Tuesday, September 26, 2017

લોકશાહીને ‘વાઇરલ’ થયો છે?

સોશિયલ મીડિયા પરથી ઉછળેલો, પ્રસાર માધ્યમોમાં ચગેલો ને સત્તાધારી પક્ષને બરાબર ચચરેલો મુદ્દો છેઃ ‘વિકાસ ગાંડો થયો છે’. સરકારના ટીકાકારો એ વાતે રાજી થયા છે કે બહુ વખતે ભાજપની નેતાગીરી ઘાંઘી થઈ છે. આ ઝુંબેશ કોંગ્રેસે ચલાવી હોત (કાશ, કોંગ્રેસ આટલી અસરકારક ઝુંબેશ ચલાવી શકે એવું દૈવત ધરાવતી હોત) તો તેને કદાચ સહેલાઈથી તોડી પડાઈ હોત. પણ એ કોંગ્રેસની ઝુંબેશ ન હોવાથી તેનો પ્રતિકાર કરવાનું ભાજપને અઘરું પડી ગયું છે. ચપ્પુથી પાકાં કેળાં કાપવાની પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને પછી એક દિવસ એ જ ચપ્પુથી લીલું નારિયેળ છોલવાનું આવે, એવી દશા ગુજરાત ભાજપની થઈ છે.

શિકારી અને શિકાર વચ્ચેનું સમીકરણ સોશિયલ મીડિયામાં સદાકાળ એકધારું રહેતું નથી. સોશિયલ મીડિયાની આસુરી તાકાતના જોરે દિગ્વિજયનો ફાંકો રાખનારા--મૂછે લીંબું લટકાવીને ફરનારા--‘વિકાસ ગાંડો થયો છે’-જેવા કોઈ મુદ્દે તારક મહેતાના જેઠાલાલની માફક નવર્સ થઈને મૂછો ચાવવા માંડે, તે આવકાર્ય અને ઇચ્છનીય છે, પણ પૂરતું નથી. નાગરિક તરીકે ફક્ત એટલાથી રાજી થઈને બેસી રહેવાય નહીં. આ પ્રકારના ‘વાઈરલ’ પ્રચારને વાસ્તવિક દુનિયામાં કશો નક્કર આધાર નથી, તે આટલો વાઇરલ કેમ થયો તેની સંતોષકારક સમજૂતી નથી અને તેની આવરદા કેટલી તેનો કશો ભરોસો નથી. પોતાની વિચારશક્તિ ગાંધી કે સંઘ--એકેય પરિવારના કે પક્ષના કે નેતાના ચરણે ન મૂકી હોય તે સૌ માટે આ વિચારવાનો મુદ્દો છે.

ભાજપે સોશિયલ મીડિયા પર, મહાભારતના અંદાજમાં કહીએ તો, ‘અઢાર અક્ષૌહિણી સેના’ ઉતારી દીધી. છતાં ‘વિકાસ ગાંડો છે’ના એક તીરે ભાજપની છાવણીમાં ખળભળાટ મચાવ્યો. પછી ભાજપે શું કર્યું? લોકોનાં કામ શરૂ કરી દીધાં? તેમની શી ફરિયાદ છે એ જાણવાના પ્રયાસ આરંભ્યા?   મહત્ત્વની પડતર સમસ્યાઓ ઉકેલવાની શરૂ કરી દીધી? ના, તેમણે સોશિયલ મીડિયા પરના પ્રચાર સામે વળતા પ્રહાર માટે વ્યૂહરચનાઓ આરંભી દીધી.  કારણ કે હવે યુદ્ધનું મેદાન બદલાઈ ગયું છે. હવેનું યુદ્ધમેદાન વાસ્તવિક નહીં, વર્ચ્યુઅલ છે. તેની પર છાશવારે ખેલાતી લડાઈઓના વાઇરલ થયા કરતા મુદ્દા ‘હોવા’ પર નહીં, ‘લાગવા’ પર (હકીકતો પર નહીં, માન્યતા પર) આધારિત હોય છે. તેમાં ઘણી વાર ઉપરીના ઇશારે કાગનો વાઘ કરી શકાય છે ને વાઘનો કાગ. ચર્ચાના મહત્ત્વના મુદ્દા તેમાં બાજુ પર રહી જાય છે અને પ્રચારપુરુષો ઇચ્છે તે મુદ્દા મુખ્ય બની જાય છે.

અગાઉ સરકારનો વિકાસપ્રચાર જેટલો ‘ગાંડો’ (અધ્ધરતાલ, મુખ્યત્વે આક્રમક પ્રચારની પેદાશ) હતો, એટલો જ તેનો સોશિયલ મીડિયા પરનો વિરોધ પણ ‘ગાંડો’ છે. સોશિયલ મીડિયા પર ઓચિંતા વાઈરલ થઈ જતા કોઈ મુદ્દા પાસેથી લોકશાહીની ટકાઉ તંદુરસ્તીની આશા ન રાખી શકાય. તાવ શાના કારણે છે તેનો ખ્યાલ ન આવે તો કેટલાક ડોક્ટર કહી દેતા હોય છે કે આ તો ‘વાઇરલ’ છે. એમ લોકશાહી સોશિયલ મીડિયા પરના ‘વાઇરલ’ના ભરોસે હોય, તો લોકશાહીને પણ વાઇરલ (તાવ) છે કે શું, એવી શંકા થાય.

અતિવિશ્વાસ અને સત્તાના મદમાં રાચતા નેતાઓને વ્યાકુળ જોઈને નાગરિકસહજ આનંદ થાય અને તેમની વ્યાકુળતાનું કારણ જાણીને ચિંતા પણ થાય. કેમ કે, ‘વિકાસ ગાંડો થયો છે’ના પ્રચારનું એક મોટું કારણ ને તેનો એક મોટો આધાર રસ્તા પરના ખાડા છે. વાસ્તવમાં, સરકારની સીધી જવાબદારી ધરાવતી ગુજરાતની મુખ્ય સમસ્યાઓમાં રસ્તાના ભયાનક ખાડાનો નંબર એકથી પાંચમાં પણ આવે તેમ નથી. ખાડાની સમસ્યા એટલી નાની નથી, બીજી સમસ્યાઓ એટલી મોટી છે. છતાં, ઘણા નાગરિકોને રસ્તાના ખાડા સરકારની નિષ્ક્રિયતા કે નિષ્ફળતા લાગે છે. આ તો ભયંકર ગુનાના આરોપીને રુમાલ ચોરવા બદલ બદનામ કરવા જેવી વાત થઈ.

અત્યારે અચાનક ‘વિકાસ ગાંડો થયો છે’ના વાઇરલ સૂત્રથી પ્રભાવિત અને આંખ ચોળતા બેઠા થયેલા નાગરિકો જરા શાંતિથી વિચાર કરશે તો તેમને સમજાશે કે સચ્ચાઈ આવા એક અધ્ધરતાલ લાગતા સૂત્ર કરતાં ઘણી વધારે ગંભીર ને ચિંતાજનક છે. છેલ્લાં પંદર વર્ષમાં ગુજરાત આગળ વધ્યું જ છે. સાથોસાથ, એ પંદર વર્ષ પહેલાંના ચાર દાયકામાં પણ ગુજરાત અંધારિયા ખૂણે ન હતું. તેમાં કામ થતાં જ હતાં. દરેક સરકાર આવે, તે ઓછેવત્તે અંશે પોતાનું કામ કરતી હોય છે. કોઈ અઢળક ભ્રષ્ટાચાર કરે, કોઈ થોડો ઓછો કરે. કોઈ પોતાના હાથ બગાડે, કોઈ ‘હું તો લક્ષ્મીને સ્પર્શ કરતો નથી’નો ડોળ ઘાલીને બીજાના હાથે એ કરાવે. પણ કામ થતાં રહે છે.

છેલ્લાં પંદર વર્ષમાં ફરક એ પડ્યો કે નાનામાં નાના કામને મુખ્યમંત્રીના વ્યક્તિગત પ્રચારનું નિમિત્ત બનાવવામાં આવ્યું. સરકારી નોકરીમાં અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવા જેવાં કામ પહેલાં ટપાલી કરતા હતા, તે મુખ્યમંત્રી લાખોના ખર્ચે સમારંભો યોજીને કરવા માંડ્યા. વર્ષોથી ગુજરાત ઉત્તરાયણ ને નવરાત્રિ ઉજવતું હતું. એ લોકોનો તહેવાર હતો. છેલ્લા દોઢ દાયકામાં એ સરકારી તહેવાર થઈ ગયો. નાતાલના અઠવાડિયામાં સરકાર પોતે કાર્નિવલ ઉજવવા લાગી. એમઓયુના નામે મીંડાંની ભરતી આવી.

આ બધાની વચ્ચે જે ઓછુંવત્તું કામ થતું હતું, તેને પેલી ઝાકઝમાળની પિછવાઈમાં, આકર્ષક પેકિંગ સાથે ‘વિકાસ’ તરીકે રજૂ કરવામાં આવ્યું. જાપાનને પોતાની બુલેટ ટ્રેન વેચવામાં ‘રસ’ (ગરજ) છે, એવું જાપાનના વડાપ્રધાન આબેની સહી ધરાવતા જાન્યુઆરી, 2014ના દસ્તાવેજમાં લખેલું છે. એટલે તેણે ઉદાર શરતે ભારતને લોન આપી. ગુજરાતના મુખ્યમંત્રીને પોતાની છબિ ઉપસાવવાની ગરજ હતી, એટલે તેમણે તાતાને ઉદાર શરતે લોન આપી- નેનો પ્લાન્ટ ફક્ત એક રૂપિયાના એસ.એમ.એસ.થી બંગાળને બદલે ગુજરાતમાં આવી ગયો, એવો ‘જુમલો’ ગબડાવ્યો ને રોજગારીનાં આંબાઆંબલી દેખાડ્યાં. અત્યારે તેની શી સ્થિતિ છે, તે સૌ જાણે છે.

આ તો એક ઉદાહરણ. સૌથી મોટું એક નુકસાન થયું તે સરકારી સ્કૂલોનો ખાત્મો, લૂંટના પરવાના ધરાવતી હોય એવી ખાનગી સ્કૂલોનો ધમધમાટ અને મોંઘીદાટ ફી પછી પણ શિક્ષણનું તળીયે ગયેલું સ્તર. સરવાળે, ગુજરાતની કિશોર-યુવા પેઢીના ભવિષ્ય સાથે રમત. કહેવાતો વિકાસ ત્યારે જ ગાંડો થઈ ચૂક્યો હતો. પણ બધાં ઝાકમઝોળથી એવા અંજાયેલા હતા કે ન ‘જુમલા’ ઓળખતાં આવડ્યું, ન વિકાસની અસલિયત સમજાઈ.

હવે જેમની આંખો ખૂલી છે તેમનું નવી, વાસ્તવિક દુનિયામાં સ્વાગત છે અને એવી અપેક્ષા કે એક યા બીજા પક્ષની રાજકીય વફાદારી બાજુ પર મૂકીને નાગરિક તરીકે વિચારો અને સરકારની કામગીરીને આગળપાછળ જોઈને મૂલવો. મત આપો તેને માથે ન ચઢાવો. આપણે વફાદારીના પાટા બાંધી દઈશું તો વિકાસને ગાંડો કરવામાં આપણી જવાબદારી ઓછી નહીં ગણાય.

Monday, September 25, 2017

શનિ નડતર કે નવતર? પૂછો કાસિનીને

‘એક યુગનો અંત આવ્યો... વીસ વર્ષના આયખામાં કેટકેટલું કામ કર્યું...તેમના સંશોધને માનવજાતના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારી, સજીવની ઉત્પત્તિના આરંભિક સંજોગોની સંભાવનાઓ વિશે પ્રકાશ ફેંક્યો, આપણી સૂર્યમાળાના બધા ગ્રહોમાં વલયોથી શોભતા શનિ અને તેના ચંદ્રો (ઉપગ્રહો) વિશે એટલી માહિતી આપી કે તેના અર્થઘટનમાં હજુ સમય લાગશે.

...અને કામ માટેની નિષ્ઠા પણ કેવી? છેલ્લી ઘડી સુધી કામ ચાલતું જ રહ્યું.  વિદાય પણ અત્યંત ભવ્ય અને તેમની આજીવન કામગીરીને છાજે એવી. વિદાયનો સમય નક્કી જ હતી. એટલે ઓચિંતાપણાનો આઘાત કોઈને લાગ્યો નહીં. પણ તેનું દુઃખ અનુભવનારા કેટકેટલા લોકો હતા.. અલગ અલગ રીતે કામ કરતા લોકો તેના નિમિત્તે મળ્યા અને તેમનો એક પરિવાર બન્યો. તે આ પરિવારની ધરી સમાન બની રહ્યા. હવે એ પરિવાર પણ વિખરાઈ જશે...’

