Tuesday, October 22, 2013
ડો. વિનાયક સેન : નાગરિક અધિકારોનાં અંધારાં-અજવાળાં
Dr.Binayak Sen in Ahmedabad |
ગુજરાત વિદ્યાપીઠના પદવીઅર્પણ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા ડૉ.સેન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ/PUCL)ના રાષ્ટ્રિય સ્તરના હોદ્દેદાર છે. વ્યવસાયે એ તબીબ અને પ્રકૃતિથી સેવાભાવી હતા. પણ એ જીવનમાં નાગરિક સ્વાતંત્ર્ય જેવો ‘તકરારી’ મુદ્દો ક્યારે અને કેવી રીતે ઘૂસી ગયો?
Prakash N. Shah, Dr.Binayak Sen |
રૂમ નાનો હતો, પણ ખીચોખીચ ભરાઇ ગયો હતો. સાડા ચાર વાગ્યે શરૂ થનારી આ મર્યાદિત વર્તુળની બેઠકમાં પાંચ-સવા પાંચ સુધી આવનારા પણ હતા. એકાદ કલાકની અનૌપચારિક બેઠકના અંતે ડૉ.સેને કહ્યું કે છત્તીસગઢમાં આ જાતની મિટિંગ આયોજિત કરવી હોય તો બહુ અઘરું છે. અહીં આટલા લોકો આવી શક્યા એ બહુ આનંદની વાત છે.
L to T : Gautam Thakar, Prakash N. Shah, Dr.Binayak Sen, Elina Sen |
અંગ્રેજીમાં સડસડાટ બોલતા પણ હિંદીમાં બોલવામાં વચ્ચે વચ્ચે યોગ્ય શબ્દો શોધવા માટે ભારે મથામણ કરતા ડૉ. સેને તેમની વાત પૂરી કરી, એટલે સવાલ-જવાબનો દૌર શરૂ થયો. છેલ્લે સંજય ભાવેએ ઉપસ્થિતિ સૌ લોકો વતી ભાવપૂર્ણ રીતે સેનદંપતિનો આભાર માન્યો. એટલે પ્રકાશભાઇએ લગે હાથ કહી દીધું કે ‘હવે આભારવિધિ કરવાની રહેતી નથી.’
આટલી અંગત નોંધ પછી આજે ‘દૃષ્ટિકોણ’માં પ્રગટ થયેલો લેખ.
***
હોલિવુડની ફિલ્મોમાં ઘણી વાર જોવા મળે છે : સાવ નિર્દોષ અને પોતાના ધંધારોજગારમાં મશગૂલ હીરો અચાનક અણધારી આફતમાં ફસાઇ જાય. પોલીસ કે જાસુસો ચડી આવે, ધરપકડ કરીને તેને અજ્ઞાત ઠેકાણે લઇ જવામાં આવે, ગંભીર ગુના બદલ તેને આરોપી ઠરાવી દેવામાં આવે, સીધાસાદા હીરોના માથે દુઃખનાં ઝાડ ઉગે...અને હીરોની આંખ ખુલી જાય.
પરંતુ ઘણી વાર ફિલ્મો કરતાં વાસ્તવિકતા વધારે ખતરનાક હોય છે. તેનો અનુભવ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા વિનાયક સેનને બરાબર થઇ ગયો. મૂળ એ સેવાભાવી વૃત્તિવાળો જીવ, પણ છત્તીસગઢ સરકારે અને અદાલતે તેમના માથે રાજદ્રોહનો આરોપ ઠોકી બેસાડ્યો. નાગરિક નિસબત કે રાજકીય જાગૃતિ વગરનો, કેવળ દયાનીતરતો સેવાભાવ હોય તો આપણા દેશમાં બહુ ચાલે. અઢળક માનપાન મળે. ફરિશ્તા તરીકે જયજયકાર થાય. પણ એ જ માણસ જેવો નાગરિકોના હિત માટે સત્તાધીશો સામે શીંગડાં ભેરવે, એ સાથે સમજવું કે તેનો પગ કઠણાઇના કુંડાળામાં પડ્યો- પછી એ ડૉ.કનુભાઇ કળસરિયા હોય કે ડૉ. વિનાયક સેન.
