Sunday, October 31, 2010

જીવનસંધ્યાએ દિવાળીઅજાણ્યા વૃદ્ધ દંપતિ દ્વારા એકમેકના ટેકે થતી દિવાળીસફાઇનું આ દૃશ્ય રોજિંદા રસ્તા પર નજરે ચડતાં બે ઘડી થંભી ગયો હતો.

જે રીતે બાએ દાદાને ટેકો કર્યો છે (‘દાદા, તુમ આગે બઢો, હમ તુ્મ્હારે સાથ હૈ) અને જે મજબૂતીથી તેમણે દાદાનું પહેરણ જકડી રાખ્યું છે એ જોઇને મને બહુ મઝા પડી અને આ તસવીરો લીધા વિના ન રહી શક્યો.

Thursday, October 28, 2010

વૈષ્ણવજન તો કોને રે કહીએ?

ગયા અઠવાડિયે વડોદરામાં ઠેકઠેકાણે ઉપર દેખાય છે એવાં હોર્ડિંગ જોવા મળ્યાં. તે ધ્યાનથી વાંચ્યા પછી, ખાસ તો તેમાંની એક લીટી પર નજર ગયા પછી, 'સંસદીય અભિવ્યક્તિ' જાળવી રાખવાનુ બહુ અઘરું લાગે.
કારણ કે દલિત મહોલ્લામાં જઇને ભજન કરનાર, 'વૈષણવજન તો તેને રે કહીએ'ના રચયિતા નરસિંહ મહેતાની સદીઓ પછી અને એ ભજનને રાષ્ટ્રીય દરજ્જો આપનાર ગાંધીજીના અનેક પ્રયાસ પછી પણ, 'યુવા વૈષ્ણવાચાર્ય' જીવનસાથી સંમેલનમાં ભાગ લેવા માટેની લાયકાતમાં લખે છે
બ્રાહ્મણ, વણિક, પટેલ તથા વૈશ્ય જ્ઞાતિ
આ મહારાજને કે તેમના ચેલાઓને ખબર છે કે ભારતમાં બંધારણ જેવી કોઇ ચીજ છે? ભારતમાં બાવાઓને બંધારણ સાથે લેવાદેવા હોતી નથી. મૂળે બહુમતિ પ્રજાના બંધારણમાં ગરબડ હોય તો દેશના બંધારણને શું ધોઇ પીવાનું? અને પ્રજાના બંધારણમાં ગરબડ ન હોત તો આ બાવાજી આમ છડેચોક માત્ર ને માત્ર 'શુદ્રો'ને બાકાત રાખતાં હોર્ડિંગ મૂકી શક્યાં હોત?
આ હોર્ડિંગ માટે જવાબદાર લોકો પર પ્રીવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ હેઠળ કેસ શા માટે ન થવો જોઇએ? અને શા માટે એ લોકોની જામીન ન મળે એ રીતે ધરપકડ ન થવી જોઇએ? દલિતોને બીજી કેટલી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેની સરખામણીમાં આ ભેદભાવ કેટલો ક્ષુલ્લક છે એવા ઉપદેશ મને આપવાની જરૂર નથી. એ હું 'દલિતશક્તિ' માસિકના સંપાદક તરીકેની છ-સાત વર્ષની કામગીરીને લીધે બરાબર જાણું છું.
'જ્ઞાતિવાદ જેવું હવે ક્યાં કશું રહ્યું જ છે' એવું માનનારા ઘણા સ્નેહી-મિત્રોને મારું વલણ કે પ્રતિક્રિયા આક્રમક અથવા આત્યંતિક લાગી શકે છે. ભલે લાગતી. મારે તો આ હોર્ડિંગ વિશે એમની પ્રતિક્રિયા જાણવી છે અને આ હોર્ડિંગ વાંચ્યા પછી તેમની ઠાવકાઇ કેટલી હદે ટકી રહે છે એ જોવું છે.
'બાવાજીએ આવું ન કરવું જોઇએ અને મારે આવી આકરી પ્રતિક્રિયા ન આપવી જોઇએ' એવી સૂફિયાણી યુનોવાદી વાતો લખવાને બદલે, જે ન કરવું જોઇએ તે કરવા બદલ શું સજા હોવી જોઇએ, એ પણ લખવા આગ્રહ છે.

Monday, October 25, 2010

કરસુખબહેન જ્યોતીન્દ્ર દવેઃ સો વર્ષ પૂરાં


(Karsukh - Jyotindra Dave)

(Pradip Jyotindra Dave - Karsukhben - Ragini Pradip Dave)

જ્યોતીન્દ્ર દવેનાં પુસ્તકોમાં કોપીરાઇટધારક તરીકે જેમના નામનો મારી જેમ અનેક વાચકોને પરિચય હશે, એવા કરસુખબહેન દવેની આજે (25 ઓક્ટોબર) 100મી વર્ષગાંઠ છે. ચાર જ દિવસ પહેલાં જ્યોતીન્દ્ર દવે (1901-1980)ની 109મી વર્ષગાંઠ હતી. યોગાનુયોગે એ દિવસે હું તેમના ઘરે તેમના પુત્ર-પુત્રવધુ પ્રદીપભાઇ-રાગિણીબહેનને ગયો હતો. તસવીર એ સાંજે લીધેલી છે.

છેલ્લાં સાત-આઠ વર્ષથી, બીજાં અનેક લડતાં લશ્કરોની વચ્ચે હું જ્યોતીન્દ્ર દવેના જીવન અને સર્જન વિશે સંશોધન કરું છું. (એ બધું પુસ્તકો સ્વરૂપે આવશે ત્યારે યથાયોગ્ય સમયે જાણ કરીશ). એ સિલસિલામાં ઘણી વખત મુંબઇ જ્યોતીન્દ્રભાઇના ઘરે જવાનું થયું. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી કરસુખબહેનની ઉત્તરોત્તર કથળતી તબિયત અને તેમની સેવાચાકરી કરતાં પુત્ર-પુત્રવધુ પણ જોયાં.

કરસુખબહેનની સ્મૃતિ અને સંવેદનતંત્ર સાવ ખળભળી ગયાં છે. ફક્ત સૂચનોનું પાલન કરી શકે, પ્રવાહીસ્વરૂપે માંડ થોડો ખોરાક લઇ શકે, શરીરમાં ફક્ત હાડકાં રહી ગયાં છે. તેની પરની ત્વચા એટલી પાતળી થઇ ગઇ છે કે સહેજ પણ ઘસારો લાગે તો ઉતરડાઇ જાય. એવું ન થાય એ માટે તેમને જમાડતી વખતે કે બેસાડતી વખતે આજુબાજુ ઓશિકાં અને બીજી પોચી વસ્તુઓ મૂકવામાં આવે છે. પહેલાં તો એ શૂન્યમનસ્ક ભાવે પણ બહાર હિંચકે આવીને બેસતા હતા. હવે સદંતર પથારીવશ છે. જેમના નિકટ પરિચયમાં આવવાનો લહાવો મળ્યો એવા ઘણા નેવુ-સો વર્ષના માણસોમાંથી કરસુખબહેન એવાં છે, જેમની શારીરિક અવસ્થા જોઇને અફસોસ - અને તેમની જે રીતે સંભાળ રખાય છે એ જોઇને રાજીપો થાય.

Friday, October 22, 2010

‘પોઝિટિવ થિંકિંગ’ના પેકિંગમાં મૂલ્યહીનતા અને મામૂલીપણાનો મહીમા

પોઝિટિવ થિંકિંગ એટલે શું? માણસનું હીર હણી લે, અન્યાય અને શોષણ સામે લડવાનો તેનો ધગધગાટ ટાઢો પાડી દે, માણસને નિર્માલ્ય, જંતુવત્ બનાવે, તેને પીઠખંજવાળના રવાડે ચડાવે, એક નાગરિક તરીકેના પોતાના કર્તવ્યમાંથી નિવૃત્ત કરીને, તેને ઢાલમાં માથું સંકોરીને બેસી ગયેલા કાચબા જેવો બનાવી દે, એ પોઝિટિવ થિંકિંગ?

સત્યની જેમ શબ્દનો અર્થ પણ સાપેક્ષ હોય છે. પોઝિટિવ થિંકિંગ/હકારાત્મક વિચારસરણી વિશે વાત કરતી વખતે આ સ્પષ્ટતા સૌથી જરૂરી છે. કારણ કે હકારાત્મકતા સૌથી જાણીતા અને સ્વીકૃત સદગુણોમાંનો એક છે. તેનું સૌથી પ્રચલિત ઉદાહરણ એટલે અડધે સુધી ભરેલા પ્યાલાનો ભરેલો હિસ્સો જોવો.

પરંતુ આ તો એક સીઘુંસાદું ઉદાહરણ થયું. જિંદગીની અટપટી પરિસ્થિતિઓ અડધા ભરેલા પ્યાલા જેટલી સરળ નથી હોતી અને તેમાં હકારાત્મક અભિગમ રાખવાનું હંમેશાં આટલું સુવિધાભર્યું, નિર્દોષ અથવા બિનહાનિકારક નથી હોતું.

‘હકારાત્મક અભિગમ’નું વર્તમાન સ્વરૂપ પશ્ચિમમાંથી આયાત થયેલું હોવું જોઇએ. કારણ કે ભારત જેવા ભક્તિપ્રધાન દેશમાં સદીઓથી આ બાબત જુદા નામે પ્રચલિત છે. અહીં તે ‘હકારાત્મક અભિગમ’ને બદલે ‘ઇશ્વરેચ્છા’ તરીકે ઓળખાય છેઃ ભગવાન જે કરે છે તે સારા માટે, જે થાય છે તે સારૂં જ થાય છે, આપ ભલા તો જગ ભલા....

‘ઇશ્વરેચ્છા’ના ફાયદા-નુકસાન વિશે ચર્ચામાં ઉતરવાનો અર્થ નથી. કારણ કે તેમાં વિશ્વાસ ધરાવનારા
ઘણાખરા લોકો ‘આ ચર્ચા પણ ઇશ્વરેચ્છાનો ભાગ છે’ એમ માનીને આગળ વધી જશે. ‘ઇશ્વરેચ્છા’માં માનનારા- તેનો ઉપદેશ આપનારા લોકો ભક્તિમાર્ગી અથવા ધંધાર્થી અથવા અંધશ્રદ્ધાળુ અથવા ત્રણેના મિશ્રણ જેવા હોય છે. ઇશ્વરેચ્છાની વાત કરતી વખતે એ લોકો બૌદ્ધિકતા કે આઘુનિકતાના દાવા કરતા નથી. એટલે જ કદાચ નવી પેઢીને આકર્ષવા માટે કેવળ ‘ઇશ્વરેચ્છા’નું ચુંબક નબળું પુરવાર થાય છે.

તેની મદદે આધુનિકતાના વાઘા પહેરેલું ‘પોઝિટિવ થિંકિંગ’ હાજર છે, જે કહે છેઃ દુનિયામાં કશું ખરાબ નથી, આપણે શા માટે કશું ખરાબ જોવું? બસ, સુવાક્યો વાંચવાં, ફેલાવવાં, પોતાના સ્વ-ભાવમાં ન હોય એવી લાગણીઓ આપણામાં જાગ્યાનો ક્ષણિક આભાસ કરાવી જાય એવી સારી- સારી, સાત્ત્વિક- સાત્ત્વિક ગળચટ્ટી બોધકથાઓ, ઉપદેશકથાઓ, સંવેદનકથાઓ વાંચવી. (રોતલ ફિલ્મો માટે વપરાતા શબ્દ ‘ટીઅરજર્કર’ની જેમ આ પ્રકારના સાહિત્યને ‘ઇમોશનજર્કર’ કહી શકાય.) કોઇના વિશે ખરાબ બોલવું નહીં, કોઇની ટીકા કરવી નહીં, લડાઇઝઘડાથી દૂર રહેવું...

