Monday, February 23, 2009

સ્લમડોગ હવે સ્લમગોડ...

જૂની કહેવત હતીઃ સત્તા આગળ શાણપણ નકામું છે. નવી કહેવત બનાવી શકાયઃ સફળતા આગળ શાણપણ નકામું છે. ઓસ્કર એવોર્ડમાં ‘સ્લમડોગ મિલિયોનર’ની બમ્પર સફળતાથી વધુ એક વાર કહી શકાય.
રહેમાન ઉપરાંત કાકા ગુલઝાર સહિત બીજા ભારતીયોને ઓસ્કર મળ્યો એ આનંદની વાત છે, પણ તેમાં ઉભરાઇ જવાપણું નથી. આ રેકોર્ડબુકની ક્ષણ હોઇ શકે છે-હૃદયોર્મિની નહીં.

અભિનવ બિન્દ્રા ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતી લાવ્યો, તેની સાથે આ સિદ્ધિની તુલના થઇ શકે? જવાબ સ્પષ્ટ ‘ના’માં મળે છે. બિન્દ્રાની સિદ્ધિ ભારતસહજ તમામ પ્રતિકૂળતાઓ અને સમૃદ્ધ પરિવારના સંતાનસહજ તમામ અનુકૂળતાઓ પછી પણ એક ભારતીયની નિર્ભેળ, માર્કેટિંગના જોર વગરની, નિર્વિવાદ, સ્પર્ધાત્મક સિદ્ધિ છે, જ્યારે ‘સ્લમડોગ..’ પેકેજિંગ, પ્રેઝન્ટેશન અને માર્કેટિંગની ધારી સફળતા છે. તેની સાથે સંકળાયેલાં ઘણાં પડદા ઉપરનાં અને પાછળનાં પાત્રો ભારતીય છે. છતાં આ ફિલ્મ ભારત વિશેની છે- ભારતની નથી એ યાદ રહે. અને ભારતની હોય તો પણ, ઓસ્કર એ સફળતાનો અને લોબીઇંગનો માપદંડ છે, ગુણવત્તાનો નહીં.

‘સ્લમડોગ..’ નિમિત્તે ગરીબીના ચિત્રણની બહુ ચર્ચા થઇ હતી, પણ મોટા ભાગની ચર્ચા આડા પાટે રહી. કેમ કે, તેનો મુખ્ય મુદ્દો ‘એક વિદેશીએ બતાવેલી ગરીબી’ હતો. દર્શક તરીકે એટલું જ જોવાનું રહે કે ગરીબીનું ચિત્રણ કોણે નહીં, કેવું કર્યું છે. એ બાબતે મધુ રાય સાથે એક વાર વાત થઇ ત્યારે તેમણે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘કેટલોક ભાગ બહુ વિરૂપ છે. આપણને ખબર પડે કે આવું ન હોય.’ આવી જ લાગણી બીજા કેટલાક મિત્રોની પણ રહી છે. આ મુદ્દો કળાકીય સૌંદર્યદૃષ્ટિનો છે-દેશપ્રેમનો નહીં, એટલું યાદ રહે.

કાયદાકાનૂન વિશે અજબગજબની માહિતી આપતા અર્થશાસ્ત્રી બિબેક દેબ્રોયે આજના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં ઓસ્કર વિશે કેટલીક મઝાની વાતો લખી છે.

