Wednesday, October 09, 2013

ગુજરાત કોંગ્રેસની રાહુલ-બેઠક : કાલ્પનિક અહેવાલ

ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ સાથે લાંબી બેઠક કરી અને કહ્યું કે કોંગ્રેસને સર્જરીની નહીં, પણ દવાની જરૂર છે. આ બેઠકમાં પત્રકારોને સામેલ કરાયા ન હતા. પણ તેમાં ખરેખર શું થયું હશે? થોડી કલ્પના.
*** 
સંચાલક : ભાઇઓ અને બહેનો, માનનીય નાના શેઠશ્રી રાહુલભાઇ ગાંધીસાહેબ ઉર્ફે બાબાશેઠનાં પુનિત પગલાં આપણી વચ્ચે પડી ચૂક્યાં છે. માટે આપ સૌ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી બેઠા હો એ રીતે શાંત થઇ જાવ. ટૂંક સમયમાં જ બાબાશેઠ આપણને સંબોધશે.

ખૂણામાંથી અવાજ : ફક્ત સંબોધશે જ નહીં, ઝાપટશે, ખંખેરશે, ઠપકારશે, ઠમઠોરશે, ઘૂળ કાઢી નાખશે...

(અવાજ ક્યાંથી આવ્યો એ જોવા માટે સંચાલક આમતેમ ડાફોળિયાં મારતા હતા, એ જ વખતે રાહુલ ગાંધી, બે હાથ જોડીને, ગાલનાં ખંજનનું માર્કેટિંગ કરતા હોય એવી રીતે દાખલ થયા અને બેઠક લીધી. તેમની હાજરીમાં ચર્ચા શરૂ થઇ.)

નેતા ૧ : હવે આ કોંગ્રેસનું શું કરવું એની ખબર પડતી નથી.

નેતા ૨ : તમે કેમ આમ વિપક્ષની ભાષામાં વાત કરો છો? આપણે જે કરવાનું છે એ ભાજપનું જ કરવાનું છે. કોંગ્રેસનું તો કરી નાખવામાં આપણે ક્યાં કંઇ બાકી રાખ્યું છે?

નેતા ૩ : મને તો લાગે છે કે આપણે નરેન્દ્રભાઇ સાથે સમજૂતી કરીને ગુજરાત કોંગ્રેસનું રાષ્ટ્રિય ભાજપમાં વિલીનીકરણ કરી નાખવું જોઇએ.  આપણી જીતની તકો ઘણી વધી જશે.

નેતા ૪ : પણ હું તો એમ ધારતો હતો કે તમે બધાએ ક્યારની સમજૂતી કરી જ નાખી છે.

નેતા ૧ : એટલે તમે કહેવા શું માગો છો? કે અમે નરેન્દ્રભાઇ સાથે ભળેલા છીએ? અમે એમના મળતિયા છીએ?

નેતા ૪ : ના, તમે ફક્ત ભળેલા નથી. (ઉંચા અવાજે) ફુટેલા છો...વેચાયેલા છો...ગદ્દાર છો...

રાહુલ ગાંધી : અંદરોઅંદર ચર્ચા નહીં.  જેને જે કહેવું હોય તે મને કહો. (કડકાઇથી) હું કોઇની ગેરશિસ્ત ચલાવી નહી લઉં. કોણ ફૂટેલું છે ને કોણ વેચાયેલું એ બધી મને ખબર છે.

નેતા ૩ : વાહ રાહુલજી, તો પેલું પાકું ને?

રાહુલ : શું? ગેરશિસ્ત નહીં ચલાવવાનું ને?

નેતા ૩ : ના. નરેન્દ્રભાઇ જોડે સમાધાનનું...

સલાહકાર (નેતા ૩ તરફ આંખ કાઢીને) : હવે સૌ શાંત થઇ જાવ અને આગામી ચૂંટણી કેમ જીતવી એ વિશે વાત કરો.

નેતા ૨ : હા સાલું, અમને પણ એવો જ સવાલ થાય છે કે આપણે આગામી ચૂંટણી કેમ જીતવી જોઇએ? આપણાં કામ તો અહીં આપણી સરકાર નથી તો પણ થઇ જાય છે...