આવી અંજલિઓ વાંચતાં પહેલી નજરે એવું જ લાગે, જાણે યુવાન વયના કોઈ મહાન વિજ્ઞાનીમૃત્યુ પામ્યા હશે. પણ આ પ્રકારની અનેક લાગણી--હા, નકરી આંકડાકીય માહિતી નહીં, લાગણી-- શનિની પ્રદક્ષિણા કરનારા પહેલા યાન કાસિની/Cassiniની વિદાયના અહેવાલોમાં છલકાતી હતી.  કાસિની હકીકતમાં 22 ફીટ ઉંચું, 13 ફીટ પહોળું, 2,523 કિલો વજનનું યાન હતું.  કાસીની સાથે હગન્સ/Huygens નામના તપાસસાધન/Probeની જોડીને શનિ ગ્રહનાં વિવિધ પાસાંનો અભ્યાસ કરવા માટે 15 ઓગસ્ટ, 1997ના રોજ પૃથ્વી પરથી રવાના કરવામાં આવ્યાં. આ અમેરિકાની અવકાશ સંસ્થા નાસા, યુરોપીઅન સ્પેસ એજન્સી અને ઇટાલીઅન સ્પેસ એજન્સીનું સહિયારું સાહસ હતું.
Cassini spacecraft 
અગાઉ વોયેજર-1, વોયેજર-2 જેવાં યાન સૂર્યમાળાના છેક દૂરના ગ્રહો સુધી મોકલવામાં 'નાસા'ને સફળતા મળી હતી. તે શનિને થપ્પો કરીને પસાર થયાં અને પહેલી વાર શનિ તથા તેના વલયોને લગતી થોડી માહિતી પૃથ્વી સુધી વહેતી કરી, ત્યારે સંશોધકોના રોમાંચનો પાર ન હતો. પણ આ માહિતીથી તરસ છીપવાને બદલે ઉઘડી. તેને શમાવવા માટે કાસિની યાન બનાવવામાં આવ્યું. તેનું જોડીદાર હગન્સ યુરોપીઅન સ્પેસ એજન્સીએ શનિના ઉપગ્રહ ટાઇટન પર ઉતરવા માટે તૈયાર કર્યું હતું. આ બન્નેની જોડી પૃથ્વીથી રવાના થયાનાં સાતેક વર્ષ પછી, આશરે 2.2 અબજ માઇલનું અંતર ખેડીને 30 જુલાઇ, 2004ના રોજ શનિના ઇલાકામાં પહોંચ્યાં.  હગન્સ સફળતાપૂર્વક ટાઇટન પર ઉતર્યું અને આપણી સૂર્યમાળાના (પૃથ્વી સિવાયના) કોઈ પણ ગ્રહના ઉપગ્રહ પર ઉતરનારું તે પહેલું સાધન બની રહ્યું. રેકોર્ડની ભાષામાં વાત કરીએ તો, સૂર્યમાળાના પૃથ્વી સિવાયના ગ્રહની ફરતે આટલા લાંબા સમય સુધી પ્રદક્ષિણા કરનારું કાસિની પહેલું યાન બની રહ્યું.

મંઝિલ સુધી પહોંચ્યા પછી તરત કાસિની યાને પોતાનું કામ શરૂ કરી દીધું. તેનું કામ શનિ અને તેના ઉપગ્રહોની ફરતે સલામત અંતરે રહીને પરિભ્રમણ કરવાનું અને એવા આંટાફેરામાંથી શનિ વિશે પહેલવહેલી વાર મળનારી અઢળક માહિતી પૃથ્વી સુધી પહોંચાડવાનું હતું. ત્યારશી શરૂ કરીને 15 સપ્ટેમ્બર, 2017ના રોજ તેણે શનિના વાતાવરણમાં પ્રવેશીને આત્મવિલોપન કર્યું ત્યાં સુધી  અઢળક માહિતી કાસિનીએ મોકલીઃ આશરે સાડા ચાર લાખ તસવીરો અને 653 ગીગાબાઇટ જેટલી વૈજ્ઞાનિક માહિતી, જેના પૃથક્કરણના આધારે અનેક સંશોધનો થઈ શક્યાં અને હજુ થશે.  (એક અહેવાલ પ્રમાણે કાસિની તરફથી મળેલી વિગતોના આધારે અત્યાર સુધીમાં ચારેક હજાર સંશોધનપત્રો લખાયાં છે.)

કાસિની મિશન વિશે વખાણનાં આટલાં ગાડાં શા માટે? અને તે આટલું મહાન હતું તો તેને આત્મવિલોપનના રસ્તે દોરી જવાની શી જરૂર હતી?

‘નાસા’ના દાવા પ્રમાણે તેના કાસિની યાન અને યુરોપીઅન સ્પેસ એજન્સીના હગન્સ પ્રોબની તપાસનાં પરિણામોથી જીવસૃષ્ટિની ઉત્પત્તિ વિશે માણસજાતની સમજણમાં ઘણો વધારો થયો. વલયધારી શનિ વિશે ઉત્સુકતા જાગવાનું એક મોટું કારણ એ પણ હતું કે તેના એકાદ ઉપગ્રહ પર સજીવ પાંગરેલા કે પાંગરી શકે એમ હોય તો પરગ્રહ પર જીવસૃષ્ટિની શોધમાં એ માહિતી અત્યંત ઉપયોગી થઈ પડે.  કાસિની મિશનના અંતે એ આશા પૂરેપૂરી ફળી નથી, પણ એ દિશામાં આગળ વધવાના સગડ જરૂર મળ્યા. શનિના સૌથી મોટા ઉપગ્રહ ટાઇટન પૃથ્વી સાથે સામ્ય ધરાવતી પરિસ્થિતિ, હવામાન અને ભૂસ્તર જોવા મળ્યાં. (એવી પૃથ્વી, જ્યાં જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ ન હતી) આપણી આખી સૂર્યમાળામાં પૃથ્વી સિવાય ફક્ત ટાઇટન જ એવી જગ્યા છે, જેની સપાટી પર પ્રવાહી સ્વરૂપ સ્થાયી રીતે અસ્તિત્વ ધરાવતું હોય. ફરક એટલો કે ટાઇટનમાં પાણીનો નહીં, પ્રવાહી હાઇડ્રોકાર્બનનો વિશાળ જથ્થો છે. પાણીની જેમ હાઇડ્રોકાર્બનના વહેણને લીધે પણ ટાઇટનની સપાટી પર અવનવી ભાતો રચાય છે--ક્યાંક સરોવર તો ક્યાંક દરિયો, ક્યાંક પ્રવાહીના નાના ફાંટા, તો ક્યાંક કોતરો.

પૃથ્વીને વધારે સારી રીતે સમજવામાં ટાઇટન સાથેની તેની સરખામણી અને તફાવતો ઉપયોગી નીવડી શકે છે. અગાઉ ટાઇટન અને એન્સેલેડસ ઉપરાંતના બીજા ઉપગ્રહો વિશે અગાઉ મોટે ભાગે અટકળો કે પાંખી માહિતી ઉપલબ્ધ હતી. કાસિનીનાં જુદાં જુદાં પરિભ્રમણો અને હગન્સની તપાસને લીધે બીજા ઉપગ્રહોના ચરિત્ર વિશે ઉંડાણભરી માહિતી જાણવા મળી. ઉપરાંત શનિના વલયો સાથે સંકળાયેલી અને તેમના વિશેની સમજને વ્યાપક બનાવતી માહિતી તો ખરી જ.

કાસિની કે વોયેજર પ્રકારનાં પૃથ્વીથી કરોડો-અબજ માઇલ દૂર જતાં યાન ન્યુક્લીઅર બેટરી (રેડિયોઆઇસોટોપ થર્મોઇલેક્ટ્રિક જનરેટર્સ-RTG)થી ચાલે છે. તેમાં રહેલો પ્લુટોનિયમ-238 જેવા બળતણનો જથ્થો કંજૂસની દોલતની જેમ એટલો બધો ચાલે છે કે યાન ખતમ થઈ જાય, પણ બળતણ ન ખૂટે.  કાસિનીએ છેલ્લે આત્મવિલોપન કરવું પડ્યું, તેના માટે બળતણનો અભાવ જવાબદાર ન હતો. અસલી ચિંતા શનિના ઉપગ્રહોને દૂષિત કરવાની હતી.

નક્કી કરેલી મુદત કરતાં વધારે સમય સુધી સફળતાપૂર્વક પરિભ્રમણ કર્યા પછી કાસિની માટે એવી સંભાવનાઓ ઉભી થઈ રહી હતી, જેમાં ટાઇટન કે એન્સેલેડસ જેવા ગુરુના ઉપગ્રહ સાથે તેની ટક્કર થઈ જાય. આ બન્ને ઉપગ્રહો જીવસૃષ્ટિની સંભાવના ધરાવતા મુરતિયા છે.  હાલની પૃથ્વીની સરખામણીમાં સાવ વિષમ લાગતા વાતાવરણમાં બને કે સાવ બીજા અને પૃથ્વીવાસીઓને કલ્પના પણ ન આવે એવા પ્રકારની સૂક્ષ્મજીવસૃષ્ટિ પાંગરી શકે. એવું થયું હોય કે થવાની સંભાવના હોય, તેમાં રેડિયોએક્ટિવ બળતણ ધરાવતું આ યાન ટાઇટન કે અેન્સેલેડસ પર ખાબકે, તો ત્યાં પ્રદૂષણ ફેલાય અને જીવસૃષ્ટિ કે તેના માટેના સંજોગોને નુકસાન પહોંચવાની સંભાવના રહે. તે નિવારવા માટે અને તેને લગતા આંતરરાષ્ટ્રીય કાયદાને માન આપવા માટે કાસિનીને શનિના વાતાવરણમાં મોકલી દેવાનું આયોજન હતું--અને તે સફળતાથી પાર પડ્યું.  શનિના વાતાવરણમાં પ્રવેશતાં જ કાસિનીમાંથી પૃથ્વી સુધી પહોંચતા સિગ્નલ બંધ થઈ ગયા--જાણે ધબકારા સૂચવતા મોનિટર પર ઊંચાનીચા આલેખને બદલે સીધી રેખા થઈ ગઈ.

વોયેજરથી જાગેલી જિજ્ઞાસા કાસિનીએ ભાંગી, તો તેના પગલે ટાઇટન-એન્સેલેડસ પર જીવસૃષ્ટિ અંગેની સંભાવનાઓની ચકાસણી માટે ઓશનસ નામે નવું પ્રોબ મોકલવાની વાત ચાલે છે. પરંતુ કાસિની-હગન્સની જોડીએ બતાવેલાં કારનામાં હજુ ઘણી નવી માહિતી અને શોધોના ખજાના જેવાં બની રહેશે. 

Tuesday, September 19, 2017

બુલેટ ટ્રેનની ચર્ચા આડા પાટે?

ગયું અઠવાડિયું બુલેટ ટ્રેન/bullet trainનું હતું. તેના વિરોધમાં અને તેની તરફેણમાં ઘણું લખાયું-બોલાયું. તેમાં રહેલી પ્રશંસાનો મુખ્ય સૂર એવો હતો કે બુલેટ ટ્રેન આવશે એટલે ભારતની પ્રગતિને વેગ મળશે અને વિદેશોમાં ભારતનો વટ પડી જશે. ટીકાનો મુખ્ય સૂર એવો હતો કે હજુ કેટકેટલી બાબતોનાં ઠેકાણાં નથી ને બુલેટ ટ્રેન લાવવાની શી જરૂર છે? બન્ને પ્રકારના અભિપ્રાય એટલી આક્રમકતાથી વ્યક્ત થયા કે થોડા વખત માટે બુલેટ ટ્રેન દેશની પ્રગતિ-અધોગતિ નક્કી કરનારો મુખ્ય મુદ્દો બની ગઈ હોય એવું લાગ્યું.

સૌથી પહેલાં બન્ને પક્ષે ઠંડા કલેજે એ સ્વીકારવાનું છે કે બુલેટ ટ્રેન જેમ પ્રગતિ માટેનું જાદુઈ તાવીજ નથી, તેમ અધોગતિ કે પાયમાલીનું મૂળ પણ નથી.  દેશની મહત્ત્વની, મૂળભૂત, પ્રાથમિક સમસ્યાઓ (શિક્ષણમાં મોંઘવારી, શિક્ષણની ગુણવત્તા-તેનું કથળેલું સ્તર, જાહેર આરોગ્ય સુવિધાઓના પ્રશ્નો) સાથે બુલેટ ટ્રેનને કશો સંબંધ નથી. બુલેટ ટ્રેન આવવાથી ભારતની રોજગારીનો પ્રશ્ન હળવો થશે, એવો દાવો પણ, ખાસ કરીને ઓટોમેશનના યુગમાં, અતિશયોક્તિથી ભરપૂર જણાય છે.