 • ‘એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સીસ’ના આશરે 6 હજાર મતદારોના મતથી વિજેતાની પસંદગી થાય છે. આ મતદાન યોગ્ય ઢબે થયું છે એવું પ્રમાણપત્ર (હવે ‘સત્યમ’ના ગોટાળાથી નામીચી બનેલી કંપની) પ્રાઇસવોટરહાઉસ કૂપર્સ આપે છે.
 • કોઇ પણ ફિલ્મ કેલિફોર્નિયાની લોસ એન્જલીસ કાઉન્ટીમાં રિલીઝ ન થાય ત્યાં સુધી તેને ઓસ્કર માટે લાયક ગણવામાં આવતી નથી.
 • સીટીઝન કેન, સાયકો, 2001 એ સ્પેસ ઓડીસી, ઇટી, સ્ટારવોર્સ જેવી ઘણી ફિલ્મો ઓસ્કર જીતી શકી નથી.
 • લેખમાં અપાયેલા ફિલ્મનિર્માણના વાર્ષિક આંકડા રસપ્રદ છેઃ 2007ના વર્ષમાં ભારતમાં 1,164, અમેરિકામાં 453, જાપાનમાં 407 અને ચીનમાં 402 ફિલ્મો બની. અમેરિકા કરતાં લગભગ અઢી ગણી ફિલ્મો બનાવવા છતાં ભારતની ફિલ્મોને ત્યાં સ્વાભાવિક રીતે ‘ફોરેન ફિલ્મ’ની કેટેગરીથી સંતોષ માનવો પડે છે.

છેલ્લે વાત રહેમાનની. એ વર્તમાન સમયનો શીર્ષસ્થ સંગીતકાર છે અને વ્યક્તિગત રીતે લાંબાપહોળા દાવા કર્યા વિના તે સફળતાનાં પગથિયાં ચડતો રહ્યો છે. પણ મારા જેવા ઘણા શ્રોતાઓને રહેમાનના સંગીતમાં મોટે ભાગે મેલડીનો અભાવ લાગે છે. અમારા કાન અત્યંત મધુર એવાં જૂનાં હિંદી ગીતોથી ટેવાયેલા છે એ ખરું, પણ એ એકમાત્ર કારણ નથી. સરખામણી આમ તો અસ્થાને જ ગણાય, પણ રહેમાન પર વિશેષણોનો ખડકલો થઇ રહ્યો છે અને થશે ત્યારે, આર.સી.બોરાલ, પંકજ મલિક, અનિલ બિશ્વાસ, નૌશાદથી સલિલ ચૌધરી અને જયદેવ સુધીના સંગીતકારોને અન્યાય ન થાય એટલા માટે આટલું યાદ અપાવવું જરૂરી લાગ્યું.

બાકી, ‘છોટી સી આશા’નો હું એવો ચાહક હતો કે ‘રોજા’ની બે કેસેટ લાવ્યો હતો- એક ઘસાઇ જાય તો બીજી લેવા ન જવું પડે- અને રહેમાનની તાજગી પ્રત્યે મારો પ્રેમ જાણતા ગુરૂ નલિન શાહ ચેન્નઇમાં રહેમાનને એના સ્ટુડિયો પર મળ્યા, ત્યારે ખાસ મારું અને બીરેનનું નામ લખાવીને રહેમાનની તસવીર પાછળ એના ઓટોગ્રાફ લઇ આવ્યા હતા. છતાં...

8 comments:

 1. I must say that Slumdog is a well made movie. I must also say that it is just a movie - it does not claim that it is pure reality. I also did not find anything "untrue" about the slums and all that.. (I'm totally against the 'getting popular with "nanga-bhukha photos" methodolgy)

  Onto Rahman - he deserves it. Who else in today's bollywood music industry can come closer?

  And Oscar is an "American" thing. I think, it is okay that they are not considering Bollywood movies.

  Jai Ho...

  ReplyDelete
 2. સ્લમ ડૉગ,એ વિદેશી સર્જકોએ ભારતિય ટેલનટનો કૉલ સેંટરના જેવો ઉપયોગ કર્યો છે.પ્રોડ્યુસર-ડાયરેક્ટર ન હોત તો સ્લમડોગ કદી
  બની ન હોત-બાકી નોવેલ તો ભારતમાં લખાઇને કયારની પડી હતી.બિચારો લેખક ક્યાં ય વિસરાઇ ગયો હતો.
  રહેમાન અને રેશમિયા બધાં જ નવા સંગીતકારો જુની તરજો પર જીવે છે.રહેમાને ,"લગાન"માં "ઓ. પાલનહારે" ગીતની તરજ અનિલ બિષ્વાસના :પરદેશી" ફિલ્મનું "રસિયારે તેરે બિન જીયરા લાગેના" બેઠું લીધું છે.લગાનમાં જુના રામ રાજયની તરજો પણ છે.રોજા-બોમ્બે- જેવા અપવાદ પણ છે.
  બાય ધ વે,સ્લમડૉગની ઑસ્કાર વિજેતા "જય હો"ની ધુન કેટલા લોકો ગણગણવાના છે-કેટલા તેની ફરમાઇશ કરવાના છે ?

