Friday, October 15, 2010

રતન માર્શલ @100 : શતાબ્દિપ્રવેશે જીવંતતાથી ઝળહળતા ‘રતન’ માર્શલ


Dr.Ratan Marshal with family (L to R) Son Rustom,
daughter-in-law Nishmin, Grandchildren Yohan & Ria

થોડા વખત પહેલાં હેરિસન ફોર્ડની એક ફિલ્મ જોઇ હતીઃ ‘વિટનેસ’. તેમાં અમેરિકાની ભૌતિકવાદી દોટ વચ્ચે, બાકીના લોકો સાથે સંઘર્ષમાં ઉતર્યા વિના, પોતાની મસ્તી અને પોતાના રીતરિવાજ જાળવી રાખીને જીવતા એમીશ લોકોની વાત વણી લેવામાં આવી હતી. આજે ડો.રતન માર્શલના શતાબ્દિપ્રવેશ (99મી વર્ષગાંઠ)ની પાર્ટીમાં તેમના ચાળીસ-પચાસ પારસી સ્નેહીઓ વચ્ચે અનાયાસે ‘વિટનેસ’ના એમીશ લોકોની યાદ તાજી થઇ.

પારસીઓ ગુજરાતીઓ કરતાં ઘણી બાબતોમાં અલગ, છતાં ગુજરાતમાં સંપૂર્ણપણે એકાકાર. ગુજરાતી ભાષા માટેના પ્રેમમાં તો તે સરેરાશ ગુજરાતીઓની વર્તમાન પેઢીને પણ ટપી જાય. બે પારસી ભેગા થાય તો અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં પણ વાત કરે જ. પારસીઓમાં તસવીરકાર હોમાય વ્યારાવાલા સાથે નિકટ પરિચય ખરો, પણ તે સંસારી જીવ નહીં. એકલપેટાં નહીં, પણ એકલાંરામ. એકલવીર. 100ની નજીક સરી રહેલાં, છતાં તબિયતે અડીખમ. ગઇ દિવાળીએ ફ્રેક્ચર થયા પછી અઠવાડિયું હોસ્પિટલમાં રહીને ફરી પાછાં ઘરે આવી ગયાં ને રાબેતા મુજબના સ્વાવલંબી જીવનમાં પરોવાઇ ગયાં.

બીજા એવા પારસી તે ડો.રતન રુસ્તમ માર્શલ. ત્રણેક વર્ષ પહેલાં આકાર પટેલ દિવ્ય ભાસ્કરના તંત્રી હતા ત્યારે રવિવારની પૂર્તિમાં આખું પાનું ભરીને ઇન્ટરવ્યુની કોલમ આવતી હતી. તે નિમિત્તે ડો.માર્શલને મળવાનું થયું. ત્યારથી થોડો પરિચય પણ થયો. પછી મિત્ર બિનીત મોદીને કારણે તેમના સતત ખબરઅંતર મળતા રહે. 14 ઓક્ટોબર, 2010ના રોજ તેમને 100મું વર્ષ બેઠું. એ નિમિત્તે પુત્ર-પુત્રવધુ રુસ્તમભાઇ- નિશ્મનબહેને તેમના ઘરે પાર્ટી યોજી હતી. બે દિવસ પહેલાં ‘ગિફ્ટ લાવવાની નથી’ એવી તાકીદ સાથેનું નિમંત્રણ મળ્યું ત્યારથી જ, સામાજિક-ઔપચારિક પ્રસંગોથી કંટાળો હોવા છતાં, આ પ્રસંગ માટે મનમાં ઝીણો રોમાંચ હતોઃ 100મા વર્ષની બર્થડે પાર્ટીમાં જવાનું થતું હોય એવા પ્રસંગો કેટલા?