ઉપર જણાવ્યા છે એ જાતના ઉપદેશનો છેલ્લા થોડા વખતથી રાફડો ફાટ્યો છે અને એવા ઉપદેશ આપનારાનું કીડીયારૂં ઉભરાયું છે. કારણ કે તેમાં કહેનારે અને સાંભળનારે ઇન્ટરનેટ પરથી અનુવાદીત કરાયેલી બોધકથાઓ વાંચીને કે લાગણીદદડતી પ્રસંગકથાઓ વાંચીને ઘડીક ભીના થયા સિવાય બીજું કંઇ કરવાનું હોતું નથી. એટલી તસ્દીના બદલામાં આપણું કેટલું મોટું કામ થઇ જાય છે! પોતાની ફરજચૂકનો, ખોટું કર્યાનો, કાયરતાનો, નમાલાપણાનો, અનિષ્ટો સામે મૂંગા મરી રહેવાનો..આવા અનેક અપરાધભાવ થોડાઘણા પણ પીડતા હોય તો એ કહેવાતા સાત્ત્વિક વાચન પચી આપણા મનમાંથી ઓગળી જાય છે- દૂર થઇ જાય છે અને આપણે હળવાફૂલ! ફિલ્મમાં હીરો દસ-બાર ગુંડાને ધીબેડે ત્યારે પ્રેક્ષકોને કેવો આનંદ - અને ખાસ તો, પોતે જે ન કરી શક્યા તે બીજાએ કોઇએ કર્યું અને આપણે તેને બિરદાવ્યું, એવો વાસનામોક્ષ- થાય છે! કંઇક એ જ પ્રકારનો વાસનામોક્ષ કહેવાતું સાત્ત્વિક કે કહેવાતું પોઝિટિવ થિંકિંગનું સાહિત્ય વાંચનારા ઘણાખરા લોકોને પણ થાય છે. તેમને કાર્યકારણનો આ સંબંધ સમજાય કે ન સમજાય, પણ મઝા આવે છે. એ મઝાને- ‘ફીલગુડ’ની લાગણીને તે પોઝિટિવ થિંકિંગ કે તેને લગતા સાહિત્ય- શિબિરો-પ્રવચનોના પરિણામ તરીકે જુએ છે અને ‘પોઝિટિવ થિંકિંગ’ કારગત નીવડ્યાનો હરખ કરે છે.

હકારાત્મકતાઃ ગુણવત્તાનો વિકલ્પ?
સાચી કે નમાલી સાત્ત્વિકતા ધરાવતા મોટા ભાગના લોકો નિરૂપદ્રવી હોય, એવું સમીકરણ ઘણા વખત સુધી ચાલ્યું. સાદી ભાષામાં કહીએ તો, આવા લોકો ‘સારા’ હોય, છતાં કશા કામના ન હોય. હવે પોઝિટિવ થિંકિંગ ને સાત્ત્વિક્તાની વાતો કરનારાનો આશય અને તેમનાં તેવર બદલાયાં છે. તેમની નવી પદ્ધતિ છેઃ પોતાની મર્યાદાઓ, આવડતનો અભાવ, મામૂલી કક્ષા - આ બધી બાબતોને સાત્ત્વિકતા કે હકારાત્મકતાના વાઘા તળે ઢાંકી દેવી, ‘તમે પણ સારા ને અમે પણ સારા’ની વાતો કરવી, ‘અમે તમને મામૂલી (મીડિઓકર) નહીં કહીએ, તમારે અમને મીડિઓકર નહીં કહેવાના’ એવી મૂક સમજણ અપનાવવી અને ખરેખરા સત્ત્વશીલોની વચ્ચે ધૂસ મારવાનો પ્રયાસ કરવો, તેમની સજ્જનતાનો ગેરલાભ લઇને તેમના માથે પડવું.

તેનાથી પણ સહેલો અને વધારે પ્રચલિત વિકલ્પ ‘અહો રૂપમ્ અહો ઘ્વનિ’ દ્વારા પોતાના જેવા (નબળા-નકામા) ‘સાત્ત્વિક’ લોકોનું જુદું-મોટું ટોળું રચવાનો અને પોલી સાત્ત્વિકતાનાં ઢોલનગારાં વગાડવાનો છે, જેથી સાત્ત્વિકતાના પુરસ્કર્તા તરીકે પોતાનો પણ મહીમા થઇ જાય.

‘હું તમારી ટીકા નહીં કરૂં, તમારે મારી ટીકા નહીં કરવાની (વખાણ કરનારા અબુધ અથવા સમ- ગરજાઉ તો બહુ મળી રહેશે)’ એવો અભિગમ ‘પોઝિટિવ થિંકિંગ’ની લેટેસ્ટ લોકપ્રિય અભિવ્યક્તિ છે. સામાજિક-સાહિત્યિક વર્તુળોથી માંડીને ઉછીની કૃતિઓના ગાંગડે ગાંધી થઇ બેઠેલા બ્લોગસંચાલકો સુધી તમામ સ્તરે આ ‘ફિલસૂફી’ વ્યાપેલી જોવા મળે છે.

ઇન્ટરનેટના પરિચયના પ્રતાપે પોતાનો બ્લોગ (મફત અને મર્યાદિત સુવિધાઓ ધરાવતી એક જાતની વેબસાઇટ) ચલાવનારા વર્ગમાં સાત્ત્વિકતા અને હકારાત્મકતાના આગળ જણાવેલા પ્રકારો ભારે લોકપ્રિય નીવડ્યા છે. બ્લોગમાં કોઇ નીતિનિયમો કે અંકુશ હોતા નથી. જે લખવું હોય તે લખી શકાય. તેથી મોટા પ્રમાણમાં લોકો બ્લોગનો એકબીજાની અને પોતપોતાની પીઠ ખંજવાળવાના કાંસકા તરીકે ઉપયોગ કરી રહ્યા છે. દંભી નમ્રતા કે સ્યુડો-સાત્ત્વિકતાની ઓથે પોતાની પાત્રતાનો અભાવ ઢાંકનારા ઇચ્છે છે કે બધા તેમની જેમ કાંસકાબાજીમાં મહાલે અને અણીયાળા મુદ્દાની ચર્ચાથી દૂર રહે. કેમ? બસ, દુનિયામાં હકારાત્મકતાનો ઓચ્છવ ઉજવવા માટે!

બીજા કેટલાક લોકો પોતાની નબળી પસંદગીનો ‘માતૃભાષાની સેવા’ના ભવ્ય મથાળા હેઠળ પ્રચાર કરી રહ્યા છે. કોઇ પણ વ્યક્તિ (કાયદો અને શિષ્ટતાની હદમાં રહીને) પોતાને ગમે તેવી સામગ્રીનો પ્રચાર-પ્રસાર કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ માતૃભાષાની સેવા જેવો દાવો થાય, ત્યારે તે બીજા લોકો દ્વારા પણ ચકાસણીને પાત્ર બને છે. કમભાગ્યે, પ્રચારકો માટે વ્યક્તિગત આદર હોવા છતાં, ‘માતૃભાષાના પ્રચાર’ના કહેવાતા મોટા ભાગના પ્રયાસો ઠાલી હકારાત્મકતાનો અને મામૂલીપણાનો પ્રચાર કરનારા તથા તેને મજબૂત કરનારા જણાય છે.

‘ગુજરાતીમાં બ્લોગ લખવાથી ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજ્જવળ બનશે’ એવી એક મુગ્ધ ગેરસમજણ પણ ફેલાઇ છે. તેને કારણે, એક મિત્ર કહે છે તેમ, ટાઇપ કરતાં આવડતું હોય એ બધા એવું માની બેસે છે કે તેમને લખતાં આવડે છે. ‘અમુક મહિનાથી કે અમુક વર્ષથી મારો બ્લોગ ચાલે છે’ એટલી, ફક્ત એટલી જ, પાત્રતાના આધારે ઘણા માતૃભાષાના ‘વરિષ્ઠ’ સેવકોની ભૂમિકામાં આવી જાય છે. (ભારતમાં ‘સેવક’નો અર્થ ‘અધિકારી’ થાય છે તે છ દાયકાની લોકશાહી પછી કોઇને સમજાવવું પડે એમ નથી.) આ પ્રકારના હલ્લામાં ‘ગુજરાતી ભાષાના ભવિષ્યને કાજે’ લખાતાં લખાણોથી, ભવિષ્યની તો ખબર નથી, પણ ગુજરાતી ભાષાની વર્તમાન વાચનસામગ્રીની ગુણવત્તા અને ધારાધોરણોના મોટા પ્રશ્નો ઉભા થાય એમ છે. સાત્ત્વિકતાના ઘોડાપૂરમાં ગુણવત્તાના આગ્રહો એવા તણાઇ જાય છે કે શોઘ્યા જડતા નથી. તેને માટે ફક્ત બ્લોગ કે છાપાં કે સામયિકો કે પુસ્તકો- કોઇને અલગ પાડવા જેવાં નથી.

કહેવાનું તાત્પર્ય એ નથી કે ઇન્ટરનેટ પર અથવા બહારની દુનિયામાં, લેખકો કે બ્લોગલેખકોએ, સાહિત્યનો પ્રચાર કરનારાએ કે બીજા લોકોએ પોતાનું કામ બંધ કરી દેવું. દરેકને પોતાની કક્ષા પ્રમાણેનું વાંચવા-લખવા-પ્રસારવાનો અને તેમાંથી આત્મસંતોષ મેળવવાનો અધિકાર છે. પરંતુ પોતાની મર્યાદાઓ કે પાત્રતાના અભાવ માટે ‘સાત્ત્વિકતા’ કે ‘હકારાત્મકતા’ જેવા રૂપાળા શબ્દો ન વાપરવા. એટલી પ્રામાણિકતા રાખી શકાય તો ઘણું. પોતાની કામગીરી માટે ‘માતૃભાષાનો પ્રચાર’, ‘માતૃભાષાની સેવા’ કે ‘માતૃભાષાનું ભવિષ્ય’ જેવાં લેબલ ન વાપરીને તે પાણીની શીશી પર અત્તરનાં સ્ટીકર લગાડવા જેવી અપ્રામાણિકતામાંથી બચી શકે છે. નબળું લખવું-વાંચવું એ દરેકનો મૂળભૂત વ્યક્તિગત અધિકાર છે, પણ તેને હકારાત્મકતા તરીકે અને એક જાહેર સામાજિક મૂલ્ય તરીકે પ્રસ્થાપિત કરવાનો કોઇને હક ન હોઇ શકે.

સાત્ત્વિકતા એટલે?
ગાંધીજીને માર્કેટિંગ ગુરૂ તરીકે ચીતરીને મૌલિકતાનો સંતોષ લેનારા કે ‘ગુરૂ’ ફિલ્મ પર ઓવારી જનારા સૌ મૂલ્યનો મુદ્દો સલુકાઇથી બાજુ પર મૂકી દે છે. પોઝિટિવ થિંકિંગ અને કહેવાતી સાત્ત્વિકતાની વાતો કરનારા લોકોની માનસિકતા પણ કંઇક એ જ પ્રકારની જણાય છે.

પોઝિટિવ થિંકિંગ એટલે શું? માણસનું હીર હણી લે, અન્યાય અને શોષણ સામે લડવાનો તેનો ધગધગાટ ટાઢો પાડી દે, માણસને નિર્માલ્ય, જંતુવત્ બનાવે, તેને પીઠખંજવાળના રવાડે ચડાવે, એક નાગરિક તરીકેના પોતાના કર્તવ્યમાંથી નિવૃત્ત કરીને, તેને ઢાલમાં માથું સંકોરીને બેસી ગયેલા કાચબા જેવો બનાવી દે, એ પોઝિટિવ થિંકિંગ? અત્યારે આ જ પ્રકારના પોઝિટિવ થિંકિંગની બોલબાલા છે. આર્ટ ઓફ લિવિંગથી માંડીને મોટા ભાગના ટ્રેનરો, મોટિવેટરો, સ્પીકરો મૂલ્યોની માથાકૂટમાં પડતા નથી. એ ગળચટ્ટી પ્રેરણાઓ આપે છે, ચબરાકીયા કથાઓ કહે છે અને હકારાત્મકતાના બહાના હેઠળ મૂલ્યો નેવે મૂકીને પોતાનો સ્વાર્થ કેમ સાધી લેવો તેના ઉપદેશ નવા જમાનાની ભાષામાં ઝીંકે છે- અને એ રીતે પોતાનો સ્વાર્થ સાધી લે છે.

સાચું પોઝિટિવ થિંકિંગ એ છે, જે અડધો ભરેલો પ્યાલો પીનારના મનમાં, જેમનો આખો પ્યાલો ખાલી છે એવા લોકોનો વિચાર રોપી શકે. જીવ બાળવા માટે નહીં તો સાચા-સંપૂર્ણ ચિત્રની જાણકારી રાખીને મૂરખ ન બનવા માટે પણ એવું ‘પોઝિટિવ થિંકિંગ’ જરૂરી છે.

સાચી સાત્ત્વિકતા એ છે, જે માણસને મીઠા વગરનો બનાવી દેવાને બદલે તેનામાં અન્યાય સામે અવાજ ઉઠાવવાનું સત્ત્વ પેદા કરે. તેને માણસ તરીકેની ગરીમા આપે અને પાવાવાળા/ધ પાઇડપાઇપરની પછવાડે દોરાતા ઊંદરડામાંનો એક બની જતો અટકાવે.

