Thursday, December 31, 2009

તારક મહેતાના ખબરઅંતર

તારકભાઇની ૮૦મી વર્ષગાંઠની પોસ્ટના પ્રતિભાવ હજુ ચાલુ છે, ત્યાં પરમ દિવસે મોડી રાત્રે તારકભાઇને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર મળ્યા. નાના પાયે હેમરેજ અને ન્યૂરોપ્રોબ્લેમ હોવાનું આરંભિક પરીક્ષણમાં જણાયું. થોડા કલાક આઇ.સી.યુ. (એટલે કે ‘વી કાન્ટ સી હીમ!’)માં રાખ્યા પછી તેમને ભયમુક્ત ગણીને રૂમમાં ખસેડવામાં આવ્યા. તારકભાઇના ભાણેજ ડો.રામીલભાઇ ન્યૂરોસર્જન છે અને ડોક્ટરોમાં પણ તારકભાઇના ચાહકોની સંખ્યા મોટી છે. એટલે તારકભાઇ અત્યારે અમદાવાદની ‘સાલ હોસ્પિટલ’માં આરામ લઇ રહ્યા છે. આ સમાચાર તરત ન લખવાનું કારણ એટલું જ કે આ બ્લોગ છે- ન્યૂઝ ચેનલ કે ફોર ધેટ મેટર, ટ્વીટર નથીઃ-) અમુક પ્રકારના સમાચાર અહીં થોડા ઠરે પછી જ મૂકવામાં આવે છે.

આજે બપોરે તારકભાઇ-ઇન્દુકાકી જોડે તેમના રૂમમાં કલાકેક ગપ્પાંગોષ્ઠિ થઇ. બિનીતને કારણે તેમના સુધી સરળતાથી પહોંચવાનું શક્ય બન્યું.તારકભાઇની અકબંધ રમૂજવૃત્તિથી તેમની સ્વસ્થ માનસિક અવસ્થાની સુખદ સાબિતી મળે છે. અલકમલકની વાતોમાં હોસ્પિટલમાં થતા શેવિંગની વાત એમણે કરી. અસ્ત્રો લઇને આવેલા માણસને તેમણે ‘ચાળીસ વર્ષથી ઉછેરેલી’ મૂછો કાઢવાની ના પાડી દીધી અને ફક્ત દાઢી કરાવીને વિદાય કર્યા. તારકભાઇની મૂછો વિશે સામાન્ય છાપ એવી છે કે તેમને જુવાનીમાં રાજ કપૂરનો વહેમ હતો. પરંતુ વાતચીતમાં તારકભાઇએ કહ્યું કે તેમને હોલિવુડના એક્ટર રોનાલ્ડ કોલમેનનો વહેમ હતો! (અહીં મૂકેલી કોલમેનની તસવીર જોતાં તેમની વાત સ્પષ્ટ થઇ જશે.)

તેમના રૂમની બહાર સ્ટાફનર્સની મંડળીનું ટેબલ છે. ત્યાંથી સતત અવાજ આવતો હતો. બિનીતે અવાજ ઓછો કરાવવાની વાત કરતાં તારકભાઇ કહે,‘રહેવા દેને ભાઇ, રેડિયો ચાલુ હોય એવું લાગે છે. મઝા આવે છે.’ પલંગમાં તેમને એક બાજુ પર બેસાડ્યા હતા. ઇન્દુકાકીએ વચ્ચે ખસેડવાનું કહ્યું એટલે તારકભાઇ કહે,‘આ લોકો ‘પડી જશે, પડી જશે’ કરે છે- કેમ જાણે હું વાંદરો હોઊં ને કૂદાકૂદ કરતો હોઊં!’

તારકભાઇની તબિયત સુધારાના પાટે ચડી ગઇ છે અને બઘું બરાબર ચાલે તો રવિવારની આસપાસ તેમને રજા મળશે. ત્યાં લગી અને ત્યાર પછી પણ એમને અને ઇન્દુકાકીને ખલેલ કે તાણ ન પહોંચે એ રીતે શુભેચ્છા વ્યક્ત કરી શકાય તો વધારે સારૂં.

આ વર્ષની ૨૦૦મી પોસ્ટઃ તાલ પુરાવે દિલની ધડકન

થોડા વખત પહેલાં મુંબઇ ગયો ત્યારે રાબેતા મુજબ વયોવૃદ્ધ સંગીતકાર અજિત મર્ચંટને મળ્યો હતો. તેમણે ૧૯૪૯ની ફિલ્મ ‘દીવાદાંડી’ માટે સંગીતબદ્ધ કરેલું ગીત ‘તારી આંખનો અફીણી’ (કવિઃ વેણીભાઇ પુરોહિત, ગાયકઃ દિલીપ ધોળકિયા) દંતકથારૂપ લોકપ્રિયતા ધરાવે છે. અત્યાર સુધી મોટા ભાગના ગુજરાતી ગાયકો-સંગીતકારો એ ગીત પોતાના નામે ચડાવી ચૂક્યા છે. આ ગીત તેની રચનાનાં ૬૦ વર્ષ પછી, ૮૯ વર્ષના અજિતકાકા હાર્મોનિયમ સાથે ગાઇ બતાવે અને તેમનાં અડીખમ સાથીદાર નીલમકાકી વચ્ચે વચ્ચે શબ્દો પૂરે, એ ધન્ય રેકોર્ડિંગની લિન્ક સાથે, સૌને ૨૦૧૦ના વર્ષ માટેની શુભેચ્છા.

નોંધઃ ફિલ્મ ‘દીવાદાંડી’ની પ્રિન્ટ બોમ્બેની ફેમસ લેબોરેટરીમાં લાગેલી આગમાં બળી ગઇ હતી. પરંતુ વિદેશમાં- ખાસ કરીને પાકિસ્તાન કે ઇસ્ટ આફ્રિકાના દેશોમાં આ ફિલ્મની પ્રિન્ટ ક્યાંક પડી હોય એવી સંભાવના ખરી. ગીતના પ્રેમીઓ આ ફિલ્મની પ્રિન્ટ વિશે પણ જરા તસ્દી લઇને પોતાનાથી બનતી તપાસ કરી જુએ એવી વિનંતી.

Wednesday, December 30, 2009

સાન્તાક્લોઝ વિશે થોડા પ્રતિભાવ

કોંગ્રેસી નજરેઃ હમણાં સાન્તાક્લોઝનું નામ ન દેતા. લાલ રંગના અને ટોપી પહેરાવતા માણસો ડાબેરી ન હોય એની શી ખાતરી? ડાબેરીઓ જોડે માંડ છેડાછૂટકો થયો છે. હા, સાન્તાક્લોઝ દલિત હોય તો કહેજો. રાહુલબાબાને એમને ઘેર જમવા જવામાં રસ છે- અને સાન્તાક્લોઝ અમેઠી કે રાયબરેલીના છે, એવું કોઇ સંશોધન કરે એમ હોય તો ખાસ કહેજો અને તે ઇટાલીના છે એવું ભૂલેચૂકે કોઇ ન કહી જવું જોઇએ.
સાન્તાસિંઘને- આઇ મીન, સાન્તાક્લોઝને- અમરસિંઘ સાથે કેવું ભળે છે? આ તો જસ્ટ પૂછપરછ. કારણ કે અમરસિંઘને અવનવી પચરંગી પ્રજા સાથે ઘણું ભળતું હોય છે. અમરસિંઘના ખાસની યાદીમાં એ હોય તો નકામો એમની પાછળ ટાઇમ ન બગાડીએ.
ભાજપી નજરેઃ ભારતીય સંસ્કૃતિની કેવી ભવ્ય અને વિશ્વવ્યાપી પરંપરા! જુઓ, આપણા ઋષિમુનિઓનું જોઇને સાન્તાક્લોઝ પણ લાંબી જટા અને દાઢી રાખે છે. અમને શંકા છે કે તેમનું મૂળ નામ ‘સંત કુરૂશ્રેષ્ઠ’ હોવું જોઇએ, પણ દુષ્ટ યવનોને આટલું સંસ્કૃતમય નામ બોલતાં નહીં આવડ્યું હોય, એટલે તેમણે ભરૂચનું બ્રોચ અને મુંબઇનું બોમ્બેની જેમ સંત કુરૂશ્રેષ્ઠનું સાન્તાક્લોઝ કરી નાખ્યું હશે. આ કારણથી જ અમને વિદેશીઓ પર બહુ ખીજ ચડે છે. વિદેશી એટલે ન ઓળખ્યા? ભારત બહાર રહેતા બિનનિવાસી ભારતીયો નહીં- ભારતમાં રહેતા હિંદુ સિવાયના બીજા ધર્મના લોકો!
ડાબેરીની નજરેઃ વોટ અ વેસ્ટ! આપણા દેશમાં (ચીનમાં કે રશિયામાં?) લોકોને અંગ ઢાંકવા પૂરતાં કપડાં નથી અને એક બુઢ્ઢો માણસ લાલ ભડક કપડાં ને લાંબી ટોપી પહેરીને બુર્ઝવા મેન્ટાલીટી સાથે લોકોને ભેટો વહેંચી રહ્યો છે. આપણા સમાજને ક્રાંતિનાં મોજાંની જરૂર છે, જેમાં બધા મૂડીખોરો તણાઇ જાય. (પછી આપણે તેમની મૂડી વહેંચી લઇએ). એને બદલે, આ માણસ લોકોનું ઘ્યાન કપડાંનાં મોજાં ભણી લઇ જાય છે. લોકો આપણે બદલે કપડાંનાં મોજાં તરફ વધારે આશાભરી મીટ માંડે છે કે હમણાં એમાંથી કંઇક નીકળશે. આ એપ્રોચ ખતરનાક છે. એક કામ કરીએ? નંદીગ્રામની જેમ આપણી કેડર મોકલીને સાંતાક્લોઝનું અને એમની હરણગાડીનું રસ્તામાં જ ‘રિપેરિંગ’ કરી નાખીએ?
ગુપ્તચર તંત્રની નજરેઃ એક દાઢીધારી માણસ સંદેહાસ્પદ હાલતમાં, વિચિત્ર વાહન સાથે, કોઇ દેખીતા કામ વગર આખા શહેરમાં આંટાફેરા મારી રહ્યો છે. તેની દાઢી જોતાં તે અલ-કાયદા સાથે અને ડ્રેસનો કલર જોતાં તે માઓવાદીઓ સાથે સંબંધ ધરાવતો હોઇ શકે છે. દેશમાં આંતરિક સુરક્ષાની વર્તમાન સ્થિતિ ઘ્યાનમાં રાખતાં, આ માણસની વિના વિલંબે ધરપકડ કરવી જોઇએ અને બને તો તેની સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવો જોઇએ.
શિક્ષણબોર્ડની નજરેઃ સાન્તાક્લોઝ એકથી વધારે બાબતોમાં અમારા આદર્શ છે. ખભે મોટો કોથળો ઉપાડવાને કારણે સાંતાક્લોઝ આગળથી થોડા નમેલા જોવા મળે છે. અમારી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ દફતર ઊંચકીને ચાલતા હોય, ત્યારે તમે ઘ્યાનથી જોજો. તમને અદ્દલ સાંતાક્લોઝ જેવા- ભારથી બેવડ વળી ગયેલા જણાશે. બીજી ખાનગી વાત એ કે બોર્ડની પરીક્ષાઓમાં માર્ક આપવામાં પણ અમે સાન્તાક્લોઝને આદર્શ માનીએ છીએઃ ઉદાર હાથે લહાણી કરો. આપણે ક્યાં ખિસ્સામાંથી આપવાનું છે?
ગુજરાતી સાહિત્ય પરિષદની નજરેઃ કોઇ માણસ ખભે કોથળો નાખીને આ બાજુ આવતો જણાય છે. પસ્તીવાળો હોય તો ઉભો રાખજો. આપણાં કેટલાં બધાં પ્રકાશનો કેમે કરીને વેચાતાં નથી. (નજીક આવ્યા પછી) માણસ કપડાં પરથી સમૃદ્ધ લાગે છે. હરણગાડી લઇને આવ્યો છે. તો પછી આપણે રૂપિયાના અભાવની રોકકળ ચાલુ કરી દઇએ. પૂછી જુઓ, ડોનેશન આપવું હોય તો હજુ પરિષદના મેદાનને કોઇનું નામ આપ્યું નથી. પાણીના વોટરકૂલરને પણ કોઇના નામ સાથે જોડવાનું બાકી છે. સ્થિતિ સાવ ખરાબ હોય તો ગોવર્ધનરામના પૂતળા નીચે ‘દેખરેખ સૌજન્ય’ કરીને પણ તેમનું નામ મૂકી શકાય. ગુજરાતી સાહિત્યની સેવા માટે આપણે કંઇ પણ કરવા તત્પર છીએ.
ટ્રાફિક પોલીસની નજરેઃ એ કાકા, આમ બેફામ ઝડપે હરણગાડી હવામાં ઉડાડતા ક્યાં જાવ છો? પહેલાં અમદાવાદમાં રિક્ષા ચલાવતા હતા કે શું? લાયસન્સ-પીયુસી-આર.સી.બુક લાવો. અને તમારી આ ગાડીનું આર.ટી.ઓ.માં પાસિંગ કરાવ્યું છે? તમને ખબર છે, તમારી સામે આડેધડ ડ્રાઇવિંગથી માંડીને ગેરકાયદે વાહનમાલિકી સુધીના કેટલા ગુના દાખલ થઇ શકે છે? એક કામ કરજો. અમે તમને દરેક ગુનાની જુદી જુદી પહોંચ બનાવી આપીએ છીએ. આ વખતે લોકોના ઘરમાં જઇને મોજાંમાં ભેટ મૂકવાને બદલે, અમારી દંડની પહોંચો મૂકી દેજો. તમને પણ ખબર પડશે કે જેમના માટે તમે ટાંટિયાતોડ કરો છો એ લોકોને તમારી કેવીક પરવા છે!
વૃદ્ધ પેન્શનરની નજરેઃ મેં પહેલેથી નક્કી કર્યું હતું કે રિટાયરમેન્ટ પછી બીજું જે થવાનું હોય તે થાય, પણ ઘરમાં ન બેસી રહેવું. સવારથી નીકળી જવું ને સાંજે પાછા આવવું. સાન્તાક્લોઝની ઊંમર અને તેમની જે મળ્યું તે વાહન લઇને આખા ગામમાં ફરવાની તાલાવેલી જોઇને હું તરત સમજી ગયો હતો કે આ આપણા જેવો જ કોઇ માણસ લાગે છે. હોય એ તો. બઘું તમને નહીં સમજાય. એક વાર રિટાયર થાવ. પછી ખબર પડશે.
ભારતીય ક્રિકેટરની નજરેઃ મારી પહેલી નજર એમના કોરાકટ ડ્રેસ પર પડી. આખા ડ્રેસ પર ક્યાંય એક પણ કંપનીનો લોગો નહીં? ખરેખર, આ માણસનું જીવન એળે ગયું કહેવાય. એને ટેસ્ટમેચના જીવંત પ્રસારણમાં કોમેન્ટ્રી આપવા બોલાવી લેવા જોઇએ અથવા ભૂતકાળમાં એ કદી ક્રિકેટ રમ્યા હોય તો એમના નામે એકાદ ચેરીટી મેચ યોજવી જોઇએ.
નારીવાદી નજરેઃ સ્ત્રીઓના વાળ સાન્તાક્લોઝનાં દાઢી અને વાળની સંયુક્ત લંબાઇ કરતાં વધારે હોય છે. તેમનો ચોટલો સાન્તાક્લોઝની ટોપીના ફુમતા કરતાં વધારે ઝૂલતો હોય છે. છતાં કોઇ સ્ત્રી સાન્તાક્લોઝ કેમ ન બની શકે? સિમ્પલઃ કારણ કે આમાં કામ કરવાની વાત નથી. વાહન લઇને આખા ગામમાં રખડી ખાવાને અને લોકોનાં ઘર ગણવાની વાત છે. ચેન્જ ખાતર એવા સાન્તાક્લોઝની કલ્પના કરો, જે લોકોને ઘેર જઇને વાસણ ઘસતા હોય કે કચરા-પોતાં કરતા હોય. એ કલ્પનાચિત્રમાં પુરૂષને બદલે સ્ત્રી સાન્તાક્લોઝ દોરવાનું કોઇને શીખવવું નહીં પડે. આપમેળે લોકો સ્ત્રીને જ સાન્તાક્લોઝ તરીકે ચીતરશે.
સરકારી અફસરની નજરેઃ રેશનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, પાન કાર્ડ, લાઇટબિલની ઝેરોક્સ, રેસિડેન્સનું પ્રૂફ, ગયા વર્ષનું રીટર્ન, બધાં પ્રમાણપત્રોની એટેસ્ટેડ કોપી...આ બધાની અસલ અને નકલ સાથે અઠવાડિયા પછી આવજો...ઓહ, અચ્છા...તમે કંઇ લેવા નહીં, આપવા આવ્યો છો, એમ? તો નો પ્રોબ્લેમ. અમને આપવા માટે કોઇ પ્રમાણપત્રની અને આવતા અઠવાડિયા સુધી રાહ જોવાની પણ જરૂર નથી. આ રહી ખુરશી. બેસો.

Monday, December 28, 2009

તારક મહેતાની 80મી વર્ષગાંઠ

(Real) Tarak & Indu Maheta with 'Tapu' & 'Gogi' of Tarak Maheta ke ooltah chashmah

ઘણા લેખકો લેખક તરીકે વધારે મિડીયોકર કે માણસ તરીકે, એ નક્કી કરવું અઘરું પડે છે. તારકભાઇ જેવા કેટલાક લેખકોના કિસ્સામાં જુદી, સુખદ મૂંઝવણ થાય છેઃ એ લેખક તરીકે વધારે ઊંચા કે માણસ તરીકે એ નક્કી કરવું અઘરું છે. બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની જરૂર પણ નથી. સરળતા, લાગણી અને નિર્ભારપણું તારકભાઇના વ્યક્તિત્વની દુર્લભ ખાસિયતો છે. ઇન્દુકાકી ‘મહેતા’ના ક્ષેમકુશળનો દિલથી ખ્યાલ રાખે છે અને તબિયતની ગડબડો પછી બહારની દુનિયા સાથેનું એમનું મુખ્ય સંપર્કસૂત્ર બની રહ્યાં છે.
Mrs. & Mr. Asit Modi (stripped shirt), Mahesh Vakil (red T shirt) with Tarak & Indu Maheta

‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ની પ્રચંડ લોકપ્રિયતા પછી, તારકભાઇની ઓલરેડી દંતકથાસમી લોકપ્રિયતામાં આખેઆખી નવી પેઢીનો અને બિનગુજરાતીઓ ટીવી દર્શકોનો ઉમેરો થયો છે. સિરીયલના નિર્માતા આસિત મોદી ઇન્દુકાકી અને તારકભાઇના પુત્રવત્ સ્નેહી મહેશભાઇ વકીલ સાથે મળીને તારકભાઇ પર પ્રેમ ઢોળવાનાં અવનવાં કાવતરાં ગોઠવતા રહે છે. ‘ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ તેમાં હોંશભેર સામેલ થાય છે. એવું એક કાવતરું તારકભાઇની 80મી વર્ષગાંઠ (26 ડિસેમ્બર)ની આગલી સાંજે આસિતભાઇએ ગોઠવ્યું.

અમદાવાદની એક હોટેલમાં તેમણે તારકભાઇ માટે સરપ્રાઇઝ પાર્ટી રાખી હતી. મુંબઇથી ‘ઉલ્ટા ચશ્મા’ની ટીમના ઘણાખરા સભ્યો બસમાં – અને ડો.હાથી વિમાનમાં- 25 તારીખે અમદાવાદ આવી ગયા. રાત્રે ટીવી પત્રકારોની ભરપૂર હાજરીમાં નવની આસપાસ શરૂ થયેલી પાર્ટીમાં રાત્રે બાર વાગ્યે તારકભાઇએ કેક કાપીને 81મા વર્ષમાં પ્રવેશ કર્યો. સાડા બારની આસપાસ મહેમાનોએ એક પછી એક વિદાય લીધી ત્યારે નવેસરથી ડાન્સની રંગત ચાલી. તારકભાઇ તેમની નાજુક તબિયત અને સ્થિતપ્રજ્ઞ માનસિકતા સાથે વચ્ચે વચ્ચે એક-બે મિનીટ માટે ડાન્સમાં જોડાઇ જતા હતા.

આસિતભાઇએ તારકભાઇ-ઇન્દુકાકીને 81મા વર્ષના પ્રવેશ નિમિત્તે રૂ.1000ની 81 નોટોનો હાર પહેરાવ્યો. દયાનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ ‘આજ તક’ માટે તારકભાઇનો દયા-સ્ટાઇલમાં ઇન્ટરવ્યુ લીધો. રાત્રે એકાદ વાગ્યે પાર્ટી પૂરી થઇ અને બધા બહાર નીકળ્યા, ત્યારે હોટેલની બહાર પણ ઘણા લોકો ‘ઉલ્ટા ચશ્મા’ની ટીમને જોવા ભેગા થયા હતા. તારકભાઇ સાથેના સ્નેહસંબંધ ઉપરાંત એક ગુજરાતી લેખકનો આ રીતે જયજયકાર થાય – અને એ લેખક આછકલાઇના નામોનિશાન વગર બધું પચાવીને સ્વસ્થ-સામાન્ય રહી શકે, એ બન્ને બાબતોથી એકસરખો હરખ થાય છે.