  ReplyDelete
 3. લેખમાં અપાયેલા ફિલ્મનિર્માણના વાર્ષિક આંકડા રસપ્રદ છેઃ 2007ના વર્ષમાં ભારતમાં 1,164, અમેરિકામાં 453, જાપાનમાં 407 અને ચીનમાં 402 ફિલ્મો બની. અમેરિકા કરતાં લગભગ અઢી ગણી ફિલ્મો બનાવવા છતાં ભારતની ફિલ્મોને ત્યાં સ્વાભાવિક રીતે ‘ફોરેન ફિલ્મ’ની કેટેગરીથી સંતોષ માનવો પડે છે.

  Whatta joke here..This is an award FOR hollywood and its given to movie made there..

  Expecting more award for foreign movies is like expecting filmfare award for best villain for Heath miller(Joker in Batman)

  ReplyDelete
 4. Anonymous9:47:00 PM

  ઉર્વિશભાઇ,
  હું આપના દ્વારા બ્લોગ પર લખાયેલા પોસ્ટ નિયમિત રીતે વાંચતો હોઉ છું કારણ કે મેં તમારા બ્લોગની feed મારા ફીડ રીડરમાં સબસ્ક્રાઇબ કરેલી છે. તમે ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા છો અને તેના ઉત્થાન માટે કાર્ય કરવા પ્રયત્નશીલ છો એ સરાહનીય છે. હું આ કમેન્ટ દ્વારા મારા વિચારો આપના અમુક પોસ્ટ વિશે રજૂ કરું છું.

  આપના બ્લોગ પરના પોસ્ટ વાંચ્યા પછી મને લાગે છે કે તમારા લખાણમાં મોટા ભાગે નકારાત્મકતા વધૂ હોય છે. દરેક વસ્તુ, વિચાર, કાર્યના બે જુદા જુદા અભિગમ હોઇ શકે છે પરંતુ મને લાગે છે તમારા લખાણમાં કાયમ નકારાત્મકતા વધારે ઉજાગર થતી હોય છે.

