Showing posts with label prakash shah/પ્રકાશ ન.શાહ. Show all posts
Showing posts with label prakash shah/પ્રકાશ ન.શાહ. Show all posts

Saturday, July 27, 2019

પ્રકાશોત્સવ (૨) : નાગરિક સહભાગીતાનો ઉમળકાભર્યો જલસો

પ્રકાશભાઈના પુસ્તક પ્રકાશન અને મોક કોર્ટની સાથે સન્માનનિધિ એકત્ર કરવાનું નક્કી કર્યું, ત્યારે સમારંભની આડે માંડ સવા મહિનો બાકી હતો. આવાં કામ ત્રણ-ચાર મહિના પહેલાં તો શરૂ થવાં જોઈએ, એવી પરંપરાગત માન્યતા હતી. આવા કામ માટે નામી હસ્તીઓની સમિતિ બનાવવી જોઈએ, મિટિંગો કરવી જોઈએ અને પછી જ આગળ વધવું જોઈએ, એવી પણ પરંપરાગત માન્યતા હતી. પણ અમે નક્કી કર્યું હતું કે આપણે પરંપરાગત માન્યતાઓને વિરામ આપવો અને આપણી—એટલે ‘સાર્થક’ની- ચંદુભાઈ, હસિત મહેતા જેવી અમારી મિત્રમંડળીના આયોજનની ઢબથી, નો નોનસેન્સ પદ્ધતિએ આખું આયોજન કરવું. તેના માટે અમારી દૃષ્ટિએ પૂરતો સમય હતો અને શું ન કરવું તેની સ્પષ્ટ સમજણ.

એક તરફ સન્માનનિધિની રકમ માટે પ્રકાશભાઈના શક્ય હોય એટલા પરિચિતોને એક વાર જાણ કરવાનું કામ ચાલ્યું. તેમાં અપેક્ષા કરતાં ઓછા મિત્રો સંકળાયા. છતાં, આખા કામમાં કોઈને કશી ફરજ પાડવી નહીં, એવી સમજ પ્રમાણે સૌને મોકળાશ હતી. બીજી તરફ મોક કોર્ટની સ્ક્રીપ્ટ લખવાનું કામ હતું, જે સૌથી છેલ્લે રાખ્યું હતું. કારણ કે એ બાબતે હું સંપૂર્ણ નિરાંતમાં હતો. મારા મનમાં સ્પષ્ટ હતું કે આપણે કોઈ પાસેથી વ્યાવસાયિક અભિનય કરાવવાનો નથી કે સંવાદ ગોખાવવાના નથી. લખેલી સ્ક્રીપ્ટ આપીશું. તે સાથે જ રાખવાની. તેમાંથી અને તેની આસપાસ બોલવાનું, એટલે પંચલાઇનો જળવાઈ રહે અને સમયની પાબંદી રહે. લોકોને મઝા આવે-કંટાળો ન આવે એટલી પંચલાઇનો હતી અને પ્રત્યેક સાક્ષી માટે મર્યાદિત સમય.

એવું જ કામ કોર્ટ માટે સ્ટેજ તૈયાર કરવાનું હતું. એ જવાબદારી પહેલેથી પરમ મિત્ર, વિખ્યાત ફિલ્મ નિર્દેશક, અભિનેતા અને વોઇસ આર્ટિસ્ટ આશિષ કક્કડ અને જાણીતા નાટ્યકાર- ‘સ્ક્રેપયાર્ડ’ ખ્યાત કબીરભાઈ ઠાકોરે આનંદપૂર્વક ઉપાડી લીધી હતી. એટલે તેની શી ચિંતા? વચ્ચે માંડ એકાદબે વાર ફોન પર વાત થઈ હશે. પંદરેક દિવસ પહેલાં વિદ્યાપીઠ હોલમાં જઈને બંને જણે રૂબરૂ સ્ટેજ જોઈ લીધું.
'આ લાઇટિંગનું ને ભડક લાલ જાજમનું શું કરીશું?'
 કબીર ઠાકોર, આશિષ કક્કડ / Kabir Thakore, Ashish Kakkad
કાર્યક્રમના દિવસે અમે સવારે સાડા અગીયારે પહોંચી ગયા. કબીરભાઈ અને તેમનો સાથી સાવન આવી ગયા. આશિષ કક્કડ આવ્યા. વિદ્યાપીઠના સ્થાનિક હોવાને કારણે નાનીમોટી બાબતમાં સતત સાથે રહેતા અધ્યાપક મિત્ર અશ્વિન ચૌહાણ અને ફોટોગ્રાફી-વિડીયોગ્રાફીની વ્યવસ્થા સંભાળનારા આલાપ બ્રહ્મભટ્ટ તો હતા જ. થોડી વારમાં તો કબીરભાઈએ તૈયાર કરાવેલી પ્રોપર્ટી, આરોપીના પાંજરાનાં સ્પેરપાર્ટ, તેમની નીચે ગોઠવવાનાં પાટીયાં...બધું આવવા માંડ્યું. બપોરે જ હોલમાં રહેલા ફિક્સ સ્ક્રીન પર કમ્પ્યુટર પ્રોજેક્શનનું એડજસ્ટમેન્ટ કરી દીધું. સ્ક્રીન પર કેટલીક તસવીરો આરોપોના પુરાવા તરીકે રજૂ થવાની હતી અને એક સરપ્રાઇઝ પેકેજ તરીકે, પ્રકાશભાઈનો અભિનય ધરાવતી એક શોર્ટ ફિલ્મના કેટલાક સ્ટીલ અને એક દૃશ્ય બતાવવાનાં હતાં. કાર્યક્રમની બપોરે દોઢ વાગ્યે અમે હોલ પરથી નીકળ્યા ત્યારે મોક કોર્ટનો આખો તખ્તો તૈયાર હતો.
પિંજરેકે પંછી રે.../ આશિષ કક્કડ, કબીર ઠાકોર
Ashish Kakkad, Kabir Thakore preparing the stage for mock trial

***

કાર્યક્રમ પછી પ્રકાશભાઈ તરફથી ભોજનની વ્યવસ્થા હતી. આમ તો એ ફક્ત વિદ્યાપીઠ કેન્ટિનમાં કહી દેવાનો મામલો હોય. પણ વરસાદના દિવસો. આમંત્રિતોની સંખ્યા નક્કી નહીં. જમવાનું પહેલેથી જાહેર કર્યું ન હતું. સ્થળ તરીકે વિદ્યાપીઠની કેન્ટિન અને તેની બાજુમાં આવેલી લોન (મયુરઉદ્યાન) જ પહેલી પસંદગી હોય. પણ વરસાદ પડે તો શું? એ માટે એસ્ટેટ વિભાગના અભુભાઈને કહીને એક હોલની સ્પેર તૈયારી રાખી હતી. વિદ્યાપીઠના કુલનાયક અનામિકભાઈ કાર્યક્રમની સાંજે અન્ય રોકાણને લીધે હાજર રહેવાના ન હતા. પણ જતાં પહેલાં તે બધી પૂછપરછ કરીને, તેમના તરફથી બધી મદદની ખાતરી અને વ્યવસ્થા કરતા ગયા હતા.

પ્રકાશક તરીકે જેમ અમે પહેલાં વાચક-લેખક હોવાને કારણે એ દૃષ્ટિકોણથી વિચારીએ, તેમ આયોજક તરીકે અમે પહેલાં ઓડિયન્સ હોવાને કારણે, એ દૃષ્ટિકોણથી વિચારીએ.

જેમ કે, ભોજન માટે વિચાર્યું હતું કે મોટી જગ્યા અને ત્રણ કાઉન્ટર રાખવાં, જેથી અકળાવનારી ભીડ ન થાય. મેનુમાં વાનગીઓ પણ એવી હોવી જોઈએ કે પચાસ-પંચોતેર માણસો વધી જાય તો છેલ્લી ઘડીએ સહેલાઈથી વાનગી તૈયાર કરી શકાય અને બને ત્યાં સુધી કોઈને કોઈ વાનગી વિના ચલાવવું ન પડે. હોલમાં એસી ન હતું, પણ હોલ બુક કરાવ્યો ત્યારે એવી આશા હતી કે વચ્ચેના એકાદ મહિનામાં ચોમાસું બેસી ગયું હશે ને ઠંડક થઈ હશે. એ એક ગણતરી ખોટી પડી ને તેના કારણે સૌ ઘણા હેરાન થયા. પણ હોલમાં છેલ્લી ઘડીએ એસી મુકાવવાનું અમારા માટે શક્ય ન હતું. હવે વિદ્યાપીઠના સંચાલકોને વિનંતી કે બીજી છેલ્લી ઘડી આવે તે પહેલાં હોલમાં વૈભવ માટે નહીં, આવશ્યકતા તરીકે અને જાહેર હિતમાં-શ્રોતાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને વહેલી તકે એસીની સુવિધા ઉભી કરે.

કાર્યક્રમના થોડા દિવસ પહેલાં ‘આર્ટ મણિ’વાળા મિત્ર મણિલાલ રાજપુત અને તેમના સાથીદાર રણજિતની મદદથી પુસ્તક તૈયાર થઈ ગયું હતું અને એકાદ અઠવાડિયા પહેલાં છપાઈને પણ આવી ગયું હતું. ત્યાં જ કાર્યક્રમના બેનર અને અમદાવાદમાં કેટલાક ઠેકાણે લગાડવાનાં પોસ્ટરની ડીઝાઇન પણ તૈયાર કરી લીધી. બિનીત મોદીએ ઠેકઠેકાણે ફરીને લાયબ્રેરી જેવાં જાહેર સ્થળોએ એ-3 સાઇઝનાં પોસ્ટર લગાડ્યાં. ઉપરાંત અપીલ મોકલવામાં પણ મદદ કરી.


પહેલા તબક્કામાં સન્માનનિધિ માટેની અપીલ મોકલવાનું કામ ચાલ્યું, તો છેલ્લા એકાદ અઠવાડિયામાં સોશ્યલ મિડીયા પર અને પોસ્ટથી પ્રિન્ટ આઉટ સ્વરૂપે આમંત્રણો મોકલવાનું કામ ચાલ્યું. રાબેતા મુજબ ચંદુભાઈએ નાદુરસ્ત તબિયતે પણ પ્રેમ અને ઉલટથી ઘણો શ્રમ લીધો. બીજા મિત્રોએ પણ યથા અનુકૂળતા આમંત્રણો આગળ ધપાવ્યાં. તેના પ્રતિભાવ પરથી જણાતું હતું કે અમદાવાદમાં એ જ દિવસે, એ જ સમયે બીજા બે કાર્યક્રમ હોવા છતાં, પ્રકાશોત્સવમાં સંખ્યાનો વાંધો નહીં આવે.

***

કાર્યક્રમ પહેલાં સાંજે ચાર વાગ્યે પ્રકાશભાઈના ઘરે પહોંચ્યો, ત્યારે તે તેમની કાયમી નિરાંતમાં હતા. ‘કેટલા વાગ્યે હોલ પર પહોંચશો?’ના જવાબમાં કહે, ‘સાડા પાંચનો કાર્યક્રમ છે. પાંચ ને વીસ સુધીમાં પહોંચી જઈશ.’

‘આજે બધા તમને મળવા ઇચ્છશે. એટલે વહેલા આવી શકાય તો સારું.’ એવું સૂચવ્યા પછી તે પાંચેક વાગ્યે આવી ગયા. તેમની સાથે નયનાબહેન ઉપરાંત અમેરિકાથી આવેલાં તેમનાં પુત્રી ઋતા શાહ અને બીજાં પરિવારજનો પણ હતાં. તેમનાં દિલ્હીસ્થિત દીકરી રીતિ આવી શક્યાં ન હતાં. તેમના પતિ અને અંગ્રેજી પત્રકાર તરીકેની સ્વતંત્ર ઓળખ ધરાવતા આશિષ મહેતા આવી ગયા હતા. તે પણ અદાલતમાં સાક્ષી તરીકે ઉપસ્થિત થવાના હતા.

પ્રકાશભાઈના ઘરેથી કાર્યક્રમના એક કલાક પહેલાં હોલ પર પહોચ્યો, ત્યારે પાંચ-સાત મહેમાનો આવી ચૂક્યા હતા. એ જોઈને જ મને થયું કે હોલ ચિક્કાર થઈ જશે અને માણસો વધી પડશે. એ ધારણા સાચી જ પડી. લગભગ પોણા છએ કાર્યક્રમ શરૂ થયો ત્યારે લગભગ 350 બેઠકો ધરાવતો હોલ ભરચક થઈ ગયો હતો. કાર્યક્રમમાં સૌથી પહેલી વિનંતી એ કરવી પડી કે ખુરશી પર બેઠેલા યુવાન મિત્રો વડીલો માટે જગ્યા કરી આપે.
હૈયું જ નહીં, હોલ પણ છલકાવી દેતો પ્રેમાદર(ફોટોઃ અશ્વિનકુમાર / Ashwinkumar)

સૌથી પહેલાં કાર્યક્રમમાં શું થશે અને શું નહીં થાય તેની થોડી વાત મેં કરીઃ પહેલાં મોક કોર્ટ, પછી પુસ્તક વિમોચન, પછી સન્માનનિધિ અર્પણ, છેલ્લે પ્રકાશભાઈનો પ્રતિભાવ અને ભોજન. શરૂઆતનો સવા-દોઢ કલાક તોફાની હતો. ન્યાયાધીશ તરીકે પ્રકાશભાઈના જૂના સાથીદાર-કટોકટીના જેલસાથીદાર અને ‘સાર્થક જલસો’માં કેટલાક યાદગાર લેખ લખનારા હસમુખભાઈ પટેલ હતા. પ્રકાશભાઈના વકીલ તરીકે કેતન રૂપેરા, અદાલતના માણસ તરીકે આશિષ કક્કડ, આરોપી પ્રકાશભાઈ અને ફરિયાદી વકીલ તરીકે હું.
અદાલત ચાલુ છે ;-)  (બંને ફોટોનું સૌજન્યઃ આલાપ બ્રહ્મભટ્ટ/ Aalap Bhrambhatt)
ઠાવકા તોફાની 'ન્યાયાધીશ' હસમુખભાઈ પટેલ / Hasmukh Patel as mock judge

બધાના હાથમાં સ્ક્રીપ્ટનાં કાગળ હતાં. પ્રકાશભાઈ કાગળ ભૂલી ગયા હતા. એટલે તેમણે શરૂઆતનો ભાગ એમ જ ગબડાવ્યો. ત્યાર પછી આશિષ કક્કડે પ્રકાશભાઈ સામેનું આરોપનામું વાંચ્યુઃ