વર્ષગાંઠના દિવસે 26મીએ સાંજે રાબેતા મુજબ બિનીત-પ્રણવ અને હું તારકભાઇના ઘરે ગયા. એ દિવસે પણ સવારથી લોકલ અને રાત્રે પરદેશના ફોનની વર્ષા વચ્ચે કેક કાપવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. સાંજે વધુ એક કેક કાપતી વખતે એક મહેમાને તારકભાઇના મોંમાં કેકનો ટુકડો મૂક્યો એટલે તારકભાઇ ઉવાચ, ‘અત્યારે મને કાપો તો અંદરથી કેક નીકળે.’
80મી વર્ષગાંઠને નિમિત્ત બનાવીને તારકભાઇએ દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિમાં આવતી તેમની કોલમ ‘બાવાનો બગીચો’ તબિયતનાં કારણોસર સમેટી લેવાની જાહેરાત કરી, જે 27-12-09ની પૂર્તિમાં તેમની કોલમ સાથે છપાઇ છે. કોઇ લેખક સામે ચાલીને, કોઇ જાતના મનદુઃખ વગર, પોતાનાં કારણોસર કોલમ બંધ કરે એવું બહુ ઓછું બને છે. અગાઉ રતિલાલ બોરીસાગરે ‘સંદેશ’માં પોતાની હાસ્યની કોલમ પણ આ જ રીતે, (દર અઠવાડિયે લખાતું નથી એ મતલબના કારણસર) સત્તાવાર જાહેરાત સાથે બંધ કરી હતી. દિવ્ય ભાસ્કરની ‘રસરંગ’ પૂર્તિમાં છેલ્લી કોલમ સાથે પ્રગટ થયેલું તારકભાઇનું લખાણ અહીં તેમના પ્રેમીઓના રેકોર્ડ ખાતર અહીં મૂક્યું છે.

Wednesday, December 23, 2009

2000-2009: દાયકાની સાથે અર્થ બદલતા શબ્દો

વિન્ડોઝ એટલે બારી નહીં અને માઉસ એટલે ઊંદર નહીં- એવાં ગયા દાયકાનાં બાળબોધી ઉદાહરણોની વાત નથી. એકવીસમી સદીના પહેલા દાયકામાં બીજા ઘણા શબ્દોના અર્થ અને તેની છાયાઓ બદલાયાં છે.

રેડિયોઃ ના, હજુ રેડિયોથી શાક સમારી શકાતું નથી કે રેડિયો પર ટીવી ચેનલો જોઇ શકાતી નથી. છતાં રેડિયોનું સ્વરૂપ સાવ બદલાઇ ગયું છે. હવે રેડિયો કહેતાં ઓલઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસ અને વિવિધભારતી કે બી.બી.સી. અને વોઇસ ઓફ અમેરિકા નહીં, ‘એફ.એમ.’ રેડિયો સ્ટેશનો યાદ આવે છે. એક જ ‘સ્ટેશન’ (રેડિયો પ્રસારણ) આખા દેશમાં સંભળાતું હોય એવો જમાનો વીતી ગયો. હવે અમદાવાદનો ‘રેડિયો’ જુદો છે ને વડોદરાનો જુદો. મિડીયમ વેવ અને શોર્ટવેવના તડતડાટી અને ઘરઘરાટી બોલાવતાં પ્રસારણોને હવે કોઇ સુંઘે પણ નહીં. કાચ જેવું ચોખ્ખું ડિજિટલ પ્રસારણ રેડિયોની પૂર્વશરત છે.

એફ.એમ.યુગમાં રેડિયો-રથની લોકપ્રિયતાની લગામ ઉદ્ઘોષકોના નહીં, આર.જે. (રેડિયો જોકી)ના હાથમાં હોય છે. સમાચારના રેડિયો પ્રસારણમાં સરકારે પોતાનો એકાધિકાર જાળવી રાખ્યો છે, પણ મનોરંજન માટે કેશકર્તનાલયના ગ્રાહકોથી કોલેજીયનો સુધીના વર્ગમાં એફ.એમ. બિનહરીફ છે. એફ.એમ.માં અંદરોઅંદર જોકે ઘણી હરીફાઇ છે. મોંઘીદાટ સરકારી લાયસન્સ ફી સામે ટૂંકાં અંતરમાં કાર્યક્રમો આપનાર એફ.એમ. ચેનલોમાંથી ઘણીખરી હાંફી રહી છે. છતાં, સરકાર તરફથી ‘રેવન્યુ-શેરીંગ મોડેલ’ની- (નિશ્ચિત નહીં, પણ આવકના આધારે લાયસન્સ ફી વસૂલવાની) નીતિની આશામાં એફ.એમ. સ્ટેશનો ચાલી રહ્યાં છે.

એમ તો ચોવીસ કલાકના સેટેલાઇટ રેડિયો પણ હવે નવાઇના ગણાતા નથી. દર મહિને ફી લઇને આ રેડિયોની ચેનલો ચોવીસે કલાક સુગમ-દુર્ગમ, ફિલ્મી-બિનફિલ્મી, શાસ્ત્રીય-પાશ્ચાત્ય સંગીત પીરસે છે. ડીશ એન્ટેના અને તેનું સેટિંગ માગતો સેટેલાઇટ રેડિયો હોય, ઇન્ટરનેટ પર વેબસાઇટ સ્વરૂપે આવતા રેડિયો હોય કે સેલફોનમાં ન જોઇએ તો પણ સાથે આવતી એફ.એમ.ની સુવિધા, તેમના થકી રેડિયોની લોકપ્રિયતામાં નવેસરથી ભરતી આવી એ હકીકત છે.

જૂનાં ગીતોઃ ભૂલેચૂકે સાયગલ-પંકજ મલિક-નૂરજહાં-ખુર્શીદ-કાનનદેવીને યાદ ન કરતા. તલત-મુકેશ-રફી-હેમંતકુમાર-મુબારક બેગમ-શમશાદ બેગમ-ગીતા દત્ત પણ નહીં. એફ.એમ.ના જમાનામાં જૂનાં ગીતો એટલે ‘રોજા’ અને ‘રંગીલા’નાં, ‘હમ આપકે હૈં કૌન’ અને ‘કભી ખુશી કભી ગમ’નાં ગીતો. એવાં ગીતો જે એફ.એમ. સાંભળનારી પેઢીના બાળપણનાં હોય- અને એફ.એમ. ટીન એજર્સ-યુવાવર્ગમાં વધારે લોકપ્રિય છે. કમ સે કમ, રેડિયો સ્ટેશનો એવું માને છે.

‘જૂનાં’ શબ્દ પર ભાર પડે ને ‘બહુ જૂનાં’ ગીતોની વાત આવે, ત્યારે રાત્રે અગિયાર વાગ્યાના સ્લોટ માટે રાજેશ ખન્નાયુગનાં ગીતોને યાદ કરવામાં આવે છે. ‘શોલે’નાં ગીતો પણ એ જ યુગનાં ગણવામાં આવે છે. સિત્તેરના દાયકાનાં કિશોરકુમારનાં ગીતો સાંભળીને ‘આહાહા! શું જમાનો હતો!’ એવું અનુભવતો મોટો વર્ગ અસ્તિત્ત્વમાં આવી ચૂક્યો છે.

વાયરસઃ કમ્પ્યુટરના વાયરસ આજકાલ કહેતાં ત્રણેક દાયકાથી અસ્તિત્ત્વ ધરાવે છે, છતાં મોટા ભાગના લોકોને તેમના વિશે જાણ ૨૦૦૦ના દાયકામાં થઇ. કમ્પ્યુટર ન વાપરતા- અને કેટલાક વાપરતા- લોકો માટે વાયરસનો સાદો અર્થ હતોઃ વિષાણુ. રોગ ફેલાવતા અને નરી આંખે જોઇ ન શકાય એવા ઉપદ્રવી જીવો, જેમને કાબૂમાં લેવા માટે રસી, ઇન્જેક્શન કે ગોળી લેવાં પડે. તેમને એ સમજાતું ન હતું કે માણસને ખાવા-પીવામાં ચેપ લાગવાથી વાયરસ આવે, પણ કમ્પ્યુટર જેવી નિર્જીવ ચીજને વાયરસનો ચેપ શી રીતે લાગે? અને વાયરસગ્રસ્ત કમ્પ્યુટરને ઇન્જેક્શન ક્યાં આપવાનું?

આ દાયકામાં ઇન્ટરનેટના પ્રતાપે વાયરસનો ફેલાવો અને ઉપદ્રવ વિશ્વવ્યાપી બન્યાં. કમ્પ્યુટરના વાયરસ જૈવિક નહીં, પણ તોફાની-શેતાની દિમાગોએ સર્જેલા સોફ્ટવેરના ટુકડા છે અને તેના મારણ માટે એન્ટી-વાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડે, એ સૌ જાણતા થયા. જૈવિક વાયરસ અને કમ્પ્યુટરના વાયરસ વચ્ચે એક બાબતે સામ્ય છેઃ તેમના અનેક પ્રકાર છે, તેમના વૈવિઘ્યમાં સતત ઉમેરો થતો રહે છે અને આ જગતમાંથી તેમનું અસ્તિત્ત્વ નાબૂદ કરવું અશક્ય છે.

આઇ.એસ.ડી. ઇન્ટરનેશનલ ફોન એટલે ૧૦૦ મીટર દોડના ખેલાડીની ઝડપે દોડતું મીટર, ટેલીગ્રામથી સહેજ લાંબી અને લોકલ ફોનથી ઘણી ટૂંકી વાતચીત, મસમોટું બિલ અથવા...ટેલીફોન ઓફિસના કોઇ કર્મચારીને (એ કાચના ન હોવા છતાં) ફોડીને કરવામાં આવતી અનંત વાતચીત. સીધા રસ્તે, સજ્જનતાપૂર્વક પરદેશ લાંબી વાત કરવાનું મોટા ભાગના લોકોના ગજાબહારનું હતું. ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં કેટલાક જાણકારોએ ઇન્ટરનેટના માઘ્યમથી ઘરમેળે કમ્પ્યુટરમાં સ્પીકર અને માઇક લગાડીને ‘નેટ ટુ ફોન’ પદ્ધતિથી વિદેશ રહેતાં સગાંવહાલાં સાથે ગપ્પાંગોષ્ઠિ ચાલુ કરી. ગોકળગાય ગતિ ધરાવતાં ડાયલ-અપ ડબલાંમાં અવાજ તુટે-કપાય-અટકે, છતાં ફક્ત ઇન્ટરનેટ કનેક્શનના ભાવમાં વિદેશ વાત કરવા મળે એનો રોમાંચ હતો.

હવે મોટાં શહેરોમાં જ નહીં, પાલિકાવિસ્તારોમાં પણ સાવ સસ્તા ભાવમાં અમેરિકા/કેનેડા/ઓસ્ટ્રેલિયા//યુ.કે. વાત કરાવી આપતી દુકાનો ખુલી ગઇ છેઃ નંબર ડાયલ કરો (ખરેખર તો, ડાયલ નહીં, પણ પુશબટન દબાવો) અને અવાજમાં જરાય ઝોલ પડ્યા વિના, બાજુના ઘરમાં વાત કરતા હો એટલી નિરાંત અને ટાઢકથી વાત કરો. આઇ.એસ.ડી. જેવો સત્તાવાર અને ભારેખમ શબ્દ વાપરવાની કોઇ જરૂર નથી. ટેલીફોન પર કોન્ફરન્સિંગની સુવિધા આપનાર મળી જાય, તો ઘરની બહાર નીકળવાની અને તત્કાળ રૂપિયા ચૂકવવાની પણ જરૂર નહીં.

અંગુઠોઃ અંગુઠાની છાપ વર્ષો સુધી અક્ષરજ્ઞાનના અભાવનું પ્રતીક ગણાતી રહી. સહી ન કરી શકતા લોકો ઇન્ક પેડ પર અંગુઠો દબાવીને તેની છાપ કાગળ પર પાડીને પોતાનો વ્યવહાર ચલાવતા હતા. તેમના વ્યવહારમાં બીજું શું હોય? કાં જમીનના ગીરોખત પર અંગુઠો પાડવાનો હોય કાં બેન્કનાં કે શાહુકારોનાં વ્યાજના દસ્તાવેજ પર કાંડા કાપી આપવાની અવેજીમાં અંગુઠો પાડવાનો હોય. એકવીસમી સદીમાં અંગુઠો પાડવાનું હવે નવા સ્વરૂપે આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થાના અને નોકરિયાતોની હાજરી લેવાની લેટેસ્ટ પદ્ધતિ તરીકે હવે ઓફિસમાં ‘બાયોમેટ્રિક્સ સીસ્ટમ’ દાખલ કરવામાં આવે છે. કર્મચારીઓએ ઓફિસમાં દાખલ થતી વખતે ટચપેડ પર, બરાબર જૂની જ સ્ટાઇલમાં, અંગુઠો પાડવાનો. એટલે તેમની હાજરી પુરાઇ જાય. ફક્ત અધિકૃત લોકો માટે પ્રવેશ ધરાવતી જગ્યાઓ પર બાકીના લોકોને અટકાવવા માટે પણ અંગુઠો-છાપનો ઉપયોગ થાય છે.

હિટ અને ક્લિકઃ ‘નોટીઝ’ના દાયકા પહેલાં આ બન્ને શબ્દો વચ્ચે કશો સંબંધ ન હતો. ‘હિટ’ શબ્દ મુખ્યત્વે ફિલ્મોના સંદર્ભે વપરાતો હતો. (પહેલાં ૨૫ અઠવાડિયાં ચાલે તે ફિલ્મ હિટ ગણાતી. પછી ૨૫ દિવસ ચાલનારી ફિલ્મોને ‘હિટ’ કહેવી પડે એવા દિવસ આવ્યા, પણ એ જુદી વાત છે.) એ જ રીતે, ‘ક્લિક’ શબ્દનો સંબંધ કેમેરા સાથે હતો. ‘ખાલી ખાલી ક્લિક કરો છો કે ખરેખર ફોટા પાડો છો?’ એવો સવાલ લગ્નના ફોટોગ્રાફર માટે જાણીતો હતો.

ઇન્ટરનેટ અને વેબસાઇટના ચલણ પછી હિટ અથવા ક્લિક વેબસાઇટની લોકપ્રિયતાનું માપ કાઢવા માટે વપરાય છે. બન્ને શબ્દો મોટે ભાગે સમાનાર્થી તરીકે વપરાય છે. એક વેબસાઇટ ખોલીએ એટલે તેની પરની ‘વિઝિટ’ એક કહેવાય, પણ એ સાઇટના ચાર લેખ પર ક્લિક કરીને, એ લેખોને ખોલીએ એટલે સાઇટની ‘હિટ’ ચાર કહેવાય. હિટ અને ક્લિકના આંકડા કેટલા વિશ્વાસપાત્ર ગણાય એ અંગેના સવાલો હોવા છતાં, આ બન્ને શબ્દો હવે વેબસાઇટ સાથે સંકળાઇ ચૂક્યા છે.

નોટબુકઃ સ્કૂલના જમાનામાં કોરી, લીટીવાળી, ત્રણ લીટીની એમ વિવિધ પ્રકારની નોટબુક આવતી હતી. આગલી સાલની નોટમાંથી વધેલા કોરા કાગળની પરચૂરણ નોટબુક પણ બંધાવી શકાતી હતી. એકવીસમી સદીમાં સહેલાઇથી સાથે લઇને ફરી શકાય એવાં લેપટોપ કમ્પ્યુટર ‘નોટબુક’ તરીકે ઓળખાય છે. આ નોટબુકમાં ‘પરચૂરણ’ (એસેમ્બલ્ડ)નો ખાસ મહિમા નથી, પણ તેની સાદગીનો અને સુવિધાનો ખ્યાલ આપવા માટે ‘નોટબુક’ જેવું સ્કૂલી નામકરણ થયું હશે.

વિડીયોઃ ‘વીસીઆર અને વીસીપી હવે મીઠાના ભાવે વેચાય છે’ એમ કહેવામાં મીઠાનું અવમૂલ્યન ન થાય એનું ઘ્યાન રાખવું પડે. નેવુના દાયકામાં વિડીયોનો મતલબ હતોઃ વિડીયો કેસેટ પ્લેયર/રેકોર્ડર. આઠ-દસ આઇ-પોડ જેટલું ક્ષેત્રફળ ધરાવતી કાળી વિડીયો કેસેટ પ્લેયરમાં ‘ચડાવીને’ મિત્રો સાથે ફિલ્મ જોવી, એ પાર્ટીની વ્યાખ્યા હતી. વિડીયો ઉતારવાની કે ડાઉનલોડ કરવાની નહીં, ફક્ત જોવાની કે બહુ તો રેકોર્ડ કરવાની ચીજ હતી. ટચૂકડી કેસેટવાળા હેન્ડીકેમ મળતા થયા પછી વિડીયો ઉતારવાની નવાઇ ઘટી, છતાં ખરા અર્થમાં વિડીયોનું લોકશાહીકરણ આ દાયકામાં થયું. ડિજિટલ ટેકનોલોજીના પ્રતાપે કેમેરાથી સેલફોન સુધીનાં સાધનોમાં વિડીયો ઉતારવાનું શક્ય બન્યું. ઇન્ટરનેેટ પર યુટ્યુબ જેવી અનેક વેબસાઇટ થકી વિડીયો જોવાને બદલે પોતાની વિડીયો જગત સમક્ષ મૂકવાનું અને લોકોએ આ રીતે મૂકેલી વિડીયો જોવાનું-ઉતારી લેવાનું (ડાઉનલોડ કરવાનું) શક્ય બન્યું. વિડીયો કેસેટના યુગમાં જે ગીતોની ઝલક માટે સંગીતપ્રેમીઓ મરી પડતા હતા, એવાં ઘણાં ગીતોની આખેઆખી વિડીયો હવે યુટ્યુબ જેવી સાઇટ પરથી શોધીને, મફતમાં ડાઉનલોડ કરવાની નવાઇ નથી.

વાયરલેસઃ વર્ષો સુધી ફક્ત પોલીસપાર્ટીનો સંદેશા વ્યવહાર વાયરલેસ વોકીટોકી પર ચાલતો હતો, જેમાં દરેક વાક્યના છેડે ‘ઓવર’ બોલવાનો રિવાજ હતો. (‘ટુ ડે ઇઝ ટ્યુઝડે. ઓવર.’) હવે ‘વાયરલેસ’નું નામ પડે એટલે મોટે ભાગે ઇન્ટરનેટ કનેક્શન માટે વપરાતી ‘વાઇ-ફાઇ’ કે ‘વાઇમેક્સ’ ટેકનોલોજી જ યાદ આવે છે.

Saturday, December 19, 2009

‘સ્વર્ણિમ ગુજરાત’ના સંભવિત સંકલ્પો

આ જાહેરખબર નથી. ‘સ્વર્ણિમ ગુજરાત’ શબ્દપ્રયોગ આવતો એટલે ચોખવટ કરવી સારી. આવા શબ્દપ્રયોગ વાંચીને લોકો શંકાની નજરે જુએ છે. મુખ્ય મંત્રીના ચાહકોની શંકા જોકે અહોભાવથી છલકતી હોય છેઃ ‘જોઇ અમારા સાહેબની કમાલ? કેવું સ્વર્ણિમ લઇ આવ્યા? અત્યાર સુધી તમે આ પ્રકારનો ‘રક્તિમ’ સિવાય બીજો કોઇ શબ્દ નહીં સાંભળ્યો હોય! ‘રક્તિમ’ને ‘સ્વર્ણિમ’માં ખપાવી શકે એ જ માણસ ગુજરાતનો વિકાસ સાધી શકે.’ કેટલાંક ભક્તહૃદયો એવું માનવા પણ પ્રેરાય છે કે ‘ગુજરાતની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરાં થઇ રહ્યાં છે એમાં પણ સાહેબની જ કોઇ કમાલ છે. બાકી આવો શુભ પ્રસંગ બીજા કોઇના શાસનમાં આવે નહીં. બોલો, ચીમનભાઇ કે કેશુભાઇ ગુજરાતનાં ૫૦ વર્ષ પૂરાં થયાં? અમે અમસ્તું કહીએ છીએ કે સાહેબમાં કંઇક છે!’

મુખ્ય મંત્રીના ચાહકો ન હોય એવા લોકો સરકારની અને ભાજપની બહાર પણ છે. ‘સ્વર્ણિમ’નો ઉલ્લેખ થતાં એ કહે છે,‘અમને તો આમાં સાહેબનો ‘સ્વ’ જ દેખાય છે. ‘સ્વ’ પછી શું કે કોણ આવે છે એ ગૌણ છે.’ ગુજરાતનો સત્તાવાર વનપ્રવેશ ભલે આવતા વર્ષે થવાનો હોય, પણ મુખ્ય મંત્રીના ટીકાકારોના મતે, તેમના રાજમાં ગુજરાત સાત વર્ષ પહેલાં, ૨૦૦૨માં જ ‘વનપ્રવેશ’ કરી ચૂક્યું હતું.

થોડા દિવસ પહેલાં મુખ્ય મંત્રીએ તેમના મંત્રીમંડળ અને અધિકારીઓ સહિત કચ્છના રણમાં મુકામ કર્યો. આખા કાફલા સહીત નવી જગ્યાએ જઇને, ત્યાં સુવિધાઓ ઉભી કરાવવી અને જગ્યાએથી વહીવટ ચલાવવો એ મહંમદ તઘલકની સ્ટાઇલ ગણાય કે અંગ્રેજોની, એ ઘણા નક્કી કરી શક્યા નથી. કચ્છ બેઠકમાં સ્વર્ણિમ ગુજરાત માટે સંકલ્પો લેવડાવવામાં આવ્યા. ગુજરાતને પચાસમું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે મુખ્ય મંત્રી પણ સંકલ્પો જાહેર કરવાનું વિચારી રહ્યા હશે. કયા સંકલ્પો લેવા ને કયા ન લેવા, કયા ખાનગીમાં લેવા ને કયા જાહેરમાં ઉચ્ચારવા, એની કશ્મકશ પણ ચાલતી હશે. મુખ્ય મંત્રી અંતરના અવાજ પ્રમાણે સંકલ્પ લે તો એ કેવા હોય? સાડા પાંચ કરોડ વિકલ્પોમાંથી થોડા નમૂના.

