Wednesday, May 30, 2012

રસાસ્વાદઃ રસકે ભરે દો કેન


‘કેરી કે રસ?’ એ સવાલ ‘કિશોરકુમાર કે મહંમદ રફી?’, ‘કરીના કપુર કે પ્રિયંકા ચોપરા’ અથવા જૂની પેઢીના લોકો માટે ‘સાયગલ કે પંકજ મલ્લિક?’ પ્રકારનો છે. તેમાં સૌથી પહેલી પ્રતિક્રિયા એ જ હોય કે ‘બેમાંથી કોઇ એક જ શા માટે? અમારે તો બન્ને જોઇએ. બન્નેની આગવી મઝા છે.’

સરખામણી કરવી જ હોય તો કહી શકાય કે નિરાકાર રસને બદલે સાકાર- આકાર ધરાવતી- કેરીનો મહિમા કરવાનું  ઘણું સહેલું છે. સ્ત્રીદેહનાં લાળટપકતાં વર્ણન કરતા ગલગલિયાંબાજ લેખકોની જેમ, આકાર, વળાંક, રંગરૂપ, નાજુક ત્વચા, સપ્રમાણ ઘાટ જેવી અનેક બાબતોમાં કેરીનાં વખાણ થઇ શકે. રસની સ્તુતિ એટલી સહેલી નથી. કારણ કે તે કેરીની જેમ દેહધારી નથી. અઘ્યાત્મની પરિભાષામાં કહીએ તો, દૃશ્યમાન છતાં લગભગ ચૈતન્યસ્વરૂપ છે. તેનો આકાર જોઇ શકાતો નથી- બલ્કે જે પાત્રમાં કાઢો એના જેવો આકાર તે ધારણ કરી લે છે- પણ તેનો સ્વાદ આબાલવૃદ્ધ, મૂકબધિરઅંધ સૌ કોઇ અનુભવી શકે છે. અઘ્યાત્મની જ વાત નીકળી છે તો કહેવું પડે કે કેરીનો રસ કેટલીક બાબતોમાં હરિરસ કરતાં પણ ચડિયાતો ગણાયઃ ભક્તનો હરિરસ ખાટો થઇ ગયા પછી તેને  ફરી પાટે ચડાવતાં તકલીફ પડે છે, જ્યારે કેરીનો રસ ખાટો થઇ જાય તો તેમાં યથેચ્છ ખાંડ ઠપકારી શકાય છે.

કેરીના રસમાં શું નંખાય અને શું નહીં, તે વિવાદાસ્પદ મુદ્દો છે. કેટલાક રસનિર્માતાઓ માને છે કે તેમાં પપૈયાં, સેક્રીન, દૂધ, કેસરી રંગ- ટૂંકમાં કેરી સિવાય બીજું બઘું નખાય. રસ ખાતી વખતે સ્વાદ અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવનારા કહે છે, ‘રસમાં સૂંઠ નાખીએ તો એ નડે નહીં.’ ‘કોની માએ રસમાં સવા શેર સૂંઠ ખવડાવી છે?’ એવો સવાલ પૂછી શકાય તે વધારામાં. રસમાં સૂંઠ-મીઠું-ઘી નાખવાનો કેટલાકનો આગ્રહ જોઇને એવું લાગે કે એમને એક સમયે રસ વિના ચાલી જશે, પણ સૂંઠ-મીઠું-ઘી જોઇશે. રસમાં ખાંડ નાખવામાં કેટલાકને કેરીના અસલી સ્વાદનું અપમાન લાગે છે, તો ખાંડ નહીં નાખવાથી શબ્દાર્થમાં દાંત ખાટા થઇ જવાની બીક રહે છે. કોઇ પણ વસ્તુમાં પોતાના તરફથી કંઇક મૌલિક ઉમેરો કરવા આતુર લોકો રસમાં કેસર નાખીને તેના સ્વાદને વધારે સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરે છે. તેનાથી રસ સારો થાય કે નહીં એ અભિપ્રાયનો વિષય છે, પણ તે મોંઘો અવશ્ય થાય છે અને ન્યૂટનના ગુજરાતી નિયમ પ્રમાણે, મોંધું હંમેશાં સારું હોય છે. હજુ સુધી ગુજરાતમાં કાજુ-બદામના ટુકડા ભભરાવેલો કેરીનો રસ કેમ નથી મળતો, તેનું આશ્ચર્ય છે. કારણ કે ગુજરાતીઓ માટે કોઇ પણ વાનગીમાં કાજુબદામનો ઉમેરો કરવો, એ ગુજરાતની અસ્મિતાની ચરમસીમા છે.

આ બધાં વાનાં સામે, રસને જે છે તે જ સ્વરૂપે ભજનારા પણ ઓછા નથી. તેમને રસ ડેરીનો છે કે ઘરનો, ઠંડો છે કે સાદો, બદામ (કેરી) નો છે કે કેસરનો, દૂધવાળો છે કે દૂધ વગરનો, અરે માત્ર કેરીનો છે કે પપૈયાંની ભેળસેળવાળો- એ કશા જોડે લેવાદેવા હોતી નથી. સાચા પ્રેમીની જેમ તે કોઇ પણ સ્વરૂપે રસને અપનાવવા તત્પર હોય છે.

રસ કાઢવા માટે શોષણ કરવું જરૂરી છે, એ કોઇને સમજાવવું પડે એમ નથી. કેરીનો રસ કાઢવાની પ્રક્રિયામાં અભ્યાસીઓને સામ્રાજ્યવાદી પદ્ધતિનાં દર્શન થાય છે. કેરીમાંથી સીધેસીધો રસ ચૂસી લેવો એ શોષણું સાદું-દેશી સ્વરૂપ છે. કારણ કે, તેમાં ફળ- એટલે કે ફળનો રસ- શોષણ કરનારને તત્કાળ પ્રાપ્ત થાય છે. પરંતુ કેરીનો રસ કાઢવાનું કામ ભારત પર રાજ કરતા બ્રિટિશ અમલદારની કામગીરી જેવું હોય છે. શોષણ ભારતનું કરવાનું અને તેનો રસ બ્રિટનમાં જમા કરાવવાનો. રસ કેરીનો કાઢવાનો, પણ પોતે (સહેજસાજ ચખણી કરીને) બધો રસ રસોડામાં જમા કરાવવાનો. રસ કાઢવા માટે ‘દેશી’ કેરી કેમ આદર્શ ગણાય છે, એ પણ આ સંદર્ભે વિચારવા જેવી વાત છે.

કેરી આખી ખાવાને બદલે તેનો રસ કાઢીને ખાવો, એ ઉત્ક્રાંતિની અને માનવ સભ્યતાની દેન છે. વાંદરા કદી કેરીનો રસ ખાતા નથી. એ જુદી વાત છે કે પછાત રહેવાના ફાયદા પણ હોય છેઃ વાંદરા કેરી ખાવા ઇચ્છે ત્યારે તેમને કેરી જ મળે છે- પપૈયાંને કેરીતુલ્ય ગણીને તેમણે મન મનાવવું પડતું નથી.

દેશી કેરીમાંથી રસ કાઢવાની કળા ગુજરાતનો ઝડપથી લુપ્ત થઇ રહેલો સાંસ્કૃતિક વારસો છે. કેરીમાંથી રસ કાઢવાની ક્રિયા એટલી પગથિયાંવાર, કૌશલ્ય માગી લેનારી અને લાગણીસભર હતી કે ‘ડિસ્કવરી’ જેવી કોઇ ચેનલ તેની પરથી એક કલાકની ડોક્યુમેન્ટરી બનાવી શકે. રસ કાઢવાનો હોય એટલે સવારના પહોરમાં પાણી ભરેલા તગારામાં કેરીઓ પલાળાઇ હોય. ઘરનો બાળવર્ગ તેમાંથી એકાદ કેરી તફડાવીને, ઘરના એકાંત ખૂણે કે અગાસીમાં જઇને કેરીનો રસાસ્વાદ કરી લેવાની વેતરણમાં હોય. ચા-પાણી થઇ ગયા પછી ઘરના એકાદ વડીલ રસ કાઢવાના ‘ઓપરેશન’માં કમાન્ડર-ઇન-ચીફ તરીકે પોતાની નિયુક્તિ જાહેર કરે. હેકરને સિક્યુરિટી ઓફિસર કે બહારવટિયાને પોલીસ બનાવી દેવાની વ્યૂહરચના પ્રમાણે, કેરી તફડાવવાના વેંતમાં ફરતાં બાળકોનો પાયદળમાં સમાવેશ કરવામાં આવે. કમાન્ડર-ઇન-ચીફ એકાદ વ્યૂહાત્મક જગ્યા જોઇને પોતાનો સરંજામ ગોઠવેઃ કેરીઓ ભરેલું તગારું,  પાણીની ડોલ, રસ ગાળવા માટેની ચાળણી કે કપડું, ચોખ્ખો રસ કાઢવા માટેની તપેલી, ગોટલા-છોંતરા અલગ કાઢવા માટેનું વાસણ...

શસ્ત્રસરંજામ જમાવ્યા પછી મંદ ગતિએ કેરી ઘોળવાની ‘વોર્મ અપ એક્સરસાઇઝ’ શરૂ થાય. કેરીનાં ડીંટા કાઢીને, થોડો બગાડ કાઢ્‌યા પછી કેરી, કોઇ સારા કવિની કવિતાની જેમ, પોતાનો રસ લૂંટાવવા માટે તૈયાર થાય. રસોડાના કામથી કતરાતા ઘણા પુરૂષો કેરીનો રસ કાઢવાની કામગીરીને તેમાં અપવાદરૂપ રાખે અને ‘આ તમને નહીં ફાવે. આ તો આપણું કામ’ એવા ભાવથી મોરચો સંભાળે. કેરીને બરાબર ઘોળીને તેનાં ડીંટાં કાઢતી વખતે વચ્ચે વચ્ચે તે કેરીના રસની પિચકારી પોતાની હથેળી ઉપર મારે અને હથેળીમાંથી સબડકો બોલાવીને કેરીના રસ વિશેનો અભિપ્રાય આપે. એ દૃશ્ય જોઇને ઊંચીનીચી થતી બાળસેનાને પણ હથેળીમાં રસનું આચમન કરવા મળે. હથેળીમાં પડેલો રસ એટલો ઓછો હોય કે મોંમાં રસ ખરેખર આવ્યો છે, એની સાબિતી જાહેર કરવા માટે પણ મોટા અવાજે સબડકો બોલાવવો પડે.

બધી કેરી ‘તૈયાર’ થઇ જાય, એટલે તેમને છેડેથી દબાવીને ગોટલાને છાલથી અલગ કરવામાં આવે. ત્યાર પછી એક એક છાલ અને એક એક ગોટલો કેટલા સાફ થઇ જાય છે તેની પરથી કેરીની અને રસ કાઢનારની ગુણવત્તા નક્કી થાય. રસ કાઢનારનો હોદ્દો સચિવાલયના અધિકારી જેવો હોય. કોઇની કેરી, કોઇનો રસ, કોઇના છોંતરાં- એણે તો ફક્ત એ બધાનો અસરકારક વહીવટ જ કરવાનો, પણ કેરીમાંથી કેટલો રસ કાઢવો અને ‘નકામા’ બનેલા ગોટલામાં કેટલો રસ રહેવા દેવો- એ બધો આધાર તેમની મુન્સફી પર.  સરકારી યોજનાઓમાં, લોકો સુધી પહોંચેલા રસ કરતાં, ગોટલામાં છોડી દેવાયેલા - અને પોતાના મળતીયાઓને ગોટલાના બહાને આપી દેવાયેલા રસનો જથ્થો ઘણો વધારે હોય છે. ઘરમાં સાવ એવું તો ન બને, પણ રસ કાઢવાની પ્રક્રિયા સીધી લીટીમાં ચાલતી અડધે પહોંચે એટલે બાળસેના મૂંઝાય. તેમને થાય છે કે આમ ને આમ બધો રસ નીકળી જશે અને આપણે રસહીન ગોટલામાં ક્યાંક ખૂણેખાંચરે છુપાયેલાં રસબિંદુઓથી સંતોષ માનવાનો વારો આવશે. એટલે એકાદ બાળક હંિમત કરીને રસ કાઢનાર વડીલને સૂચન કરે, ‘હવે પછી ગોટલા થોડા ઓછા નીચોવજો અને એ અમને આપજો.’ વડીલ સરકારી અફસર ન હોય, એટલે એટલે ‘તમારા માટે ગોટલામાં રસ રહેવા દઉં, એમાં મને શો ફાયદો?’ એવો સવાલ પૂછ્‌યા વિના થોડા રસદાર ગોટલા બાળકોને આપે.

ચાળણીમાં કે કપડામાં નીકળેલો રસ ગાળી લીધા પછી રસનિષ્પત્તિની ક્રિયા પૂરી થયેલી જાહેર કરવામાં આવે ત્યારે આખું રણમેદાન ઘાયલ-મૃત યોદ્ધાઓ જેવા લાગતાં પ્રાણહીન છોંતરાં-ગોટલાથી, રસનાં ટપકાંથી અને કેરીની સુગંધથી આચ્છાદિત બની જાય.  પરંતુ રસ કાઢનારના ચહેરા પર એક મોટું ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધર્યાનો સંતોષ ઝળકતો હોય. ઘડીભર તેમને થાય કે ‘હવે આ સંતોષની સામે રસનો સ્વાદ કશી વિસાતમાં નથી.’ પણ જમવાને ઘણી વાર હોય. ત્યાં સુધી એ લાગણી શી રીતે અને શા માટે ટકાવવી?

હવે મોટે ભાગે કેરીના ટુકડા કરીને તેને મિક્સરમાં ફેરવીને રસ કાઢવામાં આવે છે અથવા તૈયાર રસ લાવી દેવાય છે. એવા રસમાં સમુહપ્રવૃત્તિ અને કુટુંબભાવનાનો સ્વાદ ન હોય, એમાં શી નવાઇ?

Tuesday, May 29, 2012

મહત્ત્વાકાંક્ષાના ઉધામા અને અંજામ


એક નેતા એવા, જે એક પ્રાંતના સ્તરે રહીને રાષ્ટ્રિય  નેતાગીરીનાં સપનાં જુએ. પોતાની ફૂંફાડા મારતી મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે કોઇ પણ હદે જવાનો તેમને છોછ નહીં. પોતાના પક્ષના વરિષ્ઠ નેતાઓને ગણકારે નહીં. પ્રજાના પૈસે પોતાનો જયજયકાર કરાવવામાં એ પાવરધા. પોતે રહ્યા એક પ્રાંતના મુખિયા, પણ ‘એપ્કો વર્લ્ડવાઇડ’ જેવી આંતરરાષ્ટ્રિય પી.આર.કંપનીની સેવા લઇને દેશવિદેશમાં પોતાની એવી વાહવાહ કરાવે કે સૌને લાગેઃ આખા દેશમાં નેતા તો આ એક જ છે.

જાહેરમાં તે ભ્રષ્ટાચાર સામે બાંયો ચડાવે, પણ એમના પોતાના ભ્રષ્ટાચારનો પાર નહીં. લોકોને તે સંસ્કૃતિ-અસ્મિતાનાં અફીણ પાય અને પોતે વૈભવી જીવન જીવે. રાજ્યના લોકો પર પ્રભાવ જમાવવા માટે તે ભય અને અહોભાવ- બન્નેનો સરખો ઉપયોગ કરી જાણે. તેમના વિકાસના મોડેલની આખા દેશમાં ચર્ચા થાય. રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ લાવીને પોતાનો વિકાસપુરૂષ તરીકે જયજયકાર કરાવે, પણ એવાં મૂડીરોકાણથી પોતાને થતો ફાયદો અને રાજ્યને થનાર નુકસાન જાહેર ન કરે. પ્રજાને મૂળભૂત સુવિધાનાં ફાંફાં હોય ત્યારે જાહેર ઉત્સવોના નામે અઢળક નાણાંનો બગાડ કરવામાં તે નંબર વન. ઉદ્યોગપતિઓ સાથેની તેમની ઘનિષ્ઠ સાંઠગાંઠ. ‘સેલિબ્રીટી’ લેખકો તેમની ભાટાઇ કરે, આગામી સત્તાપરિવર્તન વખતે ટોચના સત્તાવર્તુળમાં પહોંચી જવા માટેનો તેમનો થનગનાટ સૌ જાણે.

 આ નેતા એટલે...

...ચીનના બો સિલાય/BoXilai (સાચું કહેજો, તમારા મનમાં કોનું નામ હતું?)

પહેલાં કદી જેમનું નામ ન  સાંભળ્યું હોય એવા ચીનના કોઇ નેતા વિશે આપણે શા માટે વાંચવું જોઇએ- એ સવાલના જવાબમાં આગળ આપેલી લક્ષણોની યાદી પૂરતી છે. તેમાં એટલું ઉમેરવું જોઇએ કે ગુજરાતમાં સરકારી રાહે ચીનની સાથે હરીફાઇની ઘણી વાતો થાય છે. ચીની નેતા બો સિલાયની લાક્ષણિકતાઓ જાણ્યા પછી નથી લાગતું કે ગુજરાતની હરીફાઇ ચીન સાથે હોવાના ગુજરાતી મુખ્ય મંત્રીના દાવામાં ઘણો દમ છે?

આપખુદશાહીનો અંજામ

ચીનના રાજકારણને ઉપરતળે કરનારી અને તેની સરકારને ભારે શરમમાં નાખનારી પરિસ્થિતિ છેલ્લે ૧૯૮૯માં વિદ્યાર્થીઓએ કરેલા બળવા વખતે ઊભી થઇ હતી. બેજિગના ત્યાનઆનમેન ચોકમાં વિદ્યાર્થી સામે છોડી મૂકાયેલી ટેન્કોની હરોળનું દૃશ્ય ચીનના નિષ્ઠુર-ઘાતકી વલણના પ્રતીક તરીકે જગવિખ્યાત બન્યું. તેની આપખુદશાહી ટકી રહી, પણ આઘાતનાં મોજાં સત્તાનાં મૂળીયાં સુધી પ્રસર્યાં હતાં. ૨૦૧૨માં ફરી એક વાર, આ વખતે બહારથી નહીં પણ અંદરથી, એવી જ સ્થિતિ બો સિલાય પ્રકરણમાં સર્જાઇ છે.

૬૨ વર્ષના બો સિલાયનો સત્તાવાર હોદ્દો ચીનના ૩.૧ કરોડની વસ્તી ધરાવતા ચોંગકિગમાં સામ્યવાદી પક્ષના બોસ તરીકેનો. (ચીનમાં તેના માટે વપરાતો શબ્દ છેઃ સેક્રેટરી) સ્થાનિક પોલીસ વડા વાંગ સાથે મળીને તેમણે કડક હાથે ચલાવેલી ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહીથી લોકોમાં સોપો અને બો સિલાયનો છાકો પડી ગયો હતો.  સામ્યવાદી પક્ષની રાષ્ટ્રિય સમિતી (પોલિટબ્યુરો)ના તે સભ્ય હતા. છેલ્લા થોડા સમયમાં બો સિલાયનું રાજકીય કદ એટલું વઘ્યું હતું કે આ વર્ષે ચીનના સામ્યવાદી પક્ષમાં થનારા નેતાગીરીના પરિવર્તનમાં તે ટોચ પર પહોંચે, એ નક્કી મનાતું હતું. દેશનું રાજ ચલાવતી નવ સભ્યોની નિર્ણાયક સમિતિમાં બો સિલાયને સ્થાન મળ્યા પછી દેશના બીજા અને પહેલા નંબરનું સ્થાન પણ તેમના માટે હાથવેંતમાં આવી જાય. પણ એક નાટકીય ઘટનાએ આખો તખ્તો પલટી નાખ્યો અને બોને હીરોમાંથી ઝીરો બનાવી દીધા. આંતરરાષ્ટ્રિય સ્તરે ચીનનો ફજેતો થયો તે વધારાનો.

તા.૬ ફેબુ્રઆરી, ૨૦૧૨ના રોજ ચોંગકિગના પોલીસવડા વાંગ અમેરિકાની એલચી કચેરીમાં પહોંચી ગયા અને ત્યાં એમણે રાજદ્વારી આશ્રય માગ્યો. એ માટે હમણાં સુધી બોના ખાસ ગણાતા વાંગે આપેલું કારણઃ ‘બો સિલાય તરફથી મને જીવનું જોખમ છે.’ પોતાના દાવાના સમર્થનમાં વાંગે અમેરિકાની એલચી કચેરી સમક્ષ બોનાં કરતૂતો અને તેમની અસલિયતના વટાણા વેરી નાખ્યા.

બો સિલાયની દુષ્ટતાને આંતરરાષ્ટ્રિય અપીલ બક્ષતો મુદ્દો હતોઃ બ્રિટીશ બિઝનેસમેન નીલ હેવૂડની હત્યા. વાંગના આરોપ પ્રમાણે, બો સિલાયની વકીલ પત્નીએ શરાબમાં ઝેર આપીને હેવૂડને ખતમ કર્યો. હેવૂડ બોના ગોરખધંધાનો સાથી હતો. પણ આરોપ પ્રમાણે, બો પરિવારે ભેગી કરેલી અઢળક સંપત્તિ વિદેશ લઇ જવામાં હેવૂડે વધારે પડતું કમિશન માગ્યું. ખિજાયેલા બોએ હેવૂડને એક રીસોર્ટમાં બોલાવીને તેનો ફેંસલો આણી દીધો. હેવૂડના મૃતદેહનું પોસ્ટમોર્ટેમ કર્યા વિના તેને સીધો દફનાવી દેવાયો અને ‘પીણામાં ઝેર’ના કારણની કશી તપાસ કરવામાં આવી નહીં. ચોંગકિગના રાજા જેવો દબદબો ધરાવતા બો સિલાયનો હુકમ હોય પછી દોઢડાહ્યા થવાની કોની મજાલ છે?
Bo Xilai with his wife & son
ચોંગકિગમાં બોના હુકમથી કંઇક લોકોને અદૃશ્ય કરી દેવાયા હતા, તો કેટલાયને ભ્રષ્ટાચાર સામે લડાઇના ઓઠા તળે સજાઓ ફટકારવામાં આવી. પોતાના વિરોધીઓ પર ધાક બેસાડવા માટે બોના ઇશારે વાંગ પોલીસ કાર્યવાહી કરતા. ન્યાયતંત્ર ચીનમાં તદ્દન સરકારી-પક્ષીય ધોરણે ચાલે છે. એટલે તે પક્ષના બોસ બો સિલાયની ઇચ્છા મુજબની સજાઓ ફટકારતું. ચોંગકિગના ભૂતપૂર્વ નાયબ પોલીસ વડાને ફાંસી અપાઇ હતી. એ ભ્રષ્ટ હતા, પણ તેમને થયેલી અપ્રમાણસરની (મૃત્યુદંડની) સજાનો મુખ્ય હેતુ બીજા બો-વિરોધીઓને ચીમકી આપવાનો હતો. પોતાના વિરોધીઓની બો સિલાય કેવી વલે કરે છે, એ વાંગથી વધારે કોણ જાણતું હોય? એટલે બો સાથે વાંકુ પડ્યા પછી તેમને પોતાનો જીવ પણ જોખમમાં લાગ્યો અને તેમણે અમેરિકાનું શરણું મેળવવાનો પ્રયાસ કર્યો.

આ બનાવના બે મહિના પછી પ્રજ્ઞાચક્ષુ માનવ અધિકારવાદી ગ્વાંગચેંગને આશ્રય આપનાર અમેરિકાની એલચી કચેરીએ, પોલીસ વડા વાંગને રાજદ્વારી આશ્રય આપવાનો ઇન્કાર કર્યો. બહાર નીકળેલા વાંગની ચીની સરકારે ધરપકડ કરી, પણ ત્યાં સુધીમાં ટોચની નેતાગીરીના પ્રતીક જેવા બો સિલાયના ગોરખધંધા ખુલ્લા પડી ચૂક્યા હતા. સેન્સરશીપ પર મુસ્તાક ચીન પણ તેની પર ઢાંકપિછોડો કરવાની સ્થિતિમાં ન રહ્યું.  બો સિલાયને પક્ષના (પોલિટબ્યુરોના) હોદ્દેથી બરતરફ કરીને, અસલ ચીની સ્ટાઇલમાં અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા, જ્યાંથી તેમના ભવિષ્ય અંગે ફેંસલો થશે. બો સિલાયનો અત્યાર સુધીનો દરજ્જો અને તેની સાથે સંકળાયેલી પક્ષની આબરૂનો વિચાર કરીને, અત્યારે તો તેમની પર ફક્ત ‘પક્ષના નિયમોના ગંભીર ઉલ્લંઘન’નો આરોપ મુકાયો છે.

Dragon: Tied & (being) tested


ટોચેથી સીધા ખાઇમાં


ચીનના એકપક્ષીય, સામ્યવાદી રાજકારણમાં પણ વંશપરાપરાની જબરી બોલબાલા છે. પક્ષમાં ઊચો હોદ્દો ધરાવતા પિતાના પુત્રોનું ચીનના રાજકારણમાં ઘણું વર્ચસ્વ છે. બો સિલાયના પિતા એક સમયે મહત્ત્વનો હોદ્દો ધરાવતા હતા. માઓની ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ વખતે ગદ્દારમાં ગણાઇ ગયેલા સિનિયર બો માઓના મૃત્યુ પછી ફરી ઊંચકાયા અને ૧૯૭૯માં વાઇસ પ્રીમિયર બન્યા. સામ્યવાદી પક્ષના વડા જિઆંગ ઝેમીનના ખાસ બનેલા સિનિયર બોને કારણે બો સિલાયની રાજકીય કારકિર્દી સડસડાટ આગળ ચાલી.