આરોપનામું 
આરોપી પ્રકાશ નવીનચંદ્ર શાહ, ઉંમર વર્ષ ૮૦, રહેવાસી અમદાવાદ સામે આરોપ છે કે
  1. તે વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે અને એ માટેનાં કાવતરાં પણ કરે છે.  વડાપ્રધાનની સતત ટીકાનું મૂળ કારણ આ છે. 
  2. ખતરનાક માણસો તરીકે ભૂતકાળની સરકારોના ચોપડે ચડી ચૂકેલા કેટલાક ઇસમો સાથે તે નિકટના સંબંધો ધરાવતા હતા. એ સંસ્કાર રાતોરાત જતા રહ્યા હોય એવું માનવાનું કોઈ કારણ નથી. 
  3. તે ડાબેરી છે. રશિયા-ચીન સાથે જીવંત સંપર્કો ધરાવે છે અને રશિયા ગયેલા પણ છે--તે કંઈ વોડકા પીવા તો નહીં જ ગયા હોય. 
  4. એક સમયે તે શાખામાં જતા હતા, પણ પછી ત્યાં જવાનું બંધ કરી દીધું. એટલે તેમની રાષ્ટ્રભક્તિ સંદેહાસ્પદ છે. તેમના વિચારોનું કશું ઠેકાણું નથી. માર્ક્સની વાત કરે ત્યારે માર્ક્સવાદી લાગે, ગાંધીની વાત કરે ત્યારે ગાંધીવાદી, આંબેડકરની વાત કરે ત્યારે આંબેડકરવાદી ને દેરાણીજેઠાણીના આઇસક્રીમની વાત કરે ત્યારે સ્વાદવાદી લાગે...આવા માણસને જાહેરમાં છૂટો રાખવાનું સરકાર અને સમાજ માટે જોખમી છે. 
  5. તે ઉત્તમ અભિનેતા છે. આમ તો અભિનેતા હોવું એ ગુનો નથી, પણ આરોપીએ તેની આ શક્તિ જે રીતે ગુપ્ત રાખી છે, તે વધુ ગંભીર કાવતરાની શંકા ઉપજાવે છે. 
  6. આરોપી આંતરરાષ્ટ્રીય અપરાધી છે. તેની પર લંડનની કોર્ટમાં પણ કેસ ચાલી ચૂક્યો છે. વિદેશી કારોબાર પતાવવા માટે ઘણી વાર આરોપી ગેટવે ઓફ ઇન્ડિયાથી મધદરિયે જાય છે અને કામ પૂરું કરીને પાછા આવી જાય છે. 
  7. આરોપી નિર્મલબાબાની જેમ દરબાર ભરે છે અને લોકોને આડા રસ્તે દોરે છે.
  8. આરોપી હિંસક વૃત્તિપ્રવૃત્તિ ધરાવે છે. તેનું હથિયાર છે ભાષા. તેમાં સમજ પડે તેને અણીથી લોહી નીકળે છે ને મોટા ભાગના લોકોને તે માથામાં ઘણની જેમ અથડાઈને લોહી કાઢે છે. આમ બંને રીતે પરિણામ લોહીયાળ આવે છે. 
  9. તે લોકોનું ફક્ત મગજ નહીં, શરીર બગાડે એવા ઉપદેશો આપે છે અને યુવાનોને આડા રવાડે ચડાવે છે. 
  10. એક તરફ તે પોતાની જાતને વંચિતતરફી ગણાવે છે. બીજી તરફ, કેટલા બધા લખનારાને સરકારી અકાદમી થકી થનારા ધનલાભથી વંચિત બનાવવાનું કામ કરે છે. આમ તે પહેલાં વંચિતો ઊભા કરે છે ને પછી તેમની તરફેણનો ડોળ કરે છે. 
  11. અદાલતની ચુંગાલમાં ફસાવું ન પડે એટલા માટે પોતે એકેય પુસ્તક લખ્યું નથી. અને લેખોમાં પણ જાણીબુઝીને ભદ્રંભદ્રીય ભાષાનો પ્રયોગ કરે છે કે અદાલતમાં કશું પુરવાર ન થઈ શકે. 
***

સાક્ષીઓની જુબાનીની શરૂઆત રતિલાલ બોરીસાગરથી થઈ. તેમણે પ્રકાશભાઈની ભાષાની ઠંડા કલેજે ફિરકી લીધી અને હસાહસ વચ્ચે કહ્યું કે ભદ્રંભદ્ર પ્રકાશભાઈ સાથે વાત કરે, તો તેમની ભાષા પ્રકાશભાઈને સમજાય, પણ પ્રકાશભાઈની ભાષા તેમને ન સમજાય. આરોપ પ્રમાણે એક પછી એક સાક્ષીઓ રજૂ થયા, તેની વિગતો લખવા બેસું તો પાર નહીં આવે. શક્ય હશે તેટલું વિડીયો સ્વરૂપે મૂકીશું. સાક્ષીઓનાં નામ અને ક્રમ આ પ્રમાણે હતાઃ રતિલાલ બોરીસાગર, આશિષ મહેતા, મનીષી જાની, બીરેન કોઠારી, નયનાબહેન શાહ, પ્રકાશભાઈનો અભિનય ધરાવતી ફિલ્મની ઝલક, અશ્વિનકુમાર, કેતન રૂપેરા, મિનાક્ષીબહેન જોષી, બિનીત મોદી.

પ્રકાશભાઈની અને ભદ્રંભદ્રની ભાષા વચ્ચે કંઈ સંબંધ ખરો?
ઉર્વીશ કોઠારી, રતિલાલ બોરીસાગર/ Urvish Kothari, Ratilal Borisagar
મોક કોર્ટમાં આમનેસામનેઃ પ્રકાશભાઈ અને નયનાબહેન
 Prakash N. Shah, Naynaben Shah (ફોટોસૌજન્યઃ આલાપ બ્રહ્મભટ્ટ)

છેલા સાક્ષી હસિત મહેતા તે દિવસે સવારે લેહથી દિલ્હી અને વડોદરા થઈને સાંજે અમદાવાદ પહોંચવાના હતા. પણ વડોદરામાં ભારે વરસાદને કારણે તેમને પહોંચતાં થોડુંક જ મોડું થયું અને કોર્ટ પૂરી થઈ તેની થોડી મિનીટો પછી તે આવી પહોંચ્યા.

***

કોર્ટની કાર્યવાહી પૂરી થયા પછી સાર્થક પ્રકાશનના સાથીદારો કાર્તિકભાઈ શાહ, દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી ઉપરાંત સાર્થકના અભિન્ન અંગ જેવા બીરેન કોઠારી, બિનીત મોદી અને અપૂર્વ આશરને મંચ પર બોલાવવામાં આવ્યા. અપૂર્વ આવી શક્યા ન હતા. પુસ્તકનું ડિઝાઇનિંગ કરનાર મિત્ર મણિલાલ રાજપુતને પણ એ જ સમયે મુંબઈમાં યોજાયેલા કાંતિ ભટ્ટના સન્માન સમારંભમાં જવાનું કમિટમેન્ટ હોવાથી તે પણ ગેરહાજર હતા. આ પુસ્તક જેમને અર્પણ થયું હતું અને જેમના વિના આ સમારંભ આ રીતે શક્ય બન્યો ન હોત, તે ચંદુભાઈને પણ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા. કશી ઔપચારિકતા વિના કે રેપિંગ મટિરીયલની ફાડંફાડ કર્યા વિના, સૌએ એક એક પુસ્તક હાથમાં લીધું, પ્રકાશભાઈ સાથે ફોટા પડાવ્યા અને વિમોચન પૂરું થયું.
(ડાબેથી) ધૈવત ત્રિવેદી, ઉર્વીશ કોઠારી, દીપક સોલિયા, ચંદુ મહેરિયા, પ્રકાશ ન. શાહ,
કાર્તિક શાહ, બીરેન કોઠારી, બિનીત મોદી. (ફોટોઃ અશ્વિનકુમાર/ Ashwinkumar)
(L to R) Dhaivat Trivedi, Urvish Kothari,,Dipak Soliya, Chandu Maheriya,
Prakash N. Shah, Kartik Shah, Biren Kothari, Binit Modi

ત્યાર પછી સન્માનનિધિનો ચેક અર્પણ કરવા માટે ઓડિયન્સમાં ઉપસ્થિત જાહેર જીવનના સિનિયર અને યુવાન એમ બંને પ્રકારના લોકોમાંથી કેટલાકને આમંત્રણ અપાયું. સાથે સ્પષ્ટતા પણ કરવામાં આવી કે કોઈને બાકાત રાખવાનો ઇરાદો નથી. આ કેવળ પ્રતિનિધિરૂપ વ્યક્તિઓ છે. એ લોકો હતા (કોઈ ચોક્કસ ક્રમ વિના) : હિમાંશી શેલત, ઘનશ્યામ શાહ, અચ્યુત યાજ્ઞિક, દીનાબહેન પટેલ, સારાબહેન બાલદીવાલા, રઘુવીર ચૌધરી, સ્વાતિબહેન જોશી, એ. ટી. સિંધી, રજની દવે, પાર્થ ત્રિવેદી, શારીક લાલીવાલા, અદાલતની કાર્યવાહીમાંથી હસમુખ પટેલ, રતિલાલ બોરીસાગર.
(ડાબેથી) શારીક લાલીવાલા, દીનાબહેન પટેલ, પાર્થ ત્રિવેદી, સારાબહેન બાલદીવાલા,
અચ્યુત યાજ્ઞિક, (ઢંકાયેલા) હસમુખ પટેલ, પ્રકાશ ન. શાહ, રતિલાલ બોરીસાગર,
ઘનશ્યામ શાહ, રઘુવીર ચૌધરી, એ. ટી. સિંધી, રજની દવે, હિમાંશી શેલત, સ્વાતિ જોશી,
ચંદુ મહેરિયા, ઉર્વીશ કોઠારી, કાર્તિક શાહ, બિનીત મોદી 
અનામિકભાઈ શાહ વતી પ્રકાશભાઈને શાલ અર્પણ કરતા ચંદુ મહેરિયા
(બંને ફોટોનું સૌજન્યઃ આલાપ બ્રહ્મભટ્ટ)
તેમના આવી ગયા પછી ચંદુભાઈએ અનામિકભાઈની અનુપસ્થિતિમાં તેમના વતી પ્રકાશભાઈને શાલ અર્પણ કરી. ચંદુભાઈને સાથે રાખીને મેં થોડી વાત કરી. કહ્યું કે આ રકમ કાળી, ધોળી કે લાલ, રાજકીય કે આધ્યાત્મિક, એકેય દાઢીમાં હાથ નાખ્યા વિના, રાજ્યાશ્રય, ધર્માશ્રય કે કોર્પોરેટ-આશ્રય વિના, નાગરિકોના યોગદાનથી એકત્ર થયેલી છે. તેના માટે કોઈની પર દબાણ કરાયું નથી કે કોઈને શરમમાં નખાયા નથી. ત્યાર પછી કાર્યક્રમની બપોરે એક વાગ્યા સુધીની રકમનો આંકડો સ્ક્રીન પર જાહેર થયોઃ રૂ. 13,73,561. (રૂ. તેર લાખ તોંતેર હજાર પાંચસો એકસઠ)
કાર્યક્રમની બપોરે એક વાગ્યા સુધી એકત્ર થયેલો સન્માનનિધિનો આંકડો
(ફોટોઃ અશ્વિનકુમાર)
હિંમાશીબહેન શેલતે એ રકમના ચેકનું કવર બધા વતી પ્રકાશભાઈને અર્પણ કર્યું. ત્યાર પછી સૌએ પોતાનું સ્થાન લીધું અને પ્રકાશભાઈએ લગભગ અડધા કલાકમાં તેમનો પ્રતિભાવ આપ્યો. (તેની વિડીયો પણ મૂકીશું.)

બેથી સવા બે કલાકમાં, કશી ઔપચારિકતા વિના, કાર્યક્રમ સડસડાટ અને હસીખુશી સાથે પૂરો થઈ ગયો. દરમિયાન 350 બેઠકોના હોલમાં લોકોની સંખ્યા 470 સુધી પહોંચી ગઈ હતી. બેસુમાર બફારો લાગતો હતો. પરંતુ સૌ કોઈ છેવટ સુધી બેઠા અને પ્રકાશભાઈનો પ્રતિભાવ સાંભળીને જ ઉભા થયા.
પ્રકાશ ન. શાહનો પ્રતિભાવ (ફોટોઃ અશ્વિનકુમાર)
***
કાર્યક્રમ પછી સરેરાશ પ્રતિભાવ આનંદ-ઉલ્લાસ અને સાર્થકતાનો હતો. અમારા માટે પણ તે યાદગાર બની રહ્યો. કેમ કે,
  • આખું આયોજન કશી ઔપચારિકતા વિના, કમિટી, મિટિંગો ને ઠરાવો વિના, ધાર્યા કરતાં પણ વધુ સફળતાથી પાર પડ્યું.
  • કોઈ ‘દાતા’ વિના, કોઈની નિશ્રા વિના ને કોર્પોરેટ કંપનીઓની કોઈ સહાય વિના, આટલી રકમ એકત્ર થઈ શકી. 
  • પ્રકાશભાઈનું સન્માન હોવા છતાં, પ્રકાશભાઈનાં વખાણના ખડકલા ન થયા. હસમુખભાઈ (પટેલે) પછી કહ્યું તેમ, ‘પ્રકાશભાઈની હાજરીમાં તેમની શોકસભા હોય એવું વાતાવરણ ન થયું’. છતાં મસ્તીતોફાન સાથે, પૂરી ગરિમાપૂર્વક તે સંપન્ન થયો.  
  • પહેલાંના વખતમાં જેમ નનામી બાંધવાના, તેમ અત્યારે કાર્યક્રમો કરવાના પણ સ્વઘોષિત સ્પેશ્યાલિસ્ટ હોય છે, જે ‘આમ તો થાય જ નહીં’ ને ‘આમ તો કરવું જ પડે’ એવા બધા ફન્ડા શીખવાડતા હોય છે. અમે આવા સ્પેશિયાલિસ્ટોથી દૂર રહીએ છીએ. તેમના વગર બધું સારી રીતે ચાલી જ શકતું હોય છે. આપણે સક્રિયતાથી અને સન્નિષ્ઠ રીતે વિચારીને વિકલ્પ શોધવા પડે. આ કાર્યક્રમ પણ એવી જ રીતે, ઔપચારિકતાઓ અને વિધિવિધાનો વિના, છતાં સુખરૂપ પાર પડ્યો. 
કાર્યક્રમ પહેલાં અને પછી કેટલાકે એવી લાગણી વ્યક્ત કરી કે આ કાર્યક્રમ બહુ પહેલાં થવો જોઈતો હતો અથવા હજુ તેમાં અમુક વસ્તુ થવી જોઈએ. આવું કહેનાર પ્રત્યે પૂરા આદર સાથે જણાવવાનું કે આપણા સૌ વતી અમને સૂઝ્યું ત્યારે અમે કર્યું. તમને સૂઝે ત્યારે તમે (પ્રકાશભાઈને વિશ્વાસમાં લઈને) કરી જ શકો છો. અમારાં ધારાધોરણમાં બેસતું હશે તો તમને શક્ય તેટલી મદદ પણ કરીશું.

***

કાર્યક્રમના અંતે આર્થિક સહયોગ આપનાર સૌ કોઈના નામની એબીસીડી ક્રમમાં સંપૂર્ણ યાદી મૂકવામાં આવી હતી. તેની નકલો જે ઇચ્છે તે લઈ જઈ શકે એ રીતે સુલભ બનાવાઈ હતી. એ ‘સાર્થક પ્રકાશન’ વતી અમે જાતે સ્વીકારેલો પારદર્શક વહીવટનો તકાદો હતો. બીજા ઘણા ચીલા ચાતર્યા, તો હિસાબ આપવામાં પણ શા માટે આગવું ધોરણ સ્થાપિત ન કરવું?

ઉપરાંત, આર્થિક સહયોગ આપનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શક્ય એટલા બધાને પહોંચની સાથે સાર્થક પ્રકાશન તરફથી પ્રકાશભાઈ વિશેના પુસ્તકની એક નકલ સાદર ભેટ આપવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ન શકેલા સહયોગીઓને હવે પહોંચ અને નકલ રવાના કરવામાં આવશે.

***

એપ્રિલ 6, 2013ના રોજ અમે ચાર મિત્રોએ બીજા અનેક મિત્રોના સહયોગની ખાતરી સાથે ‘સાર્થક પ્રકાશન’ની સ્થાપના કરી, ત્યારે વિચારેલું કે કરવા જેવાં, પણ ન થતાં હોય એવાં કામ ખાસ કરવાં. જે રીતે અભિનેતા-નિર્દેશક કે.કે.ના લગભગ બેએક દાયકાથી અટવાયેલા જીવનચરિત્રનું કામ રંગેચંગે પાર પડ્યું અને તેની બે આવૃત્તિ થઈ, ફિલ્મસંગીતના ઇતિહાસજ્ઞ નલિન શાહના લેખોનું પહેલું પુસ્તક તેમના જીવનના નવમા દાયકામાં સાર્થકે પ્રકાશિત કર્યું, નગેન્દ્ર વિજયની મુલાકાત આધારિત પહેલવહેલું પુસ્તક સાર્થકમાં આવ્યું, અશ્વિની ભટ્ટની સદાબહાર નવલકથાઓ નવાં અને રીડરફ્રેન્ડલી સ્વરૂપે સાર્થકમાં પ્રગટ થઈ...આ યાદી હજુ લંબાવી શકાય એમ છે-- અને પ્રકાશોત્સવ એ યાદીમાં લેટેસ્ટ ઉમેરો  છે.