સાંજે બિનીત-શિલ્પા મોદી સાથે માર્શલસાહેબના ઘરે પહોંચ્યા ત્યારે સાદગી અને સુરુચિથી સજાવેલા બંગલાની લોનમાં ઓટલા પર માર્શલસાહેબ એક ખુરશીમાં બેઠા હતા. સહેજ વધેલી દાઢી, ખુરશીમાં ઢળીને બેઠા હતા. બાજુમાં ટેબલ પર ફુલો અને બર્થડેને લગતી સામગ્રી ઉપરાંત એક શ્રીફળ. જઇને મળ્યા એટલે તે ઉભા થયા. થોડી વાતચીત કરી. ફોટો-વિડીયોની વિધી થઇ. માંડ ચાળીસ-પચાસ મહેમાનો હતો. તેમાંથી અમારા ત્રણ અને બીજા એકાદ-બે ચહેરા બાદ કરતાં બધા પારસી. ‘કેમ છેવ?’ની આરંભિક વિધીઓ અને મિલનમુલાકાતો પછી સૌ બગીચામાં ખુરશીઓ પર ગોઠવાયા. રુસ્તમભાઇએ થોડું બોલીને શરૂઆત કરી. ત્યાર પછી આવનારા લોકોમાંથી થોડા માર્શલસાહેબ વિશે બોલ્યા. વચ્ચે ડ્રિંક્સનો દૌર ચાલ્યો. ચેન્નઇ ભણતા માર્શલસાહેબના ‘મદ્રાસી પૌત્ર’ યોહાને ગિટાર પર એક અંગ્રેજી ગીત ગાયું. છેલ્લા માર્શલસાહેબે માઇક હાથમાં લીધું.

અત્યાર સુધી ફક્ત ખપજોગું બોલતા, મોટે ભાગે શુભેચ્છાસ્વીકાર તથા આશીર્વાદની મુદ્રામાં રહેલા રતન માર્શલે બોલવાનું શરૂ કર્યું અને સૌ તેમને ઓળખતાં હોવા છતાં વધુ એક વાર આશ્ચર્યચકિત થઇ ગયા. તેમના બુલંદ અને સ્પષ્ટ કંઠમાં 99 વર્ષનો જરાય ભાર કે થાક ન મળે. નાટકીય છટા સાથે પ્રભાવશાળી ગુજરાતીમાં તેમણે સૌનું અભિવાદન કરીને પોતાની વાત કહેવાનું શરૂ કર્યું. તેમની વાતોના કેટલાક અંશઃ

‘અમે મૂળ ખંભાતના. અમારી અટક ખંભાતા હતી. અમારો ધંધો શ્રીફળનો ખંભાતથી દક્ષિણમાં અમારાં વહાણ દોડે. અઢળક સમૃદ્ધિ. ભરૂચમાં ‘લાટી’ (મુખ્ય ઓફિસ). ત્યાં મિલકતો પણ ઘણી હતી. તેમાં એક સરસ વાડી પણ ખરી. નસીબે પલટો લીધો. શ્રીફળ ભરેલાં અમારાં બારકસ (વહાણ) દરિયામાં ડૂબી ગયાં. એ વખતે વાડી બહુ કામમાં આવી. એ વાડી સરકારને ભાડે આપી (કે વેચી.) તેમાં કલે્ક્ટર રહે. એ વખતે રહેતા કલેક્ટરનું નામ હતું માર્શલ. તેના કારણે વાડીનું મકાન ‘માર્શલસાહેબ રહે છે તે મકાન’ તરીકે ઓળખાવા લાગ્યું અને તેમાંથી અમારા બાપદાદાએ માર્શલ અટક અપનાવી લીધી.’

આ વાત પોતે સાંભળેલી છે, એવી સ્પષ્ટતા કરીને માર્શલસાહેબે તેમની પરિચિત, ખરજસ્વરમાં વ્યક્ત થતી મક્કમતા સાથે કહ્યું, ‘ભાડૂઆતના નામે મકાનમાલિક ઓળખાય ને મકાનમાલિક ભાડૂઆતની અટક અપનાવી લે એવું પણ સાવ ન હોય. મેં કહ્યું હતું કે આ પરિવર્તનમાં અંગ્રેજી અટક માટેની આપણી ઘેલછા પણ થોડીઘણી જવાબદાર હશે.’

માર્શલસાહેબ મેટ્રિકની પરીક્ષા આપવા જતા હતા ત્યારે બિલાડી આડી ઉતરી. તેને ગણકાર્યા વિના તેમણે નિરાંતે પરીક્ષા આપી ને પાસ પણ થઇ ગયા. ત્યાર પછી કોલેજના પહેલા વર્ષમાં જઇને તેમણે પહેલો લેખ લખ્યો, ‘કેટ ઓન માય પાથ’. ત્યારથી લખવાનું ચાલુ થઇ ગયું. લેખો-નિબંધો-નાટકો-નોંધપાત્ર પ્રદાન ધરાવતા છતાં વિસરાયેલા પારસીઓ વિશેના ચરિત્રાત્મક લેખો... પોતાના વિશે ઘણી બધી વાતો માર્શલસાહેબે ત્રીજા પુરુષ એકવચનમાં (નર્મદશૈલીમાં) કહી. જેમ કે ‘ફર્સ્ટ યર આર્ટસમાં ગણિત ગયું એટલે રતનની જિંદગી બદલાઇ ગઇ. રતન લખતો થયો, વાંચતો થયો, બોલતો થયો...’