સામ્યવાદી પક્ષના કાર્યકર બન્યા પછી એકાદ દાયકામાં બો સિલાયને ૬૦ લાખની વસ્તી ધરાવતા દાલિઅન શહેરનું મેયરપદું મળી ગયું. તેમનાં પત્ની જાણીતાં વકીલ અને સસરા ભારે વગદાર. એટલે બો સિલાયની આકાંક્ષાઓ અને આપખુદશાહી પોસાતાં ગયાં. કેન્દ્ર સરકારનાં અઢળક નાણાંની મદદથી બો સિલાયે દાલિઅન શહેરને હોંગકોંગના મોડેલ પર વિકસાવ્યું. જાપાની કંપનીઓએ ત્યાં મૂડીરોકાણ કર્યું. પ્રજાને કોઇ પણ રીતે આંજવા ઉત્સુક બોએ અવનવા ઉત્સવો અને ઝાકઝમાળ પાછળ ઘૂમ ખર્ચ કર્યો. સ્થાનિક ફૂટબોલ ટીમને અસ્મિતાનું કેન્દ્ર બનાવી દીધી. બો સિલાયની ભાટાઇ કરતા લેખો અખબારોમાં છપાવા લાગ્યા અને આંતરરાષ્ટ્રિય પ્રસાર માઘ્યમો સુધી એ પ્રવૃત્તિ પહોંચી. તેના જોરે બોને લાયોનિગ પ્રાંતનું ગવર્નરપદું અને ૩૭૦ સભ્યોની સેન્ટ્રલ કમિટીમાં સ્થાન મળ્યું.

બો સિલાયની મહત્ત્વાકાંક્ષાનો પાર ન હતો. ઘૂમ ખર્ચ અને સઘન પ્રયત્નોથી ઊભી કરેલી તેમની જાહેર છબીની લોકો ઉપરાંત પક્ષ ઉપર પણ અસર પડી રહી હતી. પરંતુ તેમની ઉદ્દંડતાએ હદ વટાવી ત્યારે સજારૂપે તેમને દાલિયનમાંથી દૂરના ચોંગકિગ પ્રાંતમાં ખસેડવામાં આવ્યા. ત્યાં પણ સરકારી આતંકવાદ, સત્તાવાર ખંડણી અને અઢળક ભ્રષ્ટાચારને ઝાકઝમાળ અને વિકાસના આવરણ તળે સંતાડીને, બોએ આપત્તિને અવસરમાં પલટી નાખી. પોલીસવડા વાંગને હાથમાં રાખીને તેમણે ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશના નામે વિરોધીઓને ઠેકાણે પાડી દીધા અથવા ખૂણે ધકેલી મૂક્યા. તેમની આ ઝુંબેશનાં ગુણગાન ગાતાં પુસ્તકો લખાયાં, તેની પરથી ટીવી સિરીયલ અને ફિલ્મ પણ તૈયાર કરાવાઇ. ભ્રષ્ટાચારવિરોધની ઝુંબેશો કરતા બો સિલાયે દરમિયાન અઢળક નાણાં બનાવ્યાં હતાં. સમાજવાદની વાતો કરતા બોની સત્તાવાર આવક મઘ્યમ હતી, પણ વિદેશમાં અભ્યાસ કરતા તેમના પુત્રની વૈભવી જીવનશૈલી ઘણી વાર સમાચારોમાં ઉછળતી હતી.

રસ્તે આવતા તમામ અવરોધોને કચડી નાખીને ટોચે પહોંચી જવાના ઝનૂનમાં બોને કોઇની શરમ નડતી નહીં. આત્મવિશ્વાસના અતિરેકમાં તેમણે પોલીસ વડા વાંગની મદદથી પોતાના પક્ષના રાષ્ટ્રિય સ્તરના, ટોચના નેતાઓના ફોનનું ટેપિગ શરૂ કરાવ્યું. ફોન ટેપિગની શરૂઆત સરકારી રાહે ગુનાખોરી અને ભ્રષ્ટાચાર સામે લડવાના આશયથી થઇ, પણ બો અને વાંગની મંડળીએ તેનો છેડો છેક ચીનના વડા હુ જિન્તાઓ સુધી પહોંચાડ્યો. એક અંદાજ પ્રમાણે, ઓગસ્ટ ૨૦૧૧માં પહેલી વાર ટોચની નેતાગીરીને બો સિલાયના ફોન ટેપિગ પરાક્રમ વિશે જાણ થઇ. ત્યાર પછી ખાનગી રાહે બો સામે થયેલી તપાસમાં સામ્યવાદી નેતાગીરીને ખાતરી થઇ કે બો સિલાય ધગધગતી મહત્ત્વાકાંક્ષા સંતોષવા કોઇ પણ હદે જઇ શકે એમ છે.

વાંગે અમેરિકાની એલચી કચેરીમાં જઇને રહસ્યો ઉઘાડાં પાડ્યા ત્યારે ચીની નેતાગીરીએ હત્યાનાં આરોપી બો સિલાયનાં પત્ની કરતાં પણ પહેલાં બો ઉપર તવાઇ ઉતારી. બો સિલાય કેસમાં ફોનટેપિગના આરોપ ચીનનાં સરકારી પ્રસાર માઘ્યમોમાં ચર્ચાતા નથી. કારણ કે તેમાં છેવટે સામ્યવાદી પક્ષનું નાક કપાય એમ છે. બો સામે થનારી કાનૂની કાર્યવાહીમાં પણ એ આરોપ સામેલ ન કરાય એવી સંભાવના છે. પરંતુ ૬૨ વર્ષના બો સિલાયની ઝળહળતી કારકિર્દી પર અત્યારે તો કાયમ માટે પૂર્ણવિરામ મૂકાઇ ગયું હોય એવું લાગે છે. ચીનની નેતાગીરીનાં બેવડાં ધોરણો, વ્યાપક ભ્રષ્ટાચાર અને વિકાસના મોડેલનું એક વરવું પાસું ફરી એક વાર ઉઘાડાં પડી ગયાં છે.

Sunday, May 27, 2012

ચીનના પ્રજ્ઞાચક્ષુ માનવ અધિકારવાદીઃ ચેન ગ્વાંગચેંગ


હોલિવુડની મસાલા ફિલ્મોને ટક્કર મારે એવા ઘટનાક્રમમાં, ૪૦ વર્ષના અંધ કર્મશીલ ચેન ગ્વાંગચેંગ ચીની સરકારના લોખંડી ચોકીપહેરાને અંધારામાં રાખીને નાસી છૂટવામાં સફળ થયા. તેમના સાહસથી ચીનનું નાક કપાઇ ગયું ને દુનિયાની આંખો ઉઘડી ગઇ
ચેન ગ્વાંગચેંગ /chen guangcheng with his wife 

ઇશ્વરની કૃપા થાય તો પંગુ પર્વત ઓળંગી શકે ને મૂંગા બોલતા થઇ જાય, એવો જાણીતો શ્વ્લોક છે. પરંતુ બધાને ઇશ્વરની કૃપા માટે રાહ જોઇને બેસી રહેવાનું મંજૂર હોતું નથી. પોતાના મરણીયા પ્રયાસ અને ઇશ્વરની કૃપા વચ્ચે તેમને મન કશો ફરક હોતો નથી. ચીનના, હવે વિશ્વવિખ્યાત કર્મશીલ, ચેન ગ્વાંગચેંગ/Chen Guangcheng એનું તાજું ઉદાહરણ છે. 

‘માનવ અધિકારવાદી’ અને ‘કર્મશીલ’ જેવા શબ્દોની- તેની સાથે સંકળાયેલી કામગીરીની તમામ આપખુદ શાસકોને અને તેમનાં વાજિંત્રોને એકસરખી એલર્જી હોય છે- એ વાત ચાહે ગુજરાતની હોય કે ચીનની. ગુજરાત ભારતમાં હોવાને કારણે, રાજ્યની ઘણી લોકશાહી સંસ્થાઓને સરકારે પંગુ બનાવી દીધા પછી પણ, મૂળભૂત લોકશાહી તેનાં મૂળીયાં સહિત અડીખમ છે. એ બાબતમાં ચીનનો ઇતિહાસ અને વર્તમાન ભયંકર છે. સામ્યવાદી પક્ષના એકહથ્થુ, એકપક્ષીય શાસનમાં  સરકારની સેન્સરશીપ અને તેની ધાક એવાં મજબૂત છે કે તેમની ઇચ્છા વિના પાંદડું પણ હાલી ન શકે. વાસ્તવિક દુનિયાની વાત તો છોડો, ઇન્ટરનેટના વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ ચીનની સરકારનું મોટું ગળણું ઇચ્છે એટલી જ માહિતી લોકો સુધી પહોંચે. પરંતુ આ વર્ષે ચીનની સરકારની હાલત, ‘શોલે’માં ‘અંગ્રેજકે જમાનેકે જેલર’ અસરાની જેવી થઇઃ ‘અમારી ઇચ્છા વિના પારેવું પણ ફરકી શકતું નથી’ એવો સરકારનો ફાંકો એક પ્રજ્ઞાચક્ષુ વિદ્રોહી ચેને ઘૂળચાટતો કરી દીધો. 

ચેન ગ્વાંગચેંગને ખરેખર તો વિદ્રોહી પણ ન કહેવાય. નાનપણથી દૃષ્ટિ ગુમાવી ચૂકેલા ચેને મોટી ઉંમરે, બાકાયદા નહીં પણ અનૌપચારિક રીતે, કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું. ત્યારે ‘શારીરિક મર્યાદા ઓળંગીને નમૂનેદાર જીવન જીવનાર યુવાન’ તરીકે સ્થાનિક પ્રસાર માઘ્યમોમાં તેમની પ્રશંસા થતી હતી. પરંતુ કાયદો શીખવા પાછળનો ચેનનો હેતુ ડિગ્રી મેળવીને બેસી રહેવાનો ન હતો. તેમણે સરકારી તંત્રની આપખુદશાહી વિરુદ્ધ સ્થાનિક પ્રજાની ફરિયાદો પર કામ શરૂ કર્યું.  તેમણે પોતાના વતન શેન્દોંગ પ્રાંતમાં કુટુંબ નિયોજનના બહાને થતા અત્યાચારો સામે ઝુંબેશ ઉપાડી. 

એક સમયે ચીની સરકારે પરિવારદીઠ એક સંતાનની રાષ્ટ્રિય નીતિ જાહેર કરી હતી. પરંતુ ચેને કામ શરૂ કર્યું ત્યારે કાયદામાં એવી જોગવાઇ હતી કે કોઇ પરિવાર ઇચ્છે તો ઠરાવેલો દંડ ભરીને તે બીજું સંતાન મેળવી શકે. ચેનની લડત બીજી કોઇ ક્રાંતિકારી માગણી માટે નહીં, પણ આ કાયદાનું યથાયોગ્ય પાલન થાય એટલા પૂરતી જ હતી. પરંતુ ચીનમાં ગમે તેવા કાયદેસર હેતુ માટે, સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવવો એટલે આફતને નોતરું આપવા બરાબર ગણાય. ચેને પોતાના માટે એવાં આમંત્રણોની હારમાળા સર્જી દીધી.

શેન્દોંગ પ્રાંતના અધિકારીઓ સ્થાનિક મહિલાઓનો પરાણે ગર્ભપાત કરી નાખતા કે તેમની પર કુટુંબ નિયોજનનું ઓપરેશન કરી નાખતા. દંડ ભરીને બીજું સંતાન મેળવી શકવાનો કાયદો હોવા છતાં, આ જબરદસ્તીનું કારણ એટલું જ કે જે પ્રાંતમાં પરિવારદીઠ એકથી વઘુ સંતાનોનું પ્રમાણ વધારે દેખાય, ત્યાંના અધિકારીઓ તેમના ઉપરીઓની નજરમાંથી ઉતરી જતા હતા. તેમની બઢતીની તકો રોળાઇ જતી હતી. એટલે પોતાનો ચોપડો ઉજળો બતાવવા માટે તે બળજબરીથી મહિલાઓને ઓપરેશન કે ગર્ભપાત માટે ધકેલી દેતા. ચેને આ જોરજુલમી સામે કાનૂની લડત આદરી. 

વિરોધથી ન ટેવાયેલા સરકારી તંત્રે ૨૦૦૫માં પહેલી વાર ચેનની ધરપકડ કરી. તેમની સામે અદાલતી કાર્યવાહી થઇ અને ‘ટ્રાફિકને ખલેલ પહોંચાડવા બદલ’ તથા ‘સંપત્તિના નુકસાન’ જેવા બનાવટી આરોપો માટે ચેનને ચાર વર્ષની સજા થઇ. ૨૦૧૦માં સજા કાપીને બહાર આવ્યા પછી પણ ચેનને નજરકેદમાં રાખવામાં આવ્યા. દરમિયાન, માનવ અધિકાર ક્ષેત્રે કામ કરનાર પ્રજ્ઞાચક્ષુ બહાદુર તરીકે ચેન ગ્વાંગચેંગનું નામ પશ્ચિમી દેશોમાં જાણીતું બની ચૂક્યું હતું. 

આખરે એપ્રિલ ૨૨, ૨૦૧૨ના રોજ ચેને એવું પરાક્રમ કરી દેખાડ્યું, જેના વિસ્તૃત ઘટનાક્રમનો તાળો પૂરેપૂરો તો હજુ સુધી મળ્યો નથી, પણ જે બન્યું તેની ‘આઇસન અફેર્સ’ના પત્રકારે મેળવેલી વિગતો  ટૂંકમાં આ પ્રમાણે ઃ પત્નીની મદદથી દીવાલ કૂદીને ચેન બાજુના ઘરના વાડામાં પહોંચી ગયા. કેટલાક અહેવાલ પ્રમાણે આ કામ ચેને ૨૦ એપ્રિલના દિવસે જ પાર પાડી દીઘું હતું. રાત પડ્યા પછી તે અથડાતા કૂટાતા પોતાના ગામમાં થઇને નદી સુધી પહોંચ્યા. આંખોમાં કાયમ અંધારું ઉતરેલું હોય એવા ચેનને બહારના અંધારાથી કશો ફરક પડતો ન હતો. ઉલટું, એ તેમના માટે ફાયદાકારક નીવડ્યું. કારણ કે અંધારામાં પહેરેદારોની દૃષ્ટિ મર્યાદિત બની. એ થોડા ગાફેલ પણ હશે.  

ચેને પહેલાં નદી ઓળંગવાનો પ્રયાસ કર્યો, પણ નદી ઘણી મોટી હતી. એટલે તેમણે પુલ પરથી ચાલીને નદી પાર કરી. પુલ પર પહેરેદારો હોવા જોઇએ, પણ એ ત્યાં ન હતા અથવા ઉંઘી ગયા હતા. પરિણામે, સેંકડો વાર ઠેસઠોકર ખાતા, અથડાતાકૂટાતા ઘાયલ ચેન પુલ ઓળંગીને બીજા ગામ પહોંચી ગયા. ઘરની દીવાલ કૂદતી વખતે ચેનનો પગ ભાંગ્યો હતો. ત્યાર પછી આ સફર ખેડવામાં ચેને કેવા મક્કમ મનોબળથી કામ લીઘું હશે તેની કલ્પના જ કરવી રહી. 

બીજા ગામમાં એક મિત્રને મળ્યા પછી, ત્યાંથી  ચેનના ભાઇ-ભાભીનો સંપર્ક કરવામાં આવ્યો. એ સૌએ મળીને પાટનગર બેજિંગમાં કેટલાક શુભેચ્છકો-મદદગાર મિત્રો સાથે વાત કરી અને ચેનને આશરે ૫૦૦ કિલોમીટર દૂર બેજિંગમાં આવેલા અમેરિકી દૂતાવાસમાં સહીસલામત પહોંચાડ્યા. બે મહિના પહેલાં જ, ચીનના એક મોટા નેતા સાથે સાંઠગાંઠ ધરાવતા અને પછીથી અલગ પડેલા પોલીસ અફસર અમેરિકી દૂતાવાસમાં આશ્રય માટે પહોંચ્યા હતા. તેમને અમેરિકાએ સંઘર્યા ન હતા. પણ ચેનનો કિસ્સો અલગ હતો. ૨૮ એપ્રિલના રોજ ત્યાં પહોંચેલા ચેનને, ચીનની જુલમી સરકારથી સલામત એવા અમેરિકાના કિલ્લેબંધ દૂતાવાસમાં સમાવી લેવાયા.
 શરૂઆતમાં ચેનનું વલણ એવું હતું કે ચીની સરકાર પાસેથી અમુક પ્રકારની ખાતરી મેળવ્યા પછી ચીનમાં જ રહેવું અને લડત આગળ ચલાવવી. પરંતુ બીજી મેના રોજ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. એ દરમયાન અમેરિકાનાં વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન બે દિવસ માટે ચીન જવાનાં હતાં. તેમના પ્રવાસના હેતુ આર્થિક સહિત બીજી બાબતોને લગતી વાટાઘાટોના હતા. પરંતુ તેમની મુલાકાત વખતે ચેનનો મુદ્દો છવાયેલો રહ્યો. 

શરૂઆતમાં ‘આંતરિક બાબતોમાં દખલ’ના મુદ્દે ચીન અમેરિકાથી ખૂબ નારાજ હતું. તેના વિદેશમંત્રીએ એક તબક્કે અમેરિકા પાસેથી માફીની માગણી કરી હતી. પરંતુ હિલેરી ક્લિન્ટનની મુલાકાત પછી એવો વચલો રસ્તો નીકળ્યો કે અમેરિકાની ન્યૂયોર્ક યુનિવર્સિટી ચેનને કાયદાના અભ્યાસ માટે ફેલોશીપ આપે અને એ હેતુ આગળ કરીને ચેન, દેશ છોડી જતા વિદ્રોહી તરીકે નહીં, પણ ચીની સરકારની પરવાનગીથી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીની હેસિયતથી, અમેરિકા જાય. 

આ રાજદ્વારી સમાધાન મુજબ ચેન પત્ની-બે બાળકો સાથે અમેરિકા પહોંચી ગયા છે, પરંતુ તેમના પરિવારના બીજા સભ્યો ચીનમાં જ છે. તેમની સાથે અને ચેનને નાસી છૂટવામાં મદદ કરનાર બીજા સાથીદારો સાથે ચીની સરકાર કેવો વર્તાવ કરશે, તે જાણવું અઘરું છે. આખા ચેન પ્રકરણ અંગે ચીનની સત્તાવાર સમાચાર સંસ્થા શીનહ્વાએ ૧૯ મેના રોજ ફક્ત એક જ લીટીનો અહેવાલ જારી કર્યો. તેમાં જણાવ્યું છે કે ‘સંબંધિત વિભાગોમાંથી મળતી માહિતી પ્રમાણે, પૂર્વી ચીનના શેન્દોંગ પ્રાંતના ચેન ગ્વાંગચેંગે કાનૂની રાહે અમેરિકામાં અભ્યાસ માટે અરજી કરી છે.’ 

અભ્યાસ પૂરો કર્યા પછી ચીન પાછા ફરવા ઇચ્છતા ચેનની ઇચ્છા પૂરી થશે કે તે દેશની બહાર રહેતા વઘુ એક વિદ્રોહી નાગરિક બનીને રહી જશે, તે અત્યારે કહેવું અઘરું છે, પણ શારીરિક મર્યાદા અવગણીને ચેને લીધેલા હિંમતભર્યા પગલાથી ચીનમાં નવી હલચલ પેદા થઇ છે અને ચીની સરકાર વઘુ એક વાર કામચલાઉ ધોરણે કફોડી સ્થિતિમાં મૂકાઇ છે. 

તા.ક. ચેન વિશેનાં કેટલાંક સરસ કાર્ટૂન, સંબંધિત કાર્ટૂનિસ્ટો-પ્રકાશનોના સૌજન્યથી

માનવ અધિકાર વિશે ચીની સરકારની 'દૃષ્ટિ' તપાસતા પ્રજ્ઞાચક્ષુ ચેન

નાજુક સંતુલન

ચેનનું અમેરિકાગમનઃ ચીનની દૃષ્ટિએ 

ખતરો હજુ દૂર થયો નથી

અને દૃશ્યાત્મક આલેખનની દૃષ્ટિએ મારું સૌથી પ્રિયWednesday, May 23, 2012

મોબાઇલ આઇસક્રીમઃ કેન્ડી, કુલ્ફી, કોન


રસ્તા પર ચાલતાં ચાલતાં હાથમાં પકડેલા આઇસક્રીમના કપમાંથી ચમચી ભરતા હોય એવા જણ બહુ જોવા નહીં મળે. કારણ કે  નીચું જોઇને કપમાં ચમચી ખોસવાની- આઇસક્રીમ ઉલેચવાની- ભરેલી ચમચી સંભાળપૂર્વક મોં સુધી લઇ જવાની અને એ જ વખતે સામે જોઇને ચાલવાની ક્રિયા સમાંતરે કરવાનું અઘરું છે. એકમાં ઘ્યાન આપવા જતાં બીજામાં ગરબડ થઇ શકે છે. પરંતુ ખાણીપીણીના પ્રેમીઓ માને છે કે પલાંઠી વાળીને કે ડાઇનંિગ ટેબલ પર નિરાંતે બેસીને ખાવાનો આનંદ હોય છે, તેમ હરતાંફરતાં ખાવાની પણ જુદી મઝા છે.

સારી વાત એ છે કે આઇસક્રીમમાં ‘મોબાઇલ’ની સુવિધા ફોન કરતાં ઘણી વહેલી આવી ચૂકી હતી. કોનમાં ઠાંસી અપાતા આઇસક્રીમથી હરતાંફરતાં ખાનારને  સુખ થઇ ગયું. સરકારે ઠરાવેલા લધુતમ વેતન જેવા પાતળા કોન અને તેની પર સરકારી અફસરની ઉપરની આવક જેટલી માત્રામાં ગોઠવાયેલો આઇસક્રીમનો લચકો- આ દૃશ્ય કોઇ પણ આઇસક્રીમપ્રેમી વિશ્વામિત્ર માટે મેનકાસ્વરૂપ સાબીત થઇ શકે છે.  અલબત્ત, કોન આઇસક્રીમ હાથમાં આવ્યા પછી ઘણા લોકો પુખ્ત વયના મટીને બાળક બની જાય છે.

કોન આઇસક્રીમ ખાવો એ પોતાની જાતને ઠરેલ અને ગંભીર ગણતા માણસોનું કામ નથી. તેનું પહેલું કારણ એ કે કોન આઇસક્રીમ ખાવા માટે શિષ્ટતાના પર્યાય જેવી ચમચી કામમાં લાગતી નથી. ચમચી વડે કોન પરનો આઇસક્રીમ ખાવો એ કાંટા-ચમચી વડે રોટલો-કઢી ખાવા જેવું હાસ્યાસ્પદ લાગી શકે છે. પોતાની જાતને શિષ્ટતા અને સભ્યતાનો અવતાર માનતા ઘણા લોકો ચમચી વિના એવો મૂંઝારો અનુભવે છે, જાણે એમને હાથ જ ન હોય. બાળકોના મનમાં ઇન્જેક્શન માટે કે હોમવર્ક માટે હોય એવી લાગણી તેમના મનમાં કોન આઇસક્રીમ જાગે છે. કોનમાંથી સીધેસીધો જીભ અને હોઠ વડે આઇસક્રીમ ખાવાની કલ્પના માત્રથી તેમને અકારી લાગે છેઃ આપણે નગરમાં રહેતા નાગરિક છીએ કે ગુફાવાસી? એમ સીધા મોઢેથી બાટકી પડાતું હશે?

પરંતુ કોન આઇસક્રીમ ખાવાની આ એક જ રીત છે અને કઠોર પરિશ્રમની જેમ કોન આઇસક્રીમ ખાવાનો બીજો કોઇ વિકલ્પ નથી. કોઇને એ પ્રાકૃત લાગે તો એમ, પણ પ્રકૃતિ સાથે બાકીની બધી બાબતમાં માણસનો નાતો તૂટી ગયો છે ત્યારે આ એક રીતે પણ  પ્રાકૃત રહી શકાતું હોય તો કંઇ ખોટું નથી.

જાહેરખબરોમાં આવતાં કોન આઇસક્રીમનાં ચિત્રો તેમાં દર્શાવાયેલાં મોડેલની મુદ્રાઓ વિના પણ એટલાં આકર્ષક લાગતાં હોય છે કે એ જોઇને આઇસક્રીમ ખાવાનું મન થઇ જાય. પણ કોન હાથમાં ધારણ કર્યા પછી સમજાય છે કે કપડાં બગાડ્યા વિના કે આઇસક્રીમને નીચે પડવા દીધા વિના, કોનને યોગ્ય રીતે ન્યાય આપવો એ ખાવાનો ખેલ નથી.

આઇસક્રીમ ભરનાર ખાલી કોન હાથમાં લે ત્યારે એવું લાગે કે આમાં ભરાઇ ભરાઇને કેટલો આઇસક્રીમ ભરાવાનો? પણ દેખાવમાં નાનું લાગતું કોનનું મોં હકીકતે લાંચીયા અધિકારીની લાલચ જેટલું મોટું નીકળે છે. દુકાનદાર તેમાં બે-ત્રણ સ્કૂપ સહેલાઇથી ગોઠવી શકે છે. કોન ભરતા દુકાનદારની મુદ્રા જોઇને ક્યારેક એવું લાગે, જાણે ગ્રાહકને તે આઇસક્રીમ નહીં, આહ્વાન આપતા હોયઃ ‘લો, મેં તો મારાથી ભરાય એટલો આઇસક્રીમ ભર્યો છે. હવે તાકાત હોય તો તેને હાથ-મોં-કપડાં બગાડ્યા વિના ખાઇ બતાવો.’ પાતળા લાગતા કોનના માથે બે-ચાર સ્કૂપનો ભાર જોઇને ધાર્મિક જનોને ટચલી આંગળીએ ગોવર્ધન ઉંચકનાર શ્રીકૃષ્ણનું કલ્પનાચિત્ર પણ યાદ આવી શકે છે.