હકારાત્મકતા અને સાત્ત્વિકતાનાં સગવડિયાં રટણ કરીને, તેને મૂલ્ય તરીકે સ્થાપવા આતુર લોકોને એટલું પૂછી જોજોઃ ફૂલે ને તિલક, ગાંધી ને ભગતસિંઘ, આંબેડકર ને સુભાષચંદ્ર બોઝ, જયપ્રકાશ અને લોહિયા - આ બધા તમે કહો છો એવા ‘સાત્ત્વિક’, પોઝિટિવ થિંકિંગવાળા માણસ હતા?

Tuesday, October 19, 2010

મારા પિતા મારી સાથે ગુજરાતીમાં જ વાત કરતા હતાઃ ગોપાલકૃષ્ણ ગાંધી (Full Interview)


ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભ નિમિત્તે અમદાવાદ આવેલા ગોપાલકૃષ્ણ ગાંધીની સૌથી સહેલી અને સૌથી અઘૂરી ઓળખ ગાંધીજીના પૌત્ર તરીકે આપી શકાય. કેમ કે, ગોપાલકૃષ્ણ ગાંધી નિવૃત્ત આઇ.એ.એસ., બબ્બે રાષ્ટ્રપતિઓના સચિવ, બે દેશોમાં ભારતના હાઇકમિશનર જેવા અનેક જવાબદારભર્યા હોદ્દા નિભાવી ચૂક્યા છે- અને તેમાં એમની ‘ગાંધી’ અટકનો કોઇ ફાળો નથી. ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં ગોપાલકૃષ્ણ ગાંધીએ શુદ્ધ ગુજરાતી અને હિંદીમિશ્રિત અંગ્રેજીમાં ઘણી યાદો તાજી કરી હતી.

ગોપાલકૃષ્ણ ગાંધીના પિતા દેવદાસ ગાંધી ગુજરાતી અને માતા લક્ષ્મી રાજગોપાલાચારીનાં પુત્રી એટલે ઘરમાં તમિળ, ગુજરાતી, હિંદી, અંગ્રેજી- બધી ભાષા ચાલે, પણ ગોપાલકૃષ્ણના જણાવ્યા પ્રમાણે, ‘પિતાજી બીજા કોઇની સાથે નહીં, પણ મારી સાથે તો ગુજરાતીમાં જ વાતચીતનો આગ્રહ રાખતા હતા.’

દેવદાસ ગાંધી ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના તંત્રી હતા, એટલે ગોપાલકૃષ્ણના જણાવ્યા પ્રમાણે ‘અમારૂં બાળપણ શાહીની સુગંધ અને પ્રિન્ટિંગ પ્રેસની વચ્ચે વીત્યું.’ ગોપાલકૃષ્ણ કિશોરાવસ્થા વટાવે તે પહેલાં દેવદાસ ગાંધીનું અવસાન થયું. ‘તેમના ગયા પછી ગુજરાતી ભાષા બોલવાનું કોઇ ઠેકાણું મારા માટે ન રહ્યું.’

તેમ છતાં, ૬૫ વર્ષના ગોપાલકૃષ્ણ ગાંધી ફાંકડુ ગુજરાતી બોલી શકે છે. ચંદુલાલ દલાલનું ‘ગાંધીજીની દિનવારી’ તેમનું અત્યંત પ્રિય ગુજરાતી પુસ્તક છે. ‘એ પુસ્તક હું હંમશાં વાંચું છું. એની તોલે આવે એવું બીજું કોઇ પુસ્તક નથી.’

દસ વર્ષ પહેલાં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે ગોપાલકૃષ્ણ ગાંધી રાષ્ટ્રપતિ કે.આર.નારાયણન્ના સચિવ હતા. તેમણે દુષ્કાળની પરિસ્થિતિનો જાતઅનુભવ કરવા માટે ગુજરાત આવવાની રજા માગી. રાષ્ટ્રપતિએ રજા તો આપી, સાથોસાથ એમ પણ કહ્યું કે ‘મારૂં ચાલે તો હું પણ તમારી સાથે આવું.’

ગોપાલકૃષ્ણ ગાંધી ચુનીભાઇ વૈદ્યની મદદથી ચાર દિવસ સુધી પોતાની ઓળખ છતી કર્યા વિના પાકિસ્તાન સરહદની નજીક આવેલા બનાસકાંઠાના કુંડળિયા ગામે રહ્યા, ઉનાળાની બળબળતી ગરમીમાં રાહતકાર્યો માટે થતી મજૂરીનો જાતઅનુભવ લીધો, સાંજે-સાંજે આજુબાજુનાં ગામોમાં ફર્યા, રાહતકાર્યોનું તંત્ર જોયું અને જાતમાહિતી લઇને દિલ્હી પાછા ફર્યા. એ પ્રસંગ અંગે ગાંધી કહે છે,‘ગામના લોકોની રીસોર્સફુલનેસ ગજબની હતી. એ લોકો જરાય બિચારાપણું અનુભવતા ન હતા.’

જે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ સત્યાગ્રહનો પ્રારંભ કર્યો, એ જ દક્ષિણ આફ્રિકામાં વર્ષો પછી નેલ્સન મંડેલા પ્રમુખ હતા ત્યારે ગોપાલકૃષ્ણ ગાંધી ભારતના હાઇકમિશનર તરીકે નીમાયા. એ કહે છે, ‘આમ તો આવી ઘટનાને આપણે જીવનભરનો લહાવો કહીએ, પણ આ ઘટના મારા માટે એક નહીં, અનેક જીવનનો લહાવો કહેવાય એવી હતી.’

સામાન્ય રીતે હાઇકમિશનરે પોતાના ક્રેડેન્શિયલ રજૂ કરવા માટે પ્રમુખ સમક્ષ જવાનું હોય - અને એ વિધિ બહુ ઔપચારિક હોય, પણ ગાંધીને ગુરૂ માનનારા નેલ્સન મંડેલા પ્રમુખ હોય અને ગાંધીના અભ્યાસી પૌત્ર ગોપાલકૃષ્ણ હાઇકમિશનર હોય ત્યારે સમીકરણો કેવાં બદલાઇ જાય?

‘હાઇકમિશનરે માંડ પાંચ-છ મિનીટ બોલવાનું હોય. એને બદલે હું લગભગ બમણું બોલ્યો. ત્યાર પછી નેલ્સન મંડેલા બોલવા ઉભા થયા. તેમણે મારા પ્રવચનમાં બાકાત રહી ગયા હોય એવા કેટલાક ઉલ્લેખો કર્યા- અને એ ઉલ્લેખો દક્ષિણ આફ્રિકાની લડતમાં પ્રદાન કરનાર ભારતીયો વિશેના હતા! જેમ કે, મંડેલાએ મહંમદ કરીમ ચાગલાને યાદ કર્યા.’

ગોપાલકૃષ્ણ ગાંધી કહે છે,‘હું હાઇકમિશનર તરીકે ગયો ત્યારે દક્ષિણ આફ્રિકામાં સ્પીકર તરીકે પારસી ગુજરાતી ફ્રેની જીનવાલા હતાં. મુખ્ય ન્યાયાધીશ ભારતીય હતા. મંત્રીમંડળમાં પણ છ-સાત ભારતીયો હતા. કોઇએ નેલ્સન મંડેલાને પૂછ્યું કે ‘ભારતીયોની વસ્તીના પ્રમાણમાં આપણી સરકારમાં તેમનું બહુ પ્રતિનિધિત્વ નથી?’ ત્યારે ‘મડીબા’ના લાડકા નામે ઓળખાતા મંડેલાનો જવાબ હતો,‘ભારતીયોનું પ્રતિનિધિત્વ એમની વસ્તીના પ્રમાણમાં નહીં, એમના પ્રદાનના પ્રમાણમાં છે.’

દક્ષિણ આફ્રિકામાં ગોપાલકૃષ્ણ ગાંધીની કામગીરી, તેમના જ શબ્દોમાં ‘ફક્ત સેન્ટીમેન્ટલ કે રોમેન્ટિક નહીં, પણ હાર્ડકોર રેલેવન્સ/નક્કર પ્રસ્તુતતા ધરાવનારી’ બની રહી. તેના પરિણામરૂપે આજે ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા- ટૂંકમાં ‘ઇબ્સા’/IBSA- તરીકે ઓળખાતા સંગઠનના ત્રણે દેશો સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિનું બિનકાયમી સભ્યપદ ધરાવે છે. ‘ત્રણે દેશોનું સહયોગી સંગઠન ગ્લોબલ ટેરર, ગ્લોબલ મેલ્ટડાઉન અને ગ્લોબલ વોર્મંિગ એમ ત્રણ મોટી આફતોમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે’ એવું ગાંધીએ ભારપૂર્વક કહ્યું.

અસ્પૃશ્યતાનિવારણને જીવનકાર્ય બનાવનાર ગાંધીજીના આ વિદ્વાન પૌત્ર દેશના પહેલા દલિત રાષ્ટ્રપતિ કે.આર.નારાણયન્ના સચિવ બન્યા, એ પણ એક સુખદ યોગાનુયોગ હતો. નારાયણન્ને ‘ટાવરિંગ ઇન્ટલેક્ટ’ (પ્રચંડ બૌદ્ધિકતા) ધરાવનાર વ્યક્તિત્વ તરીકે યાદ કરીને બ્રિટન જતાં પહેલાં ૨૫ વર્ષની ઊંમરે કે.આર.નારાયણન્ ગાંધીજીને મળ્યા હતા, એ કિસ્સો ગોપાલકૃષ્ણ ગાંધીએ યાદ કર્યો.

‘મને ગાંધીજી અને નારાયણન્ બન્ને માટે પક્ષપાત/બાયસ છે’ એવું કહેતા ગોપાલકૃષ્ણ ગાંધીના મતે ‘નારાયણન્ના સવાલો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હતા અને ગાંધીજીના જવાબો પણ ફર્સ્ટ ક્લાસ હતા. નારાયણને પહેલો સવાલ પૂછ્યો કે ‘બ્રિટનમાં ભારતના હરિજન સવાલ વિશે મને પૂછવામાં આવે તો મારે ભારતીય તરીકે જવાબ આપવો કે હરિજન તરીકે?’

મૌનવારને કારણે ગાંધીજીએ લેખિતમાં આપેલો જવાબ હતો,‘જ્યારે તમે દેશની બહાર જાવ ત્યારે તમારે એમ જ કહેવું જોઇએ કે એ અમારો આંતરિક મામલો છે અને અંગ્રેજોના ગયા પછી અમે ઉકેલી લઇશું.’

બીજો સવાલ વધારે ફિલસૂફીભર્યો હતો. નારાયણને કહ્યું,‘તમે લોકોને હંમેશાં સત્ય-અસત્ય, હિંસા-અહિંસાની વાત કરતા હો છો. તેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું સત્યની કે અહિંસાની જ પસંદગી કરૂં, પણ જીવનમાં ઘણી વાર એવું બને છે કે પસંદગી બે સત્યો વચ્ચે કરવાની આવે. એ વખતે શું કરવું?’ ગાંધીજીએ સંભવતઃ થાકને કારણે આ સવાલનો વિગતે જવાબ આપવાનું ટાળીને, પોતાનાં લખાણમાંથી તેનો જવાબ શોધી લેવા કહ્યું.

ગાંધીજીને લગતાં અભ્યાસપુસ્તકોથી માંડીને વિક્રમ સેઠની નવલકથા ‘સુટેબલ બોય’નો હિંદીમાં અનુવાદ કરનાર ગોપાલકૃષ્ણ ગાંધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સૌમ્ય છતાં સ્વતંત્ર મિજાજ દાખવી શક્યા. હાલમાં તે પોતાના નાના સી.રાજગોપાલાચારીએ ગાંધીજીને, દેવદાસ ગાંધીને અને પાછળથી ગોપાલકૃષ્ણ ગાંધીને- એમ ગાંધી પરિવારની ત્રણ પેઢીને લખેલા પત્રોનું સંકલન-સંપાદન કરી રહ્યા છે.


(Extended Part)
ગાંધીજીની બહેનના પૌત્ર મથુરાદાસ ત્રિકમજી વિશે પૂછતાં ગોપાલકૃષ્ણ ગાંધીએ ભારે આદરપૂર્વક કહ્યું હતું કે ‘મથુરાદાસ અને રાજાજી ગાંધીજીના જીવનનાં બે લાઇટહાઉસ (દીવાદાંડી-પથપ્રદર્શક) હતાં.’