આ બધામાં બુલેટ ટ્રેનનો કશો વાંક નથી. જાપાનના વડાપ્રધાને એવું નથી કહ્યું કે તમારે ત્યાં બુલેટ ટ્રેન ચાલુ કરો એટલે તરી જશો. એવો આભાસ આપણા વડાપ્રધાન ઊભો કરી રહ્યા છે. બુલેટ ટ્રેનના આગમનથી મુંબઈ-અમદાવાદ વચ્ચેની માળખાકીય સુવિધામાં મહત્ત્વનો ઉમેરો થશે એવું કહેવાયું હોત તો બરાબર. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટેની 80 ટકા રકમ જાપાને 0.1ના દરે આપી છે, જે દેશ માટે બોજારૂપ નથી, એ વાત પણ સાચી.  જાપાનમાં અર્થતંત્રની પરિસ્થિતિ એવી છે કે ત્યાં નેગેટીવ ઇન્ટરેસ્ટ રેટ ચાલે છે: બેન્કોમાં નાણાં મૂકનારને વ્યાજ મળે નહીં, તેણે બેન્કને સામેથી રૂપિયા આપવા પડે. એ સંજોગોમાં આ સોદાથી જાપાનના અર્થતંત્રને પણ ફાયદો છે, જેમાં કશો વાંધો નથી. બન્નેને લાભ હોય તો જ કરાર થાય. બસ, ‘મિત્ર’  જાપાને ભાઈબંધીમાં આટલા ઓછા દરે લોન આપી, એવો દાવો માનવો નહીં.

‘લડતાં લડતાં શિવાજી રંગમાં આવી ગયા’ એવી જૂની ઉકતિ પ્રમાણે, બોલતાં બોલતાં વડાપ્રધાન એટલું બધું બોલી નાખે છે કે સાંભળનારને બુલેટ ટ્રેનના આગમનથી બધી સમસ્યાઓ ઉકેલાઈ જશે એવું લાગે. તેમણે બુલેટ ટ્રેનના રસ્તામાં આવતાં બધાં સ્ટેશનના વિકાસથી માંડીને રોજગારીની અઢળક તકો સુધીનાં કંઈક સપનાં બુલેટ ટ્રેન નિમિત્તે બતાવ્યાં. એમાં તેમનો શો વાંક કાઢવો? તે સપનાં બતાવવાના ધંધામાં છે અને બુલેટ ટ્રેનથી અનેક ગણી મામૂલી ચીજોને પણ વર્તમાન વિકાસ-ઉજ્જવળ ભવિષ્યના પ્રતીક તરીકે રજૂ કરવાનું તેમને ફાવે છે. તે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે હવાઈ સહેલ કરી શકાય એવો ટીથર્ડ બલુન કાંકરિયામાં આણીને એવો સીન ઉભો કરેલો કે ઘણા એ બલુનને વિકાસનું પ્રતીક ગણતા થઈ ગયેલા.

અમદાવાદમાં બીઆરટીની સેવા શરૂ થઈ, ત્યારે ગંગાનું અવતરણ કરનારા ભગીરથની મુદ્રામાં મુખ્ય મંત્રીએ અમદાવાદની ધરતી પર બીઆરટીનું અવતરણ કર્યું હોય એવો માહોલ ઉભો કરવામાં આવ્યો. (જેવું અત્યારે નર્મદા બંધના મુદ્દે પણ ચાલી રહ્યું છે.) બીઆરટી શરૂ થયા પછી,  કેટલીક પ્રાથમિક સુવિધાઓને બાદ કરતાં એ સેવા ધીમે ધીમે કથળતી ચાલી. અત્યારે એવી સ્થિતિ છે કે બીઆરટીની ઘણી બસો ઉપર ઇલેક્ટ્રોનિક ડીસ્પ્લે ચાલતાં નથી, મોટી પટ્ટીઓના ટુકડા કાપીને ઘણી બસોના કાચ પર તેના રૂટ નંબર ચોંટાડવામાં આવે છે (જે ઉખડી પણ જાય છે). તોતિંગ ખર્ચે તૈયાર કરાયેલાં બીઆરટીનાં સ્ટેન્ડમાંથી ઘણાં પર કાર્ડ રીડર મશીન ચાલતાં નથી. (ડિજિટલ ઇન્ડિયા, ઝિંદાબાદ). કઈ બસ ક્યાં આવશે અને કયા નંબરની બસ ક્યાં જશે, એટલી સાદી વિગતો મોટા ભાગનાં સ્ટેન્ડ પર લખેલી નથી. બીઆરટીથી કેટલાક ફાયદા બેશક થયા છે, પણ તેની સામે ગેરવહીવટ અને દૃષ્ટિ વગરના આયોજનને કારણે ઉભી થયેલી અરાજકતાનો પાર  નથી. પણ બીઆરટીથી જે વટ પાડવાનો હતો, તે પાડી લીધો. ખેલ ખતમ.

હવે અમદાવાદમાં મેટ્રો આવી રહી છે. અમદાવાદ એ મુંબઈ, દિલ્હી કે કોલકાતાની જેમ વસ્તીથી ફાટી પડતું શહેર નથી. (ટ્રાફિકની અંધાધૂંધીને કારણે એવું લાગે, તે જુદી વાત છે.) તેમાં વર્તમાન સેવાઓ લોકોની સુવિધા ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવે તથા દીર્ઘ દૃષ્ટિથી, રાજકીય જયજયકારની ગણતરી કર્યા વિના, નવા ઉમેરા કરવામાં આવે તો? ધોળા હાથી જેવી ખર્ચાળ મેટ્રોની  જરૂર ન પડે. પરંતુ મેટ્રો હોય કે બુલેટ ટ્રેન, બધી ચર્ચા છેવટે ‘મોદીતરફી કે મોદીવિરોધી?’ના ખાનામાં ફંટાઈ જાય છે. પછી ચિંતાના મુળ મુદ્દા બાજુ પર રહી જાય છે અને કોઈ પણ ફાલતુ મુદ્દે થઈ શકે એવાં યુદ્ધ ચેનલો પર ને સોશ્યલ મિડીયામાં શરૂ થઈ જાય છે.

બુલેટ ટ્રેન સામે વાંધો પાડનારે પણ નક્કી કરવાનું છે કે તેમને વાંધો કઈ બાબતનો છે? (૧) બુલેટ ટ્રેનની જરૂર નથી (૨) અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ-ટ્રેન કેમ? ને બીજાં કોઈ શહેરો વચ્ચે કેમ નહીં? (૩) બુલેટ ટ્રેનના રસ્તામાં જમીનો સંપાદિત થશે. (૪) બુલેટ ટ્રેનનું વ્યાજ વિદેશી હુંડિયામણમાં ચૂકવવાનું મોંઘું પડશે. (૫) આટલા રેલવે અકસ્માતો થાય છે ને બુલેટ ટ્રેન કેવી રીતે ચલાવશો?.. આવા બધા વાંધાને એકબીજામાં ભેળવવા જેવા નથી. તે એકબીજાથી જુદા મુદ્દા છે અને તેમને જુદા રાખીને જ સમજી શકાય—તેના સાચા જવાબ મેળવી શકાય. વાંધાની ભેળસેળ કરીને તેને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સામે --કે એ નિમિત્તે થયેલા રાજકીય દેખાડા સામે--વીંઝવામાં આવે ત્યારે તે વિરોધ પણ મહદ્ અંશે રાજકીય બની જાય છે અને સમસ્યા સમજવામાં કે તેના સાચા ઉકેલ ચીંધવામાં મદદરૂપ બનતો નથી.

બુલેટ ટ્રેનની સમૂળગી ટીકા કરવાને બદલે, એ કહેવું વધારે જરૂરી છે કે બુલેટ ટ્રેન આવે ને સાવ સસ્તી લોનથી આવે, તો ભલે આવતી. તેનું સ્વાગત છે. પણ તે સુશાસનનો વિકલ્પ નહીં બની શકે. બુલેટ ટ્રેન એની જગ્યાએ ને ભ્રષ્ટાચારથી માંડીને બીજી બધી સમસ્યાઓ એની જગ્યાએ રહેવાની જ છે. રસ્તાનાં ઠેકાણાં નથી ને બુલેટ ટ્રેન લાવે છે--એ દલીલ ટેકનિકલ દૃષ્ટિએ સાચી નથી. બન્ને જુદી બાબતો છે. છતાં એ દલીલમાંથી સરકાર માટેનો બોધપાઠ એ છે કે બુલેટ ટ્રેનને મોંઘા રમકડાની માફક આણી દેવાથી બાકીના ગેરવહીવટો પર પડદો નહીં પડી જાય. બુલેટ ટ્રેન લાવવી હોય તો લાવો, ચલાવવી હોય તો ચલાવો ને માપસરના રાજી થવું હોય તો થાવ,  પણ આંખ મીંચીને વિજયઘોષ મચાવવાની જરૂર નથી--સરકારે પણ નહીં ને નાગરિકોએ પણ નહીં. ગુજરાતના મોટા ભાગના નાગરિકોને જેમ વિમાનની, તેમ બુલેટ ટ્રેનની જરૂર પડવાની નથી. એટલે, બુલેટ ટ્રેનના રેશમી રુમાલ થકી નાગરિકોની આંખે પાટા બાંધી દેવાનો ઇરાદો હોય તો એ નહીં ફળે, એટલું સમજવું પડે અને કહેવું પણ પડે

Friday, September 15, 2017

ધર્મ-અધ્યાત્મના નામે અવિરત શોષણ

દુનિયાના મોટા ભાગના લોકો રાજકીય ગુલામીમાંથી આઝાદ થઈ ચૂક્યા છે, પણ તેમાંથી ઘણા ધર્મસસ્થાઓની ‘ગુલામી’માંથી મુક્ત થઈ શક્યા નથી. ‘ગુલામી’ શબ્દ પહેલી નજરે બંધબેસતો કે સાચો ન લાગે. કેમ કે, દેખીતી રીતે લોકો સ્વેચ્છાએ ધર્મ-સંપ્રદાયની સંસ્થાઓમાં કે ધર્મગુરુના શરણે જતા હોય છે. આદર્શ રીતે ધર્મ-અધ્યાત્મનો માર્ગ મુક્તિ આપનારો ગણાય છે, પણ અઢળક દાખલા પરથી કહી શકાય કે મોટા ભાગના લોકો માટે તે બંધનકર્તા બની રહે છે.

પરદેશી શાસનના સ્વરૂપમાં આવતી રાજકીય ગુલામી કરતાં પણ ધાર્મિક ગુલામી વધારે આકરી હોય છે. કારણ કે તે ‘પોતાના લોકો’  દ્વારા લાદવામા આવે છે અને તેનો બાહ્ય દેખાવ સાવ વિપરીત-–એટલે કે ઉદ્ધારનો-- હોય છે. ભારતનું અનહદ આર્થિક શોષણ કરનારા અંગ્રેજ રાજકર્તાઓમાંથી ઘણાનો દાવો હતો કે તે ‘અસંસ્કૃત’ ભારતને ‘સુધરેલુંં’ બનાવી રહ્યા છે--તેનો ઉદ્ધાર કરી રહ્યા છે. ઘણા ધર્મગુરુઓ પણ આ બાબતમાં જુદા નથી હોતા. નજીકના ભૂતકાળનો દાખલો લઈએ તો, ડેરા સચ્ચા સૌદાના હવે જેલવાસી ગુરમીત રામરહીમનો દાવો હતો કે તે મનોરંજન અને સંગીતની મદદથી યુવાનોને આડા રસ્તે જતા અટકાવે છે. અદાલતે વીસ વર્ષની સખત જેલની સજા કરી ત્યારે પણ ગુરમીત તરફથી સમાજકલ્યાણની પ્રવૃત્તિઓનો હવાલો આપીને, સજા ઘટાડવાની વિનંતી કરવામાં આવી હતી.

એ તો અદાલત હતી ને વીસ વર્ષની સજા થઈ ચૂકેલી, એટલે વિનંતી. બાકી, ‘એરણની ચોરી ને સોયનુ દાન’ ના ધોરણે કરાતી સેવાપ્રવૃત્તિઓ ધાર્મિક ગુરુઓ બધાં પાપ સંતાડવા માટે હાથવગી હોય છે.  એટલું જ નહીં, સેવાપ્રવૃત્તિની લાકડીથી ટીકાકારને ઝૂડી કાઢવાનું પણ સહેલું છે.

‘શોલે’મા ગબ્બરસિંઘ રામગઢના લોકોને કહે છે, ‘મારા તાપથી તમારું રક્ષણ કરવાના બદલામાં મારા માણસો તમારી જોડેથી થોડું અનાજ લઈ જાય, એ કંઈ જુલમ કહેવાય?’ શોષણ કરતા ધર્મગુરુઓ પણ આવું ‘ગબ્બર-લૉજિક’ વાપરે છે. (હકીકતમાં એમ કહેવુ જોઈએ કે ગબ્બરે આવા ધર્મગુરુઓનું લૉજિક વાપર્યું) ‘અમે તમારો ઉદ્ધાર કરીએ, સમાજની સેવા કરીએ ને બદલામાં તમારાં સંપત્તિ કે શરીરનો ઉપભોગ કરીએ, તેમાં આટલો બધો કકળાટ શો?’

