Wednesday, October 30, 2013

જવાહરલાલ નેહરુનો કાલ્પનિક ઇન્ટરવ્યુ

એક જ સંતાન, એ દીકરી અને તે પણ એ જમાનામાં જ્યારે એક પુત્ર માટે ઘરમાં સંખ્યાબંધ પુત્રીઓની લાઇન લાગી જતી હતી- આવા પિતા અને રાષ્ટ્રના ‘ચાચા’ જવાહરલાલ નેહરુનો પખવાડિયા પછી જન્મદિવસ આવશે, ત્યારે ‘કૃતજ્ઞ રાષ્ટ્ર તેમને શ્રદ્ધાંજલિસુમન અર્પણ’ કરશે- એટલે કે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર લાખો રૂપિયાના ખર્ચે છાપાંમાં પાનાં ભરીને જાહેરખબરો આપશે અને ‘કૃતજ્ઞ રાષ્ટ્ર’ની તિજોરીમાંથી થોડાં કાવડિયાં ઓછાં કરશે. બાકીના લોકોમાંથી ઘણા ગાળો દેવા માટે નેહરુની જન્મતિથી-મૃત્યુતિથીની રાહ જોતા નથી. તે નેહરુની બેફામ ટીકાને રાષ્ટ્રભક્ત હોવા માટેની પહેલી અને એકમાત્ર શરત ગણે છે.

કોંગ્રેસ કુટુંબભક્તિની પરંપરાને કારણે જવાહરલાલને ફૂલ ચડાવે છે અને ભાજપ એકંદરે બૌદ્ધિકતાવિરોધી પરંપરાને કારણે તેમને સાવ ઘુત્કારી કાઢે છે. પણ ખુદ નેહરુ આ બાબતે શું અનુભવતા હશે? અને વર્તમાન ભારત વિશે તેમને શું કહેવાનું હશે? અત્યારના કોઇ પત્રકારને તે ઇન્ટરવ્યુ આપે તો એ કેવો હોય?

એમ વિચારીને બે મિનીટ આંખ બંધ કર્યા પછી જોયું તો સામે નેહરુ ઊભા હતા. હકીકતમાં ઊભા ન હતા, પણ તેમની વિખ્યાત તસવીર પ્રમાણે શીર્ષાસનની મુદ્રામાં હતા. જમીન પર બે હાથની હથેળીઓ વચ્ચે ટેકવેલું માથું, જવાહર જાકીટ, ચુડીદાર અને હવામાં લહેરાતા ખુલ્લા બે પગ. તેમની સામે એક પત્રકાર ઊભો હતો. નેહરુએ  પગના પંજા હલાવીને પત્રકારનું અભિવાદન કર્યું અને સવાલ પૂછવા ઇશારો કર્યો.

પ્ર : અરે..અરે... પંડિતજી, આ શું?

નેહરુ : (શીર્ષાસન છોડ્યા વિના)  આ સરદારે મને શીખવાડ્યું છે. એ એ કહેતા હતા કે દુનિયાને સીધી રીતે સમજવી હોય તો તેને આ રીતે જોવી

પ્ર : યુ મીન, સરદાર જોડે તમારે એટલા સારા સંબંધ છે? અમને તો એમ કે તમારે બોલવાનો વ્યવહાર નહીં હોય ને જ્યારે ગાંધીજી પાસે ભેગા થઇ જાવ ત્યારે એકબીજા સામે જોઇને કાતરિયાં ખાતા હશો.

નેહરુ : કેવી મૂર્ખામીભરી વાત છે. આવી વાહિયાત વાતો ફેલાવવાનું હજુ એ લોકોએ ચાલુ રાખ્યું છે? સરદાર તો મારા મોટા ભાઇ જેવા છે. હું મોટાંને બહુ ગાંઠું નહીં એ જુદી વાત છે. ખાતરી ન થતી હોય તો બાપુને પૂછી જોજે.

પ્ર : એ તો બરાબર, પણ તમે શીર્ષાસન છોડીને સરખા બેસો તો વાત કરવાની કંઇ મઝા આવે. મને શીર્ષાસન આવડતું નથી. નહીંતર હું એ સ્થિતિમાં તમારો ઇન્ટરવ્યુ કરત.

નેહરુ : હળાહળ જૂઠાણું. માછલીને તરતાં શીખવવું પડે તો મીડિયાવાળાને શીર્ષાસન શીખવવું પડે. તમારો સ્વાર્થ હોય ત્યારે તો તમે કાચી સેકન્ડમાં શીર્ષાસન કરી નાખો છો કે નહીં? મને બધી ખબર છે.