સલાહકાર (ડોળા કકડાવીને, રાહુલ તરફ સૌમ્ય ચહેરે મલકીને) : આપણે આપણાં નહીં, પ્રજાનાં કામ કરવા બેઠા છીએ અને એ માટે ચૂંટણી જીતવાની વાત કરીએ છીએ.

નેતા ૩ : પણ આપણે, પ્રજાના પ્રતિનિધિઓ બે પાંદડે થઇએ તો એ પ્રજાનું જ કામ નથી? પોતાનો સાંસદ કે વિધાનસભ્ય ભિખારી હોય એવું કયો સ્વમાની ગુજરાતી સાંખી લેશે ? કેન્દ્ર સરકારમાં લાખો કરોડ રૂપિયાનાં કૌભાંડ થતાં હોય, ત્યાં સ્થાનિક ધારાસભ્ય કે સાંસદ પ્રામાણિકતાના મંજીરા વગાડે તેમાં પક્ષનું ને કેન્દ્ર સરકારનું કેવું ખરાબ લાગે? તમારે ઠીક છે, દિલ્હી રહેવાનું છે, પણ ગુજરાતની પ્રજાને જવાબ અમારે આપવા પડે છે. બાબાશેઠને કહો કે અહીં આવીને રહે, તો એમને ખ્યાલ આવે.

રાહુલ ગાંધી : એક મિનિટ. સ્ટોપ ધીસ નોનસેન્સ. હું બાબાશેઠ નથી...

નેતા ૩ : (ખાસિયાણું હસીને) એ તો આપની મહાનતા છે. બાકી અમારે તો અહીં એવો જ રિવાજ છે : ચીફ મિનિસ્ટર કહે કે હું કોમન મેન છું ને પચીસ ગાડીઓનો કાફલો લઇને ફરે, કથાકારો કહે કે અમે કોમન મેન છીએ ને કરોડોની મિલકતો જમાવીને બેઠા હોય, કોંગ્રેસીઓ કહે કે અમે વિરોધપક્ષ છીએ અને વિરોધ જ ન કરે. ટૂંકમાં, જે જે છે, તે એ નથી અને જે જે નથી, તે એ છે.

(રાહુલ ગાંધી સલાહકાર ભણી ગૂંચવાડાભરી નજરે જુએ છે. સલાહકાર ઠપકાની નજરે નેતા ૩ તરફ જુએ છે. એની પરથી નક્કી થઇ જાય છે કે આ વખતે નેતા ૩ને ટિકીટ મળવાની નથી અથવા મળશે તો પણ તેમને  ભાજપના ગઢ જેવી કોઇ બેઠક પર વધેરાવા મોકલી અપાશે.)

રાહુલ ગાંધી : આપણે કોંગ્રેસીઓએ સ્પષ્ટતા કેળવવાની જરૂર છે.

(બધા નેતાઓ એ રીતે ડોકું ઘુણાવે છે, જાણે કહેતા હોય, ‘અમારામાં તો સ્પષ્ટતા છે જ. એટલે તો અમારાં કામ થઇ જાય છે. તમારે એ વિશે સ્પષ્ટતા કેળવવાની જરૂર છે.’)

સલાહકાર : (ઘુંધવાઇને) મને લાગે છે કે ગુજરાત કોંગ્રેસમાં સર્જરી કરવાની જરૂર છે.

રાહુલ ગાંધી : યુ મીન, પ્લાસ્ટિક સર્જરી? નાકની ?

નેતા ૩ : હેં હેં હે, બાબાશેઠ, તમારી સેન્સ ઓફ હ્યુમર જગતમાં જ નહીં, આખા બ્રહ્માંડમાં સર્વશ્રેષ્ઠ છે. તમે ખરેખર બ્રહ્માંડના - આઇ મીન- ભારતના વડાપ્રધાન હો તો ભારતનાં નસીબ ખૂલી જાય.