  આજકાલ સ્લમડોગ
  ની ઝાટકણી કરવી એ એક ફેશન થઇ ગઇ છે. મેં આ મૂવી 3 મહિના પહેલા જોઇ હતી. એ ફિલ્મ જોઇને હું પણ પ્રભાવિત તો થયો જ હતો. જો કે મને પણ એમ લાગે છે કે પશ્ચિમી જગતને ભૂખ્યા,ગરીબ અને ગંદા ભારતને જોવામાં વધારે રસ હોય છે. અભિનવ બિંદ્રાની સિધ્ધિને એ આર રહેમાનની સિધ્ધિ સામે નાની મૂલવવી એ યોગ્ય નથી. બન્નેની સરખામણી મારા મતે અસ્થાને છે. અભિનવ બિંદ્રા એક તવંગર ખાનદાનમાં જન્મેલું સંતાન છે. ભલે શુટીંગની રમતને ભારત સરકાર તરફથી કોઇ પ્રોત્સાહન ના મળતું હોય પણ બિંદ્રા પાસે સાધનોની કે રૂપિયાની કોઇ કમી નહોતી. જો તમે સરખામણી બોક્સરની કે કુસ્તીબાજની કરી હોત તો કદાચ વધૂ યોગ્ય હોત કારણ કે તેઓ ખૂબ ગરીબી અને દરેક જાતની પ્રતિકૂળતા વચ્ચે સફળતા મેળવી છે. વળી ડેની બોયલ એની ફિલ્મનું સારું ચિત્રણ કરે, માર્કેટિંગ કરે અને પ્રસિધ્ધિ કરે એમાં ખોટું શું છે. આખરે દરેક માણસને સફળ જ થવું હોય છે ને. ઓસ્કારમાં શું ધાડ મારવાની એવું માનનારા ઘણાં છે હું પણ માનું છું. પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે ઓસ્કાર એ વિશ્વસ્તરે તમને નામના અપાવે છે. માટે એક ભારતીય તરીકે સ્લમડોગ મૂવી પર નહીં તો પણ એ આર રહેમાન માટે મને તો ગર્વ થાય જ છે.
  થોડા સમય પહેલા વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં થયેલા એમઓયુ વિશે તમારી એક પોસ્ટ હતી જેમાં તમે રીતસરની મોદી સરકાર દ્વારા વિવિધ ઉદ્યોગજગતના માંધાતાઓ સાથે કરવામાં આવેલા એમઓયુની સરસ વાર્તા સાથે જોડીને ઠેકડી ઉડાડી હતી. હું કદાચ આપની વાત સાથે સહમત થાઉ કે ચલો દરેક સાઇન થયેલા એમઓયુ કદાચ મૂડીરોકાણ અને નોકરીઓ ઉભી ના કરી શકે અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો બધાં આયોજનો સાકાર ના પણ થાય પણ 12 લાખ કરોડના એમઓયુમાંથી 25% પણ જો એમઓયુ સફળ થાય તો પણ ગુજરાતની અને મોદી સરકારની એ સિધ્ધિ ના કહેવાય? માણસને દરેક પ્રયત્નોમાં સફળતા મળે એ જરૂરી નથી પણ નરેન્દ્ર મોદી પ્રયત્ન તો કરી રહ્યા છે એ મને લાગે છે વધારે સરાહનીય છે. આજે ભારતના ક્યા એવા રાજ્યો છે કે જેમાં માત્ર 2 જ દિવસમાં વિશ્વભરમાંથી આવેલા ઉદ્યોગપતિઓ મોટા મોટા રોકાણ કરવાની ઇચ્છા પણ જતાવે છે. મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં રોકાણકારો અને આમ જનતાની સામે એ વાત કહી છે કે હું પણ 12 લાખ કરોડનું પૂરેપૂરું રોકાણ આવે એમ નથી જોતો પણ જો કોઇ રોકાણકાર એમ કહે કે મોદી સરકારની નીતિઓ કે મોદી સરકારના ઢીલા કાર્યને લીધે તેઓ એમઓયુ રદ કરે છે તો એ સરકારની નૈતિક જવાબદારી છે. આનાથી વધારે માણસ શું ઇચ્છાશક્તિ કે કાર્યદક્ષતા બતાવી શકે એ મને ખબર નથી પડતી?

  "ગુજરાતી બચાવો રેલી" ના તમારા પોસ્ટમાં પણ મને ઠાંસી ઠાંસીને નકારાત્મકતા જોવા મળી. તમે જે વિદ્યાપીઠના કુલપતિ દ્વારા લખાયેલો પત્ર રજૂ કર્યો છે એમાં મને ખબર ના પડી કે શું ખોટું લખ્યું છે કે ક્યાં કડવી ભાષાનો ઉપયોગ થયો છે. જે પત્ર તમે મૂક્યો છે એ મને બિલકુલ વ્યવ્હારુ લાગ્યો છે. વિદ્યાપીઠના કુલપતિ તરીકે એમના અધિકાર ક્ષેત્રની બહાર જઇને કંઇ લખ્યું હોય એવું કશું મને નથી લાગતું. વળી બ્લોગ જેવા જાહેર માધ્યમમાં સૂરેશ દલાલ, ગુણવંત ચૌધરી અને બીજા વક્તાઓની ટીકા કરવી એ મને યોગ્ય નથી લાગતું.