હાથમાં આઇસક્રીમ ભરેલો કોન પકડ્યા પછી માણસની સ્થિતિ જમીન વેચીને રાતોરાત કરોડપતિ બની ગયેલા જણ જેવી થાય છે. ‘આ બઘું આપણી માલિકીનું છે’ એવો અહેસાસ તેના મનમાં સુખ પેદા કરે છે અને ‘તેનો વહીવટ શી રીતે થશે?’ એ સવાલ મુંઝવણ જગાડે છે. ઓગળવાનો ગુણધર્મ ધરાવતો આઇસક્રીમ કોનમાં ઠલવાયા પછી તરત સ્વધર્મનું પાલન શરૂ કરી દે છે. એટલે માણસે આઇસક્રીમ કેવી રીતે મેનેજ કરવો તેનો વિચાર આઇસક્રીમ ખાતાં ખાતાં જ કરવાનો રહે છે.  એ વિચારે છે કે એક વાર કોનની ઉપરનો બધો આઇસક્રીમ સફાચટ કરી નાખું તો પછી વાંધો નહીં. કોનની અંદર ભરાયેલો આઇસક્રીમ ઓગળે તો પણ, ખીચડીમાં ઢળેલા ઘીની જેમ, કોનમાં જ રહેવાનો છે.

કોનમાં ઉપર રહેલો અને જાહેરખબરોમાં સૌથી આકર્ષક લાગતો આઇસક્રીમ ખાતી વખતે સૌથી વધારે કસોટી કરે છે. તેને હાથમાં લીધા પછી જાણે પરહાથના સ્પર્શથી શરમાતો હોય તેમ તે ઓગળવા લાગ્યો હોય અને તેમાંથી રેલા નીકળવા માંડ્યા હોય, દુકાનદારે કોનની ઉપર ઠાંસી આપેલા ગોળાકારોની ભૂમિતિ બદલાઇ ચૂકી હોય અને તેમની વચ્ચે સંતુલન સાધવાનું મોરચા સરકાર ચલાવવા જેટલું અઘરૂં બની ચૂક્યું હોય...આ સમય કસોટીનો હોય છે. એ વખતે આઇસક્રીમને કાબૂમાં રાખવો અને તેનો સ્વાદ પણ માણવો- એ માટે સ્થિતપ્રજ્ઞતાની જરૂર પડે છે. ખાનારે વિચારવું પડે છે કે આઇસક્રીમની ભૂમિતિ અનિત્ય છે અને તેનો સ્વાદ સનાતન છે. આઇસક્રીમ ગોળ હોય કે અનિયમીત આકારનો, સ્કૂપસ્વરૂપ હોય કે રેલાસ્વરૂપ- આખરી મહત્ત્વ એ વાતનું છે કે તે આડોઅવળો ઢળી કે પડી જવાને બદલે, ખાનારના પેટમાં જાય.

એક વાર કોન આઇસક્રીમની ટેવ પડી ગયા પછી, આઇસક્રીમના સ્વાદમાં તેને ખાવાના પડકારનો સ્વાદ પણ ભળી જાય છે. એ બન્ને સ્વાદનો આનંદ લેનારાને કોન સિવાય આઇસક્રીમ ફાવતો નથી. કંપનીઓમાંથી તૈયાર આવતા કોન આઇસક્રીમ કોઇ સરમુખત્યારના શાસનમાં કચડાઇ ગયેલા પ્રજામત જેવા હોય છે. તે ગમે તેટલા આઘાપાછા થાય કે ઓગળે, પણ તેમની સાથે પનારો પાડવાનું અને તેમને કાબૂમાં રાખવાનું એકંદરે સહેલું હોય છે.

દરેક દેશની જેમ દરેક ભોજનના શિષ્ટાચાર જુદા હોય છે. કોઇ માણસ કોન આઇસક્રીમ ખાઇ લે, છતાં તેના હોઠની ઉપર ‘મૂછો’ ન થાય કે આઇસક્રીમનાં ટપકાં ન પડે તો જાણવું કે તેમનું મન આઇસક્રીમ મેનેજ કરવામાં પરોવાયેલું હતું . એટલે તેના સ્વાદના આનંદથી તે ઘણી હદે વંચિત રહી ગયા છે. આ સત્ય જાણતા મોટા ભાગના લોકો કોન આઇસક્રીમ ખાતી વખતે ટપકાંટુપકી ને મોંની આજુબાજુ પ્રવાહી આઇસક્રીમ લાગવા જેવી બાબતોની પરવા કરતા નથી.

ખાનપાનમાં શિષ્ટતાના આગ્રહીઓને કોન આઇસક્રીમ પ્રાકૃત લાગતો હોય તો માત્ર કરોડરજ્જુ જેવી એક સળીના સહારે ટકેલી કુલ્ફી કે કેન્ડી વિશે તેમના મનમાં કેવો નીચો ખ્યાલ હશેએ કલ્પી શકાય છે. હાથમાં આવે ત્યારે સળીની આસપાસ અડીખમ લાગતી કેન્ડી કે કુલ્ફી ખાવી કે ચૂસવી એ વિશે મતભેદ છે. પરંતુ બન્ને પ્રકારમાં અડધા રસ્તે કુલ્ફીનો એકાદ ટુકડો સળી સાથેનો સંબંધ તોડીને અલગ થઇ જાય એવી બીક સતત રહે છે. ચોકોબાર જેવા આઇસક્રીમમાં ઉપરનું ‘ઝેડ પ્લસ’ આવરણ દૂર થઇ ગયા પછી, નીચે રહેતો આઇસક્રીમ કોઇ પણ ક્ષણે ઓગળી પડે એવો હોય છે. પરંતુ જીવનમાં કશું જ નિશ્ચિત ન હોય ત્યારે આઇસક્રીમની અનિશ્ચિતતા માણવાનું આવડી જાય તો, એ વૃત્તિ બીજે કામ લાગવાની  શક્યતા આઇસક્રીમ જેવી જ ટાઢક આપનારી બની રહે છે.

Tuesday, May 22, 2012

કાર્ટૂનવિવાદઃ બન્ને પક્ષે ગૂંચવાડા


રાષ્ટ્રિય શૈક્ષણિક સંસ્થા- એનસીઇઆરટી-ના પાઠ્‌યપુસ્તકમાં બંધારણ અંગેનો એક પાઠ અને તેમાં ડો.આંબેડકરનું એક કાર્ટૂન- આ મુદ્દે કેટકેટલા સમુહો રાબેતા મુજબ રાજાપાઠમાં આવી ગયા.

સરેરાશ બિનદલિતોએ જેમને કદી પોતાના ગણ્યા નથી એવા ડો.આંબેડકર અંગે, વિના વિલંબે- વિના વિચારે દુભાવાના કોપીરાઇટનો ઉપયોગ કરીને, કેટલાક દલિતોએ તોફાન કર્યું. કારણ? કાર્ટૂન થકી થયેલા ડો.આંબેડકરના અપમાનથી તેમની લાગણી દુભાઇ.

ડો.આંબેડકર કે દલિતોના નક્કર હિતની ધરાર ઉપેક્ષા કરનારા રાજકીય પક્ષોને દલિતોની લાગણી દુભાય એ ન પોસાય. કારણ કે મોટે ભાગે મામુલી મુદ્દે થતી દલિત-દુભામણીનો ઇલાજ કરવાનું સહેલું હોય છે અને દલિતોના વાસ્તવિક પ્રશ્નો ઉકેલવાનું બહુ અઘરું.

મળસફાઇના, ગટરસફાઇના, આભડછેટના કે પોતાની જમીનો પર બીજાના કબજા જેવા મુદ્દે દલિતસમાજની લાગણી દુભાતી હોય તો બિચ્ચારા નેતાઓનું શું થાય? પણ તેમના સદ્‌ભાગ્યે દલિતોની લાગણી ઘણુંખરું ડો.આંબડેકરનાં પૂતળાં કે છબીના અપમાન સાથે જ જોડાઇ ગઇ છે. તેને ધરવી દેવાનું નેતાઓને સહેલું પડે છે. કાર્ટૂનવિવાદમાં પણ એવું જ થયું: સંસદમાં બધા પક્ષના સાંસદોએ આંબેડકરના કહેવાતા અપમાન અને એ મુદ્દે દલિતોની દુભાયેલી લાગણી પર મૌખિક મલમપટ્ટા લગાવ્યા.

વિપક્ષોએ ડો.આંબેડકરનું અપમાન કરતું કાર્ટૂન પાઠ્‌યપુસ્તકમાં મૂકવા બદલ સરકારના માથે માછલાં ધોયાં.  દલિતોના મત ફક્ત વિપક્ષોને જ વહાલા હોય ને શાસકપક્ષને નહીં? એમણે પણ દલિતલાગણીને શાંત પાડવા માફી માગી,  પાઠ્‌યપુસ્તકમાંથી કાર્ટૂન કાઢી નાખવાની અને જરૂર પડ્યે આખેઆખું પાઠ્‌યપુસ્તક બદલી નાખવા સુધીની જાહેરાત કરી દીધી.

પાઠ્‌યપુસ્તકમાં કાર્ટૂનને મંજૂરી આપનાર એનસીઇઆરટીના બે સલાહકારોએ આ બનાવના પગલે રાજીનામાં આપ્યાં. એક સલાહકારની ઓફિસ પર કેટલાક દલિત તોફાનીઓએ હુમલો કર્યો. કારણ? એ જ. ડો.આંબેડકરનું અપમાન.

આટલે સુધીનું નાટક અગાઉ જુદા મુદ્દે ઘણી વાર ભજવાઇ ચૂક્યું છે, પણ આ વખતે તેમાં વધારાનો એક પક્ષ ઉમેરાયો. ધોરણસરના, બૌદ્ધિક અને વિચારવાની શક્તિ ધરાવતા ઘણા લોકો અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો મુદ્દો ઉપાડીને કાર્ટૂનનો વિરોધ કરનારના વિરોધમાં ઉતરી પડ્યા. મમતા બેનરજીએ પોતાની વિરુદ્ધની એક રમૂજ મોકલનાર અઘ્યાપક સામે કરેલી આપખુદ કાર્યવાહી અને પાઠ્‌યપુસ્તકમાંથી ડો.આંબેડકરનું કાર્ટૂન રદ કરવાના સરકારી નિર્ણયને તેમણે એક જ હરોળમાં મૂકી દીધા. ભારતના રાજકારણીઓમાંથી રમૂજવૃત્તિ અને સહિષ્ણુતાનો સદંતર લોપ થયો હોવાના ચિંતા વ્યક્ત થઇ. ભારતમાં રાજકીય કાર્ટૂનનું ભવિષ્ય ખતરામાં જણાવા લાગ્યું. ખુદ ડો. આંબેડકરે આ કાર્ટૂન સામે વાંધો લીધો ન હતો એવી દલીલ થઇ. નેહરુ અને ઇંદિરા ગાંધી પોતાનાં વિશેનાં ટીકાત્મક કાર્ટૂન કેવી ખેલદિલીથી બિરદાવતાં હતાં તેનાં ઉદાહરણ ટાંકવામાં આવ્યાં. ડો.આંબેડકરનું વિવાદાસ્પદ બનેલું કાર્ટૂન દોરનાર વિખ્યાત કાર્ટૂનિસ્ટ શંકર વિશે નેહરુએ કરેલું વિધાન- ‘ડોન્ટ સ્પેર મી, શંકર’ (‘મને જરાય બક્ષતા નહીં, શંકર’) અનંત વાર દોહરાવાયું.

બુદ્ધિજીવી અને વિચારશીલ વર્ગની ચિંતા સમજી શકાય એવી છે. ખાસ કરીને ભારતીય નેતાઓની વધતી અસહિષ્ણુતાને કારણે, તેમની ઉગ્ર પ્રતિક્રિયા અને કાર્ટૂનના વિરોધની કડક ટીકા સ્વાભાવિક લાગે. પણ ડો.આંબેડકરના કાર્ટૂન વિશે એક મહત્ત્વનો મુદ્દો કેટલાક વિચારશીલો પણ ચૂકી ગયાઃ આ કાર્ટૂન પાઠ્‌યપુસ્તકમાં મૂકી શકાય?

કાર્ટૂનના વિરોધનો વિરોધ કરનારા કેટલાક બૌદ્ધિકોએ આ મુદ્દો છેડ્યો અને ભારપૂર્વક એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે નાગરિક શાસ્ત્રના શુષ્ક પાઠોથી વિદ્યાર્થીઓ કંટાળતા હોય ત્યારે તેમને આ વિષય વધારે રસપ્રદ રીતે સમજાવવા માટે કાર્ટૂનનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એટલે શિક્ષણમાં કાર્ટૂન વાપરવાનો હેતુ કોઇને નીચા પાડવાનો નહીં, પણ શિક્ષણમાં રસ પૂરવાનો છે.

એક દલીલ એવી પણ થઇ કે નવથી બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓ મુક્ત રીતે વિચારતાં શીખે એ બહુ જરૂરી છે. તેમના દિમાગમાં રેડીમેડ અભિપ્રાયો ઠાંસી દેવાને બદલે, વૈવિઘ્યપૂર્ણ વિચારો તેમની સામે મૂકવા જોઇએ, જેથી એ પોતાની મેળે વિચારતા થાય. કેટલાક વિદ્વાનોએ શિક્ષણશાસ્ત્રના સિદ્ધાંતો ટાંકીને કહ્યું કે આ ઉંમરે વિદ્યાર્થીઓમાં સારા-નરસાની સમજણ કેળવાયેલી હોય છે. એટલે તેમના પાઠ્‌યપુસ્તકમાં કાર્ટૂન મૂકવામાં કશું ખોટું નથી. ફક્ત કાર્ટૂનને કારણે તે કોઇ મહાનુભાવ વિશે નકારાત્મક અભિપ્રાય બાંધી લે, એવું માનવું ન જોઇએ.
 આ વલણની સાથે, પાઠ્‌યપુસ્તકમાંથી કાર્ટૂન રદ કરવાની મંત્રીની એકહથ્થુ જાહેરાત, રાજીનામું આપનાર એક સલાહકાર પર હુમલો જેવી બાબતોનો તીવ્ર વિરોધ પણ ભળી ગયો. એટલે સરવાળે ચિત્ર એવું ઊભું થયું કે ડો.આંબેડકરના કાર્ટૂનમાં કશું વાંધાજનક નથી, પણ એ મુદ્દે રાજકારણ ખેલવાના આશયથી આખો વિવાદ સર્જવામાં આવ્યો છે.

વિવાદની બીજી બાજુ


આગળ જણાવેલા બધા મુદ્દાને એકબીજા સાથે ભેળવીને ગુંચવાડો કરવાને બદલે, શાંતિથી વિચારતાં આટલું સમજાયઃ

શંકરે ૧૯૪૯માં દોરેલા ડો.આંબેડકરના કાર્ટૂનમાં તેમનું અપમાન થાય છે, એવું કહેનારા કાર્ટૂનકળાને સમજતા નથી. એવા લોકોએ રાજકીય કાર્ટૂન માણવાના ક્લાસ ભરવા જોઇએ. આવા ક્લાસ સૌથી પહેલાં સાંસદો અને ધારાસભ્યો માટે શરૂ થવા જોઇએ. વિવાદાસ્પદ કાર્ટૂનમાં ડો.આંબેડકર ‘કોન્સ્ટીટ્યુશન’ લખેલી ગોકળગાય પર બેઠા છે. તેમના હાથમાં ગોકળગાયને હાંકવાની ચાબુક છે. તેમની પાછળ નેહરુ ઉભા છે. તેમણે પણ ગોકળગાય પર ચાબુક ઉગામી છે. ઊભેલા નેહરુની ડોક એ રીતે ઢળેલી બતાવવામાં આવી છે કે જેથી ચાબુક તેમણે ગોકળગાય પર જ ઉગામી છે, એ સ્પષ્ટ થઇ જાય.

બંધારણ ઘડતરની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે કેટલાક વર્ગોમાં એવી ચર્ચા અને ટીકાએ જોર પકડ્યું હતું કે આ કામમાં વઘુ પડતો વિલંબ થઇ રહ્યો છે. રાજકીય કાર્ટૂનિસ્ટ તરીકે શંકરે એ લાગણીને કાર્ટૂન દ્વારા કળાત્મક રીતે વાચા આપી. એ કાર્ટૂનને આંબેડકર સામેના આરોપ કે તેમના અપમાન તરીકે જોવું એ મૂર્ખામી છે.

પરંતુ આખા વિવાદના કેન્દ્રસ્થાને હોવા છતાં ભાગ્યે જ ચર્ચાયેલો મુદ્દો છેઃ બંધારણમાં વિલંબ થયો છે એવી જે તે સમયે એક વર્ગની ચર્ચાનો પડઘો પાડતું કાર્ટૂન પાઠ્‌યપુસ્તકમાં શા માટે હોવું જોઇએ? તેનાથી વિદ્યાર્થીઓ શું જ્ઞાન મેળવે એવું અપેક્ષિત છે? ખાસ કરીને એ સંજોગોમાં, જ્યારે ખુદ ડો.આંબેડકરે તે સમયે વિલંબ વિશેના આરોપનો વિગતવાર અને મુદ્દાસર જવાબ આપ્યો હોય તથા એ આરોપને ખોટો પુરવાર કર્યો હોય.

આ વિવાદમાં રાજકીય કાર્ટૂનનું મહત્ત્વ સમજાવવા બેસી ગયેલા ભલભલા અભ્યાસી-વિદ્વાનો પણ એ હકીકત કેમ ભૂલી જાય છે કે રાજકીય કાર્ટૂન એક પ્રકારનાં નથી હોતાં. રાજકીય હાસ્ય-વ્યંગ લેખોની જેમ રાજકીય કાર્ટૂનમાંથી પણ કેટલાંક તદ્દન સમસામયિક મહત્ત્વ ધરાવતા અને કેટલાંક ચિરકાલીન મૂલ્ય ધરાવતા- સદાબહાર હોય છે. એ બન્નેને એકસરખું મહત્ત્વ આપવું કે અભિવ્યક્તિસ્વાતંત્ર્યનો મુદ્દો આગળ ધરીને તેમને એકસરખાં ‘પવિત્ર’ ગણવાં એ બરાબર નથી.

ચર્ચાસ્પદ બનેલું શંકરનું કાર્ટૂન, સ્પષ્ટ છે કે, સદાબહાર નહીં, પણ માત્ર ને માત્ર સમસામયિક મૂલ્ય ધરાવનારું છે. બંધારણ બનતું હતું અને જ્યાં સુધી ડો.આંબેડકરે તેમાં થયેલા વિલંબની ટીકાનો જવાબ આપ્યો ન હતો, ત્યાં સુધી એ કાર્ટૂનનું થોડુંઘણું મૂલ્ય હતું, પણ ડો.આંબેડકરે એ વિશેનો યથાયોગ્ય જવાબ આપી દીધો, ત્યાર પછી એ ચર્ચા શમી ગઇ. એ સમયના અને ત્યાર પછીના લોકોના મનમાંથી પણ વિલંબની વાત નીકળી ગઇ. પછીનાં વર્ષોમાં ડો.આંબેડકરની દ્વેષપૂર્વક થતી ટીકામાં પણ વિલંબનો મુદ્દો કદી આવ્યો નથી. એ સ્થિતિમાં બંધારણમાં થયેલા વિલંબની ચર્ચાને ચિત્રિત કરતું કાર્ટૂન શંકરના કાર્ટૂનસંગ્રહમાં હોઇ શકે, પણ તેને પાઠ્‌યપુસ્તકમાં મૂકવાનું ઔચિત્ય કોઇ રીતે સમજી શકાય એવું નથી. ‘આ કાર્ટૂન બંધારણમાં ઘડતરની પ્રક્રિયા સૂચવે છે’ કે ‘એ વખતે આવી પણ ચર્ચા થઇ હતી તેનું પ્રતીક છે’- એવી દલીલ ગળે ઉતારવી અઘરી છે. કારણ કે બંધારણ ઘડતરને લગતી પ્રક્રિયાની નક્કર હકીકતોમાં વિલંબના આરોપનું વજન શૂન્યવત્‌ બની ચૂક્યું છે.

કાર્ટૂનવિવાદમાં આટલી સાદી વાત બહુ ઓછા લોકોએ કરી છે, એ હકીકત જાહેર બાબતો અંગે થતી ચર્ચાના સ્તરની પણ સૂચક છે. સદ્‌ભાગ્યે કેટલાક નામી કાર્ટૂનિસ્ટો આ સાદો મુદ્દો સહેલાઇથી સમજી શક્યા છે અને એ વિશે તેમણે ખોંખારીને કહ્યું પણ છે. વિખ્યાત કાર્ટૂનિસ્ટ અજિત નિનાનના મતે, જે તે સમયે આ કાર્ટૂન એકદમ બરાબર હતું, પણ હવે તેનું પાઠ્‌યપુસ્તકમાં કશું કામ નથી. (કાર્ટૂન હેઝ એબ્સોલ્યુટલી નો બિઝનેસ ઇન ટેક્સ્ટબુક્સ.)

‘ધ હિંદુ’ અખબારમાં તીખાં રાજકીય કાર્ટૂન બનાવનાર સુરેન્દ્ર પણ આ જ મતના છે. તેમણે આ કાર્ટૂન ૬૦ વર્ષ પહેલાં યોગ્ય ગણાવીને, હવે તેને પાઠ્‌યપુસ્તકમાં મૂકવાનો નિર્ણય અયોગ્ય ઠેરવ્યો છે. (‘ખુદ આંબેડકરે પણ આ કાર્ટૂનનો વિરોધ કર્યો ન હતો’ એવી દલીલ કરનારા આટલો સાદો મુદ્દો કેમ ચૂકી જતા હશે?)

નવથી બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓ આ કાર્ટૂનને કેટલા સમભાવથી લઇ શકે એ મહત્ત્વનો સવાલ છે. પાઠ્‌યપુસ્તકમાં યોગ્ય રીતે જ ડો.આંબેડકરનાં ગમે તેટલાં વખાણ કરાયાં હોય અને બાકીની બધી રીતે પાઠ્‌યપુસ્તક ગમે તેટલું ઉદાર મતવાદી- અગાઉનાં પાઠ્‌યપુસ્તકો કરતાં સારું હોય, તો પણ તેનાથી આ એક કાર્ટૂનનો સમાવેશ ઉચિત ઠરી જતો નથી.

બીજો મોટો સવાલ આ પાઠ્‌યપુસ્તક ભણાવનારા શિક્ષકોનાં દાનત અને દૃષ્ટિ વિશે થાય. ભારતના વર્ગખંડો હજુ દલિતદ્વેષથી મુક્ત બન્યા નથી. દલિત વિદ્યાર્થીઓને અપાતી સરકારી આર્થિક સહાય જેવી બાબતમાં પણ વર્ગશિક્ષકો દલિત વિદ્યાર્થીઓને કેવું નીચાજોણું કરાવે છે તેનો ઘણાને અનુભવ હશે. એવી માનસિકતા ધરાવતા દલિતદ્વેષી શિક્ષકોના હાથમાં આ કાર્ટૂન આવી જાય તો એ તેનું અર્થઘટન કેવી રીતે કરે, તે સહેલાઇથી ધારી શકાય એમ છે.

પાઠ્‌યપુસ્તકોને રસાળ અને વૈવિઘ્યપૂર્ણ મતથી સજ્જ બનાવવાની કામગીરી આવકારદાયક છે. કાર્ટૂનવિવાદમાં સૂકા ભેગું લીલું બાળી નાખવાની રાજકીય તત્પરતા ચિંતાજનક છે. એનસીઇઆરટી જેવી સ્વાયત્ત શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસક્રમ સરકારી મંત્રીઓના ફતવાથી બદલાય એ વઘુ મોટી ચિંતાનો વિષય છે.

તેમ છતાં, એ બધા મુદ્દા વાજબી હોવાથી, વિવાદાસ્પદ બનેલું કાર્ટૂન પાઠ્‌યપુસ્તકને લાયક બની જતું નથી. પાઠ્‌યપુસ્તકમાં તેના સમાવેશ સામેનો વાંધો કશા આવેશ, દ્વેષ કે રાજકારણ વિના અડીખમ રીતે ઊભો રહે એવો છે.

Sunday, May 20, 2012

‘રાષ્ટ્રકવિ’ રવીન્દ્રનાથ ટાગોર અને રાષ્ટ્રવાદ: રાષ્ટ્રવાદ દુનિયામાં ફેલાયેલો અનિષ્ટનો ક્રૂર રોગચાળો છે


રવીન્દ્રનાથ ટાગોરની દોઢસોમી જન્મજયંતિનાં ઉજવણાં  સમાપ્ત થયાં. રવીન્દ્રનાથ હોય કે ઉમાશંકર, આપણને એમનાં પ્રમાણમાં નિર્દોષ એવાં કવિસ્વરૂપ વધારે ફાવે છે. ટાણાંવાર તેમને અપાતી અંજલિઓમાં કે તેમની પ્રમુખ ઓળખમાં પણ કદાચ એટલે જ તેમનું કવિપણું સૌથી આગળ હોય છે. ટાગોર જેવી પ્રચંડ સર્જક અને બૌદ્ધિક પ્રતિભાને ફક્ત કવિ અથવા જરા આગળ વધીને ફક્ત સાહિત્યકાર, સંગીતકાર કે ચિત્રકાર તરીકે યાદ કરવાનું પણ અપૂરતું છે. તેમના જેવા સર્જકો પોતાની આસપાસ બનતી ઘટનાઓથી અલિપ્ત રહી શકતા નથી. પોતાના સમય સાથેનો તેમનો નાતો એકકેન્દ્રી- કેવળ સાહિત્ય રચવા પૂરતો- સીમિત હોતો નથી. પ્રાંત, દેશ અને વિશ્વની ઘટનાઓના ધબકાર પણ તે ઝીલે છે અને એ વિશે, સાહિત્યકાર તરીકેનાં સુંવાળાં માનપાન ગુમાવવાની ચિંતા  રાખ્યા વિના, પોતાના મનની વાત કહે છે.