નેતા ૧ : ખરેખર, તમે ભારતના વડાપ્રધાન બનો તો ભારતના લોકોનુ હસી હસીને પેટ ભરાઇ જાય અને ફુડ સિક્યોરિટી બિલની જરૂર જ ન પડે. ન રહે બિલ, ન થાય ટીકા.

રાહુલ ગાંધી : તમે લોકો વખાણ કરવામાં એવાં ઘેલાં કાઢો છો કે એ સાચાં હોય તો પણ સાંભળીને આનંદ ન થાય. કોઇ આપણી ટીકાને ગંભીરતાથી લે એ તો બહુ પછીની વાત છે... આપણે કરેલાં વખાણ ગંભીરતાથી લે એવા તો બનો...

નેતાસમુહ : આહાહા, શું વાત કરી છે તમે...પૉલો કોહેલો, ચેતન ભગત, જે.કે.રોલિંગ અને મહાત્મા ગાંધી ભેગાં થાય તો પણ આટલી મૌલિક અને ઊંડી વાત ન કરી શકે. વી આર પ્રાઉડ ઓફ યુ. રાહુલજી આપ આગે બઢો, હમ આપ કે સાથ હૈં...
રાહુલ ગાંધી ઃ આ જ પ્રોબ્લેમની તો હું વાત કરું છું...

સલાહકાર : હું પણ એટલે જ કહું છું રાહુલજી કે અહીં દવાથી કામ નહીં ચાલે... (હાથ વડે કરવત ચલાવવાનો અભિનય કરીને) સર્જરી કરવી પડશે, સર્જરી.

ખૂણામાંથી અવાજ : સર્જરી માટે સર્જન જોઇએ ને અહીં તો બધા વિસર્જન-સ્પેશ્યલિસ્ટ છે.

રાહુલ ગાંધી : ના, આપણે સડાની સર્જરી કરવા બેસીશું તો એટલી બધી વાઢકાપ થશે કે પછી ખાસ કશું બાકી જ નહીં રહે.

સલાહકાર : તો સારું ને...બઘું નવેસરથી ઊભું કરી શકાશે.

રાહુલ ગાંધી : પણ આપણી પાસે એટલો ટાઇમ નથી. એટલે જ હું કહું છું કે અહીં સર્જરીની નહીં, દવાની જરૂર છે.

ખૂણામાંથી અવાજ : હા, દવાની જ જરૂર છે. ઉંઘની દવા આપી દો. એટલે આપણા બધા નેતાઓ નિષ્ક્રિય થઇ જશે- અને એકબીજા સામે કશું કરી નહીં શકે. એટલે ગુજરાત કોંગ્રેસ આપોઆપ ઊંચી આવી જશે.

(આ વખતે અવાજ સાંભળીને બધા ખૂણા તરફ દોડે છે અને ધમાચકડીમાં બેઠકનો અંત આવે છે.)

4 comments:

 1. વાહ વાહ! બહુ સરસ હળવો–ભારે કટાક્ષ!

  ReplyDelete
 2. Anonymous3:22:00 PM

  The best

  ReplyDelete
 3. Anonymous9:19:00 PM

  AICC-Gujarat Branch is working as B-Team of Bharatiya Janta Party and credit and kudos to leaders and advisor(s) of AICC, who belongs to Gujarat.

  ReplyDelete
  Replies
  1. Anonymous9:06:00 PM

   Besides many low and high profile who spent their life-career on Congress Party, if their candidature for Membership is audited by Rahul, CEO, not a single one would be qualified from Gujarat, e.g. Mr. Ahmed Bhai Patel, Advisor to Mrs. Sonia Gandhi, who enjoys high-profile due to his minority identity, lost election from Bharuch. AICC-Maharashtra vis-a-vis-Gujarat if compared, lot of minority educational contribution is to its credit in Maharashtra, whereas in Gujarat is very low. Dying Congress Party should re-vamp its cadre and contribute for developing educational Institutions for the marginalized, Muslims, Scheduled Caste and Scheduled Tribes. Urvish, kudos for your humorous article.

   Delete