 • હું સંકલ્પ કરૂં છું કે ગુજરાતના વિકાસની વાત કરતી વખતે, તેનો ઇતિહાસ ૨૦૦૧થી શરૂ થયેલો ગણીશ. ત્યાર પહેલાંના સમયગાળાને અંધકારયુગ જાહેર કરીને તેના વિશેની ચર્ચા પર પ્રતિબંધ મુકીશ.
 • ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબુદ કરીશ...ના, જવા દો. આ સંકલ્પ લઇશ તો વિરોધીઓ કહેશે કે તમે ખાતા નથી ને ખાવા દેતા નથી, તો જેને નાબુદ કરવો પડે એવો ભ્રષ્ટાચાર ક્યાંથી આવ્યો? આપણે એવું કહીએ કે ગુજરાતની ખૂણાખાંચરાની (મંત્રીમંડળ જેવી?) જગ્યાઓમાંથી પણ ભ્રષ્ટાચાર દૂર કરીશ.
 • આસારામની ધરપકડનો સંકલ્પ ન કરવો એવો કોઇ સંકલ્પ મેં કર્યો નથી અને ગુજરાતના સાડા પાંચ કરોડ પ્રજાજનોને મારૂં વચન છે કે એવો કોઇ સંકલ્પ નહીં કરૂં. એ મારો સંકલ્પ છે. હું કોઇની શેહમાં આવતો નથી. (કોઇને એવું લાગતું હોય તો એના માટે શેહ સિવાયનાં કારણો જવાબદાર ગણવાની છૂટ છે.)
 • અત્યાર સુધીમાં પક્ષના મોટા ભાગના નેતાઓની આશાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ ઠરી ચૂકી હશે. છતાં, હજુ કોઇને એવું લાગતું હશે તો બોર્ડનિગમનાં ચેરમેનપદાંની અવેજીમાં અત્યારે ચાલતી અને નવી ખુલનારી યુનિવર્સિટીઓમાં ઉપકુલપતિપદાં આપીશ. આખરે, માણસ શિક્ષણ માટે નહીં, શિક્ષણ માણસ માટે છે!
 • ગુજરાત કોંગ્રેસને તેમના (અમારી સરકાર સુખેથી ચાલવા દેવાના) કામમાં પૂરી મદદ કરીશ. વિપક્ષ સાથે સહકાર સાધીને ગુજરાતને આગળ લઇ જવાનો હું સંકલ્પ કરૂં છું.
 • અડવાણીજીના જીવનમાં સોમનાથ અને અયોઘ્યાનું જે સ્થાન છે, એવું જ મારા જીવનમાં ગોધરાનું છે. બીજા લોકોની જેમ મને એટલી જ ખબર હતી કે સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી વારાણસી કે મુઝફ્ફરપુર જાય છે. એ દિલ્હીથી ગાંધીનગર જાય છે, એ તો ૨૦૦૨માં જાણ્યું. હું સંકલ્પ કરૂં છું કે જેમ દિલ્હીથી ગાંધીનગરનો રૂટ શોધી કાઢ્યો, તેમ ગાંધીનગરથી દિલ્હીનો રૂટ પણ શોધી કાઢીશ.
 • શિક્ષણજગતમાં જેમ લધુતમ વેતન કરતાં ઓછા પગારના વિદ્યાસહાયકો મૂકવાની પદ્ધતિ દાખલ કરી છે, એવી જ રીતે હું દિલ્હી જઇશ ત્યારે ગુજરાતમાં ‘મુખ્ય મંત્રીસહાયક’ની પ્રથા દાખલ કરવાનો સંકલ્પ કરૂં છું. આ પ્રથા અત્યારે મંત્રીઓ સુધી લઇ આવવાનો તો મારો પ્રયાસ છે જ. મુખ્ય મંત્રી પણ ‘સહાયક’ થઇ જાય પછી રાજ્યમાં કંઇ પણ ખરાબ થાય તો જવાબદારી મુખ્ય મંત્રીસહાયકોની રહેશે અને સારૂં થાય તો? ગુજરાતના છેલ્લા ‘આખા’ (ફુલસાઇઝ- ‘સહાયક’ નહીં એવા) મુખ્ય મંત્રી તરીકે હું દિલ્હીમાં બેઠો જ હોઇશ.
 • શુભ અવસરે જૂના વખતના રાજાઓ કેદીઓની સજા માફ કરતા હતા. હું આ સુવર્ણપ્રસંગે સંકલ્પ કરૂં છું કે બળવાખોરોને માફ કરી દઇશ- પણ તેમને પંચાયતથી પાર્લામેન્ટ સુધીની એકેય ચૂંટણીની ટિકિટ ન આપ્યા પછી, તેમની જાહેરમાં લેખિત માફી લખાવ્યા પછી અને તેમને રાજકીય અરણ્યવાસમાં ધકેલી દીધા પછી.
 • આવતા વર્ષની એક પણ સરકારી જાહેરખબર કે હોર્ડિંગમાં મારી તસવીર રીપીટ નહીં થવા દઊં. પ્રજાને એકનો એક માણસ નહીં, એની એકની એક મુદ્રાઓ અને એકનાં એક કપડાં જોઇને કંટાળો આવે છે.
 • નર્મદા બંધની ઊંચાઇ વધારવાની જાહેરાત કરવાનો સંકલ્પ કરૂં છું. એનાથી ગુજરાતને પાણીનો, વીજળીનો કે બીજો કેટલો ફાયદો થશે એ તો ખબર નથી, પણ સભાઓમાં નર્મદા બંધની ઊંચાઇ વિશે બોલવાની બહુ મઝા આવે છે. અને એમાં પણ જો ઊંચાઇ વધારવાની મારી જાહેરાતનો મહારાષ્ટ્ર- મઘ્ય પ્રદેશ વિરોધ કરે તો કામ થઇ જાય. મઘ્ય પ્રદેશમાં તો મારા પક્ષની સરકાર છે, એટલે એની પાસે ધાર્યું કરાવવું અઘરૂં છે. મહારાષ્ટ્રમાં પ્રયત્ન કરી જોવાય. ત્યાં આપણું કામ થવાની ઉજળી શક્યતા છે. કોંગ્રેસ-એનસીપીની સરકાર છે એટલે!
 • એક વાર અમેરિકાની મુલાકાત લઇશ. વિડીયો પ્રવચનો હવે બહુ થયાં. દુનિયાભરના દુષ્ટમાં દુષ્ટ સરમુખત્યારોને અને સામુહિક સંહાર કરનારાઓને અમેરિકા વીસા આપે અને મને કેમ નહીં? જરૂર પડશે તો હું માનવ અધિકારવાળાઓ પાસે પણ જઇશ અને તેમની મદદથી લોબીઈંગ કરાવીશ. મને ખબર છે, અડધા ઉપરાંત માનવ અધિકારવાળા તો હું ભાવ નથી આપતો એટલે કે પછી મારો વિરોધ કરવાનો ધંધો સારો ચાલે છે એને લીધે મારાથી નારાજ છે. અમેરિકા માટે માનવ અધિકારવાળાઓનું પણ નહીં ચાલે તો પછી મારે નડિયાદ-આણંદના કોઇ એજન્ટને પકડવો પડશે.
 • ગુજરાતની ૫૧મી વર્ષગાંઠ નિમિત્તે મંત્રીમંડળ અને અધિકારીઓનો કાફલો લઇને નળ સરોવરની વચ્ચોવચ ખાસ પ્લેટફોર્મ ઉભું કરાવીને બેઠક કરીશ, જેથી સંકલ્પો કરતી વખતે મૂકવાનું પાણી શોધવા માટે ક્યાંય દૂર ન જવું પડે અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ દેખાય. ગુજરાત (સરકાર)ના ગૌરવની વાત આવે ત્યારે ખર્ચનો સવાલ નથી. ગુજરાત(ના ઉદ્યોગપતિઓ) ગરીબ નથી.

Thursday, December 17, 2009

નોટીઝ- નામા ૨૦૦૦-૦૯ : એકવીસમી સદીનું ‘સમજ્યા હવે!’

‘નોટીઝ’ તરીકે ઓળખાતો ૨૦૦૦-૨૦૦૯નો દાયકો પૂરો થવામાં છે ત્યારે, દાયકાના હળવાશભર્યા સરવૈયામાં કેટલીક એવી બાબતો યાદ કરીએ, જેમણે એકવીસમી સદીના પહેલા જ દાયકામાં પોતાનો મોભો અને તેની સાથે સંકળાયેલી નવાઇ ગુમાવી દીધાં. જેમને જોઇને દાયકાની શરૂઆતમાં લોકોની આંખો ચાર થઇ જતી હતી અને હવે એમના અસ્તિત્વની નોંધ પણ લેવાતી નથી અથવા કંઇક તુચ્છકારથી લેવાય છે.

સેલફોનઃ નેવુના દાયકાના અંત સુધી સેલફોન ગૌરવભેર હાથમાં પકડવાની કે કમરે લટકાવવાની ચીજ હતો. શરૂઆતનાં વર્ષોમાં આઉટગોઈંગનો મિનીટ દીઠ ૧૬ રૂ. અને ઇનકમિંગનો મિનીટ દીઠ ૮ રૂ. ભાવ જોતાં ફોન વાપરનારનો વટ પડે એ બરાબર હતું. ફોનનું વજન પણ એવું કે કોઇને છૂટોે માર્યો હોય તો ફોનને બદલે સામેવાળાના કપાળની ચિંતા કરવી પડે, પણ આ દાયકામાં ફોનના સામાજિક દરજ્જાનું એટલું ઝડપી અવમૂલ્યન થયું છે કે ‘મારો સેલનંબર? સોરી, હું સેલફોન નથી રાખતો.’ એમ કહેવામાં મોભો ગણાય છે. પચીસ-પચાસ લાખની વૈભવી કાર ફેરવનારા શેઠો-સાહેબોથી માંડીને, ઘરેથી સાયકલ લઇને કારના ડ્રાઇવર તરીકે નોકરી કરવા આવનાર સુધીના સૌને સેલફોન પોસાય છે. ‘અમે અમારા બધા માણસોને એકેક સેલફોન આપી દીધા છે. એટલે કોઇ જાતની મગજમારી જ નહીં’ આવા ઉદગારો ઓફિસના બોસના મોઢેથી બોલાવા લાગે, એટલે સેલફોનના સ્ટેટસની, બકૌલ મુન્નાભાઇ, કેવી વાટ લાગી હશે એ કહેવાની જરૂર રહેતી નથી.

કારઃ ‘ગાડી’ એટલે ‘એમ્બેસેડર’ એવી વ્યાખ્યા ભારતમાં દાયકાઓ સુધી ટક્યા પછી એકાદ-બે દાયકા માટે ‘નવી ગાડી’ એટલે ‘મારૂતિ’ એવો જમાનો આવ્યો. હાથમાં ગાડીની ચાવીની હોય કે ઘરના બારણે ગાડી પાર્ક થયેલી હોય (ભલે કોઇ સગાવહાલાની કે મિત્રની) તો પણ વટ પડતો હતો. એકવીસમી સદીમાં હવે સેલફોનની જેમ કારથી પણ કોઇ અંજાતું નથી. એની સૌથી વધારે ચિંતા કારમાલિકોને છે. કારણ કે દેખાદેખીથી કે રોલા પાડવા માટે લોન લઇને તેના આકરા હપ્તા વેઠીને કાર ખરીદનારાની સંખ્યા મોટી હોય છે. ગ્લોબલ વોર્મંિગ અને પેટ્રોલખાઉ વાહનોથી થતા પ્રદૂષણ વિશે જાણકારી હોવા છતાં, હવે ‘મોટી ગાડી’થી છાકા પાડવાનો જમાનો છે. ફક્ત ‘ગાડી લીધી’ એવું કહેવાથી પ્રભાવ તો બાજુ પર, કોઇ નોંધ પણ લેતું નથી એવું લાગતાં, ઉત્સાહી લોકો કહે છે,‘હમણાં મોટી ગાડી લીધી.’ સાંભળનારા મોટે ભાગે સહિષ્ણુ હોવાથી ‘એમાં અમે શું કરીએ?’ અથવા ‘મોટી એટલે? મોટા હપ્તાવાળી?’ એવું કહી શકતા નથી. મોટી ગાડીવાળા ભલે થોડાં વર્ષ હરખાઇ લે, કારણ કે આવતા દાયકાના અંત સુધીમાં ગ્રીન ટેકનોલોજી ધરાવતી ગાડીઓ બજારમાં પ્રવેશીને ફેશન બની ચૂકી હશે.

સેટેલાઇટ લોન્ચિંગઃ એંસી-નેવુના દાયકામાં ‘ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન’- ઇસરોએ અવકાશમાં ઇન્સેટ ઉપગ્રહો ચડાવવાની ટેકનોલોજી સિદ્ધ કરી લીધી. દૂરદર્શનના એ યુગમાં ‘ઇસરો’નો ઉપગ્રહ ‘ઇન્સેટ’ એ હવામાનના નકશાનો પર્યાય બની ગયો હતો. ઉપગ્રહો અને તેને લોન્ચ કરવાનાં વેહીકલમાં માસ્ટરી મેળવનાર ‘ઇસરો’એ ૨૦૦૦ના દાયકાના પહેલા જ વર્ષમાં, ઇન્સેટ સિરીઝની ‘ત્રીજી પેઢી’નો ઉપગ્રહ ઇન્સેટ ૩-બી તૈયાર કરીને અવકાશમાં મોકલ્યો અને બીજા વર્ષે, ૨૦૦૧માં, પોતાના પોલર સેટેલાઇટ લોન્ચ વેહીકલ (પીએસએલવી) મારફતે પોતાના એક ઉપરાંત જર્મની અને બેલ્જિયમના પણ એક-એક સેટેલાઇટ રવાના કરી આપ્યા. ત્યાર પછીનાં વર્ષોમાં ઉપગ્રહો ચડાવવાની બાબતમાં ‘ઇસરો’નો સિક્કો વિશ્વસ્તરે જામી ગયો. ગયા વર્ષે ઇસરોએ સફળતાપૂર્વક ચંદ્ર પર યાન મોકલીને અને આ વર્ષે સપ્ટેમ્બરમાં એક જ વેહીકલ (પીએસએલવી- સી ૧૪) દ્વારા સામટા સાત સેટેલાઇટ ભ્રમણકક્ષામાં ગોઠવીને બધી નવાઇઓનો જાણે અંત લાવી દીધો છે. સમાનવ ચંદ્રયાત્રાનું લક્ષ્યાંક આવતા દાયકા માટે ઉભું છે, પણ સેટેલાઇટ લોન્ચિંગ સાથે સંકળાયેલો અહોભાવ ‘ઇસરો’એ પોતાની કાબેલિયતથી સમાપ્ત કરી દીધો છે.

સેટેલાઇટ ચેનલઃ દૂરદર્શનના એકધારા, બીબાઢાળ અને ઉત્તમ ધારાવાહિકોને બાદ કરતાં ‘સરકારી’ કહેવાય એવા પ્રસારણ છતાં તેની સાથે નવાઇ અને મઝાનાં તત્ત્વો સંકળાયેલાં હતાં. સેટેલાઇટ ચેનલ ત્યારે વિજ્ઞાનકથાનો વિષય હતી. નેવુના દાયકામાં સી.એન.એન. અને સ્ટાર જેવી ચેનલો ભારતમાં દેખાવા લાગી ત્યારે દર્શકો રોમાંચિત થઇ ગયા અને ભારતમાં ન્યૂઝચેનલો આવશે ત્યારે કેવી મઝા પડી જશે તેની કલ્પના કરવા લાગ્યા. એકવીસમી સદીના પહેલા દાયકામાં એ કલ્પના સાકાર થઇ. ૨૦૦૧માં ટીવી પર પહેલો ધરતીકંપ અને ૨૦૦૨માં પહેલી વાર દિવાનખાનામાં (ગુજરાતની) કોમી હિંસા લોકોએ જોઇ. પણ જેટલાં વર્ષોથી સેટેલાઇટ ચેનલોની પ્રતિક્ષા થઇ રહી હતી, તેનાથી પા ભાગના સમયમાં ચેનલોનો રંગ ઉતરી ગયો.

ભારતમાં દેશીવિદેશી બઘું મળીને અત્યારે ૫૦૦થી પણ વઘુ ચેનલ છે અને બીજી લગભગ ૧૫૦ ચેનલોની અરજીઓ માહિતી-પ્રસારણ મંત્રાલયમાં પડી છે. પરંતુ પ્રમાણભાન જાળવ્યા વગર જે મળ્યું તેને ચગાવવાની વૃત્તિ અને સાવ તુચ્છ બાબતોને ‘બ્રેકિંગ ન્યૂઝ’ તરીકે ચમકાવવાની રસમને કારણે ન્યૂઝ ચેનલો લોકોની ગાળો ખાય છે, જ્યારે મોટા ભાગની સ્થૂળ અને ઢંગધડા વગરની સિરીયલોને લીધે એન્ટરટેઇનમેન્ટ ચેનલો વિશે પણ લોકોના મનમાં જરાય ભાવ રહ્યો નથી. ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રોફિક જેવી ચેનલોએ તેમનો જ્ઞાનવિજ્ઞાનનો ગઢ જાળવી રાખ્યો છે, પણ એકવીસમી સદીમાં અઢારમી સદીની માનસિકતા ઉશ્કેરે-દૃઢ બનાવે એવા સમાચારો-કાર્યક્રમોનો મારો ચલાવતી મોટા ભાગની ચેનલોને કારણે ઘણી વાર લોકોને લાગે છે કે ચોવીસ કલાકની ચેનલોની શી જરૂર છે? દિવસમાં ત્રણ ટાઇમ સમાચાર મળે તો બહુ છે.

કેમેરાઃ કેસેટ કેમેરા તરીકે ઓળખાતા કંપાસછાપ અને સાવ પ્રાથમિક કેમેરાને બાદ કરો તો, વીસમી સદીમાં કેમેરા વાપરવો એ કસબનું અને અમુક હદે કળાનું પણ કામ ગણાતું. એસ.એલ.આર. તરીકે ઓળખાતા પ્રોફેશનલ કેમેરાની કિંમત પાંચ આંકડામાં, ઉપરથી ‘રોલ’ તરીકે ઓળખાતી ફિલ્મનો ખર્ચ અને છેલ્લે ફિલ્મ ડેવલપ કરાવીને પ્રિન્ટ કઢાવવાનો ચાંલ્લો. એમાં કેટલા ફોટા સારા આવ્યા ને કેટલામાં માથાં કપાયાં એ સવાલો તો ખરા જ. એ સ્થિતિમાં સારા (એટલે ‘ચોખ્ખા’- ચહેરો દેખાય એવા) ફોટા પાડનારનો દબદબો રહેતો. પોતાના ફોટા પડાવવા લોકો ફોટોગ્રાફરોને વિનંતી કરતા અને સાધતા. કમ્પ્યુટર ન હોય એટલે ફોટોશોપ પણ નહીં. એટલે એક વાર જે ફોટો પડ્યો તે વિધીના લેખ જેવો. એમાં કશી મીનમેખને અવકાશ નહીં. પણ ફોટોગ્રાફીનો ડિજિટલ યુગ શરૂ થતાં જ આ બધી વાતો સદીઓ જૂની હોય એવી લાગવા માંડી છે. કોઇ પણ પ્રસંગે એકાદ-બે રોકેલા ફોટોગ્રાફરની સાથે પોતપોતાના ડિજિટલ કેમેરા અને સેલફોનમાં જડેલા કેમેરા સાથે આઠ-દસ માણસોનું ટોળું ફોટા પાડવાનો આનંદ લેતું હશે અને વ્યાવસાયિક ફોટોગ્રાફર નિઃસાસા સાથે વિધિના પલટાયેલા ખેલ જોતા હશે.

ભાજપનું હિંદુત્વઃ બે દાયકા પહેલાં અડવાણીની સોમનાથથી અયોઘ્યા યાત્રાના પગલે શરૂ થયેલું ભાજપી હિંદુત્વનું મોજું આખરે ૨૦૦૦ના દાયકામાં ઓસર્યું છે અને વિશાળ મોજું ઓસર્યા પછીનો કાદવકીચડ દેખાવા લાગ્યો છે. લોકસભામાં બે બેઠકો ધરાવતો ભારતીય જનતા પક્ષને હિંદુત્વની લાગણી ઉશ્કેરીને જોતજોતાંમાં સાથીપક્ષોની મદદથી સરકાર બનાવવા સુધી પહોંચી ગયો, પરંતુ છેલ્લી બે ચૂંટણીમાં પરાજિત ભાજપ હિંદુત્વના મુદ્દે અવઢવમાં છે. ‘સંઘ ખેંચે સીમ ભણી ને સાથીપક્ષો ખેેચે ગામ ભણી’ એવો તેના ઘાટમાં હિંદુત્વ કોરાણે મુકાઇ ગયું છે. ગુજરાત જેવા રાજ્યમાં રાજકીય સ્તરે ભાજપી હિંદુત્વની જગ્યા ‘મોદીત્વ’એ લીધી છે. જમ્મુ અને કાશ્મીરમાં સંઘર્ષ થયો ત્યારે ભાજપે હિંદુ રાજકારણ ખેલવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરી જોયો, પણ ગુજરાત જેવી સફળતા બીજે ક્યાંય મળી નથી. ભાજપી હિંદુત્વની લહેરો જ્યાંથી સર્જાઇ હતી, એ ઉત્તર પ્રદેશમાં ભાજપ શોઘ્યું જડે એમ નથી.

બાયપાસ સર્જરીઃ એંસી-નેવુના દાયકામાં બાયપાસ સર્જરી કરાવવી એ આર્થિક અને શારીરિક બન્ને રીતે સાહસનું કામ હતું. સરકારી નોકરી કરતા લોકો કે માલેતુજારોને જ એ પોસાય એવું હતું. ડોક્ટરો પણ દર ત્રીજા (કે ચોથા) દર્દીને એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસના લાંબાપહોળાઊંડા ખાડામાં ધકેલતા ન હતા. બાયપાસ કરાવી આવનાર વ્યક્તિ હિમાલય ચઢીને પાછી આવી હોય તેમ લોકો અમને મળવા, ખબર કાઢવા અને એમના બાયપાસના અનુભવોની કથાનાં પ્રકરણો સાંભળવા જતા હતા. હવે બાયપાસ કરાવવામાં કશું ગૌરવ રહ્યું નથી, પણ કેટલાકને બાયપાસ ન કરાવવામાં શરમ લાગતી હોય- અને સમાજના મહેણાનો ડર લાગતો હોય એવું બને. (અરે? તમે હજુ બાયપાસ નથી કરાવી? કેમ ફાયનાન્શ્યલ પ્રોબ્લેમ છે?) કોઇ ‘બાયપાસ’ કરાવનારા જાહેર જગ્યાએ પોતાનો વિશેષાધિકાર જમાવવા કહે કે ‘જરા આઘા ખસો. મેં બાયપાસ કરાવી છે.’ તો ટોળામાંથી બીજા ચાર-છ-આઠ અવાજો ‘અમે પણ બાયપાસ કરાવી છે. તેથી શું થઇ ગયું?’ એમ કહેતા ઉભા થઇ જાય એવો પૂરો સંભવ છે.