વિક્રમ સેઠની નવલકથા ‘સુટેબલ બોય’નો અનુવાદ કરવાનું કેવી રીતે બન્યું? એ વિશે તેમણે કહ્યું,‘વિક્રમ સાથે આમ જ ગપસપ ચાલતી હતી. વિક્રમે કહ્યું કે આ નવલકથા મૂળે તો મારા મનમાં હિંદુસ્તાનીમાં જ હતી. મેં મનોમન એનું અંગ્રેજી કરીને લખ્યું છે અને હવે મારે એ હિંદુસ્તાનીને પાછું આપવું છે. મેં નવલકથાની સંભવિત હિંદી ભાષા વિશે થોડી વાત કરી અને તેના નમૂના આપ્યા, એટલે વિક્રમ કહે કે તમે જ શા માટે અનુવાદ નથી કરતા?’

ત્રણે ભાઇઓ-રામુ ગાંધી, રાજમોહન ગાંધી અને ગોપાલકૃષ્ણ ગાંધી સાથે છેલ્લા ક્યારે મળ્યા હતા?
તરત તેમણે કહ્યું,‘રામુભાઇ ગયા તેના ત્રણ જ દિવસ પહેલાં. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં. રામુભાઇની વર્ષગાંઠ હતી એ નિમિત્તે મળ્યા હતા.’

‘તમે ત્રણે મળો તો કઇ ભાષામાં વાતચીત કરો?’

‘હિંદી અને અંગ્રેજીમાં. બન્ને ભાષાઓને એકબીજા વિના ન ચાલે.’

અલપઝલપ વાતચીતમાં જુથિકા રોયની યાદ અપાવતાં એમને થોડી નવાઇ લાગી અને હસીને કહે,‘તમે બહુ બઘું શોધીને લાવ્યા છો.’ એટલે મેં જુથિકા રોય સાથે થયેલી મારી વાતચીતનો હવાલો આપ્યો અને એકાદ વસ્તુ યાદ કરાવી. વાતચીતના અંતે તેમને જુથિકા રોયની આત્મકથાના ગુજરાતી અનુવાદની એક નકલ અને ‘સરદારઃસાચો માણસ, સાચી વાત’ની એક નકલ આપી.

‘ફક્ત પંદર મિનીટ’ની વાતચીત નિરાંતે, કોઇ મહત્ત્વનો પ્રશ્ન બાકી ન રહી જાય ત્યાં સુધી ચાલી. પ્રસાર માઘ્યમોથી દેખીતાં કારણોસર દૂર રહેતા ગોપાલકૃષ્ણ ગાંધીની મુલાકાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ શીખવતા મિત્ર અશ્વિન ચૌહાણના પ્રેમાળ પ્રયાસોને કારણે શક્ય બની. મુલાકાત દરમિયાન તે સાથે હતા અને છેલ્લે તેમણે ગોપાલકૃષ્ણ ગાંધીને ગાંધીજીના જીવનની એક સૌથી યાદગાર ઘટના અંગે પૂછ્યું, ત્યારે ‘એ કહેવું તો બહુ અઘરૂં છે’ એમ કહીને, થોડી વાર વિચારીને ગાંધીએ બે ઘટનાઓ યાદ કરીઃ એક ગાંધીજીની અને એક નેહરૂની. ગાંધીજી કોલકાતામાં એક મુસ્લિમ પરિવારને ત્યાં ઉતર્યા હતા, ત્યારે એક હિંસક ટોળું વિવાદાસ્પદ મુસ્લિમ નેતા સુહરાવર્દીને મારવા ફરતું, ‘ક્યાં છે સુહરાવર્દી?’ એમ કહેતું આવી પહોંચ્યું. પથ્થરમારો ચાલુ થયો. એક પથ્થર ગાંધીજીની સાવ નજીકથી સનનન કરતો નીકળી ગયો, પણ જરાય ડગ્યા વગર ગાંધીજી ટોળાંને ઉદ્દેશીને બોલ્યા,‘તમારે મારવો જ હોય તો પહેલાં મને મારો.’

એવી જ રીતે દિલ્હીમાં ગાંધીજીના ઉપવાસ દરમિયાન ‘ગાંધીજીને મરવા દો’ એવું કોઇ ટોળામાંથી બોલ્યું ત્યારે પંડિતજી ઉશ્કેરાઇ ગયા. (ગોપાલકૃષ્ણ ગાંધીએ કહ્યું તેમ, ‘એ એક પુત્રની પ્રતિક્રિયા હતી. એ જુદી હોય.) ગુસ્સે થયેલા પંડિતજીએ કહ્યું, ‘કોણ બોલ્યું? કોણ બોલ્યું કે ગાંધીને મરવા દો? પહેલાં મને મારો.’

Monday, October 18, 2010

કહેતા ભી...,


૨૦૦૭માં ‘નટનટીઓને’ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નીમતાં રાજ્યો પ્રત્યે તુચ્છકાર વ્યક્ત કરતા અને પ્રમુખસ્વામીને ગુજરાતના કાયમી બ્રાન્ડ એમ્બેસેડર ગણાવીને તાળીઓ ઉઘરાવતા મુખ્ય મંત્રી મોદીની ભોળુડાંને મુગ્ધ કરતી સભારંજની છટા

.....૨૦૧૦માં (મુખ્ય મંત્રીની ભાષામાં) એક ‘નટ’ને ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા પછી જોવા- મઝા માણવા માટે! (કારણ કે એ સિવાય તો બીજી કોઇ શક્યતા દેખાતી નથી.)
Saturday, October 16, 2010

ફાફડારથ?

બે દિવસ પછી તોળાઇ રહેલા ફાફડા-જલેબીપર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદના દાસ પેંડાવાળાએ ગુરુવારે પોતાનાં ફાફડા-જલેબીના પ્રચાર માટે પાંચ પગરીક્ષાઓ ફરતી કરી હતી. આ તસવીર આશ્રમરોડ પરની છે.

શું લાગે છે? દશેરા રાવણ પર રામના વિજયનું પર્વ હશે? કે બાકીનાં ફરસાણ-મીઠાઇઓ પર ફાફડા-જલેબીના વિજયનું?

Friday, October 15, 2010

રતન માર્શલ @100 : શતાબ્દિપ્રવેશે જીવંતતાથી ઝળહળતા ‘રતન’ માર્શલ


Dr.Ratan Marshal with family (L to R) Son Rustom,
daughter-in-law Nishmin, Grandchildren Yohan & Ria

થોડા વખત પહેલાં હેરિસન ફોર્ડની એક ફિલ્મ જોઇ હતીઃ ‘વિટનેસ’. તેમાં અમેરિકાની ભૌતિકવાદી દોટ વચ્ચે, બાકીના લોકો સાથે સંઘર્ષમાં ઉતર્યા વિના, પોતાની મસ્તી અને પોતાના રીતરિવાજ જાળવી રાખીને જીવતા એમીશ લોકોની વાત વણી લેવામાં આવી હતી. આજે ડો.રતન માર્શલના શતાબ્દિપ્રવેશ (99મી વર્ષગાંઠ)ની પાર્ટીમાં તેમના ચાળીસ-પચાસ પારસી સ્નેહીઓ વચ્ચે અનાયાસે ‘વિટનેસ’ના એમીશ લોકોની યાદ તાજી થઇ.

પારસીઓ ગુજરાતીઓ કરતાં ઘણી બાબતોમાં અલગ, છતાં ગુજરાતમાં સંપૂર્ણપણે એકાકાર. ગુજરાતી ભાષા માટેના પ્રેમમાં તો તે સરેરાશ ગુજરાતીઓની વર્તમાન પેઢીને પણ ટપી જાય. બે પારસી ભેગા થાય તો અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં પણ વાત કરે જ. પારસીઓમાં તસવીરકાર હોમાય વ્યારાવાલા સાથે નિકટ પરિચય ખરો, પણ તે સંસારી જીવ નહીં. એકલપેટાં નહીં, પણ એકલાંરામ. એકલવીર. 100ની નજીક સરી રહેલાં, છતાં તબિયતે અડીખમ. ગઇ દિવાળીએ ફ્રેક્ચર થયા પછી અઠવાડિયું હોસ્પિટલમાં રહીને ફરી પાછાં ઘરે આવી ગયાં ને રાબેતા મુજબના સ્વાવલંબી જીવનમાં પરોવાઇ ગયાં.

બીજા એવા પારસી તે ડો.રતન રુસ્તમ માર્શલ. ત્રણેક વર્ષ પહેલાં આકાર પટેલ દિવ્ય ભાસ્કરના તંત્રી હતા ત્યારે રવિવારની પૂર્તિમાં આખું પાનું ભરીને ઇન્ટરવ્યુની કોલમ આવતી હતી. તે નિમિત્તે ડો.માર્શલને મળવાનું થયું. ત્યારથી થોડો પરિચય પણ થયો. પછી મિત્ર બિનીત મોદીને કારણે તેમના સતત ખબરઅંતર મળતા રહે. 14 ઓક્ટોબર, 2010ના રોજ તેમને 100મું વર્ષ બેઠું. એ નિમિત્તે પુત્ર-પુત્રવધુ રુસ્તમભાઇ- નિશ્મનબહેને તેમના ઘરે પાર્ટી યોજી હતી. બે દિવસ પહેલાં ‘ગિફ્ટ લાવવાની નથી’ એવી તાકીદ સાથેનું નિમંત્રણ મળ્યું ત્યારથી જ, સામાજિક-ઔપચારિક પ્રસંગોથી કંટાળો હોવા છતાં, આ પ્રસંગ માટે મનમાં ઝીણો રોમાંચ હતોઃ 100મા વર્ષની બર્થડે પાર્ટીમાં જવાનું થતું હોય એવા પ્રસંગો કેટલા?

સાંજે બિનીત-શિલ્પા મોદી સાથે માર્શલસાહેબના ઘરે પહોંચ્યા ત્યારે સાદગી અને સુરુચિથી સજાવેલા બંગલાની લોનમાં ઓટલા પર માર્શલસાહેબ એક ખુરશીમાં બેઠા હતા. સહેજ વધેલી દાઢી, ખુરશીમાં ઢળીને બેઠા હતા. બાજુમાં ટેબલ પર ફુલો અને બર્થડેને લગતી સામગ્રી ઉપરાંત એક શ્રીફળ. જઇને મળ્યા એટલે તે ઉભા થયા. થોડી વાતચીત કરી. ફોટો-વિડીયોની વિધી થઇ. માંડ ચાળીસ-પચાસ મહેમાનો હતો. તેમાંથી અમારા ત્રણ અને બીજા એકાદ-બે ચહેરા બાદ કરતાં બધા પારસી. ‘કેમ છેવ?’ની આરંભિક વિધીઓ અને મિલનમુલાકાતો પછી સૌ બગીચામાં ખુરશીઓ પર ગોઠવાયા. રુસ્તમભાઇએ થોડું બોલીને શરૂઆત કરી. ત્યાર પછી આવનારા લોકોમાંથી થોડા માર્શલસાહેબ વિશે બોલ્યા. વચ્ચે ડ્રિંક્સનો દૌર ચાલ્યો. ચેન્નઇ ભણતા માર્શલસાહેબના ‘મદ્રાસી પૌત્ર’ યોહાને ગિટાર પર એક અંગ્રેજી ગીત ગાયું. છેલ્લા માર્શલસાહેબે માઇક હાથમાં લીધું.

અત્યાર સુધી ફક્ત ખપજોગું બોલતા, મોટે ભાગે શુભેચ્છાસ્વીકાર તથા આશીર્વાદની મુદ્રામાં રહેલા રતન માર્શલે બોલવાનું શરૂ કર્યું અને સૌ તેમને ઓળખતાં હોવા છતાં વધુ એક વાર આશ્ચર્યચકિત થઇ ગયા. તેમના બુલંદ અને સ્પષ્ટ કંઠમાં 99 વર્ષનો જરાય ભાર કે થાક ન મળે. નાટકીય છટા સાથે પ્રભાવશાળી ગુજરાતીમાં તેમણે સૌનું અભિવાદન કરીને પોતાની વાત કહેવાનું શરૂ કર્યું. તેમની વાતોના કેટલાક અંશઃ

‘અમે મૂળ ખંભાતના. અમારી અટક ખંભાતા હતી. અમારો ધંધો શ્રીફળનો ખંભાતથી દક્ષિણમાં અમારાં વહાણ દોડે. અઢળક સમૃદ્ધિ. ભરૂચમાં ‘લાટી’ (મુખ્ય ઓફિસ). ત્યાં મિલકતો પણ ઘણી હતી. તેમાં એક સરસ વાડી પણ ખરી. નસીબે પલટો લીધો. શ્રીફળ ભરેલાં અમારાં બારકસ (વહાણ) દરિયામાં ડૂબી ગયાં. એ વખતે વાડી બહુ કામમાં આવી. એ વાડી સરકારને ભાડે આપી (કે વેચી.) તેમાં કલે્ક્ટર રહે. એ વખતે રહેતા કલેક્ટરનું નામ હતું માર્શલ. તેના કારણે વાડીનું મકાન ‘માર્શલસાહેબ રહે છે તે મકાન’ તરીકે ઓળખાવા લાગ્યું અને તેમાંથી અમારા બાપદાદાએ માર્શલ અટક અપનાવી લીધી.’