એ ખરું કે આ પ્રકારના સેવાભાવી લોકો હોલિવુડના હીરો જેવા સાવ ‘નિર્દોષ’ નથી હોતા. તેમને બરાબર ખબર હોય છે કે તે શું કરી રહ્યા છે અને તેનાં કેવાં પરિણામ હોઇ શકે છે. પરંતુ લોકોની નિઃસ્વાર્થ સેવા કરતી વખતે સરકારની ક્રૂર- ગુનાઇત ઉપેક્ષા અને દમન-શોષણ જોયા પછી તેમને પોતાનો ધર્મ સમજાય છે. એ ધર્મ છે કોંગ્રેસ-ભાજપ જોયા વિના અને સત્તાધીશોની નારાજગીની પરવા કર્યા વિના, નાગરિકહિતની વાત કરવી. આ રસ્તે આગળ ચાલતાં અંગત હિત જોખમાવાનું છે, જિંદગીની સુખશાંતિ હણાવાની છે - આ બધી ચેતવણીઓ અને સંભાવનાઓ તેમને ડગાવી શકતી નથી અને એ શક્યતાઓ વાસ્તવિકતા બને, ત્યારે આ લોકો કડવાશ કે ઝનૂનથી ઘૂણવા લાગતા નથી.
ગાંધીના સંઘર્ષનો વારસો
ગયા અઠવાડિયે ડૉ.વિનાયક સેન સાથેની અનૌપચારિક સમુહગોષ્ઠિથી આ ખ્યાલ વધારે દૃઢ બન્યો. છત્તીસગઢમાં માઓવાદનો મુકાબલો કરવાના નામે સરકારે રચેલા દળ ‘સાલ્વા જુડુમ’ના અત્યાચારોએ માઝા મુકી હતી. સ્થાનિક લોકોનાં જીવન હરામ કરી થઇ ગયાં હતાં. સત્તાધારી પક્ષે પોતાના સ્થાનિક માણસો અને તેમના મળતિયાઓના હાથમાં સત્તાવાર રાહે બંદૂકો પકડાવી અને ‘માઓવાદનો મુકાબલો કરવા’ છૂટા મૂકી દીધા.
તેનું પરિણામ આવવું જોઇએ એ જ આવ્યું : સ્થાનિક લોકો એક તરફ માઓવાદી અને બીજી તરફ સાલ્વા જુડુમની બંદૂકો વચ્ચે ભીંસાવા અને પીસાવા લાગ્યા. ડૉ.સેને સાલ્વા જુડુમના નામે ચાલતા સરકારી ત્રાસવાદનો વિરોધ કર્યો, ત્યારે તેમને પણ માઓવાદીઓના સાથીદાર તરીકે ખપાવી દેવામાં આવ્યા અને તેમની સામે રાજદ્રોહનો અતિગંભીર આરોપ મુકવામાં આવ્યો. આરોપ એટલો ગંભીર હતો કે તેમને જેલમાં ગોંધી રાખ્યા પછી જામીન પણ ન મળે. ડૉ.સેનની કામગીરીથી પરિચિત સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા. પછી રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય સ્તરે ડૉ.સેનની મુક્તિ માટેની ઝુંબેશ શરૂ થઇ. આખરે સર્વોચ્ચ અદાલતે ‘સાલ્વા જુડુમ’ને ગેરબંધારણીય ઠરાવીને તેને વિખેરી નાખવાનો આદેશ આપ્યો અને ડૉ.સેનના જામીન મંજૂર કરવામાં આવ્યા.