--અને આ દલીલ તો ભક્તોમાંથી કોઈ સામે થવા જેટલી હિંમત બતાવે તેના માટે. બાકીના ટીકાકારોને ‘એ મારો ને મારા ભક્તો વચ્ચેનો મામલો છે. તેમાં સવાલ કરનારા તમે કોણ?’ એટલું કહીને ચૂપ કરી દેવાય છે.

સવાલ એ છે કે બહુમતી લોકોએ ગુલામી સ્વીકારી લીધી હોય ને કેટલાકને તો એમાં સુખભ્રાંતિ પણ થતી હોય, એટલે આઝાદીની વાત પડતી મૂકી દેવાની? કે બાકીના ગુલામોને તેમની ગુલામીનું ભાન કરાવવાનું? ગુરમીતના કિસ્સામાં જોવા મળ્યું તેમ, મહિલાનું શોષણ થતું હોય અને તેનાં ઘરનાં સભ્યો જ એ શોષણને છાવરતાં હોય--તેની ફરિયાદ પર ભરોસો ન મૂકતાં હોય એવું પણ બને. આવા સંજોગોમાં લડત ઓર કપરી બની જાય છેઃ અનુયાયીઓનાં ટોળાં સામે લડવાનું અને ઘરનાં લોકો સામે પણ લડવાનું. ધર્મના નામે સ્ત્રીનુંું તેની કે તેના કુટુંબીજનોની મરજીથી શોષણ નર્મદ-કરસનદાસ મૂળજીના જમાનાથી પણ જૂનું છે. છતાં તે ભૂતકાળ બન્યું નથી એ શરમજનક છે.

ક્યારેક ગુરમીત કે આસારામ જેવા કિસ્સામાં પાઘડીનો વળ છેડે આવે અને તેમને જેલભેગા થવાનો વારો આવે ત્યારે કુદરતી ન્યાયનો આનંદ થાય, પણ એ આશ્વાસનથી વિશેષ કંઈ હોતું નથી. કારણ કે આવી બાબતોમાં કુદરતી ન્યાય કામ કરતો નથી. ન્યાયનો પ્રયાસ માણસે જ કરવો પડે છે. અનુયાયીઓનાં ઝુંડ તથા આર્થિક-સામાજિક-રાજકીય વગની સામે પડીને ન્યાય મેળવવા કરતાં પણ વધારે અઘરું શું? એ કામ છે આવા કિસ્સા બનતા અટકાવવાનું. કેમ કે, તેમાં દુષ્ટ ધર્મગુરુઓ સામે નહીં, સમાજના લોકોમાં વ્યાપેલી અંધશ્રદ્ધા અને કથિત ધાર્મિક લાગણી સામે લડવાનું આવે છે.

આસારામ કે ગુરમીત જેવાના જેલયોગના કિસ્સા થાય ત્યારે હંમેશાં એ જાણવામા રસ પડે--અને ભાગ્યે જ જાણવા મળે--કે પછી તેમના અનુયાયીઓનું શું થયું? ઘણા અનુયાયીઓ પર કશી અસર થતી નથી અને એ પોતાની ભક્તિ ચાલુ રાખે છે, જ્યારે બીજા કેટલાકને આવા કોઈ ટેકાનો ખપ હોય છે. એટલે એ કોઈ બીજો ‘થડો’ શોધી કાઢે છે. અનુયાયીઓમાંથી ઘણા તો પ્રખ્યાત અને જાહેર જીવનનાં મોટાં નામ હોય છે, જે પોતપોતાની અસલામતીથી કે મહત્ત્વાકાંક્ષાઓથી ગ્રસ્ત હોય છે.  એ લાગણી તેમને આવા લોકોના શરણે જાય છે. નેતાઓ તો તેમાં સૌથી પહેલા. ભાજપના નેતાઓને મુસ્લિમ રૂઢિચુસ્તતાની સગવડીયા ટીકા કરવામાં એવી ‘કીક’ આવી જાય કે હિંદુ ધર્મને વગોવતા ને તેના નામે પાખંડ-દુરાચાર ચલાવતા લોકો દેખાય જ નહીં--અને દેખાય તો તે હિંદુ ધર્મના પ્રતિનિધિ લાગે. એટલે એવા લોકોની ટીકામાં તેમને ‘હિંદુ ધર્મને બદનામ કરવાનું કાવતરું’ દેખાય. કૉંગ્રેસ અને બીજા પક્ષો વાતો સૅક્યુલરિઝમની કરે, પણ મુસ્લિમોની રૂઢિચુસ્ત ધાર્મિકતા સામે તેમને વાંધો ન પડે અને વખત આવ્યે બીજા ધર્મના પાખંડી આગેવાનોનું શરણું લેતાં પણ તેમને જરાય સંકોચ ન થાય.

પોલીસ સ્ટેશનોમાં ઇષ્ટ દેવો ને અનિષ્ટ ધર્મગુરુઓના ફોટા હોય એટલું જ નહીં, આખેઆખા પોલીસ સ્ટેશનનના મકાનના પ્રાયોજક તરીકે કોઈ સંપ્રદાયનું કે ધર્મસ્થાનનું નામ લખેલું પણ જોવા મળે. (સરકાર પાસે પોલીસ સ્ટેશનો બાંધવાના પણ રૂપિયા નહીં હોય?) મંટોની એક લઘુકથામાં આવતું હતું કે સર ગંગારામના પૂતળાને જૂતાંનો હાર પહેરાવનાર ઘાયલ થાય ત્યારે તેને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ઘણી વાર એવો વિચાર આવે કે અમુક ધર્મસંસ્થાનું નામ ધરાવતા પોલીસ સ્ટેશનમાં એ જ સંપ્રદાયના કોઈની ધરપકડ કરવાનો વારો આવે તો?

ઘણાં ધર્મસંસ્થાનો સંપત્તિ અને પ્રભાવની રીતે કૉર્પોરેટનાં પણ દાદા જેવાં હોય છે. તેમની વ્યવસ્થા, ભપકો, ટેકનોલોજીનો ઉપયોગ વગેરે જોઈને સામાન્ય માણસ અંજાઈ જાય છે અને એ અંજાવાને ભક્તિ કે શ્રદ્ધા ગણી બેસે છે. આવાં જૂથો ફક્ત સ્થાનિક નહીં, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે પણ વ્યાપ ધરાવતાં હોવાથી, ઘણી વાર તે બિઝનેસ ક્લબ અને ઍમ્પ્લોયમૅન્ટ ઍક્સચેન્જનું કામ પણ કરે છે. બદલામાં અનુયાયીઓએ કૉમન સૅન્સ લખી આપવી પડે છે. તેનાથી ધાર્મિક અને આર્થિક એમ બન્ને જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળતી હોય અથવા એવી આશા ઊભી થતી હોય અને કેટલાક કિસ્સામાં સામાજિક દરજ્જો પણ મળતો હોય, તો શો વાંધો?

ધર્મ-અધ્યાત્મના નામે નીતાંત ભૌતિક સામ્રાજ્યો ઊભાં કરનારા, ગુંડાગીરી કરનારા કે તેને પોષનારા ભારતના આધ્યાત્મિક વારસાના પ્રતિનિધિ નહીં, ભારત માટે ધબ્બારૂપ છે.  આવા ‘ધબ્બા’ને ધર્મ ગણનારાને શું કહેવું?

Sunday, September 10, 2017

બીરેન મહેતાઃ 26 વર્ષ જૂની દોસ્તીનો, બસ એમ જ, આનંદ-ઑચ્છવ

દોસ્તી લંબાઈમાં નહીં, ઘટ્ટતામાં મપાય છે. આશિષ કક્કડ, ઋતુલ જોષી, આરતી નાયર, નિશા પરીખ...આ અધૂરી યાદી એવાં મિત્રોની છે, જે પ્રમાણમાં મોડાં મળ્યાં, પણ એવું લાગે જાણે એ મારાં કૉલેજકાળથી આજીવન અંગત બનેલાં મિત્રો છે. ઉષ્મા શાહ કે હજુ થોડા વખત પહેલાં મળેલાં નૂતન કોટક જેવાં, વાચક તરીકે પરિચયમાં આવનારાં પહેલી જ મુલાકાતમાં વર્ષોથી ઓળખતાં હોય એવાં, એકદમ અનૌપચારિક મિત્રો બની ગયાં. ડિમ્પલ મહેતાને ભૌગોલિક અંતરને કારણે મળવાનું માંડ થતું હોય, પણ વચ્ચે ગમે તેટલો ગાળો પડવા છતાં, મળીએ ત્યારે આત્મીયતાનો તાર તરત જોડાઈ જાય છે અને લાગણીમાં જરાય 'ટ્રાન્સમિશન લૉસ' આવતો નથી.

સંજય ભાવે વિશે હંમેશાં એવું લાગે કે જિજ્ઞેશ મેવાણી-વિજયસિંહ પરમાર-આશિષ વશીની જેમ હું પણ તેમના વિદ્યાર્થીઓની બૅચમાંનો છું,  એ લોકોની જેમ મારી સાથે પણ ભાવેસાહેબ અનન્ય સ્નેહ-આત્મીયતા રાખે છે ને એ લોકોની જેમ હું પણ ભાવેસાહેબ સાથે ભાર વગરનો, મસ્તી થઈ શકે એવો સંબંધ ધરાવું છું.  અપૂર્વ આશરનો પરિચય બારેક વર્ષ જૂનો, છતાં જ્યારે મળું ત્યારે લાગે કે નાનપણમાં ઓટલે બેસીને જેની સાથે સપનાં જોયાં હોય એવા દોસ્તને મળું છું. કેતન રૂપેરા કૉલેજમાં મારાથી એક વર્ષ પાછળ હશે ને અમારી દોસ્તી થઈ ગઈ હશે--એવું લાગે.  એ જુદી વાત છે કે કૉલેજકાળ 1.0 (1987-90)માં કોઈ સાથે એવી આત્મીય દોસ્તી થઈ નહીં. પણ કૉલેજ 2.0 (2012-2014)માં શૈલી ભટ્ટ, દીપક ચુડાસમા જેવાં મિત્રો સાથે ટકાઉ ને કાયમી લાગે એવી દોસ્તી (ઉંમરના મોટા, શૈલી સાથે તો બમણા, તફાવત છતાં) બંધાઈ.

પત્રકારત્વના મિત્રોમાંથી ઘણા બે દાયકા જૂના. ઘરમાં બીરેનવાળું મૉડેલ સૌથી નિકટના મિત્ર એવા મોટા ભાઈનું. દીપક સોલિયા-હેતલ દેસાઈ એ જ પ્રકારનાં લાગે. પ્રશાંત દયાળ,  પૂર્વી ગજ્જર પત્રકારત્વનાં આદિમિત્રો. તેમની સાથેની નિકટતા (જો વધી શકે તેમ હોય તો) વધ્યા જ કરે છે, એવું લાગે. નીલેશ રૂપાપરા, અનિલ દેવપુરકર, મનીષા જોષી પણ 'અભિયાન'માંથી મળેલાં અને જેમની સાથે અવિરત, જીવંત નાતો જળવાઈ રહ્યો હોય એવાં મિત્રો.  હર્ષલ પુષ્કર્ણા વળી સાવ અનોખો મિત્ર. 'અભિયાન'વાળા મિત્રોની જેમ તેની સાથે પણ બે દાયકાની દોસ્તી. તેને મળું ત્યારે મારા કરતાં અનેક ગણા વધારે જ્ઞાની, છતાં જેની સાથે નિરાંતે, હળવાશથી ને આત્મીયતાથી વાતો કરી શકાય એવા નાના ભાઈને મળતો હોઉં એમ લાગે. ફાલ્ગુની (હર્ષલ પુષ્કર્ણા) પણ કેવળ મિત્રપત્ની નહીં. અમારી મિત્રતામાં પૂરક અને અભિન્ન.

બે દાયકાવાળી રેન્જમાં હસિત મહેતા પણ આવે. જીવનની સાર્થકતા અને જીવનનો આનંદ—એ બન્નેનું ફિફ્ટી-ફિફ્ટી નહીં, સો-સો ટકા સંયોજન એટલે હસિત મહેતા અને પિંકી (લિમિષા) મહેતા. તેમને મળીને, તેમનાં અસંખ્ય અને મજબૂત કામ વિશે જાણીએ, એટલે આપણે બહુ કામ કરીએ છીએ એવો થોડો પણ ખ્યાલ પેઠો હોય તો તે નીકળી જાય. જીવનને માણવાના અને નક્કર કામ કરવાના અનેક ઉપક્રમોમાં એમનો સાથ, માર્ગદર્શન, મદદ કે પહેલ હોય. ચંદુભાઈ મહેરિયા અને હરીશભાઈ રઘુવંશી અત્યંત નિકટના મિત્રો. પોતપોતાનાં (એકબીજાથી સાવ જુદાં) તેમનું કામ તપની કક્ષાનું. તેના માટેના આદરને કારણે તેમની સાથે મૈત્રીની હળવી ક્ષણોની તો ખરી જ, સાથોસાથ સતત શીખવાનું મન થાય એવું પણ ઘણું હોય—અને એનો ભાર તેમના પક્ષે જરાય ન વર્તાય એ તેમની ખૂબી.

