Tuesday, May 29, 2012
મહત્ત્વાકાંક્ષાના ઉધામા અને અંજામ
એક નેતા એવા, જે એક પ્રાંતના સ્તરે રહીને રાષ્ટ્રિય નેતાગીરીનાં સપનાં જુએ. પોતાની ફૂંફાડા મારતી મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે કોઇ પણ હદે જવાનો તેમને છોછ નહીં. પોતાના પક્ષના વરિષ્ઠ નેતાઓને ગણકારે નહીં. પ્રજાના પૈસે પોતાનો જયજયકાર કરાવવામાં એ પાવરધા. પોતે રહ્યા એક પ્રાંતના મુખિયા, પણ ‘એપ્કો વર્લ્ડવાઇડ’ જેવી આંતરરાષ્ટ્રિય પી.આર.કંપનીની સેવા લઇને દેશવિદેશમાં પોતાની એવી વાહવાહ કરાવે કે સૌને લાગેઃ આખા દેશમાં નેતા તો આ એક જ છે.
જાહેરમાં તે ભ્રષ્ટાચાર સામે બાંયો ચડાવે, પણ એમના પોતાના ભ્રષ્ટાચારનો પાર નહીં. લોકોને તે સંસ્કૃતિ-અસ્મિતાનાં અફીણ પાય અને પોતે વૈભવી જીવન જીવે. રાજ્યના લોકો પર પ્રભાવ જમાવવા માટે તે ભય અને અહોભાવ- બન્નેનો સરખો ઉપયોગ કરી જાણે. તેમના વિકાસના મોડેલની આખા દેશમાં ચર્ચા થાય. રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ લાવીને પોતાનો વિકાસપુરૂષ તરીકે જયજયકાર કરાવે, પણ એવાં મૂડીરોકાણથી પોતાને થતો ફાયદો અને રાજ્યને થનાર નુકસાન જાહેર ન કરે. પ્રજાને મૂળભૂત સુવિધાનાં ફાંફાં હોય ત્યારે જાહેર ઉત્સવોના નામે અઢળક નાણાંનો બગાડ કરવામાં તે નંબર વન. ઉદ્યોગપતિઓ સાથેની તેમની ઘનિષ્ઠ સાંઠગાંઠ. ‘સેલિબ્રીટી’ લેખકો તેમની ભાટાઇ કરે, આગામી સત્તાપરિવર્તન વખતે ટોચના સત્તાવર્તુળમાં પહોંચી જવા માટેનો તેમનો થનગનાટ સૌ જાણે.
આ નેતા એટલે...
...ચીનના બો સિલાય/BoXilai (સાચું કહેજો, તમારા મનમાં કોનું નામ હતું?)
પહેલાં કદી જેમનું નામ ન સાંભળ્યું હોય એવા ચીનના કોઇ નેતા વિશે આપણે શા માટે વાંચવું જોઇએ- એ સવાલના જવાબમાં આગળ આપેલી લક્ષણોની યાદી પૂરતી છે. તેમાં એટલું ઉમેરવું જોઇએ કે ગુજરાતમાં સરકારી રાહે ચીનની સાથે હરીફાઇની ઘણી વાતો થાય છે. ચીની નેતા બો સિલાયની લાક્ષણિકતાઓ જાણ્યા પછી નથી લાગતું કે ગુજરાતની હરીફાઇ ચીન સાથે હોવાના ગુજરાતી મુખ્ય મંત્રીના દાવામાં ઘણો દમ છે?
આપખુદશાહીનો અંજામ
ચીનના રાજકારણને ઉપરતળે કરનારી અને તેની સરકારને ભારે શરમમાં નાખનારી પરિસ્થિતિ છેલ્લે ૧૯૮૯માં વિદ્યાર્થીઓએ કરેલા બળવા વખતે ઊભી થઇ હતી. બેજિગના ત્યાનઆનમેન ચોકમાં વિદ્યાર્થી સામે છોડી મૂકાયેલી ટેન્કોની હરોળનું દૃશ્ય ચીનના નિષ્ઠુર-ઘાતકી વલણના પ્રતીક તરીકે જગવિખ્યાત બન્યું. તેની આપખુદશાહી ટકી રહી, પણ આઘાતનાં મોજાં સત્તાનાં મૂળીયાં સુધી પ્રસર્યાં હતાં. ૨૦૧૨માં ફરી એક વાર, આ વખતે બહારથી નહીં પણ અંદરથી, એવી જ સ્થિતિ બો સિલાય પ્રકરણમાં સર્જાઇ છે.