સાર એટલો જ કે પ્રકાશનનું નામ અને ખાસ તો તે સ્થાપવાનો હેતુ સિદ્ધ થયો, તેનો ભારે સંતોષ છે અને મિત્રો-સ્નેહીઓના પ્રેમાળ સહકાર વિના આ શક્ય બનત નહીં, તેનો પાકો અહેસાસ પણ છે.

નોંધઃ જે સહયોગીઓને પહોંચ અને પુસ્તકની નકલ ન મળી હોય તેમને વિનંતી કે કાર્તિક શાહ (98252 90796)ને વોટ્સએપ કે SMS  દ્વારા તમારું આખું સરનામું અને સહયોગ રાશિનો આંકડો મોકલી આપશો. 

Thursday, July 25, 2019

પ્રકાશોત્સવ (૧) : નાગરિક સન્માનનો અને આદર-પ્રેમ-કૃતજ્ઞતાનો ઉત્સવ

(પ્રકાશ ન. શાહ / વ્યંગચિત્રઃ અશોક અદેપાલ
Prakash N. Shah, Caricature : Ashok Adepal) 
આદરણીય-પ્રિય વ્યક્તિનું સન્માન કરવું એ ભારે જવાબદારીનું કામ છે. કેમ કે, વ્યક્તિનું સન્માન થાય તેના કરતાં પણ પહેલી શરત એ છે કે સન્માન કરવા જતાં જાણેઅજાણે ક્યાંક અવમાન ન થઈ જાય. તેમાં પણ માનધન કે સન્માનનિધિ અર્પણ કરવાની વાત આવે ત્યારે જોખમ ઓર વધી જાય છે.

પરંતુ વીસમી જુલાઈએ પ્રકાશભાઈના સન્માન સમારંભ નિમિત્તે તેમનું સન્માન જ થયું, તેમની ગરીમાને ઝાંખપ તો ઠીક, ઘસરકો પણ લગાડે તેવું કશું ન બન્યું, આખા ઉપક્રમ સાથે સન્માનનિધિ સ્વરૂપે રૂપિયાપૈસા સંકળાયેલા હોવા છતાં, પ્રકાશોત્સવ પ્રકાશભાઈના જીવન-કાર્યને તેમની ઉપસ્થિતિમાં ઉમળકાથી ઉજવવાનો જ ઉત્સવ બની રહ્યો.
***

'સાર્થક સંવાદ શ્રેણી' અંતર્ગત પ્રકાશભાઈ સાથેના સવાલજવાબની પુસ્તિકાનું કામ ઘણા સમયથી ચાલતું હતું. જુલાઇમાં પ્રકાશભાઈનાં પુત્રી ઋતા શાહ આઠ-દસ દિવસ માટે ભારત આવવાનાં હતાં. એ જાણ્યું, એટલે નક્કી થયું કે તે અહીં હોય ત્યારે પુસ્તક પ્રગટ કરી દેવું. એ માટે પૂરતો સમય પણ હતો.

ઘણા વખતથી પ્રકાશભાઈની મોક કોર્ટ યોજવાની વાત મારા મનમાં હતી. ૨૦૦૮માં મારી મોક કોર્ટને અનેક પ્રિયજનો-ગુરુજનોએ મારા માટેનું આજીવન સંભારણું બનાવી દીધી. ત્યારથી એ સ્વરૂપ વિશે-તેમાં રહેલી મઝા વિશે મને ખ્યાલ આવ્યો હતો. પરંતુ મોક કોર્ટમાં જેની પર કેસ ચાલે, તે વ્યક્તિ જાતને જરા હળવાશથી લઈ શકે એવી હોવી જોઈએ. ઉપરાંત મજબૂત પ્રકારની સેન્સ ઓફ હ્યુમર પણ જરૂરી. એ બંને લક્ષણ ન હોય તો મોક કોર્ટ રમુજી-તોફાનીને બદલે હાસ્યાસ્પદ કે બીજા કોઈ પણ ચાલુ અભિવાદન કાર્યક્રમ જેવી ઔપચારિક બની રહે. પ્રકાશભાઈમાં આવું નહીં થાય તેની પૂરી ખાતરી હતી. બલ્કે, મને લાગતું હતું કે પ્રકાશભાઈ મોક કોર્ટ માટેના સૌથી લાયક 'ઉમેદવાર' હતા. વખાણનાં ગાડાંને બદલે તોફાની આરોપબાજીથી રાજીપો અનુભવવા જેટલી આંતરિક સ્વસ્થતા અને રમુજવૃત્તિ પ્રકાશભાઈ ધરાવે છે.

પુસ્તકનું નક્કી થયું એટલે મોક કોર્ટનો વિચાર તાજો કર્યો. સાર્થક પ્રકાશનના સંચાલનના આધારસ્તંભ સમા સાથીદાર કાર્તિકભાઈને વાત કરી. સામાન્ય રીતે સાર્થક પ્રકાશન નિમિત્તે સમારંભો ન કરવા એવું નક્કી કર્યું છે. કારણ કે તેમાં મઝા તો આવે, પણ ખર્ચ ઘણો થાય છે અને સાર્થક પ્રકાશન પાસે એવા વધારાના કે 'ઉપરના' રૂપિયા નથી હોતા. પરંતુ પ્રકાશભાઈની મોક-કોર્ટની વાત જુદી હતી. એ માટે અમે નક્કી કર્યું કે આમથી-તેમથી સહકાર મેળવીને પણ આ કાર્યક્રમ કરવો. પ્રકાશભાઈનાં દીકરીના રોકાણ પ્રમાણે કાર્યક્રમની તારીખ નક્કી કરીઃ ૨૦ જુલાઈ ૨૦૧૯. શનિવાર.

મોક કોર્ટના તોફાન અંગે પ્રકાશભાઈની ઉત્સાહભરી સંમતિ મેળવ્યા પછી સૌથી પહેલો સંપર્ક ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિકભાઈ શાહનો કર્યો. પ્રકાશભાઈ પ્રત્યે ભરપૂર આદર અને લાગણી ધરાવતા અનામિકભાઈએ ધારાધોરણ પ્રમાણે આપી શકાય એટલું કન્સેશન અને કેટલીક અંગત મદદ કરી. એવી રીતે વિદ્યાપીઠનો હીરક મહોત્સવ સભાખંડ બુક કરાવ્યો. ત્યાં સુધી, એટલે કે જૂનના પહેલા અઠવાડિયા સુધી, ફક્ત મોક કોર્ટ અને પુસ્તક પ્રકાશનનો જ ખ્યાલ હતો. કાર્યક્રમ પાંચ વાગ્યે શરૂ થાય, સાત વાગ્યે પૂરો થાય ને સૌ પોતપોતાના ઘરભેગા.

પરંતુ હોલ નક્કી થઈ ગયા પછી મનમાં આવતા અનેક વિચારોની જેમ વિચાર આવ્યોઃ આટલું કરીએ જ છીએ, તો પ્રકાશભાઈનું સન્માનનિધિ અર્પણ ન કરવો જોઈએ? બીજા સન્માન ઉપરાંત એ નક્કર સન્માન બની રહે.

આ પહેલાં સન્માનનિધિ એકત્ર કરવાના કોઈ પ્રસંગનો જરાસરખો પણ અનુભવ ન હતો. એટલે થોડું વિચારીને એ વિચાર અવ્યવહારુ ગણીને મનોમન ફાઇલ કરી દીધો. બીજા દિવસે કાર્તિકભાઈ સાથેની વાતચીતમાં સહજ તેનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેમણે કહ્યું કે આ તો કરવું જ જોઈએ.

અગાઉ બીજા કેટલાક વડીલ મિત્રોએ પ્રકાશભાઈનું આ રીતે સન્માન કરવાનું વિચાર્યું હતું. વાત થોડી આગળ પણ વધી હતી. પરંતુ છેવટના અંજામ સુધી પહોંચી શકી નહીં. એ વખતે છેલ્લા તબક્કામાં એક વાર મારી હાજરીમાં પણ વાત થઈ હતી. ત્યારે રૂપિયા કયા નામે એકત્ર કરવા અને તેનો ટેક્સ સહિત બીજી કેવી-કેટલી ટેકનિકલ બાબતોની ગુંચ આવી શકે, તેની ઘણી ચર્ચા થઈ હતી. છેવટે કશો સંતોષકારક નીવેડો ન આવતાં એ વાત વિખેરાઈ ગઈ. આ વખતે કાર્તિકભાઈએ કહ્યું કે રૂપિયા સાર્થક પ્રકાશનના નામે લઈશું. એની ચિંતા ન કરો.

મને તેમાં સૈદ્ધાંતિક રીતે કશો વાંધો લાગતો ન હતો. પણ મજબૂત સેકન્ડ ઓપિનિયન માટે કાર્તિકભાઈને ત્યાંથી જ મેં ચંદુભાઈ મહેરિયાને ફોન કર્યો.  તે પરમ મિત્ર. સાચા મિત્ર.  આવી બાબતમાં તેમના અભિપ્રાય જરાય શેહશરમ વગરના હોય. કરવા જેવું લાગે તો જ એ હા પાડે. ને આ બાબતમાં તે લીલી ઝંડી આપે તો બીજાના સંભવિત વાંધાની કે કથિત સિદ્ધાંતપિંજણોની હું કશી દરકાર ન કરું.

ચંદુભાઈએ તત્કાળ હા પાડી અને કહ્યું કે આ કરવું જોઈએ. ત્યારથી પ્રકાશોત્સવમાં એક નવું પરિમાણ ઉમેરાયુંઃ સન્માનનિધિ.
***

રૂપિયાપૈસાની વાત આવી, એટલે અમે સાવધ થઈ ગયા. કેટલીક સ્પષ્ટતાઓ જરૂરી બની. તે પછીથી અમે લેખિતમાં પણ કરી. સૌથી પહેલી સ્પષ્ટતા સાર્થક પ્રકાશનની ભૂમિકા અંગેની. પુસ્તક પ્રકાશન અને મોક કોર્ટ સાર્થક પ્રકાશનના કાર્યક્રમ હતા, જ્યારે સન્માનનિધિમાં સાર્થકે ફક્ત હિસાબકિતાબની જવાબદારી સંભાળવાની હતી. (એ 'ફક્ત'માં સમાય એટલું ન હતું, એ તો પછીથી કાર્તિકભાઈને ધંધે લાગેલા જોયા ત્યારે વધારે ખ્યાલ આવ્યો) આર્થિક અજ્ઞાનવશ મેં કાર્તિકભાઈને એવો સવાલ પણ પૂછ્યો હતો કે 'જે રૂપિયા સાર્થકના ખાતામાં જમા થાય, તેનું વ્યાજ આવે તેનું શું? આપણે એ ન લઈ શકીએ.’

ત્યારે કાર્તિકભાઈએ હસતાં હસતાં સમજાવ્યું કે 'રૂપિયા સાર્થકના ચાલુ ખાતામાં (કરન્ટ અકાઉન્ટમાં) જમા થશે. તેમાં વ્યાજ ન મળે.’ પણ એ તબક્કે બધી સ્પષ્ટતા જરૂરી હતી. સાર્થક પ્રકાશન આખા ઉપક્રમમાં કશી ખટપટ કે કર્તાભાવ વિના હિસાબ રાખે ને છેવટે પ્રકાશભાઈને તથા સૌ કોઈને હિસાબ આપી દે, એટલે તેનું કામ પૂરું. સન્માનનિધિના મામલે સાર્થકને પારદર્શક-કાર્યક્ષમ વહીવટ સિવાય બીજો કોઈ જશ ન ખપે. નિધિનો ચેક અર્પણ થાય ત્યારે નાગરિક સમાજના સભ્યો પ્રકાશભાઈ સાથે મંચ પર હોય. તેમાં પણ સાર્થક પ્રકાશનના સાથીદારો ન હોય. આટલી સ્પષ્ટતા મનમાં પાકી હતી.
***

સન્માનનિધિ એકત્ર કરવાનો થાય ત્યારે સામાન્ય રિવાજ એવો છે કે સમિતિ બને, તેની મિટિંગો થાય, વધુ મિટિંગો થાય, તેમાં વાંધા પણ પડે, વાતો આડીઅવળી ફંટાય, લોકોના અહમ્ સાચવવા પડે, કાર્યક્ષમતાને બદલે સિનિયોરિટીના ખ્યાલ કરવા પડે...અને એ પછી પણ સંઘ કાશીએ પહોંચે ત્યારે ખરો.

અમારી રાબેતા મુજબની પદ્ધતિ પ્રમાણે, આખા આયોજનમાં શું ન કરવું એ નક્કી હતું. એટલે ધીમે ધીમે ચંદુભાઈના બરાબર મદદ-માર્ગદર્શન-સાથ અને ભરપૂર સક્રિયતાથી એક પછી એક પગલાં શરૂ કર્યાં. સૌથી પહેલાં સન્માનનિધિ માટેની અપીલ તૈયાર કરી. તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે વ્યાપક નાગરિકસમાજ દ્વારા ઋણઅદાયગીના નાનકડા પ્રયાસ તરીકે સન્માન નિધિ અર્પણ થવાનો હતો અને સન્માન નિધિ તરીકે કોઈ ચોક્કસ રકમનું લક્ષ્ય નથી. મહત્તમ રકમ એકઠી થાય તેવો આપણો પ્રયાસ રહેશે.

અપીલની નીચે જૂનાં અને જાણીતાં નામ મૂકવાનું ટાળ્યું. એ બધાં આદરણીય વ્યક્તિત્વો છે. તેમનો સહકાર મળશે એવી ખાતરી જ હોય. પરંતુ અમુક ઉંમર પછી એનાં એ જ વૃક્ષોનો કોઠે પડી ગયેલો છાંયડો છોડીને નવી વાવણી કરવાનું જરૂરી હોય છે--વ્યક્તિગત રીતે તેમ જ જાહેર જીવન માટે પણ. બીજી સ્પષ્ટતા એ વાતની પણ હતી કે લોકો સન્માનરાશિ પ્રકાશભાઈ માટેના ભાવથી આપવાના છે. ત્રીજી સ્પષ્ટતા એ કે પ્રકાશભાઈના ખરા પ્રેમીઓ આ કામમાં મદદરૂપ થવા માટે અપીલમાં નીચે પોતાનું નામ નહીં શોધે. કારણ કે એ કંઈ મંત્રીમંડળની યાદી નથી. એ તો પોતાના ભાવથી જ સક્રિય થશે, પોતપોતાના વર્તુળમાં વાત મૂકશે અને તે વાત વધુ લોકો સુધી પહોંચાડશે. અપીલમાં પણ અમે સ્પષ્ટ કર્યું હતું કે અહીં જે થોડાં નામો છે તે આપણાં વ્યાપક નાગરિક સમાજ અને ચાહકોના પ્રતિનિધિત્વનો નાનકડો હિસ્સો છે.