આ વાત પોતે સાંભળેલી છે, એવી સ્પષ્ટતા કરીને માર્શલસાહેબે તેમની પરિચિત, ખરજસ્વરમાં વ્યક્ત થતી મક્કમતા સાથે કહ્યું, ‘ભાડૂઆતના નામે મકાનમાલિક ઓળખાય ને મકાનમાલિક ભાડૂઆતની અટક અપનાવી લે એવું પણ સાવ ન હોય. મેં કહ્યું હતું કે આ પરિવર્તનમાં અંગ્રેજી અટક માટેની આપણી ઘેલછા પણ થોડીઘણી જવાબદાર હશે.’

માર્શલસાહેબ મેટ્રિકની પરીક્ષા આપવા જતા હતા ત્યારે બિલાડી આડી ઉતરી. તેને ગણકાર્યા વિના તેમણે નિરાંતે પરીક્ષા આપી ને પાસ પણ થઇ ગયા. ત્યાર પછી કોલેજના પહેલા વર્ષમાં જઇને તેમણે પહેલો લેખ લખ્યો, ‘કેટ ઓન માય પાથ’. ત્યારથી લખવાનું ચાલુ થઇ ગયું. લેખો-નિબંધો-નાટકો-નોંધપાત્ર પ્રદાન ધરાવતા છતાં વિસરાયેલા પારસીઓ વિશેના ચરિત્રાત્મક લેખો... પોતાના વિશે ઘણી બધી વાતો માર્શલસાહેબે ત્રીજા પુરુષ એકવચનમાં (નર્મદશૈલીમાં) કહી. જેમ કે ‘ફર્સ્ટ યર આર્ટસમાં ગણિત ગયું એટલે રતનની જિંદગી બદલાઇ ગઇ. રતન લખતો થયો, વાંચતો થયો, બોલતો થયો...’

કોલેજકાળ દરમિયાન મુંબઇના એક વિદ્વાન પારસી વક્તાની સભા કોલેજિયન રતન માર્શલે યોજી અને સભામાં આભારવિધી માટે બોલવા માર્શલ ઉભા થયા. તેમનું વક્તવ્ય સાંભળીને પારસી સમાજના અગ્રણી- નામી વકીલ કાવસજી વકીલે માર્શલસાહેબના પિતાને મળવા બોલાવ્યા. બીજા દિવસે એ મળવા ગયા, એટલે કાવસજીએ પારસી પંચાયતની કામગીરી નવા જમાનામાં લઇ જવાની જરૂરની વાત કરીને, એ માટે ‘નવજુવાનની જરૂર છે’ એમ કહીને રતનની માગણી કરી. રુસ્તમભાઇએ ઘરે આવીને રતનને વાત કરી એટલે રતન પણ કાવસજીને મળવા ગયા. શરૂઆતમાં રતને આનાકાની કરી.

‘તારે શું કરવું છે?’

‘મારે વકીલાત કરવી છે.’ રતન માર્શલે જવાબ આપ્યો.

‘વકીલાત કરીને શું કરીશ?’ કાવસજીએ પૂછ્યું.

‘કાવસજી વકીલના પગલે ચાલીશ.’ રતન માર્શલે કહ્યું.

એ સાંભળીને કાવસજી હસી પડ્યા હશે. પછી તેમણે કહ્યું, ‘એ જ કાવસજી તને પારસી પંચાયતમાં જોડાવાનું કહે છે.’

રતન માર્શલ તૈયાર થઇ ગયા. પગાર-બગારની વાત કેવી? વીસ દિવસ પછી નિમણૂંકપત્ર મળ્યો, ત્યાર પહેલાં તો રતન માર્શલના મનમાં પંચાયતની કામગીરી રમવા અને તેનાં આયોજનો રમવા માંડ્યાં હતાં. સુરતની પારસી પંચાયતમાં રતન માર્શલે લાગલગાટ સાત દાયકા સુધી નિઃસ્વાર્થ ભાવે, નિષ્ઠાપૂર્વક અને રસ લઇને કામ કર્યું. તેમના આ પ્રદાન પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે આજની પાર્ટીમાં પારસી પંચાયતના કેટલાક સભ્યો પણ આવ્યા હતા.

ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસનું પાયારૂપ સંશોધન કરીને તે ડો.રતન માર્શલ બન્યા. તેમનું પુસ્તક ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ’ ઘણા પત્રકારો અભ્યાસક્રમમાં ભણી ચૂક્યા છે. ‘કેળાની વખાર’ તરીકે જાણીતા રોડને ‘ફરેદુનજી મર્ઝબાન રોડ’નું નામ અપાવ્યું તેની વાત કરતી વખતે માર્શલસાહેબે ‘પાંજરાપોળ સિવાય બધે આપણે નેતાઓનાં નામ આપી દીધાં છે’ એની ચીડ પણ વ્યક્ત કરી.

વચ્ચે પાણી સુદ્ધાં પીધા વિના અડધો કલાક એકસરખા બુલંદ અવાજમાં બોલી શકતા, વિડીયોગ્રાફર કેસેટ બદલે ત્યાં સુધી પ્રવચન ‘પોઝ’ પર રાખીને પછી અધૂરી વાતનો તંતુ જરાય ખોરવાયા કે ખોટકાયા વિના સાધી લેતા ડો.રતન માર્શલ માટે હાઇકોર્ટના સિનિયર એડવોકેટ એવા તેમના પુત્ર રુસ્તમ માર્શલે કહ્યું હતું કે પપ્પાના વ્યક્તિત્વનાં બે મુખ્ય પાસાં છેઃ પારસી(પણું) અને ગુજરાતી(પણું)- અને એ બન્નેમાં એ જરાય બાંધછોડ (કોમ્પ્રોમાઇસ) કરતા નથી.

રુસ્તમભાઇ અને તેમનાં પત્ની નિશ્મીન માર્શલ એડવોકેટ છે. તેમની પુત્રી રિયા મુંબઇમાં વકીલાતનું ભણે છે અને પુત્ર યોહાન સંગીતનો જીવ છે. આ ચારે જણ અને બીજાં સ્નેહીઓની હૂંફને લીધે માર્શલસાહેબમાં આકળાપણું કે નિરાશાવાદ આવી ગયાં નથી. થોડાં વર્ષથી તે અમદાવાદમાં રુસ્તમભાઇ સાથે રહે છે, પણ સુરતનાં અખબારો વાંચીને સુરત સાથેનો નાતો તેમણે જીવંત રાખ્યો છે. સુરતને તે પ્રેમથી ગુજરાતની સંસ્કાર રાજધાની ગણાવે છે. સાથોસાથ, પોતે ‘સુરતી’ હોવા છતાં ગાળ બોલતા નથી એ પોતાની ‘ગેરલાયકાત’નો પણ એકરાર કરે છે.

સંતોષી અને સાર્થક જીવનના સોમા વર્ષમાં પ્રવેશનાર માર્શલસાહેબને અભિનંદન-શુભેચ્છા-પ્રણામ.

Wednesday, October 13, 2010

ભાવે દંપતિની મેઘાણી-મહેફિલ

Meghshree & Sanjay Bhave

સાહિત્યકાર - સાહિત્યસંસ્થાઓ + સાહિત્યભાવકો = ?

ગણિત પ્રત્યે પ્રેમ ન હોવા છતાં ઉપરનું સમીકરણ અને તેનો જવાબ મનમાં સુઝી આવે- ખરેખર તો જવાબ પરથી સમીકરણ સૂઝી આવે, એવું ગઇ કાલે મિત્રદંપતિ સંજય ભાવે-મેઘશ્રી ભાવેનો મેઘાણી વિશેનો કાર્યક્રમ સાંભળીને થયું. સવા કલાકના ‘અભિવાચન’માં ભાવેદંપતિના મેઘાણીપ્રેમ અને મેઘાણીઅભ્યાસ ઉપરાંત મેઘશ્રી ભાવેના કેળવાયેલા કંઠનો લહાવો વધારાનો.

સાંભળ્યું હતું બહુ વખતથી કે સંજયભાઇ અને મેઘશ્રીબહેન ‘આવો માણસ કોઇ દિ’ જોયો નથી’ એ શીર્ષક સાથે મેઘાણીના જીવન અને સાહિત્યનાં વિવિધ પાસાં આવરી લેતો કાર્યક્રમ કરે છે. એકથી વધારે વાર જવાનું વિચાર્યું, પણ અનુકૂળતા ન થઇ. છેવટે બે દિવસ પહેલાં મિત્ર કબીર ઠાકોર-નેહા શાહના ઘરે થોડા મિત્રોની અને ખાસ તો પ્રો.અંજનીબહેનની હાજરીમાં સાંજે સાત-સવા સાત વાગ્યે કાર્યક્રમ થવાનો હતો, એટલે વેળાસર પહોંચ્યો અને સવા કલાક સુધી મેઘાણીસ્મૃતિમાં મહાલ્યો.

મેઘાણીની મહાજાણીતી કૃતિઓ (કોઇનો લાડકવાયો, છેલ્લો કટોરો, શિવાજીનું હાલરડું, ચારણકન્યા)ની સાથોસાથ એકાદ પંક્તિથી જાણીતી પણ આખેઆખી પ્રચલિત ન હોય રચનાઓ, પત્રોના અંશ, વાર્તાના સાર, તેમના સાહિત્યના અંગ્રેજી-ફ્રેન્ચ સહિત ભાષાઓમાં થયેલા અનુવાદની વિગતો, ફુલછાબ કાર્ટૂન કેસ, ગરીબો-પીડિતો માટેની તેમની નિસબત અને તેને વ્યક્ત કરતી કૃતિઓ, વાસણો બનાવતી જીવણલાલ એન્ડ કંપનીમાં તેમની નોકરીથી માંડીને ‘લિ.હું આવું છું’ સુધીની તેમની જીવનયાત્રા, તેમણે વેઠેલી વિપરીતતાઓ અને તેની વચ્ચેથી પણ અવિરતપણે જારી રહેલું સાહિત્યસર્જન..અને આવું તો ઘણું સવા કલાકમાં આવરી લેવાયું છે. છતાં મેઘાણીનું પ્રદાન એટલું પ્રચંડ, બહોળું છતાં માતબર કે આટલું ઓછું લાગે.

પોતાના પ્રિય સાહિત્યકારને કેવી રીતે અંજલિ આપી શકાય, તેનું સરસ ઉદાહરણ ભાવેદંપતિ પૂરું પાડે છે. મેઘાણી આવો અઢી-ત્રણ કલાકનો ફુલ લેન્થ કાર્યક્રમ ખમે એવા છે. વચ્ચે એક ઇન્ટરવલ હોય તો ટાગોર હોલ નહીં ને પરિષદનો હોલ ભરાય એટલા શ્રોતાઓ તો આવા કાર્યક્મ માટે મળી શકે.... ‘લોભને થોભ નહીં’ અમસ્તું કહ્યું છે?

Tuesday, October 12, 2010

પૂતળાંસ્વરૂપ મહાનુભાવોને વટાવી ખાવાના કીમિયા

વર્ષો પહેલાં ડો.આંબેડકરે વ્યક્તિપૂજા સામે વાંધો વ્યક્ત કરતાં એ મતલબનું કહ્યું હતું કે જેમનાં પૂતળાં બને એ નેતાઓ અપ્રસ્તુત થઇ જાય છે. પછીનાં વર્ષોમાં દલિતોની ઉપેક્ષા કરીને, રાજકીય લાભ ખાટવા માટે ઉભાં કરાયેલાં ડો.આબેડકરનાં પૂતળાંએ બાબાસાહેબની વાત સાચી પાડી બતાવી.

રાજકીય કે વર્તમાન રાજકારણ સાથે સાંકળી શકાય એવી હસ્તીઓનાં પૂતળાં રાજકીય પક્ષોની લુચ્ચાઇ અને તેમના દંભનાં પ્રતીક છે. ખાસ કરીને છેલ્લા એકાદ-બે દાયકામાં ઉભાં કરાયેલાં રાજનેતાઓનાં પૂતળાં પાછળની મુખ્ય ગણતરી આ જ હોય છેઃ લોકોને તેમના ગમતા નેતાનું મસ્ત મોટું પૂતળું બનાવી આપો. એટલે આપણે (વર્તમાન નેતાઓ) દિવંગત હસ્તીના રસ્તે ચાલતા નથી કે તેમના આદર્શોની પરવા કરતા નથી, એવો ધોખો રાખ્યા વિના લોકો આપણી પર રીઝી જશે.