૬૨ વર્ષના બો સિલાયનો સત્તાવાર હોદ્દો ચીનના ૩.૧ કરોડની વસ્તી ધરાવતા ચોંગકિગમાં સામ્યવાદી પક્ષના બોસ તરીકેનો. (ચીનમાં તેના માટે વપરાતો શબ્દ છેઃ સેક્રેટરી) સ્થાનિક પોલીસ વડા વાંગ સાથે મળીને તેમણે કડક હાથે ચલાવેલી ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહીથી લોકોમાં સોપો અને બો સિલાયનો છાકો પડી ગયો હતો. સામ્યવાદી પક્ષની રાષ્ટ્રિય સમિતી (પોલિટબ્યુરો)ના તે સભ્ય હતા. છેલ્લા થોડા સમયમાં બો સિલાયનું રાજકીય કદ એટલું વઘ્યું હતું કે આ વર્ષે ચીનના સામ્યવાદી પક્ષમાં થનારા નેતાગીરીના પરિવર્તનમાં તે ટોચ પર પહોંચે, એ નક્કી મનાતું હતું. દેશનું રાજ ચલાવતી નવ સભ્યોની નિર્ણાયક સમિતિમાં બો સિલાયને સ્થાન મળ્યા પછી દેશના બીજા અને પહેલા નંબરનું સ્થાન પણ તેમના માટે હાથવેંતમાં આવી જાય. પણ એક નાટકીય ઘટનાએ આખો તખ્તો પલટી નાખ્યો અને બોને હીરોમાંથી ઝીરો બનાવી દીધા. આંતરરાષ્ટ્રિય સ્તરે ચીનનો ફજેતો થયો તે વધારાનો.
તા.૬ ફેબુ્રઆરી, ૨૦૧૨ના રોજ ચોંગકિગના પોલીસવડા વાંગ અમેરિકાની એલચી કચેરીમાં પહોંચી ગયા અને ત્યાં એમણે રાજદ્વારી આશ્રય માગ્યો. એ માટે હમણાં સુધી બોના ખાસ ગણાતા વાંગે આપેલું કારણઃ ‘બો સિલાય તરફથી મને જીવનું જોખમ છે.’ પોતાના દાવાના સમર્થનમાં વાંગે અમેરિકાની એલચી કચેરી સમક્ષ બોનાં કરતૂતો અને તેમની અસલિયતના વટાણા વેરી નાખ્યા.
બો સિલાયની દુષ્ટતાને આંતરરાષ્ટ્રિય અપીલ બક્ષતો મુદ્દો હતોઃ બ્રિટીશ બિઝનેસમેન નીલ હેવૂડની હત્યા. વાંગના આરોપ પ્રમાણે, બો સિલાયની વકીલ પત્નીએ શરાબમાં ઝેર આપીને હેવૂડને ખતમ કર્યો. હેવૂડ બોના ગોરખધંધાનો સાથી હતો. પણ આરોપ પ્રમાણે, બો પરિવારે ભેગી કરેલી અઢળક સંપત્તિ વિદેશ લઇ જવામાં હેવૂડે વધારે પડતું કમિશન માગ્યું. ખિજાયેલા બોએ હેવૂડને એક રીસોર્ટમાં બોલાવીને તેનો ફેંસલો આણી દીધો. હેવૂડના મૃતદેહનું પોસ્ટમોર્ટેમ કર્યા વિના તેને સીધો દફનાવી દેવાયો અને ‘પીણામાં ઝેર’ના કારણની કશી તપાસ કરવામાં આવી નહીં. ચોંગકિગના રાજા જેવો દબદબો ધરાવતા બો સિલાયનો હુકમ હોય પછી દોઢડાહ્યા થવાની કોની મજાલ છે?
Bo Xilai with his wife & son |
આ બનાવના બે મહિના પછી પ્રજ્ઞાચક્ષુ માનવ અધિકારવાદી ગ્વાંગચેંગને આશ્રય આપનાર અમેરિકાની એલચી કચેરીએ, પોલીસ વડા વાંગને રાજદ્વારી આશ્રય આપવાનો ઇન્કાર કર્યો. બહાર નીકળેલા વાંગની ચીની સરકારે ધરપકડ કરી, પણ ત્યાં સુધીમાં ટોચની નેતાગીરીના પ્રતીક જેવા બો સિલાયના ગોરખધંધા ખુલ્લા પડી ચૂક્યા હતા. સેન્સરશીપ પર મુસ્તાક ચીન પણ તેની પર ઢાંકપિછોડો કરવાની સ્થિતિમાં ન રહ્યું. બો સિલાયને પક્ષના (પોલિટબ્યુરોના) હોદ્દેથી બરતરફ કરીને, અસલ ચીની સ્ટાઇલમાં અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા, જ્યાંથી તેમના ભવિષ્ય અંગે ફેંસલો થશે. બો સિલાયનો અત્યાર સુધીનો દરજ્જો અને તેની સાથે સંકળાયેલી પક્ષની આબરૂનો વિચાર કરીને, અત્યારે તો તેમની પર ફક્ત ‘પક્ષના નિયમોના ગંભીર ઉલ્લંઘન’નો આરોપ મુકાયો છે.