કોલેજકાળ દરમિયાન મુંબઇના એક વિદ્વાન પારસી વક્તાની સભા કોલેજિયન રતન માર્શલે યોજી અને સભામાં આભારવિધી માટે બોલવા માર્શલ ઉભા થયા. તેમનું વક્તવ્ય સાંભળીને પારસી સમાજના અગ્રણી- નામી વકીલ કાવસજી વકીલે માર્શલસાહેબના પિતાને મળવા બોલાવ્યા. બીજા દિવસે એ મળવા ગયા, એટલે કાવસજીએ પારસી પંચાયતની કામગીરી નવા જમાનામાં લઇ જવાની જરૂરની વાત કરીને, એ માટે ‘નવજુવાનની જરૂર છે’ એમ કહીને રતનની માગણી કરી. રુસ્તમભાઇએ ઘરે આવીને રતનને વાત કરી એટલે રતન પણ કાવસજીને મળવા ગયા. શરૂઆતમાં રતને આનાકાની કરી.

‘તારે શું કરવું છે?’

‘મારે વકીલાત કરવી છે.’ રતન માર્શલે જવાબ આપ્યો.

‘વકીલાત કરીને શું કરીશ?’ કાવસજીએ પૂછ્યું.

‘કાવસજી વકીલના પગલે ચાલીશ.’ રતન માર્શલે કહ્યું.

એ સાંભળીને કાવસજી હસી પડ્યા હશે. પછી તેમણે કહ્યું, ‘એ જ કાવસજી તને પારસી પંચાયતમાં જોડાવાનું કહે છે.’

રતન માર્શલ તૈયાર થઇ ગયા. પગાર-બગારની વાત કેવી? વીસ દિવસ પછી નિમણૂંકપત્ર મળ્યો, ત્યાર પહેલાં તો રતન માર્શલના મનમાં પંચાયતની કામગીરી રમવા અને તેનાં આયોજનો રમવા માંડ્યાં હતાં. સુરતની પારસી પંચાયતમાં રતન માર્શલે લાગલગાટ સાત દાયકા સુધી નિઃસ્વાર્થ ભાવે, નિષ્ઠાપૂર્વક અને રસ લઇને કામ કર્યું. તેમના આ પ્રદાન પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે આજની પાર્ટીમાં પારસી પંચાયતના કેટલાક સભ્યો પણ આવ્યા હતા.

ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસનું પાયારૂપ સંશોધન કરીને તે ડો.રતન માર્શલ બન્યા. તેમનું પુસ્તક ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ’ ઘણા પત્રકારો અભ્યાસક્રમમાં ભણી ચૂક્યા છે. ‘કેળાની વખાર’ તરીકે જાણીતા રોડને ‘ફરેદુનજી મર્ઝબાન રોડ’નું નામ અપાવ્યું તેની વાત કરતી વખતે માર્શલસાહેબે ‘પાંજરાપોળ સિવાય બધે આપણે નેતાઓનાં નામ આપી દીધાં છે’ એની ચીડ પણ વ્યક્ત કરી.

વચ્ચે પાણી સુદ્ધાં પીધા વિના અડધો કલાક એકસરખા બુલંદ અવાજમાં બોલી શકતા, વિડીયોગ્રાફર કેસેટ બદલે ત્યાં સુધી પ્રવચન ‘પોઝ’ પર રાખીને પછી અધૂરી વાતનો તંતુ જરાય ખોરવાયા કે ખોટકાયા વિના સાધી લેતા ડો.રતન માર્શલ માટે હાઇકોર્ટના સિનિયર એડવોકેટ એવા તેમના પુત્ર રુસ્તમ માર્શલે કહ્યું હતું કે પપ્પાના વ્યક્તિત્વનાં બે મુખ્ય પાસાં છેઃ પારસી(પણું) અને ગુજરાતી(પણું)- અને એ બન્નેમાં એ જરાય બાંધછોડ (કોમ્પ્રોમાઇસ) કરતા નથી.