ટાગોર એવા જ એક બૌદ્ધિક હતા, જેમની ઉપરછલ્લી ઓળખમાં ઘણા વિરોધાભાસ લાગેઃ ‘જનગણમન અધિનાયક’ તેમણે અંગ્રેજ રાજાની સ્તુતિ તરીકે લખ્યું હોવાનો આરોપ એક સદી પછી પણ શમ્યો નથી. જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી તેમણે ‘સર’નો ખિતાબ પાછો આપી દીધો. ટાગોરે લખેલાં ગીત આગળ જતાં ભારત અને બાંગલા દેશ બન્ને રાષ્ટ્રોનાં રાષ્ટ્રગીત તરીકેનું માન પામ્યાં. પરંતુ ખુદ ટાગોર રાષ્ટ્રવાદના આક્રમક અને સંકુચિત ખ્યાલથી અળગા થઇ ગયા. રાષ્ટ્રવાદ વિશેના તેમના ખ્યાલોને કારણે, બંગાળનું ગૌરવ ગણાતા રવીન્દ્રનાથ પર બંગાળી અખબારોમાં પ્રહાર પણ થયા. કારણ કે ભારત જેવા ઉભરતા દેશ માટે રાષ્ટ્રવાદ જરૂરી હોવાની માન્યતા વ્યાપક હતી.

કેટલાક અભ્યાસીઓ માને છે કે પશ્ચિમમાં ટાગોરનાં કાવ્યોની પ્રતિષ્ઠા થઇ, એ માટે  રાષ્ટ્રવાદ વિશેના તેમના ખ્યાલો પણ જવાબદાર હતા. કારણ કે, વિશ્વયુદ્ધ પહેલાં જાપાન-જર્મની જેવા દેશોના આત્યંતિક અને અંતિમવાદી ‘રાષ્ટ્રવાદ’નાં પરિણામ દેખાઇ રહ્યાં હતાં. તેનો વિરોધ કરતા ટાગોરના વિચારો યુરોપના લોકોને એકદમ અનુકૂળ આવ્યા.

વીસમી સદીના આરંભે ભારતમાં રાષ્ટ્રવાદની લહેર જગાડનાર ટાગોર ટૂંક સમયમાં  સંકુચિત - અને અત્યારે પ્રચલિત એવા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રખર વિરોધી કેમ બન્યા? તેના વિગતવાર જવાબ સૌમ્યેન્દ્રનાથ ઠાકુર લિખિત અને નગીનદાસ પારેખ દ્વારા અનુવાદિત પુસ્તિકા ‘રવીન્દ્રનાથ અને વિશ્વમાનવવાદ’માંથી મળી રહે છે. સરોજિની હઠીસિંહ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકામાં રવીન્દ્રનાથના વિચારો દ્વારા દેશપ્રેમ અને (ંસંકુચિત) રાષ્ટ્રવાદ વચ્ચેનો તફાવત બરાબર ઉભર્યો છે.

દેશપ્રેમની એક રમૂજી વ્યાખ્યા  છેઃ ‘મારો દેશ મહાન છે. કારણ કે હું એમાં જન્મ્યો હતો.’ પરંતુ રવીન્દ્રનાથે પોતાના દેશપ્રેમની સ્પષ્ટતા કરતાં લખ્યું હતું, ‘હું ભારતને ચાહું છું તેનું કારણ હું ભૌગોલિક મૂર્તિપૂજામાં માનું છું અથવા હું ભાગ્યવશાત્‌ એની ભૂમિ પર જન્મ્યો છું, એ નથી. પણ એનું કારણ એ છે કે એના ૠષિમુનિઓએ ઉચ્ચારેલી જીવંત વાણીને એણે શતાબ્દીઓની અશાંતિ દરમ્યાન સાચવી રાખી છે.’ પોતાનો દેશ ‘એક અને વર્ણવિહીન’ હોય એ તેમને ભારતની ‘સાચી પ્રાર્થના’ લાગી હતી.

ભારત બીજાં કરતાં ખાસ છે અને આઘ્યાત્મિક રીતે તેનો જગતમાં જોટો નથી, એ પ્રકારના ખ્યાલોને રવીન્દ્રનાથ મિથ્યાભિમાન ગણતા હતા. તેમની માન્યતા હતી કે અંગ્રેજ શાસકો તરફથી ભારતની સંસ્કૃતિ પર થતા હુમલાના જવાબરૂપે, ૧૯મી સદીના મઘ્ય ભાગમાં ભારતમાં પોતાની સંસ્કૃતિ વિશે મિથ્યાભિમાની વલણ પેદા થયું. આઝાદી માટેની પ્રવૃત્તિ વિકસતી ગઇ તેમ આઘ્યાત્મિક મહત્તા પર ભારતનો ખાસ દાવો છે, એવો વિચાર સાહિત્યમાં વારંવાર દેખાવા લાગ્યો. ‘ઇશ્વર કોઇ ખાસ પ્રજા પર મહેર કરે છે એવો ખ્યાલ બર્બરયુગને શોભે એવો છે’ એવું રવીન્દ્રનાથે સાફ શબ્દોમાં કહ્યું હતુ.

‘પૂર્વ મહાન ને પશ્ચિમ ભૌતિકવાદી’ અથવા ‘પૂર્વ પછાત અને પશ્ચિમ પ્રગતિશીલ’ એવાં જડ ચોકઠાંમાં રવીન્દ્રનાથ બંધાયા નહીં. પૂર્વના આઘ્યાત્મિક ચડિયાતાપણાના ખ્યાલને એમણે નકારી કાઢ્‌યો, તો પશ્ચિમની યાંત્રિક પ્રગતિ સામે પણ તેમણે સવાલ ઊભા કર્યા. ‘આપણે પૂર્વના લોકોએ આપણો દોષ કબૂલ કરવાનો છે...કોઇ અમુક ધર્મ, વર્ણ કે ન્યાતના લોકો પ્રત્યે હળાહળ તિરસ્કાર અને ક્રૂરતાથી વર્તીને આપણે માનવજાતનું અપમાન કર્યું, એ પાપ વધારે મોટું નહીં તો પણ પશ્ચિમના પાપ જેવડું તો છે જ.’ એવું કહેનાર રવીન્દ્રનાથે એવી દલીલ પણ કરી કે પશ્ચિમનો વિકાસ વિશ્વમાનવવાદના નૈતિક સિદ્ધાંતના આધારે થયો નહીં, એટલે અસમાનતા-શોષણ-ગરીબી-યુદ્ધો બઘું જોવા મળે છે.

તેમણે કહ્યું, ‘માનવજાતે વિજ્ઞાનના ક્ષેત્રમાં આટઆટલાં વિરાટ પગલાં ભર્યા હોવા છતાં માનવસમાજ આજે પણ કુદરતના લૂટારુ કાયદાથી નિયંત્રીત થતો જોવા મળે છે.’  પ્રગતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ભેદ દર્શાવતાં તેમણે કહ્યું હતું, ‘એક ચક્કર ફેરવીને એક સાથે હજારો સોયોમાં કાણાં પાડતાં કદાચ હું થોડાં વર્ષમાં શીખી જાઉં, પણ પોતાના દુશ્મનનું કે કોઇ અજાણ્યાનું અત્યંત સરળભાવે આતિથ્ય કરવા માટે પેઢીઓની તાલીમની જરૂર પડે.’  રવીન્દ્રનાથની પાયાની ફરિયાદ હતી કે પ્રગતિની લ્હાયમાં સંસ્કૃતિનું મૂળ ઘ્યેય ભૂલાઇ ગયું છે.

રાષ્ટ્રવાદનું આઘુનિક સ્વરૂપ પશ્ચિમની દેન હતી. એક તરફ સ્વાતંત્ર્યનો સંદેશ અને બીજી તરફ રાષ્ટ્રવાદની ભાવના - એ વિરોધાભાસ વિશે રવીન્દ્રનાથે કહ્યું હતું કે ‘પશ્ચિમનો આત્મા  સ્વાતંત્ર્યના ઝંડા હેઠળ કૂચ કરી રહ્યો છે, ત્યારે પશ્ચિમનો રાષ્ટ્રવાદ સંગઠન અને વ્યવસ્થાની લોખંડી જંજીરો ઘડી રહ્યો છે. માનવ ઇતિહાસમાં કોઇ પણ કાળે ઘડાયેલી જંજીરો કરતાં એ વધારે મજબૂત અને અતૂટ છે.’

આવા રાષ્ટ્રવાદ સામે રવીન્દ્રનાથે કડકમાં કડક શબ્દોમાં ચેતવણી આપી હતીઃ ‘જ્યારે લોકો પોતાની સંસ્કૃતિ કે લોહીની શ્રેષ્ઠતાના આધારે, વેપારી લોભને કારણે, બીજા દેશોનાં બજાર કબજે કરવા માટે કે બીજા દેશોનાં શોષણ માટે સંગઠિત થાય છે ત્યારે પોતાના હૃદયસિંહાહાસન પર તે માનવએકતાના આદર્શને બદલે રાષ્ટ્રવાદને સ્થાપે છે. એ વખતે માનવજાત ઉપર કાળરાત્રિ ઉતરી આવે છે... આ રાષ્ટ્રવાદ આજના જમાનામાં દુનિયામાં ફેલાયેલો અનિષ્ટનો ક્રૂર રોગચાળો છે. તે માનવજાતના નૈતિક મર્મોને હજમ કરી જાય છે.’

અત્યારનો ચીની રાષ્ટ્રવાદ અથવા ગઇ સદીના ઉત્તરાર્ધમાં અમેરિકા અને ઘણા સામ્યવાદી દેશોનો રાષ્ટ્રવાદ રવીન્દ્રનાથ ટાગોરનું નિદાન એકદમ સાચું પાડે છે. ભારતમાં પણ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના રાજકારણથી રાષ્ટ્રિય એકતાને બદલે આંતરિક હૂંસાતૂંસી અને અસ્થિરતા વઘ્યાં છે. રવીન્દ્રનાથે કહ્યું હતું તેમ, ‘રાષ્ટ્રવાદનો જન્મ અને તેનો સૌથી વઘુ વિકાસ પશ્ચિમમાં થયો હતો. તે અથડામણ ઉપર જ જીવે છે અને ફૂલેફાલે છે. કારણ કે અથડામણ એ જ રાષ્ટ્રવાદનો પ્રાણ છે...એનો પાયો સામાજિક સહકાર નથી...જેને શિકાર વિના ચાલે જ નહીં એવાં શિકારી વરૂઓનાં ટોળાં જેવો એ છે.’

કટ્ટર રાષ્ટ્રવાદ માટે જાણીતા જાપાનમાં રવીન્દ્રનાથે જાહેર પ્રવચનમાં કહી દીઘું હતું કે પ્રજા તરીકે તમારે માટે મારા મનમાં ઊંડો પ્રેમ અને આદર છે, પણ રાષ્ટ્ર તરીકે બીજાં રાષ્ટ્રો સાથેના વ્યવહારમાં તમે પશ્ચિમ જેવા જ દગાબાજ અને બધી વાતે પૂરા છો. ‘આખી પ્રજાના માનસમાં પોતાની ઉચ્ચતાનો અસાધારણ ઘમંડ ભરી દેવો, પ્રજાને પોતાની નૈતિક કઠોરતા અને પાપની સમૃદ્ધિનું અભિમાન લેતાં શીખવવું..યુદ્ધમાં જીતેલી વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકોના મનમાં બીજાને માટે તિરસ્કાર પેદા કરવો, હારેલા લોકોની નામોશીને કાયમ કરવી- એ પશ્ચિમને કોરી ખાતાં ગુમડાંનું અનુકરણ કર્યા બરાબર છે.’ ઇતિહાસમાં જૂઠાણાં ઊભાં કરવાં એ પણ પાશ્ચાત્ય રાષ્ટ્રવાદનું એક લક્ષણ હોવાનું રવીન્દ્રનાથે જણાવ્યું હતું. એ પ્રકારનો રાષ્ટ્રવાદ આઝાદી પછીના ભારતમાં સામાન્ય બની ગયો છે.

જાપાને ચીન પર હુમલો કર્યો ત્યારે એક જાપાની કવિએ યુદ્ધને આઘ્યાત્મિક- બીજાને સુધારવા માટેના પરિબળ તરીકે ઓળખાવ્યું. હિટલર અને મુસોલિની પણ બીજા વિશ્વયુદ્ધ વખતે એવું જ માનતા હતા. અંગ્રેજો ગુલામ ભારતને સુધરેલું બનાવવાનો દાવો કરતા હતા અને અમેરિકાએ લોકશાહી સ્થાપવાના બહાને કેટલાં યુદ્ધ કર્યાં. એ બધાના પાયામાં રહેલું સત્ય રવીન્દ્રનાથે જાપાની કવિને લખી જણાવ્યું હતું, ‘લોકોનાં સુખ અને હકનું બલિદાન ચઢાવવાનો પોતાનો હક છે એવો દાવો જે દેશભક્તિ કરે, તે કોઇ પણ મહાન સંસ્કૃતિનો પાયો મજબૂત બનાવવાને બદલે તેને જોખમમાં મૂકશે.’

પુસ્તિકાના લેખક સૌમ્યેન્દ્રનાથે નોંઘ્યું છે કે ‘સ્વદેશી ચળવળના તેમ જ અસહકારના જમાનામાં (રવીન્દ્રનાથે) એક વાર સુદ્ધાં સંકુચિત રાષ્ટ્રવાદના મંદિરમાં પૂજા કરી નથી. તે ભારતની મુક્તિ પૂરા અંતરથી ચાહતા હતા, પણ એ રાષ્ટ્રવાદી તરીકે નહીં, પણ વિશ્વમાનવવાદમાં જેને પૂરી શ્રદ્ધા છે એવા આંતરરાષ્ટ્રવાદી તરીકે.’
 એક તરફ સંહારનાં શસ્ત્રોનો ખડકલો કરીને બીજી બાજુથી કરાતી સૂફિયાણી વાતોથી કે બહારની સંસ્થાઓથી નહીં, પણ અંતરની  ભાવનાથી સાચું માનવઐક્ય સ્થપાશે એવું રવીન્દ્રનાથે કહ્યું હતું, પરંતુ માનવજાત વારી વળતી નથી એવી વીસમી સદીની વાસ્તવિકતા એકવીસમી સદીમાં બદલાઇ હોય એવું જણાતું નથી.

Wednesday, May 16, 2012

ગાંધીજી ફેસબુક પર હોત તો?


‘ગાંધીજી સોની કે પાંચસોની ચલણી નોટ પર હોત તો?’ એવી કલ્પના કરવામાં થોડા દાયકા મોડા છીએ. દરમિયાન, બીજાં ઘણાં દુઃસ્પ્નની જેમ એ શક્યતા વાસ્તવિકતા બની ચૂકી છે. પણ ધારો કે ગાંધીજીના જમાનામાં ‘ફેસબુક’ જેવી સોશ્યલ નેટવર્કિંગ સુવિધા હોત તો?

બેશક, તેમના પ્રોફાઇલ પેજના કવર પિક્ચર- મુખ્ય તસવીર તરીકે ત્રણ વાંદરાના રમકડાની કનુ ગાંધીએ પાડેલી તસવીર બાપુએ મૂકી હોત- એટલે કે મુકાવી હોત. કારણ કે બાપુ પોતે થોડા ફેસબુક ઓપરેટ કરવા બેસે? એ કામ તેમણે મહાદેવભાઇ દેસાઇને સોંપી દીઘું હોત. મહાદેવભાઇનું અકાળે અવસાન થયું ત્યારે સરદાર પટેલે કહ્યું પણ હોત કે ‘બિચારો મહાદેવ! ફેસબુક પર બુદ્ધિના બળદીયાઓ જોડે લમણાં લેવામાં એનું આયુષ ઓછું થઇ ગયું.’

‘ફેસબુક’ પર એકાઉન્ટ ખોલવું કે નહીં એ વિશે શરૂઆતમાં ગાંધીજીના મનમાં ખાસી અવઢવ ચાલી હોત. ‘તેની પર જેટલો સમય બગડે, એટલું દેશને આઝાદી મળવામાં મોડું થશે’- એવું વિચારીને તે ખચકાટ અનુભવતા હોત. પણ કાકાસાહેબ કાલેલકર જેવાએ તેમને સમજાવ્યા હોત કે આપણે છાપાં કાઢીએ છીએ તો પછી ફેસબુક શા માટે નહીં? આપણે માઘ્યમથી મતલબ છે કે તેના દ્વારા આપવાના સંદેશાથી? વર્ષો પછી માર્શલ મેક્લુઅને આ વાતને ‘મીડિયમ ઇઝ ધ મેસેજ’ તરીકે પ્રચલિત બનાવી હોત.

પ્રોફાઇલ પિક્ચર તરીકે પોતાનો ફોટો મુકવાને બદલે ગાંધીજીએ ચરખો મૂક્યો હોત. પોતાના પરિચયમાં તેમણે વિદેશી કોલેજનાં નામ-ડિગ્રી ટાળીને ‘સ્ટડીડ એટ’માં ‘આલ્ફ્રેડ હાઇસ્કુલ, રાજકોટ’ લખાવ્યું હોત. એકાઉન્ટ ખોલ્યા પછી બધા સાથીદારોની સલાહથી ઉપરવટ જઇને, પહેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ તેમણે અંગ્રેજ વાઇસરોયને મોકલી હોત. તેનો સ્વીકાર કરવો કે નહીં તે માટે વાઇસરોયે બ્રિટન પુછાવવું પડ્યું હોત. ત્યાર પછી ખાનગી રાહે વાઇસરોયે ઝીણાને પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાનું કહેવડાવ્યું હોત અને ગાંધી-ઝીણા બન્નેની ફ્રેન્ડ રિક્વેસ્ટ એકસાથે સ્વીકારવાની જાહેરાત કરી હોત.

‘ફેસબુક’ પર પહેલું સ્ટેટસ શું મુકવું જોઇએ? એવા મહાદેવભાઇના ક્ષણના પણ વિલંબ વિના જવાબ આપતાં ગાંધીજીએ કહ્યું હોતઃ ‘લખો, મહાદેવ. સત્ય એ જ પરમેશ્વર.’ સ્ટેટસ મુકાયાની થોડી મિનીટોમાં ‘લાઇક’ અને કમેન્ટનો વરસાદ થયો હોત. મોટા ભાગના ‘લાઇક’ કરનારાએ રાબેતા મુજબ, પહેલાં ‘લાઇક’નું બટન દબાવ્યા પછી, સમયની અનુકૂળતા પ્રમાણે સ્ટેટસ વાંચ્યું હોત.

મોટા ભાગની કમેન્ટમાં એક જ સવાલ પૂછાયો હોતઃ ‘ફોટામાં ચરખો મૂક્યો છે ને નામ એમ.કે.ગાંધી લખ્યું છે, તે આ ગાંધીજીનું જ એકાઉન્ટ છે? કે પછી કોઇ દારૂવાળો કે રાજકારણવાળો વઘુ એક વાર તેમનું નામ વટાવવા નીકળ્યો છે?’ વારંવાર ખુલાસા કર્યા પછી મહાદેવભાઇએ આ ગાંધીજીનું સત્તાવાર એકાઉન્ટ હોવાનું જાહેર કર્યું હોત અને ફોટાની જગ્યાએ ‘બાપુના આશીર્વાદ’ એવી સહી મૂકી હોત

ગાંધીજી ફેસબુક પર આવ્યાના સમાચાર ‘ટ્‌વીટર’ થકી ફેલાતાં,  તેમની પર ફ્રેન્ડ રિક્વેસ્ટનો મારો થયો હોત. તેમાં જવાહરલાલ નેહરુ અને મીરાબહેનથી માંડીને સામાન્ય પ્રજાજનો, લેંકેશાયરના મિલમજૂરો અને દક્ષિણ આફ્રિકાના સાથીદારોનો સમાવેશ પણ થતો હોત. ફ્રેન્ડલિસ્ટ ૫ હજારની મહત્તમ મર્યાદા ભણી સડસડાટ આગળ વધતું જોઇને ગાંધીજીએ નવું સ્ટેટસ મુકાવ્યું હોતઃ ‘હરિજનફાળામાં દાન કરનારની ફ્રેન્ડ રિક્વેસ્ટ જ સ્વીકારવામાં આવશે.’

પોતાનું એકાઉન્ટ નહીં ધરાવતા, પણ ફેસબુકમાં શું ચાલી રહ્યું છે તેનું ઘ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એકાઉન્ટ પરથી રાખતા સરદાર પટેલ ગાંધીજીની શરત વાંચીને મરક્યા હોત. બાજુમાં બેઠેલા માવળંકરને તેમણે કહ્યું હોત,‘જોયું? હજુ તો મહિનો પણ થયો નથી ને ડોસા જણાઇ આવ્યા.’

‘પણ તમે કેમ ફેસબુક પર ખાતું ખોલતા નથી? હવે ગાંધીજીના ફ્રેન્ડલિસ્ટમાં આવવા માટે તો ખોલાવો.’ એવા આગ્રહના જવાબમાં સરદારે કહ્યું હોત,‘મારે એમના ફ્રેન્ડલિસ્ટમાં આવવાની શી જરૂર? એમણે આપણને જે આપવાનું હતું એ આપી દીઘું છે. એ પાળવા કોશિશ કરીએ તો ઘણું છે. મને એમના ફ્રેન્ડ તરીકે ઓળખાવામાં કોઇ રસ નથી.’ આ વાત ગાંધીજી સુધી પહોંચતાં તેમણે ખડખડાટ હસીને કહ્યું હોત,‘વલ્લભભાઇની નિખાલસતાનો જય હો. એ તો આમ જ કહે.’

શરૂઆતમાં મહાદેવભાઇએ રોજ એક વાર ‘ફેસબુક’નું એકાઉન્ટ અપડેટ અને ચેક કરવું તથા રાત્રે સૂતાં પહેલાં તેનો રીપોર્ટ આપવો એવું ગાંધીજીએ ઠરાવ્યું હોત. તેમાં સોમવારે  ‘મૌન’ પાળવાનો નિયમ ચાલુ રખાયો હોત. મહાદેવભાઇએ ‘ફેસબુક’ પર પોતાનું અલગ એકાઉન્ટ ખોલ્યું છે તેની એક દિવસ જાણ થતાં ગાંધીજીએ તેમને બરાબર ઠપકો આપ્યો હોત. ‘તમારે વળી એકાઉન્ટની શી જરૂર? એવું તે શું લખ્યા વિના તમે રહી ગયા? કવિતડાં લખશો? ટોળટપ્પાં મારશો? એ બધાને હું તો વ્યભિચાર ગણું. તમારે અલગ એકાઉન્ટ વાપરવું હોય તો મારું એકાઉન્ટ ચલાવવાનું કામ તમારે છોડવું જોઇએ.’ મહાદેવભાઇએ તત્કાળ પોતાનું એકાઉન્ટ ડીએક્ટિવેટ કરાવી દીઘું હોત.

ગાંધીજીના ફેસબુક એકાઉન્ટના હજારો સબસ્ક્રાઇબર થયા હોત. તેમાંથી ઘણા પોતાને ‘ગાંધીવાદી’ ગણાવતા હોત, પણ તેમાંથી બહુ થોડા લોકોને ગાંધીજીની વાતમાં રસ હોત. મોટા ભાગના લોકો દેખાદેખી કે ગાંધીજીને સેલિબ્રિટી ગણીને તેમનું એકાઉન્ટ સબસ્ક્રાઇબ કરતા હોત. સંખ્યા વિશે કોઇ પ્રકારના ભ્રમ ન ધરાવતા ગાંધીજીએ કહ્યું હોત, ‘જે સંખ્યાના જોરે કૂદાકડા મારે છે તે પડવાને સારુ. સેંકડો સબસ્ક્રાઇબર્સથી કોઇનો ઉદ્ધાર થયેલો જાણ્યો નથી. લાખો ઓનલાઇન સબસ્ક્રાઇબર્સ કરતાં એક સાચા સાથીનું મૂલ્ય મારે મન વધારે છે.’

‘હિંદ છોડો’ ચળવળ વખતે  અંગ્રેજોએ ફેસબુક પર પ્રતિબંધ મૂકતાં ગાંધીજીએ નારો આપ્યો હોત, ‘(સ્ટેટસ અપડેટ) કરેંગે યા મરેંગે.’ અંગ્રેજોને પણ સમજાયું હોત કે ‘ફેસબુક’ પર પ્રતિબંધ મૂકવા કરતાં, એ ચાલવા દેવામાં વધારે ફાયદો છે. કારણ કે મોટા ભાગના લોકોનો રોષ ‘ફેસબુક’ પર નીકળી જાય છે. ગાંધીજી જેવા રાજદ્વારી કેદીઓને જેલમાં પણ દિવસમાં એક વાર ફેસબુક વાપરવાની સુવિધા અપાઇ હોત, પરંતુ તેમાં એવી સેન્સરશીપ હોત કે એ ફક્ત જોઇ શકે- પોતાનું સ્ટેટસ અપડેટ કરી શકે નહીં.