પ્ર : તમારી સેન્સ ઓફ હ્યુમર સારી છે.

નેહરુ : પ્રમાણપત્ર આપવા બદલ ધન્યવાદ, પણ તું બહુ મોડો છું. તારો જન્મ પણ નહીં થયો હોય ત્યારે એડવિનાએ  મને આ કહી દીઘું હતું. પદ્મજાએ તો વળી એડવિનાથી પણ પહેલાં અને મૃદુલા...

પ્ર : બસ, બસ, મારા ભારતીય સંસ્કૃતિપ્રેમી જીવથી એક નેતાનું આવું નૈતિક અધઃપતન સહન નહીં થાય.

નેહરુ : અલ્યા ડફોળ, તું ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ના લેખકને ભારતીય સંસ્કૃતિ અને તેના અધઃપતનનાં ભાષણ આપે છે? તારે ઇન્ટરવ્યુમાં જે પૂછવું હોય તે પૂછવા માંડ - અને આવ્યો છું તો એ પણ જાણી લે કે સ્ત્રી-મિત્રો એક જ પ્રકારની હોતી નથી- અને સ્ત્રીઓ આપણી મિત્ર ન હોય, તો એની દાઝ સ્ત્રી-મિત્રો ધરાવતા લોકો પર ન કાઢીએ.

પ્ર : પંડિતજી, તમે તો ગરમ થઇ ગયા. આપણે બીજી વાત કરીએ. ભારતના વડાપ્રધાન તરીકે તમારી લોકપ્રિયતા કેવી હતી?

નેહરુ : (ગૌરવપૂર્ણ સ્મિત સાથે) તારી પેઢીના લોકોને કદાચ ખબર નહીં હોય. ચૂંટણીમાં મારા નામે થાંભલો પણ ચૂંટાઇ આવે એવું કહેવાતું હતું.

પ્ર : માત્ર કહેવાતું નહીં હોય. દેશની ત્યાર પછી જે દશા થઇ એ જોતાં લાગે છે કે ઘણા થાંભલા ચૂંટાઇ પણ આવ્યા હશે.

નેહરુ : તું સામ્યવાદી છે?

પ્ર : ના, મારી વાત છોડો. હું તો નોકરીવાદી છું. પણ તમારી ઓળખાણ મારે કેવી રીતે આપવી જોઇએ? સામ્યવાદી? સમાજવાદી? ગાંધીવાદી? સૌંદર્યવાદી? વિવેકબુદ્ધિવાદી? મૂડીવાદી? મૂડવાદી?..

નેહરુ : આટલા બધા વાદનો ખડકલો કરવાને બદલે સીધેસીઘું કહી દીઘું હોત કે હું ‘નેહરુવાદી’ છું, તો હું એ સ્વીકારી લેત, વાત ટૂંકમાં પૂરી થાત અને તને સાચો જવાબ પણ મળી જાત- જો તારે જોઇતો હોત તો.

પ્ર : તમારી નિખાલસતા માન થાય એવી છે- અને મને ખાતરી છે કે આ વાત પણ મારા પહેલાં એડવિના, પદ્મજા અને મૃદુલા કહી ચૂક્યાં હશે- પણ એટલે એક સવાલ પૂછવાની હિંમત થાય છે. તમે દેશમાં વંશપરંપરાગત શાસન કેમ સ્થાપ્યું? તમે તો મહાન લોકશાહીવાદી કહેવાતા હતા.

નેહરુ : તું લાગે છે એવો નથી. સ્માર્ટ છે, પણ સ્માર્ટ હોવું અને સાચા હોવું એ બે જુદી વાતો છે, એવું તને હજુ સુધી તારી કે તારા કોઇ મિત્રે નથી કહ્યું?

પ્ર : માફ કરજો પંડિતજી, પણ આવી બધી ગોળગોળ વાતો ન કરો. મારે જવાબ જોઇએ છીએ.

નેહરુ : હું જવાબ જ આપી રહ્યો છું. તને કોણે કહ્યું કે વંશપરંપરાગત શાસન મેં શરૂ કર્યું? હું કંઇ ઇન્દુને ગાદીએ બેસાડીને ગયો ન હતો. મારા અવસાન પછી લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા હતા...એટલે જ કહું છું કે સ્માર્ટનેસ અને સચ્ચાઇ બે જુદી ચીજો હોઇ શકે છે.