સ્ટીંગ ઓપરેશનઃ હજુ સુધી ‘સ્ટીંગ ઓપરેશન’નું હિંદી ‘કાંટા લગા’ કરવાનું કોઇને કેમ સૂઝ્યું નહીં હોય, એવી નવાઇ બાજુ પર રાખીએ તો અત્યારે કોઇને કહીએ તો માન્યામાં ન આવે કે માંડ એક-બે દાયકા પહેલાં ટેપરેકોર્ડરથી સ્ટીંગ ઓપરેશન થતાં હતાં. અહેવાલ છાપનાર તેમાં લખે કે ‘અમારી પાસે આ વાતચીતના રેકોર્ડેડ પુરાવા છે’ એટલે ખલાસ! ‘આઉટલૂક’ સામયિકે ટચૂકડા વિડીયો કેમેરા વડે મેચ ફિક્સિંગ જેવા વિષયોમાં સ્ટીંગ ઓપરેશન કર્યું, ત્યારે કેટલાય ક્રિકેટરો મેદાનની બહાર ફિલ્ડિંગ ભરતા થઇ ગયા. ત્યાર પછી ‘તહલકા’ની ટીમે સ્ટીંગ ઓપરેશનનો વારસો આગળ વધાર્યો અને ભારતીય લોકશાહીની પવિત્ર ગાય ગણાતા સૈન્યના ભ્રષ્ટાચારનો ભાંડો ફોડ્યો. તેનાથી તરખાટ બહુ થયો, પણ સરકારે સ્ટીંગ ઓપરેશન કરનારાને સાણસામાં લેવાનું વલણ દાખવ્યું. ‘સાધનશુદ્ધિ’ની અને વિશ્વસનીયતાની ચર્ચાઓ જાગી. ત્યાર પછી ‘તહલકા’ના દરેક સ્ટીંગ ઓપરેશન વખતે ‘સ્ટીંગ’ (ડંખ)ની અસર ઉત્તરોત્તર ઘટતી ગઇ. છેલ્લે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં ગુજરાતની કોમી હિંસા અંગે તહલકાએ કરેલા સ્ટીંગ ઓપરેશનમાં ઘણો બારૂદ હોવા છતાં, એની પર લોકોની ઉપેક્ષાનું ટાઢું પાણી રેડાઇ ગયું.

Wednesday, December 16, 2009

(શહેરી) શિયાળાની સવારનો તડકો

આ લલિત નિબંધીય વિષય અંગે કાકાસાહેબ કાલેલકર કે વાડીલાલ ડગલીને હેરાન કર્યા વિના, કુદરતી સૌંદર્યમંડિત વર્ણનથી વિરક્તી રાખીને, શહેરી સંસ્કૃતિના પાર્કિંગ પ્લોટ જેવી શુષ્ક જગ્યાનું આ દૃશ્ય.

રસિકજનોને સૂતેલી અનારકલી(મઘુબાલા) પર પીંછુ ફેરવતો સલીમ યાદ આવે એટલી કુમાશ અને મીઠાશથી શિયાળાની સવારનો સૂર્ય ખુરશીનશીન જણ પર પોતાના તડકાનું પીંછું ફેરવી રહ્યો છે. તડકો એવો મીઠો છે કે સૂતેલા જણની ઊંઘ ઉડી જવાને બદલે, તડકાના નશામાં વધારે ઘેરી બને.

Monday, December 14, 2009

લગનગાળાની સમસ્યાઃ ચાંલ્લો કેટલો કરવો?

લગ્ન બે આત્માઓના મિલનની ઘટના હશે, પણ એ નિમિત્તે ભેગા થતા બાકીના આત્માઓ માટે જમણવાર અને તેની પહેલાં કે પછી કરવો પડતો ચાંલ્લો સૌથી મહત્ત્વની બાબત છે.

જેને ‘રૂબરૂ મળ્યા તુલ્ય’ ગણવાની હોય એવી ‘કુમકુમ પત્રિકા’ ઘરમાં આવે, એટલે નિમંત્રીતોની નજર ‘ભોજન સમારંભ’ નું મથાળું શોધવા લાગે છે. લગ્નમાં ઘુમાડાબંધ ખર્ચ કરનારાની કંકોત્રીઓ ચાર-પાંચ પીસમાં હોય છે. (તેમાં અનુસંધાનો કાઢવાનું કોઇને સૂઝ્યું નથી એટલી દયા.) એવી દળદાર કંકોત્રીમાં ‘ભોજન સમારંભ’ની વિગતો શોધવાનું કામ કોઇ ડેઝર્ટેશન કે એમ.ફિલથી કમ નથી. (આ સરખામણીની સચ્ચાઇ જાણવા માટે દમદાર કંકોત્રીઓ નહીં, દમ વગરનાં અસંખ્ય ડેઝર્ટેશન કે નિબંધોમાંથી એકાદ જોવા મળી જાય તો પૂરતું છે.)

નિમંત્રકે પ્રેમથી, ખર્ચથી, દેખાદેખીથી કે છાકો પાડી દેવા તૈયાર કરાવેલી આખી પત્રિકા નજરઅંદાજ કરીને, તેમાંથી માત્ર ભોજન સમારંભની વિગતો જોઇ લેવાનું ઠીક કહેવાય? એવો કચવાટ કેટલાક સજ્જનોને થાય છે. પહેલી નજર ભોજન સમારંભ પર પડી જાય તો પણ મંડપમૂહુર્ત, ગણેશમાટલી, ગરબા, મહેંદી જેવી પરચૂરણ વિગતો વાંચીને એવા લોકો પોતાના ઠરેલપણાનો ખ્યાલ આપે છે. ત્યાર પછી ‘હું ભોજન સમારંભ શોધતો ન હતો, પણ બઘું વાંચતો વાંચતો ભોજન સમારંભ સુધી પહોંચ્યો છું.’ એવા ‘સ્વાશ્વાસન’ (‘સ્વ’ને- જાતને જ અપાતા આશ્વાસન) સાથે તે ભોજન સમારંભની વિગતો પર ઘ્યાન કેન્દ્રીત કરે છે.

કંકોત્રીઓમાં ભોજન સમારંભનું મેનુ છાપવાનો આઇડીયા હજુ પ્રચલિત થયો નથી. એટલે મેનુ વિશેની અટકળો, ભોજન સમારંભોના ખટમીઠા અનુભવો અને જમણવારના આયોજનમાં નિમંત્રકના પાછલા રેકોર્ડની ચર્ચા કરતાં કરતાં, ગુલાબની ડાળીમાંથી નીકળતા કાંટાની માફક, વ્યવહારૂ જણના દિમાગમાંથી અણીદાર સવાલ નીકળે છેઃ ‘ચાંલ્લો કેટલો કરીશું?’

પોતાના સવાલની અણીથી બચવાનો એક જ રસ્તો છેઃ તેની અણી આજુબાજુના લોકોને ભોંક્યા કરવી. આજુબાજુ કોઇ ન હોય તો હવામાં અણી ઉછાળવી. કોઇને તો એ વાગશે જ.

વ્યવહારૂ લોકોને આ બઘું શીખવવું પડતું નથી. એ લોકો કંકોત્રી કવરમાં પાછી ખોસવાની દરકાર લીધા વિના, કવર-કંકોત્રીનો -કવર બાજુ પર મૂકીને પોતાના અર્ધાંગ/ અર્ધાંગિનીને પૂછે છે,‘કેટલો ચાંલ્લો કરીશું?’

સામેનું પાત્ર સહજતાથી કહે છે, ‘સહકુટુંબ લખ્યું છે ને? તો એકસો એક કરી દેવાનો. વાત પૂરી.’

‘સહકુટુંબ’ની સામે કરવાના ચાંલ્લાનો સ્ટાન્ડર્ડ આંકડો સમય પ્રમાણે બદલાતો હોવા છતાં એકંદરે તે સ્થિર હોય છે. પણ આટલા જટિલ પ્રશ્નનો આવો સહેલો ઉકેલ શી રીતે સાંખી લેવાય? તેનાથી પ્રશ્નની અને સરવાળે પ્રશ્નકર્તાની મહત્તા જોખમાવાની શક્યતા ઉભી થાય છે. એ ટાળવા માટે પેટામુદ્દા ઉભા કરવામાં આવે છેઃ ‘બરાબર છે. સહકુટુંબ લખ્યું છે, પણ કુટુંબમાં છીએ કેટલાં? ઇન, મીન ને તીન! એટલે આપણામાં તો બધાં સહકુટુંબ જ લખે છે. એકાવન કરીએ તો પણ ચાલે.’

‘એ વાત પણ ખરી. તો એકાવન કરી દો.’ સામેથી ઠંડા કલેજે જવાબ મળે છે. આટલા મહત્ત્વના સવાલ વિશે સામેના પાત્રની ટાઢક જોઇને પ્રશ્નકર્તા ઘૂંધવાઇ ઉઠે છેઃ ‘એમ થોડું ચાલે? આ તે કંઇ બચ્ચાંના ખેલ છે? વ્યવહાર છે વ્યવહાર. બધી બાજુથી વિચારવું પડે. બોલી પડ્યા મોટા, એકાવન કરી દો! તને ખબર છે, આઠ વરસ પહેલાં આપણે ત્યાં ભાઇના લગનમાં એણે કેટલો ચાંલ્લો કર્યો’તો?’

જવાબ જાતે જ આપતાં એ કહે છે,‘એકત્રીસ રૂપિયા. પણ એ વખતે એકત્રીસ રૂપિયાની કિંમત હતી. ત્યારે ખાંડનો ભાવ કેટલો હતો? ને અત્યારે કેટલો છે? પછી આપણે પણ વિચારવું પડે કે નહીં!’

ચાંલ્લાની વાતમાં મોંઘવારી, ભાવવધારો અને મોંઘવારીના હિસાબે કરાતા એડ્જસ્ટમેન્ટ જેવા અર્થશાસ્ત્રના ભારેખમ વિષયો આવી જતાં પરિસ્થિતિ કાબૂબહાર જતી રહે છે. હાથ ઊંચા કરતાં સામેનું પાત્ર કહે છે, ‘ભઇસાબ, તમારે જેટલો ચાંલ્લો કરવો હોય એટલો કરો અને ના કરવો હોય તો ના કરશો. બસ?’

‘એમાં ચાંલ્લો ના કરવાની વાત ક્યાં આવી? આપણે સાવ એવા છીએ કે જમી આવીએ ને ચાંલ્લો પણ ન કરીએ? ગઇ સીઝનમાં એક દહાડે પાંચ-પાંચ લગ્નો હતાં, ત્યારે કેટલી બધી જગ્યાએ આપણે જમવા ગયા વિના ચાંલ્લો કરવો પડ્યો હતો!...એક કામ કરીએ?... એકસો એક કરી દઇએ?’

હવે આ રકમ વગર વિચાર્યે સૂચવાયેલી નહીં, પણ ગરમાગરમ ચર્ચાના અંતે નક્કી થયેલી ગણાય છે. તેનો અમલ કરવામાં કશો બાધ નથી.

ભોજન સમારંભોમાં વાનગીઓનાં કાઉન્ટરની જેમ ચાંલ્લાનું પણ એક કાઉન્ટર હોય છે. ‘ફર્સ્ટ થિંગ ફર્સ્ટ’માં માનતા લોકો સૌથી પહેલાં એ કાઉન્ટર શોધી કાઢે છે અને ત્યાં ચાંલ્લો લખાવીને વ્યવહારિક ફરજમાંથી હળવા થયાની રાહત અનુભવે છે. પહેલાંના વખતમાં ચાંલ્લો લખેલી નોટ લગ્નના આલ્બમ જેટલા જતનથી સાચવી રાખવામાં આવતી હતી અને તેનો ઉપયોગ આલ્બમ કરતાં અનેક ગણો વધારે થતો હતો. વર્ષો સુધી બીજા સાથેના વ્યવહારો નક્કી કરવામાં એ નોટ ‘બ્લુ બુક’ની ગરજ સારતી હતી. હવે વ્યવહારો ઘાતકી રીતે સ્પષ્ટ અને દેખાદેખીવાળા થઇ ગયા છે. સંબંધની ઘનિષ્ટતાના આધારે પાંચ- અગિયાર-એકવીસના બદલાતા રેટમાંથી ચાંલ્લો રૂપિયા એકસોએકના ફ્લેટ રેટ સુધી પહોંચી ગયો છે. એનાથી ઓછો ચાંલ્લો કરનારા અકારણ શરમની અને ‘સમાજમાં હું શું મોં બતાવીશ’ની લાગણી અનુભવે છે અને ચાંલ્લાના ટેબલ પર મૂકેલી વરિયાળી-ધાણાની દાળ ખાતાં ખાતાં, કચવાતા મને ખિસ્સામાંથી સોનું પત્તું કાઢે છે.

વ્યવહારૂ લોકો ચાંલ્લાનો સંબંધ લગ્નસમારંભ કે સત્કાર સમારંભ સાથે જોડે છે, પણ કેટલાક ‘ફોકસ્ડ’ (લક્ષ્યવેધી) લોકોને મન ચાંલ્લા અને ભોજન વચ્ચે સીધો સંબંધ હોય છે. એવા જૂજ લોકો જમ્યા પહેલાં ચાંલ્લો કરવાની ભૂલ કદી કરતા નથી. જમણમાં મીઠાઇ કે ભાતના ચોખાની તો ઠીક, જમ્યા પછી ચાંલ્લાના ટેબલ પર મૂકાયેલી વરિયાળીની ગુણવત્તા સંતોષકારક ન લાગે, એટલે એ મનોમન વિચારી લે છે,‘એંહ... મીઠાઇનાં/દાળનાં/ભાતનાં/મુખવાસનાં તો ઠેકાણાં નથી. આવા ને ત્યાં એકસોએકનો ચાંલ્લો થતો હશે? હું તો એકાવન જ કરીશ.’

વર્તમાન યુગમાં વગર આમંત્રણે વ્હાઇટ હાઉસના રિસેપ્શનથી માંડીને પાર્ટીપ્લોટના રિસેપ્શનમાં ધૂસી જનારા ઘણા મળી આવે, પણ ભોજનની ગુણવત્તા પ્રમાણે તત્કાળ નિર્ણય લઇને ચાંલ્લાની રકમમાં વધઘટ કરી નાખતા લોકો બહુ બચ્યા નથી. એટલે, પીએચ.ડી.ની જેમ ચાંલ્લામાં પણ, તેની સાથે સંકળાયેલો સર્જકતા અને વિચારનો હિસ્સો હવે નામશેષ થયો છે.

Friday, December 11, 2009

BRTS પછી HRTS : હોર્સ રિક્ષા ટ્રાન્ઝિટ સર્વિસ

ટ્રેનો નવી ચાલુ થઇ ત્યારે ઘોડાની અને એન્જિનની હરીફાઇ યોજવામાં આવતી હતી. ‘સફારી’ જેવી કોઇ જગ્યાએ વાંચેલી આ વાત ઉપરનું દૃશ્ય જોયા પછી યાદ આવી.
ત્રણ-ચાર દિવસ પહેલાં પરિમલ ગાર્ડન જેવા વિસ્તારમાં એક ભાઇ રસ્તા પર ચાલતા ઘોડાની લગામ પકડીને રિક્ષામાં પાછળની સીટ પર બેઠા હતા અને ભરટ્રાફિકની વચ્ચે રિક્ષા તથા ઘોડો મસ્તીથી ચાલી રહ્યાં હતાં. સિગ્નલ આવ્યો ત્યારે બન્ને ઉભાં રહ્યાં અને ફરી પાછાં કલગી ચાર રસ્તાથી જલારામ મંદિર તરફ વળી ગયાં
રસ્તા પર કોઇ મિત્રના ટુ વ્હીલરની સાથે મારે મારૂં સ્કુટર ચલાવવાનું હોય તો પણ સિન્ક્રોનાઇઝેશનના પ્રશ્નો થાય છે, ત્યારે રિક્ષામાં બેસીને ઘોડાને લઇ જતા જણના આત્મવિશ્વાસ વિશે વિચારતાં માથું અહોભાવથી - એટલે કે રિક્ષાચાલક અને ઘોડાના સિન્ક્રોનાઇઝેશન વિશેના અહોભાવથી- ઝૂકી જાય છે!

Wednesday, December 09, 2009

વિશ્વનું ‘સર્વપ્રથમ’ મહાકાય જ્ઞાન પ્રદર્શનઃ દાવા, દેખાવ અને ...અસલિયત


થોડા દિવસ પહેલાંથી અમદાવાદમાં ઠેકઠેકાણે જ્ઞાનને લગતું, કંઇક વિચિત્ર અને અસંબદ્ધ લાગે એવું ટીઝર કેમ્પેઇન શરૂ થયું હતું. (જુઓ તસવીર ૧). થોડા દિવસ પછી રહસ્યસ્ફોટ થયો. (તસવીર ૨)
ધર્મમાં મને ખાસ રસ પડતો નથી, પણ મામલો જ્ઞાનનો હતો એટલે થયું કે ચાલો જોઇએ, શું કહે છે જૈન જ્ઞાન. આજે થલતેજ ચાર રસ્તા પાસે આવેલું પ્રદર્શન જોવા ગયો. વિશાળ હોર્ડિંગ અને પ્રવેશ પાસે જ મૂકેલાં મેટલ ડીટેક્ટરની હારમાળાની નવાઇ નથી રહી.
એ વટાવીને અંદર ગયો એટલે સામે જેનાથી આવનારે અંજાઇ જવાનું અપેક્ષિત હોય એવું શિલ્પ નજરે પડ્યું.
પ્રદર્શનમાં જવા ઇચ્છનારે (સલામતીનાં કે વ્યવસ્થાનાં કારણોસર) નામ નોંધાવ્યા પછી જ અંદર જવાનું હતું. અંદર જવાની લાંબી લાઇન હતી.
બહાર ફરતો હતો ત્યારે જ માઇક પરથી સૂચના સંભળાઇઃ (બહારના શિલ્પ અને બીજી બેત્રણ વસ્તુઓને બાદ કરતાં) ફોટોગ્રાફીની મનાઇ છે. જ્ઞાનપ્રદર્શનમાં ફોટોગ્રાફીની મનાઇનું લોજિક શું હશે?
ત્યાં મૂકેલી વિગતોમાં જૈન ધર્મ અને તેનાં આગમો વિજ્ઞાન કરતાં કેટલાં આગળ છે એ સિદ્ધ કરવામાં આવ્યું હતું. ટેસ્ટટ્યુબ બેબી, ક્લોનિંગ, તરંગો દ્વારા સંદેશાવ્યવહાર જેવી અનેક શોધો વિજ્ઞાને કરી ત્યાર પહેલાં જૈન આગમોમાં લખાઇ ચૂકી છે. એ વિશે અહીં ચર્ચા કરવી નથી. પણ જ્ઞાનના આ પ્રદર્શનમાં, ટેસ્ટટ્યુબ બેબી અને ક્લોનિગનો છોછ ન રાખનારા બલ્કે ગૌરવ લેનારા લોકોએ, પ્રવેશદ્વાર પાસે મૂકેલી સૂચના વાંચીને મગજ ચકરાઇ ગયું.
સૂચનામાં લખ્યું છેઃ અંતરાયવાળી (M.C.) બહેનોએ આ પરીસરમાં પ્રવેશ કરવો નહીં.
આ સૂચના સામે ભયાનક વાંધો પડવો જોઇએ.
માસિક ઋતુસ્ત્રાવ એ (લધુશંકા કે ગુરૂશંકા જેવી) શારીરિક ઉત્સર્જનની પ્રક્રિયા છે. ઋતુસ્ત્રાવવાળી બહેનોને અપવિત્ર ગણીને, તેમને પરીસરમાં આવવાની જ મનાઇ ફરમાવવી એ અઢારમી સદીની માનસિકતા ગણાય. ધાર્મિક પ્રસંગોમાં કોઇને પોતાની અઢારમી સદીની માનસિકતા પંપાળવી હોય તો ભલે પંપાળ્યા કરે, પણ ‘જ્ઞાન’ના પ્રદર્શનમાં આવું પાટિયું કેવી રીતે મારી શકાય? જ્ઞાનના બીજા કોઇ પણ સ્થળે આવું અપમાનજનક અને ભેદભાવસૂચક પાટિયું વાંચ્યું છે? જો ‘ના’, તો અહીં એ પાટિયું શું કરે છે?
કોઇ જ્ઞાની મહારાજસાહેબ કે ત્યાંની મુલાકાત લઇ આવેલા મુખ્ય મંત્રીશ્રી સહિત બીજા કોઇને આ પાટિયા સામે કેમ વાંધો ન પડ્યો?
સાચી દિશા કયો ગધેડો દેખાડશે, એ નક્કી કરવું ખરેખર અઘરૂં છે.
જૈન અને બિનજૈન ભાઇઓ-બહેનો, શું કહો છો?

હોમાય વ્યારાવાલા : 97 નહીં, 79

(હોમાયબહેનના ગાઢ સંપર્કમાં રહેલાં ભાઇ-ભાભી બીરેન-કામિનીએ આજે તેમને મળ્યા પછી લખેલી નોંધ)
આજે હોમાય વ્યારાવાલાએ 96 વર્ષ પૂરાં કરીને 97મા વર્ષમાં પ્રવેશ કર્યો. એક જ જીવનમાં અનેકવિધ જીવન જીવનારાં હોમાયબેનને આજે સવારે મળવા ગયા, ત્યારે તેઓ હંમેશ મુજબ ખુશમિજાજમાં હતાં. 96 વર્ષ દરમ્યાન તેમણે ફક્ત બે જ વખત હોસ્પીટલ જોઇ છે. એક વાર 1942માં પુત્ર ફારૂકના જન્મ વખતે અને બીજી વાર આ વર્ષના ઑક્ટોબર દરમ્યાન બિમારી વખતે.