ગાંધીજીના એકાઉન્ટ પર સ્ટેટસ અપડેટ બંધ થયાના થોડા દિવસ સુધી લોકો તેમને શુભેચ્છા સંદેશ મોકલતા હોત, પણ ધીમે ધીમે બે-ત્રણ અઠવાડિયાં પછી તેમના લાખો સબસ્ક્રાઇબર્સમાંથી મોટા ભાગના ભૂલી ચૂક્યા હોત કે ગાંધીજી જેલમાં છે. કેટલાક તો એ પણ ભૂલી ચૂક્યા હોત કે ગાંધીજી છે. જેલમાંથી બહાર આવ્યા પછી પ્યારેલાલે ગાંધીજીનું ફેસબુક ખાતું સંભાળ્યું હોત, પણ કોમી હિંસાના દિવસોમાં પોતાના સંદેશા અંગે લોકોની હિંસક પ્રતિક્રિયાઓ જોઇને ગાંધીજી સ્તબ્ધ થઇ ગયા હોત.  ગાંધીજી જેટલી વાર માણસાઇ રાખવાની અને શાંતિ જાળવવાની અપીલ મુકે એટલી વાર ‘પંજાબમાં હિંદુઓને માર્યા ત્યારે તમે ક્યાં ગયા હતા?’  કે ‘કાશ્મીરમાં હિંદુઓને હાંકી કાઢ્‌યા ત્યારે તમે ક્યાં હતા?’એવા સવાલ તેમને પૂછાતા હોત. ગાંધીજી તેનો જવાબ આપે એટલે તરત ‘એ બઘું ઠીક છે, પણ તમે લાહોરમાં હિંદુઓની કત્લેઆમ થઇ ત્યારે ક્યાં ગયા હતા?’ એવા સવાલ તૈયાર જ હોત.

શાંતિ જાળવવાની ગાંધીજીની એક અપીલ નીચે કમેન્ટમાં નથુરામ ગોડસેએ લખ્યું હોતઃ ધડામ. ધડામ. ધડામ.

ગોડસેની કમેન્ટ નીચે ‘આરઆઇપી’ (રેસ્ટ ઇન પીસ)ના ઢગ ખડકાયા હોત.

Tuesday, May 15, 2012

હજ સબસીડીઃ બધી બાજુથી નુકસાનનો સોદો


છેવટે, સર્વોચ્ચ અદાલતે ખોંખારીને સરકારને કહેવું પડ્યું કે દર વર્ષે મુસ્લિમોને હજ માટે અપાતી સબસીડી બંધ કરો. એ માટે અદાલતે દસ વર્ષની મુદત બાંધી આપી.

એક નાગરિક તરીકે અપેક્ષા એવી હોય કે હજ સબસીડી બંધારણના હાર્દનો ભંગ કરતી હોવાથી, તે બંધ થવી જોઇએ. ધર્મનિરપેક્ષ  ભારતમાં વિવિધ ધર્મોના અનુયાયીઓ સામે વહેરોઆંતરો રાખવામાં ન આવે અને સરકાર સૌને પૂરતું ધર્મસ્વાતંત્ર્ય આપે તે જરૂરી છે. પરંતુ  સરકાર પોતે ધર્મયાત્રા માટે રૂપિયા આપવા માંડે, તેમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની હાંસી થાય છે.

જસ્ટિસ રંજના દેસાઇ અને જસ્ટિસ આફ્‌તાબ આલમની બેન્ચે  જોકે ધર્મનિરપેક્ષતાનો મુદ્દો છેડ્યો નહીં. બંધારણના હાર્દને બદલે મુસ્લિમદ્વેષમાં રચ્યાપચ્યા રહેતા અને હજ સબસીડી જેવા મુદ્દાથી પોતાનો મુસ્લિમદ્વેષ વાજબી ઠરાવવા મથતા લોકોએ જાણવા જેવું કારણ છેઃ ‘સરકારી ભંડોળ અને સંસાધનો બીજી ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓમાં (પણ) સીધી કે આડકતરી રીતે વપરાતાં હોય છે. અમે તેનાથી અજાણ નથી.’  ધર્મનિરપેક્ષતાની ઉચ્ચ અને આદર્શ ભૂમિકાએથી હજ સબસીડી બંધ કરવામાં આવે તો, તેની સાથે બીજી ઘણી પ્રવૃત્તિઓ ઉપર પણ કાપ મુકાય, જે હજ સબસીડી જેટલી દેખીતી કે એટલી જાણીતી-બદનામ નથી.

અદાલતોનું કામ કાયદા અને બંધારણન અર્થઘટન કરીને તે મુજબ આદેશો આપવાનું છે, પણ તેના પાલનની જવાબદારી સરકાર અને અમુક અંશે પ્રજા પર નિર્ભર છે. એટલે, હજ સબસીડી જેવો રૂપિયાનો ઉઘાડેછોગ વેડફાટ દાયકાઓ થયે ચાલુ રહ્યો છે.

ઘણા લોકોએ હજ સબસીડી વિશે પહેલી અને કદાચ છેલ્લી વાર પણ ભાજપી પ્રચારમાં (‘મુસ્લિમોના તુષ્ટિકરણ’ તરીકે) સાંભળ્યું હશે. તેમને ભાગ્યે જ અંદાજ હશે કે હજ સબસીડી સામે મુસ્લિમોનો પણ તીવ્ર વિરોધ છે. હકીકતમાં, ‘હજ કમિટી ઓફ ઇન્ડિયા’ને બાદ કરતાં કોઇ હજ સબસીડીથી રાજી નથી. તેની સામે વાંધો પડવાનાં દરેક પાસે પોતપોતાનાં, ઘણી હદે વાજબી કારણ છે.

મુસ્લિમો તરફથી વિરોધનાં કારણ

સર્વોચ્ચ અદાલતની બેન્ચે નોંઘ્યું છે કે ‘પોતાની હજના ખર્ચનો મોટો બોજ સરકાર ઉપાડી લે છે- એવું જાણીને ઘણા મુસ્લિમો રાજી નહીં થાય.’ આ વિધાન પાછળનો તર્ક એવો છે કે ઇસ્લામમાં હજનો બહુ મહીમા ખરો, પણ હજ કરનારે પોતાના ખર્ચે હજ કરવી જોઇએ એવું જણાવાયું છે. દેવું કરીને પણ હજ કરી શકાય નહીં. પરંતુ ભારતમાં બને છે તેમ, હવાઇ મુસાફરીના કુલ ખર્ચમાંથી હજ કરનારના માથે ફક્ત ત્રીજા ભાગનો ખર્ચ આવે છે. બાકીનો ખર્ચ સરકાર સબસીડી પેટે ભોગવે છે. વર્ષ ૨૦૧૧માં હજયાત્રી પાસેથી માથાદીઠ રૂ.૧૬ હજાર વિમાનભાડા પેટે લેવાયા. તેની સામે સરકારે પ્રત્યેક મુસાફર દીઠ રૂ.૩૮ હજારની સબસીડી આપી. ઇસ્લામી નિયમોની દૃષ્ટિએ હજમાં આ જાતની સરકારી મદદ વાજબી ઠરી શકે એમ નથી.

વિશ્વભરમાંથી મુસ્લિમો હજ કરવા ઉમટે ત્યારે વ્યવસ્થા જળવાઇ રહે એ આશયથી સાઉદી અરબસ્તાનની સરકાર દરેક દેશોને દર વર્ષે મુસાફરોની મહત્તમ સંખ્યાનો આંકડો ફાળવે છે. તે આંકડો મળ્યા પછી, ભારતનાં વિવિધ રાજ્યોમાં મુસ્લિમ વસ્તીના પ્રમાણમાં હજયાત્રીઓની સંખ્યા રાજ્યની હજ સમિતિઓ નક્કી કરે છે. તે નામ કેન્દ્રીય હજ સમિતી પાસે જાય અને તેમાંથી આખરી યાદી તૈયાર થાય છે. વર્ષ ૨૦૧૧માં ભારતમાંથી સવા લાખ યાત્રીઓ હજ માટે ગયા હતા. એ દરેક પાછળ રૂ. ૩૮ હજાર લેખે ભારત સરકારની કુલ હજ સબસીડી રૂ.૬૦૦ કરોડનો તોતિંગ આંકડો વટાવી ગઇ.

નાગરિક ઉડ્ડયન મંત્રી અજિતસિંઘે લોકસભામાં આપેલા લેખિત જવાબ પ્રમાણે છેલ્લાં ત્રણ વર્ષમાં હજ યાત્રીઓની સંખ્યા અને હજ સબસીડીના આંકડાઃ ૨૦૦૯ (૧.૨૦ લાખ યાત્રી, રૂ.૬૯૦ કરોડ), ૨૦૧૦ (૧.૨૬  લાખ યાત્રી,  રૂ. ૬૦૦ કરોડ), ૨૦૧૧ (૧.૨૫ લાખ યાત્રી, રૂ.૬૦૫ કરોડ). આ આંકડા જોઇને કોઇને પણ એવું માનવાનું મન થાય કે આટલી મોટી રકમ સરકારે મુસ્લિમો ઉપર લૂંટાવી દીધી.

આ છાપથી સૌથી વઘુ નારાજ કોઇ હોય તો એ મુસ્લિમો છે. ‘આ રકમ મુસ્લિમ સમાજમાં શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓ માટે વાપરવી જોઇએ’ એવું અદાલતે હમણાં કહ્યું, પણ વિવિધ રાજકીય  પક્ષોના કે ધાર્મિક સંગઠનોના મુસ્લિમ નેતા ક્યારના એ જ વાત કહી રહ્યા છે. તેમને લાગે છે કે હજ સબસીડીના કારણે મુસ્લિમ સમાજને કશો નક્કર ફાયદો થતો નથી અને તે લોકોની આંખે ચડી જાય છે. મુસ્લિમદ્વેષીઓને તેનાથી ફાવતું જડે છે. કેટલાકે આગળ વધીને એવું પણ કહ્યું છે કે હજ સબસીડી પાછળ ખર્ચાતા કરોડો રૂપિયામાં મુસ્લિમોનું તો નામ છે. હકીકતે સરકાર આ રકમ પોતાની ખોટ ખાતી એર લાઇન્સને જ આપે છે.

આ દલીલ પૂરેપૂરી તર્કશુદ્ધ ન લાગે. કારણ કે સરકાર સબસીડી સીધી મુસ્લિમોને ન આપતી હોય અને તે ‘એર ઇન્ડિયા’ને ચૂકવતી હોય, તો પણ મુસ્લિમોને સરવાળે રૂ.૧૬ હજાર જ ખર્ચ કરવો પડે છે અને તેમના રૂ.૩૮ હજાર બચી જાય છે. એ રકમ પોતાના ખિસ્સામાંથી ન કાઢવી પડે, એ સરકાર તરફથી મળ્યા બરાબર જ ન ગણાય?

પરંતુ આ વાત પણ સંપૂર્ણપણે સાચી નથી. કારણ કે માથાદીઠ રીટર્ન ટિકીટનો સરકારી ખર્ચ (રૂ.૧૬ હજાર વત્તા રૂ.૩૮ હજાર બરાબર  રૂ.૫૪ હજાર) વાસ્તવિક ખર્ચ કરતાં ઘણો વધારે હોવાનું હજયાત્રીઓ કહે છે. હજયાત્રા માટે ભારત સરકારે સાઉદી અરબસ્તાનની સરકાર સાથે કરેલી ગોઠવણ પ્રમાણે, હજયાત્રીઓ લઇ જવાનો એકાધિકાર ‘એર ઇન્ડિયા’ પાસે છે. છેક ૧૯૫૪થી આ કામગીરી કરતી ‘રાષ્ટ્રિય એરલાઇન્સ’‘એર ઇન્ડિયા’ પાસે એક સાથે હજના ધસારાને પહોંચી વળવા માટે પૂરતાં વિમાન હોતાં નથી. એટલે, તેમને એટલા સમય પૂરતાં વિમાન પાઇલટ-સ્ટાફ સહિત ભાડે લેવાં પડે છે. હજયાત્રીઓને ફક્ત મુંબઇ-દિલ્હી જેવાં મુખ્ય શહેરોનાં વિમાની મથકેથી નહીં, પણ દેશભરનાં દોઢેક ડઝન ઠેકાણેથી  લઇ જવાનાં હોય છે.

હજ ફ્‌લાઇટ્‌સની સૌથી આકરી શરત એ હોય છે કે એ યાત્રીઓને ચાર્ટર્ડ (ખાસ) વિમાનમાં જ લઇ જવા પડે, જેમાં હજયાત્રીઓ સિવાયના કોઇ મુસાફર ન હોય. એટલું જ નહીં, તેમને સાઉદી અરબસ્તાન ઉતારી દીધા પછી વળતી મુસાફરીમાં પણ વિમાનમાં બીજા કોઇ મુસાફરોને લઇ શકાય નહીં. એટલે કે વિમાને ખાલી મુસાફરી કરવી પડે. હજ પૂરી થયે હજયાત્રીઓને લેવા જતી વખતે પણ એ જ નિયમ લાગુ પડે. હજયાત્રાના ભારે ખર્ચ અને તેની મસમોટી સબસીડી માટે સરકાર હંમેશાં આ કારણ આગળ ધરે છે.

પ્રથમ દૃષ્ટિએ ગળે ઉતરી જાય એવું આ કારણ ફગાવી દેનારા ઘણા મુસ્લિમોની સાદી દલીલ છેઃ એક મહિના સુધી ગમે ત્યારે વળતી મુસાફરી કરી શકાય એવી વ્યવસ્થા ધરાવતી ભારતથી અરબસ્તાનની રીટર્ન ટિકીટ રૂ.૫૪ હજાર કરતાં ઘણી સસ્તી- લગભગ અડધી કિંમતની હોય છે. ભારત સરકાર ‘એર ઇન્ડિયા’ના એકાધિકારને બદલે, બીજી વિમાની કંપનીઓ પાસેથી ટેન્ડર મંગાવે તો જથ્થાબંધ ટિકીટોના કારણે ભાડાંમાં મોટા પાયે કાપ મુકાવી શકાય. પરંતુ એવું બનતું નથી. એટલે ‘એર ઇન્ડિયા’નો (ખોટ કરવાનો) એકાધિકાર અને સરકારે તોતિંગ સબસીડી તરીકે એ ખોટ ભરપાઇ કરતા રહેવાનો ‘અધિકાર’ ચાલતાં રહે છે. મુસ્લિમ નેતાઓ અને સંગઠનોની એવી પણ માગણી રહી છે કે સરકારે સબસીડી આપવાની ભૂમિકામાંથી સદંતર નીકળી જવું જોઇએ અને મલેશિયાની સરકારની જેમ, ફક્ત ગોઠવણ કરી આપવા પૂરતું કામ રાખવું જોઇએ. જરૂરી નાણાંની ઉઘરાણી મુસ્લિમો પાસેથી કરવી જોઇએ. એ રીતે યોગ્ય વહીવટ થાય તો હજયાત્રીઓને ફાયદો મળે, પણ સરકારે સબસીડી આપવાની જરૂર ન રહે.

કેટલાક હજયાત્રીઓએ સરકારી હજ સમિતિ દ્વારા વિમાનભાડા ઉપરાંત બીજી વ્યવસ્થાઓ પેટે વસૂલાતી રકમો અને વાસ્તવિક ખર્ચ વચ્ચેનો તફાવત ચીંધીને, ત્યાં પણ ભ્રષ્ટાચારની શક્યતા તરફ આંગળી ચીંધી છે. હજયાત્રીઓ સાથે જતી સરકારી શુભેચ્છા ટુકડી (ગુડવિલ ડેલીગેશન)માં છેલ્લા ઘણા સમયથી બે-અઢી ડઝન સભ્યોનો કાફલો હોય છે. પોતાનાં સગાવહાલાંને સરકારી ખર્ચે મોજ કરાવવાનો તેનો મુખ્ય આશય બની ગયો હોય એવું લાગે છે. આ બાબતની સર્વોચ્ચ અદાલતે આકરી ટીકા કરીને કહ્યું છે કે વડાપ્રધાનની સાથે પ્રવાસમાં સરકારના બે પ્રતિનિધિ હોય છે. એવી જ રીતે હજયાત્રીઓ સાથે બે જણ સરકારી પ્રતિનિધિ તરીકે જાય એટલું પૂરતું છે.

ગુડવિલ ડેલીગેશનની ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ૧૯૬૫ના યુદ્ધ પછી શરૂ કરવામાં આવી હતી. એ વખતે પાકિસ્તાન હજયાત્રીનો ઉપયોગ ભારતવિરોધી પ્રચાર માટે કરતું હતું. એટલે ૧૯૬૭માં ભારતે પહેલી વાર ત્રણ સભ્યોનું પ્રતિનિધિ મંડળ મોકલ્યું. એક વાર એ ચીલો પડી ગયા પછી સરકારી રિવાજ પ્રમાણે, એકેય પક્ષની કે મોરચાની સરકારે તેના વિશે પુનઃવિચાર કરવાની જરૂર જોઇ નથી.

ફેરવિચાર કરવાનો મૂળભૂત મુદ્દો તો હજની સબસીડીનો છે. દુનિયાભરના ૫૫ ઇસ્લામી દેશોમાંથી કોઇ દેશ હજ માટે સબસીડી આપતો નથી. નોંધપાત્ર હકીકત એ છે કે પાકિસ્તાનમાં છેક ૧૯૯૭ સુધી હજ માટેની સબસીડી અપાતી હતી. (ઇસ્લામની દૃષ્ટિએ તે કેવી રીતે વાજબી ગણાવાઇ હશે, એવી જિજ્ઞાસા થાય.) ત્યાં કોઇ રાજકીય નેતાની પહેલથી નહીં, પણ લાહોરની વડી અદાલતના આદેશથી હજની સબસીડી બંધ કરવામાં આવી.

ભારતમાં અદાલતી આદેશ પછી કેન્દ્રીય કાનૂન મંત્રી સલમાન ખુર્શીદે ડહાપણ ડહોળ્યું છે કે ‘અમે છેલ્લા ઘણા વખતથી આ દિશામાં વિચારતા હતા.’ તેનો અમલ કેમ ન થયો, એ સમજી શકાય એવું છેઃ યુપીએ સરકાર સીધાસાદા નિર્ણય લઇ શકતી ન હોય, તો જરા ખોંખારો અને સ્પષ્ટવાદિતા માગતો આવો નિર્ણય શી રીતે લે?
 એમ તો પંદર વર્ષ પહેલાં (૧૯૯૭માં) ઇન્દરકુમાર ગુજરાલ મોરચા સરકારના વડાપ્રધાન હતા ત્યારે પણ હજ સબસીડી નાબૂદ કરવાની દરખાસ્ત નાગરિક ઉડ્ડયન સચિવે મૂકી હતી. ખુદ ગુજરાલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી તેની તરફેણમાં હતા. છતાં એ મુદ્દે બધા પક્ષોની સંમતિ મેળવવાની લ્હાયમાં, એ દરખાસ્ત ઉડી ગઇ. વર્તમાન સરકાર મુસ્લિમોને દર પાંચ વર્ષે એક વાર હજ સબસીડી આપવાને બદલે, જીવનમાં ફક્ત એક જ વાર સબસીડી મળે એટલે સુધી  આગળ વધી શકી હતી. સર્વોચ્ચ અદાલતે હવે આ મુદ્દે નિર્ણય લઇને, રાજકીય નેતાગીરીના અભાવને પૂરવાનો પ્રયાસ કર્યો છે. ત્યાર પછી પણ સબસીડી નાબૂદ ન થાય તો મુસ્લિમ સંસ્થાઓ તરફથી સરકાર સામે અદાલતના તિરસ્કારનો કેસ મંડાવો જોઇએ.

Sunday, May 13, 2012

મહાન વાર્તાકાર મંટો અને મુંબઇની ફિલ્મી દુનિયા


એક પણ નવલકથાની મદદ વિના, કેવળ ટૂંકી વાર્તાઓના જોરે અમરત્વ પ્રાપ્ત કરનારા જૂજ લેખકોમાં સઆદત હસન મંટોનો સમાવેશ કરવો પડે. એ ભારતીય હતા કે પાકિસ્તાની? - એવો પ્રશ્ન મહાન વ્યક્તિત્વોને બોટી લેવાની હરીફાઇના યુગમાં કોઇને થઇ શકે. પરંતુ આ સવાલ મંટો માટે સૌથી વઘુ અપ્રસ્તુત લાગે છે. અખંડ ભારતમાં જન્મેલા અને વાર્તાકાર બનેલા મંટોએ ૪૨ વર્ષ અને ૭ મહિનાના ટૂંકા જીવનમાં છેલ્લાં ૭  વર્ષ પાકિસ્તાનમાં વીતાવ્યાં. પરંતુ ભાગલાને સ્વીકારી ન શકનાર અને એ વિશેની હૃદયસ્પર્શી વાર્તા ‘ટોબા ટેકસિંહ’ લખનાર મંટો પર ‘ભારતીય’ કે ‘પાકિસ્તાની’નું લેબલ શા માટે ચોડવું જોઇએ? મંટો વિશ્વના સર્વકાલીન મહાન લેખકોની સૃષ્ટિમાં બિરાજે છે અને એટલું તેમની ઓળખ માટે પૂરતું છે.

૧૧ મે, ૨૦૧૨ના રોજ  મંટોની ૧૦૦મી વર્ષગાંઠ હતી. એ નિમિત્તે, આ વર્ષમાં તેમની સાહિત્યિક કારકિર્દી વિશે યોગ્ય રીતે જ ઘણી વાત થશે, પરંતુ તેની સમાંતરે મંટો હિંદી ફિલ્મઉદ્યોગમાં પણ લેખક તરીકે સક્રિય હતા. મુંબઇમાં તેમની કારકિર્દીના પહેલા તબક્કા(૧૯૩૬-૪૦) વિશે ગયા સપ્તાહે કરી હતી. દિલ્હી આકાશવાણીમાં નોકરી મળતાં તેમણે મુંબઇ છોડ્યું, પણ ત્યાં દોઢેક વર્ષ માંડ ટક્યા. આકાશવાણીમાં ખટરાગ થતાં તે ઓગસ્ટ, ૧૯૪૨માં મુંબઇ પાછા આવી ગયા અને ભાગલાના થોડા મહિના પછી જાન્યુઆરી, ૧૯૪૮માં પાકિસ્તાન જતા રહ્યા. એ સમયે ‘ટોબા ટેકસિંહ’, ‘ઠંડા ગોશ્ત’, ‘ખોલ દો’ જેવી તેમની અનેક ચિરંજીવ કૃતિઓ સર્જાવાની બાકી હતી. મુંબઇની ફિલ્મી દુનિયાનાં વિવિધ પાત્રો વિશેનાં ચટાકેદાર ચરિત્રો પણ તેમણે પાકિસ્તાન જઇને, એક અખબારમાં કોલમ સ્વરૂપે લખ્યાં. (તેના સંગ્રહનું નામઃ ‘ગંજે ફરિશ્તે’. કારણ કે, ખુદ મંટોએ લખ્યું છે તેમ, આ લેખોમાં તેમણે બધા ફરિશ્તાઓની બહુ પ્રેમથી છોલી છે- તબિયતથી તેમનું મુંડન કર્યું છે.)

મંટો દિલ્હીથી મુંબઇ આવ્યા ત્યારે પહેલી વાર્તા તેમણે ગુજરાતી નિર્માતા વી.એમ.વ્યાસની કંપની ‘સનરાઇઝ પિક્ચર્સ’ માટે લખી. ફિલ્મ હતીઃ ‘નૌકર.’ (૧૯૪૩) ગાયિકા-અભિનેત્રી નૂરજહાંની મુંબઇમાં આ પહેલી ફિલ્મ હતી. તેનું ડાયરેક્શન વ્યાસે આકસ્મિકતાથી શૌકતહુસૈન રીઝવીને સોંપ્યું. શૌકત  નૂરજહાંની પહેલી ફિલ્મ ‘ખાનદાન’ના ડાયરેક્ટર અને નૂરજહાંના ભૂતપૂર્વ પ્રેમી હતા. ‘નૌકર’ નિમિત્તે તેમના મુંબઇમાં થયેલા પુનઃમિલન અને ફિલ્મી દુનિયાનાં નાટકનખરાં-બનાવટનું વિગતવાર વર્ણન મંટોએ નૂરજહાં વિશેના લેખમાં કર્યું છે.

‘નૌકર’ અને બીજી થોડી કથાઓ લખ્યા પછી મંટો ‘ફિલ્મીસ્તાન’ના સિનારીયો વિભાગમાં જોડાયા. અશોકકુમાર અને તેમના બનેવી એસ.મુખર્જીએ દેવીકા રાણીની સંસ્થા ‘બોમ્બે ટોકીઝ’થી અલગ થઇને ‘ફિલ્મીસ્તાન’ની સ્થાપના કરી હતી. તેની સાથે મંટોનું જોડાણ ભારત છોડતાં સુધી ટક્યું અને કેટલાકના મતે, એ તેમના ભારત છોડવાનું નિમિત્ત પણ બન્યું.

‘ફિલ્મીસ્તાન’માં માસિક રૂ.૩૦૦ના પગારથી મંટોની નોકરી પાકી થઇ. મંટોએ જેમનો ઉલ્લેખ ‘પરીચહેરા’ તરીકે કર્યો છે તે નસીમબાનુ (સાયરાબાનુનાં માતા) ‘ફિલ્મીસ્તાન’ની પહેલી ફિલ્મ ‘ચલ ચલ રે નૌજવાન’(૧૯૪૪) માં હીરોઇન હતાં, પણ બે વર્ષની મહેનત પછી ફિલ્મ ફ્‌લોપ ગઇ. ત્યાર પછી નસીમના પતિ અને ‘તાજમહાલ પિક્ચર્સ’ના માલિક માટે ફિલ્મ બનાવવાનું એસ.મુખર્જીના માથે આવ્યું. તેમણે કથા લખવાનું મુખર્જીએ મંટોને સોંપ્યું. એ ફિલ્મ એટલે‘બેગમ’ (૧૯૪૫).