આવી સરકારોના રાજમાં રાજદ્રોહના આરોપી હોવું, એને ગાંધીજીએ બહુમાન ગણ્યું હોત. એટલે ગુજરાત વિદ્યાપીઠના પદવીઅર્પણ સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડૉ.સેનની ઉપસ્થિતિ એકદમ બંધબેસતી હતી. આ નિમિત્તે પહેલી વાર સાથી કર્મશીલ અને પત્ની ઇલિના સેન સાથે અમદાવાદ આવેલા ડૉ.સેનની વાતો સાંભળીને નવાઇ લાગે કે આ માણસ પર સરકારે રાજદ્રોહનો કેસ ઠોકી બેસાડ્યો હતો? તેમનાં વાણીવ્યવહારમાં કટુતા તો ઠીક, કડકાઇ કે આકરાપણું પણ નહીં. ગુજરાતના અને દેશના ઘણા મુદ્દા અંગે તેમણે મહેનતપૂર્વક હિંદીમાં અને સડસડાટ અંગ્રેજીમાં, કશી આત્યંતિકતા દર્શાવ્યા વિના કે નાયકપદું ઓઢી લીધા વિના વાતો કરી- સવાલોના જવાબ આપ્યા. તેમની વાતના વિષયોમાં ગુજરાતના કુપોષણના આંકડા અને અન્નસુરક્ષા કાયદાથી માંડીને ફાસીવાદ અને ૨૦૧૪ની ચૂંટણીનો સમાવેશ થતો હતો.
દેશભરમાં ગુજરાત મોડેલની વાત ચાલે છે ત્યારે ‘ડાઉન ટુ અર્થ’ સામયિકમાં પ્રગટ થયેલા તાજા અહેવાલના આંકડા ટાંકીને ડૉ.સેને કહ્યું કે આંગણવાડીઓના ગેરવહીવટને કારણે ગુજરાતમાં કુપોષણથી પીડાતાં બાળકોનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. ‘ડાઉન ટુ અર્થ’ (૩૧ ઓક્ટોબર, ૨૦૧૩)ના અંકમાં ૪ ઓક્ટોબરના રોજ પ્રગટ થયેલા ‘કેગ’ના અહેવાલના આધારે જણાવાયું છે કે ગુજરાતનાં ૨.૨૩ કરોડ બાળકો કેન્દ્ર સરકારના ‘ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ’ના ‘સપ્લીમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ’ (પૂરક પોષણ કાર્યક્રમ)નાં લાભાર્થી બને એમ હતાં. પરંતુ તેમાંથી ફક્ત ૬૩ લાખ બાળકો આ યોજનાનો લાભ લઇ શક્યાં. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ૪૪ ટકા બાળકો મઘ્યમ દરજ્જાના કુપોષણનો અને પાંચ ટકા બાળકો ગંભીર પ્રકારના કુપોષણનો શિકાર બનેલાં જણાયાં હતાં.
સામાન્ય સંજોગોમાં સરકારી ધારાધોરણ પ્રમાણે ગુજરાતમાં કુલ ૭૫,૪૮૦ આંગણવાડી કેન્દ્રો હોવાં જોઇએ. તેને બદલે સરકારે ૫૨,૧૩૭ કેન્દ્રો મંજૂર કર્યાં અને માર્ચ, ૨૦૧૨ સુધી તેમાંથી ૫૦,૨૨૫ કેન્દ્રો કાર્યરત છે. ૧.૮૭ કરોડ બાળકો આંગણવાડીથી અને તેના પરિણામે ‘ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ’ના ફાયદાથી વંચિત રહી જાય છે. એ માટે રાજ્ય સરકાર સિવાય બીજા કોઇને દોષિત ઠરાવી શકાય એમ નથી.
દેવાલય કરતાં શૌચાલયને પ્રાધાન્ય આપવાના ગુજરાતના મુખ્ય મંત્રીના વિધાનનો ઉલ્લેખ કરીને ડૉ.સેને કહ્યું કે ગુજરાતની ૪૦ ટકા આંગણવાડીઓમાં શૌચાલયની સુવિધા નથી અને ૩૩ ટકા આંગણવાડીમાં પીવાના ચોખ્ખા પાણીની પણ વ્યવસ્થા નથી. તેમણે કહ્યું કે ગરીબ-અમીર વચ્ચેની અસમાનતા વધતી જાય છે. એટલું જ નહીં, ગરીબોને બે ટંક ભોજન અને પીવાના પાણીનાં પણ ફાંફાં પડી રહ્યાં છે. અન્નની અછતની વાત થાય છે, પણ પાણીનો મુદ્દો એટલો ચર્ચાતો નથી.