Dragon: Tied & (being) tested |
ટોચેથી સીધા ખાઇમાં
ચીનના એકપક્ષીય, સામ્યવાદી રાજકારણમાં પણ વંશપરાપરાની જબરી બોલબાલા છે. પક્ષમાં ઊચો હોદ્દો ધરાવતા પિતાના પુત્રોનું ચીનના રાજકારણમાં ઘણું વર્ચસ્વ છે. બો સિલાયના પિતા એક સમયે મહત્ત્વનો હોદ્દો ધરાવતા હતા. માઓની ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ વખતે ગદ્દારમાં ગણાઇ ગયેલા સિનિયર બો માઓના મૃત્યુ પછી ફરી ઊંચકાયા અને ૧૯૭૯માં વાઇસ પ્રીમિયર બન્યા. સામ્યવાદી પક્ષના વડા જિઆંગ ઝેમીનના ખાસ બનેલા સિનિયર બોને કારણે બો સિલાયની રાજકીય કારકિર્દી સડસડાટ આગળ ચાલી.
સામ્યવાદી પક્ષના કાર્યકર બન્યા પછી એકાદ દાયકામાં બો સિલાયને ૬૦ લાખની વસ્તી ધરાવતા દાલિઅન શહેરનું મેયરપદું મળી ગયું. તેમનાં પત્ની જાણીતાં વકીલ અને સસરા ભારે વગદાર. એટલે બો સિલાયની આકાંક્ષાઓ અને આપખુદશાહી પોસાતાં ગયાં. કેન્દ્ર સરકારનાં અઢળક નાણાંની મદદથી બો સિલાયે દાલિઅન શહેરને હોંગકોંગના મોડેલ પર વિકસાવ્યું. જાપાની કંપનીઓએ ત્યાં મૂડીરોકાણ કર્યું. પ્રજાને કોઇ પણ રીતે આંજવા ઉત્સુક બોએ અવનવા ઉત્સવો અને ઝાકઝમાળ પાછળ ઘૂમ ખર્ચ કર્યો. સ્થાનિક ફૂટબોલ ટીમને અસ્મિતાનું કેન્દ્ર બનાવી દીધી. બો સિલાયની ભાટાઇ કરતા લેખો અખબારોમાં છપાવા લાગ્યા અને આંતરરાષ્ટ્રિય પ્રસાર માઘ્યમો સુધી એ પ્રવૃત્તિ પહોંચી. તેના જોરે બોને લાયોનિગ પ્રાંતનું ગવર્નરપદું અને ૩૭૦ સભ્યોની સેન્ટ્રલ કમિટીમાં સ્થાન મળ્યું.
બો સિલાયની મહત્ત્વાકાંક્ષાનો પાર ન હતો. ઘૂમ ખર્ચ અને સઘન પ્રયત્નોથી ઊભી કરેલી તેમની જાહેર છબીની લોકો ઉપરાંત પક્ષ ઉપર પણ અસર પડી રહી હતી. પરંતુ તેમની ઉદ્દંડતાએ હદ વટાવી ત્યારે સજારૂપે તેમને દાલિયનમાંથી દૂરના ચોંગકિગ પ્રાંતમાં ખસેડવામાં આવ્યા. ત્યાં પણ સરકારી આતંકવાદ, સત્તાવાર ખંડણી અને અઢળક ભ્રષ્ટાચારને ઝાકઝમાળ અને વિકાસના આવરણ તળે સંતાડીને, બોએ આપત્તિને અવસરમાં પલટી નાખી. પોલીસવડા વાંગને હાથમાં રાખીને તેમણે ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશના નામે વિરોધીઓને ઠેકાણે પાડી દીધા અથવા ખૂણે ધકેલી મૂક્યા. તેમની આ ઝુંબેશનાં ગુણગાન ગાતાં પુસ્તકો લખાયાં, તેની પરથી ટીવી સિરીયલ અને ફિલ્મ પણ તૈયાર કરાવાઇ. ભ્રષ્ટાચારવિરોધની ઝુંબેશો કરતા બો સિલાયે દરમિયાન અઢળક નાણાં બનાવ્યાં હતાં. સમાજવાદની વાતો કરતા બોની સત્તાવાર આવક મઘ્યમ હતી, પણ વિદેશમાં અભ્યાસ કરતા તેમના પુત્રની વૈભવી જીવનશૈલી ઘણી વાર સમાચારોમાં ઉછળતી હતી.
