Wednesday, December 02, 2009

વાંદરા અને મગરની વાર્તાઃ તપાસપંચનો અહેવાલ

‘બાર વર્ષે બાવો બોલ્યો, જા તેરા સત્યાનાશ હો’- આ જાણીતી કહેવત છે, પણ એ કહેવતમાં બાવો કોણ છે એ ઘણાને સમજાતું ન હતું. અનેક તપાસપંચોની તાસીર જોયા પછી લાગે કે એ બાવો નક્કી કોઇ તપાસપંચનો અઘ્યક્ષ હોવો જોઇએ અને અક્સ્ટેન્શન પર એક્સ્ટેન્શન લઇને તેણે આટલું એક વાક્ય બોલવામાં બાર વર્ષ ખેંચી કાઢ્યાં હશે. તપાસપંચો ઉપર વઘુ પ્રકાશ ફેંકતી એક સુધારેલી બાળવાર્તા.

***
એક હતો વાંદરો. એ ઝાડ પર રહેતો હતો. એક મગર હતો. એ તળાવમાં રહેતો હતો. બન્ને પાસે રેશનકાર્ડ કે રેસીડેન્શ્યલ પ્રૂફ નથી એવું તેમની જુબાની પરથી માલુમ પડ્યું છે. (પંચની પહેલી મુદત સમાપ્ત. એક્સ્ટેન્શન)

વાંદરો ખરેખર વાંદરો જ હતો અને મગર ખરેખર મગર જ હતો, એ વિશે પણ સોગંદપૂર્વક કહી શકાય નહીં. કારણ કે બન્નેના ડી.એન.એ. ટેસ્ટની પરવાનગી મળી ન હતી. (બીજી મુદત સમાપ્ત. એક્સ્ટેન્શન)

આ બન્ને ટેરરિસ્ટોના સ્લીપિંગ સેલના સભ્યો હોવાની દિશામાં આંગળી ચીંધતી કેટલીક હકીકતો મળી આવી છે. જેમ કે વાંદરો દાઢી જેવું રાખે છે ને તેના માથે ટોપી જેવું હોય છે. મગરનો દેખાવ જ હિંસક લાગે છે અને એટલું પૂરતું છે. મગરની ચામડી નેતાઓ જેવી હોવાના આરોપ વિશે પણ વઘુ તપાસ જરૂરી છે. (ત્રીજી મુદત પૂરી. એક્સ્ટેન્શન.)

વાંદરો જાંબુના ઝાડ પર રહેતો હતો. એને જાંબુ બહુ ભાવતાં હતાં, કારણ કે તેને એ મફત મળતાં હતાં. મગરને પણ જાંબુ બહુ ભાવતાં હતાં, કારણ કે તેને એ ખાવા મળતાં જ ન હતાં. મગરને જાંબુ ખાવાનું મન થયું, તેમાંથી જ આખી ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. (ચોથી મુદત પૂરી. એક્સ્ટેન્શન.)

વાંદરા અને મગર વચ્ચે દોસ્તી થઇ. તેમણે બધા વાંદરા અને મગરો માટે ‘યુનાઇટેડ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ એલાયન્સ’ (યુએનડીપીએ) નામનું સંગઠન બનાવવાનું નક્કી કર્યું. એ માટે બન્ને વચ્ચે રોજ મીટિંગ થવા લાગી. (પાંચમી મુદત પૂરી. એક્સ્ટેન્શન.)

વિવિધ સાક્ષીઓની જુબાની પ્રમાણે, બન્નેની મીટિંગ રોજ તળાવમાં થતી હતી, કારણ કે મગર ઝાડ પર ચડી શકતો ન હતો. આ વિશે મગરને પૂછતાં તેણે કહ્યું હતું કે ‘એવું કંઇ નહીં. હું ધારૂં તો ઝાડ પર ચડી જઊં, પણ હું ધારતો નથી.’ વાંદરાએ કબૂલ્યું હતું કે તે મગરને તળાવની બહાર મળી શક્યો હોત, પણ તેને તળાવમાં જવાનું બહુ ગમતું હતું. (છઠ્ઠી મુદત પૂરી. એક્સ્ટેન્શન)

વઘુ પૂછપરછમાં વાંદરાએ કહ્યું હતું કે ‘યુએનડીપીએ’ની રચના તો ખાલી બહાનું હતું. ખરેખર તો મારે મગરની પીઠ પર બેસીને તળાવની સહેલ કરવી હતી. મગરે બંધબારણે આપેલી જુબાનીમાં કહ્યું હતું કે ‘યુએનડીપીએ’ તો ખાલી કહેવાની વાત હતી. અસલમાં મારે વાંદરાનું કલેજું ખાવું હતું.’ (સાતમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)

બન્ને પોતપોતાનો દાવ સીધા રસ્તે આગળ વધતો જોઇને રાજી હતા. બહારના લોકો તેમની મૈત્રી જોઇને નવાઇ અનુભવતા હતા અને તેમના સંબંધો વિશે અવનવી વાતો કરતા હતા. એક કાગડાએ આપેલી જુબાની પ્રમાણે, તેને શંકા હતી કે વાંદરાનો અસલી હેતુ મગરને પકડાવી દઇને, તેના ચામડામાંથી પોતાનાં સંતાનો માટે જેકેટ બનાવવાનો હતો. તળાવના નિયમિત મુલાકાતી એક બગલાએ કહ્યું હતુંઃ ‘મગર એક વાર નબળી પળોમાં મારી આગળ બોલી ગયો હતો કે સંગઠન જાય તેલ લેવા, હું બુઢિયાને તો કાચો ને કાચો ચાવી જઇશ.’ (આઠમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)