પ્ર : તો એ કહો કે તમે કાશ્મીરનો મુદ્દો કેમ આંતરરાષ્ટ્રિય બનાવ્યો?

નેહરુ : કહું છું. એ પણ કહું છું. પહેલાં પેલી વંશપરંપરાવાળી વાત પૂરી કરી લઇએ? કે પછી એનો અનુકૂળ જવાબ ન મળ્યો એટલે તેને ગુપચાવી દેવી છે?

પ્ર : પત્રકારો સાથે તમે બહુ કડકાઇથી પેશ આવો છો. મેં તો સાંભળ્યું હતું કે તમે મઝાના માણસ છો. બટનહોલમાં લાલ ગુલાબ ખોસો છો..તમારા જમાનામાં તમે ફિલ્મી હીરોને ટક્કર મારો એવા હતા. દેવ આનંદ, દિલીપકુમાર ને રાજ કપુર તમારી જોડે ફોટો પડાવીને ધન્યતા અનુભવતા હતા..

નેહરુ : નોકરીમાં તું સાહેબની બહુ નજીક રહેતો લાગે છે.

પ્ર : કેમ?

નેહરુ : તને મસકા મારતાં અને ફેરવી તોળતાં સરસ આવડે છે.

પ્ર : (પરાણે હસીને) તમે મારા કાશ્મીરવાળા સવાલનો જવાબ ન આપ્યો. હું નહીં, આખો દેશ એ જાણવા માગે છે.

નેહરુ : પણ દેશનો મત વ્યક્ત કરવાના કોન્ટ્રાક્ટમાં ફક્ત પેલા અર્નબ ગોસ્વામીનું ટેન્ડર જ પાસ થયું છે, એવું સરદાર કહેતા હતા.

પ્ર  ઃ ઓહો, તમે અર્નબને ઓળખો? વાઉ.

નેહરુ : સારી રીતે. એટલે તો એના શો પર તે મને જોયો કદી? વાઉ, વાઉ.

પ્ર : હા, પણ આપણે કાશ્મીરની વાત કરતા હતા.

નેહરુ : આપણે નહીં, તું. છતાં અત્યારે વિચારતાં લાગે છે કે કાશ્મીરમાં કાચું કપાયું. સરદાર તો ત્યારે જ કહેતા હતા.

પ્ર : એટલે જ અમે કહીએ છીએ કે સરદારને વડાપ્રધાન બનાવવા જેવા હતા.

નેહરુ : પણ એ ન થયું. બાપુની એવી ઇચ્છા હતી.

પ્ર : બાપુની બીજી ઘણી ઇચ્છાઓ હતી. એ તમે કેમ આટલી જ ગંભીરતાથી ન સ્વીકારી?

નેહરુ : કારણ કે હું બાપુ નથી.

પ્ર : હા, તમે તો ચાચા છો.

નેહરુ : મને સખત ત્રાસ થાય છે ‘ચાચા’ તરીકે ઓળખાવાથી. મારાં મિત્રોને કેવું લાગશે એનો વિચાર કોઇ કરતું નથી... ‘ચાચા’ સાંભળીને એવું લાગે છે, જાણે હું બાળકોનો નેતા હોઉં.

પ્ર : બાળકો પરથી યાદ આવ્યું. રાહુલ ગાંધી વિશે તમારું શું માનવું છે? નેહરુ ઃ ઇન્દુનો પૌત્ર ને? દેખાદેખીમાં ડાયલોગબાજી પર ન ઉતરી આવે ત્યારે એ સજ્જન છોકરો લાગે છે.

પ્ર : એમ નહીં. તમારે અત્યારે મત આપવાનો હોય તો તમે કોને મત આપો?

નેહરુ : હું હોઉં તો... (ઉત્સાહથી) હું પોતે જ ઊભો ન હોઉં? પછી બીજા કોઇને મત આપવાનો સવાલ જ ક્યાં રહ્યો?

(એ જવાબ સાંભળીને આંચકાથી આંખ ખુલી જાય છે અને ઇન્ટરવ્યૂ પૂરો.)

નોંધ - આ લેખ ગયા શનિવારે એટલે કે સરદારની અંતિમ યાત્રાનો વિવાદ થયો તે પહેલાં લખાયો હતો. 

1 comment:

  1. Urvishbhai mrut Nehru Chacha ne to tame Sapna ma badhu puchhi jaanya pan a jivta manmohan uncle ne sachche nahi to bhale sapna ma pan bolavi shako to kevay..!!

    ReplyDelete