હિમાંશુ કીકાણી, મનીષ મહેતા, દિલીપ ગોહિલનો પરિચય ગુજરાતી 'ઇન્ડિયા ટુડે'થી. તેમની સાથેના સંબંધમાં જુદી જુદી રીતે બે દાયકાના ચઢાવઉતાર છતાં જૂની સાથીપણાની ખુશ્બુ જળવાઈ છે. હિમાંશુને મળવાનું ઓછું થાય, પણ આત્મીયતાનું જોડાણ 'ફૅવિકોલ' છાપ છે. 'સાર્થક પ્રકાશન'ના સાથી એવા કાર્તિકભાઈને મળીને, મારા કરતાં પણ વધારે મારું હિત ઇચ્છતા-મારી કાળજી રાખતા ને પ્રેમ કરતા મોટા ભાઈને મળતો હોઉં એવું લાગે. (ભલે એ ઉંમરમાં મારાથી એકાદ વર્ષ નાના હોય) અને ધૈવત ત્રિવેદી જેની પ્રતિભા માટે બહુ ભાવ હોય એવો ને વયમાં નાના હોવાની રૂએ રિસામણાં-મનામણાંના પણ હક ધરાવતો મિત્ર લાગે.

બીરેનના અને એ રીતે મારા પણ મિત્ર થયેલા IYC  મિત્રોની વળી જુદી મહાકથા છે. તે કદીક અલગથી લખીશ. હજુ બીજાં કેટકેટલાં નામ આંખ સામે દેખાય છે, પણ 'મિત્રોની સંપૂર્ણ વસતીગણતરી'નો પ્રેમભર્યો ઉપક્રમ ફરી ક્યારેક.  (એક કલાક વાત કર્યા પછી 'ફરી શાંતિથી વાત કરીએ' જેવું લાગે તો પણ વાંધો નહીં. જે છે, તે છે.)

***

કેવળ સમયનું માહત્મ્ય નથી, છતાં જેમની સાથેની દોસ્તી ને આત્મીયતા નાનામોટા ઘસરકા ગણકાર્યા વિના પચીસ-પચીસ વર્ષનો સમયગાળો વટાવી ગઈ છે, એવા મારા આદિમિત્રો ત્રણઃ

સ્કૂલનો મિત્ર પરેશ પ્રજાપતિ, જે 1985થી સાથે હતો ને 1986-7માં એની સાથેની દોસ્તી જામવા માંડી હતી. તે GSFCમાં જોડાયો,  વડોદરા સ્થાયી થયો, બીરેન (કોઠારી)નો પણ નિકટનો મિત્ર બન્યો અને તેના થકી પરિચય થયા પછી, હોમાય વ્યારાવાલાની અંતિમ અવસ્થામાં તેમની અનન્ય લાગણીથી સંભાળ રાખી. હવે તેનો કૉલેજિયન પુત્ર સુજાત અમારો મિત્ર છે.

બીજો મિત્ર બિનીત મોદી, જેની સાથે અમારા પ્રિય લેખક રજનીકુમાર પંડ્યાને કારણે સંપર્ક થયો, પછી પત્રવ્યવહાર અને 15 ઑગસ્ટ, 1992ના દિવસે પહેલી વાર મહેમદાવાદમાં મળ્યા. (હમણાં એ મિલનની પચીસમી વર્ષગાંઠ ગઈ.) લેખન-વાચન-પત્રકારત્વ સાથેના સીધા અને આડકતરા (આડા નહીં) સંબંધોને કારણે તથા વિલક્ષણ-સેવાભાવી પ્રકૃતિને લીધે બિનીત મોદીને આમ, ખાસ અને ખાસમખાસ--એમ અનેક પ્રકારના લોકો અંગત રીતે ઓળખે છે. અમારા બિનપત્રકારી મિત્રો અને નિકટનાં સગાંવહાલાં પણ બિનીતને સારી રીતે ઓળખે અને બીજાં ઘણાં સ્નેહીજનો હોવા છતાં, તેનું ઘર વર્ષો સુધી અમદાવાદમાં મારા રાત્રિરોકાણનું ઠેકાણું હતું એ જાણે..  બિનીત અને શિલ્પા અમારી કૌટુંબિક ઉજવણીઓમાં અચૂક સામેલ હોય. એ બે દાયકા પહેલાં થોડાં વર્ષ માટે દુબઈ ગયો, ત્યારે અમે મહેમદાવાદના ઘરે તેની ફૅરવૅલ પાર્ટી રાખી હતી.

હવે તેને ફરી થોડા સમય માટે ફૅરવૅલ આપવાની થઈ. કારણ કે તે BBCની નવી શરૂ થઈ રહેલી ગુજરાતી સર્વિસમાં જોડાઈને દિલ્હી પહોંચ્યો છે.

અને ત્રીજો મિત્ર, બીરેન મહેતા. મારા મહેમદાવાદ બહારના મિત્રોમાં બીરેન મહેતા સૌથી જૂનો (અમે 1991માં મળ્યા), પણ મારા મિત્રવર્તુળમાંતે એટલો જાણીતો નથી.  એટલે આ પોસ્ટમાં એના વિશે અને અમારા વિશે લખવું છે. કોઈ ખાસ કારણ નથી. પણ હમણાં જ મને ખ્યાલ આવ્યો કે તેની સાથેની મૈત્રી પચીસ વર્ષથી પણ વધારે જૂની થઈ અને જોતજોતાંમાં આટલાં બધાં વર્ષો વીતી ગયાં...
***

અમે મળ્યા ત્યારે એ 22નો ને હું 20નો. અમે બંને ગુજરાત રિફાઇનરીમાં ઍપ્રેન્ટીસ તરીકે પસંદ થયા. બીજા પણ લોકો હતા. તેમાંથી વડોદરાના કેતન ઉપાધ્યાય અને ગાંધીનગરના બીરેન મહેતા સાથે મારી દોસ્તી વધારે જામી. કેતન એકદમ છટાદાર, ફાંકડુ અંગ્રેજી બોલે, ચશ્મા પહેરે, સામેવાળાને આંજી શકે એવું વ્યક્તિત્વ. બીરેન પાતળો, સોટા જેવો. તેના શરીરના પ્રમાણમાં ખાસ્સી ભરાવદાર મૂછો. સરળ. સાલસ. સજ્જન--અને સજ્જનમાં હોય એવી ને એટલી (ખોટું કરવા અંગેની) ભીરુતા પણ ખરી.

રીફાઈનરીમાં અમારો સત્તાવાર હોદ્દો AO,CP (APP) એટલે કે અટેન્ડન્ટ અૉપરેટર, કૅમિકલ પ્લાન્ટ (ઍપ્રેન્ટીસ). તેમાં APP વાળો ભાગ સૌથી ચાવીરૂપ. તેના કારણે ઘણી વાર અમારી સાથે ઉતરતી કોટીનાં મનુષ્યપ્રાણીઓ જેવો વ્યવહાર થાય. રીફાઇનરીમાં આમ રજવાડું. સબસીડાઇઝ્ડ નાસ્તાની અને તેના માટેની કૂપનોની બોલબાલા. પંદર પૈસાની કૂપનમાંમાં ચા ને પંદર-પંદર પૈસામાં ગરમ નાસ્તાનું-સૂકા નાસ્તાનું પડીકું મળે. પચીસ પૈસાની કૂપનમાં અમુલ બટરનું ચકતું...એ વખતે બાદશાહી લાગે. જોકે, નાસ્તાનો ટાઈમ થાય એટલે કૅન્ટિનમાંથી પતરાનો મોટા લંબચોરસ, પટ્ટાવાળો ડબ્બો ખભે લટકાવીને આવતો જણ પહેલાં સાહેબ લોકોની અને કાયમી નોકરિયાતોની પાસે જાય. ત્યાંથી અમારા સુધી પહોંચે ત્યારે ઘણી વાર બટર અને સારો નાસ્તો હોય તો એનો ઘણો હિસ્સો ખાલી થઈ ચૂક્યાં હોય. IPCL, GSFC, રીફાઈનરીના કર્મચારીઓ આવી ઘણી ખાદ્યસામગ્રી કશા ક્ષોભસંકોચ વગર, લગભગ જન્મસિદ્ધ અધિકારની સ્વાભાવિકતાથી, ઘરે લઈ જાય. એ તેમને ફરજ પરના કલાકો દરમિયાન ખાવા-પીવા માટે મળે છે, એવું કોઈને કહેવાય પણ નહીં. (પછી અમે પણ એ નાસ્તો ટ્રેનમાં કરવા માટે લઈ જવા લાગ્યા)
પંદર પૈસાની ચા ને પચીસ પૈસાના બટરની સાખે અમારી દોસ્તી આગળ વધતી ગઈ.
રીફાઇનરીમાં ઍપ્રેન્ટીસશીપ માટે પસંદગી અને મેડીકલ ટેસ્ટનો ટેલીગ્રામ, 1991
ગુજરાત રીફાઇનરીનો ઍપ્રેન્ટીસશીપ માટેનો પત્ર
રીફાઇનરીના જુદા જુદા પ્લાન્ટમાં કામ તો કશું કરવાનું ન હોય. વિષય કે કામમાં મને જરાય રસ પણ ન મળે. બસ,  દોઢ વર્ષ પછી કાયમી થઈ જશું, એવી પૂરી ખાતરી (કારણ કે અમારી પહેલાં સુધી એવું જ બન્યું હતું)  રીફાઇનરીના વિશાળ પ્લાન્ટ એરિયામાં ફરવાનું, તેની વિશિષ્ટ વાસ છેક અંદર ઉતરી જાય. (હજુ પણ રેલવે સ્ટેશને ઉભો હોઉં અને પેટ્રોલનાં કે એલપીજીનાં ટૅન્કરવાળી ગુડ્ઝ ટ્રેઇન પસાર થાય ત્યારે રીફાઇનરીની-પેટ્રોલિયમની વાસ તાજી થાય છે) ઉપરાંત એકાદ ઉત્સાહી મિત્ર મોરપિચ્છ જેવા રંગના એવિએશન ટર્બાઈન ફ્યુલ (વિમાનમાં વપરાતા મોંઘાદાટ ભાવના બળતણ)ના મોટા પાઇપમાંથી ધધુડો પાડીને પોતાના સેફ્ટી શૂઝ સાફ કરે, એવી લીલાઓ જોવાની. હાજરી માટે અમારે કાર્ડ પંચ કરવાનું હોય. ઘણી વાર જવાના અને છૂટવાના ટાઇમે (મારા સહિતની) પ્રજા કાર્ડ પંચ કરી આવે, એટલે થયું. વચ્ચેના સમયમાં નગરચર્યા કે બીજું જે કરવું હોય તે કરે.  બીરેન (કોઠારી) IPCL ટાઉનશીપમાં રહે. એટલે હું અઠવાડિયામાં ત્રણ દિવસ ત્યાં હોઉં. એના લીધે બીરેન મહેતાને પણ બીરેન કોઠારી સાથે પરિચય થયો.

રીફાઇનરીમાંથી અમને ટ્રેનિંગ માટે ATI (Advanced Training Institute), મુંબઇ મોકલવામાં આવ્યા. છ મહિનાની ટ્રેનિંગ. તેમાં વેલ્ડિંગ, ફિટિંગ, લેથ ચલાવતાં શીખવાનું વગેરે. મોટા ભાગના લોકો માટે મુંબઈ નવું. ઇન્સ્ટીટ્યુટ છેક ચેમ્બુર પાસે. હું મારા કાકાને ત્યાં સાંતાક્રુઝ રહું. બીરેન પાસેના જ વિસ્તાર પાર્લામાં ખડાયતા ભવનમાં રહે. રોજ સવારે એક જ લોકલ ટ્રેનમાં અમે હોઈએ. બાંદ્રા ઉતરીને બસ પકડીએ. ATIની બે ટિકિટ લઈએ. ક્યારેક મરાઠી બોલવાનો ચસકો કરવા માટે 'દોન એટીઆઇ' એવું પણ કહીએ ને મનોમન વિચારીએ કે કંડક્ટર મરાઠીમાં ચાલુ પડી જશે તો લેનેકે દેને પડી જશે.