વિવિધ પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને મુકાયેલાં નામ હતાંઃ હસમુખ પટેલ (વિરમપુર), મંદા પટેલ (અમદાવાદ),  ચંદુ મહેરિયા (ગાંધીનગર),  ઉત્તમ પરમાર (કીમ),  વિપુલ કલ્યાણી (બ્રિટન),  એ. ટી. સિંધી (પાલનપુર),  રમેશ ઓઝા (મુંબઈ),  દ્વારકાનાથ રથ (અમદાવાદ),  રજની દવે (અમદાવાદ),  બિપિન શ્રોફ (મહેમદાવાદ),  સંજય શ્રીપાદ ભાવે (અમદાવાદ),  સારાબહેન બાલદીવાલા (અમદાવાદ),  દીપક સોલિયા (મુંબઈ),  મહેન્દ્રસિંહ પરમાર (ભાવનગર),  ભરત મહેતા (વડોદરા),  ઉર્વીશ કોઠારી (મહેમદાવાદ)

અમારી ભૂમિકા આટલી જ હતીઃ પ્રકાશભાઈથી પરિચિત લોકો સુધી સન્માનનિધિ વિશેની વાત પહોંચાડવી. 'નિરીક્ષક' ઉપરાંત ઇન્દુકુમાર જાનીએ 'નયા માર્ગ'માં અને રજનીભાઈ દવેએ 'ભૂમિપુત્ર'માં પહેલાં અપીલ અને પછીના અંકમાં જાહેર નિમંત્રણ છાપ્યાં. પરંતુ સન્માનનિધિનો મામલો કેવળ જાહેર અપીલથી શક્ય ન બને. એટલે ચંદુભાઈએ, હસમુખભાઈ પટેલે, ઉત્તમભાઈ પરમારે, લંડન બેઠેલા વિપુલભાઈ કલ્યાણીએ, (અપીલની નીચે જેમનું નામ ન હતું એ) હસિત મહેતાએ અને મેં વ્યક્તિગત સંબોધન સાથે વ્યક્તિગત પત્રો, મેઇલ ને ફેસબુક મેસેજથી લોકોને જાણ કરી. અપીલ સાથે હું ફક્ત એટલું જ લખતો હતોઃ 'વાંચીને યથાયોગ્ય કરવા માટે...’ આવો મેસેજ કર્યા પછી કોઈને ફરી યાદ ન કરાવવું એ નક્કી હતું. કેમ કે, આ તો કૃતજ્ઞતા કે આદર કે પ્રેમ વ્યક્ત કરવાની વાત હતી. તેમાં આગ્રહ કે ઉઘરાણી ન હોય.
***

સન્માનનિધિનું નક્કી થયા પછી નક્કી થયેલી અને છેવટ સુધી પાળવામાં આવેલી કેટલીક બાબતોઃ

  • જેમને અપીલ મોકલતાં ખચકાટ થાય, પ્રકાશભાઈ પ્રત્યે તેમને ભાવ હશે કે નહીં એવી અવઢવ થાય, તેમને અપીલ ન જ મોકલવી.
  • પહેલા ક્રમે પ્રકાશભાઈના સ્વમાનનો-ગરિમાનો-ગૌરવનો અને પછીના ક્રમે આપણા સ્વમાનનો પૂરેપૂરો ખ્યાલ કરવો. માથું કે હાથ નીચાં થાય એવી રીતે કશું જ માગવું નહીં કે લેવું પણ નહીં. કેમ કે, આ નિધિ પ્રકાશભાઈને મદદ કરવાના આશયથી નહીં, જાહેર જીવનમાં તેમના પ્રદાનની કદરના આશયથી છે.  
  • પ્રકાશભાઈનું નામ પણ ન સાંભળ્યું હોય એવા,  'દાતાઓ'ને મળવું જ નહીં. તેમની પાસેથી રકમ મેળવવાનો તો સવાલ જ નહીં. 
  • વ્યક્તિગત પત્ર કે મેઇલ મોકલ્યા હોય તેમને પણ ફરી યાદ કરાવીને શરમમાં નાખવાં નહીં. 
આ રીતે જે રકમ એકઠી થાય, તે ખરી. રકમથી આપણે કશું સિદ્ધ કરવાનું નથી. રકમ સન્માનજનક થાય તો બહુ જ ગમે અને એ માટે પૂરા પ્રયત્નો કરવા, પણ ઉપરની શરતોમાં બાંધછોડ કર્યા વિના.

આ કવાયત શરૂ કરી, ત્યારે એક-બે નજીકના મિત્રોએ પૂછ્યું, 'કેટલું ટાર્ગેટ છે?’ ત્યારે મારો જવાબ હતો, ‘એવું કશું વિચાર્યું નથી ને મનમાં એવો કોઈ આંકડો કે લક્ષ્યાંક પણ નથી. પણ ગૌરવભેર થાય એટલો મહત્તમ પ્રયાસ કરવાનો છે.’ શરૂઆતથી જ કાર્તિકભાઈ સાથે એવી સમજૂતી કરી કે 'છેવટ સુધી હું તમને આંકડો નહીં પૂછું.’ તેમણે કહ્યું, 'તમે પૂછશો તો પણ હું નહીં કહું.’  આ શરત પણ અમે પાળી. જે શનિવારે કાર્યક્રમ હતો તેના ચાર દિવસ પહેલાં, મંગળવારે સવારે કાર્તિકભાઈનો ફોન આવ્યો. તેમણે ફક્ત એટલું જ કહ્યુંઃ સેવન ડિજિટ. (સાત આંકડા)
***

આવો કોઈ પણ ઉપક્રમ હોય, તેમાં અવનવા અનુભવો તો થાય ને થયા પણ ખરા. પરંતુ ચંદુભાઈ સાથે લગભગ રોજ સાંજે-રાત્રે થતી વાતમાં આદાનપ્રદાન થાય, ઘણી ગમ્મત કરીએ, ક્યારેક ખીજ પણ ચડે, લોકોની અવનવી વર્તણૂંકોથી રમુજ થાય ને નવાઈ પણ લાગે. થોડા સમય પછી કોઈ વળી પૂછે કે 'રકમ થઈ ગઈ? ન થઈ હોય તો અમે આપીએ.’ તેમને અમે પોતપોતાની રીતે કહેતા કે આમાં 'રકમ' ને 'થઈ ગઈ' જેવું કશું નથી. તમને ભાવ હોય તો તમને જે ઠીક લાગે તે રકમ આપવાની છે. અપીલમાં અમે સૂચવેલું કે આર્થિક રીતે સ્થિર હોય એવા ઘણા મિત્રો રૂ. પાંચ હજાર આપે છે. એ ઇશારો એવા લોકો માટે હતો, જેમને આર્થિક પ્રશ્ન ન હોય, પણ આંકડો સૂઝતો ન હોય. બાકી, સન્માનનિધિમાં સો રૂપિયા પણ આવ્યા ને અમે બહુ ભાવથી અને આદરથી સ્વીકાર્યા.

થોડા મિત્રો એવા પણ હોય, જેમને અવઢવ હોય કે 'પ્રકાશભાઈને વળી રૂપિયાની શી જરૂર? તેમનો તો નવરંગપુરામાં કરોડોનો બંગલો છે ને લાખોની મિલકત હશે.’ આવું કોઈ પ્રત્યક્ષ પૂછે તો અમે કહેતા હતા કે આ રકમ પ્રકાશભાઈને આર્થિક સહાયનો કાર્યક્રમ નથી. તમને તેમના પ્રત્યે ભાવ હોય, આર્થિક સુવિધા હોય તો તમારો ભાવ નક્કર રકમ આપીને વ્યક્ત કરી શકો છો. તેમાં પ્રકાશભાઈની આર્થિક સ્થિતિ એ કોઈ મુદ્દો જ નથી.

અને ફોર ધ રેકોર્ડ, બંગલો પ્રકાશભાઈના સમૃદ્ધ પિતાએ દાયકાઓ પહેલાં બનાવેલો. પ્રકાશભાઈ સંપત્તિના સર્જનમાં કે વૈભવી જીવનમાં તો ઠીક, આર્થિક સ્થિરતાના ફરજરૂપ લાગે એવા મોહથી પણ તે દૂર રહ્યા છે.

છતાં એકંદર પ્રતિભાવ બહુ સારો હતો, એવું પત્રો-મેઇલના પ્રતિભાવ પરથી અને કાર્તિકભાઈની વાત પરથી લાગતું હતું. કેટલા બધા લોકોએ ઉપરથી અમારો આભાર માન્યો કે તમે પ્રકાશભાઈ પ્રત્યે ભાવ વ્યક્ત કરવાની તક આપી. આખા આયોજનની એ મોટી ઉપલબ્ધિ હતી. પ્રકાશભાઈ પ્રત્યે ભાવ ધરાવતા-તેમની કદર જાણનારા લોકો કેટલી મોટી સંખ્યામાં છે એનો અહેસાસ બહુ આનંદ આપનારો હતો--અત્યારે તો વિશેષ.

(કાર્યક્રમની તૈયારીઓ અને તેની ગતિવિધિનું વર્ણન ધરાવતો ઉત્તરાર્ધ આવતી કાલે)

Saturday, September 12, 2015

પ્રકાશ ન. શાહ : પંચોતેરે અડીખમ

આજે પ્રકાશભાઇની પંચોતેરમી વર્ષગાંઠ હતી. એ નિમિત્તે અમે થોડા એમના પ્રેમી મિત્રો ભેગા થયા, એમના ઘરે ગયા (ના,એ સરપ્રાઇઝ પાર્ટી ન હતી), પ્રકાશભાઇ પાસે કેક કપાવી, (રાબેતા મુજબ) વાતોનાં વડાં કર્યાં, ખાધુંપીધું ને આનંદ કર્યો. ('પીધું' શબ્દ કેવળ ધ્વન્યાર્થમાં લેવો) 

પ્રકાશભાઇને પંચોતેરમું વર્ષ બેઠું એ દિવસની પાર્ટી અને તેમના વિશેનો લેખ અહીં વાંચી શકાશે. આ બ્લોગ પર પ્રકાશભાઇ દ્વારા પ્રયોજાયેલા અવનવા શબ્દોના અર્થોનો વિભાગ શબ્દાર્થપ્રકાશ અહીં જોઇ શકાશે. અને આ રહી આજની તસવીરો.

તસવીરોમાં દેખાતા અને ન દેખાતા, પણ ઉમળકાથી હાજર રહેલા સૌઃ
ચંદુ મહેરિયા, સંજય ભાવે, કેતન રૂપેરા, આશિષ કક્કડ, બિનીત મોદી, ઋતુલ જોષી, નિશા પરીખ, દિવ્યેશ વ્યાસ, ચેતન પગી, સોનલ કોઠારી, ઉર્વીશ કોઠારી



Prakash N.Shah at 76/પ્રકાશ ન.શાહ છોંતેરમા વર્ષે

Prakash N.Shah & Nayna Shah/
પ્રકાશ ન.શાહ-નયનાબહેન

(l to r) Nayna Shah, Chetan Pagi, Sanjay Bhave, Chandu Maheriya, Ashish
Kakkad, Neesha Parikh, Prakashbhai and Ketan Rupera

Prakash N.Shah- Nayna Shah / પ્રકાશ ન. શાહ- નયનાબહેન


Wednesday, July 01, 2015

કટોકટી : સત્તાવાર અત્યાચારોની સીઝન (૧)

૧૯૭૧માં ચૂંટણીવિજય અને ડિસેમ્બર, ૧૯૭૧માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં નિર્ણાયક જીત છતાં, ત્રણ જ વર્ષમાં ઇંદિરા ગાંધીની લોકપ્રિયતા ઓસરી ગઇ. ભ્રષ્ટાચાર, કુશાસન, બેકારી જેવાં કારણો તેના માટે જવાબદાર હતાં. જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ ઇંદિરા ગાંધી સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડાતાં, તેમની સ્થિતિ હાલકડોલક બની અને અલાહાબાદ હાઇકોર્ટે (સરકારી સંસાધનોના દુરુપયોગ બદલ, ૧૯૭૧માં થયેલી) તેમની ચૂંટણી રદબાતલ ઠરાવતાં અને છ વર્ષ માટે તેમને ગૃહના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવતાં, ઇંદિરા ગાંધી માટે અસ્તિત્ત્વનો સવાલ આવ્યો.
Part of Allahabad Court Judgement
સર્વોચ્ચ અદાલતે આપેલા શરતી મનાઇહુકમથી સ્થિતિ વણસી. એક રસ્તો માનભેર સત્તા છોડી દેવાનો હતો, જે ઇંદિરા ગાંધીને કે તેમના પુત્ર સંજય ગાંધીને મંજૂર ન હતો. તેમણે આંતરિક અશાંતિના નામે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવાનો રસ્તો અપનાવ્યો. ભારતમાં લોકશાહીના પાયા મજબૂત કરનાર જવાહરલાલ નેહરુની પુત્રીએ છડેચોક લોકશાહી પર એવો કારી ઘા કર્યો કે તે મૂર્છિત બની.  ત્યાર પછીના ૧૯ મહિનામાં (જૂન, ૧૯૭૫થી જાન્યુઆરી ૧૯૭૭ દરમિયાન) આચરાયેલાં અનિષ્ટો-અત્યાચારોને મુખ્યત્વે કેટલાક  ભાગમાં વહેંચી શકાય :

‘મિસા’/MISA અને પોલીસ અત્યાચાર
Proclamation of emergency by President FakruddinAli Ahmed
કટોકટીનો સૌથી પહેલો આશય ‘અરાજકતા’ દૂર કરવાનો હતો. ૨૫ જૂનની રાત્રે રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરતા વટહુકમ પર સહી કરી અને મધરાત પછી મોટા પાયે ધરપકડો શરૂ થઇ. સવાર સુધીમાં લગભગ તમામ વિપક્ષી નેતાઓને પકડી લેવામાં આવ્યા. ઇંદિરા ગાંધીનું આસન ડોલાવી દેનાર જયપ્રકાશ નારાયણને લાવવા ૨૫મીની રાત્રે ત્રણ વાગ્યે પોલીસ પહોંચી ચૂકી હતી. તેમના સાથીદાર રાધાકૃષ્ણને  જેપીને લોકો માટે કોઇ સંદેશો આપવા કહ્યું, ત્યારે જેપી બોલ્યા,‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’.

ન્યાયીપણાની ચિંતા રાખ્યા વિના, ઇચ્છા મુજબ ધરપકડો કરી શકાય એ માટે ‘મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ’ (MISA/‘મિસા’)ના કાયદામાં ફેરફારો કરવામાં આવ્યા. (જેમ કે, ‘મિસા’ હેઠળ કરાયેલી ધરપકડોને અદાલતમાં પડકારી ન શકાય).


કટોકટી દરમિયાન એક અંદાજ પ્રમાણે એકથી દોઢ લાખ લોકોની ધરપકડ અથવા અટકાયત થઇ. વિવિધ વિચારધારાના રાજનેતાઓ અને ચળવળકારોથી માંડીને સ્થાનિક સ્તરે કૉંગ્રેસી નેતાઓ કે પોલીસને ખટકતા બિનરાજકીય લોકો સામે ‘મિસા’નો છૂટથી પ્રયોગ કરવામાં આવ્યો. (એ વખતેે જયપ્રકાશના શિષ્ય લાલુપ્રસાદ યાદવે પોતાની દીકરીનું નામ ‘મિસા’ પાડ્યું હતું.)

R to L : Laluprasad Yadav, Misa, other children & Rabdidevi
Snehlata reddy
વિરોધ પક્ષના મોટા ભાગના નેતાઓ પકડાઇ ગયા, પણ રેલવેની હડતાળ દ્વારા દેશનું કામકાજ ખોરવી નાખનાર તેજતર્રાર યુનિઅન લીડર જ્યોર્જ ફર્નાન્ડિસનો પત્તો ન હતો. તેમની ભાળ મેળવવા માટે તેમના ભાઇ લૉરેન્સ ફર્નાન્ડિસ પર બૅંગ્લોરની પોલીસે બેસુમાર અત્યાચાર ગુજાર્યા. તેમનાં પારિવારિક મિત્ર-અભિનેત્રી સ્નેહલતા રેડ્ડીને પણ પોલીસે મહિનાઓ સુધી જેલમાં નાખી દીધાં. સ્નેહલતા રેડ્ડી હોય કે પછી રાજપરિવારનાં ગાયત્રીદેવી (જયપુર)- વિજયારાજે સિંધીયા (ગ્વાલિયર), જેલમાં તેમને સામાન્ય કેદીઓ સાથે રાખીને શક્ય એટલી હેરાનગતિ પહોંચાડવામાં આવી. સ્નેહલતા રેડ્ડીનું આરોગ્ય કથળવા છતાં એ તરફ કશું ધ્યાન અપાયું નહીં. (જેલમાંથી છૂટ્યાના પાંચ દિવસ પછી હૃદયરોગના હુમલામાં તેમનું મૃત્યુ થયું)

જયપ્રકાશ નારાયણની તબિયત કથળ્યા પછી જ તેમને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા. જેલમાં ક્ષમતા કરતાં વધારે સંખ્યામાં કેદીઓ ઠાંસવામાં આવ્યા હતા. અંગ્રેજોના રાજ વખતે અપાય એટલી સુવિધાઓ પણ રાજકીય કેદીઓને મળતી ન હતી.  આપખુદ નેતાઓ અને તેમના અભય તળે બેફામ બનેલા કેટલાક પોલીસ અધિકારીઓએ કટોકટી દરમિયાન કેદીઓ પર થર્ડ ડિગ્રીના સિતમ ગુજાર્યા, જે સાદી મારઝૂડ કરતાં અનેક ગણા અમાનુષી હતા. કંઇકના એન્કાઉન્ટર થયાં ને કેટલાય રહસ્યમય રીતે ગુમ થયા. આવી થોડી કરુણ કથાઓનું આલેખન આનંદ પટવર્ધનની દસ્તાવેજી ફિલ્મ ‘પ્રિઝનર્સ ઑફ કોન્શન્યન્સ’/Prisoners of Conscience (‘ઝમીરકે બંદી’, ૧૯૭૮)માં જોવા મળે છે.