  મણિનગરના નવા પોલીસ સ્ટેશન વિશેની પોસ્ટમાં પણ મને નકારાત્મકતા જ લાગી. આપણે હંમેશા આપણી સરકાર, આપણી સિસ્ટમને વખોડતા હોઇએ છે પણ જ્યારે એ જ સિસ્ટમ સારી થવા માટે પ્રયત્ન કરે તો બળાપો શા માટે કરવો? કદાચ એક મંતવ્ય એ હોય કે પોલિસ સ્ટેશન પાછળ પૈસા ખર્ચ્યા એના કરતા કોઇ સારા કાર્યમાં વાપર્યા હોત તો. પણ જો દર વખતે લોકો આવું જ વિચારતા રહેશે તો આધુનિકતા ક્યાંય દેખાશે જ નહીં. વિકાસ એક વણથંભી યાત્રા છે અને એ 2-5 વર્ષનું કાર્ય નથી. માટે એવું વિચારવું વધારે યોગ્ય કહેવાય કે ચલો ધીરે ધીરે શરૂઆત થઇ રહી છે અને દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ ભવિષ્યમાં થશે.

  જો કે એક વાત માટે હું અને આપના સાથીદારોની જરૂર સરાહના કરીશ અને એ છે કાંકરિયાના બંધ તાળા ખોલાવવા માટેની આપે આદરેલી લડતના. હું ચોક્કસપણે માનું છું કે કાંકરિયામાં સરકાર દ્વારા મારવામાં આવેલા તાળાં એ વ્યાજબી નથી અને પ્રજાએ એનો વિરોધ કરવો જ જોઇએ. આપને આપના આ કાર્યમાં સફળતા મળે એ માટે શુભેચ્છાઓ.

  મને કોઇ વ્યક્તિગત કિન્નાખોરી નથી એટલે આ કમેન્ટ થકી મનમાં કડવાશ ના લાવવા વિનંતી.

  કૃણાલ

  ReplyDelete
 5. Wednesday .. વીશે તમે શું માનો છો? એને ભારતમાં સ્વીકૃતી કેમ ન મળી?

  ReplyDelete
 6. સ્લમનો મારો સ્વાનુભવ વાચશો તો આભારી થઈશ -
  http://gadyasoor.wordpress.com/2007/10/01/slum/

  ReplyDelete
 7. urvish kothari4:04:00 PM

  પ્રિય કૃણાલભાઇ,
  સૌ પહેલાં તો ધીરજપૂર્વક સમય કાઢીને આટલી લાંબી, મુદ્દાસર અને વિવેકપૂર્વકની કમેન્ટ લખવા બદલ અભાર. તમારી લાગણી સર આંખો પર. કડવાશ લાવવાનો પ્રશ્ન જ નથી. કારણ કે આ બ્લોગનો એક આશય વિચારભેદ વિશે ધોરણસરની ચર્ચા કરવાનો છે.

  તમે માનો છો કે મારી પોસ્ટમાં નકારાત્મકતા વઘુ હોય છે. ‘નકારાત્કમતા’ની તમારી વ્યાખ્યા બહુ વ્યાપક છે. હું ગુણવંત શાહ-સુરેશ દલાલથી માંડીને સ્લમડોગને મળેલા ઓસ્કાર કે રંગબેરંગી પોલીસ સ્ટેશનની ટીકા/મસ્તી કરૂં તે તમને નકારાત્મકતા લાગે છે. તમારી આ વ્યાખ્યા સાથે સંમત થવું અઘરૂં છે. કારણ કે મારા મતે મારી ટીકા ફક્ત કરવા ખાતરની નહીં, પણ મુદ્દાસરની હોય છે. (હાસ્ય-વ્યંગ લેખોની વાત જુદી છે. કારણ કે એ પ્રકાર પણ જુદો છે.)

  ભાષા પરિષદના મુદ્દે હું ઉંઝા જોડણીનો તરફી કે વિરોધી નથી. છતાં વિદ્યાપીઠના પત્રના મુદ્દે મને પણ ઈંદુકુમાર જાની જેવી જ લાગણી થઇ. એ મારો અભિપ્રાય છે - અને આ લખ્યા પછી મને જાણવા મળ્યું કે ઉંઝાના તરફી-વિરોધી ન હોય એવા બીજા ઘણા લોકોને પણ એવું લાગ્યું છે. તમે એની સાથે સંમત હો એ બિલકુલ જરૂરી નથી. પણ એથી કરીને એ મારી ‘નકારાત્મકતા’ કેવી રીતે ગણાય?

