna aapvi e j moti gurjari seva che.

  Good eyeopener urvishbhai.

  ReplyDelete
 3. Sorry for utilizing your blog in promoting "Guj Bachav Zumbesh's ideals for those who are interested. The 4 main aims of the movement are..
  1. Education in mother tongue : The opinion that a child's schooling has to be in her mother tongue, is accepted and propogated by experts worldover; but we have to work towards promoting this wisdom to common men.
  2. Simplification of language : The usage of Guj language is sinking due to unfathomable rules of grammer, including ambiguity about 'Tatsam-Tadbhav'. Moreover the script is proving complex and unsuitable for the new-age technology. We've to work towards bringing about reforms in the spelling and other linguistic ease.
  3. Promotion of Gujarati literature : Reading is not a favoured activity of Gujaratis as such. This dis-association with Guj language makes them more indifferent towards literature. This results in break-up with Guj culture as well. So, we shall promote reading habits in Gujaratis and cultivate creation of more Guj literature.
  4. Freedom from craze for English : We can not deny the importance of English as the language of universal knowledge and vision. But we have to oppose the parental craze, business mentality of school managements and privatising policies of Govt in pushing English as a medium of language from the 1st std on children.
  -Kiran Trivedi

  ReplyDelete
 4. My elder friend NRTrivedi who studied elect.engg.at Manchester and did business with many countries(he had married a German lady) realised that the medium of instruction should b mother tongue.Accordingly he got his granddaughter admitted in a guj.medium school in mumbai but the school stopped teaching in guj.medium after few yrs.Now he laments that he can't let his granddaughter study in guj.eventhough he wants to.We at home even have lost this feeling and feel proud that our children r not in guj.med.and speak english.(Beta,tara hands wash kari leje nahi to dirty thai jase. )

  ReplyDelete
 5. Wonder if following concern the established Gujaratis.

  1) Very few National Scholars from Gujarat, much fewer in them who are 3rd generation Gujaratis.

  2) Though M.Sc. Physics examination began to be taught and examined through Gujatati medium in early sixties, at the least, no scientist came forward to write Physics text book for HSC.

  3) When few more National Institute of Science got established Maharastra next door to Karnataka got one, not Gujarat.

  4) CBSE students (and I believe those from Maharashtra) do their HSC with one language, the Gujarat students are burdened with two languages. Other than language only 3 subjects for science stream HSC students from Maharashtra, but 4 for the students from Gujarat. This handicaps Gujarat students when they compete for place at IIT, CBSE Medical, and such

  ReplyDelete
 6. તત્સમ-તદ્ભવની મનસ્વી અરાજકતાને લીધે સાચી ગુજરાતી જોડણી અઘરી જ નહિ, અશક્ય બની છે. કિરણભાઈની વાત સાથે સંમત થવું જ રહ્યું. હ્રસ્વ-દીર્ઘની માફક અનુસ્વાર અંગેના જોડણીકોશના નિયમો પણ અનેક ગુંચવાડાથી ભરેલા છે. પરંતુ ઊંઝા જોડણી અપનાવવાથી ગુજરાતી બચી જશે એવું પણ માની ન શકાય. કારણકે હ્રદયરોગનો મરિઝ ક્વિનાઈનથી સાજો ન થાય. ગુજરાતીમાં વાચનસામગ્રી મર્યાદિત છે, વાર્તા-નવલક્થા-કવિતા સિવાયની શ્રેણીમાં ભાગ્યે જ ગુજરાતી પુસ્તકો હોય છે. (એમ.જે લાયબ્રેરીમાં ગુજરાતી કાવ્યસંગ્રહોની સંખ્યા ૧૫૦૦થી વધુ છે અને ગુજરાતી સંદર્ભગ્રંથોની સંખ્યા ૩૦૦થી પણ ઓછી !)વાંક એમ.જે.નો નથી. સર્જકના કૂવામાં હોય તો લાઈબ્રેરીના હવાડામાં આવે ને! એક "લબ્ધપ્રતિષ્ઠિત" કટારલેખક સાથે વાત થયેલી. તેઓ અખબારી કટારમાં "લેખકના વ્યુઝ" પર ભાર મૂકતા હતા અને હું સંશોધનથી મળેલી સામગ્રી લોકભોગ્ય સ્વરુપમાં રજૂ કરવી જોઈએ એમ માનતો હતો. એમણે કહ્યું કે, "પણ એ માટે જરુરી પુરસ્કાર કોણ આપશે? એવા કટારલેખનોનો સંગ્રહ કોણ છાપશે અને કોણ ખરીદશે?" એમની દલીલમાં વજૂદ માનીએ તો લેખકો-પત્રકારોની એક આખી પેઢીએ ભેખ લેવો જ રહ્યો.

  ReplyDelete
 7. સાચ્ચે જ સમયસરનો લેખ. ગુજરાતીને મઠારવાનો સમય પાકી ગયો છે.

  ReplyDelete
 8. મોટા ભાગના પાસાંને આવરી લેતો સરસ લેખ.
  પણ ગુજરાતી બ્લોગરોના વધતા જતા પ્રદાનને આવરી લીધું હોત તો સારું થાત.
  બ્લોગરોનાં લખાણ કોઈ પ્રુફ રીડરની ચાળણીમાંથી પસાર થતા નથી . મર્યાદીત સમયના કારણે એ શક્ય પણ નહીં બને.
  ઘણા બ્લોગ જોતાં જોડણી ગેરવ્યવસ્થા ઉડીને આંખે વળગશે.

  જોડણી સુધારા નેત ઉપ્ર તો સાવ જરુરી નથી લાગતા?

  ReplyDelete
 9. જોડણી સુધારા નેત ઉપ્ર તો સાવ જરુરી નથી લાગતા?

  માફ કરજો .. મુદ્રા રાક્ષસ

  જોડણી સુધારા નેટ ઉપર સાવ જરુરી નથી લાગતા?

  ReplyDelete
 10. really its nice post !!

  thanks for sharing.

  amit-panchal.blogspot.com

  ReplyDelete
 11. Anonymous2:26:00 PM

  The author's limited knowledge about NRG's is very evident. It is due to work of groups such as Swadhyay and Swaminarayan that Gujarati language is preserved in overseas countries to some extent.

  ReplyDelete
 12. Have to make a comment for Mr. Anonymous here:

  Being an "NRG", it is very evident that Gujarati language is not preserved by the above mentioned 'religiously political' institutions. It is preserved mainly by good parenting..

  ReplyDelete