બીજા શબ્દોમાં કહેવું હોય તો, રાજકીય પક્ષો પ્રજાના મોટા સમુદાયને એટલો મૂરખ સમજે છે કે તે પૂતળા જેવી નકામી ચીજથી રાજી થઇ જાય.

પ્રજા વિશેની તેમની આ માન્યતા સાચી પડી છે કે નહીં એ જુદો વિષય છે, પણ નેતાઓની ઘૃષ્ટતા ગજબની છે. જરાય ખચકાટ વિના, લોકશાહીના છ દાયકા પછી પણ, પૂતળાં જેવાં ‘રમકડાં’ દ્વારા ઘણાંખરાં તમામ ઊંમરનાં બાળકોને આંજી શકાશે અથવા તેમની આંખમાં ઘૂળ નાખી શકાશે એવું તે માને છે અને ઘણી હદે સાબીત પણ કરી બતાવે છે.

ખરૂં જોતાં પક્ષીઓ સિવાય બીજા કોઇ માટે પૂતળાંનો કશો ઉપયોગ હોતો નથી. પરંતુ રાજકીય નેતાઓ તેમાં અપવાદ છે. લોકોની લાગણી સાથે રમત રમીને લોકપ્રિયતા લણવાની હોય કે મત ઉઘરાવવાના હોય, ત્યારે મૃત નેતાઓનાં પૂતળાં જીવંત નેતાઓને ઠીક ઠીક ખપમાં લાગે છે.

પૂતળાનું નામ, પોતાનું કામ
બે વર્ષ પહેલાં મુંબઇમાં કોંગ્રેસ-એન.સી.પી.ની યુતિ સરકારે દરિયાકિનારે છત્રપતિ શિવાજીનું ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ કરતાં પણ ઉંચું, ભવ્ય પૂતળું મૂકવાની જાહેરાત કરી હતી. મલબાર હિલ અને નરીમાન પોઇન્ટ વચ્ચે અરબી સમુદ્રમાં મુકાનાર આશરે ૩૦૦ ફૂટ ઊંચા પૂતળા પાછળ રૂ.૩૫૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ હતો.
વાસ્તવમાં શિવાજીનું મસમોટું પૂતળું બનાવવાનું વચન ૨૦૦૪ની ચૂંટણીઓ વખતે કોંગ્રેસ-એનસીપી યુતિએ પોતાના ચૂંટણીઢંઢેરામાં આપ્યું હતું. એ જુદી વાત છે કે તેના અમલનાં હજુ ઠેકાણાં નથી. પરંતુ પૂતળાની નિરર્થકતા અંગે ટીકા કરનાર અને આ પ્રોજેક્ટનો સૈદ્ધાંતિક વિરોધ કરનાર મરાઠી ‘લોકસત્તા’ના તંત્રી કુમાર કેતકરના ઘર પર હુમલો થયો હતો.

આ હુમલો કોણે કર્યો હશે? કોઇ અટકળ?

શિવસેનાના કાર્યકરોએ? મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ? ના, આ હુમલો શિવાજીનું નામ ધરાવતી કોઇ સંસ્થાએ કર્યો હતો, જે શરદ પવારના એનસીપી સાથે સંબંધિત હતી!

શિવાજીના અને મરાઠા અસ્મિતાના નામે કોઇ પણ હદે જવા માટે કુખ્યાત બાળ ઠાકરેએ આ હુમલા વિશે શું કહ્યું હતું? તેમણે હુમલાનો વિરોધ કરીને કહ્યું હતું,‘હુમલો કરનારા કેતકરના લેખનો મર્મ સમજ્યા નથી. કેતકરે પ્રજાકીય નાણાંના બગાડ સામે આંગળી ચીંધી છે.’

બાળ ઠાકરેના મોઢેથી ‘લખાણનો મર્મ’ જેવા શબ્દો અને શાણપણની વાત સાંભળીને આઘાત પામવાની જરૂર નથી. કારણ કે, છેવટે આ બઘું રાજકારણ છે. શિવાજીનું મહાકાય પૂતળું બનાવીને કોંગ્રેસ-એનસીપી રાજકીય ફાયદો લઇ જાય, તો શિવસેના શું કરે? વિરોધ તો કરી શકે નહીં, પણ પ્રોજેક્ટનો વિરોધ કરનારને સાચાં નહીં, પોતાનાં કારણોસર ટેકો તો આપી શકે!

પૂતળાના તરફદારો ઇતિહાસ અને સંસ્કૃતિથી માંડીને ગૌરવ અને પરંપરાના હવાલા આપે છે. શિવાજીનું વિરાટ પૂતળું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે એવું પણ કોંગ્રેસી મુખ્ય મંત્રી વિલાસરાવે કહ્યું હતું- કેમ જાણે મુંબઇમાં પ્રવાસીઓ માટેનાં આકર્ષણોની ખોટ હોય. તેમણે શિવાજીના પૂતળાની સાથોસાથ બગીચો, મ્યુઝીયમ, શિવાજીના જીવન વિશેની ફિલ્મ પ્રદર્શીત કરવાની વ્યવસ્થા...વગેરે રાબેતા મુજબનાં રૂડાંરૂપાળાં આયોજનો જાહેર કર્યાં હતાં, જેથી કેવળ પૂતળા પાછળ આટલો મોટો ખર્ચ થઇ રહ્યો છે એવી ટીકાથી બચી શકાય અને કંઇક નક્કર, અભ્યાસપૂર્ણ અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું કામ થઇ રહ્યું છે એવો દેખાવ ઉભો કરી શકાય.

પરંતુ આપણા દેશમાં પ્રતિષ્ઠિત અને વર્ષોથી સ્થપાયેલાં મ્યુઝીયમની તથા ઐતિહાસિક ચીજવસ્તુઓ-દસ્તાવેજોની કેવી કરૂણ અવસ્થા છે એ સૌ જાણે છે. રૂ.૩૫૦ કરોડ શિક્ષણ કે આરોગ્યની મૂળભૂત સુવિધાઓને બદલે ધારો કે ઇતિહાસ-સંસ્કૃતિ- ગૌરવ-પરંપરા પાછળ વાપરવાનું નક્કી કરી નાખ્યું હોય તો સંગ્રહસ્થાનો, સંશોધનસંસ્થાઓ, ઐતિહાસિક દસ્તાવેજો વગેરેની સાચવણી, તેમનું ડિજિટાઇઝેશન અને ઇન્ટરનેટ પર તેમને ઉપલબ્ધ બનાવવા જેવાં અનેક કામ થઇ શકે. તેનાથી દેશ ઉપરાંત વિદેશમાં પણ ભારતીય ઇતિહાસ-સંસ્કૃતિ-પરંપરાની ગૌરવગાથા પહોંચે.

પરંતુ એવું કરવાથી ચૂંટણીમાં શો ફાયદો થાય? મનોરંજન ઝંખતી આમજનતામાં શી રીતે જયજયકાર થાય?

કોની ઊંચાઇ વધારવી છે?
મહારાષ્ટ્રમાં ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં ઉંચા’ શિવાજીના પૂતળાનું ઠેકાણું પડે તે પહેલાં ગુજરાતના મુખ્ય મંત્રીએ સરદાર પટેલના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની જાહેરાત કરી છે. એમ્યુઝમેન્ટ પાર્ક/મનોરંજન નગરીની શૈલીમાં નીતનવાં જોણાં ઉભાં કરીને લોકપ્રિયતા મેળવવા-સરકાર ચલાવા જાણીતા ગુજરાતના મુખ્ય મંત્રીએ જણાવ્યું છે કે સરદાર પટેલનું આ પૂતળું ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ કરતાં બમણું ઉંચું અને વિશ્વમાં સૌથી ઉંચું હશે. ત્યાં હાઇટેક મ્યુઝીયમ, રીસર્ચ એન્ડ એકેડેમિક સેન્ટર, સાંસ્કૃતિક કેન્દ્ર વગેરે વગેરે પણ સ્થાપવામાં આવશે. (આ બઘું આગળ, હમણાં જ, ક્યાંક વાંચેલું લાગે છે?) આખા પ્રોજેક્ટનો ખર્ચ રૂ.૧ હજાર કરોડ થવાનો અંદાજ છે.

સરદાર સરોવર બંધથી ૩ કિ.મી. દૂર ઉભા થનારા સરદાર પટેલના ‘વિશ્વમાં સૌથી ઉંચા (૧૮૨ મીટર ઉંચા)’ પૂતળામાં અને મુંબઇના દરિયાકાંઠે સ્થપાનારા શિવાજીના પૂતળામાં ઉંચાઇ સિવાય કોઇ તાત્ત્વિક ફરક ખરો? દાવાથી માંડીને આશય સુધીની બાબતોમાં શિવાજીના પૂતળા વિશે જણાવ્યું છે, એ બઘું સરદારના પૂતળાને પણ લાગુ નથી પડતું?

મુખ્ય વાંધો તો બન્ને પૂતળાંની નિરર્થકતા સામે અને પૂતળાંથી મહાનુભાવોને મોટા દેખાડવાના દાવાથી હોવો જોઇએ. વધારામાં, સરદારના પૂતળાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તરીકે ઓળખાવવું, એ મુંબઇના ફિલ્મઉદ્યોગને ‘બોલિવુડ’ કહેવા જેવું છે- ઝટ જીભે તો ચડી જાય, પણ સહેજ વિચારતાં નકલીયું અને અપમાનજનક નથી લાગતું? અમેરિકાનો ફિલ્મઉદ્યોગ હોલિવુડ તરીકે ઓળખાતો હોય અને કલકત્તાના ટોલિગંજ વિસ્તારને કારણે બંગાળી ફિલ્મઉદ્યોગ ટોલિવુડ તરીકે ઓળખાતો હોય તો ભલે, પણ મુંબઇ (અગાઉના બોમ્બે)નો ફિલ્મઉદ્યોગ બોલિવુડ તરીકે શા માટે ઓળખાવો જોઇએ? એવું જ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે કહી શકાય, જે ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ કરતાં બમણા કદનું થયા પછી પણ ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ની નકલમાંથી બહાર આવી શકતું નથી.

રહી વાત ‘ધ લાર્જેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ’ના દાવાની. એ દાવો પૂતળાના બાંધકામના એક વિક્રમ તરીકે નોંધપાત્ર ગણી શકાય, પણ તેનાથી સરદાર પટેલનો મહિમા વધશે એમ માની લેવું અઘરૂં છે. અત્યાર સુધીમાં સરદાર પટેલનો ઉપયોગ, દુરૂપયોગ અને ઉપેક્ષા થવાનાં હતાં એટલાં થઇ ચૂક્યાં છે. કેટલાક પટેલો સરદારને ‘પટેલ’ ગણીને ખોટેખોટા પોરસાય છે, ભાજપી નેતાઓ સરદારપટેલને ખોટી રીતે હિંદુતરફી અને મુસ્લિમવિરોધી ગણીને, ‘એ તો આપણાવાળા કહેવાય’ એવી ખોટી છાપ ફેલાવે છે અને સરદારના નામ પર કોમવાદનું કલંક લગાડે છે. નેહરૂ સાથેના સહકારભર્યા કામ છતાં તેમની સરદાર-નેહરૂ વચ્ચેના મતભેદોને લીધે, કરોડરજ્જુ વગરના કોંગ્રેસીઓએ સરદારને કચવાતા મને સ્વીકાર્યા છે અને તેમનો મહિમા કરવાનું બને ત્યાં સુધી ટાળ્યું છે. આ પરિસ્થિતિમાં ‘દુનિયાનું સૌથી ઉંચું પૂતળું’ મુખ્ય મંત્રી પોતાના લાભાર્થે તૈયાર કરાવી રહ્યા છે કે સરદારના લાભાર્થે, એવો સવાલ પૂતળાથી પોરસાઇ જનારા સૌએ શાંત ચિત્તે પોતાની જાતને પૂછવાનો છે.