ગુજરાતની વાત કરીએ તો, ૧૯૭૪ના નવનિર્માણ આંદોલનને લીધે કૉંગ્રેસી સરકારના પતન પછી થયેલી ચૂંટણીમાં, પહેલી વાર બિનકૉંગ્રેસી સરકાર રચાઇ. જનતા મોરચાની એ સરકારના મુખ્ય મંત્રી બાબુભાઇ જશભાઇ પટેલ હતા. એ સમયગાળામાં ‘મિસા’ હેઠળ ધરપકડો ન થઇ. પરંતુ માર્ચ ૧૯૭૬માં (કટોકટીના નવ મહિના પછી) ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન લદાયું. ‘મિસા’ હેઠળ સંખ્યાબંધ લોકોને જેલભેગા કરવામાં આવ્યા. તેમાં જયપ્રકાશ-આચાર્ય કૃપાલાણી જેવા દિગ્ગજોના સાથી, ખોંખારીને કટોકટીનો વિરોધ કરનાર સત્યાગ્રહી પ્રકાશ ન.શાહનું નામ મોખરે હતું.

તેમણે દસ મહિના જેલવાસ ભોગવ્યો અને ‘મિસા’ અંતર્ગત થયેલી જેલ માટે ‘મિસાવાસ્યમ્‌’ જેવો પ્રયોગ વહેતો મૂક્યો. તેમના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં સ્થાનિક સૂચનાથી કે વ્યક્તિગત વાંધાને કારણે અત્યાચારના કિસ્સા બન્યા, પણ સેન્સરશીપને બાદ કરતાં, સરકારના ઇશારે જેલમાં કે જેલની બહાર વ્યાપક દમનના પ્રસંગોથી ગુજરાત એકંદરે મુક્ત રહ્યું.

સેન્સરશિપ 

ફક્ત સરકાર ઇચ્છે એટલી માહિતી લોકો સુધી પહોંચે, એ કટોકટી ટકાવવા જરૂરી હતું. એ માટે અખબારો-સામયિકો પર સેન્સરશીપ લાદવામાં આવી. જૂના માહિતી-પ્રસારણ મંત્રી આઇ.કે.(ઇન્દરકુમાર) ગુજરાલ ‘નરમ’ લાગતાં, સંજય ગાંધીના દરબારી વી.સી.(વિદ્યાચરણ) શુક્લને એ હોદ્દે બેસાડી દેવાયા.
V C Shukla/ વિદ્યાચરણ શુક્લ
વી સી શુક્લે દિલ્હીમાં અખબારોનો વીજપુરવઠો કાપી નાખ્યો અને તંત્રીઓની મિટિંગ બોલાવીને બહાદુરીથી કહ્યું પણ ખરું કે સેન્સરશીપનું તંત્ર બરાબર ગોઠવાઇ રહે ત્યાં લગી, ગમે તેવી અફવાઓ ન ફેલાય એ માટે વીજપુરવઠો કાપી નખાયો હતો. દિલ્હી સિવાય બીજે કેટલાંક અખબારો તંત્રીલેખની જગ્યા કોરી મૂકીને કે ગાંધી-નેહરુ-ટાગોરનાં વ્યક્તિસ્વાતંત્ર્ય-લોકશાહી વિશેનાં અવતરણો મૂકીને વિરોધ વ્યક્ત કરતાં હતાં. શુક્લે એવાં છાપાંને ધમકાવ્યાં અને શું નહીં છાપવાનું તેની યાદી જારી કરી. તેમાં સરકારવિરોધી પ્રદર્શનોથી માંડીને વિપક્ષી નેતાઓની હિલચાલ, જેલની સ્થિતિ જેવા વિષયો ઉપરાંત ગાંધી-નેહરુ-ટાગોરના વિચારો અને કોરી જગ્યા સુદ્ધાં ન છાપવાની કડક સૂચના હતી.
Abu Abraham on censorship

સરકારી માહિતી કચેરીઓ સેન્સરની ઑફિસ બની. જે છાપાં-સામયિકો સ્વતંત્ર રીતે સામગ્રી આપવા કોશિશ કરે, તેમની પર પ્રી-સેન્સરશીપ ઠોકી બેસાડાતી હતી. (ઉમાશંકર જોશીએ રાજ્યસભામાં કહ્યું હતું તેમ, અંગ્રેજી રાજમાં પણ પ્રી-સેન્સરશીપ લદાઇ ન હતી.) છાપું કે મેગેઝીન તૈયાર કરીને પ્રેસમાં મોકલતાં પહેલાં સેન્સરની ઑફિસે મોકલવાનું. સેન્સર મન પડે તે સમાચાર પર ચોકડી મારે અને ‘સુધારેલું’ છાપું રાતે પાછું આપે. પાઠ શીખવવો હોય તો ક્યારેક બીજા દિવસે સવારે પણ પાછું આપે. તાકાત હોય તો છાપો ને વેચો.

છાપાંમાં તંત્રીઓને બદલે માલિકો કે મેનેજરો સાથે વાત કરવાનું શુક્લ અને તેમની ગેંગને સહેલું પડતું હતું. આઝાદ મિજાજ તંત્રીઓને નોકરીમાંથી પાણીચું પકડાવવાનું કહી દેવામાં આવે. કુલદીપ નાયર સહિત સંખ્યાબંધ પત્રકારોની ધરપકડ થઇ હતી. ‘ધ સ્ટેટ્‌સમેન’ અને ‘ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ’ જેવાં અખબારોએ કિન્નાખોર સરકારની ભારે હેરાનગતિ વેઠીને, અદાલતોના આશરે પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખ્યું. ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના કે.કે.બિરલા સરકારના ખોળે હતા. નાનાં સામયિકો-વિચારપત્રોને હેરાન કરવામાં કોઇ કસર ન રખાઇ. પ્રિન્ટિંગ પ્રેસવાળાને ધમકાવવામાં આવતા, જેથી એ લોકો સરકારવિરોધી સામયિક છાપવા તૈયાર ન થાય. ધાકધમકીઓ ન ચાલે તો પછી તંત્રી પાસેથી મોટી રકમની જામીનગીરી માગવામાં આવતી. રાજમોહન ગાંધીના અંગ્રેજી સામયિક ‘હિંમત’નાં તંત્રી કલ્પના શર્માએ લખ્યું છે કે મુંબઇનું કોઇ પ્રેસ ‘હિંમત’ છાપવા તૈયાર ન હતું. છેવટે, વાચકોને અપીલ કરીને ઉઘરાણું કરવામાં આવ્યું. તેમાંથી બે નાનાં મશીન ખરીદીને ‘હિંમત’ ચાલુ રખાયું.

સાહિત્યક્ષેત્રની હસ્તીઓમાં ઉમાશંકર જોશી રાજ્યસભાના નિયુક્ત સભ્ય હતા. તેમણે ગૃહમાં અને તેમના માસિક ‘સંસ્કૃતિ’નાં પાનાં પર કટોકટીની આકરી ટીકા કરી. (ગુજરાતમાંથી સત્તાવાર વિરોધનું બીજું ઉદાહરણ, ઇંદુલાલ યાજ્ઞિકના અવસાન પછી ખાલી પડેલી લોકસભાની બેઠક પર અપક્ષ ચૂંટાયેલા પુરૂષોત્તમ ગણેશ માવળંકરે પૂરું પાડ્યું.)  મહારાષ્ટ્રનાં દુર્ગા ભાગવત ખુલ્લમ્‌ખુલ્લા સરકારના વિરોધમાં આવ્યાં.
Durga Bhagwat/ દુર્ગા ભાગવત
કૉંગ્રેસી મુખ્ય મંત્રી યશવંતરાવ ચવાણના ગામ કરાડમાં ૧૯૭૬માં યોજાયેલા મરાઠી સાહિત્ય પરિષદના અધિવેશનમાં દુર્ગા ભાગવત પરિષદપ્રમુખ હતાં ને ચવાણ સ્વાગતસમિતિના પ્રમુખ. દુર્ગા ભાગવતે કટોકટીની કડક ટીકા કરી અને મંચ પરથી જ તેમણે સૌને બે મિનીટ ઊભા થઇને, (મુંબઇની જસલોક હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા) જયપ્રકાશ નારાયણના આરોગ્ય માટે પ્રાર્થના કરવા કહ્યું. બીજા લોકોની સાથે મુખ્ય મંત્રી યશવંતરાવને પણ ન છૂટકે ઊભા થવું પડ્યું. અનેક પ્રવચનોમાં કટોકટીની આકરી ટીકા કરનારાં દુર્ગા ભાગવતની પછીથી ધરપકડ કરવામાં આવી. ‘તીસરી કસમ’ અને ‘મૈલા આંચલ’ જેવી ઉત્કૃષ્ટ સાહિત્યકૃતિઓના લેખક ફણીશ્વરનાથ રેણુએ કટોકટીના વિરોધમાં ‘પદ્મશ્રી’નું સન્માન પાછું વાળ્યું.

આવા થોડા અપવાદરૂપ, સલામને લાયક કિસ્સાને બાદ કરતાં, મોટી સંખ્યામાં પત્રકારો અને તંત્રીઓ ચૂપ થઇ ગયા, તાબે થયા અથવા ખુશામતમાં જોડાઇ ગયા. ‘ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયા’ના તંત્રી-વિખ્યાત લેખક ખુશવંતસિંઘ સંજય ગાંધીની અવિરત ભાટાઇ કરતા હતા. તેમના ભાવનું કારણ ગમે તે હોય, પણ તેનું પરિણામ શરમજનક હતું. લાલકૃષ્ણ અડવાણીના યાદગાર વિધાન પ્રમાણે, સરકારે ઝૂકવાનું કહ્યું ને પ્રસાર માઘ્યમો સરકારના ચરણોમાં આળોટી પડ્યાં હતાં.
(ક્રમશઃ)

Friday, September 12, 2014

પ્રકાશ ન. શાહ : પંચોતેરમે

’આવતી કાલે પ્રકાશભાઇને પંચોતેરમું વર્ષ બેસશે’ એવું બિનીત મોદીએ ગઇ કાલે કહ્યું, ત્યારે મેં ફક્ત ’હા, હં’ કહીને નોંધ લીધી ને ફોન મૂકી દીધો. પછી આજે સવારે વિચાર આવ્યો કે ઝડપથી અને શોર્ટ નોટિસમાં મળી શકે એવા પ્રકાશભાઇના પ્રેમી મિત્રો એમના ઘરે ભેગા થઇએ. ’મઝા આવશે’ એ તો પ્રકાશભાઇને મળવાનું હોય એટલે નક્કી જ હોય.

એવી રીતે અમે થોડા મિત્રો મળ્યા. બિનીત મોદીને કેક લાવવાની જવાબદારી સોંપી હતી. (સોરી, દીનાનાથ બત્રા). બિનીત મોદી જગતમાં એક જ અને અનોખી જણસ છે. એ કેકની દુકાનેથી બિલ લાવ્યો, પણ કોના નામનું? ’પીયુસીએલ, રીપબ્લિક ઓફ ચાઇના.’ (પીયુસીએલ -પીપલ્સ યુનિઅન ઓફ સિવિલ લીબર્ટીઝ- સાથે પ્રકાશભાઇના સંબંધો જાણનારા આ બિનીતબ્રાન્ડ જોક વધારે માણી શકશે.)



અપેક્ષા મુજબ જ અમે ભારે જલસા કર્યા. પ્રકાશભાઇના પરમ મિત્ર અને અમારા સ્નેહી વડીલ વિપુલ કલ્યાણી (લંડન) સાથે ફોન પર ગોષ્ઠિ કરીને તેમને પણ મહેફિલમાં સામેલ કર્યા.

’નવગુજરાત સમય’ના તંત્રી અને ’(વર્ષો પહેલાં વડોદરા લોકસત્તામાં) પ્રકાશભાઇએ મને બસની ટિકીટની પાછળ અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપ્યો હતો’ એવું વખતોવખત ગૌરવપૂર્વક કહેનારા અજય ઉમટ પણ તેમને વિશ કરવા આવ્યા હતા. આ ઘરેલુ જલસાપાર્ટીની થોડી તસવીરો પ્રકાશભાઇના પ્રેમીઓ-ચાહકોના લાભાર્થે મૂકું છું. સાથોસાથ, થોડા વખત પહેલાં જસવંતભાઇ રાવલે ’નયા પડકાર’ માટે પ્રકાશભાઇ વિશે મારી પાસે એક લેખ લખાવ્યો હતો. એ લેખ પણ અહીં મૂકું છું. એને પ્રકાશભાઇનો સ્નેપ-પ્રોફાઇલ કહી શકાય.

તો આ તસવીરો.. અને પછી લેખ..

પ્રકાશભાઇના જાહેર જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા- કટોકટી અને જેલવાસના
વર્ષ ૧૯૭૫ અને ૭૫મા વર્ષનો મેળ બેસાડતું બિનીત મોદીનું લખાણઃ
બેકરીવાળાને ગુજરાતી લખતાં ન આવડે એટલે જાતે જ લખવું પડ્યું.

પ્રકાશભાઇને ચોકલેટ ખવડાવીને બાકાયદા મોં મીઠુ કરાવતો બિનીત, વચ્ચે અજય
ઉમટ અને પાછળ દિવ્યેશ વ્યાસ 

કેક કાપવા વિશે પ્રકાશભાઇ એકાદ સારો શબ્દ આપે એની
રાહ જોઇએ (પ્રકાશભાઇ- નયનાબહેન)

પ્રકાશભાઇ-નયનાબહેન / Prakash N.Shah-Nayna Shah

ડાબેથીઃ બિનીત મોદી/Binit Modi, દિવ્યેશ વ્યાસ/Divyesh Vyas, અજય ઉમટ/
Ajay Umat, પ્રકાશ ન.શાહ/Prakash N.Shah, આશિષ કક્કડ/Ashish Kakkad,
ઉર્વીશ કોઠારી/Urvish Kothari

મંડળી મળવાથી થતા ફાયદાઃ નયનાબહેન/Nayna Shah, પ્રકાશભાઇ/Prakash N.Shah,
 આશિષ કક્કડ/Ashish Kakkad, દિવ્યેશ વ્યાસ/Divyesh Vyas, કેતન રૂપેરા/
Ketan Rupera,  સંજય ભાવે/Sanjay Bhave, બિનીત મોદી/Binit Modi

નયનાબહેન, પ્રકાશભાઇ, આશિષ કક્કડ, સંજય ભાવે, ઉર્વીશ કોઠારી, કેતન રૂપેરા,
દિવ્યેશ વ્યાસ 


પ્રકાશ ન. શાહ : અડીખમ નાગરિકધર્મનું મુક્ત હાસ્ય

ગુજરાતના જાહેર જીવનમાં ભીની બૌદ્ધિકતા, નિર્ભાર વિદ્વત્તા, તીક્ષ્ણ રમૂજવૃત્તિ- મુક્ત હાસ્યની ઓથે છુપાયેલું ગાંભીર્ય અને એ બધામાં શિરમોર ‘નો સર’ કહેવાની ઠંડી મક્કમતા- આ ગુણો સ્વતંત્રપણે દુર્લભ બની ગયા હોય, ત્યારે તેમના સંયોજન માટે કયા શબ્દો વાપરવા? આશ્ચર્યજનક ચમત્કાર? સુખદ અકસ્માત? વીરલ યોગાનુયોગ?