તેમનો પોતાનો જન્મ નવમી ડિસેમ્બર, 1913ના રોજ નવસારીમાં થયેલો, પણ કદાચ તે કોઇના ઘરમાં થયો હશે, એવું તેમનું ધારવું છે. 96 વર્ષની ઉંમરે હોસ્પીટલમાં દાખલ થયેલી વ્યક્તિ ઘેર સહીસલામત આવશે કે કેમ એ આશંકા રહ્યા કરતી હોય છે, પણ હોમાયબેન સાજાં થઇને ઘેર આવ્યાં, એટલું જ નહીં, સર્વિસ સ્ટેશનમાં ગયેલું વાહન ચકચકાટ થઇને પાછું આવે એમ ફરી તેઓ તરોતાજા થઇ ગયાં.

ડીજીટલ કેમેરાથી તેમના ફોટા પાડ્યા, એટલે તેની સુવિધા (પ્રિન્ટ ન કાઢવી પડે, પાડ્યા પછી જોઇ શકાય, બરાબર ન આવે તો ડીલીટ કરી શકાય વગેરે) વિશે તેમણે પૂછ્યું અને એક મજેદાર કિસ્સો યાદ કર્યો.
1950માં બ્રિટીશ હાઇ કમિશ્નર ક્લટરબક ભારતની મુલાકાતે આવવાના હતા અને તેમની ઇચ્છા હતી કે પોતે રાજઘાટ પર પુષ્પમાળા ચડાવતા હોય એવી તસવીર બધે પ્રસિદ્ધ થાય. કોણ જાણે કેમ, પણ એ દિવસે અન્ય કોઇ ફોટોગ્રાફર હાજર નહોતા, સિવાય હોમાયબેન , જેઓ બ્રિટીશ હાઇ કમિશન માટે કામ કરતાં હતાં. પોતાના સ્પીડગ્રાફિક કેમેરા વડે તેમણે કુલ બાર તસવીરો લીધી. આ કેમેરા ચામડાની ધમણવાળો હતો, જેમાં પીનહોલ થઇ ગયેલો, પણ હોમાયબેન મોટે ભાગે રાત્રે ફોટા પાડવામાં તેનો ઉપયોગ કરતાં હોવાથી ખ્યાલ નહોતો આવ્યો. પણ આ બાર ફોટા લીધા પછી તેને ડેવલપ કરવા ગયાં અને રાબેતા મુજબ ત્રણ મિનીટનું એક્સપોઝર આપ્યું, પણ બારેબાર ફોટા બ્લેન્ક! તેમને ખ્યાલ ન આવ્યો કે આવું કેમ થયું. પણ પતિ માણેકશાએ સૂચવ્યું કે આને દસ મિનીટનું એક્સપોઝર આપી જોઇએ, કદાચ કંઇક પરિણામ મળે. અને ખરેખર એમ કરતાં જોયું તો એક ફોટામાં વચ્ચોવચ્ચ ફક્ત એટલો જ ભાગ ઉપસ્યો હતો, જ્યાં હાઇ કમિશ્નર પુષ્પોની રીંગ ચડાવતા હતા. આ ન થયું હોત તો શું થાત? કેમ કે અન્ય કોઇ ફોટોગ્રાફરે આ પ્રસંગની તસવીર લીધી નહોતી.

પણ હોમાયબેન એમ માને છે કે શુભ શક્તિ સદાય પોતાને મદદ કરતી રહી છે. પોતાની વધતી ઉંમર વિષે તો કહે છે, “હવે મારી ગાડી રીવર્સ ગિયરમાં ચાલે છે. હું સત્તાણુંની નહીં, પણ સેવન્ટી નાઇનની થઇ.”
યોગાનુયોગે અમે બેઠા હતા ત્યારે જ અમદાવાદના વિખ્યાત તસવીરકાર જગન મહેતા (જગનદાદા)ના પુત્ર ઉપેનભાઇ તરફથી પુષ્પગુચ્છ લઇને તેમના સાળા કિરીટભાઇ ભટ્ટ પણ આવ્યા અને ‘જગન મહેતા ફેમીલી તરફથી’ તેમણે પુષ્પગુચ્છ આપ્યો.

Monday, December 07, 2009

જામધોળકા અને મીઠાશના ‘જામ’

કોઇને જામનગરના જામરણજી યાદ આવી શકે, તો કોઇને જામજોધપુર જેવાં ગામ, પણ ‘જામધોળકા’ને એમની સાથે કશી લેવાદેવા નથી. ઘરઆંગણે જામફળ વેચવા આવતા લારીવાળાના મોઢેથી એમણે પણ ‘જામધોળકા...જામધોળકા’ જેવા પોકારો જામફળ માટે સાંભળ્યા હશે.
ખારી સિંગ જેમ ભરૂચની, તેમ જામફળ તો બસ ધોળકાનાં. આને કહેવાય બ્રાન્ડિંગ. કારણ કે એક જમાનામાં જામફળની વાડીઓ માટે જાણીતા ધોળકામાં હવે જામફળ થતાં જ નથી, એવું એક લારીવાળા ભાઇએ કહ્યું. ખેડાથી ધોળકા જવાના રસ્તે, રઢુ ગામની આસપાસના બે-ત્રણ-ચાર કિલોમીટરના વિસ્તારમાં સડકની કિનારે જામફળની ત્રીસેક લારી ઉભેલી હોય છે. (છ-સાત લારી તો ફોટામાં ગણી શકાય છે.) તેમાં ઉપર બતાવ્યાં છે એ રીતે લાલ જામફળ કાપીને, સફેદ જામફળની સાથે સજાવટ તરીકે ગોઠવેલાં હોય છે.
‘જામફળ તો ધોળકાનાં નહીં?’ એવું પૂછતાં જ લારીવાળા ભાઇ કહે છે,‘ના, આ બધા રઢુના છે. હવે ધોળકામાં જામફળની વાડીઓ રહી નથી.’
‘પણ બહાર તો એ ધોળકાનાં જામફળ તરીકે વેચાય છે...’
લારીવાળા કહે,‘એ તો અમે પણ ધોળકાનાં કહીને જ વેચીએ છીએ.’
લાલ જામફળનાં ઝાડ અલગ થાય છે અને મીઠાશમાં લાલ કરતાં સફેદ જામફળ વધારે ચડિયાતાં ગણાય છે. જામફળના કઠણ બીયા દાંતમાં ભરાઇ જતા હોવા છતાં અને એની વિશિષ્ટ (કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલમાં છૂટી પાડીને ઓળખી બતાવાય એવી) સુગંધ ખાધા પછી લાંબા સમય સુધી રહેતી હોવા છતાં, કાચાં, અડધાંપડધાં પાકેલાં અને પૂરાં પાકેલાં જામફળ ખાવાની મઝા છે. એ સિવાય જામફળ-સિંગ અને મરચાંનું ગળચટ્ટું અને તીખું શાક અમારા ઘરની બે પેઢી જૂની રેસિપી અને બહુ ‘હિટ’ આઇટેમ છે.
રઢુનાં જામફળ બારગેઇનિંગની તસ્દી વિના ૧૫ રૂપિયે ૫૦૦ ગ્રામ લઇ લીધા પછી, ઘરે આવીને પૂછપરછ કરતાં ખબર પડી કે મહેમદાવાદમાં જામફળ ૧૦ રૂપિયે ૫૦૦ મળતાં હશે!
૧૫-૧૭ વર્ષ પહેલાં મનાલી જતાં રસ્તામાં એપલ જ્યુસની એક ફેક્ટરીના આઉટલેટ પર એપલ જ્યુસ પીધો ત્યારે તેનો એ જ ભાવ હતો, જે કાળુપુર સ્ટેશને હિમાચલ પ્રદેશના કાઉન્ટર પર હોય છે. ફેક્ટરી આઉટલેટનો ભાવ વધારે ન હતો એ જ ગનીમત !

રાઇનું ઐશ્વર્ય

મહેમદાવાદથી ખેડા જવાના રસ્તે ખેતરમાં ઉગેલી રાઇની ફસલ, લીલા છોડ પર પીળાં ફુલની બીછાત અને ઉપર ભૂરૂં આકાશ...એના વર્ણનમાં શા માટે શબ્દો બગાડવા? નજારો જ જોઇ લો.

Thursday, December 03, 2009

દીક્ષાયાત્રાઃ ત્યાગ પહેલાંનો ભોગ

બે દિવસ પહેલાં ઓફિસ જવાના રસ્તે આ વરઘોડો જોવા મળ્યો. હકીકતે એ દીક્ષાર્થીની યાત્રા હતી, પણ તેનો દેખાવ જોઇને સહજ રીતે ‘વરઘોડો’ શબ્દ જ સૂઝે.
દીક્ષાના વિષયમાં મને પીચ પડતી નથી. એના સિદ્ધાંતો સમજાતા નથી, પણ મેં આ શોભાયાત્રા બહુ રસથી જોઇ. દીક્ષાર્થી બહેન તેમાં વિવિધ વસ્તુઓ અને ક્યારેક ચલણી નોટો ઉછાળીને લુંટાવતી હતી. ચીજવસ્તુઓ પેકેટ સ્વરૂપે પણ ખરી ને એક તસવીરમાં દેખાય છે તેમ, ચોખા જેવું કંઇ પણ તે ઉછાળતી હતી. એ વખતે તેના હાથ બિલકુલ ગરબા મુદ્રામાં છટાથી લહેરાતા હતા. શોભાયાત્રા જે રસ્તેથી પસાર થવાની હતી, ત્યાં ઠેકઠેકાણે રસ્તા પર રંગોળી કરેલી હતી તેનો પણ એક ફોટો મૂક્યો છે.
બેન્ડવાજાં સમજ્યા, પણ ચાંદીના રથથી માંડીને ફુગ્ગા અને એકાદ કાર્ટૂન કેરેક્ટર ... આ બઘું મારી સામાન્ય બુદ્ધિમાં ઉતરે એવું ન હતું. મને ભારેખમ અને અસ્વાભાવિક સાઘુઓના બદલે સ્વાભાવિક સંસારીઓનું આકર્ષણ વધારે રહે છે. શોભાયાત્રાના અંતે દીક્ષાર્થી છોકરીને બગીમાંથી ઉતારીને કેટલાંક સગાંસ્નેહીઓએ ઊંચકી લીધી હતી, તેનો પણ એક ફોટો છે. (ફોટો ક્લિક કરવાથી મોટા દેખાશે)
મને એમ થાય કે ત્યાગ પહેલાં ભરપૂર ભોગ કરવો હોય તો ભલે. સમજ્યા. પણ એ જરા વધારે ટેસ્ટફુલી, વધારે ગરીમાપૂર્વક અને બીજા વરઘોડાઓ જેટલું જ ન્યૂસન્સ પેદા કર્યા વિના ન થઇ શકે? કમ સે કમ, એ આખી પ્રવૃત્તિનું ધાર્મિક ચરિત્ર આખી યાત્રામાં મને ક્યાંય દેખાયું નહીં. એને બદલે, શોભાયાત્રામાં આગળના ભાગમાં લોકો બેન્ડવાજાના સૂર પર અને એક ભાઇના સ્વર પર ઝૂમી ઝૂમીને નાચતા હતા. ઊંટગાડીઓમાં અનેક લોકોનું ચડી બેસવું જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંત સાથે કેટલું સુસંગત હશે એવા સવાલ પણ થાય.

Wednesday, December 02, 2009

વાંદરા અને મગરની વાર્તાઃ તપાસપંચનો અહેવાલ

‘બાર વર્ષે બાવો બોલ્યો, જા તેરા સત્યાનાશ હો’- આ જાણીતી કહેવત છે, પણ એ કહેવતમાં બાવો કોણ છે એ ઘણાને સમજાતું ન હતું. અનેક તપાસપંચોની તાસીર જોયા પછી લાગે કે એ બાવો નક્કી કોઇ તપાસપંચનો અઘ્યક્ષ હોવો જોઇએ અને અક્સ્ટેન્શન પર એક્સ્ટેન્શન લઇને તેણે આટલું એક વાક્ય બોલવામાં બાર વર્ષ ખેંચી કાઢ્યાં હશે. તપાસપંચો ઉપર વઘુ પ્રકાશ ફેંકતી એક સુધારેલી બાળવાર્તા.

***
એક હતો વાંદરો. એ ઝાડ પર રહેતો હતો. એક મગર હતો. એ તળાવમાં રહેતો હતો. બન્ને પાસે રેશનકાર્ડ કે રેસીડેન્શ્યલ પ્રૂફ નથી એવું તેમની જુબાની પરથી માલુમ પડ્યું છે. (પંચની પહેલી મુદત સમાપ્ત. એક્સ્ટેન્શન)

વાંદરો ખરેખર વાંદરો જ હતો અને મગર ખરેખર મગર જ હતો, એ વિશે પણ સોગંદપૂર્વક કહી શકાય નહીં. કારણ કે બન્નેના ડી.એન.એ. ટેસ્ટની પરવાનગી મળી ન હતી. (બીજી મુદત સમાપ્ત. એક્સ્ટેન્શન)

આ બન્ને ટેરરિસ્ટોના સ્લીપિંગ સેલના સભ્યો હોવાની દિશામાં આંગળી ચીંધતી કેટલીક હકીકતો મળી આવી છે. જેમ કે વાંદરો દાઢી જેવું રાખે છે ને તેના માથે ટોપી જેવું હોય છે. મગરનો દેખાવ જ હિંસક લાગે છે અને એટલું પૂરતું છે. મગરની ચામડી નેતાઓ જેવી હોવાના આરોપ વિશે પણ વઘુ તપાસ જરૂરી છે. (ત્રીજી મુદત પૂરી. એક્સ્ટેન્શન.)

વાંદરો જાંબુના ઝાડ પર રહેતો હતો. એને જાંબુ બહુ ભાવતાં હતાં, કારણ કે તેને એ મફત મળતાં હતાં. મગરને પણ જાંબુ બહુ ભાવતાં હતાં, કારણ કે તેને એ ખાવા મળતાં જ ન હતાં. મગરને જાંબુ ખાવાનું મન થયું, તેમાંથી જ આખી ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. (ચોથી મુદત પૂરી. એક્સ્ટેન્શન.)

વાંદરા અને મગર વચ્ચે દોસ્તી થઇ. તેમણે બધા વાંદરા અને મગરો માટે ‘યુનાઇટેડ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ એલાયન્સ’ (યુએનડીપીએ) નામનું સંગઠન બનાવવાનું નક્કી કર્યું. એ માટે બન્ને વચ્ચે રોજ મીટિંગ થવા લાગી. (પાંચમી મુદત પૂરી. એક્સ્ટેન્શન.)

વિવિધ સાક્ષીઓની જુબાની પ્રમાણે, બન્નેની મીટિંગ રોજ તળાવમાં થતી હતી, કારણ કે મગર ઝાડ પર ચડી શકતો ન હતો. આ વિશે મગરને પૂછતાં તેણે કહ્યું હતું કે ‘એવું કંઇ નહીં. હું ધારૂં તો ઝાડ પર ચડી જઊં, પણ હું ધારતો નથી.’ વાંદરાએ કબૂલ્યું હતું કે તે મગરને તળાવની બહાર મળી શક્યો હોત, પણ તેને તળાવમાં જવાનું બહુ ગમતું હતું. (છઠ્ઠી મુદત પૂરી. એક્સ્ટેન્શન)

વઘુ પૂછપરછમાં વાંદરાએ કહ્યું હતું કે ‘યુએનડીપીએ’ની રચના તો ખાલી બહાનું હતું. ખરેખર તો મારે મગરની પીઠ પર બેસીને તળાવની સહેલ કરવી હતી. મગરે બંધબારણે આપેલી જુબાનીમાં કહ્યું હતું કે ‘યુએનડીપીએ’ તો ખાલી કહેવાની વાત હતી. અસલમાં મારે વાંદરાનું કલેજું ખાવું હતું.’ (સાતમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)

બન્ને પોતપોતાનો દાવ સીધા રસ્તે આગળ વધતો જોઇને રાજી હતા. બહારના લોકો તેમની મૈત્રી જોઇને નવાઇ અનુભવતા હતા અને તેમના સંબંધો વિશે અવનવી વાતો કરતા હતા. એક કાગડાએ આપેલી જુબાની પ્રમાણે, તેને શંકા હતી કે વાંદરાનો અસલી હેતુ મગરને પકડાવી દઇને, તેના ચામડામાંથી પોતાનાં સંતાનો માટે જેકેટ બનાવવાનો હતો. તળાવના નિયમિત મુલાકાતી એક બગલાએ કહ્યું હતુંઃ ‘મગર એક વાર નબળી પળોમાં મારી આગળ બોલી ગયો હતો કે સંગઠન જાય તેલ લેવા, હું બુઢિયાને તો કાચો ને કાચો ચાવી જઇશ.’ (આઠમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)

થોડા દિવસ સાથે હર્યાફર્યા પછી અને સંગઠનની વાતો કર્યા પછી એક દિવસ વાંદરો તળાવે આવ્યો, ત્યારે તેને મગરની આંખોમાં જુદી જાતનો ચમકારો દેખાયો. એ દિવસે છઠ્ઠી ડીસેમ્બર હતી કે નહીં એ વાંદરાને યાદ નથી. કારણ કે ઝાડ પર કેલેન્ડર ક્યાંથી હોય? મગરને ખબર હોવાનો સવાલ જ નથી. કારણ કે ઝાડ પર કેલેન્ડર ન હોય, તો તળાવમાં ક્યાંથી હોય? (નવમી મુદત પૂરી. એક્સેટેન્શન)

વાંદરાએ મગરની પીઠ થપથપાવી અને હંમેશાંની જેમ ઉપર બેસી ગયો. એ વખતે મગરની આંખોમાં રમતા ભાવ પીઠ પર બેઠેલા વાંદરાને દેખાયા નહીં. (‘તો આ તપાસપંચને ક્યાંથી દેખાયા?’ એવો સવાલ અસ્થાને છે.) તળાવની વચ્ચોવચ પહોંચ્યા પછી મગરે મુદ્દાની વાત કાઢીઃ ‘તમે જે જાંબુ ખાવ છો તે આટલાં મીઠાં હોય છે, તો તમારૂં કલેજું કેટલું મીઠું હશે! મારે તમારૂં કલેજું ખાવું છે.’ વાંદરાને ખરાબ ન લાગે એટલે મગરે એમ પણ કહ્યું કે ‘તમારો વિશ્વાસઘાત કરવો પડ્યો એટલે હું આજના દિવસને મારા જીવનનો સૌથી ખરાબ દિવસ જાહેર કરૂં છું, પણ મારે તમારૂં કલેજું તો ખાવું જ છે.’ (દસમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)

‘મગર જોડે યુનાઇટેડ ફ્રન્ટ રચીએ એટલે વહેલોમોડો કલેજું ચીરાવાનો દિવસ આવે જ’ એવું વાંદરો મનોમન ગણગણ્યો. પણ ચહેરા પર સ્વસ્તથતા જાળવીને ટાઢકથી તેણે કહ્યું,‘મારૂં કલેજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું.’ વાંદરો ખરેખર આવું જ બોલ્યો હતો કે નહીં, તેના પૂરતા પુરાવા મળ્યા નથી. વાંદરાએ પંચ સમક્ષ જુબાનીમાં આવી કોઇ ઘટના બની હોવાનો જ ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે ‘એ તો મગરે બે ઘડી ગમ્મતમાં કહ્યું હતું. એટલે મેં એને ગમ્મતમાં કહ્યું કે કલેજું તો હું ઝાડ પર ભૂલી ગયો. અમારા બન્નેમાંથી કોઇ એટલું મૂરખ નથી કે જેને આટલી સાદી ખબર ન પડે. અમારૂં ગઠબંધન હજુ ચાલુ જ છે. અમારી વચ્ચે કોઇ મતભેદ નથી.’ (અગીયારમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)

મગરે પંચ સમક્ષ જુબાનીમાં આવું કંઇ બન્યું હોવાનો ઇન્કાર કર્યો હતો, પણ બીજાં કેટલાંક પ્રાણીઓ સમક્ષ તેણે એવો દાવો કર્યો હતો કે ‘તે દિવસે મારી પીઠ પર બેઠેલા વાંદરાનું કલેજું તો હું ખાઇ ચૂક્યો છું. અત્યારે જે વાંદરો નિવેદન આપે છે, એ તો બીજો જ વાંદરો છે. એને હું કદી મળ્યો નથી. એને મારી પીઠ પર નહીં, પણ અમારા ગઠબંધન પર ચડી બેસવામાં રસ છે.’

બારમી મુદતના અંતે તપાસપંચને મળેલી આ માહિતીથી આખી ઘટનાને નવો વળાંક મળતાં, એ મુદ્દે તલસ્પર્શી તપાસ માટે નવું પંચ રચવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન, એકતા કપૂર પ્રકારના નિર્માતાઓ અનંત લંબાઇની સિરીયલ લખાવવા માટે તપાસપંચની ઓફિસનાં ચક્કર કાપી રહ્યાં છે. બાર મુદતને અંતે તૈયાર થયેલો તપાસપંચનો અહેવાલ વાંદરા અને મગરના ગઠબંધનમાં ભંગાણ પાડવાનું થાય ત્યારે જાહેર કરાશે. ત્યાં સુધી અહેવાલનું શું થશે, એ તપાસનો- કે તપાસપંચનો- વિષય છે.