પહેલા જ દિવસે ATIની કૅન્ટિનમાંથી જમવાનું મંગાવ્યું. ખાનાંવાળી થાળી. તેમાંથી ફક્ત તળેલો પાપડ અને છાશ મોંમાં જાય એવાં હતાં. હવે શું કરવું? એ દિવસે તો વહેલા છૂટ્યા એટલે થોડા મિત્રોએ બાંદ્રામાં ઠેકાણાસરની એક રેસ્તોરાંમાં પંજાબી ખાધું. પણ રોજ એ પોસાય નહીં. અમારા મહિને 650 રૂપિયાના સ્ટાઇપેન્ડમાં મુંબઇ હતા ત્યાં સુધી મહિને બે હજાર રૂપિયાનું ભથ્થું મળવાનું હતું. છતાં તેમાંથી રોજ વ્યવસ્થિત રેસ્તોરાંમાં જમવું પોસાય નહીં. બીજી મુશ્કેલી એ કે મન મક્કમ કરીને ખર્ચ કરીએ તો પણ ચેમ્બુર ઇન્ડસ્ટ્રીયલ એરિયા. નજીકમાં સરખું રેસ્તોરાં ન મળે. એક-બે વાર થોડે દૂર આવેલા રેસ્તોરાંમાં થોડા મિત્રો ટેક્સી કરીને પહોંચ્યા. ખાવાનું ઠીક હતું. ભાવ પોસાય એવો હતો. પણ અમારા એક કસરતી મિત્રની ક્ષમતા જોઈને બે-ત્રણ દિવસમાં જ, રેસ્તોરાંવાળાએ રોટલીમાં કાંકરા શરૂ કરી દીધા. એટલે એ ઠેકાણું પણ બંધ થયું.

એ વખતે મેં અને મહેતાએ (એ વખતે બધા એકબીજાને અટકથી બોલાવતા હતા. IPCL, GSFC, રીફાઇનરી--બધે એવો જ રીવાજ હતો. કદાચ હજુ પણ હશે.) ઇન્સ્ટીટ્યુટની નજીકમાં એક નાની ખોલી જેવી દુકાન શોધી કાઢી. સાવ સાંકડી દુકાનમાં બહારના ભાગમાં ચા બનાવવાનો સામાન. અંદર સાવ સાંકડા ભાગમાં બે-ત્રણ ટેબલ ગોઠવેલાં. સ્વચ્છતાથી માંડીને મોકળાશ સુધીની બધી બાબતમાં એ ઠેકાણું નકામું. છતાં, ઇન્સ્ટીટ્યુટની કૅન્ટિનના અખાદ્ય ભોજન કરતાં જે મળ્યું તે ખરું. ત્યાં અમે કાચના ઉભા-લાંબા પ્યાલામાં બે-બે ચા પીતા, બ્રેડનું અડધું પેકેટ લેતા (જે આખા પૅકેટને પૅકિંગ સાથે જ વચ્ચેથી તોડીને આપવામાં આવતું) અને ચવાણું. ચાને લીધે બ્રેડ ગળે ઉતરતી ને ચવાણાને લીધે સ્વાદ લાગતો. આ ગોઠવણમાં હું ને બીરેન બે જ જણ.  ત્રીજા સાથીદાર કેતનને આ જગ્યા બહુ ડાઉનમાર્કેટ લાગી હતી (અને હતી પણ ખરી). એટલે એક વાર આવ્યા પછી એ ફરી ન આવ્યો. એ દુકાનના ગલ્લા પર બેસતા કાકા કાયમ રૂપિયા ગણવામાં ભૂલ કરે અને ઓછા રૂપિયા કાપે. પછી અમારે એમને સાચો હિસાબ સમજાવીને બાકીના રૂપિયા આપવા પડે.

વિષમ પરિસ્થિતિમાં રોજેરોજ ચા-બ્રેડ-ચવાણા સાથે દોસ્તી વધુ ને વધુ પાકી થતી ગઈ. ક્યારેક ઘરની ચા પીવાનું મન થાય ત્યારે બીરેન મારા કાકાના ઘરે આવતો. મારાં કાકી (પુષ્પાબહેન કોઠારી, દિવંગત) પ્રેમથી ચા પીવડાવતાં અને કહેતાં કે 'તને જ્યારે મન થાય ત્યારે તારે આવી જવાનું.’ મારા બીજા બે-ત્રણ, ઘરે આવેલા મિત્રોનો પણ કાકીએ આટલા જ પ્રેમથી સત્કાર કર્યો હતો. એટલું જ નહીં, મધ્યમ વર્ગીય હોવા છતાં અને મારા અત્યંત આગ્રહ છતાં, છ મહિના સુધી તેમણે મારી પાસેથી એક પણ રૂપિયો ન લીધો તે ન જ લીધો.

સ્ટાઇપેન્ડ લેવા માટે અમારે દર મહિને બાંદ્રામાં આવેલી ઇન્ડિયન ઑઇલની મુખ્ય ઑફિસમાં જવાનું. ત્યાંની સરસ કૅન્ટિનમાં બે-ચાર વાર જમ્યા હતા. બુફેની લાઇનમાં એકાદ વાર અમારી આગળ અભિનેતા અચ્યુત પોતદારને પણ જોયા હતા. કૅન્ટિનનું સબસિડાઇઝ્ડ જમવાનું અમને ખાસ્સું વૈભવી લાગ્યું હતું. અેટલે અમારી ગેંગની એવી ભાવના રહેતી કે જમવાના ટાઇમે જ સ્ટાઇપેન્ડ લેવા જઈએ. પણ ત્યાં જમવાના અમારા અધિકાર વિશે અમને શંકા રહેતી હતી અને અપમાન થવાની બીક પણ. એટલે દરેક વખતે એ શક્ય બનતું નહીં.

એ વખતે મુંબઇમાં ફિલ્મસંગીતના ઇતિહાસકાર નલિન શાહ સાથે પરિચય અને પછી આત્મીયતા થયાં. નલિનભાઈ મારાથી લગભગ ચાર દાયકા મોટા. આકરા સ્વભાવ માટે જાણીતા. પણ મારી પર રીઝી ગયા. હું તેમના ઘરે જતો. ‘ફિલ્મ ઇન્ડિયા’ના દુર્લભ અંકો એ મને ઘરે વાંચવા લઈ જવા દેતા. તેમની ગેરહાજરીમાં પણ હું એ અંકો લઈ જઈ શકું, એવો અધિકાર તેમણે આપ્યો.  નલિનભાઈ ત્યારે પણ ઘણા પ્રસિદ્ધ હતા. મારા જેવા, એક સાવ અજાણ્યા, મહેમદાવાદ નામના કોઈ ગામેથી આવતા છોકરાને તેમણે શા માટે આટલો 'ભાવ' આપ્યો, એ મને સમજાતું નહીં. પણ એ મેળવીને હું ધન્ય થતો. એ અવનવી વાતો કરતા. 1930-1940-1950ના ગાળાના ફિલ્મસંગીતની દુનિયા મારાં આંખકાન સામે ખડી કરી દેતા. બીરેનને ફિલ્મસંગીતમાં વિશેષ રસ નહીં. છતાં 'મળવા જેવા માણસ' તરીકે એ નલિનભાઈને ઘરે મારી સાથે એક-બે વાર આવ્યો હશે.

***

મુંબઈથી સુખેદુઃખે છ મહિના પૂરા કરીને પાછા વડોદરા આવી ગયા, એ દરમિયાન અમારી દોસ્તી ખાસ્સી ગાઢ બની ચૂકી હતી. અહીં આવ્યા પછી થોડા વખતમાં ખબર પડી કે આપણી કાયમી થવાની શક્યતા 99 ટકા હતી, તે હવે સાવ ઢચુપચુ છે.

અમારી વ્યથાનો પાર નહીં. રીફાઇનરીની નોકરી માટે થઈને મેં રેલવેની, સાવ હાથમાં આવી ગયેલી--ત્રણ પરીક્ષા પછી ફક્ત મૅડિકલ ચેક-અપ બાકી હતું એવી--નોકરી જતી કરેલી. અને હવે રીફાઇનરીવાળા કહેતા હતા કે તમારે રવાના થવાનું છે. વ્યાકુળ બનેલા અમે શું કરવું તેના ઉચાટમાં રહેતા. કોઈને આઇડીયા સૂઝ્યો કે વકીલની મદદથી ટ્રેનિંગ સૅન્ટરના વડાને એકાદ પત્ર લખવો જોઈએ. કેતન ઉપાધ્યાયને કોઈ વકીલ ઓળખતો હતો. તે વકીલ પાસેથી પત્ર કરાવી લાવ્યો. તેમાં એવો આરોપ પણ હતો કે અમને 'સિસ્ટમેટીકલી બાયપાસ' કરવામાં આવી રહ્યા છે.
કૅનેડાસ્થિત કેતન ઉપાધ્યાય, તેનો પુત્ર અને બીરેન મહેતા,
અમે 'નવસર્જન'ની ઑફિસે મળ્યા હતા ત્યારે. 2009
ટ્રેનિંગ સૅન્ટરના વડા તરીકે તાલુકદાર નામના બંગાળી અફસર હતા. ઍપ્રેન્ટીસ તરીકે અમારું વજૂદ એટલું ગૌણ હતું કે અમને કોઈ ગણતું નહીં. પણ અમારો પત્ર-બૉમ્બ પહોંચ્યો એટલે તાલુકદારે અમને બોલાવ્યા. કેતન, બીરેન, હું અને બીજા થોડા લોકો અંદર ગયા. એટલે તાલુકદારે અમને ભયંકર ફાયરિંગ આપ્યું. ‘સિસ્ટમેટીકલી બાયપાસ્ડ’ એ શબ્દપ્રયોગ પર તાલુકદાર ભયંકર બગડ્યા હતા.
ગુજરાત રીફાઇનરીમાં અમારી ઍપ્રેન્ટીસ-બૅચની યાદી, છૂટા થવાની તારીખ સાથે

***

1993માં બીરેન મહેતા અને હું બન્ને બેકાર થઈ ગયા. બીરેનના પપ્પા પ્રવીણચંદ્ર મહેતા ગાંધીનગરમાં ગૃહ ખાતામાં ઊંચા હોદ્દે હતા. તેમણે ધાર્યું હોત તો બીરેનને સહેલાઈથી ઠેકાણે પાડી શક્યા હોત. પણ તેમણે બીરેનને પ્રેમથી, પોતાની રીતે જે થાય તેના પ્રયાસ કરવા કહ્યું. એટલે બીરેન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મચી પડ્યો.

રીફાઇનરી છોડ્યા પછી અમારી વચ્ચેનો સંપર્ક જળવાઈ રહ્યો હતો. મુખ્યત્વે પત્રવ્યવહારસ્વરૂપે. એ સમયના ઘણા પત્રોમાંથી નમૂનારૂપે અહીં એકાદ-બે મૂકું છું. તેમાંથી બીરેનના સરસ અક્ષર ઉપરાંત એ વખતની મનોસ્થિતિ અને અમારી આત્મીયતાનો પણ થોડો ખ્યાલ આવશે.
બીરેન મહેતાનો પત્ર
બીરેનના કહેવાથી મેં સ્પર્ધાત્મક પરીક્ષાનું ફૉર્મ તો ભર્યું, પણ તેની તૈયારી શી રીતે કરવાની એની કશી ખબર નહીં. એટલે એક વાર બીરેને મને ગાંધીનગર તેના ઘરે આવવા કહ્યું. સૅક્ટર 22/29ના બસ સ્ટેન્ડથી સાવ નજીક એનું ઘર. બીરેનના નિમિત્તે મેં પહેલી વાર ગાંધીનગર જોયું. તેનો નાનો પણ સરસ બંગલો હતો. તેમાંથી ફાટફાટ સમૃદ્ધિની ગુંગળામણ નહીં, પ્રેમાળ કુટુંબજીવનની હૂંફાળી અનુભૂતિ ઘેરી વળતી હતી. પરિવારમાં બીરેનનાં મમ્મી-પપ્પા અને નાની બહેન જિગુ (જિજ્ઞા). બધાંએ મને બહુ ઉષ્માથી આવકાર્યો. જિગુ એ વખતે સાવ નાની. બીરેન સાથે બહુ ફાવે. એની સાથે મારામારી જેવાં તોફાન પણ બહુ કરે. મારી સાથે પણ એ ખૂબ હળીમળી ગઈ.

પરંતુ જે કામ માટે આવ્યો હતો, એ ભારે મૂંઝવનારું પુરવાર થયું.  સ્પર્ધાત્મક પરીક્ષાની મારી તૈયારી સાવ અદ્ધરતાલ હતી, જ્યારે બીરેન અને તેના ગાંધીનગરના મિત્રો ભારે સૂઝ અને દૃષ્ટિથી મહેનત કરતા. 'તેઓ શું કરી રહ્યા છે (ને ખાસ તો, તેઓને શું કરવાનું છે) તેની તેઓને ખબર હતી.’ એ જોઈને મને થયું કે આમાં આપણો ગજ નહીં વાગે. એટલે હું ખાસ ઉત્સાહ વગર પાછો આવ્યો. પણ બીરેનના ઘરના સ્વરૂપમાં ગાંધીનગરમાં એક ઘર મળ્યાનો આનંદ થયો. એ ઘરે પછી ઘણી વાર જવાનું થયું. આજે પણ એ ઘરની અને તેના કૌટુંબિક હૂંફથી છલકાતા વાતાવરણની બહુ મધુર સ્મૃતિ મનમાં સચવાયેલી છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે નોકરી માટેના બીજા પ્રયાસ ચાલુ જ હતા. તેમાં મારે ગાંધીનગર પાસે આવેલી એક કંપની નામે Gujarat Perstorpમાં ઇન્ટરવ્યુ માટે જવાનું થયું. નોકરી મેળવવા માટે હું આતુર હતો. બલ્કે, હું નોકરી મેળવું તે ઘરની આર્થિક સ્થિતિ માટે ઇચ્છનીય હતું. ગાંધીનગર આમ તો દૂર પડે, પણ 'બીરેન છે' એવી હૈયાધારણ સાથે હું ત્યાં ગયો. એ મને તેના LML Vespa સ્કૂટર પર બેસાડીને લઈ ગયો. (બાકી, એ જમાનો 'હમારા બજાજ'નો હતો). એ કંપનીમાં મને અપૉઇન્ટમૅન્ટ મળી, પણ અપડાઉનની રીતે એ ગોઠવાય એમ ન હોવાથી માંડવાળ કર્યું. બીરેનને પણ ત્યાં અપૉઇન્ટમેન્ટ મળી હતી. થોડો સમય તેણે ગાંધીનગરની 'મધર ડેરી'માં કામ કર્યું. એમ તો મારી પાસે એનું 'ડાબર'ના મૅડિકલ રીપ્રેઝન્ટેટિવ તરીકેનું કાર્ડ પણ સચવાયેલું છે.