એમાંનો એક પણ પ્રયોગ ન વાપરવો હોય તો, ફક્ત ‘પ્રકાશ ન.શાહ’ કહેવું  પૂરતું છે.

સરળતા ખાતર પ્રકાશભાઇની ટૂંકી ઓળખાણ ‘નિરીક્ષક’ વિચારપત્રના તંત્રી અને ‘દિવ્ય ભાસ્કર’ના કટારલેખક તરીકે આપી શકાય. ૨૦૦૨ પછીના ગુજરાતમાં તેમની એક પ્રમુખ ઓળખ મુખ્ય મંત્રીના મુખ્ય ટીકાકાર તરીકેની પણ રહી છે. કાયદો-વ્યવસ્થા અને ન્યાયના શાસનની વાત કરનારાને ‘સ્યુડો-સેક્યુલર’ તરીકે ઓળખવાની ગુજરાતી ફેશન પ્રમાણે, પ્રકાશભાઇ ‘સેક્યુલર ટોળકીના પોપ’ જેવું બિરૂદ પણ પામ્યા છે. ઇંદિરા ગાંધીની આપખુદશાહીનો ખુલ્લો વિરોધ કરનારા અને કટોકટી વખતે જેલવાસ ભોગવી ચૂકેલા પ્રકાશભાઇને કોમવાદી-વ્યક્તિકેન્દ્રી રાજકારણનો વિરોધ કરવા બદલ કોંગ્રેસી ગણવામાં આવે, તે વિશિષ્ટ વિરોધાભાસ છે.

પ્રકાશભાઇમાં એક સાથે (અસલી) અધ્યાપક, પત્રકાર, સાહિત્યકાર અને ચળવળકારનું ચેતન ધબકે છે. આજે જેમનાં નામ સાંભળીને અહોભાવયુક્ત આદર થઇ આવે એવાં અનેક ઐતિહાસિક વ્યક્તિત્વો સાથે તેમને ગાઢ સંપર્ક હતો. એ યાદીમાં આચાર્ય કૃપાલાણી અને જયપ્રકાશ નારાયણથી માંડીને ગાંધીબિરાદરી-જાહેર જીવન-સાહિત્ય-પત્રકારત્વનાં ઘણાં નામ આવી જાય. રામનાથ ગોએન્કાના ‘એક્સપ્રેસ જૂથ’માં તેમણે ‘જનસત્તા’ દૈનિકનું તંત્રીપદ સંભાળ્યું હતું.

લેખન- પત્રકારત્વ સાથે પ્રકાશભાઇનો સંબંધ લગભગ પાંચેક દાયકાથી છે. ભોગીલાલ ગાંધીના ‘વિશ્વમાનવ’ અને પ્રબોધ ચોક્સીના તંત્રીપદ હેઠળના ‘નિરીક્ષક’માં લખનારા પ્રકાશભાઇ રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે નિરાંતે જિંદગી વીતાવી શક્યા હોત, પણ અધ્યાપકપદું તેમની કારકિર્દીમાં કેવળ અલ્પવિરામ બની રહ્યું. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તૈયાર થઇ રહેલા ગુજરાતી જ્ઞાનકોશ ‘જ્ઞાનગંગોત્રી’માં ભોગીલાલ ગાંધી સાથે કામ કરવાની દરખાસ્ત આવતાં, તેમણે અધ્યાપક તરીકેની નોકરી છોડી દીધી. પત્રકારત્વમાં ‘એક્સપ્રેસ જૂથ’ના ‘નૂતન ગુજરાત’ અને પછી ‘જનસત્તા’ના તંત્રી તરીકે તેમની કામગીરી યાદગાર રહી.

મુખ્ય ધારાનાં ગુજરાતી અખબારો માટે અસ્પૃશ્ય રહેલા ઘણા વિષયો તેમણે ‘જનસત્તા’માં સામેલ કર્યા. એ વિષય પર વાચકોના પ્રતિભાવો અને તેના દ્વારા ચર્ચાનો માહોલ ઊભો કર્યો. હસમુખ ગાંધીના તંત્રીપદ હેઠળ એક્સપ્રેસ જૂથના ‘સમકાલીન’માં પ્રકાશભાઇએ નિયમિત લખ્યું. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ની ગુજરાતી આવૃત્તિ શરૂ થઇ ત્યારે તેની ધુરા સંભાળવા માટે, ઉમાશંકર જોશી અને પુરુષોત્તમ માવળંકર બન્ને પાસેથી ‘ટાઇમ્સ’ને પ્રકાશભાઇનું જ નામ મળ્યું. જોકે, ‘ટાઇમ્સ’ના વ્યાવસાયિક માહોલમાં તેમને લાંબો સમય ગોઠ્યું નહીં.
‘દિવ્ય ભાસ્કર’  શરૂ થયું ત્યારે શરૂઆતનાં વર્ષોમાં તેના તંત્રીપાનાની જવાબદારી પ્રકાશભાઇ સંભાળતા હતા. ગુજરાતનાં મુખ્ય ધારાનાં અને માતબર ફેલાવો ધરાવતા અખબારોમાં પહેલી વાર તે આવ્યા અને જણાયા પણ ખરા. ગુજરાતી અખબારોમાં તંત્રીલેખો ઘણુંખરું ઔપચારિકતા પૂરી કરવા ખાતર લખાતા અને છપાતા હોય છે, પણ પ્રકાશભાઇના તંત્રીલેખો અસંખ્ય મુદ્દા પર વાચકોને નરવું વિચારભાથું પૂરું પાડનારા બની રહ્યા. રાજકારણ ને સમાજના ગંભીર વિષયો જેટલી જ સાહજિકતાથી સચિન તેંડુલકર- અનિલ કુંબલેની ક્રિકેટકલા વિશેના તંત્રીલેખોમાં પ્રકાશભાઇ ખીલી ઉઠતા હતા.

તંત્રીલેખ અને બીજા લેખોમાં પ્રકાશભાઇની ભાષા કાયમી ચર્ચાનો વિષય રહી છે. ‘પ્રકાશભાઇનું ગુજરાતી વાંચવું હોય તો તેનો અનુવાદ કરાવવો પડે’ એવી રમૂજ વર્ષોથી થાય છે. તેમની લેખિત ભાષા સરળ કે સીધીસટ નથી, પરંતુ ધ્યાન અને મન દઇને વાંચનારને તેમાંથી ફક્ત સચોટ-સર્વાંગી વિશ્લેષણનો જ નહીં, ભાષાની તાજગી અને નવા શબ્દપ્રયોગોનો પણ આનંદ મળે છે. ગુજરાતી કટારલેખકોમાં બહુ ઓછા એવા છે, જેમને ખરેખર કંઇ કહેવાનું હોય. પ્રકાશભાઇ એમાંના એક છે, તેનો દૃઢ અહેસાસ થઇ ગયા પછી તેમના લેખો વાંચવાનું અઘરું પડતું નથી. બલ્કે, સમજાય છે કે મામલો મુખ્યત્વે મગજને તસ્દી આપવાનો જ છે.

નવા અને શબ્દકોશમાં ન હોય (છતાં તેમાં સ્થાન પામી શકે) એવા ગુજરાતી શબ્દો નીપજાવવામાં પ્રકાશભાઇ માહેર છે. જાદુગર હવામાંથી અજબગજબની ચીજો પેદા કરે, તેમ પ્રકાશભાઇ હસતાંરમતાં નવા શબ્દો બનાવે અને વાપરે છે. મોટી ઇમારતો બનાવવાની ઘેલછા માટે ‘દૈત્યકાય ઇમારતવાદ’, મીડિયાના આક્રમણ માટે ‘મીડિયામારી’, ક્રિકેટની ચીઅર ગર્લ્સ માટે ‘ચિયરાંગના’, તો અન્ડરવેઇટ બાળકો માટે ‘ઋણવજનિયાં’ જેવા પ્રયોગો તેમને મન સહજ અભિવ્યક્તિનો એક ભાગ છે. ભદ્રંભદ્ર બન્યા વગર તે ‘ગોલ્ડન જ્યુબિલી’ માટે ‘સુવર્ણજયંતિ’ને બદલે ‘પચાસવર્ષી’, ‘રોલમોડેલ’ને બદલે ‘વેશનમૂનો’, ‘નોનસ્ટાર્ટર’ માટે ‘અનારંભી’ અને ‘વન અપમેનશિપ’ માટે ‘અમે-તમારાથી-ચડિયાતા-શાઇ’ જેવા સોંસરવા ગુજરાતી પ્રયોગો આબાદ પ્રયોજી જાણે છે. ‘કિંકર્તવ્યમૂઢ’ જેટલી જ સહેલાઇથી તે ‘કિંદર્શિતવ્યંમૂઢ’ (ટીવી પર શું જોવું તેની ખબર ન પડે એ અર્થમાં) લગાડી શકે છે.

છીછરી લોકપ્રિયતામાં છબછબીયાં કરનારા અકારણ અને કૃતક ‘ગુજલિશ’ દ્વારા ગુજરાતીનું ચિરહરણ કરી રહ્યા છે, ત્યારે પ્રકાશભાઇના લખાણની ભાષામાં ગુજરાતી ભાષાનો જુદો-મૌલિક-પ્રકાશીય રંગ જોવા મળે છે. પણ ઘણી વાર પ્રકાશભાઇના રાજકીય વિચારોના વિરોધ માટે તેમની ભાષાની ‘દુર્બોધતા’નો મુદ્દો વીંઝાતો જોવા મળે છે.

પ્રકાશભાઇના ભલભલા વિચારવિરોધીઓ તેમની રમૂજવૃત્તિની પ્રશંસામાં એકમત છે. સહજ સંવાદમાં રમૂજની છોળો ઉડાડતા પ્રકાશભાઇની હાજરી દૂરથી જ પરખાઇ જાય. પ્રેમાળ અટ્ટહાસ્ય પ્રકાશભાઇનું ઓળખપત્ર છે. રમૂજ કરવાની અને માણવાની તેમની ક્ષમતાને કારણે જ કદાચ, તે ‘નિરીક્ષક’ જેવું સામયિક ચલાવવા છતાં અને ચાર-ચાર દાયકાથી જાહેર જીવનમાં સક્રિય હોવા છતાં, નિરાશાવાદી કે કડવા થયા નથી. હસતા મોંએ તે ટીકા સહન કરી શકે છે અને કટુ થયા વિના ટીકા કરી પણ શકે છે. તેમાં કશો દંભ નથી. નકરી સ્વાભાવિકતા હોય છે.

પ્રકાશભાઇને લખતાં વાર લાગતી નથી, પણ તેમને લખવા બેસાડવાનું કામ ભગીરથ હોય છે. લખવા બેઠા પછી તે એક બેઠકે અને એકસરખા સુવાચ્ય અક્ષરોમાં વસંત-રજબ વિશેની આખી પરિચય પુસ્તિકા લખી કાઢે છે. પણ તે લખવા બેસે એવો યોગ આણવાનું બહુ કપરું છે. (ચાર દાયકાના લેખન પછી પણ તેમના નામે એકેય પુસ્તક નથી.) તેની સરખામણીમાં પ્રકાશભાઇ પાસેથી બોલાવવું પ્રમાણમાં ઘણું સહેલું છે. વક્તવ્ય માટે તે મોટે ભાગે ‘ના’ પાડતા નથી અને કદી ઉપરછલ્લું, લોકરંજક કે આત્મરતિભર્યું વક્તવ્ય આપતા નથી. ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સાહિત્ય, કળા, ધર્મ, ફિલસૂફી, ગાંધી જેવા અનેક વિષયોમાં તેમની ઊંડી સમજણ, ‘હું’પણાની બાદબાકી સાથે, તેમનાં વક્તવ્યોમાં ઘોળાઇને આવે છે. ‘લોકપ્રિય’ તરીકે જાણીતા લોકરંજક વક્તાઓની જેમ, તેમના પ્રવચનમાં શ્રોતાઓને આંજી નાખવાનો કશો વ્યાયામ હોતો નથી, પણ નિરાંતે આખું વક્તવ્ય સાંભળનાર શ્રોતા છેવટે કશુંક નક્કર પામીને ઊભો થાય છે. (તેમનું વક્તવ્ય ફક્ત ‘ઓડિયો’ નહીં, પણ ‘ઓડિયો-વિઝ્યુઅલ’ અનુભવ હોય છે.) તેમાં અનાયાસ અને આબાદ રીતે આવી જતા અઢળક સંદર્ભો શ્રોતાઓના મનની ક્ષિતિજો વિસ્તારવામાં મદદરૂપ થાય છે.

ગાંધી-કૃપાલાણી-જયપ્રકાશ-ઉમાશંકરયુગ સાથેની અનન્ય વિચારકડી તરીકે પ્રકાશભાઇ ગુજરાતનું એવું વીરલ વ્યક્તિત્વ છે, જેમના વિશે ગૌરવ લેવાનું અને જેમના પ્રદાનને યથાયોગ્ય રીતે મૂલવવાનું ઘણા ગૌરવતત્પર ગુજરાતીઓનો હજુ સૂઝ્યું નથી. 

Tuesday, October 22, 2013

ડો. વિનાયક સેન : નાગરિક અધિકારોનાં અંધારાં-અજવાળાં

Dr.Binayak Sen in Ahmedabad
તસવીરોમાં દેખાતા ચહેરા પરથી વ્યક્તિત્વનો અંદાજ બાંધવાનું જોખમી છે : નક્કર લાગતા માણસો તકલાદી નીકળી શકે અને નમ્ર લાગતો માણસ દંભનું પૂતળું પણ નીકળે. છત્તીસગઢમાં માનવ અધિકારનું કામ કરનારા અને એ ‘ગુના’ બદલ સરકારની આંખે ચડી ગયેલા-  ‘માઓવાદીઓના સાથી’ હોવાના અદ્ધરતાલ આરોપ બદલ લાંબો જેલવાસ ભોગવી ચૂકેલા વિનાયક સેન/ Dr. Binayak Senની ઘણી તસવીરો જોઇ છે. તેમાંથી યાદ રહી ગયેલી તસવીરોમાં પોલીસવાનની જાળીની પાછળ દેખાતો એક સૌમ્ય ચહેરો યાદ રહી ગયો હતો. પરંતુ ગુરૂવારે (૧૭-૧૦-૨૦૧૩) સાંજે સાડા ચાર વાગ્યાથી એકાદ કલાક સુધી વિનાયક સેનને સાવ નજીકથી જોયા-સાંભળ્યા પછી લાગ્યું કે તેમની પૂરેપૂરી શાલીનતા તો તસવીરમાં પણ સમાઇ શકી ન હતી. એ તેમના વક્તવ્ય અને સવાલોના જવાબમાં વ્યક્ત થઇ.  નરેન્દ્ર મોદીને ભાજપની ચૂંટણીસમિતિના અઘ્યક્ષ બનાવાયા એ વિજયી ક્ષણોમાં પણ મોદીએ હર્ષ મંદરનો નામજોગ અને ડો.સેનનો નામ લીધા વગર - નક્સલવાદીઓનો આયોજન પંચમાં લીધા હતા- એવી રીતે કર્યો હતો. છતાં  ડૉ.સેનની વાતમાં ક્યાંય તેનો ડંખ કે કડક અહેસાસ સુદ્ધાં જોવા મળ્યાં નહીં.

ગુજરાત વિદ્યાપીઠના પદવીઅર્પણ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા ડૉ.સેન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ/PUCL)ના રાષ્ટ્રિય સ્તરના હોદ્દેદાર છે. વ્યવસાયે એ તબીબ અને પ્રકૃતિથી સેવાભાવી હતા. પણ એ જીવનમાં નાગરિક સ્વાતંત્ર્ય જેવો ‘તકરારી’ મુદ્દો ક્યારે અને કેવી રીતે ઘૂસી ગયો?

