Thursday, October 24, 2013

રાણા પ્રતાપ અને ચેતક : આઘુનિક ઇન્ટરવ્યુ

પાઠ્યપુસ્તકોમાં આવતાં ઐતિહાસિક પાત્રો વિશે વિચારતાં હંમેશાં માન કે ત્રાસની લાગણી થાય એવું નથી. ઘણી વાર તેમના વિશે સહાનુભૂતિ થાય છે. દા.ત. બિચારા શિવાજી. અડધી જિંદગી તેમણે પહાડોમાં ભટકવામાં વીતાવી, પહાડોમાં જ સૈન્ય તૈયાર કર્યું, તેને તાલીમ આપી, કિલ્લા જીત્યા, પણ ‘ટાઇમ’ના કવર પર તો ઠીક, જ્ઞાતિના મેગેઝીનમાં પણ તેમનો ફોટો છપાયો નહીં કે તેમના વિશે બે સારા શબ્દો છપાયા નહીં.

તેમની સામેની છાવણીમાં રહેલા ઔરંગઝેબે પણ શું ધાડ મારી લીધી? દખ્ખણમાંથી શિવાજીને હંફાવી ન શક્યા ને એકેય  મેગેઝીનમાં ‘ઔરંગઝેબ સાથે એક દિવસ’ જેવું ફોટોફીચર પણ છપાવી ન શક્યા. એવા રાજપાટને શું કરવાનું? ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ તો શિવાજી-ઔરંગઝેબના પ્રમાણમાં નવાં કહેવાય, પણ તેમનું એકેય ફોટોશૂટ તો ઠીક, ઠેકાણાસરનો ફોટો પણ જોવા મળતો નથી. ફેસબુક પર તેમના નામે ભળતાસળતા ફોટા ફરતા હોય છે. ઝાંસીનાં રાણીને એકેય મહિલા મેગેઝીન કે મહિલા પૂર્તિના કવર પર ચમકવા ન મળ્યું, એ ભારતનું જેવુંતેવું દુર્ભાગ્ય છે?

આ પ્રકારના અફસોસાત્મક સિલસિલાનો અંત નથી. જેટલું વઘુ વિચારીએ, એટલી ઐતિહાસિક પાત્રો માટે દયા આવે અને થાય કે બિચારાં આટલાં મહાન હોવા છતાં, તેમને કેવળ શુષ્ક ઇતિહાસકારોથી કે રૂપિયા ખાતર પ્રશંસા કરતા કવિઓથી જ ચલાવી લેવું પડ્યું. હવે ઇતિહાસ કોઇ વાંચતું નથી અને કવિતા હવે બધા જ લખે છે. એ સંજોગોમાં આ પાત્રો વધારે સારા કવરેજનાં હકદાર હતાં એવું નથી લાગતું? તેમના પ્રત્યેની વિશુદ્ધ અનુકંપાથી પ્રેરાઇને અહીં એક કાલ્પનિક ફીચર અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. તેના કેન્દ્રસ્થાને છે : મહારાણા પ્રતાપ અને તેમનો પ્રતાપી અશ્વ ચેતક.

મુખ્ય ધારાનો કોઇ પત્રકાર આ એસાઇનમેન્ટ માટે ગયો હશે ત્યારે કેવી સ્થિતિ સર્જાઇ હશે? તેનો કલ્પનાની આંખે દેખ્યો અહેવાલ.

***

મેવાડ દુર્ગમ પહાડી અને ગીચ જંગલોની ભૂમિ છે. રાણા પ્રતાપના કિલ્લા સુધી પહોંચતી વખતે ટ્રાફિક નડતો નથી. રસ્તો એકંદરે સરસ છે, પણ હમણાં જ વરસાદ પડી ગયો હોવાથી એક ઢોળાવ પાસે બે ઘોડા અથડાઇને લપસી પડ્યા હતા. ત્યાં મોટું ટોળું ભેગું થયું હતું.   અથડાયેલા ઘોડામાંથી એક રાણા પ્રતાપના એક સરદારના જમાઇનો હતો. તેનો સવાર નુકસાની લીધા વિના હટવાની ના પાડતો હતો. થોડી વાર પછી તેને કહેવામાં આવ્યું કે સામેનો ઘોડો રાણા પ્રતાપના ખાસ અશ્વ ચેતકનો દૂરનો સગો છે. એટલે વાત ત્યાં જ આટોપાઇ ગઇ. પણ આ બબાલમાં હું રાણા પાસે એપોઇન્ટમેન્ટના ટાઇમ કરતાં મોડો પહોંચ્યો.

રાણા તેમના પરંપરાગત પોશાકમાં સજ્જ હતા. મને જોઇને તેમણે ‘જય મેવાડ’ કહીને હાથ મિલાવ્યા અને મારું આવવાનું પ્રયોજન પૂછ્‌યું.

મેં ગોળગોળ જવાબ આપ્યો. એટલે રાણાએ કહ્યું,‘જુઓ, અકબર વિશે તમે મને કશું ન પૂછો એ જ સારું છે. અગાઉ બે વાર તમે મારો ઇન્ટરવ્યુ લઇ ગયા છો, પણ એકેય વાર એ છપાયા નથી. તમારે ‘અકબર બહુ મહાન છે’ એવી સ્ટોરી કરવી હોય તો મહેરબાની કરીને કોઇ બીજો માણસ શોધી લો. માનસિંહનું સરનામું આપું?’

મેં ચોખવટ કરતાં કહ્યું,‘ના, આ વખતે તમારી સ્ટોરીમાંથી એકેય લાઇન નહીં કપાય, કારણ કે તેના કેન્દ્રમાં ચેતક છે.’