અભ્યાસે તબીબ હોવાના નાતે પોષણને લગતી વિગતો ડૉ.સેનના રસનો એક મુખ્ય વિષય છે. પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટીઝના હોદ્દેદાર તરીકે પણ આ મુદ્દે તે ઘણા સમયથી ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમણે કેન્દ્ર સરકારના અન્નસુરક્ષા વટહુકમની સૌમ્ય શબ્દોમાં કડક ટીકા કરીને કહ્યું કે ‘આ તો બિમારી કરતાં દવા વધારે નુકસાનકારક હોય એવો ઘાટ થયો છે.’ સરકારી અન્નસુરક્ષા યોજના પૂરતી વ્યાપક નથી, તેમાં ફક્ત ઘઉં-ચોખા (કાર્બોહાઇડ્રેટ)ને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જાહેર વિતરણ પ્રણાલીનાં ઠેકાણાં નથી- એવા ઘણા મુદ્દા તેમણે ઉભા કર્યા. તેમના મતે અન્નસુરક્ષા કાયદાનું સારું પાસું હોય તો એક જ : તેનાથી અન્નસુરક્ષાના મુદ્દે કાયદેસર લડત આપી શકાશે અને વંચિત લોકોના અન્નના હક માટે અદાલતમાં જઇ શકાશે. આ બાબત પર ઘ્યાન કેન્દ્રિત કરીને તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ, એવું તેમનું સૂચન હતું. યુપીએ સરકારના રાજમાં આયોજન પંચની ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્ય રહી ચૂકેલા ડૉ.સેને કહ્યું કે એક તરફ અનાજ સંઘરવાની જગ્યાઓ નહીં હોવાને કારણે એ સડી જાય છે, ત્યારે ભારતના અન્નમંત્રી શરદ પવાર કહે છે કે દેશના બધા લોકોને ભોજન પૂરું પાડવું શક્ય નથી. આ અંગે મોન્તેકસિંઘ આહલુવાલિયા સાથેના પોતાના અનુભવને યાદ કરીને, ડૉ.સેને કહ્યું કે એમની પાસેથી બહુ આશા રાખી શકાય એમ નથી.
પડકારો સામે પા પા પગલી
ડૉ.સેનની વાતચીતના કેન્દ્રીય ઘ્વનિમાં કોઇ ચોક્કસ રાજકીય પક્ષની ટીકાને બદલે સમાજના અમુક વર્ગમાં ફેલાયેલી સુખસંતોષની લાગણીની ચિંતા વધારે હતી. તેમણે કહ્યું કે ગરીબ-અમીર વચ્ચેનું અંતર વધી રહ્યું હોય એવા વિષમ માહોલમાં સમાજનો એક વર્ગ પરમસુખમાં મહાલી રહ્યો છે, એ સૌની ચિંતાનો વિષય હોવો જોઇએ. ફાસીવાદના ફેલાવા વિશે એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અત્યારનો ફાસીવાદ પ્રગટ નથી અને એ ગુજરાત પૂરતો કે ભારત પૂરતો મર્યાદિત પણ નથી. અસલમાં તે વિશ્વભરમાં સળવળી રહ્યો છે. એની સામે શી રીતે લડવું એ આપણા માટે મોટો પડકાર છે.