Prakash N. Shah, Dr.Binayak Sen
અમદાવાદના મહેંદીનવાઝ જંગ હોલની બાજુમાં આવેલા નાના ખંડમાં, ડૉ.સેન અને તેમનાં પત્ની ઇલિના/ Elina Senની  સાથે બેઠેલા પ્રકાશ ન.શાહે તેમની લાક્ષણિક રમતિયાળ શૈલીમાં એવો જ ગંભીર સવાલ પૂછ્‌યો, ‘પહેલે તો આપ સેવાવૃત્તિવાલે- રચનાત્મક કાર્ય કરનેવાલે અચ્છે આદમી થી. ફિર કૈસે બિગડ ગયે?’ આ સવાલનો જવાબ આપતાં ડૉ. સેનનાં પત્ની અને સ્વયં પીયુસીએલ સાથે સંકળાયેલાં ઇલિના સેને મુક્ત હાસ્ય સાથે કહ્યું, ‘એના માટે પીયુસીએલ જવાબદાર છે.’ પછી ડોક્ટરે પણ અછડતી વાત કરી.

રૂમ નાનો હતો, પણ ખીચોખીચ ભરાઇ ગયો હતો. સાડા ચાર વાગ્યે શરૂ થનારી આ મર્યાદિત વર્તુળની બેઠકમાં પાંચ-સવા પાંચ સુધી આવનારા પણ હતા. એકાદ કલાકની અનૌપચારિક બેઠકના અંતે ડૉ.સેને કહ્યું કે છત્તીસગઢમાં આ જાતની મિટિંગ આયોજિત કરવી હોય તો બહુ અઘરું છે. અહીં આટલા લોકો આવી શક્યા એ બહુ આનંદની વાત છે.
L to T : Gautam Thakar, Prakash N. Shah, Dr.Binayak Sen, Elina Sen
પીયુસીએલના ગૌતમ ઠાકરે ભાંગીતૂટી હિંદીમાં પ્રેમપૂર્વક ડૉ.સેન વિશે અને તેમને સંબોધીને ટૂંકી વાત કરી. ત્યાર પછી ડૉ.સેન બોલવા ઊભા થયા. સરેરાશ કરતાં થોડી વધારે ઊંચાઇ, સાદાં કપડાં, એનજીઓ થકી બદનામ થયેલો ઝોળો..કશા આવેશ-અભિનિવેશ વગર તેમણે બોલવાનું શરૂ કર્યું.

અંગ્રેજીમાં સડસડાટ બોલતા પણ હિંદીમાં બોલવામાં વચ્ચે વચ્ચે યોગ્ય શબ્દો શોધવા માટે ભારે મથામણ કરતા ડૉ. સેને તેમની વાત પૂરી કરી, એટલે સવાલ-જવાબનો દૌર શરૂ થયો. છેલ્લે સંજય ભાવેએ ઉપસ્થિતિ સૌ લોકો વતી ભાવપૂર્ણ રીતે સેનદંપતિનો આભાર માન્યો. એટલે પ્રકાશભાઇએ લગે હાથ કહી દીધું કે ‘હવે આભારવિધિ કરવાની રહેતી નથી.’

આટલી અંગત નોંધ પછી આજે ‘દૃષ્ટિકોણ’માં પ્રગટ થયેલો લેખ.

***

હોલિવુડની ફિલ્મોમાં ઘણી વાર જોવા મળે છે : સાવ નિર્દોષ અને પોતાના ધંધારોજગારમાં મશગૂલ હીરો અચાનક અણધારી આફતમાં ફસાઇ જાય. પોલીસ કે જાસુસો ચડી આવે, ધરપકડ કરીને તેને અજ્ઞાત ઠેકાણે લઇ જવામાં આવે, ગંભીર ગુના બદલ તેને આરોપી ઠરાવી દેવામાં આવે, સીધાસાદા હીરોના માથે દુઃખનાં ઝાડ ઉગે...અને હીરોની આંખ ખુલી જાય.

પરંતુ ઘણી વાર ફિલ્મો કરતાં વાસ્તવિકતા વધારે ખતરનાક હોય છે. તેનો અનુભવ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા વિનાયક સેનને બરાબર થઇ ગયો. મૂળ એ સેવાભાવી વૃત્તિવાળો જીવ, પણ છત્તીસગઢ સરકારે અને અદાલતે તેમના માથે રાજદ્રોહનો આરોપ ઠોકી બેસાડ્યો. નાગરિક નિસબત કે રાજકીય જાગૃતિ વગરનો, કેવળ દયાનીતરતો સેવાભાવ હોય તો આપણા દેશમાં બહુ ચાલે. અઢળક માનપાન મળે. ફરિશ્તા તરીકે જયજયકાર થાય. પણ એ જ માણસ જેવો નાગરિકોના હિત માટે સત્તાધીશો સામે શીંગડાં ભેરવે, એ સાથે સમજવું કે તેનો પગ કઠણાઇના કુંડાળામાં પડ્યો- પછી એ ડૉ.કનુભાઇ કળસરિયા હોય કે ડૉ. વિનાયક સેન.

એ ખરું કે આ પ્રકારના સેવાભાવી લોકો હોલિવુડના હીરો જેવા સાવ ‘નિર્દોષ’ નથી હોતા. તેમને બરાબર ખબર હોય છે કે તે શું કરી રહ્યા છે અને તેનાં કેવાં પરિણામ હોઇ શકે છે. પરંતુ લોકોની નિઃસ્વાર્થ સેવા કરતી વખતે સરકારની ક્રૂર- ગુનાઇત ઉપેક્ષા અને દમન-શોષણ જોયા પછી તેમને પોતાનો ધર્મ સમજાય છે. એ ધર્મ છે કોંગ્રેસ-ભાજપ જોયા વિના અને સત્તાધીશોની નારાજગીની પરવા કર્યા વિના, નાગરિકહિતની વાત કરવી. આ રસ્તે આગળ ચાલતાં અંગત હિત જોખમાવાનું છે, જિંદગીની સુખશાંતિ હણાવાની છે - આ બધી ચેતવણીઓ અને સંભાવનાઓ તેમને ડગાવી શકતી નથી અને એ શક્યતાઓ વાસ્તવિકતા બને, ત્યારે આ લોકો કડવાશ કે ઝનૂનથી ઘૂણવા લાગતા નથી.

ગાંધીના સંઘર્ષનો વારસો

ગયા અઠવાડિયે ડૉ.વિનાયક સેન સાથેની અનૌપચારિક સમુહગોષ્ઠિથી આ ખ્યાલ વધારે દૃઢ બન્યો. છત્તીસગઢમાં માઓવાદનો મુકાબલો કરવાના નામે સરકારે રચેલા દળ ‘સાલ્વા જુડુમ’ના અત્યાચારોએ માઝા મુકી હતી. સ્થાનિક લોકોનાં જીવન હરામ કરી થઇ ગયાં હતાં.  સત્તાધારી પક્ષે પોતાના સ્થાનિક માણસો અને તેમના મળતિયાઓના હાથમાં સત્તાવાર રાહે બંદૂકો પકડાવી અને ‘માઓવાદનો મુકાબલો કરવા’ છૂટા મૂકી દીધા.

તેનું પરિણામ આવવું જોઇએ એ જ આવ્યું : સ્થાનિક લોકો એક તરફ માઓવાદી અને બીજી તરફ સાલ્વા જુડુમની બંદૂકો વચ્ચે ભીંસાવા અને પીસાવા લાગ્યા. ડૉ.સેને સાલ્વા જુડુમના નામે ચાલતા સરકારી ત્રાસવાદનો વિરોધ કર્યો, ત્યારે તેમને પણ માઓવાદીઓના સાથીદાર તરીકે ખપાવી દેવામાં આવ્યા અને તેમની સામે રાજદ્રોહનો અતિગંભીર આરોપ મુકવામાં આવ્યો. આરોપ એટલો ગંભીર હતો કે તેમને જેલમાં ગોંધી રાખ્યા પછી જામીન પણ ન મળે. ડૉ.સેનની કામગીરીથી પરિચિત સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા. પછી રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય સ્તરે ડૉ.સેનની મુક્તિ માટેની ઝુંબેશ શરૂ થઇ. આખરે સર્વોચ્ચ અદાલતે ‘સાલ્વા જુડુમ’ને ગેરબંધારણીય ઠરાવીને તેને વિખેરી નાખવાનો આદેશ આપ્યો અને ડૉ.સેનના જામીન મંજૂર કરવામાં આવ્યા.

આવી સરકારોના રાજમાં રાજદ્રોહના આરોપી હોવું, એને ગાંધીજીએ બહુમાન ગણ્યું હોત. એટલે ગુજરાત વિદ્યાપીઠના પદવીઅર્પણ સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડૉ.સેનની ઉપસ્થિતિ એકદમ બંધબેસતી હતી. આ નિમિત્તે પહેલી વાર સાથી કર્મશીલ અને પત્ની ઇલિના સેન સાથે અમદાવાદ આવેલા ડૉ.સેનની વાતો સાંભળીને નવાઇ લાગે કે આ માણસ પર સરકારે રાજદ્રોહનો કેસ ઠોકી બેસાડ્યો હતો? તેમનાં વાણીવ્યવહારમાં કટુતા તો ઠીક, કડકાઇ કે આકરાપણું પણ નહીં. ગુજરાતના અને દેશના ઘણા મુદ્દા અંગે તેમણે મહેનતપૂર્વક હિંદીમાં અને સડસડાટ અંગ્રેજીમાં, કશી આત્યંતિકતા દર્શાવ્યા વિના કે નાયકપદું ઓઢી લીધા વિના વાતો કરી- સવાલોના જવાબ આપ્યા. તેમની વાતના વિષયોમાં ગુજરાતના કુપોષણના આંકડા અને અન્નસુરક્ષા કાયદાથી માંડીને ફાસીવાદ અને ૨૦૧૪ની ચૂંટણીનો સમાવેશ થતો હતો.

દેશભરમાં ગુજરાત મોડેલની વાત ચાલે છે ત્યારે ‘ડાઉન ટુ અર્થ’ સામયિકમાં પ્રગટ થયેલા તાજા અહેવાલના આંકડા ટાંકીને ડૉ.સેને કહ્યું કે આંગણવાડીઓના ગેરવહીવટને કારણે ગુજરાતમાં કુપોષણથી પીડાતાં બાળકોનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. ‘ડાઉન ટુ અર્થ’ (૩૧ ઓક્ટોબર, ૨૦૧૩)ના અંકમાં ૪ ઓક્ટોબરના રોજ પ્રગટ થયેલા ‘કેગ’ના અહેવાલના આધારે જણાવાયું છે કે ગુજરાતનાં ૨.૨૩ કરોડ બાળકો કેન્દ્ર સરકારના ‘ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ’ના ‘સપ્લીમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ’ (પૂરક પોષણ કાર્યક્રમ)નાં લાભાર્થી બને એમ હતાં. પરંતુ તેમાંથી ફક્ત ૬૩ લાખ બાળકો આ યોજનાનો લાભ લઇ શક્યાં. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ૪૪ ટકા બાળકો મઘ્યમ દરજ્જાના કુપોષણનો અને પાંચ ટકા બાળકો ગંભીર પ્રકારના કુપોષણનો શિકાર બનેલાં જણાયાં હતાં.

સામાન્ય સંજોગોમાં સરકારી ધારાધોરણ પ્રમાણે ગુજરાતમાં કુલ ૭૫,૪૮૦ આંગણવાડી કેન્દ્રો હોવાં જોઇએ. તેને બદલે સરકારે ૫૨,૧૩૭ કેન્દ્રો મંજૂર કર્યાં અને માર્ચ, ૨૦૧૨ સુધી તેમાંથી ૫૦,૨૨૫ કેન્દ્રો કાર્યરત છે. ૧.૮૭ કરોડ બાળકો આંગણવાડીથી અને તેના પરિણામે ‘ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ’ના ફાયદાથી વંચિત રહી જાય છે. એ માટે રાજ્ય સરકાર સિવાય બીજા કોઇને દોષિત ઠરાવી શકાય એમ નથી.
 દેવાલય કરતાં શૌચાલયને પ્રાધાન્ય આપવાના ગુજરાતના મુખ્ય મંત્રીના વિધાનનો ઉલ્લેખ કરીને ડૉ.સેને કહ્યું કે ગુજરાતની ૪૦ ટકા આંગણવાડીઓમાં શૌચાલયની સુવિધા નથી અને ૩૩ ટકા આંગણવાડીમાં પીવાના ચોખ્ખા પાણીની પણ વ્યવસ્થા નથી. તેમણે કહ્યું કે ગરીબ-અમીર વચ્ચેની અસમાનતા વધતી જાય છે. એટલું જ નહીં, ગરીબોને બે ટંક ભોજન અને પીવાના પાણીનાં પણ ફાંફાં પડી રહ્યાં છે. અન્નની અછતની વાત થાય છે, પણ પાણીનો મુદ્દો એટલો ચર્ચાતો નથી.

અભ્યાસે તબીબ હોવાના નાતે પોષણને લગતી વિગતો ડૉ.સેનના રસનો એક મુખ્ય વિષય છે. પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટીઝના હોદ્દેદાર તરીકે પણ આ મુદ્દે તે ઘણા સમયથી ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમણે કેન્દ્ર સરકારના અન્નસુરક્ષા વટહુકમની સૌમ્ય શબ્દોમાં કડક ટીકા કરીને કહ્યું કે ‘આ તો બિમારી કરતાં દવા વધારે નુકસાનકારક હોય એવો ઘાટ થયો છે.’ સરકારી અન્નસુરક્ષા યોજના પૂરતી વ્યાપક નથી, તેમાં ફક્ત ઘઉં-ચોખા (કાર્બોહાઇડ્રેટ)ને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જાહેર વિતરણ પ્રણાલીનાં ઠેકાણાં નથી- એવા ઘણા મુદ્દા તેમણે ઉભા કર્યા. તેમના મતે અન્નસુરક્ષા કાયદાનું સારું પાસું હોય તો એક જ : તેનાથી અન્નસુરક્ષાના મુદ્દે કાયદેસર લડત આપી શકાશે અને વંચિત લોકોના અન્નના હક માટે અદાલતમાં જઇ શકાશે. આ બાબત પર ઘ્યાન કેન્દ્રિત કરીને તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ, એવું તેમનું સૂચન હતું. યુપીએ સરકારના રાજમાં આયોજન પંચની ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્ય રહી ચૂકેલા ડૉ.સેને કહ્યું કે એક તરફ અનાજ સંઘરવાની જગ્યાઓ નહીં હોવાને કારણે એ સડી જાય છે, ત્યારે ભારતના અન્નમંત્રી શરદ પવાર કહે છે કે દેશના બધા લોકોને ભોજન પૂરું પાડવું શક્ય નથી. આ અંગે મોન્તેકસિંઘ આહલુવાલિયા સાથેના પોતાના અનુભવને યાદ કરીને, ડૉ.સેને કહ્યું કે એમની પાસેથી બહુ આશા રાખી શકાય એમ નથી.

પડકારો સામે પા પા પગલી

ડૉ.સેનની વાતચીતના કેન્દ્રીય ઘ્વનિમાં કોઇ ચોક્કસ રાજકીય પક્ષની ટીકાને બદલે સમાજના અમુક વર્ગમાં ફેલાયેલી સુખસંતોષની લાગણીની ચિંતા વધારે હતી. તેમણે કહ્યું કે ગરીબ-અમીર વચ્ચેનું અંતર વધી રહ્યું હોય એવા વિષમ માહોલમાં સમાજનો એક વર્ગ પરમસુખમાં મહાલી રહ્યો છે, એ સૌની ચિંતાનો વિષય હોવો જોઇએ. ફાસીવાદના ફેલાવા વિશે એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અત્યારનો ફાસીવાદ પ્રગટ નથી અને એ ગુજરાત પૂરતો કે ભારત પૂરતો મર્યાદિત પણ નથી. અસલમાં તે વિશ્વભરમાં સળવળી રહ્યો છે. એની સામે શી રીતે લડવું એ આપણા માટે મોટો પડકાર છે.