થોડા દિવસ સાથે હર્યાફર્યા પછી અને સંગઠનની વાતો કર્યા પછી એક દિવસ વાંદરો તળાવે આવ્યો, ત્યારે તેને મગરની આંખોમાં જુદી જાતનો ચમકારો દેખાયો. એ દિવસે છઠ્ઠી ડીસેમ્બર હતી કે નહીં એ વાંદરાને યાદ નથી. કારણ કે ઝાડ પર કેલેન્ડર ક્યાંથી હોય? મગરને ખબર હોવાનો સવાલ જ નથી. કારણ કે ઝાડ પર કેલેન્ડર ન હોય, તો તળાવમાં ક્યાંથી હોય? (નવમી મુદત પૂરી. એક્સેટેન્શન)

વાંદરાએ મગરની પીઠ થપથપાવી અને હંમેશાંની જેમ ઉપર બેસી ગયો. એ વખતે મગરની આંખોમાં રમતા ભાવ પીઠ પર બેઠેલા વાંદરાને દેખાયા નહીં. (‘તો આ તપાસપંચને ક્યાંથી દેખાયા?’ એવો સવાલ અસ્થાને છે.) તળાવની વચ્ચોવચ પહોંચ્યા પછી મગરે મુદ્દાની વાત કાઢીઃ ‘તમે જે જાંબુ ખાવ છો તે આટલાં મીઠાં હોય છે, તો તમારૂં કલેજું કેટલું મીઠું હશે! મારે તમારૂં કલેજું ખાવું છે.’ વાંદરાને ખરાબ ન લાગે એટલે મગરે એમ પણ કહ્યું કે ‘તમારો વિશ્વાસઘાત કરવો પડ્યો એટલે હું આજના દિવસને મારા જીવનનો સૌથી ખરાબ દિવસ જાહેર કરૂં છું, પણ મારે તમારૂં કલેજું તો ખાવું જ છે.’ (દસમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)

‘મગર જોડે યુનાઇટેડ ફ્રન્ટ રચીએ એટલે વહેલોમોડો કલેજું ચીરાવાનો દિવસ આવે જ’ એવું વાંદરો મનોમન ગણગણ્યો. પણ ચહેરા પર સ્વસ્તથતા જાળવીને ટાઢકથી તેણે કહ્યું,‘મારૂં કલેજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું.’ વાંદરો ખરેખર આવું જ બોલ્યો હતો કે નહીં, તેના પૂરતા પુરાવા મળ્યા નથી. વાંદરાએ પંચ સમક્ષ જુબાનીમાં આવી કોઇ ઘટના બની હોવાનો જ ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે ‘એ તો મગરે બે ઘડી ગમ્મતમાં કહ્યું હતું. એટલે મેં એને ગમ્મતમાં કહ્યું કે કલેજું તો હું ઝાડ પર ભૂલી ગયો. અમારા બન્નેમાંથી કોઇ એટલું મૂરખ નથી કે જેને આટલી સાદી ખબર ન પડે. અમારૂં ગઠબંધન હજુ ચાલુ જ છે. અમારી વચ્ચે કોઇ મતભેદ નથી.’ (અગીયારમી મુદત પૂરી. એક્સ્ટેન્શન)

મગરે પંચ સમક્ષ જુબાનીમાં આવું કંઇ બન્યું હોવાનો ઇન્કાર કર્યો હતો, પણ બીજાં કેટલાંક પ્રાણીઓ સમક્ષ તેણે એવો દાવો કર્યો હતો કે ‘તે દિવસે મારી પીઠ પર બેઠેલા વાંદરાનું કલેજું તો હું ખાઇ ચૂક્યો છું. અત્યારે જે વાંદરો નિવેદન આપે છે, એ તો બીજો જ વાંદરો છે. એને હું કદી મળ્યો નથી. એને મારી પીઠ પર નહીં, પણ અમારા ગઠબંધન પર ચડી બેસવામાં રસ છે.’

બારમી મુદતના અંતે તપાસપંચને મળેલી આ માહિતીથી આખી ઘટનાને નવો વળાંક મળતાં, એ મુદ્દે તલસ્પર્શી તપાસ માટે નવું પંચ રચવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન, એકતા કપૂર પ્રકારના નિર્માતાઓ અનંત લંબાઇની સિરીયલ લખાવવા માટે તપાસપંચની ઓફિસનાં ચક્કર કાપી રહ્યાં છે. બાર મુદતને અંતે તૈયાર થયેલો તપાસપંચનો અહેવાલ વાંદરા અને મગરના ગઠબંધનમાં ભંગાણ પાડવાનું થાય ત્યારે જાહેર કરાશે. ત્યાં સુધી અહેવાલનું શું થશે, એ તપાસનો- કે તપાસપંચનો- વિષય છે.

4 comments:

 1. Anonymous8:31:00 PM

  ha ha ha

  ReplyDelete
 2. Superb satire!!!!!!! Well done.

  ReplyDelete
 3. Anonymous11:46:00 PM

  superb story by urv-ishap-katha. keep it up in humaor-satire! msg by amit shah, isanpur, ahmedabad

  ReplyDelete
 4. Just superb! I love this multifaceted style.

  ReplyDelete