Tuesday, December 01, 2009

Winter Collection 2009 : હેડફોન-પટ્ટી

શિયાળુ પવનના સૂસવાટાથી કાનને બચાવવા માટે સમયાંતરે મફલર, સ્કાર્ફ, બુઢિયા ટોપી, ઉની ટોપી અને કાનપટ્ટી જેવી ચીજો વપરાતી રહી છે. માથા પર ફાળિયાની જેમ પહેરાતું મફલર, આખી હેલ્મેટની જેમ હડપચી સુદ્ધાં ઢાંકી દેતી બુઢિયાટોપી, હાથે ભરેલી કથ્થઇ રંગની મોટી ટોપી અને કપાળ પર સાંકડો પટ્ટો તથા પાછળના ભાગમાં પહોળો પટ્ટો ધરાવતી ચસોચસ ‘કાનપટ્ટી’ની જુદી જુદી ખાસિયતો હતી.
આ યાદીમાં ઓણ સાલ એક નવી ચીજ ઉમેરાઇ છેઃ હેડફોન જેવો આકાર ધરાવતી રંગબેરંગી કાનપટ્ટી. ઉપરની તસવીરોમાં દેખાય છે તેમ, આ કાનપટ્ટી દેખાવમાં એકદમ ફેન્સી છે અને લારીઓમાં દસ-દસ રૂપિયામાં વેચાય છે. (દુકાનોમાં થોડો વધારે ભાવ હોય છે.) તેને હેડફોનની જેમ પાછળથી પહેરવી પડે છે. આગળથી જોનારને ફક્ત હેડફોનના બે ઇઅરપીસ જેવા રંગીન ગોળાકાર જ દેખાય અને એવું લાગે કે આ સજ્જન (કે સન્નારી) ઠંડીતી બચવા જેવી ક્ષુલ્લક પ્રવૃત્તિને બદલે સંગીતશ્રવણ જેવું દિવ્ય કાર્ય કરી રહ્યા છે.
હેડફોન-પટ્ટી દેખાવમાં તો સરસ છે, પણ ઠંડી રોકવામાં કેવીક અકસીર છે એ જાણવા તેનો જાતઅનુભવ લઇ જોયો. પટ્ટી પહેર્યા પછી પણ, તે ચસોચસ બેસતી ન હોવાને કારણે, વાહન પર સામેથી આવતો પવન પટ્ટીની નીચેથી કાનમાં ધૂસી જતો હતો. ટોપી પહેરી હોય અથવા સાદી કાનપટ્ટી પહેરી હોય અને જે ગરમાવાનો અનુભવ થાય, એવો ગરમાવો હેડફોન-પટ્ટીમાં લાગ્યો નહીં. કડકડતી ઠંડી કે પવનથી બચવાને બદલે પહેરવાનો આનંદ લેવાનું મન હોય તો આ હેડફોન-પટ્ટી પહેરાય, બાકી હેડફોન-પટ્ટી પહેરેલા બીજા લોકોને જોઇને આનંદ લેવાનો.

Monday, November 30, 2009

‘શિક્ષણસૂત્ર’ : ૧૧૧ વર્ષ જૂના છતાં નવા લાગતા શિક્ષણના સિદ્ધાંત

વિચારકો-સંશોધકોને બદલે કારકુનો પેદા કરતી અંગ્રેજી શિક્ષણપદ્ધતિ અંગ્રેજોના ગયા પછી પણ ભારતમાં ટકી રહી. એટલું જ નહીં, ભારતીય અપલક્ષણોના ઉમેરા સાથે વઘુ પુષ્ટ બની. કલમ-કિત્તા ગયા ને કમ્પ્યુટર આવ્યાં, પણ વિદ્યાર્થીઓ અને સાર્થક-સર્વાંગી શિક્ષણ વચ્ચેની ખાઇ પુરાવાને બદલે વઘુ ઊંડી થઇ છે. વિદ્યાર્થીઓ અને તેમનાં માતાપિતા પણ શિક્ષણ પાસેથી શી અપેક્ષા રાખવી જોઇએ તે ભૂલીને, ટકાવારીની ઊંદરદોડને શિક્ષણનો પર્યાય ગણવા લાગ્યાં છે.

શિક્ષણનો અસલી હેતુ અને એવું શિક્ષણ શી રીતે આપી શકાય, એ વિશે વર્ષોથી ચિંતા અને ચર્ચા થતી રહી છે. ઇ.સ.૧૮૯૮માં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી’એ પ્રગટ કરેલી પુસ્તિકા ‘શિક્ષણસૂત્ર’ એ દિશામાંનો એક પ્રયાસ છે. આશ્ચર્ય અને ખરેખર તો આઘાત લાગે એવી હકીકત એ છે કે ૧૧૧ વર્ષ પહેલાં વતરણાંના યુગમાં પ્રકાશિત થયેલી એ પુસ્તિકાનાં મોટા ભાગનાં સૂત્રો ‘વિન્ડોઝ ૭’ના જમાનામાં પણ અમલી બની શક્યાં નથી. (વતરણાં એટલે નોટ કે સ્લેટ પહેલાંના જમાનામાં, પાટલી પર પાથરેલી રેતીમાં અક્ષરો પાડવા માટેની લાકડાની સળી. તેના પરથી કહેવત બની હતીઃ ઠોઠ નિશાળીયાને વતરણાં ઝાઝાં)

બે આનાની કિંમત અને મુખપૃષ્ઠ સહિત ૪૮ પાનાં ધરાવતી પુસ્તિકા ‘શિક્ષણસૂત્ર’માં લક્ષ્મણ નારાયણ ફડકેનાં મરાઠી સૂત્રોનો ગુજરાતીમાં અનુવાદ છે. મૂળ સામગ્રીની ગુજરાતી રજૂઆત ઉપર અનુવાદકર્તાઓ - નારાયણ હરિ મોકાશી તથા રવિશંકર જગન્નાથ વ્યાસ-તરફથી વધારાની ટીપ્પણી પણ મૂકવામાં આવી છે. એ સૂચવવા માટે પુસ્તકના શીર્ષક નીચે કૌંસમાં લખ્યું છેઃ ‘સટીક’- એટલે કે ટીકા સહિત.

૧૮૯૮માં જ્યારે શિક્ષકો ‘મેહેતાજી’ તરીકે ઓળખાતા હતા અને આજના શિક્ષણમાં વપરાતી સામગ્રીમાંથી એક પણ ચીજ મોજૂદ ન હતી, ત્યારે શિક્ષણ વિશેના ખ્યાલો ૨૦૦૯માં પણ આઘુનિક લાગી શકે એવા હતા. કેટલાક નમૂના (અસલની ભાષા સાથે)

 • હાલ બાળકોને નિરૂપયોગી બાબતો પુષ્કળ શીખવવામાં આવે છે અને તેથી જ ઉપયુક્ત (એપ્રોપ્રીએટ) બાબતો શીખવવાને વખત જ મળતો નથી. ઇતિહાસમાંનું કેવળ તવારીખ વગેરે જ્ઞાન આવા જ પ્રકારનું છે. માટે શિક્ષણપદ્ધતિમાં સુધારો કરવો જોઇએ. એટલું જ નહીં, અભ્યાસક્રમમાં પણ પુષ્કળ સુધારો કરવો જોઇએ. શાસ્ત્રીય જ્ઞાન જેથી કરીને વધારે આપી શકાય અને વળી ઉત્તમ પદ્ધતિથી આપી શકાય...હવે જ્ઞાન પદ્ધતિયુક્ત છે એમ ક્યારે સમજાય? તો જ્યારે તેનો વ્યવહારમાં વધારે વધારે ઉપયોગ થતો નજરે પડે ત્યારે જ. હાલ તો નિશાળ છોડી કે તરત જ ઘણીખરી બાબતો બાળકો ભૂલી જાય છે અને વ્યવહારમાં તેમને ઉપયોગ કરવાનો વખત પણ કવચિત જ આવે છે.
 • ઉપયુક્ત જ્ઞાનનો જેઓ પ્રસાર કરશે, તેઓનો જ અર્થ સરશે...દરેકને પ્રત્યેક કારીગરની ડગલે ડગલે જરૂર પડે છે. આજ સુતારની, તો કાલે કડિયાની અને પરમ દિવસે સોનીની વગેરે. હવે આ કારીગર લોક પોતપોતાના કામમાં જો વધારે વધારે પ્રવીણ અને પ્રમાણિક થતા જાય, તો આપણાં સર્વ કામો હાલ કરતાં કેટલી સરળતાથી ચાલે! અને હાલ આ લોકો સાથે બહુધા આપણે જે માથાકૂટ કરવી પડે છે તે કેટલે દરજ્જે કમી થાય! (આ બન્ને મુદ્દાની દિશામાં ૧૧૧ વર્ષ પછી પણ કેટલું ઓછું કામ થયું છે!)
 • આપણામાં ઉત્તમ મગજવાળા મનુષ્યો નિપજતા નથી આવી તકરારો વખતોવખત આપણા સાંભળવામાં આવે છે. તેનું કારણ ઘણે અંશે ભૂલભરેલી શિક્ષણપદ્ધતિ જ છે. પ્રથમ આપણું ઘણુંખરૂં સઘળું શિક્ષણ પુસ્તકો દ્વારા જ ચાલે છે. સૃષ્ટિનું અવલોકન ઘણું જ થોડું છે, ઘણે ભાગે નથી જ કહીએ તો પણ ચાલે. બીજી બાબત એ છે કે બાળકોને સર્વ બાબતો શિક્ષકો પોતાની મેળે શીખવે છે કે ચોપડીમાંથી મોઢે કરાવે છે. દાખલાઓની એક ચોપડી હોય તો તેના ખુલાસાવાળી બીજી ચોપડી તૈયાર જ હોય! ઈંગ્રેજી કે ગુજરાતી વાચનમાળા કહી કે તેના શબ્દાર્થનું બીજું પુસ્તક તૈયાર જ હોય! કલાકમાં વધારે દાખલા કરાવે તે શિક્ષક હોંશિયાર. પછી છોકરાં તેમાંનો એકે દાખલો સમજે કે ન સમજે! આવી સ્થિતિ હવણાં થઇ રહી છે. શિક્ષણ સંસ્કાર બાળકોને થવાને બદલે તેમના (માથા) પર શિક્ષણના થર કરવામાં આવે છે અને આ થર તેમણે નિશાળ છોડી કે તરત જેમના (માથા) પરથી ખરી પડી છે, અને તેઓ હતાં તેવાં ને તેવાં થઇ રહે છે. કોઇને તો તે શીખ્યો જ નથી એવી ભ્રાંતિ પણ થાય છે. આવું ઉપરચોટિયું શિક્ષણ ફળદ્રુપ ક્યાંથી થાય અને ઉત્તમ મગજવાળા પુરૂષો ક્યાંથી નિપજે? માટે શિક્ષણપદ્ધતિમાં અને તેની સાથે જ પરીક્ષણપદ્ધતિમાં પણ મૂળમાંથી સુધારો થવો જોઇએ. ગોખણપટ્ટીનું શિક્ષણ કમી કરીને બુદ્ધિનો વધારો કરે, એવું શિક્ષણ ધીમે ધીમે વધારવું જોઇએ. બાળકોની અવલોકનશક્તિ, નિરીક્ષણસામર્થ્ય, અનુમાન યાથાર્થ્ય વગેરે માનસિક શક્તિની વૃદ્ધિ થાય એવી રીતે તેમને શિક્ષણ આપવું જોઇએ. ફક્ત તેમના ગળામાં પરાણે ઘાલવું (ઉતારવું) એ શિક્ષણ કાંઇ ઉપયોગનું નથી. (શિક્ષણ આપવાની આ પદ્ધતિનું વર્ણન અત્યારનું હોય એવું નથી લાગતું?)
 • છોકરાં સારાં નિવડતાં નથી તેનું કારણ માબાપ અને શિક્ષક બન્ને, એ આપણે ઘણી વખત અર્થાત્ નિરંતર ભૂલી જઇએ છીએ. છોકરો નઠારો નીકળ્યો કિંવા અભણ રહ્યો, તો તેમાં આખો વાંક છોકરાનો કાઢવામાં આવે છે, અને માબાપને માટે દિલગીરી બતાવવામાં આવે છે...પણ આ બાબતમાં માબાપાનો કિંચિત પણ દોષ હશે એવું કોઇના સ્વપ્નમાં પણ આવતું નથી વા કોઇ કહેતું પણ નથી, પરંતુ ચીઢીઆ સ્વભાવનાં માબાપનાં છોકરાં પ્રસન્ન સ્વભાવનાં ક્યાંથી હોય? પગે પગલે જૂઠું બોલનાર માબાપનાં છોકરાં સત્યવાદી ક્યાંથી નીવડે? તમાકુ દારૂ પીનાર (વ્યસની) માબાપનાં છોકરાં સત્યવાદી ક્યાંથી નીકળે? નિશાળમાં ભણતાં છોકરાં સદગુણી થવાને શિક્ષકોનું શાળામાંનું અને ખાનગી વર્તન શુદ્ધ ન જોઇએ? સારાંશ, છોકરાં નઠારાં નીકળે છે તેનું અર્ઘું કારણ- બલકે તેથી પણ વધારે કારણ- માબાપ અને શિક્ષક જ છે...પોતે તો ગમે તેમ વર્તે અને છોકરાં નઠારાં નીકળે ત્યારે નકામી બૂમો પાડે એવી હાલની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ જ્યાં સુધી કાયમ રહેશે અને જ્યાં સુધી તેની જવાબદારી (માબાપ શિક્ષકો વગેરે) પોતાને માથે રાખશે નહિં, ત્યાં સુધી ધારવા પ્રમાણે સુધારો થવાની આશા રાખવી વ્યર્થ છે. (આ ભવિષ્યવાણીની સચ્ચાઇ આપણી આંખ સામે છે.)
 • બાળકોનો સ્વભાવ બનાવવો એ શિક્ષણ પૈકી એક મુદ્દાની વાત છે તે આપણા લક્ષમાં જ નથી. વધારે તો શું? પણ ‘બાળકનો સ્વભાવ બનાવવો’ એ કલ્પના જ ઘણુંખરૂં આપણને અપરિચિત છે. નિશાળોમાં કેવળ જ્ઞાનવિષયક વિષયોમાં છોકરાઓને હોંશિયાર કરવા શિવાય શિક્ષકનું કર્તવ્ય બીજું ઘણું છે, એવું સમજનારા લોકો અને શિક્ષકો ઘણા થોડા જ હશે...સદ્વર્તન દ્વારા જ સદ્મનોવૃત્તિ ઉદ્ભવે છે. માટે તેવી મનોવૃત્તિઓ ઉદ્ભવે એવી તજવીજ કરવી જોઇએ..વગેરે વાતો સમજીને વર્તનારાં માબાપ અને શિક્ષકો કેટલાં હશે તે સમજાતું નથી.

***

શિક્ષણસુધારણા કઇ દિશામાં હોવી જોઇએ તેનો નકશો આટલા વખતથી અંકાયેલો છે, પણ શિક્ષણજગત, સરકાર તથા સમાજ- એ ત્રણે શિક્ષણસુધારાનું મહત્ત્વ આંકવામાં ઓછાં પડ્યાં છે. તેને લીધે શિક્ષણ હવે એવો એકપક્ષી વ્યવસાય બન્યું છે, જેમાં અઢળક રૂપિયા અને સમય ખર્ચનાર ઇચ્છિત વળતર ન મળે તો પણ નુકસાની માગી શકતો નથી. શિક્ષણજગતની વર્તમાન સ્થિતિ જોતાં, ઇ.સ.૧૮૯૮નું ‘શિક્ષણસૂત્ર’ નજીકના ભવિષ્યમાં અપ્રસ્તુત બની જાય એવું લાગતું નથી.

Thursday, November 26, 2009

મુબઇ હુમલાની વરસી

મુંબઇ પરના આઘાતજનક ત્રાસવાદી હુમલાને આજે એક વર્ષ થયું. ત્યાર પછીના ઘટનાક્રમ વિશે વિચારતાં, રાજકીય પક્ષો અંગે ભારે હતાશા ઉપજે એવું છે. કાલે કોઇ અખબારે સરસ લખ્યું હતું કે પહેલી વરસી ટાણે મુંબઇમાં મહારાષ્ટ્ર વિરૂદ્ધ ભારતનો વિવાદ ચાલી રહ્યો છે!

મુંબઇથી જ અભ્યાસી સિનિયર પત્રકાર મિત્ર રાજ ગોસ્વામીએ એચ.બી.ઓ.ની એક ડોક્યુમેન્ટરની લિન્ક મોકલી છે. તેમાં મુંબઇ પરના ત્રાસવાદી હુમલાનાં અને ખાસ તો અજમલ કસાબની હોસ્પિટલમાં થતી પૂછપરછનાં કેટલાંક કદી જોવા ન મળ્યાં હોય એવાં દૃશ્યો છે. બીજા સાક્ષીઓની મુલાકાતો પણ ખરી. ઇન્ટેલીજન્સે આંતરેલી પાકિસ્તાન બેઠેલા દોરીસંચાર કરનારા અને ત્રાસવાદીઓ વચ્ચેની વાતચીત પણ સાંભળવા મળે છે. કેટલાંક દૃશ્યો જોઇને હજુ પણ હચમચી જવાય છે. કસાબના જવાબો ઉપરાંત વી.ટી. સ્ટેશને એક ઓફ્ફ ડ્યુટી પોલીસ કોન્સ્ટેબલ ઓન ડ્યુટી કોન્સ્ટેબલ પાસેથી રાયફલ લઇને ત્રાસવાદીને ફૂંકી મારવાનો પ્રયાસ કરે છે અને રાયફલ જામ થઇ જાય છે એવું, સીસી કેમેરાનું દૃશ્ય સ્તબ્ધ કરી નાખે એવું છે.

Wednesday, November 25, 2009

અમદાવાદનો નવો-જૂનો વારસો

હેરીટેજ સપ્તાહ નિમિત્તે અમદાવાદના જૂના વારસાની ઘણી ચર્ચા થઇ, પણ ભવિષ્યની પ્રજા માટે ‘વારસો’ બનવાની ક્ષમતા ધરાવતી વર્તમાનની ખૂબીઓ વિશે હજુ એટલી વાત થતી નથી. ભાવિ અમદાવાદ માટે હેરીટેજની ભાવિ યાદીમાં ઉમેરી શકાય એવી કેટલીક સાંસ્કૃતિક - માનવસર્જીત- કુદરતી ચીજો.
ધરતીમાંથી ઉગેલાં ધર્મસ્થાન
વારસો એટલે વારસો. એમાં ફક્ત ભવ્ય બાંધણી અને વિશાળ જગ્યા પર બંધાયેલાં ધર્મસ્થાનો જ આવે એવું કોણે કહ્યું? અમદાવાદમાં પ્રત્યેક ચોરસ કિલોમીટરે કેટલું ‘પવિત્ર દબાણ’ છે તેના આંકડા ઉપલબ્ધ નથી. પણ પેરિસમાં જેટલા રોડસાઇડ બાર-કમ-રેસ્ટોરાં હશે, એનાથી અનેક ગણાં વધારે અમદાવાદમાં રોડસાઇડ ધર્મસ્થાન છે, એવું અનુમાન સહેજે લગાડી શકાય. રસ્તાની બાજુ પર કે વચ્ચોવચ, લગભગ ઉગી નીકળેલાં હોય એવાં લાગતાં ધર્મસ્થાનો આઘુનિક અમદાવાદનો ગૌરવપૂર્ણ વારસો છે, જેને ટકાવી રાખવા માટે ‘યુનિસેફ’ની મદદની જરૂર નથી. ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ વિભાગનો સહકાર અને સાહેબોના આશીર્વાદ પૂરતા છે.
રહી વાત તેમની આર્થિક સ્થિતિની. એ બાબતમાં ‘યુનિસેફ’ને તકલીફ જેવું લાગતું હોય તો એ અમદાવાદનાં રોડસાઇડ ધર્મસ્થાનનો સંપર્ક કરી શકે છે. સરનામું? એ જ ! રસ્તા વચ્ચે, અમદાવાદ, ગુજરાત!

બ્રેધલેસ ડાઇનિંગ હોલ
સારી ગુજરાતી માઘ્યમની નિશાળો ભલે અમદાવાદમાં લુપ્ત થવાની અણી પર હોય, પણ સારી ગુજરાતી થાળી પીરસતા ડાઇનિંગ હોલની આબાદી સતત વધી રહી છે. ગુજરાતની સંસ્કૃતિ ધીમે ધીમે ગુજરાતી થાળી પૂરતી સીમિત થઇ જશે, એવું ધારીએ તો સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ડાઇનિંગ હોલનું મહત્ત્વ ‘રોયલ આલ્બર્ટ હોલ’થી જરાય ઓછું નહીં હોય. ડાઇનિંગ હોલ આગળ લગાડેલું વિશેષણ ‘બ્રેધલેસ’ શ્વાસ રોકીને ગાતા કલાકારોની ગાયકી માટે વપરાય છે, પણ ગુજરાતી થાળી જમવા જનારા ડાઇનિંગ હોલ માટે ‘બ્રેધલેસ’નો પ્રયોગ સમજી શકશે. કેમ કે, ત્યાં શ્વાસ સિવાય બઘું જ ખાવા મળે છે! જમતા માણસને બે ઘડી પણ પોરો ખાવાનો કે વિચારવાનો ટાઇમ આપવો નહીં અને તેને સતત ‘હોટ સીટ’ પર - વિકલ્પો ટીક કરવાની અવસ્થામાં રાખવો, એ બ્રેધલેસ ડાઇનિંગ હોલની ખૂબી છે.
પહેલાં વેઇટિંગ રૂમ ફક્ત રેલવે સ્ટેશન પર જોવા મળતા હતા. હવે ગુજરાતી ડાઇનિંગ હોલમાં પણ વેઇટિંગ રૂમની સુવિધા રાખવી પડે છે. જેટલો પોરો ખાવો હોય એટલો પહેલાં ખાઇ લો. એક વાર જમવા બેઠા પછી એવો મોકો નહીં મળે!

ગુજરાતી માઘ્યમની શાળાઓ
અમદાવાદનાં અને ગુજરાતનાં નવી પેઢીનાં ઘણાં માતાપિતા ગુજરાતી માઘ્યમની શાળાઓને પોતાના માનસિક પછાતપણા માટે જવાબદાર ગણે છે અને એ જ માનસિકતાના જોરે વિચારે છે કે ‘મારા સંતાનને હું પછાત નહીં રહેવા દઊં.’ એટલે ગુજરાતી માઘ્યમની શાળાઓ બહુ નજીકના ભવિષ્યમાં ‘સાંસ્કૃતિક’ જ નહીં, ‘લુપ્ત થવાના આરે ઉભેલો વારસો’ ગણાવા લાગે એવી સ્થિતિ પેદા થઇ છે. સરકારી ગુજરાતી નિશાળોનાં મકાનોની હાલત પાંચસો-છસ્સો વર્ષ પહેલાં બંધાયેલી ઇમારતો કરતાં વધારે જર્જરિત છે. ‘યુનિસેફ’ને અમદાવાદમાં ઓફિસ ખોલવામાં રસ હોય, તો એકાદ ગુજરાતી નિશાળનો ‘જીર્ણોદ્ધાર’ કરવાનું વિચારી શકાય.