સરદારને બીજાથી જુદા કે બીજાથી ઉંચા દેખાવા માટે કદી બાહ્ય દેખાડા કે ઠઠારાની જરૂર પડી ન હતી. ફક્ત પોતાના કર્તૃત્વના જોરે તે પાંચ ફૂટ સાડાપાંચ ઈંચની પોતાની શારીરિક ઊંચાઇ કરતાં અનેક ગણા વધારે ઉંચા ઉઠી શક્યા હતા. સરદારની સાદગીની તુલના ડિઝાઇનર્સ કપડાં પહેરતા નેતાઓ સાથે ન કરીએ અને તેમને બદલાયેલા જમાનાનો (ગેર)લાભ આપીએ તો પણ, વહીવટી બાબતોમાં, રાષ્ટ્રની સેવામાં અને ન્યાયનું શાસન સ્થાપિત કરવામાં અત્યારનો એકેય નેતા સરદારની ટચલી આંગળીના નખની તોલે પણ આવે એમ નથી.

ભારતના ભાગલાના પગલે આખો દેશ કોમી હિંસાની હોળીમાં સળગતો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવાનું અશક્ય થઇ પડ્યું હતું, ત્યારે મતભેદો છતાં સરદાર અને નેહરૂએ રાજધર્મ જાળવીને શાસન ચલાવ્યું. ન્યૂટનનો ત્રીજો નિયમ ત્યારે પણ શોધાઇ ચૂક્યો હતો. છતાં સરદાર પટેલે ગુંડાઓના ધર્મને કે રાજકારણીઓની ગુંડાવૃત્તિને ઉત્તેજન આપ્યું નહીં. દેખાડાને બદલે દેશસેવા તેમની પ્રાથમિકતા હતી.

સરદાર પટેલને યાદ કરવા, તેમને અંજલિ આપવા અને તેમના જીવનકાર્યને આમજનતા સુધી પહોંચાડવા માટે- ટૂંકમાં સરદારને અમર કરવા માટે વિશ્વનું સૌથી ઉંચું પૂતળું બનાવવાની જરૂર નથી. મુખ્ય મંત્રીને સૌથી ઉંચું પૂતળું બનાવ્યાનો જશ લેવો હોય તો લે, પણ એમાં સરદાર પટેલ જેવા સાદગીને વરેલા સમર્પીત દેશસેવક અને નિષ્પક્ષ-ન્યાયી વહીવટકર્તાને વચ્ચે લાવવાની- તેમનું નામ વટાવી ખાવાની જરૂર નથી.

ખરેખર તો ગાંધી-આંબેડકર-સરદાર-નેહરૂ કે તેમના પહેલાંની પેઢીના ટિળક-ગોખલે જેવા રાજનેતાઓ વિશે અથવા રાણા પ્રતાપ-શિવાજી જેવાં પાત્રો વિશે ‘પૂતળાં પ્રતિબંધક કાયદો’ ઘડવાનો સમય પાકી ગયો છે. આવો કાયદો આવશે તો ‘મોંઘાં રમકડાં’ પાછળ વેડફાતા પ્રજાના રૂપિયાની સાથોસાથ દિવંગત મહાનુભાવોની યાદગીરીની ગરીમા પણ બચી જશે.

Sunday, October 10, 2010

કોમન છતાં અનકોમન-વેલ્થ ગેમ્સ


ઉપરની બન્ને તસવીરો ટ્રેનમાં રોંગ સાઇડથી ચડી જવા માટે તત્પર સંખ્યાબંધ લોકોની છે. તેમાં સ્ત્રી-પુરૂષના ઝાઝા ભેદભાવ નથી. ટ્રેન જે પ્લેટફોર્મ પર આવતી હોય ત્યાં પુષ્કળ ગીરદી હોય, એટલે જગ્યા મળવાની અને ધક્કામુક્કીથી બચવાની લાલચે ઘણા લોકો રોંગ સાઇડ પર, પ્લેટફોર્મ વિના ઉભા રહીને ત્યાંથી ટ્રેનમાં ચડવાનો જોખમી વિકલ્પ અપનાવે છે.
અમદાવાદ તરફના ટ્રેન વ્યવહારમાં, ટ્રેન ઉભી હોય ત્યારે તેમાં રોંગસાઇડથી ચડવું ઇચ્છનીય નથી, તેમ બહુ જોખમી પણ નથી. પરંતુ ખરું જોખમ ત્યારે સર્જાય છે, જ્યારે બીજી તરફથી પણ ટ્રેન આવતી હોય. કેટલીક વાર તો એવું બને કે બીજી તરફથી આવતી ટ્રેન ઉભી રહેવાને બદલે સડસડાટ પસાર થઇ જવાની હોય અથવા તે ખુલ્લાં બારણાં ધરાવતી ગુડ્સ ટ્રેન હોય. એ સંજોગોમાં રોંગ સાઇડથી ચડવા નીચે ઉતરી પડેલા લોકોને બન્ને તરફથી ટ્રેનના સુસવાટાનો સામનો કરવો પડે છે. બન્ને ટ્રેક વચ્ચેની જગ્યા કેટલી ઓછી હોય છે તે ઉપરની તસવીરોમાં જોઇ શકાય છે. છતાં, પ્લેટફોર્મ પર ચડવાનો વિકલ્પ જતો કરીને ફક્ત સુવિધા ખાતર (એક વાર થોડી તકલીફ વેઠી લઇને!) અંદર જગ્યા મળે એ માટે લોકો આવું જોખમ લે છે.
રોડ આ તસવીરમાં દેખાય છે એટલો પણ ખાલી નથી. કેમ કે તે મણીનગર બીઆરટીએસનો મુખ્ય રસ્તો છે. છતાં બંધ બાઇકવાળા મિત્ર નિરાંતે રિક્ષાના સહારે 'ગંતવ્ય સ્થાન' ભણી જઇ રહ્યા છે. ક્યાં જવું છે એની તમેને ખબર હશે, પણ તે ક્યાં પહોંચી શકે તેમ છે તેનો બાઇકબહાદુરને જરાય વિચાર આવતો હશે?
આ જરા 'લો કી' પ્રકારનું સાહસ છ. તેમાં મરી ન જવાય, પણ મચકોડ આવી શકે- હાડકાં પણ ભાંગી શકે. છતાં, મણિનગર સ્ટેશન સામે બીઆરટીએસના બસ સ્ટેન્ડ માટે જગ્યા કરવા એએમટીએસનું પદ્ધતિસરનું બસસ્ટેન્ડ કાઢી નાખ્યું ત્યારથી બસમાં ચડવા માટે આવી જ સ્થિત હોય છે. ડરે તે મરે તો નહીં, પણ રહી જાય ખરું.

સૌથી નિર્દોષ પ્રકાર. લાંબા અરસા સુધી મણિનગર સ્ટેશનની બરાબર બહાર નીકળવા માટે આવી 'વૈતરણી' પાર કરવી ફરજિયાત હતી. બે-ત્રણ ચોમાસાંથી આવી સ્થિતિ હતી. આખા મણિનગર સ્ટેશનનું રીનોવેશન થઇ ગયું ને ઝગમગાટ કરતી લાઇટો મુકાઇ ગઇ, ત્યાર પછી પણ આ પાણીનું કંઇ થતું ન હતું. ટ્રેન આવી હોય, અસંખ્ય મુસાફરો બહાર જવા માટે ઉતાવળા હોય ત્યારે રામનામ વિના તરતા હોય એવા જણાતા આ પથ્થર પુલની ગરજ સારતા હતા. આખરે કોઇને બત્ત્તી થઇ શે એટલે પાણી ભરાતું હતું એ ભાગમાં આરસીસીનું લેયર કરી નાખ્યું. ત્યાર પછી પાણી ભરાતું અટક્યું.

Thursday, October 07, 2010

કિતાબી નવાજૂની

Five Decades – The National Academy of Letters, India (A short history of Sahitya Akademi)

D.S.Rao

કિંમતઃ રૂ.1,100 પાનાં (મોટા કદનાં) 346

સાહિત્ય અકાદમીના દસ્તાવેજી ઇતિહાસ જેવા આ પુસ્તકમાં કેટલીક યાદગાર તસવીરો અને પુસ્તકના અંતે કેટલાક પત્રો યથાતથ મૂકવામાં આવ્યા છે, જે પુસ્તકનું મૂલ્ય વાજબી ઠરાવે એવા છે. જેમ કે, વડાપ્રધાન તરીકે નેહરુએ આશ્ચર્યજનક લાગે એટલી નિસબત અને વ્યક્તિગત કાળજીથી લખેલા પત્રો,સત્યજીત રેનો પત્ર, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પુસ્તકને ઇનામ માટે સૂચવતી વખતે ઉમાશંકર જોશીએ છાપેલા ફોર્મમાં સ્વહસ્તાક્ષરમાં કરાવેલું પુસ્તકનું મહત્તાદર્શન, જયંત કોઠારીએ ‘હરીફાઇ હોય એવું કોઇ સન્માન ન સ્વીકારવાના સંકલ્પ’ ને કારણે અકાદમીના ઇનામનો પણ અસ્વીકાર કર્યો, તેની જાણ કરતો પત્ર....


Close Up - Memoirs of a life on stage & screen

Zohra Segal (Women Unlimited)

કિંમતઃ રૂ.375, પાનાં 182

નોંધઃ પૃથ્વી થિયેટર્સની બે અભિનેત્રી-બહેનો ઝોહરા અને ઉઝરા બટ્ટમાંથી ઝોહરા નેવુ વટાવ્યા પછી પણ તેમના વિલક્ષણ ચહેરા અને અભિનયક્ષમતા માટે ચર્ચામાં રહ્યાં છે. દોઢેક દાયકા પહેલાં તેમની એક આત્મકથા ‘કાલી ફોર વીમેન’ તરફથી પ્રકાશિત થઇ હતી. આ નવી આત્મકથામાં પૃથ્વીરાજ કપૂરના કેટલાક અગાઉ પ્રસિદ્ધ ન થયા હોય એવા પત્રો સમાવવામાં આવ્યા છે. તસવીરો પણ છે જ.

Sunday, October 03, 2010

હોલિવુડની હિટ ફિલ્મ ‘ગાંધી’ના ભૂલાયેલા ગુજરાતી પ્રેરક મોતીલાલ કોઠારી

(ડાબેથી) વડાપ્રધાન ઈંદીરા ગાંધી, મોતીલાલ કોઠારી અને રિચાર્ડ એટેનબરો
(L to R: Mrs. Gandhi, Motilal Kothari, Richard Attenborough)

વર્ષ ૧૯૮૨. જેની આતુરતાથી રાહ જોવાતી હતી, એવી રિચાર્ડ એટેનબરોની ફિલ્મ ‘ગાંધી’ આખરે થિયેટરમાં રજૂ થઇ. થિયેટરના કૃત્રિમ અને ઉત્તેજનાપ્રેરક અંધારામાં નદીનું પહેલું દૃશ્ય ઉઘડ્યું, ટાઇટલ શરૂ થયા...‘રિચાર્ડ એટેનબરોઝ ગાંધી’ એ શબ્દો પડદા પર છવાયા. ત્યાર પછી બીજા કોઇનું પણ નામ આવે તે પહેલાં મોટા પડદા પર ત્રણ નામ આવ્યાં અને બરાબર બાર સેકંડ સુધી, સૌ કોઇ વાંચી શકે એ રીતે, પડદા પર રહ્યાં અર્લ માઉન્ટબેટન ઓફ બર્મા, કે.જી., પંડિત જવાહરલાલ નેહરૂ... અને આ બન્ને નામોની ઉપર, સૌથી પહેલું નામ હતું: મોતીલાલ કોઠારી.

પડદા પરનું આખું લખાણ આ પ્રમાણે હતુંઃ ધીઝ ફિલ્મ ઇઝ ડેડિકેટેડ ટુ મોતીલાલ કોઠારી, અર્લ માઉન્ટબેટન ઓફ બર્મા, કે.જી. એન્ડ પંડિત જવાહરલાલ નેહરૂ- વિધાઉટ હુઝ ઇન્સ્પીરેશન, અનફેઇલિંગ એડવોકસી એન્ડ ફેઇથ, ઇટ વુડ નોટ હેવ બીન મેડ.