‘ચલ ચલ રે નૌજવાન’માં નસીમબાનુ સેવાદળનાં કાર્યકર હતાં, જ્યારે ‘બેગમ’ ફિલ્મ નસીમના અપ્રતીમ સૌંદર્યને કેન્દ્રમાં રાખીને જ મંટોએ લખવાની હતી. એ ફિલ્મ નિમિત્તે નિકટનો પરિચય થયા પછી મંટોએ લખેલું, ગ્લેમરની બાદબાકી સાથેનું નસીમબાનુનું શબ્દચિત્ર વિશિષ્ટ છે. મંટોએ લખેલાં તમામ ફિલ્મી ચરિત્રોમાં પોતે અને પત્ની સફિયા પાત્રો તરીકે આવે છે. પરંતુ પોતાના વિશે પણ મંટોએ બીજા કોઇ પાત્રની વાત કરતા હોય એ રીતે લખ્યું છે.

‘ફિલ્મીસ્તાન’ની મંટોએ લખેલી બે મશહૂર ફિલ્મો એટલે ‘શિકારી’ (૧૯૪૬) અને ‘આઠ દિન’ (૧૯૪૬).

Eight Days- booklet

આ બન્નેના સ્ક્રીન પ્લે અને સંવાદો મંટોના હતા. તેમાંથી ‘આઠ દિન’ મંટોપ્રેમીઓ માટે આ ફિલ્મ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે મંટોએ કદાચ પહેલી અને છેલ્લી વાર તેમાં એક નાનકડો રોલ કર્યો.  પાગલ ફ્‌લાઇટ લેફ્‌ટનન્ટ કૃપારામની ભૂમિકા અસલમાં એસ.મુખર્જી કરે એવું વિચારાયું હતું, પરંતુ તેમણે ના પાડી. મંટોએ લખ્યા પ્રમાણે, ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ અટકી પડ્યું અને નિર્માતા રાયબહાદુર ચુનીલાલ (સંગીતકાર મદનમોહનના પિતા) આઘાપાછા થવા લાગ્યા, એટલે એક દિવસ અશોકકુમારે કંઇ પૂછ્‌યાકારવ્યા વિના મંટોને સાથે લીધા અને કહ્યું કે તારે આ રોલ કરવાનો છે. આગળ જતાં નામી ગીતકાર બનેલા રાજા મહેદીઅલીખાં અને સાહિત્યકાર તરીકે ખ્યાત બનેલા ઉપેન્દ્રનાથ અશ્કની પણ ‘આઠ દિન’માં નાની ભૂમિકાઓ હતી.

Eight days- booklet credits
મંટોની વાત નીકળે એટલે ઉપેન્દ્રનાથ અશ્ક યાદ ન આવે એવું ભાગ્યે જ બને. મંટો વિશેનાં સંસ્મરણોનું તેમનું પુસ્તક ‘મંટોઃ મેરા દુશ્મન’ મંટોના વ્યક્તિત્વનાં બીજાં ઘણાં પાસાંનું દર્શન કરાવનારું છે. અશ્ક અને મંટો વચ્ચે કેવા સંબંધ હતા, તેનું બયાન બન્નેએ પોતપોતાના શબ્દોમાં આપ્યું છે. મંટોના તેડાવ્યા અશ્ક મુંબઇ ફિલ્મિસ્તાનમાં કામ કરવા પહોંચ્યા અને એ મંટોની સાથે તેમના ઘરમાં જ રહેતા હતા. ત્યાર પહેલાં દિલ્હી રેડિયો સ્ટેશનમાં બન્ને વચ્ચે ઘણાં યુદ્ધ ખેલાઇ ચૂક્યાં હતાં. એક દિવસ થોડું પીધા પછી મંટોએ અશ્કને કહ્યું હતું: ‘આઇ લાઇક યુ ધો આઇ હેટ યુ.’ (હું તને ધીક્કારું છું, છતાં ચાહું છું.)

મંટોની વાર્તાકળાના પ્રેમી અશ્કે પોતાનો નાટ્યસંગ્રહ ‘ચરવાહે’ મંટોને અર્પણ કરતાં લખ્યું હતું, ‘મંટોકે નામ- જો મુઝે કભી બહુત અચ્છા લગતા હૈ ઔર કભી સખ્ત બુરા’.

અશ્કે લખ્યું છે કે ‘ફિલ્મીસ્તાન’માં મંટોનું એકચક્રી રાજ ચાલતું હતું. ત્યાં શાહીદ લતીફ (ઇસ્મત ચુગતાઇના પતિ) અને પ્યારેલાલ સંતોષી જેવા લેખકો હતા, પણ રિવાજ એવો હતો કે એક જ દૃશ્યના સંવાદ બધા લેખકો લખે અને મંટો એ સંવાદ વાંચે. પછી એ બધાના સંવાદ રદ કરીને પોતે એ દૃશ્યના સંવાદ લખે, જે ફાઇનલ ગણાય. મંટોની આ રીતથી શાહિદ લતીફ અને સંતોષી ‘ફિલ્મીસ્તાન’ છોડી ગયા. ‘ફિલ્મીસ્તાન’ના સર્વેસર્વા એસ.મુખર્જીને રાજી રાખવા માટે મંટો તેમને ગાલિબના શેર સંભળાવતા હોય એવું પણ અશ્કે નોંઘ્યું છે.

‘આઠ દિન’ વિશે પણ ઉપેન્દ્રનાથ અશ્કે આપેલી વિગતો સાવ જુદી છે. તેમણે લખ્યું છે કે મંટોએ લખેલી ‘ચલ ચલ રે નૌજવાન’ અને ‘શિકારી’ની નિષ્ફળતા પછી અશોકકુમારે તેમને (અશ્કને) નવી ફિલ્મની કથા લખવા કહ્યું. અશ્ક સંવાદલેખક તરીકે કામ કરતા હતા, એટલે કથા લખવાના તેમણે અલગથી રૂ. બે હજાર માગ્યા. તેના કારણે વાત અટવાઇ. દરમિયાન મંટોને ખબર પડી કે અશોકકુમારે અશ્કને વાર્તા લખવા કહ્યું છે. એટલે તેમણે મફતમાં વાર્તા લખી આપવાની તૈયારી બતાવી અને અશોકકુમારને સમજાવી દીધા. અશ્કના નોંઘ્યા પ્રમાણે, ફિલ્મનું મુહૂર્ત થયું ત્યારે વાર્તાનાં ઠેકાણાં ન હતાં. એક વાર વાર્તા મફતમાં લખવાનું કબૂલ્યા પછી, અડધા શૂટિંગે મંટોએ અશોકકુમાર પાસેથી વાર્તા પેટે થોડા રૂપિયા વસૂલ્યા હતા.

‘આઠ દિન’માં અશ્કે પંડિત તોતારામનો કોમિક રોલ કર્યો હતો. રોલ તો નાનો હતો, પણ અશ્કે રીટેક વિના કર્યો એટલે અશોકકુમારને મઝા પડી. તેમણે પાત્ર લંબાવવાનું કહ્યું. એટલે મંટો પંડિત હિંદીનો એક ડાયલોગ લખીને આપે તો અશ્ક પોતાની જાતે બીજા બે ડાયલોગ ઉમેરે. તેનાથી મંટો એટલા ખીજાતા કે એક વાર બન્ને વચ્ચે મારામારીની નોબત આવી ગઇ.

‘ફિલ્મીસ્તાન’ પછી અશોકકુમાર અને સાવક વાચાએ ‘બોમ્બે ટોકીઝ’નું સુકાન સંભાળ્યું ત્યારે મંટો તેમની સાથે જ હતા. પણ અશ્કના જણાવ્યા પ્રમાણે, ‘મંટો ત્યાં એવા લોકોથી ઘેરાઇ ગયો, જેમને તેણે ફિલ્મીસ્તાન છોડવાની ફરજ પાડી હતી.’ મંટોએ અશોકકુમાર વિશેના ચરિત્રલેખમાં એવો ઇશારો કર્યો છે કે ‘બોમ્બ ટોકીઝ’માં મુસ્લિમોની બોલબાલા વધી જવાને કારણે અશોકકુમાર અને સાવક વાચ્છા પર ધમકીભર્યા પત્રો આવતા હતા. અશોકકુમાર-વાચ્છાના મનમાં મંટો કે બીજા મુસ્લિમો પ્રત્યે કોઇ દુર્ભાવ ન હતો. છતાં, તેમને તકલીફ ન પડે એટલા ખાતર પોતે પાકિસ્તાન જવાનું પસંદ કર્યું. અલબત્ત, બીજાં કારણ પણ હતાં. તેમનો પરિવાર પાકિસ્તાનમાં હતો. પરંતુ ઉપેન્દ્રનાથ અશ્ક ‘બોમ્બે ટોકીઝ’ અને સરવાળે ભારત છોડવાના મંટોના નિર્ણય માટે તેમના પ્રબળ અહમ્‌ને અને પોતાની અવગણના સહન નહીં કરી શકવાની વૃત્તિને કારણભૂત ગણાવે છે. ‘બોમ્બે ટોકીઝ’માં મંટો જોડાયા તો ખરા, પણ તેમની એકેય વાર્તા પરથી ફિલ્મ બની નહીં. એને બદલે, નઝીર અજમેરીની વાર્તા પરથી ‘મજબૂર’, કમાલ અમરોહીની કથા પરથી  ‘મહલ’ અને શાહિદ લતીફની વાર્તા પરથી ‘ઝિદ્દી’ ફિલ્મો બની. આ સહન કરવું મંટો માટે અશક્ય હતું.

મિર્ઝા ગાલીબની કથા પર મંટોએ ઘણું કામ કર્યું હતું, પણ તેનો ઉપયોગ કરીને સોહરાબ મોદીએ ‘મિર્ઝા ગાલિબ’ બનાવી ત્યારે મંટો માનસિક અસ્વસ્થતા, સાહિત્યિક ઉપેક્ષા અને આર્થિક ભીંસ વચ્ચે પાકિસ્તાનમાં છેલ્લા દિવસો વીતાવી રહ્યા હતા. જાન્યુઆરી ૧૮, ૧૯૫૫ના રોજ તેમની દુન્યવી પીડાઓનો અંત આવ્યો અને ઘણી દંતકથાઓનો જન્મ થયો.

Saturday, May 12, 2012

મંટો, સો વર્ષ પછી


(My editorial tribute to the master)

માણસના મનનો તાગ પામતું-માપતું અને તેને સફળતાપૂર્વક આલેખતું સાહિત્ય સ્થળકાળથી પર, જરા જાડો શબ્દ વાપરીને કહીએ તો, ‘અમર’ બની જાય છે. સઆદત હસન મંટોની વાર્તાઓ એ શ્રેણીમાં આવે છે. મે ૧૧, ૨૦૧૨ મંટોનો ૧૦૦મો જન્મદિવસ હતો. જન્મશતાબ્દિ. પૂરાં ૪૩ વર્ષ પણ નહીં જીવેલા મંટોના મૃત્યુને સાડા પાંચ દાયકાથી પણ વઘુ સમય વીતી ચૂક્યો છે. છતાં ખુલ્લી છરી જેવી મંટોની વાર્તાઓ આજે પણ વાંચનારની જાડી થઇ ગયેલી સંવેદનશીલતાને ઠેકઠેકાણેથી ચીરી નાખવા સમર્થ છે.

માણસ નામનું પ્રાણી અને તેના મનનાં અતળ ઊંડાણ, મંટોના પ્રિય વિષયો હતા. ભારત-પાકિસ્તાનના વિભાજનનું કોમી પાગલપણું  શરૂ થયું ત્યાર પહેલાં મંટોએ સમાજના અંધારીયા હિસ્સા પર દંભી નૈતિકતાથી નહીં, પણ માનવીય સહૃદયતાથી છલકાતી પોતાની કલમ ચલાવી. દેહનો વ્યાપાર કરતી સ્ત્રીઓની પાત્રસૃષ્ટિનું મંટોની વાર્તાઓમાં થયેલું આલેખન અત્યંત સશક્ત અને વાંચનારને અંદરથી ઝકઝોરી નાખનારું હતું. સરેરાશ હિંદી ફિલ્મોમાં દર્શાવાતાં બળાત્કારનાં દૃશ્યોની જેમ, મંટોની કહેવાતી કામુક કે કહેવાતી અશ્વ્લીલ વાર્તાઓમાં ગલગલિયાંનું તત્ત્વ સદંતર ગેરહાજર હતું. થોડી પણ સંવેદના ધરાવતો માણસ એ વાંચીને વલોવાઇ જાય, એવી તાકાત મંટોની વાર્તાઓમાં પ્રગટી.

વિભાજનની આસપાસ શરૂ થયેલી કોમી હિંસા  અને તેના પગલે મંટોએ લખેલી વાર્તાઓ માનવ ઇતિહાસના એ શરમજનક-કરુણ કાળનું નીતાંત કળાત્મક છતાં રૂપાળું નહીં એવું આલેખન છે. કોમી પાગલપણાથી દોરવાયેલા લોકોએ સ્ત્રીઓ પર કરેલા અત્યાચાર અને એવા સંજોગોમાં સ્ત્રીઓના પરિવારજનોની મનોદશા વર્ણવતી વાર્તા ‘ખોલ દો’ કે વિભાજનની વાસ્તવિકતાનો અસ્વીકાર કરતા પાગલખાનાના  પાગલ ‘ટોબા ટેકસિંહ’ જેવી વાર્તા વાંચીને કયા સહૃદય વાચકની આંખ આજે પણ ભીની ન થાય?

‘સ્યાહ હાશિયે’ના મથાળા તળે લખાયેલી લધુકથાઓ, વિભાજન સમયની કરૂણ ન હોય તો રમુજી બની જાય એવી વક્રતાઓ, ઓછામાં ઓછા શબ્દોમાં સોંસરવી નીકળી જાય છે અને વાચક ક્યાંય સુધી તેની ચોટમાંથી બહાર આવી શકતો નથી. ‘ઠંડા ગોશ્ત’ જેવી નીતાંત સ્ત્રી-પુરૂષના જાતીય સંબંધ પર આધારીત છતાં કોમી હિંસાની માણસની મૂળભૂત વૃત્તિ પર થતી અસરને નિરૂપતી કથા ઉપરછલ્લી નજરે કોઇને અશિષ્ટ લાગે, પણ એ વાર્તામાં દાખલ થનારના ભાગે અંતે તો મંટોસહજ સ્તબ્ધતા જ આવે છે. આ વાર્તાઓના અંત નાટકીય નથી. તેમનો આશય વાચકોને અંતે આવવો જોઇતો રિવાજ મુજબનો વળ- ટ્‌વીસ્ટ પૂરો પાડવાનો નથી. આ વાર્તાઓ પાનાં પર પૂરી થાય ત્યાંથી જ વાચકના મનમાં તે શરૂ થઇ જાય છે, વર્ષો સુધી રહે છે અને નવા નવા સંદર્ભે તેમના નવા અર્થ ઉઘડતા જાય છે.

મંટોનાં પાત્રો વિનયી-વિવેકી-ઠરેલા-ઠાવકાં નથી. જિંદગીએ, સંજોગોએ, પોતાની મનુષ્યગત મર્યાદાઓ તેમને ચોતરફથી સાણસામાં લીધાં છે અને એ સંજોગોમાં તેમનું વર્તન જેવું હોઇ શકે, એવું જ મંટોની વાર્તાઓમાં વાંચવા મળે છે. તેમાં કશી બનાવટ નથી. સાજસણગાર નથી. મંટોનું અતિપ્રખ્યાત વિધાન છેઃ ‘આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તેને સમજવો હોય તો મારી વાર્તાઓ વાંચો. એ તમને નાકાબિલેબરદાશ્ત- અસહ્ય લાગે તો જાણજો કે જમાનો જ અસહ્ય છે.’ વિભાજન પછી પાકિસ્તાન ગયેલા મંટોની વાર્તાઓ પર અનેક વાર અશ્વ્લીલતાના આરોપસર મુકદ્દમા ચાલ્યા છે. ઘણા લોકો મંટોને અશ્વ્લીલ - ‘વેશ્યાઓ અને દલાલો’ની વાર્તાઓ લખનારા તરીકે ખતવી કાઢતા રહ્યા છે. ‘ઘણા લોકો માને છે કે અશ્વ્લીલ વાર્તાઓ લખવી અને તેની પર કોર્ટમાં કેસ ચલાવવા એ જ મારો ધંધો છે’ એવું લખનાર મંટો, વાચકોના સદ્‌ભાગ્યે આવાં પ્રમાણપત્રોની પરવા કર્યા વિના લખતા રહ્યા.

વાર્તાઓ ઉપરાંત રેડિયોનાટકો, હિંદી ફિલ્મી હસ્તીઓ વિશેના ચરિત્રલેખ, છાપાંમાં કોલમ-મંટોએ બઘું જ કર્યું.  છતાં, પાકિસ્તાન ગયા પછી ત્યાંની પરિસ્થિતિ અને પોતાની પ્રકૃતિ સહિત ઘણાં કારણથી મંટોને કદી જંપ વળ્યો નહીં. ગુજરાન ચલાવવા, ખાવા કરતાં પણ વધારે પીવાના, ખર્ચા કાઢવાનું તેમને અઘરું પડ્યું. માનસિક સંતુલન ખોરવાઇ જવાને કારણે થોડો વખત પાગલખાનામાં જવું પડ્યું.

અસ્વસ્થ અને ત્રસ્ત મનોદશામાં પાછલાં વર્ષો ગુજાર્યા પછી સઆદત હસન કબરભેગા થઇ ગયા, પણ કમબખ્ત મંટો પીછો છોડતો નથી. માણસોની માણસાઇ ભૂલાવી દેતી કોમી હિંસા, ત્યાર પછી પણ માણસના મનમાં પેદા ન થતો અપરાધભાવ, સમાજમાં વધી રહેલી અસમાનતાનાં ક્રૂર સ્વરૂપો, માણસનું હંિસક સ્વકેન્દ્રીપણું, રોજંિદા જીવનમાં પ્રગટ થતી કારમી વિષમતાઓ અને તેનો પ્રસાર માઘ્યમોમાં- સાહિત્યમાં જોવા મળતો એકંદર અભાવ- આ બધું પીડે ત્યારે મંટો અને તેની સંવેદનપ્રચૂર છતાં ઢીલીપોચી નહીં એવી, વેધક કલમ યાદ આવે છે. એવા મંટોની ખોટ પણ તીવ્રપણે સાલે છે.

Wednesday, May 09, 2012

ચમચી કે હાથ? સભ્યતા કે સંસ્કૃતિ?


ભારતીય લોકજીવનમાં અંગ્રેજી ભાષા પછીનું અંગ્રેજોનું સૌથી મહત્ત્વનું પ્રદાન ચમચા-ચમચીનું ગણી શકાય. આખેઆખા દેશોના દેશો વગર ચમચાએ કોળિયો કરી જતા અંગ્રેજોને ભાણે બેસતી વખતે ચમચા-ચમચી વિના ચાલતું ન હતું. ભારતીય ભોજનમાં એ વખતે હાથની બોલબાલા હતી. (અંગ્રેજોના રાજમાં મોટા ભાગના ભારતીય હાથ જમવા અને સલામ મારવામાં-કુરનીસ બજાવવામાં જ વપરાતા હતા.) હાથથી જમવા ટેવાયેલા ભારતીયને ચમચી વાપરવામાં, ગાય-ડુક્કરની ચરબી ધરાવતી કારતૂસો મોઢેથી ખોલવાની હોય એ પ્રકારનો ભાવ જાગતો હતો. ‘આપણે ચમચી વાપરીશું તો આપણી ભવ્ય પરંપરાનું શું થશે? એ ભ્રષ્ટ નહીં થાય? ભોજનમાંથી મળતા સંતોષનું અને અસલી સ્વાદનું શું થશે?’

વિમાનથી પ્લાસ્ટિક સર્જરી સુધીનું બઘું સૌ પહેલાં ભારતમાં શોધાયું હતું, એવું માનનારા પણ ચમચી વિશે આવો દાવો કરતા નથી. રામાયણ-મહાભારતમાં કે રાજા રવિવર્માના ચિત્રોમાં ક્યાંય ભોજનક્રિયામાં ચમચી જોવા મળતી નથી. જમવામાં ચમચી વાપરવામાં મોટા ભાગના ભારતીયોને સ્વાવલંબનનું અપમાન લાગતું હતું. ચમચી વાપરવાનું સૂચવાય ત્યારે ‘કેમ? આપણા હાથ ભાંગી ગયા છે તે ચમચી વાપરીએ?’  એવી તેમની પ્રતિક્રિયા રહેતી. રોટલી-ભાખરી કે લાડુ-મોહનથાળમાં ચમચીની જરૂર ન પડે એ તો સમજ્યા, પણ દૂધપાક-બાસુંદીમાં તે ચમચી વગર સુખેથી ચલાવી લેતા. બલ્કે, એમાં ચમચી વાપરવાને એ સંકુચિતતાની નિશાની ગણતા હતા.

જ્ઞાતિભોજનોમાં ખાખરાનાં પાનમાંથી બનાવેલાં પડિયા-પતરાળાં હોય, પણ કદી ખાખરાના પાનની ચમચી સાંભળી છે? પડિયા કે માટીનાં બટેરામાં દૂધપાક-બાસુંદી પીરસાયા પછી ચમચી વાપરવી એટલે ટીપે ટીપે (પેટનું) સરોવર ભરવા જેવું ગણાય. જીવ અને શિવના મિલનની જેમ પડિયો અને હોઠ એકાકાર થવા તલપી રહ્યા હોય, ત્યારે તેમની વચ્ચે ચમચી જેવી બાહરી વસ્તુઓની શી ગરજ? પડિયામાંથી ચમચી-ચમચી કરીને દૂધપાક ખાનાર માણસ, ભોજન કરવા નહીં પણ મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા કોન્ટ્રાક્ટ અંતર્ગત પડિયો ઉલેચવા બેઠો હોય એવું લાગે. કેટલાક અઠંગ ભોજનવીરો પડિયો ભરીને આગળ વધતા પીરસણીયાને ત્યાં જ અટકાવી દે અને તેની હાજરીમાં એક શ્વાસે આખું બટેરું ગટગટાવી જાય, ચહેરા પર વિજયી સ્મિત ફરકાવે અને ખાલી બટેરું પતરાળામાં મૂકીને પીરસણીયાને ઇશારતથી કહે, ‘તે આખું ભર્યું હતું ને? તો લે, મેં એક વારમાં ખાલી કર્યું. હવે ફરી ભર. જોઇએ, આજે કોણ પહેલું થાકે છે.’ આ પ્રકારનો વીરરસ ચમચીના ઉપયોગમાં ક્યાંથી સંભવે?

એ ખરૂં કે દાળને દૂધપાક જેટલી માત્રામાં ગટગટાવવાની ન હોય. તેને વચ્ચે વચ્ચે ચટકા લેવાના હોય. તેમાં ચમચી હોય તો સારું પડે એવો વિચાર કોઇને આવી શકે, પણ હાથની પાંચે આંગળીઓથી દાળ ‘ખાઇ’ શકનારા લોકોને જોઇને અંગ્રેજોને પહેલી વાર તો એ ‘ભારતીયોની યૌગિક સિદ્ધિ’ જ લાગી હશે. એ ક્રિયા કરનારના ચહેરા પર તરવરતો સંતોષ ‘અપના હાથ જગન્નાથ’ જેવી કહેણીને સાર્થક કરનારો હતો. ચોખલિયા અંગ્રેજોને હાથથી દાળ ખાવી એ હાથ બગાડવા બરાબર લાગ્યું હશે. એટલે તેમણે ચમચા-ચમચીની કુમક લીધી. ‘છાશ લેવા જવું ને દોણી સંતાડવી’ એની જેમ ‘જમવું ને હાથ ન બગાડવા’ એ કેવો વિચિત્ર આગ્રહ? એ વખતે ઘણા ભારતીયોને થયું હશે કે ચાલો, એક વાત તો એવી છે જે આપણને આવડે છે, ધોળાઓને નથી આવડતી. છતાં, આપણી આવડતનો ઉપયોગ આપણે તેમની સેવા માટે કરવો પડતો નથી.

‘જે કામ સોયથી થાય, તેના માટે તલવાર શા માટે વાપરવી?’ એવી રણનીતિ ધરાવતા અંગ્રેજોએ ‘જે કામ ચમચીથી થઇ જતું હોય તે કરવા હાથ શા માટે બગાડવા?’ એમ વિચારીને ભોજનમાં ચમચીની પ્રતિષ્ઠા કરી, પણ આ જ તો પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો ફરક છે. અંગ્રેજો ભોજનને વ્યૂહરચનાથી કરવાનું ‘કામ’ ગણતા હતા, જ્યારે આપણા પૂર્વજો માટે તે એ ક્રિયા યજ્ઞસમાન પવિત્ર હતી. જે માણસ બીજો કોઇ યજ્ઞ કરી કે કરાવી ન શકે, તે પોતાના જઠરાગ્નિમાં આહુતી આપીને પણ દેવતાઓે પ્રસન્ન કરી શકે. તો પછી હવનમાં હાડકાં કે થાળીમાં ચમચીનું શું કામ?

પરંતુ ધર્મભાવના લુપ્ત થઇ અને સ્વાવલંબનનું સ્થાન મશીનોએ લીઘું તેમ, ભોજનમાં પણ ચમચીએ પગપેસારો -કે હાથપેસારો કર્યો. ફાવે કે ન ફાવે તો પણ, અંગ્રેજ રીતભાતથી સુધરેલા બનવા માટે લોકો ચમચી અપનાવતા થયા. તેમણે થોડી રાહ જોઇ હોત તો અંગ્રેજો કદાચ ચમચીને બદલે હાથ વાપરતા થઇ જાત, પણ બધા અંગ્રેજ સાહેબો ચમચીને બદલે હાથ વાપરતા થઇ જશે, તો તેમને ભારતમાંથી હાંકી કાઢવાનું અઘરૂં પડશે, એવો વિચાર કદાચ કોઇને આવ્યો હશે.