આ બધા સમયગાળાનો અમારી પાસે એક પણ ફોટો નથી. ફોટો પડે એવો પ્રસંગ 1995માં બન્યો. એ વખતે અમારા રાજસ્થાની ગાયક મિત્રો અમદાવાદ અને પછી મહેમદાવાદ આવ્યા. મહેમદાવાદમાં જૂના ઘરે અમે મહેફિલ રાખી. તેમાં સ્થાનિક મિત્રો અને બિનીત, પરેશ ઉપરાંત બીરેનને પણ કહ્યું હતું. અમે અગાઉ બે વાર રાજસ્થાની સંગીતનો જાદુ માણી ચૂક્યા હતા. એટલે સંગીતમાં ઊંડો રસ ન હોય તેમને પણ જલસો પડશે તેની ખાતરી હતી. એવું જ થયું. બીરેન ગાંધીનગરથી આવ્યો. રાત રહ્યો. મુખ્ય મહેફિલ પછી બીજા દિવસે ચાલેલી સંગીતમય ધમાલમસ્તી અને ડાન્સમાં પણ સામેલ થયો. એ વખતે અમારા કેટલાક ફોટા પડ્યા. આ ફોટામાં ત્રણમાંથી બે આદિમિત્રો- બીરેન અને બિનીત--મોજુદ છે.
(ઉપરથી) બિનીત મોદી, બીરેન મહેતા, બીરેન કોઠારી,
નીલેશ પટેલ (ડાબે) દિલીપ પંચાલ, 1995
ઉર્વીશ કોઠારી, બીરેન મહેતા, 1995
બીરેન અને બિનીત પણ એકબીજાને સારી રીતે ઓળખતા થઈ ગયા હતા.  પત્રકારત્વમાં જોડાવા માટે મુંબઈ ગયો ને બિનીત દુબઈ ગયો. થોડાં વર્ષ પછી બિનીત દુબઈથી કાયમ માટે આવી જવાનો હતો, ત્યારે એને લેવા માટે ઍરપૉર્ટ પર હું અને બીરેન (મહેતા) રજનીભાઇ સાથે તેમની ગાડીમાં ગયા હતા. તેના માટે આગલા દિવસે અમે બન્ને રજનીભાઈના ઘરે રાત રોકાયા હતા.

હું પત્રકારત્વમાં પ્રવેશ્યો તેની આસપાસના ગાળામાં, કદાચ મારાથી થોડોક વહેલો, બીરેન એકથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થયો અને છેવટે કસ્ટમ-ઍક્સાઇઝમાં ઇન્સ્પેક્ટર તરીકે જોડાયો.  અમારા રીફાઈનરીના ગ્રુપમાં બીરેનની 'તંદુરસ્તી' (એકવડિયો બાંધો)ની ઘણી વાર મસ્તી થતી. એ જ બીરેન કસ્ટમ-ઍક્સાઇઝમાં ઇન્સ્પેક્ટર બને અને બંદૂક ચલાવવાની તાલીમ મેળવે (કદાચ એમાં તેનો નંબર પણ આવ્યો હતો), એ અમારે મન બહુ આનંદમિશ્રિત રમુજ પ્રેરે એવી વાત હતી. 'મહેતાજીની બંદૂકબાજી' ઠીક ઠીક વખત સુધી મસ્તીનો વિષય રહી. એવા જ કોઈ સંદર્ભે કદાચ બીરેને તેનો આ ફોટો મોકલ્યો હશે.
બીરેન મહેતા
બીરેનનું લગ્ન પલ્લવી સાથે નક્કી થયું, ત્યારે અમારી દોસ્તી એવી હતી કે અડધો કલાક સુધી મેં પલ્લવી સાથે વાતચીત સ્વરૂપે તેનો 'ઇન્ટરવ્યુ' લઈ પાડ્યો. પલ્લવીએ પણ તેને આત્મીયતાના ભાગ તરીકે જોયો એટલું સારું થયું.  જોતજોતાંમાં પલ્લવી પણ મારી એટલી જ સારી મિત્ર બની. લગ્ન પછી ક્યારેક મિત્ર ખોવાનો વારો આવતો હોય છે. મારે તો 'એકકા દો' જેવું થયું.

હું પત્રકારત્વમાં કામ કરતો હતો તેનો બીરેન-પલ્લવીને રાજીપો હતો અને એ બન્ને સરસ રીતે કામ કરતાં હતાં તેનો મને આનંદ હતો. પલ્લવીના પિતા બૅન્કમાં હતા અને તેમનું અકાળે અવસાન થતાં પલ્લવીને બૅન્કમાં નોકરી મળી હતી. તેમના દાંપત્યજીવનનો હું વખતોવખત સાક્ષી અને સાથી બનતો. થોડો સમય તેમને ગાંધીનગરનો બંગલો છોડીને અલગ રહેવાના સંજોગો થયા અને તે ગાંધીનગર બસ સ્ટેન્ડની સામે ઉપરના માળે, કદાચ એક રૂમમાં રહેતાં હતાં, ત્યારે પણ હું ચહીને તેમને ઘેર ગયો હતો અને અમે ત્રણે રાબેતા મુજબ હસીખુશીથી સમય વીતાવ્યો હતો.

બીરેન અને પલ્લવી બન્ને સામાજિક. ધાર્મિક પણ ખરાં. મને સામાજિકવાળું ઓછું ફાવે ને ફવડાવવામાં રસ પણ નહીં. ધાર્મિકતાનું પણ એવું. છતાં, અમારી આત્મીયતામાં એ ક્યાંય વચ્ચે ન આવે. અમારી વચ્ચે મારા પ્રિય વિષયો એવા ફિલ્મસંગીત કે પુસ્તકોની વાત પણ ભાગ્યે જ થાય. હા, બીરેનને વાંચવાનો શોખ ખરો. રાહુલ સાંકૃત્યાયનનું નામ પહેલી વાર મેં એની પાસેથી સાંભળેલું  અને એણે જ કદાચ મને 'વૉલ્ગાથી ગંગા’ આપેલું. એમ તો હું અમારી રીફાઇનરી ત્રિપુટીના કેતન ઉપાધ્યાયનો પણ એક વાતે આજીવન આભારી રહીશ કે રીફાઇનરીના ગાળામાં એણે મને સ્વામી આનંદનું 'ધરતીની આરતી'  આપ્યું-- મને આવું બધું વાંચવાનો રસ છે એ જાણીને. ત્યાં સુધી મેં સ્વામીનું નામ સુદ્ધાં સાંભળ્યું ન હતું.

***

બીરેન-પલ્લવીને ત્યાં દીકરી આવીઃ રિયા. એ વખતે મેં રિયાને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેનાં માતાપિતા અને ફોઈનો મસ્તીભર્યો પરિચય આપ્યો હતો. એવો જ એક પત્ર તેમના પુત્ર વ્યોમના જન્મસમયે પણ લખ્યો. (આ સિલસિલો ત્યાર પછી મિત્ર અશ્વિન ચૌહાણ-સોનલ પંડ્યાને ત્યાં પુત્રી આવી એવા બીજા એક-બે પ્રસંગે પણ આગળ ચલાવ્યો હોવાનું યાદ આવે છે) અમે બન્ને પોતપોતાના ક્ષેત્રમાં કામ કરતા હતા અને એકંદરે સ્થાયી હતા. બીરેનને સરકારી--ખાસ કરીને તેના વિભાગની નોકરીમાં હોઈ શકે એવી શાંતિ હતી ને હોઈ શકે એવા પ્રશ્નો પણ હતા. પલ્લવીને નોકરીની સાથોસાથ સંતાનો ઉછેરવાની જવાબદારી આવી. પણ એ મજબૂત હતી. એ સિવાય, નાનામોટા ચઢાવઉતાર વેઠ્યા પછી પણ બીરેન-પલ્લવીએ તેમની પુત્ર-પુત્રવધુ તરીકેની ફરજો, જોનારની આંખ ઠરે એ રીતે નિભાવી. દરમિયાન તેમને વડીલોની અને ક્યારેક પોતાની તબિયતના પ્રશ્નો થયા. છતાં, એકબીજાના મજબૂત ટેકે તેમનો સંસાર સરસ રીતે આગળ વધ્યો. ગાંધીનગરમાં મોટો બંગલો થયો.
પલ્લવી- બીરેન મહેતા
પછી બન્ને જણની નોકરી અમદાવાદ થઈ. તેમણે મણિનગરમાં સ્ટેશનની સાવ નજીકમાં ફ્લૅટ લીધો. એ અરસામાં અમારા મળવાના પ્રસંગો ખૂબ વધ્યા. હું ટ્રેન ચૂકી જઉં અને બીજી ટ્રેનને વાર હોય એટલે ત્યાં જતો રહું. બીરેન આવવામાં હોય અને એ ન હોય તો પણ પલ્લવી સાથે ગપ્પાં મારું. ચા-નાસ્તો કરું. એકદમ પોતીકું લાગે.  એ ઘર પછી તેમણે પાંજરાપોળ ચાર રસ્તા નજીક બંગલો લીધો અને ત્યાં રહેવા આવ્યાં. એ ઘણી રીતે મારા રસ્તામાં આવે. બહુ વખત થયો હોય એવું લાગે એટલે હું ત્યાં જઈ આવું. એ બંને એક યા બીજી સાંસારિક જવાબદારીમાં ઉલઝેલાં હોય. વર્ષો સુધી એવું રહ્યું. સંજોગો સામે લડતાં હોય, થાકતાં હોય ને ફરી જુસ્સાથી લાગી પડતાં હોય. તેમને જોઈને હું સોનલને હંમેશાં કહું કે 'આ બંને જણના ભાગે થોડો ઓછો સંઘર્ષ હોત તો કેટલું સારું થાત?’

બીરેનને ટ્રૅકિંગનો ઘણો શોખ. તેનું શરીર પણ આટલાં વર્ષોથી એકધારું એકવડિયું રહ્યું. પચીસ વર્ષમાં એના વાળના રંગ અને જથ્થા સિવાય ઝાઝો ફરક પડ્યો હોય એવું લાગતું નથી. ટ્રૅકિંગના શોખની સાથે, કદાચ સાહસયાત્રાના હિસ્સા તરીકે, તેને મારુતિ જિપ્સી કારનું ઘણું આકર્ષણ હતું. મને વાહનોમાં જરાય રસ કે લગાવ નહીં. છતાં બેકારીના અરસામાં બીરેન ઘણી વાર અડધું ગમ્મતમાં ને છતાં કંઈક ગંભીરતાથી કહેતો, ‘કોઠારી, આપણે પણ જિપ્સી લાવીશું ને એમાં ફૅમિલી સાથે ફરવા જઈશું. થોડાં તારાં છોકરાં હશે. થોડાં મારાં છોકરાં હશે. એ આપણા ખભે ચઢીને મસ્તી કરતાં હશે...’

હમણાં થોડા વખત પહેલાં મળ્યો ત્યારે મેં બીરેનને પૂછ્યું હતું કે 'જિપ્સીનું કેવું?’ ત્યારે પલ્લવીએ હસીને કહ્યું હતું, 'એને હજુ જિપ્સી બહુ ગમે છે.’

હવે તો બીરેન સહેલાઈથી જિપ્સી લાવી શકે એમ છે. (એક કાર તો છે જ) છોકરાં એને બે ને મારે એક છે. એ પણ અમારા ખભે ચઢીને મસ્તી કરવાની ઉંમર વટાવી ગયાં. છતાં, હજુ એ કલ્પનાનો રોમાંચ તાજો કરવો ગમે છે.

બધી કલ્પનાઓ સાકાર કરવી જરૂરી નથી હોતી. પણ તેમને જેટલી વાર યાદ કરીએ એટલી વખત તેની પાછળ રહેલી મૈત્રીની લાગણી અને 26 વર્ષ પછી પણ એ લાગણીની તીવ્રતા ઓછી થઈ નથી તેનો સુખદ અહેસાસ મનને તૃપ્તિથી ભરી દે છે. 