  બ્લોગ જેવા જાહેર માઘ્યમમાં ગુણવંત શાહની કે સુરેશ દલાલની ટીકા ન થાય એવું તમે માનો છો. હું નથી માનતો. ટીકા કેવી રીતે અને કયા કારણથી થાય છે તે અગત્યનું છે. કમરપટા તળેની (બીલો ધ બેલ્ટ) ટીકા મારા લખાણમાં તમને ક્યારેય નહીં મળે. પણ અમુકતમુક વ્યક્તિઓ જાણીતા-મોટા-પ્રતિષ્ઠિત હોવાને કારણે, ટીકાનું પૂરતું અને વાજબી કારણ હોવા છતાં, તેમની ટીકા કરવી એ મારી પદ્ધતિ નથી. તમને એ નકારાત્મકતા લાગે છે.

  ‘સ્લમડોગની ઝાટકણી કાઢવાની ફેશન થઇ ગઇ છે’ એવું કહેવાની પણ હવે તો ફેશન નથી થઇ ગઇ? ઝાટકણી કાઢનાર લોકોને તમે એક લાકડીએ હાંકી ન શકો, કૃણાલભાઇ. દરેક જુદા જુદા મુદ્દા લઇને આવે છે. મુદ્દા સાથે સંમતિ કે અસંમતિ હોઇ શકે. અભિનવ બિન્દ્રા સાથે રહેમાનની સરખામણી સાથે તમે અસંમત હોઇ શકો, પણ બીજા મુદ્દાનું શું? ડેની બોયલ માર્કેટિંગ કરે અને ઓસ્કાર લઇ જાય એમાં મને કોઇ પ્રોબ્લેમ નથી. એ ઓસ્કાર લઇ જાય તેને કારણે ફિલ્મને એ જેટલી છે એના કરતાં અનેક ગણી મહાન ચીતરવામાં આવે એની સામે મને પ્રોબ્લેમ છે. રહેમાનને ઓસ્કાર સ્વરૂપે આંતરરાષ્ટ્રીય માન્યતા મળે- જેમાં માર્કેટિંગ સહિત બીજાં પરિબળોનો મોટો હાથ હોય- ત્યારે ગૌરવ અનુભવવું કે તેનું સારૂં સંગીત સાંભળીને ગૌરવ અનુભવવું એ પસંદગીનો મુદ્દો છે. મારો વાંધો ઓસ્કારથી રહેમાનને મૂલવવા સામે છે. એ તમને નકારાત્મકતા લાગે છે. બાકી તમે નોંઘ્યું હશે કે ભારતની ગરીબી બતાવવાના આક્ષેપ સાથે મારે કશી લેવાદેવા નથી.

  વાઇબ્રન્ટ ગુજરાત હોય કે બીજો કોઇ પણ સરકારી/રાજકીય મુદ્દો, હાસ્ય-વ્યંગ માટે કોઇ સિદ્ધિ કે વ્યક્તિ ‘અસ્પૃશ્ય’ નથી હોતાં. શાસકોના સાચાખોટા ફાંકા જેમ વધારે, એમ તેમની મસ્તી વધારે કરવી જોઇએ. એમાં તમને નકારાત્મકતા લાગે છે.

  મારી પોસ્ટમાં ‘ઠાંસી ઠાંસીને નકારાત્મકતા’ લાગે છે એવું કહેવામાં કાં તમે અતિશયોક્તિ કરો છે અથવા તમારી સાથેના મારા અભિપ્રાયભેદને મારી નકારાત્મકતા તરીકે ઓળખાવો છે. બન્ને કિસ્સામાં મને અન્યાય થાય છે. કાંકરિયામાં આપણો અભિપ્રાય એક છે, એટલે એમાં તમને મારી નકારાત્મકતા લાગતી નથી. બાકી, એ પણ તમારા જેવા, પણ આ બાબતે તમારાથી જુદા વિચાર ધરાવતા મિત્રોને મારી ‘નકારાત્મકતા’ લાગી જ શકે.