ભારતીય જમણમાં થાળી અને વાટકી સાથે ચમચીનો સત્તાવાર પ્રવેશ થયા પછી લાંબા સમય સુધી તેનો વિરોધ ચાલુ રહ્યો. થાળીમાં મુકાયેલી ચમચીને તુચ્છકારપૂર્વક, ન્યાતબહાર કાઢતા હોય તેમ, થાળીબહાર કાઢીને લોકો ગૌરવપૂર્વક હાથનો ઉપયોગ કરતા હતા. ‘આપણા વડવાનો વારસો એમ ચમચીઓ પર થોડો ન્યોચ્છાવર કરી દેવાય?’ એવી ભાવનામાં ભારતવર્ષની દુર્લભ એકતાનાં દર્શન થતાં હતાં. પણ અંગ્રેજી ભણતરથી તૈયાર થયેલી નવી પેઢીને ચમચી સામે કશો વાંધો ન હતો. ગાંધીજી જેવા ચુસ્ત સ્વદેશીપ્રેમી પણ લાકડાની ચમચી વાપરતા હતા. ભારતને આઝાદી મળવામાં વિલંબ થયો, તેમાં ગાંધીજીનો આ દોષ જવાબદાર ગણાય કે નહીં, એ નવા-વિવાદાસ્પદ- બેસ્ટસેલર અંગ્રેજી પુસ્તકનો વિષય બની શકે એમ છે.

ઘણા રાષ્ટ્રવાદીઓ કારકુનો તૈયાર કરનારી શિક્ષણપદ્ધતિના જનક તરીકે મેકોલેને ગાળો દે છે. તેમના ઘ્યાનમાં એ હકીકત આવતી નથી કે ચમચીનો સ્વીકાર પણ મેકોલેની શિક્ષણપદ્ધતિની આડપેદાશ છેઃ ‘આજે જમવા માટે જે માણસ પોતાનાં આંગળાં વાપરવાનું છોડી દેશે, તે કાલે વિચારવા માટે પોતાનું મગજ પણ નહીં વાપરે.’  પણ આવી કોઇ થિયરી રાષ્ટ્રવાદી દિમાગમાં, ચમચીના વપરાશને કારણે જ, નહીં આવી હોય?

લાંબા સંઘર્ષ પછી, અંગ્રેજી ભાષાની જેમ ચમચા-ચમચી પણ હવે ‘ભારતીય’ બન્યાં છે. દાળ-કઢી ને દૂધપાકથી માંડીને કેરી, તરબૂચ ને સીતાફળ સુદ્ધાં લોકો ચમચીથી ખાતા થયા છે. મમરા-પૌંઆ-ચવાણું તો ઠીક, પેંડા અને હલવો ખાવામાં લોકો ચમચી વાપરે છે. છતાં, ‘દાળભાત હાથથી ખાવાં કે ચમચીથી?’ એવા કેટલાક મુદ્દે સંઘર્ષનો અગ્નિ હજી સળગી રહ્યો છે. દક્ષિણ ભારતનાં સાંસ્કૃતિક મૂળીયાં આર્યોના આગમન પહેલાંના હોવાથી, ત્યાં રસમ-ભાત કે સંભાર-ભાતના ભોજનમાં હજુ ચમચી વપરાતી નથી. પણ પરિવર્તનશીલ ગુજરાતમાં  લોકો રોટલો ને ઓળો ચમચીથી ખાઇ શકે છે.

પાશ્ચાત્ય સંસ્કારનો પર્યાય ગણાતો પિત્ઝા ખાનાર પેઢી, ચમચી-કાંટાનો ઉપયોગ કરવાને બદલે પિત્ઝાના ટુકડા હાથમાં લઇને બાટકી પડે, એ જોઇને વિચાર આવે છેઃ સાંસ્કૃતિક પરિવર્તનો પણ બદલો લેતાં હશે?

Sunday, May 06, 2012

પ્રેમચંદ અને મંટો : ફિલ્મકંપનીઓના પગારદાર લેખક તરીકે


હિંદી તેમ જ ગુજરાતીમાં સાહિત્યકૃતિ પરથી બનેલી ફિલ્મોની યાદી લાંબી છે. ટાગોર-શરતચંદ્ર-બંકિમચંદ્ર, મુનશી-મેઘાણી-મડીયા, ધર્મવીર ભારતી- મહાશ્વેતાદેવી-રાજિંદરસિંઘ બેદી-ઇસ્મત ચુગતાઇ જેવી સાહિત્યજગતની નામી હસ્તીઓનાં લખાણ ફિલ્મો માટે અપનાવાયાં છે. કેટલાકે ખાસ ફિલ્મો માટે લખ્યું છે. પરંતુ ફિલ્મઉદ્યોગની શતાબ્દિ નિમિત્તે સાહિત્યકારોમાંથી બે નામ જરા અલગથી યાદ આવે છેઃ હિંદીમાં મુન્શી પ્રેમચંદ/Munshi Premchand અને ઉર્દુમાં સઆદત હસન મંટો./Saadat Hasan Manto
Munshi Premchand, Saadat Hasan Manto
પોતપોતાના પ્રદાનને કારણે વીસમી સદીના જ નહીં, સર્વકાલીન મહાન સાહિત્યકારોની હરોળમાં પ્રેમચંદ અને મંટોની ગણના થાય છે. આ બન્ને સર્જકોમાં એક વિશિષ્ટ સામ્ય છેઃ તેમણે ફિલ્મકંપનીઓમાં પગારદાર લેખક તરીકે કામ કર્યું હતું. બન્નેના સંજોગો, જરૂરિયાતો અને કારણ જુદાં હતાં. ફિલ્મોમાં જતાં પહેલાં લેખક તરીકે તે સારી એવી પ્રતિષ્ઠા મેળવી ચૂક્યા હતા. ૧૯૩૬માં અવસાન પામેલા પ્રેમચંદે ૧૯૩૪-૩૫ દરમિયાન દસેક મહિના મુંબઇમાં વીતાવ્યા. એ વખતે તેમને ‘ઉપન્યાસસમ્રાટ’ જેવાં (તેમને નહીં ગમતાં) બિરૂદો મળી ચૂક્યાં હતાં. તેમની સરખામણીમાં મંટોનો ૧૯૩૬ની આસપાસ ફિલ્મઉદ્યોગમાં પ્રવેશ થયો ત્યારે વાર્તાકાર તરીકે તેમનો સિક્કો જામવાનો બાકી હતો. મંટોની ઉંમર પણ માંડ ચોવીસ વર્ષની. તે પહેલી બોલતી ફિલ્મ‘આલમઆરા’ બનાવનાર પારસી શેઠ અરદેશર ઇરાનીની ફિલ્મ કંપની ‘ઇમ્પિરીયલ’માં નોકરીએ લાગ્યા.

‘આલમઆરા’ બનાવ્યા પછીનાં વર્ષોમાં આર્થિક ભીંસમાં આવી પડેલા ઇરાનીએ વઘુ એક વાર જુગાર ખેલવાનો નિર્ણય કર્યો. ભારતની પહેલી રંગીન ફિલ્મ બનાવવા માટે તેમણે વિદેશથી મશીન મંગાવ્યાં. એ ફિલ્મનું નામ હતું: ‘કિસાનકન્યા’ (૧૯૩૭).

મંટોએ પોતે ‘મેરી શાદી’ લેખમાં નોંઘ્યું છે તેમ, આ ફિલ્મની કથા ડાયરેક્ટર મોતી ગિડવાણીના કહેવાથી મંટોએ લખી હતી. પણ ‘ભારતની પહેલી બોલતી રંગીન ફિલ્મનો લેખક કોઇ નવોસવો  મુન્શી છે’ એવું શેઠ ઇરાનીને શી રીતે કહેવું? એટલે કોઇ મોટા નામ માટે તલાશ ચાલી. છેવટે ‘શાંતિનિકેતન’માં ફારસી ભણાવતા પ્રો.ઝિયાઉદ્દીનનું નામ આવ્યું. એ મંટોના પરિચિત હતા. મંટોએ તેમને પત્ર લખીને આ કાવતરામાં સામેલ થવા વિનંતી કરી. પ્રોફેસર માન ગયા. એટલે ‘કિસાનકન્યા’માં ‘સ્ટોરી-સ્ક્રીનપ્લે’ માટે પ્રો.ઝિયાઉદ્દીનનું નામ આવ્યું અને મંટોને ફક્ત ‘સિનારીયો’ની ક્રેડિટ મળી.

ભૂતિયા લેખક તરીકેની શરૂઆત પછી મંટોએ વચ્ચે ‘ફિલ્મ સિટી’ કંપનીમાં ડાયરેક્ટર એ.આર.કારદાર માટે એક વાર્તા લખવાનું શરૂ કર્યું, પણ ‘ઇમ્પિરીયલ’ના ઇરાનીશેઠને આ વાતની જાણ થતાં, તેમણે ‘ફિલ્મ સિટી’ને એવો રેચ આપ્યો કે તેમણે મંટોને તેમની વાર્તા સહિત ‘ઇમ્પિરીઅલ’માં પાછા મોકલી આપ્યા. અલબત્ત, પગાર બમણો થઇ ગયોઃ મહિને રૂ.૪૦માંથી સીધો રૂ.૮૦ અને વાર્તાના અલગ.

પણ રૂપિયા મળે ત્યારે ને? કંપનીની હાલત એટલી ખરાબ હતી કે કર્મચારીઓને પગાર નહીં, ખપ પૂરતો ઉપાડ જ મળતો. મંટોના લખ્યા પ્રમાણે, તેમના દોઢેક હજાર રૂપિયા કંપનીમાં જમા હતા. પરંતુ ૧૯૩૯માં લગ્ન થયું, ત્યાં સુધી તેમને એ રૂપિયા મળ્યા નહીં. મંટોએ લખ્યું છે કે ઇરાનીશેઠની દાનત ખરાબ ન હતી. સારા દિવસોમાં સ્ટાફના પ્રસંગો તેમણે કંપનીના ખર્ચે ઉજવ્યા હતા. કોઇ કર્મચારીઓ લગ્ન માટે રૂપિયા માગે અને પોતે ન આપી શકે, એ સ્થિતિ પણ તેમને ખટકતી હતી. એટલે રૂપિયા આપવાને બદલે તેમણે મંટો સાથે પોતાનો માણસ મોકલીને, પોતાના અંગત ખાતામાંથી કપડાં અને ઘરેણાંની ખરીદી કરાવી દીધી.

મંટોની લખેલી પહેલી ફિલ્મ ‘કિસાનકન્યા’ સદંતર નિષ્ફળ નીવડી. એટલું જ નહીં, ફિલ્મના રીવ્યુમાં ફિલ્મની નબળી અપીલ માટે સંવાદલેખકને મહદ્‌ અંશે જવાબદાર ગણાવવામાં આવ્યો.  ‘ઇમ્પીરિયલ’ છોડ્યા પછી મંટો બીજા એક ગુજરાતી નાનુભાઇ દેસાઇની ‘સરોજ મુવિટોન’માં જોડાયા. એ કંપની બે મહિના ચાલી- ન ચાલી ને તેનું દેવાળું નીકળતાં, નાનુભાઇએ ‘હિંદુસ્તાન સિનેટોન’ ઊભી કરી દીધી. એ કંપની માટે મંટોએ એક વાર્તા લખીઃ ‘કીચડ’. એ ફિલ્મ ‘અપની નગરિયા’ જેવા નામે ૧૯૪૦માં રજૂ થઇ. શોભના સમર્થ, કે.એન.સિંઘ, જયંત (અમજદખાનના પિતા) જેવા કલાકારો ધરાવતી આ ફિલ્મનું કામ ચાલતું હતું એ દરમિયાન, વેવિશાળના એકાદ વર્ષ પછી મંટોનું લગ્ન નક્કી થયું.


નાનુભાઇની કંપની ખોટ કરતી હોવાથી તેમાં પણ પગારને બદલે ઉપાડ જ મળતો હતો. મંટોએ નાનુભાઇ પાસે બાકી રકમની ઉઘરાણી કરી ત્યારે તેમણે પરખાવ્યું કે દોઢિયું પણ નહીં મળે. બન્ને વચ્ચે ગરમાગરમી થઇ. મંટોએ બાકી રૂપિયા ન મળે તો ભૂખહડતાળની ધમકી આપી. ‘ફિલ્મઇન્ડિયા’ માસિકના માથાભારે માલિક-તંત્રી બાબુરાવ પટેલે નાનુભાઇને ધમકી આપી કે મંટો ઉપવાસ કરશે તો તમામ પ્રેસ તેની પડખે રહેશે.

સમાધાનની ફોર્મ્યુલા તરીકે નાનુભાઇએ રૂ.૧,૮૦૦ને બદલે આગલી તારીખનો રૂ.૯૦૦નો ચેક આપ્યો. ચેક વટાવવાની તારીખ આવી ત્યારે નાનુભાઇએ કહ્યું કે ખાતામાં રૂપિયા નથી. છેવટે ‘ભાગતા ભૂતની લંગોટી’ ન્યાયે રૂ.૫૦૦ રોકડા લઇને મંટોને સંતોષ માનવો પડ્યો.  અંગ્રેજીમાં ‘મડ’ (કીચડ) નામ ધરાવતી ફિલ્મ ‘અપની નગરિયા’ વ્યાવસાયિક રીતે સફળ થઇ, પણ જાન્યુઆરી, ૧૯૪૧માં મંટોએ ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ દિલ્હીની નોકરી સ્વીકારતાં તેમની ફિલ્મ કારકિર્દીનો પૂર્વાધ પૂરો થયો. દોઢેક વર્ષ પછી શરૂ થનારો એનો ઉત્તરાર્ધ છેક ૧૯૪૮ સુધી ચાલવાનો હતો. મુખ્યત્વે તેના પરિપાકરૂપે  મંટો ફિલ્મી હસ્તીઓ વિશેના ચટાકેદાર ચરિત્રલેખો (‘ગંજે ફરિશ્તે’) લખ્યા. (એ ભાગની કથા આવતા સપ્તાહે)

મંટો મુંબઇ આવ્યા તેના એકાદ વર્ષ પહેલાં મુન્શી પ્રેમચંદ ભારે અવઢવ અને ખચકાટ સાથે મુંબઇનો સ્વાદ ચાખી ચૂક્યા હતા. ‘મહાલક્ષ્મી સિનેટોન’ના નાનુભાઇ વકીલે પ્રેમચંદની નવલકથા ‘સેવાસદન’ પરથી ફિલ્મ બનાવવાના હકો રૂ.૭૫૦માં ખરીદ્યા. ફિલ્મના મુહુર્ત માટે પ્રેમચંદને ખાસ મુંબઇ તેડાવવામાં આવ્યા. તેમની હાજરીમાં અને લીલાવતી મુનશીની વિશેષ ઉપસ્થિતિમાં મુહુર્ત થયું. એ પ્રસંગે પ્રેમચંદે આપેલું ટૂંકું પ્રવચન ફિલ્મની શરૂઆતમાં જોડી દેવામાં આવ્યું. એ વખતે પ્રેમચંદ બનારસ પાછા આવી ગયા, પણ તેમનાં સામયિકો ‘હંસ’ તથા ‘જાગરણ’ અને પોતાની માલિકીના ‘સરસ્વતી પ્રેસ’નું આર્થિક નુકસાન એટલું વધી ગયું હતું કે તેમને એ બોજ દૂર કરવા માટે  મુંબઇ જવું જરૂરી લાગ્યું.

‘અજંતા સિનેટોન’ના માલિક મોહન ભાવનાનીએ પ્રેમચંદને આમંત્રણ આપ્યું અને વર્ષે રૂ.૮ હજારના કોન્ટ્રાક્ટની ઓફર મૂકી. એ સ્વીકારતી વખતે પ્રેમચંદને હતું કે એકાદ વર્ષ ત્યાં રહીને થોડા રૂપિયા મેળવી લેવાય, તો સામયિકોનું અને પ્રેસનું ગાડું ગબડ્યા કરે. ત્યાર પછી કંપની સાથે એવી કંઇક વ્યવસ્થા કરવી કે મુંબઇ ગયા વિના હું એમને વર્ષે ત્રણ-ચાર વાર્તાઓ લખી આપું અને મને રૂપિયા મળ્યા કરે.

જયશંકર પ્રસાદ જેવાએ પ્રેમચંદને મુંબઇ ન જવાની સલાહ આપી. પણ પ્રેમચંદના જ શબ્દોમાં ‘ચિરસંગિની ગરીબી’ મુંબઇ ભણી ખેંચતી હતી. જૂન, ૧૯૩૪માં મુંબઇ પહોંચ્યા પછી બે મહિનામાં તેમણે ત્રણ વાર્તાઓ લખી નાખી. પણ સંતોષ ન થયો. તેમણે ૩ ઓગસ્ટ, ૧૯૩૪ના પત્રમાં લખ્યું,‘સિનેમા માટે વાર્તાઓ લખવાનું અઘરૂં પડી રહ્યું છે. (તેમને) એવી વાર્તાઓની જરૂર છે જેમને ભજવી શકાય અને એ ભજવનારા એક્ટર મળી રહે.’ પ્રેમચંદની વાર્તા પરથી ‘અજંતા’માં બનેલી પહેલી ફિલ્મ હતી ‘મજદૂર’ ઉર્ફે ‘ધ મિલ’ (૧૯૩૪). બોલ્ડ દૃશ્યો પ્રત્યે ઉદારભાવ રાખતા બ્રિટીશ સેન્સરને મજૂરએકતા, રાષ્ટ્રભક્તિ અને સામ્યવાદની છાંટ ધરાવતી આ કથા સામે વાંધો પડ્યો. મુંબઇના સેન્સર બોર્ડમાં અટવાયેલી એ વાર્તા લાહોરના સેન્સર બોર્ડે પાસ કરી અને ત્યાં ફિલ્મ રજૂ થઇ શકી.  પરંતુ પ્રેમચંદનો આશાવાદ ઝડપથી ઘેરી નિરાશામાં પલટાઇ રહ્યો હતો. ફિલ્મી કથા માટે જરૂરી મનોરંજકતા લાવવાનું પ્રેમચંદને અનુકૂળ આવતું ન હતું. તેમણે લખ્યું હતું,‘હું જે પ્લોટ વિચારું છું તેમાં આદર્શવાદ ધૂસી જાય છે અને મને કહેવામાં આવે છે કે તેમાં એન્ટરટેઇનમેન્ટ વેલ્યુ નથી.’ (૭ ફેબુ્રઆરી, ૧૯૩૫) ત્યાર પહેલાં ૨૮ નવેમ્બર, ૧૯૩૪ના એક પત્રમાં તેમણે બળાપો કાઢતાં લખ્યું હતું,‘આ પ્રોડ્યુસરો જે જાતની સ્ટોરી બનાવતા આવ્યા છે, તેમાંથી જરાય ચસકવા માગતા નથી. વલ્ગારીટીને આ લોકો એન્ટરટેનમેન્ટ વેલ્યુ કહે છે...મેં શિક્ષિત સમાજને જોવાનું મન થાય એવી સામાજિક કથાઓ લખી છે, પણ તેની પરથી ફિલ્મ બનાવતાં આ લોકોને અવઢવ થાય છે કે ફિલ્મ ન ચાલે તો?’

પ્રેમચંદનો ફિલ્મ કંપની સાથેનો કરાર મે, ૧૯૩૫ સુધીનો હતો. પણ ૨૫ માર્ચ, ૧૯૩૫ના રોજ તેમણે નિરાશ થઇને મુંબઇ છોડી  દીઘું. એટલે કોન્ટ્રાક્ટની પૂરી રકમ (રૂ.૮ હજાર)ને બદલે તેમને રૂ.૬,૩૦૦ જ મળ્યા. બનારસ પાછા જઇને તેમણે સિનેમાને ‘તાડી-શરાબની દુકાન’ બનાવી દેવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. ‘જનતા મારધાડ અને સનસનાટીપૂર્ણ તથા ઘાંટાઘાંટવાળી ફિલ્મો જ પસંદ કરે છે એવી માન્યતા ભ્રમ છે. તે પ્રેમ, ત્યાગ, દોસ્તી અને કરુણાથી સભર ફિલ્મો પણ રસથી જોવા આવે છે.’ એવો પ્રેમચંદનો દૃઢ વિશ્વાસ તેમના મૃત્યુ પછી બનેલી ઘણી ફિલ્મોએ સાચો પાડ્યો. ખુદ પ્રેમચંદની કથાઓ પરથી શતરંજકે ખિલાડી, ગોદાન, ગબન, સૌતેલા ભાઇ જેવી નોંધપાત્ર ફિલ્મો બની. તેમની સરખામણીમાં મંટોની કૃતિઓ એવી વિશિષ્ટ રીતે હચમચાવનારી છે કે તેની પરથી નાટકો બન્યાં છે, પણ હજુ સુધી એકેય ફિલ્મ બની હોય એવું ઘ્યાનમાં નથી.

Thursday, May 03, 2012

બોફર્સમુદ્દે કોંગ્રેસના યુવા નેતાઓની બેઠક


ઇ.સ.-ઇન્ટરનેટ સંવત - પૂર્વેના ભારતમાં એક કૌભાંડ થયું હતું. આમ તો ઘણાં થયાં, પણ તેમાં આ સૌથી વધારે ચગ્યું. બોફર્સ તોપોની ખરીદીમાં કટકી ખવાઇ. એ જમાનો ગ્લોબલાઇઝેશન પહેલાંનો હતો. લોકો સંકુચિત મગજના હતા. નેતાઓ પણ જોશીલા ન હતા. ભ્રષ્ટાચારી હોવાને તે ખરાબ બાબત ગણતા હતા. કલમાડીઓ કે યેદીયુરપ્પાઓની જેમ, ભ્રષ્ટ હોવામાં બહાદુરી છે એવું તેમને સમજાયું ન હતું. ત્યારની પ્રજા પણ અત્યારના જેટલી ‘ફોરવર્ડ’ ન હતી. એ ભ્રષ્ટાચારી હોવાને ખરાબ ગણતી હતી. ‘ગમે તેવો હોય, પણ મરદ માણસ છે બાકી’ એવા શબ્દોમાં ભ્રષ્ટાચારીઓ પર વારી જતા અત્યારના લોકો હજુ જન્મ્યા ન હતા અથવા જન્મ્યા હોય તો ભમરડા રમતા હતા.

બોફર્સ કૌભાંડનું ભૂત પચીસ વર્ષે ફરી ઘુણ્યું છે. વિરોધપક્ષો કહે છે કે સરકારે નવેસરથી તપાસ કરવી જોઇએ. કોંગ્રેસે અને સીબીઆઇએ આખી વાતને હસી કાઢી છે, પણ આ મુદ્દો જોર પકડે તો શું કરવું એ વિશે કોંગ્રેસી નેતાઓની એક બેઠક મળી છે. તેમાં જૂના નેતાઓ ઉપરાંત યુવા નેતાઓને ખાસ હાજર રાખવામાં આવ્યા છે.

સોનિયા ગાંધી મનમોહનસિંઘ સામે અને ડો.સિંઘ પ્રણવ મુખર્જી સામે જોઇને હળવો ઇશારો કરે છે, એટલે પ્રણવદા સંચાલન માટે સજ્જ થાય છે.

પ્રણવ મુખર્જીઃ આપણે આજે બોફર્સકાંડની સિલ્વર જ્યુબિલીના પ્રસંગે એકઠા થયા છીએ.


યુવા નેતા ૧: અરે, પહેલાંથી કહ્યું હોત તો આપણે ૨૫ કિલોની, તોપના આકારની કેક તૈયાર ન કરાવત?

મુખર્જીઃ આપણે સિલ્વર જ્યુબિલી ઉજવવા નહીં, પણ હવે શું કરવું એની વ્યૂહરચના વિચારવા ભેગા થયા છીએ.
યુવા નેતા ૨: આ બોફર્સ એક્ચુલી શું હતું? મને આઇડીયા તો છે કે એમાં કીકબેક (કટકી)ના પ્રોબ્લેમને લીધે લોકોની કીક ખાવી પડી.

ચિદમ્બરમ્‌: વાયકા એવી છે કે બોફર્સ કંપનીએ આ ખરીદી માટે રૂ.૬૪ કરોડની કટકી આપી હતી.

યુવા નેતા ૩: ઓહ નો. આ બધો કકળાટ ફક્ત ચોંસઠ કરોડ રૂપૈડી માટે છે? મને એમ કે ૬૪ હજાર કરોડને બધા ટૂંકમાં ૬૪ કરોડ કહેતા હશે.

મુખર્જી (સુખદ ભૂતકાળમાં ખોવાઇ જતાં) : એ જમાનો જુદો હતો. લોકસભામાં આપણો પક્ષ ૪૦૦થી પણ વધારે બેઠકો જીત્યો હતો.

યુવા નેતા ૪: મને કોઇ કહેતું હતું કે એ ચૂંટણીમાં આપણું પ્રતીક પંજો નહીં, પણ સળગતી ચિતા હતું એ સાચી વાત છે?

દિગ્વિજયસિંઘઃ ભાઇ, તમારે પક્ષના ઇતિહાસ વિશે જાણવું હોય તો મિટિંગ પૂરી થયા પછી મળજો અને ત્યાં સુધી તમારી જિજ્ઞાસાને કાબૂમાં રાખજો. નહીંતર...(રાહુલ ગાંધી સામે જુએ છે. રાહુલ ડો.સિંઘ સામે અને ડો.સિંઘ સોનિયા ગાંધી સામે જુએ છે.)