Monday, September 04, 2017

રંગભેદગ્રસ્ત અમેરિકા અને 'હિંદુ રાષ્ટ્ર'

શ્રીલાલ શુક્લલિખિત વિખ્યાત હિંદી વ્યંગ નવલકથા રાગ 'દરબારી'માં, એક (ભ્રષ્ટ) પોલીસ પોતાનો દબદબો ખતમ થઈ ગયો એની વાત કરતાં, જીવનની સૌથી ખેદપૂર્ણ ઘટના વિશે કહે છે, 'એ તો આઝાદી મળી ગઈ એટલે. બાકી, ભલભલા મારી રાહ જોતા બેઠા હોત.’ હા, ભારતને આઝાદી મળી એ તેના જીવનની સૌથી ખેદપૂર્ણ ઘટના છે.

હિંદુ રાષ્ટ્ર અથવા હિંદુ સર્વોપરિતામાં રાજકીય શ્રદ્ધા ધરાવનારા ઘણા લોકોને મન અંગ્રેજોથી મળેલી આઝાદીનું એટલું મહત્ત્વ ન હતું, જેટલું હિંદુ રાષ્ટ્રની અને હિંદુ સર્વોપરિતાની સ્થાપનાનું હતું. ગાંધીજીની હત્યા પછી રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ પર મૂકાયેલો પ્રતિબંધ શરતી ધોરણે હટાવવામાં આવ્યો, ત્યારે એક શરત એ હતી કે સંઘે દેશના બંધારણનો સ્વીકાર કરવો.  રાષ્ટ્રપ્રેમી કે રાષ્ટ્રવાદી હોવાનો દાવો કરતા ઘણા લોકો માટે રાષ્ટ્ર એટલે 'હિંદુ રાષ્ટ્ર', જેમાં ભૂતકાળની સત્યકથાઓ અને દંતકથાઓની જબરી સગવડીયા ભેળસેળ થયેલી હોય છે.

આ પ્રકારની લાગણી ધરાવનારા લોકો હિંદુઓમાં રહેલા આંતરિક ભેદભાવ વિશે કેવું વર્તન કરશે એ નક્કી નથી હોતું (અને ઘણાએ એ વિચારેલું પણ નથી હોતું). પરંતુ સરેરાશ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પ્રત્યે તેમનો ખાનગી અથવા જાહેર અભિગમ વિરોધનો હોય છે--અને તેની માત્રા સાદા અભાવથી માંડીને હળહળતા ધીક્કાર સુધીની હોઈ શકે છે. આવી નકારાત્મક લાગણી પર તે હિંદુ ધર્મનો કે રાષ્ટ્રપ્રેમનો સોનેરી ઢોળ ચડાવવાનો પ્રયાસ કરે છે અને ઘણી વાર સફળ પણ થાય છે. ધીક્કારના બળતણથી ચાલતી તેમની ગાડીમાં સેવાનું અને શિસ્તનું ઑઇલ હોય છે ને વ્યક્તિગત સારપો પણ ખરી.  છતાં, વિચારધારા કે સંગઠનના મૂળભૂત પોતની વાત આવે ત્યારે બળતણ સૌથી પ્રભાવી બને છે.

આવી સ્થિતિ સિત્તેર વર્ષથી આઝાદ થયેલા ભારતમાં જ નહીં, દોઢસો વર્ષ થયે 'યુનાઇટેડ' થયેલા અમેરિકામાં પણ છે. ત્યાંનો ઇતિહાસ ધોળા લોકોએ કાળા લોકો પર ગુજારેલા ગુલામી પ્રથા સહિતના અમાનવીય અત્યાચારોનો છે.  ત્યાં હજુ પણ એવી કેટલીક ધોળી પ્રજા છે, જેમને ગુલામી પ્રથા કે રંગભેદ સત્તાવાર રીતે નાબૂદ થયાં એ કદાચ અમેરિકાના ઇતિહાસની સૌથી ખેદપૂર્ણ ઘટના લાગે છે.  ગુલામીના ઇતિહાસથી તેમને શરમ નથી કે ગુલામીની તરફેણ કરનારા ભૂતકાળના 'હીરો’ સામે તેમને વાંધો નથી. કાળા અને હકીકતમાં ધોળા સિવાયના બધા લોકો તેમને દેશના દુશ્મન અથવા 'માપમાં રાખવા જેવા' લાગે છે. પોતાના વિશે તેમનો ખ્યાલ 'રાષ્ટ્રવાદી' હોવાનો છે, પણ બીજા લોકો તેમને વ્હાઈટ સુપ્રીમસિસ્ટ્સ (ધોળા લોકોની સર્વોપરિતામાં માનનારા), વ્હાઈટ નેશનલિસ્ટ્સ (ધોળા રાષ્ટ્રવાદીઓ), નીઓ- નાઝી (નવેસરથી અસ્તિત્વમાં આવેલા હિટલરશાઈ વિચારધારાના સમર્થકો) જેવાં વિશેષણોથી ઓળખે છે. તેમના માટે પહેલાં ટીકાભાવથી અને હવે સ્વીકૃત રીતે વપરાતો શબ્દપ્રયોગ છેઃ 'ઑલ્ટ રાઈટ'.

અમેરિકાના ઇતિહાસમાં 'કુ ક્લક્સ ક્લાન' જેવાં ધોળા લોકોનાં હિંસક અને રંગદ્વેષી સંગઠનનો પણ લોહીયાળ ઇતિહાસ છે. એ સંગઠન ફરી વખત અંશતઃ સક્રિય થયું હોવાના અને અમુક પ્રકારની હિંસા કે દેખાવો તેના દ્વારા થતા હોવાનું પણ કહેવાય છે. આવી વિચારધારા ધરાવનારા માને છે કે અમેરિકા પર ધોળા લોકોનો પહેલો અધિકાર છે અને સામાજિક સમાનતા કે સામાજિક ન્યાયના નામે ધોળા લોકોને તેમના એ 'અધિકાર'થી વંચિત રાખવામાં આવે છે. એટલે કે, ધોળા લોકોને 'અન્યાય' થઈ રહ્યો છે.

અમેરિકા મૂળ તો રેડ ઇન્ડિયન આદિવાસીઓનું હતું. યુરોપીઅનોએ તેમનો ખાતમો કર્યો ને અંગ્રેજોએ (ભારતની જેમ) અમેરિકાને પોતાનું સંસ્થાન બનાવ્યું. આઝાદીની લડત પછી અંગ્રેજોને તો તેમણે ઘરભેગા કર્યા, પણ અંદરોઅંદરની અસમાનતા અને ગુલામીપ્રથા ચાલુ રહી. આ ખેંચતાણ છેવટે લોહીયાળ ગૃહયુદ્ધમાં પરિણમી. ગુલામીપ્રથાના વિરોધી અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ બન્યા પછી દક્ષિણ અમેરિકાનાં ગુલામીસમર્થક સાત રાજ્યોએ ઉત્તર અમેરિકાનાં 'યુનિઅન’ તરીકે ઓળખાતા રાજ્યસંઘથી છેડો ફાડી નાખ્યો અને 'કન્ફૅડરેટ સ્ટેટ્સ ઑફ અમેરિકા'ની સ્થાપના કરી. આગળ જતાં બીજાં ચાર રાજ્યો પણ તેમાં જોડાયા અને તે અગીયાર રાજ્યોનો સંઘ (કન્ફૅડરેશન) બન્યો. ઉત્તરનાં અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે ચાર વર્ષ લડાઈ ચાલી. તેનો મુખ્ય મુદ્દો ગુલામી અને ધોળા લોકોની સર્વોપરિતા ચાલુ રાખવી કે નહીં એ હતો. છેવટે દક્ષિણનાં ગુલામીતરફી રાજ્યોની હાર થઈ.

જૂનાં ગુલામીતરફી રાજ્યો દોઢસો વર્ષથી અમેરિકાનો ભાગ છે, પરંતુ હજુ ત્યાં ધોળા લોકોની સર્વોપરિતાનો ખ્યાલ કેટલાક લોકોને વહાલો લાગે છે. ત્યાં ઠેકઠેકાણે ગુલામીતરફી લડવૈયાઓનાં સ્મારક અને પૂતળાં પણ છે. દક્ષિણનાં અગીયાર પૈકી એક વર્જિનિયા રાજ્યના શાર્લોટ્સવિલમાં એક પૂતળું ગુલામીતરફી સૈન્યના સેનાપતિ રૉબર્ટ લીનું હતું. તેને સ્થાનિક લોકોએ લોકશાહી ઢબે બહુમતીથી ઠરાવ કરીને પાડી નાખ્યું. (આવાં પૂતળાંનું શું કરવું તેની સત્તા સ્થાનિક લોકપ્રતિનિધિઓને આપવામાં આવી છે.)

બીજી તરફ 'અમેરિકાને ફરી મહાન' બનાવવા વિશે ટ્રમ્પની સંકુચિત, સ્વાર્થી, દ્વેષ અને રંગભેદયુક્ત 'સમજ'ને કારણે રંગભેદગ્રસ્ત ધોળા લોકોને પોતાનું રાજ આવી ગયું હોય એવું લાગ્યું હતું. એમાં રંગભેદના વિરોધીઓ રૉબર્ટ લીનું પુતળું હટાવી દે તે કેમ ચાલે? એટલે ઑલ્ટ રાઇટ ('ધોળા રાષ્ટ્રવાદી') જૂથે 12 ઑગસ્ટના રોજ શાર્લોટ્સવિલમાં 'યુનાઇટ ધ રાઈટ' (જમણેરીઓ, એક થાવ) રેલી કાઢી. રંગભેદના વિરોધી લોકોએ પણ સામે રેલી કાઢી. તેમાં એક ડ્રાઇવરે રંગભેદવિરોધી લોકોની રેલીમાં પૂરપાટ ગાડી ચડાવી દીધી. આ હુમલામાં એકનું મૃત્યુ થયું અને બીજા ઘણાં ઘાયલ થયાં.

આ ઘટના વિશે ટ્રમ્પે પહેલાં ઘટનાની વિગતમાં ગયા વિના સામાન્ય ખેદ પ્રગટ કર્યો, પણ બે દિવસ પછી તે 'ઑલ્ટ રાઇટ'ના બચાવમાં ઉતરી પડ્યા. આવાં (ગુલામીતરફી યોદ્ધાનાં) પૂતળાં દૂર કરવાની પ્રવૃત્તિને તેમણે ઇતિહાસ ભૂંસવા બરાબર ગણાવી અને કાલે ઉઠીને બીજા મહાન નેતાઓનાં પૂતળાંનું પણ આવું થશે, એવો ટોણો માર્યો.

ભારતના-ભાજપના રાજકારણની યાદ આવે એ રીતે તેમણે, હિંસા બદલ બન્ને પક્ષોને સરખા જવાબદાર ઠેરવ્યા. હિંસક-ભેદભાવયુક્ત વિચારધારાનો પ્રચાર કરનારા અને તેમનો વિરોધ કરનારા--એ બન્નેને સામસામા પલ્લામાં મૂકી દેવાથી  ન્યાયનું ત્રાજવું સરભર થઈ ગયું, એવો દાવો ભારતમાં પણ થાય છે. કોમવાદનો વિરોધ કરનારા સૌને પહેલાં સ્યુડો-સૅક્યુલર અને હવે તો ફક્ત સૅક્યુલર કહી દેવામાં આવે એટલે થયું. સત્તાધીશો જમણેરી વિચારધારા ધરાવતા હોય અને આત્યંતિકતાને છૂપો કે પ્રગટ ટેકો આપતા હોય, ત્યારે કોમવાદનો વિરોધ કરનારા સામે એટલું ઝેર ઓકવામાં આવે છે, જાણે સૅક્યુલર લોકો જ બંદૂકો-તલવારો લઇને હિંસા કરતા હોય ને એ જ દલિતોને જાહેરમાં ફટકા મારતા હોય ને ગાયના રક્ષણના દાવા કરીને હત્યાઓ કરતા હોય.

અમેરિકામાં 'ઑલ્ટ લેફ્ટ' જેવા લેબલ દ્વારા કટ્ટરતાનો-રંગદ્વેષનો વિરોધ કરનાર બધાને (આપણા 'સેક્યુલર'ની જેમ) એક લાકડીએ હાંકવાની કોશિશ ચાલતી હોય એવું લાગે છે. ખરેખર તો ભારતે અમેરિકાના વ્યક્તિસ્વાતંત્ર્ય અને નાગરિકી જાગૃતિના રસ્તે જવાનું હતું, પણ અત્યારે અમેરિકા ભારતના રસ્તે હોય એવું લાગે છે. ફરક હોય તો અમેરિકાના જાગ્રત નાગરિકો અને પ્રસાર માધ્યમોના મોટા સમુહનો, જે (ભારતની જેમ) ભક્તિ કે શરણાગતિના ખાંચામાં ઢળી જાય એવું જણાતું નથી.
(23-8-17)