સરકારો કેવી રીતે કામ કરે છે તેના એક નમૂના તરીકે ડૉ.સેને છત્તીસગઢનો દાખલો આપ્યો. સર્વોચ્ચ અદાલતે સાલ્વા જુડુમના સરકારી સૈન્યને વિખેરી નાખવાનો અને તેમની પાસેથી શસ્ત્રો લઇ લેવાનો આદેશ આપ્યો, ત્યારે છત્તીસગઢના મુખ્ય મંત્રીએ શરમાવાને બદલે શું કર્યું? તેમણે સાલ્વા જુડુમના ૩,૨૦૦ લોકોમાંથી આશરે ૨,૯૦૦ લોકોને  કશી ઔપચારિકતા વિના પોલીસદળમાં સમાવી લીધા અને સત્તાવાર રાહે તેમને શસ્ત્રો પણ આપ્યાં. આ ચેષ્ટાથી ખફા થયેલી સર્વોચ્ચ અદાલતે  છત્તીસગઢ સરકારને અદાલતના તિરસ્કારની નોટિસ ફટકારી છે.

આગામી લોકસભાની ચૂંટણીમાં યુપીએ અને એનડીએમાંથી કોની ‘ઓછા અનિષ્ટ’ તરીકે પસંદગી કરવી? એના જવાબમાં ડૉ.સેને કહ્યું કે આ વાતને આટલી સીધીસાદી રીતે જોઇ શકાય નહીં. એમ કરવાથી રાજકારણીઓની જાળમાં આવી જવાય છે. તેમનો મુદ્દો એ હતો કે નાગરિક તરીકે આપણો લોકશાહી સાથેનો સંબંધ-સંપર્ક કેવળ ચૂંટણી પૂરતો જ મર્યાદિત હોવો ન જોઇએ. સરકાર ચાહે કોઇ પણ હોય. ‘એનડીએને હું ક્રેડિબલ પોલિટિકલ ફોર્સ- વિશ્વસનીય રાજકીય પરિબળ- ગણતો નથી’ એમ કહીને, તેમણે ‘નન ઑફ ધ અબોવ’ (ઉપર જણાવેલા ઉમેદવારોમાંથી એક પણ નહીં)નો વિકલ્પ વિચારવા સૂચન કર્યું. અલબત્ત, એ વિકલ્પનાં પૂરેપૂરાં પરિમાણ હજુ ઉઘડ્યાં નથી એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું.

નાગરિક અધિકારો અંગેની કામગીરીમાં કોઇ સરકારના ખોળે બેસવાથી કામ ચાલતું નથી અને સરકારની સામે પડવાનાં જોખમથી બીને પણ કામ થઇ શકતું નથી. ‘યુપીએ કે એનડીએ?’ જેવા સવાલો કે તેના ‘યોગ્ય વિકલ્પ સામે ટીક કરો’ એવા સહેલા જવાબો હોઇ શકતા નથી. પરંતુ શું ન હોવું જોઇએ એની સમજણ દૃઢ થાય, તો પછી જે હોવું જોઇએ તેની દિશામાં ગતિ શક્ય બને. ડૉ.સેન જેવા લોકો એ અંધકારમય દિશામાં યથાશક્તિ અજવાળું પાથરી રહ્યા છે. 

Sunday, April 29, 2012

ગુણવંત શાહ પ્રકરણઃ દિલગીરી એક, સવાલ અનેક

(નોંધઃ સમગ્ર ઘટનાક્રમ સમજવાની તૈયારી વિના, પહેલેથી અભિપ્રાયો બાંધીને બેઠેલા લોકો માટે આ લખાણો નથી.)

ગુણવંત શાહના લેખ ('ગુજરાતની નિંદા કરવાની ફેશન', 'દિવ્ય ભાસ્કર', 18-3-2012) અંગે મારો પ્રતિભાવ (ગુણવંત શાહની 'બૌદ્ધિક બદમાશી') ‘નિરીક્ષક’માં (1-4-2012) છપાયો.

‘નિરીક્ષક’ના ત્યાર પછીના અંકમાં ગુણવંત શાહનો લેખ ‘સફેદ જૂઠ’ અને તેનો મેં આપેલો જવાબ ‘કાળી સચ્ચાઇ’ પ્રગટ થયો. આ બન્ને લેખ અહીં મૂક્યા છે. ગુણવંત શાહનો શબ્દાડંબર અને મૂળ મુદ્દા ગુપચાવીને શૈલીના શણગાર સજવાની તેમની યુક્તિ તેમના પત્રમાં ખુલ્લી પડેલી જોઇ શકાય છે. તેમના પત્રના જવાબમાં મેં મુખ્યત્વે ઘટનાક્રમ અને વિગતો આપી છે.
(બન્ને લેખ)





આ લેખો પ્રગટ થયા પછી ગુણવંત શાહે શ્રેયાંસભાઇને ટાંકીને જણાવ્યું છે કે તેમણે (ગુણવંતભાઇ)એ શ્રેયાંસભાઇને ફોન કર્યો ન હતો. 
આ જાણ્યા પછી હું શ્રેયાંસભાઇને મળ્યો. એમણે મને કહ્યું કે ‘ગુણવંતભાઇએ મને ફોન કર્યો ન હતો. (એ વખતે) હું ક્યાંક બહાર ગયો હતો. ત્યાં કોણે કહ્યું એ ભૂલી ગયો, પણ એવી વાત થઇ હતી કે આ બધું ચાલી રહ્યું છે ને ઠીક નથી. એટલે મેં મારા તરફથી જ તમને કહ્યું હતું અને ગુણવંતભાઇ સાથે વાત કરાવવાની- સમાધાન કરાવવાની તૈયારી બતાવી હતી.’
આ સ્થિતિમાં મારે જે કહેવું જોઇએ તે મેં 'નિરીક્ષક'માં લખ્યું છે. સાથોસાથ, તંત્રી પ્રકાશ ન. શાહનું લખાણ પણ અહીં મૂક્યું છે. જાહેર લખાણોની જવાબદારી અને જાહેર ચર્ચાનાં ધોરણો વિશે, આખી ચર્ચામાંથી ગુણવંત શાહ કશોક ધડો લે - તેમના લખાણોમાંથી ઉભા થતા અંગત સચ્ચાઇ અને જાહેર હિતના અનેક સવાલના જવાબ આપે તો ગુજરાતના, ગાંધીના અને કદાચ વણઝારાના પ્રેમીઓને પણ લાભ થશે. 



Friday, April 09, 2010

આંબેડકર જયંતિની આગોતરી ઉજવણી

‘દિલના દરવાજે દસ્તક’ - આ નામ છે ડો.આંબેડકરનાં આત્મકથનાત્મક સંભારણાંના ગુજરાતી અનુવાદનું. અત્યાર લગી ગુજરાતીમાં ભાગ્યે જ અથવા છૂટાંછવાયાં વાંચવા મળતા લખાણો પહેલી વાર બે પૂંઠા વચ્ચે આવી રહ્યાં છે. એ લખાણોમાં ડો.આંબેડકરના ઘડતરકાળની ઘણી ઓછી જાણીતી વાતો તેમના પોતાના શબ્દોમાં વાંચવા મળે છે. જેમ કે, તેમની અટક કેવી રીતે પડી, તેમના ઘડતરમાં પિતાનો કેવો અને કેટલો ફાળો છે, શિક્ષકોના અવનવા અનુભવો, આભડછેટના અનુભવો...

અંગત રીતે પણ આ પુસ્તકનું ખાસ મહત્ત્વ છેઃ આ પુસ્તક (૮૦ પાનાંની, પરિચય પુસ્તિકાથી નાના કદની પુસ્તિકા) પરમ મિત્ર ચંદુ મહેરિયાના ‘દલિત અધિકાર પ્રકાશન’નું પહેલું પુસ્તક છે. તેના માટે ડો.આંબેડકરનાં અંગ્રેજી-હિંદી લખાણોનો અનુવાદ ચંદુભાઇએ અને મેં કર્યો છે.

રવિવાર, તા.૧૧-૪-૧૦, સાંજે સાડા ૫:૩૦ વાગ્યે, સાહિત્ય પરિષદમાં આ પુસ્તકનો વિમોચન સમારંભ છે. તેમાં સૌને પ્રેમભર્યું નિમંત્રણ.

પુસ્તકનું વિમોચન સંવેદનશીલ દલિત લેખક પ્રવીણ ગઢવી કરશે. સફાઇ કર્મચારી આયોગનાં સભ્ય કમળાબહેન ગુર્જર સમારંભનાં અઘ્યક્ષ છે.

વક્તાઓ: પ્રકાશ ન. શાહ (તંત્રી, નિરીક્ષક), ઇન્દુકુમાર જાની (તંત્રીઃ નયા માર્ગ), રજની દવે (તંત્રીઃ ભૂમિપુત્ર), રાજેન્દ્ર પટેલ ( સચિવ, સાહિત્ય પરિષદ)

Friday, November 20, 2009

‘દૃષ્ટિકોણ’માં પ્રભાષ જોશીનું સ્મરણ

હિંદી પત્રકારત્વમાંથી રાષ્ટ્રિય સ્તરે પ્રતિષ્ઠા હાંસલ કરનારા જૂજ પત્રકારોમાં પ્રભાષ જોશીનું નામ મોખરે છે. એક્સપ્રેસ જૂથના હિંદી ‘જનસત્તા’ના તંત્રી તરીકે પ્રભાષ જોશીનો કાર્યકાળ પત્રકારત્વના ઇતિહાસમાં યાદગાર ગણાય છે. ૫ નવેમ્બરે પ્રભાષ જોશીનું અવસાન થયું. તેમની સ્મૃતિ અને વચ્ચે વચ્ચે પ્રાદેશિક પત્રકારત્વની ચર્ચામાં રસ ધરાવતા મિત્રોને આવતી કાલના ‘દૃષ્ટિકોણ’ કાર્યક્રમમાં રસ પડશે.

ડીડી-૧૧ (ગિરનાર) ચેનલ પર, સાંજે સાડા સાત વાગ્યે.
ભાગ લેનારઃ પ્રકાશ ન. શાહ, અજય ઉમટ, રાજીવ પી.આઇ. (ઇન્ડિયન એક્સપ્રેસ, અમદાવાદના નિવાસી તંત્રી)

Thursday, November 12, 2009

શબ્દાર્થપ્રકાશ # 11

સ્નેહસંગીતિઃ મૈત્રીના (કે પ્રણયના) મઘુર સૂર રેલાવતી ગોષ્ઠિ
એમના ગયાના સમાચાર આવ્યા અને પ્રભાષ જોશી સાથેની સૂચિત સ્નેહસંગીતિ હૃદયમાં જ લય પામી ગઇ. (દિ.ભા., ૭-૧૧-૦૯)

સર્વજનવિહારીઃ સમાજના તમામ વર્ગના લોકો સાથે સહજતાથી હળનાર-મળનાર
વિદ્યાવિલાસવ્યાસંગીઃ વિદ્યાપ્રવૃત્તિઓને બોચિયા જેવી શુષ્કતાથી નહીં, પણ રસિકતાથી સેવનાર.
ફક્કડ, સર્વજનવિહારી, વિદ્યાવિલાસવ્યાસંગી પણ છતાં એકલા, અલગારી. (પ્રભાષ જોશી વિશે, (દિ.ભા., ૭-૧૧-૦૯)

કુશાંદેઃ આરામદાયક (પ્રકાશભાઇના કહેવા પ્રમાણે ‘કુશાંદે’ યુરોપીયન શબ્દપ્રયોગ છે.)
(કૈં નહીં તો છેવટે રાજ્યસભની કુશાંદે બેઠકમાં) હોઇ શકતા હતા. (દિ.ભા., ૭-૧૧-૦૯)

અગ્નિદિવ્યઃ સચ્ચાઇની તાવણી કરતો અગ્નિ
એ અને ‘જનસત્તા’ બેઉ અગ્નિદિવ્યમાંથી બહાર આવ્યાં. (દિ.ભા., ૭-૧૧-૦૯)

નવમૂલ્યનઃ (અવમૂલ્યનની તરાહ પર) નવેસરથી મૂલ્યાંકન
એમના નવમૂલ્યનનો એક મોકો આવી મળે છે. (દિ.ભા., ૩૧-૧૦-૦૯)

પૌગંડઃ મુગ્ધ
એક પ્રજા તરીકે આપણે પુખ્ત થવું છે કે પછી પૌગંડ (એડોલેસન્ટ)ના પૌગંડ જ રહેવું છે...(દિ.ભા., ૩૧-૧૦-૦૯)

હારણઃ ડીફીડન્ટ
ભાજપ લગભગ દિશાશૂન્ય અને હારણ મનોદશામાં માલૂમ પડે છે. (દિ.ભા., ૨૪-૧૦-૦૯)

પ્રામુખ્યઃ મહત્ત્વ
જો આપણને ‘ગવર્નન્સ’નું પ્રામુખ્ય વસ્યું હોય તો...(દિ.ભા., ૨૪-૧૦-૦૯)

તાંબુલવાહિનીઃ રાણી કે યુવરાણીની સાથે ફરતી તેની અનુચરી...
તો પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસનું રાષ્ટ્રીય સ્વરૂપ ક્યાં ગયું? તે મરાઠી માણુસ અને રાજકીય તકવાદની તાંબુલવાહિની માત્ર બની રહ્યું એમ જ ને.(દિ.ભા., ૨૪-૧૦-૦૯)

ભીતભ્રાન્તઃ ભયભીત કરનારી ભ્રમણાઓથી ગ્રસ્ત
...કંઇક એવી ભીતભ્રાન્ત અને આક્રાન્ત એટલી જ આક્રમક વિચારરૂખ શૌરી અને બીજાઓમાં વખતોવખત દેખા દેતી રહે છે. (દિ.ભા., ૧૭-૧૦-૦૯)

રાજ્યકૈવલ્યવાદ/બજારકૈવલ્યવાદઃ (અનુક્રમે) ફક્ત રાજ્ય કે બજારનું જ હિત સાધતો અને તાકતો વાદ
એ વંચિત છે એમ કહેવું કદાચ અપૂરતું છે. કેમ કે એને વંચિત કરાયેલ છે, વંચિત રખાયેલ છે. કોઇ વાર રાજ્યકૈવલ્યવાદના છેડેથી તો આજકાલ વળી બજારકૈવલ્યવાદના છેડેથી... (દિ.ભા., ૧૦-૧૦-૦૯)

ર્દૈત્યકાય ઇમારતવાદઃ મોટી મોટી ઇમારતો બનાવવાની રાજકીય ઘેલછા
ક્યાં છે એ નવું રાજકારણ, જેના કેન્દ્રમાં વંચિત હોય? જો એ માયાવતીના દૈત્યકાય ઇમારતવાદમાં નથી તો...(દિ.ભા., ૧૦-૧૦-૦૯)

દેદાકૂટઃ પ્રકાશભાઇના જણાવ્યા પ્રમાણે, દેદો કૂટવો એટલે કોઇ પ્રસંગે અવાજ ઉઠાવવો એ મતલબના શબ્દપ્રયોગ પરથી. (‘ભગવદ્ગોમંડળ’ પ્રમાણે ‘દેદો’ એટલે દિવાળી પર થાપેલું પહેલું છાણું)
‘કેપિટાલિઝમ ઇઝ ડેડ’ની દેદાકૂટ તો કૈં આ અપેક્ષિત કડાકૂટનો અવેજ નથી. (દિ.ભા., ૧૦-૧૦-૦૯)

સોક્રેટિક બગાઇઃ સોક્રેટિસની જેમ નાગરિક ચિંતાથી રાજકારણીઓનું ‘લોહી પીનારા’- તેમને જંપીને જીવવા ન દેનારા વ્યાપક અર્થમાં રાજકારણતી કદાપિ પરહેજ નહીં કરનાર આ બેઉ (જયપ્રકાશ અને લોહિયા)...નાગરિકને છેડેથી રાજને સારૂ સોક્રેટિક બગાઇ બની રહ્યા.
(કુલ શબ્દોઃ 133)