ફિલ્મની હિંદી આવૃત્તિમાં શબ્દો હતાઃ યે ચિત્ર મોતીલાલ કોઠારી, અર્લ માઉન્ટબેટન ઓફ બર્મા, કે.જી. ઔર પંડિત જવાહરલાલ નેહરૂકો સમર્પીત હૈ, જીનકી પ્રેરણા, સમર્થન ઔર સહયોગકે બિના ઇસકા નિર્માણ સંભવ નહીં થા. (આ શબ્દો પાછળ બોલાતા પણ હતા)

ફિલ્મને મળેલા ૮ ઓસ્કારમાંથી શ્રેષ્ઠ અભિનયનો ઓસ્કાર એવોર્ડ બેન કિંગ્સ્લીને જાહેર થયો. બિનનિવાસી ગુજરાતી પિતાના પુત્ર બેન કિંગસ્લી (મૂળ નામઃ કૃષ્ણ ભાણજી) સ્ટેજ પર ગયા અને એવોર્ડ સ્વીકાર્યા પછીની માંડ આઠ-દસના ટૂંકા પ્રતિભાવમાં તેમણે કહ્યું,‘આઇ એમ કસ્ટોડિયન ઓફ ધીસ એવોર્ડ ફોર લોટ ઓફ પીપલ...ધીઝ ફિલ્મ વોઝ ડેડિટેકેટ ટુ પંડિત નેહરૂ, અર્લ માઉન્ટબેટન ઓફ બર્મા એન્ડ મોતીલાલ કોઠારી- ઓલ મેન ઓફ ગ્રેટ વિઝન એન્ડ કરેજ...’

‘ગાંધી’ જેવા મોટા પ્રોજેક્ટમાં અને તેની સફળતાની ઉજવણીની ક્ષણોમાં યાદ કરાતાં નામોમાંથી માઉન્ટબેટન અને નેહરૂને તો જાણે ઓળખ્યા, પણ તેમની હારોહાર બલ્કે ટાઇટલમાં તેમની પણ ઉપર જેમનું નામ મૂકાયું, એ મોતીલાલ કોઠારી કોણ હતા? અને એમનું નામ બધાથી પહેલું કેમ?

તેનો આછોપાતળો જવાબ ઇન્ટરનેટ પર ખાંખાખોળાં કરવાથી મળે છે: મોતીલાલ કોઠારી બ્રિટનમાં રહેતા ગુજરાતી હતા અને ભારતીય હાઇકમિશનમાં કામ કરતા હતા. નાના પાયે તે ફિલ્મનિર્માતા પણ હતા. તેમણે છેક ૧૯૬૦ના દાયકામાં ‘ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઇ’ જેવી અનેક ફિલ્મોથી જાણીતા ડાયરેક્ટર ડેવિડ લીનનો સંપર્ક કર્યો અને ગાંધીજી વિશે ફિલ્મ બનાવવા સૂચવ્યું. એ પ્રયાસ સફળ ન થતાં, કોઠારી તે સમયના વિખ્યાત અભિનેતા રિચાર્ડ એટેનબરોને મળ્યા.

એટેનબરોએ આત્મકથામાં લખ્યું છે,‘હું કોઠારીને બિલકુલ ઓળખતો ન હતો. કોઇ પાસેથી નંબર મેળવીને એમણે મને ફોન કર્યો હતો અને એ મને મળવાનો બહુ આગ્રહ કરી રહ્યા હતા. એટલે થોડા ખચકાટ સાથે હું તેમને મળ્યો.’ એટેનબરોના પિતા ગાંધીજીથી પ્રભાવિત હતા. તેની ઝાંખી છાપ એટેનબરો પર હતી. પણ ગાંધી વિશે ફિલ્મ બનાવવાનું તેમણે કદી કલ્પ્યું ન હતું.

મઘ્યમ વયના મોતીલાલ કોઠારી એટેનબરોના નોંઘ્યા પ્રમાણે ગાંધીજીના અનુયાયી હતા અને તેમની હત્યા પછી દેશ છોડીને બ્રિટનમાં વસ્યા હતા, પણ ગાંધીજીના જીવનકાર્યની કથા કહેવાવી જોઇએ, એવું તેમને તીવ્રપણે લાગતું હતું. એ તેમના જીવનનું ઘ્યેય બની ગયું હતું.

‘મારે જ ફિલ્મ ડાયરેક્ટ કરવી જોઇએ એવા મોતીલાલના આગ્રહથી મને નવાઇ લાગી.’ એવું જણાવતાં એટેનબરોએ લખ્યું છે કે ‘અમે મળ્યા ત્યારે હું સ્ટાર એક્ટર હતો ને સાવ નાના પાયે સ્વતંત્ર નિર્માતા તરીકે કામ શરૂ કર્યું હતું.’

એક વેબસાઇટ પર ફિલ્મ વિશેની વાત કરતાં એટેનબરોએ લખ્યું છે,‘૧૯૬૧ની આસપાસ ઇન્ડિયન સિવિલ સર્વન્ટ મોતીલાલ કોઠારીએ મને મહાત્મા ગાંધીનું (લુઇ ફિશરે લખેલું) જીવનચરિત્ર આપ્યું અને તેની પરથી ફિલ્મ બનાવવાની દૃષ્ટિએ પુસ્તક વાંચવા મને કહ્યું. મેં મોતીલાલને જણાવ્યું કે અગાઉ કદી મેં ફિલ્મનું ડાયરેક્શન કર્યું નથી. પરંતુ રંગભેદ વિશેના મારા વિચારોનો હવાલો આપીને મોતીલાલે આગ્રહ રાખ્યો કે મારે ગાંધી વિશેની ફિલ્મ ડાયરેક્ટ કરવાનું વિચારી જોવું.’

‘મેં પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. ૨૩મા પાને દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનો એક પ્રસંગ આવ્યો. તેમાં ગાંધી પોતાના મિત્રને કહે છે,‘પોતાના જેવા બીજા માણસનું અપમાન કરવાથી પોતાનું માન વધશે એવું લોકોને કેવી રીતે લાગતું હશે? મને હંમેશાં એ વિચારીને નવાઇ લાગે છે.’

સાવ જુવાનિયા છોકરા (ગાંધી)ના મોઢેથી આ વાત સાંભળીને એટેનબરો સ્તબ્ધ થઇ ગયા. ‘મારે મિસ્ટર કોઠારીને કહેવું હતું કે મેં તમારું ચોપડું હજુ પૂરૂં કર્યું નથી (આઇ હેવન્ટ ફિનિશ્ડ રીડિંગ યોર ડેમ બુક), પણ આ ફિલ્મ ડાયરેક્ટ કરવા માટે હું કંઇ પણ કરીશ.’ એટેનબરોએ રાત જાગીને મોતીલાલ કોઠારીએ આપેલું ગાંધીનું ચરિત્ર પૂરૂં કર્યું અને અગાઉ ડાયરેક્શનનો અનુભવ ન હોવા છતાં, ગાંધી વિશેની ફિલ્મ ડાયરેક્ટ કરવાની ગાંઠ વાળી. આત્મકથામાં એટેનબરો લખે છે,‘મેં મોતીલાલને પૂછ્યું કે તમારા પ્રોજેક્ટને ટેકો કરનાર કોઇ છે? નાણાં...નાણાંની વાત છે...તમારી પાસે ફિલમ બનાવવાનાં ફદિયાં છે?’

મોતીલાલ કોઠારીએ મુંઝવણભર્યા સ્વરે કહી દીઘું, ‘ના મિસ્ટર એટેનબરો, મારી પાસે કાવડિયું પણ નથી.
એટેનબરોને માઉન્ટબેટન સાથે પરિચય હતો. તેમની ભલામણથી વડાપ્રધાન નેહરૂને મળવાનું થયું. નેહરૂએ પ્રોજેક્ટમાં ઘણો રસ લીધો, ‘બાપુ’ની ભૂમિકા માટે અલેક ગિનેસનું નામ પણ સૂચવ્યું અને કહ્યું કે ‘જોજો, એમને
સાવ ભગવાન બનાવી ન દેતા. એ બહુ મહાન માણસ હતા.’

ત્યાર પછીના છૂટાછવાયા અંકોડા ૧૯૬૫ના એક અંગ્રેજી સામયિક પિક્ચરપોસ્ટ’માંથી મળે છે, જેના તસવીર વિભાગમાં બીજી અનેક તસવીરો વચ્ચે એક ‘સરકારી’ ફોટો છે. તેમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે મોતીલાલ કોઠારી અને રિચાર્ડ એટેનબરો ઉભેલા દેખાય છે. નીચે ફક્ત એટલું જ લખ્યું છે કે ‘ધ લાઇફ ઓફ મહાત્મા ગાંધી’ એ ફિલ્મપ્રોજેક્ટ માટે આ બન્ને જણ શ્રીમતી ગાંધીને મળ્યા હતા.

બે વર્ષ પછી, , ૧૯૬૭નાં અખબારમાં, તાજમહાલ હોટેલમાં યોજાયેલી એક પત્રકારપરિષદનો અહેવાલ મળે છે. ‘એક અપૂર્વ સાહસ. ગાંધીજીના જીવન પરથી તૈયાર થનારૂં ચિત્રપટ’ એવા મથાળા હેઠળ ‘ગુજરાત સમાચાર’માં રજૂ થયેલા અહેવાલમાં જણાવાયું છે કે ‘આંતરાષ્ટ્રીય ક્ષેત્રે જેનું બહુ મુલ્ય ગણાય એવું મહાત્મા ગાંધીજીના જીવન પરથી ચિત્ર બનાવવાનું ભવ્ય સાહસ ગાંધીજીના શિષ્ય શ્રી મોતીલાલ કોઠારી કરી રહ્યા છે.’

એ વખતે ફિલ્મ પાછળ ૯-૧૦ લાખ પાઉન્ડનો ખર્ચ થવાની ધારણા હતી. ફિલ્મના સિલસિલામાં એ લોકો વડાપ્રધાન શ્રીમતિ ઇન્દીરા ગાંધી, કાકા કાલેલકર, જયપ્રકાશ નારાયણ, પ્યારેલાલ, ગુરૂદયાળ મલીક, મામા ફડકે, રાજમોહન ગાંધી, છગનલાલ ગાંધી જેવા લોકોને મળ્યા હતા. પત્રકાર પરિષદમાં એમ પણ જણાવાયું હતું કે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહથી ગાંધીજીની ફિલ્મની શરૂઆત થશે.’


અહેવાલમાં જણાવાયા પ્રમાણે ‘ઇન્ડે ફિલ્મ્સવાળા શ્રી મોતીલાલ કોઠારીએ જણાવ્યું હતું કે કેટલાક અનિવાર્ય સંજોગોને લીધે આ મહાન ચિત્ર તૈયાર કરવાનું કામ અમુક સમય સુધી ઢીલમાં મુકાઇ ગયું હતું. પરંતુ હવે ભારત સરકારની પરવાનગી મળી ગઇ છે. કલાકારો, દિગ્દર્શક વગેરે માટે હજી અમે વિચારણા કરી રહ્યાં છીએ.’

૧૯૬૭ પછી વઘુ ૧૫ વર્ષ વીતી ગયાં. ફિલ્મ માટે કોઇ મોટા સ્ટુડિયોનો ટેકો ન મળતાં ઠેકઠેકાણેથી નાણાં ઉઘરાવીને, આર્થિક મદદના સાટામાં ડાયરેક્શનના કરારો કરીને અને ‘માઉસટ્રેપ’ જેવા સુપરહિટ નાટકમાં પોતાના હિસ્સાના હક વેચીને અને અંગત સંગ્રહનાં કેટલાંક ચિત્રો વેચીને રિચાર્ડ એટેનબરોએ ફિલ્મ બનાવી. મોડે મોડેથી ઇન્દિરા ગાંધીની આગેવાની હેઠળ ભારત સરકારે ત્રીજા ભાગનું રોકાણ કર્યું અને સરકારી રાહે શક્ય એટલી સુવિધાઓ કરી આપી. અગાઉની ભારતીય બાબુશાહીના અનેક માઠા અનુભવો પછી આખરે એટેનબરોનું ગાડું પાટે ચડ્યું, પરંતુ ૧૯૮૦માં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું, ત્યારે મોતીલાલ કોઠારી પોતાનું સ્વપ્ન સાકાર થતું જોવા મોજૂદ ન હતા. એટેનબરોએ આત્મકથામાં નોંઘ્યા પ્રમાણે, ‘મોતીલાલ હયાત ન હતા, પણ તેમને અંજલિ તરીકે અમે એક હિંદુ પુરોહિતને બોલાવ્યા અને તેમણે કેમેરાને આશીર્વાદ આપ્યા.’

ફિલ્મ બે વર્ષમાં બની, પ્રદર્શીત થઇ અને છવાઇ ગઇ. છતાં, રિચાર્ડ એટેનબરોની -અને બેન કિંગ્સ્લીની- એટલી ગુણગ્રાહિતા કે તેમણે મોતીલાલ કોઠારીનું નામ ફિલ્મના ટાઇટલથી ઓસ્કાર સમારંભના સ્ટેજ સુધી આગળ ને આગળ રાખ્યું અને જશની ચોરી માટે કુખ્યાત ફિલ્મઉદ્યોગમાં જુદો દાખલો બેસાડ્યો.