રુસ્તમભાઇ અને તેમનાં પત્ની નિશ્મીન માર્શલ એડવોકેટ છે. તેમની પુત્રી રિયા મુંબઇમાં વકીલાતનું ભણે છે અને પુત્ર યોહાન સંગીતનો જીવ છે. આ ચારે જણ અને બીજાં સ્નેહીઓની હૂંફને લીધે માર્શલસાહેબમાં આકળાપણું કે નિરાશાવાદ આવી ગયાં નથી. થોડાં વર્ષથી તે અમદાવાદમાં રુસ્તમભાઇ સાથે રહે છે, પણ સુરતનાં અખબારો વાંચીને સુરત સાથેનો નાતો તેમણે જીવંત રાખ્યો છે. સુરતને તે પ્રેમથી ગુજરાતની સંસ્કાર રાજધાની ગણાવે છે. સાથોસાથ, પોતે ‘સુરતી’ હોવા છતાં ગાળ બોલતા નથી એ પોતાની ‘ગેરલાયકાત’નો પણ એકરાર કરે છે.

સંતોષી અને સાર્થક જીવનના સોમા વર્ષમાં પ્રવેશનાર માર્શલસાહેબને અભિનંદન-શુભેચ્છા-પ્રણામ.

4 comments:

  1. Narendra9:47:00 AM

    Gujarat ne potani odakh apnar Parsi o ne salaam. Marshalsaheb ne 99 varsh pura karva mate abhinandan.
    Urivsh, avi hasti o ne ru-b-ru karav va badal abhar.

    ReplyDelete
  2. પારસીઓનું અસલ ગુજરાતીપણું, બહાદુરી, નિખાલસતા, મન મોહી લેતી હરિયાળીથી ભરેલા તેમના બંગલાઓ, ઝીન્દાદીલી થી ભરેલી સંતોષી જીવનશૈલી, અને અગાધ નોલેજ ખરેખર સલામને પાત્ર છે , ઉટીના મેઈન બજાર માં નીલગીરીના તેલ અને અન્ય ઔષધીયો વેચવાની જૂની દુકાન વર્ષોથી ધરાવતા એક વૃદ્ધ પરંતુ ખડતલ પારસી બિરાદર સાથે અમારી મિત્ર મંડળી એ જ્યાં સુધી હિન્દી અને ઈંગ્લીશ માં વાતો કરી ત્યાં સુધી તેમણે પણ હિન્દી અને ઈંગ્લીશ માં જ ચાલુ રાખ્યું, અને જેવું એક મિત્ર એ ગુજરાતી માં તેમને કોઈ સવાલ કર્યો કે તરત જ તેઓ તેમના અસલી ગુજરાતી મિજાજમાં પ્રગટ થયા, ત્યાર બાદ સતત એક કલાક સુધી અમારી સાથે શુદ્ધ ગુજરાતી માં નિખાલસતા થી વાતો કરે રાખી... અને ઉત્સાહપૂર્વક તેમણે સ્પોર્ટ્સમાં અને વકતૃત્વ સ્પર્ધાઓમાં પોતાને મળેલા ઢગલાબંધ મેડલો બતાવ્યા,... બીજા એક પારસી ની વાત કરું તો ....જીવતીજાગતી નેશનલ જ્યોગ્રોફીક કે ડીસ્કવરી ચેનલ જેવા, એવા કોઈ પણ વિષય પર અસ્ખલિત જાણકારી આપી સકતા, જ્ઞાન ના અખૂટ ભંડાર સમા, ગુજરાત કોલેજના બાયોલોજીના યંગ પ્રોફેસર ડો. કે. એ. પીઠાવાલા પણ ખરેખર મળવા જેવા મજાનાપારસી છે.

    ReplyDelete
  3. આ દાદાને હું પગે લાગું છું. થોડાક આશીર્વાદની આશાએ.

    ReplyDelete
  4. માર્શલ સાહેબનો મહાનિબંધ (પુસ્તક સ્વરૂપે) 'ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ' અમારે પત્રકારત્વમાં સંદર્ભ ગ્રંથ તરીકે અભ્યાસમાં આવતો. ત્યારે કોઈને ખબર નહિ કે માર્શલ સાહેબ જીવે છે કે નહિ! બાદમાં દિવ્ય ભાસ્કરમાં એમની મુલાકાત વાંચી ત્યારે ખબર પડી કે આ દંતકથા સમા સર્જક તો જીવે છે.

    ReplyDelete