હકીકતમાં મને મૂંઝવણ એ જ થતી હતી કે ‘તમારા વિશે રાજકીય અહેવાલ નહીં, પણ ચેતક વિશે નિર્દોષ ફીચર લખવા આવ્યો છું’ એવું રાણાને કેવી રીતે કહેવું? પણ રાણાના સવાલથી એ મૂંઝવણ ટળી ગઇ. ઉલટું, પોતાના પ્રિય અશ્વ ચેતકનું નામ સાંભળીને - કે પછી આ સ્ટોરી ખરેખર છપાશે એ વિચારે- રાણાના મુખ પર પ્રસન્નતાની લહેરખી દોડી ગઇ. ગૌરવથી તેમણે બેઠક પાછળ લટકતા ચેતકના પૂરા કદના પોસ્ટર ભણી જોયું.

તેમનો મૂડ જોઇને મેં ઇન્ટરવ્યુ ચાલુ કર્યો,‘રાણાજી, તમે ક્યારથી ચેતક સાથે છો?’

રાણા : હું ચેતક સાથે નથી. ચેતક મારી અને મેવાડની સાથે છે. વર્ષો થઇ ગયાં. એવું કહેવાય છે કે ચેતકના વડવાઓ બાપ્પા રાવળની સેવામાં હતા. બાપ્પા રાવળનું નામ સાંભળ્યું છે? રાણા સંગનું? નથી સાંભળ્યું ને? સારું, જવા દો. એમ લખજો કે ચેતકના પૂર્વજો મારા પૂર્વજોની સેવામાં હતા. વાચકો તો તમારા કરતાં વધારે ઇન્ટેલિજન્ટ હશે. સમજી જશે.

સવાલ : પણ ચેતક તમારી જોડે એક્ઝેક્ટલી કઇ સાલમાં આવ્યો, એ..

રાણા : એવું બધું તો ક્યાંથી યાદ હોય? આ તમારો અકબર જંપીને બેસવા દે ત્યારે ને?

સવાલ : વાંધો નહીં. એ કહો કે અત્યાર સુધી ચેતકે કેટલી લડાઇઓમાં મહત્ત્વની ભૂમિકાઓ ભજવી? કઇ કઇ?

રાણા (હસતાં હસતાં) : તમે પત્રકાર છો કે માઘ્યમિક શિક્ષણ બોર્ડના પેપર સેટર? આવા સવાલો પૂછાતા હતા એટલે તો અમે ભણવાનું છોડી દીધું...(થોડું વિચારીને) લખોને, અત્યાર સુધીની બધી લડાઇઓમાં ચેતકે મહત્ત્વની ભૂમિકા ભજવી. તમારા વાચકો તો..

સવાલ :  હા, હા, ખબર છે. તો પણ બધી એટલે કેટલી?

રાણા : તમે બીજા સવાલ પૂછી લો. ત્યાર પછી ચેતકના બાયો-ડેટાની એક કોપી તમને મળી જશે. એમાં આવા બધા જવાબ લખેલા છે.

સવાલ : ઓ.કે. - અને ચુસ્તી-સ્ફૂર્તિ અને શારીરિક ક્ષમતાનું રહસ્ય શું?

રાણા : મારી?

સવાલ : ના, ચેતકની.

રાણા : તમને શું લાગે છે? ચ્યવનપ્રાશ?

સવાલ : ના. તમે એમ વાત ઉડાડી ન દો. ઓ.કે., એ કહો કે ચેતક રોજ સવાર-સાંજ શું ખાય છે? તે સવારે કેટલા વાગે ઊઠે છે અને સાંજે ક્યારે સૂઇ જાય છે? તેનું કુટુંબજીવન કેવું છે? મિસિસ ચેતક તેના પતિની પોઝિશનથી ખુશ છે? ચેતકનું પ્રમોશન કેવી રીતે થાય છે? એ બાબતે ચેતકના મનમાં કોઇ અધૂરી મહત્ત્વાકાંક્ષા? અત્યારે મેવાડમાં ચેતકના નામનાં કેટલી સ્કૂલો, હોસ્પિટલો, ચોક અને સર્કલ છે?

રાણા (એકદમ ઊભા થઇ જાય છે) : મારે માનસિંઘ સાથે ઇમ્પોર્ટન્ટ લંચ મિટિંગ છે, એટલે જવું પડશે, પણ હું તમને ‘ચેતક કમિશનર’ સાથે ભેગા કરી આપું છું. એ તમે પૂછશો એ બધાના જવાબ આપશે અને યોગ્ય જવાબ ન આપે તો મને ચોક્કસ જાણ કરશો. એ પોસ્ટ માટે બીજા કેટલાય લાઇન લગાડીને ઊભા છે.

*** 

આમ, અમારી ટૂંકી છતાં અંતરગ મુલાકાત પૂરી થઇ. ચેતક કમિશનર ચેતકને ઇવનિંગ વોક માટે લઇ ગયો હોવાથી, મારે ચેતક વિશેના છાપેલા બાયો-ડેટા અને બે તૈયાર ‘લાક્ષણિક’ તસવીરોથી જ સંતોષ માનવો પડ્યો. જેવાં વાચકોનાં નસીબ. 

2 comments:

  1. કલ્પનાની આંખે દેખ્યો અહેવાલ.

    વાહ! ઉર્વિશભાઇ, મજા કરાવી દીધી. ખરેખર આંખે દેખ્યા અહેવાલની જેમ જ.

    ReplyDelete
  2. હા હા હા હા હા હા... મજા મજા પડી ગઈ...

    ReplyDelete