કાંકરિયા તળાવ
કોઇને થશે, કાંકરિયા ક્યાં નવું છે? એ તો સદીઓ જૂનું છે. ખરી વાત. પણ સદીઓથી બાદશાહો-શહેનશાહો-પેશ્વાઓને કાંકરિયા ફરતે દીવાલો ચણવાનું અને પ્રજા પાસેથી પ્રવેશ ફી ઉઘરાવવાનું સૂઝ્યું ન હતું. વર્તમાન શાસકોએ તે અમલમાં મૂકી બતાવ્યું છે. પ્રવેશ ફીના મુદ્દે ‘કાંકરિયા લેક ફ્રન્ટ’ તરીકે ઓળખાતો પ્રોજેક્ટ બીજા અર્થમાં પણ ‘ફ્રન્ટ’ (મોરચો) બન્યો છે. નવા કાંકરિયામાં ભાજપના ‘હેરીટેજ નેતા’ અટલબિહારી વાજપેયીના નામની ટ્રેન ચાલુ થઇ છે. એ ટ્રેન અને કાંકરિયાનાં તોતિંગ પ્રવેશદ્વાર ભવિષ્યમાં કાંકરિયા જેટલો જ મહત્ત્વનો વારસો બની રહેવાની શક્યતા ધરાવે છે.

ભારાડી ભૂવા
કુદરતી-માનવસર્જિત અને સાંસ્કૃતિક વારસાનો સમન્વય એટલે દરેક ચોમાસે અમદાવાદની સડકો પર પડતા ભૂવા. મહાજન યુગના અમદાવાદમાં એટલા પાકા રસ્તા જ ક્યાં હતા કે જે બાંધવામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ભેગા મળીને ખાયકી કરી શકે અને રાજનગર અમદાવાદના ચરણે કેટલાક વઘુ ભૂવાની ભેટ ધરી શકે! સડકો વધવાની સાથે ભૂવાનું પ્રમાણ વઘ્યું. માટે કહી શકાય કે ભૂવા અમદાવાદની પ્રગતિના પ્રતીક છે. પાકી સડકો છે ત્યારે ભૂવા પડે છે. સડકો જ ન હોય તો ભૂવા ક્યાં પડે? તર્કશાસ્ત્રના આ સિદ્ધાંત પ્રમાણે ભૂવાથી અમદાવાદમાં પાકા રસ્તા હોવાનું સિદ્ધ થાય છે. ભૂવાને કાયમી ધોરણે હેરિટેજ તરીકે રાખવામાં કેટલીક વ્યવહારૂ મુશ્કેલીઓ છે, પણ સ્થાનિક વહીવટીતંત્ર શક્ય એટલા લાંબા સમય સુધી તેને જાળવી રાખવાના પ્રયાસ કરે છે. આમજનતાને એવું દર્શાવવામાં આવે છે કે ભૂવાની ચારેબાજુ વાડ બાંધીને તેને પૂરવાનું કામ ચાલી રહ્યું છે, પણ એ કામમાં લાગતો સમય જોઇને કેટલાકને એવી શંકા જાય છે કે એ લોકો ભૂવાની ફરતે આડશ ઉભી કરીને તેનું સ્મારક ચણાઇ રહ્યું છે.

પોળયુદ્ધ અને પોળપંચાત
હેરીટેજની વાત આવે એટલે અમદાવાદની પોળોમાં આવેલી હવેલીઓનો જયજયકાર થાય છે, પણ એ હવેલી કરતાં વઘુ જૂની અને તેના કરતાં વધારે અડીખમ એવી પોળની કેટલીક લાક્ષણિકતાઓનો હેરીટેજમાં સમાવેશ કરવામાં આવતો નથી. પોળમાં થતાં હિંસક શાબ્દિક યુદ્ધો અને ‘આજ તક’- ‘ઇન્ડિયા ટીવી’ને શરમાવે એવી પંચાતીયા ન્યૂઝસર્વિસ પોળનો ખરો વારસો છે. પોળના ઇતિહાસની અહોભાવ છલકતી ગૌરવગાથાઓ સાંભળીને લાગે કે દુનિયાભરના મહાપુરૂષો અહીં આવ્યા અથવા અહીંથી બહાર ગયા. છતાં પોળોની તાસીર બદલાઇ નહીં.

ભૂખ્યાંજનોની લાઇન
ના, ભૂખથી ટળવળતાં ગરીબ લોકોની આ વાત નથી. એવા લોકો વિશ્વમાં સર્વત્ર છે અને એમની ગરીબી જાણે બહુમૂલ્ય વારસો હોય એટલી ચીવટથી જળવાઇ રહી છે. અમદાવાદની ખૂબી તો રૂપિયા ખર્ચીને ભોજન કે નાસ્તા માટે લાઇન લગાડતા લોકો છે. ખમણ હોય કે ખાખરા, દાબેલીની લારી હોય કે ડાઇનિંગ હોલ, ભજિયાં હોય કે ભેળપુરી- લાઇનમાં ઉભા રહ્યા વિના અમદાવાદીઓને એનો સ્વાદ આવતો નથી. એક સમયે અમદાવાદનાં થિયેટરની બહાર જોવા મળતી લાંબી કતારો હવે રેસ્ટોરાં અને ડાઇનિંગ હોલમાં ભીડ તરીકે ઉભરાય છે. દશેરા જેવા તહેવારોના દિવસે ફાફડા-જલેબીનું અને તેની લાંબી લાઇનનું માહત્મ્ય રામ-રાવણ કે શસ્ત્રપૂજા કરતાં ઘણું વધારે હોય છે.
ઉમાશંકર જોશી અમદાવાનો આ હેરીટેજ જોવા હયાત હોત તો એમણે કદાચ લખ્યું હોત, ‘ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે, જંક ફુડની એક કણી ન લાધશે’

Tuesday, November 24, 2009

આઇડીયાની ટક્કર


થોડા વખત પહેલાં ‘આઇડીયા’ (Idea) કંપનીએ Walk When You Talk એવું વિચિત્ર કેમ્પેઇન ચલાવ્યું હતું.
ભારત દેશમાં ચાલતાં ચાલતાં કે ચલાવતાં ચલાવતાં સેલફોન પર વાતો કરવી પડે, એટલા વ્યસ્ત બહુ ઓછા લોકો હોય છે. બાકીના, કાનમાં ભૂંગળાં લગાડીને મોટે મોટેથી વાતો કરતાં રસ્તા પર ચાલતા કે વાહન ચલાવતા લોકો હાસ્યાસ્પદ દૃશ્યો સર્જે છે.
‘આઇડીયા’ને આવો વિચિત્ર અને ભાંગફોડીયો આઇડીયા આપવાનું કેમ સૂઝ્યું એ તો પ્રણવ, જયેશ કે ભાવિન જેવા કોઇ અઘ્યારૂ કહી શકે (પ્રણવ આ બન્નેનો ભાઇ નથી), પણ રાષ્ટ્રીય એટલે કે સરકારી સંચાર સેવા બી.એસ.એન.એલ. તરફથી ‘આઇડીયા’ના કેમ્પેઇન સામે તૈયાર કરાયેલા હોર્ડિંગનો ફોટો અહીં મૂક્યો છે.
‘આઇડીયા’ના ‘વોક વ્હેન યુ ટોક’ના મારા સામે બી.એસ.એન.એલ.ના ‘નો ટોકિંગ વ્હેન વોકીંગ’નો પ્રસાર મર્યાદિત રહ્યો. હવે ‘આઇડીયા’નું કેમ્પેઇન દેખાતું નથી, પણ બી. એસ. એન. એલ. ની લાલ દરવાજા ઓફિસની બહાર, અઘુકડી બેઠેલી દીપિકા પાદુકોણની બાજુમાં, હજુ ‘નો ટોકિંગ...’નો સંદેશો વાંચવા મળે છે.

Friday, November 20, 2009

‘દૃષ્ટિકોણ’માં પ્રભાષ જોશીનું સ્મરણ

હિંદી પત્રકારત્વમાંથી રાષ્ટ્રિય સ્તરે પ્રતિષ્ઠા હાંસલ કરનારા જૂજ પત્રકારોમાં પ્રભાષ જોશીનું નામ મોખરે છે. એક્સપ્રેસ જૂથના હિંદી ‘જનસત્તા’ના તંત્રી તરીકે પ્રભાષ જોશીનો કાર્યકાળ પત્રકારત્વના ઇતિહાસમાં યાદગાર ગણાય છે. ૫ નવેમ્બરે પ્રભાષ જોશીનું અવસાન થયું. તેમની સ્મૃતિ અને વચ્ચે વચ્ચે પ્રાદેશિક પત્રકારત્વની ચર્ચામાં રસ ધરાવતા મિત્રોને આવતી કાલના ‘દૃષ્ટિકોણ’ કાર્યક્રમમાં રસ પડશે.

ડીડી-૧૧ (ગિરનાર) ચેનલ પર, સાંજે સાડા સાત વાગ્યે.
ભાગ લેનારઃ પ્રકાશ ન. શાહ, અજય ઉમટ, રાજીવ પી.આઇ. (ઇન્ડિયન એક્સપ્રેસ, અમદાવાદના નિવાસી તંત્રી)

Thursday, November 19, 2009

આઇ.આઇ.એમ? કે ‘હુ આઇ એમ?’

આજે સવારે આઇ.આઇ.એમ. પાસેથી પસાર થતી વખતે. તેના બસસ્ટેન્ડ પર આ દૃશ્ય જોયું. તેના ફોરગ્રાઉન્ડમાં સમૃદ્ધિના પર્યાય જેવી ‘આઇ.આઇ.એમ.’નું નામ વંચાતું હતું અને બેકગ્રાઉન્ડમાં બસસ્ટેન્ડના પાટિયા પર સૂતેલી છોકરીની ઉપર જાહેરખબર હતી,‘અબ જો ચાહોગે, વો મિલેગા.’

ફોટોલાઇન તરીકે વધારે કંઇ લખવાનું નથી. ફોટો વાંચી લેશો તો બહુ છે.

Monday, November 16, 2009

બી.આર.ટી. (બસ રેપિડ ટ્રાન્ઝિટ)ના સંચાલન માટે વિશ્વસ્તરે જાણીતા એન્રિક પેનેલોસા સાથે વાતચીત

ગઇ કાલે બીઆરટી (બસ રેપિડ ટ્રાન્ઝિટ)ના સંચાલનમાં આંતરરાષ્ટ્રિય નામના ધરાવતા એન્રીક પેનેલોસા/ Enrique Penalosa નો ઇન્ટરવ્યુ કરવાનો હતો. મિત્ર ઋતુલ જોશી અને આઇટીડીપીનાં શ્રેયાની મદદથી પેનેલોસા વિશેની પ્રાથમિક માહિતી મળી હતી. તેમની સાથે સવા કલાકમાં ઘણી વાતો થઇ.

‘ટ’ નો ઉચ્ચાર ‘ત’ (જેમ કે, બી.આર.ટી. નહીં, પણ બી.આર.તી.) કરવાની પ્રાદેશિક લાક્ષણિકતા ધરાવતા પેનેલોસા દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશના બગોટા શહેરના મેયર હતા. એ સમયે તેમણે બી.આર.ટી. દાખલ કરી હતી. બી.આર.ટી. ખરેખર ફક્ત બસ સીસ્ટમ નથી, પણ બસ સીસ્ટમ, રાહદારીઓ માટેના રસ્તા અને સાયકલસવારો માટેના રસ્તાનું એક માળખું છે, જે એકબીજાની સહાયથી સંપૂર્ણ બને છે.

પેનેલોસાની પ્રાથમિકતા બહુ સ્પષ્ટ હતી. રસ્તાની વહેંચણી રાહદારીઓ, સાયકલસવારો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વચ્ચે થઇ જાય, પછી રસ્તો બચે તો કારચાલકોને આપવાનો. તેમણે એમ પણ કહ્યું કે કોઇ પણ પ્રકારના હાઇ વે પર ટુ વ્હીલરને પ્રવેશ ન હોય એ તો ‘ક્લાસિસ્ટ’ વાત જ કહેવાય! (આ બ્લોગ પર ‘એક્સપ્રેસ હાઇ વે પર ટક્કર’ના સંદર્ભે થયેલી ચર્ચા મિત્રોને યાદ હશે)

અમદાવાદમાં કારચાલકોને લાગે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ આમજનતા માટે છે અને આમજનતાને દોઢું ભાડું લેતી બી.આર.ટી. મોંઘી લાગે છે. એનો શું ઉપાય? એવા સવાલના જવાબમાં ‘વાત તો ખરી છે.’ કહીને પેનેલોસે કહ્યું,‘કારચાલકો પાસેથી ટેક્સ વસૂલ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટને સબ્સીડાઇઝ કરવાનો.’ પાર્કિંગ વિશે તેમનો અભિપ્રાય ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરવ્યુમાં પણ છપાયો હતો, એ જ તેમણે કાલે બપોરે વાતચીતમાં પણ કહ્યો,‘ભારતના બંધારણમાં ક્યાંય ‘રાઇટ ટુ પાર્ક’નો- પાર્કિંગ કરવાના અધિકારનો- સમાવેશ થતો નથી. સરકાર તમને પાર્કિંગ આપે છે. ઠીક છે. સારી વાત છે. પણ એ તમને પાર્કિંગ આપવા બંધાયેલી નથી. તમે જેમ તમારાં કપડાં ક્યાં મૂકો છે, એ સરકારનો વિષય નથી એમ તમે તમારી ગાડી ક્યાં મૂકો છો, એ પણ સરકારનો વિષય નથી. તમારે ગાડી લઇને નીકળવું હોય તો નીકળો. પાર્કિંગ મળે તો કરો. ન મળે તો? ગાડી ન વાપરશો. પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરો.’

તમારે આખો રસ્તો કારને આપવો હોય તો આપી દો, પણ એ રાજકીય નિર્ણય હશે. તેને ટેકનિકલ નિર્ણય તરીકે ખપાવવાની જરૂર નથી. રોડ સ્પેસ સૌથી કિમતી મિલકત છે. અમદાવાદના રસ્તા તળેથી ક્રૂડ ઓઇલ કે હીરા મળી આવે તો પણ રોડ સ્પેસની કિંમત તેને પણ ટપી જાય એટલી મોટી હોય છે. એ બધાની માલિકીની છે. એટલે કોઇ પણ સમાજની આંકણી કરવાની એક રીત છેઃ તે રોડસ્પેસની વહેંચણી કેવી રીતે કરે છે. પગપાળા, સાયકલ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કાર. કારવાળાને શરૂઆતમાં કીડીઓ ચડે છે, સંઘર્ષ થાય છે, પણ પછી તેમને જ અનુકૂળ પડવા માંડે છે. યુરોપમાં એવું ઘણી જગ્યાએ થયું છે. બેસ્ટ યુનિવર્સિટીઝના ગ્રેજ્યુએટ લંડન, પેરિસ કે ન્યૂયોર્કમાં રહેવા માગે છે, તેમની પાસે કાર નથી. તેમને ચાલતા જવું પડે છે અને તેમને ગમે છે. એટલી જ આવકમાં બીજાં શહેરોમાં તે મોટી ગાડીઓ સાથે રહી શકે.’
***

‘અમદાવાદમાં શરૂ થયેલા બે વિશ્વસ્તરીય પ્રોજેક્ટ- રીવરફ્રન્ટ અને બસ રેપિડ ટ્રાન્ઝિટ (બી.આર.ટી)- શહેરી વિકાસની બાબતમાં અમદાવાદને રાષ્ટ્રિય સ્તરે મૂકી શકે એવા છે.’ આ શબ્દો એન્રીક પેનેલોસાના છે. ડ્રગ્સ અને ગુનાખોરી માટે કુખ્યાત કોલંબિયાના બગોટા શહેરના મેયર તરીકે પેનેલોસાએ સૌથી સફળ બી.આર.ટી. પ્રોજેક્ટ ‘ટ્રાન્સમિલેનિઓ’ અમલમાં મૂક્યો હતો. અમદાવાદની બસ રેપિડ સિસ્ટમ ‘જનમાર્ગ’ બગોટાની ‘ટ્રાન્સમિલેનિઓ’ સર્વિસની નકલ હોવાનું ગૌરવપૂર્વક કહેવામાં આવે છે.
અમદાવાદની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પેનેલોસાએ ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં શહેરી વિકાસ અંગેના વિવિધ મુદ્દાની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ‘અમદાવાદની બી.આર.ટી. ખરા અર્થમાં ભારતની પહેલી હાઇ ક્વોલિટી બી.આર.ટી. છે.’ સાથોસાથ, તેમણે બગોટાની સરખામણીએ અમદાવાદ ‘જનમાર્ગ’ની કેટલીક મહત્ત્વની મર્યાદાઓ પણ ચીંધી બતાવી હતી.
‘બન્ને વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે બગોટાની બી.આર.ટી. શહેરના સૌથી ગીચ ટ્રાફિક ધરાવતા અને સૌથી અંદરના રસ્તા સુધી જાય છે, જ્યારે અમદાવાદમાં બી.આર.ટી. અત્યારે એવા રસ્તા પર જ ચાલે છે, જેનો ઉપયોગ બહુ ઓછા લોકો કરે છે. બી.આર.ટી.નાં બસ સ્ટેશન સુધી પહોંચવાનો રસ્તો પણ સલામત અને સગવડદાયક નથી. ડીઝાઇન પ્રોબ્લેમ્સ છે. સાઇડવોક અને સાયકલવોક (ફૂટપાથ અને સાયકલસવારો માટેના અલગ રસ્તા) બરાબર નથી.’ જો કે, આ બધી ખામીઓ સુધારી શકાય એવી હોવાનું પણ પેનેલોસાએ સ્પષ્ટ કર્યું હતું.
આ સેવાના ભવિષ્ય અંગે તેમણે કહ્યું કે ‘અત્યારે એએમટીએસ અને બીઆરટી ભલે અલગ હોય, પણ દસ-વીસ વર્ષમાં જાહેર બસ સેવાની ફક્ત એક જ સીસ્ટમ રહેવી જોઇએ. એક જ ટિકીટ વડે એક બસમાંથી બીજી બસમાં જઇ શકાય. એકથી વધારે કંપનીઓના કોન્ટ્રાક્ટ ભલે હોય, પણ આખી સીસ્ટમ એક જ હોવી જોઇએ.’
સાયકલસવારો માટે અલગ રસ્તાની વાત સાંભળીને પેનેલોસાને એવું કહેનારા પણ મળ્યા છે કે ‘અમદાવાદમાં કોઇ સાયકલ વાપરતું જ નથી.’ પેનેલોસા કહે છે,‘આંખ સામે હોય છતાં ન દેખાય, એ તકલીફ ફક્ત અમદાવાદની નહીં, બધાં શહેરોની છે. અમદાવાદમાં ઓછામાં ઓછા વીસેક ટકા લોકો સાયકલ વાપરે છે. તેમના માટેના અલગ રસ્તા બનાવવાથી ભારતના બંધારણમાં આલેખાયેલી સમાનતાની ભાવના વ્યવહારમાં સિદ્ધ થાય છે. જાહેર રસ્તા પર કારચાલક જેટલો જ અધિકાર સાયકલ ચલાવનારનો કે પગે ચાલનારનો છે, એ સંદેશો લોકો સુધી પહોંચવો જરૂરી છે.’
ફ્લાયઓવર અને પહોળા રસ્તાને વિકાસની નિશાની ગણવાનો સાફ ઇન્કાર કરતાં પેનેલોસા રમૂજમાં કહે છે,‘મોટા રોડ અને ફ્લાયઓવરથી ટ્રાફિકની સમસ્યા ઉકલી હોય એવું દુનિયાનું એક પણ શહેર કોઇ બતાવી આપે, તો એને ઇનામ!’ તેની પાછળનો તર્ક ગંભીરતાથી સમજાવતાં તેમણે કહ્યું કે ‘ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, બોસ્ટન જેવાં ઘણાં શહેરોમાં શહેરોમાં ફ્લાયઓવર તોડી પાડવામાં આવ્યા છે. કારણ કે તે શહેરની ગુણવત્તા બગાડે છે. અમેરિકામાં વિશાળ હાઇવે છે. છતાં પુષ્કળ ટ્રાફિક જામ થાય છે. તેનું પ્રમાણ વધતું જ જાય છે. કેમ?
‘ટ્રાફિક ફક્ત કારની સંખ્યાથી નથી વધતો. નંબર ઓફ ટ્રીપ્સ અને લેન્થ ઓફ ટ્રીપ્સ (મુસાફરીના પ્રમાણ અને મુસાફરીના અંતર) ઉપર તેનો મોટો આધાર છે. અમદાવાદમાં કારની સંખ્યામાં વધારો ન થાય, પણ એક કાર બે ટ્રીપ કરે અથવા બમણું અંતર કાપે તો ટ્રાફિક બમણો જ થવાનો. માટે, પહોળા રોડ બનાવી કાઢવા એ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ નથી. ઉપરથી, પહોળા રોડને કારણે ટ્રીપની સંખ્યામાં કે તેના અંતરમાં વધારો થશે અને ટ્રાફિક ઠેરનો ઠેર રહેશે. અમદાવાદ જેવા મોટા શહેરમાં મોટા રોડ અને હાઇવે જોઇએ. પણ એ સમજી લેવું પડશે કે તેનાથી ટ્રાફિકની સમસ્યા ઉકલવાની નથી.’
પેનેલોસા ભારપૂર્વક કહે છે કે ‘ભવિષ્યના- ૨૦૬૦ના - અમદાવાદનો હજુ માંડ ૨૦-૩૦ ટકા હિસ્સો બંધાયો છે. ૭૦ -૮૦ ટકા હિસ્સો હજુ બાકી છે. તેનું યોગ્ય પ્લાનિંગ અત્યારથી કરવામાં આવે તો અમદાવાદ યુરોપનાં શહેરોને ટક્કર મારે એવું બની રહે- એક એવું શહેર જેમાં આત્મા હોય. ચીનનાં શહેરો મસમોટા હાઇવેથી ભરપૂર છે, પણ એમાં આત્મા નથી. તે અમેરિકાનાં શહેરોની કેવળ નકલ છે. તેમાં ચીનનું કશું જ નથી.’
‘ભવિષ્યના અમદાવાદમાં અત્યારે જ્યાં ખુલ્લી જમીનો છે, ત્યાં પગપાળા ચાલનારા માટે, સાયકલસવારો માટે અને બી.આર.ટી. માટે રસ્તાની જોગવાઇ સૌથી પહેલાં રાખવી જોઇએ. વિશાળ બગીચા હોવા જોઇએ. ન્યૂયોર્ક શહેરમાં ૩૦૦ હેક્ટરનો ન્યૂયોર્ક સેન્ટ્રલ પાર્ક બંધાયો, ત્યારે ન્યૂયોર્ક અત્યારના અમદાવાદ કરતાં ઘણું નાનું હતું. ૧૫૦ વર્ષ પહેલાં ન્યૂયોર્ક આ કરી શકતું હોય, તો અમદાવાદ કેમ નહીં? અત્યારે બગીચા બનાવવાની જરૂર નથી. એ હેતુસર જમીન અલાયદી રાખવી જોઇએ.’
પેનેલોસા કહે છે, ‘શહેરની ડીઝાઇન કરવાનો મતલબ એ નથી કે કાર માટે રસ્તાની વ્યવસ્થા કરવી. એક શહેરની ડીઝાઇ દ્વારા આપણે આખી જીવનપદ્ધતિ ડીઝાઇન કરી શકીએ છીએ.’