સરકારો કેવી રીતે કામ કરે છે તેના એક નમૂના તરીકે ડૉ.સેને છત્તીસગઢનો દાખલો આપ્યો. સર્વોચ્ચ અદાલતે સાલ્વા જુડુમના સરકારી સૈન્યને વિખેરી નાખવાનો અને તેમની પાસેથી શસ્ત્રો લઇ લેવાનો આદેશ આપ્યો, ત્યારે છત્તીસગઢના મુખ્ય મંત્રીએ શરમાવાને બદલે શું કર્યું? તેમણે સાલ્વા જુડુમના ૩,૨૦૦ લોકોમાંથી આશરે ૨,૯૦૦ લોકોને કશી ઔપચારિકતા વિના પોલીસદળમાં સમાવી લીધા અને સત્તાવાર રાહે તેમને શસ્ત્રો પણ આપ્યાં. આ ચેષ્ટાથી ખફા થયેલી સર્વોચ્ચ અદાલતે છત્તીસગઢ સરકારને અદાલતના તિરસ્કારની નોટિસ ફટકારી છે.
આગામી લોકસભાની ચૂંટણીમાં યુપીએ અને એનડીએમાંથી કોની ‘ઓછા અનિષ્ટ’ તરીકે પસંદગી કરવી? એના જવાબમાં ડૉ.સેને કહ્યું કે આ વાતને આટલી સીધીસાદી રીતે જોઇ શકાય નહીં. એમ કરવાથી રાજકારણીઓની જાળમાં આવી જવાય છે. તેમનો મુદ્દો એ હતો કે નાગરિક તરીકે આપણો લોકશાહી સાથેનો સંબંધ-સંપર્ક કેવળ ચૂંટણી પૂરતો જ મર્યાદિત હોવો ન જોઇએ. સરકાર ચાહે કોઇ પણ હોય. ‘એનડીએને હું ક્રેડિબલ પોલિટિકલ ફોર્સ- વિશ્વસનીય રાજકીય પરિબળ- ગણતો નથી’ એમ કહીને, તેમણે ‘નન ઑફ ધ અબોવ’ (ઉપર જણાવેલા ઉમેદવારોમાંથી એક પણ નહીં)નો વિકલ્પ વિચારવા સૂચન કર્યું. અલબત્ત, એ વિકલ્પનાં પૂરેપૂરાં પરિમાણ હજુ ઉઘડ્યાં નથી એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું.
નાગરિક અધિકારો અંગેની કામગીરીમાં કોઇ સરકારના ખોળે બેસવાથી કામ ચાલતું નથી અને સરકારની સામે પડવાનાં જોખમથી બીને પણ કામ થઇ શકતું નથી. ‘યુપીએ કે એનડીએ?’ જેવા સવાલો કે તેના ‘યોગ્ય વિકલ્પ સામે ટીક કરો’ એવા સહેલા જવાબો હોઇ શકતા નથી. પરંતુ શું ન હોવું જોઇએ એની સમજણ દૃઢ થાય, તો પછી જે હોવું જોઇએ તેની દિશામાં ગતિ શક્ય બને. ડૉ.સેન જેવા લોકો એ અંધકારમય દિશામાં યથાશક્તિ અજવાળું પાથરી રહ્યા છે.
Subscribe to:
Post Comments (Atom)
ડૉ. સેન સાથેનો સમગ્ર વાર્તાલપ ખૂબ સરસ છે. જે પૈકીના ત્રણ મુદ્દા અત્યંત ધ્યાનાકર્ષક છે. જેમ કે,
ReplyDelete(1) નાગરિક તરીકે આપણો લોકશાહી સાથેનો સંબંધ-સંપર્ક કેવળ ચૂંટણી પૂરતો જ મર્યાદિત હોવો ન જોઇએ.
(2) ઊભા રહેલા ઉમેદવારોમાંથી એક પણ નહીં વિકલ્પનાં પૂરેપૂરાં પરિમાણ હજુ ઉઘડ્યાં નથી તથા
(3) શું ન હોવું જોઇએ એની સમજણ દૃઢ થાય, તો પછી જે હોવું જોઇએ તેની દિશામાં ગતિ શક્ય બને.
ખૂબ સરસ. અમુક પ્રકારના મીટરછાપ લેખકો કે વૃંદાવનવાસીઓએ વિચારેલાં વાસીછાપ લખાણો કરતાં આ એક જ અહેવાલ લોકશાહીને વરેલાઓ માટે કાફી છે.