Wednesday, February 18, 2009

વ્હાલા ગગનવાલાની પંચાયત ઉર્ફે પંચાત

અમેરિકા મઘ્યે નિવાસ કરતા ગૂગળી બ્રાહ્મણ મઘુસુદન ઠાકર, ઊં.વ..., ઉંચાઇ ... , બાંધો મઘ્યમ..., વર્ણ ગૌર, વ્યવસાયે લેખક...

એક મિનીટ! ‘મિસ્ટર યોગી’ ખ્યાત ‘કિમ્બલ રેવન્સવુડ’ નવલકથામાં કન્યાના હટાણે ભારત આવતા કોઇ કોડીલા યુવકની કથા નથી. આ તો ‘યોગી’ના સર્જક ખુદ- મઘુ રાય- વિશેની વાત છે અને એમાં પણ બીજો કશો ગોટાળો નથી. તેમની પર આ શનિવારે સાંજે સાહિત્ય પરિષદના રા.વિ.પાઠક સભાગૃહમાં એક પંચાયત બેસવાની છે, તેની જાણકારી અને નિમંત્રણ છે.

‘ગુજરાત ટાઇમ્સ’ના તંત્રી-મિત્ર રમેશ તન્નાએ બીજા મિત્રો અને સંસ્થાઓના સહકારમાં ‘પંચાયતમાં સાહિત્યકાર મઘુ રાય’ એવા અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમમાં લાભશંકર ઠાકર, ચીનુ મોદી, ઇન્દુ પુવાર, સિતાંશુ યશશ્ચંદ્ર, અવિનાશ પારેખ, મૃણાલિની સારાભાઇ, હિંમત કપાસી, અશ્વિની ભટ્ટ, હિંમત કપાસી, હર્ષદ ત્રિવેદી, ભિખેશ ભટ્ટ, વિનાયક રાવલ, ઠાકોરભાઇ પટેલ, લલિત લાડ, પ્રીતિ સેનગુપ્તા, પન્ના નાયક, દૃષ્ટિ પટેલ ઉપસ્થિત રહેશે. (સઘળા ફેરફારના હક આયોજકોને આધીન)

અર્ચન ત્રિવેદી ‘હરિયો’ બનીને નાટ્યાંશ રજૂ કરશે અને ધીમંત પુરોહિત મઘુ રાય વિશેની ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિ કરશે.

કાર્યક્રમનો સમયઃ ૨૧ ફેબ્રુઆરી, શનિવાર, સાંજે ૫: ૩૦ વાગ્યે

સ્થળઃ રા.વિ.પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ

મઘુ રાયના અને સાહિત્યના પ્રેમીઓને પંચાયતમાં જલસો પડવાની અને સાહિત્યનો કાર્યક્રમ થવાની પૂરેપૂરી સંભાવના છે.

4 comments:

 1. Anonymous9:29:00 PM

  કમનસીબી કે આ અમદાવાદી એમના દેશમાં ગુડાયો છે !! અમદાવાદ હોત તો કેવું સારું ?
  એમનું નાટક 'ખેલંદો' મેં જોયેલાં નાટકોમાં સર્વશ્રેષ્ઠ નાટક . હજુ એનું અમર પાત્ર પ્રો. ગણાત્રા યાદ આવી જાય છે.

  ReplyDelete
 2. ઉર્વિશકુમાર-અને તન્નાજી-ખૂબ ખૂબ શુભકામના.
  કાર્યક્રમ સફળ રહેશે જ. બે મત નથી.
  અમે પણ "એક શામ મધુ કે નામ" અને બીજા એમના જ નાટકોના કાર્યક્રમ ન્યુ જસ્રીમા કર્યા છે-કરતા રહીએ છીએ-અને કરીશું. સૌ મિત્રોને યાદ.ઉર્વીશકુમાર સરસ રીપોર્ટ્ની આશા છે-એકથી વધુ ફોટાઓ સાથે.

  ReplyDelete
 3. Anonymous3:42:00 PM

  Expecting from Urvish Kothari merely "સરસ રીપોર્ટ્ની આશા-એકથી વધુ ફોટાઓ સાથે." is to highly underestimate the stature of his capabilities. I see him as a very potent and effective catalyst at his level, for all things positive that Gujarati is hopefully going to witness in future.

  ReplyDelete
 4. SALIL DALAL(TORONTO)8:55:00 AM

  પ્રિય ઉર્વીશ,
  બ્લોગ ઉપર પહેલીવાર ગુજરાતીમાં પ્રતિભાવ આપવાનો અને તે પણ મધુ રાય જેવા ગમતા લેખકના સમાચાર અંગે !!
  કોમ્પ્યુટર ઉપર ગુજરાતી લિપિ ઉપલબ્ધ કરાવવા બદલ આપણા ઉત્તમ ગજ્જરનો જાહેર આભાર........દિલસે!
  મને તો જલ્સો પડી ગયો છે, બાપુ!
  મધુરાય અહીં કેનેડા આવ્યા ત્યારે એક શામ ટોરન્ટોમાં શૈલેશ દેસાઇને ત્યાં સ્થાનિક સાહિત્ય પ્રેમીઓ સાથે ગાળી હતી વો બરબસ યાદ આ ગઈ.
  મધુભાઇ નાટકના માણસ અને તેમણે હાજર રહેલા મિત્રો પાસે તત્કાલ જે ઇમ્પ્રોવાઇઝેશન કરાવ્યાં તે આજે પણ ભૂલાયાં નથી.
  અમદાવાદમાં ભીડ ભારે હશે. છતાં મધુભાઇને મળું ત્યારે આ નાચીઝની યાદ જરુર આપજે.
  'ગુજરાત ટાઇમ્સ'વાળા મિત્ર રમેશ તન્ના મળે તો તેમને મધુભાઇના અદભૂત નાટક 'કુમારની અગાશી'નું ટાઇટલ યાદ કરાવવા પણ રિક્વેસ્ટ.
  હવે બ્લોગ ઉપર નિયમિત ગુજરાતીમાં સમ્પર્ક કરવાની કોશીશ કરીશ.
  -સલિલ દલાલ (ટોરન્ટો)

  ReplyDelete