Friday, November 13, 2009

ગૂગલનું ‘ગૂગલી’ ગુજરાતી

ગૂગલ જેવી ખ્યાતનામ કંપનીએ ગુજરાતીમાં વિવિધ સેવાઓ આપવાનું શરૂ કર્યું, ત્યારે આનંદની સાથોસાથ થોડો ફડકો પણ હતો. અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય બ્રાન્ડ પ્રાદેશિક ભાષાઓમાં આવે, ત્યારે ભાષાનો તે જબરો કબાડો કરે છે. જેમ કે, કોઇ ઈંગ્લીશ એડ કેમ્પેઇન ગુજરાતી ભાષામાં રીલીઝ થાય, ત્યારે તેની પ્રીમિયમ બ્રાન્ડનાં કપડાં ઉતરી જાય એવી રેઢિયાળ ગુજરાતી ભાષા જાહેરખબરમાં મૂકાય છે. (હિમાંશુ કીકાણી જેવા કોપીરાઇટર અપવાદ!) આવી જાહેરખબરો તમારા લમણે પણ અથડાઇ હશે. યાદ આવે તો લખી મોકલશો.

કંપનીઓના સદનસીબે ગુજરાતીઓ ભાષા બાબતે બહુ ટચી નથી. એટલે તેમનું ગાડું નભી જાય છે. આટલી ભૂમિકા સાથે વાત ‘ગૂગલ’ની.

તેની ‘જી-મેઇલ’ સાઇટ પરનું ગુજરાતી વાંચીને ઘણા સમયથી રમૂજ થતી હતી. છેવટે આજે થયું કે તેનો મોક્ષ કરી જ નાખવો જોઇએ.

Gmail ની રચના એ ખયાલને આધારે કરવામાં આવેલી છે કે, ઇમેઇલ વધુ અંતઃપ્રજ્ઞાવાળા, પ્રભાવી અને ઉપયોગી હોઈ શકે છે. અને સાથેસાથે મજેદાર પણ હોઈ શકે છે. તેમ છતાં, Gmail માં:

આ અંતઃપ્રજ્ઞા એટલે શું, કોઇ કહેશે? (અંગ્રેજી સાઇટ પરનો શબ્દ છેઃ ઇન્ટ્યુટીવ. )

અંગ્રેજીમાં લખે છેઃ આફ્ટરઓલ, જીમેઇલ હેઝ...

સાવ વિરોધાભાસી એવું ગુજરાતી થયું છેઃ તેમ છતાં, જીમેઇલમાં...

ઝડપી શોધો

તે ક્યારે મોકલ્યો હતો કે પ્રાપ્ત થયો હતો તે લક્ષ્યમાં લીધા વિના, તમે ઇચ્છતા હોવ તે ચોક્ક્સ સંદેશ શોધવા Google શોધનો ઉપયોગ કરો. :-)))))

‘લોટ્સ ઓફ સ્પેસ’નું ગુજરાતી છેઃ ઘણી બધી જગ્યા અને

‘ઓવર 7390.727254 ’નું ગુજરાતી છે વધુ 7390.727254 !

અને આ નમૂનો ગૂગલ સર્ચના ગુજરાતીનો

તમને વધુ સુસંગત પરિણામ દેખાડવા,અમે પહેલાંથી જ પ્રદર્શિત 12 જેવી કેટલીક સમાન એન્ટ્રિ કાઢી નાખી છે. જો તમને ઇચ્છા હોય, તો તમે કાઢી નાખેલા શોધ પરિણામ વળે ફરી શોધ કરી શકો છો

કવિ આ વાક્ય ‘વળે’ (એટલે કે વડે) શું કહેવા માગે છે, તે સમજવા કેટલું વળવું પડે છે!

Thursday, November 12, 2009

શબ્દાર્થપ્રકાશ # 11

સ્નેહસંગીતિઃ મૈત્રીના (કે પ્રણયના) મઘુર સૂર રેલાવતી ગોષ્ઠિ
એમના ગયાના સમાચાર આવ્યા અને પ્રભાષ જોશી સાથેની સૂચિત સ્નેહસંગીતિ હૃદયમાં જ લય પામી ગઇ. (દિ.ભા., ૭-૧૧-૦૯)

સર્વજનવિહારીઃ સમાજના તમામ વર્ગના લોકો સાથે સહજતાથી હળનાર-મળનાર
વિદ્યાવિલાસવ્યાસંગીઃ વિદ્યાપ્રવૃત્તિઓને બોચિયા જેવી શુષ્કતાથી નહીં, પણ રસિકતાથી સેવનાર.
ફક્કડ, સર્વજનવિહારી, વિદ્યાવિલાસવ્યાસંગી પણ છતાં એકલા, અલગારી. (પ્રભાષ જોશી વિશે, (દિ.ભા., ૭-૧૧-૦૯)

કુશાંદેઃ આરામદાયક (પ્રકાશભાઇના કહેવા પ્રમાણે ‘કુશાંદે’ યુરોપીયન શબ્દપ્રયોગ છે.)
(કૈં નહીં તો છેવટે રાજ્યસભની કુશાંદે બેઠકમાં) હોઇ શકતા હતા. (દિ.ભા., ૭-૧૧-૦૯)

અગ્નિદિવ્યઃ સચ્ચાઇની તાવણી કરતો અગ્નિ
એ અને ‘જનસત્તા’ બેઉ અગ્નિદિવ્યમાંથી બહાર આવ્યાં. (દિ.ભા., ૭-૧૧-૦૯)

નવમૂલ્યનઃ (અવમૂલ્યનની તરાહ પર) નવેસરથી મૂલ્યાંકન
એમના નવમૂલ્યનનો એક મોકો આવી મળે છે. (દિ.ભા., ૩૧-૧૦-૦૯)

પૌગંડઃ મુગ્ધ
એક પ્રજા તરીકે આપણે પુખ્ત થવું છે કે પછી પૌગંડ (એડોલેસન્ટ)ના પૌગંડ જ રહેવું છે...(દિ.ભા., ૩૧-૧૦-૦૯)

હારણઃ ડીફીડન્ટ
ભાજપ લગભગ દિશાશૂન્ય અને હારણ મનોદશામાં માલૂમ પડે છે. (દિ.ભા., ૨૪-૧૦-૦૯)

પ્રામુખ્યઃ મહત્ત્વ
જો આપણને ‘ગવર્નન્સ’નું પ્રામુખ્ય વસ્યું હોય તો...(દિ.ભા., ૨૪-૧૦-૦૯)

તાંબુલવાહિનીઃ રાણી કે યુવરાણીની સાથે ફરતી તેની અનુચરી...
તો પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસનું રાષ્ટ્રીય સ્વરૂપ ક્યાં ગયું? તે મરાઠી માણુસ અને રાજકીય તકવાદની તાંબુલવાહિની માત્ર બની રહ્યું એમ જ ને.(દિ.ભા., ૨૪-૧૦-૦૯)

ભીતભ્રાન્તઃ ભયભીત કરનારી ભ્રમણાઓથી ગ્રસ્ત
...કંઇક એવી ભીતભ્રાન્ત અને આક્રાન્ત એટલી જ આક્રમક વિચારરૂખ શૌરી અને બીજાઓમાં વખતોવખત દેખા દેતી રહે છે. (દિ.ભા., ૧૭-૧૦-૦૯)

રાજ્યકૈવલ્યવાદ/બજારકૈવલ્યવાદઃ (અનુક્રમે) ફક્ત રાજ્ય કે બજારનું જ હિત સાધતો અને તાકતો વાદ
એ વંચિત છે એમ કહેવું કદાચ અપૂરતું છે. કેમ કે એને વંચિત કરાયેલ છે, વંચિત રખાયેલ છે. કોઇ વાર રાજ્યકૈવલ્યવાદના છેડેથી તો આજકાલ વળી બજારકૈવલ્યવાદના છેડેથી... (દિ.ભા., ૧૦-૧૦-૦૯)

ર્દૈત્યકાય ઇમારતવાદઃ મોટી મોટી ઇમારતો બનાવવાની રાજકીય ઘેલછા
ક્યાં છે એ નવું રાજકારણ, જેના કેન્દ્રમાં વંચિત હોય? જો એ માયાવતીના દૈત્યકાય ઇમારતવાદમાં નથી તો...(દિ.ભા., ૧૦-૧૦-૦૯)

દેદાકૂટઃ પ્રકાશભાઇના જણાવ્યા પ્રમાણે, દેદો કૂટવો એટલે કોઇ પ્રસંગે અવાજ ઉઠાવવો એ મતલબના શબ્દપ્રયોગ પરથી. (‘ભગવદ્ગોમંડળ’ પ્રમાણે ‘દેદો’ એટલે દિવાળી પર થાપેલું પહેલું છાણું)
‘કેપિટાલિઝમ ઇઝ ડેડ’ની દેદાકૂટ તો કૈં આ અપેક્ષિત કડાકૂટનો અવેજ નથી. (દિ.ભા., ૧૦-૧૦-૦૯)

સોક્રેટિક બગાઇઃ સોક્રેટિસની જેમ નાગરિક ચિંતાથી રાજકારણીઓનું ‘લોહી પીનારા’- તેમને જંપીને જીવવા ન દેનારા વ્યાપક અર્થમાં રાજકારણતી કદાપિ પરહેજ નહીં કરનાર આ બેઉ (જયપ્રકાશ અને લોહિયા)...નાગરિકને છેડેથી રાજને સારૂ સોક્રેટિક બગાઇ બની રહ્યા.
(કુલ શબ્દોઃ 133)

Wednesday, November 11, 2009

સ્વાઇન ફ્લુમાંથી સાજા થયેલા મુખ્ય મંત્રીને પત્ર

ગુજરાત રાજ્યની સાડા પાંચ કરોડ (માઇનસ અમુક કરોડ) જનતાના લાડીલા મુખ્ય મંત્રીશ્રી,

નમસ્તે.

સાદા નમસ્તે, હોં. પેલા ‘નમસ્તે સદા વત્સલે..’વાળા નહીં.

આજકાલ બીમારીના બહુ વાવર છે. ‘ડોક્ટર’ મોહન ભાગવતે ભાજપને કેન્સરનું નિદાન કર્યું અને એ અરસામાં તમને સ્વાઇન ફ્લુ થયાના સમાચાર સાંભળ્યા એટલે ચિંતા થઇ. ભાજપવિરોધી એટલે કે હિંદુવિરોધી એટલે કે દેશદ્રોહીઓનું આ કાવતરૂં નથી ને? જેની ટીકા કચરાટોપલીમાં નાખીને વખાણ મેડલની માફક લટકાવવામાં આવે છે એ ઈંગ્લીશ મીડિયાનાં કરતૂત તો નથી ને? એવી શંકાકુશંકાઓ મનમાં જાગી.

શંકાની જ વાત નીકળી છે તો તમને ખ્યાલ હશેઃ તમને ખરેખર સ્વાઇન ફ્લુ થયો છે, એ બાબતે તમારા ઘણા પ્રશંસકો અને ટીકાકારોના મનમાં શંકા હતી. તમે સ્વાઇન ફ્લુમાંથી બહાર આવી ગયા, પણ ઘણા લોકો એ શંકામાંથી બહાર આવી શક્યા નથી. તમારા પ્રશંસકો કહે છે,‘જોયું? એકલા અમેરિકાને નડનારો બિન લાદેન શી ચીજ છે? આખી દુનિયાને નડી જનારા સ્વાઇન ફ્લુને સાહેબે કેવો પોતાની સેવામાં લગાડી દીધો!’ છેલ્લાં સાત-આઠ વર્ષમાં તમારી અભિનયપ્રતિભાથી અંજાઇ ચૂકેલા ટીકાકારો ઇર્ષ્યાથી કહે છે કે ‘આ તો બધું નાટક છે’. તમારા લોહીના સેમ્પલનો ટેસ્ટ ‘રમેશ’ નામથી થયો, એ જાણીને કવિ રમેશ પારેખના ચાહકો એક શેર યાદ કરે છેઃ ‘કેટલી કાચી ઊંમરમાં જ્ઞાન આ પામ્યા ‘રમેશ’ /દર્દને સમજી શકો તો એ બની જાતું જણસ.’

સૌથી વઘુ મનોરંજન પૂરૂં પાડનાર કોઇ હોય તો એ તમારા ‘તટસ્થ ભક્તો’નો સમુદાય. એ લોકો કહી શકે છે, ‘સાહેબને સ્વાઇન ફ્લુ એટલે કે સુવ્વર ફ્લુ થયો એટલે સેક્યુલરિસ્ટોની જીભ પર કેવાં તાળાં લાગી ગયાં? હમણાં ‘મેડ કાઉ ડીસીઝ’ થયો હોત તો એ લોકો ગાયો અને હિંદુઓ પર માછલાં ધોવા બેસી જાત! પણ કોઇ સેક્યુલરિસ્ટની મજાલ છે કે સુવ્વરની ટીકા કરે? ગોબરૂં સેક્યુલરિઝમ સાડા પાંચ કરોડ વાર મુર્દાબાદ. અમારી તટસ્થ ભક્તિ ઝિંદાબાદ. મહાત્મા ગાંધી ઝિંદાબાદ. મુખ્ય મંત્રી મોદી ઝિંદાબાદ.’

આપણી સંસ્કૃતિમાં બીમારની ખબર કાઢવા જવાનો અને એ રીતે તેના દુઃખમાં સહભાગી બનવાનો રિવાજ છે. બીમારનું દુઃખ હળવું કરવાની સૌથી પ્રચલિત પદ્ધતિ છેઃ એ કેવી રીતે બીમાર પડ્યા તે પૂછવું. દા.ત. તમને પૂછી શકાય કે ‘અરર, કેમ કરતાં થયું? અચાનક જ? હજુ અઠવાડિયા પહેલાં તો તમને રશિયામાં હરતાફરતા જોયા હતા! એ વખતે તમારા મોં પરથી જરાય લાગતું ન હતું કે તમને સ્વાઇન ફ્લુ થશે. ખરેખર, વાતાવરણ બહુ સાચવવા જેવું છે. આજકાલ ડબલ સીઝન છે. રાતે ઠંડી ને દિવસે ગરમી લાગે છે.’

તમને જો કે સવાલો ગમતા નથી એવી તમારી છાપ છે. એટલે તમારા પક્ષના કે વિપક્ષના સાથીદારો ‘કેમ કરતાં થયું?’ એવો વ્યવહારિક સવાલ પણ નહીં પૂછી શકે. વ્યવહારિક અને બિનવ્યવહારિક બધા સવાલો નાગરિકોએ જ પૂછવાની ટેવ પાડવી પડશે.

તમારા કિસ્સામાં ખબર નથી, બાકી બીમાર માણસોની સૌથી મોટી તકલીફ એ હોય છે કે ‘કેમ કરતાં થયું?’ એવા ટૂંકા સવાલનો જવાબ એ અઢાર અઘ્યાયમાં આપે છે. એકતા કપૂરના એપિસોડ જેવો એમનો જવાબ શરૂ થાય, એટલે ખબર જોવા આવનારની તબિયત બગડવા લાગે છે. ઘણા લોકોને ‘જામ-એ-સેહત’ને બદલે ‘જામ-એ-બીમારી’ના ધુંટડા ભરવામાં એટલી ‘કીક’ આવે છે કે બીમારી મટી જાય છે, પણ એની કથાઓ મટતી નથી. ‘હજારો વર્ષ ચાલે એટલી બીમારી કથાઓ’ વારેતહેવારે પુનઃપ્રસારિત થતી રહે છે.

બીમારીની ખરી સાર્થકતા તેમાંથી પેદા થતા મહત્ત્વમાં છે. પરિવારનો ગમે તેટલો અણમાનીતો સભ્ય પણ બીમાર પડે એટલે તેનો ભાવ આવી જાય છે. તેની ‘લાઇન’ સીધી છે કે નહીં એ વિશે હંમેશાં શંકા અને ચિંતા સેવતાં માતાપિતા, સહેજ છણકો કરીને પણ ‘દવા લેજે બરાબર ટાઇમસર અને હમણાં રખડીશ નહીં. ક્યારેક અમારે કહ્યું પણ સાંભળતો જા.’ એટલું કહ્યા વિના રહી શકતાં નથી.

સ્વજનો સેવાની સાથે સલાહ આપતા હોવાથી તે પાણીની સાથે અપાતી ગોળી જેવું કામ કરે છે, પણ ખબર જોવા આવનારા પાણી વગરની કેપ્સૂલ જેવી કોરી સલાહો આપ્યા કરે છે. એ ગળે ઉતારી શકાતી નથી ને કચરાટોપલીમાં ફેંકી શકાતી નથી. કેટલાક અનુભવીઓને આશંકા છે કે ખબર જોવા આવનારાની સલાહોમાંથી બચી શકાય એ માટે જ તમે સ્વાઇન ફ્લુ જેવા, એકાંત માગી લેતા રોગ પર પસંદગી ઉતારી. હા, ‘પસંદગી ઉતારી’- કારણ કે તમારા પ્રશંસકો માને છે કે ગુજરાતમાં તમારી ઇચ્છા- અને તમારાં હોર્ડિંગ- વિના પાંદડું પણ હાલતું નથી. ક્યારેક બોમ્બ ફૂટી જાય, પણ એવું તો ક્યાં નથી થતું?

રૂબરૂ તમારી ખબર કાઢવા ન આવી શકેલા લોકોએ પાઠ અને યજ્ઞો કરાવીને સંતોષ માન્યો છે. યજ્ઞો સ્થાનિક ધોરણે હતા એટલે પ્રજાને બહુ રાહત રહી હતી. કારણ કે એસ.ટી.ની એક પણ બસ ચાલુ રૂટ પરથી ખસેડીને યજ્ઞના સ્થળે દોડાવવી ન પડી.

‘સાહેબના આરોગ્ય માટે સુંદરકાંડના પાઠ રાખ્યા છે’ એવું પહેલી વાર એક કાર્યકરે કહ્યું ત્યારે બીજો કાર્યકર ઉત્સાહથી બોલી ઉઠ્યો હતો,‘શું વાત છે? ગોધરાકાંડના પાઠ રાખ્યા છે? જોરદાર આઇડીયા છે.’ પણ પહેલા કાર્યકરે તરત આંખો કાઢીને તેનું મોં બંધ કરી દીઘું અને કહ્યું,‘મનમાં હોય એ બઘું બોલવાની શી જરૂર છે? આવું ને આવું કરશો તો આખી જિંદગી કાર્યકર જ રહી જશો અને તમારા માટે ગરૂડપુરાણ સિવાય બીજા કોઇ પાઠ નહીં થાય.’

બીમારી દરમિયાન તમારા એકાંતવાસ વિશે જાણીને ઘણાને ચિંતા થતી હતી. કોઇ ખબર જોવા ન આવે તો સમય શી રીતે જાય? એ વિચારે તમારા ઘણા પ્રશંસકોનો જીવ કચવાતો હતો. ‘નવરૂં મગજ શયતાનનું કારખાનું છે’ એ કહેણી યાદ કરીને પણ ઘણા લોકો ચિંતા કરતા હતા.

અમારા એક પરિચિત કાર્યકરને સ્વાઇન ફ્લુ થયો ત્યારે ફ્લુને તો એ જીરવી ગયા, પણ એકાંતમાં રહેવાનું એમને આકરૂં લાગતું હતું. તેમને ફોન પર એકાદ રાજકીય વડીલે સમજાવ્યા કે ‘તમારી અને સાહેબની એક જ બીમારીને લીધે તમારો વટ પડી જશે. વિધાનસભાની ટિકીટની પણ તૈયારી કરવા માંડજો. દિલ્હી હાઇકમાન્ડ નહીં તો ગાંધીનગર ‘આઇ’કમાન્ડ સ્વાઇન ફ્લુમાંથી ઉભા થયેલાને પહેલી પસંદગી આપે એવી શક્યતા છે.’

સત્તાવાર અહેવાલમાં એવું કહેવામાં આવ્યું કે એકાંતમાં તમે બીજા દેશોના વિકાસની ડીવીડી જોઇને સમય પસાર કરો છો. હશે ભાઇ. ભવિષ્યમાં બીમારી સિવાયના કોઇ કારણસર પણ સમય પસાર કરવાનો થાય ત્યારે તમે બીજા દેશોને બદલે ગુજરાતના જ વિકાસની- ફ્લાયઓવર, બીઆરટીએસ, કિલ્લેબંધ કાંકરીયા ઉપરાંતના વાસ્તવિક વિકાસની- ડીવીડી જોઇને સમય પસાર કરી શકો એવી હાર્દિક શુભેચ્છા.

લિ.સાડા પાંચ કરોડમાંનો એક ગુજરાતી