  મૂળ સવાલ એ છે કે ગુજરાતમાં અભિપ્રાયભેદ અને વિચારભેદની સંસ્કૃતિ ખાડે ગઇ છે. અગાઉ કહ્યું તેમ ચર્ચા મુદ્દાની હોય. નકારાત્મકતા કે હકારાત્મકતા તો (કાંકરિયાના કિસ્સામાં બન્યું તેમ) દૃષ્ટિબિંદુનો પ્રશ્ન છે. તમારૂં ને મારૂં દૃષ્ટિબિંદુ ન મળતું હોય તેથી સામેવાળા પર નકારાત્મકતાનું લેબલ મારવું યોગ્ય નથી. પણ હવે દંભ અને જાત બચાવવાની સંસ્કૃતિ એટલી ઘર ઘાલી ગઇ છે કે જાહેર જીવનમાં ‘રાજાએ કપડાં પહેર્યાં નથી’ એવું કહેવાની પરંપરા નષ્ટ થઇ છે. એટલે જ્યારે આ વાત સ્પષ્ટતાપૂર્વક કહેવામાં આવે ત્યારે નકારાત્મકતા અથવા ‘આવું ન કહેવાય’ એવા પ્રતિભાવ સાંભળવા મળે છે.

  અભિપ્રાય આપવાનો અને અસંમત થવાનો તમારો અધિકાર છે, તો મારી વાત મારા દૃષ્ટિબિંદુથી કહેવી એ મારો.

  એટલી ખાતરી રાખજો કે મારો દૃષ્ટિકોણ મારાં હિત (વેસ્ટેડ ઇન્ટરેસ્ટ)ની કે અંગત દ્વેષથી અભડાયેલો નહીં હોય. મારી સમજશક્તિની મર્યાદા હોઇ શકે, પણ મારા અંગત હિતની ગણતરી તેની પાછળ નહીં હોય.
  - છતાં જ્યારે મારી ‘નકારાત્મકતા’ બહુ પીડે ત્યારે વિનોદ મેઘાણી, આસિમ રાંદેરી, રતન માર્શલ, નારાયણ દેસાઇ. સફારી, મઘુ રાય જેવી કે ગુજરાતી ભાષા વિશેની મારી પોસ્ટ યાદ કરી લેવા વિનંતી.

  આટલો રસ લેવા બદલ આભાર.
  સપ્રેમ
  ઉર્વીશ

  ReplyDelete
 8. Being one of the organisers of the "Guj Bachav Zumbesh" I will explain what is wrong with Guj Vidyapith's approach. You have to know the history and b/h the scene facts.

  History is Vidyapith being wary of Guj Bhasha Parishad, which has proposed Unjha Jodni and fact is Guj Bhasha Parishad hadn't asked for Gu.Vi.'s permission as it is not required for meeting on road- a public property. Yet Gu.Vi. advised (can we interprete it as threatened?) Bhasha Parishad, "not to utilise their premises for gathering and rallying". How pre-posterous! Funny part is they say,"it's necessary to take permission. And if you haven't taken permission..." See? They know without anybody informing them that the rally is taking place, but they dont know whether they have given permission or not!

  This smacks of their authoritative and beuraucratic attitude towards one of their own mission, i.e. Guj Bhasha! What message this controversy gives? That Gujarat Vidyapith is not interested in "saving Gujarati". Guj Bhasha Parishad have rightly pointed out in it's reply," Our expactation could be of endorsement from Vidyapith and may be participation, too (in this Zumbesh), but Your letter gives an impression that you consider this as some kind of illicit activity. Expactation was of Gandhi taught tolerance and dialogue from Vidyapith..."

  As for me I think the symbolic selection of Vidyapith's main gate as the venue for protest has proved perfectly fit!
  - Kiran Trivedi

  ReplyDelete