રસ્તે આવતા તમામ અવરોધોને કચડી નાખીને ટોચે પહોંચી જવાના ઝનૂનમાં બોને કોઇની શરમ નડતી નહીં. આત્મવિશ્વાસના અતિરેકમાં તેમણે પોલીસ વડા વાંગની મદદથી પોતાના પક્ષના રાષ્ટ્રિય સ્તરના, ટોચના નેતાઓના ફોનનું ટેપિગ શરૂ કરાવ્યું. ફોન ટેપિગની શરૂઆત સરકારી રાહે ગુનાખોરી અને ભ્રષ્ટાચાર સામે લડવાના આશયથી થઇ, પણ બો અને વાંગની મંડળીએ તેનો છેડો છેક ચીનના વડા હુ જિન્તાઓ સુધી પહોંચાડ્યો. એક અંદાજ પ્રમાણે, ઓગસ્ટ ૨૦૧૧માં પહેલી વાર ટોચની નેતાગીરીને બો સિલાયના ફોન ટેપિગ પરાક્રમ વિશે જાણ થઇ. ત્યાર પછી ખાનગી રાહે બો સામે થયેલી તપાસમાં સામ્યવાદી નેતાગીરીને ખાતરી થઇ કે બો સિલાય ધગધગતી મહત્ત્વાકાંક્ષા સંતોષવા કોઇ પણ હદે જઇ શકે એમ છે.
વાંગે અમેરિકાની એલચી કચેરીમાં જઇને રહસ્યો ઉઘાડાં પાડ્યા ત્યારે ચીની નેતાગીરીએ હત્યાનાં આરોપી બો સિલાયનાં પત્ની કરતાં પણ પહેલાં બો ઉપર તવાઇ ઉતારી. બો સિલાય કેસમાં ફોનટેપિગના આરોપ ચીનનાં સરકારી પ્રસાર માઘ્યમોમાં ચર્ચાતા નથી. કારણ કે તેમાં છેવટે સામ્યવાદી પક્ષનું નાક કપાય એમ છે. બો સામે થનારી કાનૂની કાર્યવાહીમાં પણ એ આરોપ સામેલ ન કરાય એવી સંભાવના છે. પરંતુ ૬૨ વર્ષના બો સિલાયની ઝળહળતી કારકિર્દી પર અત્યારે તો કાયમ માટે પૂર્ણવિરામ મૂકાઇ ગયું હોય એવું લાગે છે. ચીનની નેતાગીરીનાં બેવડાં ધોરણો, વ્યાપક ભ્રષ્ટાચાર અને વિકાસના મોડેલનું એક વરવું પાસું ફરી એક વાર ઉઘાડાં પડી ગયાં છે.
Labels:
China,
Narendra Modi/નરેન્દ્ર મોદી
Subscribe to:
Post Comments (Atom)
વિવિધ માધ્યમોમાં હેડલાઈન્સ જોઈને થયા કરતુ હતું કે આ આખો મામલો શું છે? લ્યો, આજે આખી વાત વાંચવા મળી ગઈ. સાથે-સાથે ગુજરાતની ચીન સાથે નેતાગીરીમાં હરીફાઈ વિષે પણ ખબર પડી! લાગે છે કે સત્તા હાંસિલ કરવાની અને પછી તેનો ભરપૂર દુરુપયોગ કરવાની મોડસ ઓપરેન્ડી સામ્યવાદ હોય કે રાષ્ટ્રવાદ-પ્રાંતવાદમાં સરખી જ હોય છે. એકવીસમી સદીની ભેટરૂપે તેમાં પી.આર.એજન્સીઓના ભેજા ભળે છે અને આવી સેવાઓ લેવી તે સ્ટેટસ સિમ્બલ થઇ ચૂક્યું છે.
ReplyDeleteકાગડા બધે જ કાળા એટલે એક કાગડો જુઓ તો બીજા કાગડાનું નામ તો મનમાં જ આવે જ ને! કહો કયું નામ આવ્યું હશે?બસ. બોલશું નહીં. ઈશારામાં જ હા પાડી દો.
ReplyDelete>સાચું કહેજો, તમારા મનમાં કોનું નામ હતું?
ReplyDeleteOf course, Rahul Gandhi.
vah....
ReplyDelete