યુવા નેતા ૧: આ મામલો સ્વિત્ઝર્લેન્ડનો છે ને?

મુખર્જીઃ ના, કંપની સ્વીડનની હતી અને એની તપાસ કરનાર સ્વીડનનો પોલીસ વડો હતો.

યુવા નેતા ૧: અચ્છા. તો આપણી પાસે એક બ્રિલિયન્ટ આઇડીયા છે. ફરહાન અખ્તર આપણો જીગરી છે. એને આપણે કહીએ કે એ તેની નવી ફિલ્મ સ્પેનને બદલે હવે સ્વીડનમાં ઉતારે. જોઇએ તો એનું નામ ‘કટકી ના મિલેગી દોબારા’ રાખે. આપણે જ એને ફાઇનાન્સ કરીએ. એ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને સ્વીડનના પોલીસવડાનો રોલ આપીએ. લિન્ડસ્ટોર્મને સ્ક્રીપ્ટ કન્સલ્ટન્ટ તરીકે રાખીએ અને વિદ્યા બાલનને હીરોઇન બનાવીએ. પછી જુઓ મઝા. સ્વીડનનું નામ પડતાં જ લોકોને બોફર્સ નહીં, પણ વિદ્યા બાલન ને અમિતાભ બચ્ચન ને સ્વીડનનાં લોકેશન જ યાદ રહેશે.

કપિલ સિબ્બલઃ આ તો બહુ લાંબો રસ્તો છે. મારી ‘ગુગલ’ સાથે વાટાઘાટો ચાલી રહી છે. એ લોકો માની જાય તો આપણે એવું કરવા માગીએ છીએ કે ગુગલ સર્ચમાં કોઇ ‘બોફર્સ’ કે ‘બોફર્સ સ્કેન્ડલ’ કે ‘બોફર્સ કીકબેક’ લખે, તો તેના રીઝલ્ટ તરીકે કારગીલના યુદ્ધમાં બોફર્સ તોપે કેટલું સરસ કામ આપ્યું, તેના સમાચાર જ આવે.

ચારે યુવા નેતાઓઃ વાઉ. તમે તો અમારા કરતાં પણ વધારે ટેક-સાવી નીકળ્યા. કૂલ આઇડીયા છે.

ચિદમ્બરમ્‌: બહુ રાજી થવાની જરૂર નથી. આપણા માટે સૌથી મોટો પ્રશ્ન ક્વોત્રોકીનો છે.

યુવા નેતા ૨: ઓ રીઅલી? ક્વોત્રોકી અન્કલ કોણ છે?

દિગ્વિજયસિંઘઃ જરા મોં સંભાળીને. એ તારા અન્કલ ક્યારથી થઇ ગયા?  એ તો રાહુલજીના અન્કલ છે...કોઇ મોટા માણસનું નામ સાંભળ્યું નથી ને અન્કલ કહીને લાગી પડ્યા નથી.

યુવા નેતા ૨: સોરી, પણ એ અન્કલ એટલે મામા કે કાકા?

આ વખતે સોનિયા ગાંધી રાહુલ સામે કરડાકીથી જુએ છે. રાહુલ દિગ્વજિયસિંઘને નજરના રીમોટ કન્ટ્રોલથી ‘પૉઝ’ કરવા કોશિશ કરે છે. વાત આડા પાટે ચડતી જોઇને પ્રણવ મુખર્જી મેદાનમાં આવે છે.

મુખર્જીઃ ઇનફ ઇઝ ઇનફ. આપણે ભાજપની નહીં, કોંગ્રેસની મિટિંગમાં બેઠા છીએ, એટલું પણ મારે યાદ કરાવવું પડે?

ચિદમ્બરમ્‌: વિપક્ષો ક્વોત્રોકીનો મુદ્દો ચગાવશે. કારણ કે એ (હળવા સાદે) ઇટાલિયન છે.

યુવા નેતા ૪: તો એમાં શું થઇ ગયું? એમ તો પિત્ઝા પણ ઇટાલિયન છે ને પાસ્તા પણ. (બીજા યુવા નેતાઓ સામે જોઇને) આ તો કયા જમાનાની વાત કરે છે? આખેઆખાં ઇટાલિયન રેસ્તોરાં ખુલી ગયાં ને તમે ઇટાલિયનની વાતથી દબાતા ફરો છો?

કપિલ સિબ્બલઃ તમારી વાત તમારી જગ્યાએ સાચી છે. તમે પિત્ઝા ને પાસ્તામાં મોટા થયા એટલે તમને આખી સ્થિતિની ગંભીરતા નહીં સમજાય. પણ વિપક્ષો આ જ મુદ્દો લઇ પડશે.

યુવા નેતા ૧: તો અસલી મુદ્દો ક્વોત્રોકી ઇટાલિયન છે એટલો જ છે. બરાબર?

મુખર્જી (ખચકાતાં): લગભગ..કદાચ..મોટે ભાગે..એવું ઘણાને લાગે છે...એવું મેં સાંભળ્યું છે...મને ચોક્કસ ખાતરી નથી...

યુવા નેતા ૨: તો એમાં શી મોટી વાત છે? આપણી પાસે બીજો જિનિયસ આઇડીયા છે. એ અમલમાં મુકીશું તો એક જ ઝાટકે, આપણે અને આપણો પક્ષ અને સોનિયાજી ને રાહુલજી બોફર્સની ફાયરિંગ રેન્જની બહાર.

બધા વડીલ નેતાઓઃ (ઉત્સુકતાથી) એમ? શું? કયો?

યુવા નેતા ૨: ક્વોત્રોકીનું નામ જ એવું ઇટાલિયન છે કે તે માણસનું ન હોય તો કોઇ વાનગીનું છે એવું લાગે. કશી ખબર ન પડતી હોય એને પણ એટલું સમજાય કે આ ઇટાલિયન માણસનો કંઇક ગોટાળો છે. આપણે એમનું નામ જ બદલી નાખીએ તો? આપણે એમને કહીએ કે એ પોતાનું નામ ઓટ્ટાવિયો ક્વોત્રોકીને બદલે ઓ.વી.કાત્રક કરાવી નાખે. બસ, પછી જ્યારે પણ એમનું નામ છપાશે ત્યારે લોકો વિચારશે કે ‘હશે કોઇ દેશી કૌભાંડકારી. એમાં શું આટલી બબાલ કરવાની? અને એ પણ પાંસઠ કરોડ રૂપૈડી માટે? મરવા દો કાત્રકને.’

 આ સૂચન સાંભળતાં જ સૌ એકબીજા સાથે સંભાવનાઓની ચર્ચા કરવા મચી પડે છે અને સામુહિક ગણગણાટથી બેઠકમાં અવિધિસરનો વિરામ પડે છે.

Wednesday, May 02, 2012

બોફર્સ : પચીસ વર્ષે પુનરાગમન


બોફર્સ/Bofors તોપની ખરીદીમાં કટકીનું કૌભાંડ ૧૯૮૭માં જાહેર થયું તેનાં ૧૯ વર્ષ પહેલાં એક બ્રિટિશ ફિલ્મ આવી હતીઃ ‘ધ બોફર્સ ગન’. અસલમાં ‘ઇવેન્ટ્‌સ વ્હાઇલ ગાર્ડિંગ ધ બોફર્સ ગન’ એવા સફળ નાટક પરથી બનેલી આ ફિલ્મનું કથાવસ્તુ બહુ સાદું હતું : મિત્રદેશોના કબજા તળેના જર્મનીમાં એક બોફર્સ ગનનું સામ્યવાદી હુમલાની સંભાવના સામે રક્ષણ કરવાનું છે. એ જવાબદારી એક બ્રિટિશ સૈનિકટુકડીને આપવામાં આવી છે. એ ટુકડીના ઉપરી અને બીજા લોકો વચ્ચેના સંવાદ, તનાવ, તેમની સમસ્યાઓ વિશે જ આખું નાટક ચાલે છે. બોફર્સ તોપ તેમાં નિમિત્તમાત્ર છે.

ભારતમાં પણ બોફર્સ કૌભાંડને નિમિત્ત બનાવીને, તેની આજુબાજુનાં પાત્રો, તેમનું રાજકારણ, આંતરિક ખેંચતાણો, લોભ, લાલસા, મહત્ત્વાકાંક્ષા, જૂઠાણાં, રહસ્ય જેવા તત્ત્વોને ગુંથીને ‘ઇવેન્ટ્‌સ વ્હાઇલ ગાર્ડિંગ ધ બોફર્સ સીક્રેટ’ જેવું કોઇ નાટક લખી શકાય એમ છે.

રાજીવ ગાંધી સરકારે ૧૯૮૬માં સ્વિત્ઝર્લેન્ડની એબી બોફર્સ કંપની સાથે ૪૧૦ તોપની ખરીદીનો સોદો કર્યો. કુલ રકમ હતીઃ રૂ.૧,૪૩૭ કરોડ. બોફર્સ કંપની એ અરસામાં શસ્ત્રો વેચવાની બાબતે નિયમોના ઉલ્લંઘન માટે શંકાના દાયરામાં હતી જ. એ તપાસમાંથી રેડિયોના પત્રકારોએ આકસ્મિક રીતે મેળવેલી માહિતીના આધારે,એપ્રિલ ૧૬, ૧૯૮૭ના રોજ સ્વીડિશ રેડિયો પરથી જાહેર થયું કે સોદો પાર પાડવા માટે બોફર્સ કંપનીએ ભારતીય નેતાઓને કટકી (લાંચ) આપી છે.

આ જાહેરાતના પગલે જાગેલા વંટોળીયાને ગયા મહિને પચીસ વર્ષ પૂરાં થયાં. દરમિયાન ઘણું બની ગયું. ‘મિસ્ટર ક્લીન’ની કોરી પાટી સાથે રાજકારણમાં આવેલા રાજીવ ગાંધી/Rajiv Gandhiની છબી બોફર્સ કૌભાંડમાં સાવ ખરડાઇ ગઇ. ઇંદિરા ગાંધીની હત્યા પછીના સહાનુભૂતિથી છલકાતા વાતાવરણમાં ૧૯૮૪ની લોકસભા ચૂંટણી થઇ ત્યારે ૪૦૪ બેઠક મેળવનારા રાજીવ ગાંધી બોફર્સના મુદ્દે ૧૯૮૯ની ચૂંટણી હારી ગયા. આ સોદામાં ઇટાલિયન ‘બિઝનેસમેન’ (વચેટિયા) ઓટ્ટાવિઓ ક્વોત્રોકી/ Ottavio Quattrocchi સામે આંગળી ચીંધાઇ, જે ગાંધી પરિવારની નિકટ મનાતા હતા. (ઘણાં વર્ષો સુધી તેમનો ઉલ્લેખ ‘ક્વાત્રોચ્ચી’ તરીકે થતો હતો.)

રાજીવ ગાંધીની ૧૯૯૧માં હત્યા થઇ, પણ બોફર્સનું કલંક પણ તેમની સાથે વળગેલું રહ્યું. સરકારી તપાસસંસ્થાઓ અને કાયદાની આંટીધૂંટીમાં રાજીવ ગાંધી કદી સીધી રીતે દોષિત પુરવાર થઇ શક્યા નહીં, પણ તેમની છાપ એટલી હદે બગડી ગઇ કે ‘ગલી ગલીમેં શોર હૈ, રાજીવ ગાંધી ચોર હૈ’ એવું એક બાળકી લાઇવ રેડિયો પ્રસારણ દરમિયાન બોલી ગઇ. કોંગ્રેસના લાખ પ્રયાસ છતાં અને ૨૦૦૪માં દિલ્હીની વડી અદાલતે બોફર્સ કૌભાંડમાંથી રાજીવ ગાંધીને નિર્દોષ જાહેર કર્યા છતાં, તેમની પર લાગેલો બોફર્સનો ધબ્બો સદંતર દૂર થઇ શક્યો નહીં. એ જ તેમના માટે ખરી સજા બની.

આખો મામલો સોદા પેટે બોફર્સ કંપનીએ ચૂકવેલી રૂ.૬૪ કરોડની કટકીનો હતો. સ્વીડિશ રેડિયોની જાહેરાતનાં ૧૨ વર્ષ પછી સીબીઆઇએ ક્વોત્રોકી, શસ્ત્રસોદાના ‘બિઝનેસમેન’વિશ્વેશ્વરનાથ ચઢ્ઢા અને ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ એસ.કે.ભટનાગર જેવા લોકો સામે આરોપનામું રજૂ કર્યું.  ધરપકડ ટાળવા ૧૯૯૩માં જ વિદેશ સરકી ગયેલા ક્વોત્રોકીના પ્રત્યાર્પણ માટે- તેમની ભારતને સોંપણી થાય એ માટે- કમને થતા હોય એવા પ્રયાસ આરંભાયા. પરંતુ તપાસની ગતિ ધીમી અને  ઇરાદા મોળા હતા. વર્ષ ૨૦૦૧માં ચઢ્ઢા અને ભટનાગર પણ રાજીવ ગાંધીની જેમ મૃતકોની યાદીમાં જોડાઇ જતાં, મોટા આરોપીઓમાં ક્વોેત્રોકી જ બચ્યા. મલેશિયાની સરકારે ક્વોત્રોકીની ધરપકડ તો કરી, પણ ભારતને તેમની સોંપણી કરવાની ના પાડી દીધી. બ્રિટને ૨૦૦૩માં ક્વોત્રોકીનાં બેન્કખાતાં સ્થગિત કરી દીધાં. પરંતુ બે વર્ષ પછી સીબીઆઇએ બ્રિટનની તપાસસંસ્થાને કહી દીઘું કે ક્વોત્રોકીના બ્રિટિશ ખાતાંમાં રહેલાં નાણાં બોફર્સકાંડ સાથે સંબંધિત નથી. બોફર્સકાંડના મુદ્દે રહસ્યના કેન્દ્રરૂપ બની ગયેલા ‘મિસ્ટર ક્યુ’ ઉર્ફે ક્વોત્રોકીની ૨૦૦૭માં આર્જેન્ટિના સરકારે ધરપકડ કરી, પણ ફરી એક વાર સીબીઆઇ તેમનો કબજો મેળવી શકી નહીં.

વચ્ચે થોડા અરસા માટે બોફર્સકાંડમાં હિંદુજાબંઘુઓનાં નામ (સીબીઆઇના ચાર્જશીટમાં) આવ્યાં, પણ દિલ્હીની વડી અદાલતે તેમને નિર્દોષ ઠરાવ્યા. ત્યાર પહેલાં, રાજીવ ગાંધીની હયાતીમાં તેમના ખાસ મિત્ર તરીકે રાજકારણમાં આવેલા અમિતાભ બચ્ચન અને તેમના ભાઇ અજિતાભ બચ્ચનનાં નામ પણ કેટલાંક પ્રસાર માઘ્યમોએ બોફર્સ સાથે સાંકળ્યાં. બચ્ચનબંઘુઓની છબી પર એટલી હદે કીચડ ઉછળ્યો કે વ્યથિત થયેલા બિમાર કવિ-પિતા હરિવંશરાયે અમિતાભને એક વાર ‘આ બઘું સાચું છે?’ એવું પૂછવું પડ્યું. પિતા સમક્ષ અમિતાભે પોતાની નિર્દોષતાની ખાતરી આપી, પણ ‘બાબુજી’એ આ સવાલ પૂછવો પડ્યો એ જ અમિતાભને બહુ વસમું લાગ્યું.

છેવટે, સપ્ટેમ્બર ૨૦૦૯માં સરકારે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરીને ક્વોત્રોકી સામે પુરાવાના અભાવનું કારણ આગળ કરીને, બધા કેસ પાછા ખેંચી લીધા. તેમ છતાં, જાન્યુઆરી ૨૦૧૧માં ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો કે બોફર્સકાંડમાં ક્વોત્રોકી અને વિન ચઢ્ઢાને રૂ.૪૧.૨૪ કરોડની લાંચ અપાઇ હતી, જેનો ભાર દેશની તિજોરી પર આવ્યો હતો. આ જાહેરાત પછી પણ સીબીઆઇને ક્વોત્રોકી સામેના કેસ પાછા ખેંચવાના વલણમાં ફેરફાર કરવાની જરૂર લાગી નહીં.

સરવાળે, (અપાયેલી લાંચ કરતાં ઘણા વધારે), કરોડો રૂપિયાના ખર્ચે અને પચીસ વર્ષે એટલું સાબીત થયું કે બોફર્સની ખરીદીમાં કોઇ પણ પ્રકારે લાંચની આપ-લે થઇ હોય એવા પુરાવા મળ્યા નથી.

સીધી વાત, વિરોધાભાસી દાવા

પચીસ વર્ષમાં બીજું શું ન બને? ૧૯૯૯માં ભારત-પાકિસ્તાન વચ્ચે કારગીલમાં યુદ્ધ થયું. તેમાં બોફર્સ તોપે એવો રંગ રાખ્યો કે ‘બોફર્સ’ નામ એટલા સમય પૂરતું, થોડુંઘણું વાંચતાલખતા લોકોમાં, ભ્રષ્ટાચારને બદલે ગૌરવનું પ્રતીક બન્યું. કારગીલની પહાડીમાં બોફર્સ તોપને તેની મૂળ બનાવટ કરતાં જુદી અને મૌલિક રીતે કામે લગાડવા બદલ, ભારતીય સૈન્યની ઘણી પ્રશંસા થઇ. બોફર્સ કંપની પોતે પોતાની બનાવેલી તોપની નવી ક્ષમતાઓ-નવા ઉપયોગથી પરિચિત થઇ. લોકો એટલું માનતા થયા કે બોફર્સની ખરીદીમાં કટકી થઇ, પણ તોપોની ગુણવત્તામાં કશો વાંધો નથી.

બોફર્સ કૌભાંડનો પત્તો લાગ્યા પછી,સ્વીડિશ પોલીસ વડા સ્ટેન લિન્ડસ્ટોર્મે એકાદ વર્ષ સુધી આ રહસ્યો કોની સમક્ષ ખુલ્લાં કરવાં, તેની પૂરતી ચકાસણી કરી અને ‘ધ હિંદુ’નાં સ્વીડન ખાતેનાં પ્રતિનિધિ ચિત્રા સુબ્રમણ્યમ પર તેમણે પસંદગી ઉતારી. તત્કાલીન તંત્રી એન.રામ સ્વીડન ગયા અને તેમની હાજરીમાં લિન્ડસ્ટોર્મે દસ્તાવેજોનો પહેલો જથ્થો ચિત્રા સુબ્રમણ્યમને આપ્યો. એ સાથે જ ‘ધ હિંદુ’માં બોફર્સ કૌભાંડ વિશે વિગતવાર માહિતી આવવા લાગી. અલબત્ત, તેમાં સનસનાટીથી દૂર રહીને તથ્યોનું પૂરું ઘ્યાન રખાતું હતું. (તેનો એક નમૂનોઃ ‘ધ હિંદુ’ના અહેવાલોમાં બોફર્સકાંડ સંબંધે કદી અમિતાભ બચ્ચન સામે આંગળી ચીંધવામાં આવી ન હતી.) વર્ષો સુધી ચાલેલા બોફર્સ વિશેના અહેવાલોમાં ચિત્રા સુબ્રમણ્યમ પત્રકારત્વનાં નાયિકા તરીકે ઉભરી આવ્યાં. વાસ્તવમાં તેમની સાથે એન.રામ અને ‘ધ હિંદુ’ના બીજા પત્રકારોનો પણ મહત્ત્વનો હિસ્સો હતો, જે રામે હંમેશાં જાહેરમાં સ્વીકાર્યો છે.

બોફર્સકાંડનાં પચીસ વર્ષે બે યોગાનુયોગ બન્યાઃ અમેરિકાની કોલંબિયા સ્કૂલ ઓફ જર્નાલિઝમના શતાબ્દિવર્ષ નિમિત્તે, તેમણે પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા થયેલા મહત્ત્વના ૫૦ અહેવાલોની એક યાદી જાહેર કરી. તેમાં ૧૯૬૮માં પાસ થયલા તેમના વિદ્યાર્થી એન.રામના બોફર્સ વિષયક અહેવાલોનો સમાવેશ થતો હતો.
 એન.રામનાં એ વખતનાં સહકર્મી અને હવે સક્રિય પત્રકારત્વ છોડીને સ્વીડનમાં જ વસેલાં ચિત્રા સુબ્રમણ્યમે, પડદા પાછળ રહીને આખું કૌભાંડ બહાર પાડનારા સ્વીડિશ પોલીસવડા લિન્ડસ્ટોર્મનો ઇન્ટરવ્યુ કર્યો. એ સાથે જ, પહેલી વાર બોફર્સકાંડમાં વ્હીસલબ્લોઅર- અનીતિ સામે અવાજ ઉઠાવનાર- તરીકે લિન્ડસ્ટોર્મની ઓળખ જાહેર થઇ. લિન્ડસ્ટોર્મે ઘણી મુદ્દાની વાતો કરી, પરંતુ ભારતમાં બને છે તેમ, કોઇને સમગ્ર ચિત્રમાં રસ ન હતો. પચીસ વર્ષ પછી પણ દરેકે લિન્ડસ્ટોર્મની વાતમાં ક્યાંથી, કેટલો રાજકીય ફાયદો લઇ શકાય છે એ જ જોયું. એટલે કે, શસ્ત્રખરીદીનાં કૌભાંડોનું પ્રતીક બની રહેલા બોફર્સકાંડના પચીસ વર્ષ પછી પણ, ભારતીય નેતાઓ કશું શીખ્યા નથી. કદાચ તેમણે એટલો જ બોધપાઠ લીધો લાગે છે કે કૌભાંડોમાં ઝડપી-પ્રામાણિક તપાસ કરીને, તેમને કદી તાર્કિક અંત સુધી પહોંચાડવાં નહીં.

લિન્ડસ્ટોર્મે ચિત્રા સુબ્રમણ્યમ ‘ધ હૂટ’ વેબસાઇટ માટે આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘રાજીવ ગાંધીએ પોતે લાંચ લીધી નથી, પરંતુ ત્યાર પછી ક્વાત્રોકીના મુદ્દે થયેલા ઢાંકપીછોડામાં તેમની સક્રિય ભૂમિકા હતી.’ આ વાતને કેટલાક કોંગ્રેસીઓ રાજીવ ગાંધીને આપેલી ‘ક્લીનચીટ’ તરીકે ખપાવવાનો હાસ્યાસ્પદ પ્રયાસ કરે છે, તો કેટલાક કોંગ્રેસીઓ ‘સ્વીડનના ભૂતપૂર્વ પોલીસવડાનાં વિધાનોને આટલું મહત્ત્વ અપાતું હશે?’ એવી વાહિયાત દલીલ કરી રહ્યા છે. પરંતુ રાજીવ ગાંધીએ કરેલા ભીનું સંકેલવાના પ્રયાસ વિશે અત્યાર સુધી જે કેવળ છાપ હતી, તે લિન્ડસ્ટોર્મની મુલાકાતમાંથી હકીકત બનીને બહાર આવે છે. પાછલાં વર્ષોમાં અનેક કૌભાંડોમાં ખરડાઇ ચૂકેલી કોંગ્રેસને ભ્રષ્ટ સાબીત કરવા માટે હવે બોફર્સકાંડની જરૂર નથી. બોફર્સ સાથે કોંગ્રેસનો સંબંધ હવે ફક્ત રાજીવ ગાંધીની ‘પ્રતિષ્ઠા’ અને ક્વાત્રોકીના ગાંધી પરિવાર સાથેના સંબંધો પૂરતો જ રહ્યો છે.

વિપક્ષો- ખાસ કરીને ભાજપ- આનાથી ખુશખુશાલ થઇને...બીજું તો શું કરે? સંસદની કાર્યવાહી ખોરવી રહ્યા છે. કોંગ્રેસને (યોગ્ય રીતે જ) ભ્રષ્ટાચારથી ખદબદતી અને ભાજપને તેનાથી ચડિયાતો માનનારાના લાભાર્થે બે હકીકતઃ લિન્ડસ્ટોર્મે ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘એક વાર અમે સત્તામાં આવીશું તો પછી આમ કરી નાખીશું ને તેમ કરી નાખીશું’ એવી બડાશો કંઇક લોકો મારી ઓફિસમાં આવીને મારી ગયા. પછી ભારતમાં (ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર સહિત) બધાની સરકાર આવી ગઇ, પણ કોઇએ બોફર્સના મુદ્દે કશું નક્કર કામ કર્યું નથી. લિન્ડસ્ટોર્મે એટલી હદ સુધી કહ્યું કે પહેલી ટીમને બાદ કરતાં, બીજી એક પણ ભારતીય તપાસટુકડી સ્વીડનમાં આવ્યા પછી મને મળી નથી.

કોઇ પણ દિશામાં ફૂટી શકતી તોપ જેવી પ્રતિષ્ઠા ધરાવતા ડો.સુબ્રમણ્યમ્‌ સ્વામીએ એટલી હદે કહ્યું કે સોનિયા ગાંધીની પૂછપરછ થવાનો તબક્કો આવ્યો ત્યારે ભાજપની આગેવાની હેઠળ એનડીએની જ સરકાર હતી. છતાં, એ સરકારે સોનિયાની પૂછપરછ થવા દીધી નહીં.

લિન્ડસ્ટોર્મના ઇન્ટરવ્યુ પછી વિપક્ષો નવેસરથી તપાસની માગણી કરી રહ્યા છે- અને આમ કરવામાં તેમને જરાય શરમ નથી આવતી. કારણ કે, તેમને બોફર્સકાંડના સત્ય સુધી પહોંચવામાં નહીં, પણ તેનો બને એટલો રાજકીય ઉપયોગ કરી લેવામાં રસ છે.